Opinion Magazine
Number of visits: 9767645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ દ્વારા કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, દરેક પ્રશ્ન વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે એ સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. એ નીતિ પાકિસ્તાન સાથે પણ અપનાવવામાં આવે તો કેમ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2017

ચીને ડોકલામ પર કબજો કર્યો છે એ વિશે સંસદમાં ચર્ચા થાય એ સ્વાભાવિક છે.

રાજ્યસભામાં ચાર કલાક માટે ચર્ચા થઈ હતી જેમાં સભ્યોએ રચનાત્મક અભિગમ સાથે ચર્ચા કરી હતી. આવી સ્થિતિ શેને કારણે પેદા થઈ, ચીન ભુતાનનો પ્રદેશ ખાલી કરે એ માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભુતાન કેમ ચૂપ છે એવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ થવા સ્વાભાવિક છે. ચીન સાથે યુદ્ધની ભાષા પરવડે એમ નથી એ વિરોધ પક્ષો પણ જાણે છે એટલે દેશની આબરૂ જળવાય એ રીતે કોઈ રસ્તો નીકળવો કોઈએ એવો એકંદરે સૂર હતો. જો કે રાજદ્વારી કુનેહ એમાં છે કે જે સરકાર સત્તાવારપણે કહી ન શકતી હોય એ વિરોધ પક્ષો દ્વારા કહેવડાવવામાં આવે છે અને સરકાર વિરોધ પક્ષોની ભાવનાને ધ્યાનમાં રાખીને સભ્યોના ગુસ્સાને સમજવાની અને શાંત પાડવાની કોશિશ કરે છે. હજી જરૂર લાગે તો શાસક પક્ષના સભ્યોને પણ ઉદ્વેગી સૂરમાં બોલવાનું કહેવામાં આવે છે અને હજી વધુ જરૂર હોય તો જુનિયર કે કૅબિનેટ પ્રધાન બોલી જાય છે અને વડા પ્રધાન ભાવનાની નોંધ લઈને શાંત પાડે છે.

આને એકંદરે શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે જેમાં દરેકની ભૂમિકા હોય છે અને ક્યારેક તાકીદની કે ગૂંચવાડાભરી સ્થિતિમાં બધું આયોજનપૂર્વક થતું હોય છે. એવું પણ બન્યું છે કે વિરોધ પક્ષોને રસ્તા પર ઊતરીને આંદોલન કે દેખાવો કરવાનું કહેવામાં આવે છે. ડોકલામના મામલામાં વિરોધ પક્ષો ચીની એલચીકચેરી સામે દેખાવો કરે તો એમાં મેસેજ એટલો જ ગયો હોત કે ભારતની પ્રજા ચીનના વલણથી ખૂબ નારાજ છે, આંદોલિત છે અને ભારત સરકાર પ્રચંડ પ્રજાકીય દબાણ હેઠળ છે. રાજકારણમાં દબાણ હેઠળ મજબૂર હોવાનો દેખાવ કરવાનું પણ મહત્ત્વ છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ, પી. વી. નરસિંહ રાવે અને અટલ બિહારી વાજપેયીએ આ માર્ગ અપનાવ્યો હતો.

અહીં ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર જ સાડાત્રણ જણની છે અને વિરોધ પક્ષોને એક કે બીજા બહાને ખતમ કરવાની પેરવી ચાલી રહી છે. વડા પ્રધાન એવા છે જે દબાણ હેઠળ છે કે મજબૂર છે એનો દેખાડો કરવામાં પણ નાનપ અનુભવી રહ્યા છે. મને પૂછ્યા વિના દેશમાં ચકલું પણ ફરકી શકતું નથી એવી શૌર્યરસીય ધાક જમાવવાના મોહમાં મજબૂરીના કરુણરસની સકારાત્મક જરૂરિયાત તેમના ધ્યાનમાં આવતી નથી. સમજાવે કોણ? એ લાખ રૂપિયાનો સવાલ છે. ગૃહિણીઓ રસોડામાં સોએક જેટલી ચીજો રાખતી હોય છે જેમાં રોજના વપરાશમાં પાંચ-દસ ચીજો જ વપરાતી હોય છે અને બાકીની ચીજો વખત આવ્યે ખપમાં લેવાની હોય છે. શાસનવ્યવસ્થામાં દરેકની ભૂમિકા હોય છે અને વખત આવ્યે એને ખપમાં લેવાતી હોય છે. જેમ પાંચ વાનાંનું રસોઈઘર ન હોય એમ સાડાત્રણ જણની સરકાર ન હોય.

ખેર, ચર્ચાના ઉત્તરમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જે નિવેદન કર્યું એ મહત્ત્વનું છે અને ખાસ નોંધ લેવા જેવું છે. હકીકતમાં વડા પ્રધાને સરકાર વતી ખુલાસો કરવો જોઈતો હતો. બે મહિનાથી ચીન ભારતની છાતી પર આવીને ગળું દબાવીને બેઠું છે અને વડા પ્રધાને દેશની પ્રજાને સધિયારો આપતો શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. પખવાડિયા પહેલાં મન કી બાતમાં પણ ડોકલામ વિશે તેઓ કાંઈ બોલ્યા નથી. ડોકલામે હજી સુધી ભારતના વડા પ્રધાનના મનનો કબજો લીધો નથી એવો એનો અર્થ કરવાનો? જે પ્રશ્ન દરેકના મનમાં હોય એ વડા પ્રધાનના મનમાં ન હોય એવું બને? જો અત્યારે બોલવું ઉચિત ન લાગતું હોય તો મૌન રહેવું જોઈએ, પણ આખી દુનિયાનું ડહાપણ ડોળવું અને પ્રજાના મનમાં જે પ્રશ્ન ઘોળાતો હોય અને જે વાતનો ભય હોય એ વિશે ચૂપ રહેવાનું એ બરોબર નથી.

તો સુષમા સ્વરાજે રાજ્યસભામાં સભ્યોને અને એ દ્વારા દેશની પ્રજાને કહ્યું કે યુદ્ધથી ક્યારે ય કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. જગતમાં બધા પ્રશ્નો વાતચીત દ્વારા જ ઉકેલાયા છે. યુદ્ધ કરી લીધા પછી પણ વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. ટૂંકમાં, વાતચીત સિવાય બીજો કોઈ ઇલાજ નથી અને આ મજબૂરી નથી, દૂરંદેશી છે. ભારત ડોકલામ પ્રશ્ન ચીન સાથે વાતચીત દ્વારા ઉકેલશે અને સરકારને ખાતરી છે કે એ પ્રશ્ન ઉકેલાઈ જશે.

સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. આ જગતમાં કોઈ પ્રશ્ન યુદ્ધ દ્વારા ઉકેલાયો નથી અને ઉકેલાવાનો નથી. મહાભારતમાં પાંડવો પણ એક રીતે યુદ્ધ જીત્યા પછી હારી જ ગયા હતા. જો કૃતક રાષ્ટ્રવાદની ભંભેરી ચીવીસે કલાક વગાડવામાં ન આવતી હોત તો ચીન સાથેનો સરહદનો પ્રશ્ન દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગયો હોત. ૧૯૬૨ના યુદ્ધ પછી ચીને લદ્દાખનો ગ્લૅસિયરનો પ્રદેશ કબજે કરી લીધો ત્યારે જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે એ પ્રદેશ કોઈ જીવ વસી શકે એવો નથી અને ત્યાં તરણું પણ ઊગતું નથી. નેહરુની એ વાતના જવાબમાં કૉન્ગ્રેસના સભ્ય મહાવીર ત્યાગીએ માથા પરથી ટોપી કાઢીને ટાલ બતાવતાં કહ્યું હતું કે આ પ્રદેશમાં તરણું પણ ઊગતું નથી એટલે શું માથું કોઈને આપી દેવાનું? આવાં રાષ્ટ્રવાદી કથનો ટાંકતાં આપણે થાકતા નથી. એ પછી તો દરેક લોકસભાના પહેલા સત્રમાં ભારતે ગુમાવેલા પ્રદેશને પાછો મેળવવાની પ્રતિજ્ઞા લેવાતી હતી. હવે એ રિવાજ ભૂલી જવાયો છે.

તો યુદ્ધ દ્વારા કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, દરેક પ્રશ્ન વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે એ સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. યાદ માત્ર એટલી જ અપાવવાની કે આ ડહાપણ ભારતની પશ્ચિમે પાકિસ્તાન સાથે પણ ઉપયોગમાં લેવામાં આવે. એક દિશાએ બાવડાં બતાવવામાં આવે અને બીજી દિશાએ અનુનય કરવામાં આવે એ બરાબર નથી. સુષમાબહેને અને ભારત સરકારે આ પરમ જ્ઞાનનો ઉપયોગ ઘરઆંગણે કાશ્મીરીઓ સાથે પણ કરવો જોઈએ. પોતાના લોકો સાથે વાતચીત કરવામાં નાનપ શેની? તમે જ કહો છે કે દરેક પ્રશ્ન માત્ર અને માત્ર વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે અને લોહી રેડ્યા પછી પણ અંતે તો વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. કાશ્મીરીઓ સાથે પણ વાતચીત કરવામાં આવે એ જરૂરી છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં ભારત અને રશિયા વચ્ચે શાંતિકરાર થયો હતો એવો કોઈક કરાર થશે એવો મને ભય છે. જો ભારત અને રશિયા પર કોઈ ત્રીજો દેશ આક્રમણ કરે તો બન્ને એકબીજાને લશ્કરી સહયોગ કરશે એવો ૧૯૭૧નો ભારત-રશિયા કરાર હશે. જો આવો કોઈક કરાર ચીન અને પાકિસ્તાન વચ્ચે થાય અને એવી સંભાવના નજરે પડી રહી છે ત્યારે ભારતે સાઉથ એશિયા અને ચીન સાથેની વિદેશનીતિ વિશે નવેસરથી વિચારવું જોઈએ. એક જગ્યાએ સિંહ અને બીજી જગ્યાએ શિયાળની છાતીનું પ્રદર્શન કરીને વધારે હાસ્યાસ્પદ બનવાનું થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉગસ્ટ 2017

Loading

ભારત છોડો આંદોલન એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2017

૧૯૪૨નું આંદોલન થયું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પરંતુ એક ઓછા જાણીતા ઇતિહાસ વિશે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક ‘મોહનદાસ’માં ધ્યાન ખેંચ્યું છે. બ્રિટિશ સરકારે કૉન્ગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને એક જ જેલમાં અહમદનગરના ર્ફોટમાં કેદ કર્યા હતા. આવું આ પહેલાં કોઈ આંદોલન વખતે બન્યું નહોતું. લગભગ બે વરસના જેલવાસ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે બે વાતની સંમતિ બની ગઈ હતી. એક, યુદ્ધ પછી બ્રિટિશ સરકાર એટલી કમજોર થઈ ચૂકી હશે કે ભારતને આઝાદ કરવા સિવાય સરકાર પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય અને એ સ્થિતિમાં પાકિસ્તાન આપી દેવામાં ભારતનું હિત છે. બે, મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનો ખપ હવે પૂરો થઈ ગયો છે

૯ ઑગસ્ટે ભારત છોડો આંદોલનને ૭૫ વર્ષ થશે એટલે ભારતની પ્રજાએ આઝાદી માટે કરેલા છેલ્લા આંદોલનના અમૃત મહોત્સવનું વર્ષ છે. ૧૯૪૬માં મુંબઈમાં નૌકાદળના કટલાક સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો, પરંતુ એ નાનકડી ઘટના હતી અને એ પ્રજાકીય આંદોલન નહોતું એટલે ૧૯૪૨ના આંદોલનને છેલ્લું આંદોલન કહેવું જોઈએ. વર્તમાન સરકારે ૧૯૪૨ના ભારત છોડો આંદોલનની ઉજવણીમાં વિશેષ રસ દાખવ્યો નથી અને એ સ્વાભાવિક પણ છે. તેઓ જે પરિવારમાંથી આવે છે એની દેશપ્રેમની નાદારી એ ઘટના સાથે જોડાયેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને હિન્દુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ૧૯૪૨ના અંદોલનનો વિરોધ કર્યો હતો એટલું જ નહીં, અંગ્રેજ સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ આંદોલનનો વિરોધ કરી રહ્યા છે અને સરકારને મદદ કરવા તૈયાર છે. અહીં તેમણે કરેલું પરાક્રમ ચર્ચાનો વિષય નથી એટલે એને બાજુએ મૂકીએ.

વાચકોને જાણ હશે કે ૧૯૪૨ની ૯ ઑગસ્ટે ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડીને જતા રહેવાની હાકલ કરી ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. અંગ્રેજો માટે આ પાર કે પેલે પારનો અસ્તિત્વનો સંઘર્ષ હતો. શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીય પ્રજાની ભાવનાની ચિંતા નહોતી કરી અને ભારતના કૉન્ગ્રેસના નેતાઓને કે બીજા પક્ષોના નેતાઓને પૂછ્યા વિના ભારતને યુદ્ધમાં બ્રિટન વતી પક્ષકાર બનાવી દીધું હતું. આના વિરોધમાં કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. એ પછી જ્યારે બ્રિટન જર્મની સામે કમજોર પડવા માંડ્યું અને કદાચ યુદ્ધ હારી જશે એવા સંજોગો પેદા થવા લાગ્યા ત્યારે કૂણી પડી ગયેલી બ્રિટિશ સરકારે ભારતમાં ભારતીય નેતાઓ સાથે વાતચીત કરવા એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.

ભારતના નેતાઓ સાથેની યુદ્ધને સમર્થન આપવાની વાતચીત નિષ્ફળ નીવડી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે જો અંગ્રેજ સરકાર યુદ્ધ પછી ભારતને આઝાદી આપવાનું વચન આપે તો ભારત બ્રિટનના યુદ્ધપ્રયાસોમાં સમર્થન આપવા તૈયાર છે. બીજી બાજુ અંગ્રેજ સરકારના પ્રતિનિધિમંડળે આગ્રહ રાખ્યો હતો કે ભારતની પ્રજાએ અને કૉન્ગ્રેસે બિનશરતે યુદ્ધમાં સહકાર આપવો જોઈએ અને યુદ્ધ પછી સરકાર પૂરી સહાનુભૂતિ સાથે ભારતની પ્રજાની એષણા વિષે વિચારશે. ગાંધીજીએ અંગ્રેજોના વાયદાને નાદાર બૅન્કના પોસ્ટડેટેડ ચેક તરીકે ઓળખાવ્યો હતો. જો કે ગાંધીજીના પૌત્ર અને જાણીતા ઇતિહાસકાર રાજમોહન ગાંધી કહે છે કે આ પોસ્ટડેટેડવાળું વાક્ય કોઈકે ગાંધીજીના મોઢામાં મૂક્યું છે, ગાંધીજી આવું બોલ્યા હોય એવું કોઈ પ્રમાણ મળતું નથી. ગાંધીજી આ વાક્ય બોલ્યા હોય કે ન બોલ્યા હોય, એ વાક્ય અંગ્રેજોના વલણને પ્રગટ કરતું હતું.

અંગ્રેજોની દલીલ એવી હતી કે ‘યુદ્ધ સભ્યતા અને બર્બરતા વચ્ચેનું યુદ્ધ છે. માનવીયતા અને અમાનવીયતા વચ્ચેનું યુદ્ધ છે. બીજું વિશ્વયુદ્ધ ખુલ્લા સમાજ અને ફાસીવાદ વચ્ચેનું યુદ્ધ છે. લોકશાહી અને તાનાશાહી વચ્ચેનું યુદ્ધ છે. ભારતના નેતાઓએ આ હકીકત સ્વીકારવી જોઈએ અને માનવીયતાનો એક જાગતિક પોકાર અને તકાદો સમજીને કોઈ પણ પ્રકારની શરત મૂક્યા વિના ફરજ સમજીને એમાં સાથ આપવો જોઈએ.’

અંગ્રેજોની આ દલીલ જવાહરલાલ નેહરુ સહિત ભારતના અનેક નેતાઓને ગળે ઊતરતી હતી. એને માટે અંગ્રેજોના તર્કશાસ્ત્રની રાહ જોવાની પણ જરૂર નહોતી. આ ઉઘાડું સત્ય હતું અને એ અંગ્રેજો આપણને સમજાવે એ પહેલાં ભારતના નેતાઓ આ સમજતા હતા.

સવાલ હતો અંગ્રજોના બેવડા વલણનો. સંસ્થાનવાદ અને સંસ્થાનોનાં શોષણમાં ક્યાં માનવતા હતી? કોઈ પ્રજાને ગુલામ રાખવામાં આવે એમાં કયાં લોકશાહી મૂલ્યો હતાં? જો અંગ્રેજો ભારતને આઝાદી આપવાનું વચન આપે તો ભારત એ સ્વીકારવા તૈયાર છે કે આ સામ્રાજ્યવાદી યુદ્ધ નથી પરંતુ માનવીયતાને બચાવી લેવાની જેહાદ છે અને પ્રત્યેક ભારતીયની એ ફરજ બને છે કે એમાં એ આહુતિ આપે. જો અંગ્રેજો આવું વચન ન આપે તો એનો અર્થ એટલો જ થાય કે આ સામ્રાજ્યવાદી યુદ્ધ છે અને યુરોપનાં સામ્રાજ્યો ત્રીજા દેશોની ભૂમિ પર કબજો કરવા આપસમાં લડી રહ્યાં છે. ગાંધીજીએ આવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ કર્યા હતા અને અંગ્રેજોને આહ્વાન કર્યું હતું કે વધારે મોડું થાય એ પહેલાં બ્રિટિશ સરકારે એ જે કહે છે એ મુજબ ખરા ઊતરવું જોઈએ. સામે પક્ષે હિટલર અને મુસોલિની છે એટલે તમે આપોઆપ મહાત્મા સાબિત નથી થતા.

ગાંધીજીની આ વાત ગળે ઊતરે એવી હતી; પરંતુ ત્યારે જવાહરલાલ નેહરુ, સી. રાજગોપાલાચારી જેવા કૉન્ગ્રેસના ઘણા નેતાઓને આ વાત ગળે નહોતી ઊતરી. તેમને એમ લાગતું હતું કે બીજું વિશ્વયુદ્ધ ખરેખર સભ્યતા અને બર્બરતા વચ્ચેનું યુદ્ધ છે. તેમને એમ પણ લાગતું હતું કે યુદ્ધ માનવીયતાને બચાવી લેવાનો જાગતિક પોકાર છે અને ભારતે આઝાદીની માગણી થોડો સમય મુલતવી રાખીને બ્રિટિશ સરકારને ટેકો આપવો જોઈએ. ગાંધીજીથી ઊલટું તેમને એમ પણ લાગતું હતું કે હિટલર અને મુસોલિની માનવસભ્યતાએ પેદા કરેલા રાક્ષસો છે અને ઉપરથી તેઓ ફાસીવાદી રાક્ષસી વિચારધારા સાથે યુદ્ધ લડી રહ્યા છે, જો યુદ્ધમાં જર્મની અને ઇટાલીનો વિજય થશે તો સામ્રાજ્યવાદી સંસ્થાનવાદની જગ્યા ફાસીવાદી સંસ્થાનવાદ લેશે અને એ ભયાનક હશે. હા, સામે હિટલર અને મુસોલિની છે એટલે ચર્ચિલને મહાત્મા નહીં તો માણસ તો કહેવા જ પડશે. કૉન્ગ્રેસના કેટલાક નેતાઓએ તો કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારોએ રાજીનામાં આપવાં જોઈએ એવા પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. ટૂંકમાં, કૉન્ગ્રેસની અંદર બીજા વિશ્વયુદ્ધને લઈને લાંબું વિચારમંથન ચાલ્યું હતું અને નિર્ણય કરવો સહેલો નહોતો.

એક માત્ર સુભાષચંદ્ર બોઝના મનમાં કોઈ મૂંઝવણ નહોતી. તેઓ એમ માનતા હતા કે દુશ્મનના દુશ્મન મિત્ર તરીકે ભારતે ધરી રાષ્ટ્રોને મદદ કરવી જોઈએ અને ભારતમાંથી અંગ્રેજોને તગેડવા મદદ લેવી જોઈએ. તેમની આ રણનીતિને લગભગ હસી કાઢવામાં આવી હતી, કારણ કે એમાં નર્યું રાજકીય અજ્ઞાન અને ભોળપણ હતું. તેમની દેશદાઝ અને જવાંમર્દી માટે જેટલી વાર વંદન કરો એટલાં ઓછાં છે, પરંતુ એમાં રાજકીય અપરિપક્વતા હતી. તેમને ગાંધીજીએ તેમ જ તેમના મિત્ર (જી હા મિત્ર, જિગરજાન મિત્ર) જવાહરલાલ નેહરુએ સમજાવવાની કોશિશ કરી હતી કે આ દુશ્મનને મારવા જમને ઘરે બોલાવવા જેવું થશે એટલે આવું સાહસ કરવા જેવું નથી. બીજું, આમાં સફળતા મળવાની શક્યતા નહીંવત્ છે. સુભાષબાબુ તો સુભાષબાબુ હતા. સંકલ્પ કર્યો કે એની પૂર્તિ માટે જાન આપી દેનારા. એ  પછી જે બન્યું એ ઇતિહાસ છે. સુભાષબાબુની શહાદત એ કારણ વગરની શોકાંતિકા છે.

સામ્યવાદીઓએ તો પોતાને જોકર સાબિત કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધને પ્રારંભમાં સામ્યવાદી રશિયાએ સામ્રાજ્યવાદી યુદ્ધ જાહેર કર્યું હતું એટલે ભારતના સામ્યવાદી બિરાદરો બ્રિટનના યુદ્ધપ્રયાસોનો વિરોધ કરતા હતા. તેમણે કૉન્ગ્રેસ નિર્ણય લે એ પહેલાં નિર્ણય લઈ લીધો હતો એટલે સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી હિટલરે રશિયા પર હુમલો કર્યો અને અત્યાર સુધી તટસ્થ રહેલા રશિયાએ મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં ઊતરવું પડ્યું હતું. રશિયા જેને સામ્રાજ્યવાદી યુદ્ધ તરીકે ઓળખાવતું હતું એ નવી સ્થિતિમાં લોકયુદ્ધ (પીપલ્સ વૉર) તરીકે ઓળખાવા લાગ્યું. અહીં ભારતમાં પણ સામ્યવાદીઓ બીજા વિશ્વયુદ્ધને લોક્યુદ્ધ તરીકે ઓળખાવવા લાગ્યા અને બ્રિટિશ સરકારને મદદ કરવા લાગ્યા. એટલે તો સામ્યવાદીઓ માટે મજાકમાં એમ કહેવાતું હતું કે રશિયામાં વરસાદ પડે તો ભારતના સામ્યવાદીઓ અહીં છત્રી ઉઘાડતા હતા. 

ડૉ. બાબાસાહેબ આંબેડકરે અને સામ્યવાદીમાંથી માનવતાવાદી (હ્યુમનિસ્ટ બનેલા માનવેન્દ્રનાથ રૉયે બ્રિટિશ સરકારને ઉઘાડો અને સક્રિય ટેકો આપ્યો હતો. ભારત છોડો આંદોલનને નિષ્ફળ બનાવવા માટે, બ્રિટિશ સરકારને ટેકો આપવા માટે અને બ્રિટિશ સરકારના યુદ્ધપ્રયાસોની તરફેણમાં લોકમત બનાવવા માટે આ બન્ને નેતાઓને મહિને ૧૩,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. ડૉ. આંબેડકર જ્યાં સુધી દલિતોના પ્રશ્ને કૉન્ગ્રેસ સાથે પાકી સમજૂતી ન થાય અને કૉન્ગ્રેસ એની દલિતો માટેની નીતિ સ્પષ્ટ ન કરે ત્યાં સુધી નહોતા ઇચ્છતા કે ભારત સ્વતંત્ર થાય. તેમને કૉન્ગ્રેસ પર અને કંઈક અંશે ગાંધીજી પર પણ ભરોસો નહોતો. માનવેન્દ્રનાથ રૉય એવું માનતા હતા કે સંસ્થાનવાદ અને ભારતની આઝાદી કરતાં આધુનિક માનવીય મૂલ્યોની કિંમત અદકેરી છે માટે મિત્રરાષ્ટ્રોનો વિજય જરૂરી છે. ફાસીવાદ એક ભસ્માસુર છે એટલે ઇન્ડિયન ફ્રીડમ કૅન ઍન્ડ શુડ વેઇટ.

સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહાનુભૂતિ ઇટલીના ફાસિસ્ટ બેનેટો મુસોલિની માટે હતી. બી. એસ. મુંજે નામના હિન્દુત્વવાદી નેતા અને ડૉ. હેડગેવારના ગુરુ ઇટલી જઈ આવ્યા હતા અને ઇટલીમાં ફાસીવાદી સંગઠન કઈ રીતે કામ કરે છે, કઈ રીતે લોકોને ભરમાવે છે, કઈ રીતે સંગઠનની બાંધણી કરે છે, કઈ રીતે તેઓ સત્તા સુધી પહોંચ્યા હતા એનો અભ્યાસ કરી આવ્યા હતા. તેમણે નાશિકમાં ભોસલા મિલિટરી સ્કૂલની સ્થાપના કરી હતી અને તેમના હિન્દુત્વવાદી મિત્ર બૅરિસ્ટર જયકરે મુંબઈમાં સ્વસ્તિક લીગની (હિટલરનો સ્વસ્તિક યાદ હશે). એટલે તો RSS ઇઝ મોર ઇટાલિયન ધેન સોનિયા ગાંધી એમ કહેવાય છે.

બન્યું એવું કે એ પછી વિશ્વયુદ્ધ શરૂ થયું અને બ્રિટિશ સરકારે વિરોધ કરનારાઓને જેલમાં પૂરવાનું શરૂ કર્યું ત્યારે તેમનાં ગાત્રો ઢીલાં થવા લાગ્યાં હતાં અને ડરીને તેમણે સરકારને લખીને જણાવ્યું હતું કે તેઓ સરકારના યુદ્ધપ્રયાસોને ટેકો આપે છે અને ગાંધીજીના ભારત છોડો આંદોલનનો વિરોધ કરે છે. તેમણે જરા વધારે પડતી વફાદારી બતાવવી જરૂરી હતી, કારણ કે બી. એસ. મુંજે ઇટલી ગયા હતા અને મુસોલિનીને મળ્યા હતા એની સરકારને જાણ હતી અને તેમને ડર હતો કે સરકાર તેમને છોડશે નહીં. એટલે તો એ સમયે મજાકમાં એમ કહેવાતું હતું કે ભૂગર્ભ આંદોલન કરનારાઓ માટે છુપાવા માટે સૌથી સુરક્ષિત જગ્યા સામ્યવાદીઓ અને હિન્દુત્વવાદીઓનાં રહેઠાણો અને ઑફિસો છે.

છેલ્લે મુસ્લિમ લીગ. મુસ્લિમ લીગે કૉન્ગ્રેસ જ્યાં સુધી પોતાની ભૂમિકા સ્પષ્ટ ન કરે ત્યાં સુધી દહીં-દૂધમાં પગ રાખ્યો હતો. આગળ કહ્યું એમ કૉન્ગ્રેસમાં બ્રિટિશ સરકારને શરતી ટેકો આપવો કે બિનશરતી એ વિશે મતભેદ હતા. કૉન્ગ્રેસે જ્યારે શરત રજૂ કરી અને છેવટે અંગ્રેજોને ભારત છોડીને જતા રહેવાનું આંદોલન કરવાનો નિર્ણય લીધો એ પછીથી મુસ્લિમ લીગે બ્રિટિશ સરકારને ખુલ્લો ટેકો આપ્યો હતો. સ્વાભાવિકપણે સરકાર કૉન્ગ્રેસવિરોધી વલણ અપનાવવાની હતી અને એમાં મુસ્લિમ લીગને ફાયદો હતો. મુસ્લિમ લીગ બની શકે એટલા પ્રમાણમાં સરકારની નજીક ગઈ હતી અને બ્રિટિશ સંકટનો વધુમાં વધુ લાભ લીધો હતો. મોહમ્મદઅલી જિન્નાહે માત્ર એક ટાઇપરાઇટર દ્વારા એક રાજ્ય(પાકિસ્તાન)ની સ્થાપના કરી હતી એમ જે કહેવાય છે એમાં બીજા વિશ્વયુદ્ધનો મોટો ફાળો હતો. બ્રિટિશ સરકારે પાકિસ્તાન માટેના આંદોલનને શિરપાવ તરીકે વળતો ટેકો આપ્યો હતો અને લીગને એમાં દરેક પ્રકારની મદદ કરી હતી.

કૉન્ગ્રેસે જો બ્રિટિશ સરકારને બિનશરતી ટેકો આપ્યો હોત અને જો ભારત છોડો આંદોલન ન કર્યું હોત તો ભારતનું વિભાજન ન થયું એવી એક થિયરી છે. કૉન્ગ્રેસે ૧૯૩૭માં સંયુક્ત પ્રાંત (અત્યારનું ઉત્તર પ્રદેશ) મુસ્લિમ લીગ સાથે ભાગીદારીમાં સરકાર રચી હોત તો ભારતનું વિભાજન ન થયું હોત એવી બીજી થિયરી છે. ઇતિહાસમાં જો અને તોની વાતો થતી જ રહેતી હોય છે, પરંતુ એનો કોઈ અર્થ હોતો નથી. દરેક નિર્ણય પ્રાપ્ત પરિસ્થિતિના સંદર્ભમાં લેવાતો હોય છે.

ખેર ૧૯૪૨નું આંદોલન થયું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પરંતુ એક ઓછા જાણીતા ઇતિહાસ વિશે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક ‘મોહનદાસ’માં ધ્યાન ખેંચ્યું છે. બ્રિટિશ સરકારે કૉન્ગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને એક જ જેલમાં અહમદનગરના ર્ફોટમાં કેદ કર્યા હતા. આવું આ પહેલાં કોઈ આંદોલન વખતે બન્યું નહોતું. લગભગ બે વરસના જેલવાસ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે બે વાતની સંમતિ બની ગઈ હતી. એક, યુદ્ધ પછી બ્રિટિશ સરકાર એટલી કમજોર થઈ ચૂકી હશે કે ભારતને આઝાદ કરવા સિવાય સરકાર પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય અને એ સ્થિતિમાં પાકિસ્તાન આપી દેવામાં ભારતનું હિત છે. આને કારણે આઝાદી વહેલી મળશે અને અર્થાન્તરે સત્તા પણ વહેલી મળશે. બે, મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનો ખપ હવે પૂરો થઈ ગયો છે એટલે હવે તેમની ઉપેક્ષા થઈ શકે એમ છે. આમાં સરદાર પટેલ અગ્રેસર હતા. ૧૯૧૬થી ૧૯૪૨ દરમ્યાન સરદાર ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા હતા અને ગાંધીના સરદાર તરીકે ઓળખાતા હતા એ જ સરદાર ગાંધીજીને સૌથી ઓછું સાંભળતા હતા.

એ પછીનાં વર્ષો ગાંધીજીની પીડાનાં વર્ષો છે, એકલતાનાં વર્ષો છે, અરણ્યરુદનનાં વર્ષો છે એ આપણે જાણીએ છીએ. અંતે ઇતિહાસનાં વહેણોને ક્યાં કોઈ બદલી શક્યું છે. જે બન્યું એ ઇતિહાસ છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે-સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2017

Loading

ટીચર ટીચર … નો, મમ્મા; ટ્યુટર ટ્યુટર … યસ, પાપા

વિશાલ શાહ|Opinion - Opinion|6 August 2017

શિક્ષણ એ જીવન જીવવાની તૈયારી નથી, શિક્ષણ ખુદ જીવન છે.

૨૦મી સદીના મહાન વિચારકો પૈકીના એક ગણાતા અમેરિકન તત્ત્વજ્ઞાની, મનોવિજ્ઞાની અને શિક્ષણવિદ્દ જ્હોન ડુઇ(૨૦મી ઓક્ટોબર, ૧૮૫૯-પહેલી જૂન, ૧૯૫૨)ના આ એક જ વાક્ય પર અત્યાર સુધી અનેક ગ્રંથો લખાઈ ચૂક્યા છે. ચીન અને જાપાનમાં થયેલા શૈક્ષણિક સુધારા પર પણ ડુઇના વિચારોનો જબ્બર પ્રભાવ છે. ડુઇનું કહેવું હતું કે, શૈક્ષણિક જીવન જ અસલી જિંદગી છે. આપણે આગળની જિંદગી કેવી રીતે જીવીશું એની લ્હાયમાં મહામૂલાં વર્ષોને શિક્ષણના ભાર તળે દબાવી દઈએ છીએ. આ વાત પ્રાથમિક શિક્ષણને સૌથી વધારે લાગુ પડે છે કારણ કે, જિંદગીના એ જ સમયગાળામાં બાળકો શિક્ષણની સાથે સાથે સ્વશિક્ષણ પણ લઈ રહ્યા હોય છે. બાળકોને શિક્ષણ તો આપવું જ પડે, પરંતુ તેમને જાતે શિક્ષણ લેવા મુક્તિ આપવી પણ એટલી જ જરૂરી છે.

***

આજકાલ ઉચ્ચ શિક્ષણમાં ફૂલેલીફાલેલી એન્ટ્રન્સ કોચિંગ ઈન્ડસ્ટ્રી અને સ્પર્ધા કરતાંયે વધારે ચિંતાજનક મુદ્દો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં આડકતરી રીતે ફરજિયાત થઈ ગયેલી ટ્યૂશન પ્રથા છે. બાળકોને જાણે નર્સરીથી જ વિશ્વ વિજેતા બનવા મોકલવાનો હોય એટલું સ્પર્ધાનું વાતાવરણ આપણે સર્જી દીધું છે. આ સ્થિતિ માટે રાજકારણીઓ કરતાં વધારે મોટા ગુનેગાર આપણે જ છીએ. સ્કૂલોની ઊંચી ફી ભર્યા પછીયે ટ્યૂશન ફરજિયાત કેમ? હા, આડકતરી રીતે પ્રાઈવેટ ટ્યૂશન ફરજિયાત જ થઈ ગયું છે. સ્કૂલથી જ પાયો કાચો રહી જશે તો મારો દીકરો કે દીકરી જિંદગીમાં કશું કરી જ નહીં શકે એવા કાલ્પનિક ભયે લાખો વિદ્યાર્થીઓનાં બાળપણને બરબાદ કરી નાંખ્યું છે. હસતા રમતા શીખવાની ઉંમરે પણ ટ્યૂશન પ્રથા હાવી થઈ ગઈ છે.

આપણા અનેક સાહિત્યકારો-લેખકોએ પણ સ્કૂલમાં ઘંટ પડવાની ક્ષણને આનંદમય ગણાવી છે. આવું કેમ? બાળકોને સ્કૂલમાં ભણવું જ નહીં ગમતું હોય? જો આવું હોય તો બાળકોને અપાતાં શિક્ષણ વિશે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. સ્કૂલમાંથી બહાર આવતા બાળકોને જોઈએ ત્યારે તેમનું બાળપણ જ છીનવાઈ ગયું હોય એવું સ્પષ્ટ જોઈ શકાય છે! શહેરોની મોટા ભાગની સ્કૂલો ગીચ રહેણાક વિસ્તારોમાં હોય છે. પાર્કિંગની પૂરતી જગ્યા હોતી નથી. બાળકોની જોખમી ટ્રાફિક વચ્ચે જ અવરજવર કરતા હોય છે. આ સ્થિતિમાં સ્કૂલ છૂટવાનો ઘંટ વાગે એ પહેલાં માતાપિતા, વાલીઓ, રિક્સા કે વાન ડ્રાઈવરો સ્કૂલની આસપાસ ગોઠવાઈ ગયા હોય છે. એકેયને સમય બગાડવાનું પોસાય એમ નથી કારણ કે, સ્કૂલનો સમય માંડ પૂરો થાય છે ત્યાં ટ્યૂશનની સાથે સાથે ક્રિકેટ, સ્વિમિંગ, સ્કેિટંગ, માર્શલ આર્ટ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, યોગ, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ, કેલિગ્રાફી, પેઇન્ટિંગ, અબાકસ કે વૈદિક ગણિતના જાતભાતના ક્લાસીસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય છે. વળી, આ બધું પતાવીને સ્કૂલ અને ટ્યૂશનનું લેસન પાછું ઘરે કરવાનું હોય છે.

સ્કૂલે જતા જતા બાળકોને નાસ્તાના બે લંચ બોક્સ અપાય છે, એક સ્કૂલ રિસેસમાં ખાવા અને બીજું વાન-રિક્સામાં ખાવા. વાલીઓએ આ સ્થિતિ સ્વીકારી લીધી છે. એટલે જ તેઓ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પણ ફનના બદલે ફેનેટિકની જેમ કરાવે છે. બાળકો નાના હોય તો જુદા જુદા ક્લાસીસમાં પણ માતાપિતાએ જ તેમને લેવા-મૂકવા જવું પડે છે. કોઈ પણ નાના-મોટા શહેરમાં સ્પોર્ટ્સ ક્લાસીસની બહાર પાણી, લીંબુ શરબત, જ્યૂસ અને લસ્સીના ટેટ્રાપેક લઈને વાલીઓના પણ 'ક્લાસ' ચાલુ હોય એવા દૃશ્યો સામાન્ય છે. બાળકોને સ્કૂલે જવા ઊઠીને તૈયાર થવામાં, સ્કૂલ સુધી જવામાં, સ્કૂલમાં ભણવામાં અને સ્કૂલથી પાછા આવવામાં જ આઠેક કલાકનો સમય ખર્ચાઈ જાય છે. સ્કૂલિંગ, એક્સ્ટ્રા ક્લાસ અને ટ્યૂશનમાં બાળક સાથે માતાપિતાનો પણ સમય પૂરો થઈ જાય છે. જો બાળકોની દિનચર્યામાંથી ટ્યૂશનનો સમય નીકળી જાય તો સ્પોર્ટ્સ કે આર્ટને લગતી પ્રવૃત્તિમાં વધુ સારું પર્ફોર્મન્સ આપી શકે, પરંતુ દેખાદેખી અને સ્પર્ધાના કારણે સર્જાયેલા વાતાવરણમાં કોઈ વાલી ટ્યૂશન છોડાવવાની હિંમત કરી શકતા નથી. વર્કિંગ કપલની સંખ્યા વધી રહી હોવાથી પણ ટ્યૂશન ક્લાસીસનો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે.

આ બધા ય મુદ્દાની રજૂઆત પછીયે એકવાત નક્કી છે કે, જો સ્કૂલમાં જ સારું શિક્ષણ મળે તો ટયૂશનો કરાવવા જ ના પડે. એ માટે વાલીઓએ જ સામૂહિક રીતે સ્કૂલો સાથે સતત સંપર્કમાં રહેવું પડે, પરંતુ એક હજાર વિચાર કરીને જે સ્કૂલમાં બાળકને મૂક્યું છે ત્યાંના શિક્ષણથી મોટા ભાગના માતાપિતાને સંતોષ નથી. અનેક વાલીઓ શબ્દો ચોર્યા વિના કહેતા હોય છે કે, અમને સ્કૂલ ટીચિંગમાં વિશ્વાસ જ નથી. સ્કૂલ ટીચર એક ક્લાસમાં બધાં બાળકો પર ધ્યાન નથી આપી શકતા, જ્યારે ટ્યુટર વ્યક્તિગત ધ્યાન આપે છે. એવી જ રીતે, સ્કૂલ ટીચરોની ફરિયાદ છે કે, અમે ભણાવીએ ત્યારે વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતા કારણ કે, એ બધું તેમણે ટ્યૂશનમાં શીખી લીધું છે. ટ્યૂશનના કારણે અમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. અનેક બાળકો ટ્યૂશન કરતા હોવા છતાં પરીક્ષામાં સારા માર્ક્સ નથી લાવી શકતા. એ માટે વાલીઓ પાછો અમારો કે સ્કૂલનો વાંક કાઢે છે …

આ સ્કૂલ ટીચરોની ફરિયાદ છે, પણ બીજો પણ એક મુદ્દો નોંધવા જેવો છે. દેશભરમાં સ્કૂલ શિક્ષકો જ ટ્યૂશન કરાવતા હોય એવા શિક્ષકોની સંખ્યા વધારે છે. એનો અર્થ એ કે, ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં 'સેવા' આપતા કે થોડાંઘણાં વિદ્યાર્થીઓનાં જૂથને ભણાવતા અનેક શિક્ષકો સ્કૂલમાં નોકરી કરે છે! વાલીઓ પણ એવું જ ઈચ્છે છે કે, સ્કૂલમાં ભણાવતા શિક્ષક જ ટ્યૂશન લે તો વધારે સારું! આવું વિચારવા પાછળ બે કારણ સૌથી મહત્ત્વનાં હોય છે. પહેલું કારણ- વાલીઓને એવું લાગે છે કે, સ્કૂલ અને ટ્યૂશનમાં ભણાવવાની પદ્ધતિ એકસરખી હશે તો બાળકને તકલીફ નહીં પડે. બીજું કારણ- સ્કૂલ ટીચર સાથે જ ટ્યૂશન કરાવીશું તો બાળકને 'સાચવી' લેશે, નાપાસ નહીં કરે. બોલો, હજુયે આપણી આ માનસિકતા છે કારણ કે, મા-બાપ ઈચ્છે છે કે, બાળકનું વર્ષ ના બગડે તો સારું. વર્ષ બગડશે તો પાછળ રહી જશે.

આ ડર આપણી ફાસ્ટ લાઈફના ભ્રમમાંથી પેદા થયો છે. સ્કૂલ શિક્ષક ટ્યૂશન કરતા હોય તો સ્કૂલ સંચાલકો પણ આંખ આડા કાન કરે છે કારણ કે, કોઈને સારો શિક્ષક જતો રહે એ પોસાય એમ નથી. શિક્ષકને જે કરવું હોય એ કરે, પરંતુ અમારી સ્કૂલનું રિઝલ્ટ ના બગડવું જોઈએ! સ્કૂલોની જેમ વાલીઓ માટે પણ માર્ક્સ એ બાળકની જિંદગીનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. પ્રાથમિક-માધ્યમિકમાં વિદ્યાર્થી નાપાસ થાય એ સ્કૂલો, માતાપિતા માટે બહુ જ મોટી શરમ છે, નિષ્ફળતા છે અને તેનો મનોવૈજ્ઞાનિક ભાર દેશનાં લાખો બાળકો વેંઢારી રહ્યા છે. આજે 'ભાર વિનાના ભણતર'ની વાતો તો ઘણી થાય છે, પરંતુ 'ભાર વિનાનું ભણતર' એટલે કેવું ભણતર, એ તો કોઈ શાંતચિત્તે વિચારતું જ નથી.

એક બીજા મહત્ત્વના મુદ્દાની પણ ચર્ચા કરવી જરૂરી છે. ટ્યૂશનના દૂષણની વાત કરતી વખતે બે બિલકુલ ખોટી દલીલ કરાય છે. પહેલી દલીલ – સરકાર ફિક્સ પગારદારના વિદ્યાસહાયકોની ભરતી કરે છે અને આવા અનેક શિક્ષકોના પગાર ખૂબ ઓછા છે એટલે તેઓ ટયૂશનો કરે છે. આ દલીલ અર્ધસત્ય છે. ટ્યૂશનની દુનિયામાં ફિક્સ પગારદાર શિક્ષકો કરતાં ગ્રાન્ટેડ કે ખાનગી સ્કૂલોમાં સારો પગાર મેળવતા શિક્ષકો વધારે સક્રિય છે. ફિક્સ પગાર મેળવતા વિદ્યાસહાયકો પાસે સ્વાભાવિક રીતે જ બહુ ઓછા લોકો ટ્યૂશન રખાવવા આકર્ષાય છે. દેશના તમામ રાજ્યોમાં ટ્યૂશન કરતાં ફિક્સ પગારદાર શિક્ષકો ઘણાં ઓછા છે, એટલે એ દલીલમાં વજૂદ નથી. બીજી દલીલ- ટ્યૂશનનું દૂષણ 'ટયૂશનિયા શિક્ષકો'ના કારણે સર્જાયું છે. આ દલીલ પણ મજબૂત નથી. આપણે 'બલિનો બકરો' શોધીને દરેક મુશ્કેલીઓનું ઓવર સિમ્પ્લિફિકેશન કરી દઈએ છીએ. એકલા શિક્ષકોનો વાંક કેમ કાઢવાનો? કોઈ પણ જટિલ મુશ્કેલીનો ઉકેલ લાવવા આપણે એનાલિટિકલ થિકિંગ કરવાના બદલે આરોપો-પ્રતિઆરોપો કરીને મૂળ વાત જ ભૂલી જઈએ છીએ. આ આપણી રાષ્ટ્રીય કુટેવ છે.

ગયા અઠવાડિયે જ સમાચાર હતા કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓએ સરકારી આદેશ પ્રમાણે ટ્યૂશન કરતા શિક્ષકો પર દરોડા પાડવા જુદી જુદી ટીમો બનાવી છે … બધા જાણે છે કે દરોડા પાડવાથી ટયૂશનો બંધ નહીં થાય. છતાં, વારતહેવારે (વાંચો ચૂંટણીઓ વખતે) આવી નાટકબાજી થાય છે. સ્કૂલો દ્વારા વસૂલાતી ફી પર સરકારી કાબૂ રાખવાનો નિયમ પણ ડીંડકથી વિશેષ કંઈ નથી. એકે ય સ્કૂલ સરકાર કહે તેમ ફી વસૂલવાની નથી. દરેક બાબતમાં વગર વિચાર્યે દંડાવાળી કરીને 'સુશાસન' સ્થાપવાનો નિરર્થક પ્રયાસ કરાય છે એટલે ઠોસ પરિણામો મળતા જ નથી.

નેશનલ સેમ્પલ સર્વે દ્વારા કરાયેલા 'કિ ઈન્ડિકેટર્સ ઓફ સોશિયલ કન્ઝપ્શન ઈન ઈન્ડિયાઝ એજ્યુકેશન ૨૦૧૪' નામના આંકડાકીય અહેવાલ પ્રમાણે, દેશમાં ધોરણ પાંચથી આઠ દરમિયાન ટ્યૂશન લેતા બાળકોની સંખ્યા ૭.૧૦ કરોડ છે. વળી, શહેરોમાં આ આંકડો સતત વધી રહ્યો છે. આ આંકડા સ્કૂલ શિક્ષણ પદ્ધતિની નિષ્ફળતા દર્શાવે છે. જો કે, ટ્યૂશન કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીના ભાર દરેક બાળકને અલગ રીતે અસર કરે છે. એ પાછળે ય બીજા અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ એટલું નક્કી છે કે બાળક જાતે જ શિક્ષણ મેળવી શકે એ માટે તેને સમય કાઢી આપવાની જવાબદારી તેના સ્વજનોની છે.

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્યઃ ‘ફ્રેન્કલી સ્પીકિંગ’, ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”

http://vishnubharatiya.blogspot.co.uk

Loading

...102030...3,3863,3873,3883,389...3,4003,4103,420...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved