વડા પ્રધાને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે તેઓ જવાહરલાલ નેહરુ અને નેહરુ માટે જો અણગમો હોય તો અટલ બિહારી વાજપેયીના અનુગામી બનવા માગે છે કે આલા ખાચર (કવિ રમેશ પારેખનું કાલ્પનિક પણ વાસ્તવિક પાત્ર)ના અનુગામી બનવા માગે છે?
મોહમ્મદ અખલાકના ઘરમાંથી ગોમાંસ મળી આવ્યું હતું એવા બહાને હિન્દુ ગોરક્ષકોનાં ટોળાંએ તેની સપ્ટેમ્બર-૨૦૧૫માં દિલ્હી નજીક દાદરી ખાતે હત્યા કરી હતી. એ જ વરસમાં ઝાહિદ રસૂલ ભટ નામના ૧૬ વરસના દસમા ધોરણમાં ભણતા છોકરાની ગોરક્ષકોએ ઉધમપુર ખાતે હત્યા કરી હતી. સ્કૂલમાં વેકેશન પડ્યા પછી તે એક ટ્રકમાં પોતાને ગામ જઈ રહ્યો હતો ત્યારે દેશપ્રેમીઓએ ટ્રકને આંતરી હતી અને તે ગાયોને ખાટકીઓને વેચવા લઈ જઈ રહ્યો છે એવું કહીને તેની હત્યા કરવામાં આવી હતી. ૧૬ વરસનો છોકરો પશુઓની લે-વેચનો ધંધો કરે એવું બની શકે ખરું એવો પ્રશ્ન તેમના મનમાં પેદા નહોતો થયો.
ત્રીજી ઘટના ગયા અઠવાડિયે દિલ્હી નજીક વલ્લભગઢ ખાતે બની હતી જેમાં ઈદની શૉપિંગ કરીને દિલ્હી-મથુરા ટ્રેનમાં પોતાના ઘરે જઈ રહેલા ૧૬ વરસના વિદ્યાર્થીની ટોળાંએ હત્યા કરી હતી. હરિયાણાના મુખ્ય પ્રધાને આ શરમજનક ઘટના વિશે હજી સુધી મોઢું ખોલ્યું નથી. ગૃહપ્રધાને હજી મોઢું ખોલ્યું નથી અને વડા પ્રધાન પાસે સચિન તેન્ડુલકરનો ગોઠણ દુખતો હોય તો ખબર પૂછવા માટે ટ્વીટ કરવા જેટલો સમય છે, પણ દેશના અદના નાગરિકની ભાળ કાઢવાનો સમય નથી અને તે જો મુસલમાન હોય તો-તો જરા ય નથી.
સવાલ એ છે કે દેશપ્રેમીઓનો દેશપ્રેમ અને હિન્દુત્વવાદીઓની ચરબી ચોક્કસ સમયે જ કેમ જોવા મળે છે? કેન્દ્રમાં જ્યારે UPAની સરકાર હતી ત્યારે ગાયોની લે-વેચ નહોતી થતી અને હિન્દુઓને અન્યાય નહોતો થતો અને NDAની સરકાર આવ્યા પછી આ બધું શસ્ત્રહિં થયું એવું છે? જો એમ હોય તો હિન્દુત્વવાદીઓએ ડૂબી મરવું જોઈએ કે પછી UPA સરકાર ગાયોની લે-વેચ અને શ્ર્યરુફુદુઓને થતા અન્યાય સામે આંખ આડા કાન કરતી હતી એવું છે? જો એમ હોય તો મહાન આર્યાવર્તના આર્યસૈનિકોએ ત્યારે કેસરિયા કરવા જોઈતા હતા. દેશ અને ધર્મ ખાતર ખપી જવાના સંસ્કારો તો તેમને શાખાઓમાં મળ્યા જ હશે. એક ઘટના યાદ નથી કે કેન્દ્રમાં કે રાજ્યમાં ગેરBJP સરકાર હોય ત્યારે કોઈ ગોબ્રાહ્મણ પ્રતિપાલક આર્યસૈનિક મ્લેચ્છોના હાથમાંથી ગાયોને છોડાવતા ખપી ગયો હોય અને તેનો પાળિયો માંડવો પડ્યો હોય.
તો પછી ચોક્કસ સમયે જ કેમ દેશપ્રેમ જાગે છે અને ચરબી ફૂટે છે? મામાના ઘરે જમણ છે એટલે? અનુકૂળ સમયે માતેલા બનીને ફરે અને પ્રતિકૂળ સમયે ઘરમાં લપાઈ રહે તેને નમાલા અને નઠારા કહેવાય, વીર ન કહેવાય. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં બાપુઓના રાજમાં ભાયાતોનો રંજાડ કેવો હતો એ વિશે ઘરમાં કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય તો પૂછી જોજો. એટલે તો ગાંધીજીના નેતૃત્વમાં બળવંતરાય મહેતા અને શેખ અબદુલ્લા જેવા નેતાઓએ એ સમયે રિયાસતો સામે સંઘર્ષ કર્યો હતો. અમને કાયદાનું આધુનિક રાજ જોઈએ છે, જિસ કી લાઠી ઉસ કી ભેંસ જેવું રાજ નથી જોઈતું એમ તેમણે રાજાઓને મોઢામોઢ કહી દીધું હતું અને રસ્તા પર ઊતરીને સંઘર્ષ કર્યો હતો. એ સમયે હિન્દુત્વવાદીઓ તો શાખાઓમાં કસરત કરતા હતા, કારણ દેશમાં સર્વત્ર પ્રતિકૂળ સરકાર હતી. આમ દેશપ્રેમ અને મર્દાનગીને અનુકૂળ તેમ જ સલામત સમય સુધી છુપાવી રાખવાનો નવ દાયકાનો લાંબો ઇતિહાસ છે કે પછી બાપુએ ભયાતોને કહી દીધું છે કે મહમ્મદ ગઝનવીથી લઈને મનમોહન સિંહ સુધીના રાજમાં હિન્દુઓને જેટલા સાચા-ખોટા અન્યાય થયા હોય એનું જેટલું વેર વાળવું હોય એટલું વાળી લો બાપુ બેઠા છે? જો આમ હોય તો આધુનિક ભારતીય રાજ્ય સામે બહુ મોટું સંકટ છે.
અહીં જે ચાર સંભાવનાઓ કહી છે એમાંથી છેલ્લી બે સંભવનાઓ કામ કરી રહી છે એ નાનું છોકરું પણ કહી શકશે. ઈરાનના ખોમેનીએ અને લંડનના ‘ધ ઇકૉનૉમિસ્ટે’ (સી ધ સ્પેક્ટ્રમ) આની નોંધ લીધી છે. ઇકૉનૉમિસ્ટે તો નરેન્દ્ર મોદીને કાગળના વાઘ પર સવારી કરતા બતાવતું ચિત્ર છાપ્યું છે. જગત હવે નોંધ લેવા માંડ્યું છે એની નોંધ જે લોકોની બુદ્ધિ ઠેકાણે હોય એવા લોકોએ લેવી જોઈએ. વડા પ્રધાને પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે તેઓ જવાહરલાલ નેહરુ અને નેહરુ માટે જો અણગમો હોય તો અટલ બિહારી વાજપેયીના અનુગામી બનવા માગે છે કે આલા ખાચર (કવિ રમેશ પારેખનું કાલ્પનિક પણ વાસ્તવિક પાત્ર)ના અનુગામી બનવા માગે છે?
વારુ, એક બીજે છેડે બનેલી ઘટનાની પણ નોંધ લેવી જોઈએ અને એની પણ નિંદા કરવી જોઈએ. કાશ્મીરમાં આંદોલનકારી લોકોએ DSPની મારી-મારીને હત્યા કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ એ ઘટનાને લિન્ચિંગ (ટોળું સામૂહિક રીતે કોઈને ટીપી-ટીપીને મારી નાખે) તરીકે ઓળખાવી હતી. હજી સુધી કેન્દ્ર સરકારમાંથી કોઈએ અખલાક કે જુનેદ સુધીની ઘટનાને લિન્ચિંગ તરીકે ઓળખાવી નથી. દેશમાં મોદીની સરકાર આવ્યા પછી બાવીસ મહિનામાં લિન્ચિંગની ૧૫ ઘટનાઓ બની છે. DSPને મારી નાખવાની ઘટના પણ અક્ષમ્ય છે અને એનો બચાવ થઈ શકે નહીં. લોકો ઉશ્કેરાયેલા હતા અને ગુસ્સામાં હતા એવી દલીલ પણ ન ચાલી શકે.
અહીં જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી દિલ્હીમાં મળેલા કૉન્ગ્રેસના અધિવેશનની યાદ આવે છે. એ અધિવેશનમાં બ્રિટિશ સરકારની અત્યાચાર કરવા માટે અને ભારતીયોની રોષે ભરાઈને કાયદો હાથમાં લઈ હિંસા કરવા માટે નિંદા કરતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઠરાવ પરની ચર્ચામાં ભાગ લેતા પંજાબના એક નેતાએ સુધારો સૂચવ્યો હતો કે ભારતીયોની નિંદા કરવાની કોઈ જરૂર નથી. એ અત્યાચાર સામેની લાચાર લોકોની હતપ્રભતા હતી એટલે ભારતીયોની નિંદા કરતું લખાણ ઠરાવમાંથી હટાવી દેવું જોઈએ. એ નેતાએ જોશમાં આવીને કહ્યું હતું કે ભારતીય માની કોખે જન્મેલો કોઈ માણસ ભારતીયોની નિંદા કરતો ઠરાવ રજૂ કરે એની તો કલ્પના પણ ન થઈ શકે. (તેમણે માની લીધું હતું કે ઠરાવનો મુસદ્દો બ્રિટિશ મહિલા ઍની બેસન્ટે જ ઘડ્યો હોવો જોઈએ) એ પછી તેમણે હજી વધુ જોશમાં આવીને કહ્યું હતું કે ભારતીય માતાની કોખે જન્મેલો કોઈ પ્રતિનિધિ આવા ઠરાવને અનુમોદન ન આપી શકે. તેમના એ જોશપૂર્ણ પ્રવચન પછી ભારતીયોની નિંદા કરતો હિસ્સો હટાવી દેવાનો સુધારો ભારત માતાના જયકાર સાથે પાસ થઈ ગયો હતો.
બીજા દિવસે ગાંધીજીએ પસાર થઈ ગયેલા ઠરાવ વિશે બોલવાનો સમય માગ્યો હતો. તેમણે આગલા દિવસના પંજાબના નેતાના ભાષણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ઠરાવનો મુસદ્દો તેમણે પોતે એટલે કે ભારતીય માતાની કુખે જન્મેલા ભારતીયે ઘડેલો છે એટલે ઍની બેસન્ટ તરફ ઇશારત કરવી એ અન્યાય છે. એ પછી તેમણે જે કહ્યું એ ઇતિહાસ વાક્ય છે. તેમણે કહ્યું હતું કે આત્મનિરીક્ષણ, સ્વનિંદા અને સ્વદુરસ્તી કરવા જેટલી પ્રામાણિકતા અને સાહસ આપણે ધરાવીએ છીએ એટલે આવો ઠરાવ માત્ર ભારતીય માતાને કોખે જન્મેલો માણસ જ રજૂ કરી શકે અને ભારતીય માતાની કોખે જન્મેલો સત્યનિષ્ઠ બહાદુર જ તેને માન્ય રાખી શકે. કહેવાની જરૂર નથી કે ભારતીયોની નિંદા કરતો મૂળ ઠરાવ ગાંધીજીના ભાષણ પછી પસાર થઈ ગયો હતો.
આપણો સ્વધર્મ ગાંધીજીના અનુયાયી બનવાનો છે. આપણો સ્વધર્મ આત્મનિરીક્ષણ, સ્વનિંદા અને સ્વદુરસ્તી કરવા જેટલી પ્રામાણિકતા અને સાહસ ધરાવતા સાચા ભારતીય અને સાચા હિન્દુ બનવાનો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 29 જૂન 2017
![]()


વે’ન હૉપ અૅન્ડ હિસ્ટૃી રાઇમ [When Hope And History Rhyme] – આત્મકથા : અમીના કાછલિયા [Amina Cachalia] : Picador Africa, an imprint of Pan Macmillan South Africa, Private Bag X19, Northlands Johannesburg, 2116 : ISBN 978-177010-283-5 : First Edition – 2013
ઇબ્રાહિમ આસ્વાત ને ફાતીમા આસ્વાતનું એ નવમું સંતાન. અમીનાબહેનનો જન્મ 28 જૂન 1930ના રોજ ટૃાન્સવાલ પ્રાન્તમાં થયો હતો. ગાંધીભાઈની આગેવાનીમાં રંગભેદ સામે બાપે ટક્કર લીધેલી. ખૂબ સહી લીધેલું. ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’માં ઇબ્રાહિમભાઈ એક દા અધ્યક્ષપદે ય હતા. બસ તેવા જ કોઈ ચીલે મહિલાઓના અધિકાર સારુ, રાજકીય આઝાદી માટેના સંગ્રામમાં દીકરી અમીના કાછલિયા ખૂંપી ગયેલાં.