Opinion Magazine
Number of visits: 9767886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આલ્ફોન્સોની ‘આફૂસ’થી ‘હાફૂસ’ સુધીની સફર

વિશાલ શાહ|Opinion - Opinion|15 June 2017

દેશમાં કેરી પકવતા રાજ્યોની વાત આવે એટલે બધા જ રાજ્યોની વાત થાય છે, પરંતુ ગોવાની વાત ક્યારે ય નથી થતી. વિશ્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાથી પણ વધારે છે, જ્યારે ભારતના કુલ કેરી ઉત્પાદનમાં ૨૪ ટકા સાથે સૌથી વધુ હિસ્સો ઉત્તરપ્રદેશનો છે. એ પછી આંધ્રપ્રદેશ (૨૨.૧૪) કર્ણાટક (૧૧.૭૧), બિહાર (૮.૭૯), ગુજરાત (૬) અને તમિલનાડુ (૫.૦૯)નો નંબર આવે છે પણ ગોવાનું ક્યાં ય નામ નથી કારણ કે, દેશના કુલ કેરી ઉત્પાદનમાં તેનો હિસ્સો પાંચ ટકાથી પણ ઓછો છે! જો કે, ગોવામાં ભલે કેરીનો ટનબંધ પાક નથી ઉતરતો પણ પશ્ચિમ ઘાટના નકશામાં 'પાતળી લીટી' જેવા આ રાજ્યમાં ૧૦૦થી પણ વધારે જાતની કેરી પાકે છે. દેશની સૌથી મીઠી, રસાળ, સુગંધીદાર, મોંઘી અને સૌથી વધારે નિકાસ થતી કેરી આલ્ફોન્સો એટલે કે હાફૂસ પણ ગોવાની જ વતની છે.

ગુજરાતમાં કેરીની સિઝનમાં છાપા, ટીવી અને રસ્તા પર ઠેર ઠેર જાહેરખબરો જોવા મળે છે કે, સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર અને હાફૂસ કેરી અહીં મળે છે. ગુજરાતમાં પણ હાફૂસ, રાજાપુરી, વનરાજ, નીલમ, જમાદાર, નીલમ, દશેહરી અને લંગરા જેવી કેરીનો પાક લેવાય છે પણ ગુજરાતની એક્સક્લુસિવ કેરી ફક્ત કેસર છે, બીજી એકે ય નહીં. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંચાલિત ચેન્નાઈની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન રજિસ્ટ્રીએ ૨૦૧૧માં 'ગીર કેસર'ને 'જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ' આપ્યું હતું. કોઈ સ્થળ સાથે જોડાયેલી એક્સક્લુસિવ ચીજવસ્તુને જીઆઈ ટેગ અપાય છે. જેમ કે, પાટણના પટોળા અને દાર્જિલિંગની ચા. કેસર પણ ગીરની એક્સક્લુસિવ પ્રોડક્ટ છે એટલે તેને પણ જીઆઈ ટેગ મળ્યું છે. વર્ષ ૧૯૩૧માં જૂનાગઢના વજીર સાલેભાઈએ ગિરનારની તળેટીમાં આવેલા લાલ દૂરી ફાર્મમાં ૭૫ આંબા કલમ કર્યા હતા. આ આંબાની ત્રણેક વર્ષ લાડકા બાળકની જેમ માવજત કરાઈ અને ૧૯૩૪માં તેના પર ફળ પણ આવી ગયા. આ કેરી સૌથી પહેલાં જૂનાગઢના નવાબ રસૂલ ખાનજીને મોકલાઈ. આ કેરીના સ્વાદ, સુગંધ અને રંગથી પ્રભાવિત થઈને નવાબ બોલ્યા કે, આ તો કેસર છે. બસ, ત્યારથી એ કેરી 'ગીર કેસર' તરીકે ઓળખાય છે.

ગીરની અસલી કેસર

હાલ જૂનાગઢ અને અમરેલીના કુલ ૨૦ હજાર હેક્ટરમાં કેસરનો પાક લેવાય છે, પરંતુ એક સમયે ગીર અભયારણ્યની આસપાસ પાકતી કેરી જ 'ગીર કેસર' ગણાતી. કેસર ગુજરાતની છે એ તો જાણીતી વાત છે પણ હાફૂસ એ પોર્ટુગીઝોની દેન છે. નેશનલ હોર્ટિકલ્ચરના બોર્ડની વેબસાઈટ પર પણ હાફૂસ પકવતા રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુનું નામ નોંધાયેલું છે પણ ગોવાનો ઉલ્લેખ નથી. આ વર્ષે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં અને દેવગઢ તાલુકામાં પાકતી હાફૂસને પણ જીઆઈ ટેગ અપાયું. દેશમાં સૌથી વધારે જીઆઈ ટેગ પણ કેરીને જ મળેલા છે કારણ કે, કેરી પ્રાદેશિક અભિમાન સાથે જોડાયેલું ફળ છે. જેમ કે, મહારાષ્ટ્રની મરાઠાવાડા કેસર, ઉત્તરપ્રદેશની મલિહાબાદી દશેહરી, કર્ણાટકની એપ્પેમિડી, આંધ્રપ્રદેશની બાંગ્લાપલ્લી તેમ જ પશ્ચિમ બંગાળની લક્ષ્મણ ભોગ, હિમસાગર અને ફઝલી એમ ત્રણ જાતની કેરીને જીઆઈ ટેગ અપાયા છે. એટલે કે, આ બધી જ કેરીની જેમ રત્નાગિરી અને દેવગઢનું નામ પણ હાફૂસ  સાથે જોડાઈ ગયું અને ગોવા રહી ગયું.

આલ્ફોન્સો કેરીનું નામ જ પોર્ટુગલના લશ્કરી સેનાપતિ આફોસો દ અલ્બુકર્કના નામ પરથી પડ્યું છે. સમયાંતરે 'આલ્ફોન્સો' અપભ્રંશ થઈને હાફૂસ થઈ ગયું. આ હાફૂસ પણ અપભ્રંશ શબ્દ છે. સાર્થ જોડણીકોશ અને ભગવદ્ગોમંડળમાં 'આફૂસ' શબ્દ છે, 'હાફૂસ' નહીં. આ બંને ગ્રંથમાં 'આફૂસ' શબ્દની વ્યુત્પત્તિ આલ્ફોન્સો પરથી થઈ હોવાની નોંધ છે. ભગવદ્ગોમંડળમાં નોંધ્યા પ્રમાણે, પોર્ટુગલનો ઓલ્ફોન્સો નામનો વહાણવટી બ્રાઝિલમાંથી આંબાની કલમ હિંદુસ્તાનમાં લાવ્યો હતો, તે જાતના કલમી આંબા અને તેની કેરી આલ્ફોન્સો કહેવાય છે … આફૂસનો એક બીજો પણ અર્થ થાય છે, મુરતિયાની અછત. હાફૂસ શબ્દનો ઉચ્ચાર અને અર્થ મરાઠી અને ગુજરાતી ભાષામાં આવ્યો એ પછી બદલાઈ ગયો. પણ આ બંને ભાષામાં આલ્ફોન્સો શબ્દ આવ્યો કેવી રીતે? જરા વિગતે વાત કરીએ.

ફાઇબરલેસ આલ્ફોન્સો ઉર્ફે આફૂસ ઉર્ફે હાફૂસ

ભારતમાં તો હજારો વર્ષોથી કેરીઓ થતી જ હતી. રામાયણ, મહાભારતથી લઈને બૌદ્ધ-જૈન ગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં પણ કેરીના અનેક ઉલ્લેખો મળે છે. જો કે, આજની કેરીઓની અનેક જાતો સદીઓના જનીનિક ફેરફારો પછી પેદા થઈ છે. પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાના સેનાપતિ આફોસો દ અલ્બુકર્કે ઈ.સ. ૧૫૧૦માં ગોવામાં શાસન સ્થાપ્યું ત્યારથી ભારતમાં દેશી કેરીઓ સાથેના જનીનિક ફેરફારો શરૂ થયા. પોર્ટુગીઝોના શાસનકાળમાં ભારત અને યુરોપનું સાંસ્કૃિતક આદાનપ્રદાન શરૂ થયું. પોર્ટુગીઝોએ વનસ્પતિ શાસ્ત્રમાં સારું એવું કાઠું કાઢ્યું હતું અને તેમના થકી જ ભારતમાં યુરોપિયન આંબા તેમ જ આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી. ઈ.સ. ૧૫૬૩માં પોર્ટુગીઝ-યહૂદી રસાયણશાસ્ત્રી ગાર્સિયા દ ઓર્ટાએ પણ ભારતની મુલાકાત લીધી. ઓર્ટા ઇતિહાસમાં તબીબ, પ્રકૃતિશાસ્ત્રી અને ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) દવાઓના પિતામહ તરીકે ઓળખાય છે. દવાઓનું સંશોધન કરવાના હેતુથી ઓર્ટાએ ઉષ્ણકટિબંધીય ફળો પર ઊંડુ સંશોધન કર્યું હતું. કેરી અંગે ઓર્ટાએ લખ્યું હતું કે, યુરોપનાં બધાં જ ફળો કરતાં કેરી ચડિયાતી છે … ઈ.સ. ૧૮૫૫માં પોર્ટુગીઝોએ ઓર્ટાની યાદમાં ગોવાના પણજીમાં ભવ્ય બગીચો બંધાવ્યો હતો, જે આજે પણજી મ્યુિનસિપલ ગાર્ડન તરીકે વધારે જાણીતો છે.

પોર્ટુગલોના શાસનને પગલે ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં યુરોપિયન સંસ્કૃિત વિકસી રહી હતી. આ દરમિયાન ઈ.સ. ૧૫૫૬માં મોગલ વંશના રાજા અકબરે રાજગાદી સંભાળી. અકબર પણ કેરીનો રસિયો હતો અને તે જાણતો હતો કે, પોર્ટુગીઝોએ જાતભાતના ફળોનો પાક લેવામાં મહારત હાંસલ કરી છે. અકબરે પોતાના દરબારમાં પોર્ટુગીઝોને આવકાર્યા અને આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું. બિહારના દરભંગામાં અકબરે એક લાખ આંબા કલમ કરાવ્યા હતા, જે આજે લાખી બાગ તરીકે ઓળખાય છે. ત્યાર પછી ૧૬૨૮થી ૧૬૫૮ સુધી અકબરના પ્રપૌત્ર શાહજહાં(જહાંગીરનો પુત્ર)ના શાસનકાળમાં પણ કેરીની બોલબાબા રહી. શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યા સિવાય પણ એક મહત્ત્વનું કામ કર્યું હતું. શાહજહાંએ એ જમાનામાં મહારાષ્ટ્ર-ગોવાના ઉનાળુ ફળોને દિલ્હી સુધી લાવવા ખાસ ફાસ્ટ ટ્રેક રૂટ તૈયાર કરાવ્યો હતો.

આફોસો દ અલ્બુકર્ક (ક્લોક વાઈઝ), પોર્ટુગલની રાજધાની લિસ્બનની ઈન્સ્ટિટ્યુટ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન સેન્ટર બહાર ગાર્સિયા દ ઓર્ટાનું પૂતળું અને મોગલવંશનો ઈટાલિનય હકીમ નિકોલા માનુસી

મોગલ વંશના રાજાઓએ અનેક વિદેશી નિષ્ણાતોને પણ પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું, જેમાંના એક હતા નિકોલા માનુસી. મોગલ કાળમાં માનુસીએ તબીબ, ઈતિહાસકાર, લેખક અને સાહસિક પ્રવાસી તરીકે નામના મેળવી હતી. ઈ.સ. ૧૬૫૩માં માનુસીએ નોંધ્યું હતું કે, ''દુનિયાની શ્રેષ્ઠ કેરીઓ ગોવામાં પાકે છે. અહીંની કેરીઓને તેના રંગ, સુગંધ અને સ્વાદ પ્રમાણે જુદી પણ પડાય છે. મેં અહીંની અનેક કેરીઓ ખાધી છે, જેનો સ્વાદ યુરોપના પિચ, નાસપતિ અને સફરજન જેવો છે. આમાંની અનેક કેરીઓ તમે બ્રેડ સાથે કે બ્રેડ વગર ખાઈ શકો છો. જો કેરી વધુ ખાવાની ઈચ્છા હોય તો પણ કંઈ નુકસાન થતું નથી …'' આ રીતે અનેક યુરોપિયન પ્રવાસીઓ થકી ભારતીય કેરીઓ દુનિયાભરમાં જાણીતી થઈ. પોર્ટુગીઝો માટે ગોવાની કેરીને રાજકીય સાધન બની ગઈ હતી. પોર્ટુગીઝ અને મોગલ રાજાઓ, વેપારીઓ અને સેનાપતિઓ એકબીજાને કેરી મોકલાવીને કડવાશ દૂર કરતા. આજે ય ભારત-પાકિસ્તાનના રાજકારણીઓ એકબીજાને પોતપોતાના પ્રદેશની કેરીઓ મોકલાવે છે, જે પરંપરા આટલી જૂની છે.

મોગલોના કેરી પ્રેમના કારણે ઈ.સ. ૧૭૯૨ સુધી ગોવાની આલ્ફોન્સો કેરીની ઉત્તર ભારત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં આયાત શરૂ થઈ ગઈ હતી. જો કે, પૂણેમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ અધિકારીઓએ આલ્ફોન્સોની નિકાસને ગંભીરતાથી લીધી અને ગોવાના ગવર્નરને પત્ર લખીને જણાવ્યું કે, ગોવાની આલ્ફોન્સોનો સ્વાદ, સુગંધ અને રંગ જાળવી રાખવો હોય તો તેની બેફામ નિકાસ અટકવી જોઈએ. ગોવાની આલ્ફોન્સોનું મૂલ્ય જાળવી રાખવું હોય તો તેને દુર્લભ જ રહેવા દેવું જોઈએ … આ પ્રકારની ભલામણોની પોર્ટુગીઝો પર ધારી અસર થઈ અને નિકાસમાં રૂકાવટ આવી. એટલે આલ્ફાન્સો માટેનો જઠરાગ્નિ સંતોષવા પેશ્વાઓએ કોંકણમાં હજારો આલ્ફોન્સો આંબા કલમ કર્યા. કોંકણની આલ્ફોન્સો કેરીઓ સ્થાનિક વાતાવરણ અને કલમ પદ્ધતિના કારણે ગોવાની આલ્ફોન્સો કરતાં સ્હેજ અલગ પડી, પરંતુ આ કેરીઓ પણ સ્વાદિષ્ટ અને આલ્ફોન્સોની જેમ રેસાવિહિન (ફાઇબરલેસ) જ હતી. આ રીતે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના દરિયા કિનારાનો ૭૨૦ કિલોમીટર લાંબા કોંકણ પટ્ટામાં આલ્ફોન્સોનો પાક લેવાનું શરૂ થયું. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં પણ આલ્ફોન્સો વાયા કોંકણ પહોંચી. એ પછી આલ્ફોન્સો શબ્દ મરાઠી અને ગુજરાતી ભાષામાં પણ આવ્યો, પરંતુ સમયાંતરે અપભ્રંશ થઈને ‘આફૂસ’ અને 'હાફૂસ' થઈ ગયો.

આશ્ચર્યની વાત છે કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશા 'રસગુલ્લા તો અમે શોધ્યા' એવો દાવો કરીને જીઆઈ ટેગ મુદ્દે લડાઈ કરી શકે છે, પરંતુ મહારાષ્ટ્રના બે વિસ્તારને હાફૂસનું જીઆઈ ટેગ અપાયું હોવા છતાં ગોવાના લોકો પોતાની મસ્તીમાં ગૂલ છે. એનું કારણ કદાચ ગોવા પાસે હાફૂસ સિવાય પણ બીજી ૯૯ જાતની કેરીઓ છે, એ હોઈ શકે! ગોવા પાસે સ્વાદમાં બેજોડ એવી મોન્સેરેટ, માલકુરદા અને કોલેકો જેવી કેરીઓ છે. કોંકણી ભાષામાં મોન્સેરેટ મુસરત, માલકુરાડા માનકુરંદ અને કોલેકો કુલાસ થઈ ગઈ. જુદી જુદી ભાષા, લિપિ અને સંસ્કૃિત વચ્ચેના આદાનપ્રદાન પછી શબ્દોના ઉચ્ચાર અને અર્થ પણ બદલાઈ જતા હોય છે. ફર્નાન્ડિન, હિલારિયો, બિશોપ, ઝેવિયર અને મલગેશ પણ ગોવાની જાણીતી કેરીઓ છે. આ એકે ય કેરીને હાફૂસની જેમ ઓળખ ભૂંસાઈ જવાનો ખતરો નથી કારણ કે, આ કેરીઓને હાફૂસની જેમ હાઇબ્રિડ કરીને લાંબો સમય સુધી બગડે નહીં એવી રીતે પકવી શકાતી નથી. વેલ, ગોવા પાસે બિચ અને બિયર સિવાય પણ ઘણું બધું છે અને એ છે, તેનું ફૂડ કલ્ચર. યુરોપ સાથેના પ્રચંડ સાંસ્કૃિતક આદાનપ્રદાનને પગલે ગોવા ખાણીપીણીનો રસાળ ઇતિહાસ ધરાવે છે અને કેરીની તો વાત જ કંઈક ઓર છે!

—-

નોંધ : આ લેખ સાથે સંકળાયેલા બીજા કેટલાક રેફરન્સ ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ બ્લોગના લેબલ્સ અને હાયપર લિંક્સ પર વાંચવા મળશે.

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2017/06/blog-post_13.html

e.mail : vishnubharatiya@gmail.com

Loading

The New Cabinet

Patrick Blower|Opinion - Cartoon|14 June 2017

courtesy : "The Daily Telegraph", 14 June 2017

Loading

અમિત શાહ, ગાંધીજી ને કૉન્ગ્રેસ : આ ખેડૂત આંદોલન તરફથી ધ્યાન અન્યત્ર ખસેડવા માટેની ગુગલી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|12 June 2017

દર્શકો કંટાળીને NDTV તરફ વળી રહ્યા છે એ તેમની ચિંતા છે. અમિત શાહે નવી ગુગલી ફેંકીને નવો વિષય આપી દીધો છે. હવે ગોદમાં બેઠેલા ઍન્કરો ગળાં ફાડીને ઇન્ડિયા વૉન્ટ્સ ટુ નોનો મારો ચલાવશે. સાઇબર સેલ, ટ્રોલ અને વૅટ્સઍપના હૅન્ડલરો મેદાનમાં આવી જશે

BJPના અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે મહાત્મા ગાંધી ચતુર બનિયા હતા અને કૉન્ગ્રેસ તેમના માટે આઝાદી મેળવવા માટેનું સાધનમાત્ર હતું. તેમણે અંગ્રેજી વાક્યપ્રયોગ સ્પેશ્યલ પર્પઝ વેહિકલ (SPV)નો ઉપયોગ કર્યો હતો. આ આજકાલ ધંધામાં વપરાતી પરિભાષા છે. આજે રાજકારણ પણ ધંધો અને મૅનેજમેન્ટનો વિષય બની ગયું છે એટલે અમિત શાહને આવી પરિભાષા સૂઝે એમાં કોઈ આશ્ચર્ય નથી. એમાં આ દેશમાં નવું રાજકારણ દાખલ કરવામાં BJP અગ્રેસર છે. SPV એ તાત્કાલિક ઉદ્દેશ માટે રચવામાં આવતી કંપની હોય છે. ઉદ્દેશ બર આવી જાય એ પછી એ કંપનીનો ખપ રહેતો નથી. અનેક પ્રકારની શેલ કંપનીઓ પણ વિદેશમાં પૈસા પાર્ક કરવા માટે કે કાળાંનાં ધોળાં કરવા માટે રચવામાં આવે છે. કામ પતી ગયા પછી એને ભૂલી જવામાં આવે છે. આ આજના યુગનું બિઝનેસ-કલ્ચર છે.

ઉદાહરણ આપવું હોય તો ઇન્ફોટેલ બ્રૉડબૅન્ડ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીનું આપી શકાય. ૨૦૧૦ની ૨૩ મેએ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે નવેસરથી સમજૂતી થઈ હતી કે બન્ને ભાઈઓ એકબીજાની હરીફાઈ કરવી પડે એવા ધંધામાં પ્રવેશ કરી શકે છે. વિભાજન વખતે સમજૂતી એવી હતી કે બન્ને ભાઈઓ હરીફાઈ અને કડવાશ ટાળવા એવા ધંધામાં નહીં પ્રવેશે જ્યાં બેમાંથી કોઈ એક ભાઈ ઑલરેડી હોય. રિલાયન્સ ઇન્ફો અનિલ અંબાણીની છે એટલે જૂની સમજૂતી મુજબ મુકેશ અંબાણી ટેલિકમ્યુિનકેશનના ધંધામાં ન પ્રવેશી શકે. ૨૩ મેએ જૂની સમજૂતી ખતમ કરવામાં આવી હતી અને એ દ્વારા મુકેશ અંબાણી માટે ટેલિકૉમ-પ્રવેશ ખૂલી ગયો હતો.

૨૦૧૦ની ૨૪ મેએ (માર્ક ધ ડેટ. બીજા જ દિવસે) ટેલિકમ્યુિનકેશન વિભાગે ૪-Gના ઑક્શન માટે બિડ મગાવવા સાઇટ ઓપન કરી હતી. એમાં એક દાવેદાર કોઈ મહેન્દ્ર નાહટાની ઇન્ફોટેલ બ્રૉડબૅન્ડ સર્વિસિસ પણ હતી જેનો વાર્ષિક ધંધો ૧૮ લાખ રૂપિયાનો હતો અને કંપની પાસે માત્ર એક સબસ્ક્રાઇબર હતો. આ કંપની ભૂતકાળમાં ડિફૉલ્ટર સાબિત થઈ છે અને ૪-G માટે કંપનીએ બિડ કરી ત્યારે કાનૂની રીતે ફરજિયાત હોવાથી આ વિગતો આપી પણ હતી. ૧૧ જૂને ટેન્ડર ઓપન થાય છે અને તમને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે વરસે માત્ર ૧૮ લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીને ૧૨,૮૪૭.૭૭ કરોડ રૂપિયાનું લાઇસન્સ અલૉટ થયું હતું. વાર્ષિક ટર્નઓવર કરતાં ૭૧,૦૦૦ ગણી મોટી રકમનું લાઇસન્સ. ૪-Gનું લાઇસન્સ મળ્યા પછી એ જ દિવસે થોડા કલાકોમાં ઇન્ફોટેલ બ્રૉડબૅન્ડ સર્વિસિસ રિલાયન્સે ખરીદી લીધી હતી.

આ સોદામાં ઇન્ફોટેલ SPV હતી અથવા કહો કે શેલ કંપની હતી. જ્યારે પાછલે બારણેથી રિલાયન્સને ૪-Gનું લાઇસન્સ આપવામાં આવ્યું ત્યારે UPAની સરકાર હતી અને અત્યારના ટેલિકમ્યુિનકેશન ખાતાના પ્રધાન અને જાણીતા વકીલ રવિશંકર પ્રસાદ રિલાયન્સના વકીલોની પૅનલમાં હતા અને તેમને દર મહિને પૈસા મળતા હતા. અત્યારે તેમનો વકીલપુત્ર રિલાયન્સના લીગલ સેલની પૅનલમાં છે અને પગાર મેળવે છે.. શા માટે UPAકાલીન કૌભાંડોના કેસ દાખલ નથી કરાતા અને કરાય છે તો કેમ નથી ચાલતા એનો જવાબ મળી ગયો હશે. આ તો એક ઉદાહરણ છે. આવાં બીજાં સો ઉદાહરણ આપી શકાય એમ છે. અમિત શાહની જીભ પર SPVની જ ભાષા આવે એમાં કોઈ આશ્ચર્ય નથી.

ગાંધીજી ચતુર બનિયા જરૂર હતા, પણ નીચ બનિયા નહોતા. બીજું, કૉન્ગ્રેસની સ્થાપના ગાંધીજી ૧૬ વરસના હતા ત્યારે થઈ હતી એટલે કૉન્ગ્રેસની સ્થાપનામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. જો કે આ લેખ અમિત શાહ પાસેથી ઇતિહાસનું જ્ઞાન પામવા માટે કે એને પડકારવા માટે નથી લખવામાં આવ્યો. આ લેખ ચેતવણી આપવા માટે લખવામાં આવ્યો છે. અમિત શાહનો ઉદ્દેશ ખેડૂતોના આંદોલનથી ધ્યાન અન્યત્ર દોરવાનો છે. કેટલા દિવસ ઑક્યુપાઇડ ન્યુઝરૂમ સૈનિકોનું સન્માન, પાકિસ્તાનની બેશરમી, કાશ્મીરીઓનો દેશદ્રોહની ચર્ચા કરતા રહે? દર્શકો કંટાળીને NDTV તરફ વળી રહ્યા છે એ તેમની ચિંતા છે. અમિત શાહે નવી ગુગલી ફેંકીને નવો વિષય આપી દીધો છે. હવે ગોદમાં બેઠેલા ઍન્કરો ગળાં ફાડીને ઇન્ડિયા વૉન્ટ્સ ટુ નોનો મારો ચલાવશે. સાઇબર સેલ, ટ્રોલ અને વૉટ્સઍપના હૅન્ડલરો મેદાનમાં આવી જશે.

ઑક્યુપાઇડ ન્યુઝરૂમમાં વિરોધ પક્ષોના પ્રવક્તાઓ એટલા માટે જાય છે કે તેઓ જમીન પર લોકોની વચ્ચે જઈને કામ કરવા જેટલી ક્ષમતા અને નિસ્બત ધરાવતા નથી. તેઓ તેમના અસ્તિત્વનો પુરાવો આપવા માટે હડકાયા ઍન્કરો પાસે અપમાનિત થવા જાય છે. ભુલાઈ જવાય એના કરતાં ભલે અપમાનિત થઈને, પણ હયાતી નોંધાવતા રહેવું જોઈએ. સિવિલ સોસાયટીના કેટલાક સભ્યો ઑક્યુપાઇડ ન્યુઝરૂમમાં પૈસા માટે જાય છે. પસંદ કરેલા લોકોને ખાસ મોકલવામાં આવે છે. જો કોઈ મહાનુભાવ વીલું મોઢું કરીને ગેંગેફેંફે કરવા જેટલે નીચે ઊતરવા તૈયાર હોય તો તેને સૌથી વધુ રૂપિયા આપવામાં આવે છે.

આ કૉલમમાં અઠવાડિયા પહેલાં મેં ટીવીજગતના પહેલા હડકાયા પત્રકાર રૉજર આઇલ્સ વિશે લખ્યું હતું. તેમણે ૧૯૯૫માં અમેરિકામાં ફોક્સ ચૅનલની સ્થાપના વખતે ચૅનલના માલિક રુપર્ટ મર્ડોકને કહ્યું હતું કે ‘કેન્દ્રની ડાબે શાલીન, વિવેકી અને મૂલ્યો માટે સરોકાર ધરાવનારી ચૅનલોની ભીડ છે. જમણે જગ્યા સાવ ખાલી છે. જો આબરૂ અને અંતરાત્માને નેવે મૂકવા તૈયાર હો તો લાભ જ લાભ છે.’ એ પછી તો આઇલ્સનું સક્સેસ મૉડલ જગતઆખામાં અપનાવવામાં આવ્યું હતું. ભારતમાં પણ એ મૉડલ અપનાવવામાં આવ્યું અને આજે તેમની હાલત જોઈને હસવું કે રડવું એવી સ્થિતિ પેદા થઈ છે. આજે બધી જ ચૅનલો કેન્દ્રની જમણે હડકાયું પત્રકારત્વ કરવા લાગી છે અને તેમની વચ્ચે ગળાકાપ હરીફાઈ છે. બીજી બાજુ કેન્દ્રની ડાબે એકલી NDTV બચી છે જે એના ઓછા પણ લૉયલ વ્યુઅર સાથે સુરક્ષિત છે. ૧૯૯૫માં જમણે જગ્યા ખાલી હતી, અત્યારે ડાબે ખાલી છે અને એનો લાભ NDTVને મળી રહ્યો છે. ગોદમાં બેસનારાઓ અને ગોદમાં બેસાડનારાઓ આ પણ સાંખી શકતા નથી. ઉપરથી ધીરે-ધીરે કંટાળેલા લોકોની આંખ ઊઘડી રહી છે.

ગુગલીઓ ફેંકીને દિવસો કાઢવા કરતાં સમસ્યાઓનો ઉકેલ શોધવામાં વધારે ફાયદો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જૂન 2017

કાર્ટૂન સૌજન્ય : ઇ.પી. ઉન્ની, “ઇન્ડિયન એક્સપ્રેસ”, 12 જૂન 2017

Loading

...102030...3,4273,4283,4293,430...3,4403,4503,460...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved