રખે કોઈ માને કે દેશનેતાઓના લાંબા હસ્તધૂનન કે આલિંગનથી બે દેશ વચ્ચે હૂંફાળા સંબંધો સ્થપાઈ જાય છે.
આજકાલ દુનિયાભરના મીડિયામાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકી વિવિધ દેશોના વડાઓને બાથમાં લઈને આલિંગન આપવાના અભિયાનની ખૂબ ચર્ચા છે. છેલ્લે છેલ્લે તો વ્હાઇટ હાઉસની મુલાકાત ટાણે મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ત્રણ-ત્રણ વાર બાથમાં લઈને પોતાના સંબધોમાં કેટલી નિકટતા છે એનાં દર્શન કરાવ્યાં. એ પહેલાં બરાક ઓબામા જ્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હતા, ત્યારે એમની સાથેની નિકટતા દર્શાવવા માટે વડાપ્રધાન મોદીએ એમને બાથમાં ભીંસીને જે રીતે આલિંગન આપ્યું હતું, એ જોઇને તો એમની સાથેના જુગજુગના સંબંધો ઉજાગર થતા લાગ્યા હતા. છોગામાં વડાપ્રધાનને ‘નવરાશની પળોમાં બરાક અને હું ગપ્પાં મારીએ છીએ’ એવા કરેલા નિવેદને પણ નિવૃત્ત થઈ રહેલા ઓબામા સાથેની દોસ્તીની નિકટતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. હમણાં આ દોસ્ત અમેરિકા ગયા ત્યારે એ દોસ્તને મળ્યાનું સાંભળ્યું નહીં.
ગલ્ફના દેશોના મુસ્લિમ શાસકો હોય કે યુરોપના ખ્રિસ્તી વડા, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ હોય કે રશિયાના પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાને એ બધાને ભારતીય પરંપરા મુજબ બે હાથથી ‘નમસ્તે’ કરવા કે પશ્ચિમની પરંપરા મુજબ હસ્તધૂનન કરવાને બદલે ગળે મળવાનું જ પસંદ કર્યું છે. વડાપ્રધાન મોદી કાબુલ ગયા હતા અને વચ્ચે વિમાનને ફંટાવી પાકિસ્તાની વડાપ્રધાન મિયાં નવાઝ શરીફને 66મા જન્મદિવસની મુબારકબાદી આપવા લાહોરમાં લૅન્ડ થયા, ત્યારે પણ બેઉ એવા ગળે મળ્યા કે લાગતું હતું કે બસ, હવે તો કાશ્મીર કોકડું ઉકલી જ ગયું સમજો.
વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હિંચકે ઝૂલાવી રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે ગુજરાત સાથે કેટકેટલા એમ.ઓ.યુ. કરનાર દેશના વડા રીઝી ગયા છે અને હવે તો પેલી 1962વાળી દુશ્મની ઇતિહાસજમા બની જઈ જૂના સરહદી વિવાદ પણ ઉકલી જ ગયા સમજો. ચીનના નેતાઓને ગળે મળવાનું ગમતું નથી એટલે એમની ગળે મળવાની છબિયું કંડારી શકાઈ નહીં. જાપાનના નેતાઓને કોઈ ગળે મળે એ ગમતું નહીં હોવા છતાં બેઉ દેશના વડાપ્રધાનો મોદી અને આબે એકમેકને આલિંગન આપતા દેખાયા જરૂર. હા, કોઈ દેશનાં મહિલા શાસકને મળતી વખતે વડાપ્રધાન હસ્તધૂનન કરવાનો વિવેક જરૂર દાખવે છે.
રાજદ્વારી સંબંધોમાં બે દેશના નેતા એકમેકને બાથમાં લઈને આલિંગન આપવાની ‘આક્રમક પહેલ’ ભલે વડાપ્રધાન મોદીએ કરી હોય, પણ અગાઉ આવા અનેક પ્રસંગો બન્યા છે. એકમેકથી નિકટના સંબંધ ધરાવનારા બે દેશના વડા કે બે દેશના પક્ષોના વડાઓ વિશ્વમંચ પર હૂંફાળાં આલિંગન આપતા જોવા મળ્યા છે. જો કે નરેન્દ્ર મોદીની આ બાબતમાં પહેલ તો ગુજરાત અને તેમાં ય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વારતહેવારે એકમેકને બાથમાં લઈને ભેટવાની જે પરંપરા છે એના વૈશ્વિક પ્રચલન માટેની પહેલ જ ગણવી પડે.
મોદી જેમ અમદાવાદના ખાખરાનું માર્કેટિંગ વિશ્વસ્તરે કરવાના આગ્રહી છે, એમ જ વિશ્વના મહત્ત્વના દેશોના વડાઓને પણ બાથમાં લઈ આલિંગન આપવાની પરંપરાનું પણ માર્કેટિંગ કરતા વધુ લાગે છે. ઉત્તર ગુજરાતમાં તો પુરુષોમાં રામરામી વખતે જ નહીં, મા, મોટાં ભાભી, બહેન, માસી કે ફોઈને પણ ગળે મળીને શુભેચ્છા આપવાની પરંપરા છે.
એટલે 1983માં દિલ્હીમાં ક્યૂબાના રાષ્ટ્રપ્રમુખ ફિદેલ કાસ્ટ્રો તત્કાલીન વડાંપ્રધાન ‘મોટાં બહેન’ ઇંદિરા ગાંધીને મંચ પર ગળે મળ્યા, ત્યારે એમાં કશું અજુગતું લાગ્યું નહોતું, છતાં ઘણા વાંકદેખાઓને એ નિર્દોષ આલિંગનમાં અવિવેક દેખાયો હતો. જો કે શ્રીમતી ગાંધીને કાસ્ટ્રોના આવા અણધાર્યા પગલાથી સંકોચ જરૂર અનુભવાયો હતો. હમણાં બ્રિટિશ રાજકુમાર હૅરીને જમૈકાનાં મહિલા વડાંપ્રધાન પોર્તિયા સિમ્પસન મિલરે આવકારતાં જે રીતે બાથમાં લઇ લીધા હતા, એનાથી પણ મીડિયામાં ખૂબ ઊહાપોહ મચ્યો હતો. પ્રત્યેક દેશની પરંપરા અને સંસ્કાર મુજબ જાહેર મંચ પર નેતાઓનું વર્તન અપેક્ષિત લેખાય છે. આરબ દેશોમાં કે યુરોપમાં બે મહાનુભાવો મળે ત્યારે એકમેકને ગાલ કે હાથ પર ચુંબનની પરંપરા છે, પણ બધે એવું કરવામાં અવિવેક મનાવો સ્વાભાવિક છે.
વિવિધ દેશોના વડાઓની બેઠકો કે સંમેલનોમાં અપેક્ષિત શિષ્ટાચાર પાળવાનું સામાન્ય છે. બે દેશના વડાઓ પોતાના ઘરઆંગણે મતદારોને સંકેત આપવા માટે અમુક પ્રકારના ફોટા પડાવે કે લાંબું હસ્તધૂનન કરે કે ગળે મળે છે. જો કે આવા શિષ્ટાચારમાં વધુ પડતું વાંચવાનું યોગ્ય નથી. ભારત અને ચીન કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યારે જોવા મળતી કડવાશ થોડા સમય પહેલાંનાં મીઠડાં દૃશ્યો પછી આવેલા પલટા છે. રાજદ્વારી સંબધો અને રાજકારણમાં ફરક છે.
ભારતને ચારેબાજુથી ભરડો લેવાની સક્રિયતા ધરાવતા અજગર સમાન ચીનના રાષ્ટ્રપતિ શી હજી જૂનમાં કઝાકિસ્તાનમાં અને આ જ મહિને જર્મનીમાં વડાપ્રધાન મોદીને મળ્યા, એકમેકના વખાણ પણ કર્યાં, પણ અત્યારે સંબંધોમાં 1962 જેવો માહોલ સર્જાવાના એંધાણ મળે છે. રખે કોઈ માને કે લાંબા હસ્તધૂનન કે આલિંગનથી બે દેશ વચ્ચે હૂંફાળા સંબંધો સ્થપાઈ જાય છે. પ્રત્યેક દેશ પોતાના સ્વાર્થનો વિચાર કેન્દ્રસ્થાને રાખે છે. આપણે ત્યાં એક કહેવત છે: નમન નમન મેં ફર્ક હૈ.
આંતરરાષ્ટ્રીય સંબંધોના શાસ્ત્રનું પણ આવું જ છે. અમેરિકા કે ઇઝરાયલને અબજોના ઑર્ડર આપે એવા ભારતના માર્કેટમાં રસ પડવો સ્વાભાવિક છે. અમેરિકાની છત્રછાયામાંથી નીકળી પાકિસ્તાન ચીનનું ખંડિયું બનવાનું પસંદ કરે, ત્યારે અમેરિકાને ભારતનું વિશાળ માર્કેટ વહાલું લાગવું સ્વાભાવિક છે. પ્રત્યેક દેશ પોતાના પગ પર જ પ્રગતિ કરી શકે અથવા અસ્તિત્વ ટકાવી શકે. અત્યાધુનિક શસ્ત્રો આયાત કરી શકાય અથવા ઘરઆંગણે રશિયા કે ઇઝરાયલની ભાગીદારીમાં બનાવી શકાય, પણ એ ચલાવવાની કુશળતા તો ભારતીય પ્રજાએ જ કેળવવી પડે.
ભારતીય સંસ્કૃિત હજારો વર્ષ જૂની હોવાની ગુલબાંગો પોકારનારા આપણે હજી પાઠ્યક્રમોમાં કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’ ભણાવવામાં સંકોચ અનુભવીએ છીએ, ત્યારે પશ્ચિમના ઘણા બધા દેશો તો કૌટિલ્ય અને મૅકિયાવેલીની તુલના કરીને પોતાના સામ્રાજ્યના વહીવટમાં એની ઉપયોગિતા નક્કી કરી ચૂક્યા છે. ભારત સરકારની સંસ્થા ‘ઇન્સ્ટિટયુટ ફોર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ એનાલિસીસ(ઇડસા)’એ હજી 2013માં જ કૌટિલ્ય વિશે આંતરરાષ્ટ્રીય પરિસંવાદોનાં વાર્ષિક આયોજન આરંભ્યાં. વાત આલિંગનની હોય ત્યારે આપણી સામે મહાભારત અને શિવાજી જીવનગાથામાંથી માર્ગદર્શન મળે છે.
મહાભારતમાં યુદ્ધ સમાપ્ત થયા પછી ધૃતરાષ્ટ્રના મનમાં પોતાના 100 પુત્રો હણાયાનું વેર લેવાની ભાવના શમતી નથી. એ ભીમને ગળે મળવાના બહાને પોતાની લોહભુજાથી ભીંસી નાખવા માગે છે. આ જાણતા શ્રીકૃષ્ણ ભીમના સ્થાને લોહમૂર્તિ મૂકીને ભીમના પ્રાણ બચાવે છે. છત્રપતિ શિવાજી અને અફઝલખાન વચ્ચેની મુલાકાતમાં પણ આલિંગન આપીને મરાઠા રાજાના પ્રાણ હરી લેવાનો ઇરાદો હતો, પણ મહારાજને એમના મુસ્લિમ સરદારે ચેતવ્યા હતા. એટલે તે સજ્જ થઈને ગયા અને એમણે જ અફઝલ ખાનને રહેંસી નાખ્યો. જરૂરી નથી કે આજકાલનાં રાજદ્વારી આલિંગન આવાં પ્રાણઘાતક સાબિત થાય, પણ એ આલિંગનો પાછળની કુટિલ નીતિ સમજી લેવાની જરૂર ખરી.
e.mail : haridesai@gmail.com
સૌજન્ય : ‘ડિપ્લોમસી’, “દિવ્ય ભાસ્કર”, 12 જુલાઈ 2017
![]()


વલ્લભ વિદ્યાનગરને પોતાની કર્મભૂમિ બનાવી જેમણે શિક્ષણ તેમ જ સાહિત્યક્ષેત્રે પરિણામલક્ષી કામ કર્યું છે તેવા નરેશ વેદનાં નામકામથી શિક્ષણ, સાહિત્યજનો ભાગ્યે જ અજાણ હશે. વિશ્વ તેમ જ ભારતીય સાહિત્યના બહોળા વાચન-લેખનથી અને નોખી અભિવ્યક્તિથી તેમણે સાહિત્યજગતને ઘણું ઘણું આપ્યું છે. સાહિત્ય, શાસ્ત્રો, વિદ્યાઓ, સાયન્સ વિશે તેમને સાંભળવા એ પણ એક લહાવો ગણાય. હું અને મારા જેવા અનેક વિદ્યાર્થી સદ્ભાગી રહ્યાં છીએ કે વેદ સાહેબ પાસે અમને ભણવાનો લાહવો મળ્યો. ઉમાશંકર જોશીએ ‘વર્ગ એ જ સ્વર્ગ’ની જે વાત કરેલી તેવા સાહિત્યશિક્ષણ વર્ગ-સ્વર્ગનાં અમે સાક્ષી બન્યા છીએ. અમે ક્યારે ય વેદ સાહેબનો ક્લાસ મિસ કર્યો નથી. વર્ગખંડમાં એમનો પ્રવેશ થતાં વેંત અમારા સૌમાં એક જુદા પ્રકારનો માહોલ વ્યાપી વળતો. આજે ય વર્ગમાં પ્રવેશતો તે વેળાએ સહેજ ગંભીર પણ તેજસ્વી ભાસતો ચહેરો આ લખું છું ત્યારે મારા ચિત્તમાં જીવંત બની ઊઠે છે. એ ભણાવવાની શરૂઆત કરે ને અમે એટલા બધા તલ્લીન થઇ ઊઠીએ કે વર્ગ હંમેશાં વહેલો પૂરો થયાનો અમને વસવસો રહી જતો. આગલા દિવસે જે ભણાવ્યું હોય તેનાં રિવિઝન સાથે એ નવા મુદ્દાનો આરંભ કરે. તેઓ પાશ્ચાત્ય મીમાંસા વિશે, ભારતીય સાહિત્ય વિશે, ઉમાશંકર જોશી, સુરેશ જોષી વિશે વાત કરે, તેમની વાતમાં એટએટલા સંદર્ભો, અંગત અનુભવો ગૂંથાતાં-વણાતા આવે કે અમે એમના વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બની સાંભળ્યા કરી ધન્યતાનો અનુભવ કરીએ. ઘણાં વર્ષોથી મુંબઈમાં ચાલતી એમની વ્યાખ્યાનમાળા સાંભળવા પ્રબુદ્ધજનો ઉમટી પડે એ વાત જ એમની ઊંડી પરિપક્વ સમજની સાહેદી પૂરે છે.
સાંપ્રત સમાજ વિશે અભ્યાસપૂર્ણ પ્રસ્તુત સંશોધનો આપનારા, સમાજશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ડૉ. એડવીન મસીહીનું ૬ જૂન, ૨૦૧૭ના રોજ ચોર્યાંશી વર્ષેની વયે ટૂંકી માંદગી બાદ અમદાવાદમાં અવસાન થયું. મસીહીસાહેબ સ્પર્ધા કે પ્રસિદ્ધિથી દૂર રહીને પ્રગતિશીલ અભિગમ સાથે પોતાના ક્ષેત્રમાં દિશાપૂર્વક એકાગ્ર રહીને જ્ઞાનરાશિમાં દૂરગામી મહત્ત્વનું પ્રદાન કરનાર વિદ્વાનોમાંના હતા.