Opinion Magazine
Number of visits: 9584519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંન્યાસ, સંસદ અને સી. એમ. : આગે આગે ગોરખ જાગે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 March 2017

રાહુલ સાંકૃત્યાયનનું નામ હિન્દીના પ્રમુખ સાહિત્યકારોની યાદીમાં આવે છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં તેમણે યાત્રા-સાહિત્ય અને વિશ્વ-દર્શનમાં જે યોગદાન આપ્યું છે તેના કારણે તેમને યાત્રાસાહિત્યના પિતામહ અને દર્શનના મહાપંડિત કહેવાય છે. આ રાહુલ સાંકૃત્યાયને બૌદ્ધ ધર્મની વ્રજયાન શાખાનાં મૂળિયાં ઉત્તરપ્રદેશમાં શોધ્યાં છે. આ વ્રજયાન શાખાના અનુયાયીઓને સિદ્ધ (સિદ્ધ એટલે શારીરિક તથા આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ) કહેવાય છે. રાહુલ સાંકૃત્યાયન આ સિદ્ધોના સાહિત્યને ‘સંતોનું જનભાષામાં લખાયેલું સાહિત્ય’ કહે છે, જે સાતમી સદીથી લઇને તેરમી સદી સુધી ઉત્તર ભારતમાં એની સરગર્મી ઉપર હતું.

રાહુલ સાંકૃત્યાયને આવા 84 સિદ્ધોનાં નામોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ હજુ સુધી માત્ર 14 જ સિદ્ધોની રચના મળી શકી છે. ‘સરહપા’ને સિદ્ધ સાહિત્યના પ્રવર્તક સંત માનવામાં આવે છે.

એ ઉપરાંત શબરપા, લુઇપા, ડેમ્ભિપા, કન્ડપા અને કુક્કરિયા જેવાઓની ગણના હિન્દીના આદિ સિદ્ધ કવિઓમાં થાય છે. આ સિદ્ધો મુખ્યત્વે દેશના પૂર્વ આંચલમાં રહેતા હતા અને નાલંદા તેમ જ વિક્રમશિલાનાં વિશ્વવિદ્યાલય એમનાં સાધના કેન્દ્ર હતાં. તુર્કી શાસક બખ્તિયાર ખિલજીએ અહીંનાં પુસ્તકાલયો સળગાવી દીધાં, મંદિર-મઠોને લૂંટી લીધાં અને પૂજારીઓ, ભિક્ષુકો, સિદ્ધોની કત્લેઆમ કરી તે પછી આ બધા સિદ્ધો અહીંથી વિખરાઇ ગયા.

મોટાભાગના આ સિદ્ધો નીચી જાતિના હતા અને બ્રાહ્મણવાદ તથા જાતિવાદના વિરોધમાં માણસની સાહજિક અને સ્વાભાવિક વૃત્તિઓનાં ગુણગાન ગાતી રચનાઓ કરતા હતા. સિદ્ધોની આ પ્રકારની પ્રવૃત્તિથી એક પ્રકારની સ્વચ્છંદતાનો જન્મ થયો. સિદ્ધોની સુખવાદી અને ભોગ-પ્રધાન યોગ-સાધનાની પ્રતિક્રિયારૂપે આ સિદ્ધ સંસ્કૃિતમાંથી જ નાથપંથીઓની હઠયોગ સાધનાનો જન્મ થયો. આ પંથને ચલાવવાવાળા એક મત્સ્યેન્દ્રનાથ (મછંદરનાથ) અને બીજા ગોરખનાથ (ગોરક્ષનાથ). આ ગોરખનાથ એટલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથના ગુરુ. રાહુલ સાંકૃત્યાયન ગોરખનાથનો સમય નવમી સદીમાં મૂકે છે, અને કહે છે કે ગોરખનાથે ઉત્તરપ્રદેશમાં ધનિક અને સામંતશાહીનો વિરોધ કરતી સંત પ્રણાલીની શરૂઆત કરી હતી.

યોગી આદિત્યનાથની ઓળખાણ ‘હિન્દુ હાર્ડલાઇનર’ (કટ્ટર હિન્દુ) તરીકેની છે. ગોરખનાથની ગણના પણ કડવાં વેણ ઉચ્ચારનારા સંતોમાં થાય છે. ભોગવાદી સંસ્કૃિતની નિંદા કરવાનો એમનો અંદાજ નિરાળો હતો. હિન્દીમાં એમનાં આખ્યાન ગોરખવાણીથી પ્રચલિત છે. એક જગ્યાએ એ લખે છે:

બડે બડે કુલ્હે મોટે મોટે પેટ,
નહીં રે પતા ગુરુ સૌ ભેટ
ષડ ષડ કાયા નિરમલ નેત,
ભઇ રે પૂતા ગુરુ સૌ ભેટ

મતલબ કે જેના કુલ્હા મોટા હોય અને પેટ ફૂલેલાં હોય એ એટલા પ્રમાદી છે કે તેમને હજુ સુધી સારા ગુરુ નથી મળ્યા. અગર એનું શરીર ખડ-ખડ એટલે કે ચરબીથી મુક્ત હોય અને આંખ નિર્મળ હોય તો સમજવું કે એને ગુરુ મળી ગયા છે. શરીરની સ્થૂળતા અને અધિક આહાર પર કટાક્ષ કરનાર ગોરખનાથ પહેલા સંત છે. ગોરખવાણી એવી છે કે સતહ પરથી સમજમાં ન આવે. ‘ગોરખ ધંધા’ શબ્દ અહીંથી જ આવે છે. એવું કામ જે નરી આંખે જુદું દેખાય પણ જેના કરવા પાછળનો આશય અલગ જ હોય.

‘ગોરખનાથ એન્ડ કનફટા યોગી’ નામની ચોપડી લખનાર બ્રિટિશ લેખક જ્યોર્જ બ્રિગ્સ કહે છે કે ગોરખનાથે તત્કાલીન સમાજ અને સામંતી વ્યવસ્થા સામે એક મોરચો માંડ્યો હતો. એક રીતે આ રાજનીતિક અભિગમ કહેવાય. બ્રિગ્સ લખે છે કે ગોરખનાથના વિચારોએ એક પરંપરા અને પંથનું સ્વરૂપ લઇ લીધું હતું અને આગળ જતાં ગોરખપંથના બાર ઉપપંથ થઇ ગયા હતા. બહુ બધા લોકો સંન્યાસને જીવનથી વિરક્તિ તરીકે જુએ છે અને એવું માની લે છે કે એક સંન્યાસીને સમાજથી શું લેવા-દેવા? આવું છે નહીં. સંન્યાસી પોતે ભલે સાંસારિક જીવન જીવતો ન હોય, પરંતુ આજુબાજુના સમાજને વ્યાખ્યાઇત કરવાનું કામ એના ભાગે આવે છે. ગોરખનાથનો વિરોધી સૂર કે કડવાં વેણ એ ભિન્ન મતનો જ પ્રકાર છે, જે લોકતાંત્રિક રાજનીતિનો અગત્યનો પાયો છે. જે લોકો સમાજને ત્યજીને સંન્યાસમાં જોડાઇ ગયા એમાં વિરક્તિ કરતાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો ભાવ વધુ હતો. ઇતિહાસકાર રોમીલા થાપર સંન્યાસને એક પ્રકારની પ્રતિ-સંસ્કૃિત એટલે કે કાઉન્ટર કલ્ચર કહે છે. ઉદાહરણ તરીકે બૌદ્ધની સંઘ પ્રથા, હિન્દુ સંતોની ભક્તિ પ્રથા, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ અને સનાતન ધર્મ મુખ્ય પ્રવાહની હિન્દુ સંસ્કૃિત સામેની રાજનીતિ જ હતી. ગોરખપંથ આવો જ એક રાજનીતિક અવાજ હતો.

સ્વાભાવિક રીતે જ ગોરખપીઠના તત્કાલીન મહંત દિગ્વિજયનાથ 1967માં હિન્દુ સભાની ટિકિટ ઉપર સંસદીય ચૂંટણીમાં ઊતર્યા હતા અને જીત્યા હતા. એમના ઉત્તરાધિકારી અને રામમંદિર આંદોલનના નેતા મહંત અવૈધનાથ ચાર વખત ધારાસભામાં અને ચાર વખત સંસદમાં ચૂંટાયા હતા. અવૈધનાથના શિષ્ય યોગી આદિત્યનાથ પાંચ ટર્મથી સંસદમાં ચૂંટાયા છે, અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે.

ટૂંકમાં કહીએ તો એક સંન્યાસી મુખ્યમંત્રી બન્યા એમાં બહુ લોકોને જે આશ્ચર્ય થયું તે અસ્થાને છે. યોગી આદિત્યનાથ એટલા જ સંસારી છે જેટલા સંસારી કોઇ રાજનીતિક પક્ષના અધ્યક્ષ કે કંપનીના ચેરમેન છે. ગોરખપંથની પોતાની પ્રથા, નિયમો, શાખાઓ અને પ્રવૃત્તિઓ છે. એમાં પણ પૈસાની લેવડ-દેવડ થાય છે અને હિસાબ-કિતાબ રખાય છે.

આદિત્યનાથે લગ્ન નથી કર્યાં અને એમનો કોઇ પરિવાર નથી એનો મતલબ એમ નહીં કે એ સમાજથી વિરક્ત અને વિમોહી છે. સામે પક્ષે હકીકત એ પણ છે કે ભારતીય રાજનીતિ ક્યારે ય ધર્મથી અલગ રહી નથી. ઇન્દિરા ગાંધીએ, 1976માં પહેલીવાર સંવિધાનમાં ધર્મનિરપેક્ષતા શબ્દ સામેલ કર્યો હતો પણ એ પછીનાં વર્ષોમાં એ શબ્દનું સતત ખૂન થતું રહ્યું હતું. પરંતુ એ કહાની ફીર સહી. અત્યારે તો આદિત્યનાથને ગોરખવાણી યાદ કરાવીએ:

મનમાં રહિણાં, ભેદ ન કહિણાં,
બોલિલા અમૃત વાણી,
અગિલા અગની હોઇલા,
હે અવધૂ તો આપણ હોઇલા પાણી.

(કોઇનાથી ભેદ ન કરો, મીઠી વાણી બોલો … અગર સામેવાળી વ્યક્તિ આગ બનીને સળગી રહી હોય તો હે યોગી, તું પાણી બનીને એને શાંત કર.)

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 26 માર્ચ 2017

Loading

સિટી બજાઇ લે, ખીચડી પકાઇ લે, પેટ મેં બડી આગ હૈ…

વિશાલ શાહ|Opinion - Opinion|27 March 2017

ભારતનો રાષ્ટ્રીય આહાર શું હોઇ શકે? કોઇ પણ ફૂડ એક્સપર્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી જોજો. જવાબ હશે, ખીચડી.

કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બિહાર સુધી જુદા જુદા સ્વરૂપે ખીચડી ખવાય છે. કૂકરમાં ચાર સિટી વગાડો એટલે જોઈએ એવી ખીચડી તૈયાર. ખીચડી દુનિયાની સૌથી ઝડપથી અને સરળતાથી તૈયાર થતી માઉથ વૉટરિંગ ડિશ છે. ખીચડીનો સૌથી મોટો ફાયદો એ છે કે, સ્વાદ પ્રમાણે તેની જયાફત ઉડાવી શકાય છે. જેમ કે, આપણે ત્યાં બટાકાનું રસાવાળું શાક, કાંદા અને ભાખરી સાથે ઘીમાં ચોળેલી ખીચડીનું જમણ ઘણું લોકપ્રિય છે. દૂધ, છાશ કે કઢી – જે પસંદ હોય તેની સાથે પણ ખીચડીનો લુત્ફ ઉઠાવી શકાય છે. ખીચડીમાં વૈવિધ્ય પણ અપરંપાર છે. ખીચડી તુવેરની દાળ, મગની દાળ, ચણાની દાળ અને ફાડાની બની શકે છે. સ્પાઇસી અને હલકુંફૂલકું ખાવાની ઇચ્છા હોય તો કાંદા, લસણ, વટાણા, ટામેટાં, બટાકા, રીંગણ કે કોબીજ જેવાં શાકભાજી અને તેજાના નાંખીને રાંધેલી મસાલેદાર ખીચડી ઉત્તમ વિકલ્પ છે. એ મસાલા નડે નહીં એ માટે ખીચડીમાં બે-પાંચ ચમચી દેશી ઘી નાંખવુ હિતાવહ છે. હવે તો ડ્રાયફૂટ ખીચડી પણ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતીઓ ઉપવાસમાં પણ ખીચડી ખાય છે. હા, સાબુદાણાની.

ગુજરાતીઓ દાળભાત-ખીચડી ખાતા હોવાથી શારીરિક રીતે નબળા હોય છે અને એટલે જ ભારતીય સેનામાં ગુજરાતીઓની રેજિમેન્ટ નથી, એ ગેરમાન્યતા છે. સેનામાં ગુજરાતીઓની સંખ્યા ઓછી છે અને રમતગમતમાં પણ ગુજરાતીઓ કાઠું કાઢી શકતા નથી, એના કારણો બીજાં છે. આ મુદ્દાને દાળભાત, ખીચડી કે શાકાહાર સાથે કોઈ લેવાદેવા નથી. દેશમાં સૌથી વધારે શાકાહારીઓ ગુજરાતમાં નથી. ભારત સરકારની રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફિસના આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધારે, ૭૪.૯ ટકા શાકાહારીઓ, રાજસ્થાનમાં છે. હરિયાણામાં ૬૯.૨૫ ટકા અને પંજાબમાં ૬૬.૭૫ લોકો શાકાહારી છે, જ્યારે ગુજરાતની ૬૦.૯૫ ટકા પ્રજા શાકાહારી છે. આમ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શાકાહારીઓ વધારે હોવા છતાં સેનામાં આ ત્રણેય રાજ્યના જવાનો સારી એવી સંખ્યામાં છે.

ખીચડીની ભાષા, ભાષામાં ખીચડી 

હા, તો વાત હતી ખીચડીની. ભગવદ્ગોમંડળમાં ખીચડીના અનેક અર્થ આપ્યા છે. જેમ કે, એક જાતનો કરવેરો, નૃત્યાંગનાને અગાઉથી અપાતી રકમ, બેર નામનાં વૃક્ષનું ફૂલ, સોનાચાંદીનો જથ્થો જેવા અનેક અર્થો માટે એક સમયે 'ખીચડી' શબ્દનો ઉપયોગ થતો … એટલે કે ખીચડી શબ્દ એક મૂલ્યવાન જણસના રૂપમાં વપરાતો હશે! ગુજરાતી ભાષાની સમૃદ્ધિ તો જુઓ! ફાડાની ખીચડી એટલે ઘઉંના ફાડા અને મગની મોગર દાળમાંથી બનતી ખીચડી. આ ખીચડી માટે પણ ગુજરાતી ભાષામાં અલગ નામ છે, 'દળિયો' અને 'થૂલી'. અનેક પ્રકારની બિમારીઓમાં થૂલી કે મગની દાળની સાદી ખીચડી ઉત્તમ આહાર છે કારણ કે, એ પચવામાં હલકી અને પોષકદ્રવ્યોની દૃષ્ટિએ સમૃદ્ધ છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે. બાળકને માતાનાં દૂધ પરથી સોલિડ ફૂડ પર લાવવાની શરૂઆત કરાય ત્યારે સૌથી પહેલાં ખીચડી ખવડાવાય છે.

મસાલેદાર ખીચડી

ગુજરાતી રૂઢિપ્રયોગો અને કહેવતોમાં પણ ખીચડીની બોલબાલા છે. જેમ કે, વખાણેલી ખીચડી દાઢે ચોંટી અને ઘી ઢોળાયું તો ખીચડીમાં જ. જે ગુજરાતીને આ બે કહેવત સમજાવવી પડે એ પાક્કો ગુજરાતી નથી! આ સિવાય પણ અનેક કહેવતો છે. ખીચડી લેવી એટલે લાંચ-રૂશ્વત લેવી. ખીચડી પકાવવી એટલે ગોટાળો કરવો. મફતનાં પગાર-ભથ્થાં લઇને બેસી રહેનારી વ્યક્તિ 'ખીચડી ખાઇ રહી છે' એમ કહેવાય. મોટા પંથમાં ભક્ત-ભક્તાણી છિનાળું કરે, વ્યભિચાર કરતા હોય ત્યારે પણ સાંકેતિક ભાષામાં 'ખીચડી ખાધી' જેવો પ્રયોગ કરાય છે. ખીચડી ખવડાવવી એટલે ભરણપોષણ કરવું. દાદાગીરી કરતા માણસ માટે પણ એક પ્રયોગ છે, બહુ ખીચડી ખદબદવી.

વૈષ્ણવ સંપ્રદાયમાં અન્નકૂટમાં ખીચડીનાં પ્રસાદનું ખાસ મહત્ત્વ છે. ભક્તોની સાથે ભગવાન 'ભાણેજ'ને જમવા તેડાવાય ત્યારે ખીચડી પીરસાય છે. આ ખીચડીને 'સખડી' પણ કહે છે. કેમ ખબર છે? તેલ, મીઠું, મરચું અને પાણીથી બનાવેલી વાનગીને સખડી કહેવાય. જેમ કે, ખીચડી. એવી જ રીતે, ફક્ત ઘી, લોટ, ગોળ અને ખાંડમાંથી બનતી વાનગી એટલે અનસખડી. જેમ કે, થોર. અનસખડીમાં તેલ, મીઠું અને મરચું ના હોય. સખડી અને અનસખડી વાનગીઓનો આ ફર્ક છે. બંને પ્રકારની વાનગી માટે જુદા જુદા શબ્દો. સખડીના ખીચડી પ્રસાદની બીજી એક ખાસિયત એ છે કે, તે બનાવવા એકની ઉપર એક એમ સાત હાંડી મૂકાય છે. રસપ્રદ વાત એ છે કે, સૌથી ઉપરની હાંડીની ખીચડી સૌથી પહેલા રંધાઈ જાય છે. આજેય ઓડિશાના પૂરીના મંદિરમાં આવી રીતે ખીચડી તૈયાર થાય છે. 

યક્ષ અમાવસ્ય અને મકર સંક્રાંતિની ખીચડી

ગુજરાત બહાર પણ ખીચડી એટલી જ લોકપ્રિય છે. એવું કહી શકાય કે, ખીચડી સાંસ્કૃિતક રીતે આખા દેશને એક તંતુએ જોડે છે. કાશ્મીરથી શરૂ કરીએ. યક્ષ અમાવસ્ય કાશ્મીરી પંડિતોનો ખૂબ જાણીતો તહેવાર છે. આ દિવસે પંડિતો યક્ષોના ભગવાન કુબેરને ખીચડીનો ભોગ ધરાવે છે. યક્ષ અમાસની રાત્રે કાશ્મીરી પંડિતો ખીચડી રાંધે છે, શુભ મંત્રોચ્ચાર કરીને થાળી તૈયાર કરે છે અને અગાશીમાં જઈને મૂકી આવે છે. કાશ્મીરી પંડિતોની માન્યતા છે કે, યક્ષો અમારા ઘરે ખીચડી ખાવા પધારશે. કાશ્મીરમાં કદમ કા અચાર, બોલે તો, ગાંઠ ગોભી એટલે કે મૂળિયા સાથે ખાઈ શકાય એ પ્રકારની કોબીજના અથાણા સાથે ખીચડીની જયાફત ઉડાવાય છે. હિમાચલ પ્રદેશમાં રાજમા અને ચણાની ખપત વધારે છે. એટલે અહીં ચોખા, રાજમા અને ચણાની દાળની શેકેલા ધાણાં, મેથી અને જીરુમાં વઘારેલી સુગંધીદાર ખીચડી લોકપ્રિય છે. તો રાજસ્થાનમાં ચોખા ઓછા પાકે છે એટલે ત્યાં ઘઉં, બાજરી અને મસૂરની દાળની ખીચડી ખવાય છે.

હિમાચલ પ્રદેશની રાજમા-ચણાની બલઇ, રાજસ્થાનની બાજરાની ખીચડી અને પીસ્તાથી તરબતર ગળ્યો ખીચડો

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ચોખા અને અડદની ખીચડી ખવાય છે, જેને 'અમલ ખીચરી' પણ કહેવાય છે. કારણ કે, એ ખીચડીમાં આમળા નાંખવામાં આવે છે. આમળા દર્શાવે છે કે, ઠંડી હવે વિદાય લઈ રહી છે. માઇન્ડ વેલ. એ ખીચડીમાં અડદની દાળની નહીં, પણ અડદની હોય છે. અડદનો રંગ કાળો હોય છે, જેને છડયા પછી તે કાળો નથી રહેતો પણ આછો પીળાશ પડતો થઈ જાય છે. આ પીળાશ પડતો અડદ એટલે અડદની દાળ. ઉત્તર ભારતમાં તો મકરસંક્રાંતિનો તહેવાર જ 'ખીચરી' નામે ઓળખાય છે.

એવી જ રીતે, ગુજરાતમાં મકરસંક્રાંતિના તહેવારમાં ખીચડો રંધાય છે, ખીચડી નહીં. જો કે, આ પરંપરા ઉત્તર ભારતીયો સાથેના સાંસ્કૃિતક આદાનપ્રદાનમાંથી આવી છે! શબ્દો જેવી રીતે અપભ્રંશ થાય છે એવી જ રીતે, વાનગીઓ પણ જે તે વિસ્તારમાં જાય પછી ત્યાંની આગવી ઓળખ ધારણ કરી લે છે. ખીચડો ઘઉં, ચોખા અને બધી જ દાળ ભેગી કરીને બનાવાય છે. ખીચડામાં તીખો અને ગળ્યો એમ બે વિકલ્પ હોય છે. તેમાં ઘઉં, ચોખા, તુવેર-મગ અને ચણાની દાળ, મઠ, જુવાર એમ સાત પ્રકારના અનાજ-કઠોળ હોય છે, એટલે તે સાત ધાનનો ખીચડો પણ કહેવાય છે. ખીચડાનું મુખ્ય કન્ટેન્ટ ઘઉં છે, જ્યારે ખીચડીનું ચોખા.

ઉત્તર ભારતમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાય છે અને ભક્તોને ખીચડીનો પ્રસાદ અપાય છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે મંદિરના મહંત છે, એ બાબા ગોરખનાથ મંદિરમાં તો 'ખીચડી મેળો' ભરાય છે. એવું કહેવાય છે કે, સદીઓ પહેલાં ગુરુ ગોરખનાથ હિમાચલના કાંગડામાં આવેલા જ્વાલા દેવી મંદિર માટે ખીચડીની ભિક્ષા લેવા આવ્યા હતા પણ ત્યાં જ સમાધિસ્થ થઈ ગયા. માન્યતા છે કે, આજે ય જ્વાલા દેવી મંદિરમાં ગુરુ ગોરખનાથની રાહ જોવાઈ રહી છે કે, તેઓ ભિક્ષાપાત્રમાં ખીચડી લઈને આવશે. એટલે હજારો શ્રદ્ધાળુઓ ગુરુ ગોરખનાથ મંદિરમાં ખીચડીનો ભોગ ધરાવે છે પણ એ ભિક્ષાપાત્ર ક્યારે ય ભરાતું જ નથી. નેપાળના રાજવીઓ પણ અહીં દર વર્ષે ખીચડીનો ભોગ ધરાવે છે.

અન્ના અને બાબુ મોશાયની ખીચડી 

ખીચડી ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની સાંસ્કૃિતક પરંપરાને જોડે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં પોંગલના તહેવાર નિમિત્તે ખીચડી ખવાય છે. મકરસંક્રાંતિનો તહેવાર દક્ષિણ ભારતમાં પહોંચ્યા પછી પોંગલ થઈ ગયો. પોંગલ પણ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે ૧૪મીથી ૧૭મી જાન્યુઆરી દરમિયાન ઊજવાય છે. પોંગલમાં ચક્કર, વેન, મેલાગુ અને પૂલી એમ ચાર પ્રકારની ખીચડી રંધાય છે. આ ખીચડી દક્ષિણ ભારતમાં 'પોંગલ' નામે પ્રચલિત છે. જરા વિચાર કરો. ઉત્તર ભારતમાં જે રીતે મકરસંક્રાંતિનો તહેવાર 'ખીચરી' નામે ઓળખાય છે એવી જ રીતે, દક્ષિણ ભારતમાં 'પોંગલ' નામે ઓળખાય છે. એટલે કે તહેવારના નામ પરથી જ વાનગીનું નામ અથવા વાનગીના નામ પરથી તહેવારનું નામ. જે ગણો તે.

ડ્રાય ફ્રૂટ્સ ભભરાવેલી ગળ્યા મધ જેવી ચક્કર પોંગલ અને શાકભાજીના ડિપ ફ્રાય ભજિયાં સાથે બંગાળી ખીચુરી

દક્ષિણ ભારતમાં એકાદ હજાર વર્ષથી પોંગલની ઉજવણી થતી હોવાના ઉલ્લેખો મળે છે. પોંગલ શબ્દ તમિલ ભાષાના 'પોંગ' કે તેલુગુના 'પોંગુ' શબ્દ પરથી આવ્યો છે. પોંગનો અર્થ થાય છે બાફવું અને પોંગુનો અર્થ થાય છે ઉકાળવું. ચક્કર પોંગલ ચોખા, મગની દાળ, ગોળ અને ટોપરામાંથી બનાવાય છે, જેનો સ્વાદ ગળ્યો હોય છે. દક્ષિણ ભારતના મંદિરોમાં ચક્કર પોંગલનો ભોગ ધરાવાય છે. વેન, મેગાલુ અને પૂલી પોંગલ આપણી ખીચડીની જેમ જ રંધાય છે, પણ દક્ષિણ ભારતના મસાલા, સાંભર અને ટોપરાની ચટણીના કારણે પોંગલ દક્ષિણ ભારતની યુનિક ડિશ બની જાય છે. મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકનો ૭૨૦ કિલોમીટર લાંબો પટ્ટો કોંકણ તરીકે ઓળખાય છે. આ આખા પટ્ટામાં પણ પોંગલની બોલબાલા છે. મહારાષ્ટ્રમાં વાલનું પુષ્કળ ઉત્પાદન થાય છે. આ કારણસર અહીં ચોખા, મગફળી, કાજુ, ટોપરું અને ટામેટાંનો ઉપયોગ કરીને અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક 'વાલચી ખીચડી' પણ જાણીતી છે. પારસીઓ સદીઓ પહેલાં ગુજરાત અને પછી મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. દરિયો તેમના જીવનનું અભિન્ન અંગ હતું એટલે તેઓ સદીઓથી ઝીંગા, માછલી કે ઇંડાના જુદા જુદા પ્રકારના સૂપ સાથે મસૂર કે તુવેરની દાળની સૂકી ખીચડી ખાય છે. દેશભરમાં પારસીઓની ખીચડી સૌથી અલગ પડે છે, જે તેમની જીભના આગવા સ્વાદને આભારી છે.

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પણ ખીચડી ખવાય છે, જેને બંગાળીમાં 'ખીચુરી' કહેવાય છે. બંગાળીઓ બડા સ્વાદથી ખીચડી આરોગે છે. બંગાળીઓ લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી બનાવેલી કરી, ડિપ ફ્રાય કરેલાં શાકભાજીનાં ભજિયાં અથવા હિલ્સા (બહુ જાણીતી ફિશ) સાથે ખીચુરીની મજા માણતા હોય છે. એની સાથે પાપડ અને અથાણું તો ખરું જ. બંગાળીઓ દુર્ગા પૂજા વખતે દેવીને માંસ કે માછલીના ટુકડા નાંખીને બનાવેલી ઘીથી લથબથ ખીચુરીનો ભોગ ધરાવે છે. ઓરિસ્સામાં જગન્નાથપુરીના મંદિરમાં પણ સદીઓથી સાત હાંડીમાં રાંધેલી ખીચડીનો ભોગ ધરાવાય છે.

હવે ઘરમાં ખીચડી રંધાય ત્યારે એવું ના કહેતા કે, ખીચડી તો બિમાર, માંદલા અને ગરીબોનું ભોજન છે કારણ કે, એ 'ગોડ્સ ઓન ફૂડ'નું અપમાન કરવા બરાબર છે. 

મહાન ટ્રાવેલર ઇબ્ન બતુતાના ટ્રાવેલોગમાં પણ ખીચડીની નોંધ

આજકાલ તો અનેક વિદેશી ફૂડી ટ્રાવેલરો ભારત આવીને ખીચડીની નોંધ લેતા હોય છે પણ ૧૪મી સદીમાં મોરોક્કોથી આવેલા ઇબ્ન બતુતાએ પણ ખીચડીનો ઉલ્લેખ કર્યો છે, એ જરા રસપ્રદ છે. બતુતાએ લખ્યું છે કે, '… અહીં મગને ચોખા સાથે ઉકાળીને, ઘીમાં નાંખીને ખવાય છે. તેને અહીંના લોકો કિશરી કહે છે. તેઓ રોજ કિશરીનું વાળું કરે છે…' એ પછી મોગલ કાળના પ્રસિદ્ધ પુસ્તક 'આઇન એ અકબરી'માં પણ અબુ ફઝલે દિલ્હી સલ્તનતના રસોડામાં બનતી જાતભાતની ખીચડીના ઉલ્લેખ કર્યા છે. આ પુસ્તકમાં અકબરને ખીચડીની બનાવટની કેટલી બારીક જાણકારી હતી એ પણ જાણવા મળે છે. મસાલેદાર ખીચડી જહાંગીરની પણ પસંદીદા ડિશ હતી. આજે પણ હૈદરાબાદમાં અનેક પ્રકારની નોન-વેજ ખીચડી ખવાય છે, જેના પર મોગલ કાળની ખીચડીનો પ્રભાવ છે. હૈદરાબાદના નિઝામો થકી જ ખીચડી દક્ષિણ ભારતમાં પહોંચી હતી. મૈસૂરના રાજપરિવારોના મહેલોમાં પણ નિયમિત રીતે ખીચડી બનાવાતી હોવાના પુરાવા છે.

બ્રિટિશરો ભારત આવ્યા એ પછી ખીચડીની માસિયાઇ બહેન જેવી 'કેજેરી' નામની વાનગી અસ્તિત્વમાં આવી, જે આજેય બ્રિટનમાં ખવાય છે. આ કેજેરી લોકપ્રિય થવાથી કિશરી, કિચેરી, કિચારી, કિચીરી અને કિચુરી જેવા અડધો ડઝન શબ્દો અસ્તિત્વમાં આવ્યા. એટલું જ નહીં, ભૌગોલિક પ્રદેશો પ્રમાણે ઇંડા, માંસ અને જુદી જુદી માછલીમાંથી બનતી જાતભાતની ખીચડીનો પણ જન્મ થયો. આજે ય ઇજિપ્તની સૌથી લોકપ્રિય વાનગી 'કુશારી' છે, જે બિલકુલ આપણી ખીચડી જેવી છે.  ટૂંકમાં, ભાષા, શબ્દોની જેમ વાનગીઓની પણ આવી રીતે ઉત્ક્રાંતિ થતી હોય છે.

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2017/03/blog-post_27.html

Loading

ઑબ્જેક્શન મિલૉર્ડ

રમેશ ઓઝા|Opinion - Opinion|27 March 2017

અલાહાબાદની વડી અદાલતનો ચુકાદો ન્યાયોચિત ઓછો અને સમાધાનકારી વધારે હતો એટલે તો તમામ પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. સર્વોચ્ચ અદાલત માલિકી નિર્ધારણ કરવાની મર્યાદામાં રહીને ન્યાયોચિત ચુકાદો આપે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. એની જગ્યાએ મુખ્ય ન્યાયમૂર્તિ હાથ ઊંચા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પરિણામોની ચિંતા કર્યા વિના શુદ્ધ કાયદાની મર્યાદામાં રહીને ટાઇટલ વિશે ચુકાદો આપવો જોઈએ

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ સંબંધિત પક્ષકારોએ સાથે બેસીને અદાલતની બહાર ઉકેલવો જોઈએ એવી સલાહ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરે આપી છે. ન્યાયમૂર્તિ ખેહરે બન્ને પક્ષકારોને થોડું જતું કરવા જેટલી ઉદારતા બતાવવાની સલાહ આપી છે. કોઈ પણ ઝઘડો અદાલતની બહાર ઉકેલવાનો પ્રસ્તાવ સાંભળીને આપણને એક પ્રકારની સુવાણનો અનુભવ થાય છે. કજિયાનું મોં કાળું એવી આપણે ત્યાં કહેવત છે. અદાલતમાં એ લોકો જાય જેમનામાં વિવેકનો અભાવ હોય. આમ અદાલતની બહાર પ્રશ્નને ઉકેલવાનું સૂચન આવે ત્યારે આપણે રાજી-રાજી થઈ જતા હોઈએ છીએ અને જ્યારે ન્યાયમૂર્તિ પોતે આવી સલાહ આપે ત્યારે આપણે વધારે રાજી થતા હોઈએ છીએ.

પરંતુ ન્યાયમૂર્તિ ખેહરનું સૂચન અનુચિત છે એટલું જ નહીં, અદાલતની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેનારું છે. અદાલતની બહાર એવા પ્રશ્નો ઊકલી શકે જ્યાં લેવડદેવડનો કે આપ-લેના પ્રમાણનો ઝઘડો હોય, પરંતુ જ્યાં માલિકીનો કે અધિકારનો સમૂળગો દાવો કરવામાં આવતો હોય એવા પ્રશ્નો અદાલતની બહાર ઉકેલાતા નથી અને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો પ્રશ્ન આવો છે. જે સ્થળે બાબરી મસ્જિદ ઊભી હતી એ સ્થળે કોઈ યુગમાં રામલલ્લાનું મંદિર હતું કે કેમ એના કોઈ નક્કર પુરાવાઓ નથી. બીજું, નક્કર પુરાવાઓ મળી જાય તો પણ ઇતિહાસના હિસાબ-કિતાબ કરવાની એક મર્યાદા હોય છે. સેંકડો વરસ પહેલાં આ સંપત્તિ મારા બાપ-દાદાઓની હતી અને અત્યારે જે લોકો એના પર કબજો ધરાવે છે તેમના બાપ-દાદાઓએ અમારી સંપત્તિ ઝૂંટવી લીધી હતી એવો કોઈ દાવો કરે એ દાવાને અદાલત સાંભળે ખરી? ત્રીજું, ધાર્મિક શ્રદ્ધા, માન્યતા અને ધારણાઓના આધારે ન કોઈ દાવો થઈ શકે કે ન અદાલત એવા દાવાઓને સાંભળી શકે.

તો આ સ્થિતિમાં અદાલતની શું ભૂમિકા હોઈ શકે એ સવાલ છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો પ્રશ્ન લેવડ-દેવડનો નથી પણ સમૂળગા દવાનો છે. દાવો સેંકડો વરસ જૂનો છે અને એ પણ ધાર્મિક શ્રદ્ધા અને ધારણાનો છે. આ સ્થિતિમાં અદાલતની દેખીતી રીતે કોઈ ભૂમિકા ન હોઈ શકે, પરંતુ એ છતાં અદાલતની એક ભૂમિકા બને છે અને એ ભૂમિકા ભજવવાનું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ટાળે છે. એ ભૂમિકા છે જ્યાં બાબરી મસ્જિદ ઊભી હતી એના ટાઇટલના નિર્ધારણની. અદાલત માટે એ એક સંપત્તિ છે અને એ સંપત્તિ કોની માલિકીની છે એ નક્કી કરવાનું કામ અદાલતનું છે. અદાલતને ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ નથી, ઇતિહાસ સાથે સંબંધ નથી, ઐતિહાસિક પુરાવાઓ સાથે પણ સંબંધ નથી; સંબંધ છે માત્ર અને માત્ર માલિકી સાથે. કોનો કબજો છે અને કોણ કાનૂની માલિકી ધરાવે છે એ નક્કી કરવાનું કામ અદાલતનું છે.

ઉત્તર પ્રદેશની ફૈઝાબાદની અદાલતમાં દાયકાઓ પહેલાં જે અરજી કરવામાં આવી હતી એ માલિકીના દાવાની એટલે કે ટાઇટલ વિશેની હતી. જ્યારે ઝઘડો અદાલતમાં ગયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદનું અસ્તિત્વ પણ નહોતું. એ સમયે શ્રદ્ધાની વાત હતી, પરંતુ શ્રદ્ધાનું રાજકારણ નહોતું. ખટલો લંગડાતો-લંગડાતો અલાહાબાદની વડી અદાલતમાં ગયો હતો. ૨૦૧૧માં વડી અદાલતે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદને ત્રણ હિસ્સામાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો. એક હિસ્સો વકફ બોર્ડને, બીજો હિસ્સો નિર્માહી અખાડાને અને ત્રીજો હિસ્સો રામલલ્લાનો એટલે કે મૂળ હિન્દુ દાવેદારોનો. વડી અદાલતે સંઘ પ્રેરિત રામજન્મભૂમિ ન્યાસને પક્ષકાર ગણાવવાની ના પાડી દીધી હતી. અપેક્ષા મુજબ ત્રણેય પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા અને સર્વોચ્ચ અદાલતે ચુકાદા પર સ્ટે આપ્યો હતો.

અલાહાબાદની વડી અદાલતનો ચુકાદો સંપૂર્ણપણે ન્યાયોચિત હતો કે વચલો માર્ગ શોધનારો હતો એ જુદો સવાલ છે, પરંતુ એક વાત નક્કી કે અદાલતનો એ ચુકાદો ટાઇટલ અંગેનો હતો. બીજું, વડી અદાલતનો ચુકાદો ન્યાયોચિત ઓછો અને સમાધાનકારી વધારે હતો એટલે તો તમામ પક્ષકારો સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. સર્વોચ્ચ અદાલત માલિકી નિર્ધારણ કરવાની મર્યાદામાં રહીને ન્યાયોચિત ચુકાદો આપે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. એની જગ્યાએ મુખ્ય ન્યાયમૂર્તિ હાથ ઊંચા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પરિણામોની ચિંતા કર્યા વિના શુદ્ધ કાયદાની મર્યાદામાં રહીને ટાઇટલ વિશે ચુકાદો આપવો જોઈએ.

અહીં એક પ્રશ્ન થશે કે અદાલતની બહાર સમાધાન થતું હોય તો શું ખોટું છે? કમસે કમ પ્રયાસ કરી જોવામાં શું ખોટું છે? કદાચ પ્રશ્ન ઊકલી પણ જાય. પહેલી નજરે આ પ્રસ્તાવ જેટલો નિર્દોષ લાગે છે એટલો એ નિર્દોષ નથી. સંઘપરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદને સમાધાન કરવામાં રસ નથી. તેમને મંદિર બાંધવામાં પણ કોઈ રસ નથી. તેમને પ્રશ્ન જીવતો રાખીને એનો રાજકીય લાભ ઉઠાવવામાં રસ છે. ચન્દ્રશેખર જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમની અધ્યક્ષતામાં સમાધાન માટે શ્રેણીબદ્ધ બેઠકો થઈ હતી અને કોઈ સમાધાન થયું નહોતું. રામલલ્લાનું મંદિર બાંધવા માટે વકફ બોર્ડ જમીન આપવા તૈયાર હતું, પરંતુ તેમને શ્રદ્ધાને નામે મસ્જિદ ત્યાંથી હટાવવી હતી. કારણ વિના સાચાં-ખોટાં ઐતિહાસિક પ્રમાણો રજૂ કરીને વાટાઘાટોને અવળે પાટે ચડાવવામાં આવી હતી અને એ દ્વારા હિન્દુ માનસને વધારે ઝેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ ખેહર આ ન જાણતા હોય એ શક્ય નથી. લાલ કૃષ્ણ અડવાણીએ પોતે એ સમયે આ લખનારને કહ્યું હતું કે અમારું આંદોલન મંદિર માટેનું નથી, તમારા જેવા સુડો-સેક્યુલરિસ્ટોની રાજકીય જમીન આંચકી લેવા માટેનું રાજકીય છે. આજે જ્યારે તેમણે કેન્દ્રમાં અને ઉત્તર પ્રદેશમાં રાજકીય જમીન આંચકી લીધી છે ત્યારે ન્યાયમૂર્તિ ખેહર કહે છે એમ આપ-લેના ધોરણે સમાધાન થાય એ શેખચલ્લીના સપના જોવા જેવું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 માર્ચ 2017

Loading

...102030...3,4173,4183,4193,420...3,4303,4403,450...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved