Opinion Magazine
Number of visits: 9687970
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આફત અને રાજનેતાનો આપદ્દધર્મ

દિવ્યેશ વ્યાસ|Samantar Gujarat - Samantar|2 August 2017

મોરબી હોનારત વખતે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યશસ્વી કામગીરી આજે ય યાદ આવે છે

અનરાધાર વરસાદે અડધા ગુજરાતને પૂરગ્રસ્ત હાલતમાં મૂકી દીધું છે. પૂરને કારણે હજારો ગુજરાતીઓ માટે નીચે ધરતી અને ઉપર આકાશ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે કમનસીબે રાજ્યના રાજકારણીઓ અને ધારાસભ્યો રાજકીય કાવાદાવામાં ફસાયેલા છે. સત્તાલોલુપ રાજકારણીઓ કાવાદાવામાં એટલા ખૂંપેલા છે કે કાદવ-કીચડવામાં ફસાયેલી જનતાની પીડા તરફ તેમની જાણે નજર પણ જતી નથી. ગુજરાતે અગાઉ પૂર, દુષ્કાળ, વાવાઝોડાં કે ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતો જોઈ છે, પરંતુ રાજનેતાઓનું આવું દુર્લક્ષ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે. ગુજરાતનું જાહેરજીવન અગાઉ ક્યારે ય આટલું અસંવેદનશીલ નહોતું.

આસમાની આફત સમયે સુલતાની કાવાદાવા જોઈને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યાદ તીવ્ર બનવી સ્વાભાવિક છે. બાબુભાઈ એક એવા લોકનેતા હતા, જેમણે સત્તા પર હોય કે ન હોય, હંમેશાં લોકસેવામાં પોતાનો ધર્મ જોયો હતો અને એમાં ય કુદરતી આફતોના સમયમાં તો તેમણે એવી કામગીરી કરી છે કે ઇતિહાસમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ગુજરાતે જ નહીં સમગ્ર દુનિયાએ જોયેલી ભયાનક જળહોનારતોમાંની એક એવી જળહોનારત મોરબીમાં સર્જાઈ હતી. વાત 11 ઑગસ્ટ, 1979ની છે. અનરાધાર વરસાદને કારણે મચ્છુ નદી પરનો ડેમ તૂટી ગયો હતો. ધસમસતા જળપ્રવાહે મોરબીમાં મહાવિનાશ વેર્યો હતો. આજથી લગભગ ચાર દાયકા પહેલાં નહોતી આટલી ટેક્નોલોજી કે નહોતાં તોતિંગ સાધનો-સંસાધનો, પરંતુ એક વાત હતી, એ વખતના રાજનેતાઓ આફત સમયે પોતાનો આપદ્્ધર્મ સારી રીતે જાણતા હતા અને એ રાજનેતાઓમાં શિરમોર હતા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ.

મોરબી હોનારત અંગે મૂળ ગુજરાતી એવા હાર્વર્ડના સંશોધક ઉત્પલ સાંડેસરા અને તેમના સાથી ટોમ વૂટને છ-છ વર્ષ સુધી સંશોધન કરીને 400 પાનાંનું એક અભ્યાપૂર્ણ પુસ્તક લખ્યું હતું – ‘નો વન હેડ અ ટંગ ટુ સ્પીક : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડેડલિએસ્ટ ફ્લડ્સ’. વર્ષ 2011માં પ્રકાશિત આ પુસ્તકના બીજા પ્રકરણનું શીર્ષક છે – ‘ધ ગવર્નમેન્ટ ડિસાઇડ્સ, એન્ડ ધ ગવર્નમેન્ટ બિલ્ડ્સ’. પ્રકરણનું શીર્ષક જ જણાવે છે કે તત્કાલીન રાજ્ય સરકારે સારી કામગીરી નિભાવી હતી. આ સારી કામગીરીનું સૌથી વધારે શ્રેય મુખ્યમંત્રી બાબુભાઈને જ જાય છે, કારણ કે તેઓ આ હોનારતના સમાચાર સાંભળીને મોરબી દોડી આવ્યા અને મોરબીમાં રહીને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે કામગીરી કરી હતી. આ પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. તત્કાલીન ખેતીવાડી વિભાગના સચિવ એચ.કે. ખાનને તાત્કાલિક ધોરણે વિશેષ રાહત સચિવ (સ્પેશિયલ સેક્રેટરી ફોર રિલીફ) બનાવી દેવાયા અને રાહત-પુનર્વસનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ખાન તત્કાળ મોરબી પહોંચી ગયા. તેમણે સ્થિતિનો ક્યાસ કાઢીને સંપૂર્ણ સત્તાની માગણી કરી અને મુખ્યમંત્રીએ નાણાકીય સહિતની તમામ સત્તા તેમને સોંપી દીધી. રાહત છાવણીમાં બનાવેલી ઑફિસમાં રોજ સવારે મિટિંગ કરવામાં આવતી. બાબુભાઈ મિટિંગમાં નિયમિત હાજર રહેતા, પરંતુ કોઈ એમની સલાહ માગે ત્યારે તરત ખાનસાહેબ તરફ આંગળી ચીંધીને કહી દેતા કે હું અહીંનો ઇન્ચાર્જ નથી, હું પણ વોલન્ટિયર જ છું!

આમ, બાબુભાઈએ ખરા અર્થમાં એક મુખ્યમંત્રી નહીં, પરંતુ મુખ્ય સેવક તરીકે ફરજ બજાવીને પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. કહેવાય છે કે મુખ્યમંત્રીનું ઘર અને ઑફિસ મોરબીમાં જ રહેતાં મોરબીમાં જ મિનિ સચિવાલય ઊભું થઈ ગયું હતું અને સમગ્ર રાજ્યનો વહીવટ પૂરરાહતની કામગીરીની સાથે સાથે ત્યાંથી જ થતો હતો.

એ વખતે રાજ્યના વિરોધ પક્ષ (કૉંગ્રેસ)ના નેતા માધવસિંહ સોલંકી હતા. તેમણે મોરબી હોનારતની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી હતી. સત્તા પક્ષ એટલે જનતા મોરચાના સભ્યોએ આનો વિરોધ કર્યો, પરંતુ મુખ્યમંત્રી બાબુભાઈએ તરત જ આ માગણી સ્વીકારી લીધી હતી. તેમણે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ન્યાયિક તપાસપંચના અધ્યક્ષનું નામ સૂચવવા વિનંતી કરી અને ન્યાયમૂર્તિ બી.કે. મહેતાના અધ્યક્ષપદે તપાસપંચ નિમાયું હતું. આમ, પ્રતિબદ્ધતા અને સેવાની સાથે સાથે તેમણે પારદર્શકતાને પણ ઊની આંચ આવવા દીધી નહોતી.

અહીં બાબુભાઈના રાજકીય જીવનનો બીજો રસપ્રદ કિસ્સો પણ નોંધી લેવાની લાલચ રોકી શકાય એમ નથી. પછી માધવસિંહ મુખ્યમંત્રી બનેલા અને બાબુભાઈ વિપક્ષમાં હતા. દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડતાં માધવસિંહે અછત રાહતનું કામ અન્ય કોઈને નહીં પણ બાબુભાઈને સોંપ્યું હતું. આનો વિરોધ પણ થયેલો ત્યારે માધવસિંહે કહેલું, આવું કામ બાબુભાઈથી વધુ સારું કોણ કરી શકે?

વર્તમાન રાજનેતાઓ રાજધર્મ તો જવા દો આપદ્્ધર્મ પણ સમજશે? કે પછી જનતાએ જ ત્રીજું નેત્ર ખોલીને સમજાવવું પડશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 2જી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

સૌજન્ય : http://samaysanket.blogspot.co.uk

Loading

માણસના આક્રોશ સામે હારી રહેલી અકલમંદી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 July 2017

ઝાંસી, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પંકજ મિશ્રા અંગ્રેજીમાં લખતા લેખકોમાં મોટું નામ છે. એ લંડન-અમેરિકાના અનેક પત્ર-પત્રિકાઓમાં નિયમિત લખે છે. આ વર્ષની શરૂઆતમાં એમણે દુનિયાના અલગ અલગ દેશોમાં જોર પકડી રહેલી કૌમપરસ્તી, અલગતાવાદ અને અંધ રાષ્ટ્રવાદની હલચલ ઉપર એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે ‘એજ ઑફ એંગર’ (ક્રોધનો કાળ).

દુનિયામાં અત્યારે, ખાસ કરીને 2010 પછી, ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃિતક મોરચે એક પ્રકારની નારાજગી અને નિરાશા પ્રર્વતી રહી છે. એક તરફ 18 દેશોમાં ઇસ્લામિક સ્ટેટનાં આતંકી સંગઠનો ક્રૂર હુમલાઓ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ પશ્ચિમના દેશોમાં ‘બાહુબલીઓ’ને સરકારમાં બેસાડવાની લોકોની લાગણી બળવત્તર બની રહી છે. અસુરક્ષાની લાગણીની અસર ‘દૂરના અને મહફૂજ’ દેશોમાં પણ પડી રહી છે અને ત્યાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદમાં માનતાં જૂથો મુખ્ય ધારામાં આવી રહ્યાં છે.

સંસારમાં કુલ 195 રાષ્ટ્રો છે. એમાંથી માત્ર 11 રાષ્ટ્રો જ એવાં છે, જ્યાં શાંતિ છે. બાકીનાં રાષ્ટ્રોમાં કોઇક ને કોઇક હિંસા જારી છે. રિપોર્ટ કહે છે કે 2007 પછી હિંસાનો દૌર વધતો રહ્યો છે, અને એમાં 10 દેશો, જ્યાં સૌથી ખૂંખાર રક્તપાત ચાલે છે, 2017માં વિશ્વની શાંતિ માટે ‘ફ્લેશ પોઇન્ટ’ સાબિત થઇ શકે છે.

વિચાર કરો કે દુનિયાના 184 દેશોની જનતા એમની ધાર્મિક રાજકીય અને સામાજિક સ્થિતિને લઇને એક પ્રકારના ક્રોધમાં જીવી રહી હોય તો? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમ તો એવા કોઇ ડાહ્યા માણસ નથી કે એમને અહીં ટાંકવા પડે, પરંતુ એક ઇન્ટરવ્યૂમાં એમણે જે વાત કરી હતી એ અમેરિકાના ‘વિશ્વદર્શન’ની ઝાંખી કરાવે છે. મુસ્લિમ દેશોના ઇમિગ્રાન્ટ્સ ઉપર પ્રતિબંધને લઇને એક ટીવી પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે ‘આનાથી દુનિયાના મુસ્લિમો ગુસ્સે નહીં થાય?’ ત્યારે ટ્રમ્પે કહેલું, ‘ગુસ્સો? આટલો બધો ગુસ્સો તો છે. વધારે કેવી રીતે થાય? દુનિયા કીચડમાં છે. વધુ ગુસ્સો થશે એ શું? દુનિયા ક્રોધમાં છે. ટોટલ ગડબડ છે.’

બે કારણો છે: એક, આપણા મગજની ઉત્ક્રાંતિ એવી રીતે થઇ છે કે આપણે ખૌફ અને ખેદની લાગણી સરળતાથી વ્યક્ત કરી શકતા નથી, એટલે એમાંથી છૂટવા માટે કોઇકને બલિનો બકરો બનાવવો અનિવાર્ય બની જાય છે. અને બે, આપણી બાહ્ય દુનિયામાં અન્યાય, અસમાનતા અને અવ્યવસ્થાને કારણે માણસના ખૌફ અને ખેદને પાણી પહોંચ્યું છે. બીજી વાત પહેલાં.

2014માં પ્રસિદ્ધ થયેલા ‘ધ ફોર્થ રિવોલ્યુશન’ નામના પુસ્તકમાં એક વિધાન હતું કે, ‘અત્યાર સુધી તો પશ્ચિમના મૉડલ માટે 21મી સદી સડેલી સાબિત થઇ છે.’ 20મી સદીમાં એક એવી ધારણા મજબૂત થઇ કે દુનિયાનો ઉદ્ધાર પશ્ચિમે લખેલા પ્રિસ્ક્રિપ્શન (ઔદ્યોગિકરણ અને લોકતંત્ર) પ્રમાણે નુસખો કરવાથી જ થશે. યુરોપ-અમેરિકાની નેશન-સ્ટેટની થિયરીમાં ભવિષ્યવાણી એવી હતી કે પશ્ચિમનું રાજકીય-સામાજિક-ધાર્મિક મૉડલ ક્રમશ: પૂરા સંસારમાં અપનાવવામાં આવશે અને ઔદ્યોગિક મૂડીવાદમાંથી જન્મેલો મહત્ત્વાકાંક્ષી મધ્યમ વર્ગ જવાબદાર અને સ્થિર સરકારોને ચૂંટશે. (જેવું પશ્ચિમમાં થયું હતું.)

ટૂંકમાં, ખયાલ એવો હતો (અને હજુ ય છે) કે જે લોકો મેકડોનલ્ડ્સના બર્ગર ખાય એ યુદ્ધો ન કરે. પંકજ મિશ્રા લખે છે, ‘19મી સદીના યુરોપમાં ઔદ્યોગિક મૂડીવાદની સાથે જે અપૂર્વ રાજકીય, આર્થિક અને સામાજિક અવ્યવસ્થા આવી અને જેના કારણે 20મી સદીના પૂર્વાધમાં મહાયુદ્ધો, સર્વસત્તાવાદી સરકારો અને જાતિસંહારો આવ્યા, આજે 21મી સદીમાં એ જ અવસ્થા યુરોપની બહારના વ્યાપક પ્રદેશો અને આબાદીને ઘેરી વળી છે.’ કાર્લ સ્મીટ નામના જર્મન કાનૂનવિદને ટાંકીને મિશ્રા લખે છે, ‘આજે જે ધડાકા-ભડાકા થાય છે તે આગમાં પલીતો 1848માં ચાંપવામાં આવ્યો હતો.’

છેલ્લી અડધી સદીથી દુનિયામાં મૂડીવાદનો એક આત્યંતિક ઢાંચો વ્યવહારમાં આવ્યો છે, જેણે મૂડીવાદના પાયાના એ સિદ્ધાંતોને ગલત સાબિત કર્યા છે કે માણસ એક તાર્કિક પ્રાણી છે અને બજારો તર્કસંગત રીતે વર્તે છે અને એ વિવેક પ્રમાણે કિંમતો નિર્ધારિત થાય છે. પશ્ચિમનું આર્થિક મૉડલ માણસની અતાર્કિક નિર્ણયશક્તિ સામે નિષ્ફળ ગયું છે અને પૂરી દુનિયામાં વિવિધ રાષ્ટ્રો વચ્ચે, વિવિધ સમાજો-વર્ગો અને સમુદાયો વચ્ચે આર્થિક અસમાનતા વધી રહી છે જેનાથી સામાજિક-ધાર્મિક પાયાઓમાં પણ હલચલ થઈ રહી છે.

આમાંથી માણસના મગજમાં પડેલી ખૌફ અને ખેદવાળી (ગરીબીનો ખેદ અને અન્યાયનો ખૌફ) સર્કિટ સક્રિય થઈ છે. સુખ-સમૃદ્ધિ અને સંતોષ માટે માણસ વિવેકપૂર્ણ વ્યવહાર કરે છે એ ધારણા ન્યૂરોસાયન્સે ગલત સાબિત કરી છે. દાખલા તરીકે દુ:ખી કે ઉદાસ માણસ સુખના ઉપાય શોધવાને બદલે ક્રોધ કરવાનું પસંદ કરે છે, એ અર્થશાસ્ત્રીઓને ખબર ન હતી. એટલે બર્ગર ખાય એ યુદ્ધ ન કરે એ માન્યતા ગલત થઇ ગઇ.

માણસ પ્રકૃતિથી તામસિક અને ક્રોધી છે. આપસી સંબંધોથી લઇને રસ્તા ઉપર જતા ડ્રાઇવર બજારમાં ખરીદારી કરતા ગ્રાહકો અને મતદારોમાં અન્યાયની એક પૌરાણિક માનસિકતા હોય છે જેમાં કેન્દ્ર સ્થાને ભાવ એવો હોય છે કે, ‘જે થયું છે તેમાં મારી ત્રુટિ નથી અને ફરિયાદ કરવાનો મને હક છે.’ મોટાભાગના ક્રોધ આ ફરિયાદ કરવાની લાગણીમાંથી આવે છે. અન્યાય, ફરિયાદ, ક્રોધ અને આતંક એકબીજાના પાડોશી  છે.

વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણે આજુબાજુની દુનિયા પાસેથી બહેતર ઉમ્મીદ રાખીએ છીએ. આમાં આધુનિક અર્થવ્યવસ્થાનું પેલું ‘કસ્ટમર’ કલ્ચર જ જવાબદાર છે, જે બહેતર સુવિધાના હકને મજબૂત કરે છે. જ્યારે આ ઉમ્મીદ સંતુષ્ટ ન થાય ત્યારે એ વિવશતા ક્રોધ રૂપે વ્યક્ત થાય છે. આપણા આપસી ક્રોધ અને સંસારમાં ચાલતા ક્રોધ માણસની આ મૂળભૂત વિવશતામાંથી જ આવે છે.

અર્થશાસ્ત્રીઓને માણસની અકલમંદી(રેશનાલિટી)માં શ્રદ્ધા હતી, દાર્શનિકોને માણસના આક્રોશની (રિસેન્ટમેન્ટ) ખબર હતી. ગાંધીજીએ કહ્યું હતું કે, ‘અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે તફાવત નથી. જે અર્થશાસ્ત્ર ધનપૂજાને ઉત્તેજન આપે છે અને ગરીબોના ભોગે ધનિકોને શક્તિમાન બનાવે છે, જે અર્થશાસ્ત્ર એક દેશને બીજા દેશનો શિકાર કરવા પ્રેરે છે, તે ખોટું અને અંધકારમય અર્થશાસ્ત્ર છે.’

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 30 જુલાઈ 2017

Loading

પ્રવાસ અને હોલીડેમાં તફાવત

આશા બૂચ|Opinion - Opinion|31 July 2017

જુલાઈ-ઓગસ્ટના મહિના એટલે ખાસ કરીને યુનાઇટેડ કિંગ્ડમ નિવાસીઓ માટે ‘હોલીડે સિઝન’. લોકોને અચૂક ક્યાંક ‘ને ક્યાંક હોલીડે પર જતા જોઉં અને મારા સ્મૃિતપટલ પર મેં નાનપણમાં કરેલા પ્રવાસો સાથે તેની સરખામણી થઇ જાય.

‘ચરાતિ ચરતો ભગ:’, ‘ચરે તે ફરે અને બાંધ્યો ભૂખે મરે’, ‘જીવ્યાં કરતાં જોયું ભલું’ આ અને આવી કહેવતો સદીઓથી આપણી સંસ્કૃિતનો અંતર્ગત ભાગ રહી છે. આદમી પેદા થયો ત્યારથી કુતૂહલવશાત્‌ ગામ-પરગામ અને દેશ પરદેશ જતો આવ્યો છે. આજીવિકાની શોધમાં, વ્યાપાર અર્થે, વધુ અભ્યાસાર્થે, સાહસિક પ્રવાસો કરવાના હેતુસર, લડાઈઓ કે અન્ય દેશો પરના શાસન કરવાની ફરજને પરિણામે માણસ જાણે કદી એક જગ્યાએ કાયમ માટે રહ્યો હોય તેવું બન્યું નથી.

ભારતની વાત કરીએ તો આપણા વડવાઓ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં ચાર ધામની યાત્રાએ જતા. ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતાં સ્થાનો પણ જાણે ગણતરીપૂર્વક એવી જગ્યાએ ઊભાં કરેલાં જોવા મળે છે કે શ્રદ્ધાળુઓ એ બહાને રણની બળબળતી રેતમાં મુસાફરી કરે, શીત પર્વતોના શિખરો પર કડકડતી ઠંડીમાં પણ ચડે, નદી અને દરિયો ખેડવાનું સાહસ કરીને પણ ઈશ્વરને શીશ નમાવવા જવાની પરંપરાને અનુસરતો આવ્યો છે. એ રીતે માનવી પ્રકૃતિની નિકટ જતો, તેને પારખતો અને તેના અદ્દભુત સૌંદર્યને પામીને ધન્ય થતો.

આધુનિક સમયમાં આનંદ-પ્રમોદ માટે અને પોતાના દેશની અતિશય ઠંડી કે ગરમીથી છૂટકારો મેળવવા ‘હોલીડે’ પર જવાની પ્રથા પ્રચલિત થઇ છે. આ શોખ પહેલાં ધનાઢ્ય દેશોની પ્રજાને તેમ જ ગરીબ દેશોના ધનવાન લોકોને પોસાતો, હવે તેમાં દુનિયાના તમામ દેશોના ધનિક, ઉચ્ચ મધ્યમ અને મધ્યમ વર્ગના લોકો પણ ભળ્યા. સારું જ થયું. યાતાયાતનાં સાધનો વધ્યાં, વધુ ઝડપી થયાં અને એ ખર્ચને પહોંચી શકે તેવા લોકોની સંખ્યામાં વધારો થયો, તેથી સાહેબો વિદેશ પ્રવાસ કરે અને કારકૂન મોં વકાસીને બેસી રહે એ દિવસો પૂરા થઇ ગયા, એ સ્થિતિ આવકાર્ય છે. પણ ઝીણવટથી જોતા લાગશે કે આપણા વડવાઓના કાળની ‘યાત્રાઓ’, આપણા નાનપણના સમયના ના ‘પ્રવાસ’ અને આજના યુગના ‘હોલીડે’માં ઘણો તફાવત છે.

મને યાદ આવે છે અમે સહેલગાહ કરવા જતાં તેની. ગામમાં આવેલ નાનાં મોટાં બગીચા, નદી કિનારો, દરિયા કિનારો, ટેકરી પર આવેલ મંદિર, અરે નાનું રેલવે સ્ટેશન પણ આવી આનંદ યાત્રાનું સ્થળ બની જતું. મોટે ભાગે ચાલીને સમવયસ્ક મિત્રો સાથે પૂર્વ યોજના વિના કોઈ રવિવારે કે શાળાની રજાઓ દરમ્યાન વહેલી સવારે નીકળી પડતાં. જો કે અમારી સાથે કોઈ એકાદ બે મોટેરાંઓનો સાથ રહેતો જેથી સહીસલામત ઘેર પહોંચવાની ખાતરી રહે. સાથે લઇ જવા દરેકની માવડીઓ એ સહેલગાહનું સ્થળ નજીક હોય તો ઘેર બનાવેલ સેવ-મમરા, શીંગ-રેવડી, ગોળપાપડી અને નમકપારા આપે અથવા જો આખા દિવસની સહેલગાહ હોય તો વળી થેપલાં અને શાક, સાથે અથાણું અને ડબ્બામાં દહીં ભરી આપે. રમવા માટે નાના મોટા દડા, રીંગ અને કૂદવાની દોરી, બસ બીજું કઇં નહીં કેમકે ઊભી ખો, બેઠી ખો, નાગોલ, લંગડી, હુતુતુ વગેરે તો સાધનો વિના જ રમી શકાય. પાછા ફરીએ ત્યારે ગામની સીમમાંથી હાથે વીણેલાં ચણી બોર, કોઈ વાડીમાં કામ કરનારે આપેલ જમરૂખ કે એવું કૈંક લઈને ઘેર આવીએ ત્યારે તો શું ય મોટી મિલકત કમાયાનો આનંદ થતો.

એવું જ 50/60/70ના દાયકાઓમાં કરેલ પ્રવાસોની મીઠી યાદ આવે. અમારી નિશાળમાં દર એકાંતરે વર્ષે શૈક્ષિણક પ્રવાસ થતો. વળી હું એટલી નસીબદાર કે અમે અમારા પરિવાર સાથે અનેક સંમેલનો, પરિષદો, શિબિરોમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણે જતાં. આ બધાં ય સ્મરણોને ટપી જાય તેવા એક શિબિરના ભાગરૂપ પર્યટન પર ગયેલા એ હંમેશ યાદ રહેશે. મારી ઉંમર 16/17ની હશે. રચનાત્મક કાર્યકરોનાં સંતાનો માટે એક ખાસ શિબિર ભાવનગર જિલ્લાના મણાર ગામે યોજેલી. સવાર-સાંજ સ્વ. મનુભાઈ પંચોળી અને વજુભાઇ શાહ તથા અન્ય સમાજસેવીઓ, શિક્ષણવિદ્દ અને કવિઓ પાસેથી કથા-વાર્તા અને વિવિધ વિષયો પરની ચર્ચાનું પાન કર્યા પછી આસપાસના ટેકરાઓ ચડવા, ખેતર-વાડીમાં રખડવા અને દરિયા કિનારે નાહવા જતાં એ પ્રદેશની જમીન, પર્વત, રેતી અને પાણીની લાક્ષણિકતાઓ, ત્યાં ઊગતી વનસ્પતિ, અનાજ, ફળફળાદિ અને ફૂલોની જાણકારી અમને જે તે વિષયોમાં નિષ્ણાત લોકો પાસેથી તેમની સાથે ચાલતાં-દોડતાં મળી ગઈ. તેને કહેવાય શૈક્ષણિક પ્રવાસ.

અહીં ગુજરાતના શિક્ષણશાસ્ત્રી સ્વ. નાનાભાઈ ભટ્ટનું પ્રવાસની સાર્થકતા વિષે કરેલ વક્તવ્ય ટાંકીશ તો યથાયોગ્ય થશે. એમણે કહેલું, “પ્રવાસમાં સીધી રીતે જ્ઞાન મળો કે ના મળો પરંતુ ગૃહ અને શાળાની સાંકડી દીવાલોને લાત મારીને વિદ્યાર્થી બહાર કુદરતમાં ઊતરી પડે, ઘડીભર શિષ્ટ સમાજનો શિષ્ટ બાળક મટી જઈ એકવાર ફરીથી કુદરતનો બચ્ચો બની તેની ગોદમાં આળોટી લે અને સૌંદર્યનું ધરાઈ ધરાઈને સ્તનપાન કરી લે, જનતા અને ભ્રાતૃભાવનાં લાંબાં ચોડાં વ્યાખ્યાનો સાંભળવાને બદલે જનતા જ્યાં પડી છે ત્યાં તેને ઢુંઢીને ઓળખી લે અને એવી ઊંડી ઓળખ ઉપર જાણ્યો અજાણ્યે ભ્રાતૃભાવના ચણતર ચણે, પોતાની આસપાસ ઝાડપાન, ફળ-ફૂલ, પંખી, પશુ, કીટ વગેરે સૃષ્ટિ જીવતી જાગતી પડી છે, તેને તેના શુદ્ધ સ્વરૂપમાં ઓળખી લે, ઇતિહાસના અર્થહીન થોથાંને ત્યાગીને જે સ્થળોએ આ ઇતિહાસ ઘડાયો છે ત્યાં તેનું પરિશીલન કરે, ભૂગોળની જડ, કે શાબ્દિક વ્યાખ્યાઓ ગોખવાને બદલે એ ડુંગરાઓ, એ ઝરણાંઓ, એ સાગર વગેરે સાથે ખૂબ રખડી રખડીને સહવાસથી તેમનું હાર્દ પી જાય, ઘેર આરામખુરશીમાં પડ્યાં પડ્યાં ચંડોળ, બુલબુલ અને સાગરની કવિતાનો પદચ્છેદ કરવાને બદલે એ ચંડોળ, બુલબુલ અને એ સાગરને ચરણે બેસીને તેમનું કવન સાંભળે અને એ સર્વના પરિણામે પોતાના જીવનમાં અવનવો સંભાર ભરી લે એમાં જ આવા પ્રવાસોની સાર્થકતા છે.”

અમારા મોટા ભાગના પર્યટનો અને પ્રવાસો નાનાભાઈ ભટ્ટે વર્ણવેલ લાક્ષણિકતા ધરાવતા હતા તેથી જ તેની સાર્થકતા આજે પણ અકબંધ લાગે છે. કેમ કે એ તમામ પ્રવાસો ટ્રૈન કે બસમાં થતા. સફરની ગતિ ધીમી. બસ કે ટ્રૈનની બારીમાંથી ઉંધી દિશામાં દોડતાં વૃક્ષો, વીજળીના થાંભલાઓ ગણવાની મોજ પડતી. ખેતરોમાં ઊગેલ પાક ઓળખવાની કોશિશ કરતાં ખોટા પડીએ તેની રમૂજ થતી અને એ રીતે જુદા જુદા પ્રદેશમાં ઊગતાં અનાજ અને ફળોની ઓળખ થતી. રેલવેની અને સ્ટીમરની સફર કાયમ મારા મનથી વધુ રોમાંચક રહી છે. જ્યારે ગુજરાતમાં દૂરના સ્થળે કે દેશના અન્ય રાજ્યોમાં જવાનું થતું ત્યારે દરેક સ્ટેશને જુદા જુદા પોશાક પહેરેલા, જુદી બોલી અને ભાષા બોલનારા, જાતજાતની પ્રાદેશિક વાનગીઓ વેંચતા લોકો ભારતની ભાતીગળ પ્રજાની ઝાંખી કરાવે એ બહુ ગમતું. રાજસ્થાન આવે અને માટીની કુલડીમાં ગરમ ચાય અને ઠંડું દહીં મળે, મીઠી રબડી વેચાય. દિલ્હી-આગ્રાના સ્ટેશને પેઠાં અને ઈમરતિયા પડિયામાં મળે. મુંબઈ તરફ જતાં ચીકુ, એલચી કેળાં, તાજા તાડગોળા, ડાકોરનાં ભજિયાં, સુરતની ઘારી, વગેરે અનેક વાનગીઓ એ શહેરમાં પગ મુક્યા વિના રેલવે સ્ટેશન પર જ ચાખવા મળતી. આંખો એ દ્રશ્યોને મનભરીને માણતી અને કાન વિવિધ ભાષાઓ અને બોલીઓથી ટેવાતા જતા, તો વળી ઘ્રાણેન્દ્રિયને કોઈ જુદો જ અનુભવ થતો.

કોઈ ધર્મશાળામાં રોકાવાનું બને અને જો ભોગેજોગે પ્રવાસીઓમાંથી કોઈ માંદું પડે તો ધર્મશાળાનો માલિક તેને માટે દવા, ખોરાકની સગવડ કરાવી આપે અને ક્યારેક તો પોતે બિમાર વ્યક્તિનું ધ્યાન રાખી, અન્ય સહુને નગર દર્શન કરવા મોકલે એવી માણસાઈના અનુભવ જાણ્યા છે. ઘણા યાત્રાના સ્થળોએ પોતાના પ્રાંત કે જ્ઞાતિ સંચાલિત રહેવા-જમવાની સુવિધાવાળા સુંદર ધામમાં રહેવાની તક મળે અને તેમાં ય જો કોઈ ગરમ ગરમ રોટલી અને ખીચડી આગ્રહ કરીને પ્રેમથી પીરસે ત્યારે તો ઘરના સ્વજનના વ્હાલપની વર્ષા થયાનો આભાસ થાય. ત્યારે એ પ્રવાસ વધુ સ્મરણીય બની રહેતો. આપણા વડવાઓ સ્ટીમરમાં વિદેશ જતા અને બે કે ત્રણ અઠવાડિયાંની સફર દરમ્યાન સાથી મુસાફરો સાથે મૈત્રી બંધાતી અને સહુ એકબીજા સાથે ગમ્મ્ત કરે, રમતો રમી શકે, સાથે બેસીને ભોજન લઇ શકે એટલે એક બૃહદ્દ પરિવારમાં રહ્યાની મોજ માણીને સફર થતી એવો એ જમાનો હતો.

મને હંમેશ જોવાલાયક ઐતિહાસિક અને સાંસ્કૃિતક મહત્ત્વ ધરાવતાં સ્થળો જોવાનું જેટલું આકર્ષક લાગ્યું હતું તેટલું જ અન્ય પ્રાંતોમાં વસનારાઓની રહેણી કરણી, ખોરાક-પોશાકની પ્રણાલી અને ખાસ કરીને તેમની ભાષાની ખૂબીઓ માણવાનું ખૂબ જ ગમતું. વિનોબાજીએ ખરું જ કહ્યું છે કે ભારત દેશ માત્ર ભૌગોલિક રીતે એક ભૂ ખંડ છે માટે એક દેશ છે એ સાચું નથી, તેની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, કવિઓના કવનો અને યાત્રા કરવા જવા જેવી પરંપરાઓને કારણે જે ભાવાત્મક એકતા કેળવી શક્યું છે, તેને કારણે એક રહ્યું છે. આવી રીતે પ્રવાસ કરવાથી અન્ય લોકોનો પરિચય સહજ રીતે થાય, તેમની અલગ રીતભાત અને જીવન પદ્ધતિ, લોક સંસ્કૃિત તથા માન્યતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવાય, એટલું જ નહીં પણ તેમને માટે એક પ્રકારની બંધુત્વની લાગણી ઊભી થયા વિના ન રહે.

હું છેલ્લા કેટલાંક વર્ષોથી હોલીડે પણ લેવા લાગી છું. ઇન્ટરનેટ પર માહિતી મેળવી, ગમતો દેશ કે શહેર પસંદ કરીને ત્યાં ખિસ્સાને પોસાય તેવું રહેઠાણનું બુકીંગ કરવી દો એટલે પત્યું. પછી યુનાઇટેડ કિંગ્ડમમાં રજા ગાળવાની હોય તો પોતાની કારમાં બને તેટલી ઝડપથી મુસાફરી કરીને ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહે. અલબત્ત, એ દોડમાં પણ પેલું પ્રાકૃતિક સૌંદર્ય માણવાનું શક્ય જરૂર બને, જો તમે પોતે કાર ચાલક ન હો તો. વિદેશ યાત્રા તો હવે હવાઈ જહાજ દ્વારા જ થાય અને મોટા ભાગનાં એરપોર્ટ લગભગ એક સરખાં લાગે, તેની અંદરની સુવિધાઓ, દુકાનો, સૂચના આપતાં યંત્રો એ તમામ સરખું. સ્વભાષાનો આગ્રહ સેવનાર દેશોમાં વળી તેમની ભાષામાં સાઈન બોર્ડ દેખાય નહીં, તો પેલી વિશ્વભાષા જ (ઇંગ્લિશ જ તો વળી) બધે દેખાય અને બોલાય એટલે પેલું ભાષા વૈવિધ્ય માણવાની મજા ઓછી આવે. જો કે યુરોપિયન પ્રજા એ રીતે આપણને જુદો અનુભવ કરાવે ખરી. હવે ભાષા, ખોરાક અને પોશાકની વિવિધતા જોવા જરૂર મળે, પણ તે જે તે દેશમાં પહોંચીએ ત્યારે, માર્ગમાં નહીં. તેમાં જો સિટી બ્રેક’ લીધો હોય તો તમામ મેટ્રોપોલિસ એવાં તો એકબીજાંની નકલ કરીને બનાવેલાં લાગે કે ન્યુયોર્કમાં ફરતાં ફરતાં મન સતત તેની મુંબઈ સાથે સરખામણી કર્યા કરે અને ક્યારેક તો ‘આના કરતાં આપણું કલકત્તા કે બેંગ્લોર સારું’ એવી લાગણી થાય. ખરી મજા તો કોઈ પણ દેશના અંતરિયાળ ભાગમાં જઇ, ત્યાંના લોકો વચ્ચે રહીને જાતે ખરીદી કરી, રસોઈ કરીને રહો તો આવે અને તો જ બીજી સંસ્કૃિતનો પરિચય થાય.

હોલીડે પર જઈએ ત્યારે જાણે બીજા પ્રદેશના લોકોના સ્વભાવ, ઉદારતા, આગતાસ્વાગતા અને તેમની ખૂબી-ખામીઓ જાણવાની તક ન મળે કેમ કે હોટેલના કર્મચારીઓ સરખા એટિકેટને જ અનુસરે.  સામાન ખોવાય કે માંદા પડીએ તો ટ્રાવેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીવાળા મદદ કરે. વળી મુસાફરી એટલી ઝડપી બની છે કે તે દરમ્યાન કોઈ સાથે પરિચય કેળવવાની તક મળે જ નહીં. જો કે તેનો એક ફાયદો એ થયો કે આજે પાંચ-દસ હજાર માઈલ દૂરના દેશોમાં પણ લોકો સહેલાઈથી જઇ શકે છે. આજે હવે ટ્રીપ કે હોલીડે પર જઈએ ત્યારે ભાતું સાથે લઇ જવાની તડખડ નહીં, એટલે જુદાં સ્થળની અવનવી વાનગીઓ ચાખવા મળે. હવે તો દરેક સ્થળની માહિતી લખેલી મળે, જાતે વાંચીને જાણી લો, કોઈ ગાઈડની જરૂર નહીં. મારગ ભૂલો તો નકશો જોઈ લો, કોઈને પૂછવાની પીડા નહીં. સત્તર વર્ષ પહેલાં જીનિવામાં અમે એક દંપતીને રસ્તો પૂછ્યો અને એમણે હિન્દીમાં જવાબ આપ્યો, તેવે ટાણે એકમેકને મળીને પારાવાર આનંદ થયો તેવો અવસર આજના ‘હોલીડે મેકર્સ’ને આવતો હશે?

જ્યારથી હોલીડે લેતી થઇ છું ત્યારથી જાણે ઘણાં ઐતિહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃિતક સ્થળો વિષે જાણતી થઇ છું એમ લાગે, પણ જાણે જે તે દેશ-પ્રાંતના લોકોના સંપર્કમાં આવ્યા વિના એ પ્રવાસ અધૂરો લાગે છે. 2005ની સાલમાં અમે અજમેરમાં એક હવેલીમાં રહ્યાં અને રાતના ભોજન બાદ એક કઠપૂતળીનો ખેલ જોયો, ત્યારે ખેલ કરનારા કલાકારોએ પોતાના કસબ અને અનુભવોની વાતો માંડી તો ચન્દ્ર આભમાં ક્યાં ય ઊંચે ચડી ગયો તેનું ઓસાણ ન રહ્યું. અમે તેમને આવી રસાળ વાતો કહેવા બદલ નાની રકમ આપવા આગ્રહ કર્યો, તો કહે, “બહેનજી, મેરે ભાનજેકો કહાની સુનાનેકી ક્યા હમ કિંમત લેંગે?” આવો અનુભવ શું આજે ન્યુયોર્કના ગ્રાઉન્ડ ઝીરો પરના સ્મારક જોવા જતાં થતો હશે?

મને તો મારા બાળપણની સહેલગાહો, પર્યટનો, પ્રવાસો, યાત્રાઓમાં જે લહેજત આવેલી તેવી જ આજની ટ્રિપ્સ અને હોલીડેમાં આવે છે, છતાં જાણે પહેલાં હું જે તે સ્થળને સમગ્રતયા પામતી, અનુભવતી અને આત્મસાત કરી શકતી હતી. ત્યાંની સોડમ મારી સાથે આવતી. મારું દિલ ત્યાં રહી જતું. હવે જાણે દૂર સુદૂરના દેશમાં જઇ, કોઈ ઇમારત, સ્મારક, કે કુદરતી અજાયબી જોઈ, તેના વિષે જાણીને પાછી આવું છું. લાગે છે, ઇન્ટરનેટ પર કે વિકિપીડિયા દ્વારા તમામ જોવાલાયક સ્થળોની જે જોઈએ તે માહિતી ફોટા સહિત મળી રહે છે, હવે હજારો ખર્ચીને હોલીડે પર જવાનો શો મતલબ?

કદાચ મારા જૂના પ્રવાસોની સળવળી ઊઠેલી સ્મૃિતઓ જેવો અનુભવ ફરી ક્યાંક મળી આવે તે માટે સફરની નવી રીત અને સ્થળોની શોધ કરતી રહીશ.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,3603,3613,3623,363...3,3703,3803,390...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved