Opinion Magazine
Number of visits: 9768378
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …

રિમ્મી વાઘેલા, રિમ્મી વાઘેલા|Opinion - Opinion|19 July 2017

૨૫મી જૂનની ઠંડી ખુશનુમા સાંજ હતી. પ્રકાશ ન. શાહ, રમેશભાઈ ઓઝા (મિડ ડે, ગુજરાતી), મુકુંદભાઈ પંડ્યા (ગુજરાત સમાચાર) અને સંજય શ્રીપાદ ભાવે, સાથેની ચાર દિવસીય કાશ્મીર મુલાકાતનો આજે છેલ્લો દિવસ હતો. રમેશભાઈ તો શ્રીનગરના અતિ સંવેદનશીલ ગણાતા ડાઉન ટાઉન વિસ્તારની મુલાકાતે ગયા હતા. તો અન્ય ત્રણ વડીલ સાથીદારોની રાહ જોતી હું, દાલ સરોવરની પાળીએ બેઠી હતી. વરસાદ પડ્યા પછી સંધ્યાના અનેક રંગોથી આકાશ છવાયેલું હતું. પણ પાછળ દાલ સરોવર તરફ સ્થિર નજરે જોવાની મારી જરા ય હિંમત નહોતી ચાલતી. તરત જ સાંભરી આવતું કે આ જ દાલ સરોવર પોતાની અંદર કેટલા ય નિર્દોષોની લાશો છુપાવીને બેઠું છે. અનેક ચિત્રો વણથંભ્યા મારા માનસપટ પરથી પસાર થતાં હતાં. ક્યારેક મને ‘હાફ મધર’(નવલકથા, લેખક : શહેના બશીર)નો ઈમરાન યાદ આવતો તો, ૨૦૧૧માં રાજ્ય માનવ અધિકાર પંચના આદેશથી ખોદી કાઢવામાં આવેલી સામૂહિક કબરોમાંથી મળી આવેલા ૨૦૦૦ કરતાં પણ વધુ અપરિચિત-વિકૃત મૃતદેહોનો અહેવાલ યાદ આવતા આખા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ જતી. બે વર્ષ પહેલાં જ્યારે કુનાન પોશપોરા ગામની મુલાકાત લીધી હતી ત્યારે ભોગ બનેલા લોકોના હતાશ-નિરાશ, ન્યાય માટે વલખાં મારતા ચહેરાઓ હું આજે ય નથી ભૂલી! તો, ૨૦૧૪માં પૂરના ૧૫ દિવસ પણ કેડસમાં પાણીમાં ડૂબેલું અને માંડ-માંડ ઊભા થવાનો પ્રયત્ન કરતું શ્રીનગર શહેર નજર સમક્ષ ખડું થઈ જતું!

‘જંગલી’. ‘કશ્મીર કી ક્લી’, ‘જબ જબ ફૂલ ખીલે’માં જોયેલી નૈસર્ગિક, સુંદરતાથી શરૂ કરીને ‘ઈન્શાલ્લાહ કાશ્મીર’, ‘જશ્ન-એ-આઝાદી’, ‘હારુન’, ‘તહાન’, ‘લમ્હેં’, ‘ઓશન ઑફ ટીઅર્સ’માં જોયેલાં દૃશ્યો વારંવાર સ્મૃિત પર દસ્તક દેતાં હતાં! પરી મહેલની સુંદરતા કરતાં વધુ ઇન્ટ્રોગેશન સેન્ટર નજર સામે દેખાતું. ઠેઠ-ઠેકાણે વર્દીમાં દેખાતા જવાનો, ગણી ન શકાય. એટલા ફેક એન્કાઉન્ટર્સ, હાફમધર-હાફ વીડો, આર્મીના ટોર્ચર સેન્ટરો, પેલો પાપા-૨ પર્વત હાથમાં ફોટા લઈને પોતાના ગુમ થયેલા પતિ-દીકરા-ભાઈને શોધતી, મૃતદેહની ઓળખ માટે પોલીસ સ્ટેશનોની બહાર લાઈનો લગાવતી મહિલાઓ, જેમની પાસે પોતાના પિતાનું નામ નથી તેવા અસંખ્યા બાળકો, ગયા વર્ષે બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી જેમણે પેલેટના કારણે પોતાની આંખોથી રોશની સદા માટે ગુમાવી દીધી છે. એવા ત્રણસોથી વધુ બાળકો-કિશોરો … આવું કંઈક મનમાં ચાલી રહ્યું હતુ. ત્યાં જ મોટી ઉંમરના એક વડીલે મારી તંદ્રા તોડી.

‘શિકારા, કી-ચેઈન, ખરીદોગી, બેટી ?’

‘નહીં, ચાચા.’

પછી તો એ ચાચા મારી સાથે વાતો કરવા લાગ્યા.

‘કહાં સે આયી હો?’

‘ગુજરાત-અહમદાબાદ સે.’

‘હમારે ગુજરાતી ભાઈ તો પહેલે બહુત ઘુમને આતે થે, પર અબ નહીં આતે.’

‘હા, આપકી બાત સચ હૈ, હાલાત હી કુછ ઐસે હો ગયે હૈં.’

‘ક્યા હમ સભી આપકો આતંકવાદી દિખતે હૈ?’

સવાલ સાંભળીને હું થોડી ટટ્ટાર થઈ ગઈ. મેં જવાબ આપ્યો :

‘નહીં, નહીં ! બિલકુલ ભી નહીં.’

‘હમ ઐસે નહીં, જેસે ટીવી પર દિખાતે હૈ.’

મારી પાસે એમને જવાબ આપવા કોઈ શબ્દો નહોતા, ચાચા બહુ થાકેલા લાગતા હતા પણ આંખોમાં ખૂબ જ પ્રેમ હતો. કદાચ, રોજા ચાલતા હોવાને કારણે થોડીક નબળાઈ પણ લાગતી હતી. આ પ્રશ્ન માત્ર એમનો નહોતો. આ ચાર દિવસની ટૂંકી મુલાકાતમાં બધાંની આંખોમાં આ એક જ સવાલ હતો. ભારત પાકિસ્તાન બંને માટે કાશ્મીર રાજકીય લાભ ખાટવાનું અગત્યનું સાધન છે. એમાં ત્યાંના સામાન્ય લોકો રોજે રોજ મરી રહ્યા છે. કાશ્મીર ખીણ માટે આવકનું મુખ્ય સાધન પ્રવાસન ઉદ્યોગ છે તેને પણ માધ્યમોમાં સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે સતત નકારાત્મક પ્રચાર કરીને ભાંગી નાખવામાં આવેલ છે. કાશ્મીર પ્રશ્નના ઇતિહાસમાં હું જવા નથી માંગતી. એની જટિલતા આજે વધી છે. એક લેખમાં વર્ણવવી એ શક્ય પણ નથી. પણ અમુક વાતો કહેવાનું મન થાય. ૧૯૯૦થી શરૂ કરીને આજ દિન સુધી કોઈ પ્રવાસીની હત્યા થઈ હોય એવી એક પણ ઘટના નથી બની. અમે જે દિવસોમાં ત્યાં હતા એ દરમ્યાન પણ અહીંના છાપાઓમાં કાશ્મીરના સમાચાર પહેલા પાને મુખ્ય મથાળા સાથે આવતા રહ્યા તે અમે આવ્યાં પછી જોયું પણ ત્યાં એવો કોઈ ભયાનક માહોલ અમને જોવા મળ્યો નહીં. ઊલટાનું એક મહિલા તરીકે કાશ્મીર મને અમદાવાદ કરતાં પણ વધુ સલામત લાગ્યું છે. આ દિવસોમાં અમે વિવિધ પ્રકારના, વિવિધ વર્ગોમાંથી આવતા અનેક લોકો-અધ્યાપકો, વિદ્યાર્થીઓ, પત્રકારો, માહિતી અધિકાર કર્મશીલો, નાગરિકો, પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, વેપારીઓ, શિકારાવાળા, હાઉસબોટવાળાને મળ્યાં. એક એક વ્યક્તિ એટલે એક એક જીવતી જાગતી વાર્તા. દરેકે કંઈકને કંઈક ગુમાવ્યું છે. મારી તો લખવાની એટલી ક્ષમતા નથી. પણ એમની વેદનાની વાતો રડાવી મૂકે તેવી છે.

કાશ્મીરનું નામ લઈએ એટલે આપણને બે જ વાતો સહુ પહેલી યાદ આવે. એક તો એનું મને મોહી લેતું અદ્ભુત નૈસર્ગિક સૌંદર્ય અને બીજું યાદ આવે, ત્યાંનું તંગ વાતાવરણ! બંને કેવા એકબીજાના વિરોધાભાસી છે? કુદરતી સૌંદર્યમાં બેનમૂન એવા આ પ્રદેશને આપણી બિનસંવેદનશીલતાએ ક્યાં લાવીને મૂકી દીધા છે? મને સતત એ સવાલ થયા કરે કે એક લોકશાહી દેશમાં ‘આફ્સ્પા’ જેવો કાયદો આપણે કેવી રીતે સહન કરી શકીએ? શું વીતતી હશે એ બાળકના મન પર જેને એક એવા ટોણાથી ભણવાનું છોડી દેવું પડે છે કે તારા પિતાજી કોણ છે, એની તને ક્યાં ખબર છે? પોતાની નજર સામે પોતાના બાપ-ભાઈ કે દીકરાની ફટ-ફટ પડતી લાશો જોઈને એ મા, બહેન કે પત્નીની માનસિક હાલત શું થતી હશે? પોતાની છાતી પર સુવડાવેલી બે વર્ષની દીકરીને આંખમાં સીધો પેલેટ વાગતા એને પોતાની નજર સામે જ કાયમ માટે અંધ થતી જોનાર બાપ પર શું વીતી હશે? એ વ્યથાની કથા કહેવા માટે તો મારી પેન નાની પડે છે. આટઆટલી પીડાઓમાંથી પસાર થયા બાદ પણ કશ્મીરના લોકો, ભારતના લોકોની વિરુદ્ધમાં નથી. એ તો દમનખોર રાજ્યના વિરોધમાં છે.

કાશ્મીરના સંદર્ભમાં અનેક કમિશનોએ અનેક ભલામણો કરી છે. પડગાંવકર કમિટી, બાજપેયી શાસનમાં વર્ષો, છેલ્લે નિર્ભયા ઘટના સમયે બનેલ જસ્ટિસ વર્મા કમિટીએ આફ્સ્પા હટાવવા માટે કરેલ સૂચનો … આ કંઈ જ અમલમાં નથી આવ્યું. જે પણ લોકો મળ્યા, સૌની એક આશા હતી, આપણા સહુ પ્રત્યેની. કાશ્મીરના લોકો રાહ જુવે છે કોઈ જયપ્રકાશ નારાયણ જેવા નેતાની. મૃદુલાબહેન જેવા કર્મશીલની જે એમની વ્યથાને સાંભળે, એમને થોડો હાશકારો, થોડી હૂંફ આપી શકે. આખો દેશ જ્યારે ભાગલા વખતે કોમી તોફાનોની આગમાં બળતો હતો ત્યારે ગાંધીજીએ કાશ્મીરને એક માત્ર આશાનું કિરણ ગણાવ્યું હતું. આજે ય સામાન્ય કાશ્મીરી નાગરિક કોમવાદી નથી ત્યારે સવાલ એ થાય કે હું/આપણે એમની આશા/અપેક્ષાઓનો કંઈ સકારાત્મક પ્રતિભાવ આપી શકીએ ખરા? હું તો ઇચ્છું કે મારી માનવીય સંવેદના કોઈ ખોટા આંચળા પાછળ મરવી ના જોઈએ. પણ એક ભયંકર લાચારી પણ અનુભવાય છે. એ લાચારીમાંથી બહાર કેમ આવવું, એ મથામણ મનમાં સતત ચાલે છે. લોકોથી લોકોનું મિલન થાય તો કદાચ આ લાચારી દૂર થાય. સંવેદનાઓ ખીલતી રહે, કેળવાતી રહે તો કદાચ ઊંડા ઘાવો પર મલમનું કામ થઈ શકે. બાકી મને તો કાશ્મીરના નામ સાથે જ ફૈઝની નીચેની પંક્તિઓ સિવાય બીજું કંઈ વધુ મનમાં નથી આવતું.

“કિતનો કા લહુ ચહિયે, તુજે એ અહલે વતન,
જો તેરે રંગ એ બેજાર કો ગુલનાર કરે
કિતની આઁહો સે કલેજા ઠંડા કો તેરા,
કિતને આંસુ તેરે સહરાઓ કો ગુલઝાર કરે.”

E-mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 05-06 

Loading

આર્ય-અનાર્યના નિરર્થક વિવાદમાં ડૂબતું આપણું ડહાપણ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2017

કોઈ પણ દેશ અથવા સંસ્કૃિતના ઇતિહાસનું રૂપ ખાસ્સું જટિલ હોય છે અને એ સર્વસ્વીકૃત નથી હોતું. સંસ્કૃત ‘ઇતિ’નો અર્થ છે, જેવું થયું તેવું, ‘હ’નો અર્થ છે ‘સાચેસાચ’ અને ‘આસ’નો અર્થ છે, ‘નિરંતર રહેવું અથવા બોધ રહેવો.’ ઇતિ+હ+આસ એટલે પરંપરામાંથી મળતા પ્રસંગોનો સમૂહ. ગ્રીકમાં ‘હિસ્ટ્રી’ શબ્દનો અર્થ થાય છે ‘વણવું’. જે વિદિત હોય તેવી ઘટનાઓને વ્યવસ્થિત વણીને સાર્થક અને સુસંબંધ ચિત્ર ઊભું કરવું એટલે ‘હિસ્ટ્રી’. એટલા માટે જ અતીતના ઇતિહાસકારો, શાસકો, પ્રતિસ્પર્ધી દેશો, યાત્રીઓ અને વિદેશી હિતો માટે કામ કરતા નિષ્ણાતો તરફથી ઇતિહાસનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો પેશ થતાં રહે છે અને એને સ્વીકારનારા કે વિરોધ કરવાવાળા લોકો પણ પર્યાપ્ત સંખ્યામાં મળતા રહે છે. આ જ કારણથી ઇતિહાસ સાથે જોડાયેલા ભ્રમ મોટા થઈ જાય છે અને એ બહસ સચ્ચાઇથી દૂર થતી જાય છે.

ભારતીય સભ્યતાના મૂળ સ્થાનને લઈને આવી જ રીતે પરસ્પર વિરોધી વિચારો, તર્કો પેશ થતા રહ્યા છે અને એમાં હવે એક નવો ઉમેરો બી.એમ.સી. (બાયોમેડ સેન્ટ્રલ) ઇવોલ્યુશનરી બાયોલોજીમાં પ્રકાશિત શોધપત્રથી થયો છે. આ જેનેટિક શોધને માધ્યમ બનાવીને વરિષ્ઠ પત્રકાર ટોની જોસેફ ‘ધ હિન્દુ’ સમાચારપત્રમાં એવી દલીલ પેશ કરી છે કે આર્ય ભારતના મૂળ નિવાસી ન હતા.

ત્રણ મહિના પહેલાં પ્રકાશિત જેનેટિક અભ્યાસને ટાંકીને ટોની જોસેફે કહ્યું કે દુનિયામાં અંદાજે એક અરબ લોકોમાં ‘હેપ્લોગ્રુપ આરએ-વન’ ડીએનએ પૂલ જોવા મળે છે. તેના ‘વાય ક્રોમોઝોન’ (જે પિતામાંથી પુત્રમાં જાય છે તે પૈતૃક ગુણ સૂત્ર) ઉપરથી ખબર પડી છે કે ભારતમાં 17.5 પ્રતિશત પુરુષોમાં આ જ ગુણ સૂત્ર છે, જે પૂરા મધ્ય એશિયા, યુરેશિયા અને દક્ષિણેશિયાના પુરુષોમાં પ્રાપ્ત થાય છે. આ એ જ ક્ષેત્રો છે, જે આર્યોની આબાદીવાળાં ક્ષેત્રો ગણાય છે. ટોની જોસેફનો તર્ક છે કે યુરોપ-એશિયામાં આરવન-એ ડીએનએ પૂલ હોવા અને ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એના ઉપસમૂહ ‘ઝેડ93’નું મળવું એ હકીકત એ તર્કને ખારીજ કરે છે કે ‘હેપ્લોગ્રુપ’નું ઉદ્્ગમ ભારતમાં થયું હતું અને અહીંથી યુરોપ અને મધ્ય એશિયામાં ફેલાયું હતું.

અપેક્ષા પ્રમાણે જ ‘આર્યો વિદેશી હતા’ એવી ટોની જોસેફની દલીલનો વિરોધ થયો છે અને એને વામપંથી (એટલે કે સામ્યવાદી-સમાજવાદી) વિચારધારાનું કાવતરું ગણવામાં આવી છે. આ વર્ગ માને છે કે ગોરા રંગના યુરોપિયન લોકોએ ભારત ઉપર આક્રમણ કરીને શ્યામ રંગી સ્થાનિક મૂળ નિવાસીઓને ગુલામ બનાવીને આર્ય સભ્યતાની સ્થાપના કરી હતી, એવી થિયરી અંગ્રેજોએ પ્રચલિત કરી હતી અને આ કામ જર્મન વિદ્વાન મેક્સમૂલરને સોંપ્યું હતું. આ મેક્સમૂલરે જ સંસ્કૃત શબ્દ ‘આર્ય’નું મૂળ યુરોપિયન મૂળની આર્યન પ્રજાતિમાં જોયું હતું.

આર્ય વિદેશી હતા કે આર્ય મૂળ નિવાસી હતા તેને લઇને જબરદસ્ત વિવાદ, વિચાર અને વિરોધ છે. ભારતીય ઇતિહાસનો આ સૌથી જટિલ પ્રશ્ન છે અને બંને તર્કના સમર્થનમાં પાનાઓનાં પાનાં ભરીને લખાયું છે. નેહરુએ ‘ભારત એક ખોજ’માં લખ્યું છે કે આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા હતા. બાળ ગંગાધર તિલક પણ આર્કટિક ક્ષેત્રનું ઠેકાણું આપે છે. ડૉ. આંબેડકર આ બધા વિચારોને ભ્રામક ગણે છે.

પશ્ચિમના પંડિતો કહે છે કે ઇન્ડો-યુરોપિયન ભાષાઓના સમૂહનો એક છેડો પશ્ચિમમાં યુરોપ તરફ અને પૂર્વમાં ઇરાન અને ભારત તરફ ગયો હતો. આંબેડકરે પણ કહ્યું હતું કે આર્ય શબ્દનો સંબંધ રક્ત સાથે કે શરીરના ઢાંચા સાથે કે વાળ-કપાળ સાથે નથી, પરંતુ ભાષા સાથે છે અને જે લોકો આર્ય ભાષા બોલતા હતા તે આર્ય કહેવાયા છે. પશ્ચિમના પંડિતોએ પણ તર્ક પેશ કર્યો કે જેમ અંગ્રેજી બોલનાર દરેક વર્ગ અંગ્રેજ જાતિ નથી તેવું જ આર્ય ભાષા બોલનારનું છે.

આર્યનો સંબંધ ભાષા સાથે નહીં, પણ જાતિ સાથે છે તેના સમર્થનમાં એક વર્ગ એને હિન્દુ દેવ-દેવતાઓના રંગ સાથે જોડે છે. ઇન્દ્ર, બ્રહ્મા અને દુર્ગા ગુલાબી છે. દાનવો કાળા છે અને વિષ્ણુ, રામ તથા કૃષ્ણ નીલવર્ણ છે. આ થિયરીમાં માનનારા કહે છે કે આર્યો વિદેશી નહીં, પણ ઉત્તર ભારતીયો હતા, જેમણે સિંધુ ખીણમાંથી દક્ષિણ ભારતીયોને ખદેડી મૂક્યા હતા. 

‘આર્યોનું આક્રમણ’ અને ‘આર્યોનું મૂળ નિવાસ’ એવી બે પ્રતિસ્પર્ધી થિયરીમાં તર્ક અને શ્રદ્ધાના એટલાં તેલ પુરાયાં છે કે આર્યોને વિદેશી ગણાવનારાને ‘દેશ વિરોધી’ અને આર્યોને મૂળ નિવાસી માનનારાને ‘અંધ રાષ્ટ્રવાદી’ એવા બે હિંસક લેબલમાં વહેંચી દેવાયા છે. અત્યાર સુધી હિન્દુશાસ્ત્રો, જે 18મી સદીથી વ્યાપક રીતે પશ્ચિમમાં અનુવાદિત થવા લાગ્યાં હતાં, તેનો આધાર લઇને આર્યો જ મૂળ નિવાસી હતા એવી દલીલ કરવાવાળાને અવૈજ્ઞાનિક (અભણ, એવું વાંચો) કહીને ઉતારી પાડવામાં આવતા હતા. હવે જેનેટિક વિજ્ઞાનમાં પ્રગતિ થઇ તે પછી ખૂનની વંશાવલીમાં આર્યોનું કૂળ મધ્ય એશિયા-યુરોપમાં નીકળ્યું તો તેને હિન્દુઓને નીચા પાડવાના ગોરાઓના કાવતરા તરીકે જોવામાં આવે છે.

આ બંને (તરફી અને વિરોધી) દલીલોમાં ભારતીય નસ્લના અંકુર કેવી રીતે ફૂટ્યા એ જાણવાનો તંદુરસ્ત, વૈજ્ઞાનિક અભિગમ ઓછો અને એકબીજાને નીચા પાડવાની જાતીય રાજનીતિ વધારે છે. બ્રહ્માંડ વિજ્ઞાનમાં પૃથ્વી ઉપર માનવ જીવનની શરૂઆત કેવી રીતે થઇ હતી તેની તપાસથી વિપરીત આર્યોની ઉત્પત્તિમાં સત્તાની રાજનીતિ હાવી છે, જેથી એક સમુદાય બીજા સમુદાય ઉપર પ્રભાવ પાડી શકે.

આજે હિન્દુશાસ્ત્રો અને સંસ્કૃિત ઉપરથી એટલું તો સાબિત થાય છે કે એમાં જે જીવન દર્શન, જ્ઞાન અને માનવતાવાદ છે, તે સકળ વિશ્વમાં અનુઠો અને અનુકરણીય છે. સંસ્કૃિતના આરંભની ચર્ચામાં વંશીય રાજનીતિ હાવી થઈ જાય છે અને સંસ્કૃિતનું ડહાપણ કોરાણે મુકાઈ જાય છે, એ સૌથી મોટી ટ્રેજેડી છે. આમ પણ જાતિવાદી (રેસિસ્ટ) લોકોને પ્રજ્ઞા અને પાંડિત્ય સાથે ઓછી, અને રાજનીતિ તથા સત્તા સાથે નિસ્બત વધુ હોય છે. આપણે, મારા-તમારા જેવા સામાન્ય લોકોએ શું કરવું જોઈએ?

સોચો. 

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2017

Loading

અમરનાથયાત્રીઓ પર હુમલો : ત્રાસવાદીઓ બંને ય ધર્મોનો સુમેળ તોડી પાડવા માગે છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 July 2017

કાસ્મીરમાં સંવાિદતા રચવા સરકાર કે અલગતાવાદીઓ બંને પક્ષે સક્ષમ એવા કોઈ પરિબળ / વ્યક્તિત્વ / સંસ્થા નથી

અમરનાથ દર્શનથી પાછા આવી રહેલા યાત્રીઓ પરનો હુમલો પાકિસ્તાને લશ્કર-એ-તૈબાના માસ્ટર માઈન્ડ અબુ ઇસ્માઇલ થકી કરાવ્યો હોવાનું જમ્મુ અને કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મુનીર ખાને જણાવ્યું છે. કાશ્મીરની અશાંતિની કોઈ પણ ઘટનામાં અનેક સ્થાનિક સંગઠનોનો ટેકો હોય છે. તેઓ પાકિસ્તાનના ઇશારે નાચે છે તે ઓપન સિક્રેટ છે.  તેઓ ભારત સરકાર સાથે દેશહિતની વાતો કરે છે અને બીજી બાજુ આતંકવાદી સંગઠનોને પોષે છે. આમ છતાં વાજપેયીએ એમના વડાપ્રધાન તરીકેના કાળમાં અલગતવાદીઓને ચર્ચામાં સંડોવી રાખ્યા હતા. આવો ડિપ્લોમૅટિક ડાયલૉગ એ દેશની અંદરના ટીકાકારો અને દુનિયાના દેશોના દબાણ સાથે કામ પાડવા માટે જરૂરી હોય છે. મુત્સદ્દગીરીના કે હૃદયપૂર્વકના આવા સંવાદની બાબતે મોદી સરકાર અક્કડ જણાય છે. આપણા દેશના આંતરરાષ્ટ્રીય સ્તરના નાજુક પ્રશ્નોમાં ‘આયર્ન હૅન્ડ ઇન વેલ્વેટ ગ્લોવ્ઝ’ની નીતિ જરૂરી બને છે. કાશ્મીર સમસ્યા એ માત્ર દેશનો દૂઝતો જખમ જ નથી, પણ ઇસ્લામિક દુનિયામાં જે કંઈ બને છે તેના પડઘાનો પ્રદેશ છે. શ્રીનગરમાં ‘ઇસ્લામિક સ્ટેટ’ના ઝંડા ફરકે એ એની જ નિશાની ગણાય. આવા ટાણે આતંકવાદનો ખાતમો કરવાની અને કાશ્મીરના લોકોને દિલાસો આપવાની બેવડી નીતિ જરૂરી બને છે. એટલે હવે અમરનાથ પરના હુમલાની ઘટનાનો ઉપયોગ કરીને મહેબૂબા અને મોદી સરકાર લોકમતને કેવો ઘાટ આપે છે તેની પર પાકિસ્તાનના ષડયંત્રના જશઅપજશનો આધાર રહે છે.

અમરનાથમાં શ્રદ્ધાળુઓએ જાન ગુમાવ્યા છે, અને સાથે દેશના એક વર્ગે સંભવત: વિશ્વાસ પણ ગુમાવ્યો છે. સદીઓથી ભારતને કાશ્મીરની હિન્દુ-મુસ્લિમ સમન્વયવાદી સંસ્કૃિત પર વિશ્વાસ હતો. કાશ્મીરીઓના સાંસ્કૃિતક અવકાશમાં વૈદિક હિંદુત્વ અને સૂફી ઇસ્લામનું મિશ્રણ છે. અમરનાથ મંદિર એ કાશ્મીરની કોમી સંવાદિતાનું પ્રતીક રહ્યું છે. કથા તો એવી છે કે ભગવાન શંકરે તેમના અમરત્વનું રહસ્ય પાર્વતીને કહેવા માટે આ હિમાલયની અમરનાથ ગુફાની પસંદગી કરી. પછીનાં વર્ષોની વાયકા એવી ચાલી છે કે 1850 આ ગુફા બુટા મલિક નામના એક મુસ્લિમ ભરવાડને જડી. એક વાર પહાડીઓમાં ઘેટાં-બકરાં ચરાવતાં તેને એક સૂફી સંત મળ્યા કે જેમણે તેને કોલસાની એક થેલી આપી. તેણે ઘરે આવી એને જોયું તો એમાં સોનું હતું. એટલે એ સંતને મળવા પાછો ડુંગરામાં ગયો અને તેને સંત તો ન મળ્યા પણ ગુફા અને શિવલિંગ મળ્યાં. બુટા મલિકનો પરિવાર આ ગુફાનો રખેવાળ બન્યો. તે ઉપરાંત દશનામી અખાડા અને પુરોહિત સભાના હિંદુ પૂજારીઓ પણ આ સ્થાનક સંભાળતા રહ્યા. આ વહીવટી ગોઠવણ કોમી એખલાસની મિસાલ હતી. કમનસીબે ફારુક અબ્દુલ્લાની સરકારે યાત્રાને વધુ સગવડો આપવાના હેતુથી અમરનાથ સ્થાનકના સંચાલન માટે અમરનાથ શ્રાઇન બોર્ડની રચના કરી. તેમાં  તેણે મુસ્લિમ અને હિન્દુ બંને કોમોના વહીવટકર્તાઓને દૂર કર્યા. તેમાં સાંસ્કૃિતક સંવાદિતાને મોટો ફટકો પડ્યો. જો કે અત્યારે પણ યાત્રાળુઓને મોટાભાગની સુવિધા મુસ્લિમો પૂરી પાડે છે. તેમાં મોટરોવાળા, પાલખી અને ટટ્ટુવાળા, દુકાનદાર, હોટલમાલિકો એમ બધા આવી જાય.

બે ધર્મોનો આ સુમેળ આતંકવાદીઓ તોડી પાડવા માગે છે. એટલે તેની પર એકથી વધુ સુરક્ષા જોખમો આવ્યાં છે. સહુથી પહેલાં 1993માં બાબરી ધ્વંસને પગલે પાકિસ્તાની આંતકવાદી જૂથ હરકત-ઉલ-અન્સારે બાબરી ધ્વંસને પગલે અમરનાથ યાત્રા પર  પ્રતિબંધની માગણી કરી હતી. પણ તેનો ભારે વિરોધ થયો હતો, યાત્રા સલામત ચાલતી રહી હતી. જો કે પહેલી ઑગસ્ટ 2000ના રોજ પહેલગામ બેઝકૅમ્પ પર થયેલા મોટા આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા. તેના પછીના બે વર્ષમાં પણ અનુક્રમે શેષનાગ અને નુનવાનમાં હુમલાથી મોત નોંધાયાં છે. જો કે યાત્રાનો સહુથી ઊંચો 200નો મૃત્યઆંક 1996ના સપ્ટેમ્બરમાં બરફવર્ષાને કારણે પહોંચ્યો હતો. આ બધા વચ્ચે પણ યાત્રા ચાલુ રહી તેનો શ્રેય શ્રદ્ધા ઉપરાંત સુરક્ષકર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને સ્થાનિક વહીવટીતંત્રને આપી શકાય. વળી અભ્યાસીઓ એમ માને છે કાશ્મીરમાં લગભગ સાર્વત્રિક અને  હિંસાચારના પ્રમાણની સરખામણી આ યાત્રા સલામત રહી છે. કાશ્મીરના લોકોનો, સ્વતંત્ર કાશ્મીરમાં માનતા જૂથો સુદ્ધાં અમરનાથ પરના કોઈ પણ હુમલાને વખોડે છે. 

આ હુમલો કાશ્મીરની સ્થિતિ ખૂબ નાજુક હોય તેવા વધુ એક તબક્કે થયો છે. મોદીના શરીફ સાથેના સૌહાર્દની વચ્ચે પણ સરહદે પાકિસ્તાની લશ્કરની હરકતો ગયાં બેએક વર્ષથી સતત ચાલુ છે. અમરનાથ હુમલો મિલિટન્ટ બુરહાન વાનીની પહેલી વરસીના ત્રીજા જ દિવસે થાય એ પણ સૂચક છે. બુરહાનના એન્કાઉન્ટરના વિરોધમાં કાશ્મીરમાં છએક મહિના મોટા પાયે હિંસા ફેલાઈ હતી. તાજેતરમાં શ્રીનગરના ટોળાંએ એક પોલીસ  અધિકારીની જામિયા મસ્જિદ ખાતે હત્યા કરી. તેના પછીના જ દિવસે પાન્થા ચોક વિસ્તારમાં લશ્કરે તોઈબાના આતંકવાદીઓના હુમલામાં સી.આ.રપી.એફ.ના બે જવાન શહીદ થયા હતા. લશ્કરએ તૈબા, હિઝબુલ મુજહિદ્દિન અને જૈશ એ મોહમ્મદ સાથે મળીને કામ  કરતા હોવાની બાતમીઓ મળતી રહી છે.

બીજી બાજુ કાશ્મીરમાં રાજકીય ખાલીપો છે. કાશ્મીરમાં રાજકારણ અને અસ્મિતા/ઓળખના જે પ્રશ્નો હતા તેમાં 1990ના અરસામાં ધર્મ ઉમેરાયો છે. એક વર્ગ આઝાદ કાશ્મીરને બદલે ઇસ્લામિક કાશ્મીર તરફ ચાલી રહ્યો છે. સરકાર કે અલગતાવાદીઓ બંને પક્ષે સંવાદિતા રચવા સક્ષમ એવા કોઈ પરિબળ/વ્યક્તિત્વ/સંસ્થા નથી. કેન્દ્ર સરકારના ઘટકો અતિરાષ્ટ્રવાદી અને  રાજ્ય સરકારના અકાર્યક્ષમ જણાય છે. અલગતાવાદીઓ કેવળ હિંસામાં રાચી રહ્યા છે.

અમરનાથ યાત્રામાં ભોગ બનાનાર જે બસમાં બેઠાં હતાં તેણે સલામતી વ્યવસ્થાના નિયમોનો ભંગ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સી.આર.પી.એફ.ના ડિરેક્ટર જનરલ ભટનાગરે કહ્યું છે કે ગુજરાતના આ યાત્રીઓએ નોંધણી કરાવી ન હતી. એટલું જ નહીં પણ તે લોકો, જેને સિક્યોરિટી કવર મળે છે તે યાત્રા માટેના કૉન્વોયનો હિસ્સો પણ ન હતા. ઉપરાંત તેમણે યાત્રીઓની અવરજવર પર સાંજે સાત વાગ્યાથી મૂકવામાં આવેલા પ્રતિબંધનો પણ ભંગ કર્યો હતો. જો કે આ શરૂઆતના મંતવ્યો પછી બસમાં પંક્ચર હતું તેથી તે મોડી પડી એ મતલબના કારણો પણ જાહેર થયાં છે. આ બાબતે અલબત્ત તપાસ પછી જ કોઈ તારણ પર આવી શકાય.

અમરનાથમાં યાત્રાળુઓની આતંકવાદીઓ હત્યા કરે છે. વારાણસીના પુલ પર, કેરળના સરીમાલા મંદિરમાં, આંધ્ર પ્રદેશના ગોદાવરી પુષ્કરમમાં કે હજમાં મક્કામાં ધક્કામુક્કીથી સંખ્યાબંધ ભાવિકોના મોતની ઘટનાઓ બનતી રહી છે. અત્યારના જમાનામાં સંચાલન, સંસાધનો, સલામતી અને સાર્થકતા જેવી અનેક દૃષ્ટિએ ધાર્મિક યાત્રાઓનો પુનર્વિચાર કરવાની જરૂર જણાય છે. અખાભગતની ‘તીરથ ફરી ફરી થાક્યા ચરણ તો ય ન આવ્યો હરિને શરણ’ એવી વાત કેટલાંકને ન ગમે. પણ આપણાં શ્રદ્ધાસ્થાનો જુદાં  હોય તો ? જેમ કે, શામળાજી પાસે આવેલું સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, મહારાષ્ટ્રના નક્ષલગ્રસ્ત વિસ્તારમાં આમટે પરિવારે ચલાવેલો હેમલકસાનો તબીબી સેવા યજ્ઞ, શ્રીનગરના એરપોર્ટ રોડ પર આવેલી એ.પી.ડી.પી. અસોસિએશન ઑફ ધ પેરન્ટસ ઑફ ડિસઅપિર્ડ પર્સન્સ … આપણે આપણી યાદી બનાવીએ.

+++++

13 July 2017

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 14 જુલાઈ 2017

Loading

...102030...3,4003,4013,4023,403...3,4103,4203,430...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved