Opinion Magazine
Number of visits: 9584353
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં વંચિતોની ચળવળ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|6 May 2017

મનીષા દેસાઈ મૂળ ભારતીય ને વલસાડી. વખતોવખત ભારત આવે ને કંઈક ને કંઈક સંશોધનાત્મક પ્રકલ્પ હાથ ધરીને આંતરરાષ્ટ્રીય માપદંડથી વાસ્તવિકતાને મૂલવવાનો પ્રયત્ન કરે. એમાં પણ વિશેષ નારીવાદી દૃષ્ટિકોણ રહે. તેમનું "Subaltern Movement in India: Gendered Geographies of Struggle against Neoliberal Development" પુસ્તક તાજેતરની ત્રણ ચળવળને નજીકથી જોઈ, સમજી તેનાં વિવિધ પાસાંને નજર સમક્ષ રાખીને નારીવાદી દૃષ્ટિકોણથી તૃણમૂલ સ્તરે સમજ કેળવીને વાસ્તવિકતાને મુખર કરે છે. આ ત્રણ ચળવળ છે : (૧) નાર-પાર આદિવાસી સંગઠન (૨) મહુવા ખેતીવાડી પર્યાવરણ બચાવો સમિતિ અને (૩) માછીમાર અધિકાર સંઘર્ષસમિતિ પ્રેરિત જન આંદોલનો. આ ત્રણે ચળવળ દક્ષિણ ગુજરાત-વનાંચલ, સૌરાષ્ટ્રઃ મેદાની  વિસ્તાર અને કચ્છના બંદર વિસ્તારને  આવરે છે, એટલે અહીં યોગાનુયોગે પૂરું ગુજરાતનું ચિત્રણ છે. આ ચળવળો ગાંધીવિચાર પ્રેરિત, પ્રજાસમાજવાદી, સમાજવાદી, નારીવાદી અને પર્યાવરણવાદી સંગઠનો અને નેતાઓ દ્વારા સ્ત્રી-પુરુષ-આબાલવૃદ્ધ સૌને સાંકળીને સ્થાપિત હિતોને પડકારે છે અને કેટલેક અંશે સારી સફળતા પણ હાંસલ કરે છે. કાયદાકીય રસ્તો, જનવાદી સંગઠિત દેખાવો ને સંઘર્ષ સાથે તળજમીની પરિવર્તનશીલ બદલાવના કારણે બહુપાંખિયા જંગ માટેની ચુસ્ત રણનીતિને દર્શનાંકિત કરે છે. એક બાજુ સ્થાપિત હિતો ધરાવતી સરકારી નીતિની જાળ છે, નફાના હેતુથી બજારલક્ષી રસ ધરાવતી નિરમા જેવું ઉદ્યોગગૃહ છે, તો પાવરપ્લાન્ટ માટે સક્રિયતા છે, જે અનુક્રમે આદિવાસીઓ, ખેડૂતો, માછીમારોની પરંપરાગત, વાસ્તવિક જિંદગીને અસરકર્તા તો બને જ છે, સાથે એમને મૂળિયાં સમેત ઉખેડવાની સ્થિતિમાં મૂકવાની ત્રેવડ પણ ધરાવે છે.

મનીષા અહીં દરેક પ્રકરણની શરૂઆત ચળવળમાં ગવાતાં ગીતો, રેલી જેવા દેખાવો ને જનસમુદાયના મિજાજ દર્શાવતાં દૃશ્યોથી કરે છે. પ્રવર્તમાન સંજોગોમાં  સામાન્ય લોકો શું વિચારે છે, કઈ રીતે વર્તે છે, પોતાની તળજમીની સ્થિતિ માટે શું અનુભવે છે, તેનું ઝીણવટભર્યું આલેખન કરે છે. આઝાદી-આંદોલનમાં સ્ત્રીઓની ભાગીદારીની ઐતિહાસિક ભૂમિકાની માંડણી પર ત્યાર પછીના સમયમાં જે બદલાવ સામાજિક, શૈક્ષણિક  રાજકીય, કાયદાકીય, આર્થિક અને સંાસ્કૃિતક સ્તરે આવ્યા, તેની પણ એ સારી એવી નોંધ લે છે. આ બદલાવે  પુરુષો અને સ્ત્રીઓ પર શું અસર કરી, તેમના દરજ્જામાં શું ફેરફાર આવ્યો, સકારાત્મક અસરકારક નોંધની સાથે રાજકીય ઇચ્છાશક્તિનો પ્રભાવ, આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાતી નોંધોનો પ્રભાવ, વૈશ્વિક સ્તરના આર્થિક પ્રવાહો અને પર્યાવરણ માટેની જાગૃતિ જેવા અનેક મુદ્દાને સમગ્ર પુસ્તકમાં સર્વગ્રાહી વલણ સાથેની ન્યાયિક રજૂઆત માટેની મનીષાની લેખિની બળકટ પુરવાર થાય છે. એ નિર્ભીક, તટસ્થ, નિર્મમ વિશ્લેષણ કરીને પણ સંતુલિત આલેખન કરે છે. પોતાના પૂર્વસૂરિ સમાજશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનો તો એમની પરંપરા પ્રમાણે વખતોવખત ઉલ્લેખ કરે જ છે. તે રીતે જનસમુદાયને સહકારી પીઠબળ પૂરું પાડનાર સંસ્થાઓ-સર્વોદય પરિવાર ટ્રસ્ટ : પીંડવળ, બી- સેતુ : ભદ્રેશ્વર, ઉજાસ, ઉત્થાન, આનંદી, કચ્છ મહિલા વિકાસ સંગઠન, ગુજરાત લોકસમિતિ, અવાજ જેવી સંસ્થાઓ, તેના સુકાનીઓ, જનઆંદોલનકારીઓના અગ્રણીઓ, કાન્તિભાઈ, સુજાતા, કાશીનાથભાઈ, માધવભાઈ, કેશવભાઈ, મનોહરભાઈ, જયપ્રકાશભાઈ, લખનભાઈ, આનંદભાઈ, અનસૂયાબહેન, ડૉ. કનુભાઈ કળસરિયા, ચુનીકાકા, સનતભાઈ, ઇલાબહેન, કડવીબહેન, ઇબ્રાહીમભાઈ, સુષ્મા આયંગાર, ભરતભાઈ, રાકેશભાઈ, ઉસ્માનભાઈ, અચ્યુતભાઈ, આનંદ અને બીજાં અનેકની ભૂમિકાનો ઉલ્લેખ આ પુસ્તકમાં અવારનવાર થયો છે. છ પ્રકરણમાં આ પુસ્તકનો વ્યાપ છે.

મનીષા અહીં માહિતી-અધિકાર, જળ-જંગલ-જમીન પર આદિવાસીઓનો અધિકાર, પંચાયતી રાજમાં સ્ત્રીઓને મળેલી દૃશ્યતા, બેટીબચાવ, સ્ત્રી-અધિકાર માટેના રક્ષણાત્મક કાયદાની સારી અસર અને તેના અસરકારક પ્રભાવની નોંધ લે છે. કાયદાકીય અને પર્યાવરણીય બદલાવમાં અસરકારક અભિગમની પણ નોંધ લે છે. આ સાથે દેશદેશાવરની વિવિધ ચળવળોને અહીં યાદ કરી, તેને પણ આ ત્રણે આંદોલન સંદર્ભે મૂલવે છે. જેમ કે, દક્ષિણ ભારતમાં તેલંગણા, આફ્રિકી સ્ત્રીઓનું આંદોલન, ચીપકો-ચળવળ, નર્મદાબચાવ વગેરે. વિસ્થાપિતો અને તેમના પુનઃવસવાટની નીતિરીતિ, મુખ્ય પ્રવાહમાં સામાન્ય સમૂહનું ભળવું, ઓળખની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે બદલાતા પ્રવાહના સ્વરૂપ, તૃણમૂળ અને સ્થાનિક સ્તરે જ્ઞાતિવિષયક અને કોમવાદી માનસનો પ્રભાવ અને વર્તમાન સરકારનું વલણ જેવા મુદ્દાઓની વિશદ ચર્ચા અહીં થઈ છે.

તળજમીની વાસ્તવિકતામાં સ્ત્રીઓની દૃશ્યતા, એમનું રેલી – સભાસરઘસમાં સહભાગી થવું, પોતાની વાત કહેવી, જો ક્યાંક નજરઅંદાજ કરવામાં આવે, તો એની નોંધ લેવી, ગીતો બનાવવાં ને ગાવાં, કોઈ સ્થળે તો પુરુષોની સમકક્ષ પોતાનું કૌવત બતાવવું જેવી સકારાત્મક નોંધ  પણ છે. તેની સમાંતર દરેક ભૌગોલિક-સ્થાનિક સ્તરે નિર્ણયની ભાગીદારીમાં એમને બાકાત રાખવાનું વલણ, પિતૃસત્તાક પરિબળોનો પ્રભાવ, સ્ત્રીઓ પર હિંસા જેવા મુદ્દે મૌન, સરકાર સામે રજૂઆત સમયે ગ્રામીણ સ્ત્રીઓની નહીંવત્ સહભાગિતા, ચળવળની આંતરિક વ્યવસ્થામાં સ્ત્રીઓનું ગૌણત્વ, ક્યારેક સામાન્ય પુરુષોનું પણ ગૌણત્વ, કામની વહેંચણીમાં સ્ત્રીઓના ભાગે આવતું ઘરેલુ પરંપરાગત કામ જેવી સહજસ્વીકૃત બાબતોની મનીષા ઝીણવટથી નોંધ લઈ એને ચર્ચાની એરણે ચઢાવી સમાનતાના સર્વાધિકારી માપદંડમાં એની વાસ્તવિકતાને ધારદાર રીતે રજૂ કરે છે. સરકારી વલણને તો સ્પષ્ટ કરે જ છે, સમાંતરે આખી વાસ્તવિકતાની જટિલતા સમજાવી હજી લિંગભેદ-નાબૂદી માટે કેટલી દડમજલ બાકી રહે  છે,  તે પણ દર્શાવે છે. શું કરવું જોઈએ અને કઈ રીતે થઈ શકે, તેનું સમાપન આ રીતે કરે છે કે આ નિરંતર શિક્ષણની પ્રક્રિયા છે. એ માટે સતત બોલવું ને કરવું જોઈશે. એનું આશાવાદી વલણ પણ છે કે સ્થાપિત હિતોને પડકારીને બદલાવની શરૂઆત થઈ છે. કાર્ય મુશ્કેલ હશે. પરંતુ અશક્ય તો નથી જ. જનસમુદાયની સંગઠિત તાકાત તો જીતે જ છે ને જીતશે જ ને એક-બે મુદ્દે કહેવું છે કે મહુવા-આંદોલનમાં એ મોરારિબાપુની શું ભૂમિકા રહી તેની નોંધ લેવાનું ટાળે છે અથવા એ તેના ધ્યાનબહાર રહ્યું છે. તે રીતે સંચારમાધ્યમોના વલણ ને પ્રભાવની નોંધ પણ કંઈક અંશે ઓછી લે છે. આ ત્રણે ચળવળને આંતરરાષ્ટ્રીય મુલવણીનું પરિમાણ આપીને મનીષાએ લોકશાહી મૂલ્યોને પ્રણિપાદિત કરવાની દિશાને વેગવંત બનાવી છે, તે બદલ એ અભિનંદનને પાત્ર છે.                                

Email : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 08 

Loading

એમ. કે. ગાંધીની ઝાંખી

ઉમા ગોહિલ|Gandhiana|6 May 2017

મગનલાલભાઈના જીવન વિશે ઘણી ઓછી વિગતો મળે છે, પરંતુ જેટલી પણ મળી છે, તે સચોટ કહી શકાય. આ લેખન મગનલાલભાઈ પર થયેલી કામગીરી તેમ જ ગાંધી આશ્રમના ડાયરેક્ટર ત્રિદીપ સુહૃદની સહાયક માર્ગદર્શક ભૂમિકા તેમ જ અમૃતદાદાને આભારી છે.

− ઉ.ગો.

શ્રાવણ સુદ બીજના દિવસે ગાંધીપરિવારમાં બીજો એક ઝગમગતો તારલો ચમક્યો. ખુશાલચંદ અને દેવકુંવર ગાંધીના પારણે પોઢેલો એમ.કે. ગાંધી. આ તારલાએ મહાત્માને ગગનચુંબી બનાવવામાં ધ્રુવતારક રૂપી યોગદાન આપ્યું.

આ એમ.કે. ગાંધી અર્થાત્ મગનલાલ ખુશાલચંદ ગાંધી. (જન્મઃ ૦૫-૦૮-૧૮૮૩, શ્રાવણ સુદ બીજ • અવસાન : ૨૩-૦૪-૧૯૨૮, વૈશાખ સુદ ત્રીજ) મોહનદાસ કરમચંદ ગાંધીની પ્રતિકૃતિ બની રહીને માત્ર ‘આશ્રમનો પ્રાણ’ બન્યો બલકે સ્વાતંત્ર્યચળવળમાં પણ અનેરું યોગદાન આપ્યું છે.

અઢાર વર્ષના ફૂટડો યુવાને યુવાનીની પગદંડીમાં પ્રથમ ડગ જ માંડ્યું છે. આ તરવરિયાને પૂરી દુનિયા અને પરિવારનાં મન જીતવાની હામ છે, જે ૧૯૦૧માં મૅટ્રિકની પરીક્ષામાં નિષ્ફળ નીવડતાં ફરી ૧૯૦૨ના નવેમ્બરમાં અમદાવાદ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી સીધો મુંબઈ પહોંચે છે. ભવિષ્યમાં આગળ શું ધંધો કરવો, તે ચર્ચા અર્થે મુંબઈ જાય છે. એ જ સમય દરમિયાન ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવા અંગેનો સંદેશો મળે છે. મગનલાલ પોતે શું કામ કરશે, તેની હજુ કલ્પના સુધ્ધાં પણ ન હતી, અને અચાનક જ કાકા મોહનદાસ દક્ષિણ આફ્રિકા પોતાની સાથે આવવાનો પ્રસ્તાવ આપતાં કહે છે, “ચાલો મારી સાથે આવતા હો તો લઈ જાઉં.”(પ્રભુદાસ ગાંધી, ‘જીવનનું પરોઢ’) દુનિયાદારી અને વ્યવહારિક જ્ઞાનથી અપરિચિત મગન પિતાજી અને પરિણામ વિશે જણાવતાં કહે છે, “પણ હજુ તો મારું પરીક્ષાનું પરિણામ નથી આવ્યુંને? ‘રિઝલ્ટ’ જાણવાની આતુરતા રહે; બાકી મને આપની સાથે આવવું બહુ ગમે. હું તૈયાર છું. રાજકોટ જઈ આવવા જેટલો વખત છે?” ગાંધીજીએ કહ્યું, “ના. હું ખુશાલભાઈની રજા મંગાવી લઉં છું.” (પ્રભુદાસ ગાંધી, જીવનનું પરોઢ)

આ આખરી શૈક્ષણિક પરીક્ષા જીવનઘડતરની પ્રથમ પરીક્ષા બનતાં કદાચ અહીંથી જ આજ્ઞાંકિત પ્રતિકૃતિ બનવાનો જાણતા-અજાણતા પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. મુંબઈનો કિનારો તા.૧૪-૧૧-૧૯૦૨ના રોજ છોડ્યો. આખરે તા. ૨૫ નવેમ્બર, ૧૯૦૨ના રોજ તેઓ દક્ષિણ આફ્રિકા ગયા, મગનલાલ ગાંધી અને આણંદલાલને પણ સાથે લઈ ગયા. જ્યારે દેશ છોડી વિદેશ ગમન કરી રહ્યા હતા, ત્યારે જ તેમના ચિત્તમાં દરિયાનાં મોજાં માફક ઉત્સાહ અને ઉચાટ પણ ઊછળી રહ્યાં હતાં. તો બીજી તરફ કશું કરી છૂટવાની અને શું કરીશ, તેવા ભરતી-ઓટ રૂપી પ્રશ્નો પણ મૂંઝવી રહ્યા હતા. આખરે ગાંધીજીની છત્રછાયા હેઠળ પોતાના વતનના બીજા છેડાની ભૂમિ અર્થાત્ દક્ષિણ આફ્રિકાના નાનકડા ટોંગાટમાં આવી પહોંચે છે.

અજાણી જગ્યા, અજાણ્યા લોકો, ત્યાંની વિચિત્ર બોલી, અને સાવ અલગ જ રહેણીકરણી વચ્ચે પોતાની પ્રિય પત્ની સંતોક અને પરિવારના સ્મરણો વાગોળતાં આખરે મનને પરિશ્રમમાં પરોવતાં ધંધો જમાવવાનાં સ્વપ્ના સાકાર કરવામાં લાગી જાય છે. ટોંગાટમાં છેલ્લાં ચાર-પાંચ વરસથી પોતાના કુટુંબીજન અભેચંદ ગાંધી  સાથે એ.એ. કંપનીના ભાગીદાર બને છે. જે કંપનીના આ બંને ઉપરાંત કાળાભાઈ અને રેવાશંકરભાઈ મળીને ચાર ભાગીદાર છે. એ.એ. ગાંધી કંપની હેઠળ દિવસો, મહિનાઓ પસાર થવા લાગ્યા. બીજી તરફ પોતાને પણ ધંધામાં સૂઝ બૂઝ સાથે ધંધો જમાવતાં અને ત્યાંના પૂરા પરિવેશનો સંપૂર્ણ ખ્યાલ આવવા લાગ્યો છે. તેવા સંદેશાઓ દ્વારા પરિવારને પણ  ચિંતા ન કરવા જણાવે છે.

સમય જતાં પરિવારના અન્ય સભ્યો, જેમાં પત્ની સંતોક, જ્યેષ્ઠ ભાઈ છગનલાલ, ભાભી કાશીબહેન તેમ જ નાનકડો ભત્રીજો પ્રભુદાસ સાથે પરિવાર ટોંગાટ આવી વસવાટ કરે છે. ગાંધીજીની શાબ્દિક બાદ વૈચારિક છત્રછાયા નીચે દક્ષિણ આફ્રિકામાં ‘ફિનિક્સ’ આશ્રમની સ્થાપના કરવામાં આવે છે. સમયાંતરે સંપૂર્ણ જવાબદારી મગનલાલભાઈના શિરે આવે છે. આમ, આશ્રમનો પ્રાણ બની રહેવાનું બીજ રોપાઈ ચૂક્યું હતું જે અંકુર સાબરમતી આશ્રમમાં કૂંપળ બાદ અંતિમ શ્વાસ સુધી વધસ્તંભ માફક વટવૃક્ષ બની રહે છે.

આમ, વારંવાર આશ્રમની સંપૂર્ણ જવાબદારી નિભાવતાં નિભાવતાં આખરે આશ્રમનો સંપૂર્ણ કારભાર  તેમના પર જ આવી ચૂક્યો. પુસ્તકોનાં વાચન દરમિયાન કઠોર, કર્મનિષ્ઠ, આત્મવિશ્વાસુ આશ્રમ મૅનેજર અને આશ્રમના પ્રાણ તેવી જ છબી મનમસ્તિષ્કમાં કંડારાયેલી હતી. તેઓ પોતે પણ તે વાતનો સ્વીકાર સંતોક ગાંધી પરના એક પત્રમાં કરે છે. એક યુવા વેપારી, જે સ્વદેશ છોડી એક અજાણ્યા પ્રદેશમાં અનેક મુશ્કેલીઓ વેઠ્યા બાદ પણ આત્મવિશ્વાસરૂપી આકાશમાં આકાંક્ષાઓને અંકિત કરતો વેપારક્ષેત્રમાં પ્રથમ ડગ માંડી રહ્યો છે, જે અમુક વર્ષો વિતાવ્યા બાદ વેપારવાણિજ્ય જ નહીં, બલકે જીવનમર્મ પણ સમજવા લાગે છે. વિદેશની ભૂમિ પર કુટુંબથી જોજનો દૂર હોવા છતાં પ્રત્યક્ષતાની પૂર્તિ અર્થે કલમ દ્વારા લાગણીને વાચા આપી પરિવાર સાથે પત્રોના માધ્યમથી સંકળાયેલ રહે છે. એક તરફ વેપારની ચિંતા છે, તો બીજી તરફ પરિવારનો અસહ્ય વિરહ છે.

મગનલાલભાઈ પર લખાયેલા પુસ્તકના વાચન દરમિયાન ઘણાં પ્રકારના પ્રશ્નો સહજ રીતે ઊપજતા હતા, પરંતુ ધીરે-ધીરે વાચનની ગતિ પકડાતા મનમાં ઊઠતા સહજ પ્રશ્નોનો હલ પણ આપમેળે જ મળતો ગયો. અમુક વર્ષોમાં તો તે એક કુશળ વેપારી તરફની આગેકૂચ કરે છે. પત્ની સંતોકને પ્રેમભર્યા પત્રોમાં ‘વહાલી સંતી’ના પ્રિય સંબોધન સાથે રોમાંચિત પત્રો લખતા, તો બીજી તરફ એ જ પ્રાણપ્રિય પત્નીને એવી તે પ્રશ્નોની વણજારમાં કેદ કરતા આશ્ચર્ય સાથે વિચારોની સરવાણીઓ સ્ફુરવા લાગે છે. મિત્ર કનૈયાલાલને મિત્રતાભર્યા પત્રોમાં મૈત્રીની સુવાસ સાથે પત્નીની સાચી માહિતી પણ મેળવવાનો પ્રયત્ન કરે છે. મગનલાલભાઈને મન વિદેશની ભૂમિ પર રહેવું એટલે જિંદગી ખરાબ કરવી. પરિવાર કે દેશનાં સંસ્મરણોની સતામણી જ નથી, બલકે સદંતર તેમને ત્યાં ગમતું જ નથી. કોઈ પત્ર દ્વારા ત્યાં આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો તેઓ ઘસીને ના પાડી દે છે. એક પત્રમાં સાતેક વર્ષ વિતાવવાની વાત છે, પરંતુ તેઓ માટે તો એક-એક દિવસ વર્ષ સમાન છે, તેવું લાગી રહ્યું છે. મગનલાલભાઈએ તા.૨૬-૦૨-૧૯૦૪ના રોજ તેમના પિતા ખુશાલદાસ ગાંધી પર લખેલા પત્ર દ્વારા જાણી શકાય છે કે ગાંધીજીને તે સમય દરમિયાન ટ્રાન્સવાલમાં ભારતીયોના હક માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે!

૧૯૨૫ના ઑગસ્ટ માસમાં પટણાથી પોતાની નાની દીકરી રૂખીબહેનને પત્ર દ્વારા પત્રોનું મહત્ત્વ સમજાવતાં મગનલાલભાઈ પોતે જ કહે છે, “હું સાત અંગ્રેજી ભણી ઊતર્યો, ત્યાં સુધી લખવાની ને વિચાર પ્રગટ કરવાની શક્તિ મારામાં જાગી નહોતી. પછી પૂ. બાપુ સાથે દક્ષિણ આફ્રિકા ગયો અને ત્યાં તેમણે બહુ હેતુપૂર્વક કાગળ લખવા માંડ્યા અને દર અઠવાડિયે ટોંગાટથી જોહાનિસબર્ગ મારે તેમને એક કાગળ લખવો એવી આજ્ઞા કરી. તેમના સિવાય મારું કોઈ નહોતું. આથી આજ્ઞાને બરાબર નિખાલસભાવે પાળતાં હર્ષ, શોક, અભિલાષા, મહત્ત્વાકાંક્ષા વગેરે જેવા ઉમળકાઓ મારા બાળકમનમાં ઊઠતા તેવાં હું લાંબા-લાંબા કાગળો દ્વારા તેમને જણાવતો. તેઓ પણ દર અઠવાડિયે પ્રત્યુત્તરમાં દિલાસો, ઉત્સાહ, શિખામણો આપી એકલો નથી એવો આભાસ આપતા. આમ, વાંચનની સલાહ, પુસ્તકોની પત્રો દ્વારા ચર્ચા વગેરે સમય જતાં બાપુનો ભક્ત બની ગયો. અને આ એક જંગલી ઉન્મત્ત જુવાન હતો તેમાંથી વિચાર કરતો અને પોતાની દશાનું તથા આસપાસની દુનિયાની સમજણનું ભાન કરતો તેમણે મને પત્રવ્યવહારથી જ બનાવ્યો.” (આશ્રમનો પ્રાણ, પા.૯૫) આમ, આપણે પણ જાણી શકીએ છીએ કે જીવનઘડતરમાં શૈક્ષણિક પાઠોમાંથી એક પાઠ પત્રો પણ હોઈ શકે છે.

જે આગળ જતાં વણાટશાસ્ત્ર, ચરખાશાસ્ત્ર,  The Taklis Teacher વગેરે પુસ્તકોના પણ સાપ છે.

ખાદીભક્ત, વણાટશાસ્ત્રના તજ્જ્ઞ, કઠોર પારિશ્રમિક, આશ્રમનો પ્રાણ, આશ્રમ વધસ્તંભ આવાં અનેક શિરમોર બિરુદ વચ્ચે એક ખડતલ, આત્મવિશ્વાસથી સજ્જ વિરલ વ્યક્તિ આખરે સૌ કોઈના દિલમાં ધ્રુવ- તારો બની રહી છે. જેઓ ૪૪ વર્ષ, ૮ માસ, ૧૮ દિવસનું આયુ પૂર્ણ કરી ૨૩ એપ્રિલ, ૧૯૨૮ના રોજ વિદાય લે છે.

E-mail : ukgohil222@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 16 અને 15

Loading

ગુજરાતનો નાથ : મુનશીની સ્વપ્નવાસ્તવદત્તા સૃષ્ટિ

દીપક મહેતા|Opinion - Literature|6 May 2017

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ચોર્યાસી વર્ષની સફળ અને સુફળ જિંદગીમાં અનેક જુદાં જુદાં ક્ષેત્રો ખેડ્યાં એટલું જ નહીં, તેમાં અસાધારણ સફળતા પણ મેળવી. મુનશી એમના જમાનાના એક પ્રખર અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી હતા. યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં વિવિધ પદે રહી તેના કામકાજમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેળવણીકાર હતા. ૧૯૧૫ની હોમરૂલની ચળવળથી માંડીને ૧૯૪૭ સુધીની દેશની આઝાદી માટેની લડતમાં સક્રિય ભાગ લેનાર અગ્રણી સેનાની હતા. આઝાદી પહેલાં મુંબઈ રાજ્યની અને આઝાદી પછી કેન્દ્રની સરકારમાં એમણે પ્રધાન તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદના મુક્તિ સંગ્રામની જવાબદારી હિંમત અને કૂનેહપૂર્વક પાર પાડી. ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યના ગવર્નર બન્યા. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતરમાં મુનશીનું પ્રદાન અત્યંત મહત્ત્વનું છે. ચક્રવર્તી રાજગોપાલ ચારીએ સ્થાપેલા સ્વતંત્ર પક્ષના તેઓ ઉપપ્રમુખ હતા. તેમણે ગુજરાત સાહિત્ય સંસદ અને ‘ગુજરાત’ સામયિકની સ્થાપના કરી. ૧૯૨૬થી ૧૯૫૭, લગભગ વીસ વર્ષ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું પાલન, પોષણ અને સંવર્ધન પોતાની રીતે કર્યું. ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને તે પછીનાં તેત્રીસ વર્ષમાં તેની પ્રવૃત્તિઓનો અસાધારણ વિસ્તાર કર્યો.

આટલાં બધાં વિવિધ ક્ષેત્રોમાં, આટલા લાંબા વખત સુધી, આટલી સફળતાપૂર્વક, આટલી અસાધારણ કામગીરી બજાવી હોય એવો બીજો કોઈ ગુજરાતી મળવો મુશ્કેલ છે. નદીનો ધસમસતો પ્રવાહ કાળમીંઢ શિલાઓને પણ ઘસી નાખીને નાનકડા પથરા બનાવી દે છે તેમ કાળનો સતત વહેતો પ્રવાહ પણ ગમે તેવી સમર્થ પ્રતિભા ધરાવતી વ્યક્તિની સાથે સંકળાયેલા કેટલાક અર્થોને ઘસી નાખે છે. જેમ જેમ વખત જતો જશે તેમ તેમ મુનશીના નામ સાથે સંકળાયેલા અનેક અર્થોમાંથી કેટલાક ઘસાઈ જશે, કેટલાક ખરી પણ જશે. પણ ૧૯૧૩માં પ્રગટ થયેલી ‘વેરની વસૂલાત’થી શરૂ કરીને તેમણે લખેલાં ૫૬ જેટલાં ગુજરાતી અને ૩૬ જેટલાં અંગ્રેજી પુસ્તકોને પ્રતાપે મુનશીનું નામ ક્યારે ય સર્વથા વિસરાઈ જાય એ શક્ય નથી. ગુજરાતી સાહિત્ય માટે મુનશી એક અનન્યસાધારણ ઘટના છે. ગુજરાતી સાહિત્યના રસિકો મુનશીને ‘ગુજરાતનો નાથ’, ‘પૃથિવીવલ્લભ’ ‘ભગ્નપાદુકા’ અને કૃષ્ણાવતાર’ જેવી કૃતિઓ આપનાર  અત્યંત તેજસ્વી નવલકથાકાર તરીકે, ભાવના પ્રધાન ઐતિહાસિક-પૌરાણિક નાટકોના અને હાસ્ય પ્રધાન સામાજિક નાટકોના સર્જક તરીકે, થોડીક પણ સુંદર ટૂંકી વાર્તાઓ લખીને તે ક્ષેત્રે અગ્રયાયી બનનાર લેખક તરીકે, ગુજરાતી સાહિત્યનો વિસ્તૃત ઇતિહાસ એકલે હાથે અંગ્રેજીમાં લખનાર અભ્યાસી તરીકે, અને એક રસપ્રદ આત્મકથા લખનાર તરીકે ઓળખે છે અને ભવિષ્યમાં પણ ઓળખાતા રહેશે.

નવલકથાકાર તરીકેની મુનશીની શક્તિનું દર્શન તેમની બધી સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નવલકથાઓમાં વધતે ઓછે અંશે થાય જ છે. પણ આપણા ઘણા વાચકો અને વિવેચકોને મતે નવલકથાકાર મુનશીનું સૌથી સુભગ દર્શન થાય છે તે તો ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, અને ‘રાજાધિરાજ’, એ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં.

મુનશીની પહેલી ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ ‘ગુજરાતી’ સાપ્તાહિકના વાર્ષિક ભેટ-પુસ્તક તરીકે પ્રગટ થઇ ૧૯૧૬માં, પણ ચૌલુક્ય યુગના ઇતિહાસમાં મુનશીને છેક ૧૯૦૫થી રસ પડવા માંડ્યો હશે એમ લાગે છે. વડોદરા કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ‘કોલેજ મિસેલિની’માં તેમણે ૧૯૦૫માં ‘ગુજરાત: ધ ગ્રેવ ઓફ વેનિશ્ડ એમ્પાયર’ નામનો લેખ લખ્યો હતો. મહમદ ગઝનીએ સોમનાથના મંદિરને જમીનદોસ્ત કર્યું એ અંગેનો તેમનો લેખ ‘ધ કોન્ક્વેસ્ટ ઓફ સોમનાથ’ ૧૯૧૦ના અરસામાં ‘ઇસ્ટ એન્ડ વેસ્ટ’ નામના સામયિકમાં પ્રગટ થયો હતો.

૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ આપણી ભાષાની પહેલી નવલકથા ઐતિહાસિક નવલકથા છે. ત્યાર પછીનાં વર્ષોમાં મહીપતરામ નીલકંઠ, ઈચ્છારામ દેસાઈ, જહાંગીર તાલિયારખાન, મણિલાલ દ્વિવેદી, મણિલાલ ભટ્ટ, નારાયણ હેમચંદ્ર, અનંતપ્રસાદ વૈષ્ણવ, પ્રાણજીવન શાસ્ત્રી, પુરુષોત્તમ વિશ્રામ, નારાયણ ઠક્કુર, ડાહ્યાભાઈ મહેતા, જહાંગીર મર્ઝબાન, છગનલાલ મોદી, કરીમઅલી નાનજીઆણી, દુર્ગાનાથ દવે, નરસિંહભાઈ પટેલ વગેરે લેખકોએ મૌલિક, રૂપાંતરિત, કે અનુવાદિત ઐતિહાસિક નવલકથાઓ આપણી ભાષાને આપી છે. પણ તેમાંથી ઐતિહાસિક મહત્ત્વને કારણે ‘કરણઘેલો’ને બાદ કરતાં બીજા કોઈ લેખકની એકે કૃતિનું આજે આપણને નામ સુધ્ધાં યાદ રહ્યું નથી.

ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ બહાર પડ્યો તે જ વર્ષે, ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે ભરૂચમાં મુનશીનો જન્મ. ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે ગોવર્ધનરામનું મુંબઈમાં અવસાન થયું અને એ જ વર્ષના જૂન મહિનાની શરૂઆતમાં મુનશી ભરૂચથી મુંબઈ આવ્યા અને જીવનના અંત સુધી મુંબઈગરા બનીને રહ્યા. તેમનું ઘણુંખરું લેખન, સર્જન મુંબઈમાં થયું. જોતજોતામાં મુનશી તેમના જમાનાના ‘બેસ્ટ સેલર’ લેખક બની ગયા. પણ આજ સુધી તેમનાં પુસ્તકો – ખાસ કરીને નવલકથાઓ – ફરી ફરી છપાતાં અને વંચાતાં રહ્યાં છે, એટલે તેઓ આપણી ભાષાના એક ‘લોંગ સેલર’ લેખક પણ બની રહ્યા છે. નવલકથા વિષે મુનશીએ એક મુલાકાતમાં કહ્યું હતું: “નવલકથામાં કલાની બીજી ઘણી કસોટીઓ હશે – પણ મારી તો એક જ શરત છે: તેમાં રસ પડવો જોઈએ. વાંચતા રસ ન પડે તો, બીજો ગમે તે ગુણ હોય, હું એને નવલકથા ન કહું.” આજે પણ ‘ગુજરાતનો નાથ’ વાંચતાં આપણને રસ ન પડતો હોત તો આ રીતે તેને યાદ કરતા હોત ખરા?

અમદાવાદ નેશનલ બુક ફેર, ૨૦૧૭ દરમ્યાન આજે આપણે મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’ને યાદ કરીએ છીએ તે એક રીતે જોતાં તેના જન્મ દિવસની ઉજવણી બરાબર છે. કારણ ગયે મહિને ‘ગુજરાતનો નાથ’ના જન્મને એક સો વર્ષ પૂરાં થયાં. હાજી મહંમદ અલારખિયાના ‘વીસમી સદી’ નામના સામયિકના એપ્રિલ ૧૯૧૭ના અંકમાં આ નવલકથાનો પહેલો હપ્તો પ્રગટ થયો હતો. એટલે કે ‘ગુજરાતનો નાથ’ના પ્રાગટ્યને ગયે મહિને સો વર્ષ પૂરાં થયાં. છેલ્લો હપ્તો માર્ચ ૧૯૧૯ના અંકમાં છપાયો. મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં ૧૯૧૩ના ઓગસ્ટથી ૧૯૧૫ના જુલાઈ સુધી હપ્તાવાર પ્રગટ થઇ ત્યારે તે મુનશીના નામે નહિ, પણ ‘ઘનશ્યામ વ્યાસ’ના કૃતક નામે પ્રગટ થઇ હતી. ત્યાર બાદ એ જ સાપ્તાહિકના ભેટ પુસ્તક તરીકે પહેલી ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ પણ એ જ કૃતક નામે પ્રગટ થયેલી. ગુજરાતનો નાથ’ હપ્તાવાર છપાવા લાગી ત્યારે શરૂઆતમાં તે પણ ‘રા. ઘનશ્યામ’ના કૃતક નામે છપાતી હતી. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી ‘રા. ઘનશ્યામ’નું નામ દૂર કરી લેખક તરીકે ‘કનૈયાલાલ મા. મુનશી, એડવોકેટ’ એમ સાચું નામ મૂકવાનું શરૂ થયું.

એટલે, મુનશીના પોતાના નામે પ્રગટ થયેલી આ પહેલી નવલકથા. પુસ્તક રૂપે મુનશીના નામ સાથે ૧૯૧૯ના મે મહિનાની ૧૫મી તારીખે ‘વીસમી સદી’ દ્વારા જ પ્રગટ થઇ. ૫૦૦ નકલની આ પહેલી આવૃત્તિમાં રવિશંકર રાવળે દોરેલાં ૪૦ જેટલાં ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં. બીજી કોઈ પણ ગુજરાતી નવલકથામાં આટલાં ચિત્રો મૂકાયાં નહિ હોય. એ જમાનામાં મોંઘી ગણાય તેવી તેની કિંમત હતી, ત્રણ રૂપિયા. પુસ્તક માટે નરસિંહરાવ દિવેટિયાએ લખેલો લાંબો ‘ઉપોદ્ઘાત’ પણ ‘વીસમી સદી’ના ૧૯૧૯ના એપ્રિલ, જૂન અને જુલાઈ અંકમાં હપ્તાવાર પ્રગટ થયો હતો. આ ઉપરાંત એપ્રિલ ૧૯૧૯ના અંકમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ મુનશી વિષે લખેલો લેખ પણ હાજીએ પ્રગટ કર્યો હતો.

‘વેરની વસૂલાત’ છપાઈ ત્યારે ‘કોલમના ચૌદ આના’ લેખે જે પુરસ્કાર મળતો તે મુનશી માટે મોટી રકમ હતી. પણ ‘ગુજરાતનો નાથ’ વખતે વાત જૂદી હતી. મુનશી મુંબઈના એક પ્રતિષ્ઠિત વકીલ બની ચૂક્યા હતા. વકીલાતના કામમાં ગળાડૂબ રહેતા મુનશીએ ‘ગુજરાતનો નાથ’ કઈ રીતે લખી તે કૃષ્ણલાલ ઝવેરીના લેખમાંથી જાણવા મળે છે: “જેમ દરિયા કિનારે ભરતીની શરૂઆતમાં ધીમે ધીમે પાણીનાં મોજાંનું જોર વધતું જાય છે તેમ હાલ તેમને તેમના ધંધામાં થવા માંડ્યું છે. અને તેથી વીસમી સદીના આગ્રાહી અધિપતિને કોઈ કોઈ વાર પોતાનું વહાણ કિનારે આવેલું ડૂબી જશે એવો ભય રહ્યા કરે છે. કારણ મહિનાની આખર તારીખ આવે, વીસમી સદીનો અંક રૂપી રાક્ષસ પોતાનું ભક્ષ માગે, અને કનુભાઈ તો બ્રીફ વાંચવામાંથી પોતાનું માથું પણ ઊંચું સરખું કરે નહિ. આવી તડાતડી વખતે કનુભાઈની બુદ્ધિ તથા તેમના સંગીન અભ્યાસનું ખરેખરું તેજ પ્રકાશી નીકળે છે … એડિટરને ત્યાં જ બેસાડી, પેલી બ્રીફને ઊંચી મૂકી, કનુભાઈ થોડા વખતમાં જેમ સાળવી સાળ પર વણાટ કામ કરે, તેમ વણી આપી, તે અંક પૂરતો વીસમી સદીનો ખોરાક પૂરો પાડે.” મુનશીની આવી સજ્જતા અને તત્પરતા હોવા છતાં, એક વાર, જાન્યુઆરી ૧૯૧૯ના અંકમાં ‘ગુજરાતનો નાથ’નો હપ્તો ‘અનિવાર્ય સંજોગોને લીધે’ છપાયો નથી.

‘ગુજરાતનો નાથ’ પૂરી થયા પછી એ જ ‘વીસમી સદી’એ મુનશીની ‘પૃથિવીવલ્લભ’ પણ હપ્તાવાર છાપી. આવી બે અત્યંત તેજસ્વી નવલકથા એક પછી એક લખી શકે તેવા લેખકો અને છાપી શકે એવાં સામયિકો આજે આપણી પાસે છે કે કેમ એવો સવાલ થાય.

અગાઉ પ્રગટ થયેલી ‘પાટણની પ્રભુતા’નાં કથા અને પાત્રોનું અનુસંધાન ગુજરાતનો નાથમાં જોવા મળે છે, છતાં એક સ્વતંત્ર કૃતિ તરીકે પણ ‘ગુજરાતનો નાથ’ રસપૂર્વક વાંચી શકાય તેમ છે. ડો. એચ. જહાંગીર તારાપોરવાલા પરના એક પત્રમાં મુનશીએ ‘ગુજરાતનો નાથ’ વિષે લખ્યું હતું: “અહીં વધુ વિશાળ ફલક પર અને ઊંડા ગંભીર હેતુપૂર્વક ગુજરાતના ઇતિહાસને આલેખવાનો હેતુ રહેલો છે.” ‘ગુજરાતનો નાથ’ની કથા શરૂ થાય છે ત્યારે જયસિંહદેવ ઉંમરલાયક થઇ ગયો છે. મીનળદેવીનાં યુવાનીનાં નીર ઓસર્યાં છે. મુંજાલ સાથેનો તેનો પ્રેમ અને સત્તા અંગેનો સંઘર્ષ શાંત થઇ ગયો છે અને પરસ્પર સમાધાન અને સમજણનો સેતુ રચાઈ ગયો છે. જયસિંહદેવ રાજા બન્યો છે ખરો, પણ લગભગ નામનો જ. સત્તાનાં સૂત્રો તો મુંજાલના હાથમાં છે. આથી ક્યારેક જયસિંહદેવ અકળાય પણ છે. એક તરફ માળવા અને બીજી તરફ જૂનાગઢના આક્રમણનો ભય પાટણને સતાવી રહ્યો છે. એ વખતે ભરુચથી ત્રિભુવનપાલનો સંદેશો લઈને તેનો ખાસ માણસ કાક પાટણ આવે છે. પાટણ આવ્યા પછી તે પણ ત્યાંના રાજકારણમાં ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતમાં તે જયસિંહદેવનો વિશ્વાસ મેળવવા મથે છે, પણ મુંજાલને હાથે માત થતાં તેને મુંજાલનાં પ્રભાવ અને પ્રતિભાનો ખ્યાલ આવે છે. પછીથી તે પૂરેપૂરો મુંજાલના પક્ષમાં ભળી જાય છે. પાટણની રાજનીતિના બે મુખ્ય વિરોધીઓ છે કીર્તિદેવ અને કૃષ્ણદેવ (ખેંગાર). કાક એ બંને તરફ આકર્ષાઈ તેમનો મિત્ર બને છે. પણ રાજનીતિમાં નિર્ણાયક હોય તેવી ક્ષણે કાક મુંજાલનું ધાર્યું સિદ્ધ કરાવી આપે છે. કાકને આપણે પહેલી વાર મળીએ છીએ ત્યારે એ ત્રિભુવનપાલનો સંદેશવાહક અને સાધારણ લડવૈયો છે. ‘ગુજરાતનો નાથ’ને અંતે તેનાથી છૂટા પડીએ છીએ ત્યારે જયસિંહદેવ પણ જેનો પ્રતાપ જીરવી નથી શકતો એવો અસાધારણ પુરષસિંહ એ બની ગયો હોય છે. પાટણ પર માળવા અને જૂનાગઢના આક્રમણનો ભય તોળાતો હતો અને કથા દરમ્યાન એ બંને આક્રમણો થાય પણ છે, પણ ‘ગુજરાતનો નાથ’ની કેન્દ્રવર્તી ઘટના આ યુદ્ધો નથી. આ નવલકથાની કેન્દ્રવર્તી ઘટના તો કાક અને મંજરી વચ્ચેનો વિકસતો જતો સંબંધ છે. કાક પ્રત્યેના મંજરીના હાડોહાડ તિરસ્કારથી એ સંબંધ શરૂ થાય છે, અને મંજરીની સંપૂર્ણ શરણાગતિથી પૂરો થાય છે.

‘ગુજરાતનો નાથ’નાં પ્રસંગો અને પાત્રો આજની ઘણી નવલકથાની જેમ એક કે બે બેડ રૂમ, હોલ, કિચનના મર્યાદિત વિસ્તારમાં સમાઈ જાય એવાં નથી. એને માટે તો મુનશીની સર્જકપ્રતિભાએ રચેલો અનેક ખંડો, ગવાક્ષો, વીથિઓવાળો સપ્તભોમ પ્રાસાદ જોઈએ. આ નવલકથાની સંકુલ સ્થાપત્યરચના અને દૃઢબંધ આકૃતિ તેને આપણી નવલકથાની આકારરચનામાં મહત્ત્વની સિદ્ધિ રૂપ ઠેરવે તેમ છે. આથી જ ગુજરાતી નવલકથાની વિકાસયાત્રામાં ‘સરસ્વતીચંદ્ર’ પછીનું એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહી છે ‘ગુજરાતનો નાથ’.

શૌર્યની પ્રતિમા જેવો કાક, સૌન્દર્ય, સંસ્કાર અને સાહિત્યપ્રીતિની મૂર્તિ સમી મંજરી, કોઈ વિશાળ મહાલયના ભવ્ય ખંડેર જેવો મુંજાલ, પ્રૌઢ પ્રેમના ગંભીર સ્વસ્થ ચિત્ર જેવી મીનળદેવી, કુટિલ નીતિમાં પાવરધો ઉદો, સ્વપ્નદૃષ્ટા કીર્તિદેવ, ગૌરવશાળી ત્રિભુવનપાળ, તથા ગરવી રસિકા કાશ્મીરા દેવી, સ્વપ્નસભર સોમ તથા અલૌકિકતાના આવિષ્કાર સમી રાણક – આવાં વિવિધ રંગનાં પાત્રોની સૃષ્ટિ મુનશીએ આ નવલકથામાં ઘડી છે. કોઈ એક જ નવલકથામાં આટલાં બધાં યાદગાર પાત્રો જોવા મળે એવું આપણી ભાષાની નવલકથામાં વારંવાર બનતું નથી.

પાત્રવિધાનની મુનશીની કળા ‘ગુજરાતનો નાથ’માં સોળે કળાએ ખીલી છે, તો ‘પાટણની પ્રભુતા’માં જેનો પરિચય મળી ચૂક્યો હતો તે સંવાદકળા અહીં વધુ તેજસ્વી અને ધારદાર બની છે. મુંજાલ અને કાક વચ્ચેનો આ સંવાદ જુઓ:

કોઈ પણ જવાબ આપ્યા વિના મુંજાલે એના તરફ પીઠ ફેરવી અને કાકને દાંત પીસી કહ્યું: મારો રાજ કેદી તારે નસાડવો હતો, કેમ?

હું રાજકેદીને ઓળખતો નથી. મારી સ્ત્રીને અહિયાં કેદ કરી છે, મારા મિત્રને અહિયાં કેદ કર્યો છે – તેમને છોડાવવા એ હું મારો ધર્મ સમજું છું.

તારી સ્ત્રી?

ભૂલી ગયા? સજ્જન મહેતાના વાડામાંથી ઉદો મહેતો મંજરીને ઉપાડી લઇ ગયો હતો તે? પારકાની બૈરી લોકો ઉપાડી જાય, અને તેને પાછી લઇ જવાય નહિ. વાહ તમારો ન્યાય!

એ વાતની મારે પંચાત નથી જોઈતી. તેં રાજદ્રોહ કર્યો છે, એ જ બસ છે.

રાજદ્રોહ? હા, મેં લાટ જીતી આપ્યું, નવઘણને પકડી આપ્યો, અને કીર્તિદેવનું કાવતરું ફોડ્યું.

તેમાં જ તું ફાટ્યો છે. કાલે તને તો હાથીને પગે કચરાવીશ.

કચરાઓ, તમારી મગદૂર હોય તો. તમે હજુ મને ઓળખ્યો નહિ. મને હાથીને પગે કચરાવો, પછી જુઓ; કાલે મંડલેશ્વર તમારા દુશ્મન થશે, પાટણમાં વસેલા લાટના હજાર સુભટો બહારવટું લેશે, ને લાટ જીત્યું અણજીત્યું થઇ જશે.

છોકરા! તું કોને ડરાવે છે?

તમે તે કોણ થયા કે ન ડરો? ગર્વથી કાકે પૂછ્યું. મંજરી કાકના મુખની પ્રભાવભરી ભભક જોઈ રહી.

તે હું તને બતાવીશ.

તમે પાટણની સત્તાના પ્રતિનિધિ હશો, તો હું પણ છું.

તું? તિરસ્કારથી મુંજાલે પૂછ્યું.

હા, તમે ભૂતકાળના,પણ હું તો ભવિષ્યનો. શાંતિથી કાકે કહ્યું.  

અહીં સરળ, સ્વાભાવિક, પ્રવાહી શબ્દો અને વાક્યવિન્યાસની પસંદગીને લીધે સંવાદ સજીવ અને વાસ્તવિક લાગે છે અને આખું દૃશ્ય આંખ આગળ ખડું થઇ જાય છે. એટલું જ નહિ, મુંજાલ અને કાક, બંને પાત્રોના વ્યક્તિત્વના અંશોનો અણસારો પણ મળી રહે છે. ટૂંકાં ટૂંકાં વાક્યોથી વેધક અસરકારકતા ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’માં સાધી તે તો છેક ૧૯૨૬માં. તે પહેલાં દસ વર્ષે મુનશીએ એ સિદ્ધિ નવલકથામાં હાંસલ કરી લીધી હતી તે આ અને આવા બીજા અનેક સંવાદો પરથી જણાય છે.

મુનશી પોતે કુશળ નાટયલેખક પણ હતા અને એટલે જ ડ્રામેટિક અને થિયેટ્રિકલ સંવાદ વચ્ચેના, ડ્રામેટિક અને મેલોડ્રામેટિક એ બે વચ્ચેના ભેદનો એમને સતત ખ્યાલ રહે છે. મુનશીની સરખામણીમાં ગોવર્ધનરામમાં આ ભેદ અંગેની સભાનતા ઓછી જોવા મળે છે. સમકાલીન રંગભૂમિ પરના સંવાદોની અસર નીચે ‘સરસ્વતીચંદ્ર’ના સંવાદો ઘણી વાર થિયેટ્રિકલ જ નહિ, મેલો ડ્રામેટિક પણ બની જાય છે. પહેલા ભાગમાંથી એક દૃષ્ટાંત જોઈએ:

હાય! હાય! મને તે દૈવે શાને ઘડી? મને પરણવા તમારે દેવું થયું. મારી જાત એવી નકામી કે માતુશ્રીને આટલી અડચણ છતાં બારણે જઈ મારાથી કામમાં ન અવાયું અને એ ગયાં. એમનું કર્યું કોણ કરશે? એમનો અવતાર સફળ થયો, હું મોઈ નક્કામી, મારું પલ્લુંયે નકામું. તમને ન ખપે! હાય! હાય! વર્ષાસન ગયું તો ગયું, પણ બળ્યું એ પલ્લું! તમારે કામ ન આવે તો મારે પણ ન આવે. મારે શું કામ હતું એનું? હું તો માત્ર તમારું આવું શરીર અને આવું મોં જોવાને જ સરજી છું! આ નથી જોવાતું રે મારા નાથ!

દેવી! આમ શું કહે છે? વર્ષાસન ગયું તેની મને ખબર કેમ કરી નથી? હશે. તું નકામી નથી. તું નકામી કેમ? તું તો ઘણીયે કામ આવીશ. મારા આધાર – મારી વહાલી! મારી દેવી! ધીરજ રાખ. ઈશ્વર અનાથનો બેલી છે.

અહીં એક આડવાત નોંધવાનું મન થાય છે. સરસ્વતીચંદ્ર વિષે આજ સુધીમાં પુષ્કળ લખાયું છે, પણ તેના પર પડેલી તત્કાલીન ગુજરાતી રંગભૂમિ અને નાટકોની અસર વિષે કોઈકે અભ્યાસ કરવા જેવો છે.

આજ સુધીમાં ગુજરાતી ભાષાએ અનેક નવલકથાકારો જોયા છે. તેમાં મુનશી કરતાં વધારે સતેજ કલ્પનાશક્તિ ધરાવતા લેખકો નથી એમ નહિ. મુનશી કરતાં જેમની અવલોકનશક્તિ વધારે તીવ્ર હોય તેવા ય લેખકો જોયા છે. પાંડિત્યની બાબતમાં તો મુનશી કરતાં ચડી જાય એવા કેટલાયે લેખકો છે. મુનશીમાં હતી એના કરતાં ઘણી વધારે શ્રમવૃત્તિ પણ બીજા લેખકોમાં છે. અને છતાં ગુજરાતી નવલકથાની વિકાસયાત્રામાં મુનશીની નવલકથાઓ સીમાચિહ્ન રૂપ બની રહી છે તે તેની ભાષા અને કથનરીતિને કારણે. મુનશીએ રૂઢ નીતિ ભાવનાનો વિરોધ કર્યો, ઘટનાને જ મહત્ત્વ આપ્યું, તેજસ્વી પાત્રો આલેખ્યાં, ગુજરાતના ઉજ્જવળ ભૂતકાળનું નિરૂપણ કર્યું, એ બધું ખરું, પણ એ બધા કરતાં ય વધારે તો તેમણે નવલકથાને માટે સમુચિત અને પર્યાપ્ત ભાષા તથા કથનરીતિ પહેલી વાર સફળતાપૂર્વક નીપજાવી. નિબંધ, ચિંતન, પાઠ્ય પુસ્તક, કે ઇતિહાસ માટેની ભાષા અને નવલકથા માટેની ભાષા એ બે એક ન હોઈ શકે એનાં દૃષ્ટાંતો મુનશીએ પોતાની નવલકથાઓ દ્વારા આપ્યાં અને ગુજરાતી નવલકથા માટેની ભાષા ઇબારતનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું. મુનશીના અનુગામી નવલકથાકારો પર પણ મુનશીનો સૌથી વધુ પ્રભાવ પડ્યો હોય તો તે નવલકથાની ભાષાની બાબતમાં. છેક ૧૯૫૦ સુધીના આપણા ઘણાખરા નવલકથાકારોની, કંઈ નહિ તો શરૂઆતની કૃતિઓની, ભાષા પર મુનશીની ભાષાનો પ્રભાવ વરતાય છે. નવલકથાની ભાષા વિષે મુનશીએ પોતે એક મુલાકાતમાં કહ્યું હતું: “નવલકથા વાંચીને આ વસ્તુ સ્વાભાવિક છે, એવી છાપ પડવી જોઈએ. સર્જક પાસે જે જગત હોય, તેને યથાર્થ આકાર આપી શકે એવી ભાષા એની પાસે હોવી જોઈએ. નવલકથા ક્યાં ય પણ અસ્વાભાવિક લાગે તો એમાંનો રસ ઊડી જાય છે.”

‘ગુજરાતનો નાથ’નું એક મહત્ત્વનું પાત્ર મંજરી સર્વાંશે મુનશીની સર્જનાત્મકતાનું પરિણામ છે. પણ માત્ર મુનશીનાં જ નહિ, સમગ્ર ગુજરાતી નવલકથાનાં તેજસ્વી અને યાદગાર પાત્રોમાં સ્થાન પામે એવું એ પાત્ર છે. મંજરી ‘પંડિત પિતા તણી આત્મજા’ છે. તેની કલ્પનામાં કાલિદાસ વગેરે સંસ્કૃત રસસિદ્ધ કવીશ્વરો રમતા હોય છે. કાકને તો સંસ્કૃત આવડતું જ નથી તેથી મંજરી તેને તિરસ્કારે છે. પોતાના બુદ્ધિચાતુર્યથી, સાહસિકતાથી અને શૌર્યથી ગુજરાતના રાજકીય જીવનમાં ઊંચા સ્થાને પહોંચીને મંજરીનું હૃદય જીતવા કાક કટિબદ્ધ થાય છે. પરિણામે આખી નવલકથા પર મુંજાલ કે જયસિંહદેવ કરતાં ય વધુ પ્રમાણમાં કાક છવાઈ જાય છે. કાક પ્રત્યેનો મંજરીનો તિરસ્કાર તેના પ્રત્યેના પ્રેમમાં પરિવર્તન પામે છે એ ક્ષણોનું આલેખન કરતા પ્રકરણ ‘ઉષાએ શું જોયું?’માંથી કેટલોક ભાગ જોઈએ:

એક નર હતો, એક નારી હતી, પુરુષ વેશમાં. પુરુષ માથા નીચે કામળાનું ઉશીકું કરી ચત્તોપાટ ઊંઘતો હતો. તેની છાતી પર માથું ને ખભા ઢાળી સ્ત્રી પણ નિદ્રાવશ થઇ હતી. પુરુષનો હાથ સ્ત્રીની કેડની આસપાસ વિંટાયો હતો, સ્ત્રીનો હાથ પુરુષના ગળાની આસપાસ વિંટાવાની વાટ જોતો હતો. રમણીને રવિરાજની હાજરીનું ભાન થયું ને તેના પ્રફુલ્લ મુખ સામે તે એકી ટશે જોઈ રહી. બિચારા સૂર્યે નિઃશ્વાસ નાખ્યો, યુગોના યુગ પહેલાં કરેલા વિહારો તેને યાદ આવ્યા.

મંજરી નીચી વળી અને ધીમેથી, મદભર્યા, કોડભર્યા અવાજે બોલી: ઋષિરાજ! ક્યારે સમાધી છોડશો?

આ સ્વપ્ન કે સાચું?

ઋષિરાજ! તમારા જેવાને સ્વપ્નું – અમારે મન સાચું. જુઓ, ભગવાન સવિતાનો ક્યારનો ઉદય થયો છે! શિષ્યવૃંદો ક્યારના દર્ભ વીણવા નીકળી પડ્યા છે. આ તપોવનમાં વૃદ્ધ હરણો આપનાં વંદન માટે આવીને ઊભા!

કાક આ શબ્દોએ ઊભી કરેલી કલ્પનાસૃષ્ટિનો અનુભવ કરવા થોડી વાર મૂંગે મોઢે પડી રહ્યો ને પછી કહ્યું: હે સુંદરી! તમે ઇન્દ્રલોક છોડી અહિયાં શા માટે આવ્યાં?

પહેલાં આંખની એક અદ્ભુત ચમકે આ પ્રશ્નનો જવાબ દીધો અને પછી મીઠું, પથ્થર પીગળાવે તેવું, હાસ્ય હસીને તે બોલી: મહારાજ! આપની તપશ્ચર્યાએ ઇન્દ્રાસનો ડોલાવ્યાં છે, તેથી.

મારો તપોભંગ કરવા આટલી તસ્દી! ઠીક ત્યારે, કહી બેઠેલી મંજરીની કોટે વળગી કાક બેઠો થઇ ગયો. મારે તપશ્ચર્યા રહી ઊંચી. તમે છો એટલે બસ છે. તે અને મંજરી, બંને ખડખડાટ હસી પડ્યાં. 

‘ગુજરાતનો નાથ’ અને બીજી ઐતિહાસિક નવલકથાઓમાં મુનશીએ ઇતિહાસ સાથે લીધેલી છૂટ અંગે એક જમાનામાં આપણા વિવેચકોએ ઘણી ચર્ચા કરી હતી. આપણી પહેલી ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’ જ નહિ, તે પછીનાં વર્ષોમાં લખાયેલી આપણી મોટા ભાગની ઐતિહાસિક નવલકથાઓ ખ્યાત પાત્રો અને પ્રસંગોને કેન્દ્રમાં રાખીને લખાઈ હતી. એટલે ઇતિહાસની વિગતોને વફાદારી પૂર્વક વળગી રહે તે જ સાચી ઐતિહાસિક નવલકથા એવો એક ખ્યાલ આપણા વિવેચકોના મનમાં ઘર કરી ગયો. પહેલી નવલકથાથી જ ગુજરાતીમાં ઐતિહાસિક નવલકથાનો જે ઢાંચો બંધાયો તેમાં ઇતિહાસ મુખ્ય અને કલ્પના ગૌણ બની રહ્યાં. આથી આપણી ભાષામાં ‘ઐતિહાસિક નવલકથા’ એ સંજ્ઞા પૂર્વપદપ્રધાન બની રહી. જેમાં મોટા ભાગનાં પાત્રો અને પ્રસંગો કેવળ કાલ્પનિક હોય, ઐતિહાસિક હોય માત્ર પરિવેશ કે વાતાવરણ – એવી ઐતિહાસિક નવલકથા આપણને પ્રમાણમાં ઘણી મોડી મળી. ‘દર્શક’ની ‘દીપનિર્વાણ’ આ પ્રકારની પહેલી નોંધપાત્ર નવલકથા ગણી શકાય. જ્યારે મરાઠીમાં લખાયેલી પહેલી જ ઐતિહાસિક નવલકથા રા. ભિ. ગુન્જીકરની ‘મોચનગઢ’ (૧૮૭૧)નાં લગભગ બધાં પાત્રો અને પ્રસંગો કાલ્પનિક છે, જેના પરથી કૃતિનું નામ પડ્યું છે તે મોચનગઢ પણ કાલ્પનિક છે. ઐતિહાસિક હોય તો તે શિવાજી અને તેમના જમાનાના મહારાષ્ટ્રનું વાતાવરણ. આથી ઇતિહાસની વિગતોના અનુસરણ અંગેનો આગ્રહ મરાઠી ઐતિહાસિક નવલકથાના વિવેચકોમાં ભાગ્યે જ જોવા મળે છે. પરિણામે મરાઠીમાં ‘ઐતિહાસિક નવલકથા’ એ સંજ્ઞા ઉત્તરપદપ્રધાન બની રહી. મુનશીએ પોતે પણ આ અંગે ચોખવટ કરી જ છે. તેઓ લખે છે: “એ યાદ રહેવું ઘટ કે ઐતિહાસિક નવલકથા એ ઇતિહાસ નથી; એ ઐતિહાસિક ઢાળામાં ઢળેલી નવલકથા છે. ઐતિહાસિક નવલકથા લખનારને બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની રહે છે. પ્રથમ વિકલ્પ એ છે કે લેખક મૃત જગતના સવિસ્તર વર્ણનથી પોતાની નવલકથાનાં પૃષ્ઠો ભરે છે અને એ યુગમાં પાત્રો જે રીતે વર્ત્યાં હોય એ રીતે નિરૂપવા પ્રયત્ન કરે છે. જે નિરૂપવું લગભગ અશક્ય છે. બીજો વિકલ્પ, ઐતિહાસિક ઘટનાઓ અને વાતાવરણના ઢાંચામાં પ્રત્યેક યુગમાં, માનવજાત માટે સમાન એવા ચોક્કસ સ્થિતિ-સંજોગોને પડછે જીવંત સ્ત્રી-પુરુષો જે રીતે વર્તે એ રીતે પોતાનાં પાત્રોને નિરૂપવાનો છે … સ્વાભાવિક રીતે જ નવલકથાકાર તો પોતાના જ યુગનાં અને પોતાની જ આસપાસનાં સ્ત્રી-પુરુષોને જાણે છે. જો તેનાં પાત્રોમાં આ જીવનતત્ત્વ આરોપ્યું તો આ સ્ત્રી-પુરુષો નવલકથામાં આલેખાયેલા યુગનાં છે એવી ભ્રાંતિ ઉપજાવતા થોડાક જ ફેરફારો કરવા જોઈએ. સર્જનાત્મક કલાકારની કલાની આ જ કસોટી છે. સ્કોટ, ડૂમા, હ્યુગો અને ટોલ્સટોય જેવા મહાન કલાકારો આ કસોટીમાંથી પાર ઉતર્યા છે.” (કુલપતિના પત્રો, પા. ૨૧૯)

પોતાની કૃતિઓ વિષે મુનશીએ કહ્યું છે: “મારી કૃતિઓમાં મારી જે વિશેષતાઓ છે તે આ પ્રમાણે: રસપ્રદ કથાવસ્તુ, નાટ્યાત્મક પરિસ્થિતિઓનું ચિત્રણ, સંવાદ, અને સજીવ પાત્રો. હું પહેલે અને છેલ્લે વાર્તાકાર જ હતો અને છું.” મુનશી આપણી ભાષાના એક ઉત્તમ વાર્તાકાર છે એમાં શંકા નથી. પણ ભોળાભાવે તેમને માત્ર વાર્તાકાર માની લેવાની ભૂલ કરવા જેવી નથી. તેમનાં કથા અને પાત્રોની પાછળ કોઈ ને કોઈ આદર્શ કે ભાવનાનો પુરસ્કાર કરવાની નેમ રહેલી હોય છે. મુનશીએ જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે અંગ્રેજોને આક્રમક તરીકે ચિતરવાનું અશક્ય નહિ તો ય મુશ્કેલ હતું. એટલે ભારતની ઘણી ભાષાઓમાં અંગ્રેજોના આગમન પહેલાંના સમયના આક્રમકો – એટલે કે મુખ્યત્ત્વે મુસ્લિમ આક્રમકો – વિષે નવલકથાઓ લખાઈ છે અને કોઈ ને કોઈ રીતે તેનું અનુસંધાન સમકાલીન પરિસ્થિતિ સાથે સધાયું છે. ‘અસ્મિતા’ અંગેની પોતાની ભાવનાને, પોતાના આદર્શને રજૂ કરવાનો અહીં મુનશીનો આશય નથી એમ કહી શકાય તેમ નથી. ‘ગુજરાતનો નાથ’માં તેમણે અસ્મિતાનાં ત્રણ પગથિયાં જુદાં જુદાં પાત્રો દ્વારા રજૂ કર્યાં છે. રેવાપાલ એ લાટની અસ્મિતાનો – અત્યંત મર્યાદિત સ્થાનિક અસ્મિતાનો – પુરસ્કાર કરે છે. તેમનાથી એક પગથિયું ઉપર ચડી કાક અને મુંજાલ ગુજરાતની અસ્મિતાની હિમાયત કરે છે. જ્યારે કીર્તિદેવ તો સપનું જુએ છે અખંડ ભારતની અસ્મિતાનું. આ ત્રણે તબક્કાનો વિકાસ મુનશીના પોતાના જીવન અને વ્યક્તિત્વમાં પણ જોવા મળે છે. ‘ભાર્ગવ’ અને ‘આર્યપ્રકાશ’ જેવાં સામયિકોમાં લેખો લખનાર મુનશીમાં આપણને રેવાપાલ જોવા મળે. સાહિત્ય સંસદ અને ગુજરાતી સાહિત્ય પરિષદની ધુરા સંભાળનાર મુનશીમાં કાક અને મુંજાલની છબી જોઈ શકાય. જ્યારે ભારતીય વિદ્યા ભવનના સ્થાપક મુનશીની આંખોમાં આપણે કીર્તિદેવે જોયેલું સપનું અંજાયેલું જોઈ શકીએ. ઘટના કે વ્યક્તિ અંગેનાં ઐતિહાસિક તથ્યોના આલેખનમાં ક્યારેક ભૂલચૂક કરનાર મુનશી હિન્દીમાં જેને યુગબોધ કહે છે તેને પૂરેપૂરા વફાદાર રહે છે.

અખંડ ભારતની અસ્મિતા એ તેમનું પ્રિયતમ સપનું હોવા છતાં ‘ગુજરાતનો નાથ’માં પોતે જે સમયની વાત કરે છે તે સમયમાં એવું સપનું સાકાર થઇ શકે એમ હતું જ નહિ એ હકીકતથી મુનશી પૂરેપૂરા સભાન છે અને એટલે કીર્તિદેવના સપનાને એ સપનું જ રહેવા દે છે. એ સાચું પડે છે એવું નિરૂપણ કરવાના લોભમાં પડતા નથી. ભારતીય વિદ્યા ભવનના અંગ્રેજી સામયિક ‘ભવન્સ જર્નલ’ અને ગુજરાતી સામયિક ‘સમર્પણ’માં વર્ષો સુધી મુનશીએ લખેલા ‘કુલપતિના પત્રો’ નિયમિત રીતે છપાતા હતા. ૧૯૬૨ના માર્ચની પહેલી તારીખે લખેલા પત્રમાં મુનશી કહે છે: “પિસ્તાલીસ વર્ષ પહેલાં મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસને આલેખતી મારી નવલકથા ‘ગુજરાતનો નાથ’માં મારી કલ્પનાએ એક ભવિષ્યવેત્તાની સ્પષ્ટતાથી કોઈ પણ ભોગે ગુજરાતને શક્તિશાળી જોવા ઝંખતા મુંજાલ તથા અખિલ ભારતીય દૃષ્ટિબિંદુ ધરાવતા અને આવનારી આપત્તિને જોઈ શકતા તેના પુત્ર કીર્તિદેવ વચ્ચેનો સંઘર્ષ નિરૂપ્યો હતો. મુંજાલનો વિજય થયો અને કીર્તિદેવની એ ભીષણ આર્ષવાણી સાચી પડી. મુંજાલની ઝંખનાના બીજમાંથી એક રાજકીય અશાંતિ વિકસી જેની પરાકાષ્ઠા જોવા મળી અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં, માધવ અને બાડા મહારાજ વચ્ચેના સંઘર્ષ રૂપે. આ સંઘર્ષને મેં મારી ‘ભગ્ન પાદુકા’ નવલકથામાં આલેખ્યો હતો. મુંજાલ આજે ય ‘ગુજરાતની અસ્મિતા’નું વર્ચસ ધરાવે છે, અને કીર્તિદેવની ચેતવણીઓ બહેરા કાન પર અથડાય છે.”  

‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ જેવી નવલકથાઓમાં મુનશીએ જે સૃષ્ટિની રચના કરી છે તે ઇતિહાસના જ્ઞાત અંશોનું યથાતથ પ્રતિબિઁબ ઝીલતી નથી, તો બીજી બાજુ તે પૂરેપૂરી કલ્પનાજન્ય પણ નથી. અર્ધ જાગૃતિ અને અર્ધ સ્વપ્નાવસ્થામાં અનુભવાતી ધૂંધળી વાસ્તવિકતાભરી એ એક અનોખી કલ્પનાસૃષ્ટિ છે. તેને વાસ્તવિક માનવા જાવ ત્યાં તે કાલ્પનિક લાગે, અને કાલ્પનિક કહેવા જાવ ત્યાં વાસ્તવિક હોવાનો વહેમ જાય. કવિ ભાસના સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ્’માંના રાજા ઉદયનના સ્વપ્ન જેવો આ ખેલ છે. એટલે ‘ગુજરાતનો નાથ’ની નવલકથાની સૃષ્ટિ એ સ્વપ્નવાસ્તવદત્તાની સૃષ્ટિ છે.

નરસિંહરાવ દિવેટિયા જેવા એ જમાનાના વિદગ્ધ વિવેચકે પણ ‘ગુજરાતનો નાથ’ના વિસ્તૃત ઉપોદ્ઘાતમાં લખ્યું હતું: “કનૈયાલાલ મુનશીની વાર્તાકાર તરીકેની પ્રતિભાશક્તિ, કળા, સામર્થ્ય, એ આજ સુધી જણાયેલા વાર્તાકારો કરતાં વિલક્ષણ છે.”

‘ગુજરાતનો નાથ’ જેવી ઐતિહાસિક નવલકથા લખતી વખતે તેનો લેખક પોતાના સમયને, તેની સમસ્યાઓને, તેનાં પરિબળોને, કહો કે કાલ-બોધને વિસારે પાડતો નથી, પાડી શકે પણ નહિ. ઐતિહાસિક નવલકથાના લેખકનો પ્રયત્ન માત્ર ભૂતકાળનું ચિત્ર દોરી તેને સમજવાનો જ હોતો નથી. પણ એ ચિત્રના સંદર્ભમાં પોતાના સમયના વર્તમાનને સમજવાનો હોય છે, ભાવિની ભલે અલપઝલપ, પણ ઝાંખી મેળવવાનો હોય છે. ભૂતકાળનું નિરૂપણ એ તેનું સાધ્ય નથી, એક સાધન છે. આથી જ તે પોતાના વર્તમાનના સંદર્ભમાં ભૂતકાળને જુએ છે અને મૂલવે છે. અને ભૂતકાળના સંદર્ભમાં પોતાના વર્તમાન અને ભાવિને પ્રગટાવવાનો પ્રયત્ન કરે છે. ‘ગુજરાતનો નાથ’માં મુનશી ગુજરાતના ભૂતકાળને પોતાના સમકાલીન વર્તમાનથી અનુપ્રાણિત કરી શક્યા છે, અને વર્તમાન તથા ભાવિને ગુજરાતના ભૂતકાળના સંદર્ભમાં પ્રગટાવી શક્યા છે. વીસમી સદીની પહેલી પચ્ચીસીની ઐતિહાસિક માગ કે જરૂરિયાતનો જવાબ મુનશીની નવલત્રયીથી મળી રહ્યો. એ અર્થમાં ‘ગુજરાતનો નાથ’ હિસ્ટોરિકલ નવલકથા તો છે જ, પણ તે એક હિસ્ટોરિક નવલકથા પણ બની રહે છે.

અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશન આયોજિત ‘અમદાવાદ નેશનલ બુક ફેર 2017’ અંતર્ગત 03 મે, 2017 ના રોજ રજૂ કરેલું વક્તવ્ય                                                                   

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...3,3883,3893,3903,391...3,4003,4103,420...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved