Opinion Magazine
Number of visits: 9584432
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કાળે કરીને’

નયના શાહ|Opinion - Literature|5 April 2017

બરોબર બાર વરસે વળી પાછું એ જ ફેબ્રુઆરીમાં ‘નિરીક્ષક’ના પાને પહેલાં જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે, સ્ત્રી-પુરુષ ભેદભાવ સૂચક શબ્દો, તુચ્છકારસૂચક સબંધોના સંદર્ભમાં અને હવે જુગુપ્સાપ્રેરક અંશ વિશે ગિજુભાઈની બાળવાર્તાઓ સંદર્ભે ચર્ચા જોવા મળી.

મને સમજાતું નથી કે ૧૯૨૯ના જમાનામાં, આજથી બરોબર ૮૮ વર્ષ પહેલાં કદાચ પ્રથમવાર લોકોમાં પ્રચલિત વાર્તાઓનું બહોળું સંપાદન થયું, (સંસ્કાર સાહિત્ય મંદિરે પાંચ ભાગમાં ૧૯૨૯માં છાપેલી ૧૦૫ વાર્તા) એ વખતોવખત પુનર્મુદ્રણ કશા સુધારાવધારા વગર કેમ થતું રહ્યું. કૉપીરાઇટ નાબૂદ થવાથી જુદા જુદા પ્રકાશકોએ રૂડારૂપાળા વેશમાં તેને યથાવત છાપ્યું. પણ તે જમાનાની લોકોમાં પ્રચલિત વાર્તાઓના સંકલનને સંપાદનનું આજના બદલાયેલા સમયના સંદર્ભમાં મૂલ્યાંકન ના કરતાં ગિજુભાઈને અન્યાય કર્યો. કેવળ ભેળસેવાળી બાળવાર્તાઓનું જ પુનર્મુદ્રણ કે મોન્ટેસોરી બાળમંદિર કે કેવળ નામસ્મરણ કરી અકાદમી કે બાળ વિશ્વકોશ જેવા વિચારો ઝીલાયા પણ તેમના સમગ્ર દર્શન-ચિંતન અનુભવ વ્યવહાર, શિક્ષણ સાહિત્યનું પુનર્મૂલ્યાંકન વિશે શિક્ષણ અંગેની અન્ય ચોપડીઓનાં પુનર્મુદ્રણ અને પ્રસ્તુતતા વિશે ઉદાસીનતા ચાલી. એ વિશે જરૂરી કાર્યવાહીનો સમય ક્યારનો ય પાકી ગયો છે; કેમ કે હજુ આજે પણ ગિજુભાઈની બાળવાર્તાઓની અસર બાળસાહિત્યમાં જોવા મળે છે.

પાંચ ભાગની કેટલીક વાર્તાઓ આજે પણ લોકજીભે અને બાળહૈયે ગુંજે છે. આનંદી કાગડો, દલા તરવાડી, બીકણ સસલી, સાત પૂંછડીઓ ઉંદર (છેલ્લો ભાગ બાળકોને સ્વીકાર્ય હોય તો રાખવો – નહીં તો રદ કરવો) કે સુપડકન્ના રાજાની વાત બાળકોને ગમે જ. તેની સરળતા, ગેયતા અને સીધો નહીં પણ સૂક્ષ્મ રીતે આપેલો બોધ બાળસાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે.

કાગે મારું મોતી લીધું કે કાગડો અને ઘઉંનો દાણો, કાગડો અને કોઠીંબું (જેને એના સત્ત્વને જાળવી આજના સંદર્ભમાં લખી શકાય.) ચકલી અને કાગડો, પોપટ ને કાગડો, હંસ ને કાગડો આ જ પ્રકારની વાર્તા કહી શકાય.

બીજી ટાઢા ઢબૂકલા ઠાગા ઠૈયા કરું છું. બાપા કાગડો, દીકરીને ઘેર જાવા દે, સાંભળો છો, દળભંજન ભટુડી બિલાડીની જાત્રા, અને અદેખી કાબરની વાર્તા બાબતે જુદાં-જુદાં સ્તરના અને સ્થળનાં (નહીં કે આપવડાઈમાં રાચતા બાળસાહિત્યકારો કે બારોબારિયું કરતાં પ્રકાશકો) ‘ટ્રાય આઉટ’ વાટે નિર્ણાયક બનાવી શકાય.

આ સંદર્ભમાં શ્રી ગિજુભાઈ બધેકા જન્મશતાબ્દી ઉજવણી સમિતિ, ગાંધીનગર વતી શ્રી મનુભાઈ પંચોળીના સંપાદન હેઠળ પ્રકાશિત થયેલ દળદાર ગ્રંથમાં પ્રકાશન વર્ષ નવેમ્બર, ૧૯૮૬ ગિજુભાઈની બાળવાર્તાઓ વિશે જયેન્દ્ર ત્રિવેદીએ લખેલું યથાર્થ છે :

આજે આ વાર્તાઓ ફરીથી એક વખત વાંચતા કે બાળકો સમક્ષ વાંચી બતાવીને એમના પ્રતિભાવોનો અભ્યાસ કરતાં એક વાત તરત સૂઝે છે કે આ વાર્તાઓનું પુનઃસંપાદન થવું જોઈએ, એના ક્રમમાં ફેરફાર કરવો જોઈએ, કેટલીક વાર્તાઓમાં થોડું કાઢવું – ઉમેરવું જોઈએ તો કેટલીક વાર્તાઓને સાવ રદ પણ કરવી જોઈએ. આમ કરીએ ત્યારે એક વાતનું સતત સ્મરણ રાખવું ઘટે કે એ વાર્તાઓ બાળકો સમક્ષ કહેવા માટે છે. બાળક વાંચતું થાય ત્યારે પોતાની મેળે ભલે વાંચે, પણ મૂળે તો વાર્તાઓ કહેવા માટે છે. અને વાર્તા કહેવાની કળાની દૃષ્ટિએ જ આ વાર્તાઓનું પુનઃસંપાદન થવું જોઈએ.

ટૂંકમાં, આજે ૨૦૧૭માં તો ૧૯૨૯ની વાર્તાઓમાંથી ચયન કરવું જ પડે. તો જ ગુજરાતી બાળસાહિત્યનો વારસો જળવાશે.

આવું જ બાલસાહિત્ય માળાની એંશી ચોપડીઓ વિષે કહી શકાય. ખૂબ મથામણ કરી ગિજુભાઈ અને તારાબહેને બાળકોના રસ, જિજ્ઞાસા અને જાણકારી વિશે વિવિધ વિષયોની સાહિત્યમાળા તૈયાર કરી. તે પૈકી અમુક પુસ્તિકાઓ આજે પણ એવું જ મૂલ્ય ધરાવે છે. આ વિશે તારાબહેને સંપાદકોના કથનમાં જે લખેલું તે જોઈએ.

અમારો દાવો એક જ હોઈ શકે કે બાળકો માટે તંદુરસ્ત વાચન હોવાની જરૂર અમને પૂરેપૂરી ભાસી છે. તેમની ઊગતી જિજ્ઞાસા શું શું માગતી હતી તે અમે નજરોનજર જોઈ શકતાં હતાં. જોઈતા સાહિત્યને અભાવે અમારે તે લખીને પૂરું પાડવું પડ્યું. બાળકોએ તે પ્રેમથી વાંચ્યું. સામાન્યતઃ તેમને તે લાભદાયી થતું દેખાયું, એટલે ઇતર બાળકો માટે તે બહાર પાડ્યું. તેમાંથી સાચું હશે એટલું ટકશે અને ખોટું, હશે તે કાળે કરીને નાબુદ થશે – જલદી નાબૂદ થાય એમ ઇચ્છીએ!

ગિજુભાઈ અને તારાબહેન સરખાં પહેલકારોએ પુસ્તિકાઓ વિશે શિક્ષણધર્મ અને કાળધર્મ બેઉના સ્વીકારપૂર્વક ત્યારે જ કહ્યું હતું એના મર્મને યથાર્થ સમજીએ સાહિત્યમાળાની એંશી ચોપડીઓમાંથી ચાળીસ-એકતાળીસ પુસ્તિકા બાળસાહિત્યમાળામાં ટકોરબંધ છે. તેમાં યોગ્ય સુધારાવધારા કરીને પુનર્મુદ્રણ કરી તેનો વ્યાપક પ્રચાક અને પ્રસાર કરવો જોઈએ. આજના ઢગલાબંધ બાળસાહિત્યમાં વિવિધ વિષયોને સ્પર્શતું આવું બાળસાહિત્ય શોધવા જવું છે.

‘પ્રકાશ’ બંગલો, નવરંગપુરા પોસ્ટ ઑફિસ સામે, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૦૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; 13-14 

Loading

તીન તલાકમાંથી મુક્તિ

સ્વામીનાથન અંકલેસરિયા ઐયર|Opinion - Opinion|5 April 2017

ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ અને હલાલા નામની લગ્નપદ્ધતિની બદીઓ ભારતીય મુસ્લિમ મહિલાઓ પરનો અત્યાચાર છે. આ ત્રણેય પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ પર ત્રીસમી માર્ચે ભારતની સર્વોચ્ચ અદાલત સુનાવણી હાથ ધરવાની છે. ટ્રિપલ તલાકનો ભોગ બનનાર મુખ્ય અરજદાર ઉત્તરાખંડનાં શાયરાબાનો છે. સમાજશાસ્ત્રમાં એમ.એ. થયેલાં પાંત્રીસ વર્ષનાં શાયરાએ અલાહાબાદમાં પતિની મારઝૂડ ઉપરાંત દસ ગર્ભપાત વેઠ્યાં છે. ભારતીય મુસ્લિમ મહિલા-આંદોલન નામના ખૂબ નોંધપાત્ર મહિલા સંગઠને ટ્રિપલ તલાકની સામે ઝુંબેશ ચલાવી છે. આંદોલન ઉપરાંત દેશના પ્રગતિશીલ મુસ્લિમ અને બિનમુસ્લિમ નાગરિકો વ્યક્તિગત કે સામૂહિક સ્વરૂપે ટ્રિપલ તલાક નાબૂદીને ટેકો આપી રહ્યા છે. ભારત સરકારે ટ્રિપલ તલાકને અયોગ્ય ગણતું સોગંધનામું કર્યું છે. તેમાં બહુપત્નીત્વ અને ટ્રિપલ તલાક અંગે જણાવેલી બહુ મહત્ત્વની બાબતો આ મુજબ છે : આ રિવાજોને કારણે મુસ્લિમ સ્ત્રીઓ સામાજિક અને આર્થિક રીતે જોખમ હેઠળ જીવે છે; જેન્ડર જસ્ટીસ, ભેદભાવ નાબૂદી, માનવગૌરવ અને સમાનતાના સંદર્ભમાં આ રિવાજોની પુનર્વિચારણા કરવી જોઈએ; ધર્મ-સંસ્કૃિતની બહુલતા અને વૈવિધ્યની જાળવણીના ખ્યાલો સ્ત્રીઓને સમાન અધિકારો ન આપવા માટેનું બહાનું ન બની શકે; સ્ત્રીઓને સામાજિક, આર્થિક અથવા લાગણીના સ્તરે આરક્ષિત રાખતી અથવા પુરુષોના તુક્કાને આધીન રાખતા કોઈ પણ રિવાજો બંધારણના લેટર અને સ્પિરિટ સાથે બંધબેસતા નથી. તેમને ધર્મના આવશ્યક કે અંતર્ગત ભાગ ગણી શકાય  નહીં. ટ્રિપલ તલાકની કુપ્રથા વિશે ત્રીજી એપ્રિલ ૨૦૧૬ના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક લેખને અહીં મૂક્યો છે.

•

સુપ્રીમ કોર્ટે શાયરાબાનો નામની મુસ્લિમ મહિલાની અરજીનો સ્વીકાર કરીને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં એક પગલું આગળ ભર્યું છે. આ અરજી મુજબ બહુપત્નીત્વ અને મૌખિક ટ્રિપલ તલાક, એટલે કે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા લઈ લેવાની પ્રથા, મૂળભૂત માનવઅધિકારોનો ભંગ થતો હોવાથી ગેરબંધારણીય ઠરે છે. ભારતીય રાજકારણે હંમેશાં મુસ્લિમ મહિલાઓ માટેના ન્યાયને તહસનહસ કર્યો છે. પણ સુપ્રીમ કોર્ટને મુસ્લિમ મતબૅંકને રીઝવવાની જરૂર ન હોવાથી આ બાબતે બિલકુલ તટસ્થ રહી શકે છે. અલબત્ત, મુલ્લાઓ આ બાબતે રાતાપીળા થઈ ગયા છે. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કમાલ ફારૂકી કહે છે, ‘આ તો ધાર્મિક બાબતોમાં સરકારની સીધી દખલગીરી છે, કારણ કે શરિયાનો ધાર્મિક કાયદો  કુરાન અને હદીથ(હદીસ)ને આધારે રચાયેલો છે, અને ઇસ્લામની ન્યાયસંહિતા બહુ મજબૂત છે. એટલે, આ બાબત  ધાર્મિક સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારો વિરુદ્ધની ગણી શકાય.’ 

માફ કરજો ફારૂકીસાહેબ! આપણા બંધારણમાં સ્પષ્ટપણે લખેલું છે કે ધાર્મિક સ્વાતંત્ર્ય કોઈ પણ સંજોગોમાં મૂળભૂત અધિકારોની ઉપરવટ જઈ શકે નહીં તેમ જ પરંપરાગત ધાર્મિક પ્રથાઓમાં સુધારાને અટકાવી શકે નહીં. શરિયા કાનૂન તો સ્ત્રીઓને વ્યભિચાર માટે પથ્થરો મારીમારીને મારી નાખવાની પરવાનગી આપે છે, પણ આપણો સેક્યુલર કહેતાં ધર્મનિરપેક્ષ  કાયદો તેની મનાઈ ફરમાવે છે. શરિયા ચોરની આંગળીઓ અને હાથ વાઢી લેવાનું જરૂરી ગણતો હોય, પણ સેક્યુલર કાયદો તેની મંજૂરી આપતો નથી. શરિયા ઉધાર પર લીધેલી રકમ પર વ્યાજબંધી ફરમાવે છે, પણ લોન આપનાર કે લેનાર મુસ્લિમોને ચુકવણા પરના વ્યાજના કાયદાઓ પાળવા પડે છે.

અત્યારે ધાર્મિક લઘુમતીઓને લગ્ન અને વારસાઈ જેવી બાબતોમાં પર્સનલ લૉને અનુસરવાની છૂટ છે. જવાહરલાલ નેહરુએ હિંમત કરીને હિંદુ પર્સનલ લૉમાં સુધારા કરાવ્યા હતા અને બહુપત્નીત્વ જેવી પ્રથા ફગાવી દેવા ઉપરાંત સ્ત્રીઓને મિલકત, છૂટાછેડા તેમ જ પુનર્લગ્નના અધિકાર અપાવ્યા હતા. કમનસીબે મુસ્લિમો માટે આવા સુધારાની બાબતમાં તેઓ ઢીલા પડ્યા અને તેમણે મુસ્લિમ સ્ત્રીઓને શોષણ અને તાબેદારીની એની એ જ હાલતમાં રહેવા દીધી.

બંધારણના માર્ગદર્શક સિદ્ધાંત મુજબ સરકાર આખા દેશના નાગરિકો માટે સમાન નાગરિકધારો નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે. આવો ધારો ક્યારે ય અમલમાં લાવવામાં આવ્યો નથી. મુસ્લિમ રૂઢિચુસ્તો મરણિયા બનીને એનો વિરોધ કરે છે. ધાર્મિક વિરોધો ઉપરાંત તેમના કહેવા મુજબ આવો નાગરિક ધારો તો હિંદુદમનનું એક  સ્વરૂપ બની જશે.

કેટલાક પ્રબુદ્ધ મુસ્લિમો ઇસ્લામિક પર્સનલ લૉને આધુનિક બનાવવાની હિમાયત કરી રહ્યા છે, પણ બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષોને ખબર છે કે મુસ્લિમ મતો પર રૂઢિવાદીઓની પકડ છે. આ રૂઢિવાદીઓને રીઝવવા માટે પક્ષો એમ કહે છે કે સુધારાની પ્રક્રિયામાં મુસ્લિમોએ જ પહેલ કરવી જોઈએ. આ પ્રક્રિયામાં બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો તો મુસ્લિમ મહિલાઓને વરુઓને હવાલે છોડી રહ્યા છે. ફક્ત ભાજપ જ એવો એકમાત્ર રાજકીય પક્ષ છે કે સમાન નાગરિક ધારાનું સમર્થન કરી રહ્યો છે પણ એની તીવ્ર મુસ્લિમ વિરોધી લાગણીઓ જોતાં એવો વહેમ રહે છે કે ભાજપને સ્ત્રીઓ પરના અત્યાચારનો અંત આણવા કરતાં મુસ્લિમોને ફટકારવામાં વધુ રસ છે.

‘તીન તલાક’ પ્રથા પુરુષને ત્રણ વાર તલાક શબ્દ ઉચ્ચારીને પોતાની પત્નીથી છૂટાછેડા લેવાની મંજૂરી આપે છે. એટલે પત્ની હંમેશાં પુરુષની દયા પર જીવે છે. મારાં મર્હૂમ પત્ની શહેનાઝ અને હું ભારતમાં પ્રવાસ કરતાં. શહેનાઝ મુસ્લિમ મહિલાઓ સાથે અવારનવાર વાત કરતાં. એ મહિલાઓ પાસેથી હંમેશાં એવું સાંભળવા મળતું કે એમને થતો સૌથી મોટો અન્યાય એટલે લટકતી તલવાર જેવી તીન તલાક પ્રથા. શાયરાબાનોએ સુપ્રીમમાં દાખલ કરેલ અરજીમાં પણ આ જ ડરને વ્યક્ત કર્યો છે, ‘મુસ્લિમ સ્ત્રીઓના હાથ બંધાયેલા છે અને માથે ગુલોટિનના ફળાની જેમ તીન તલાકની તલવાર લટકે છે કે જે અબાધિત સત્તા ધરાવતા તેમના પતિઓની મરજી મુજબ ગમે ત્યારે તેમને માથે પડે.’

કુલ મુસ્લિમ વસ્તીમાં પચાસ ટકા સ્ત્રીઓ છે, પણ પુરુષોના દબાણને કારણે તેમનો પોતાનો કોઈ અવાજ નથી. જે રાજકારણીઓ એવું કહેતાં હોય કે મુસ્લિમો પર્સનલ લૉમાં સુધારા ઇચ્છતાં નથી, એ રાજકારણીઓ ફક્ત મુસ્લિમ પુરુષોને જ ગણતરીમાં લઈ રહ્યા છે, મુસ્લિમ મહિલાઓને નહીં. જ્યારે આવા અત્યાચારી મુસ્લિમ કાનૂન સ્ત્રીઓને પુરુષોના પગ નીચે દબાવી રાખે છે ત્યારે સ્ત્રીઓ એમની જરૂરિયાતો વ્યક્ત કરી શકતી નથી અને હુકમને તાબે જ રહે છે. રૂઢિચુસ્ત મુસ્લિમો પહેલેથી જ સ્ત્રીશિક્ષણનો વિરોધ કરતા રહ્યા છે, જેથી સ્ત્રી નિર્બળ રહે અને અન્યાય સામે પોતાની રીતે અવાજ ન ઉઠાવે.

જો મુસ્લિમ મહિલાઓમાં ગુપ્ત જનમત લેવામાં આવે, તો તેઓ ચોક્કસ બહુપત્નીત્વ અને તીન તલાક વિરુદ્ધ મતદાન કરે. પણ તેમને તક આપવામાં આવતી નથી. એટલે મુસ્લિમ મહિલાઓ બળ  વિનાની અને તાબેદારી હેઠળની રહે છે. આ શરમજનક અપરાધમાં સાર્વત્રિક અધિકારોની વાત કરતા આપણા સેક્યુલર પક્ષો પણ સામેલ છે.

સ્ત્રીઓની સ્થિતિનો અભ્યાસ કરવા ૨૦૧૨માં નિમાયેલી સમિતિએ તીન તલાક અને બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. સ્ત્રી અને બાળકને ભરણપોષણ અંગે વધુ કડક  જોગવાઈઓ પર પણ સમિતિએ ભાર મૂક્યો છે (અત્યારે તો ત્યક્તાને તે ‘અપવિત્ર’ હોવાના ઓઠા હેઠળ  ભરણપોષણથી વંચિત રાખી શકાય છે). સુપ્રીમ કોર્ટે આ સમિતિનો અહેવાલ જોવો જોઈએ.

સમાન નાગરિક ધારો હિંદુઓ દ્વારા મુસ્લિમો પરના દમનમાં પરિણમશે, એવો પ્રચાર ભૂલી જાઓ. ગોવા, દેશનું એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં કોઈ પણ ધર્મના પર્સનલ લૉને માન્ય ગણવામાં આવતા નથી. ત્યાં પોર્ચુગીઝ  સંસ્થાનવાદી કાનૂનો આધારિત સમાન નાગરિક ધારો અમલમાં છે. તેમાં કેટલાક અપવાદ છે, જે મુસ્લિમોને લાગુ પડતા નથી. પોર્ચુગીઝ શાસનમાંથી ગોવાની મુક્તિ બાદ ત્યાંના મુલ્લાઓએ મુસ્લિમ પર્સનલ લૉ દાખલ કરવાની કોશિશ કરી હતી, પણ તેને ગોવા મુસ્લિમ વિમેન્સ ઍસોસિયેશન અને મુસ્લિમ યુવા કર્મશીલોએ  નિષ્ફળ બનાવી. ગોવાની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૮.૩% છે અને તેઓ સમૃદ્ધ છે. સમાન નાગરિક ધારાથી કંઈ મુસ્લિમોનું દમન નથી થયું કે નથી એમને બળજબરીથી હિંદુ બનાવાયા.

જો ગોવાનું ઉદાહરણ નજર  સામે રાખીએ તો સમાન નાગરિક ધારો હિંદુઓના મુસ્લિમો પરના દમનમાં પરિણમશે, એવો ભય વજૂદ વિનાનો છે, એ વાત સામે આવશે. સુપ્રીમ કોર્ટે બધા  રાજકીય પક્ષોને ગોવાનો રાહ ચીંધવો જોઈએ.

[અનુવાદ : ઈશાન ભાવસાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 15 અને 14

Loading

ન્યૂઝ ઍન્કર આજના સમયનો સૌથી મોટો ગુંડો છે

રવીશકુમાર|Opinion - Opinion|5 April 2017

જાણીતા પત્રકાર અને એન.ડી.ટી.વી.ના પ્રાઇમ ટાઇમ શૉના ઍન્કર રવીશકુમારને પ્રથમ કુલદીપ નૈયર પત્રકારિતા સન્માનથી નવાજવામાં આવ્યા, તે સમારંભમાં તેમણે આપેલું વક્તવ્ય

•

ઉંમર થઈ ગઈ છે તો વિચાર્યું કે થોડું લખીને લઈ જઈએ, બાકી મૂડ અને મોકો કંઈક એવો જ હતો કે વાંચ્યા વિના જ બોલી શકાય. ખાસ કરીને એવા સમયમાં જ્યારે રાજકારણ તમામ મર્યાદાઓને ધ્વસ્ત કરી રહ્યું છે, અપમાનના નવા-નવા શબ્દપ્રયોગો ઘડાઈ રહ્યા છે.

એક એવા સમયમાં જ્યારે આપણી સહનશક્તિને કચડવામાં આવી રહી છે, બરાબર એવા જ સમયે ખુદને સન્માનિત થતા જોવું, એ જાણે દીવાલ પર ટિંગાડેલી ટક-ટક કરતી ઘડિયાળ તરફ જોવું. ટક-ટક કરતી ઘડિયાળો હવે લુપ્ત થઈ રહી છે. એટલે આપણે ભણકારાથી સમયને ઓળખવાનું બંધ કરી દીધું છે, એટલે આપણને ખબર જ નથી પડતી કે આપણી બાજુમાં ક્યારે કયો ખતરનાક સમય આવીને બેસી ગયો છે. આપણે બેપરવા બની ગયા છીએ.

આપણી સંવેદનશીલતા ખતમ થતી જાય છે. તેઓ સોય ભોંકતા જાય છે અને આપણે પીડાને સહન કરતાં જઈએ છીએ. આપણે બધા હવે વાવાઝોડાંઓના ઉપભોક્તા બની ગયા છીએ, કન્ઝ્યુમ કરવા લાગ્યા છીએ. શહેરમાં વાવાઝોડાના સમાચાર આવે. વરસાદમાં ગુડગાંવ કે દિલ્હી ડૂબવા લાગે છે કે ચેન્નાઈ ડૂબવા લાગે છે, આપણે હવામાન સમાચાર જોવા માંડીએ છીએ. હવામાન સમાચાર રજૂ કરનારી પોતાની શાંત અને સૌમ્ય અવાજમાં આપણને ધીમે-ધીમે વાવાઝોડા અને તોફાનના કન્ઝ્યુમરમાં બદલી રહી હોય છે અને આપણે વાવાઝોડું પસાર થવાની માત્ર રાહ જોતાં હોઈએ છીએ. આગલી સવારે ખબર પડે છે કે (ઘરની પાસે) રસ્તા પર આવેલા પૂરમાં એક કાર ફસાયેલી હતી અને તેમાં બેઠેલાં ત્રણ જણાં પાણી ભરાઈ જવાથી જીવનની બાજી હારી ગયા.

મરવું માત્ર સ્મશાન કે કબ્રસ્તાનમાં દફન કરી દેવું કે બાળી મૂકવું નથી, મરવું એ ડર પણ છે, જે તમને બોલતાં, લખતાં, કંઈક કહેતાં કે સાંભળતાં ડરાવે છે. આપણે ખતમ થઈ રહ્યા છીએ, આપણે હવામાન સમાચાર રજૂ કરતી ઍન્કર ઇચ્છે છે, એવા પ્રકારના કન્ઝ્યુમરમાં બદલાઈ રહ્યા છીએ. આપણને સૌને પરીક્ષાના એવા ખંડમાં બેસાડી દેવામાં આવ્યા છે, જ્યાં વારંવાર ફ્લાઇંગ સ્ક્વૉડ કે ઊડતી મુલાકાતે આવનારાઓનું ટોળું હુમલા કરતું રહે છે. તેઓ ક્યારેક આપણા ખિસ્સાની તલાશી લે છે, ક્યારેક આપણાં પાનાં ઊલટાવી-સૂલટાવીને જુએ છે. તમને ખબર છે કે તમે ચોરી કરી રહ્યા નથી, છતાં થોડા-થોડા સમયના અંતરે ફ્લાઇંગ સ્ક્વૉડની ટોળી આવીઆવીને દહેશત ફેલાવી જાય છે.

તમને [ડર] લાગ્યા કરે છે કે ક્યાંક આગલી ક્ષણમાં તમને ચોર જાહેર કરી દેવાશે. તમને લાગતું હોય કે આવું કંઈ થઈ રહ્યું નથી, તો તમારી આજુબાજુ નજર ફેરવી જુઓ કે કેટલા લોકોને કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે.

આ એ જ ફ્લાઇંગ સ્ક્વૉડ છે, જે આવીને તમારા ખિસ્સાની તલાશી લે છે અને ક્યારે ય ચોરને પકડતા નથી, પરંતુ તમને ચોર જાહેર કરાશે, એનો ડર તમારામાં ઠસાવી દે છે.

તો આ કેસો, પોલીસ, ઈન્કમટૅક્સ ઑફિસર …. આ બધા આજકાલ બહુ સક્રિય બની ગયા છે. તેમની ભૂમિકા અગાઉ કરતાં ઘણી વધારે સક્રિય છે અને ન્યૂઝ ઍન્કર આપણા સમયના સૌથી મોટા જમાદાર છે.

તેઓ દરેક સાંજને એક લૉકઅપમાં ફેરવી નાખે છે અને ત્યાં વિપક્ષ, વિરોધના અવાજો કે વૈકલ્પિક અવાજો ઉઠાવનારાઓને જેલમાં પૂરીને તેમની ધોલાઈ કરે છે. અત્યાર સુધી તો તમે ફર્સ્ટ ડિગ્રી, થર્ડ ડિગ્રી, ફેક ડિગ્રીમાં ફસાયેલા હતા, તે તો રોજ સાંજે થર્ડ ડિગ્રી ઍપ્લાય કરે છે.

આ ઍન્કર આજના સમયનો સૌથી મોટો ગુંડો છે અને મને એ વાતનો ખૂબ જ આનંદ છે કે મીડિયા-ચૅનલોના ઍન્કર ગુંડા બની ગયા છે, નવા પ્રકારના બાહુબલી બની બેઠા છે, એવા સમયે આ સમાજના કેટલાક એવા લોકો પણ છે, જે ઍન્કરને સન્માનિત કરવાનું જોખમ ઉઠાવી રહ્યા છે.

આવનાર સમાજ અને ઇતિહાસ, જ્યારે આ વાવાઝોડું અને તોફાન શમી જશે અને ઍન્કરને ગુંડા અને તેની ગુંડાગીરીની ભાષા તથા ભાષાની ગુંડાગીરી, એના પર લખાશે, ત્યારે તમે લોકોને આ સાંજ માટે યાદ કરવામાં આવશે કે તમે લોકોએ એક ઍન્કરનું સન્માન કર્યું છે.

આ સાંજ એટલી પણ બેકાર નહીં જાય. હા, તમે જનાદેશ ન બદલી શકો, પરંતુ સમાજનો તકાજો જો એ છે તો આ પણ છે. ગાંધી શાંતિ-પ્રતિષ્ઠાનનો આભાર. આ પુરસ્કારમાં પત્રકારોનો પરસેવો છે. તમારા વ્યવસાયને કારણે કંઈ પણ મળે, તો સમજવું કે તમારી દુવા કુબૂલ હુઈ!

આપણે સૌ કુલદીપ નૈયરસાહેબનો આદર કરીએ છીએ. કરોડો લોકોએ તમને વાંચ્યા છે, સાહેબ! તમે એ સરહદ પર જઈને મીણબત્તીઓ પેટાવી છે, જેના નામે આ દિવસોમાં રોજ નફરત ફેલાવવામાં આવી રહી છે. આ દેશમાં એ દેશનું નામ આ દેશના લોકોને બદનામ કરવા માટે લેવામાં આવી રહ્યું છે. કદાચ જૂનો જમાનો તમારી મીણબત્તીઓનું મહત્ત્વ સમયસર સમજી શક્યો નહીં હોય. એ મીણબત્તીના ઉજાસને આપણે સૌએ સાથે મળીને ફેલાવ્યો હોત તો એ રોશની મુઠ્ઠીભર લોકોના ઝનૂનનું નહીં પણ વધુ ને વધુ લોકોની સમજનું અજવાળું બનત.

આપણે ત્યારે પણ એ જ ભૂલ કરી અને અત્યારે પણ એ જ ભૂલ કરી રહ્યા છીએ. મહોબ્બતની વાત કેટલા લોકો કરે છે? મને તો શંકા છે કે આ જમાનામાં લોકો મહોબ્બત કરે છે કે નહીં. ઍન્ટિ રોમિયો દળના લોકોને કોઈ સાથે પ્રેમ થઈ જશે તો શું થશે, એ વિચારીને ડરી જાઉં છું. પ્રેમના તલસાટમાં તે કોઈ જૂના ઝભ્ભાની જેમ જર્જરિત થઈને ફાટી જશે. દુવા કરીશ કે ઍન્ટિ રોમિયો દળના કોઈને કોઈથી પ્રેમ ન થાય. પ્રાર્થના કરીશ કે તેમને કમ સે કમ કિશોરકુમારનાં ગીતો સાંભળવાની સહનશક્તિ મળે.

આપણા ઉત્તરપ્રદેશમાં શેક્સપિયરની વાર્તાના નાયકની વિરુદ્ધ જનાદેશ આવ્યો છે. આપણે રોમિયોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તમે બધા પણ જિંદગીમાં ક્યારે ય કોઈને પ્રેમ કર્યો હોય, તો તમારા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજો. આશા રાખું છું કે અમેરિકાની કોઈ ચૂંટણીમાં પ્રેમચંદના નાયકોની વિરુદ્ધ પણ ક્યારેક કોઈ જનાદેશ આવશે. આવી ગયો હોય તો પણ શું ખબર. ઍન્ટિ હોરી, ઍન્ટિ ધનિયાદળ જોવા મળશે.

અનુપમ મિશ્રજી આપણી વચ્ચે નથી. આપણે આ સત્યનો સામનો એ જ રીતે કરી લીધો છે, જે રીતે સમાજે તેમના નહીં હોવાની અનુભૂતિ તેમની હયાતીમાં જ કરી લીધી હતી. કાશ, હું આ પુરસ્કાર તેમની નજર સામે લેતો હોત, તેમના વરદ હસ્તે!

જ્યારે પણ કોઈ સ્વચ્છ હવા શરીરને સ્પર્શે છે, ક્યાંક પાણીની લહેર જોવા મળે છે, મને અનુપમ મિશ્ર યાદ આવી જાય છે. તેઓ એક એવી ભાષા બચાવીને ગયા છે, જેના સહારે આપણે ઘણું બધું બચાવી શકીએ છીએ.

પ્રતિક્રિયામાં આપણી ભાષા હિંસક ન બની જાય, એની ચિંતા કંઈ દુનિયાને દેખાડવા માટે નથી કરવાની. એના માટે આપણે ફરીથી આપણી ભાષાને સાફસૂથરી કરીએ, એ જરૂરી બન્યું છે. આપણામાં રહેલી નિર્મળતા અનેક પ્રકારની મલિનતાઓમાં દબાઈ ગઈ છે. એટલે આપણે આપણી ભાષા અને વિચારોને થોડા ઘણા સંપાદિત કરીએ, આપણી અંદર બધું સમુસૂતરું નથી, તેનું સંમાર્જન કરીએ, એ બહુ જરૂરી બની ગયું છે.

આપણે સંભાવનાઓનું નિર્માણ કરતા નથી, તે ક્યાં બચી છે, કોનાકોનામાં બચી છે, કોણે-કોણે બચાવી છે, તેની શોધ કરી રહ્યા છીએ. આવા લોકોમાં જે સંભાવનાઓ છે, તે હવે મને ક્યારેક-ક્યારેક ખટકે છે. આપણે ક્યાં સુધી બચેલાની ચિંતામાં જિંદગીનો સ્વાદ પણ ભૂલતાં રહીએ, બચાવવાનો જુસ્સો ગુમાવતાં રહીએ. આપણા એકલાની સંભાવનાઓને અન્યો સાથે સાંકળીને ચાલીએ … અંતર્વિરોધોનો રામાયણપાઠ બહુ થયો. જેને પણ મળું છું તે કોઈ ને કોઈ અંતર્વિરોધનો અધ્યાપક લાગે છે.

તમે રાજકારણમાં વિકલ્પ શોધવા માગતા હોય, તો અંતર્વિરોધોને સાથે લઈને ચાલવાનું શીખો. ઘણા લોકોને તેમનાં સમાધાનોએ વધારે અધમૂવા કરી દીધા છે. આજે જે સમય છે, તેને લાવવામાં એ લોકોની પણ ભૂમિકા છે, જેમની પાસે વીતેલા સમયમાં કંઈક કરવાની જવાબદારી હતી.

એ લોકોએ ઘોખો દીધો. વીતેલા સમયમાં લોકો સંસ્થાઓમાં ઘૂસીને તેને ખોખલી કરવામાં વ્યસ્ત રહ્યા. અમુક અપવાદોને છોડી દઈએ, તો ધનેડાનો પ્રવેશ એમના દોરમાં જ શરૂ થયો. વિકલ્પની વાતો કરનારાઓનો સમાજ સાથેનો સંવાદ તૂટી ગયો.

સમાજ પણ પરિવર્તનના માત્ર એક જ કારકને (એજન્ટને) ઓળખે છે, રાજકીય પક્ષ. બાકી એજન્ટો પર પણ રાજકારણે કબજો કરી લીધો છે, એટલે રાજકારણથી ભાગવાનો હવે કોઈ અર્થ નથી. હા, કોઈ એક વર્ષના કામને સો વર્ષમાં કરવા માગતા હોય, તો વાત અલગ છે.

જ્યારે સારા લોકો નિષ્ફળ જાય છે, ત્યારે જ જનતા ખરાબ સાથે જોખમ ઉઠાવે છે. દર વખતે હારે છે, છતાં આગલી વખતે કોઈ મોટા રાજકીય પક્ષ પર જ દાવ લગાવે છે. ગાંધીવાદી, આંબેડકરવાદી, સમાજવાદી, માક્ર્સવાદી અને જે કોઈ રહી ગયા હોય, એ તમામ વાદી, વાવાઝોડાં આવે છે, ત્યારે તેમનાં વૃક્ષો જ શા માટે મૂળસોતાં ઊખડી જાય છે! બોનસાઈનો બગીચો બનાવીને તો બચો!

તમે બધાએ [સમારંભમાં ઉપસ્થિત સમજદાર નાગરિકો, બૌદ્ધિકો, સર્જકોને સંબોધીને] રાજકીય પક્ષોને છોડીને બહાર આવી ગયા, તેનાથી રાજકીય પક્ષોનું વધારે પતન થયું. ત્યાં પરિવારવાદનું વર્ચસ્વ વધ્યું, કૉર્પોરેટ કલ્ચરે માઝા મૂકી. કોમવાદનો સામનો કરવાની શક્તિ ન પહેલાં તેમનામાં હતી અને ન આજે છે.

આ તેમના માટેનો અફસોસ આપણે શા માટે કરી રહ્યા છીએ? હા, જો આપણા માટે હોય, તો આપણે સૌએ પડકાર ઝિલી લેવો જોઈએ. મેં ક્યારે ય રાજકારણને મારી લાઇન ગણી નથી, એ માર્ગ મારા માટે હોય એવું હું માનતો નથી, પરંતુ જે લોકો આ માર્ગ અપનાવે છે, તેમને એટલું જ કહું છું કે રાજકીય પક્ષો તરફ પાછા ફરો, આડાઅવળા ન ભાગો.

સેમિનારો અને સંમેલનોમાંથી બહાર નીકળવાનો સમય આવી પુગ્યો છે. એ એકૅડેમિક ચર્ચાઓનું એક સ્થાન છે, જરૂરી સ્થાન છે, પરંતુ રાજકીય વિકલ્પનું નહીં. રાજકીય પક્ષોમાં ફરીથી જોડાવા માટે આંદોલન કરવું પડશે. ફરીથી એ પક્ષો તરફ પાછા ફરો અને સંગઠનો પર કબજો મેળવો. ત્યાં જે નેતા બેઠેલા છે, તેઓ નેતૃત્વને લાયક નથી, તેમને હટાવી દો. એ ડરપોક લોકો છે. અપ્રામાણિકતામાં જ રચ્યાપચ્યા છે. આ તેમના ગજાની વાત નથી. તેમની કાયરતા, તેમના સમાધાનો સમાજને રોજેરોજ તોડવાનું કામ કરી રહ્યાં છે. તેમનાં સમાધાનોને કારણે એક નાનકડી ચિનગારી આવે છે, અને બધું સળગાવીને જતી રહે છે.

આપણી પાસે હજુ પણ એટલું માનવ-સંસાધન બચ્યું છે અને આ ખંડમાં જેટલા પણ લોકો છે, તેઓ પણ રાજકારણને વધારે ઉમદા બનાવી શકવા સક્ષમ છે.

પત્રકારત્વ માટે પુરસ્કાર મળી રહ્યો છે, ત્યારે બે-ચાર વાત તેના માટે પણ કરવા માગું છું.

મને એ જણાવતા બેહદ આનંદ થઈ રહ્યો છે કે આજે પત્રકારત્વ પર કોઈ સંકટ નથી. અત્યારે પત્રકારત્વનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. પાટનગરથી લઈને જિલ્લા-આવૃત્તિઓના સંપાદકો આ વાવાઝોડામાં ખેતરમાંથી ઊડીને સીધા છાપરા પર પહોંચી ગયા છે. હવે તેમને પત્રકાર હોવાની સાર્થકતા સમજાઈ રહી છે. શું આપણે નહોતા જોતાં કે કેટલાક દાયકાઓથી પત્રકારત્વનું ક્ષેત્ર સત્તા સાથે વિલીન થવા માટે કેટલું મથી રહ્યું હતું. તેઓ જ્યારે હોટલનું લાઇસન્સ લઈ રહ્યા હતા, મૉલનું લાઇસન્સ લઈ રહ્યા હતા, ખાણની લીઝ લઈ રહ્યા હતા, ત્યારે તેઓ આની તો તૈયારી કરતા હતા.

મીડિયાને બહુ ભૂખ લાગી છે. વિકલ્પનું પત્રકારત્વ છાંડીને હવે વિલન અને વિલીન થવાના પત્રકારત્વનો દોર છે. સત્તાધારી પક્ષની વિચારધારા એટલી તો વિરાટ લાગી રહી છે કે તેની સાથે ખુદને વામણો જોઈને સમજી રહ્યો છે કે જાણે તે ભગવાન શ્રીકૃષ્ણના મુખ સામે ઊભો છે.

ભારતનું પત્રકારત્વ કે પત્રકારત્વની સંસ્થાઓ અત્યારે પોતાના સુખચેનના સુવર્ણકાળમાં પણ છે. તમને વિશ્વાસ ન હોય તો કોઈ પણ અખબાર કે કોઈ પણ ન્યૂઝચૅનલ જોઈ લો. તમને ત્યાં ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળશે. તેમની ખુશી જોઈને તમે ઝુમશો, તો તમારી સમસ્યાઓ પણ ઘટી ગયેલી લાગશે.

સૂટેડ-બૂટેડ ઍન્કર, પોતાની આઝાદી ગુમાવીને આટલા હેન્ડસમ ક્યારે ય નહોતા લાગ્યા. ઍન્કર સરકારની તરફદારી કરતાં-કરતાં આટલા સોહામણા ક્યારે ય નહોતા લાગ્યા. ન્યૂઝરૂમમાં રિપોર્ટરોનું નામોનિશાન દેખાતું નથી.

‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં એવા સારા પત્રકારોની ભરતી કરવાની સ્પર્ધા જામી છે, જેઓ વૉશિંગ્ટનની ગલીઓમાં જઈને સરકાર વિરુદ્ધના સમાચારો શોધી લાવે. ત્યાં આવી સ્પર્ધા છે. હું ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ અને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની બદમાશીઓથી પણ વાકેફ છું. એ જ ખરાબામાં આવી વાત પણ સાંભળવા મળી રહી છે. ભારતના ન્યૂઝરૂમમાંથી પત્રકારો વિદાય લઈ રહ્યા છે. માહિતી આવવાના તમામ રસ્તાઓ બંધ છે. દેખીતું છે કે ધારણા જ આપણા સમયની સૌથી મોટી માહિતી છે.

ઍન્કર પક્ષના પ્રવક્તા તરીકે ઢળવા અને બદલવા માટે અભિશપ્ત છે. તેઓ પત્રકાર નથી, સરકારના સેલ્સમૅન છે. જ્યારે પણ જનાદેશ આવે છે, ત્યારે પત્રકારોને એવું શા માટે લાગતું હોય છે કે આ પરિણામો તેમની વિરુદ્ધ આવ્યાં છે. શું તેઓ પણ ચૂંટણી લડી રહ્યા હતા? શું જનાદેશથી પત્રકારત્વે પ્રભાવિત થવાની જરૂર છે? પરંતુ ઘણા પત્રકારો આ દિલ્હીમાં કન્ફ્યુઝનમાં ફરી રહ્યા છે કે યુપી પછી હવે શું કરીએ? તમે બિહાર પછી શું કરી રહ્યા હતા? તમે ’૭૭ પછી  શું કરી રહ્યા હતા? તમે ’૭૭ પહેલાં શું કરી રહ્યા હતા? ૧૯૪૭ પહેલાં શું કરી રહ્યા હતા અને ૨૦૨૫ પછી શું કરવાના?

આનો સીધો અર્થ એ છે કે પત્રકારો હવે પત્રકારત્વ બાબતે બિલકુલ ચિંતિત નથી. એટલે કામ ન કરવાની તમામ તકલીફોથી મુક્ત આજના પત્રકારોના આનંદને તમે નહીં સમજી શકો. તમે પૂર્વાગ્રહયુક્ત છો. જઈને જુઓ કે કેટલા રાજી છે, કેટલી આઝાદી ભોગવી રહ્યા છે, કોઈ સ્મશાન, કોઈ રાજકીય પક્ષ અને સરકારમાં વિલીન થઈને ! તેમની ખુશીની કોઈ સીમા નથી, તેનો તમને અંદાજ પણ નહીં આવી શકે. પ્રેસ રિલીઝ તો અગાઉ પણ છાપતાં જ હતા, ફરક એટલો આવ્યો છે કે હવે ગાઈ પણ રહ્યા છે. આવું જ રોજેરોજ ગાઈ રહ્યા છે. કોઈ મુંબઈવાળો (અભિનેતા) જ આ કામ કરી શકે, પરંતુ હવે અમે ટીવીવાળા કરી રહ્યા છીએ. ચાપલૂસિયાઓનો એક ઇન્ડિયન આઇડલ તમે કરાવો. પત્રકારોને બોલાવો ને જુઓ કે કોણ સરકાર અંગે સૌથી સારી રીતે ગાઈ શકે છે. આગલી વખતે તેમનું પણ સન્માન કરજો. બની શકે કે સમય જતાં આપણે એવા ચાપલૂસિયાઓનું પણ સન્માન કરીએ.

તમે લડવું હોય, તો અખબારો અને ટીવી સાથે લડવાની તૈયારી શરૂ કરી દેજો. પત્રકારત્વને બચાવવાના મોહમાં ફસાયેલા રહેવાની જીદ છોડી દેજો. પત્રકાર બચવા માગતો નથી. જે થોડા ઘણા બચી રહ્યા છે, તેમનું બચી રહેવું બહુ જરૂરી નથી. તેમને હાંકી કાઢવા પણ બહુ મુશ્કેલ નથી. ખબર નથી ક્યારે હટાવી દેવામાં આવે. આ ચીલે ચાલતા સમાજને જણાવજો કે આમાં કેવું જોખમ છે.

ન્યૂઝચૅનલ અને અખબારો રાજકીય પક્ષોની નવી શાખાઓ છે. ઍન્કર કોઈ રાજકીય પક્ષમાં તેમના મહામંત્રી કરતાં વધારે પ્રભાવશાળી છે. રાજકીય પક્ષ બનવા માટે, બનાવવા માટે પણ તમારે આ નવા રાજકીય મોરચા સામે લડવું પડશે. ન લડી શકો તો પણ કોઈ વાંધો નહીં. લોકોની પણ એવી તાલીમ થઈ ચૂકી છે કે તેઓ પૂછવા આવી જાય છે કે તમે આવા સવાલો શા માટે પૂછો છો?

શાહી ફેંકનારા પ્રવક્તા બની રહ્યા છે અને શાહીથી લખનારા પ્રોપેગન્ડા ચલાવી રહ્યા છે. આ ભારતીય પત્રકારત્વનો પ્રોપેગન્ડા યુગ છે. આ વર્તમાનમાં આપણે એ પત્રકારોને કઈ રીતે ભૂલી શકીએ, જે સંભાવનાઓ બચાવવામાં અહીંતહીં મથી રહ્યા છે. હું તેમની એકલતાને સમજી શકું છું. હું તેમની એકલતામાં સહભાગી પણ બની શકું છું. ભલે તેમની સંભાવનાઓ ખતમ થઈ જાય, પરંતુ આવનારા સમયમાં આવા પત્રકારો અન્યો માટે મોટો ઉપકાર કરી રહ્યા છે. જિલ્લા સ્તરેથી લઈને દિલ્હી સુધી ઘણા પત્રકારોને ઝઝૂમતા જોયા છે. તેમના સમાચાર-અહેવાલો ભલે ન છપાઈ રહ્યા હોય, પરંતુ તેમની પાસે સમાચારો છે. સમાજ જો આ પત્રકારોને સાથ નહીં આપે, તો એ નુકસાન સમાજને જ સહન કરવું પડશે. એટલે સમાજને આગોતરો સાવધ કરીને, આંખોથી આંખો મિલાવીને એટલું કહેવાની કે તમે અમને એકલા છોડી રહ્યા છો, અને તમે અમને ગાળો ભાંડી રહ્યા છો … તમે આ કામ અમને હટાવવા માટે નહીં, તમારું વજૂદ મિટાવવા માટે કરી રહ્યા છો.

તમે એ લોકોની તકલીફ અંગે પૂછો, જે આજે પણ ન્યૂઝ રૂમમાં છે અને ટેલિવિઝનના ન્યૂઝ ઍન્કરને આજે પણ દસ પત્રો આવે છે. હાથેથી લખેલા આવે છે. તેમના ન્યૂઝ જ્યારે નહીં આવતાં હોય, ત્યારે તેઓ કેવી સમસ્યાનો સામનો કરતાં હશે અને ક્યાં ક્યાં લખતાં-ભટકતાં હશે. આ સમાજ પત્રકારોને ગાળો આપી રહ્યો છે અને આવા લોકોની તકલીફમાં વધારો કરી રહ્યો છે. જેઓ પીડિત છે, તેમને તેમની પીડા સાથે જ મારી નાખવાની યોજનામાં તેઓ સામેલ થઈ રહ્યા છે.

… તો ઘણી વખત સમાજ પણ ખતરનાક બની જાય છે.

ખેર … આજે જે કોઈ પણ પત્રકારત્વ કરી રહ્યું છે, જેટલું પણ કરી રહ્યું છે, તેમના પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું. સત્તાની ચાપલૂસીથી ઉબાઈ ગયેલા કે છેતરપિંડીનો ભોગ બનેલા પત્રકારોની ઊંઘ ઊડશે અને જ્યારે તેમનો ખપ પૂરો થતાં ફેંકી દેવાશે, ત્યારે તેમને આવા લોકો જ આત્મહત્યા કરતાં બચાવી લેશે. ત્યારે તેમને લાગશે કે આમણે એવું કર્યું છે, જે મારે પણ કરવું જોઈએ. એના થકી જ હું બચી શકીશ. એટલે જેટલી બની શકે એટલી સંભાવનાઓને બચાવીને રાખો. આજના આપણા સમયને આશા અને હતાશાનાં ચશ્માંથી ન જુઓ.

આપણે એવા પાટા પર છીએ, જેના પર રેલગાડીનું એન્જિન બિલકુલ સામે છે. આશા અને હતાશાની મદદથી તમે બચી ન શકો. આશા એ છે કે રેલગાડી મને નહીં કચડે અને હતાશા એ છે કે હવે તો મને કચડી જ નાખશે. સમય બહુ ઓછો છે અને તેની ગતિ બહુ તેજ છે.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.  

[અનુવાદ : દિવ્યેશ વ્યાસ]

(વક્તવ્યની મૂળ લિંક .. 

http://thewirehindi.com/4103/journalist-ravish-kumar-speech-in-kuldeep-nayar-journalism-award-ceremony/.

જેના પરથી તમે રવીશકુમારના વક્તવ્યનો વીડિયો પણ જોઈ-સાંભળી શકો છો.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 16-18

Loading

...102030...3,4113,4123,4133,414...3,4203,4303,440...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved