બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડિયારું પૂરે તો તેની જીવદયાનાં વખાણ કરવાનાં ?
દેશભરમાં તેની 173 સ્કૂલ ચાલે છે, જ્યાં આશરે અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એક રાજ્યમાં તેની ત્રણ હોસ્પિટલ અને 66 એમ્બ્યુલન્સ ચાલે છે. બે હજાર ડોક્ટર ત્યાં માનદ્ સેવા આપવા તૈયાર હોય છે. હોસ્ટિપલમાં આંખની લેસર સર્જરી મફત થાય છે. તેનાં દવાખાનામાં દાંતની રૂટકેનાલ સર્જરી ફક્ત પચાસ રૂપિયામાં થતી હતી. ધરતીકંપ અને પૂર વખતે તેના સ્વયંસેવકોએ રાહતકાર્યોમાં સક્રિય ભાગ લઇને ભારે કામ કર્યું હતું. તેની સેવાપ્રવૃત્તિનો એક હેતુ ખ્રિસ્તી મિશનરી પ્રભાવનો મુકાબલો કરવાનો પણ છે …
ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પાંખ છે.
***
કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ – સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડિયો ધર્મ. કટ્ટરતા અને સગવડિયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, ‘ધર્મ્ય’ ગણાવી શકાય. સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં ‘(સગવડિયો) ધર્મ’ બનાવી શકાય – એવો ‘ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું – તેમનું હિત ઇચ્છવાનું નહીં, તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.
અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડિયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડિયા ધર્મની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા – પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય?
સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે. તેમાં સગવડિયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી. તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી. કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી. (સગવડિયા) ધર્મ કે (વિભાજક – ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.
સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું ‘હમાસ’, લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહૂડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા … આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે. થોડી છૂટછાટ સાથે આપણે તેને ‘રોબિનહૂડ મોડેલ’ કહી શકીએ, જેમાં ‘વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત’ કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહૂડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના ‘શત્રુ’ મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે. તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર – અને વખત આવ્યે હિંસક કાર્યવાહી – આચરવામાં આવે છે. ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી. છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.
આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારાને વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડિયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો ‘તટસ્થતા’ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?
પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે. ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળિયાં મજબૂત બનાવે છે. ISIS કે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી.
તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા(અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી. તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.
આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે. હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે.
ઉર્વીશ કોઠારી, લેખક જાણીતા પત્રકાર અને વિશ્લેષક છે
સૌજન્ય : ‘‘તટસ્થતા’ની આણ’, “દિવ્ય ભાસ્કર”, 04 અૅપ્રિલ 2017
![]()


યુપીની કારમી હાર પછી પણ પરંપરાગત બૌદ્ધિકો સેલ્ફ-ઍનાલિસિસની મુદ્રામાં આવ્યા હોય એવું નથી દેખાતું, અને ભાજપની સત્તા સામે લડવા તૈયાર થયેલો નવ્ય બુદ્ધિજીવી યુવા વર્ગ કાં તો ઘર તરફ પાછો વળી રહ્યો છે અથવા ભાજપ દ્વારા પ્રચારિત ‘સહુનો સાથ, સહુનો વિકાસ’નું સૂત્ર પકડી ભાજપને ગ્રાસરૂટ લેવલે વધારે દૃઢ બનાવી રહ્યો છે. આમ, ચિત્ર સ્પષ્ટ છે. ભાજપ જેને આપણે કટ્ટર હિંદુવાદી પક્ષ કહી રહ્યા છીએ, તે સુદૃઢ-સુસજ્જ અને સંખ્યાબળની દૃષ્ટિએ સ્પષ્ટ બહુમતી તરફ અગ્રેસર છે અને પ્રગતિશીલ પરિબળો નામશેષ થવાના આરે છે. કારણ ન સમજાય એવું નથી. ભાજપના સામા છેડા પરની વિચારધારાઓ નવું લોહી ન આવવાના કારણે એનિમિક બની ગઈ છે. વારેવારે એને નાનામોટા રોગ ઘેરી વળે છે. હવે નુસખાઓથી નહીં, નસ્તરથી જ અર્થ સરે એમ છે. આ બધી ચિંતાના કારણે લાંબી મથામણ પછી આ લેખ લખી રહ્યો છું.