Opinion Magazine
Number of visits: 9456718
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી વિજય એ મેનેજમેન્ટનું પરિણામ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|1 December 2024

રમેશ ઓઝા

પહેલાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં અને એ પછી મહારાષ્ટ્ર, ઝારખંડ તેમ જ દેશભરનાં ૧૩ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાઓની પેટા-ચૂંટણીમાંથી મુખ્યત્વે ઉત્તર પ્રદેશની દસ બેઠકોની પેટા-ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે. સર્વેક્ષણ કરનારાઓએ હવે આબરૂ ગુમાવી દીધી છે એટલે તેમનાં અનુમાનોનાં સાચા-ખોટાપણા વિષે વાત પણ કરવી એ બેવકૂફી છે. વારંવાર નાક કપાતું હોવા છતાં તેઓ રંગમંચ છોડતા નથી, કારણ કે તેમને પૈસા મળે છે અને શરમ જેવું તેમની પાસે કશું છે નહીં. આમ સર્વે કરનારાઓને છોડી દઈએ પણ જેઓ પ્રતિષ્ઠા ધરાવે છે એવા અનુભવી અને ઊંડો અભ્યાસ ધરાવનારા રાજકીય સમીક્ષકોએ પણ જે અનુમાન કર્યાં હતાં એ ખોટા સાબિત થયાં છે. જે તે રાજ્યોમાં જિલ્લા અને તાલુકા સ્તરે કામ કરનારા સ્થાનિક પત્રકારોની અને લોકોની સાદી સમજ પણ ખોટી સાબિત થઈ છે. ત્યાં સુધી કે ભા.જ.પ.ના સમર્થકોએ પણ આવા વિજયની કલ્પના નહોતી કરી.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર તો ચૂંટણી પહેલાં જ અને ચૂંટણી દરમ્યાન પરાજીત મનોદશામાં હતા અને તે તેમના ચહેરા પર તેમ જ તેમનાં કથનોમાં જોવા મળતું હતું. તેમને ૪૧ બેઠકો મળી ગઈ. બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી ગયું. શરદ પવાર જેવો મહારાષ્ટ્રનો દિગ્ગજ અને વિચક્ષણ નેતા આટલી આસાનીથી અને આટલી ખરાબ રીતે પરાજીત થાય? મેં મારી કોલમમાં લખ્યું હતું કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં બી.જે.પી.ને ક્યારે ય સ્પષ્ટ બહુમતી મળી અને રાજ્ય પર કબજો કરી શક્યું નથી. મહારાષ્ટ્રમાં કાઁગ્રેસનાં મૂળિયાં એટલાં ઊંડા છે કે તે નેસ્તનાબૂદ થતી નથી. મહારાષ્ટ્રમાં બી.જે.પી.નો પ્રવેશ હંમેશાં મુશ્કેલ રહ્યો છે. આ વખતે જો બી.જે.પી.એ વધારે બેઠકો પર ચૂંટણી લડી હોત અને સાથી પક્ષોને ઓછી બેઠકો આપી હોત તો તે જરૂર ૨૮૮ સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી લેત. બી.જે.પી.એ ૧૪૯ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેના ૧૩૨ ઉમેદવાર વિજયી થયા હતા. આમ મહારાષ્ટ્રની કુલ ૨૮૮ બેઠકોમાંથી ૪૫ ટકા બેઠકો બી.જે.પી.એ મેળવી છે. બી.જે.પી.નો સ્ટ્રાઈક રેટ ૮૮.૫૯ ટકાનો છે. આની સામે શરદ પવારની રાષ્ટ્રવાદી પક્ષનો સ્ટ્રાઈક રેટ માત્ર ૧૧.૬૨ ટકાનો છે અને સામે ભત્રીજાના પક્ષનો સ્ટ્રાઈક રેટ ૬૯.૪૯ ટકા છે. અજીત પવારના પક્ષને જે ૪૧ બેઠકો મળી છે એ બી.જે.પી.ને કારણે મળી છે અને એકનાથ શિંદેની શિવસેનાને પણ બી.જે.પી.ના કારણે ફાયદો થયો છે.

આવું કેમ બન્યું? માત્ર છ મહિનામાં પ્રજાનો રાજકીય અભિપ્રાય અને મૂડ બદલાઈ ગયો? લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં, મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને જબરદસ્ત માર પડ્યો હતો. લોકસભામાં બી.જે.પી.એ બહુમતી ગુમાવી એ મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનને કારણે. ઝારખંડમાં એન.ડી.એ.ને કુલ ૧૪ બેઠકોમાંથી નવ બેઠકો મળી હતી અને ‘ઇન્ડિયા’ ગઠબંધનને ૧૪માંથી પાંચ મળી હતી. એન.ડી.એ.ને મળેલી નવ બેઠકોમાં બી.જે.પી.ની સાત બેઠકો હતી. લોકસભાની ચૂંટણીમાં ૨૪૦ બેઠકો સાથે બી.જે.પી.નું નાક જળવાઈ રહ્યું એ ઝારખંડ, બિહાર અને ઓડીશાના કારણે. આ વખતે ઝારખંડમાં બી.જે.પી.નો પરાજય થયો. તો આ પરિણામો શું સૂચવે છે.

હંમેશની માફક ઈ.વી.એમ. પર શંકા કરવામાં આવે છે, પણ આ વખતે શંકા વધારે પ્રબળ છે, કારણ કે જે પરિણામ આવ્યાં છે એ સાદી બુદ્ધિથી વિચારો તો ગળે ઉતરે એવાં નથી. એક વાત સ્વીકારવી રહી કે ઈ.વી.એમ. સાથે ચેડાં થઈ શકે છે એવા કોઈ જડબેસલાક પૂરાવા હજુ સુધી મળ્યા નથી. બીજું ચૂંટણી પ્રક્રિયામાં ઉપરથી નીચે સુધી હજારો લોકો સેવા આપતા હોય અને એટલા બધા લોકોને મેનેજ કરવા શક્ય નથી. જો કે ટેસ્લા અને એક્સ(ટવીટર)ના માલિક એલન મસ્ક કહે છે કે હવે એ.આઈ. (આર્ટીફિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા ઈ.વી.એમ. મશીન સાથે ચેડાં થઈ શકે છે. ભલે હજારો લોકો ચૂંટણીની પ્રક્રિયામાં સંડોવાયેલા હોય, પણ થોડા લોકોને છોડીને કોઈને કશી ખબર પણ ન પડે. મારું એવું માનવું છે કે ઈ.વી.એમ.માં ચેડાં થતાં હોય કે ન થતાં હોય, થઈ શકતા હોય કે ન થઈ શકતા હોય, નાગરિકોનાં મનમાં તેમ જ પ્રતિસ્પર્ધી પક્ષોના મનમાં શંકા હોય તો તેનો અંત આવવો જોઈએ અને જૂની મતપેપરવાળી પદ્ધતિ પાછી લાગુ કરવી જોઈએ. ચૂંટણી લોકતંત્રનો પ્રાણ છે અને તે શંકાતીત હોવી જોઈએ. પ્રજાનો ભરોસો સર્વોપરી છે. જગતના મોટા ભાગના લોકશાહી દેશો ઈ.વી.એમ.નો ઉપયોગ નથી કરતા એનું કારણ છે પ્રજાનો ભરોસો. ભરોસા વિનાનું લોકતંત્ર લોકતંત્ર ન ક્હેવાય. ચૂંટણી શંકાતીત હોવી જોઈએ અને દરેકને એમ લાગવું પણ જોઈએ.

પણ અહીં એક મહત્ત્વનાં પરિવર્તન બાબત મારે ધ્યાન દોરવું છે. લોકસભાની ચૂંટણી પછી તમે જોયું હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીકીય રણભૂમિનાં કેન્દ્રમાં નથી જેટલા લોકસભાની ચૂંટણી સુધી હતા. મોદી કી ગેરંટીના હોર્ડીંગ્ઝ પણ જોવા નથી મળતા અને તેવી કોઈ ભાષા પણ જોવા નથી મળતી. નરેન્દ્ર મોદી હજુ પણ સ્ટાર પ્રચારક છે, પણ તેમને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવામાં નથી આવી રહી. સભાઓ, રેલીઓ, રોડ શોઝ, પ્રચારસાહિત્ય અને ગોદી મીડિયા એમ સર્વત્ર નરેન્દ્ર મોદી એ સ્થાન નથી ધરાવતા જે લોકસભાની ચૂંટણી સુધી ધરાવતા હતા. આ પરિવર્તન સમજવા જેવું છે.

નરેન્દ્ર મોદી પક્ષને એક ઊંચાઈ સુધી લઈ ગયા અને હવે વધારે ઊંચાઈએ લઈ શકે એમ નથી તેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ખાતરી થઈ ગઈ છે. ૧૯૮૭-૧૯૯૪નાં વર્ષોમાં લાલકૃષ્ણ અડવાણીએ પક્ષને એક ઊંચાઈ અપાવી એ પછી સંઘને ખાતરી થઈ ગઈ હતી કે હવે તેઓ પક્ષને વધારે આગળ લઈ જઈ શકે એમ નથી અને ત્યારે તેમને કેન્દ્રમાંથી દૂર ખસેડ્યા હતા. જેમને ૧૯૮૭ પછી કેન્દ્રમાંથી દૂર કર્યા હતા એ અટલ બિહારી વાજપેયીને પાછા કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. વિચારધારા અને વિચારધારા આધારિત કાર્યર્તાઓની મોટી ફોજ ધરાવનારા સંગઠનો કે રાજકીય પક્ષો માટે વ્યક્તિ એક સાધન માત્ર હોય છે. દેશને અને દુનિયાને ભલે એમ લાગે કે મોદીયુગ અમર તપે છે, પણ સંઘપરિવાર માટે મોદીયુગ સમાપ્ત થઈ ગયો છે. હવે આગળ માટે નરેન્દ્ર મોદીથી નિરપેક્ષ સ્વાયત માર્ગ તેમણે વિકસાવી લીધો છે અને તેને અપનાવવામાં આવી રહ્યો છે. એ માર્ગ વિકસાવવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો મોટો હાથ છે એમાં કોઈ શંકા નથી, પણ એ માર્ગ વ્યક્તિનિરપેક્ષ સ્વાયત્ત છે. પક્ષને ઉપર લઈ જવામાં નરેન્દ્ર મોદીની જે ભૂમિકા હતી એ હવે પૂરી થઈ.

શું છે એ માર્ગ? હવે સંઘ અને બી.જે.પી. મળીને ચૂંટણીને મેનેજ કરે છે. કઈ રીતે? એક. પ્રચંડ સંસાધનો દ્વારા અને સંસાધનોમાં પ્રતિસ્પર્ધીને ક્યાં ય પાછળ મૂકી દઈને. બે. પ્રત્યેક મતદારક્ષેત્રનાં અંગ્રેજીમાં કહીએ તો માઈકો મેનેજમેન્ટ દ્વારા. ત્રણ. પોતાની કેડરને ઉતારીને અને વોટ કટવાઓને ચોક્કસ ટાર્ગેટ આપીને. બી.જે.પી.ને જે વિજય મળ્યો છે એ આ મેનેજમેન્ટનું પરિણામ છે, તેને નરેન્દ્ર મોદીની ઘટેલી કે વધેલી લોકપ્રિયતા સાથે સંબંધ નથી. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એક, એક શું એકમાત્ર ફેક્ટર હતા. હવે નથી. લાલકૃષ્ણ અડવાણીએ જેટલી જગ્યા બનાવી આપી હતી તેને પક્ષે અને સંઘે પકડી રાખી હતી. અત્યારે નરેન્દ્ર મોદીએ જેટલી જગ્યા બનાવી આપી છે એને પકડી રાખવાની છે. સત્તાવાંછુ અન્ય પક્ષોમાં અને વિચારધારા આધારિત કેડર ધરાવતા પક્ષમાં આ ફરક છે. જેટલું એકઠું કર્યું એ જાળવી રાખો અને હજુ ઉપર ચડવા અવસરની રાહ જુઓ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 01 ડિસેમ્બર 2024

Loading

રાહુલ ગાંધી અને કાઁગ્રેસઃ  એક સાંધે ત્યાં તેર તૂટે એવા સંજોગોમાં પોતાનાં મૂલ્યો પારખી પાકા કરવાનો વખત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 December 2024

રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા

ચિરંતના ભટ્ટ

2019માં કાઁગ્રેસે ચૂંટણી હારી એ પછી રાહુલ ગાંધીએ એવો નિર્ણય જાહેર કર્યો કે પોતે કાઁગ્રેસ પ્રમુખની પદવી પરથી રાજીનામું આપી દઇને હારની તમામ જવાબદારી સ્વીકારી લેશે. એ વખતે પત્રકાર બરખા દત્તે એક ટિપ્પણી કરતાં લેખમાં એમ ટાંક્યું હતું કે આ રાજીનામાથી કાઁગ્રેસમાં કોઇ મોટો ફેર આવવાનો નથી કારણ કે કાબૂ તો ગાંધી પરિવારના હાથમાં જ રહેશે અને કાઁગ્રેસની કાર્યકારી સમિતિમાં ખરેખરની પારદર્શી ચૂંટણી થાય તો પક્ષને નવું નેતૃત્વ મળી શકે. વળી ત્યારે તેણે એમ પણ લખ્યું હતું કે સચીન પાયલટ અને શશી થરુર જેવા મોટા માથાઓ જે પક્ષમાં પરિવર્તન લાવી શકે છે તેમની તરફ આંખ આડા કાન કરાય છે. ટૂંકમાં પરિવાર જ્યાં સુધી પક્ષ પરથી કાબૂ જતો નહીં કરે ત્યાં સુધી કોઇ મોટા ફેરફાર આવવાના નથી. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું અને એ પછી કાઁગ્રેસ કાર્યકારી સમિતિમાં કોઇ પદ ન લીધું. વચગાળામાં સોનિયા ગાંધીએ એ પદ સંભાળ્યું અને હવે 2022થી મલ્લિકાર્જુન ખરગે કાઁગ્રેસ કાર્યકારી સમિતિના પ્રમુખ છે. કાઁગ્રેસ પક્ષ કાં તો સદંતર દિશા હીન છે અથવા તો એમણે એટલી બધી દિશાઓમાં કામ કરવાનું છે કે ક્યાંથી શરૂ કરવું એ સમજાય એમ રહ્યું નથી. જે કંઇ થોડો ઘણો અવાજ થાય છે, કોઇ કંઇ બોલે છે તો તે મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંભળવા મળે છે.

રાહલુ ગાંધીએ લોકો સુધી પહોંચવાની, લોકો સાથે જોડાવાની કોશિશ કરવામાં કોઇ કચાશ નથી છોડી, પણ કમનસીબે કાઁગ્રેસને ધાર્યું પરિણામ નથી મળતું. હા, લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના 400 પારના નારાને સાચો ન પડવા દીધો પણ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કાઁગ્રેસે મ્હોં ભેર પછડાટ ખાધી. રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા. લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને ધક્કો મળ્યો તો ભા.જ.પા. સતર્ક થઇને વિધાનસભાની ચૂંટણીમાં બાજી હાથમાં રહે એ માટે મચી પડી પણ કાઁગ્રેસના પ્રયાસો ઠાલા નિવડી રહ્યા છે. રાહુલ ગાંધીએ લવ વર્સિસ હેટનું જે નેરેટિવ પકડ્યું તેને પણ ધારી સફળતા ન મળી અને લઘુમતી મતદારોને પણ એ વાતો ગળે ન ઉતરી. રાહુલ ગાંધી જે કરે છે એ પોતાનું સો ટકા આપીને કરવા માગે છે, પણ છતાં ય 2007 પછી જ્યારથી તેમણે કાઁગ્રેસનું સુકાન સંભાળ્યું છે, પક્ષનો ચહેરો બન્યા છે જાણે ગ્રહો જ આડા ચાલતા હોય એવી હાલત થઇ ગઇ છે. તાજેતરના પરિણામોની વાત કરીએ તો કાઁગ્રેસને ક્યાંક જોરદાર જીત મળી, જેમ કે કર્ણાટક તો ક્યાંક સરિયામ હાર મળી, જેમ કે મહારાષ્ટ્ર. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી તેમની છબી સુધરી, લોકોને લાગ્યું કે તેમને ગંભીરતાથી લેવા જોઇએ પણ છતાં પણ કાઁગ્રેસમાં એક પક્ષ તરીકે જે બદલાવ આવવા જોઇએ તે ન આવી શક્યા.

પ્રિયંકા ગાંધી

શું રાહુલ ગાંધીએ પોતાની બહેનને કાઁગ્રેસ સંભાળવાની પૂરેપૂરી જવાબદારી આપી દેવી જોઇએ એવી પણ એક શક્યતા ચર્ચાતી રહે છે. રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં વધારે આગળ પડતો ભાગ ભજવવાનું નક્કી કર્યું અને તે મહિલા મતદારો સાથે ખાસ કરીને કલ્યાણલક્ષી યોજનાઓને પગલે સારી પેઠે જોડાઇ શક્યાં છે. ઇંદિરા ગાંધીએ એક સમયે પ્રિયંકા ગાંધી માટે એમ કહેલું કે લોકોને તેમનામાં મારી છબી દેખાશે પણ આખરે તે રાજકારણને બદલશે. કાઁગ્રેસ પાસેથી થોડી ઘણી આશા રાખનારા લોકોનું પણ માનવું છે કે પ્રિયંકા ગાંધી હશે તો કદાચ વિખેરાયલી કાઁગ્રેસને કોઈ દિશા મળે. ભા.જ.પા.એ રાહુલ ગાંધીને ‘પપ્પુ’નું ઉપનામ આપ્યું અને પ્રિયંકા ગાંધીએ જ્યારે પણ રાજકારણમાં કંઇક આગળ પડતું કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભા.જ.પા.એ તેની પણ ટીકા કરી છે. પણ એ રાહલુ ગાંધી જેટલા ટાર્ગેટ થતા રહે છે તેની સરખામણીએ ઘણું ઓછું છે. વળી પ્રિયંકા ગાંધીની રાજકીય અપીલ છે. ભા.જ.પા.માં એક સમયે સુષમા સ્વરાજ જેવાં નેતાઓ હતાં, પણ આજે એક મજબૂત મહિલા અવાજની ભા.જ.પ.માં ચોક્કસ ખોટ છે એમ કહી શકાય. સ્મૃતિ ઈરાની જેવાં ચહેરાઓ ભા.જ.પા. પાસે છે એ ખરું પણ પ્રિયંકા ગાંધી તેની સામે ઝિંક ઝિલી શકે એમ અત્યારે તો લાગે છે. પ્રિયંકા ગાધી ધારે તો કાઁગ્રેસમાં ધરમૂળથી ફેરફાર લાવી શકે છે અને તેમ કરવામાં તેમણે રાહુલ ગાંધીનાં કોઇ મૂલ્યોને જતાં કરવાની જરૂર નથી.

આ તરફ રાહુલ ગાંધીમાં કાઁગ્રેસને બદલીને ફરી બેઠી કરવાની, મજબૂત બનાવવાની તાકાત છે એવું નેરેટિવ ખડું કરવામાં કાઁગ્રેસ કોઇ કચાશ નથી છોડતી.  તાજેતરમાં જ સંસદ સભ્ય રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી, તેમની કામ કરવાની શૈલી વગેરેને કેન્દ્રમાં રાખીને ‘રાહુલ ગાંધી – વ્યાકુલ મન કા નાયક’ પુસ્તકમાં સંજીવ ચંદને વિગતે વાત કરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કાઁગ્રેસની નિષ્ફળતાઓની પણ પુસ્તકમાં વાત કરાઇ છે. તેમના મતે રાહુલ ગાંધીમાં પિતા રાજીવની સાદગી અને નમ્રતા છે, માતા સોનિયા ગાંધીની સામાજિક-રાજકીય સંકલનની આવડત છે પણ દાદી ઇંદિરા ગાંધી જેવી હિંમત નથી, ખાસ કરીને રાજકીય પદ્ધતિઓ કે આદર્શોને મામલે –  આ બાબત સફળ રાજકારણી માટે અનિવાર્ય છે. રાહુલ ગાંધીએ લીધેલાં કેટલાક નિર્ણયો પણ કાઁગ્રેસની છબીને નબળી પાડવામાં મોટો ભાગ ભજવી ગયા છે, જેમ કે 2013માં લેજિસ્લેટિવ રિવર્સલ. રાહુલ ગાંધીને નેતૃત્વમાં સાતત્ય નથી જળવાતું, ક્યારેક તે શૂરવીરની જેમ ઝંપલાવે છે તો ક્યારેક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સમય વેડફતા દેખાઇ આવે છે તો ક્યારેક બોલવામાં ભગાં કરે છે. સરવાળે ગેરલાભ કાઁગ્રેસને જાય છે અને ગાંધી પરિવાર માટેનો અણગમો પણ વધતો જાય છે.

રાજકારણ ‘નેરેટિવ’ – કથાનક પર ચાલતો ખેલ છે. રાહુલ ગાંધીએ આ વખતે લોકશાહી બચાવો વાળા નેરેટિવને આગળ કર્યું તો ખરું પણ મોટા ભાગના ભારતીય મતાદાતાઓને નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.થી લોકશાહીને નુકસાન થાય છે એમ નથી લાગતું. વળી લોકસભાની ચૂંટણીમાં જરા બહેતર દેખાવ થયો એમાં કાઁગ્રેસ ગેલમાં આવી ગઇ અને માની લીધું કે ભા.જ.પા. – મોદી સરકારના નેતૃત્વ પર કાઁગ્રેસ અસર કરી શકે છે – આ આત્મવિશ્વાસ પણ કાઁગ્રેસને ભારે પડ્યો. હરિયાણાનો ફટકાને કારણે કાઁગ્રેસને તમ્મતર આવી ગયા. કાઁગ્રેસ જાતને આધારે વસ્તી ગણતરીની વાત કરવા ઇચ્છતી હતી પણ ભા.જ.પા.એ આખી વાતને વિભાજનકારી ગણાવીને મતદાતાઓનું મન બદલી નાખ્યું. કાઁગ્રેસના હવે એવા હાલ છે કે તેમણે દરેક રાજ્યમાં, દરેક સંગઠન કરનારા પક્ષ સાથે અલગ અલગ દૃષ્ટિકોણથી અને અભિગમથી કામ પાર પાડવું પડશે.

આખે આખી કાઁગ્રેસના નેતૃત્વએ પોતાની જવાબદારીઓનું સરવૈયું કાઢવું પડશે, એ દિશામાં કામ કરવું પડશે. સૌથી અગત્યનું તો એ કે આ બદલાવની શરૂઆત રાહુલ ગાંધી અને મલિલ્કાર્જુન ખરગેથી થવી જોઇ. કાઁગ્રેસ હતી ન હતી થઇ જાય એ પહેલાં નેતૃત્વમાં, પક્ષના બંધારણ અને અભિગમમાં બદલાવ એ તેમના સૌથી પહેલાં એજન્ડા હોવા જોઇએ. ઝારખંડના પરિણામને મહારાષ્ટ્રના પરિણામની સામેની કાઁગ્રેસની સિદ્ધિ તરીકે જોવાની ભૂલ કરનારાઓ સારી પેઠે જાણે છે કે આ એક પોકળ દલીલ છે અને આવા પોકળ મુદ્દાઓને નેવે મૂકીને કાઁગ્રેસે પોતાની ભૂંસાઈ રહેલી લીટી નવેસરથી દોરવાની દિશામાં કામ કરવું જોઇએ અને ભા.જ.પા.ની લીટી નાની કરવાના પ્રયાસો પડતા મુકવા જોઇએ.

બાય ધી વેઃ 

રાહુલ ગાંધી નક્કર નેતૃત્વ આપાવમાં નિષ્ફળ રહ્યા છે અને પક્ષના લોકો તેમની વાહવાહી કરીને રાજકુમારની માફક તેમને માથે બેસાડવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમના પ્રયાસોમાં નકરી સચ્ચાઈ હોવા છતાં તેઓ કંઇ બહુ પ્રભાવ નહીં જ પાડી શકે એ એક ન ગમે એવી હકીકત છે. પરિવારવાદ મતદારોને તો કઠ્યો જ પણ હવે તો કાઁગ્રેસનો હિસ્સો રહેલા નેતાઓએ પણ એ બાબતે પોતાનો અણગમો જાહેર કરી જ ચૂક્યા છે. વાયનાડમાં લધુમતિના મળેલા ટેકાને આધારે ભવિષ્યની વ્યૂહરચના બનાવવાની ભૂલ કાઁગ્રેસ ન કરે તો સારું. કાઁગ્રેસે વાસી મુદ્દાઓ પર દેકારા કરવાનું બંધ કરી, ભા.જ.પા.ના નારાઓનો જવાબ આપવાનું છોડી દઇને પોતાનાં મૂલ્યોને પારખી, તેમને પાકા કરી બેઠા થવું પડશે નહીંતર વધુ કપરો સમય જોવો પડે એમ થઇ શકે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે 89 ચૂંટણીમાં હાર વેઠી છે, આ આંકડો સો પર પહોંચે નહીં તેની જવાબદારી કાઁગ્રેસના સભ્યોની છે, તેમણે ગાંધી પરિવારની પાર અને પર જઇને વિચારવું પડશે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—265

દીપક મહેતા|Opinion - Opinion|1 December 2024

મુંબઈના લાખો લોકોને આજે પણ અજવાળું આપતું જમશેદજીનું સપનું 

 જમશેદજી તાતાની હયાતીમાં પૂરું નહિ થયેલું બીજું એક સપનું એવનના પોરિયા દોરાબજીએ પૂરું કીધું અને છેક આજ વેર મુંબઈમાં રહેતા મારા-તમારા જેવા લાખો લોકો એનો લાભ લે છે – વરસના બારે મહિના, અને દહાડાના ચોવીસે કલાક. એ સપનું તે કિયું?

એક વખત બનિયું એવું કે જમશેદજી જબલપુર તરફ સહેલગાહ કરવા ગયા. ત્યાં નર્મદા નદીનો ભેડા ઘાટનો ધોધ એવને જોયો. અને જમશેદજીના મનમાં વીજલીનો ઝબકારો થિયો: ધોધના આય પાનીમાં કેટલી બધી તાકાત છે! એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક પાવર કાંઈ પેદા નહિ થઈ સકે? તાબડતોબ પહોંચ્યા સરકારી દફતરે અને જોઈતી જમીન વેચાતી આપવા અરજ કીધી. પન એ ધોધની આસપાસની જમીન હુતી કોઈ સ્વામીજીની માલિકીની. સરકાર કહે કે તેઓ વેચે તો તમે ખરીદી લો. પણ સામિજી તો કહે કે મારી આ જમીન કબ્બી બી મી કિસીકો ભી દુંગા નહિ. એ વખતે ‘દેશી’ લોકોના ધરમ-કરમની બાબતમાં બને ત્યાં સુધી અંગ્રેજ સરકાર માથું મારતી નહિ. એટલે એ વાત તો ત્યાં અટકી.

જમશેદજીને જે વારે આય વિચાર આવીયો તે વારે આખ્ખી દુનિયામાં કેથે બી હાઈડ્રોલિક પાવર પેદા થતો હૂતો નહિ. એ વખતે જો જમશેદજી તે જગાએ પાવર પ્લાન્ટ નાખી સકિયા હોતે તો એ આખ્ખી દુનિયામાં એવો પહેલવહેલો પ્લાન્ટ બનીયો હુતે. જમશેદજીએ આય વિચાર કીધો તે પછી છ વરસે દુનિયાનો પહેલવહેલો હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ ૧૮૮૨માં અમેરિકાના વિસકોનસીન સ્ટેટમાં ચાલુ થિયો.

ઇજનેર ડેવિડ ગોસલિંગ

થોરા વખત પછી જમશેદજીની નજર તે વખતના પોર્ટુગીઝ ગોવા અને બ્રિટિશ મુંબઈ વચ્ચે આવેલા દૂધસાગર ધોધ પર પરી. અહીં વીજલી પેદા કરવી અને એને તારનાં દોરડાં વરે મુંબઈ લઈ જઈ ત્યાંનાં નાનાં-મોટાં કારખાનાંને વેચવી એવું તેમની વેપારી બુદ્ધિને સૂઝ્યું. જમશેદજીએ ડેવિડ ગોસલિંગ નામના એક જાણકારને રોક્યો. એવને એક કરતાં વધુ વાર દૂધસાગરની સફર કરી. પણ પછી જનાવિયું કે આ જગોએ પાવર પ્લાન્ટ નાખી સકાય એવું નથી. પન મુંબઈથી દૂધસાગર પૂના રસ્તે જતાં આવતાં ગોસ્લીંગની નજર લોનાવાલા નજીકની એકુ જગા પર પરી. સહ્યાદ્રીના ઊંચા ઊંચા ડુંગરોની વચમાં પાવર પ્લાન્ટ નાખી સકાય એવું એવને જણાવ્યું. પણ એકુ મુશ્કેલી હુતી: અહીં પાની તો પુષ્કળ હુતું, પન એવો ધોધ હૂતો નહિ જેનાથી ટર્બાઈન ચલાવી સકાય. આય સમજીને જમશેદજી કહે: ‘આપરે અહી એક મોત્તું પોંડ કહેતાં તલાવ બાંધી પાની ભેગું કરીએ અને પછી મોટ્ટા મોટ્ટા પાઈપ વરે તેને નીચે છોરીએ તો તેનાથી ટર્બાઈન ચાલે કે નહિ? ગોસ્લીંગ કેહે કે ચાલવા તો જોઈએ, પન આજ વેર કોઈએ કેથ્થે બી આવું કામ કીધું નથી છે. જમશેદજીનો જવાબ: તો તો આપરે કરીએ જ જ.

જમશેદજીએ પહેલાં થોરા દોસ્તારોને વાત કરી. પછી બ્રિટિશ અને પોર્ટુગીઝ સરકારો સાથે વાટાઘાટ કરી. પણ બધ્ધેથી એક જ જવાબ: ‘આજ સુધીમાં કોઈએ આવું કીધું નથી એટલે …’ જમશેદજી પહોંચ્યા સીધા સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ હેમિલ્ટન પાસે. એવનની વાત સમજિયા પછી સેક્રેટરી ઓફ સ્ટેટે બોમ્બેના ગવર્નર લોર્ડ નોર્થકોટને પૂછિયું. ગવર્નરે કહ્યું કે જમશેદજીએ ધારિયું હોસે તો કોઈ બી કામ પાર પડશે. એટલે સેક્રેટરી ઓફ સ્ટેટે બી લીલી ઝંડી બતલાવી. પણ એ પછી થોરા જ દહાડામાં ખોદાયજીએ બી જમશેદજીને લીલી ઝંડી બતાવી એટલે એવન વીજલી વેગે ખોદાયજી પાસે પૂગી ગિયા.

મુંબઈના ગવર્નર સિડનહામ

જમશેદજી બેહસ્તનશીન થયા પછી થોરા દહારે બોમ્બેના ગવર્નર બનિયા લોર્ડ સિડનહામ. ગવર્નર બનિયા આગમચ તે ધંધે ઇજનેર હૂતો. એટલે જમશેદજીની દરખાસ્તમાં કેટલું બધું પાની છે તે તરત પામી ગયો. દોરાબજીને બી ચાનક ચરી તે વલવણ અને ખંડાલા ઉપરાંત બીજાં બે તલાવ બી બાંધવાનું નક્કી કીધું. પન આટલું મોટું કામ કંઈ એકલે હાથે થાય નહિ. એટલે બીજા દેશોમાંથી પૈસા ઊછીના લીધા.

૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે મુંબઈના તારદેવ વિસ્તારમાં પહેલવહેલી કોટન મિલ શુરૂ કીધી: ધ બોમ્બે સ્પિનીંગ એન્ડ વીવિંગ કંપની. ૧૮૮૬ સુધીમાં તો મુંબઈમાં પચાસ જેટલી કોટન મિલ્સ ધમધમતી થઈ ગઈ હુતી. પન એ બધી જ ચાલતી કોલસાથી. એ રીત એક તો પરે મોંઘી, અને ચારે બાજુ પોલ્યુશન ફેલાવે. દોરાબજીએ બધી મિલોના માલિકો સાથે વાત કીધી. કોલસાને બદલે વીજલી વાપરવાથી કેટલા અને કેવા કેવા ફાયદા થસે એ બતાવિયું. પન એવનની આ વાત ફક્ત બે જ શેઠના કાનમાંથી દિમાગ સુધી પહોચી – સર ડેવિડ સાસૂન અને સર શાપૂરજી ભરૂચા. બંનેએ કીધું કે અમારી મુંબઈની મિલો માટે બધ્ધી ઈલેક્ટ્રિસીટી અમે તમારી વેરથી લઈશું. એ જ અરસામાં લોર્ડ સિડનહામ શોલાપુર ગિયા હુતા. તેથ્થે એક મિટિંગમાં એવન બોલિયા કે તાતાની આય દરખાસ્ત દેશને માટે ઘન્ની જ ઉપયોગી છે એટલે દેસી લોકોએ બી એમાં પૈસા રોકવા જોઈએ. અને આપરે ગયે અઠવાડિયે જોયેલું એમ મુંબઈમાં લોકોએ વહેલી સવારથી લાઈન લગાડી, ને તાતા પાવર કંપનીના શેર ગરમાગરમ ભજિયાંની જેમ વેચાઈ ગિયા.

તાતા પાવર કંપનીનો પહેલો પ્લાન્ટ

૧૯૧૧ના ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખ. મુંબઈના ગવર્નર નામદાર સર જ્યોર્જ સીડનહામ અને લેડી સીડનહામ લોનાવાલા પૂગિયા. મુંબઈના મોટ્ટા મોટ્ટા અમલદારો, વેપારીઓ, કારખાનાવાલાઓ, કઈ કેટલાયે લોક તે વારે ત્યાં હાજર હુતા. એ બધ્ધાને મુંબઈથી લોનાવાલા પુગડવા માટે બોરી બંદર સ્ટેશનેથી લોનાવાલા સુધી જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેએ બે ખાસ ટ્રેન દોરાવી આવી હુતી. પહેલી ટ્રેન સવારે સાડા નવ વાગે અને બીજી સવા દસ વાગે બોરી બંદરથી રવાના થઈ હુતી. બીજી ટ્રેનમાં નામદાર ગવર્નર અને લેડીસાહેબા હુતાં. બંને ટ્રેનમાં ખાસ રેસ્તોરાં કાર જોડવામાં આવી હુતી અને તેમાંથી મહેમાનોને ચાય-કોફી-નાસ્તો પીરસાતાં હુતાં. અઢી કલાકની ટ્રાવેલ કરિયા પછી મહેમાનો લોનાવાલા પૂગીયા. જ્યાં ઉદ્ઘાટન થવાનું હુતું તે ડેમની જગોએ તેમને લઈ જવા માટે લોનાવાલા સ્ટેશને મોટરોની હાર ખડી હુતી. મહેમાનો લોનાવાલા પુગીયા પછી બપોરનું ભોનું તાજ મહેલ હોટેલે બનાવીને પીરસીયું હુતું. અને એ વેલાએ એ જ હોટેલનું બેન્ડ સંગીતના સુમધુર સૂરો રેલાવી રહ્યું હુતું.

લોનાવલામાં ઉદ્ઘાટન સમારંભ

ઉદ્ઘાટન કાર્યક્રમ માટે મોટ્ટો સુશોભિત શામિયાનો ઊભો કીધો હૂતો. લન્ચ પછી સમારંભ સુરુ થિયો. નામદાર અને લેડી ગવર્નરની સાથે મૈસોરના નામદાર મહારાજા અને લીમડીના નામદાર ઠાકોરસાહેબ બિરાજ્યા હુતા. ભાવનગરના નામદાર મહારાજાએ પોતાના દીવાન સર પ્રભાશંકર પટ્ટનીને મોકલિયા હુતા. બરોડાના મહારાજા નામદાર ગાયકવાડ બી આવવાના હુતા, પન છેલી ઘડીએ કૈક અડચણ આવિયાથી પધારી શક્યા નહિ અને તે માટે દલગીરીનો તાર મોકલીયો હૂતો. સૌથી પેલ્લાં દોરાબજીએ ભાસન કીધું હુતું. માઈક્રોફોન કે લાઉડ સ્પીકર તો હુતાં નહિ, છત્તાં એવનનો અવાજ છેક છેલ્લી રો સુધી સંભલાયો હૂતો.

એ વેળાએ સર દોરાબજી તાતા અને બીજા માનવંતા મહેમાનો જે-જે બોલિયા હુતા તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 30 નવેમ્બર 2024)

Loading

...102030...337338339340...350360370...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved