Opinion Magazine
Number of visits: 9767462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રણોય રૉય આપણા યુગના રામનાથ ગોએન્કા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2017

વો જો આપસે પહલે ઇસ સિંહાસન પર બૈઠા થા, ઉસે ભી યહી યકીન થા કિ વહ ખુદા હૈ

NDTVની, ખાસ કરીને NDTV હિન્દીની અને એમાં પણ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP વધી રહી છે. આમાં રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP તો કૂદકે ને ભૂસકે વધી રહી છે. બન્યું છે એવું કે સાઇબર સેલે આક્રમક બનીને ટીવી-ચૅનલોના ન્યુઝરૂમનો કબજો લઈ લીધો અને ટીવી-ચૅનલોના માલિકોએ વેચાઈ જઈને ન્યુઝરૂમનો કબજો આપી દીધો એ પછીથી બુદ્ધિશાળી સમજદાર દર્શકો NDTV તરફ વળી રહ્યા છે

બહુ આશ્ચર્ય થયું કે આમ કેમ! NDTVના સ્થાપક ડૉ. પ્રણોય રૉય અને રાધિકા રૉયના ઘરે તેમ જ NDTVની ઑફિસો પર CBIએ રેઇડ પાડી એ પછી સોશ્યલ મીડિયા શાંત કેમ છે? અપેક્ષા એવી હતી અને ઇતિહાસ પણ એમ કહે છે કે જ્યારે પણ કેન્દ્ર સરકાર ભૂંડી લાગે એવી કોઈ ઘટના બને એટલે સોશ્યલ મીડિયા પર ભક્તોનું કટક ઊતરી આવે અને વિરોધ કરનારા લોકોને ગાળો આપવાનું શરૂ કરી દે. તેમના આક્ષેપોનું સાધારણીકરણ કરો તો આટલા આક્ષેપો જોવા મળશે : એક, વિરોધ કરનારાઓ દેશદ્રોહી છે. બે, તમે કૉન્ગ્રેસ વખતે ક્યાં હતા? ત્રણ, કાશ્મીરમાં જવાનો મરે છે એ વિશે કેમ કંઈ નથી બોલતા? ચાર, આ દેશમાં હિન્દુઓ બહુમતીમાં છે તો હિન્દુઓની તરફેણ કરવામાં આવે તો એમાં ખોટું શું છે? પાંચ, પાંચમી દલીલ આજ સુધી વાંચવા મળી નથી. તમે જો વાંચી હોય તો ધ્યાન દોરવા વિનંતી.

એ પછી ચારિત્ર્ય હનનનો, ગંદી ઇશારતોનો, પુરાવા વિનાના વાહિયાત આરોપોનો, ફોટોશૉપમાં મૉર્ફ કરવામાં આવેલી વીડિયો-ક્લિપોનો, કોઈકના અવાજમાં કોઈક બોલતું હોય એવા વૉઇસ-ઓવરનો મારો શરૂ થાય. ઉદ્દેશ બે હોય છે. એક, વાડામાંથી ઘેટાં નાસી ન જાય એનો અને બીજો, વિરોધીઓને ડરાવવાનો. આવતી કાલે આ લોકો આપણને આંટામાં લે એના કરતાં ચૂપ રહેવું સારું એમ માનીને લોકો ડરી જશે એમ માનવામાં આવે છે; પણ યાદ રહે, એવા કેટલાક લોકો છે જે ડરતા નથી. તેમના અવાજમાં આરતીની ઘંટડીના અવાજ કરતાં લાખ ગણો મોટો ઘંટારવ હોય છે. બીજું, એવા કેટલાક લોકો છે જે વેચાતા પણ નથી. આ ઉપરાંત સત્તા પાસે શાણપણ ન ચાલે એમ માનીને જે લોકો ચૂપ રહે છે એ લોકો ડરપોક હોય છે, અબુધ નથી હોતા. તેઓ શાણપણ નથી બતાવતા, પરંતુ સત્તાનો સ્વભાવ જાણે છે; બલકે સત્તાનો સ્વભાવ જાણે છે એટલે શાણપણ નથી બતાવતા. તેઓ સત્ય-અસત્યનો વિવેક કરવા જેટલી સમજણ ધરાવે છે, માત્ર બોલવાની હિંમત નથી ધરાવતા; પરંતુ તેમને જ્યારે સલામત મોકો મળી જાય છે ત્યારે તેઓ સત્યના પક્ષે ઊભા રહી જાય છે.

તો આ વખતે બન્નેમાંથી એકેય મોરચા ન ખૂલ્યા એનું શું કારણ? ન લેબલ, ન ઇશારતો; ન ધમકી, ન ગાળો. પાકિસ્તાન મોકલી આપવાની વાત પણ કોઈએ નથી કરી. કારણ બહુ સાદું છે. સાઇબર સેલને કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને ભૂલવાડી દેવાની છે, જેમ નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલો સૂટ પહેરવાના સાહસને એક તૂરી-ખાટી ઘટના તરીકે ભુલવાડી દેવામાં આવે છે એ રીતે. કેટલીક ઘટનાઓ કાઉન્ટર-પ્રોડક્ટિવ હોય છે જેની ચર્ચા કરવામાં ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. એન.ડી.ટી.વી.વાળી ઘટના આવી છે.

તો આનો સ્પષ્ટ સૂચિતાર્થ એ છે કે ભક્તો તો બિચારા સાધનમાત્ર છે, હૅન્ડલ છે. તેઓ દેશને ચાહનારા ભલા-ભોળા ઇન્સાન છે જે કૉન્ગ્રેસનાં પાપોને કારણે ગુસ્સામાં છે. નવમૂડીવાદે આર્થિક, સામાજિક અને શારીરિક-માનસિક પ્રશ્નો પેદા કર્યા છે જેને કારણે તેઓ હતાશ છે. તેમને તેમની આશાને ફળીભૂત કરી આપે એવા જાદુગરની જરૂર હતી. સાઇબર સેલે મીડિયા અને સોશ્યલ મીડિયાને સાથે લઈને નરેન્દ્ર મોદીને જાદુગર તરીકે પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું હતું. જરૂર લાગતી હોય તો એ સમયના કન્ટેન્ટ પર એક નજર નાખો. કૉન્ગ્રેસની નાદારી, કૉન્ગ્રેસીઓનો ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને પાકિસ્તાનના મોરચે કૉન્ગ્રેસની નિર્બળતા, સેક્યુલરિસ્ટો તેમ જ ઝોલાવાલાઓનો હિન્દુિવરોધી પક્ષપાત તો બીજી બાજુ ગુજરાતમાં થયેલો અસાધારણ વિકાસ અને નરેન્દ્ર મોદીની છપ્પનની છાતી એ સમયના વિષયો હતા. આશાવંતો હરખે-હરખે એ કન્ટેન્ટ આગળ ધકેલતા જતા હતા.

એ પછી બીજો દોર શરૂ થયો જેમાં આખા દેશમાં ગુજરાતની જેમ સુવર્ણ યુગ બેસી ગયો છે અને દેશે વિકાસ તરફ હરણફાળ ભરી છે એ બતાવવાનું હતું. એન.ડી.એ. સરકારના કાર્યકાળના પહેલા વરસના કન્ટેન્ટને યાદ કરશો તો ખ્યાલ આવશે કે ત્યારે તમારા સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શું ઠલવાતું હતું? જુઓ વડા પ્રધાન વિદેશમાં કેવા છવાઈ ગયા છે. જુઓ અમેરિકન પ્રમુખ વાઇટ હાઉસની પરસાળમાં આવીને નરેન્દ્ર મોદીને રિસીવ કરવા આવ્યા હતા અને એટલું માન તો નેહરુને પણ આપવામાં નહોતું આવ્યું; પછી ભલે અમેરિકાનો આવો પ્રોટોકૉલ હોય. અથવા મોદી-મોદીના નારાઓની વીડિયો-ક્લિપ્સ મોકલવામાં આવતી હતી અને વિકાસની દરેક જાહેરાત વખતે કૉન્ગ્રેસ એના શાસનકાળમાં શું નથી કરી શકી એના ખોટા આંકડા આપવામાં આવતા હતા. કેટલીક વાર આગલી સરકારની યોજનાઓને મોદી સરકારની યોજના તરીકે પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. યાદ આવે છે ૨૦૧૫નું વરસ? ઉદ્દેશ હતો જાદુગર જાદુ કરી રહ્યો છે એ બતાવવાનો અને ભક્તોની આશા ટકાવી રાખવાનો. તમે આવા અનેક મેસેજિસ રિસીવ કર્યા હશે અને આગળ ફૉર્વર્ડ કર્યા હશે.

હવે જાદુગરની ઇમેજ ટકાવી રાખવી મુશ્કેલ છે એટલે દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તમારી થાળીમાં જે વાનગી પીરસવામાં આવી રહી છે એમાં દેશદ્રોહીઓ સામે મોઢામાંથી ધુમાડા નીકળે એવી તીખીતમતમતી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. ફૉર અ ચેન્જ ભારતના અતીતની ભવ્ય વાતો (એ પણ મૅન્યુફૅક્ચર્ડ) કહેવાય છે જેના દ્વારા ભોળિયા ભક્તને મીઠાઈનો સ્વાદ મળે છે. એવા-એવા મેસેજિસ ઠલવાય છે કે એ જોઈને એમ લાગે કે પાકિસ્તાન સામેની લડાઈ ભારતીય લશ્કર નથી લડવાનું, ભક્તો લડવાના છે. દેશભક્તોને સરહદે જતા રોકવા પડે એવી સ્થિતિ એક દિવસ પેદા થવાની છે. ઉદ્દેશ ધ્યાન અન્યત્ર દોરવાનું છે અને દેશપ્રેમ તેમ જ ધર્મપ્રેમ લોકોને નશામાં રાખવાનું સારું અફીણ છે. આજકાલ તમે આવા મેસેજિસ મેળવતા હશો અને તમારામાંના કેટલાક એને ફૉર્વર્ડ પણ કરતા હશે.

તો વાત એમ છે કે સોશ્યલ મીડિયા પર અને ટીવી મીડિયા પર જે કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે એ એક જગ્યાએથી આવે છે. એને ખાસ ઉત્પાદિત કરવામાં આવે છે. ઉત્પાદિત માલ ભોળિયા ભક્તોને મફતમાં વહેંચવા માટે આપવામાં આવે છે અને તેઓ મહેનતાણું માગ્યા વિના એ માલને ફૉર્વર્ડ કરે છે. બીજો માલ ન્યુઝના સ્વરૂપમાં પેદા કરવામાં આવે છે જે મીડિયાને (પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક બન્ને) નાણાં ચૂકવીને વેચવામાં આવે છે. તેઓ માલિકના હાથમાં હાડકું જોઈને પૂંછડી પટપટાવવા માંડે છે. તેમને એ હાડકામાં કદાચ હન્ટર પણ નજરે પડતું હશે. ઉત્પાદનનો એક ત્રીજો થર નહીં વેચાનારા અને નહીં ડરનારાઓ માટેનો છે. એ કામ સોએક જેટલા ટ્રોલ્સ(ભાડૂતી ચારિત્ર્ય હનન કરનારાઓ)ને સોંપવામાં આવે છે. તેઓ આ ધરતી પર થયેલા તમારી નજરમાંના પવિત્રમાં પવિત્ર માણસને પણ કુકર્મ કરતા બતાવી શકે છે. આવા ટ્રોલ્સને વડા પ્રધાન ફૉલો કરે છે એમ ટ્રોલ્સ પોતે સગર્વ દાવો કરે છે અને વડા પ્રધાનના મંત્રાલયે આ જ સુધી એનો અસ્વીકાર નથી કર્યો. ટેક્નૉલૉજી એવી છે કે અસ્વીકાર થઈ શકે એમ નથી. ઇલેક્ટ્રૉનિક મીડિયા બેધારી તલવાર છે, એ સગડ પણ મૂકીને જાય છે. આની સદસ્તાવેજ વિગત જોઈતી હોય તો સ્વાતિ ચતુર્વેદીનું ‘આઇ ઍમ અ ટ્રોલ’ નામનું પુસ્તક વાંચવાની ભલામણ છે.

તો NDTVની ઘટના વિશે સાઇબર સેલને અને આર્મી ઑફ ટ્રોલ્સને કહેવામાં આવ્યું હોવું જોઈએ કે આ ઘટનાને પેલા સૂટની જેમ ભુલવાડી દેવાની છે. એટલે તમે NDTVની અને એના સમર્થકોની નિંદા કરનારા, ગાળો દેનારા કે ચારિત્ર્ય હનન કરનારા મેસેજિસ ભાગ્યે જ જોયા હશે. ફૅક્ટરીને આ એક ઇશ્યુ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. શા માટે? એવી કઈ મજબૂરી છે કે સરકાર એને ખરાબ સપનાની જેમ ભૂલી જવા અને ભુલવાડી દેવા માગે છે.

જે કારણ આપવામાં આવી રહ્યું છે એ સુખદ છે, આશા જગાડનારું છે. NDTVની, ખાસ કરીને NDTV હિન્દીની અને એમાં પણ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP વધી રહી છે. આમાં રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP તો કૂદકે ને ભૂસકે વધી રહી છે. બન્યું છે એવું કે સાઇબર સેલે આક્રમક બનીને ટીવી-ચૅનલોના ન્યુઝરૂમનો કબજો લઈ લીધો અને ટીવી-ચૅનલોના માલિકોએ વેચાઈ જઈને ન્યુઝરૂમનો કબજો આપી દીધો એ પછીથી બુદ્ધિશાળી સમજદાર દર્શકો NDTV તરફ વળી રહ્યા છે.

જે લોકોની આંખ ખુલ્લી રહી છે એવા દર્શકો NDTV તરફ વળી રહ્યા છે. જે લોકો ખોટા પ્રચારથી કંટાળી ગયા છે અથવા દેશભક્તિના ગોકીરાથી જેમના કાન બહેરા થઈ ગયા છે એ લોકો NDTV તરફ વળી રહ્યા છે. કોઈ ઇશ્યુ સાથે આપણને લાગતુંવળગતું ન હોય ત્યારે એ ઇશ્યુની જગ્યાએ બીજા દેશભક્તિના કોઈ ભળતા જ ઇશ્યુ પર ચર્ચા થતી હોય ત્યારે આપણને કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યારે ઇશ્યુ આપણો પોતાનો હોય અને ચૅનલવાળાઓ તારસ્વરે દેશભક્તિની પાખંડી ચર્ચા કરતા હોય ત્યારે આપણને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. ઊના કે સહારનપુર જેવી ઘટના બને ત્યારે દલિતો દેશભક્ત દર્શકોની જમાતમાંથી બહાર નીકળી જાય, મંદસૌરની ઘટના બને ત્યારે ખેડૂતો બહાર નીકળી જાય. આ સ્વાભાવિક છે. દેશભક્ત એ કોઈ સાંચામાંથી બનાવેલી મૂર્તિ નથી પણ જીવતો-જાગતો માણસ છે જેનો પોતાનો સ્વાર્થ છે અને બદલાતો મૂડ છે.

આમાં NDTV એક એવી ચૅનલ છે જ્યાં પાખંડી ચર્ચા કરવામાં આવતી નથી. NDTV એક એવી ચૅનલ છે જ્યાં સરકારની ભાટાઈ કરવામાં આવતી નથી અને સરકારને ન ગમે એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ એક ચૅનલ એવી છે જ્યાં કોઈ પણ પ્રશ્ને વિગતે ચર્ચા કરવામાં આવે છે અને પૅનલિસ્ટને બોલવાનો મોકો આપવામાં આવે છે. આ એક ચૅનલ એવી છે જે ગરીબોના અને મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે ડર્યા વિના ઊભી રહે છે. આ એક ચૅનલ એવી છે જ્યાં અન્ય પૅનલિસ્ટો બોલી ન શકે એ માટે જાણીબૂજીને ખલેલ પહોંચાડનારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબીત પાતરાને સભ્ય ભાષામાં સ્ટુડિયોમાંથી જતા રહેવાનું કહેવાની હિંમત બતાવવામાં આવે છે. આ ઘટના પહેલી જૂને બની હતી અને ચોથી જૂને NDTV પર રેઇડ પાડવામાં આવી હતી. આ એક ચૅનલ એવી છે જે નિર્મલબાબાના સમોસા-જ્ઞાનની, સેક્સ-પાવર વધારવાની, માથાના વાળ ઉગાડવાની, વજન ઘટાડવાની કે સાંધાના દુખાવાની દવાઓ વગેરેનું પ્રસારણ કરતી નથી. આ એક ચૅનલ એવી છે જ્યાં રાતના બાર વાગ્યાથી સવાર સુધી ટેલીશૉપિંગની ઍડ્વર્ટાઇઝમેન્ટ આવતી નથી. દર્શક એક વાર NDTV પર જાય છે ત્યારે તેને ચૅનલની હિંમત, પ્રામાણિકતા, પ્રોફેશનલિઝમ, શાલીનતા અને જેને અન્યાય થતો હોય તેમના માટેના સરોકારનો પરિચય થાય છે.

NDTV પાસે બહુ મોટી સંખ્યામાં દર્શકો છે એવું નથી. સોમાંથી દસ માંડ હશે. ફરક એ છે કે એ દસ દર્શકો લૉયલ છે. પ્રાઇમ ટાઇમના આરંભથી અંત સુધી બુલેટિન જુએ છે. આ બાજુ બાકીના ૯૦ દર્શકો ૯૦ ચૅનલોમાંથી કઈ ચૅનલ પર ડાકલાં વાગી રહ્યાં છે એ શોધતા ફરે છે. વળી આગળ કહ્યું એમ ધીરે-ધીરે NDTVના દર્શકોની સંખ્યા વધી રહી છે. ઑક્યુપાઇડ ચૅનલોના માલિકોએ સરકારને કહ્યું હશે કે રેઇડને બચાવવામાં બહુ બોલવાથી અન-ઑક્યુપાઇડ ફ્રી ચૅનલોને લાભ થશે અને એને વધારે દર્શકો મળશે. અતિની ન હોય ગતિ એમ કહેવાય છે. ઊબકો આવે એ રીતે પ્રચારનો અને એ પણ જૂઠાણાનો પ્રચાર કરવામાં આવે તો બેવકૂફમાં બેવકૂફ માણસ પણ સચ્ચાઈ પામી જાય. અંગ્રેજીમાં આને કાઉન્ટર પ્રોડક્ટિવ કહેવામાં આવે છે. દેશની અન-ઑક્યુપાઇડ ફ્રી ચૅનલને વધારે લાભ ન મળે એ માટે સાઇબર સેલનું NDTV સેલ અત્યારે શટડાઉન કરી નાખવામાં આવ્યું છે.

હવે NDTV સામેનો કેસ શું છે એ સંક્ષિપ્તમાં સમજી લઈએ. NDTVએ ૨૦૦૮માં એક પ્રાઇવેટ બૅન્ક પાસેથી લોન લીધી હતી. ૨૦૧૦માં બૅન્કના એ સમયના ઘટાડેલા વ્યાજે લોન પરત કરવામાં આવી હતી. વ્યાજના મૂળ દરમાં ઘટાડો કરવા બૅન્ક સંમત થઈ હતી. આમ NDTVએ પૈસા નથી ચૂકવ્યા એવું નથી. બૅન્કને જે નુકસાન થયું છે એ વ્યાજનું નુકસાન થયું છે. હવે પહેલી વાત તો એ કે ઘટાડેલા વ્યાજે સેટલમેન્ટ બૅન્કે કર્યું છે. આમ છતાં જો ફરિયાદ કરવી જ હોય તો ફરિયાદ કરવાનો અધિકાર બૅન્કનો છે. વધુમાં વધુ બૅન્કનો ઑડિટર બૅન્કને પહોંચાડવામાં આવેલા નુકસાન વિશે શેરો મારી શકે. હજી રિઝર્વ બૅન્ક ફરિયાદ કરી શકે. આમાંથી કોઈએ CBI સમક્ષ જઈને ફરિયાદ નથી કરી કે નથી કોઈ નુકસાન અંગે નુક્તેચીની કરી. સાદો નુકસાન ભરપાઈનો પત્ર પણ લખવામાં નથી આવ્યો. જેને કોઈ લેવાદેવા નથી એવો અજાણ્યો માણસ CBI સમક્ષ ફરિયાદ કરે અને CBI રેઇડ પાડે એવું આજ સુધી ક્યારે ય બન્યું નથી. પાછો સંજય દત્ત નામનો તે માણસ CBI પાસે જતાં પહેલાં અદાલતમાં ગયો હતો અને અદાલતે તેનો કેસ દાખલ કર્યો નહોતો. સંબંધિત પક્ષો જ્યારે ફરિયાદ કરતા નથી તો કયા અધિકારથી CBIએ કેસ દાખલ કર્યો અને રેઇડ પાડી એ વિશે CBI કોઈ ખુલાસો કરતી નથી. NDTVના માલિક પ્રણોય રૉયે પડકાર ફેંક્યો છે કે એક પણ તારીખ માગ્યા વિના સર્વોચ્ચ અદાલતમાં એક મહિનો કેસ ચલાવવામાં આવે અને CBI જીતી બતાવે.

મૂળમાં NDTVની તટસ્થતા અને નીડરતા સરકારને પરેશાન કરે છે. એમાં સંબીત પાતરાને સ્ટુડિયોમાંથી જતા રહેવાનું કહ્યું એને કારણે સરકાર સમસમી ગઈ હતી. પ્રણોય રૉય આપણા યુગના રામનાથ ગોએન્કા છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’, “ગુજરાતી મિડ-ડે”, 11 જૂન 2017

‘પ્રેસ ક્લબ અૉવ્ ઇન્ડિયા’ની નવી દિલ્હીમાં મળેલી તાજેતરી સભામાં “ઇન્ડિયન અૅક્સપ્રેસ”ના પૂર્વ મુખ્ય તંત્રી તેમ જ અટલવિહારી બાજપાઇના વર્ચસ્‌વાળી એન.ડી.એ. સરકારના એક પ્રધાન અરુણ શૌરીનું પ્રવચન

http://www.ndtv.com/video/news/news/arun-shourie-s-speech-on-media-freedom-at-press-club-of-india-459703?fb

Loading

ક્રિકેટનું સુપરસ્ટાર કલ્ચર અને આપણી ભક્તિ પરંપરા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 June 2017

1953માં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. તેમાં જવાહરલાલ નહેરુ પણ મેચ રમ્યા હતા. એનાં થોડાં વર્ષો પછી નાગપુરમાં એક સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવેલકરે કહ્યું, ‘ભારતમાં ક્રિકેટની આ મોંઘી રમત માત્ર ફેશન જ બની ગઈ છે એટલું જ નહીં, આપણે એના ઉપર કરોડો રૂપિયા ખર્ચીને એટલું જ પુરવાર કરીએ છીએ કે ઇંગ્લિશ લોકો હજુ ય આપણી બુદ્ધિ ઉપર હાવી છે. પંડિત નહેરુ અને બીજા સાંસદો થોડાં વર્ષો પહેલાં ક્રિકેટ રમ્યા હતા એ આ અંગ્રેજીકરણનો પુરાવો છે, નહીં તો એ લોકો ભારતની રાષ્ટ્રીય રમત કબ્બડી રમ્યા ન હોત?’

ગોલવેલકરને કદાચ એ વખતે અંદાજ નહીં હોય કે કબ્બડીની રમતમાં એમને જે રાષ્ટ્રવાદ દેખાતો હતો એના કરતાં ય કટ્ટર રાષ્ટ્રવાદ અંગ્રેજોની રમત ક્રિકેટમાંથી પેદા થશે. ગાંધીજીને હતો. તે વખતે સાંપ્રદાયિક ધોરણે અંગ્રેજો જે પેન્ટાન્ગ્યુલર મેચ રમાડતા હતા તેના ગાંધીજી વિરોધી હતા અને એમણે કહ્યું હતું, ‘કોલેજો કે સંસ્થાઓ વચ્ચેની મેચ તો હું સમજી શકું છું, પરંતુ મને આ હિન્દુ, પારસી, મુસ્લિમ અને અન્ય કોમી ઇલેવનનો તર્ક સમજાતો નથી. મને તો એમ હતું કે રમતની ભાષામાં અને વ્યવહારમાં આવા અનૈતિક ભાગલા વર્જિત હશે.’

ક્રિકેટ આજે દક્ષિણ એશિયામાં ‘ધર્મ’ ગણાય છે અને ક્રિકેટરોને ‘ઈશ્વર’ તરીકે પૂજવામાં આવે છે તેનાં મૂળિયાં ક્રિકેટના સમુદાયિક જન્મમાં છે. ભારતમાં પહેલી ક્રિકેટ મેચ 1721માં ખંભાતમાં રમાઈ હતી અને એમાં માત્ર ઇંગ્લિશ નાવિકો જ હતા. ભારતની પહેલી ક્રિકેટ કલબ 1792માં કલકત્તામાં સ્થપાઈ હતી અને એમાં ભારતીયોને સ્થાન ન હતું. આ આભડછેડના કારણે જ ભારતીયોમાં ક્રિકેટની એવી જ ધર્માંધતા પેદા થઈ હતી જેવી સંગઠિત ધર્મમાં જોવા મળે છે. ક્રિકેટરો માત્ર ખેલાડી ન હતા, પણ સુપરહીરો અને સચિન તેંદુલકર એમનો ભગવાન.

2006માં કપિલ દેવને એક ઇન્ટરવ્યૂમાં આ ‘ઈશ્વર પૂજા’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે ક્રિકેટરો જ નહીં સોનિયા ગાંધી, ધીરુભાઈ અંબાણી, કિરણ મઝમુદાર શો, રતન તાતા, અઝીમ પ્રેમજી અને શિવ નાદર જેવાં નામોનું લિસ્ટ આપ્યું હતું. કપિલે ત્યારે કહ્યું હતું, ‘હીરો કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ માટે અનિવાર્ય છે. દરેક પેઢીએ હીરો પેદા કર્યા છે અને હીરોએ જ જિંદગીઓ બદલી છે.’ કટ ટુ 2017. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત બી.સી.સી.આઈ.ના પ્રશાસક ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પ્રશાસક સમિતિમાંથી રાજીનામું આપીને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટમાં સુપરસ્ટાર કલ્ચરે હદ વટાવી છે, અને ઇમાનદારી તથા ઔચિત્યને તડકે મૂકીને આ (નિવૃત્ત અને સક્રિય) ‘ભગવાનો’ એ બધાં જ કામો કરી રહ્યા છે જે એક આદર્શ મહાનાયકે ના કરવાનાં હોય.

રામ ગુહાએ આમ તો ક્રિકેટના વહીવટના લઇને સવાલો ઉઠાવ્યા છે પરંતુ એમણે જે શબ્દ પસંદ કર્યો છે, સુપરસ્ટાર કલ્ચર, તે ભારતીય જનમાનસના એક વ્યાપક દોષ તરફ પણ ઇશારો કરે છે; વીરપૂજા એટલે કે હીરો વર્શિપ. રામ ગુહા જે સુપરસ્ટાર કલ્ચરની વાત કરે છે તે ક્રિકેટ ઉપરાંત બીજી રમતોમાં તો લાગુ પડે જ છે, તે ઉપરાંત ભારતીય રાજનીતિ, ધર્મ અને ઉદ્યોગમાં પણ એ એટલું જ પ્રચલિત છે ને તેમાં પણ તમામ પ્રકારની બેઇમાની અને ગોરખધંધા ચાલે છે.

ભારત 33 કરોડ દેવતાઓનો દેશ છે. મતલબ કે દરેક વ્યક્તિ, દરેક વર્ગ અને દરેક સમુદાયના વ્યક્તિગત ઈશ્વર છે જેની સાથે એનો વન-ટુ-વન સંબંધ છે. પોતાના કરતાં વધુ સમર્થ, વધુ જ્ઞાની અને વધુ પ્રતિભાવંત વ્યક્તિમાં પોતાનું પ્રતિબિંબ જોવાની જરૂરિયાતમાંથી વીરપૂજા પેદા થઈ છે. વીરપૂજા અથવા વ્યક્તિપૂજા અથવા તો સુપરસ્ટાર કલ્ચર માત્ર ભારત પૂરતું જ મર્યાદિત છે એવું નથી. દરેક સમાજે અને દરેક પેઢીએ પોતાના ‘કલ્ટ લીડર’ પેદા કર્યા છે પછી તે સમાજ હોય, રાજનીતિ હોય, સિનેમા હોય કે રમત હોય.

ભારતના સંદર્ભમાં એક મહત્ત્વનો ફર્ક એ છે કે બીજા સમાજો એમના નાયકોના આચાર-વિચારને મહત્ત્વ આપે છે ત્યારે ભારતમાં લોકો વ્યક્તિને અનુસરે છે. ભારતના સૌથી મોટા નાયક મહાત્મા ગાંધીએ 1937માં આ ફર્ક સમજાવતાં કહ્યું હતું કે, ‘આપણા માટે કોઈ વ્યક્તિનું ભજન કરવું એ સારું ન કહેવાય. આપણે તો એના આદર્શની પૂજા કરવાની હોય.’ 1969માં જ્યારે બીજા એક ગાંધી, ઇન્દિરાએ કૉંગ્રેસનું વિભાજન કર્યું ત્યારે અવિભાજિત કૉંગ્રેસના અંતિમ અધ્યક્ષ એસ. નિજલિંગપ્પાએ ટિપ્પણી કરી હતી કે, 20મી સદીનો ઇતિહાસ એવી કરુણ ઘટનાઓથી ભરેલો પડ્યો છે જેમાં લોકપ્રિયતાની લહેર ઉપર સવાર થઈને લીડર રાજનૈતિક અહંકારનો શિકાર બને અને લોકમતને અધિકાર સમજીને વિરોધીઓને દબાવી દે.

ઇન્દિરા ગાંધી પહેલી લીડર હતી જેના ખયાલાતની લોકોએ પરવા કરી ન હતી અને આંધળા ભાવે એની વ્યક્તિપૂજા કરી હતી. રામ ગુહા ભારતીય રાજનીતિમાં પ્રચલિત વ્યક્તિપૂજાથી ખૂબ વાકેફ છે અને એટલે જ એમણે ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરની ઉપર બત્તી ફેંકી છે. રામચંદ્ર ગુહા એક અગત્યના ઇતિહાસકાર છે અને એમણે ભારતીય રાજનીતિ અને ક્રિકેટ ઉપર ઘણું સંશોધન કર્યું છે અને લખ્યું છે. એમણે ‘ઇન્ડિયા આફટર ગાંધી’ નામની એક સરસ ચોપડી લખી છે. 

એમાં એમણે ડાૅ. બાબાસાહેબ આંબેડકરે 25 નવેમ્બર 1949ના દિવસે સંવિધાનિક સભામાં આપેલા પ્રવચનને ટાંક્યું છે. એમાં બાબાસાહેબ કહે છે, ‘જેણે દેશની સેવા કરી હોય એવા મહાન માણસો પ્રત્યે કૃતજ્ઞ રહેવામાં ખોટું નથી, પરંતુ એ આભારની એક મર્યાદા હોવી જોઈએ. ધર્મમાં ભક્તિથી કદાચ આત્માને મોક્ષ મળતો હશે પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વીરપૂજાથી દુર્દશાનો રસ્તો ખૂલે છે જે નિરંકુશતામાં જઈને અટકે છે.’

વ્યક્તિ રાજકારણમાં હોય કે ક્રિકેટમાં, એનાં પરિણામો સરખાં જ હોય છે. સાર એ છે કે ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરને દૂર કરવું હશે તો ભારતીય સમાજમાં વ્યાપ્ત વીરપૂજાનો ઇલાજ કરવો પડશે. રાજકારણમાં આપણે ‘બાહુબલીઓ’ની તાકાત સામે જે રીતે માથું નમાવીએ છીએ તે જોતાં ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરનો ઇલાજ નજીકના ભવિષ્યમાં તો દેખાતો નથી. 

સૌજન્ય : “બ્રેકિંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 જૂન 2017

Loading

સ્વતંત્રતા બાંદી ન બને એ કોણ જોશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 June 2017

નિયંત્રણ અને દમન, સરાસર ગેરઇનસાફી અને કેવળ મનમુરાદશાહી છતાં, વિચારધારા અને દેશભક્તિના થપ્પા તળેનાં હશે

એન.ડી.ટી.વી.ની સ્થાપક જોડી પ્રણય અને રાધિકાના નિવાસસ્થાને બરાબર સોમવારે જ છાપો મારીને સી.બી.આઈ.એ અઠવાડિયું ઠીક બેસાડ્યું! રાષ્ટ્રપતિપદના સંભવિત દાવેદારને માત આપવા સી.બી.આઈ.એ અયોધ્યા જગાડ્યું, તો સરકારને અણગમતા મીડિયા હાઉસને પાઠ શીખવવા છાપો માર્યો: આનું નામ તે પિંજરબધ્ધ પોપટજી, કેઇજ્ડ પેરટ. સરકાર અને સી.બી.આઈ. અલબત્ત આ મીડિયા હાઉસના સ્થાપકો સબબ કશોક વાંકગુનો ખસૂસ આગળ કરી શકે. પણ સાવ સાદો વિગતમુદ્દો એ છે કે એણે આગળ કરેલો મુદ્દો એક ખાનગી બૅંકની લોન માંડવાળનો છે.

અડતાળીસ કરોડની આ માંડવાળને જ્યારે આપણાં એકાદ ડઝન જેટલાં મોટા કોર્પોરેટ ગૃહો અને પબ્લિક સેક્ટરની બૅંકો વચ્ચે કેવળ દસ લાખ કરોડ રૂપિયાનો દેવા-વહેવાર બેરોકટોક જારી હોઈ શકે છે એવી વાસ્તવિકતા સામે મૂકીને જોઈએ તો તરત બે વત્તા બે બરાબર ચારની જેમ ચોખ્ખું સમજાઈ રહે કે એક પબ્લિક એજન્સીએ જેમાં પ્રાણપણે પડવું જોઈએ એવી કોઈ વાત આ ખાનગી બૅંક સાથેના થોડા એક કરોડના વહેવારની નથી.

મુદ્દે, જરી પણ જુદા પડતા અને કંઈકે માથું ઊંચકી શકતા મીડિયા બાબત સરકાર માત્ર, રિપીટ, સરકાર માત્ર અસુખ અનુભવે છે.

એ કોઈ ખાસ ખાનગી વાત નથી. ખુશવંતસિંહે 1973-74ના અરસામાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથેની એક વાતચીત ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં છાપી હતી. તે આ સંદર્ભમાં સાંભરે છે. ‘આકાશવાણી’ને સ્વાયત્ત કરવા વિશે તમારે શું કહેવું છે એ મતલબના પ્રશ્નનો ઇંદિરાજીનો ઉત્તર હતો કે એક પછાત પ્રજાના હાથમાં આવું સાધન કેવી રીતે મૂકી શકાય. તાજેતરનાં વરસોમાં એવી એક ટીકા સાંભળવા મળે છે કે જેઓ કટોકટીરાજ સામે લડ્યા તેમને હાથે આવા સ્વાતંત્રવિરોધી પગલાંને સમર્થન કેમ મળતું હશે. પણ એન.ડી.ટી.વી. જેવા તાજા દાખલા નવી નવાઈના નથી.

સરકાર, કેમ કે તે સરકાર છે, કેવી રીતે વિચારવા ઇચ્છે, એનો એક નાદર નમૂનો 1977ના જનતા રાજ્યારોહણ પછી તરતનાં વર્ષોમાં મોરારજી સરકારના સૂચના અને પ્રસાર મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પૂરો પાડ્યો હતો. આખી લડત દરમ્યાન ઑલ ઇન્ડિયા રેડિયો તે ઑલ ઇંદિરા રેડિયો છે એ એક ખાસો ગાજતો ને ચગાવતો રહેલો મુદ્દો હતો. બી.બી.સી. પેઠે સ્વાયત્ત કોર્પોરેશન જેવા કોઈ વિકલ્પની સતત હિમાયત કરાતી હતી. જનતા સરકારે ઇંચોઇંચ એડિટર જ્યોર્જ વર્ઘીઝના વડપણ હેઠળ એ દષ્ટિએ નીમેલી સમિતિ – જેમાં આપણા ઉમાશંકર જોશી પણ હતા – આ ધોરણે સ્વાયત્ત પ્રસાર ભારતી દરખાસ્ત લઈ આવી ત્યારે સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કહ્યું કે આ બધું શું છે. સરકારના એક ખાતા લેખે સ્વાયત્ત કેમ ન રહી શકો. લડતના મર્મસ્થાને ઘા જેવી ભૂમિકા આ હતી.

પ્રણય રૉયનો કોઈ વાંકગુનો હોય તો તે બાબત સી.બી.આઈ. જે રીતે મંડી પડી છે એવી કોઈ ક્રિમિનલ સ્વરૂપની નથી. ગમ્મત તો કદાચ એ પણ છે કે જે ખાનગી બૅંકનો આ સવાલ છે તેણે (આઈ.સી.આઈ.સી.આઈ. બૅંકે) તો ફરિયાદ પણ નથી નોંધાવી! પણ ગયે વરસે સરકારે જેમ એન.ડી.ટી.વી. એક દિવસ માટે બંધ રાખવાનો હુકમ કર્યો હતો. તેમ હમણાં આવો પેચ લડાવ્યો છે. જો કે એક દિવસની બંધીમાં સરકારને બહાદુરીપૂર્વક પીછેકૂચ કરવામાં સલામતી જણાઈ હતી, પણ ફરી પાછું કંઈ કર્યા વગર એને ચેન પડે શાનું.

વસ્તુત: સી.બી.આઈ.એ જે રેડનો રાહ લીધો એમાં બાકી બધા માટે એક લાંબા ગાળાનો સંદેશો પડેલો છે: જો તમે સખણાં નહીં હીંડો (સરકારને અનુકૂળ નહીં વરતો) તો શું થઈ શકે છે તે જોઈ લો. સી.બી.આઈ.નું નિવેદન જે મોટા ગુનાની લાંબીચોડી જિકર કરે છે તે તત્ત્વત: મૂળ ઇરાદા પરના કવર અપની કસરત છે. મીડિયામાત્રનું મોં કેમનું બંધ કરવું અગર તો એનું નાળચું કેમનું વાળવું, એ સરકારની કોશિશ જણાય છે.

પાંત્રીસેક વરસ પર બિહારમાં જગન્નાથ મિશ્રની સરકાર એક પ્રેસ બિલ લાવી હતી. અભિવ્યક્તિને રૂંધતી આ કોશિશ સામે ત્યારે રાષ્ટ્રવ્યાપી વિરોધઝુંબેશ ચાલી હતી, અને એ બિલ પડતું મૂક્વું પડ્યું હતુ. એડિટર્સ ગિલ્ડે એ દિવસોમાં બિહારની મુલાકાત લઈ આખો પ્રશ્ન એની પૃષ્ઠભૂ સમેત તપાસવાની કોશિશ કરી હતી. ગિલ્ડનું એક અવલોકન સ્મરણીય છે. એણે હેવાલમાં કહ્યું હતું કે 1974-77નું જેપી આંદોલન અને એ પછી બિહારમાં કર્પુરી ઠાકુરનું શાસન, આ બધો દોર દેખીતો આછરી ગયો છે જરૂર; પણ બિહારમાં આજની તારીખેય(1982-83)માં કંઈ નહીં તો પણ સો જેટલાં ક્રાંતિકારી થાણાં કાર્યરત છે.

જો એમની પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચતી રહે તો કયારેક એ જંગલના દવ પેઠે ફેલાઈ પણ શકે. સ્થાપિત હિતવાદી સરકારને આ ન પાલવે. અભિવ્યક્તિને અવરોધતા પ્રેસ બિલ પાછળ આ સરકારી માનસિકતા કામ કરી ગઈ છે. આજે નિયો-લિબરલ અર્થનીતિ તળે દેશમાં નાનાંમોટાં જૂથો ને સમુદાયો જે પ્રકારે શોષણમાંથી પસાર થઈ રહ્યાં છે એનો ખરો ને પૂરો અંદાજ તો આપણું મીડિયા આપતાં આપશે. પણ નમૂના દાખલ હમણેનાં કિસાન આંદોલનોની જ વાત કરીએ તો શું જોવાં મળે છે? આત્મહત્યાનો દોર રોક્યો રોકાયો નથી. કિસાન હિતનાં એકોએક વચન કથિત દેવાંમાફી છતાં તત્ત્વત: વચન જ રહ્યાં છે.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં અત્યારનાં આંદોલનો આ દુર્દૈવ વાસ્તવની સાહેદી છે. આ સંજોગોમાં એક પા સરકારના દાવા અને બીજી પા લોકોનો વાસ્તવિક અનુભવ ને આપદા બેઉની વચ્ચેની ખાઈ જેમ જેમ વકરતી જશે તેમ તેમ આંદોલનોની તીવ્રતા કે અરાજક અંજપો વધતાં જશે, અને સરકારને પક્ષે નાનાવિધ દમનનું પ્રમાણ પણ વધતું જશે. કૌતુકભરી એટલી કમનસીબી બીના એ છે અને હશે કે આવાં એકોએક નિયંત્રણ અને દમન, સરાસર ગેરઇનસાફી અને કે‌વળ મનમુરાદશાહી છતાં, વિચારધારા અને દેશભક્તિના થપ્પા તળેનાં હશે. સોશ્યલ મીડિયા ક્યારેક મોદીએ હેળવ્યું હશે, ક્યારેક કેજરીવાલે કેળવ્યું હશે, પણ ફોરવર્ડ ફેંકાફેંકી અને ફેંકુશાહીની એની તરાહ ને તાસીર કંઈ મીડિયાનું સ્થાન લઈ શકે નહીં.

મીડિયાએ વળતું વિચારવું રહે, આપણે મોટા ઉદ્યોગધંધાની સહજ પ્રકૃતિ છતાં કેવળ કોર્પોરેટ વલણોમાં તો નથી ખૂંપતાં ને. જ્યારે સરકાર અને કોર્પોરેટ ગૃહો એકાકાર જેવાં માલૂમ પડે એવાં ચિહ્નો છે અને નેતાઓ સી.ઈ.ઓ. થવામાં રાજધર્મ જોવા લાગ્યાં છે. ત્યારે આ પ્રશ્ન સહેજ પણ અપ્રસ્તુત નથી. સ્વતંત્રતા કોર્પોરેટ તામઝામ જાળવણીની બાંદી ન બને એ કોણ જોશે? ક્યારે જોશે? કટોકટીમાં બેત્રણ મોટાં દૈનિક બાદ કરતાં અણુકાય પત્રોએ મોરચો સંભાળવાની નોબત આવી હતી – 25/26 જૂનના પૂર્વ પખવાડિયે આટલી એક ઇતિહાસસ્મૃિત.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘પડકાર’, “દિવ્ય ભાસ્કર”, 10 જૂન 2017

Loading

...102030...3,4293,4303,4313,432...3,4403,4503,460...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved