Opinion Magazine
Number of visits: 9584324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૬ જૂન ૨૦૧૭, ભરબેંતાળે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 July 2017

ધારણા હતી તેમ ૨૫મી જૂને ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ કટોકટીની કાળરાત્રિને યાદ કરી અને વગર નામ દીધે કૉંગ્રેસની ખબર પણ લીધી. (કૉંગ્રેસની એ માટેની પાત્રતા બાબત બેલાશક બેમત નથી.) નમોએ લોકશાહી એ માત્ર શાસનપ્રથા નથી પણ એક સંસ્કાર છે એવું નમોઈઝમ ઠીક રમતું મૂક્યું અને પછી સતત સતર્કતા અને અને અતન્દ્ર જાગૃતિ (ઈટરનલ વિજિલન્સ) એ સ્વાધીનતાની કિંમત (પ્રાઈસ ઑફ લિબર્ટી) છે એ તરજ પર વાત પણ સોજ્જી કીધી. ઉલટ પક્ષે, જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, એના પ્રવક્તા વડક્કને એ તો ઠીક જ કર્યું કે કટોકટી અમારી ભૂલ હતી અને એમાંથી અમે બોધપાઠ લીધો છે એમ કહ્યું. ‘હા, અમે કટોકટીને ભૂલ્યા નથી,’ એમણે કહ્યું અને લાગલું ઉમેર્યું ‘- પણ દેશમાં આજની તારીખે એક અઘોષિત કટોકટી છે.’

૧૯૭૫નાં ૪૨ વરસે, બેંતાળાં ન નડે એ ખયાલે, કૉંગ્રેસ-ભાજપને યાદ કરીને આ ચર્ચાનો ઉપાડ તો કીધો; પણ નાગરિક છેડેથી ચાલવું જોઈતું ચિંતન અને થવું જોઈતું મંથન કેવળ આ બે પક્ષો પૂરતું તો સીમિત ન રહી શકે. એમણે અલબત્ત વસલૂમ વસલૂમની સોઈ શોધવા તાક્યું હોય, પણ આપણી વાત તો એટલેથી જ માંડ શરૂ થાય છે.

જો કે, બેઉની એક સાથે ટીકા કરતે છતે ભાજપની વિશેષ કરવાની બને તે સ્વાભાવિક જ એ કારણે છે કે આજે તે સુવાંગ સત્તારૂઢ જેવો છે. જે ‘ઈટરનલ વિજિલન્સ’ની દુહાઈ નમોએ દીધી એ ધોરણે પ્રજાકીય છેડેથી આપણે કંઈક કહીએ-કરીએ કે તરત જ ‘રાષ્ટ્રવિરોધી’ અને ‘રાજદ્રોહી’ પ્રકારનું બ્રાન્ડિંગ પામીએ છીએ. એટલું જ નહીં, પોતાની સમજ મુજબના રાષ્ટ્રવાદના સંસ્થાપન અર્થે કાયદો હાથમાં લઈ મનમાની ચલાવતાં ટોળાં બાબતે આ સરકાર કાં તો કંઈ કરી શકતી નથી, કે કદાચ સવિશેષ તો કંઈ કરવા ઈચ્છતી નથી. બૃહદારણ્યકના ઋષિએ ધર્મને ક્ષત્રિયનો પણ ક્ષત્રિય કહ્યો હશે, પણ અહીં તો પોતે જ પોતાનો કાયદો (બંધારણ કઈ બલાનું નામ છે) એવી મૉરલ પોલીસ પોતીકી રાજવટ ને પોતીકું રજવાડું હલવે છે. દાર્શનિક અંતર જાળવતી સરકાર, આઘાપાછી કરી જાણતો સત્તાપક્ષ … અને પછી ‘એ લોકો’, એમનેેેે શું કહીશું, સિવાય કે લૉ અનટુ ધૅમસેલ્વ્ઝ. વિચારધારાકીય અને સંગઠનકીય ધોરણે એમની કને રાજનો પટ્ટો છે, અંશતઃ આડકતરો, અને કંઈક અંશે સીધો. આ અનવસ્થામાં રહેલી અઘોષિત કટોકટી ખરું જોતાં ન સમજવું હોય તો જ ન સમજાય એવી છે. (કટોકટીમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ એટર્ની જનરલે સત્તાવાર ભૂમિકા લીધી હતી કે મૂળભૂત અધિકારો સ્થગિત હોય ત્યારે તમે સરકાર છેડેથી નાગરિકની હત્યા સબબ પડકાર કરી શકતા નથી. આજે લિન્ચિંગ જોડે શાસકીય મીલીભગતમાં શું વાંચીશું ?)

અને આપણી આર્થિક વિષમતાઓનું શું કરીશું? મનમોહન-મોદી (વાયા વાજપેયી) ધારામાં તે વધતી રહી છે, એ નિઃશંક છે. વળી વિષમતા નિર્મૂલનનો મોરચો આર્થિક કરતાં સામાજિક ઓછો નથી. એટલે સ્તો ૧૯૭૭ના જનતા રાજ્યારોહણ પછી અને છતાં સતત કહેવાનું થતું રહ્યું છે કે કટોકટી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઈસિસ) જારી છે.

આમ સમગ્ર કેનવાસ પર વિચારીએ ત્યારે સમજાય છે કે કટોકટી ઊઠી, જનતા સરકારે કાનૂની દુરસ્તી કરી, તે છતાં વળી તે ન જ આવે એમ હું માની શકતો નથી એવી અડવાણીની વાતમાં દમ છે. અડવાણીના ઉદ્‌ગારોમાં (ઈન્દ્રપ્રસ્થને બદલે વાનપ્રસ્થ મળતાં કેટલાક વ્યક્તિગત ટકા બાદ કરીએ તો પણ) જેમ રાજ્યસંસ્થાની પ્રકૃતિ વિશેની સમજ હશે તેમ ઇંદિરાજીની જેમ કોઈ વ્યક્તિગત સત્તાકાંક્ષી પ્રતિભા તોડમરોડ કરી શકે એવો અંદાજ બલકે દહેશત પણ હશે. ગમે તેમ પણ, એમની આ નિરીક્ષા ને નુક્તેચીનીમાં લાંબી રાજકીય કારકિર્દી અને કામગીરીનું વજન ને વજૂદ પડેલું છે.

સંઘ પરિવારના પત્ર ‘ઑર્ગેનાઈઝરે’ એના હમણેના અંકમાં કહ્યું છે કે ૧૯૭૪-૭૫ જેવાં કટોકટીરાજ ભણી લઈ જતાં કોઈ ચિહ્ન નથી. ચારેકોર શોરબકોર મચવતા ચેનલ ચોવીસા કદાચ અહીં ‘સ્વાતંત્ર્ય’નો આભાસ જગવે છે, અને એમાં ‘ઑર્ગેનાઈઝર’નાં વેણ શીરા પેઠે ગળે પણ ઊતરી જાય એવું બને. પણ આ ચેનલ ચોવીસા વચાળે વાસ્તવિકતા તો તાજેતરમાં  મહુવાના સદ્‌ભાવના પર્વમાં રવીશકુમારે કહ્યું તેમ ગોદી મીડિયા કહેતાં ‘એમ્બેડેડ જર્નલિઝમ’ની છે. મીડિયાના કેટલા મોટા હિસ્સાએ સરકારનું કેટલું બધું માની લીધું છે અને સત્તાકારણીઓને એ કઈ હદે સાચવી લે છે એનો આપણને કદાચ અંદાજ જ નથી. એન.ડી.ટી.વી.નો કેસ અહીં અગાઉ ચર્ચેલો છે એટલે વિગતોમાં નહીં જતાં એટલું જ કહીશું કે સરકારપ્રેરિત પિંજરપોપટ રૂપ સી.બી.આઈ.ની ભળતા હેતુસરની ધોંસને ભ્રષ્ટ નાણાવહેવાર સામેની કારવાઈરૂપે ઉપસાવીને  જે તે સ્વતંત્ર હોઈ શકતા મીડિયાને પોતાના વશમાં લેવાની કે લોકનજરમાં નીચા પાડવાની ચાલમાં હાલની સરકાર માહેર છે.

બને કે એ લગરીક દૂરાકૃષ્ટ લાગે તો પણ સંભારવા જોગ પેરેલલ મોરારજી-જયપ્રકાશને દાણચોરોની કક્ષામાં મૂકવાની પુરાણી પેરવીનો છે. ગુજરાતમાં ચદ્રકાન્ત દરુએ બંધારણીય કેસો, ખાસ કરીને વ્યક્તિસ્વાતંત્ર્યના કેસો લડવામાં ધાક જમાવી ત્યારે એમને દાણચોરોના વકીલ તરીકે ચીતરવાની ચળ કેટલાંક વર્તુળોમાં ઊપડી હતી. હમણાં રવીશકુમારની રજૂઆતને પણ એવા જ કોઈ ખાનામાં ખતવવાની હોડ સોશ્યલ મીડિયાના કોઈ એમ્બેડેડ હિસ્સામાં હોવાનું સાંભળ્યું છે. આવી એમ્બેડેડ મંડળીને પાછી અદકપાંસળા કે ઘેલા ફોરવર્ડબહાદુરોની કુમક પણ ખાસી મળી રહેતી હોય છે.

જેમ ઇંદિરા ગાંધીના વારામાં હતું તેમ આજે પણ ચુંટાયેલી સરકાર એ જાણે પોતે કરીને કોઈ પવિત્ર ગાય હોય એવું કોરસ સાંભળવા મળે છે. સરકાર થકી પરબારી નિમણૂક અને સ્વાયત્ત સંસ્થામાં થતી ચૂંટણી વચ્ચે કોઈ વિવેકને, પછી, અવકાશ રહેતો નથી. ‘સ્વાયત્તતા’ આ સંજોગોમાં ‘અકારણ વિવાદાસ્પદ મુદ્દો’ બની રહે છે.

છોડો આ બધી ચર્ચા. ઇરોમ શર્મિલાથી માંડીને વિનાયક સેન સહિતના હવાલે અઘોષિત કટોકટી બાબતે ખાસું બધું કરી શકાય. દાયકાઓ પરની કટોકટી દેખાય અને હમણે ન દેખાય, એને બીજું શું કહેવું, સિવાય કે બેંતાળાં.

જેને દેખ્યાનું દુઃખ, તેને સંઘર્ષનું સુખ.                                                              

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 01-02

Loading

વાણિયા કૉલિંગ વાણિયા

સુદર્શન આયંગાર|Opinion - Opinion|4 July 2017

રાયપુરમાં છત્તીસગઢની ઉદ્દાત્ત વ્યક્તિઓની બેઠકમાં ભારતીય જનતાની પક્ષના અધ્યક્ષ  અમિત શાહે ગાંધીજીને એક ‘ચતુર વાણિયા’ તરીકેના કરેલા વિધાનની સામે ઘણી પ્રતિક્રિયાઓ આવી. પરંપરા મુજબ કૉંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોએ નારાજગી દર્શાવી માફી માગવા જણાવ્યું. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ યોગ્ય જ જણાવ્યું કે અમિત શાહની ચતુર વાણિયાની ટિપ્પણી અભદ્ર અને અશોભનીય શબ્દછાયા ધરાવતી છે. અંગ્રેજી અખબારોમાં આ મુદ્દે ટીકા-ટિપ્પણી ચાલુ છે, જેમાંનો મુખ્ય સૂર ભાજપ જ્ઞાતિગત રાજનીતિ છોડી નથી શકતી તે રહ્યો છે. પરંતુ અમિત શાહની આ ટિપ્પણીના કેટલાક નિહિતાર્થો પણ છે, તેથી એક વાણિયાભાઈ બીજા વિશે કયા સંદર્ભે અને અર્થમાં કહે છે તે જોઈએ. એક ચોખવટ જરૂરી છે. અમિત શાહના ઉચ્ચારો લેખિત નથી. તેઓ લખેલું ભાષણ નહોતા વાંચતા. જે બોલ્યા તે પૂર્વકલ્પના વગરના ઉદ્‌ગારો જણાય છે. તેઓ હિંદીમાં બોલ્યા છે. તે ઉદ્‌ગારો ઇન્ડિયન ઍક્સપ્રેસમાં ઉતારવામાં આવ્યા છે.

“કૉંગ્રેસ કિસી એક વિચારધારા કે આધાર પર, કિસી એક સિદ્ધાંત કે આધાર પર બની હુઈ પાર્ટી હી નહીં હૈ, વો આઝાદી પ્રાપ્ત કરને કા એક સ્પેશલ પર્પસ વેહિકલ હૈ, આઝાદી પ્રાપ્ત કરને કા એક સાધન થા. ઔર ઇસિલિયે મહાત્મા ગાંધીને દૂરંદેશી કે સાથ, બહુત ચતુર બનિયા થા વો, ઉસકો માલૂમ થા આગે ક્યા હોનેવાલા હૈ, ઉસને આઝાદી કે બાદ તુરંત કહા થા, કૉંગ્રેસ કો બિખેર દેના ચાહિયે. મહાત્મા ગાંધી ને નહીં કિયા, લેકિન અબ કુછ લોગ ઉસકો બિખેર ને કા કામ સંપન્ન કર રહે હૈં. ઇસિલિયે કહા થા ગાંધી ને, ક્યુંકિ કોઈ ઇડિયોલૉજી હી નહીં થી, સિદ્ધાંતો કે આધાર પર બની હુઈ પાર્ટી નહીં થી, દેશ ચલાને કે, સરકાર ચલાને કે કોઈ સિદ્ધાંત હી નહીં થે.”

ભાજપનું મૂળ નિશાન કૉંગ્રેસ છે. ‘કૉંગ્રેસમુક્ત ભારત’ કરવા કૉંગ્રેસને નેસ્તનાબૂદ કરવી રહે. તેમ કરવામાં ભાજપનો તાપ-તપ ઓછો પડતો લાગે છે. આટઆટલી વિજયપતાકા લહેરાવ્યા બાદ પણ દેશ કૉંગ્રેસમુક્ત નહીં થઈ જાય તેવી આંતરિક ભીતિથી પક્ષ પીડાતો હોય તેવો આભાસ તેમના ઉચ્ચ નેતાના ઉદ્‌ગારો પરથી થાય છે. આજે પણ કદાચ ભાજપ કૉંગ્રેસના પુનઃજન્મની આશંકા સેવી રહ્યું છે, કેમ કે જમીની હકીકત બદલાઈ રહી છે. વશીકરણ ઓગળી રહ્યું છે. લોકોને પણ જણાઈ રહ્યું છે કે તેમની સાથે જે રમત રમાઈ રહી છે, તેમાં કોઈ ફરક નથી. શૈલી જુદી છે, તેથી ભાત જુદી પડતી હોય તેવો ભાસ થાય છે, પણ રમત તો એ જ છે, રાજ્યનો અંકુશ જુદી રીતે વધી રહ્યો છે. અને બજાર વંચિત અને સંચિત વચ્ચેની વધતી જતી ખાઈ કઈ રીતે પૂરશે, તેનો અંદાજ આવતો નથી. બેરોજગારીનો અંત આવે એવી કોઈ શક્યતા જણાતી નથી. ખેડૂતોના આપઘાત રોજની દુર્ઘટના બની રહી છે. જ્ઞાતિવાદી સમીકરણોએ જોર પકડ્યું છે, તેથી હવે પછી વિભિન્ન રાજ્યોમાં ચૂંટણીનો જે દોર ચાલશે અને ૨૦૧૯ની દેશની ચૂંટણીમાં કદાચ કૉંગ્રેસ પાછી આવે અથવા પોતાનું સ્થાન મજબૂત કરે, તેવી ભીતિ ભાજપની નેતાગીરીમાં સેવાઈ રહી છે. પરિણામે કૉંગ્રેસની પ્રતિષ્ઠાને ધક્કો વાગ્યા જ કરે તે હેતુથી ગાંધીજીનો આશરો લેવાઈ રહ્યો હોય, એવું લાગે છે. રમત સરદાર પટેલના નામ સાથે શરૂ થઈ. સમસ્યા એ છે કે ભાજપ ગાંધીના નામને ભૂંસી શકે તેમ નથી. ગાંધીજી વિશ્વના નેતા છે અને શાંતિ તથા અહિંસાના વિચાર સાથે ગાંધી વિશ્વફલક પર પુનઃસ્થાપિત થયા છે. ગાંધીજીને યાદ કરીને ભાજપ કૉંગ્રેસથી ગાંધીજીને અલગ કરવા ઇચ્છે છે. એ તો પહેલેથી સ્પષ્ટ થયું કે જ્યારે ભાજપના એકમાત્ર નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતાને અંજલી આપતા ૧૫મી ઑગસ્ટ, ૨૦૧૪ના દિવસે લાલકિલ્લા પરથી દેશને સ્વચ્છ બનાવવાનું રણશિંગું ફૂંક્યું. એમણે તો સ્વચ્છતા માટે ગાંધીજીનાં ચશ્માંથી ચલાવી લીધું છે. હવે પક્ષપ્રમુખનો વારો આવ્યો હોય એવું લાગે છે. તેઓ ગાંધીજી વિશે બોલે છે, તે શૈલી અને વિચાર એમના અને તેમના પક્ષના વિચારકોનું માનસ દર્શાવે છે. દુર્ભાગ્યે, આ પ્રકારના વિધાન દ્વારા અમિત શાહની દેશ અને વિશ્વ સમક્ષ ખરડાતી છાપનો અહેસાસ તેમને હોય તેવું લાગતું નથી. તેમના વિધાન દ્વારા ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસ અને ગાંધીજીના કૉંગ્રેસ સાથેના સંબંધ અંગેનું તેમનું ઘોર અજ્ઞાન પ્રગટ થાય છે. એમને કોઈએ સ્મરણ કરાવવું જોઈએ કે તેઓ જિલ્લા પંચાયત કે રાજ્યકક્ષાના પ્રમુખ નથી, અને રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે બોલે છે, તે શબ્દશઃ દેશ-દુનિયામાં પ્રસરે છે.

કૉંગ્રેસ કોઈ એક વિચારધારા કે સિદ્ધાંત કે આધારિત પક્ષ ન હતો અને નથી; અને આઝાદી પ્રાપ્ત કરવા માટે એક સાધનરૂપ જ હતો એવું જણાવીને શાહ મહાત્મા ગાંધીને દૂરંદેશી કહે છે. તેઓ આગળ જણાવે છે કે એક ચતુર વાણિયાની જેમ ભાવિને અંદાજી આઝાદી પછી તરત કૉંગ્રેસને વિખેરી નાખવાની વાત કરી. શાહ ફરીથી પ્રતિપાદિત કરવાની મિથ્યા કોશિશ કરે છે કે ગાંધીજીનો વિચાર શાહના વિચાર સાથે સમાનતા ધરાવે છે. ગાંધીજી પણ કૉંગ્રેસ વિશે અમિત શાહ જેવું વિચારતા હતા તેવું માની લેવું અને દુનિયાને એવું જણાવવું હાસ્યાસ્પદ જ થાય અને એવું કહેનાર પોતાનું અજ્ઞાન જ દર્શાવે છે. વધુમાં અમિત શાહ દ્વારા ‘ચતુર’ શબ્દનો પ્રયોગ ગાંધીજીના વલણમાં ધૂર્તતા અભિપ્રેત કરે છે. નોંધપાત્ર છે કે અમિત શાહ ગાંધી બોલતાપૂર્વે મહાત્મા શબ્દ ઉમેરે છે! પણ ચતુર એટલે ધૂર્ત એવું કહી ગાંધીજી પ્રત્યેનો ઊંડો વ્યક્તિગત અણગમો વ્યક્ત કરે છે, પરંતુ ભાજપની આ વર્તમાન રાજકીય વિડમ્બના છે. મહાત્માને દૂર કરી શકતા નથી. ભારતીય લોકમાનસમાં ગાંધી ઊંડે જઈને વાસ કરે છે. ભારતની સંસ્કૃિતમાં મહાત્મા ક્યારે ય શઠ કે ધૂર્તના અર્થમાં ચતુર હોઈ શકે નહીં. સરળ અને નિર્મળ વ્યક્તિને લોકો મહાત્મા કહે છે. મહાત્મા સઘળાથી પર, નિખાલસ, સ્પષ્ટવક્તા, ઈમાનદાર, નેકદિલ અને કરુણામય હોય છે. ગાંધીજીને ‘ચતુર વાણિયો’ કહી અમિતભાઈ લોકલાગણી અને લોકમાનસને પણ ઠેસ પહોંચાડે છે. આમાં કયા ‘વાણિયા’ શઠ પુરવાર થાય? 

કૉંગ્રેસને વિખેરી નાખવાના સૂચનમાં ગાંધીજીની દૂરંદેશી જરૂર હતી. આઝાદી મેળવ્યા બાદ કૉંગ્રેસપક્ષ પાસે નેતા અને કાર્યકર્તા એમ બે વર્ગ હતા. એક વર્ગમાં મુખ્યત્વે રાજકીય ઉદ્દેશ્ય ધરાવતા લોકો હતા, જ્યારે બીજા વર્ગમાં ગાંધીજીના દર્શનનું નવું ભારત ઘડવા માટે નિષ્ઠા ધરાવનાર સેવકો હતા. ગાંધીજી રચનાત્મક કાર્યકરોને જુદા તારવી ભારતનાં ગામડાંઓની સામાજિક પુનઃરચના કરી ગ્રામ સ્વરાજ લાવવા ઇચ્છતા હતા. યાદ રાખવું જરૂરી છે કે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ની સવારમાં ગાંધીજીએ કરેલાં મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય લોક સેવક સંઘ(સામાજિક પુનઃરચના માટે પ્રસ્તાવિત કરેલું સંગઠન)ના બંધારણના મુસદ્દાને અંતિમ રૂપ આપવાનું હતું. આ સંગઠનના બહુમતી સભ્યો કૉંગ્રેસના કાર્યકરો હતા, કારણ કે ગાંધીજી અનૌપચારિક અને નૈતિકપણે મહાનાયક હતા. જો લોહિયાળ ભાગલાના કારણે ઘણા લોકો દૂર ન થયા હોત, તો યુવા અને નિષ્ઠાવાન કાર્યકરોની નવી સેના ગાંધીજી સાથે જોડાઈ હોત. તેઓ કૉંગ્રેસપક્ષને ગ્રામસ્વરાજ માટે કામ કરવાના નિસબત ધરાવતા પક્ષ તરીકે જોવાની ઇચ્છા ધરાવતા હતા.

કૉંગ્રેસની સ્થાપના કેટલાક વિદ્વાન અંગ્રેજ અને ભારતીયોએ મળીને કરી હતી, જેઓ દેશમાં સામાજિક અને રાજકીય સુધારા લાવીને ભારતને આધુનિક બનાવવા ઇચ્છતા હતા. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ કૉંગ્રેસને આઝાદીની લડતની નેતાગીરી માટે એક રાષ્ટ્રવાદી પક્ષ તરીકે પરિવર્તિત કર્યો. તે કાળમાં લોકમુખે કૉંગ્રેસ એટલે દેશમાં આવેલી શાંત ક્રાંતિ અને કૉંગ્રેસી એટલે નૈતિકતાનું બિંબ અને ગાંધીનો સચ્ચો સિપાહી. સ્વતંત્રતાપૂર્વેના અંતિમ દિવસો દરમિયાનના બધા જ રાજકીય દાવપેચ સાથે પણ કૉંગ્રેસ જ એક એવો પક્ષ હતો કે જેના બધા જ ધર્મો અને સમાજો સાથે સમાન વલણ અંગે નાગરિકોમાં ભરોસો હતો. પક્ષની આ શક્તિનો ઉપયોગ ગાંધીજી ગ્રામ-પુનઃનિર્માણ માટે કરવા માંગતા હતા. જમીની કાર્યોમાં ભાગીદાર થયા વિના રાજકીય સત્તા કૉંગ્રેસને બિન-સંપોષિત વિકાસ તરફ લઈ જશે તેવી ગાંધીજીને ફિકર હતી. ગાંધીજીની આ દૂરદૃષ્ટિ અમિત શાહથી જોજનો છેટે રહી.

ઉપર્યુક્ત સ્પષ્ટતા અને આપણા પૈકીના કેટલાકના પ્રતિભાવો છતાં પણ અમિત શાહનું ભાષણ રાજકીય કાર્યસાધકતાના હથિયાર રૂપે કામ કરી ગયું છે અને ભાજપે તેનો ગેરલાભ ખાટી લીધો છે. લોકોની યાદશક્તિ બહુ ટૂંકા ગાળાની હોય છે. લોકો માની પણ લે કે ગાંધીજી કૉંગ્રેસ વિશે એવું જ માનતા જેવું ભાઈ અમિતભાઈ કહે છે અને દેશની કોઈ પણ હાલાકી અને સમસ્યા માટે એક માત્ર કૉંગ્રેસ જ જવાબદાર છે. મહાત્મા ગાંધીએ પણ વર્ષો પહેલાં કૉંગ્રેસને નાપસંદ કરીને વિખેરી નાખવાનું કહ્યું હતું. નુકસાન થઈ ચૂક્યું છે. આ અપપ્રચારે જનતારૂપી બ્રાહ્મણના ખભે બકરી નહીં, કૂતરો જ છે. એવું ઠરાવી દેવામાં આવી રહ્યું છે. ભાજપ એક જ ભારતવર્ષનો સાચો પક્ષ છે, એવું ફલિત કરાવવા માગે છે. સ્વસ્થ લોકશાહી માટે આવું વલણ અનિષ્ટ છે. કૉંગ્રેસમાં મૂલ્યહ્રાસ અને તેથી તેનો કરુણ રકાસ પણ જમીની સચ્ચાઈ જ છે. કૉંગ્રેસે પુનઃપ્રતિષ્ઠા મેળવીને ભવિષ્યમાં મજબૂત વિકલ્પ તરીકે વિકસવું હોય, તો મૂલ્ય પુનઃસ્થાપનાની સાથે બીજા ફેરફાર ધરમૂળથી કરવા પડે એમ છે. લોકોમાં ફરી વિશ્વાસ જગાવી ગાંધીજીની મૂળ વિભાવનાની નજીક લોક સેવક સંઘની પેઠે કામ કરવાની તાકીદની ટકોર છે.

Email : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 03-04 

Loading

દરવાજા થયા પરંતુ નહેરોનું શું

ગૌતમ ઠાકર|Samantar Gujarat - Samantar|4 July 2017

સુપ્રીમ કૉર્ટની મંજૂરી બાદ નર્મદાડેમ ઉપર ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા. સરદાર સરોવર નર્મદા બંધની હાલની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટર છે, તે વધીને ૧૩૮ મીટરે પહોંચશે, જેનાથી જળસંગ્રહશક્તિ ૭૪ ટકા અને વધારાની વીજળી ૪૦ ટકા વધશે. બંધની પાણીસંગ્રહની સ્થિતિ સુધરીને ૪.૭૩ મિલિયન એકર ફૂટ સુધી પહોંચશે. વીજળીનું ઉત્પાદન ૧૪૫૦ મેગાવૉટ થશે. પાણીનો લાભ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને મળશે. આ બધી ‘કહાની’ ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે વાસ્તવિકતા તદ્દન જુદી જ છે.

ગુજરાતનો શાસકપક્ષ એમ કહે છે કે દરવાજા બેસાડ્યા બાદ રાજ્યના દરેક ખૂણામાં પીવાનું પાણી, સિંચાઈ અને ઉદ્યોગો માટે પાણી પહોંચી જશે. આગામી વર્ષોમાં ગુજરાતભરમાંથી પાણીની તંગી નાબૂદ થઈ જશે. સાથોસાથ સારી વાત એ છે કે શાસકો સ્વીકારે છે કે, કૅનાલનેટવર્કનું કામ બાકી હોવાથી આનો સંપૂર્ણ લાભ મળતા હજુ થોડો સમય લાગશે. માઇનોર કૅનાલનાં કામોમાં નેટવર્કનું કામ બાકી હોવાથી આનો સંપૂર્ણ લાભ મળતાં હજુ થોડો સમય લાગશે. માઇનોર કૅનાલનાં કામોમાં ૩૪૧૯.૪૮ કિ.મી. લંબાઈમાં બાકી છે, જ્યારે સબ માઈનોર કેનાલમાં ૨૨૫૭૭.૩૫ કિ.મી. લંબાઈમાં બાકી છે, જ્યારે નહેરો જ બાકી છે ત્યારે પાણી કેવી રીતે પહોંચાડાશે? સાથોસાથ આ આખીયે યોજના નહેરો આધારિત છે, પાઇપલાઇન કે લિફ્ટ ઇરિગેશનથી પાણી પહોંચાડવાનું નથી, તે સરકારને કોણ સમજાવશે? વીજળીના ખર્ચની કોઈ ગણતરી કરી છે ખરી ? હમણાં રાજકોટનો આજી ડેમ ભરવાની વાત ચાલી રહી છે અને તેમાં વડાપ્રધાન હાજરી આપે, ત્યારે નવ ફૂટ પાણી કરવાનું છે, પાણી લાવવાનું છે, મચ્છુડેમથી ૩૧ કિ.મી. પાઇપલાઇન દ્વારા! ૬૦ દિવસે આજીડેમ ઓવરફ્‌લો થશે. આમાં કેટલી બધી વીજળીનો દુરુપયોગ થશે, તે કહેવું અત્યારને તબક્કે અઘરું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈનું પાણી પણ પૂરું પાડતા નથી અને સાથોસાથ વીજળી પણ પૂરી પાડતા નથી તેવું ‘સુશાસન’ અત્યારે ચાલી રહ્યું છે.

શાસકપક્ષ પ્રજાને ‘નર્મદા લોકાર્પણ’, ‘નર્મદા-ઉત્સવ’ અને ‘નર્મદે સર્વદે’ની ઉજવણી કરી ક્યાં સુધી ગુમરાહ કરશે, ઉલ્લુ બનાવ્યા કરશે તે કહેવું ખૂબ અઘરું છે. આજે પણ જ્યારે ૨૨,૫૭૭.૩૫ કિ.મી.ની લંબાઈમાં કૅનાલનેટવર્ક બાકી છે, ત્યારે આ ઉત્સવો કરવાની કોઈ જરૂર  નથી. હાલમાં ભાજપ શાસિત રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર છે અને એક જ પક્ષની સરકાર હોવા છતાં કૅનાલોનું કામ કેમ અટક્યું છે, તે ખબર પડતી નથી. સાથોસાથ આ રાજ્યો પાસેથી ગુજરાત સરકારે હજ્જારો કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી છે. ગુજરાત રાજ્યને માથે આશરે બે લાખ કરોડ જેટલું દેવું છે, ત્યારે પણ બાકી રકમ મેળવવા કોઈ સંનિષ્ઠ પ્રયાસ મુખ્યમંત્રી કે અધિકારીઓ કરતા નથી. વીજળીનો મોટો હિસ્સો તો અન્ય રાજ્યો લઈ જવાના છે, ત્યારે ગુજરાતના વિકાસની કયાં આવી! ત્રણ ભાજપશાસિત રાજ્યો પાસે નીચેની લેણી રકમ છે, તેવું વિધાનસભામાં ૨૦૧૭ના બજેટસત્ર ટાણે કહેવામાં આવ્યું હતું.

રાજ્ય      ૩૧-૧૨-૧૬ની સ્થિતિએ                 વિવાદિત                 બિનવિવાદિત

              ગુજરાત સરકારે લેવાની               રકમ                            રકમ

              રકમ રૂ. કરોડમાં                     રૂ. કરોડમાં                     રૂ. કરોડમાં

મધ્યપ્રદેશ   ૩,૭૯૮                                ૨,૭૦૪                        ૧,૦૯૩

મહારાષ્ટ્ર       ૧,૨૮૧                                  ૧,૨૮૧                               –

રાજસ્થાન    ૫૫૮                                   ૪૮૩                               ૭૪

આશરે આ ૧૦,૦૦૦ કરોડ રૂ. પત્રો લખવાથી આવે ખરાં? વડાપ્રધાન આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીને કહીને આ પૈસા ગુજરાત સરકારને અપાવી શકે ખરાં ? મનરેગા યોજનાનાં નાણાં ગુજરાત સરકાર મજૂરોને ચૂકવી શકતી નથી, સરકાર સતત આર્થિક ભીંસમાં રહે છે, ત્યારે ઉપર્યુક્ત ત્રણ રાજ્યો પાસેથી નાણાં વસૂલવામાં ઢીલ કયાં કારણોસર થાય છે, તે એક ભેદભરમ છે.

નર્મદાઅભિયાન દ્વારા સતત ચાર દાયકા સુધી નર્મદાયોજનાને કાર્યાન્વીત કરવા સરકારને સાથસહકાર આપનાર અમારા જેવા આગેવાનોને કૅનાલનેટવર્ક ન થવાથી અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત, વિસ્થાપિત પ્રજાનું પુનર્વસન, વસવાટ ન થવાથી અત્યંત દુઃખી છીએ. ગુજરાતના શાસકો નર્મદાયાત્રા, મહોત્સવોની ઉજવણી કરનાર છે, તે યોગ્ય લાગતું નથી. મધ્યપ્રદેશમાં શાસકોએ આવી યાત્રા કરી લીધી છે, આવા તાયફા-દેખાવો કરવાની જરૂરિયાત નથી જ, નથી જ …

ગુજરાતમાં કેનાલોનું બાંધકામ પણ અધકચરું કરવામાં આવે છે. કૉન્ટ્રાક્ટરો અને સરકાર આ બાંધકામ માટે જરા પણ સંનિષ્ઠ દેખાતા નથી. વિધાનસભામાં ૨૦૧૭ના બજેટમાં સત્ર વખતે એવું જણાવવામાં આવ્યું હતું કે, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કૅનાલ તૂટવાના બનાવ ૨૦૧૧-૧૬ના પાંચ વર્ષમાં ૩૫ વખત બન્યાં છે, વરસાદને કારણે આ નહેરો તૂટી નથી, પણ બાંધકામનું કામ ઊતરતી કક્ષાનું હોવાને લીધે આમ થયું છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ૨૦૧૪-૧૫માં નહેરોના નુકસાનના બનાવ ૨૯ જેટલા બન્યા છે, તેમાં સહાય કે વળતર આપવામાં આવ્યું નથી. એટલે એક બાજુ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને ઉપર્યુક્ત જિલ્લાઓમાં નર્મદાનું પાણી નહેર તૂટવાને લીધે ફરી વળે તેનાથી ભારે આર્થિક નુકસાન પણ થાય છે.

જ્યારે પાણીની ખેંચ પડે છે, ત્યારે ગામડાંઓની સ્થિતિ વધુ બગડે છે, દલિતો અને ગરીબોને પીવાનું પાણી મેળવવું અશક્ય બની જાય છે. શહેરમાં તો વ્યક્તિ દીઠ ૨૦૦-૩૦૦ લિટર પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે ગામડાંઓમાં ૩૦-૬૫ લિટર પાણી પહોંચાડાતું હોય છે, તેથી દલિતો અને ગરીબોને આવી પરિસ્થિતિમાં સૌથી વધુ ભોગ બનવું પડતું હોય છે. ઘણાખરાં ગામોમાં કોઈની દયા ઉપર પાણી મેળવવું પડે છે. ગ્રામીણ મહિલાઓની સ્થિતિ ખૂબ જ બદતર હોય છે. કારણ કે એમને ખૂબ લાંબું અંતર કાપીને, માથે બેડાં મૂકીને પાણી પ્રાપ્ત કરવું પડતું હોય છે.

આજ દિન સુધી રૂ. ૫૧,૦૦૦ કરોડ સરદાર સરોવર નર્મદા યોજનામાં ખર્ચાઈ ચૂક્યા હોવા છતાં, પાણી હજુ ખેડૂતોના દ્વારા સુધી પહોંચ્યાં નથી. છેલ્લાં ૧૪ વર્ષથી વિકાસની વાતો કરતી ગુજરાત સરકારે નહેરો બાંધી જ નથી, પછી પાણી કેવી રીતે પહોંચી શકે? પ્રશાખાનું કામ ૨૨,૫૭૭ કિ.મી. બાકી છે, ત્યારે સરકાર તેની ઉપર ધ્યાન આપીને સમયસર તેના બાંધકામનું કામ કરવું જોઈએ. આ દ્વારા જ ખેતરોમાં પાણી લઈ જઈ શકાય અને સિંચાઈનું પાણી જગતના તાતને પહોંચાડી શકાય. નહેરો નથી બંધાતી, તેનાં કારણો સરકાર સેવા આપે છેે કે જમીન સંપાદન થતી નથી. રેલવે ક્રૉસિંગ, ગૅસ, ઑઇલ, ટેલિફોન, ઇલેક્ટ્રિક વગેરે વિભાગોની મંજૂરી મળતી નથી, સાથોસાથ જંગલો અને અભ્યારણ્યોમાંથી પસાર થતી નહેરોની મંજૂરી પણ મળતી નથી જેને કારણે પ્રશાખાનું બાંધકામ થઈ શકતું નથી. જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર છે,  ત્યારે આ બધી જ મંજૂરી તો રાતોરાત મળી શકે તેમ છે, પણ તેમ કરવામાં સરકાર ઊણી ઊતરી છે.

નર્મદાયોજના બનાવવામાં આવી, ત્યારે એવી સ્પષ્ટ સમજૂતી થઈ હતી કે સૌથી પહેલાં સિંચાઈ, ત્યાર બાદ આમજનતાના ઉપયોગ માટે અને છેલ્લે ઉદ્યોગો માટે પાણી આપાવાનંુ હતું, તેને બદલે અત્યારે ઊંધી સાઇકલ ચાલી રહી છે. સૌથી વધુ પાણી ઉદ્યોગો લઈ જાય છે. આંકડાઓ જોઈએ તો નહેરોમાં છોડાયેલ પાણીનો હિસાબ જ મળતો નથી. જો તેનો હિસાબ આપવામાં આવે, તો ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓને પૂરું પાડવામાં આવ્યું હોય છે !

આનો ઉપાય એક જ છે કે નહેરો સૌથી પહેલાં બાંધો, આ લિફ્‌ટ ઇરિગેશન કે પાઇપલાઇન ઇરિગેશન નથી. તે વહેલામાં વહેલી તકે શાસકો સમજે તો સારું, ઉપરાંત પાણીમંડળી ઊભી કરીને અન્ય સહકારી મંડળીની જેમ સામાજિક પ્રક્રિયા પણ કરવી જરૂરી છે.

(લેખક નર્મદા અભિયાનના મંત્રી છે)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 04-05 

Loading

...102030...3,3423,3433,3443,345...3,3503,3603,370...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved