Opinion Magazine
Number of visits: 9584354
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ, લગ્ન અને જ્ઞાતિના આટાપાટા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 June 2017

મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતિય લગ્નોથી શક્ય બને એમ લાગતું નથી

‘નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રિસર્ચ’ના ‘ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’ વિષયક તારણો તાજેતરમાં જાહેર થયાં છે. આ સર્વેમાં આંતરજ્ઞાતિય લગ્નોમાં દેશમાં પાંચમા ક્રમે રહેલા ગુજરાતની બે હકીક્તો : રાજ્યમાં – ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારોમાં કન્યાઓની અછતને કારણે ઘણા પાટીદાર યુવાનોને નાતની કન્યા મળતી નથી. આવા યુવાનો ગરીબ આદિવાસી કન્યાઓને પરણે છે. અહેવાલો મુજબ, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામના ઈશ્વરભાઈ પટેલે આદિવાસી કન્યા નામે તારાબહેન સાથે લગ્ન કર્યું હતું. બંને પતિપત્ની ખેતીકામ કરતાં અને ખેતરમાં ઘર બનાવી રહેતાં હતાં. ઈશ્વરભાઈનાં ભાભી, નણદોઈ અને બીજા બે લોકોએ આ દંપતી સાથે ઝઘડામાં તારાબહેનને જાતિવિષયક અપશબ્દો કહ્યા, મારવાનો પ્રયત્ન કર્યો અને ઘર છોડી જવા કહ્યું. એટલે તારાબહેને તેમની સામે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક ધારા હેઠળ પોલીસ ફરિયાદ કરી! વરસ 2011ના આ બનાવ થકી, મજબૂરીવશ થયેલાં આંતરજ્ઞાતિય લગ્નની પરિણતી એવા, નોખી આભડછેટ અને અનોખા અત્યાચારનો ગુજરાતને પરિચય થાય છે.

હવે તાજેતરનો બીજો બનાવ. ઓછું ભણેલા કે બીજા પણ પાટીદાર યુવાનોને કન્યાભ્રૂણ હત્યાને કારણે નાતની કન્યા મળતી નથી. તેથી ચિંતિત સમાજ અગ્રણીઓએ આંતરરાજ્ય લગ્નોને સ્વીકૃતિ આપી. આ વરસના એપ્રિલ મહિનાના અંતિમ દિવસોમાં, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના સહયોગી અમદાવાદમાં ગુજરાતના 24 પાટીદાર યુવાનોનો ઓરિસ્સાની યુવતીઓ સાથે લગ્નોત્સવ યોજાયો હતો.

આઝાદી પૂર્વે રાજકીય આઝાદીના આંદોલન સાથે જ સમાજસુધારાણાનું પણ આંદોલન ચાલતું હતું. આભડછેટનો મુદ્દો દેશના સામાજિક-રાજકીય એજન્ડા પર મૂકાયો હતો. ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરના આ દિશાના સંનિષ્ઠ પ્રયાસો છતાં આઝાદીના સાત દાયકે ભારતી હિંદુ સમાજ હજુ પણ જ્ઞાતિભેદમાં જકડાયેલો છે. પ્રેમ અને લગ્નની બાબતમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ પરગણાને પ્રાધાન્ય આપવામાં આવે છે.

ઈન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વેનું તારણ સ્પષ્ટ જણાવે છે કે ભારતમાં માંડ પાંચ ટકા લગ્નો જ જ્ઞાતિબહાર થાય છે. આંતરજ્ઞાતિય લગ્નોમાં ઉત્તરપૂર્વનાં ટચુકડા, ખ્રિસ્તી બહુમતી ધરાવતાં રાજ્યો જ મોખરે છે. દેશમાં સૌથી વધુ આંતરજ્ઞાતિય લગ્નો (55 ટકા) મિઝોરમમાં થાય છે. તે પછીના ક્રમે મેઘાલય, સિક્કિમ, જમ્મુકશ્મીર અને ગુજરાત છે. ગુજરાતમાં વરસે 13 ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. જાતિભેદ અને સામંતવાદમાં જકડાયેલાં ઉત્તર ભારતનાં રાજ્યો આ બાબતમાં સૌથી પાછળ છે. મધ્ય પ્રદેશ 1 ટકા સાથે સૌથી તળિયે છે, તો હિમાચલ અને છત્તીસગઢ 2 ટકા આંતરજ્ઞાતિય લગ્નો સાથે તળિયેથી સહેજ ઉપર છે.

જાણીતાં વિદુષી, સમાજવિજ્ઞાની ગેલ ઓમવેટ દેશમાં આંતરજ્ઞાતિય લગ્નોની વાસ્તવિકતા પોતાના ગામના ઉદાહરણથી સ્પષ્ટ કરે છે. મહારાષ્ટ્રમાં પૂનાથી આશરે 150 કિલોમીટરના અંતરે આવેલા પંદરેક હજારની વસ્તીના કાસેગાંવમાં તે રહે છે. આ ગામ વિકસિત અને દેખાવે શહેરી ગામ છે. દેશનાં અન્ય ગામોની તુલનાએ પ્રગતિશીલ પરંપરાઓ ધરાવતા આ ગામમાં છેલ્લાં 50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો થયાનું ગેલ ઓમવેટ ખાતરીપૂર્વક જણાવે છે. 30 પૈકીનાં 20 દંપતી ગામમાં જ રહે છે. આ હકીકત સંદર્ભે ગેલ ઓમવેટ નોંધે છે, ’50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો, ટકાવારીની દૃષ્ટિએ એક ટકાનો દસમો ભાગ થાય. 15,000ની વસ્તીના ગામમાં 50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો એટલે 0.00133 ટકા થાય.’

આવી જ સ્થિતિ દેશના લગભગ બધા જ ગામોની હશે તેમ સ્વીકારીએ તો નગરો-મહાનગરોની સ્થિતિ બહુ હરખાવા જેવી નથી. અંગ્રેજી અખબારોની લગ્નવિષયક જાહેરખબરો પર નજર કરતાં જણાઈ આવે છે કે સૌને લગ્ન માટે પોતાની જ જ્ઞાતિની કન્યા કે મુરતિયો જોઈએ છે. લગ્નની આ જાહેરાતોમાં જ્ઞાતિબાધ ન હોય તેવી લગ્ન પસંદગી કરનારા ભાગ્યે જ હોય છે.

લગ્ન તો ઠીક, જ્ઞાતિબહાર પ્રેમ કરવાની પણ બંધી છે. જો કોઈ યુવક-યુવતી રાજીખુશીથી પરસ્પર પ્રત્યેના પ્રેમને કારણે જ્ઞાતિને બાજુએ હડસેલી પ્રેમ કરે કે લગ્ન કરે, તો તેનો અંજામ ક્રૂર હત્યામાં આવતો હોવાનું અવારનવાર જોવા મળે છે. હરિયાણા અને રાજસ્થાનમાં ઓનર કિલિંગ થતા હોય છે. વળી જો આંતરજ્ઞાતિય લગ્નોમાં એક પાત્ર દલિત હોય તો આવા દંપતીનું જીવવું દુષ્કર બની જાય છે.

ડૉ. આંબેડકરે 1936માં લાહોરના ‘જાતપાત તોડક મંડળ’ના અધિવેશન માટે તૈયાર કરેલ નિબંધ ‘એનિહિલેશન ઓફ કાસ્ટ’(જાતિ નિર્મૂલ્ન)માં જ્ઞાતિપ્રથા નાબૂદીના જે ઉપાયો ચીંધ્યા તેમાં આંતરજ્ઞાતિય લગ્નોને સૌથી વધુ મહત્ત્વના માન્યાં હતાં. ડો. આંબેડકરે કહ્યું હતું, ‘મને ખાતરી થઈ ચૂકી છે કે આંતરજ્ઞાતિય લગ્નો જ જ્ઞાતિના નિકંદનનો સાચો ઉપાય છે. એકલું લોહીનું મિશ્રણ જ સગાંસ્વજન હોવાની લાગણીસર્જી શકે છે અને જ્યાં સુધી આ સગપણની ભાવના, સગાં હોવાની ભાવના સર્વોપરી નહિ બને ત્યાં સુધી જ્ઞાતિએ સર્જેલી અલગતાની ભાવના, પરાયા હોવાની ભાવના નાશ પામશે નહીં.’ ગાંધીજી અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક માનતા હતા. તેઓ આભડછેટ નાબૂદી માટે આંતરજ્ઞાતિય લગ્નોને ખૂબ મહત્ત્વ આપતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં જ લગ્નોમાં હાજર રહેતા હતા, જેમાં એક પાત્ર કહેવાતા અસ્પૃશ્ય સમાજનું હોય.

દેશમાં આજે જે પાંચેક ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે, તેમાં લગ્ન પછી પુરુષની જ્ઞાતિ જ સ્ત્રી અને બાળકોને મળે છે. જો બેમાંથી એક પાત્ર ઉપલી જ્ઞાતિનું હોય અને બળુકું હોય તો બાળકોને ઉપલી જ્ઞાતિ મળે છે. પરંતુ તેનાથી જ્ઞાતિ તૂટતી નથી. આંતરજ્ઞાતિય લગ્નો, તેને કારણે મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતિય લગ્નોથી શક્ય બનતાં નથી.

હવે નાતજાત જેવું ક્યાં કશું રહ્યું છે — એમ સામાન્ય લોકો કહેતા હોય છે. જાણીતા વિદ્વાન આંદ્રે બેતાઈ તો એ હદે લખે છે કે, ‘ભારતમાં જ્ઞાતિ હવે સમાપ્ત થઈ ગઈ છે. તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. તે હવે કેવળ આપણા વિચારોમાં ટકી છે. ચૂંટણી દરમિયાન મીડિયાવાળા જ તેનું સ્મરણ કરાવે છે, એટલું જ.’ ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નોનું નહિવત્ પ્રમાણ જ્ઞાતિ સમાપ્ત થઈ ગયાનું કહેનારને પડકારે છે. જ્ઞાતિને ધોરણે અનામત માગતા ગુજરાતના પાટીદારો લગ્ન માટે કન્યા ન મળે તો ગુજરાતની કોઈ ગરીબ કે અનામત જ્ઞાતિની કન્યાને બદલે સુદૂર ઓરિસ્સાની જ્ઞાતિ કન્યા શોધી પરણે છે, ત્યારે ભારતમાં જ્ઞાતિ કેટલી જડબેસલાક રીતે પ્રવર્તે છે અને તેનું ભૌતિક અસ્તિત્વ હાજરાહાજૂર છે તે જણાઈ આવે છે. એટલું જ નહીં અત્યારે તો ગાંધી-આંબેડકરનું આંતરજ્ઞાતિય લગ્નોનું સ્વપ્ન જાણે કે દૂરનું અને ક્યારે ય પૂરું ન થનારું લાગે છે.

સૌજન્ય : ‘અવાસ્તવિક અપેક્ષા’, “દિવ્ય ભાસ્કર”, 01 જૂન 2017 

Loading

નારીવાદ એટલે માત્ર સ્ત્રી-પુરુષ સમાનતા?

નેહા શાહ|Opinion - Opinion|8 June 2017

મર્યાદિત ભૌતિક સુવિધા સાથે તૃપ્તિ શાહે કામને જ જીવન ગણવાનો જુસ્સો છેલ્લી ક્ષણો સુધી જાળવી રાખ્યો હતો.

વડોદરામાં 7મી મેના રોજ એક કાર્યક્રમ યોજાયો, જ્યાં શોષણ અને અસમાનતા પોષતી વ્યવસ્થાના આયામોને પડકારવાની વાત હતી. કાર્યક્રમમાં એક તરફ 70-80 વર્ષના સિનિયર સિટીઝન્સ પોતાના અનુભવો કહેતાં હતાં તો સાથે માંડ વીસીમાં પ્રવેશેલાં દુનિયા બદલવાની ખુમારીથી તરવરતાં યુવાનો પણ હતાં. દરેક પ્રકારના બંધનને નકારતી દિલ્લી શહેરની વિદ્યાર્થિનીઓ હતી અને તો સાથે મીઠી વીરડી જેવા છેવાડાના વિસ્તારમાં રહેતી, ઘરના ઉંબરાની બહાર માંડ નીકળતી બહેનો પણ હતી. સૌના મનમાં વકરતાં શોષણ અને હિંસા અંગે ચિંતા હતી, આંખોમાં ભેદભાવમુક્ત સમાજના સપનાં હતાં અને હૈયામાં તૃપ્તિ શાહની યાદો હતી. પ્રસંગ હતો ડૉ. તૃપ્તિ શાહ સ્મૃિત વ્યાખ્યાન શ્રેણીના પહેલાં મણકાનો. 2016ની 26મી મેના રોજ તૃપ્તિએ ફેફસાનાં કેન્સર સામે લડત આપીને 54 વર્ષની વયે વિદાય લીધી, એ વાતને એક વર્ષ થયું હતું.

તૃપ્તિ આમ તો બીજી પેઢીની સામાજિક કાર્યકર ગણાય. તેના પિતા ઠાકોરભઈ શાહ અને માતા સૂર્યકાન્તાબહેન બંને સામાજિક કાર્યકર હતાં. અર્થશાસ્ત્રમાં ગોલ્ડમેડલ અને પીએચ.ડી.ની ઉપાધિ પછી ઊંચા વળતરનો મોહ રાખ્યા વગર તૃપ્તિએ અને એના પતિ રોહિત પ્રજાપતિ(જે એક એન્જિનિયર છે)એ માનવ અધિકાર માટેના સંઘર્ષમાં જ જીવનનો મકસદ જોયો. મર્યાદિત ભૌતિક સુવિધા સાથે, અગવડની કોઈ ફરિયાદ વગર, કામને જ જીવન ગણવાનો જુસ્સો તૃપ્તિએ છેલ્લી ક્ષણો સુધી જાળવી રાખ્યો.

1984માં એમ.એસ. યુનિવર્સિટીની એની સહાધ્યાયી સહેલીઓ એ સાથે મળી ‘સહિયર’ સ્ત્રી સંગઠનની શરૂઆત કરી, જેનો મુખ્ય હેતુ સ્ત્રીઓને નડતી અસમાન પરિસ્થિતિ સામે સંઘર્ષ કરવાનો અને એ અંગે જનજાગૃતિ ફેલાવાનો હતો. તૃપ્તિ અને ‘સહિયર’ની નિસ્બતનો વ્યાપ સ્ત્રી-પુરુષ સમાનતા સુધી સીમિત ન હતો. એણે પર્યાવરણ, વૈશ્વિકીકરણની આર્થિક વ્યવસ્થામાંથી જન્મતી શોષણ યુક્તવ્યવસ્થા, માનવ અધિકાર, નાગરિક અધિકાર, કોમવાદ તેમ જ અન્યાય થતો હોય તેવાં સર્વે મુદ્દાઓને પોતાના કાર્યક્ષેત્રમાં સાંકળી લીધા. નારીવાદ એટલે માત્ર સ્ત્રી અને પુરુષની સમાનતા જ નહિ, પણ નાત, જાત, ધર્મ, વર્ણ, ભાષા, પ્રાંત બધાંથી ઉપર ઊઠીને દરેક માણસ વચ્ચેની સમાનતા. સ્ત્રી-પુરુષ સમાનતા હાંસલ કરવા માટે બાકીના પ્રશ્નોને પણ સંબોધવા જ રહ્યા. કારણ કે અસમાનતા કુદરતી નથી, પરંતુ માનવસર્જિત છે. માટે, તેને દૂર કરવાનું કામ પણ સ્ત્રી અને પુરુષ બંનેનું. 33 વર્ષથી ‘સહિયર’નું કામ એ જ દિશામાં ચાલી રહ્યું છે અને વિસ્તર્યું છે.

તૃપ્તિનાં કામનો બહોળો વ્યાપ જોતાં સ્મૃિતવ્યાખ્યાનમાં પણ અનેક પ્રશ્નોના બહુવિધ પરિમાણોને સાંકળી લેવાનો પ્રયાસ હતો. જે પ્રશ્નો અંગે એ અંતિમ દિવસો સુધી ચિંતા કરતી હતી એ સૌને સાંકળવા ચાર પ્રશ્નોથી સભાનું માળખું બંધાયું. એક દેશ અને દુનિયામાં વધી રહેલા ફાસીવાદના પડકારને કઈ રીતે ઝીલીશું? બે, દિનબદિન વકરતા જતા આજીવિકાના પ્રશ્નોને કઈ રીતે પહોંચી વળીશું? ખાસ કરીને જ્યારે કુદરતી સંસાધનો પર સ્થાનિક લોકો પોતાનો કાબૂ ગુમાવી રહ્યાં છે તેવા સમયમાં આ પડકારનો સામનો કઈ રીતે કરીશું? ત્રણ, માનવ અધિકાર માટે ચાલી રહેલી વિવિધ ઝુંબેશોને એકબીજા સાથે કઈ રીતે સાંકળીશું? અને ચાર, આંદોલનોને એના તાર્કિક અંત સુધી પહોંચે તેટલાં ટકાઉ કઈ રીતે બનાવીશું?

કાર્યક્રમના પ્રથમ સત્રમાં નારીવાદી ચળવળના ત્રણ વિભિન્ન પાસાંની રજૂઆત ખૂબ રસપ્રદ રીતે ત્રણ અલગ પેઢીની બહેનો દ્વારા થઈ. સિત્તેર અને એંશીના દાયકામાં દક્ષિણ ગુજરાતનાં જમીનદાર કુટુંબોની, અલગ અલગ વિચારધારા ધરાવતી બહેનોએ પોતાના વજુદની શોધમાં ભેગા થઈ વલસાડમાં ‘અસ્તિત્વ’ નામક સંગઠન શરૂ કર્યું. એના સંઘર્ષની વાતો પીઢ નારીવાદી બકુલાબહેન ઘાસવાલાએ કરી. દિલ્લીથી આવેલી વિદ્યાર્થિનીઓ અવંતિકા, સૌમ્યા અને અનુભાએ છેલ્લાં બે વર્ષથી શરૂ થયેલી ‘પીંજરા તોડ’ નામની ચળવળની વાત કરી. સલામતી દરેક વિદ્યાર્થીનીનો મૂળભૂત હક છે જેની રાજ્યે તેમ જ યુનિવર્સિટીએ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. તેના બદલે સલામતીના નામે વિદ્યાર્થિનીઓ પર ભેદભાવયુક્ત નિયમો લાદવામાં આવે છે. દા.ત. સાત વાગ્યા પછી બહાર જવા પર પ્રતિબંધ. વળી, હોસ્ટેલની અપૂરતી સગવડને કારણે ઘણી છોકરીઓ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, જ્યાં વધુ સલામત સ્થળ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. આ આખી વ્યવસ્થા છોકરીઓને શારીરિક અને માનસિક રીતે પીંજરામાં બાંધે છે. તેને તોડીને બહાર આવવાની વાત જુવાન વિદ્યાર્થિનીઓએ કરી.

મુંબઈના બેબાક ક્લેકટીવમાંથી આવેલાં હસીના ખાને કહ્યું કે મુસ્લિમ સ્ત્રીઓના પ્રશ્નો સ્ત્રી તરીકે અલગ નથી, પણ મુસ્લિમ પ્રત્યેની બીબાંઢાળ સમજને કારણે પ્રશ્નોનું સ્વરૂપ બદલાઈ જાય છે. વળી, હિંદુ કટ્ટરવાદીઓ જોરશોરથી મુસલમાન સ્ત્રીઓના હકની વાત કરે છે ત્યારે મુસ્લિમ કટ્ટરવાદી તત્ત્વો તરફથી ઇસ્લામ બચાવવાનાં નામે વધુ જોર થાય છે. સરવાલે સલામતીનાં નામે સ્ત્રીને વધારે પડદા પાછળ લઈ જવાય છે. મુસ્લિમ સમાજમાં પણ એવો વર્ગ છે જે ધર્મના દાયરાની બહાર સ્ત્રીઓના પ્રશ્નોના હલ શોધે છે. તેમણે બેવડો સંઘર્ષ કરવો પડે છે.

તૃપ્તિ પર્યાવરણના મુદ્દે પણ ખૂબ સંવેદનશીલ હતી. કારણ કે પર્યાવરણના પ્રશ્નો આર્થિક વ્યવસ્થા સાથે સીધા જોડાયેલા છે અને તે સ્ત્રીની સમસ્યાને વધુ જટિલ બનાવે છે. એટલે સ્મૃિત વ્યાખ્યાનના બીજા સત્રમાં પર્યાવરણ અંગે સરકારી નીતિ, લોક આંદોલન અને કાયદાકીય માળખા અંગે વાતો થઈ. પૂનાના મંથન અધ્યયન કેન્દ્રના કર્મશીલ અને સંશોધક શ્રીપાદ ધર્માધિકારીએ પાણીની નીતિ અંગે વેધક સવાલ ઉઠાવ્યો કે પાણીને એક ચીજ ગણીને એ અંગે નીતિ તૈયાર થતી હોવાથી એનું વ્યાપારીકરણ થાય છે. પાણીની વહેંચણીની વ્યવસ્થા શ્રીમંત ખેડૂતો, ઉદ્યોગો અને શહેરીજનો માટે ગોઠવાય છે. મહારાષ્ટ્રના સંશોધક સીમા કેતકરે જેતાપુર ન્યુક્લીઅર પ્લાન્ટ સામેના સંઘર્ષમાં સ્ત્રીઓની ભાગીદારી અંગે વાત કરતાં કહ્યું કે જેતાપુરની સ્થાનિક બહેનો સંઘર્ષમાં જોડાઈ. કારણ કે ન્યુક્લીઅર પ્લાન્ટના આવવાથી તેમની જીવાદોરી સમા સમુદ્રના પ્રદૂષણથી તેમની ઓળખ અને જીવન જોખમાયા છે.

કર્મશીલ વકીલ લારા જેસાણીએ છેલ્લા બે દાયકામાં પર્યાવરણ અંગેના કાયદામાં આવેલા બદલાવ અને કઈ રીતે કાયદા પણ ઉદ્યોગોની તરફેણમાં પર્યાવરણના પ્રશ્નો અંગે ઢીલાશ છોડી રહ્યા છે તે અંગે ધ્યાન દોર્યું. ત્યાં મોજુદ ઘણાં બધાં લોકોને ઘણી બધી વાતો કરવી હતી, જે માટે સમયે પરવાનગી ના આપી. છતાં સૌને એ વાતે સંતોષ હતો કે શોષણ મુક્ત સમાજ તરફનો રસ્તો ખૂબ લાંબો અને કાંટાળો છે, પણ તૃપ્તિની યાદમાં સૌ કોઈ એક સ્થળે ભેગા થઈ એક સપને જોડાઈ શક્યાં.

સૌજન્ય : ‘મથામણનું સ્મરણ’, “દિવ્ય ભાસ્કર”, 02 જૂન 2017

Loading

સુભાષબાબુ માટે નેહરુની પારાવાર ઉષ્મા

બિપીન શ્રોફ|Opinion - Opinion|7 June 2017

આશરે અઢી વર્ષ પછી, સને ૧૯૪૫ના ઓગસ્ટ માસના અંત ભાગમાં, સુભાષચંદ્ર બોઝની પત્ની એમિલીએ એક રાત્રે વિયેના શહેરના પોતાના ઘરમાં રેડિયો પર સાંભળ્યું કે ‘બોઝ વિમાની અકસ્માતમાં તૈપેઇ (તાઇવાન દેશનું એક શહેર) મુકામે મૃત્યુ પામ્યા છે.’ તેણે સખત આઘાત અનુભવ્યો અને પછી બેડરૂમમા જ્યાં પોતાની દીકરી અનીતા ગાઢ નિંદ્રામાં સૂતી હતી, ત્યાં જઇને ધ્રૂસકે ને ધ્રૂસકે ખૂબ જ રડી.

જિંદગી તો જીવવાની જ હતી. જે પોસ્ટઓફિસમાં તે કામ કરતી હતી, ત્યાં એમિલીએ નોકરી કરવાનું શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધે પેદા કરેલી જબ્બરજસ્ત પાયમલી ને કારણે યુદ્ધ પછીના વિયેનામાં સામાન્ય નાગરિકો માટે આર્થિક નિર્વાહ કરવો ખૂબ જ કપરું કામ હતું. (She later remembered that there was “no milk for the baby for weeks” and the family had been effectively starving.) નાની બેબી અનીતાને કેટલા ય અઠવાડિયા સુધી દૂધ જ પીવાનું મળતું નહીં. ખરેખર તે કુટુંબ હકીકતમાં ભૂખે મરતું હતું. આવા સંજોગોમાં એમિલીએ સુભાષચંદ્ર બોઝના ભાઇ શરતચંદ્રને પોતાની ઓળખ બતાવતો પત્ર મોકલ્યો. સને ૧૯૪૮માં શરતચંદ્ર પોતાના કટુંબ સાથે વિયેના ગયા અને પોતાના જ કુટુંબનાં નવાં સભ્યોને ખૂબ જ હેતસભર મળ્યા અને પ્રેમથી સ્વીકાર્યા.

સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અમૈયાનાથ બોઝે નહેરુને વડાપ્રધાન તરીકે એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે નહેરુજીને નીચે મુજબની વિનંતી કરી હતી. “મારી કાકીને મારે નાણાંકીય મદદ કરવી છે. તે ઓસ્ટ્રીયા દેશના પાટનગર વિયેનામાં પોતાની દીકરી સાથે રહે છે. જો  હું રિઝર્વ બેંક ઓફ ઇંડિયા અને મારી કાકી જે દેશમાં રહે છે તે ઓસ્ટ્રીયન નેશનલ બેંક દ્રારા આ નાણાંકીય ટ્રાન્સફર કરું, કરાવું તે કામ સરળતાથી અને ઝડપથી થશે નહીં. માટે મારી વિનંતી છે કે દિલ્હીમાં આવેલ ઓસ્ટ્રીયન વાઇસ કાઉન્સેલરની કચેરી દ્રારા આ કામ થાય તેવી સગવડ કરી આપોને? આપણે તેમની ફોરેન બેંકમાં નાણાં જમા કરાવી દઇએ જે બ્રિટિશ પાઉંડમા રૂપાંતર કરીને મારી કાકીને મળે. મારે નિયમિત રીતે મારી કાકીને આ પ્રમાણે નાણાંકીય મદદ કરવી છે.”

પત્ર મળ્યા પછી બે જ દિવસમાં નહેરુજીએ નાણાં મંત્રાલય અને પરદેશ મંત્રાલયને અમૈયાનાથ બોઝના પત્ર અંગે યોગ્ય માર્ગ શોધવા પત્ર લખ્યો. બંને વિભાગોએ તે કામ થઇ શકશે તેવું લેખિત વડા પ્રધાનને જણાવ્યું. નહેરુજીએ અસફઅલી જે વિયેના જતા હતા, તેમને પોતાના ગુમાવેલા સહૃદયી બિરાદર, સાથી બોઝના કુટુંબની મુલાકત લેવા જણાવ્યું. (To meet the widow and child of his long-lost comrade or ‘opponent’ as many would believe.) અસફઅલીએ એમિલીને મળીને એવો જવાબ નહેરુજીને આપ્યો કે ‘તે કોઇ સરકારી મદદ લેવા તૈયાર નથી.’ પરંતુ અસફઅલી નહેરુજીને લખે છે કે મેં તેને સરકારી નહીં તો કોઇ અન્ય સ્વરૂપની મદદ તેના માટે નહીં પણ બેબી માટે લેવાનું સ્વીકારે.’

ઘણા બધાએ સુભાષચંદ્રના બોઝના આ લગ્ન અંગે શંકાઓ ઊભી કરી હતી. પણ નહેરુજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે ‘આપણને નિસબત છે ત્યાંસુધી, અમે એમિલીને બોઝની પત્ની તરીકે સ્વીકારી છે. માટે તે અંગેની વાત ત્યાં પૂરી થઇ જાય છે. (“So far as we are concerned we have acknowledged her to be Subhas’s wife and there the matter ends.”) તેમણે અલીને કહ્યું હતું કે તેઓ અનીતાનાં ભવિષ્ય માટે કંઇક નાણાંકીય જોગવાઇ કરે! નહેરુજીનું સ્પષ્ટ વલણ હતું કે આપણે બોઝની દીકરી અનીતા માટે તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારે નાણાંકીય સગવડ કરી આપીએ અને તે નાણાં ભવિષ્યમાં અનીતાની જરૂરિયાત માટે વપરાય. જો આ રીતે એમિલી તૈયાર હોય તો હું (નહેરુજી) આગળ વધવા તૈયાર છું. જો તે સંમત ન હોય, તો પછી તેપર બધું છોડી દો! વારંવાર ૧૦૦ બ્રિિટશ પાઉન્ડ હું તે બાળકી માટે મોકલવા તૈયાર છું. પણ તે નાણાં સરકારની તીજોરીમાંથી નહીં મોકલાય, પણ અમારી પાર્ટી કોગ્રેંસના ફંડમાંથી મોકલવામાં આવશે. (“This money will not be from official sources. It will be from the Congress.”) આ બધી હકીકતો પેલી અધિકૃત રીતે ફાઇલોમાં છે.

જે તે સમયે નહેરુ અખીલ ભારતીય કોંગ્રેસના પણ પ્રમુખ હતા. તેઓએ નકકી કર્યું કે કોંગ્રેસ પાસે જે ‘આઝાદ હીદ ફોજ’ના નાણાં હતાં, તેમાંથી બોઝની દીકરીને નિયમિત નાણાં મળે તેવી સગવડ કરવી. સને ૧૯૫૨થી તેઓએ ઉપર મુજબની વ્યવસ્થા કરી હતી. સને ૧૯૫૩થી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોય નહેરુજીનાં આ કાર્યમાં મદદરૂપ થયા. તેઓએ એક કાયદેસરનું ટ્રસ્ટ બનાવીને બોઝની દીકરીને નિયમિત નાણાંકીય મદદ મળે તેવી વ્યવસ્થા કરી. તે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નહેરુજી અને બિધાન રોય બન્યા. આ ટ્રસ્ટમાં સાક્ષી તરીકે સહીઓ વિવાદાસ્પદ વર્તમાન રિટાયર્ડ જસ્ટીસ માર્કંડ કાત્જુના દાદા કૈલાસનાથ કાત્જુ અને રફી અહેમદ કિડવાઇની હતી.

આ ટ્રસ્ટના સમાચાર એક લાંબા સમયથી સુભાષચંદ્ર બોઝના પંજાબના ટેકેદાર સરદાર શાર્દુલસિંહને મળતા તેઓનો પ્રતિભાવ હતો કે ‘આવા સજ્જન કાર્ય માટે ભગવાન તમને આશીર્વાદ આપે‘ બોઝની પત્ની એમિલીએ પણ નહેરુ અને અન્ય મિત્રોના આવાં સદ્ભાવભર્યા કાર્ય માટે આભાર માન્યો, કે જેનાથી હવે મારી દીકરીના આર્થિક નિભાવની ચિંતામાંથી હુ મુક્ત થઇ. તે અંગે એમિલી ભારત આવીને નહેરુજી અને અન્યનો રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા માંગતી હતી. એમિલીનાં માતાની ઝડપથી તબિયત બગડતી હતી, તેથી તે નહેરુજીના ભારતમાં રજાઓ ગાળવાનું આમંત્રણ સ્વીકારી શકી નહીં. સને ૧૯૫૫ના ૧લી ફેબ્રુઆરીના પત્રમાં જણાવ્યુ કે દીકરી અનીતાએ ભારતના પ્રશ્નોમાં ખૂબ જ માહિતી ભેગી કરવા માંડી છે અને સ્કૂલના શિક્ષકો તેને ભારત અંગે વિષય–નિષ્ણાત માનવા માંડયાં છે. બિધાન રોય (૧૯૬૨– જુલાઇ) અને નહેરુજીના (૧૯૬૪–મે)ના અવાસાન બાદ, લાલબહાદુર શાસ્ત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન પ્રફુલચંદ્ર સેને પણ આ જવાબદારી નિભાવવાનું ચાલુ રાખ્યું હતું.

સને ૧૯૬૦ના ડિસેમ્બરમાં અનીતા ભારત આવી. નહેરુજીની ભત્રીજી નયનતારા સહેગલ તેને દિલ્હીના એરોડૃમ પર લેવા ગયાં હતાં. અનીતાની નહેરુજીએ પોતાના મહેમાન તરીકે વડાપ્રધાન નિવાસમાં સરભરા કરી હતી.

લંડનના એક પેપર ‘ડેઇલી એકસપ્રેસે‘ નહેરુજી અનીતાને એક વડા પ્રધાન તરીકે આવકારે છે તેવા ફોટા નીચે લખ્યું હતું કે ‘ભારત દેશ પર લશ્કર લઇને હુમલો કરનારની પુત્રીને નહેરુ મળે છે.’ (‘Quisling’s daughter meets Nehru’.) જ્યારે નહેરુજીને કોઇએ પૂછયું કે આ ટીકા સામે તમારો જવાબ શું છે? દેશની પ્રજા (સુભાષચંદ્ર બોઝ) જે વ્યક્તિને આટલા બધા ઉચ્ચ અને પૂજનીય ભાવથી સન્માનથી હોય, તેને આવી રીતે ઓળખાવો તે બિલકુલ અયોગ્ય છે.

જ્યારે સરદાર પટેલ – રાજેન્દ્રપ્રસાદ અને પંતની પાંખ બોઝને અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિમાંથી બહાર કાઢવા મેદાને પડી હતી, ત્યારે નહેરુને તે બનાવો અંગે કોઇ પશ્ચાતાપ કે સંતાપ થયો હતો ખરો ? તે જમાનામાં આઝાદીની ચળવળના રાષ્ટ્રીય ફલક પર નહેરુજી અને બોઝનો વૈચારિક ઝુકાવ ‘ડાબેરી વિચારસરણી’ તરફ હતો. તે બંને પ્રખર અને અસમાધાનકારી ધર્મનિરપેક્ષ (Staunchly secular leaders) નેતા હતા. પોતાના વિચારોને કારણે તેઓ બંનેને એકબીજાનો સહકાર અપેક્ષિત હતો.

સને ૧૯૩૦થી નહેરુજી અને બોઝના પત્ર વ્યવહારોથી એવુ ફલીત થાય છે કે તેઓની મિત્રતા ખૂબ જ વૈચારિક અને બૌદ્ધિક હતી. બોઝ નહેરુજી પુસ્તકો માંગતા હતા, જ્યારે નહેરુજી બોઝે લખેલા પુસ્તક ‘ધી ઇંડિયા સ્ટ્રગલ‘ માં કેટલાક જરૂરી સુધારા સૂચવતા હતા. સને ૧૯૩૭–૩૮ની સાલથી બંને એ ભારતમાં રાષ્ટ્રીય આયોજન કેવી રીતે કરવું તે અંગેના ચિંતન કરવામાં અગ્રેસર હતા. તેને આધારે સ્વતંત્રતા પછી ભારતનું આયોજન થયું. કદાચ નહેરુને તે નિમિત્તે આઝાદી પછી બોઝની ગેરહાજરી ઘણી અનુભવાતી હશે.

બોઝ અને નહેરુજીના કૌટુબિક સંબંધો પણ ઘણા લાગણીસભર અને ઘનિષ્ટ હતા. જ્યારે નહેરુજી દેશની જેલમાં હતા, ત્યારે બોઝે કમલા નહેરુની સ્વીઝરલેંડમાં ટીબી સેનિટોરિયમમાં સૌજન્યભરી મુલાકતો કરી હતી. જ્યારે કમલા નહેરુ સને ૧૯૩૬માં ગૂજરી ગયાં, ત્યારે તે સમયે નહેરુજી સાથે બોઝ હતા. નહેરુજીનો સુભાષબાબુના કુટુંબ પ્રત્યેનો આટલો બધો પ્રેમાળ ઝુકાવ શું સૂચવે છે? શું તે એક ભાંગી પડેલા બિરાદર(કોમરેડ)ના કુટુંબ પ્રત્યેનો કુદરતી સહજ નિસબત છે કે પછી બાળકો સાથેનો નહેરુચાચાના પ્રેમની અભિવ્યક્તિ છે. તે આપણે ક્યારે ય જાણી શકીશું નહીં.

(અંગ્રેજી લેખક અનીરબન મિત્રા, મોલેક્યુલર બાયોલોજીસ્ટ, કોલકત્તાના એકને આધારે)

https://thewire.in/137206/netaji-files-family-nehru/

Loading

...102030...3,3623,3633,3643,365...3,3703,3803,390...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved