Opinion Magazine
Number of visits: 9689093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્થ જોડણીકોશઃ મહિમા અને મર્યાદા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|20 May 2017

પચાસ વરસનાં અંતરાલ પછી સાર્થ જોડણીકોશની નવી આવૃત્તિનું આવવું તેમ જ ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક છે

તુષાર ભટ્ટે એક વાર પુસ્તકમેળા વિશે ફીચર કર્યું ત્યારે ચોંટડૂક મથાળું કીધું હતું – બુક્સ અધર ધેન ચેકબુક્સ! સાધારણ રીતે કોષ કહેતાં ખજાનો સમજાય એ ગુજરાતની કથિત તાસીર છે, પણ આજકાલ ગૂજરાત વિદ્યાપીઠનો કોશ (સાર્થ જોડણીકોશ) ચર્ચામાં અગર તો વિવાદમાં છે એ કોશ(ષ)ના અન્ય અર્થની રીતે ગુજરાતીઓની પોતાની અને એમને વિશે બીજાઓની બદલાઈ શકતી સમજનું જ કદાચ એક દષ્ટાંત તો નથી ને?

કોશ એક ચર્ચ્ય અને ચિંત્ય વિષય છે એવો રસ વર્તમાનપત્રોને જાગે તે પણ ઠીક જ છે; કેમ કે મુદ્રિત માધ્યમનો અને એમાં પણ વિસ્તરતાં વર્તમાનપત્રોનો લાંબો ઇતિહાસ ધરાવતા ગુજરાતમાં કોઈ વર્તમાનપત્રે પોતાનું સ્પેલચેકર બનાવવાની રીતે આર્થિક રોકાણ કરવાની જરૂરત જોયાનું જાણ્યું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદનાં આરંભિક વર્ષોથી આપણી પાસે ધોરણસરનો કોશ નહીં હોવાની – ખરું જોતાં જે તે જોડણી બાબતે ચોક્કસ ધોરણ નહીં હોવાની એક ફરિયાદલાગણી અને તે સબબ કંઈક કરવાની ધખના વરતાતી હશે; સાક્ષરો ને શિક્ષણકારો તે વિશે ઊહાપોહ અને કોશિશ કરતા હશે, પણ સંકલ્પપૂર્વકની ભોં ભાંગવાનું ગાંધીજીને લમણે લખાયું હતું.

એમના સૂચનથી કાકા કાલેલકર અને ગૂજરાત વિદ્યાપીઠ આદિએ એ જવાબદારી સાહી, એમાં યથાપ્રસંગ રા.વિ. પાઠક, નરહરિ પરીખથી માંડીને મગનભાઈ પ્ર. દેસાઈ, ચંદ્રશંકર શુકલ, વિશ્વનાથ ભટ્ટ અને બીજા સમિધ પૂરતા રહ્યા. 1929માં એની પ્રથમ આવૃત્તિનું પ્રગટ થવું એ મોટી મંદી વચાળે ગુજરાતના જાહેર જીવનમાં એક નરવી તેજી જેવી બીના હતી. આ કોશ, હવેના લોકશાહી જમાનામાં હેમચંદ્રકૃત વ્યાકરણને હાથીએ આરૂઢ કરી સવારી કાઢનાર સિદ્ધરાજની અપેક્ષા અલબત્ત ન સેવી શકે. પણ પ્રાંતિક સ્વરાજનાં વર્ષોમાં મુંબઈ સરકારે એને માન્યતા આપી તે સાથે, સ્વભાષાની સેવાની રીતે, સ્વરાજનાં ઉંબર વર્ષોમાં અક્ષતકુંકુમ સરખી એ એક મહિમાવંતી ઘટના જરૂર હતી.

હવે ચાલુ વરસે 73,000 શબ્દો સાથે એની છઠ્ઠી આવૃત્તિ – ખાસાં પચાસ વરસના અંતરાલ પછી – સુલભ થઈ છે ત્યારે સિદ્ધહૈમ વ્યાકરણ વેળાનાં ડંકાનિશાન નહીં તો પણ વિવાદવચનોની ડિંડિમિકાનું માન એને જરૂર મળી રહ્યું છે. અચ્છા પ્રૂફચી (જેમ તોપચી, નગારચી, કટારચી તેમ પ્રૂફચી) વજેસિંહ પારગીનું ફેસબુકની રાંગેથી ખાબકવું અને ઓનલાઇન પ્રસાર સાથે અખબારી પાનાં પર પણ ઝળકવું જો એનો એક છેડો છે, તો તાજેતરનાં વર્ષોમાં સંશોધનક્ષેત્રે અકુતોભય સજ્જતા સમેત સંચાર કરનાર તરીકે ઊભરેલા હેમંત દવેએ ‘સાર્થક જલસો-8’માં આપણા સૌ નાનામોટા કોશોના ઝડપી છતાં ચોક્કસ સર્વેક્ષણની જે તક આ નિમિત્તે ઝડપી તે એનો બીજો છેડો છે.

અહીં આવા પ્રયાસો વિશે અનુમોદનાના હૃદયભાવ સાથે બેત્રણ મુદ્દા સાર્થ જોડણીકોશ સંદર્ભે કરવા ધાર્યા છે. અસ્થાને અંગ્રેજીના (ખાસ કરીને બાળવયે શિક્ષણના માધ્યમ તરીકે) એક દોર પછી કેટલાંક વર્તુળોમાં કદાચ કંઈક મૂર્છા ઊતરી રહી હોય કે પછી કોઈ બીજા છેડેથી ગતાનુગતિક ઘેલાં કાઢવાનો ઉત્સાહ જાગ્યો હોય તેમ મારી માબોલી, માતૃભાષા વગેરે હાલ ઉજવણાંનું મહત્ત્વ પામેલ છે. ગમે તેમ પણ, પ્રજામાત્ર એની ભાષા અને એના ભાવની અભિવ્યક્તિથી પોષાય અને પોંખાય છે. એ  રીતે જો કોશ વિશે કશીક સભાનતા જાગી હોય અને તે વિશે ઊહાપોહભેર આગળ વધવાપણું સમજાતું હોય તો એ જરૂર સ્વાગતાર્હ છે. અને એ રીતે પચાસ પચાસ વરસના અંતરાલ પછી એની નવી આવૃત્તિનું આવવું તેમ જ તે નિમિત્તે ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક જ મુબારક છે.

1967થી 2017નાં પચાસ વરસનો આ અંતરાલ આપણી કોશસાધનામાં આવેલ ઝોલાનો સૂચક છે એ બીજો મુદ્દો પણ અહીં તરત કરવો જોઈએ. મગનભાઈનો કાર્યકાળ સંકેલાયો તે પછી કોશ કાર્યમાં જે સાતત્ય ને શોધન જોઈએ એ રહ્યાં નહીં. મગનભાઈના કાળમાં પણ કોશ કાર્યાલય કોઈ ઑક્સફર્ડ સમકક્ષ સ્વાભાવિક જ નહોતું, પરંતુ મગનભાઈની સજ્જ અને સમર્પિત પ્રતિભા અને એને મળી રહેલો સહયોગ કેટલું બધું હજી ખૂટે છે એવી સભાનતા સાથે ય કાર્યનિરત અવશ્ય હતાં. તે પછી પૂરતી ફાળવણી અને અગ્રતાને અભાવે જે બન્યું એમાં સ્વાભાવિક જ તદર્થ (એડહોક) ખાસું હતું, અને અપૂરતું તો એ હતું જ. આમ પણ કોશનું કામ એ એક અર્થમાં કદી પૂરું નહીં થતું કામ છે, અને તે માટે સજ્જ માણસો પણ ઘણુંખરું ઓછા હોવાના, એ મતલબની દિલખુલાસ વાત કોશકાર્યના માર્ગદર્શક મંડળના ચંદ્રકાન્ત શેઠે છઠ્ઠી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે મૂકી જ હતી.

અહીં આ આવૃત્તિમાં રહેલી ભૂલોની તપસીલમાં જવાનો ન તો આશય છે, ન તો એવો અધિકાર પણ છે. એ બધી વાતો તો જેમણે પણ કેડે કાંકરો મેલીને આ આવૃત્તિ માટે કામ કર્યું એ કદાચ આપણા સૌ કરતાં વધારે ધોરણસર કરી શકે. અલબત્ત, એક જ શબ્દની અલગ અલગ જોડણી (સંવૃત/વિવૃત) અગર તો અંગ્રેજી શબ્દોના પરબારા સ્વીકાર અને ઉચ્ચારણ બાબતની અનવસ્થા વગેરે સહેજ વધુ સંભાળથી, લગીર ઓછા અનવધાનથી ટાળી શકાયાં હોત એવું કહેવામાં હરકત નથી. કોશના ડિજિટલ સંસ્કરણ માટે ગુજરાત લેક્ઝિકોન સાથે કામ કરનાર વિદ્યાપીઠને સ્પેલ ચેકરનો ઉપયોગ સહજ કેમ સૂઝ્યો નહીં હોય, એવી વિપુલ કલ્યાણીની ઑનલાઈન અમૂઝણ વિચારણીય છે.

પણ એક વાત ખરી કે જેને આવા કામમાં પોતાનું કૉલિંગ વરતાય છે એને કેરિયર પણ મળી રહે અને કોશને ખુદને ઘરનું ઘર મળી રહે એવા સમગ્ર પ્રબંધન અને આયોજનની જરૂરત છે. હમણાં જે એક – બે ટીકામુદ્દા નોંધ્યા તે સિવાય પણ ઘણુંબધું કરવાનું રહે છે. એ કદાચ ત્યારે જ બને જ્યારે કોશ કાર્યાલય પૂરા કદનું હોય. શતાબ્દી ભણી અગ્રસર ગૂજરાત વિદ્યાપીઠ જો શાસન અને શ્રેણીઓના સહયોગપૂર્વક વિદ્વજ્જનોને જોતરી શકે તો એ મોટું કામ થશે. ટીકાનું નાળચું, વિદ્યાપીઠે ક્યારેક કરેલી આવકાર્ય પહેલ પરત્વે અભિવાદનપૂર્વક, વચગાળામાં પડેલ લાંબા ઝોલાથી માંડીને પૂરા કદના જોડણીકોશની જરૂરતો ભણી ફેરવવું ઘટે છે. ક્યારેક આ કોશે આપણી ઘણી મોટી ગરજ સારી, કંઈક ભાવઠ પણ ભાંગી, પણ એક અંતરાલ પછી એણે અગાઉની મર્યાદાઓને લાંઘીને જે વિશ્વરૂપ પ્રગટ કરવાપણું છે તે તો હજી છેટે ને છેટે જ છે.

જે ટીકાટિપ્પણ થઈ રહ્યાં છે અને થશે એનો સારભાગ પકડીને વિદ્યાપીઠ કોશકાર્યની શુદ્ધિ, વૃદ્ધિ અને પૃષ્ટિ પરત્વે અગ્રતાસૂચિને ધોરણે આગળ વધશે તો ટીકાવચનોમાંથી ઘઉં ને કાંકરા અલગ પાડવા સાથે આપણે ટીકાકારોનો પણ પાડ માનીશું. વિદ્યાપીઠનો તો એ પાડ અલબત્ત છે જ કે એણે મહેણું ભાંગતો આરંભ કર્યો ને કંઈક ચલાવ્યો. ટીકાઓ પરત્વે કુલનાયક અનામિક શાહે આપેલો વિધાયક પ્રતિસાદ નવા તબક્કા બાબતે બેલાશક આશા જગવે છે. મજલ અલબત્ત લાંબી અને લાંબી જ હોવાની છે.

પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : ‘સ્વાગત’, “દિવ્ય ભાસ્કર”, 20 મે 2017

પૂરવણી :

સૌજન્ય : ‘અમદાવાદ સિટી ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 18 મે 2017

Loading

વહીવટ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|18 May 2017

ઓફિસમાં પગ મૂકતાં જ શાહની નજર ખૂણાના ટેબલ પર જામેલી ધૂળની પરત પર પડી. વાંકા વળી પાકીટ મૂકવા ખાનું ઉઘાડવા જતા હતા ને આમ બન્યું. રાબેતા મુજબ એમનો પિત્તો ઉછળ્યો. ‘કેશલા …’ પહેલા ઊંચા અવાજે, પછી દીવાલો ફાંદે એવા બરાડો. એના પડઘા શમે એ પહેલાં કેશાજી ખંધુ હસતો પ્રવેશ્યો.

‘આ ટેબલ જો. ભાન નથી પડતું, સાલા ડફોળ.’ શાહે હાથ ઉગામવા જેવુ કરતાં એની સામે ડોળા કકળાવ્યા.

‘ઓહો … ઈમા તો શું થઈ જયું, સાયેબ ઓંમ તપી જ્યા.’

‘આ ધૂળ સાફ કર પહેલાં, જલદી.’

‘અબઘડી. જો ક મીં નાગરિયા ન કીધેલું ક સાયેબનું ટેબલ સાફ જોશ્યે પણ … કોંય વૉંધો નઇ આ થૈ જયુ લો’ કહી કેશાજીએ ટેબલ નીચેથી કપડું કાઢ્યું.

શાહની આંખો ચાર થઇ, ‘નાલાયક, તારા ગાભા મારા ટેબલ નીચે સંતાડે છે?’ સવાલ સાથે ખુરશીના પાયા તરફ ઇશારો કર્યો. બધું બરાબર સાફ કરી કેશાજી બહાર નીકળ્યો પછી સંતોષનું સ્મિત કરતાં  શાહે બેઠક લીધી. આંખો બંધ કરી બે ત્રણ વાર  ટેબલને હાથ અડાડી આંખે, છાતીએ અડકાડ્યો અને ભગવાનને રીઝવ્યાના આનંદ સાથે ખિસ્સામાંથી ચાવી કાઢી તિજોરી ઊઘાડી. ફાઈલોનો થોકડો ઉઠાવી ટેબલ પર ગોઠવ્યો અને કામગીરી શરૂ કરી.

એક કાગળ અડધો ય નહિ વંચાયો હોય ત્યાં જુનિયર કારકૂન સોલંકી પ્રવેશ્યો. શાહને બેઠેલા જોઇ એના ચહેરા પર ગભરાટ છવાયો. ‘ગુડ મોર્નિંગ સર’ એણે સંકોચાતા હાથે ખુરશી ખેસવી. શાહે બે વખત ઘડિયાળમા જોયું ને વિજેતા નજર સોલંકી પર ઠેરવી. સોલંકી માયકાંગલું મલકાયો. શાહે થપ્પીમાંથી ત્રણ ફાઇલો ઉઠાવી સોલંકી તરફ અંબાવી.

શાહ જિલ્લા ક્ષય કેન્દ્રમાં સીનિયર ક્લાર્ક હતા. એ તો એમનો સરકારી હોદ્દો વાસ્તવમાં એ કચેરીના સર્વેસર્વા હતા. એક બે નર્સ અને અધિકારીઓ સિવાય ભાગ્યે જ કોઇને એમનું  સ્મિત લભ્ય હતું. જો કે એમને દૂર રાખવા કે ઉવેખવા કોઇ કર્મચારીને ચાલે એમ નહોતું.

જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ચત્રભુજ અને તબીબી અધિકારી ડૉ. બારડ શાહની કોઇ પણ કામના ઝડપી નિકાલની વહીવટી આવડતથી ખુશ હતા. શાહ થોડા આકરા છે, પણ વહીવટમાં તો કડક માણસો જ ચાલે એવી એ વાતે બન્ને સહમત હતા.

શાહનું વાઘ જેવું ખૂંખારપણું  અરુણાબહેનને બહુ જ ગમતું. શાહ કોઈ વાર ગંદી ગાળ બોલે ત્યારે એ આડા મરકાટથી વધાવી લેતાં, ‘શરમાવ હવે ઘેર છોકરી પરણાવવા જેવડી થઈ તો ય લાજ નથી, કેમ?’શાહ ખડખડાટ હસી પડતા. એકલા હોત તો ચોક્કસ કશોક બિભત્સ ચાળો કર્યા વિના ન રહ્યા હોત.

જો કે કારકૂની તો શાહની શોખની ચીજ હતી ખાનગીમાં છડેચોક ચાલતો ધીરધારનો ધંધો એમની આગવી ઓળખ હતી. મોટા ભાગના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય અમુક અધિકારીઓ અને જૂના નવા બન્ને સચિવાલયના કર્મચારીઓ એમના ઘરાક હતા.

શાહે સાચવી ને મુદતબંધી ઊઘરાણી જોઇ લીધી અને બપોર પછી ફરવાની યાદી બનાવી લીધી. આ યાદી એ કાયમ ઉપલા ખીસામાં રાખતા, જ્યારે ઓફિસના “બાકી કામો”ની યાદી  ટેબલના જમણાં ખાનાંમાં. એમણે હળવેથી ખાનું ખોલી યાદીમાં લખી રાખેલી વિગતમાંથી એક પસંદ કરી, સોલંકી પાસે ઉઘરાણી કરી. સોલંકી ગભરાઈ ગયો. આ રિપોર્ટ તો ધ્યાનમાં જ નહોતો. અહીં બત્રીસ માણસોના મહેકમમાં એક જુનિયર ક્લાર્ક! એકલો જીવ કેટલે પહોંચે? શાહ ને હાળાને કેટલું યાદ રે‘ છે! કોઈ સસલું જુએ એમ શાહને જોઇ એણે નિકાલ કરેલી ફાઈલો લંબાવી બોલ્યો,‘ બસ એક જ રિપોર્ટ મંગાવવો રહી ગયો, સર.’

‘એમ? એટલે મેં સોપેલું કામ વિસાતમાં જ નહિ બરબરને?’

“ના જી, એવું નથી.’

'તો કેવું છે, ભાઇ? ટી.એ બીલો વગર સૂચનાએ ચકાસાઇને સહીમાં મૂકાઈ જાય ને નિયામકને મોકલવાની માહિતી ટલ્લે ચડે કેમ?’ સોલંકીથી સાવ ધીમા અવાજે કશુંક બબડાઇ ગયું.

બસ આટલું જ જોઇતું હતું. ચત્રભુજ સાહેબ દર્દીઓ તપાસવામાં વ્યસ્ત હતા ત્યાં તડાફડી થઈ. કેશાજી અંદર આવ્યો.

શાહના ગોળીની જેમ વછૂટતા શબ્દો ને લાંબાટૂંકા થતા હાથ સામે પાણીનો પ્યાલો મૂકી બોલ્યો,

‘સાયેબ બોલાવે, અરજંટ.’

‘આવે છે. કહી દે.’ કેશાજી આવ્યો એવો પાછો વળ્યો.

‘સાહેબને ય ધંધો નથી આયા નથી કે શાહભાઈ.’ બબડી સોલંકી તરફ “જોયું!”ની મગરૂબી ભરી નજર નાંખી ‘તું ફાઈલ કાઢને પટેલ પાસેથી માહિતી લઇ લે.’ કહેતાં શાહે ફાઈલો ઉઠાવી ખભો ઊંચો કર્યો ને બહાર નીકળ્યા.

ટેબલ પર ફાઈલો ગોઠવી સાહેબ સામે ઊભા રહ્યા. ડૉ. ચત્રભુજ શાહને બેસવા ઈશારો કરી દરદી તરફ ફર્યા, ‘ફોટામાં સુધારો દેખાય છે પણ ગળફાનો રિપોર્ટ જોવો પડશે. બહાર ગળફો તપાસવા આપી દો. રિપોર્ટ જોઇને આગળની સારવાર કરીએ બરાબરને?’ દરદી માથું હલાવી વંદન કરવા જેવું કરી બહાર નીકળ્યો.

‘શું હતું, કેમ વાતાવરણ ગરમ  થઇ ગયું?’

‘જવા દો ને સાહેબ, સોલંકીનો કકળાટ. આ લોકોને કામ કરવું નહિ ને લાભો લેવા બીજું શું? હું એકલે હાથે કેટલું કરું? એને કામચોરી છે, સાહેબ, કામ માંગીએ એના અખાડા.’

‘સરકારમાં તો બધું એમ જ ચાલે. તમારે ટેન્શન ના રાખવું. કશું અરજન્ટ હતું.’

અરજન્ટ હોય એટલે જ ને. સમયસર માહિતી રવાના ન થાય એટલે નાયબ નિયામકવાળાઓ આપણને પૂછે. લેબોરેટરીની માહિતી માંગ્યે પંદર દિવસ થયા. પટેલના પેટનું પાણીએ હાલતું નથી.’

‘એમ વાત છે? લાવો, પૂછી લઈએ.’ કહી સાહેબે કોલબેલ દબાવી, શાહ જેમ પાનું ફેરવે એમ સહી કરવા માંડી.

કેશાજી પ્રવેશ્યો. ચાના કપ મૂકી ઊભો રહ્યો. શાહે ભ્રમર ઊંચકી લેબોરેટરી ભણી ઇશારો કરતાં પૂછ્યું, ‘રિપોર્ટ આપ્યો પટેલે?’

’ના જી, સાયેબ.‘

‘જોયું સાહેબ, પટેલ માહિતી આપવાની ના પાડે છે, શું કરીએ હવે આપ જ કહો.’

ચાનો કપ લેતા સાહેબે પટેલને બોલાવવાની સૂચના આપી.

‘આ જ મુસીબત છે, સાહેબ.’ શાહ આગળ બોલે એ પહેલાં પટેલે પૂછ્યું ‘અંદર આવું સાહેબ?’ સાહેબનું મસ્તક હકારમાં  હલ્યું. પટેલ આવી અદબભેર ઊભા.

‘તમે માહિતી કેમ નથી આપતા, ભાઈ? અરજન્સી તો સમજવી જોઈએને.’

‘હા જી સાહેબ, પણ ઓ.પી.ડી એટલી હેવી છે, એક બાજુ સ્ટેઇન ઉકળવા મૂક્યું છે. હવે રિપોર્ટ બનાવું કે આ કરું?’

શાહનું માથું ઠનક્યું. વરાળ એન્જિન વરાળ છોડે એમ એમનાથી શ્વાસ છોડાઈ ગયો, ‘તો પછી મારે આગળની કાર્યવાહી કેવી રીતે કરવી?’

‘શાહભાઇ, એ માહિતી એટલી અગત્યની નથી તમે ખોટી ઉતાવળ કરો છો.’

‘તો અગત્યનું શું છે?’ પૂછી શાહે સાહેબ સામે જોયું.

‘મારું કામ. બહાર દરદીઓ લાઈન લગાવીને બેઠાં છે.’

‘તમે એક જ કામગરા છો? મારા કામ માટે લાઇનમાં આવવાનું છે, એમને?’ કહેતાં શાહ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. બે વખત ખભો ઝાટક્યો.

‘તમારું કામ તો જગજાહેર છે.’ પટેલ ગુસ્સામાં ઊંચા હાથે હથેળી હવામાં ફેલાવતાં બોલી ઉઠ્યા.

પટેલના શબ્દો શાહને સોંસરવા વાગ્યા. પ્રેશર કુકરમાં વરાળનુ દબાણ વધતાં સીટી ઉંચકાય એમ શાહના ભવાં ઉંચકાયા.

‘પટેલ, વધારે પડતી હોંશિયારી  રહેવા દેજો. સાહેબ સામે મર્યાદામાં જ રહેવાનું.’

‘હું મર્યાદા તોડતો જ નથી તમે કાલના હેરાન કરો છો. એક સામાન્ય રિપોર્ટ માટે કેટલી ઊઘરાણી કરી?’

‘તે કરવી પડે, વહીવટ અમસ્તો ચાલે છે?’

‘હા, ખબર છે તમારા વહીવટની.’

બસ. શાહના મર્મ પર પ્રહાર થયો. ખુરશીમાંથી ધૂંધવાતા ઊઠીને પટેલ સામે આવી ઊભા.

‘ક્યો વહીવટ?’

પટેલના મોંમાં હતું “ધીરધારનો” પણ સાહેબની સામે જોઇ એણે ગળી ખાધું. ‘સૉરી.’ કહી સાહેબ સામે હું જાઉં? રીતે જોયું  સંમતિ જોઈ બહાર નીકળ્યો.

બહાર આવ્યો ને ચારેક દરદીઓએ એને ઘેર્યો, ‘ સાહેબ રિપોર્ટ આલો છો?’

“રિપોર્ટ” શબ્દ કાને અથડાતાં જ પટેલ જાત પરનો કાબૂ ગુમાવી બેઠો. એનું ગુસ્સાભર્યું વલણ જોઇ એક ગ્રેજ્યુએટ દરદી આગળ આવ્યો, ‘ તમે આવી રીતે કેમ જવાબ આપો છો? દરદીઓ સાથે નમ્રતાથી વર્તવાનો કાયદો છે, સાહેબ.’

‘જુઓ, હું બેસી નથી રહ્યો, કેટલા, ચાર હાથ કરું? એક તો તમે તમારી નવરાશે આવો ને પછી ઉતાવળ કરો. અમારે તમે કો' એમ કરવાનું છે? મળશે રિપોર્ટ. પેલું વળી એના વહીવટની દાટી આપે ને તમે કાયદા બતાવો છો?’

બરાબર એ જ વખતે શાહ ચેમ્બરમાંથી બહાર આવ્યા. પોતાના માટે વપરાયેલો વિશિષ્ટ જાતિ પ્રયોગ સાંભળી એ રુંવે રુંવે બળી ઉઠ્યા. એમણે આગળ આવી પટેલનો ખભો પકડ્યો, ‘બધું દોઢ ડહાપણ રહેવા દો, પટેલ, તાત્કાલિક રિપોર્ટ આપી દો.’

પટેલ એક બાજુ દરદીઓનું ટોળું, બીજી શાહની ખભા પરની ભીંસ અને ત્રીજી કેશાજીની ઉપાલંભ ભરી નજર જોતો અંકુશ ગુમાવી બેસી રાડ પાડી બેઠો.

]‘છોડો મને, નહિ મળે રિપોર્ટ બિપોર્ટ, જાવ અહીંથી. કરી ખાવ વહીવટ. નહિ આપું રિપોર્ટ. થાય એ કરી લો. જાવ.’

ત્યાં એની નજર ચેમ્બરના દરવાજે ઊભેલા  ડૉ. ચત્રભુજ પર પડી. એણે ખીસામાંથી રૂમાલ કાઢી મોં લૂછતાં ને ઊંડો શ્વાસ લીધો.

અવાચક્ ડૉ. ચત્રભુજ એ દરમ્યાનમાં સ્વસ્થ થઇ ગયા હતા.  એમણે, ‘કેશાજી, ખસેડો બધાંને અને  શાહભાઇ અને પટેલભાઇને પાણી આપો’  કહી ભીડ ખસેડવા ઈશારો કર્યો.

શાહ તરત એમની તરફ ધસ્યા, ‘જોયું સાહેબ … પટેલે કેવું કર્યું.’

‘આવો તમે શાંતિથી બેસો પહેલાં.’ શાહ સાહેબની ચેમ્બરને બદલે પોતાની ખુરશીમાં આવીને બેઠા. આંખો બંધ કરી પણ એમના મગજ પર પટેલના બોલાયેલા વાક્યો, ખાસ તો થયેલી અવહેલના અને અપમાન થડાક થડાક અથડાતાં હતાં …. એ ક્રોધથી ધ્રજતાં વિચારતા હતા, સાલો ગબલો! શું સમજે છે એના મનમાં? આટલી હિમ્મત? આજે એ બોલ્યો, કાલે કેશલો બોલે … ના. તું મને ચેલેન્જ કરે છે એમ? વહીવટનું ભાન તો હવે તને હું કરાવીશ. એ કેશાજીએ ધરેલું પાણી એકીશ્વાસે પી ગયા. લડવૈયો યુદ્ધે ચડતાં પહેલાં હથિયારને પાણી ચડાવે એમ પેનને બે ત્રણ વખત ટેબલની કિનારે ઘસી મનોમન મુસદ્દો ઘડ્યો ને કાગળ પર “સાદર રજૂ” લખી નીચે લીટી દોરી. લીટી બે વાર ઘૂંટતા લેબોરેટરી ટેકનીશિયનના ગળા પર છરી ફેરવતો હોય એવી મજા આવી. લેબોરટરીની માસિક કામગીરીના રિપોર્ટની અગત્યતા, ઓફિસ દ્વારા વારંવાર માંગણી છતાં માહિતી આપવાનો ઈનકાર. અધિકારીની રૂબરૂ સૂચનાનો સુધ્ધાં અનાદર. પટેલની અપમાનજનક વર્તણૂક, ક્રોધ સાથે અભદ્ર શબ્દો વાપરવા, રાજ્યપત્રિત અધિકારી સમક્ષ બિભત્સ ઇશારા સાથે થાય એ કરી લેવાની ધમકી બધું વણી લઇ વ્વસ્થિત નોંધ લખી.  સંતોષ ન થતાં બીજી વાર લખી બે વાર ખભો ઝાટક્યો. ભવાં ઉંચકાયાં. સોલંકી પગાર બીલો બનાવતાં છાની આંખે સઘળું જોઇ રહ્યો હતો. શાહે એની તરફ કાગળ લંબાવ્યો. ‘જા આપ સાહેબના હાથમાં, કે‘ જે  શેરો મારવા કહ્યું છે મેં.’

સોલંકી ગયો કે તરત પાછો આવ્યો.

‘કેમ પાછો આવ્યો? ઊભા ન રહેવાય?’

‘સાહેબ દરદીઓ તપાસે છે.’

શાહ બગડ્યા, ‘અરે જહન્નમાં જાય સહુ. અહીં મારી આબરુની પત્તર ઝીકાઈ ગઇ છે ને તું દરદીઓની હાંકે છે? જા સાહેબ સહી ના કરે ત્યાં સુધી ઊભો રેજે.’ સોલંકી ગયો પણ શાહને ચેન પડતું નહોતું. કાગળ તો લાકડા જેવો તૈયાર કર્યો છે. સાહેબની સહી થાય એટલે પટેલને ફીટ કરી દઉં. સરકારી નોકરી કરવી છે ને? ચોવીસ કલાકમાં તને છૂટો ના કરાવું તો હું પટ્ટણી વાણિયો નહિ. વહીવટ શીખવાડે છે મને?  મનોમન બબડતાં વળી વિચાર આવતા અટક્યો. ફોન ખેંચી સચિવાલયનો નંબર જોડ્યો. સામે છેડે આરોગ્ય સચિવ વૈષ્ણવ સાહેબ હતા. વાત પતાવી રીસિવર મૂકયું ત્યારે એમના ચહેરા પર હળવાશ આવી.

ત્યાં કેશાજી આવ્યો, ‘સાહેબ યાદ કરે છે.’

‘હુમ.’ (શાહને કોઇ “સાહેબ બોલાવે” એમ કહે એ પસંદ નહોતું, બોલાવે એટલે?) ધારણા મુજબ જ કહેણ આવતા શાહ મલકાયા.

‘આવો, શાહભાઇ.’ કહી સાહેબ ખુરશી પર પીઠ લંબાવી આરામથી બેઠા. સોલંકી પરિસ્થિતિ જોઇ બહાર નીકળી ગયો. એને થયું કે પટેલને ચેતવી દે. જા શાહભાઇના પગ પકડી લે. માફી માંગી લે નહિતર મરી જઇશ. પણ લેબોરેટરીના બારણાના કાચમાં પોતાનું પ્રતિબિંબ દેખાતાં એનાથી આગળ વધી જવાયું.

‘આ બધું લેખિતમાં … શાહભાઇ પ્રશ્નો ઊભા થશે.’

‘આપને જેમ ઠીક લાગે એમ, સાહેબ, મને ક્યાં વાંધો છે? સવાલ આપના અપમાનનો છે. આજે પટેલે થાય એમ કરી લેવાની ધમકી આપી, કાલે …’ કહી તે અટક્યા. સાહેબને વિચારમાં પડેલા જોઈ સ્હેજવારે ઊંચા થઇ ધીમા અવાજે કહ્યું, ‘પેલો ઇશારો જોયેલો ને?  હથેળી પેન્ટની ચેઈન તરફ લઈ જઇ પાછી ખેંચી લેતાં ઉમેર્યુ, ‘કાલે આવું ગમે એ કરે, આપની છાપ બગડે, સાહેબ. આપની સામે આવો ગંદો ઇશારો! મારું તો લોહી ઉકળે છે, સાહેબ.’

‘પટેલે એવું કરેલું? ખરેખર? મારું ધ્યાન નહોતું ગયું.’

‘હોય, સાહેબ, મેં આપને કહેલું પણ ખરું કે “જુઓ સાહેબ”… આપને યાદ હશે.’

‘હા પણ પટેલ …. એ એવો માણસ છે?’ શાહે જવાબ ન આપ્યો. થોડીવાર સાહેબ બોલપેનની ઠેસી દબાવ–ખોલ કરતા રહ્યા. પછી ટટ્ટાર થતાં બોલ્યા, ‘એવી જ વાત હોય તો ન ચલાવી લેવાય. આ તમે લખ્યું છે એ ત્રણ વર્ષથી ફરજ બજાવે છે અને માથાભારે થઈ ગયેલ છે, એ બરાબર છે?’

‘હા જી સેવા પોથી લાવું એની? કહી શાહે ઉઠવા જેવું કર્યું.

‘કશી જરૂર નથી.’ કહી નોંધ હાથમાં લઈ શાહ સામે જોયું.  આવા કાગળોમાં શું રિમાર્ક લખવી એનો એમને ખ્યાલ નહોતો.

શાહે કહ્યું, ‘ઉપલી કચેરીને સમગ્ર બાબતની જાણ કરીએ, રૂબરૂ અર્ધ સરકારી પત્ર પાઠવીએ.’

સાહેબના મોં પર સ્મિત આવ્યું, બસ આટલું જ!

શાહ પોતે બોલેલાં વાક્યો લખાય અને સહી થાય એની જ તાકમાં હતા. સહી થઈ કે તરત ધીમેથી કાગળ સેરવી લઇ ઉઠ્યા, ‘બાકીનું નિરાંતે. આપ દરદીઓ તપાસી લો.’

બહાર આવી સોલંકીને કોઈ પણ હિસાબે બે કલાકમાં પગારબીલો તૈયાર કરવાં કહ્યું અને પોતે કાગળો કેમ તૈયાર કરવા એ વિચારવા બેઠા. કેશાજી પાસે બી.સી.એસ.આર. કઢાવી બપોર સુધીમાં તો ત્રણ કાગળો તૈયાર કરી પગાર બીલો સાથે સાહેબની સહીઓ પણ મેળવી લીધી અને વડી કચેરી હંકારી ગયા.

નિયામકશ્રી સમક્ષ રજૂઆત વખતે વહીવટી અધિકારી પઢેરિયા સાહેબનો સાથ લઇ, પટેલની ઉધ્ધતાઈ, ડૉ. ચત્રભુજ સાહેબને આપેલી ધમકી, સતત બે વર્ષથી માથાભારે વર્તણૂક અને કહેતાં ય શરમ આવે એવા ઇશારાની વાત કરી. ટૂંકમાં પટેલ જો એક દિવસ પણ વધારે રહેશે તો જિલ્લા ક્ષય કેન્દ્રની સલામતી જોખમાશે.

નિયામક વિચારમાં પડ્યા. સરકારમાં આવા માણસો હોય છે? આવી ગુંડાગીરી! એમણે વહીવટી અધિકારીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી.

શાહે એમના માનીતા કારકૂન પાસે ખાલી જગ્યાઓની ફાઈલ કઢાવી. બે જગાઓ તાત્કાલિક ભરવા સ્થાનિક ધારાસભ્યની માંગણી હતી એવી માહિતી બાજુમાં બેઠેલા હિતેચ્છુએ આપી.

શાહે તક ઝડપી પઢેરિયા સાહેબનું ધ્યાન દોર્યું. પઢેરિયા હસી પડ્યા, ‘બોલતા શું નથી? પ્રજાનું હિત સરકારમાં સૌથી પહેલું જળવાવું જોઇએ.’

ગણતરીની પળોમાં ફાઇલ તૈયાર થઇ ગઈ. સાંજના સાડાચાર પહેલાં પટેલની લખપત તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘડુલી ખાતે બદલીનો આદેશ  થઈ ગયો.

શાહ આદેશની ત્રણ નકલ લઇને ઓફિસમાં બેઠા ત્યારે થયું નક્કી એમની જીપ રસ્તાથી વ્હેંત ઉપર દોડતી હતી. એટલે જ એકે ય બમ્પ આવ્યો નહિ હોય.

સાહેબ નીકળે એ પહેલાં શાહે આદેશની બજવણીના પત્રો પર સહીઓ લઇ લીધી. સોલંકીએ બધું સમેટવા માંડ્યું ત્યારે શાહે આઉટવર્ડ બુક અને બંધ કવર કેશાજીને આપ્યું.

પટેલે કેશાજી પાસેથી સામાન્ય મેમો હશે એમ ધારી કવર લેતાં કહ્યું, ‘શાહભાઇએ પ્રેમપત્ર લખી નાંખ્યો?’ એણે કવર મળ્યાની સહી કરી, ત્યાં શાહના સ્કૂટરનો અવાજ સંભળાયો. એણે કવર ખોલ્યું બદલીનો આદેશ વાંચી એ આશ્ચર્ય અને આઘાતથી મૂઢ બની ગયો. આઘાત ક્રોધમાં ફેરવાયો ને એના મોંમાંથી ગાળ નીકળી ગઈ. એ બહાર આવ્યો ત્યારે એણે સોલંકીને જતો જોયો.

*        *       *

પટેલ હતપ્રભ થઈ ગયો હતો. શું કરવું એ સમજાતું નહોતું. આખી રાત અજંપામાં પસાર થઇ. શીલાએ પૂછ્યું કે કંઇ થયું છે? પણ જવાબ આપવાની હિમ્મત નહોતી. બીજે દિવસે નિયામકને મળવા ગયો. સાહેબે મુલાકાત તો આપી પણ એને જોતાં જ વરસી પડ્યા, ‘ ડૉ. ચત્રભુજ સાથેના વર્તનની મેં નોંધ લીધી છે. નવા સ્થળે તમે સારી રીતે કામ કરશો એવી અપેક્ષા રાખું છું.’

‘પણ, સાહેબ, મારો જરા ય વાંક નથી, આ બધું  પેલા શાહભાઇએ ઉપજાવી કાઢેલું છે.’

‘હવે તમે મારા ડી.ટી.ઓને ખોટા પાડવાની વાત કરો છો.? સૉરી, મિ.પટેલ, તમે તાત્કાલિક બદલીના સ્થળે હાજર થઇ મને રિપોર્ટ કરો.’

આ બધું ખોટું છે, સાહેબ, મારો સત્તર વર્ષનો રેકોર્ડ આપ જોઇ શકો છો. હું સાવ નિર્દોષ છું, સર.’ એ રડી પડ્યો.

‘જુઓ એમ રડવાની કશી જરૂર નથી. સરકારી નોકરીમાં બદલી તો થાયને? તમને ક્યાં કશી સજા કરી છે?’

સાહેબે પટાવાળાને બોલાવી પટેલને બહાર બેસાડવા અને ચા પીવરાવાની સૂચના આપી.

લથડતે પગલે એ બહાર આવ્યો. ન કોઇના શબ્દોમાં કે ન આંખોમાં ક્યાં ય કશો સમભાવ નહોતો. એ કોઇ ગંભીર ગુનેગાર હોય એમ એને ઓળખનારા એનાથી છેટા ભાગતા હતા. એ સિવાયના એનો ઉપહાસ કરતા હતા કે શુ? એના પગ પાણી પાણી થઈ આવ્યા. સચિવાલયનું એક એક પગથિયું ઊતરતાં એને સતત પડી જવાનો ડર લાગતો હતો.

શીલાએ એને હિમ્મત આપી, તમે સાચા છો તો આમ ભાંગી પડવાની શી જરૂર છે? એના કાકાનો દીકરો હાઇકોર્ટમાં પ્રેકટીસ કરે છે. હોંશિયાર વકીલ છે. સત્ય માટે કદાચ થોડું વેઠવાનું આવે તો વેઠી લઈશું. આટલી નાની વાતમાં કોઈ નજીકનું મરી ગયું હોય એમ ફરવાની જરૂર નથી.

ત્રણ દિવસે એ સરખું જમ્યો હતો.

*          *           *

હાઈકોર્ટની નોટિસ જોઇ શાહની આંખો ચાર થઈ. ટેવ મુજબ બે વખત ખભો ઝાટક્યો. ભવાં ઉંચકાયા.

તો  કોર્ટમાં ગયો, એમ? અબ આયેગા મજા. પટેલ, તને લડવાનો બહુ શોખ છે એટલે બોર્ડર સુધી ધકેલ્યો છે. તું ગમે તેમ કર ઘડુલી વગર તારો છૂટકો નથી. આવી કોર્ટ નોટિસો ઘણી જોઇ. બબડી એણે કોલબેલ દબાવી.

‘કેશલા, સાહેબ આવી ગયા?’

‘ના, સાયેબ.’

‘સારું, ચા બનાવ, ચાલ.’  કેશાજી નીક્ળ્યા ને સોલંકી પ્રવેશ્યો. એના ગુડમોર્નિંગનો જવાબ વાળ્યા વગર શાહે કહ્યું, ‘આજે ઘણું કામ છે. કોર્ટ કેસની પુરશિશ લખીને મોકલવાની છે વકીલને. આજે સ્હેજે ય દોંગાઈનહિ જોઇએ મારે.’

સોલંકી હકારમાં  માથું  હલાવી બેઠક લીધી.

શાહે કેશાજી, સોલંકી અને સ્ટાફ નર્સ પાસે આજના બનાવ અંગે નિવેદનો લખાવરાવી લીધાં.

પટેલ પાસે લેબોરેટરીનીમાસિક માહિતી નિયમિત, સમયસર ન આપવા બદલ ખુલાસો માગતો મેમો તૈયાર કરવી લીધો. ફામાર્સીસ્ટ પાસેથી બનાવ વખતે હાજર દરદીઓનાં નામ સરનામાં મેળવી લીધાં.

વચ્ચે સાહેબે યાદ(?) કર્યો તો જઈને ચૂપચાપ પટેલની હાઇકોર્ટ વાળી નોટિસ પકડાવી દીધી. સાહેબે પ્રશ્નાર્થ નજરે જોયું એટલે ઢાઢસ બંધાવતા કહ્યું,‘ બધું રેડી છે, સાહેબ. આવા તો કૈંક દાવાઓ જોઈ નાંખ્યા. બદલી કિન્નાખોરીથી હેરાન કરવાના આશયથી કરવામાં આવી છે. આપણને નોટિસો મોકલી એ ત્રાસ આપે છે અને આપણા પર ત્રાસ આપવાનો આરોપ કરે છે. જૂઠાણાં સાહેબ. આપ નચિંત રહેજો. માથામાં વાગે એવો જવાબ તૈયાર કરું છું, પુરાવા સહિત.’

મેમો જોઈ ચત્રભુજ સાહેબ આનાકાની કરી, પણ શાહે કહી દીધું, આવું તો વહીવટમાં ચાલતું જ હોય છે, સાહેબ, કોર્ટ કેસ  છે એટલે કરવું જ પડે.’

જો કે અંદરખાને શાહને ભરોસો હતો કે કેસ લાંબો ચાલશે ને પટેલ પૈસે ટકે તૂટી જશે. હાજર થયા વગર છુટકો નથી થવાનો. કદાચ ગરબડ થઈ તો વૈષ્ણવ સાહેબ ક્યાં નથી? સમાધાનના ભાગ રૂપે વડોદરા કે નડિયાદ લાઈ દઈશું, પણ એ હવે પાટનગરમાં પાછો આવે? જા ભઇ જા.

આ કાગળ ટોગળ ક્યાં ય નહિ મોકલવું પડે. પણ આપણે તૈયાર રહેલા સારા કહી, કેશાજી પાસે આઉટ વર્ડ બુકમાં  “ટપાલ લેવાની ના પાડે છે”ની નોંધ પડાવી લીધી.

હવે વાંધો નહિ. પટેલ બેદરકાર હતો, જવાબો આપવામાં ઉધ્ધત હતો, ઉપરી અધિકારીઓ જોડે ઝઘડતો હતો. એ બધુ ઠીક, માથાભારે હતો. સરકારી કાગળો સ્વીકારતો નહોતો. શાહથી મનોમન હસી દેવાયું.

એમણે સોલંકીને કહ્યું, ‘શું સમજે છે વહીવટને? જો આનું નામ વહીવટ.’ ને ફાઈલ બંધ કરી પૂંઠા ઉપર પંજો પછાડ્યો.

*       *       *

એડવોકેટ રાજેશ પટેલને વિશ્વાસ હતો કે બદલી સામે સ્ટે ઓર્ડર મળી જશે પણ નિષ્ફળતા હાથ આવી. હવે લડી લેવા સિવાય કોઇ રસ્તો ન રહ્યો. પટેલ આશામાં ને આશામાં સમય પસાર કરતો રહ્યો. એણે મિત્રોની મદદ લઇ સમાજ કલ્યાણ મંત્રીશ્રીનો ફોન કરાવ્યો પણ આરોગ્ય સચિવે ધારાસભ્યશ્રીનો સંદર્ભ અને રાજ્યપત્રિત અધિકારીના અપમાનને મુદ્દે  વિનંતીપૂર્વક લાચારી રજૂ કરી. હા, પહેલાં એમને બદલીના સ્થળે હાજર થઈ જવા દો પછી  ચોક્કસ આપની ઇચ્છા મુજબ કશોક રસ્તો કાઢીશુંનો સધિયારો બંધાવ્યો.

પટેલને ગાંધીનગરથી છૂટો કરી દીધેલો અને નવા સ્થળે એ હાજર નહોતો થયો એટલે પગાર મળતો નહોતો. એની હક રજાની અરજી શાહે ભલામણ સહ પ્રા.આ. કેન્દ્ર ઘડુલી મોકલી આપી હતી.

ધીમે ધીમે બચત વપરાવા લાગી. ઘર ચલાવવામાં મુશ્કેલી પડતાં શીલા વારંવાર ગુસ્સે થઈ જતી, એ કામ વગર હતાશ ઘરમાં બેઠો રહેતો. એની સતત હાજરીથી ખુશ્બૂ અને મનન  અકળાતાં હતાં.

‘મમ્મા, આ પપ્પા આખો દિવસ કચકચ કરે છે. ક્યાંક મોકલ ને એમને.’

‘મુશ્કેલ સમયમાં સાથ આપવાને બદલે તું તારો સ્વાર્થ જુએ છે, બેટા?’ શીલાએ ખુશ્બૂને સમજાવતાં કહ્યું ત્યારે એ નારાજ થઈને ધરણાને મળવા જતી રહી હતી. મનન આવી સત્યની લડાઇના બદલે માફી માંગી નજીક આવી જવાના મતનો હતો. છેલ્લા થોડા દિવસોથી શીલાને ય થતું હતું થઇ જાય હાજર ને પૂળો મૂકે આખી વાતમાં. કોઇ મોઢા મોઢ કહે કે ન કહે એ બધું સમજતો હતો. એણે કેલેન્ડર જોયું. ચારેક મહિના જેવું થયું હતું.

સત્ય કયારે ય જીતતું જ નહિ હોય? મારે સોક્રેટિસની જેમ ઝેરનો કટોરો પી જ જવાનો છે?

આખી જિંદગી પ્રામાણિકતાથી નોકરી કરી, જાનના જોખમે ટી.બીના ગળફા ચૂંથચૂંથ કર્યા એનું આ ફળ ઇશ્વર?

એ કંટાળીને પાછળ બગીચામાં બેઠો. કેવું ન વિચારેલું બન્યું? એને થયું એ એક અતલ કૂવામાં ધસી રહ્યો છે. કંઈ દેખાતું નથી સિવાય અંધકાર, ઊંડે ઊતરતો જતો ઘટ્ટ અંધકાર. ઝાવાં મારી એ કશેક અટક્યો છે. ગાઢા અંધારામાં કશું દેખાતું નથી. બહુ વારે કોઈ રાની પશુની તગતગતી આંખો જોઈ છળી મરવા જેવું થયું, એ થથરતો પરસેવે રેબઝેબ …. આંખે અંધારા આવ્યાં હમણાં આધાર છૂટી જશે ને એ …..

અચાનક વાદળ હટતાં તડકો છવાયો. એ ઝબક્યો. નહોતો કૂવો નહોતો અંધકાર. એણે આસપાસ જોયું. બાજુના બંગલાવાળા કિરીટભાઈની દીકરી વાણી તડકામાં બેસી કશુંક લખતી હતી. પટેલને જોઈ એણે સ્મિત વેર્યુ. થોડીવાર એ આજુબાજુ જોઇ રહ્યો. દૂર ગરમાળો પીળો વૈભવ ઓઢી લહેરાતો હતો. મોટા ભાગનાં વૃક્ષો મ્હોરી ઉઠ્યાં હતાં. અરે આંબે મરવા લાગ્યા છે. એ નાની નાની લીલી કળીઓ જેવી કેરીઓ જોઈ રહ્યો.

‘અંકલ.’

હા બેટા, એ વંડી નજીક ગયો. વાણી નોટબુક હાથમાં લઇ નજીક આવી.

‘અંકલ, ભગવાન થાંભલામાં રહે છે ?’

‘કેમ, બેટા, એવું પૂછે છે?’

અમારા “હોળી”ના પાઠમાં આવે છે. પ્રહ્લાદને ભગવાન નરસિંહ બનીને બચાઇ લે છે, એ થાંભલો ચીરીને બહાર આવે છે ને રાક્ષસને મારી કાઢે છે. બોલો.’

‘હા દીકરા.’ એને આગળ કશું બોલવું સૂઝ્યું નહિ. સારું થયું હર્ષા ભાભીની બૂમ સાંભળી વાણી ઘરમાં  ગઇ. જતાં જતાં પટેલને વિચારમાં મૂકતી ગઇ.

શાહ જેવો ભયંકર હિરણાકશ્યપ છીંકોટા નાંખતો ફરે ને પોતે?

પણ એનો વલોપાત કાને ધરે એવું કોઇ નહોતું. કાગળોને નથી હોતી આંખો કે નથી હોતા કાન. એ તો માત્ર રજૂ કરે છે એક દ્રશ્ય. જે અંકિત છે, પ્રમાણિત છે રાજ્યપત્રિત અક્ષરોથી.

સામે ભડ ભડ થાંભલો બળે છે. ચારેબાજુ કિલિકારીઓ ગાજે છે …. “પકડી લે”.. “ભીડી લે બાથ.”  “દોડ” .. ”પકડ” ..

એ રાહમાં ઊભો છે. હમણાં  થાંભલો ફાડી નરસિંહ સ્વરૂપ પ્રગટ થશે. હમણાં ……

કશું બનતું નથી. પવનના સેલારામાં એનાં કપડાં ફફડે છે. દૂરથી ધૂળની ડમરી ગોળ ગોળ ઘૂમતી ધસી આવે છે. એ રેતભર્યો આંખો ફાડી હવામાં અમળાતી, વિંઝોંળાતી ડાળીઓને તાકી રહે છે.

*         *          *

8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR (U.K.)

Loading

ભારતીય ઇસ્લામમાં જાતિપ્રથાના ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 May 2017

દલિત મુસલમાનોના સામાજિક ભેદભાવની વ્યથાનો ઉકેલ અનામતમાં નહીં, સામાજિક-ધાર્મિક સુધારણામાં છે

આજકાલ માધ્યમોમાં ‘તીન તલાક’ અને મુસ્લિમ મહિલાઓના માનવ અધિકારોનો મુદ્દો છવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષને ‘પછાત મુસ્લિમો’ની કોન્ફરન્સ બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા આપેલી સલાહ પાછળ ધકેલાઈ ગઈ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૭.૨૨ કરોડ એટલે કે દેશની કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા છે. આ મુસ્લિમો પૈકીનો બહુમતી વર્ગ પછાત મુસલમાનોનો છે અને તેમાં પોણા ભાગના દલિત મુસલમાનો છે.

સામાન્ય રીતે ઈસ્લામ સમાનતામાં માનનારો ધર્મ મનાય છે. ઈસ્લામનો અર્થ જ બરાબરી છે. તેમાં જાતિપ્રથા નથી. પરંતુ ભારતના હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથાએ બીજા ધર્મોમાં પણ પગપેસારો કર્યો છે. એટલે સમાનતાના સિદ્ધાંતમાં માનનારા ઈસ્લામમાં પણ ઉચ્ચનીચના ભેદ અમલમાં છે. વળી આવા ભેદ કંઈ આજકાલના નથી. મુસ્લિમોમાં ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અરજાલ ઉર્દૂ કે ફારસી શબ્દો નથી પરંતુ અરબી શબ્દો છે!

તે મુસલમાનોમાં પ્રવર્તતી આભડછેટનો વિસ્તાર દર્શાવે છે. એટલે દલિત મુસલમાનો ઈસ્લામમાં લાંબા સમયથી અને સમગ્ર દક્ષિણ એશિયામાં અસ્તિત્વમાં હોવાનું માની શકાય. આ સ્થિતિ ઈસ્લામની સમાનતાની વાતને પોથીમાંનાં રીંગણા પુરવાર કરે છે. ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ જે હિંદુઓની કહેવાતી નીચલી જાતિમાંથી ધર્મપરિવર્તન કરીને મુસ્લિમો બન્યા છે અને અગાઉના ધર્મના નીચા ગણાતા ધંધા રોજગાર કરે છે તેઓ ધર્મપલટા પછી ઈસ્લામમાં પણ નીચા અને દલિત મુસલમાન જ બની રહ્યા છે.

ભારતીય મુસ્લિમોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કોટિક્રમ જોવા મળે છે. સૈયદ, શેખ, પઠાણ, મલેક, મિરજા અને મોગલ જેવા મુસ્લિમો અશરાફ કહેતાં સૌથી ઉચ્ચપ્રકારના મુસલમાનો ગણાય છે. ખેતકામદાર એવા શેખ અને કારીગર કોમો એવી દરજી, રંગરેજ, ભઠિયારા, ધોબી, વાળંદ વગેરે મધ્યમ દરજજાના અજલાફ તો સફાઈકામ અને અસ્વચ્છ એવા વ્યવસાયો કરતાં હલાલખોર અને લાલબેગી અરજાલ અર્થાત્‌ સૌથી નીચા મુસલમાનો મનાય છે.

ભારતના હિંદુઓમાં જે હાલત દલિત હિંદુઓની છે તે જ હાલત ભારતના મુસલમાનોમાં દલિત મુસલમાનોની છે. 'ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ'ના અગ્રણી અલી અનવરે દોઢેક દાયકા પૂર્વે બિહારની રાજધાની પટણાના ૧૦૦ દલિત મુસલમાન પરિવારોના ૫૯૨ સભ્યોનો અભ્યાસ કર્યો હતો. મુસ્લિમ ધોબી, હલાલખોર, બક્ખો, પવંરિયા, માછીમાર, નાલબંદ અને નટ મુસ્લિમોના આ અભ્યાસનું તારણ હતું કે, આ સો કુટુંબોમાં એક જ યુવાન સ્નાતક હતો, ૭ મેટ્રિક હતા, જો કે તે તમામ બેરોજગાર હતા.

અશિક્ષિતોનું પ્રમાણ ૬૨.૫ ટકા હતું. ૨૫ ટકા પરિવારો રોજ એક જ ટંક ખાવાનું પામતા હતા. માંસાહાર મુસ્લિમોનો ખોરાક મનાય છે, પણ સર્વેક્ષણ હેઠળના ૭૦ ટકા પરિવારો મહિને એક વાર અને બાકીના ૩૦ ટકા અઠવાડિયે એકવાર માંસ ખાઈ શકતા હતા. ૭૮ ટકા લોકો પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા. ૫૮ ટકા પરિવારો ઘરવિહોણા હતા. જે ૪૨ ટકા પાસે ઘરનાં નામે ભાંગ્યાતૂટ્યા મકાનો હતાં તેમાંથી ૨૮ ટકાના ઘરમાં જ જાજરૂની સગવડ હતી.

આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા આ દલિત મુસલમાનો સામાજિક ભેદભાવો રોજેરોજ સહન કરતા રહ્યા હતા. મસ્જિદમાં નમાજ વખતે ભેગા રહેવા સિવાય સતત જુદાપણું અનુભવતા હતા. મરણ પછી તેમને દફન માટે કબર મળતી નહોતી. લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ કથિત ઉચ્ચ મુસલમાનો તેમના ત્યાં આવતા નથી કે તેમના પ્રસંગોમાં બોલાવતા નથી. રોટીબેટી વ્યવહાર થતો નથી અને  અલગ વસ્તીમાં રહેતા હતા.

પટણાના દલિત મુસલમાનો વિશેના અલી અનવરના આ લઘુ અભ્યાસના નિષ્કર્ષો ગત વરસના  ઉત્તરપ્રદેશના દલિત મુસલમાનોના અભ્યાસમાં પણ જોવા મળે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડિઝ, લખનૌ દ્વારા પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દિન અને સુરિન્દર કુમાર એ ચાર સંશોધકોએ યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭,૧૯૫ પરિવારોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ આચરવામાં આવતો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. આવો ભેદભાવ કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે રાખે છે.

૨૦.૫૫ ટકા કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનો અને ૨૫ ટકા કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓ દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જોવા મળ્યું હતું. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મ્રુતદેહોને કબ્રસ્તાનમાં દાટવા દેવામાં આવતા નથી કે અલગ ખૂણામાં દફન કરવું પડે છે. મસ્જિદમાં સાથે નમાજ પઢવા દેવામાં આવે છે પણ ત્યાં ય ભેદભાવનો અનુભવ થાય છે.

દલિત મુસલમાનો જુદા જ વસે છે અને સામાજિક ધાર્મિક પ્રસંગોએ અન્ય કહેવાતા મુસલમાનો ન એમના ત્યાં આવે છે કે ન તો એમને બોલાવે છે. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી આપવામાં આવે છે. એમને સામાજિક પ્રસંગોએ અલગ જમવા બેસાડે છે. તેમને અપમાનજનક અને વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવે છે.

લગભગ તમામ પછાત અને દલિત મુસલમાનોનો સમાવેશ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોમાં થયો છે.

તે મુજબ તેમને શિક્ષણ અને નોકરીઓમાં અનામતનો લાભ મળે છે. મુસ્લિમોનો એક વર્ગ તમામ મુસ્લિમો માટે અનામત માંગે છે, તો દલિત મુસલમાનોના નેતાઓ તેમનો સમાવેશ અનુસૂચિત જાતિમાં કરવા સતત મથે છે. હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મપરિવર્તન કર્યું છે તે નવા ધર્મમાં પણ યોગ્ય સ્થાન મેળવી શકી નથી. આજે તે અનુસૂચિત જાતિમાં સ્થાન માંગે છે તેનો અર્થ તેમનું ધર્મપરિવર્તન અર્થહીન બની ગયું છે.

ડો. આંબેડકરના પગલે દલિતોએ મોટા પાયે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.  આવા નવબૌદ્ધોને વી.પી. સિંહના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપવામાં આવ્યા છે. એટલે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસલમાનો પણ અનુસૂચિત જાતિમાં સામેલ થવા માંગે છે. તેમની આ માગણીના વાજબીપણાની ચર્ચા બાજુ પર રાખીને આ ધર્મો ધર્માંતરિતોને સમાનતાના હક કેમ આપતા નથી તેની ચર્ચા કરવા જેવી છે.

હાલની દલિત મુસલમાન એવી ઓળખ તેઓ પહેલાં દલિત છે અને પછી મુસલમાન છે તેમ દર્શાવે છે. તેથી તેમણે પોતાની દલિત મુસલમાનની ઓળખને બદલે મુસલમાન દલિતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ. મહાત્મા ગાંધીએ ખ્રિસ્તીઓ અને મુસલમાનો તેમના ધર્મ બંધુઓ પ્રત્યે જે આભડછેટ અને ભેદભાવ રાખે છે તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ.

શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનામતમાં નથી, સમાજ અને ધર્મસુધારણામાં છે.

સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 18 મે 2017  

Loading

...102030...3,4153,4163,4173,418...3,4303,4403,450...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved