Opinion Magazine
Number of visits: 9584438
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી હિન્દુ રાષ્ટ્રવાદના નામે લડાય તો આશ્ચર્ય નહીં થાય

રમેશ ઓઝા|Opinion - Opinion|20 March 2017

કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી યોગી આદિત્યનાથ જેવા બેફામ બોલનારા અને ધોલધપાટ કરનારા કહેવાતા ફ્રિન્જ એલિમેન્ટ્સ(પૂંછડિયા નેતાઓ)ને ઊંબાડિયાં કરવા દેવામાં આવ્યાં હતાં. ઇરાદો પાણી માપવાનો હતો. જો વિકાસના વિમર્શને હિન્દુત્વ તરફ દોરી જવામાં આવે અને એ પછી પણ જો સમર્થકો વિકાસની યાદ દેવડાવ્યા વિના હિન્દુત્વના બૅન્ડ-વૅગનમાં જોડાઈ જઈને ટેકો આપતા રહે તો સમજવું કે સ્થિતિ અનુકૂળ છે. સમર્થકો ભક્તો બની ગયા છે અને વિકાસની વાત ભૂલી ગયા છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા એનો સંકેત બહુ સ્પષ્ટ છે અને હવે કોઈએ ભ્રમમાં રહેવાની જરૂર નથી. પહેલી વાત તો એ કે યોગી આદિત્યનાથ વિધાનસભાના સભ્ય નથી. બીજું, તેમને BJP દ્વારા મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા નહોતા. ત્રીજું, ચૂંટણીપ્રચારમાં તેઓ મોખરાના સ્ટાર પ્રચારક પણ નહોતા. ચૂંટણીના પ્રચારમાં તેમનો અમુક સ્થળે જ ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યાં કોમી વિભાજન કરવાથી એ પૉકેટ પૂરતો BJPને લાભ મળે. ચોથું, ઉત્તર પ્રદેશ BJPના વિધાનસભા પક્ષે યોગી આદિત્યનાથને પસંદ કર્યા હોય એવું પણ નથી. યોગી આદિત્યનાથને અને BJPના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યને મારતે વિમાને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા પછી એ જ ચાર્ટર્ડ વિમાનમાં બે કલાક પછી તેઓ લખનઉ પાછા ફર્યા હતા. સાથે કેન્દ્રીય પ્રધાન વેન્કૈયા નાયડુ હતા અને લખનઉમાં વિધાનસભ્યોને કહેવામાં આવ્યું હતું કે તેમણે શું કરવાનું છે. આમ યોગીને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય દિલ્હીમાં લેવાયો હતો, લખનઉમાં નહીં. ટિપિકલ કૉન્ગ્રેસ સિસ્ટમ જે હવે નૅશનલ સિસ્ટમ બની ગઈ છે.

શા માટે દિલ્હીના હાકેમોએ (દિલ્હીના હાકેમોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત જે આજકાલ નાગપુર કરતાં દિલ્હી વધુ રહે છે) યોગી આદિત્યનાથને દેશના સૌથી મોટા રાજ્યમાં મુખ્ય પ્રધાન તરીકે મોકલવાનો નિર્ણય લીધો? આ નિર્ણયના શું સંકેત હોઈ શકે?

આનો સંકેત એવો છે કે હવે તેમણે મોહરાં ફગાવી દેવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ જેવા અઘરા અને ત્રિપાંખિયા જંગવાળા રાજ્યમાં ૪૦૪માંથી ૩૨૫ બેઠકો મેળવ્યા પછી તેમને ખાતરી થઈ ગઈ છે કે હવે ‘સબકા સાથ સબકા વિકાસ’, ‘ઇન્ડિયા ફર્સ્ટ’ જેવા બધાને સાથે લઈને ચાલવાના આદર્શવાદી મહોરાની જરૂર નથી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હિન્દુ રાષ્ટ્રના નામે લડી શકાય છે અને શું ખબર દેશ અને વિદેશમાં જે પ્રતિક્રિયાવાદી માહોલ છે એ જોતાં લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મળી પણ જાય. જો ડોનલ્ડ ટ્રમ્પ જેવો મૂર્ખ માણસ ઓન્લી વાઇટ ક્રિશ્ચિયન અમેરિકન ફર્સ્ટના નામે ચૂંટણી જીતી શકે તો આ જગતમાં કંઈ પણ બની શકે. આ ઉપરાંત બ્રેક્ઝિટ ઘટના, યુરોપમાં વધી રહેલો ઇસ્લામોફોબિયા જોતાં જગતઆખામાં અત્યારે પ્રતિક્રિયાવાદનો જુવાળ ઊમટ્યો છે.

અમેરિકા અત્યાર સુધી હાઇફનેટેડ નૅશનલિઝમ (જેમ કે બ્રિટિશ-અમેરિકન, ઇન્ડિયન-અમેરિકન વગેરે જેમાં બ્રિટન કે ભારતથી અમેરિકા ગયેલો વસાહતી તેની મૂળ ઓળખ જાળવી રાખીને પોતાને અમેરિકન તરીકે ઓળખાવે છે અને એટલું પૂરતું ગણાતું હતું) માટે ગર્વ લેતું હતું. ન કોઈ પ્રજાવિશેષની જોહુકમી કે ન તરફદારી કે ન લઘુમતી પ્રજા પાસે બહુમતી સંસ્કૃિતમાં ઓગળી જવાનો દુરાગ્રહ. દાયકા પહેલાંના અમેરિકામાં જેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી એ અત્યારે બની રહ્યું છે અને યુરોપના દેશો પણ એ જ માર્ગે હોય એવા સંકેત મળે છે. આપણે ત્યાં સંઘપરિવાર પણ માને છે કે રાષ્ટ્રવાદ બહુમતી કોમ પર જ આધારિત હોઈ શકે છે અને હોવો જોઈએ. લઘુમતી કોમની ફરજ છે કે એ બહુમતી કોમની સંસ્કૃિતને રાષ્ટ્રીય સંસ્કૃિત સમજીને અપનાવે અને એમાં ઓગળી જાય. રાષ્ટ્રવાદની આ કલ્પના સદી જૂની છે, ઇટલીમાં વિકસી છે અને વી. ડી. સાવરકર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એને અપનાવી છે.

છેલ્લાં ૯૨ વરસથી RSS ઇટલીથી આયાત કરેલા રાષ્ટ્રવાદનો જપ જપે છે, પરંતુ ભારતની ભૂમિ હજી એની કલ્પનાના રાષ્ટ્રવાદને અપનાવવા જેટલી અનુકૂળ નહોતી. આને કારણે સંઘે અનેક મહોરાં પહેરવાં પડતાં હતાં અને અનેક મોઢે બોલવું પડતું હતું. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને અને સંઘપરિવારને ખાતરી થઈ હતી કે લોકોની અંદર પ્રચંડ રોષ અને પ્રતિક્રિયા છે અને એ સાથે જ તેઓ વિકાસની એષણા ધરાવે છે. નરેન્દ્ર મોદીએ વિકાસને કેન્દ્રવર્તી મુદો બનાવ્યો હતો અને સ્વીકાર્યતા મેળવવા સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપ્યું હતું. સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી યોગી આદિત્યનાથ જેવા બેફામ બોલનારા અને ધોલધપાટ કરનારા કહેવાતા ફ્રિન્જ એલિમેન્ટ્સ(પૂંછડિયા નેતાઓ)ને ઊંબાડિયાં કરવા દેવામાં આવ્યાં હતાં. ઇરાદો પાણી માપવાનો હતો. જો વિકાસના વિમર્શને હિન્દુત્વ તરફ દોરી જવામાં આવે અને એ પછી પણ જો સમર્થકો વિકાસની યાદ દેવડાવ્યા વિના હિન્દુત્વના બૅન્ડ-વૅગનમાં જોડાઈ જઈને ટેકો આપતા રહે તો સમજવું કે સ્થિતિ અનુકૂળ છે. સમર્થકો ભક્તો બની ગયા છે અને વિકાસની વાત ભૂલી ગયા છે.

મૂળમાં તો તેઓ (સમર્થકો-ભક્તો) મુસ્લિમ, આધુનિક મૂલ્યવ્યવસ્થા અને આધુનિક રાજ્યના વિરોધી છે અને વિકાસ તેમ જ ભ્રષ્ટાચારમુક્ત ભારત તો એક બહાનું હતું. હવે તેઓ રૅન્ક ફૉલોઅર બનવા તૈયાર છે એટલે સંઘે અને દિલ્હીના હાકેમોએ જુગાર રમવાનું જોખમ ખેડ્યું છે. ભારતના સૌથી મોટા રાજ્યમાં એવા માણસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે જેને ફ્રિન્જ એલિમેન્ટ તરીકે ઓળખાવીને હાથ ખંખેરી નાખવામાં આવતા હતા. દરેક પરિવારમાં અને પક્ષમાં આવા તોફાની બારકસો હોય છે જે મર્યાદા બહાર જઈને વર્તે છે, પરંતુ તેઓ જે બોલે છે કે કરે છે એ પક્ષની સત્તાવાર નીતિ નથી. BJPના અને સંઘના પ્રવક્તાઓ હજી ગઈ કાલ સુધી આવો બચાવ કરતા હતા. હકીકતમાં તેઓ ફ્રિન્જ એલિમેન્ટ હતા જ નહીં, બલ્કે તેઓ ધી એલિમેન્ટ છે. હવે ધી એલિમેન્ટનો સમય આવી ગયો છે એટલે ડાહી-ડાહી વાતો કરનારાઓ વિન્ગમાં જતા રહેશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હિન્દુ રાષ્ટ્રવાદના નામે લડાય તો આશ્ચર્ય નહીં.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, ‘ગુજરાતી મિડ-ડે”, 20 માર્ચ 2017 

Loading

કરિશ્મા, નરેન્દ્ર મોદી અને ન્યૂ ઇન્ડિયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 March 2017

2014ની લોકસભાની ચૂંટણી પછી ‘ધ અમેરિકન બજાર’ નામની લોકપ્રિય ઓનલાઇન પત્રિકાએ લખ્યું હતું, ‘વિભાજિત ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી સૌથી કરિશ્માઇ, સ્ફૂર્ત અને ચાલાક રાજકારણી છે, જેણે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી જેવાને પણ ઝાંખા પાડી દીધા છે. વૈશ્વિક સંદર્ભમાં એમના વિજયને 2008માં બરાક ઓબામાની જીત સાથે સરખાવી શકાય.’ ગયા સપ્તાહે ઉત્તરપ્રદેશની જનતાએ નરેન્દ્ર મોદીના નામ પર ભારતીય જનતા પક્ષને ઐતિહાસિક 312 બેઠકો આપી તે પછી મોદીના કરિશ્માને લઇને વધી-ઘટી શંકાઓ પણ નાબૂદ થઇ ગઇ છે.

પંડિતો, મીડિયા, અભ્યાસકર્તાઓ કે વિશ્લેષકોની કોઇપણ પ્રકારની મદદ વગર જનતાના મનને કેવી રીતે ઓળખવું એની સાબિતી મોદીએ આપી દીધી છે. આ જ એક કારણથી મોદીને બૌદ્ધિકો પ્રત્યે તિરસ્કાર છે.

આપણે જેને ‘આમ આદમી’ તરીકે ઓળખીએ છે તે ગરીબ, મધ્યમ વર્ગ, છેવાડાના માણસ સાથે લગાવ ઊભો કરવાની એક ઉત્તમ આવડત ઇન્દિરા ગાંધીમાં હતી. ગયા સપ્તાહે વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં તે પછી એક રાષ્ટ્રીય સમાચારપત્રમાં મથાળું હતું, ‘ઇટ્સ એન ઇન્દિરા ગાંધી મોમેન્ટ ફોર નરેન્દ્ર મોદી’ (નરેન્દ્ર મોદીનો ઇન્દિરા જેવો સમય).

કરિશ્મા શબ્દ આમ તો ચલતા-પૂર્જા જેવો છે, અને બોલિવૂડના હીરોથી લઇને ક્રિકેટના સ્ટાર સુધી અને અંડરવર્લ્ડના બોસથી લઇને આધ્યાત્મના ગુરુ સુધીના લોકો માટે વપરાય છે, પરંતુ પૂરા સમાજ કે રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્યના જીવન પર અસર છોડી જાય તેવા વ્યક્તિત્વમાં છેલ્લું નામ ઇન્દિરાનું આવે છે, અને હવે નરેન્દ્ર મોદીનો એમાં ઉમેરો થયો છે. કરિશ્મા ઓળખવો સહેલો છે, સમજવો કઠિન છે. દુનિયાને 2014માં નરેન્દ્ર મોદીનો પરિચય થયો તે પછી ગયા સપ્તાહે વિધાનસભામાં તેમને જે ભવ્ય જીત મળી તેને મોદીના કરિશ્માનો પ્રતાપ ગણાવાય છે. આ શું છે? મોદીના અનુયાયીઓને મજાકમાં ‘ભક્તો’ કહેવાય છે.

આ સાવ જ ખોટું નથી. કરિશ્મા શબ્દ ગ્રીક ‘ખરીસ્મા’ ઉપરથી આવે છે જેનો મતલબ થાય છે ગ્રેસ, એટલે કે ઇશ્વરની કૃપા. મોદીમાં વિશ્વાસ રાખનારાઓને મોદીમાં સુપરમેન, સાધારણથી વિશેષ વ્યક્તિ દેખાય છે.

કરિશ્મા શબ્દ ધાર્મિક છે, અને એટલે જ એ આજે પણ રાજનેતાઓમાં જીવતો રહ્યો છે. ઇસુ પછીની 50મી સદીમાં ઇસાઇ ધર્મદૂત પોલ ધ એપોસલે ઇસાઇ સમુદાયોને લખેલા પત્રોમાં પહેલી વખત કરિશ્મા શબ્દ વાપર્યો હતો. તેણે નવ કરિશ્મા (આધ્યાત્મિક ભેટ) ગણાવ્યા હતા: ભવિષ્યવાણીની ક્ષમતા, ઇલાજની આવડત, ગૂઢવાણી, એ વાણીનું અર્થઘટન, શિક્ષા, સેવા, ચમત્કાર, જ્ઞાન અને શ્રદ્ધા.

ભારતીય રાજનૈતિક સંસ્કૃિતમાં કરિશ્માઇ નેતૃત્વની એક વિશેષ ઓળખ રહી છે, જેનો સંબંધ રાજનીતિક નેતાના અનોખા સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક વ્યક્તિત્વ સાથે છે. આવા નેતાના અનુયાયી આ ગુણોની અતિશયોક્તિ તો કરે જ છે, સાથે એવું પણ માને છે કે એમની સમસ્યાઓનું સમાધાન કોઇ નીતિ-નિર્ણય, પરંપરા કે રીતિ-રિવાજોમાં નહીં પરંતુ કરિશ્માઇ નેતૃત્વમાં છે. રાજનીતિમાં કરિશ્માઇ નેતૃત્વને વધુ મહત્ત્વ આપવા પાછળ ભારતીયોની આધ્યાત્મિક વૃત્તિ રહી છે જે રાજનીતિમાં વ્યક્તિપૂજાને પ્રોત્સાહન આપે છે.

20મી સદીના જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે કરિશ્માને ધર્મના દાયરામાંથી બહાર કાઢીને એને સામાજિક નેતૃત્વ સાથે જોડીને કહ્યું હતું કે કરિશ્માઇ નેતૃત્વમાં અસાધારણ, અમાનુષી અને બહાદુરીના ગુણ હોય છે. વેબરે કહ્યું હતું કે આધુનિક જગતમાં સખ્ત રીતે નિયંત્રિત બ્યુરોક્રસી હોવા છતાં કરિશ્માઇ નેતૃત્વ પેદા થતાં રહેશે. વેબર 1920માં મરી ગયો, અને જગતના પ્રથમ કરિશ્માઇ નેતા મુસોલિની અને હિટલરમાં એની થિયરીને સાબિત થતી જોઇ ન શક્યો.

આનું કારણ એ છે કે મોટાભાગના લોકો સ્વભાવગત અનુયાયી છે. આકાશમાં બેઠેલો ભગવાન હોય કે મંચ પર બેઠેલો ગુરુ કે લીડર હોય, માણસો શ્રદ્ધાથી માથું ઝુકાવીને સૂચનાનું અનુસરણ કરવા ટેવાયેલા છે. તમે ચાર રસ્તા ઉપર ઊભા રહીને પાંચ મિનિટ સુધી આકાશમાં જોતા રહો તો આવતા જતા માણસો પણ તમારી આજુબાજુ ઊભા રહીને તમે જુવો છો તે દિશામાં નજર ખોડવા લાગશે. આ તમે ઊભો કરેલો નેતા-અનુયાયીનો સંપ્રદાય કહેવાય. આ બાળપણમાં જ શરૂ થાય છે જ્યાં બાળક એની માતાની નકલ કરે છે. માતા-બાળકનો આ સંબંધ નેતા-અનુયાયીનું પ્રથમ ઉદાહરણ છે.

બાળક કમજોર છે, બેસહાય છે એટલે આ અફાટ, ભયાનક જંગલમાં ટકી રહેવા માટે માતા સાથે અનુયાયી, અનુસરણનો સંબંધ બનાવી રાખે છે. મોટા થયા પછી પણ આ જ પ્રક્રિયા ચાલતી રહે છે, અને રાજકારણ હોય કે ધર્મ, એને મસીહાની જરૂર રહે છે. આમ જનતામાં આ મસીહા, તારણહારની જરૂરિયાત જ કરિશ્માઇ નેતાઓને પેદા કરે છે. એમાં સહેજ પણ આશ્ચર્ય નથી કે જે જનતાએ એક સમયે સોનિયા ગાંધીમાં વિશ્વાસ મૂક્યો હતો તે જ જનતાએ નરેન્દ્ર મોદીને શ્રદ્ધા સુમન ચઢાવ્યાં છે.

1984માં અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીમાં કેથલીન રૂથ સેલ્વ નામની વિદ્યાર્થિનીએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કરિશ્માઇ નેતાગીરી પર થીસીસ લખી હતી. એમાં એણે લખ્યું હતું કે, ભારતમાં  ત્રણ પ્રકારના નેતાઓ હોય છે. એક એવો કરિશ્માઇ નેતા જેની દૂરદર્શિતા અને માન્યતાઓ સમાજની વ્યવસ્થા-સંસ્થાઓને પ્રભાવિત કરે, મજબૂત કરે (જેમ કે નહેરુ). બીજો કરિશ્માઇ નેતા એ છે જે એની તાકાત અને પ્રભાવનો ઉપયોગ કરીને સંસ્થાઓને કમજોર બનાવે (જેમ કે ઇન્દિરા), અને ત્રીજો નેતા એ જેનામાં કરિશ્મા જ ન હોય પણ એને પેદા કરવાની સંભાવના હોય (જેમ કે રાજીવ).

નહેરુએ એમના ચિંતનથી આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. ઇન્દિરામાં કરિશ્મા હતો પણ દૃષ્ટિ ન હતી એટલે એણે ન્યાય, સંસદ અને બંધારણીય પ્રણાલીને કમજોર બનાવીને પોતાની સત્તા જાળવી રાખી હતી. રાજીવમાં સ્વપ્ન હતું પણ કરિશ્મા ન હતો. નરેન્દ્ર મોદી નિશ્ચિત રીતે રાજીવથી ઉપર અને નહેરુથી નીચે મોર્ચો બાંધીને ઊભા છે. જીતના બીજા દિવસે રવિવારે દિલ્હીની સડકો ઉપર અભિવાદન કરતાં એમણે ‘ન્યૂ ઇન્ડિયા’નો પાયો નાખવાની વાત કરી એમાં ઇન્દિરાથી ઉપર જવાની એમની ખ્વાહિશ ઝલકતી હતી. મોદીને એમના કરિશ્માએ સાથ આપ્યો છે. હવે એમને ચિંતનના સહયોગની જરૂર છે. આમીન.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 19 માર્ચ 2017

Loading

સિદ્ધહસ્ત માળી

જ્ઞાન ચતુર્વેદી|Opinion - Opinion|18 March 2017

હમણાં, મોટી ‘હાઈ લેવલ’ની મિટિંગ થવાની છે આ રૂમમાં. રૂમ ડરેલો છે. મોટો માણસ ક્યારે પણ આવી શકે છે. આવશે તો મિટિંગ શરૂ થશે.

રૂમમાં, જેને ‘કૉન્ફરન્સ હૉલ’ કહે છે, નાના, વચલા અને કેટલાક થોડા મોટા ટાઇપના લોકો બેઠા છે. બધા અગાઉથી આવીને બેઠેલા છે. બધા મોટા માણસની રાહ જોઈ રહ્યા છે.

મોટા માણસનો ભય છે. બધાના ચહેરા પર વાંચી શકાય છે મોટા માણસની મોટી વાતો. અને લાતો તો ભાઈ એવી છે કે જેની ચર્ચા ઑફિસે-ઑફિસે. ક્યારે કોને લગાવી દે, કહેવું મુશ્કેલ. ચેતવણી વગર જ લગાવી દે છે. મોટા માણસની મોટી ખુરશી. તે ખુરશીના પાયા ઊંચા, ટેકો મોટો, તળિયું મજબૂત. મોટા માણસનું માથું મોટું. આટલા મોટા માથા પર સાહેબગીરીના સોજા, સત્તાનું ગૂમડું અને અહમ્‌ની લાલી. માથું લાગે જાણે પાકેલો ફોલ્લો. સૂજેલો અને ગરમ-મોટા માણસની મોટી વાતો. મોટા માણસ વિશે મોટી-મોટી વાતો.

‘સાહેબે જો એક વાર નક્કી કરી લીધું તો બસ, ડગતા નથી.’ કૉન્ફરન્સ હૉલમાં પાછળ બેઠેલા એક નાના માણસે બીજા નાના માણસને એમ જ કહ્યું છે. જો કે તે એટલા નાના હતા પણ નહીં. પોતાની ઑફિસમાં મોટા છે, પણ અહીંયાં નાના જેટલું ગજું છે.

બીજો માણસ સાથે લાવેલી ફાઇલ ઉથલાવી રહ્યો છે. તેને પ્રેઝન્ટેશન આપવાનું છે. વિચારી રહ્યો છે. મોટો માણસ તેનું પ્રેઝન્ટેશન ગમાડશે કે ઠુકરાવી દેશે. મોટા માણસના મૂડની ખબર નથી પડતી. તેણે પહેલાં માણસની વાત સાંભળી લીધી, પણ પોતાની વાત એવી તોલી-જોખીને કહી કે જાણે સાહેબને સંભળાવવા માટે કહી રહ્યો હોય.

“મોટા સાહેબ ઝડપથી મૂળ મુદ્દાની વાત પકડી લે છે. પ્રેઝન્ટેશનમાં એક જ વાર, એક જ એવી મોટી વાત કહી દે છે કે …” ફાઇલમાંથી નજર હટાવીને બીજાએ કહ્યું.

તે મોટા માણસ વિશે એવી રીતે વાત કરે છે જાણે ડેંકાલીના જંગલી આદિવાસી વેતાલ વિષેની કિંવદંતીઓ સંભળાવી રહ્યા હોય. કૉન્ફરન્સ હૉલમાં એક અદૃશ્ય તાપણું સળગી રહ્યું છે. ટોળે વળીને બેઠેલા લોકો મોટા માણસની પેલી કિંવદંતીઓ સંભળાવી રહ્યા છે, જે ઑફિસોના જંગલમાં ફેલાયેલી છે.

“સાહેબ, એક ઝાટકે શર્માજીને જમીન પર લાવી દીધા. શર્માજી વિચારી રહ્યા હતા કે આપણું પ્રમોશન પાક્કું છે. સીનિયોરિટીમાં સૌની ઉપર, પણ મોટા સાહેબે એક ઝાટકે પાંખો કાપી નાંખી શર્માજીની. છેલ્લી ઘડીએ હરિદ્વારથી અગ્રવાલને લાવી શર્માજીના માથા પર બેસાડી દીધો. દંગ રહી ગયા બધા.” કોઈ કોઈકને ધીમા અવાજમાં મોટા માણસનાં કારનામાં કહી રહ્યો છે કે મોટો માણસ ઓચિંતો ઝાટકો આપવામાં એવો નિષ્ણાત છે કે એવો તો બસ તે જ આપી શકે છે.

ફરી પાછી મોટા માણસની બીજી વાતો. જ્યાં સુધી તે નહીં આવે, તેની જ વાતો થશે.

“પણ સરજી છે બહુ ધાર્મિક પ્રવૃત્તિના. જ્યાં સુધી સવારે ઊઠીને બે કલાક પૂજામાં ના બેસે, મજાલ છે ઘરની બહાર પગ મૂકે.” એકે કહ્યું.

“રોજ સવારે યોગ કરે છે. નાસ્તામાં ફક્ત ચણા-મમરા. ફિટ રહેશો તો જ લોકોને પાછળથી લાત મારવાની તાકાત આવશેને.” કોઈ વચલો કોઈ નાનાને કહી રહ્યો છે.

મોટો માણસ રેડિયો-પ્રસારણની જેમ છવાઈ ગયો છે. કૉન્ફરન્સ હૉલમાં, જો કે તે હજુ પહોંચ્યો નથી.

“જ્યારે સાહેબ વિશાખાપટ્ટનમમાં હતા, તો,” એક જણ બોલ્યો.

‘સાહેબ વિશાખાપટ્ટનમમાં પણ રહ્યા છે? એક જણ આશ્ચર્યથી પૂછે છે.

‘લો સાંભળો, આમને આટલી પણ ખબર નથી. પછી રોતા ફરશે કે પ્રમોશન ના મળ્યું. પાયાની વાતો સુધ્ધાં ખબર નથી અને …’

“ભાઈ, ત્રણ વર્ષ રહ્યા છે. એપ્રિલ ચોર્યાસીથી સત્તાસી સુધી બધા જાણે છે આ વાત. ત્યાં જ તો પેલી ઇન્ક્‌વાયરી બેસાડી હતી લોકોએ બધાના પ્રયત્નો રહ્યા કે તપાસમાં સાહેબને ઠેકાણે પાડી દઈએ, પણ કોઈ વાળ પણ વાંકો ના કરી શક્યું પઠ્ઠાનો. ભઈસાહેબનું પેપરવર્ક એટલું જોરદાર હોય છે કે આ વાતનાં વખાણ તેમના દુશ્મનો પણ કરે છે. સાહેબે એલ.વનની જગાએ સીધી એલ. ફાઇવને ઊંચી કિંમતે ખરીદવાનો ઑર્ડર આપેલો, પણ પેપર પર એવો ‘સૉલિડ’ કેસ બનાવ્યો હતો કે ઇન્ક્‌વાયરી કરવાવાળા પણ ભુલાવામાં પડી ગયા સાચ્ચે.” કોઈ વિશાખાપટ્ટનમની ‘વિશ્વવિખ્યાત’ ગણાતી કિંવદંતી સંભળાવી રહ્યું છે. સાંભળવાવાળાઓમાંથી મોટા ભાગના આ કિસ્સો ઘણી વાર સાંભળી-સંભળાવી ચૂક્યા છે. આ રીતે સ્તો કિસ્સો કિંવદંતીમાં પલટાય છે.

“ખૂબ ખાધું, છાતી ઠોકીને ખાધું – પણ મજાલ છે કોઈની કે રોકી શકે! કોઈકે વાત તથા વખાણને પોતાની મરજી મુજબ વધારીને કરી.”

“જો ભાઈ, ખાય તો બધા છે. બધા ખાવા માંગે છે. માણસ ખાશે નહીં તો મોટો કેવી રીતે બનશે? ન ખાય તો એક દિવસ પણ મોટો ન રહી શકે. મહત્ત્વની વાત એ છે કે કોઈ તમારી ગરદનને હાથ ન અડાડી શકે. આપણા મોટા સાહેબની ગરદનની આસપાસ પણ કોઈ ફરકી શકતું હોય તો બતાવો? છે કે નહીં ?” એક વધારાના જણે પ્રશંસાનો પોતાનો એક ટુકડો જોડી દીધો.

મોટો માણસ હજી સુધી નથી આવ્યો પણ કૉન્ફરન્સ હૉલના આત્મામાં સમાયેલાં છે.

તે અહીંયા નથી, છતાં છે. તે અહીં બેઠેલા બધાના ચિત્તમાં હંમેશાં છે, ત્યાંથી ક્યારે ય ગયા જ નથી. મોટા માણસની આ ઓળખ છે. તે તાબેદારોના મનમાં નિરંતર એક વલોણાની જેમ ફર્યા કરે છે. તે હાથ નીચેવાળાઓના વિચાર, વાતચીત, હાસ્ય, ટુચકાઓ, ચિંતાઓ … બધા પર કબજો કરી લે છે. મોટો માણસ જાણી બીજાઓના જીવનમાં એક હક્ક-નાબૂદી અભિયાન સમો છે.

મોટો માણસ હજી આવ્યો પણ નથી, છતાં તેનો એક મોટો ઓળો આખી રૂમ પર છે. કૉન્ફરન્સ હૉલના આંજી દેતા અજવાળા વચ્ચે ડરામણું અંધારું પણ વ્યાપેલું છે. સાહેબના આવ્યા પછી દરેક જણ પોતાની વાત કેવી રીતે મૂકશે, તેનું રિહર્સલ બધાના મનમાં ચાલી રહ્યું છે. સાહેબ પાસે વધુ સ્ટાફ માંગવો જ પડશે. હું તો કહી જ દઈશ કે આટલા ઓછા સ્ટાફથી ટાર્ગેટ અચિવ કરવાનું ઇમ્પૉસિબલ છે. આવું બોલતા જ નહીં. મોટાસાહેબ નવી ભરતીની સખત વિરુદ્ધમાં છે. ચૂપ જ રહેજો. પૂછશે કે કામને ‘ઓફલોડ’ કેમ નથી કરી શકતા ? પ્રાઇવેટ પાર્ટીની સાથે ટાઇ-અપ કેમ નથી કરતા? પૂછશે કે બે કરોડનું મશીન કેમ માંગી રહ્યા છો? આ કામનું ‘ઓફલોડ’ કેમ નહીં. મોટા માણસને ઓફલોડ શબ્દ બહુ પ્રિય છે. તે આ સરકારી વિભાગનાં દરેક કામ પ્રાઈવેટ કંપનીઓને ઓફલોડ કરી દેવા માંગે છે. તેનું ચાલે તો બધાના શ્વાસોને પણ ‘પ્રાઇવેટાઇઝ’ કરી દે. કંઈ પણ માંગશો, તો કહેશે કે તમારાથી નથી થતું તો પ્રાઇવેટ પાર્ટીની સાથે ‘જૉઇન્ટ વેન્ચર’ની પ્રપોઝલ બનાવીને લાવો. હું મંજૂરી આપીશ – પૈસા મંજૂરીમાં છે. રમત જૉઇન્ટ વેન્ચરમાં છે. આ મીટિંગ મૂળમાં આ કામ માટે જ કરશે મોટો માણસ. તેને ખબર છે કે બહુ લાંબો સમય સુધી નથી – પેલી ખુરશી. મોટો માણસ ખૂબ રૂપિયા બનાવવા માટે આવી મીટિંગો કરાવ્યા કરે છે. મીટિંગમાં બધી રજૂઆત તેના કહ્યા પ્રમાણે જ હોવી જોઈએ. ‘પ્રેઝન્ટેશન’, ‘ટુ ધ પૉઇન્ટ’ રાખજો. સાહેબને જરા પણ ‘ડેવિયેશન’ નથી ગમતું, કોઈ કહી રહ્યું છે, કોઈક નવા માણસને. વિવાદ, દલીલો ના કરતા. મોટો માણસ સાંભળતો નથી. એક વાર ઇશારો કરશે. બસ! ઇશારો સમજવાનું તમારું કામ. બધાએ ‘હાં કહેવાની છે. મોટો માણસ દરેક મિટિંગમાં બસ ‘હા’ સાંભળવા જ આવે છે. આજે પણ એની માટે આવી રહ્યો છે. તે બોલશે. બાકી બધાં ‘હા જી’, ‘યસ સર’ કહેશે.

મોટા માણસની વાત ચાલી રહી હતી કે તે આવી જ ગયા.

અચાનક જ તે ચોકીદાર દોડીને આવ્યા. અને બંને એક-એક દરવાજા પકડીને ઊભા રહી ગયા.

રૂમમાં ઉપસ્થિત બધા લોકો, દરવાજા તરફ મોઢું કરી સાદર ઊભા થઈ ગયા.

મોટો માણસ દરવાજામાંથી અંદર આવી ગયો. માણસ આટલો મોટો છે, પણ અટક્યો નહીં. ‘યસ સર’ની કળીઓ જાણે ખીલવા ઉત્સુક છે. હવે મોટો માણસ બહારની જેમ હૉલ પર છવાઈ જશે. કળીઓ ખીલશે, ફૂલો ખીલી ઊઠશે. બધી બાજુ ‘યસ સર’ની ક્યારીઓ ભરાઈ જશે.

મોટો માણસ અસંમતિ કાંટાવાળી ડાળીઓ પહેલાં જ કાપીને જુદી કરી ચૂક્યો છે. મોટો માણસ સરકારી પ્રશાસનના બગીચાનો સિદ્ધહસ્ત માળી છે.

અનુવાદ – દક્ષા પટેલ

E-mail : dakshapatel15@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 13 અને 15 

Loading

...102030...3,4213,4223,4233,424...3,4303,4403,450...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved