
courtesy : mahendraaruna1@gmail.com
![]()

courtesy : mahendraaruna1@gmail.com
![]()
‘અભિદૃષ્ટિ’ના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાં ‘ગુણવત્તા, શિક્ષણ-શિક્ષક અને સંચાલન’ એ મથાળાથી લખાયેલા સંપાદકીયમાં નીચે મુજબ એક ચિંતા પ્રગટ થઈ હતી. ‘૧૯૯૧થી ભારતમાં લાગુ કરાયેલી નવી આર્થિક નીતિ હેઠળ શિક્ષણ પણ ‘ધંધો’ બની ગયું છે. શાળા અને કૉલેજના સંચાલકો પણ નફો અને પૈસાના હેતુથી જ આ સમગ્ર વ્યવહાર આચરે છે. કોઈ પણ ધંધાકીય કારભારમાં જે નિયમો અને વલણો લાગુ પડે તે જ શિક્ષણને પણ લાગુ પડે છે. કોઈપણ પેઢી ‘ઉત્પાદન ખર્ચ’ નીચું રાખવા તાકે છે. શિક્ષણમાં ઓછો પગાર, લાઈબ્રેરી જેવી સગવડોનો અભાવ કે કર્મચારીઓ પાસે વધુ કલાકો કામ કરાવવાની પ્રવૃત્તિ ચાલે છે. ધંધાદારી પેઢીઓમાં વધુમાં વધુ માલ વેચાય એવી પેરવીઓ ચાલતી હોય છે. તે જ રીતે શિક્ષણમાં પણ, દરેક એકમ પોતાને ત્યાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય તે માટે ટી.વી. ઉપરની જાહેરાતો સહિતનાં અનેક પગલાં ભરે છે. પેઢીઓ હરીફાઈ કરવાને બદલે પોતાનો ઈજારો સ્થાપવા મથતી હોય છે, તે જ રીતે આવી શાળા-કૉલેજો પણ પોતાના વિસ્તારમાં પોતાનો ઈજારો જળવાઈ રહે તે માટે મથે છે. પેઢીઓ સસ્તા ભાવ, હલકી ગુણવત્તા વગેરેનો હથકંડા અપનાવતી હોય છે, ધંધાદારી શાળા-કૉલેજો પણ આવી જ પેરવી કરતી રહે છે. કદાચ આજ કારણે આવી શાળા-કૉલેજો સાચા શિક્ષણકારો દ્વારા નહીં પણ ધંધાદારી અને રાજકારણી ઘરોબો ધરાવતા ચાપલૂસિયા માટે મોકળું મેદાન બની રહે છે. દેખીતી રીતે જ આવી સંસ્થાઓ પાસેથી ગુણવત્તાની અપેક્ષા રાખવાની હોય નહીં.’
આર્થિક પેઢીઓ અને શિક્ષણની પેઢીઓ વચ્ચે અનેક બાબતોમાં સામ્ય છે એમ ઉપરોક્ત લખાણમાંથી જોવા મળે છે. આ જ મુદ્દાઓને વાસ્તવિક તળભૂમિ ઉપરથી તપાસવાનું અને માહિતી એકત્રિત કરવાનું તથા તેને શિક્ષણની દેશવ્યાપી અનવસ્થા સાથે જોડીને ખોંખારીનો બોલવાનું કામ એન.ડી.ટી.વી.ના રવિશકુમાર એપ્રિલ તા. ૧૮થી રોજ રાત્રે ૯.૦૦ વાગ્યે ‘પ્રાઈમ ટાઈમ’ નામના કાર્યક્રમમાં કરી રહ્યા છે. (આજે, વીસમી એપ્રિલે પણ આ કાર્યક્રમમાં ચર્ચા ચાલુ છે.)
રવિશકુમારે આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાંથી લાખો ઈ-મેઈલ મેળવ્યા છે. આ ઈ-મેઈલ દ્વારા પોતપોતાની સમસ્યાઓ રજૂ કરનારા લાખો ‘અભિભાવક’ વાલીઓ છે. ઝારખંડ જેવા પ્રમાણમાં અલ્પવિકસિત પ્રદેશથી માંડી અમદાવાદ જેવા પોતાને સમૃદ્ધ ગણાવતા વિસ્તાર-પ્રદેશોના વાલીઓનો ઊંડો વલોપાત અને અકલ્પ્ય નિઃસહાયતા કોઈને પણ સ્પર્શે તેવા છે. શાળા સંચાલકો દ્વારા આચરાતી ઉઘાડી લૂંટ સામે હરફ પણ ન બોલનાર વાલીઓ કે શિક્ષકોની ‘ગુલામી’ માનસિકતા પ્રતિ કોઈને પણ દયાભાવ પ્રગટે તે સ્વાભાવિક છે. પણ આ મનોમંથન માત્ર દયાપાત્રતાએ અટકતું નથી. આટલી બધી લૂંટાયેલી પ્રવૃત્તિ સામે લાચારી અનુભવતા વાલીઓ અને શિક્ષકો માટે તેમની પ્રગટ નિર્ભયતા અને ‘તમે તો આ જ લાગના છો’ એવું પણ બોલાઈ જઈ શકે તેમ છે.
શાળાઓ કેવી લૂંટ ચલાવે છે તેના દાખલાઓ જોવાથી, ડિસેમ્બર ૨૦૧૬ના ‘અભિદૃષ્ટિ’માં જે લખ્યું હતું તેનું નગ્ન સ્વરૂપ સ્પષ્ટ થશે.
(૧) ૧૯૮૭માં કોર્ટના હુકમ છતાં શાળાઓ ગણવેશ, જૂતાં, ચોપડીઓ, નોટબુક્સ, અન્ય સ્ટેશનરી વગેરે ક્યાં તો પોતાને ત્યાંથી જ ખરીદાય અથવા પોતે નક્કી કરેલા વેપારી પાસેથી ખરીદાય તેનો આગ્રહ રાખે છે આના પરિણામે શિક્ષણની આ હાટડીઓ શું કરે છે તે જુઓ
• વિદ્યાર્થીઓ કાળા બુટ પહેરવા ફરજિયાત છે. એ જૂતા બજારમાં રૂ. ૪૦૦/-માં મળી શકે તેમ હોય છે, છતાં તેને શાળામાંથી જ ખરીદવાનો આગ્રહ રાખી રૂ. ૨૦૦૦/- પડાવાય છે.
• બ્લેઝર પહેરવું ફરજિયાત છે. તેને નક્કી કરેલી દુકાનેથી જ લેવાનું છે. તેનું બટન શાળાનો લોગો ધરાવતું હોય છે. આથી જો બટન તૂટી કે ખોવાઈ જાય તો રૂ. ૫૦/-ના ખર્ચે નવો આખો સેટ લેવો ફરજિયાત છે.
• એન.સી.આર.ટી.ઈ.નાં જે પુસ્તકો રૂ. ૫૦-૬૦માં મળે તેમાં થોડાંક પાનાં ફેર કરી રૂ. ૭૦૦-૮૦૦માં આપવામાં આવે છે. આ પુસ્તકો દર વર્ષે બદલાતાં રહે છે. તેથી જૂનાં પુસ્તકો કોઈને ય કામનાં રહેતાં નથી.
• ગણવેશ પણ શાળા દ્વારા જ વેચાય છે અને તેમાં પણ દર વર્ષે મામૂલી ફેરફાર કરાય છે જેથી બીજે વર્ષે તે કામના રહેતા નથી.
અને લગભગ દર વર્ષે થતા મબલખ ફી વધારાની તો વાત જ શી કરવી ? માત્ર શૈક્ષણિક ફીનો તોતિંગ બોજ જ નથી હોતો, મા-બાપે તો આ ઉપરાંત ડોનેશન્સ, ડિવલપમેન્ટ ફી’ વગેરે પણ ભરવા તૈયાર રહેવાનું હોય છે. આ પ્રકારની ફી ભરનારા માત્ર અબુધ, ગભરુ કે સમજ વગરના વાલીઓ નથી, આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. જેવા – મૂંછો ઉપર લીંબુ ઠરવનારા પણ મીયાંની મીંદડી બનીને આવી ફી ભરે છે. આ પણ ગુલામી માનસિકતા જ ગણાય ને!
શાળાઓને હાટડી ન બનાવાય તેવો કાયદો છે તે યાદ રાખીએ. કદાચ નેવું-પંચાણું ટકા વાલીઓ ભણેલા છે તે પણ યાદ રાખીએ અને છતાં આવી ગેરકાયદે ચાલતી લૂંટની સામે હરફ પણ ભાગ્યે જ ઉચ્ચારાય છે. બ્રિટિશ જમાનાની ગુલામી કોઈને યાદ આવે છે ?
શિક્ષકો તો ભણેલા હોય જ ને ! અને પાછી આપણી ભવ્યાતિભવ્ય પરંપરામાં આપણે તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને છેવટે પરંબ્રહ્મ કહી દઈએ છીએ. પાછા શિક્ષક દિન પણ ઊજવીએ છીએ. આ શિક્ષક-શિક્ષિકાની દશા કેવી છે?
• શિક્ષકગણને નિર્ધારિત રકમનો પગારનો ચેક તો આપી દેવાય પણ સાથોસાથ તે જ શિક્ષણગણ પૈસા ઉપાડવા માટેના બીજા ચેકો ઉપર સહી પણ કરી આપે. પગારનો ચેક રૂ. ૧૯,૫૦૦/-નો પણ સાથોસાથે વિથડ્રોઅલનો ચેક રૂ. ૧૩,૫૦૦/-નો. આમ શિક્ષકને માંડ રૂ. ૬,૦૦૦/- મળે. શિક્ષક જો બોલે તો નોકરી ગુમાવે. સંચાલક જે રકમ મેળવે તે બધું જ કાળુંનાણું અને ભ્રષ્ટાચાર !
આ સંદર્ભમાં કમ સે કમ બે પ્રશ્નો તો તાત્કાલિક ઊભા થાય તેમ છે.
એક, આ રીતની લૂંટને તાબે થઈ જવું તે શિક્ષકની ગુલામી ન ગણાય ?
બે, શું સંચાલકને ભ્રષ્ટાચારી ન ગણાય ?
આવા ગુલામી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા શિક્ષણનું શું ભલું થવાનું ? પણ જે દેશમાં વાલીઓ લાચારી અનુભવતા રહે, શિક્ષકો પણ લુંટાતા રહેવા છતાં ચૂપ રહે ત્યાં ભ્રષ્ટાચારી સંચાલકો રાજ્યના ખોળામાં નિરાંતે સૂઈ શકે.
સવાલ સહેજ જુદે છેડેથી વિચારીએ. આમ તો સરકારનું કામ દેશમાં ગોટાળા – ભ્રષ્ટાચાર ચાલે નહીં તે જોવાનું છે. દેશભરમાં આતંકવાદી કે રાષ્ટ્રદ્રોહી ગતિવિધિઓ ઉપર બાજનજર રાખી શકનારી આ અતિ કાબેલ, લોકલાડીલી, વિકાસોન્મુખ, સૌનો સાથ સૌનો વિકાસ લાવનારી સરકારને ગંધ પણ આવતી નથી કે આ દેશમાં સુમનદીપ કે પારુલ જેવી યુનિવર્સિટીઓ પણ ચાલે છે. આ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ આવક ધરાવનારાનાં બાળકો જ ભણી શકે અને છતાં પોતે સતત લૂંટાતા જતા હોવા છતાં આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચૂપ છે.
બીજી તરફ, ખાસ કરીને ગુજરાતે, ૧૯૭૨-૭૪ના ‘નવ નિર્માણ’ના આંદોલન અને ઇન્દિરા ગાંધીના કટોકટીના દિવસોને યાદ કરી જવા જેવો છે. નવનિર્માણનું આટલું જબરદસ્ત અને અત્યંત પ્રભાવશાળી આંદોલન આ જ ગુજરાતની ધરતી ઉપર ચાલ્યું હતું. તેનો પ્રારંભ એન્જિનિયરિંગ કૉલેજના રસોડા ખર્ચમાં થયેલા સામાન્ય વધારાથી થયો હતો. આજે જે ‘વાલી’ હશે તે જ લોકો કદાચ તે સમયે વિદ્યાર્થી હતા. જે આંદોલનને પરિણામે માત્ર ગુજરાતની સરકાર જ વિદાય ન થઈ; સમગ્ર ધારાસભાનો ભંગ કરાયો. જે.પી. જેવાને પણ આ આંદોલનમાંથી પ્રેરણા મળી અને લોકશક્તિનો દમદાર વિજય થયો.
આની સામે આજનું ગુજરાત અને વ્યાપક સંદર્ભમાં ભારત ક્યાં છે ? આજે જાણે કે શિક્ષણ પણ એક ધંધો છે; સરકારો આ બધા જ ખેલ જાણે છે અને ચૂપચાપ જોયા કરે છે. ઘણીવાર કોઈક ગંભીર કેસ પકડાય ત્યારે કોઈક છાપામાં એકાદ દિવસ, કોઈક ખૂણે નાનકડા સમાચાર છપાય કે આવી શિક્ષણ સંસ્થાના સંચાલક પાસે રાજકીય વગ હતી.
બીજી તરફ, સમગ્ર સમાજમાં ગૌરક્ષા, જે.એન.યુ. અને રોહિત વેમુલા, ભારતની મહાન પરંપરા અને વિવિધ ઉત્સવો, રાજકીય નેતાઓના ભાષણો અને પ્રચાર જેવા મુદ્દા લોકમાનસમાં છવાયેલા રહે છે. દેશમાં ગરીબી, બેકારી, કુપોષણ, વીજળી-પાણીનો અભાવ, સ્વાસ્થ્ય સેવાઓની દુર્દશા વગેરેની જેમ શિક્ષણ પણ લોકચર્ચા અને વિચારનો મુદ્દો નથી. લોકો અનાચાર, અન્યાય, શોષણ વગેરે વેઠી લે છે. જાત ઉપરની આ પીડાની વૃત્તિ ઘણી વ્યાપક છે. ગુલામી જેવી પ્રથાનાં લક્ષણો ધરાવતી વ્યવસ્થા સામે પણ કોઈને ગાંધીજી યાદ આવતા નથી. સત્યાગ્રહ દ્વારા લોકશાહીના દાયરામાં રહીને અહિંસક રીતે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરવાનું લોકો ભૂલી ગયા છે. નવનિર્માણ આંદોલનની વૈચારિક અને વ્યવહારુ દોરવણી આપણી સામે હોવા છતાં અને ગાંધીજીની સત્યાગ્રહની લડતની સમજ હોવા છતાં આ દેશના ભણેલા વર્ગને શિક્ષણ જેવા ક્ષેત્રે કશું બોલવા જેવું લાગતું નથી.
અને લાંબી વ્યથામાં અને નાનકડો ગણાય તેવો ખૂણો પણ ઉમેરવા જેવો છે. શિક્ષણનું સંચાલન આવી દૂષિત ઢબે થતું હોય ત્યારે તેને વિશે જ કોઈ સંશોધનો આ શિક્ષકો દ્વારા પણ થવા જોઈએ કે નહીં ? દા.ત. ધંધાદારી વલણોના સાપેક્ષમાં બિનધંધાદારી વલણોના ધરાવતા સંચાલનની શિક્ષણની ગુણવત્તા ઉપર અસરો આવા કોઈ વિષય ઉપર કોઈને એમ.ફિલ. કે પીએચ.ડી. કરવાનું મન થયું હોય તો તે જાણમાં નથી. સામે પક્ષે હવે યુનિવર્સિટીઓ ઉપર સરકારી અંકુશ કડક બનતો જાય છે અને કયા વિષયમાં સંશોધન કરવું તે પણ સરકાર નક્કી કરે છે. ‘અભિદૃષ્ટિ’માં નવા યુનિવર્સિટી ધારા અંગે ચાલેલી ચર્ચા જોઈ જવાથી આ બાબત સ્પષ્ટ થશે.
શિક્ષણના ક્ષેત્રને લોકશાહી માટે પોષક ગણવામાં આવે છે. જે દેશમાં શિક્ષણમાં જ આવી હાલત હોય તે દેશની લોકશાહી અને આઝાદીની આજ અને આવતીકાલ વિશે શું કહીશું.
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે – જૂન 2017; અંક : 114-115; પૃ. 01-04
![]()
એ ચુકાદો ગુજરાતે ન્યાયિક-નાગરિક જીવનની શિક્ષાદીક્ષાની દિશામાં પાઠ્યપુસ્તક તરીકે ઉતારવાની જરૂર છે.
ગુરુવારે બિલ્કીસ-યાકુબ બેઉ અમદાવાદમાં હતાં. પંદર વરસમાં પંદર કે એથી વધુ વાર ઘર બદલી ગુમનામ જેવી જિંદગી બસર કરનાર દંપતી માટે ગુજરાતમાં આમ પ્રગટ થવું કદાચ પહેલીવારકું હતું. દસમું પાસ દીકરી વકીલ બને અને લોકોને ન્યાય અપાવવામાં સક્રિયપણે સંડોવાય એવી એમની અંતરની ઉલટ છે. નોંધ્યુ તમે? ન્યાય. બદલો નહીં પણ ન્યાય. જે નવો સમાજ રચવાપણું છે એની સફર બદલાની આગથી જ કાપવાનો ખ્યાલ રહે તો પાંચ પગલાં આગળ પણ દસ પગલાં પાછળ એવો ઘાટ થાય. બદલો એ સ્નેહન(ઊંજણ/ઑઇલિંગ)ની ગરજ ન સારી શકે. પણ ન્યાયની પ્રક્રિયા એ આંખ સાટે આંખ અને ખૂન કા બદલા ખૂનના રસ્તે સિદ્ધ ન થઈ શકે. તલવાર ભાંગીને હળ કરવાની, સંહારને બદલે નિર્માણને રાહે પ્રતિકાર – રિપીટ, પ્રતિકાર કરવાની નવ્ય નાગરિક નીતિ ન્યાયની સાંકડી ગલીમાંથી પસાર થાય છે. આ અલબત્ત અઘરું છે. જો કે તે દુ:સાધ્ય હોઈ શકે છે, પણ અસાધ્ય નથી. માત્ર અમન અને એખલાસનો વિમર્શ એમાં ઇન્સાફ ન હોય તો કમાનઢઢ્ઢા વગરનો બની રહે. કરુણાપ્લાવિત હોવું તે તે કોઈ કળણમાં ખૂંપવું નથી. બિલ્કીસ યાકુબ અને એવા અસંખ્ય ભોગ બનેલાઓ બહુમતીવાદનાં દાઝયાં લોકશાહી સમાજ અને ન્યાયનો રાજપથ-જનપથ ન ચૂકે તેમ સૌ ઇચ્છશે.
જેમણે સંહારસત્રને કાર તળે કચડાઈ જતાં ગલુડિયાના ખાતામાં ખતવીને આગ અને બદલાના રાજકારણ જેવી ઊંચી ને ઊંડી ન્યાયિક-નાગરિક ચર્ચાને છેક જ ક્ષુદ્રતાના પ્રદેશમાં ધરબી દીધી, એ વિજયશિખરે બેઠાં આ વાનું પકડી શકે? હમણાં જ કહ્યું કે અઘરું છે. ગયે અઠવાડિયે બિલ્કીસ નિમિત્તે લખવાનું થયું ત્યારે અનુમોદના અને અનુંશંસાના ઠીક ઠીક ઇ-મેલ વચ્ચે એક ઇ-મેલ આ વાનું નહીં પકડાવાથી થતા અસુખ અને કદાચ રોષનો પડઘો પાડતો હતો: ‘ક્યારેય ગોધરામાં જીવતા સળગાવી દેવાયેલા 58 જણાની વેદના તમને સમજાઈ છે?’ મેં લખ્યું કે એ ઘટનાને હું તત્ક્ષણ નિર્ઘૃણ કહી ચૂક્યો હતો. જો કે આ પ્રતિભાવથી એમને સ્વાભાવિક જ સંતોષ નહોતો.
આજની કટારનોંધનો જે મુખડો બાંધ્યો, ન્યાયનિષ્ઠ ભૂમિકાનો એના ઉજાસમાં બે શબ્દો ગોધરાની નિર્ઘૃણ ઘટના સબબ સમજની રીતે અહીં લાજિમ લેખાશે. હું જોઉં છું કે મિત્રો ગોધરા-અનુગોધરા એ બેઉ નિર્ઘૃણ ઘટનાક્રમ વચ્ચે જે વિવેક નથી કરી શકતા અને ભેદ નથી જાળવી શકતા તે જે – તે તબક્કે સરકાર ક્યાં હતી એ મુદ્દે છે. ગોધરામાં તત્કાળ સરકારી કારવાઈ થઈ હતી. અનુગોધરામાં સરકારી વલણ બહુધા મેળાપીપણાનું હતું, ગુનેગારોને બચાવવાનું – બલકે, એમનું ગૌરવ કરવાનું હતું. તે સૌની સરકાર નહોતી.
જો કે, આ પાયાનો વિવેક કર્યા પછી જે એક સૂક્ષ્મ મુદ્દો કરવાજોગ છે એને તો મનોજ મિટ્ટા જેવા કાયદાકાનૂન પરીક્ષણમાં માનવતાવાદી માહેર અપવાદ બાદ કરતાં બીજા કોઈ ભાગ્યે જ છેડતા તો શું સમજતા પણ હશે. તત્કાલીન મુખ્યમંત્રીએ ગોધરાની સ્થળ મુલાકાત લીધા પછી એ જ સાંજે (27 ફેબ્રુઆરી 2002ના રોજ) રાજ્ય સરકારની સત્તાવાર યાદીમાં એમના એ ઉદ્દગારો મુકાયા હતા કે આ એક ‘પ્રીપ્લાન્ડ’ એવું ‘ક્લેક્ટિવ વાયોલન્ટ ઍક્ટ ઑફ ટેરરિઝમ હતું.’ આ વિધાનમાં કંઈ નહીં તો પણ બેજવાબદાર ઉતાવળ તો હતી જ. વાચકોને યાદ કરાવી દઉં કે આગળ ચાલતાં ‘ટેરરિઝમ’નો આક્ષેપ સત્તાવાર પડતો મૂકાયો હતો. ગમે તેમ પણ સરવાળે સમજાઈ રહેવું જોઈતું વાનું એવું ને એટલું તો છે જ કે નિર્ઘૃણ ઘટનાક્રમના બે તબક્કાઓ વચ્ચે ન્યાયિક કામગીરી અને શાસકીય જવાબદારી બાબતે દિલચોરીનું એક આખું દાસ્તાન પડેલું છે.
પોલીસની ખુદની તરાહ ને તાસીર અને રાજ્યકર્તાઓની માનસિકતા મળીને કેવું કેવું ન કરવાનું કરાવતાં રહ્યાં એના નાદર નમૂના એ વર્ષોમાં સતત મળતાં રહ્યાં છે. આ લખું છે ત્યારે સાંભરે છે કે 2003ના સપ્ટેમ્બરની ચોવીસમી તારીખે અમે સાથીઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ કલામને મળ્યા હતા અને લેખી રજૂઆતરૂપે તેમ મૌખિક એ એક વાત અધોરેખિતપણે નિવેદિત કરી હતી કે ગૌરવયાત્રામાં ગુલતાન સરકારને પોતાના આઈબી હેવાલોમાં ફોલોઅપની ફુરસદ (અગર તમા) નથી. એ જ સાંજે હજુ અમે દિલ્હી છોડીએ એ પહેલાં અક્ષરધામ કાંડના સમાચાર આવ્યા હતા, અને બ્લેક કમાન્ડોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ઉઠાવેલી જહેમતની વિગતો પણ પછી જાણવા મળી હતી. ગમે તેમ પણ, બહુ જ ભૂંડી રીતે, બર્બર બનાવોની સાખે, સાચા પડ્યાનો ખેદ લાંબો સમય રહેશે.
અલબત્ત, અક્ષરધામનું સ્મરણ અહીં કરવાનું કારણ તો, આટલા મોટા કાંડ પછી ગુજરાત પોલીસે ડુંગર ખોદીને ઉંદર પણ નહીં કાઢ્યા જેવો જે હિસાબ આપેલો તે છે. જે-તે તપાસ એજન્સીઓના સહયોગથી પોલીસે પકડી આણેલા ‘ગુનેગારો’ને સર્વોચ્ચ અદાલતે બેકસુર કહી છોડી મૂકવાની નોબત આવી હતી! ન્યાયપીઠે કહ્યું હતું: ‘દેશની અખંડિતતા અને સુરક્ષાને લગતી એક ગંભીર ઘટનાની તપાસમાં જે-તે એજન્સીઓએ કરેલી છાનબીનમાં રહેલી નિ:શેષ અક્ષમતા (ઇન્કોમ્પીટન્સ) અંગે અમે પરિતાપ અને વ્યથાની લાગણી આ સાથે જાહેરમાં મૂકીએ છીએ. અસંખ્ય અમૂલ્ય જિંદગીઓ હરનારા ખરા ગુનેગારોને પકડવાને બદલે નિર્દોષ લોકોને પકડ્યા અને એમના પર એવા ભેંકાર આરોપો મૂક્યા કે એમને આકરી સજા થઈ અને લાંબા સમય માટે જેલના સળિયા પાછળ ધેકેલાયા.
16 મે 2014નો સર્વોચ્ચ અદાલતનો આ આખો ચુકાદો ગૌરવગ્રસ્ત ગુજરાતે ન્યાયિક-નાગરિક જીવનની શિક્ષાદીક્ષાની દિશામાં પાઠ્યપુસ્તક પેઠે અંતરમાં ઉતારવાની જરૂર છે, પણ -પરબારા પકડાયેલા શતપ્રતિશત નિર્દોષ લોકો પૈકી એક મૌલવી અબ્દુલ કય્યુમે ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’માં સમગ્ર અનુભવનું બયાન કર્યું છે. લખવાના વેગમાં લખાઈ ગયા પછી, એ ભેંકાર અનુભવ વળી રખેને જીવતો થાય તે ભયે પોતે ફરી વાંચવાનું સાહસ કરી શકયા નથી એવીયે એક વાયકા છે. પણ જોવાનું એ છે કે ગયા શનિવારે સાંજે અમદાવાદમાં રિવરફ્રન્ટના મનુષ્યકૃત પટમાં મુસ્લિમ ભાઈબહેનોનું જે વિશાળ સંમેલન મળ્યું હતું, અમન અને એખલાસ કાયમ કરવા માટે, એના સંચાલકો પૈકી એક આ ‘સલાખોં કે પીછે’ – ખ્યાત અબ્દુલ કય્યુમ હતા અને એમના આરંભિક ઉદ્ગારોમાંથી નિર્મળ-નિશ્છલ ગંગાજમની તહજીબ ફોરતી હતી. બદલો નહીં પણ ન્યાય ખસૂસ સહી, એવી એ ભૂમિકા હતી. ગંગાજમની તહજીબને ન્યાયી નવસમાજ, નાગરિક સમાજની ભૂમિકાએ એકવીસમી સદી અગર તો યુગાબ્દ 5119 કે પછી હિજરી 1438ને લાયક નવેસર રિપીટ, નવેસર કાલવવાની ચાલના અને ધખનાથી પ્રેરાઈ આ થોડીએક દિલની વાતો …
સૌજન્ય : અક્ષરધામનો કેસ’, “દિવ્ય ભાસ્કર”, 13 મે 2017
![]()

