Opinion Magazine
Number of visits: 9584497
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાહેર જીવનમાં જટાયુ થવાની અનિવાર્યતા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 March 2017

‘અસંતુષ્ટ બૌદ્ધિકો’ના ટીકાકારોને કોણ સમજાવે કે સંતુષ્ટ ભુંડ થવા કરતાં અસંતુષ્ટ સોક્રેટીસ થવું સારું

ચૂંટણી પરિણામના કલાકોમાં બીજા જ કોઈ વિષયમાં ચાલ્યા જવું કંઇક સલામત અને કદાચ આસાન પણ હશે. પણ શનિવારની વહેલી સવારે થોડું પણ મનન (ખરું જોતાં પ્રગટ ચિંતન) થઈ શકે તો પરિણામને છેડે ઊભી આગળ અને પાછળ નજર કરી લેવાનું નાગરિકને સારુ સરળ પણ બની રહે. લાગે છે, સવારની આસાની કરતાં સાંજની આસાનીનો રાહ લેવો સારો! અલબત્ત, સાંજની આસાની પણ નવા સૂર્યોદયની તલાશમાં રાત આખી જે પણ વહોરવાવેઠવાનું હોય એને વાસ્તે જ હોવાની છે.

તહેવાર એગ્ઝિટ પોલ ભા.જ.પ.ની એકંદર સરસાઈના તેમ હાંફતી કૉંગ્રેસ અપવાદરૂપ જીવતદાન(પંજાબ)ના તો આપની કંઇક આગેકૂચના અને બહુજન સમાજ પક્ષને 2012ની હારની કળ વળી રહ્યાના સંકેતો લઈને આવી ચૂક્યા છે. વિખંડિત જનાદેશના સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન (એટલે કે ભા.જ.પ.નો રિમોટ કન્ટ્રોલ) ટાળવા માટે અખિલેશ-કૉંગ્રેસે માયાવતીનો સાથ લેવાની તૈયારી દાખવ્યાના હેવાલો કંઈ નહીં પણ એટલું તો સૂચવે જ છે કે ક્યારેક જો બિનકૉંગ્રેસવાદનું લૉજિક હતું તો આજે બિનભાજપવાદનું પણ હોઈ તો શકે છે, જે બિહારમાં આપણે જોયું પણ છે. જો 2014માં લોકસભાની ચૂંટણીમાં મોદી ભા.જ.પ.નો એકચક્રી આણ જેવો સિક્કો પડ્યો ન પડ્યો ત્યાં દિલ્હીમાં આપ અને બિહારમાં જે.ડી.યુ.-કૉંગ્રેસની ફતેહે વગદાર વિકલ્પ હાજરી પુરાવી હતી તે આ ક્ષણે સાંભરે છે.

ધારો કે આજે નમતા પહોરે આવી કોઈક વગદાર વિકલ્પહાજરી વરતાય તો આપણે જરૂર રાજી થઈશું. પણ એથી ભાવઠ ભાંગશે એમ કહેવું વહેલું જ નહીં, વધારે પડતું પણ ગણાશે. એક તો, વ્યાપક આકલન એવું છે કે આજના પરિણામથી નિરપેક્ષપણે 2019માં પક્ષ તરીકે ભા.જ.પ. અને એથી પણ વિશેષ તો વ્યક્તિ તરીકે નમો નેતૃત્વ, બેનો કોઈ અખિલ હિંદ મુકાબલો હોવાનો નથી. મેઘનાદ દેસાઈએ સમર્થન કે વિરોધની રીતે નહીં પણ રાજકીય વિશ્લેષણની રીતે આ મતને ઠીક ઠીક આપી છે. બીજી બાજુ, સ્વામીનાથન અંકલેસરીઆ અય્યર જેવા છે જે 2017 તેમ 2019 બંનેમાં નમો ભા.જ.પ.નો વિજય જુએ છે. નોટબંધી કે બીજા નજરબંધીના ખેલ બાબતે અંક્લેસરીઆ અય્યરની ટીકા નિ:શેષ અસંદિગ્ધ છે. પણ છાકો પાડી દઈ કંઇક કીર જાણનાર (ડુઅર) એવા પ્રતાપી ને નિર્ણાયક નેતૃત્વની છાપ મોદીએ (ભલે તથ્યનિરપેક્ષપણે) જનમાનસમાં જન્માવી છે જરૂર. એટલે 2017 અને 2019માં એમની આગેકૂચ જારી રહેશે.

વિશ્લેષકોનો એક ત્રીજો કોણ, નમૂના દાખલ, તવલીનસિંહ જેવાનો પણ છે. 2014 પૂર્વે નમોનો ઉદય ભાખવામાં અને ઇચ્છવામાં તવલીનને પક્ષે કોઈ દિલચોરી નહોતી. નોટબંધી સહિતના કેટલાક મુદ્દે તવલીન પણ નમો શાસનના ટીકાકાર તરીકે ઉભર્યાં છે. પણ, ભલે જરૂરી દુરસ્તી સાથે પણ, 2019માં એમની આશા ને અપેક્ષા હમણાં સુધી તો મોદીકેન્દ્રી વરતાય છે.નમો શાસન એટલે શું. અહીં આ પૂર્વે એકથી વધુ વાર અરુણ શૌરિને ટાંકવાનું બન્યું છે તેમ કૉંગ્રેસ વતા ગાય. ટૂંકમાં, વિકાસનો વરખ અને કોમી ધ્રુવીકરણ, એ સાદો હિસાબ છે. ઉત્તર પ્રદેશમાં, કેમ કે રામ મંદિર ધાર્યું ઉછળી શકે નહીં, આ વખતે ‘સ્મશાન વિ. કબ્રસ્તાન’ની તરજ પર કામ લેવાયું તે આમ તો ‘વત્તા ગાય’ ફોર્મ્યુલા જ હતી.

મહારાષ્ટ્રનાં મહાનગરપાલિકા પરિણામોમાં નોટબંધીને કારણે ભા.જ.પ.ને વેઠવું ન પડ્યું એમાં ભા.જ.પ. પોતાનું સમર્થન જુએ છે. અલબત્ત, એણે અને શિવસેનાએ જુદાં પડીને પણ સરવાળે પોતાના કોમી ધ્રુવીકૃત અભિગમથી મહારાષ્ટ્રની એકંદર રાજનીતિ ખંડી લીધેલ છે. નોટબંધીના કારણો અને દાવાઓ કોઈ પ્રતીતિકરપણે ઉપસ્યાં નથી પણ નમોની ‘ડુઅર’ મુદ્રાની કળ હજુ લોકમાનસને વળી નથી, એ નક્કી. તેથી આજ નમતા પહોર પછીની અને 2019ની સંભવિત મોદી ફતેહના માહોલ વચ્ચે તટસ્થ બૌદ્ધિકોએ સોક્રેટિક બગાઈની ભૂમિકા (જે હંમેશ હોવી જોઈએ તે સવિશેષ) માંજતા રહેવાપણું સાફ છે. આમ તો, વિજયી રાજવીએ (પોતે ઉન્મત્ત ન થઈ જાય તે માટે) એક મિત્રને નિયમિતપણે પોતાના કાનમાં સાવધાનીના સૂર રેડતા રહેવાની કામગીરી સોંપ્યાનો કિસ્સો મશહુર છે. પણ અહીં અપેક્ષિત બૌદ્ધિક ભૂમિકા કોઈ સરકારી પ્રતિનિયુક્તિ કહેતા ‘ઑન ડેપ્યુટેશન’ તરેહની નથી.

રાજીવ ગાંધીના નિકટવર્તુળમાં થોડો વખત રહી આવેલા અને પછી વીપી-વાજપેયી પ્રધામંડળોમાં રહી આવેલા અરુણ શૌરિનું અહીં સ્મરણ થઈ આવે છે.

કટોકટી વખતે નિર્ભીક ટીકાકાર તરીકે ઉભરેલા અને તરતના નિર્ણાયક ચૂંટણી જંગમાં બૌદ્ધિક ઊંજણ પૂરનાર બની રહેલા શૌરિની મુશ્કેલી કદાચ એ રહી છે કે ગ્રાસરુટ કામગીરી અને તળ સંપર્કો વગરની ચંદનમહેલ જિંદગી એમને કોઇક શક્તિશાળી/ આદર્શવાદી લોકસમર્થનપ્રાપ્ત રાજકીય નેતૃત્વની ઓશિંગણ બનાવી દે છે. સમજાય ત્યારે ખસવાની તૈયારી એ ચોક્કસ જ એમનુું જમા પાસું છે, પણ કંઇક કરવાની લાયમાં એમને સ્થાપિત જોડાણ દુર્નિવાર લાગે છે. બૌદ્ધિકોની બીજી એક તરેહ આપણે સૌનિયા ગાંધીની સલાહકાર સમિતિરૂપે જોઈ. અરુણા રોય વગેરે એના પર હતા અને વાયા સોનિયા યુ.પી.એ. પર એમનો રુક્કો ચાલ્યો. કેટલાક પ્રજાપરક નિર્ણયો યુ.પી.એ. શાસનમાં શક્ય બન્યા તે સલાહકાર સમિતિને આભારી હતું. પણ એમાં બેસનારાઓનું સૅન્ક્શન એમના પ્રત્યક્ષ કાર્યજોડાણ કરતાં સોનિયા ગાંધીમાં સવિશેષ હતું.

બને કે, હાલના અને હવેના દિવસોમાં પબ્લિક ઇન્ટેલેક્યુઅલની ભૂમિકા વિશેષ જરૂરી હોય. શાસન અને પ્રજાનાં પરિબળો, બંનેમાં એનો પ્રવેશ યથાસંભવ, યથાપ્રસંગ હોય પણ એનું સૅન્ક્શન નાગરિક સમાજ સાથેના અવિનાભાવ સંબંધપૂર્વકની યથાર્હ કામગીરીમાં પડેલું હોય. ગાંધીજીવનના સંદર્ભમાં ટૉયન્બીને જે વાનું વસ્યું હતું કે હવેના ધર્મપુરુષોએ સ્લમ્સ ઑફ પોલિટિક્સમાંથી આવવું રહે છે, કંઇક એવું. ગુજરાતમાં જેપી આંદોલનનો ઝંડો (અને ઝાડુ) સાહનાર બૌદ્ધિકોને એક તબક્કે કિમલોપે અસંતુષ્ટ બૌદ્ધિકો(ડિસગ્રન્ટલ્ડ ઇન્ટેલેક્યુઅલ્સ)નું માન આપ્યું હતું. ભલા ભાઈ, કોણ સમજાવે એમને કે સંતુષ્ટ ભુંડ થવા કરતાં અસંતુષ્ટ સોક્રેટીસ થવું સારું. એવૉર્ડ વાપસી વખતે ભા.જ.પ. શ્રેષ્ઠીઓની પ્રતિક્રિયા આ જ કિમલોપી તરજ પર હતી તે તરત સાંભરશે.

યોગેન્દ્ર યાદવ અને પ્રશાન્ત ભૂષણ જેવાઓ, સ્વરાજ અભિયાનના હાલના દોર સહિત લાંબી પૂર્વકામગીરી સાથે લોકપરક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે ઉભર્યા છે, એમાંથી સોડાતું ઍક્ટિવિઝમ ખસૂસ સરાહનીય છે. પણ આપના કેજરીવાલ-સિસોદિયાને આ દૂઝતી ગાયના પાટુ ખમવાનો વિવેક પોતાની ગરજે સમજાઇ રહ્યો હોત તો રાજકીય વિકલ્પનાં બળો વચ્ચે વૈકલ્પિક રાજનીતિના સાર્થક હસ્તક્ષેપની એની ભૂમિકા ઓર ઉચકાત. પંજાબમાં એની જે આગેકૂચ સમજાય છે તે બિહારની નીતીશ અને ઉત્તર પ્રદેશની અખિલેશ કરતાં કંઇક જમાતજુદી લાગે છે, પણ તત્ત્વત: તેણે ઘણું કરવાનું રહે છે જે કેજરીવાલ-સિસોદિયા વલણો જોતાં શક્ય જણાતું નથી.

ગમે તેમ પણ, સર્વાંગસક્ષમ સૂચિત પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલની રાહમાં, સ્થળ પરના નાનામોટા સૌએ પ્રવાહ પ્રાપ્ત પડકારને ભાગ્યે જ રેઢા મૂકવાના વખતે અડવા જેવી આળ-ઓળખનો ભય વહોરીને પણ એણે તો જટાયું કે કાસાબિએન્કા થવું રહ્યું. જેમ બિનકૉંગ્રેસવાદ તેમ બિનભાજપવાદનું લૉજિક સ્વીકાર્યા પછી પણ આરતભરી પુકાર તો પેલા ડિસગ્રન્ટલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ અને ડિસગ્રેન્ટલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલની જ રહેવાની. 2017 માર્ચના પહેલાબીજા અઠવાડિયામાં આ લખતી વેળાએ થતું તીવ્ર સ્મરણ ચાલીસ વરસ પરના માર્ચ 1977ના દિવસોનું છે જ્યારે બિનકૉંગ્રેસવાદે યશસ્વી બની લોકશાહીની પુન:પ્રતિષ્ઠાનો પથ પ્રશસ્ત કર્યો હતો …

ચલના જીવન કી કહાની, રુકના મોતકી નિશાની!

લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘શાસકીય પ્રતિક્રિયા’, “દિવ્ય ભાસ્કર”, 11 માર્ચ 2017

Loading

પૈડાંવાળી ખુરશીને સહારે જીવતા પ્રોફેસરને માઓવાદીઓ સાથેના કાવતરા માટે આજીવન કેદની સજા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 March 2017

ડૉક્ટર વિનાયક સેન, કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા, કબીર કલા મંચના કલાકારો પછી હવે સાઈબાબા

નેવુ ટકા વિકલાંગતાને કારણે પૈડાંવાળી ખુરશી પર જીવતા દિલ્હી યુનિવર્સિટીની અધ્યાપક ડૉ.જી.એન. સાઈબાબાને પૂર્વ મહારાષ્ટ્રના અંતરિયાળ ગડચિરોલી જિલ્લાની કોર્ટે બુધવારે જનમટીપની સજા ફટકારી. છત્તીસગઢમાં સરકારે અપનાવેલી જનવિરોધી નીતિઓ સામે અવાજ ઊઠાવનાર આ અધ્યાપક પર રાષ્ટ્રવિરોધી માઓવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગુનેગાર ગણવામાં આવ્યા છે. તેમની સાથે આ સજા પામનાર બીજા ચાર જણ છે – જનવાદી કલાકાર અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી હેમ મિશ્રા, કર્મશીલ પત્રકાર પ્રશાન્ત રાહી, સ્થાનિક આદિવાસી ખેડૂતો મહેશ તિર્કી અને પાંડુ નરોટે. છત્તીસગઢના આદિવાસી મજૂર વિજય તિર્કીને દસ વર્ષની સખ્ત મજૂરીની સજા ફરમાવવામાં આવી છે.

આ બધાને મુખ્યત્વે અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ (યુ.એ.પી.એ.) હેઠળ સજા કરવામાં આવી છે. આ જ કાનૂન હેઠળ નક્ષલવાદીઓ સાથે સંડોવણીના આરોપસર 2007ના મે મહિનામાં છત્તીસગઢના રાયપુરમાં ડૉક્ટર વિનાયક સેનની ધરપકડ કરવામાં આવી હતી. વિનાયક સેન બે દાયકાથી દુર્ગમ વિસ્તારમાં આદિવાસીઓના તબીબ હતા. પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના કર્મશીલ તરીકે તે લોકજાગૃતિનાં કામ અને સરકારની આદિવાસીઓ અંગેની નીતિની તપાસમાં સામેલ હતા. દેશ અને દુનિયામાં સન્માનિત વિનાયક પર પર રાજદ્રોહનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમને સ્થાનિક અદાલતે ડિસેમ્બર 2010માં આજીવન કેદની સજા ફટકારી હતી, જે વડી અદાલતે ચાલુ રાખી હતી. તેમને 2011ના એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે જામીન આપ્યા હતા. મુંબઈના કર્મશીલ તેમ જ કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા પણ યાદ આવે. તેમની પર સુરક્ષાદળોએ  માઓવાદી આગેવાન હોવાને લગતા અગિયાર  આરોપ યુ.એ.પી.એ. હેઠળ કર્યા હતા. તેમણે પણ સાઈબાબાની જેમ નાગપુર જેઈલની ભયંકર અંડા સેલમાં પાંચ વર્ષ વીતાવ્યાં હતા. મુંબઈની વડી અદાલતે 2014ના ફેબ્રુઆરીમાં અરુણને સંપૂર્ણ નિર્દોષ જાહેર કર્યા. યુ.એ.પી.એ. હેઠળ કબીર કલા મંચના શીતલ સાઠે અને સચિન માળી સહિતનાં કલાકારો પર રાજ્યના જુલમ અને અદાલતના જામીનની અલગ દાસ્તાન છે.

પચાસ વર્ષના અધ્યાપક સાઈબાબા પરના સિતમનું મૂળ મનમોહન સિંગની સરકાર વખતે  ‘ઑપરેશન ગ્રીન હન્ટ’ના નામે માઓવાદીઓની સામે 2009 જે જંગ છેડ્યો તેના તેમણે કરેલા વિરોધમાં છે. બીજા ઘણા કર્મશીલોની જેમ સાઈબાબા પણ માને છે ઑપરેશન ગ્રીન હન્ટ અને સાલવા જુડુમની નીતિ કૉર્પોરેટ કંપનીઓને જમીન આપવાનો ઇન્કાર કરનાર આદિવાસીઓને ખતમ કરવાનો પેંતરો છે. એટલે આ પ્રોફેસરે અનેક શહેરોમાં ઑપરેશન ગ્રીન હન્ટના વિરોધ માટેના કાર્યક્રમો  યોજવામાં મદદ કરી. તેના પછી તેમની તાવણી શરૂ થઈ.

બારમી સપ્ટેમ્બર 2013ના દિવસે પચાસેક હથિયારધારી પોલીસે તેમના ઘર પર છાપો માર્યો. તેમની પાસે ગડચિરોલી જિલ્લાના અહેરી ગામમાં થયેલી ચોરીની તપાસ માટેનું વોરન્ટ હતું. પોલીસે લૅપ ટૉપ, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવ્ઝ લઈ લીધાં. પાસ વર્ડ લઈને બધું વાંચ્યું. નવ જાન્યુઆરીએ 2014ના રોજ પોલીસે તેમના ઘરે જ તેમની કલાકો સુધી પૂછપરછ કરી. અંતે નવમી મે 2014એ રસ્તામાંથી અપહરણ કરવામાં આવે તે રીતે, અથવા કોઈ આતંકવાદીને ચીલઝડપે ઝભે કરવામાં આવે તેમ, સાઈબાબાની ધરપકડ કરી. તેમની ઉપર માઓવાદીઓની સાથે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો.  એ જ રાત્રે તેમને વિમાનમાં નાગપુર અને ત્યાંથી પછી સેંકડો પોલીસોની ફોજ સાથે રોડ માર્ગે આહેરી લઈને પાછા નાગપુરની જેલના ભયંકર અંડા સેલમાં નાખવામાં આવ્યા. આ બધા ગાળામાં વ્હીલચેરને પુષ્કળ નુકસાન થયું. વ્હીલચેર વિના તેમને લઈ જવામાં આવતા અને આધાર વિના હલચલન કરવામાં તેમની કરોડરજ્જુને ભારે ઇજા પહોંચી.

લોકની વાત લઈને ભણવા-ભણાવવામાં ડૂબેલા રહેતા અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક સાઈબાબા  2014ના મે મહિનાથી કથળતી તબિયત સાથે નાગપુરની જેલમાં સબડ્યા. તેમને ખતરનાક ગુનેગારો માટેની હવા-ઉજાસ વિનાના અંડા સેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમની મદદ માટે કોઈ ન હતું. તેમને ચોપગા થઈને ઘસડાતા ઘસડાતા ટૉઇલેટ માટે જવું પડતું. તેમની કરોડરજ્જુ ખલાસ થવા લાગી હતી. જમણો હાથ તો ક્યારનો ય નકામો થઈ ચૂક્યો છે. અપંગ કેદીઓ માટેની જોગવાઈનો લાભ તેમને આપવાનો જેલના સત્તાવાળાએ ઇન્કાર કર્યો હતો. જેલ ડૉક્ટરે ઍન્જિઓપ્લાસ્ટીની જરૂરિયાત જણાવી હતી. તેમનાં મૂત્રાશય અને પિત્તાશયમાં પથરીઓ થઈ.  સ્થાનિક અદાલતે તેમની જામીન અરજી ત્રણ વખત નામંજૂર કર્યા પછી ત્રીસ જુલાઈ 2015ના રોજ મુંબઈની વડી અદાલતે તેમને જામીન આપ્યા. અદાલતે જણાવ્યું કે આવી હાલતમાં સાઈબાબાને જામીન નકારવામાં અદાલત એમના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે. જેલમાં  તેમણે ગાલિબ અને ફૈજ પહેલી વાર તેમ જ  માર્ક્સ અને લેનિન ફરીથી વાંચ્યા. 

સાઈબાબા આંધ્રના અમલપુર જિલ્લાના નાના ગામના ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મેલા અને સફાઈકામદારોના વિસ્તારમાં ઉછરેલા છે. નાનકડી જમીન પણ તેમના સંપૂર્ણ અભણ પિતાએ દેવા હેઠળ વેચી દેવી પડી હતી. તેમના ઘરે વીજળી ન હતી. સાઈબાબાએ પાંચ વર્ષની ઉંમરે  પોલિયોને કારણે પગ ગુમાવ્યા. વ્હીલચેર તો તે પચીસ વર્ષની ઉંમરે દિલ્હી પહોંચ્યા પછી વસાવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તે ગામની શાળામાં શિષ્યવૃત્તિઓ પર ભણ્યા. પૂર્વ ગોદાવરી જિલ્લાની કૉલેજમાં તે વિદ્યાર્થી સંગઠનમાં પણ જોડાયા. હૈદરાબાદમાં એમ.એ.ના અભ્યાસ માટેની ફી તેમનાં પત્નીએ ચૂકવી. વસંથા દસમા ધોરણથી તેમનાં પ્રેમિકા હતાં.

કૉલેજનાં બધાં વર્ષોમાં તેમણે ગદર, જન નાટ્યમંડળી અને સામાજિક નિસબત ધરાવતા લેખકો-બૌદ્ધિકોના પ્રભાવ હેઠળ ચાલતા ઑલ ઇન્ડિયા પિપલ્સ રેઝિસ્ટન્સ ફોરમની કામગીરી પણ હાથ ધરી. કેટલાક સમય પછી તેના મહામંત્રી તરીકેની જવાબદારી સ્વીકારીને પત્ની વસંથા અને દીકરી મંજિરાને હૈદરાબાદમાં મૂકીને દિલ્હી ગયા. પાટનગરમાં તેમની પ્રવૃત્તિ ઘણી વિસ્તરી. વૈશ્વિકરણ, નવસામ્રાજ્યવાદ, જાતિવાદ સામેની લડતોમાં તે જોડાતા રહ્યા. ઝારખંડ, આસામ, મણિપુર અને કાશ્મીરમાં માનવધિકારોના પ્રશ્ને રચાતી નાગરિક તપાસ સમિતિઓ સાથે પણ તે સંકળાતા રહ્યા.  અભ્યાસ તરફ પણ ધ્યાન આપીને તે 2003માં રામ લાલ આનંદ કૉલેજમાં અધ્યાપક બન્યા. સાઈબાબા ક્યારે ય વર્ગ પડતો ન મૂકતા, તે ક્યારે ય મોડા ન પડતા. સાઈબાબા સાહિત્યને સોશ્યો-પૉલિટિકલ દૃષ્ટિબિંદુથી જુએ છે. તેમણે સાહિત્યમાં વંચિતો તરફની વિમુખતા વિશે લખ્યું છે. કબીર અને જનવાદી તમિલ કવિઓ પર તેમણે કામ કર્યું છે.

દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક તરીકે તે વિદ્યાર્થી-વિરોધી શૈક્ષણિક સુધારા તેમ જ આપખુદશાહી સામે લડતા રહ્યા છે. અપંગ અધ્યાપક માટેની જોગવાઈના હેઠળ યુનિવર્સિટી પરિસરમાં મળેલું ઘર છોડવા માટે દબાણ પણ આવતું રહ્યું છે. અદાલત તેમને ગુનેગાર ઠેરવે તે પહેલાં કૉલેજે તેમને સસ્પેન્ડ કર્યા હતા. કૉલેજમાં તેમની પર હુમલા પણ થયા હતા. અલબત્ત અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંગઠનો તેમની સાથે પણ રહ્યા છે. તેમને છોડાવવા માટેની સમિતિ પણ રચાઈ છે. સાઈબાબાના ભાઈ ઉપરાંત તેમની પાછળ અડીખમ ઊભાં રહેનારાં પત્ની વસંથાએ ચૂકાદા પછી કહ્યું: ‘ઈસ ફાસિસ્ટ ગવર્નમેન્ટ ને હમારે સાથ ઐસા કિયા કી હમારી આંખમેં આંસુ નહીં આ રહે હૈ, આગ આ રહી હૈ.’

09 માર્ચ 2017

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 માર્ચ 2017

Loading

નારીમુક્તિની જલતી મશાલો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 March 2017

દેશની સ્ત્રીઓ માટે આખરી મંઝિલ, માત્ર પિતા-પતિ કે પુત્રના નહીં, આ દેશના ખળાનો અડધો ભાગ જ હોઈ શકે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ[08 માર્ચ]ની વળતી સવારે પણ દેશજનતાના દિલોદિમાગમાં ગુરમેહર કૌર છવાયેલાં છે. સ્ત્રીશક્તિ અને તેના અપ્રતિમ સાહસનું એ તાજંુ ઉદાહરણ છે. આ પંજાબી કન્યાએ ડર્યા અને ડગ્યા વિના કામચલાઉ ઘરખૂણો પાળ્યો છે ત્યારે એક બીજી પંજાબી કન્યાનું સ્મરણ થાય છે. ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ અમદાવાદના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં સંગ્રહિત ગાંધીજીને સંબોધીને લખાયેલા એક પત્રનો હવાલો આપી તાજેતરમાં એક લેખ લખ્યો છે. પંજાબની એક કૉલેજકન્યાએ યુવાનો દ્વારા થતી છેડતી અને સતામણી અંગે ગાંધીજીનું માર્ગદર્શન માગ્યું હતું. જવાબમાં ગાંધીજીએ 31મી ડિસેમ્બર, 1938ના ‘હરિજન’ પત્રમાં ‘વિદ્યાર્થિનીઓની શરમ’ શીર્ષક હેઠળના લેખમાં, પુરુષો દ્વારા ‘સ્ત્રીઓની છેડતી ભારતમાં વધી રહી’ હોવાનું સ્વીકારી, ‘આવા તમામ કિસ્સા, દોષીઓના નામ સાથે જાહેર કરવા’ પીડિત યુવતીઓને જણાવ્યું હતું. યુવતીઓને આત્મરક્ષણની સામાન્ય કલા શીખવા સાથે અનુચિત વ્યવહારનો જોરદાર વિરોધ કરવા પણ મહાત્માજીએ સલાહ આપી હતી.

આ જ પત્રમાં સ્ત્રીમુક્તિના મોટા પુરસ્કર્તા અને આઝાદી આંદોલનમાં સ્ત્રીઓને મોટી સંખ્યામાં જોડનાર ગાંધીજીએ મહિલાઓના પહેરવેશ સંદર્ભે ટિપ્પણી કરતાં લખ્યું હતું, ‘મને એ વાત ચિંતિત કરે છે કે જ્યારે એક આધુનિક યુવતી અડધો ડઝન રોમિયોની જુલિયેટ બનવાનું પસંદ કરે છે. તેને રોમાંચ પસંદ છે. આધુનિક યુવતીઓ એવાં કપડાં પહેરે છે, જે ટાઢ, તડકો કે વરસાદ સામે તેને રક્ષણ આપતા નથી, પણ આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવે છે.’ આ બાબતનો જોરદાર વિરોધ કરતો એક પત્ર ગાંધીજીને કલકતાની 11 યુવતીઓએ લખ્યો હતો. ‘પરમ પૂજ્ય મહાત્માજી’ને સંબોધીને લખાયેલા આ પત્રમાં તેમણે ગાંધીજીની સલાહને ‘ઉત્સાહવર્ધક નહીં’ લેખીને તેમણે ‘સ્ત્રીઓના માથે સઘળો દોષ ઢોળી દીધા’નો વિરોધ કરી જણાવ્યું હતું કે, ‘ખરેખર તો તે (સ્ત્રીઓ) જ દ્વેષપૂર્ણ સામાજિક પરંપરાનો વધુ શિકાર બને છે. ‘પોતાના મનમરજીનાં કપડાં પહેરવાના હકનો બચાવ કરીને સ્ત્રીના પોષાકને જે દૃષ્ટિએ ગાંધીજી જોતાં હતા તેને ‘સમગ્ર મહિલા બિરાદરીનું અપમાન’ ગણાવ્યું હતું.

1939માં કોલકાતાની 11 અનામી પત્રલેખિકાઓએ ગાંધીજીને પડકાર્યા હોય, તે દેશમાં 2017માં ગુરમેહરનું હોવું આશ્વસ્ત કરે છે. જો કે, જે પ્રકારની પિતૃસત્તાક સમાજવ્યવસ્થા દેશમાં વ્યાપ્ત છે, તેની સામે નારીમુક્તિની મશાલ જલતી રહે છે તેમાં નામીની જેમ ગુમનામ સ્ત્રીઓનો પણ સિંહફાળો છે.

દેશમાં સ્ત્રીઓ અને દલિતો માટે શિક્ષણના દ્વાર ખોલનાર જોતીરાવ ફુલે અને સાવિત્રી ફુલે નિ:શંક પ્રથમ હતાં. પરંતુ જોતીરાવનો ઉછેર કરનાર અને તેમને અંગ્રેજી શિક્ષણ અપાવનાર એમનાં બાળવિધવા માસી સુગનાબાઈ હતાં. આ જ સુગનાબાઈએ 1846માં અસ્પૃશ્યો માટે પહેલી નિશાળ ખોલી હતી, જે છ મહિના પછી બંધ પડેલી. ડાબેરી લેખક-પત્રકાર સુભાષ ગાતાડેએ ફુલેદંપતીને પહેલી શાળા શરૂ કરવામાં ફાતિમા શેખ નામક મુસ્લિમ મહિલાએ મદદ કર્યાંનું અને ઇતિહાસના આ ગુમનામ પાત્ર વિશે વધુ ખણખોદ કરવા લખ્યું છે. ઇતિહાસકાર મકરન્દ મહેતાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 1930ના નાસિકના કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સ્ત્રીઓની મોખરાની ભૂમિકા આલેખી, રામનવમીના દિવસે સત્યાગ્રહ લોહિયાળ બન્યો અને પ્રવેશબંધી થઈ ત્યારે અજાણી અસ્પૃશ્ય મહિલાએ જ મંદિરના પૂજારીને જોશભેર લાફો માર્યાનું નોંધ્યું જ છેને?

ગુરમેહરથી અનેક નામીઅનામી સ્ત્રીઓના આવા અપવાદરૂપ સાહસની કથાઓ વચ્ચે સ્ત્રીઓ જીવન જીવ્યે રાખે છે. જે પિતૃસત્તાક સમાજમાં તે શ્વસે છે તેની બહાર વિચારવું તેને માટે લગભગ અશક્ય છે. દલિત કર્મશીલ માર્ટિન મેકવાને ગુજરાતમાં જ્યાંથી પહેલી વાર માથે મેલું પ્રથાની ભાળ મળેલી તે અમદાવાદ જિલ્લાના રાણપુરનો અનુભવ લખ્યો છે. સફાઈકામ કે માથે મેલુંના વિકલ્પમાં રોજગારીની ચર્ચાની માથાપચ્ચીમાં ભાગ્યે જ કોઈ ઝાડુની બહાર વિચારતા હોવાનો માર્ટિનભાઈને અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે એક યુવતીને બ્લાઉઝ પીસ વેચવાની વાત સૂઝેલી! અને એની આ વાત પર ફળિયાના લોકો ઉકળી પડેલા.

પણ આજે ન માત્ર રાણપુરની વાલ્મીકિ સ્ત્રીઓ, બલ્કે દેશ આખાની સ્ત્રીઓ બદલાઈ છે. તે નવા જમાનાને અનુરૂપ વિચારે છે, આચરે છે. તાજમહેલની નગરી આગ્રામાં છેલ્લાં બે-ત્રણ વરસથી એસિડએટેકનો ભોગ બનેલી મહિલાઓ ‘શીરોજ હૅંગ આઉટ’ નામનું કૅફે ચલાવે છે. આ તેજાબપીડિતાઓ પોતાના બદસૂરત બદનનો બોજ ચૂપચાપ વેંઢારીને જીવવાને બદલે સ્વમાનનું જીવન જીવે છે. આગ્રાના તાજ વ્યૂ ચૌરાહે આવેલી આ કૅફે નીતુ, રિતુ, ડોલી, રૂપા, અંશુ જેવી એસિડપીડિતાઓ સંભાળે છે. આ તેમનું પુનર્વસન કેન્દ્ર નથી, પણ તેમના આત્મવિશ્વાસ અને સ્વમાનનું પ્રતીક છે. એટલે કૅફેના મેનુની વાનગીઓમાં કોઈ ભાવ લખવામાં આવતા નથી. તેની દીવાલો લલિત કલા એકેડેમીના વિદ્યાર્થીઓનાં ચિત્રોથી કંડારાઈ છે. ત્યાં લાઈબ્રેરી, બૂટિક અને ક્રાફ્ટ સેક્શન પણ છે. આ કૅફેનું નામ ‘હીરો’ની જેમ ‘શીરોજ’ રાખ્યું છે. તાજની નગરીનું આ અનોખું કૅફે ભારતીય નારીના દેવહુમાકરણનું, સ્વાભિમાનનું પણ પ્રતીક છે.

જૉબલેસ ગ્રોથના વર્તમાન માહોલમાં સ્ત્રીઓના ઘરકામની કોઈ કિંમત નથી. પુરુષોને મન તે બેઠાખાઉં કે રોટલાખાઉં માત્ર છે. વાસ્તવિકતા એ છે કે સ્ત્રીના શ્રમ પર જ સમાજ ઊભો છે. સ્ત્રી કાયમ બહેતર રોજગારની તલાશમાં હોય છે. જ્યારે તે કોઈ નવું કામ શોધી કાઢે છે, ત્યારે આરંભે જાત-જમાતનો ડારો દઈ તેને હલકું, નકામું કે ઉતરતું ગણી સ્ત્રીને તોડી પડાય છે. નીતીશકુમારના બિહારની મહાદલિત મહિલાઓના એક વૃંદ ‘સંગમ બૅન્ડ’ની આજકાલ પટણામાં ધૂમ છે. જ્યારે ખેતમજૂરી સંકોચાઈ અને બે છેડા ભેગા કરવા મુશ્કેલ પડવા લાગ્યા, તો પટણા નજીકના દાનાપુર તાલુકાના ઢીંબરા ગામની બારેક દલિત મહિલાઓએ મળીને સંગમ બૅન્ડની રચના કરી. 

મહિલા કર્મશીલ સુધા વર્ગીસની સહાય અને તાલીમ મળ્યાં. એટલે 65 વરસનાં ચિત્રલેખાદેવી, 60 વરસનાં સાવિત્રીદેવી સહિતની મધ્ય અને યુવા વયની આ મહિલાઓએ ઢોલ-નગારાં હાથમાં લીધાં. પતિ અને મોટેરાંઓને આ કામ ન ગમ્યું. મારપીટ ને ઉપેક્ષા પણ થઈ, છતાં તે અડગ રહી કામને વળગી રહ્યાં. પરંપરાગત જાતિગત કામને જાકારો દીધો ને નવો રોજગાર મેળવ્યો. આજે તે એક કાર્યક્રમના દશ હજાર રૂપિયા રળે છે. પૈસા અને પ્રતિષ્ઠા બેઉ રીતે આ કામ સારું છે એટલે પુરુષોને તે ગમવા લાગ્યું છે.

‘શીરોજ હૅંગ આઉટ’ અને ‘સંગમ બૅન્ડ’ તો આ દેશની મહિલાઓ માટે એક પડાવ છે. જો કે, ગુલાબી, પીળી અને કાળી ગેંગનાં કારનામા કરતાં આ બહેતર છે, પણ એમની આખરી મંઝિલ, માત્ર પિતા-પતિ કે પુત્રના નહીં, આ દેશના ખળાનો અડધો ભાગ જ હોઈ શકે. અડધી આબાદી માટે આ જરાય વધારે પડતું નથી.

લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘આખરી મંઝિલ’, “દિવ્ય ભાસ્કર”, 09 માર્ચ 2017

Loading

...102030...3,4283,4293,4303,431...3,4403,4503,460...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved