Opinion Magazine
Number of visits: 9456617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કારગિલ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion|27 November 2024

દીપા રેસ્ટોરેન્ટની બારીમાંથી કારગીલના બર્ફીલા પહાડોની ચોટીઓને બાયનોક્યુલરથી નિરખી રહી હતી. ક્યાં ય સુધી નિરખતી રહી, પછી ઉદાસ ચહેરે ટેબલ ઉપર કોફીનો ઓર્ડર આપીને બેઠી. કોફીનો કપ પૂરો કરી નીકળી ગઈ. દૂર ખુરશી પર બેઠેલા ત્રણ મિત્રો દીપાને અને દીપાની ચેષ્ટાને જોઈ રહ્યા હતા. એક મિત્રએ કહ્યું, “યુવતી સુંદર છે. તેની સાથે દોસ્તી કરવા જેવી છે. મને એ બહુ ગમી ગઈ છે.”

બીજે દિવસે દીપા રેસ્ટોરેન્ટમાં આવી. બાયનોક્યુલરથી કારગીલને નિરખી રહી હતી. એક મિત્રએ કહ્યું, “એમ દૂરથી કારગીલ નિરખવાથી શું વળે, સાચી મજા લેવી હોય તો સાથ સંગાથ લઈને કારગીલની બરફીલી પહાડીઓમાં ધુમવું પડે.” દીપાએ કંઈ જવાબ ન આપ્યો, રોજની જેમ કોફી પીને ચાલી ગઈ. ત્રણ મિત્રમાંથી એક મિત્રએ કહ્યું, “આ અઘરો દાખલો છે એમ આપણી દાળ ગળે એવું લાગતું નથી. અહીયાં છીએ ત્યાં સુધી પ્રયત્ન કરવામાં શું જાય છે પછી જેવા આપણા નસીબ.” આ શબ્દો દીપાએ સાંભળ્યા પણ જવાબ ન આપ્યો.

“મેડમ, તમે રોજ અહીંથી બાયનોક્યુલરથી કારગીલની પહાડીઓ નિહાળો છો, એમાં શું આનંદ મળે છે. તમે કંપની આપો તો રૂબરૂ કારગીલને ખૂંદી લઈએ.”

દીપાએ એક તીવ્ર નજર ત્રણે ઉપર નાખી, “પછી બારી પાસે બોલાવ્યા, દૂર શું દેખાય છે?” “કારગીલની બરફીલી પહાડીઓ.” “હજી ધ્યાનથી જુવો, ત્યાં ઊંચી ચોંટી ઉપર તિરંગો ધ્વજ લહેરાતો દેખાય છે? એ આપણો તિરંગો છે. ભારતની આન, બાન અને શાન છે. હું અહીં દર વર્ષે ચાર દિવસ માટે આવું છું અને આજનો દિવસ મારા માટે ખાસ છે. એ એટલા માટે છે કે આજના દિવસે મારા પતિ … હા .. તમે બરોબર સાંભળ્યું છે, મારા પતિ યુદ્ધમાં લડતાં લડતાં શહીદ થયા હતા. એટલે પહેલા બે દિવસ તેમની યાદમાં વિતાવું છું. આજ તેનો શહીદીનો દિવસ છે. આ દિવસ, હું, મારા પતિને, તેની શહીદીને નમન કરવા અને એક શહીદની વિધવા તરીકે ગૌરવ અનુભવવા માટે અહીયાં વિતાવું છું. કાલે છેલ્લી વખત કારગીલ પહાડીને નિરખીને જતી રહીશ. મારા જીવનને, મારા પતિએ દેશ માટે શહીદ થઈને ગૌરવશાળી બનાવી દીધું છે. આજે સમાજમાં શહીદની વિધવા તરીકે મારું મુઠ્ઠી ઊંચેરું સ્થાન છે. પણ, આ વાત તમારી સમજણ બહારની છે. તમને ઠઠ્ઠા, મશ્કરી સિવાય બીજું આવડે છે શું?”

દીપાની વાત સાંભળી ત્રણેય મિત્રોના હોંશ ઉડી ગયા. અવાક થઈ ગયા. દીપા ક્યારે ચાલી ગઈ એ ખ્યાલ પણ ન રહ્યો.

દીપા રેસ્ટોરેન્ટમાં આવી. આજનો દિવસ છેલ્લો દિવસ હતો. તેણે જોયું તો ત્રણેય મિત્રોનું ટેબલ ખાલી હતું પણ તેના ટેબલ ઉપર પુષ્પનો ગુલદસ્તો અને નીચે કાગળની ચબરખી હતી. તેમાં લખ્યું હતું, “આપની ભાવનાને શત શત નમન, દેશ ખાતર શહીદી વહોરનારને દિલથી વંદન. આ સાથે પુષ્પનો ગુલદસ્તો અર્પણ કરીએ છીએ એ સ્વીકારી અમને માફ કરશો અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપવા માટે ખૂબ ખૂબ આભાર.”

દીપા સજળ આંખે એક નજર કારગીલ પહાડી ઉપર નાખી રેસ્ટોરેન્ટમાંથી કોફી પીધા વગર નીકળી ગઈ. દૂર કારગિલની ચોંટી ઉપર ભારતની શાન, શહીદોની આનનો પ્રતીક તિરંગો લહેરાઈ રહ્યો હતો …

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 November 2024

ચંદુ મહેરિયા

જુલાઈ, ૨૦૨૨માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીને વાય.એસ.આર. કાઁગ્રેસ(યુવજન શ્રમિક રાયથ કાઁગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.

રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ (ખરેખર તો વડા પ્રધાન કે સર્વોચ્ચ નેતા) કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું છે. તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થતાં હતાં અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલ પ્રદેશમાં કાઁગ્રેસના સુખ્ખુની સી.એમ. તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય મંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડા પ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.

દેશના બે મોટા રાજકીય પક્ષો ભા.જ.પ. અને કાઁગ્રેસ મુખ્ય મંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી. વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતાં નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.

ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંશથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.

વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી(કન્જર્વેટિવ પાર્ટી)એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે.

કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોકતાંત્રિક સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે.

ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કાઁગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કાઁગ્રેસ, એન.સી.પી. અને વાય.એસ.આર. કાઁગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્ત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેતૃત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.

કાઁગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી. અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી ? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્ય મંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ. પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.

૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સી.એમ. તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઇન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઇન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?

ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ્દ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આંબેડકર : સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી નકામી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2024

પ્રકાશ ન. શાહ

પંચોતેરમી સંવિધાન ગાંઠની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે 1949ના નવેમ્બરની 26મીએ બંધારણ સભામાં સંવિધાન પસાર થયું એને આગલે દહાડે, 25મી નવેમ્બરે, આંબેડકરે કહેલી કેટલીક બુનિયાદી વાતોનું સ્મરણ કરવું લાજિમ લાગે છે – અને તે માત્ર રસમી તોર પર મુદ્દલ નહીં; પણ સાભિપ્રાય ને સહેતુક એટલું જ સટીક પણ.

એક આબાદ, બિલકુલ ભરીબંદૂક વાત તો એ કહી હતી આંબેડકરે કે ગમે તેટલું સારું સંવિધાન કેમ ન હોય, જો સુયાણીમાં વેતા ન હોય તો વેતર વંઠે તે વંઠે. ઠેકાણાસરના માણસો મોખા પર ન હોય તો સારામાં સારું સંવિધાન ટાંયે ટાંયે ફીસ પુરવાર થાય એ નક્કી જાણજો. વળી એ પણ ટાંપ કરી હતી એમણે કે સંવિધાનમાં માનો કે મર્યાદાઓ હોય તો પણ રાજ ચલાવનારા જો સરખા હીંડે તો નબળું તોયે તે ઠીક કામ આપી શકે છે.

બીજી સોજ્જુ વાત એ કીધી’તી આંબેડકરે કે દેશને લાંબો સમય સમર્પિતપણે સેવા આપનારાઓ પ્રત્યે આપણો ઋણભાવ હોય એ ઈષ્ટ છે. પણ આ કૃતજ્ઞતાના ખયાલને પણ ચોક્કસ મર્યાદાઓ ખચીત છે. આપણો ઋણભાવ આંધળી ભક્તિમાં ગંઠાઈ જવાનો હોય તો એ લોકતંત્ર સારુ લગારે પથ્ય નથી.

ત્રીજી, પણ તેથી પહેલીબીજી કરતાં સહેજે ઓછા મહત્ત્વની નહીં એવી વાત એમણે જે કહી હતી તે એ કે સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી મૂળિયાં નાખી શકતી નથી. સામાજિક લોકશાહીને સારુ જરૂરી ત્રણ વાનાં તે સ્વાધીનતા, સમાનતા ને બંધુતા. જો સમાનતા ન હોય તો સ્વાધીનતાને નામે થોડાક લોકો ધરાર ચઢી વાગે. જો બંધુતા ન હોય તો પણ સ્વાધીનતાને નામે થોડાકનો રુક્કો ચાલે. વળી એ પણ સમજાવું જોઈએ કે જો બંધુતા ન હોય તો સ્વાધીનતા ને સમાનતા સહજપણે શક્ય નહીં બને – અને આ સંજોગોમાં જે ગોંધળ સરજાય તેમાં પોલીસપ્રવેશથી માંડી રાજની જુલમજોહાકી સહિતની સંભાવનાઓ સાફ છે.

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને બંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ ભીમરાવ આંબેડકર

આ જે ચેતવણીઓ, એમાંથી ખાસ કરીને ત્રીજી ચેતવણી (બંધુતા-સમાનતા-સ્વાધીનતાનાં સહીપણાંની જરૂરત) લક્ષમાં લઈએ તો આંબેડકરના 25મી નવેમ્બર, 1949ના એ ઉદ્દગારો પણ સમજાઈ રહેશે કે આપણે આપોઆપ એક રાષ્ટ્ર થઈ ગયા છીએ કે થઈ જવાના છે એમ કૃપા કરીને માનશો મા. શતસહસ્ર નાતજાતમાં વહેંચાયેલા આપણે એક રાષ્ટ્ર ક્યાંથી હોઈ શકીએ? હા, એમણે કહ્યું હતું, સંવિધાનનું જે દર્શન છે એમાંથી. ભારતનો જે ખયાલ ફોરે છે એ સેવીએ, એનું સંગોપન-સંમાર્જન કરીએ તો વાત બને.

આ બધું આંબેડકરે નવેમ્બર 1949માં કહ્યું હતું. એ મુજબનું બંધારણ બે મહિના પછી 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું. સ્વરાજની લડતમાં, જવાહરલાલની અધ્યક્ષતામાં જે મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ) દિવસ 1930ની 26મી જાન્યુઆરીથી ઊજવાતો થયો એને લક્ષમાં રાખી, 1950ની 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ.

એક રીતે લગરીક ટેક્સ્ટબુકી લાગે એવો આ પૂર્વાર્ધ કોઈ માસ્તરી ધક્કાથી નહીં પણ સંવિધાન દિવસ મનાવતી વેળાએ આપણને જે ઓસાણ રહેવા જોઈએ તેમ જ ક્યાં છીએ અને ક્યાં જવાનું છે એવી થોડીક સૂધબૂધ રહે તે વાસ્તે અહીં આલેખ્યો છે.

આમ તો આ 75મી સંવિધાન ગાંઠ છે (વરસફેરે 74મી પણ કહી શકો); પણ એની વિશેષ ઉજવણી ‘મોસમ હૈ ઈવેન્ટાના’ મિજાજમાં માહેર ભા.જ.પ. નેતૃત્વે લગીર કચકચાવીને 2015થી શરૂ કરી છે. કચકચાવવાનું કંઈક ઓછું લાગ્યું તે કિન્નો ઉમેરીને હવે, 2024થી, હર 25મી જૂને સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત ઉર્ફે ગેઝેટેડ એલાન આપણી સમક્ષ આવ્યું છે.

2024ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આગળ કરેલો મુદ્દો સંવિધાનનો હતો અને દસ વરસના સુવાંગ શાસને ઊભા કરેલા સવાલો સામેના વૈકલ્પિક કથાનકની ઠીક સામગ્રી એમાં પડેલી હતી તે એક અંતરાલ પછી મતદાતાઓએ વિધિવત્ વિપક્ષ નેતાનું સ્થાન અંકિત કરી આપ્યું એ પરથી સમજાઈ રહે છે.

કાઁગ્રેસને અને સંવિધાનને શું એવો સવાલ જૂન 1975-માર્ચ 1977ના ઇંદિરાઈ તબક્કાને સહારે સહેજ પણ અપ્રસ્તુત અલબત્ત નથી, પણ ભલે અંજીરપાંદ પણ, કાઁગ્રેસ પક્ષે એક બચાવ હોઈ શકે તેમ ત્યારના એક જેલવાસી છતાં કહેવું જોઈએ- અને તે એ કે આ સત્તાલક્ષી તોડમરોડ ચોક્કસ બંધારણીય જોગવાઈના હવાલાસરની હતી. ગમે તેટલું સારું બંધારણ હોય પણ રાજકારભારું કૂટનાર ધોરણ બહાર જાય ત્યારે તેનો મતલબ રહેતો નથી, એ આંબેડકરની ચેતવણી આ સંદર્ભમાં સમજાઈ રહે છે. માર્ચ 1977-1979ના જનતા પર્વમાં બંધારણીય સુધારાથી દોષદુરસ્તી જરૂર કરાઈ. પણ થોડાં વરસ પર લાલકૃષ્ણ અડવાણીએ આબાદ કહ્યું હતું તેમ છતે સુધારે તોડમરોડ નહીં જ થાય એમ માની શકાતું નથી. જનતા સરકાર પડી તે પછીના રાજીવ શાસનમાં, વાજપેયી ને મનમોહન શાસનમાં અને હવે સવિશેષ મોદી ભા.જ.પ. દશકમાં અઘોષિત કટોકટીના મુદ્દા આપણી સામે આવતા રહ્યા છે.

25મી જૂનનો સંવિધાન હત્યા દિવસ, અઘોષિત કટોકટી મુદ્દાઓની પ્રજાસૂય તપસીલનો કેમ ન બની શકે? જનતા રાજ્યારોહણ પછી, છતાં અને સાથે, જયપ્રકાશે લોક સમિતિ અને છાત્ર યુવાન સંઘર્ષ વાહિની જેવા બિનપક્ષીય જનઓજાર પર ભાર મૂક્યો હતો તે અહીં સાંભરે છે. તે સાથે એ પણ યાદ આવે છે કે છાત્ર યુવા વાહિનીએ કટોકટી મુદ્દે 25 જૂનની ઉજવણીનો વિચાર આગળ કર્યો ત્યારે જયપ્રકાશે સૂચવેલું આયોજન ‘લોકચેતના દિવસ’નું હતું.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 નવેમ્બર 2024

Loading

...102030...340341342343...350360370...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved