Opinion Magazine
Number of visits: 9584248
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવધાન! ભારત પાકિસ્તાન સાથે ઇઝરાયલની નીતિ અપનાવશે તો વમળમાં ફસાઈ શકે એમ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2017

લોકોની વાહ-વાહ તો મળે, પણ એમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. એ નુકસાન કઈ વાતનું છે અને કેવડું હોઈ શકે એ સમજી લેવું જોઈએ. વડા પ્રધાનને ચૂંટણીપ્રચાર વેળાનાં બહાદુરીનાં કથનોની યાદ અપાવવાનો કોઈ અર્થ નથી અને વડા પ્રધાને એના બોજ તળે રહેવાની પણ જરૂર નથી

અંકુશરેખા ઓળંગીને બે ભારતીય સૈનિકોની બર્બર હત્યા કરવાની ઘટનાની સર્વત્ર નિંદા થઈ રહી છે અને એ સ્વાભાવિક છે. વિરોધ પક્ષો સહિત દેશમાં લગભગ એક અવાજે માગણી થઈ રહી છે કે ભારતે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. કોઈ વળી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણીપ્રચાર વખતનાં કથનોની વીડિયો-ક્લિપ વાઇરલ કરીને નરેન્દ્ર મોદીની ઠઠ્ઠા કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ ડૉ. મનમોહન સિંહને દુર્બળ વડા પ્રધાન ગણાવીને કહ્યું હતું કે દેશને અત્યારે એવા વડા પ્રધાનની જરૂર છે જે ૫૬ની છાતી ધરાવતો હોય અને પાકિસ્તાનને એની નાનીની યાદ અપાવી દે.

અત્યારે દેશમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો જુવાળ છે એટલે રાજકીય પક્ષો અને ઈવન રાજકીય સમીક્ષકો પણ વિવેકપૂર્વક વિવેચન કરવાની હિંમત કરતા નથી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી મુખરપણે સરકારની ટીકા કરતા હતા, પરંતુ દિલ્હીમાં માર ખાધા પછી તેમને પણ સમજાઈ ગયું છે કે લોકો દેશની સુરક્ષા, પાકિસ્તાન અને આતંકવાદની વાત આવે ત્યારે કંઈ સાંભળવા તૈયાર નથી. એટલે તો તેમણે તુકબંદ કવિ કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી બનાવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તેમણે BJP કરતાં સવાયા સૂરમાં દેશપ્રેમનાં ગાન કરવાનાં છે.

સંરક્ષણપ્રધાન અરુણ જેટલીએ બુધવારે પાકિસ્તાનના ભારત ખાતેના એલચીને સંરક્ષણ-મંત્રાલયમાં બોલાવ્યા હતા અને સૈનિકોની હત્યામાં પાકિસ્તાની લશ્કરનો હાથ હોવાના પુરાવાઓ આપ્યા હતા. મૃત સૈનિકોના લોહીનાં ટીપાં છેક અંકુશરેખા સુધી મળી આવ્યાં હતાં એ એનો સજ્જડ પુરાવો છે. બીજી બાજુ પાકિસ્તાન કહે છે કે બે ભારતીય સૈનિકોની હત્યામાં પાકિસ્તાનના લશ્કરનો કોઈ હાથ નથી. દરમ્યાન પાકિસ્તાને ચીનને કાશ્મીરના મામલામાં મધ્યસ્થી કરવાનું કહ્યું હતું જેની ચીને ના પાડી દીધી છે. ચીને કહ્યું છે કે કાશ્મીરનો મામલો બે દેશ વચ્ચેનો દ્વિપક્ષીય સવાલ છે અને એ બે દેશો મળીને ઉકેલે. સાધારણપણે દેશની મુલાકાતે આવેલા વિદેશી લશ્કરી વડાને યજમાન દેશનો વડો મળવા માટે સમય આપતો નથી, પરંતુ પાકિસ્તાનની મુલાકાતે ગયેલા શ્રીલંકાના લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ ડિસિલ્વાને વડા પ્રધાન નવાઝ શરીફે મળવા માટે સમય આપ્યો હતો એ સૂચક છે.

જ્યારે દેશમાં રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનો જુવાળ હોય ત્યારે ઊલટું વધારે વિવેકપૂર્વક વાત કરવાની જરૂર હોય છે એમ આ લખનાર સમજે છે. શા માટે ભારતે સંયમ દાખવવો જોઈએ એ સમજી લેવું જોઈએ. શા માટે આગલી સરકાર અને એ પહેલાંની સરકારો બને ત્યાં સુધી માર ખાઈને ખામોશ રહેતી હતી એ સમજી લેવું જોઈએ. પાકિસ્તાન અણુશસ્ત્રો ધરાવે છે એ એની પાછળનું એક માત્ર કારણ નથી. ભારત ઇઝરાયલની જેમ વારંવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી શક્યું હોત, પરંતુ ભારતે એવી લાલચ રોકી છે. લોકોની વાહ-વાહ તો મળે, પણ એમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. એ નુકસાન કઈ વાતનું છે અને કેવડું હોઈ શકે એ સમજી લેવું જોઈએ. વડા પ્રધાનને ચૂંટણીપ્રચાર વેળાનાં બહાદુરીનાં કથનોની યાદ અપાવવાનો કોઈ અર્થ નથી અને વડા પ્રધાને એના બોજ તળે રહેવાની પણ જરૂર નથી.

અંગ્રેજીમાં સ્ટેક નામનો શબ્દ છે જે આજકાલ બહુ ચલણમાં છે. સાદી ગુજરાતી ભાષામાં કહેવું હોય તો આપણને કેટલો લાભ કે કેટલું નુકસાન એમ કહી શકાય. કોઈ પણ પગલું ભરતાં પહેલાં લાભાલાભ વિશે વિચારવું જોઈએ. બીજા કરતાં આપણો સ્વાર્થ મોટો હોય તો ઝેરનો ઘૂંટડો પી જવો પડે. મુત્સદ્દી આને કહેવાય. એ નિર્વિવાદ હકીકત છે કે જાગતિક રાજકારણમાં અને ભારતીય ઉપખંડમાં પાકિસ્તાન કરતાં ભારતનો સ્ટેક મોટો છે. ભારત યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદનો દાવેદાર દેશ છે. ભારત ન્યુિક્લયર સપ્લાયર્સ ગ્રુપનું સભ્ય બનવા માગે છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારતનો સ્વાર્થ પાકિસ્તાન કરતાં મોટો છે. ભારત ચીન સાથે સ્પર્ધામાં છે અને જાગતિક રાજકારણને સંતુલિત કરી શકનારા એક ધ્રુવ તરીકે નજીકના ભવિષ્યમાં આગળ આવી શકે છે. ભારત જાગતિક અર્થકારણમાં એશિયન ટાઈગર બની શકે એમ છે અને બનશે એમ માનવામાં આવે છે.

આ બધું ઇઝરાયલની નીતિ અપનાવીને હાથ ન લાગી શકે. ઇઝરાયલનો જાગતિક રાજકારણમાં કોઈ સ્ટેક નથી. એનો સ્ટેક પશ્ચિમ એશિયામાં મુસ્લિમ દેશોની વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવાનો છે અને એ માટે એ પ્રો-ઍક્ટિવ લશ્કરી દરમ્યાનગીરી કરતું રહે છે. ભારત જો ઇઝરાયલી જેમ રોજેરોજ સરહદે લશ્કરી રીતે અટવાયેલું રહે તો ભારતમાં આવતું વિદેશી મૂડીરોકાણ અટકી જાય. યુનોમાં અને અન્યત્ર ભારત હકના સ્થાન અને જાગતિક રાજકારણમાં સત્તાસંતુલનની ભૂમિકા ગુમાવી દે. ભારતીય ઉપખંડ અશાંત ક્ષેત્ર બની જાય અને એની અસર બીજા પાડોશી દેશો સાથેના સંબંધો પર પણ થાય. ભારત અત્યારે જે શાંતિપ્રેમી, વિકાસશીલ જવાબદાર દેશની ઇમેજ ધરાવે છે એ ઝાંખી પડી જાય. પાકિસ્તાન એ જ તો ઇચ્છે છે અને એવું ન બને એ માટે ભારતની અત્યાર સુધીની સરકારો સંયમ રાખતી આવી છે. આમ અત્યારની ઘડીએ વડા પ્રધાન ધીરજપૂર્વક દેશહિતની લાંબી દૃષ્ટિ વાપરીને નિર્ણય લે એ માટે તેમને અનુકૂળતા કરી આપવી જોઈએ. ટોણા મારવાનો કોઈ અર્થ નથી. વડા પ્રધાને પણ કેટલાક નિર્ણયો લોકપ્રિયતાની ચિંતા કર્યા વિના લેવા જોઈએ.

તો પછી કરવું શું? પહેલું કામ કાશ્મીરની ખીણમાં પરિસ્થિતિ થાળે પાડવાનું છે. આ જરા ય મુશ્કેલ કામ નથી જો રાજકીય ઇરાદો બુલંદ હોય તો. ઊલટું પાકિસ્તાનના ભૂતપૂર્વ શાસક જનરલ મુશર્રફે કહ્યું હતું એમ ભારતની BJPની સરકાર માટે એ વધારે આસાન છે, કારણ કે BJP બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તો BJP પાસે બહુમતી છે અને નરેન્દ્ર મોદી ખૂબ લોકપ્રિય છે. નરેન્દ્ર મોદી જો કાશ્મીરની સ્થિતિ થાળે પાડે અને અંકુશરેખાને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ તરીકે સ્વીકારી લે તો કમસે કમ તેઓ એક વાતે અમર નીવડી શકે છે. બીજું કામ ભારતીય ઉપખંડમાંના બીજા દેશો સાથેના જે કોઈ વણઊકલ્યા પ્રશ્નો છે એને ઉકેલીને ભારતે એક મોટા ભાઈનું સ્થાન મેળવવું જોઈએ. આ પણ મુશ્કેલ કામ નથી. ત્રીજું કામ ચીન સાથે અથડામણ વિના કેટલીક ભાગીદારીની સમજૂતી (અંગ્રેજીમાં કહીએ તો વર્કિંગ રિલેશનશિપ) વિકસાવવી જોઈએ. આમાં થોડી સમસ્યાઓ છે, પરંતુ અસંભવ નથી. દેશને ત્રણ દાયકા પછી સ્થિર સરકાર અને પ્રચંડ લોકપ્રિય વડા પ્રધાન મળ્યા છે એ તકનો નરેન્દ્ર મોદીએ લાભ ઉઠાવવો જોઈએ.

આની સામે પાકિસ્તાનનો સ્ટેક શું છે? ભારતદ્વેષ અને તોફાન કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો.

સૌજ્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 મે 2017

Loading

અપનો પારસ આપ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 May 2017

એ દિવસો હતા જ્યારે હૃદયાત્ અને પ્રથમદર્શી પ્રમાણવશ બે પરંપરાગત ઉક્તિઓ – ખરું જોતાં એક ઉક્તિ અને બીજી સૂક્તિ – સહજ ચાલી આવી હતી : ‘આપ સમાન બળ નહીં’, એ ઉક્તિ; અને ‘અપનો પારસ આપ’ એ સૂક્તિ. આપ કહેતાં આમ આદમી પાર્ટીની પ્રભાવક ગુંજાશના સાક્ષાત્કારી ખયાલે આવી પડેલ એ સહજોદ્ગાર હતો. આજે દિલ્હીનાં મ્યુિનસિપલ પરિણામો સાથે શું કહીશું? અરવિંદ કેજરીવાલના પૂર્વસાથી યોગેન્દ્ર યાદવના અભિજાત ટિ્વટમાં કહેવાયું છે કે અરવિંદે શાલીનતાથી પરાજયનો સ્વીકાર કરવો જોઈએ. યાદવની આ ટિ્વપ્પણીમાં જેમ ઇ.વિ.એમ. છળચાતુરી પર ટોપલો નાખી છૂટી જવા સામેનો સંકેત છે તેમ આત્મનિરીક્ષણની જરૂરતનું સૂચન પણ છે. એવા જ એક, જો કે યોગેન્દ્ર યાદવ કરતાં ઓછા જાણીતા પણ મુંબઈસ્થિત હોવાને કારણે ગુજરાતને તાજેતરનાં વરસોમાં ઠીક ઠીક પરિચિત થયેલા પૂર્વસાથી મયંક ગાંધીની ટિ્વપ્પણી છે કે આ કિસ્સો એક વીરનાયકના નકરા સત્તાભૂખ્યા બનવાનો છે.

૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૭નાં દિલ્હી પરિણામો – પછી તે વિધાનસભા નિમિત્તે હોય કે લોકસભા અગર સ્થાનિક નિમિત્તે – રાષ્ટ્રીય મિજાજના ચઢાવઉતાર લેખે એક અચ્છું ચિત્ર આપનારાં છે. પહેલી ત્રણે ચૂંટણીમાં ઉત્તરોત્તર સંકોચાતી ગયેલી કૉંગ્રેસ ૨૦૧૭માં ખાસા ૨૧ ટકા મત લઈ ગઈ છે, અને જો જણનારીમાં જોર હોય તો નવજીવનની શક્યતા લગોલગ સીમિત સંદર્ભમાં ઢૂંકી પણ છે. ૨૦૧૪ની ભા.જ.પ.ની ફતેહ સામે ૨૦૧૫ની આકરી હાર, વળી એક બીજા  છેડાનું ચિત્ર રજૂ કરે છે. આ ચૂંટણીઓમાં ‘આપ’ની હાજરી જેમ એના વધતા કદના ઉત્તરોત્તર નીચે જઈ શકતા ગ્રાફની રીતે તેમ – અને આ ‘તેમ’ બહુ અગત્યનું છે – કૉંગ્રેસ અને ભા.જ.પ.માં સીમિત ચર્ચામાં છૂટી જતી ક્ષિતિજોનીયે દ્યોતક છે. આ ક્ષિતિજોમાં શું શું સૂચવાતું હશે તે બાબતે થોડીકેક ઉપલક ઉભડક નુક્તેચીની કરીએ તો પણ એટલું તો કહી શકીએ કે કૉંગ્રેસે પાછલાં વરસોમાં જે બધાં ધારાધોરણોને નેવે મૂક્યાં તેણે વિકલ્પ માટે જગ્યા બનાવી છે. આ જગ્યા, સ્વાભાવિક જ સૌથી મોટા સંગઠિત પક્ષ તરીકે ભા.જ.પ. ભરી શકે. પણ ભા.જ.પ.માં, તેમ છતાં, કાંક કશુંક ખૂટેખટકે છે એટલે એના ને કૉંગ્રેસ સિવાયના સક્ષમ વિકલ્પ માટે પણ પ્રજામાનસમાં અવકાશ હોઈ શકે છે. જો દિલ્હીને ક્યારેક લાગ્યો હતો એમ આપ જેવો સક્ષમ વિકલ્પ હોય તો બધી રાજકીય ભોંય કેવળ અને કેવળ ભા.જ.પ. (અને કૉંગ્રેસ) જ ખંડી લઈ શકતાં નથી.

કૉંગ્રેસ જો ૨૧ ટકા મતે પહોંચી શકતી હોય અને ભા.જ.પ. જો મતસંખ્યામાં મોટા નોંધપાત્ર વધારા વગર બહુમતી બેઠકો જીતી જઈ શકતો હોય તો એનો અર્થ એ થયો કે મતદાનીય ટેકાની રીતે નવજીવનપ્રાપ્ત કૉંગ્રેસ અને પરાજિત આપ બેઉ મળીને ભા.જ.પ. કરતાં નિર્ણાયક ધોરણે આગળ હોઈ શકે છે. જો પેરેલલ જ સંભારવો હોય તો ૧૯૭૨-૭૩માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઇંદિરા કૉંગ્રેસના હેમવતીનંદન બહુગુણા વિભક્ત વિપક્ષની કૃપાથી સાવ ઓછા મતે ગાદીનશીન થયા હતા એ સંભારી શકીએ. એમાંથી પદાર્થપાઠ લઈને ૧૯૭૫માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વિપક્ષ જનતા મોરચારૂપે ગઠિત થયો … અને કહેવાય છે તેમ ધ રેસ્ટ ઈઝ હિસ્ટરી!

અલબત્ત, આ એક સરલીકૃત ચિત્ર છે, અને એમાં એક મહત્ત્વનું પરિમાણ ચૂકીયે જવાય છે. તે પરિમાણ જયપ્રકાશના આંદોલનનું છે જેણે કંઈક રાસાયણિક એવો પરિવર્તનકારી પ્રભાવ પાડ્યો હતો. કંઈ નહીં તો એની એક પ્રેરક એટલી જ ઉદ્દીપક કાર્યભૂમિકા હતી. નકરા અંકગણિતને વટી જતા બીજગણિતનો કિસ્સો એ હતો. ગમે તેમ પણ, આ પેરેલલ સંભારવા સાથે અહીં અભિમત મુદ્દો એ છે કે ત્યારે જો બિનકૉંગ્રેસવાદની ભૂમિકા હોઈ શકતી હતી તો અત્યારે બિનભાજપવાદનીયે ભૂમિકા હોઈ શકે છે. બલકે, અણ્ણાના આંદોલનથી માંડીને આપના ઉદયનો આખો દોર (એ જ ગાળામાં નિર્ભયા મુદ્દે જનવિરાટનું રસ્તા પર આવવું) એક રીતે જેપી-તહરીર ફ્રિક્વન્સી પરની ઘટના હતી. આ આંદોલન આપગ્રસ્ત બની કાળધર્મ પામ્યું; નાગરિક ધર્મ દેખીતો લંઘાયોલકવાયો; કેજરીવાલ પેલી ટિ્વપ્પણી મુજબ વીર અને ધીર મટી ધીટ અને ધૂર્ત ઊપસ્યા એ સાચું પણ જનવિરાટની વિકલ્પભૂખ અને વિકલ્પચેષ્ટા જેવી તેવી પણ જારી છે એ ય સાચું.

અહીં કેજરીવાલ પ્રકરણ અને આપકારણની લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે યોગેન્દ્ર યાદવની ‘સ્વરાજ ઇન્ડિયા’ કોશિશ (પ્રત્યક્ષ પરિણામથી નિરપેક્ષપણે) એકંદર અરવિંદાયન અને આપકારણ અંગે બોલતી ટીકારૂપ છે. દેશમાં ગાંધીજેપી પરંપરામાં કશીક પણ નવી ભોં ભાગવાની હશે તો તે માટેનો દિશા-અને-ગતિ-બોધ આપની સ્વરાજ ઇન્ડિયા મીમાંસામાંથી મળતો રહેશે. અને એમાં બિહારના નીતિશ-લાલુ અંકગણિતથી ઉફરાટે આગળ જવાની ખાસી શક્યતા છે. ૧૯૬૭ના સંવિદ(સંયુક્ત વિધાયક દળ)ના દોરે ૧૯૭૫-૭૭ના જનતા દોર રૂપે જે આશાઅપેક્ષા જગવતું કાઠું કાઢ્યું હતું તે આ સંદર્ભમાં સ્મરણીય છે.

જે રીતે અરવિંદ અને આપ ઉપરાઉપરી હાર તરફ (પંજાબમાં વિપક્ષ તરીકે આશ્વાસન ઇનામ છતાં) જઈ રહ્યાં છે તે ગતિમાં શરૂઆતમાં એક કારુણિકા અનુભવાતી હતી. હવે જે રીતે મંડળી આખી ઈ.વિ.એમ.-ઈ.વિ.એમ.નો દેદો કૂટવા લાગી છે (અને આત્મનિરીક્ષણના મુખ્ય મુદ્દાને ગૌણ બનાવવા લાગી છે) તે જોતાં પેલી કારુણિકા ફારસની દિશામાં લોટ ખાતી માલૂમ પડે છે. જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે, એણે ઉમેદવારપસંદગીમાં ‘નો રિપિટ થિયરી’ (એન.આર.ટી.) અજમાવી બિનકાર્યક્ષમ મ્યુિનસિપલ પાર્ટીને ઍન્ટિ-ઈન્કમ્બન્સીમાંથી બચાવી લઈ મોદીનામે ફતેહ હાંસલ કરી હોય તો પણ આ મત જેટલો આપવિરોધી છે એટલો ભા.જ.પ.તરફી નથી તે ભા.જ.પ.ને મળેલા મતોના ઓછા વૃદ્ધિદર પરથી સાફ સમજાઈ રહે છે. જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, વધેલા મતોમાં આશ્વાસન ખોળવાને બદલે અને જૂના ખોરડાના વૃથા ગૌરવમાં રહેવાને બદલે સૌ બિનભા.જ.પ. બળોના એકત્રીકરણના વ્યૂહમાં જરૂર પડ્યે પાછલા ક્રમમાં પણ રહેવાની સમજ અને ધીરજ એણે કેળવણી જોઈશે.

રાજ્યની પોતાની પ્રકૃતિ, કોર્પોર્મેન્ટની અનવસ્થા, ફાઈનાન્સ બિલમાંને બીજી બાબતોમાં જોવા મળે છે તેમ સત્તાકીય મનમુરાદવાદ, ઉગ્ર બિચારધારાવાદ અને સંકૃચિત મનોવલણોની વર્તમાન વાસ્તવિકતા, આ બધું મળીને જે ચિત્ર રજૂ કરે છે તે સંયુક્ત પડકારની તાકીદ સમજાવે છે. અલબત્ત, સંયુક્ત પડકારની આ તાકીદને એવા મિત્રો મળી રહેવા જોઈશે કે નવી દુનિયાની ઝંખના સેવતાં ન થાકે. એ ઝંખનાવશ જે પણ ટીકાટિપ્પણી આવી પડે તે સાંભળતાં બિનભા.જ.પ. જમાવટ ન થાકો!

‘આપ’માં રહેલી શ્લેષસુવિધાથી હટીને નાગરિકે સમજવાનું છે કે આપ સમાન બળ નહીં. હાસ્તો, આખરે તો, આપનો પારસ આપ.

એપ્રિલ ૨૭, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 01-02

Loading

‘હિંદુત્વ ઓર હિંદસ્વરાજ’

રમેશ કોઠારી|Opinion - Opinion|5 May 2017

સાહિત્ય અકાદેમી, દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ, જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા અને કન્નડ સાહિત્યકાર યુ.આર. અનંતમૂર્તિ, ‘સંસ્કાર’ જેવી મૂલ્યવાન કૃતિ આપ્યા બાદ તેમના દેહાવસાનપૂર્વે, પોતાના દેશબાંધવો દ્વારા સચવાયેલા અને સંવર્ધન પામેલા ‘સંસ્કારો’ પર પાશવી બિનલોકશાહી  અમાનવીય પરિબળો દ્વારા તરાપ મરાતી જુએ, સંતાપ અનુભવે, ત્યારે એક ઘોષણાપત્ર સ્વરૂપની કૃતિ ‘Hindutva or Hind Swaraj’ લઈને ન આવે, તો જ આશ્ચર્ય. શિવ વિશ્વનાથન આમુખમાં નોંધે છે તેમ, અનંતમૂર્તિની આ અંતિમ કૃતિ ઘોષણાપત્રથી કંઈક વિશેષ છે. તેમના જ શબ્દોમાં, ‘It was a prayer, a confession, a plea, an argument, a conversation capturing a world we might lose.’ પોતાની આ વિશદ ભૂમિકામાં તે અનંતમૂર્તિના વર્તમાન શાસકોના ખામીપૂર્ણ અભિગમ તરફના આક્રોશને વ્યક્ત કરે છે. આ રહ્યા આમુખના કેટલાક અંશો :

He reads Modi as a symptom of a deeper malaise.

U.R.A. contends that Modi is only enacting the logic of a Savarkar script.

Majoritarianism can not be a basis of either a rule of law or a rule of reason.

આજે જ્યારે ‘હિંદુત્વ’, ‘વિકાસ’, ‘દેશભક્તિ’ જેવી સંજ્ઞાઓ, રાજકીય લાભ ખાટવા માટે પ્રયોજાઈ રહી છે, ત્યારે અનિષ્ટને પારખવું અને પોતાના ગેરમાર્ગે દોરવાઈ રહેલા દેશબાંધવોને સત્યાભિમુખ કરવા તે કર્તવ્યબોધ બની રહે છે. અનંતમૂર્તિ જેવા સંવેદનશીલ સર્જકને મોદી-વ્યક્તિ માટે સહેજ પણ કડવાશ ન જ હોય. જ્યાં જરૂર જણાય ત્યાં કૉંગ્રેસની નબળાઈઓ પર પણ પ્રહાર કર્યા છે. તે કહે છે, ‘There is never a time when it is not necessary to oppose the State.’ જેઓ બહુમતી ધરાવતા નથી, તેમને અવગણવાનું, દબાવી દેવાનું, હાંસિયામાં ધકેલી દેવાનું વલણ જોવા મળે છે, પણ અનંતમૂર્તિના મતે ‘For me, providing room for those not in the majority is fundamental to democracy.’

શાસકો સાવ બિનજવાબદાર છે. કરોડોનાં કૌભાંડોમાં સંડોવણી કરનાર ‘રાષ્ટ્રપતિ’ને આગળ ધરીને વાત કરે, ત્યારે હાસ્યાસ્પદ જ લાગે અને પ્રજા લાચારી અનુભવવા સિવાય બીજું કરી પણ શું શકે ? તેમના જ શબ્દોમાં,

‘Every time the leaders of the Modi Government open their mouths, they utter the words in the National interest, one can do anything.’

કમનસીબે, દેશપ્રેમ અને વિકાસ પાછળ ડોકાતાં અનિષ્ટને ઓળખવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, જ્યારે અનંતમૂર્તિ જેવા દેશપ્રેમીઓને વતન છોડવાની ફરજ પાડવામાં આવશે, ત્યારે એ સમય દૂર નહીં હોય કે સાચા દેશભક્તો દેશ બહાર જ હશે !

વિકાસની વાત કરીએ તો, વિકાસને નામે ઇતિહાસ અને કુદરત સાથે ચેડાં કરવાં જરૂરી બની જાય છે. આપણી નજર સામે ઇતિહાસને ખોટો આકાર આપી રહ્યા છીએ. બંધો, નદીઓ, જંગલો, પર્વતો, વૃક્ષો,  ખાણો, પાવરપ્લાન્ટ, વિકાસના અનિષ્ટના દાયરામાં આવે છે.

અનંતમૂર્તિ વીર સાવરકર અને મહાત્મા ગાંધીની વિચારસરણીઓનો તુલનાત્મક અભ્યાસ કરે છે. સાવરકરવાદ બહાદુરીનો તો ગાંધીવાદ નૈતિકતાનો પુરસ્કર્તા છે. આજે આપણને વિકાસની નહીં પણ સર્વોદયની જરૂર છે. ગાંધીજી હયાત હોત તો શાસકોની વિકાસ માટેની ઘેલછાને સર્વોદયના શસ્ત્ર વડે પડકારી હોત.

લેખક ખ્રિસ્તી માન્યતા અને ભારતીય માન્યતાને સરખાવતાં કહે છે, કે પહેલામાં ખોટું કરનાર વ્યક્તિને જ તેનાં ફળ ભોગવવાં પડે છે, જ્યારે બીજામાં એકનાં દુષ્કૃત્યોની વ્યાપક અસર અન્યત્ર થાય છે. ગુજરાતનાં રમખાણોમાં વિધર્મીઓની ઠંડે કલેજે કતલ, મોદી માટે કાર નીચે કચડાઈ મરેલા ગલુડિયાથી વિશેષ મહત્ત્વ ન ધરાવતી હોય, પસ્તાવો કરવો પડે, તેવી બાબત ન હોય, પણ મેધા પાટકર, તીસ્તા સેતલવાડ, અરુણા રૉય જેવાં ક્રિયાશીલો નૈતિક જવાબદારીથી અલિપ્ત ન રહી શકે.

સત્તાના મદમાં છકેલા શાસકો પ્રત્યેનો અનંતમૂર્તિનો રોષ તો જુઓઃ

‘While a dead rabbit can be seen as edible flesh, the dead body of a ruler is not worth even a single beetle nut.’

વિકાસ અને વિનાશ એકમેક સાથે સંલગ્ન છે. આમુખમાં કહેવાયું છે તેમ He claims that those whom Gods wish to destroy, they first seek to develop.

ગાંધીજીને વિવિધ ધર્મોની સહોપસ્થિતિ સામે કોઈ વાંધો નહોતો, કારણ કે તેમની નજરે કોઈ પણ ધર્મ સર્વાંગસંપૂર્ણ નથી હોતો, દરેકને પોતાની વિશેષતા સાથે મર્યાદા રહેવાની જ. સાવરકરની ‘હિંદુરાષ્ટ્ર’ની કલ્પના તેમને માન્ય નહોતી. એક રાષ્ટ્ર, એક ધર્મ, એક ભાષાના ખ્યાલને તે આત્મસાત્ કરી શક્યા નહીં.

અનંતમૂર્તિના મતે ઈઝરાયેલ અમેરિકાની મદદથી પૅલેસ્ટાઇનવાસીઓને દબાવે છે, તે જ ઇઝરાયેલ ચીંધ્યા માર્ગે મોદી પ્રસ્થાન કરી રહ્યા છે.

મોદીની ‘લાર્જર ધેન લાઇફ’ ઇમેજના સર્જન માટે મીડિયા પણ જવાબદાર છે.

આ પુસ્તકમાં ગાંધીજીની હત્યા માટે શા માટે તે પ્રેરાયો, તેનો ખુલાસો કરતા ગોડસેના વક્તવ્યમાં અમુક અંશો પણ આપવામાં આવ્યા છે.

કીર્તિ રામચંદ્ર અને વિવેક શાનબાગે મૂળ કન્નડ કૃતિને અંગ્રેજીમાં અનુવાદિત કરી યજ્ઞકાર્યમાં પ્રદાન કર્યું છે.

અનંતમૂર્તિને દંભ સામે ભારોભાર નફરત છે, પછી તે કૉંગ્રેસ દ્વારા આચરવામાં આવતો હોય કે ભા.જ.પ. દ્વારા. ગાંધીજીની હત્યા બાદ હાશકારો અનુભવતા કૉંગ્રેસીઓ અનાથ બની ગયાનો દેખાડો કરે કે મોદી ગાંધીના ફોટાને નીચા નમીને નમન કરે કે ગંગામૈયાની આરતી ઉતારી કે પાઘડી પહેરીને ફોટા પડાવે, તો લોકો તો મૂળ ચહેરો જોઈ જ શકતા હોય છે.

આભાર અનંતમૂર્તિનો આ parting gift માટે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 03

Loading

...102030...3,3893,3903,3913,392...3,4003,4103,420...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved