Opinion Magazine
Number of visits: 9664533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બદલો લેવાની ભાવના છોડીએ.

મનુબહેન ગાંધી|Gandhiana|28 March 2025

તા. 7-4-1947

નવી દિલ્હી 

બાપુજી ઉપરની આજની ટપાલ બહુ ‘રમૂજી’ હતી.  કેટલાંક કવરના સરનામા પર ‘મહમૂદ ગાંધી’ હતું. કેટલાક બાપુજીને સામ્યવાદી ગણે છે, અને વળી કેટલાક તો ઝીણાસાહેબના ગુલામ પણ કહે છે. બાપુજીને મેં આ બધી ટપાલ વંચાવી. બાપુજીએ હસતાં હસતાં લખ્યું, “મહાત્માનો ઈલકાબ પણ લોકોએ જ આપેલો છે, ‘બાપુ’નો ઈલકાબ પણ લોકોએ (પરંતુ અંગત ગણાતાં માણસોએ) આપેલો છે; તો આ બધા ઈલકાબો પણ લોકો આપે તેને મારે વધાવી લેવા જોઈએ ના?”

હમણાં સખત ગરમીને કારણે બાપુજી ૯ વાગ્યામાં જ જમી લે છે. ખોરાક તો ગરમીને લીધે સાવ ઓછો કરી નાખ્યો છે.

અહીં વર્ષોથી રહેનારા લોકો પણ કહે છે કે, આ સાલની ગરમી અસહ્ય છે. અમે તો આવી અસહ્ય ગરમી જોઈ જ નથી. એવી જ ગરમી રાજકીય વાતાવરણમાં છે. એટલે માણસોના મગજની ગરમીને કારણે કદાચ કુદરતી ગરમી વધુ લાગતી હોય એ સંભવ છે. બાપુજીને તો આ બંને જાતની ગરમી ઠંડા મગજે સહન કરવી પડે, એ કેવી આકરી કસોટી હશે? દેશની પરિસ્થિતિ જેઈને તેમના હૃદયમાં જે દાવાનળ સળગી રહ્યો છે, તે આ બાહ્ય ગરમી આગળ કંઈ જ વિસાતમાં નથી. અને એથી ચોવીસે કલાક પોતે આત્મચિંતનમાં કાઢે છે. છતાં ય એ જ હાસ્યમય ચહેરો અને એનો એ જ એમનો પ્રેમ તો પળે પળે નીતરે છે. એમની પાસે નાનો ગોપુ આવે કે કોઈ દેશી કે પરદેશી વિદ્વાન આવે, બંનેની સાથે એવી રીતે વર્તે કે, બંનેને એમ જ લાગે કે બાપુએ પિતાને બહુ મહત્ત્વ અને માન આપ્યું. જેવો સમય હોય તે સમયનો પોતે આવો સદુપયોગ કરી આનંદ તો બંને સ્થિતિમાં મેળવે જ.

આવું આજે સાંજે પ્રાર્થના પછી બન્યું. પ્રાર્થનામાં જ બાપુજીનું મૌન ખૂલી ગયું હતું, તેમણે પ્રવચન સંભળાવ્યું.

પ્રવચનમાં બાપુજીએ આજની આવેલી ટપાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “મારી ઉપર જે આરોપો મૂકવામાં આવે છે, તેથી હું ડરતો નથી. કારણ કે હું તો ગીતાનો, કુરાનનો, બાઇબલનો, જરથોસ્તનો વગેરે બધા ધર્મનો અભ્યાસી છું. અને એ દાવે આવા બધા આરોપ સહન કરવાની ભગવાન આપોઆપ જ મને શક્તિ આપે જ છે મને તો દરેક ધર્મના ધર્મગુરુઓ જે કહી ગયા છે તેમના વચનામૃતો પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એટલું જ નહીં, પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, જેઓ મારી પર આરોપો મૂકે છે તેઓ પર મને કદી ય ગુસ્સો ન આવે, પણ તેઓ કદાચ મને ગોળીથી વીંધવા તૈયાર થાય તો હું હસતે મોઢે ભગવાનનુ સ્મરણ કરતો કરતો જ મરું. મારી ખાતરી છે કે, જો હું મારા નિર્ણય પર તન મનથી (વળગી) રહીશ તો અને સાચા દિલથી જો હિંદુ અને મુસલમાન ધર્મોની રક્ષા કરતો હોઈશ તો મારી આ પ્રાર્થના ઈશ્વર સાંભળ્યા વગર નહીં જ રહે. તમે મારાં આ વચનો નોંધી રાખજો. અને તમને કહું છું કે, મને મારનારને જો હું અંતિમ ઘડીએ ગાળો દઉં કે ગુસ્સો કરું તો મને ફિટકારજો અને કહેજો કે, આ તો ‘દંભી મહાત્મા’ હતો. તમે જાણે છો ના કે આજની દુનિયામાં આવા દંભી મહાત્માઓ બહુ પડ્યા છે. પણ આજે હું અંત:કરણથી કહું છું કે મારા મનમાં કોઈનું ભૂંડું કરવાની લવલેશ પણ કલ્પના છે જ નહીં. તો તો મારી અહિંસા અને સત્ય બંને લાજે …”

“બદલો લેવાની ભાવના છોડીએ. કોનો બદલો લેવો છે? બદલો લેનાર અને બદલો લેનાર એક સર્વશક્તિમાન આપણા પર છે તે શ્રદ્ધા ન ગુમાવીએ.”

“જે ભૂમિ અમર હિમાલયથી રક્ષાયેલી છે, જ્યાં ગંગા જમના જેવી પવિત્ર નદીઓ વહે છે, ત્યાં શું આપણે આપણો નાશ હિંસાથી કરીશું? એવા કમનસીબ દિવસો જોવા ઈશ્વર મને તો ન જ જીવાડે, એ મારી અંતઃકરણપૂર્વક ઈશ્વરને પ્રાર્થના છે.” 

[મનુબહેનની ડાયરીમાંથી : ‘બિહારની કોમી આગમાં’]
28 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 268

Loading

‘આપણે જીવતા છીએ તેની આ સાબિતી છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|28 March 2025

23 માર્ચ 2025, ભગતસિંહની શહીદીના દિવસે રાત્રે 9.00થી 10.30 સુધી યૂટ્યૂબર જ્યોત્સના આહિરે ઓનલાઈન સંવાદસભાનું આયોજન કરેલ. વિષય હતો : ‘શું ઔરંગઝેબ બધી સમસ્યાનો ઉકેલ છે?’ આ સંવાદસભામાં ભૂપેન્દ્રસિંહ રાઓલ / જગદીશ બારોટ / ડો. દિનેશ ધાનાણી / રમેશ સવાણી જોડાયા હતા. સમસ્યા અને તેના ઉકેલ અંગે ચર્ચા થઈ.

જ્યોત્સના : ઔરંગઝેબ આપણા મીડિયાનો ફેવરિટ ચહેરો બની ચૂક્યો છે. ધાર્મિક સંગઠનો / સરકાર માટે ઔરંગઝેબ દરેક સમસ્યાનું સમાધાન બની ગયો છે. ‘જો ઔરંગઝેબની કબર હટી જશે તો ભારતની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આપણા જમીની મુદ્દાઓ છે, ગરીબી / બેરોજગારી / રૂપિયાનું અવમૂલ્યન / સુરક્ષાનો અભાવ / શિક્ષણ-સ્વાસ્થ્યની સમસ્યાનું સોલ્યુશન આવી જશે. દેશ સોને કી ચીડિયા બની જશે !’ આવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. શું ખરેખર સમસ્યાઓ દૂર થઈ જશે?

રમેશ સવાણી : મૂળ વાત એ છે કે શાસક પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માટે ધાર્મિક મુદ્દાઓ ઉછાળતા હોય છે. ભૂતકાળમાં જ્યારે ડોલરના મુકાબલે રૂપિયો ગગડી ગયો ત્યારે હાલના વડા પ્રધાને, તત્કાલીન વડા પ્રધાનની કેવી કેવી આલોચના કરી હતી, આટલી મોંઘવારી, બેરોજગારી છે / લોકોની અસલામતી છે / હેલ્થકેર બિમાર છે. શિક્ષણ ખાડે ગયું છે. આ બધાં મુદ્દાઓ અંગે લોકો વિચારે નહીં, એની કોઈ ચર્ચા ન કરે, તે માટે ઔરંગઝેબ બહુ જરૂરી છે ! ઈરાદાપૂર્વક, સમયાંતરે આવા મુદ્દાઓ ઊભા કરવામાં આવે છે. શાસકની નિષ્ફળતા છુપાઈ જાય, શાસકની વાહવાહી થાય, પરંતુ દેશને, સમાજને અને વ્યક્તિને આનું ભયંકર નુકસાન થાય. ગુજરાતમાં 2002માં જે હિંસા થઈ તેના આરોપીઓ સાબરમતી જેલમાં છે, તેમને કોઈ પૂછતું નથી, અને જેમણે ઉશ્કેરાટ કરાવ્યો તે સત્તાના મેવા ખાય છે. આમાંથી પણ લોકો કોઈ બોધપાઠ લેતા નથી. કેમ નથી લેતા? ધર્મનો નશો જ એવો છે કે તેમાં લોકો કંઈ વિચારતા નથી. લોકો પોતાની વિવેકશક્તિ ગુમાવી બેસે છે. પોતાની સત્તા ટકાવી રાખવા, સમાજને મધ્યયુગમાં લઈ જવાનું કાવતરું છે. 1947 પહેલા પણ ગાંધીજી સામે કોમી દાવાનળનો પ્રશ્ન હતો. પરંતુ ગાંધીજીએ હિંદુ મુસ્લિમ સમુદાયને સમજાવ્યા. જો ગાંધીજી ન હોત તો આઝાદી પહેલાં જ લાખો લોકો અંદરોઅંદર કપાઈ જાત. મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ઉશ્કેરવાનું કામ કરતા હતા. હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત જળવાઈ રહે તે તો અંગ્રેજો ઈચ્છતા હતા. એ સમયના રજવાડા પણ ઈચ્છતા હતા કે હિન્દુ મુસ્લિમ અંદરોઅંદર ઝઘડતા રહે તો પોતાની સત્તા જળવાઈ રહે. આ સત્તાની ગંદી રમત છે.

જ્યોત્સના : અવાજ ઊઠી રહ્યો છે, પરંતુ અવાજ ઊઠાવનારને હિન્દુવિરોધી, વામપંથી, એન્ટિનેશનલ ઠરાવે છે. ‘તમને હિંદુ ધર્મ જ દેખાય છે? મુસ્લિમોની આલોચના કેમ કરતા નથી? તમે ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકનો બચાવ કરો છો?’ એવી દલીલ કરે છે. 

ભૂપેન્દ્રસિંહ રાઓલ : ઔરંગઝેબની કબર 318 વર્ષથી છે. એ કબર પછી પેશ્વા અને મરાઠા સામ્રાજ્યનો જબરજસ્ત ઉદય થયો હતો. એ લોકોએ કબર કેમ ન હટાવી? શિવાજીએ અફઝલખાનને માર્યો હતો, પણ અફઝલખાનની કબર શિવાજીએ બનાવી હતી. અફઝલખાનની કબર તોડવા પ્રયત્ન થયેલ ત્યારે ખબર પડી કે આ તો શિવાજીએ બનાવેલી છે, એટલે રોકાઈ ગયા. એટલે મોંઘવારી / બેકારી / વિદેશી દેવું વગેરે પ્રશ્નો ભૂલવાડવા કઈ રીતે? એટલે ધાર્મિક લાગણીના મુદ્દાઓ આગળ કરવામાં આવે છે. એવા મૂવી બનાવો, ધૃણા ફેલાવો. જેથી લોકો બીજા માર્ગે વળી જાય. આ સરકાર લોકોને  ઈમોશનલી ગેરમાર્ગે દોરે છે. અકબરના સમયે 20% અધિકારીઓ હિન્દુ હતા અને ઔરંગઝેબના સમયે 32% અધિકારીઓ હિન્દુ હતાં. સુવર્ણમંદિરમાં આર્મી મોકલવી પડી હતી, કેમ કે ત્યાં આતંકવાદી છૂપાયેલ. તેમ કોઈ મંદિર તોડવામાં આવ્યા હોય. ઇતિહાસ કહે છે કે ઔરંગઝેબે 100 મંદિરોને દાન આપેલ. રાજાઓને ધર્મની દૃષ્ટિએ મૂલવો તો લોચો પડે. રાજા હંમેશાં ધન, સંપત્તિ, વિસ્તાર માટે કામ કરતો હોય છે. શિવાજીના સૈન્યમાં મુસ્લિમો હતા. શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારે વેપારીઓની આરતી ઊતારી હશે? રાજાઓ ઓલમોસ્ટ ક્રૂર જ હતા. વિરોધી રાજા હારે તેનું અપમાન કરવાની પ્રથા હતી. હિન્દુ રાજાઓએ પણ હિંદુ / જૈન / બૌદ્ધ મંદિરો તોડેલા છે. તેઓ સત્તા માટે લડતા હતા, હિન્દુ-મુસ્લિમ માટે લડતા ન હતા.

જ્યોત્સના : કેન્દ્રના મિનિસ્ટર અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પણ કહે છે કે કબર હટાવી દેવી જોઈએ. 

જગદીશ બારોટ : હાલ ઔરંગઝેબ કેમ જીવતો થયો? એમને જીવતા કરવાનું શું કારણ છે? મૂવીવાળા સત્તાપક્ષને ખુશ કરવા અતિશયોક્તિભરી મૂવી બનાવે છે. તે સમયે શાસન કરવાની આ પદ્ધતિ હતી. ઈશુ ખ્રિસ્તને માંચડે જડી દીધા હતા, ત્રણ દિવસ કણસતા રહ્યાં હતાં. એ માટે હુકમ તે વખતના રાજાએ જ કર્યો હતો. ઔરંગઝેબે શિવાજીને, તેના પુત્રને અન્યાય કર્યો હશે, પરંતુ રાજ્યસત્તાના વિસ્તાર માટે દરેક રાજા આવું કરતા હોય. ઔરંગઝેબે પોતાના સગા ભાઈ દારાશિકોહનું માથું કાપીને પોતાના પિતાને મોકલ્યું હતું. પોતાના ભાઈ મુરાદની પણ હત્યા કરી હતી. પોતાના પિતાને 8 વરસ જેલમાં પૂર્યો હતો. એટલે ઔરંગઝેબ હિન્દુઓ પ્રત્યે ક્રૂર હતો એવું નથી, પોતાના પરિવાર પ્રત્યે પણ ક્રૂર હતો. આજે પણ શાસકો તરફથી બુદ્ધિજીવીઓને કોઈ આધાર પુરાવા વિના જેલમાં પૂરવામાં આવે છે. સત્તાધીશો માટે આ સામાન્ય છે, વિરોધીઓની કતલ કરવી કે તેમને યાતનાઓ આપવી. એમ કહેવાય છે કે ઔરંગઝેબે મંદિરો તોડી નાખ્યા હતા. પણ આજે વિકાસના કામે હિન્દુ શાસકો પણ મંદિરો તોડી નાખે છે. અયોધ્યાના કેટલાં મંદિરો તોડી નાખ્યા. ઔરંગઝેબે મસ્જિદો પણ તોડી હતી. ઔરંગઝેબનો સેનાપતિ જ હિન્દુ હતો. તેમની સેનામાં હિન્દુઓ હતા. ઔરંગઝેબે તેમને મુસ્લિમ બનાવ્યા ન હતા.

જ્યોત્સના : હાલ પણ મંદિરો તોડવામાં આવે છે પણ તેનો વિરોધ નથી થતો. પણ મસ્જિદ તોડવામાં આવે ત્યારે બૂમો પાડે છે કે જોયું અમે મુસ્લિમોને કેવા ટાઈટ કર્યા ! 

ડો. દિનેશ ધાનાણી : હું 40 વર્ષ પહેલા અમેરિકા આવ્યો ત્યારે ઇમિગ્રેશન અધિકારીએ પૂછ્યું કે ક્યાંથી આવો છો? મેં કહ્યું કે ઈન્ડિયાથી. તો તેને ઈન્ડિયા વિશે માહિતી ન હતી. માત્ર ગાંધીજી અને તાજમહેલ વિશે તેણે સાંભળ્યું હતું. જે ગાંધીજીએ આઝાદી અપાવી તેમના વિશે દુષ્પ્રચાર થાય છે અને હત્યારા ગોડસેની પૂજા કરવામાં આવે, તે દર્શાવે છે કે દેશ કઈ તરફ જઈ રહ્યો છે. સત્તા ટકાવી રાખવા હિન્દુ-મુસ્લિમ થાય છે. કોઈ પણ ધર્મની કટ્ટરતાનો સામનો હિન્દુ-કટ્ટરતાથી નથી કરવાનો. તેનો વિરોધ સચ્ચાઈથી / આઈડિયોલોજીથી થવો જોઈએ. ખોટું શું છે, તેની સામે વિરોધ છે. આપણને કોઈ માણસ સાથે વિરોધ નથી, કોઈ ધર્મ સાથે વિરોધ નથી. રાજકીય નેતાઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે લોકોને ઉશ્કેરે છે. ડોન્ટ બી ઈમોશનલ, બી રેશનલ. 

જ્યોત્સના : આપણે સમસ્યાઓની ચર્ચા કરી, પણ ઉકેલ શું? 2022ના એક સમાચાર હાલ ટ્રેંડમાં છે કે  છે કે દસમાં ધોરણના પુસ્તકમાંથી ભગતસિંહને કાઢીને હડગેવારને મૂક્યા છે ! આ પેઢી જ્યારે યુવાન થશે ત્યારે હેડગેવારને જ આદર્શ માનશે ! વર્તમાન તો ડામાડોળ છે, ભવિષ્ય તો આના કરતાં ખતરનાક દેખાય છે. શું આપણે આમાંથી નિકળી શકીશું? આનું સોલ્યુશન શું?

જગદીશ બારોટ : ઉપાય સરળ છે, ગેરસમજણ દૂર કરવી. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સોશિયલ મીડિયા છે. એટલે ગેરસમજણ દૂર કરવાથી આપણે આ સમસ્યામાંથી બહાર આવી શકીએ. આ જ સંવાદસભા પણ સાચી દિશાનું પગલું છે. ધર્મસત્તા, રાજસત્તા અને અર્થસત્તાએ હાથ મિલાવેલ છે. એમની સાથે ધર્મગુરુઓ છે / પૂંજીપતિઓ છે. ગુંડાઓ છે / તંત્ર છે. સાધુઓ / સ્વામિઓ / ધર્મગુરુઓ બેફામપણે સત્તાપક્ષનો પ્રચાર કરે છે. કોર્પોરેટ મીડિયા હિન્દુ-મુસ્લિમ કર્યા કરે છે. આ મોટો પડકાર છે જ. કેટલાંક બહાદુર લોકો છે. રવિશકુમાર / અજિત અંજુમ / અભિસાર શર્મા / ધ્રુવ રાઠી લોકોને જગાડી રહ્યા છે. જાગૃતિ એ જ ઉપાય છે. સાચો માણસ એકલો હોય તો પણ બહુમતીમાં છે ! હિમ્મત રાખવાની છે. આવનારી પેઢીઓ પૂછશે કે આ બધી ધૃણા-નફરત ચાલતી હતી ત્યારે તમારા બાપદાદા ક્યાં હતા? શું કરતા હતા? ત્યારે આપણા વારસદારો કહેશે કે તેમણે પ્રયત્નો કર્યા હતા. ખિસકોલી જેમ શરીર પર માટી ચોંટાડી દરિયો પૂરવામાં મદદ કરતી હતી, એમ તેમણે પ્રયત્નો કર્યા હતા. સામા પ્રવાહે જીવતી માછલી જ તરે, મરેલી માછલી પ્રવાહ સાથે ખેંચાય ! એટલે આપણે જીવતા છીએ તેની આ સાબિતી છે ! આપણે આ કામને લોકહિત / દેશસેવા માનીએ છીએ. સૈનિકો બોર્ડર પર ગોળી ખાય છે, અમે ગાળો ખાવા તૈયાર છીએ. લોકો આપણી નિષ્ઠા જોઈને કહેશે કે આમને કોઈ સ્વાર્થ નથી, એટલે લોકો જોડાશે.

રમેશ સવાણી : ચારેબાજુ નફરત / ધૃણાનો દાવાનળ સળગ્યો છે તેને આપણે ઠારી શકીએ? આપણે દૃઢતાથી કહેવું પડશે કે આવી રીતે દેશ / સમાજ / વ્યક્તિનો વિકાસ ન થાય. નફરતથી ભરેલો માણસ પોતાનો વિકાસ કરી શકે નહીં. આ આપણે સમજાવવું પડશે. સંવાદસભા કરવી પડશે. માત્ર રેશનલ વિચાર સાથે જોડાયેલ જ્યોત્સ્નાના 36 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે સૂચવે છે કે ગુજરાતમાં સમજદાર લોકો છે જ. સંગઠિત પ્રયત્નો કરવા જોઈએ. તાર્કિક વિચારસરણીને વળગી રહીએ. ભગતસિંહનો પાઠ કાઢી નાખ્યો તે અંગે અવાજ ઊઠાવવો જોઈએ. વિચાર જ પરિવર્તન લાવી શકે. વિચારોનું આદાનપ્રદાન થાય તો તેને બળ મળે. 

ભૂપેન્દ્રસિંહ રાઓલ : આપણી પાસે સાચી માહિતી હોતી નથી. WhatsApp યુનિવર્સિટીના જૂઠાણાં જ હોય છે. સાચી માહિતી ફેલાવો. તેની અસર પડતી હોય છે. મને એક ભૂવાજીને ફોન આવેલ કે તમારી રેશનલ સભા સાંભળીને મેં ધૂણવાનું બંધ કરી દીધુ છે ! અટક્યા વિના કામ કરતા રહેવાનું છે.

ડો. દિનેશ ધાનાણી : આપણે ચાર વસ્તુઓ પર ભાર મૂકવો જોઈએ : 1. ફિઝિકલ હેલ્થ. 2. મેન્ટલ હેલ્થ. 3. સ્પિરિચ્યુઅલ હેલ્થ. 4. એનવાયરમેન્ટલ હેલ્થ. હું હેલ્ધી હોઈશ તો હોસ્પિટલમાં મારો બેડ બીજાને આપી શકીશ. મેન્ટલ હેલ્થમાં એ આવે કે આ બધા ધર્મો રોગ છે.  તમને એ રોગ તરીકે દેખાતો નથી. તેણે માણસની વિચારશક્તિને ખતમ કરી નાખી છે. ધર્મ ઈરેશનલ છે. મુસ્લિમની વાત છોડો, આપણે હિન્દુઓની અંદર અમુક હિન્દુઓને દૂર રાખીએ છીએ. સ્પિરિચ્યુઅલ હેલ્થ એટલે Consciously વિયારવું. એનવાયરમેન્ટલ હેલ્થ એટલે આપણે પર્યાવરણને શુદ્ધ રાખવું પડશે. નહીંતર આપણા બધાનો નાશ થશે. હકારાત્મક વલણ પ્રત્યે જ આપણે લક્ષ્ય આપવાનું છે. માણસ બનીએ. સાહિર લુધિયાનવી કહે છે : ‘તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા.’ નીરજ કહે છે : ‘મૈં બસાના ચાહતા હૂં સ્વર્ગ ધરતી પર, આદમી જિસ મેં રહે બસ આદમી બનકર.’ અંધારુ દૂર કરો, અંધારું દૂર કરો એવી બાંગ પોકારવાની જરૂર નથી, દીપક પ્રગટાવો અંધારું દૂર થઈ જશે. આપણે ભૂતકાળમાં જવું શા માટે છે? અત્યારે સાયન્સ / ટેકનોલોજીમાં શું ચાલે છે એની ચર્ચા થવી જોઈએ. આપણું જીવન જ એવું હોવું જોઈએ જે સંદેશ આપે ! 

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પહેલા સાહિત્યકાર : રમેશ આચાર્ય (૧૯૪૧-૨૦૨૫)

અભિમન્યુ આચાર્ય|Opinion - Opinion|28 March 2025

રમેશચંદ્ર આચાર્ય

પહેલીવાર મારા જીવનમાં હું કોઈ સાહિત્યકારને મળ્યો હોય તો તે મારા નાના બાપુજી : રમેશચંદ્ર આચાર્ય. ગુજરાતી કવિ. તાન્કા અને મોનો-ઈમેજ જેવા ઓછા ખેડાયેલા કાવ્યપ્રકારોમાં તેમના પ્રદાન બદલ જાણીતા. સુરેન્દ્રનગરમાં વર્ષો સુધી સાહિત્યિક વાતાવરણ તેમણે ન્હાનાલાલ સાહિત્ય સભા જેવી સંસ્થા ચલાવીને ઊભું કર્યું અને જાળવી પણ રાખ્યું.

અમે સૌ તેમને નાના બાપુજી કહેતા. કારણ કે તે મારા દાદાના સગા નાના ભાઈ. 

નાનો હતો ત્યારે અવનવા લેખકોને વાંચી મને થતું કે આ લોકો કેવા હશે! સમજણો થયો ત્યારે ખબર પડી કે સાહિત્યકાર સામાન્ય માણસો જેવો જ હોય છે. જવાબદારીઓ ઉપાડતો, ઘર પરિવારને સંભાળતો, વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે વાર્તા-કવિતા લખી નાખતો. સંવેદનશીલ. સાહિત્યકાર એટલે એવો માણસ જેને કળા-સાહિત્ય તરફ ઝુકાવ હોય, પ્રીતિ હોય, છતાં જે જીવનને પ્રાધાન્ય આપે. જે જીવનના પડકારો દરવાજે ટકોરા મારે ત્યારે વાર્તા-કવિતાની આડમાં છુપાઈ ન જાય. 

સારું થયું કે બહુ નાની ઉંમરે આ સમજ આવી ગઈ. આ સમજ આવવાનું કારણ નાના બાપુજી. 

નાના બાપુજી સાથે મારે ઝાઝી વાતો ક્યારે ય થઈ નથી. અમે બંને ઓછાબોલા, અંતર્મુખી, બે શબ્દોથી કામ ચાલે તો ત્રણ ન વાપરીએ એવા. પણ મને અંદર અંદર એમ થતું કે વાર્તા કવિતામાં પડવું હશે તો મને આંગળી ચીંધી રસ્તો બતાવનાર માણસ મારા પરિવારમાં જ છે. એ વાતની એક ધરપત રહેતી, એક હાશકારો. 

મને હજી એક પ્રસંગ યાદ છે. હું તેર-ચૌદ વર્ષનો હોઈશ. એ સમયે મને વાર્તા લખવાનો એવો ચસકો હતો કે રોજની એક લખતો. મને હતું કે જલદી જલદી વાર્તાઓ લખી નાખું, એ છપાઈ જાય, એના પૈસા મળે, મારું નામ બને—તો કેવી મજા પડે!

એવી એક અધકચરી વાર્તા લખીને હું નાના બાપુજી પાસે ગયેલો. તેમને સંભળાવેલી. છાપામાં આવતી કોલમોમાં જે ચીલા-ચાલુ કચરો હોય છે એવી જ એ વાર્તા હતી. તેમણે ખૂબ અણગમા સાથે મને કહેલું કે આવું જ લખવું હોય તો ન લખવું જોઈએ. આનો કોઈ અર્થ નથી. અને હું આ રસ્તે ચડીશ તો મારી પ્રતિભા ઊગે એ પહેલા જ કરમાઈ જશે. 

તેમણે કહેલું કે જો લખવું જ હોય તો એવું લખવું કે વાચકને યાદ રહે. ચાલીસ ભૂલી જવાય એવી વાર્તાઓ લખવા કરતા એક યાદ રહી જાય એવી વાર્તા લખવી સારી. તે દિવસ પછી મારી રોજની એક વાર્તા લખવાની પ્રેક્ટિસ મેં બંધ કરી. જલદી જલદી છપાઈને નામ કરી લેવાની ઘેલછા છોડી દીધી. 

એ વાતને પંદર-સોળ વર્ષ વીતી ગયા છે, અને મેં ઘણું લખ્યું છે. સારું પણ લખાયું છે, ખરાબ પણ લખાયું છે, પણ એ દિવસ પછી ક્યારે ય લખવામાં દિલચોરી નથી કરી. લેખન પ્રત્યેનો મારો અભિગમ ધરમૂળથી બદલાયો એનું કારણ મારા નાના બાપુજી.

મારી વાંચનયાત્રામાં પણ તેમનો ફાળો હતો. ચંદ્રકાંત બક્ષીનો ફેન હોવાને કારણે એ સમયે હું બીજા લેખકોને નહોતો વાંચતો. મને થતું કે બક્ષી જેવું તો કોઈ લખી જ ન શકે. તેમણે મને કહેલું : તું સુરેશ જોષીને વાંચ. તું મધુ રાયને વાંચ. તું જયંત ખત્રીને વાંચ. 

જેમ વાંચતો ગયો એમ સમજાયું કે સાહિત્ય તો દરિયો છે. ઘણીબધી અલગ અલગ નદીઓનું પાણી એમાં છે. તેનાથી એક નવી સમજ આવી. કોઈ એકલ-દોકલ લેખકને દરિયો માનવાની ભૂલ ન કરાય. દરિયો થવાની મથામણ ય ન કરાય. નાનકડી, સરસ નદી થઈ શકીએ, અને દરિયા જેવા સાહિત્યમાં સ્વસ્થતાથી, સરળતાથી, ગૌરવભેર ભળી શકીએ તો પણ ઘણું. એનું મૂલ્ય જરા ય ઓછું નથી. 

સુરેન્દ્રનગર છોડ્યું પછી નાના બાપુજીને પ્રસંગોપાત મળવાનું થતું. ગયા વર્ષે મારા લગ્ન પછી મારી પત્નીને લઈને તેમને મળવા ગયેલો. છેલ્લે છેલ્લે મળી શક્યો એ વાતનો એક સંતોષ છે.      

ત્રણ દિવસ પહેલા તેમનું મૃત્યુ થયું. આજે બેસણું હતું. દેશથી દૂર હોવાને કારણે ઘણા સારા-ખરાબ પ્રસંગો ચૂકી જવાય છે મારાથી. સારા પ્રસંગોમાં એવું થયા કરે કે હું પરિવારની સાથે હોત તો સારું હોત. માઠા પ્રસંગોમાં એવું થયા કરે કે પરિવાર મારી સાથે હોત તો સારું હોત.

મારો પહેલો વાર્તાસંગ્રહ “પડછાયાઓ વચ્ચે” મેં મારા માતા-પિતાની સાથે મારા નાના બાપુજીને પણ અર્પણ કરેલો. 

અમદાવાદ રહેવા આવ્યા ત્યારે અવનવા સાહિત્યકારોને મળતો, મારું નામ કહેતો. પછી સામેથી જ જણાવતો : “શું તમે રમેશ આચાર્યને ઓળખો છો?” 

“હા, ઓળખુંને. પેલા કવિ જ ને? એ તમારા શું થાય? દાદા?”

હું કહેતો : “ના, એ મારા નાના બાપુજી”.

આજે સમજાય છે કે નાના બાપુજી મારી ઓળખ બની એ પહેલાંની મારી ઓળખ હતા.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...338339340341...350360370...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved