Opinion Magazine
Number of visits: 9584563
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘર બળે છે, જાણી લેવું જોઈએ!

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|5 March 2017

પોપ્યુલેશન ફર્સ્ટ નામની મુંબઈસ્થિત સ્વૈચ્છિક સંસ્થા દ્વારા દર વર્ષે લિંગભેદ જેવી સામાજિક સમસ્યા પર પ્રિન્ટ, ટીવી કે બ્લોગ જેવાં માધ્યમોમાં અહેવાલ, ફીચર, લેખો, ન્યૂઝ રિપોર્ટ, ઇન્વેિસ્ટગેટિવ સ્ટોરી કરનારા પત્રકારો કે મહિલાકેન્દ્રી વિશેષ ઝુંબેશ ચલાવનારા અખબાર કે મીડિયા જૂથને પ્રોત્સાહન આપવા માટે ‘લાડલી મીડિયા ઍન્ડ ઍડવર્ટાઇઝિંગ ઍવોર્ડસ ફૉર જેન્ડર સેન્સિટિવિટી’ આપે છે. દેશના અલગ અલગ ઝોનમાં જુદી જુદી ભાષામાં કામ કરનારા મીડિયાકર્મીઓને આપવામાં આવતા આ ઍવોર્ડના તાજેતરમાં યશભાગીઓમાં ‘નિરીક્ષક’ને જેમની આત્મીય કુમક યથાપ્રસંગ મળતી રહે છે એ તરુણ સાથી દિવ્યેશ વ્યાસ પણ છે. પ્રત્યાયનના માધ્યમ તરીકે એસ.એમ.એસ.ની અસરકારકતા પરના શોધનિબંધ માટે ડૉક્ટરેટ મેળવનાર દિવ્યેશભાઈને અભિનંદન સાથે અહીં ‘દિવ્ય ભાસ્કર’(૧૬-૧૨-૨૦૧૫)ની કળશ પૂર્તિમાં પ્રકાશિત એમની કૉલમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સાભાર ઉતારીએ છીએ.

*

આજે ૧૬મી ડિસેમ્બરનો દિવસ, દિલ્હીમાં નિર્ભયા પર થયેલા પાશવી બળાત્કારની પીડાદાયક સ્મૃિત તાજી કરાવતો દિવસ છે. મહિલાઓ પર થનારા અત્યાચારોમાંથી સૌથી વધારે ઘાતકી અત્યાચાર હોય, તો તે બળજબરીથી થતું શારીરિક શોષણ છે. દેશમાં નિર્ભયા કાંડે એવો માહોલ જરૂર સર્જ્યો કે સમાજ રેપનો ભોગ બનનારી સ્ત્રી પ્રત્યે આજે વધુ સંવેદનશીલ બન્યો છે અને તેના દૃષ્ટિકોણમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. કમનસીબે યુવતીઓ-સ્ત્રીઓ ઘરની બહાર અસલામત છે, એવું નથી. ઘરની અંદર પણ તેનું શોષણ અને મારણ થતું રહે છે. પરિવારજનોથી કંટાળેલી અને સામાજિક પ્રથાઓ-પરંપરાઓ સામે હારેલી તેમ જ આર્થિક રીતે પરાવલંબી એવી સ્વમાની સ્ત્રીઓ માટે ઘણી વખત આત્મહત્યા સિવાય કોઈ માર્ગ બચતો નથી. દેશમાં દર વર્ષે હજારો ગૃહિણીઓ આત્મહત્યા કરે છે. જો કે, આપણે ત્યાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે બહુ ઊહાપોહ થતો હોય છે, અનેક રાજ્યોમાં સત્તાઓ બદલાઈ જતી હોય છે, પરંતુ ગૃહિણીઓની આત્મહત્યાના મામલે ભાગ્યે જ ક્યાં ય ચર્ચા કે ચિંતા જોવા હોય છે.

દેશમાં ખેડૂતોની આત્મહત્યા જેટલો અગત્યનો તેમ જ વધારે ગંભીર મુદ્દો ગૃહિણીઓની આત્મહત્યાનો છે. કદાચ વાત તમારામાં માનવામાં નહીં આવે, પણ નેશનલ ક્રાઇમ રેકૉડ્ર્સ બ્યૂરોના (NCRB) વર્ષ ૨૦૧૪ના આંકડા પુરવાર કરે છે કે દેશમાં થતી કુલ આત્મહત્યાઓમાં ખેડૂતોનું પ્રમાણ ૪.૩ ટકા છે, જ્યારે ગૃહિણીનું પ્રમાણ તેના કરતાં લગભગ ચાર ગણું વધારે, એટલે કે અધધ ૧૫.૩ ટકા છે. ૨૦૧૪માં ૫૬૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, તેની સામે આત્મહત્યા કરનારી ગૃહિણીઓની સંખ્યા ૨૦,૪૧૨ છે. અલબત્ત, એ વાતનો સંતોષ જરૂર લઈ શકાય કે વર્ષોવર્ષ આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે, છતાં આંકડા એ વાતની સાબિતી છે કે પરિણીત મહિલાઓની સ્થિતિ આજે પણ એટલી ખરાબ છે કે તેમણે મોતને વહાલું કરવું પડે છે.

ભારતમાં વર્ષ ૨૦૧૪માં કુલ ૧,૩૧,૬૬૬ લોકોએ આત્મહત્યા કરી જેમાં મહિલાઓની સંખ્યા ૪૨,૫૨૧ છે. તેમાંથી ૨૦,૪૧૨ મહિલા વ્યવસાયે ગૃહિણી હતી. મહિલાઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારાં મુખ્ય કારણો જોઈએઃ લગ્નસંબંધિત પ્રશ્નને કારણે ૪૪૧૧ મહિલાઓએ આત્મહત્યા કરી હતી, દહેજના દોઝખને કારણે ૨૨૨૨, લગ્નબાહ્યસંબંધને કારણે ૨૪૯, છૂટાછેડાને કારણે ૧૮૩, અન્ય પારિવારિક પ્રશ્નને કારણે ૯૯૭૭ સ્ત્રીઓએ મોતને મીઠું કર્યું હતું. પરિવાર ઘણી વખત આત્મહત્યાને પણ કુદરતી મોત દર્શાવવાની કોશિશ કરતો હોય છે, તો ક્યારેક હત્યાને આત્મહત્યા દર્શાવતો હોય છે. વાસ્તવિકતા જોતાં ઘણી આત્મહત્યાઓ નોંધાતી ન હોય, એવું માનવાને ચોક્કસ કારણો છે.

એક તરફ આપણે ગૃહિણીને ગૃહલક્ષ્મી કહીએ છીએ અને છતાં તેની સ્થિતિ એટલી વિકટ હોય છે કે તેને જિંદગી કરતાં મોત વધારે મોહક લાગવા માંડે છે. ઘરની ચાર દીવાલોમાં રહેતી ગૃહિણીએ આત્મહત્યા કરવા મજબૂર થવું પડે, તે હકીકત કોઈ પણ પરિવાર અને સમાજ માટે લાંછનરૂપ ગણાય.

છેલ્લાં પાંચ વર્ષથી ગૃહિણીની આત્મહત્યાના આંકડા ઘટી રહ્યા છે, પણ તેનો દર અત્યંત ધીમો છે. કમનસીબે આજે પણ મહિલાઓની-ગૃહિણીની સમસ્યાઓ અંગે આપણા પરિવારો કે સમાજમાં ગંભીરતા જોવા મળતી નથી. દેશ અને દુનિયા અનેક વિકરાળ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે એ ખરું, પણ આપણું ઘર બળી રહ્યું છે, જરા જાણી લેવું જોઈએ!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 15 

Loading

રાષ્ટ્ર કોઈ પક્ષ સંપ્રદાયનો ઇજારો નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 March 2017

સ્વરાજના સાત દાયકે પણ એ જ સાંસ્થાનિક માનસિકતા, એ જ મૂઠ, એ જ મૂર્છાનો ગેરસ્વરાજ દોર જારી છે

વારાણસી પંથકમાં મતદાનપૂર્વ જંગેઝુંબેશના આખરી કલાકો આજે છે. તે પૂર્વે ભોંય કેળવવાની દૃષ્ટિએ હોય તેમ ગુરુવારે વારાણસીની મુલાકાત લઈ અરુણ જેટલીએ અફસોસ અને આક્રોશના અંદાજમાં એ વાતે ધોખો કીધો છે કે દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં રાષ્ટ્રવાદને ખરાબ ગણવામાં આવે છે. દિલ્હીની છાત્રા ગુરમેહર કૌરે સોશિયલ મીડિયામાં જે એક વિધાન કર્યું એને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આકાશપાતાળ એક કરવાની હદે ગામ માથે લીધું તેના સમર્થનમાં આવી પડેલા અવાજ તરીકે પણ તમે અરુણ જેટલીના ઉદ્‌ગારને જોઈ શકો. પણ રાષ્ટ્ર એટલે અમે કહી તે જ અને રાષ્ટ્રવાદ એટલે અમે કહીએ તેમ જ એ જે હવા સત્તાવર્તુળોએ બનાવી છે તે ટીકાતીત નથી, અને તેની ટીકા કરવી તે કોઈ દેશપ્રેમ નહીં હોવાની નિશાની નથી એ સાદો હિસાબ છે. વસ્તુત: આ પ્રશ્ન ઉપડ્યો એના થોડા દિવસ પહેલાં જ સરસંઘચાલક મોહન ભાગવતે કોઈએ કોઈની દેશભક્તિ સારુ સર્ટિફિકેટ આપવાલેવાની જરૂર નથી એ મતલબનું સ્પષ્ટ કથન કર્યું ત્યારે જ સમજાઈ રહ્યું હતું કે દિલ્હી પહોંચેલો સંઘ કોઈ અાત્યંતિકતામાં ભેરવાઈ ન પડે એવી સભાનતા ભાગવતને પક્ષે હોઈ શકે છે.

અલબત્ત, સભાનતા અને સતર્કતાનો આ પથ અઘરો, અત્યંત અઘરો છે. ચઢાણ કપરાં જ નથી, સીધાં પણ છે. એક તો રાષ્ટ્ર જ કેમ જાણે ઈશ્વરની એકમાત્ર વિભૂતિ હોય એવી જાડી સમજ અને વળી એની વ્યાખ્યા બાબતે છેક જ ટૂંકી સમજ, એના નવ નવ દાયકા પછી પ્રજાસત્તાક સ્વરાજમાં શીર્ષસત્તાસ્થાને શોભીતી રીતે સંયમમાં પેશ આવવું એ ખાવાના ખેલ નથી જ નથી. ખરું જોતાં, રાષ્ટ્રપ્રેમ એ સ્વત: વિવાદનો મુદ્દો શા વાસ્તે હોય? ભાઈ, જે બધી તકરાર છે તે ઘણુંખરું તો રાષ્ટ્ર નામનો (અને વળી સંકીર્ણ વ્યાખ્યાવશ) જે સંપ્રદાય ઊભો કરાય છે એને આભારી છે. એક વાર સંપ્રદાય બન્યો એટલે તરતમવિવેક રહે શાનો. ઉજેણીની ધરતી પર બાણું લાખ માળવાના ધણી વીર વિક્રમની ગાદીએ સહસા કુંદન ચંદ્રાવત નામે જે પ્રતિભા આ દિવસોમાં ઉભરી તે એનો નાદર નમૂનો છે. ગુરમેહર કૌરમાં દાઉદ ઇબ્રાાહિમને જોઈ શકતી જમાતના આ જણે સંઘ પ્રાયોજિત જનઅધિકાર મંચ પરથી કેરળના મુખ્યમંત્રીના માથા સાટે પદરના કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું એ કમનસીબ બીના આપણે હજુ હમણે જ જોઈ છે.

ચંદ્રાવત જે બોલ્યા એનો વીડિયો પણ સમાચાર ચેનલોમાં સુલભ છે, અને એમાં એમણે કરેલી ગર્જના પણ ચોખ્ખી સંભળાય છે: ‘ભૂલ ગયે ક્યા ગોધરાકો?’ એમણે પૂછ્યું છે અને ઉમેર્યું છે, ‘છપ્પન મરે થે … દો હજાર કબ્રિસ્તાન મેં ચલે ગયે – ઘુસા દિયા ઉનકો અંદર, ઇસી હિંદુ સમાજને.’ સંઘના સત્તાવાળાઓએ સદ્‌ભાગ્યે પોતાના ઉજ્જૈનસ્થિત સહપ્રચાર પ્રમુખનાં વચનોથી ઉતાવળે કિનારો કર્યો છે. પણ, બુંદ સે ગઈ હોજ સે નહીં આતી … અને હોજ સે ગઈ?ખરી વાત એ છે કે આ પ્રકારના ઉદ્‌ગારો લાંબા સમયથી કેળવાયેલી ચોક્કસ માનસિકતામાંથી આવી પડતા હોય છે. ચંદ્રાવતે જે નિમિત્તે એકત્ર આવેલા સમુદાયને સંબોધન કર્યું હતું એમાં એ માટેનો ધક્કો જો કે જરી જુદી રીતે પડેલો પણ હતો. કેરળમાં સંઘના કુડીબંધ કાર્યકરો માર્ક્સવાદી પક્ષ (સી.પી.એમ.) તરફથી હિંસ્ર હુમલાનો ભોગ બન્યા છે તે મુદ્દે જાગૃતિના દેશવ્યાપી અભિયાનનો ઉજ્જૈનની પ્રસ્તુત સભા પણ એક ભાગ હતી.

અનુગોધરા હવાલો આપી (પ્રકારાન્તરે જવાબદારી સ્વીકારી) સંઘના સ્થાનીય સહપ્રચાર પ્રમુખે, અમને મારનારના શા હાલહવાલ થઈ શકે એનો ખયાલ આપી સી.પી.એમ.ને આપવા ઇચ્છ્યું હશે. કેરળમાં આર.એસ.એસ. – સી.પી.એમ. હિંસ્ર આપલેનો એક સિલસિલો રહેલો છે, અને બંને એકબીજાને દોષી ગણાવતા રહ્યા છે. હિંસ્ર આપલે એ અલબત્ત કોઈ લોકશાહી અને નાગરિક તરીકો નથી, પણ એક છેડે કથિત રાષ્ટ્રચેતના તો બીજે છેડે કથિત વર્ગચેતના આ પ્રકારની આપલેને ‘ધર્મ્ય’ લેખવાનો અફીણી જોસ્સો આપતી હશે, એમ જ માનવું રહ્યું. નંદિગ્રામમાં પણ કોઈક તબક્કે સી.પી.એમ.ની ભળતીસળતી સંડોવણી હતી, અને એની એ હિંસ્ર ભૂમિકા સાથે અસમ્મત તટસ્થ બૌદ્ધિકોએ બુદ્ધદેવની ડાબેરી સરકાર સામે ઝીંક લેવાપણું જોયું હતું. પણ સંઘ પરિવારની માનસિકતા ‘સાથે નહીં તે સામે’ – પ્રકારની છે અને અરુણ જેટલીએ એમના વારાણસી દર્શનમાં ‘એવોર્ડ વાપસી’ પ્રકરણને અંગે પણ ઘસાતી રીતે વાત કરવાનો આનંદ લીધો છે.

રાષ્ટ્રની વ્યાપક સંકલ્પના જો નમો-ટ્રમ્પની પહોંચની બહાર છે તો બીજા મોજાની સરજતરૂપ કૉંગ્રેસ જેવા પક્ષોને સારુ પણ એ કેટલીક વાર કાઠી જણાય છે. 1915માં ગાંધીજીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો એ વર્ષોમાં મેઘાણીએ એમનામાં એક ‘કોસ્મોપોલિટન’ જોયો હતો, અને ગાંધીજીએ પણ આશ્રમ અંગેની લેખી નોંધની શરૂઆત વિશ્વહિતને અવિરોધી એવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓના ઉલ્લેખથી કરી હતી. કૉંગ્રેસ સાથે આત્મીય છતાં આઉટસાઇડર એવા ગાંધીસંબંધનું રહસ્ય એક આ પણ છે. જેમ જેમ દાયકાઓ વીતતા જાય છે તેમ તેમ રાષ્ટ્રવાદની ભયાવહ મર્યાદાઓ અને વિસ્તરતી સંકલ્પના બંને ઉત્તરોત્તર સ્પષ્ટ થતાં આવે છે. હવે રાષ્ટ્ર એ કોઈ અમૂર્ત ખયાલાત નથી, કે દેવીરૂપ સંપ્રદાય નથી. (ગોળવલકર ચિત્રાત્મક શૈલીમાં કહેતા કે ભારતમાતા એ વિષ્ણુપત્ની છે, કોઈના બાપની મિલકત નથી.) રાષ્ટ્રની ઓળખપરખ એના મૂર્ત માનવદ્રવ્યથી થાય છે.

નાગરિકમાત્રનાં વાસ્તવિક સુખદુ:ખની સંભાળના સહભાગી અભિગમથી ઉફરી કોઈ અમૂર્ત રાષ્ટ્રપ્રીતિ નથી. આ સંદર્ભમાં નમૂના દાખલ ગુરમેહર પ્રકરણમાંથી જ એક આનુષંગિક ઉદાહરણ આપું. ડખો એમાંથી થયો કે પરિસંવાદમાં જે.એન.યુ.ના પીએચ.ડી. છાત્ર ઉમર ખાલીદને એક વક્તા તરીકે નિમંત્રણ હતું. ઉમરનો વિષય કાશ્મીરને લગતો નહોતો. એના વર્તમાન શોધવિષય એવા આદિવાસી પ્રશ્નને લગતો હતો. એને બોલવાનું બન્યું નહીં પણ એણે તૈયાર કરેલું પેપર હમણાં બહાર આવ્યું છે. એમાં મુદ્દો એ છે કે સાંસ્થાનિક સામ્રાજ્યશાહીએ આદિવાસીઓ અને એમનો પ્રદેશ એ સુવાંગ રાજમાલિકીની બાબત હોય એવો અભિગમ લીધો હતો. સ્વરાજના સાત દાયકે પણ દિલ્હી સરકારને આ અભિગમની વાસ્તવિક કળ વળી નથી.

એ જ સાંસ્થાનિક માનસિકતા, એ જ મૂઠ, એ જ મૂર્છા – એવો એક ગેરસ્વરાજ દોર જારી છે. જવાહરલાલથી આરંભી વાયા વાજપેયી-મનમોહન આજે પણ આ જ સ્થિતિ છે. (નવો ફોરેસ્ટ ઍક્ટ જરૂર થયો, પણ ગુજરાત મોડેલમાંયે આદિવાસી વાસ્તવિક અધિકારવંચિત છે.) એટલે જેમ સ્વરાજ જણે જણનું તેમ રાષ્ટ્રની વ્યાખ્યામાં પણ જણે જણ, એ અંતર આપણે કાપવાનું છે.પોતપોતાના પક્ષસંધાનવાળાં છાત્રયુવા સંગઠનો સામસામા મોરચાઓ અત્યારે તો કાઢી રહ્યાં છે. એની વચ્ચે દિલ્હીમાં આજે નાગરિક મોરચાનું એલાન છે એ તત્ત્વત: જુદું પડી શકે છે. રાષ્ટ્ર એ કોઈ પક્ષસંપ્રદાયની બપૌતી કે ઇજારો નથી … મૂર્ત માનવ્યમંડિત નિરામય નાગરિકતાનો સહિયારો આવિષ્કાર હોય તો ભલે!

સૌજન્ય : ‘વારસો’, “દિવ્ય ભાસ્કર”, 04 માર્ચ 2017

Loading

અત્યારના ભારતમાં દમન અને અત્યાચાર સામે પોતપોતાની રીતે અવાજ ઊઠાવનાર યુવા તેજસ્વિનીઓને સલામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|4 March 2017

આગામી બુધવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે મક્કમ પ્રતિકાર કરનાર કેટલીક વીરાંગનાઓની ગાથા

દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થિની ગુરમેહરે સોશ્યલ મીડિયામાં ઝુંબેશ ચલાવી – ‘હું દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છું અને હું એ.બી.વી.પી.થી ડરતી નથી’.  અસહિષ્ણુતા અને કોમવાદથી ડહોળાયેલા દેશના અત્યારના માહોલમાં, સ્ત્રીઓ માટે વધુ જોખમી દિલ્હી જેવા શહેરમાં, પિતા વિનાની વીસ વર્ષની છોકરી આવી હિંમત દાખવે તે બિરદાવવાની બાબત છે. ‘મારા પિતાની હત્યા પાકિસ્તાને નહીં યુદ્ધે કરી છે’ એવું અનેક પોસ્ટ દ્વારા સમજપૂર્વક કહેવું એ ગુરમહેરનો રાષ્ટ્રદ્રોહ ગણાયો. પાકિસ્તાનના નવાઝ શરીફ સાથેની દોસ્તી રાખવી એ નરેન્દ્ર મોદીની રાજદ્વારી મુત્સદ્દેગીરી ગણાઈ. વિદ્યાર્થિનીના વિરોધીઓના બેવડાં અને બોદાં ધોરણો અહીં ખુલ્લાં પડે છે.  ગુરમેહરને ઠીક ટેકો મળ્યો છતાં જાતીય સતામણીને કારણે તેને પીછેહઠ કરવી પડી એ હકીકત રહે જ છે.

પાછી નહીં પડનારી છે તે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ની વિદ્યાર્થી નેત્રી શેહલા રશીદ. ગુરમેહરે એ.બી.વી.પી.નો જે વિરોધ કર્યો તેના કારણ સાથે શેહલા સંકળાયેલી છે. દિલ્હીની રામજસ કૉલેજમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલા સેમિનારને એ.બી.વી.પી.એ અટકાવ્યો એટલે ગુલમેહરે આ સંગઠનનો વિરોધ શરૂ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.)નો વાંધો સેમિનારમાં બે વ્યક્તિઓને બોલાવવા સામે હતો – ઉમર ખાલિદ અને શેહલા. બીજા દિવસે પરિષદના વિરોધમાં કેટલાંક વિદ્યાર્થી સંગઠનોએ કાઢેલી રેલી પર પરિષદે હુમલો કર્યો જેમાં શેહલા પર પથ્થર મારવામાં આવ્યો અને તેનો ફોન આંચકી લેવામાં આવ્યો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી સમાજશાસ્ત્રમાં લૉ અને ગવર્નન્સમાં એમ.ફિલ. કરી રહેલી શેહલા ખૂબ શક્તિશાળી યુવતી છે. ગયા વર્ષે રાજદ્રોહના આરોપ હેઠળ કન્હૈયા કુમાર, અનિર્બન અને ઉમરની થયેલી ધરપકડની સામે ચાલેલી ચળવળને તેણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તે પહેલાં ‘ઑક્યુપાય યુ.જી.સી.’ નામના બે મહિના ચાલેલાં વિદ્યાર્થી આંદોલનમાં પણ શેહલાનો મહત્ત્વનો ફાળો હતો. તેનાં ખૂબ પ્રભાવશાળી ભાષણો, મુલાકાતો અને લેખોમાં યુનિવર્સિટીઓની ખતમ થઈ ગયેલી સ્વાયત્તતા, શિક્ષણના વેપારીકરણ તેમ જ ભગવાકરણનો જોરદાર વિરોધ હોય છે. માનવ અધિકાર અને જુવેનાઈલ અન્ડરટ્રાયલ્સના જસ્ટીસ માટે તેણે તેના વતન કાશ્મીરમાં કામ કર્યું છે.

કાશ્મીરની ઝાઇરા વાસીમે આમીર ખાનના ‘દંગલ’માં કુસ્તીબાજ ગીતા ફોગટનું પાત્ર સરસ રીતે ભજવ્યું છે. તેને  લઈને કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તેને કાશ્મીરી જનતા માટેની રોલ મૉડેલ ગણાવી. તેનાથી ઉશ્કેરાયેલા અલગતાવાદીઓએ ઝાઇરા પર સોશ્યલ મીડિયામાં ખૂબ ત્રાસ ગુજાર્યો. તેને એવી પોસ્ટ મૂકવી પડી કે એને રોલ મૉડેલ ગણવામાં આવી તેને કારણે જેમની લાગણી ઘવાઈ તેમની એ માફી માગે છે અને એની આવી પ્રશંસામાં ખરેખર મોટા માણસોનું અપમાન છે. જો કે આમીરખાને ટેકો આપ્યા પછી એણે એ પોસ્ટ ઊતારી લીધી. કેન્દ્રના રમતગમતમંત્રી વિજય ગોયલે મોટાભા બનીને એક પોસ્ટ મૂકી. તેમાં તેમણે હિજબ પહેરેલી સ્ત્રી તેમ જ પાંજરામાં કેદ સ્ત્રીવાળું એક ચિત્ર મૂક્યું અને કહ્યું, ‘આ ચિત્રની વાત ઝાઇરા વસીમને મળતી આવે છે. પિંજરા તોડકર હમારી બેટિયાં આગે બઢને લગી હૈ. મોર પાવર ટુ અવર ડૉટર્સ.’ ઝાઇરાએ જવાબ ફટકાર્યો, ‘સર, યોગ્ય આદર સાથે તમને જણાવું છું કે મારે આમાં અસંમતિ બતાવવી જ પડે. આવા અયોગ્ય વર્ણન સાથે મને ન જોડવા વિનંતી છે. હિજાબ પહેરેલી સ્ત્રીઓ ખૂબસૂરત અને આઝાદ હોય છે. વળી, આ ચિત્ર જે વાત કહે છે તે મારી બાબતમાં કોઈ પણ રીતે પ્રસ્તુત નથી.’ હિજાબ અંગેની ઝાઇરાની માન્યતા સાથે અસંમતી હોય તો પણ મંત્રીશ્રીને તેણે આપેલા સાફ જવાબમાં તેનો  નવા જમાનાની ઔરત તરીકેનો મિજાજ દેખાય છે.

આવો જ મિજાજ ગયા વર્ષે આઈ.એ.એસ.માં પહેલા ક્રમે આવનાર દલિત પરિવારની ટીના ડાબીનો છે. ટીના અને બીજા ક્રમે આવનાર કાશ્મીરનો યુવક અથાર આમીર પ્રેમમાં પડ્યા, તેમણે એ જાહેર પણ કર્યું. આને ‘લવ જિહદ’ કહેનારા હિન્દુ મહાસભા જેવી માન્યતા ધરાવનાર સહુને ટીનાએ કહ્યું છે : ‘મારી નાત એક ધર્મના ન હોય તેવા વ્યક્તિની સાથે પ્રેમમાં પડીને જાણે મેં કોઈ ગુનો કર્યો હોય એવી વાત થઈ રહી છે … પણ મારે કોઈને કંઈ સાબિત કરી બતાવવાનું નથી.’

ક્રિટિકલી વિચારનારી યુવા વિદ્યાર્થિની એક આખા દમનકારી કાયદાને કેવી રીતે દૂર કરાવી શકે તેનો દાખલો એટલે દિલ્હીની શ્રેયા સિંઘલ. દિલ્હી યુનિવર્સિટીની કાનૂન વિદ્યાશાખાની પચીસ વર્ષની વિદ્યાર્થિની શ્રેયાએ ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજિ ઍક્ટની કલમ 66એ વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી, જેને સર્વોચ્ચ અદાલતે મંજૂર રાખીને એ કલમને 26 માર્ચ 2015 ના રોજ રદ કરી. ઇંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી ખગોળભૌતિકની પદવી મેળવી ચૂકેલી શ્રેયાએ કહ્યું, ‘ મેં આ કલમને એ કારણસર પડકારી કે એના થકી મુક્ત ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો.’

કલાના માધ્યમથી અન્યાય અને અત્યાચાર, શોષણ અને દમન, વંચિતતા અને વર્ણવ્યવસ્થા સામે અવાજ ઊઠાનારા મુંબઈ-પુનાના ‘કબીર કલા મંચ’ના સહુ યુવા કલાકારોમાં મુખ્ય છે શીતલ સાઠે. તેમણે અને તેમના સાથીદારોએ જાગૃતિ અને વિરોધનાં ગીતો માટે મહારાષ્ટ્ર સરકારે જે જુલમ કર્યા છે તે અલગ લેખનો વિષય છે. જલંધરની ઓગણીસ વર્ષની ગુરકંવલ ભાટી ઉર્ફે ગિન્ની માહી તેની મંડળી સાથે રવીદાસ અને ડૉ. બાબાહેબ આંબેડકરના સંદેશ પહોંચાડતાં ગીતો ગાવાં માટે ખૂબ જાણીતી છે.

મોરબીની એક સિરામિક ફૅક્ટરિમાંના 111 બાળ મજૂરોને ગયા વર્ષે માર્ચ મહિનામાં છોડાવનાર કૉલેજ વિદ્યાર્થિની ઝરણા જોશીને યાદ કરવી જ પડે. બાવીસ વર્ષની ઝરણાએ બાળકોને છોડાવવા માટે ખુદ ફૅક્ટરિમાં બે મહિના નોકરી કરીને સ્ટિંગ કર્યું હતું. ત્રણ મહિના પછી ઝરણા પર હુમલો પણ થયો હતો. પુરુષો દ્વારા અત્યંત પાશવી અત્યાચાર પછી મોત સામે દેખાતું હતું ત્યારે પણ ‘મારે જીવવું છે’ એવો સ્પિરિટ રાખનાર જ્યોતિ સિંગ અર્થાત નિર્ભયાને કેમ ભૂલાય ? તેના મા-બાપ અને તેમને ટેકો આપનારા લાખો દેશવાસીઓના ન્યાય માટેના સંઘર્ષને કારણે બળાત્કાર વિરોધી કાયદો વધુ કડક અને પીડિતા તરફી બન્યો છે.

નિર્ભયા ઘટનાને પછી દેશભરમાં ચાલેલાં વલોણાને કારણે બળાત્કાર પીડિતા તરફ જોવાનો સમાજ, શાસકો, ન્યાયતંત્ર અને માધ્યમોનો નજરિયો કંઈક બદલાયો છે. બળાત્કાર વેઠ્યા પછી તૂટી ગયા વિના અપરાધીને સજા માટે લડનાર વીરાંગનાઓ, સર્વાઈવર્સ મહિલાઓને સો સો સલામું આપવી રહી. પારુલ યુનિવર્સિટીના નરાધમ સામે ફરિયાદ કરનાર સર્વાઇવર વિદ્યાર્થિનીની જિગર  યાદ જ હોય. પણ કમનસીબે બીજી એક સર્વાઈવરની પણ વાત કરવાની થાય તે નાલિયાકાંડની. આ વાસનાકાંડની ગૂંચવણો હશે. તે છતાં ઓગણીસ વર્ષની આ યુવતીને બુધવારે આવનાર મહિલા દિન નિમિત્તે ધન્યવાદ આપવા જોઈએ. ખાસ તો એટલા માટે નાલિયાની આ નીડર બહેને જેની સામે અવાજ ઊઠાવ્યો હોવાનું બહાર આવ્યું છે તેમાંનાં કેટલાક, ‘બેટી બચાઓ’ના નારા આપ્યા કરનાર સત્તાધારી ભારતીય જનતા પક્ષની સાથે સંકળાયેલા છે.

2 માર્ચ 2017

+++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 માર્ચ 2017

Loading

...102030...3,4333,4343,4353,436...3,4403,4503,460...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved