Opinion Magazine
Number of visits: 9768645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિક ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2017

હારનું ગણિત સાફ હોય ત્યારે ચૂંટણી લડવી, એ નાગરિક હિસ્સેદારીનો અને ઝમીરનો મામલો છે

અશોક યુનિવર્સિટીના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક ગોપાલકૃષ્ણ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિપદ માટે અઢાર જેટલા વિપક્ષોની વિનંતી સ્વીકારી ચૂંટણીજંગમાં પ્રવેશ કર્યો એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? એમનો પૂર્વરંગ, આમ તો, સનદી સેવકનો છે. રાષ્ટ્રપતિના મંત્રીથી માંડીને હાઈકમિશનરું અને ગવર્નરું પણ કરેલું છે. આ કોયડો, જો કે, એમણે પોતે જ ઉકેલી આપ્યો છે અને પસંદગી પછી તરતના કલાકોમાં કહ્યું છે કે હું તો નાગરિક ઉમેદવાર (સિટિઝન કેન્ડિડેટ) છું.

મહાત્મા ગાંધીના પૌત્ર અને ચક્રવર્તી રાજગોપાલાચારીના દૌહિત્ર એવી ગોપાલકૃષ્ણની ઓળખાણ આપી તો શકાય, પણ કીર્તિવંત પિતામહ અને માતામહના થડે નહીં બેસતાં વિદ્યા ને કૌશલ સંપાદન કરી ઊંચી પાયરીએ જવું તે પોતે થઈને કદાચ એથી મોટી ઓળખ છે. અને એથીયે વધુ ઊંચી પાયરીએ કોઈ માંચીમિજાજમાં નહીં ગોટવાતાં ધરતીની ધૂળ અને આમ આદમી સાથે નાતો જાળવી જાણવો તે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે વેશવટો કરી એ ગ્રામજનો સાથે સુખદુઃખની વાતો કરવા નીકળી પડતા, એવી ઉજેણીના વિક્રમ ફેઇમ વાતો સાંભળવાનું બન્યું છે. અને હમણાં જ આ અખબારે હસમુખ પટેલના હવાલે યાદ આપી તેમ આપણે ત્યાં બનાસકાંઠામાં એ અજાણ્યા અણઓળખાયા શ્રમિકનું જીવન ગુજારી ચૂક્યા છે.

રહો, હમણાં પશ્ચિમ બંગાળના એમના રાજ્યપાલકાળની જિકર કરી એનો એક ખાસ સંદર્ભ આજના સંજોગોમાં જે છે તે તો નોંધવો જ રહ્યો. એમણે નંદીગ્રામમાં સી.પી.એમ. સરકારે જે દમનનું વલણ લીધું એને વિશે સ્પષ્ટ વિરોધમત દર્શાવતાં સંકોચ કર્યો ન હતો. એક રીતે, એ એમનો અસાધારણ નિર્ણય હતો; કેમ કે કૉંગ્રેસ-ડાબેરી જોડાણવાળી યુ.પી.એ. સરકારના એ દિવસો હતા અને તરતમાં આવી રહેલ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિચારાઈ રહેલાં સત્તાવાર નામોમાંયે એ હોઈ શકતા હતા. પણ નંદીગ્રામના ઘટનાક્રમમાં એમણે દાખવેલ પ્રજા-અનેે-ન્યાય-પરક અભિગમ પછી રાજ્યની ડાબેરી સરકારનું વલણ એમની પસંદગી બાબતે વીટોના કુળનું હતું. ઊંચી પાયરીએ પહોંચવાની જે લાયકાત ગોપાલકૃષ્ણે નાગરિક સંધાનથી મેળવી હતી એ જ ડાબેરી સરકાર સારુ એમની ગેરલાયકાત બની રહી. આગળ ચાલતાં, તમે જુઓ, સિંગુરના મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને વિપક્ષનેતા (ભાવિ મુખ્યમંત્રી) મમતા બેનરજી વચ્ચે વાતચીત વાટે ભોં ભાંગવાની પહેલકારી આ જ સિટિઝન ગવર્નરની હતી!

એ રીતે જોતાં, એમની વર્તમાન ઉમેદવારી બાબતે ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ જોડે આવ્યાં તે સાથે આખું વર્તુળ કેમ જાણે પૂરું થાય છે. બેશક, ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પણ બની શક્યા હોત, પણ રામનાથ કોવિંદના જવાબમાં મીરાં કુમારની વરણી પાછળ દલિત કાર્ડનું સામસામું રાજકારણ કદાચ દુર્નિવાર હતું. જે તે રાજ્યમાં સ્થાનીય ધોરણો અનુસાર ક્યાંક ઓ.બી.સી. તો ક્યાંક દલિત હોઈ શકતા રામનાથ કોવિંદ સામે જગજીવનરામનાં પુત્રી, પૂર્વસ્પીકર મીરાં કુમારને લડાવવાનું મનોગણિત સમજી શકાય એમ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર રાજ્યપાલ કોવિંદના પક્ષે રહ્યા એથી વિપક્ષી એકતામાં પડી શકતી દરાર સામે ડેમેજ કન્ટ્રોલ તરીકે એમને માન્ય, બલકે એમણે જેમને રાષ્ટ્રપતિ ભવનમાં જોવા પણ પસંદ કર્યા હોત તે ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર બનાવવાનો ચોક્કસ લાભ બેશક છે.

‘ફર્સ્ટ પોસ્ટ’માં લખતાં સંજયસિંઘે એ મુદ્દે ધોખો કીધો છે કે રાજમોહન હોય કે ગોપાલકૃષ્ણ, મહાત્માના પૌત્રો ક્યાં સુધી ચૂંટણીઓ હારવા માટે જ લડતા રહેશે. વળી ઉમેર્યું છે કે આ રીતે તો તેઓ ઊલટાના મહાત્માના વારસાને નીચે ઉતારી અપ્રસ્તુતતા વહોરે છે.

શું કહીશું, આ સંજયદૃષ્ટિ માટે? લોકશાહીમાં નાગરિક લેખે સક્રિય હિસ્સેદારી – જેમાં ચૂંટણી લડવુંયે હોઈ શકે – એ તો લૂણ છે. જયપરાજય તો પછીની વાત છે, દ્વૈતીયિક વાનું છે. વાનાનું વાનું તો હિસ્સેદારીનો પડકાર ઝીલવો તે છે, અને મહાત્માના પૌત્રો બાપને ગલ્લે બેઠા દાપુંદરમાયું ઉઘરાવી ન ખાતા હોય એથી મહાત્માએ શા સારુ રાજી ન હોવું જોઈએ? વાત એમ છે કે રાષ્ટ્રપતિ ભવનમાં જઈ શક્યા હોત એ ગાળામાં નંદીગ્રામ દરમ્યાનગીરીથી સંભવિત ટેકેદારોની ખફગી વહોરવી અને હવે જ્યારે હારનું ગણિત સાફ છે ત્યારે ચૂંટણી લડવી, એ ઝમીરનો સામલો છે.

મુદ્દે, જયપરાજયથી ઉફરાટે આ ચૂંટણીપ્રવેશ સાથે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રીય વિમર્શ ધોરણસર ચાલે એવી શક્યતાઓનો માહોલ સરજે છે. વિપક્ષોના નિમંત્ર્યા એ પ્રવેશ્યા છે એ સાચું પણ એમના પ્રવેશ-પ્રક્ષેપણને એમણે નાગરિકના હસ્તક્ષેપ તરીકે ઘટાવવાપણું જોયું છે. ગોપાલકૃષ્ણ ગાંધીને અભીષ્ટ નાગરિક હસ્તક્ષેપ એક રીતે આપણા સ્વાતંત્ર્યસંગ્રામનું, ને પછી બીજા સ્વરાજ માટેના સંઘર્ષનું સાતત્ય દર્શાવે છે. કૉંગ્રેસના ચાર આના સભ્ય મટી ગયેલા ગાંધી આ નાગરિક હસ્તક્ષેપનું જો તરત સાંભરતું દૃષ્ટાંત છે તો સ્વાતંત્ર્યોત્તર ભારતમાં એનું સૌથી મોટું દૃષ્ટાંત કદાચ જયપ્રકાશનું છે. આ પેરેલલ સંભારતી વેળાએ ગાંધીજેપીનાં કદ ને કાઠી સાથે ગોપાલકૃષ્ણને મૂકવાની કોઈ ચેષ્ટા કરવા ધારી નથી. માત્ર, ફ્રિક્વન્સી અને તરંગલંબાઈને ધોરણે ગાંધીજેપી ઘટનાને સંભારી જરૂર છે.

રાજકારણને આપણે સામાન્યપણે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ખંડી લેવાતો ઈલાકો સમજીએ છીએ. વસ્તુતઃ દેશનો સુવિસ્તૃત નાગરિક સમાજ, આ બેઉ કરતાં ક્યાં ય મોટો છે. જો માત્ર પક્ષો વચ્ચે જ બધો હિસાબ હોય તો નાગરિકનું તો નામું જ નંખાઈ જાય ને. સામસામા મેનિફેસ્ટોમાં બધું સમેટાઈ જવાનું હોય તો નાગરિક પહેલને અવકાશ ક્યાંથી હોઈ શકવાનો હતો. બંધારણનાં મૂલ્યો, બૃહદારણ્યક ઉપનિષદના ઋષિએ જેમ ધર્મને ‘ક્ષત્રિયનો પણ ક્ષત્રિય’ કહ્યો હતો તેમ ઢંઢેેરાનાં ઢોલનગારાં અને સામસામા પેચપવિત્રા કરતાં ક્યાં ય ઊંચે છે. સભામાં, જંગમાં એનો અવાજ, નાગરિકનો બળુકો અવાજ, છેવટે વિભીષણ-વિકર્ણ તરજ પર ક્યાંકથી, કશેકથી તો ઊઠવો જોઈએ ને.

એવું જ રાજ્યની સંસ્થાઓનું. ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્રમાં જ જો સઘળું સમેટાઈ જતું હોય તો લોક ક્યાં, એનો અવાજ ક્યાં. માન્યું કે ચુંટાઈને બેઠેલાઓ (ઘણુંખરું જે તે પક્ષના નુમાઇન્દાઓ) દેશના કાનૂનન સાર્વભૌમ (લીગલ સોવરેન) છે. પણ રાજકીય સાર્વભૌમ, ખરેખરના માલિક તો નાગરિક છે. જેને બિબ્લિકલ ગુજરાતી કહી શકીએ એવા અનુવાદમાં ગાંધીએ થોરોની વાત ભરીબંદૂક મૂકી આપી છે કે આપણે પહેલાં મરદ અને પછી રૈયત છીએ. બુધવારે (12મી જુલાઈએ) બરાબર થોરોનાં બસો વરસે ગોપાલકૃષ્ણનો ચૂંટણી પ્રવેશ આ ફ્રિકવન્સી પરની બીના છે.

વાતનો બંધ વાળતાં આપણે ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર (ડેઝિગ્નેટ) હું તમને વડાપ્રધાનપદે જોવા ઇચ્છતો નહોતો’ એ અસંદિગ્ધ શબ્દો સાથે ગોપાલકૃષ્ણ ગાંધીએ મે 2014માં લખેલ પ્રગટ પત્રને સંભારીશું: ‘ભારત તો વિવિધતાઓથી ભરેલ જંગલ સમાન છે જે સાંસ્કૃિતક વૈવિધ્યને રાજનૈતિક એકેશ્વરવાદનો રંગ આપીને નહીં, પરંતુ પોતાની વિવિધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઇચ્છે છે … (પણ) તમારાં નિવેદન લોકોમાં ડર પેદા કરે છે, નહીં કે વિશ્વાસ. મિસ્ટર મોદી, લોકશાહી ભારતમાં આ તમારી વિશેષતા ન હોઈ શકે. કારણ કે તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો.’

શું કહીશું આને, જન કી બાત, જે કહેવાને ગોપાલકૃષ્ણ પ્રવેશ્યા છે.

સૌજન્ય : ‘લોકશાહીનું લૂણ’, “દિવ્ય ભાસ્કર”, 15 જુલાઈ 2017

Loading

… અને હવે આમિર ખાનના પીળા રૂમાલની ગાંઠ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 July 2017

આપણે જેને ઠગ-પીંઢારા એવા જોડિયા નામથી ઓળખીએ છીએ, તે ઠગ હકીકતમાં કેવા હોય એની ખબર ગુજરાતી વાચકોને 1970 પછી પડી હતી. તે વર્ષે હરકિશન મહેતાની મશહૂર ધારાવાહિક નવલકથા ‘અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ પ્રકટ થઇ. 1968થી એ હપ્તાવાર આવતી હતી એટલે મુશાયરાઓની ભાષામાં કહીએ તો, ‘હવા’ બંધાઇ જ ગઇ હતી અને પુસ્તકરૂપે એની પ્રથમ આવૃત્તિ આવી ત્યારે ઇન્સ્ટંટ હિટ થઇ ગઇ. એ પહેલાં લોકોએ ઠગોની વાતો માત્ર લોકવાયકા મારફતે જ સાંભળી હતી.

હરકિશન મહેતા અને ‘પીળા રૂમાલની ગાંઠ’ વિશે ગુજરાતીમાં બહુ લખાઇ ગયું છે. લોકરંજક વાર્તાઓના ચાહકોને ખબર છે કે હરકિશન મહેતાએ જે પ્રથમ બે માસ્ટર ક્લાસ નવલકથાઓ આપી – ‘જગ્ગા ડાકુના વેરનાં વળામણાં’ અને ‘પીળા રૂમાલની ગાંઠ’- તે અપરાધની દુનિયાના વિષય તરીકે એક નવી શરૂઆત હતી. મતલબ કે અપરાધી તરીકે ડાકુઓ અને ઠગ બંને લોકરંજક વાર્તા સાહિત્યમાં સાવ જ નવો વિષય, એટલે ‘આમાં આવું હોય?’ એવા આશ્ચર્ય સાથે બંને નવલકથાઓ જબરદસ્ત લોકપ્રિય થઈ. ફૉલો-અપમાં તો હરકિશનભાઈ ‘ચંબલ તારો અજંપો’માં ફરી પાછા ડાકુઓને લઇને આવ્યા, અને પછી તો ગુજરાતીમાં બીજા લેખકો પણ ડાકુકથા લાવ્યા.

ઠગનો વિષય પહેલીવાર અને છેલ્લીવાર ‘પીળા રૂમાલની ગાંઠ’માં આવ્યો. ડાકુઓ તો સિનેમામાં પણ આવતા હતા, પરંતુ અપરાધીઓના કબીલા તરીકે ઠગ આટલા બેરહમ, રહસ્યમય, અંધશ્રદ્ધાથી ભરપૂર અને ચકોર હોય એ વાત જ નવી હતી. મધ્યભારતમાં ઠગોની એક સંસ્કૃિત હતી, અને એનાથી સામાન્ય લોકોથી લઇને અંગ્રેજ સરકાર પણ ખાસી પરેશાન હતી. હરકિશન મહેતા અમીર અલી નામના આવા જ એક અત્યંત ઘાતકી અને બુદ્ધિશાળી ઠગની વાર્તા લઇને આવ્યા ત્યારે ગુજરાતી વાચકોને પહેલીવાર મધ્યભારતના બે સદી જૂના અંડરગ્રાઉન્ડ ઇતિહાસની ખબર પડી.

સમાચાર એ છે કે, વાસ્તવિક ચરિત્રો કરવા માટે મશહૂર અામિર ખાને અમીર અલી ઠગની ભૂમિકા સ્વીકારી છે. ‘ઠગ ઑફ હિન્દોસ્તાન’ નામની યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ આગામી દિવાળીએ રિલીઝ થશે. એમાં આમિર સાથે પહેલીવાર અમિતાભ બચ્ચન પણ છે, જે સંભવત: ઠગ સંસ્કૃિતનો સફાયો કરનાર બ્રિટિશ અફસર વિલિયમ હેનરી સ્લીમેનનો કિરદાર કરે છે, જેણે 1835માં અમીર અલી ઠગને ગિરફતાર કરીને સરકારી સાક્ષી બનાવ્યો હતો.

હરકિશનભાઇના કારણે જે ચરિત્ર ઘરે-ઘરે જાણીતું બની ગયું અને જે હવે સિનેમાના પરદા ઉપર આવીને નવી પેઢીનું રંજન કરશે, તે અમીર અલી અને એની ઠગાઇની દુનિયાને ઓળખવા જેવી છે – જે હરકિશનભાઇની નવલકથાથી પણ આગળ જાય છે. જેમણે ‘પીળા રૂમાલની ગાંઠ’ ધ્યાનથી વાંચી હશે એમને ખબર હશે કે હરકિશનભાઇએ એની પ્રસ્તાવનામાં જ લખ્યું હતું કે ‘પીળા રૂમાલની ગાંઠ’ નવલકથા અંગ્રેજ લેખક કર્નલ મેડોઝ ટેલરે 1839માં લખેલી તથ્યાત્મક નવલકથા ‘કન્ફેશન ઑફ અ ઠગ’ આધારિત છે. ‘પીળા રૂમાલ’ પહેલાં 19મી સદીના બ્રિટનમાં આ ‘કન્ફેશન ઑફ અ ઠગ’ એક બેસ્ટ સેલર પુસ્તક બની ચૂક્યું હતું.

આ કર્નલ ટેલર પંદર વર્ષની ઉંમરે મુંબઇના એક અંગ્રેજ વેપારીના ક્લાર્ક તરીકે આવેલા અને પાછળથી હૈદરાબાદ નિઝામ માટે પૂરી જિંદગી કામ કરતી વખતે હૈદારાબાદની જેલમાં આવેલા અમીર અલી ઠગના પરિચયમાં આવેલા. આ અમીર અલીને કર્નલ સ્લીમને પકડ્યો હતો. જે અંગ્રેજ સરકારે ઊભા કરેલા ઠગ અને ડાકુ વિરોધી વિભાગનો કમિશનર હતો. 19મી સદીના પ્રારંભે ભારતમાં ઠગ લોકોનો આતંક એટલો બધો હતો કે અંગ્રેજોને પણ લાગતું હતું કે ભારતની જનતાનો વિશ્વાસ અને ખુદ ભારતને જીતવું હશે તો આ ઠગોની સફાઇ કરવી પડશે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ માહિતી પ્રમાણે ઠગ સંસ્કૃિતના 500 વર્ષના ઇતિહાસમાં અંદાજે 10 લાખ લોકોની હત્યા થઇ હતી. કેવી રીતે? ઠગ રસ્તે જતા યાત્રીઓનો વિશ્વાસ જીતીને કાફલામાં સામેલ થઇ જતા અને લાગ જોઇને દરેક યાત્રીની પાછળ ગોઠવાઇ જઇને એના ગળામાં પીળા રંગનો રેશમી રૂમાલ બાંધીને શ્વાસ રુંધી નાખતા, અને પછી કાફલાનો માલ-સામાન લૂંટી લેવાતો.

કર્નલ હેનરી સ્લીમન આમ તો બ્રિટિશ આર્મી ઑફિસર હતો, પણ પાછળથી વહીવટી કામમાં પણ જોડાયેલો. એમાં એની સૌથી મોટી ઉપલબ્ધિ આ ઠગોની ગેંગની સફાઇ કરવાની. ઠગોનો સૌથી વધુ ત્રાસ ઉત્તર અને મધ્ય ભારતમાં હતો. એટલે સ્લીમેને જબલપુર જિલ્લાને એનું વડું મથક બનાવેલું. જબલપુરથી 62 કિલોમીટર દૂર એના નામ પરથી સ્લીમનાબાદ નામનું ટાઉન પણ છે, જ્યાં પોલીસ થાણાના પરિસરમાં પીપળાના ઝાડ ઉપર ઠગોને લટકાવી દેવાતા હતા. કહે છે કે સ્લીમનના ઇંગ્લેન્ડ સ્થિત વારસદાર પાસે આવા જ એક ઠગનો પીળો રૂમાલ આજે ય છે.

આ સ્લીમને ઘણા ઠગોના એન્કાઉન્ટર કરેલાં કે નિષ્કાષિત કરેલા, પરંતુ એમાંથી બે ઠગ સરદાર મર્યા પછી પણ ‘જીવતા’ રહી ગયા. એક, બહેરામ જમાદાર અને બીજો, સૈયદ અમીર અલી. બહેરામ જમાદાર દુનિયાનો પહેલો સિરિયલ કિલર અને માફિયા ગણાય છે. 1790થી 1840 વચ્ચેના ગાળામાં આ બહેરામ કુલ 931 જેટલી હત્યામાં સંડોવાયેલો હતો. સ્લીમનની ટીમના ઑફિસર જેમ્સ પેટોન પાસે આ બહેરામે એવી શેખી મારી હતી કે, ‘મેં મારા હાથે રૂમાલ બાંધીને 125 લોકોની કતલ કરી હતી, અને આવી રીતે બીજા 150 લોકોની કતલ વખતે હું હાજર હતો.’ 1840માં આ બહેરામ જમાદારને અંગ્રેજોએ લટકાવી દીધો હતો.

અમીર અલી વધારે ફેમસ થઇ ગયો, કારણ કે હૈદારાબાદની જેલમાં એણે કર્નલ ટેલરને પોતાની વાત માંડીને કરી હતી. ટેલર સાહેબ ‘કન્ફેશન ઑફ અ ઠગ’માં લખે છે, ‘હું એને 1832માં મળ્યો હતો. એને સાગર(મધ્યપ્રદેશ)માંથી નિઝામનાં રાજ્યોમાં કાઢી મુકાયો હતો અને એ સરકારનો સાક્ષી બની ગયો હતો. એણે જે કબૂલાતો કરી હતી એ રોચક અને ડરામણી હતી. સરકારી રેકોર્ડ, બીજા ઠગોની કબૂલાત અને એની ખુદની વાત પ્રમાણે એ 719 લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. એણે મને એકવાર કહ્યું હતું, ‘ઓ સાહેબ, હું બાર વર્ષ જેલમાં રહ્યો ન હોત તો આંકડો એક હજારનો હોત.’

ટેલરસાહેબે આ કબૂલાતને વાર્તામાં ઢાળીને ત્રણ ભાગમાં નવલકથા લખી, જે 1839માં પ્રગટ થઇ. આ પહેલાં અમીર અલીને પકડનાર કર્નલ સ્લીમને 1836માં ઠગો દ્વારા બોલાતી વિશિષ્ટ ભાષા ઉપર ‘રામોસી’ નામના વિચિત્ર ટાઇટલ હેઠળ પુસ્તક લખ્યું હતું. જેમાં સૈયદ અમીર અલી(જેને એ ફિરંગી કહે છે)ની વાત હતી, જેણે જયપુરથી શરૂ કરીને સુરત સુધી જાળ બિછાવતી ઠગોની કામ કરવાની પદ્ધતિ બતાવી હતી.

સ્લીમને ઠગોની દુનિયા ધ્વસ્ત કરી એનાથી ભારતીયોનો બ્રિટિશરાજમાં વિશ્વાસ અને વફાદારી વધી, એ બાબત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી છે. ઠગોથી રાજા-રજવાડાં યાત્રાળુઓ અને સોદાગરો એટલા પરેશાન હતા કે એમનો આ આતંક ઓછો ન થયો હોત તો કદાચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો ઇતિહાસ જુદો હોત. સ્લીમનાબાદ પોલીસ થાણામાં મોટા બોર્ડ ઉપર અને બહાર વરંડામાં પીપળાના ઝાડ ઉપર આનો ઇતિહાસ આજે પણ ગવાહી પૂરે છે.

‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 જુલાઈ 2017

https://www.facebook.com/permalink.php?story_fbid=1848160168845367&id=1379939932334062&substory_index=0

Loading

સ્ત્રીઓ જમીનમાલિક બને તો

નેહા શાહ|Opinion - Opinion|14 July 2017

74 ટકા ગ્રામીણ સ્ત્રીઓ ખેતી સાથે સંકળાયેલી છે પણ એમાંની માત્ર 13 ટકા સ્ત્રીઓ પાસે જ માલિકીહક છે

ઉનાકાંડ યાદ છે? એક વર્ષ પહેલાં ઉનામાં ચાર દલિતોને ગોરક્ષકો દ્વારા ગાડી સાથે બાંધી દઈ જાહેરમાં લાકડીએ લાકડીએ મારવામાં આવ્યા હતા. કારણ એટલું કે તેઓ મરેલી ગાયનો નિકાલ કરી રહ્યા હતા, જે કામ તેઓ અનેક પેઢીઓથી કરતાં આવ્યા છે. મારનારનું ઘમંડ તો એવું કે એનો વીડિયો પોતે ઉતારી વટભેર સોશિયલ મીડિયા પર શેર કર્યો! એમને માનવતાડનમાં ગર્વ દેખાયો. આ ઘટનાએ ‘દેશમાં હવે નાત-જાતના વાડા નથી રહ્યા અને દલિતો પરના અત્યાચાર ઇતિહાસ બની ગયા છે.’ એ દલીલને વધુ એક વાર સાવ ખોખલી સાબિત કરી આપી.

આ ઘટના પછી યથાયોગ્ય જ બે મોરચે સંઘર્ષ શરૂ થયો છે. એક તો કાનૂની જંગ. કેસ સી.આઈ.ડી. પાસે ગયો અને ગુનેગારોની ધરપકડ થઈ છે. કેસ અત્યારે અદાલતની વિચારણા હેઠળ છે. અને બીજું, જનઆંદોલન જેમાં ઘણા દલિત અને બિનદલિત નાગરિકો સીધા કે આડકતરી રીતે જોડાયા છે. ઉનાકાંડના એક વર્ષ દરમ્યાન જે દલિત ચેતના ઊભી થઈ છે તેને સુદૃઢ કરીને, જ્ઞાતિ પ્રથાને જડમૂળથી ઉખેડવા માટે જરૂરી લાંબા ગાળાના આર્થિક-સામાજિક બદલાવ તરફની કૂચ પણ શરૂ થઈ છે.

દલિતોનાં શોષણ અને અત્યાચારોનો આપણો કાળો ઇતિહાસ છે. તેમાં પરિવર્તન આવી તો રહ્યું છે, પણ ધીમું આવી રહ્યું છે. કારણ કે, તેઓ સામાજિક અને આર્થિક એ બંને પ્રકારના શોષણનો ભોગ બનતા આવ્યા છે. આથી આ બંને સૂચકો પર હજી પણ આ વર્ગ ખૂબ પછાત છે. સામાજિક અને આર્થિક પરિબળો એકબીજા સાથે એવા ગૂંથાયેલાં છે કે એકનો ઉપાય કરવો હોય તો બીજાનો ઉપાય શોધ્યા વગર શક્ય જ ન બને. દલિતો પરના અત્યાચાર રોકવા હોય તો તેઓ સ્વમાનભેર જીવી શકે એ માટે તેમના આર્થિક ઉત્થાનનું માળખું ઊભું કરવું જ પડે. એ માટે સાબૂત શિક્ષણની સાથે સાથે આર્થિક ઉપાર્જનનાં સાધનો પણ એમને ઉપલબ્ધ કરાવવા જ પડે. દલિત યાત્રાની મુખ્ય માગ જમીનહકની છે: સરકારે જે જમીન દલિતોને ફાળવી છે એના પર કબજો આપો.

જમીનના માલિકીહક એ માટેની પહેલી શરૂઆત છે. આ વાત આજની નથી. જમીન સુધારણાના કાર્યક્રમો અંતર્ગત સરકાર દ્વારા દલિતોના નામે જમીન ફાળવવામાં આવી છે. આમ તો એમાંની મોટે ભાગે ખરાબાની જ જમીન છે. એટલે સૂકી, બિનપિયત અને ઓછી ઉપજાઉ. તો તેના માલિકીના હક મોટે ભાગે કાગળ પર જ રહ્યા છે. એનો કબજો હજી પણ ઉપલી જ્ઞાતિના હાથમાં જ છે. સદીઓથી શોષિત થતા રહેલા દલિતો મોટે ભાગે સવર્ણોની સામે ખોંખારો ખાઈને જમીન માંગતા ડરે છે. કારણ કે, જ્યારે પણ કોઈકે હિંમત કરીને જમીન માગી છે તો બદલામાં તેમની ઉપર લાકડી-તલવારના હુમલા થયા છે, તેમનાં ઝૂંપડાં સળગ્યાં છે, ગાળાગાળી થઈ છે, મા-બહેન પર હુમલા થયા છે. આ કોઈ સદીઓ પુરાણી વાતો નથી કે નથી કોઈ એકલદોકલ ઘટના. એકવીસમી સદીના આધુનિક ભારતમાં પણ બનતી રહેતી ઘટનાઓ છે. એને અટકાવવા છેક છેવાડેથી સશક્તિકરણ કરવું પડે.

જમીનની માલિકીના હક સ્ત્રીના નામે મળે તો છેક શોષિતોમાં પણ શોષિતનું સશક્તિકારણ થાય. સ્ત્રીઓનાં નામે જમીનની માલિકી હોય તેના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે એમાંથી થતી આવકનો ઉપયોગ દારૂ અને બીડી જેવા બિનજરૂરી ખર્ચમાં નહિ, પણ ઘર ચલાવવામાં અને બાળકોની જરૂરિયાત સંતોષવા માટે થાય. એટલે સાચા અર્થમાં કુટુંબનું કલ્યાણ થાય. દારૂના નશામાં પુરુષ એને વેચી પણ ન શકે તેમ જ જમીનમાંથી થયેલી આવક પર સ્ત્રીનું નિયંત્રણ હોવાથી સ્ત્રી પર હાથ ઉપાડતાં પહેલાં પણ એ સત્તર વખત વિચારતો થઈ જાય. એટલે કુટુંબમાં પણ સ્ત્રીનું માન જળવાય અને આખું કુટુંબ સચવાઈ જાય.

2016માં સરકારે એ વાત ફરી વાર કહી હતી કે સ્ત્રીઓનાં નામે જમીન માલિકી વધે એ માટે તેઓ પ્રતિબદ્ધ છે. આજે 74 ટકા ગ્રામીણ સ્ત્રીઓ ખેતી સાથે સંકળાયેલી છે, પણ એમાંની માત્ર 13 ટકા પાસે જ માલિકીહક છે. દલિત સ્ત્રીઓમાં તો જમીનની માલિકીનું પ્રમાણ એકાદ ટકા જેટલું માંડ હશે. મૂળભૂત રીતે દલિતો પાસે જમીનની ઓછી. એટલે સ્ત્રીઓનાં નામે જમીન હોવાની માત્રા સ્વભાવિક રીતે નહીંવત્ છે.

દલિત સ્ત્રીઓના ભાગે અનેક સ્તરે ભેદભાવનો ભાર સહન કરવાનો આવે છે. એક, તો દલિત, તે પણ સ્ત્રી, વળી પાછી ગરીબ અને મોટે ભાગે અભણ. સદીઓથી દલિત સ્ત્રીઓ માથે તો સવર્ણોના ખેતરમાં જ કામ કરવાનું લખાયેલું આવ્યું છે. પોતાનું ઘર ચલાવવા અને બાળકોની જરૂરિયાત પૂરી કરવા એણે મજૂરીની સાથે કાકલૂદી કરવાની હોય, ગાળો સાંભળવાની હોય, અનેક અહેસાન માથે લેવાના હોય. દેવું તો હોય જ, જેને પરત ચૂકવવાની જવાબદારી પણ સ્ત્રીઓ જ નિભાવતી હોય છે. આ પરિસ્થિતિમાં આર્થિક સંસાધનો પર સ્ત્રીઓને માલિકીહક આપવાથી તેમના અસહાય સંજોગોમાં તેમને મોટી સહાય તો મળી શકે, પણ આ તો બેચાર વીઘાવાળા સીમાંત ખેડૂતો છે, જેમની ખેતીમાં જોખમ પણ ખૂબ મોટું રહેલું છે.

જમીનહકની સાથે સાથે જમીનને ઉપજાઉ બનાવવા પાણી પણ જોઈએ. કારણ કે દલિતોને ગામની નહેર કે તળાવમાંથી જો પીવાનું પાણી મળવાની તકલીફ હોય તો સિંચાઈ માટેના પાણી પર તો એમનો વારો છેલ્લો જ આવવાનો. એ સાથે ખાતર, બિયારણ અને ધિરાણ જેવી વ્યવસ્થામાંથી પણ આભડછેટના અંશોનો નાશ ના થાય ત્યાં સુધી દલિત સ્ત્રીઓ માટે જમીનની સાથે બાકીની વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ જશે એવું ધારી ન લેવાય. પાણી અને અન્ય સુવિધા વગરની જમીન દેવાનો નવો સ્રોત બની ન જાય એ ખાતરી પણ આપવી પડશે. વળી, કાયદાના શાસનની પણ વ્યવસ્થા ના ગોઠવાય તો પોતાની જમીન પરથી એને કોઈ ઉઠાડી દે એ ડર હંમેશાં માથા પર ઝળુંબતો રહે. એ માટેની રાજકીય ઇચ્છા શક્તિ અને સામાજિક તૈયારી જ સૌથી મોટા પડકાર છે.

આજે દલિત ચળવળનું નેતૃત્વ યુવા નેતાઓના હાથમાં છે. સમય બદલાયો છે. ચેતના બદલાઈ છે. આ યુવાનો વિશ્વસનીયતા ખોઈ ચૂકેલા મોટા રાજકીય પક્ષોને બાજુ પર રાખી બંધારણીય હક માટે લડી રહ્યા છે. નવી ચેતના સાથે જમીનની માલિકી પછાતમાં પછાત વર્ગને મળે – એટલે કે દલિતોમાં પણ સ્ત્રીઓને અને સ્ત્રીઓમાં પણ વિધવા સ્ત્રીના નામે માલિકી મળે એ વાત તેમણે આંદોલનના મંચ પરથી ઉચ્ચારવામાં આવી છે, જે આવકાર્ય છે. સ્ત્રીના જમીનના માલિકીહકની બાબતમાં જે દરેક જ્ઞાતિમાં બનતું આવ્યું છે તેમ સામજિક દબાણ અને લાગણીના કાવાદાવા સ્ત્રીઓને તેમના હકથી વંચિત ન રહી જાય એ તકેદારી રાખવાની રહેશે.

સૌજન્ય : ‘વો દિન કહાં’, “દિવ્ય ભાસ્કર”, 14 જુલાઈ 2017

Loading

...102030...3,4033,4043,4053,406...3,4103,4203,430...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved