Opinion Magazine
Number of visits: 9687530
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રી ભર્યા સંબંધો શા માટે ન વિકસ્યા?

આશા બૂચ|Opinion - Opinion|22 September 2017

Partition – The Forgotten story નામક દસ્તાવેજી ચિત્ર  BBC2 પર કેટલાક દિવસો પહેલાં પ્રસારિત થયેલું, જેના પરિપાકરૂપે આ લખાણ લખાયું છે. તેમાંની કેટલીક સંબંધિત વાતો અહીં સમાવવા કોશિશ કરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો હોત તો? કોઈ કહેશે, એ તે કોઈ સવાલ છે? એ શક્ય જ નહોતું, જુઓને હજુ પણ લડાઈઓ ચાલે જ છે ને? જ્યારે ધર્મને આધારે એક ભૂમિના બે ભાગ પડે, પછી મૈત્રી ક્યાંથી કેળવાય? સામાન્ય રીતે એક દેશના અલગ અલગ રાજ્યો તેમાં વસતી કોમ પ્રત્યે કેન્દ્રીય સરકારે દાખવેલી બેદરકારી, તેમને સહેવા પડેલા અન્યાય કે આર્થિક-રાજકીય અસમાનતાને કારણે અખંડ દેશનું ભંગાણ થતું હોય છે.

ભારતના ભાગલા થયા, પણ એ બે દેશો વચ્ચે જન્મતાની સાથે જ દુ:શ્મનાવટ કેમ પેદા થઇ? મૈત્રી કેમ ન વિકસી? એનાં કારણો અનેક છે. બીજા વિશ્વયુદ્ધમાં ભારતે મોટી સંખ્યામાં સૈનિકો પૂરા પાડ્યા. તેના શિરપાવરૂપે બ્રિટિશ સરકારે ભારતને સ્વાયતત્તા આપવાનું વચન આપેલું. 1948ના જૂન માસમાં ભારતને સ્વતંત્ર બનાવવાની જાહેરાત થઇ, તો એ ઘડી દસ મહિના વહેલી કેમ આવી? શું તેમની પાછળ કોઈ માનવભક્ષી વાઘ પડેલો? જો બ્રિટિશ સરકારે વિશ્વયુદ્ધ જૂન 1945માં ખત્મ થયું, ત્યારથી આયોજન કર્યું હોત, તો ત્રણ વર્ષમાં અખંડ ભારતને પરસ્પરનું સ્વમાન જળવાય તે રીતે છોડી શક્યા હોત. દુનિયાના ઇતિહાસમાં હજુ સુધી જેનો જોટો નથી મળ્યો, તેટલી સંખ્યાની જાનહાનિ અને વિસ્થાપિત થયેલ શરણાર્થીઓની યાતના પાછળ સ્વતંત્રતાની તારીખ અચાનક આગળ લાવવાનો નિર્ણય પણ કારણભૂત રહ્યો છે. લોર્ડ માઉન્ટબેટન અખંડ ભારતને સ્વતંત્રતા બક્ષી શકશે, તેમ સહુએ ધારેલું, પણ તેમણે 1947ના માર્ચમાં ભારતની ભૂમિ પર પગ મૂક્યો ત્યાં સુધીમાં તો વાઇસરોય વેવેલની મંત્રણા નિષ્ફળ થયેલી અને  વિભાજનની અનિવાર્યતાની વાત ફેલાઈ ગયેલી. પરિણામે હિન્દુ, મુસ્લિમ અને સીખ કોમ વચ્ચે હિંસા ફાટી નીકળેલી. ગાંધીજીની અહિંસાની પ્રતિમા સ્મશાનની ચિતામાં ભડભડ બળવા લાગી અને કબરોમાં દટાવા લાગી. આથી જ તો એવા અત્યંત જોખમભર્યા સમયમાં બ્રિટિશ સત્તાધારીઓ હાજર રહે, તો તેમની સલામતી જોખમાય અને કદાચ એ માનવ સંહાર માટે તેમને જવાબદાર પણ ઠેરવાય, એમ ભાસ્યું તેથી ધાર્યા કરતાં વહેલા ઉચાળા ભરવામાં જ ડહાપણ લાગ્યું.

માર્ચ 1947માં માઉન્ટબેટનની વાઇસરોય તરીકે નિમણૂક થઇ, ત્યારે તેઓ અખંડ ભારતને જેમ બને તેમ જલદીથી બ્રિટનના તાબામાંથી મુક્ત કરી શકશે તેવી તેમની પાસે અપેક્ષા હતી. દસ અઠવાડિયામાં તેમણે આ કામ પતાવવાનું હતું. ભારતને આઝાદ કરવાનું ઠેરવાયું અને તેના ભાગલા પણ અનિવાર્ય લાગ્યા, તો એ કામ માટે જરૂરી સમય આપ્યો હોત, કુશળ વહીવટકર્તાઓને એ જવાબદારી સોંપી હોત અને પ્રજાને પૂરેપૂરી જાણકારી આપી તેમને પોતાના પસંદગીના દેશમાં રહેવા કે છોડવા માટે સમય આપ્યો હોત, તો આટલી મોટી સંખ્યામાં જાન-માલની હાનિ ન થઇ હોત; અને સંભવ છે કે હિન્દુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય પેદા ન થયું હોત. તો કદાચ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બે પાડોશી દેશો તરીકે વિકસ્યા હોત. વિચાર તો કરો, ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમારેખા નિશ્ચિત કરવાનું કામ સીરિલ રેડક્લિફને સોંપાયું, જેણે ભારતની ભૂમિ પર કદી પગ નહોતો મૂક્યો, એ દેશની ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃિત, લોકોના રહન સહન વિષે કાઈં જાણતો નહોતો, તેને કોઈ દેશની સીમા નક્કી કરવાનો અનુભવ માત્ર નહોતો. સીરિલ રેડક્લિફને સલાહ આપનાર કોઈ નહોતું. બ્રિટિશ સરકારે યુનાઇટેડ નેશન્સની મદદ લેવા જેટલી રાહ પણ ન જોઈ, કેમ કે બીજા વિશ્વયુદ્ધ બાદ દેવાળિયું કાઢી બેઠેલ દેશને દુઝતી ગાય સમાણું ભારત હવે મોંઘુ પડવા માંડ્યું હતું. અધૂરામાં પૂરું આવું મહા મુશ્કેલ કામ કરવા માટે રેડક્લિફને માત્ર પાંચ અઠવાડિયાનો સમય અપાયો. દલીલ એ હતી કે ભારત દેશથી અજાણ વ્યક્તિને આ કામ સોંપવાનું કારણ એ હતું કે એ તટસ્થ નિર્ણય લઇ શકે. એ કેવી રીતે તટસ્થ હોઈ શકે? એ તો પૂરેપૂરો બ્રિટિશ હતો અને ઉપરાંત ભારતથી તદ્દન અનભિજ્ઞ હતો.  સહુથી વધુ સમૃદ્ધ એવા બંગાળ અને પંજાબના ભાગલા પાડવાની ઘડી આવી. લોકોને ખબર નહોતી કે તેઓનું ગામ, ખેતર, નદી, તળાવ, જંગલ, પહાડ, અરે પોતાનું ઘર કે આંગણાનું ઝાડ સુધ્ધાં સ્વતંત્ર ભારતમાં હશે કે નવા બનેલ પાકિસ્તાનમાં જશે. હજારો લોકોને હિજરત કરવાની ફરજ પડી. એકાદ કરોડ સ્ત્રી-પુરુષ-બાળકોએ જાન ગુમાવ્યાં અને બાર-પંદર કરોડ પ્રજા વિસ્થાપિત થઇ તે વિભાજન કરવાની આવી ક્રૂર નીતિ-રીતિને પરિણામે.

ઘડીભર કલ્પના કરીએ કે જે થયું તે થયું એ સમજીને કાશ્મીરના કબજાનો પ્રશ્નનો બંને દેશોને કબૂલ હોય તેવો તોડ કાઢ્યો હોત, તો બે દેશો વચ્ચે કેવા સંબંધો હોત? આજે પાકિસ્તાન દુબઇ થઈને ભારત સાથે વેપાર કરે છે. તેથી બંને દેશોને કેટલું આર્થિક નુકસાન થાય છે? કારણ? રાજકીય દુશ્મનાવટ. વેપાર કર્યા વિના ચાલે તેમ નથી અને વેર ભૂલી શકાતું નથી. પાકિસ્તાનનું તો લશ્કર જ કાશ્મીરના પ્રશ્ન પર જીવે છે. બંને દેશની નિર્દોષ પ્રજા મરે છે, તો રાજા શું કરે છે? પાકિસ્તાનની રચના ધર્મને આધારે થઇ, તેથી ત્યાંની સરકારને ધર્મ હોય અને સત્તા અને ધર્મને સીધી સાંઠ-ગાંઠ હોય તે સ્વીકાર્ય, પરંતુ હવે તો ભારત સરકાર પણ સત્તાને ધર્મની લગામના અંકુશમાં મુકવા લાગી છે.

કરુણતા તો જુઓ, ભારતને પાકિસ્તાન સાથે કાશ્મીરના પ્રશ્ને દુશ્મનાવટ છે, તો ચીન સાથે પણ સરહદી મામલે વિખવાદ છે. એ બંને દેશો ભારતના સાર્વભૌમત્વને અવગણે છે અને કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન આ મડાગાંઠ ઉકેલવા સક્ષમ નથી. પાડોશી દેશ મિત્ર ન બન્યો એટલે હાલમાં પાકિસ્તાન ચીન સાથે હાથ મિલાવી રહ્યું છે. કારાકોરમ પર્વતમાળામાં 800 માઈલનો ધોરી માર્ગ છેક ચીન લઇ જાય. એ વ્યાપારી માર્ગ પર વરસે દહાડે 11 બિલિયન પાઉન્ડનો વેપાર થાય છે, એ બંને દેશો વચ્ચે. એ વિસ્તારમાં પાકિસ્તાન-ચીન ઝિંદાબાદના બોર્ડ જોવા મળે છે. ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના નારા ક્યાં ગુમ થઇ ગયા? 200 બિલિયન પાઉન્ડના ખર્ચે ચીને પાકિસ્તાન જતાં રસ્તાઓ, ટનલ અને પૂલો બનાવ્યા. દોસ્તી હોય તો વિકાસ થાય અને દુશ્મનાવટ હોય તો વિનાશ તેનો આ પુરાવો. ચીન પાકિસ્તાન સાથે મૈત્રી વધારે એ ભયે ભારતે પાકિસ્તાન અને ચીન સાથે સારાસારી રાખવી તેમ કહેવાનો આશય નથી, પણ જો બંને પડોશી દેશો સાથે સમજણપૂર્વક સુલેહભર્યા રાજદ્વારી સંબંધો રહ્યા હોત અને સીમાના પ્રશ્નો વાટાઘાટો દ્વારા સમયસર ઉકેલી લીધા હોત, તો દુશ્મનાવટમાં ફસાયેલા આ ત્રણેય દેશો મળીને દુનિયામાં એક શાંતિપૂર્ણ આર્થિક અને સાંસ્કૃિતક મહા સામ્રાજ્ય ઊભું કરી શક્યા હોત. આ તો હવે ચીન પાકિસ્તાનનું આર્થિક માળખું મજબૂત કરશે અને પોતાના ખર્ચે તેને આધુનિક બનાવીને છેક યુરોપ સુધી પગપેસારો કરશે. ત્યારે ભારત બંને દેશોથી બચવા વધુને વધુ શસ્ત્રો બનાવીને અથવા બીજા દેશો પાસેથી વેંચાતા લઈને સતત લડાઈના ભયમાં જીવતું રહેશે.

પાકિસ્તાનનું સંરક્ષણનું બજેટ છ બિલિયન પાઉન્ડથી વધુ છે, જે ત્યાંના શિક્ષણના બજેટ કરતાં દસ ગણું વધારે છે. ભારતનું સંરક્ષણનું બજેટ 2.75 લાખ કરોડ રૂપિયા છે જ્યારે શિક્ષણનું અંદાજી ખર્ચ માત્ર 80 હજાર કરોડ રૂપિયા જેટલું છે. બંને દેશોમાં ગરીબી, અપૂરતું શિક્ષણ અને સ્વાસ્થ્યના પ્રશ્નો મોં ફાડીને ઊભા છે, તો દુશ્મનાવટને પાળી પોષીને મોટી કાં કરે છે?

હકીકત તો એ છે કે બંને દેશના જવાનો દેશ ખાતર મરવા તૈયાર છે એટલા જ એકબીજાને મારવા પણ આતુર. સરહદ પરના એક કંદોઈની આંખમાં “બંને પક્ષે નિર્દોષ માણસો મરે છે, એ બધા છે તો આખર ઇન્સાન ને?’ એમ કહેતા આંસુ આવે છે, પણ બેમાંથી એક પણ દેશના નેતાઓનું દિલ દુ:ખે છે? 2016માં પંજાબનો એક ખેડૂત પાક સરહદ પરથી બૉમ્બ પડતાં પોતાનો જમણો હાથ અને તાજો પરણેલો પુત્ર ગુમાવે અને તેનું જીવન બરબાદ થઇ જાય. એ યુવાનની વિધવાની ખાલી આંખો પૂછે છે, “કાશ્મીરના કબજાનું મહત્ત્વ અમારા જીવન કરતાં આટલું બધું વધારે?” તેમને કોણ સમજાવે કે ભારત-પાક વચ્ચે કાશ્મીરના પ્રશ્ને જે હુતાશન સળગતો રહે છે, તેનું પરિણામ બધા ભોગવે છે? કારગિલ પાસેની ખીણમાં જ્યાં લાઈન ઓફ કંટ્રોલ પસાર થાય છે, ત્યાં લગભગ 15 હજાર જેટલા કુટુંબો વિભાજિત થયાં. બે દેશની સીમા રેખાને કારણે 8-10 કિલોમીટર દૂર રહેતા ભાઈને મળવા 1,600 માઈલનો પંથ પંદર દિવસની સફર કરીને કાપ્યા પછી મળી શકે એ કેવી કરુણતા? જર્મનીની બર્લિનની દીવાલે કુટુંબો, જમીન અને પ્રજાના દિલો દિમાગના વિભાજનનું આવું જ ક્રૂર કામ કરેલું.

ભારત-પાકિસ્તાન વચ્ચે આશરે 200 માઈલની સીમા રેખા, જે પ્રદેશની આબોહવા, પ્રજાનાં પોશાક, ખોરાક, ભાષા, ખાણી-પીણી, કળા, શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃિતમાં એટલું બધું સામ્ય હતું, તેમને દુ:શ્મન થતા રોકી ન શક્યા એ કયું તત્ત્વ હતું? ધર્મને આધારે એક જ ધરતીના બે ટુકડા થયા, પર્વતો ભાંગ્યા એટલે કાલનો પોતાનો હતો એ પર્વત આજે પારકાનો, દુશ્મનનો થયો અને તેના જ પથ્થરો ઉપાડી જેની સાથે કાલ સુધી ભાઈચારો હતો તેનું લોહી વહાવ્યું.

સવાલ તો એ થાય છે, ભારત અને પાકિસ્તાને પાડોશીને દુશ્મન બનાવ્યા કે દુશ્મનને પાડોશી? માનો કે ભારત સ્વતંત્ર થયું ત્યારે હિન્દુ-મુસ્લિમ વચ્ચે સદ્દભાવના મરી પરવારી હતી, બ્રિટિશરોએ પોતાનું સામ્રાજ્ય જાળવવા બે કોમને વિભાજિત કરવાનું કામ કર્યું, એટલે બે દેશ જુદા થાય તો જ ટકી શકે તેમ હતું, પણ ત્યાર બાદ આટલાં બધાં વર્ષો સુધી વેરભાવ રાખવાનું કારણ? જો કાશ્મીર કોના તાબામાં જાય એ પ્રશ્ન હલ થઇ જાય તો શું બંને દેશ વચ્ચે સુમેળ સધાય ખરો? કે પછી હવે તો પાકિસ્તાન અને ઇસ્લામ અને ભારત અને હિંદુઓ પ્રત્યે દુશ્મનાવટ એવી ફાવી ગઈ છે કે તે વિના બંને દેશને ચૈન ન પડે?

વિચાર કરતાં એટલું સમજાયું કે અખંડ ભારતમાં બધી કોમ અને ધર્મના લોકો સદીઓ સુધી સામાન્યતઃ સંપીને શાંતિથી રહેતા આવેલા. જ્યારે ભારતના ભાગલા થયા ત્યારે ધર્મને રાજકારણનું પ્યાદું બનાવી, જમીનના એક સુંદર ટુકડા માટે બે દેશો હક જમાવવા સંઘર્ષનો આશ્રય લેવા માંડ્યા, અને તેથી જ ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો ના વિકસી શક્યા.

આગામી વર્ષોમાં આ સ્થિતિનો શાંતિમય ઉકેલ લાવવો છે તે નિર્ણય બન્ને દેશની પ્રજા અને તેમના રખેવાળોએ કરવાનો છે. ઈશ્વર અને અલ્લાહ બંનેને સન્મતિ આપે એવી પ્રાર્થના-દુવા.

e.mail : 71abuch@gmail.com

Loading

આંબેડકર અને વડોદરા: શતાબ્દી ટાણે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 September 2017

શિક્ષણ અને રાજકીય સત્તાના કેફમાં ગુલતાન દલિત સમાજ માટે સંઘર્ષશીલ આંબેડકર વિસ્મૃત લાગે છે

ડો. બાબાસાહેબ આંબેડકરને જાતિભેદ અને આભડછેટના કારણે વડોદરા રાજ્યની નોકરી છોડવી પડેલી તે ઘટનાને આ દિવસોમાં સો વરસ થશે. 23મી સપ્ટેમ્બરે વડોદરાની સંકલ્પભૂમિમાં લોકો સંકલ્પ દિન મનાવશે. ડૉ. આંબેડકરનો સંકલ્પ અને દલિતોની વર્તમાન સ્થિતિ વિશે ગંભીર વિમર્શનો આ અવસર છે.

ઈ.સ. 1907માં ભીમરાવ આંબેડકર ભેદભાવો, કારમી ગરીબી અને અભાવો છતાં મેટ્રિક થયા તે મોટી સિદ્ધિ હતી. પિતા રામજી સુબેદારના માસિક 50 રૂપિયાના પેન્શનમાં માંડ નિર્વાહ ચાલતો હતો એટલે વધુ અભ્યાસ શક્ય નહોતો. પરંતુ કૃષ્ણાજી કેળુસકરની મદદથી વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ મળી એટલે ભણી શક્યા અને 1912માં ગ્રેજ્યુએટ થયા. વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિની શરત મુજબ આંબેડકર વડોદરામાં નોકરી કરે તે પિતા ઈચ્છતા નહોતા.

પિતાની ઈચ્છાની ઉપરવટ જઈને 23મી જાન્યુઆરી 1913ના રોજ આંબેડકર વડોદરા નોકરી અર્થે આવ્યા. જો કે, તેમના રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી. શરૂમાં બે-ત્રણ દિવસ તે વડોદરાની દલિત વસ્તીમાં રહ્યા. આર્ય સમાજી આત્મારામે તેમની રહેવાની સગવડ આર્ય સમાજના કાર્યાલયમાં કરી, જે સ્થળ તેમને અનુકૂળ ન આવ્યું. આવી હાલતમાં એમના પિતાની ગંભીર બીમારીના ખબર આવ્યા એટલે તે મુંબઈ જતા રહ્યા. તે મુંબઈ પહોંચ્યા પછી પિતાનું અવસાન થયું. જીવનઘડવૈયા પિતાની વિદાયના દુ:ખ વચ્ચે તેમણે મુંબઈ આવેલા મહારાજા સયાજીરાવની મુલાકાત લીધી. તેમને પડેલી મુશ્કેલીઓથી માહિતગાર કરી વધુ અભ્યાસ માટે વિદેશ જવાની માગણી કરી. ચાગદેવ ભવાનરાવ ખૈરમોડે લિખિત મરાઠી આંબેડકર ચરિત્રમાં જણાવ્યા મુજબ એ સમયે આંબેડકરે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાંનો અભ્યાસ કરી દલિતોની સ્થિતિ સુધારવાનો પોતાના અભ્યાસનો ઉદ્દેશ મહારાજાને જણાવ્યો હતો.

1913માં આંબેડકર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયા. અમેરિકાની મુક્ત હવા અને લોકશાહી વાતાવરણનો એમને અનુભવ થયો. સ્નાતક થયા સુધી સરેરાશ વિદ્યાર્થી રહેલા આંબેડકરનું આંતરસત્વ અહીં પૂર્ણપણે બહાર આવ્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી તે અર્થશાસ્ત્રમાં એમ.એ. અને પીએચ.ડી. થયા. એમનું આરંભનું છતાં ખૂબ પાકટ અને મૌલિક વ્યાખ્યાન ‘કાસ્ટ ઈન ઈન્ડિયા’ અહીં જ લખાયું હતું. આંબેડકરની ઈચ્છા હતી કે તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં વધુ અભ્યાસ કરે અને બેરિસ્ટર બને. પરંતુ વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિની મુદત પૂરી થતાં લંડનનો અભ્યાસ અધૂરો છોડી અમેરિકા અને ઈંગ્લેન્ડની મુક્ત હવા શ્વાસમાં ભરીને, ડોક્ટરેટ મેળવીને, 21મી ઓગસ્ટ 1917ના રોજ આંબેડકર મુંબઈ આવ્યા. ધનંજય કીર લિખિત આંબેડકર જીવનીમાં જણાવ્યા મુજબ 1917ના બીજા અઠવાડિયામાં ડૉ. આંબેડકર મોટાભાઈ બાલારામ સાથે વડોદરા આવ્યા હતા.

વડોદરા રાજ્યમાં ડૉ. આંબેડકરને અજમાયશી ધોરણે લશ્કરી સચિવ બનાવવામાં આવ્યા. મુંબઈ-કલ્યાણની સભામાં અને આત્મકથનાત્મક લખાણ ‘વેઈટિંગ ફોર વિસા’(ડૉ. આંબેડકર રાઈટિંગ એન્ડ સ્પીચીઝ, ખંડ-11, ભાગ-5, પ્રકરણ-1, પૃ, 659-691)માં ડૉ. આંબેડકરે વડોદરાના કટુ અનુભવો જાતે જ વર્ણવ્યા છે. ડૉ. આંબેડકર વડોદરા રાજ્યના ઉચ્ચ હોદ્દે પહોંચે તે પહેલાં તેમનું દલિત હોવું ત્યાં પહોંચી ગયું હતું. ભારે મેધાવી અને વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ડિગ્રી છતાં તેમનું જન્મે અસ્પૃશ્ય હોવું તેમના માર્ગમાં આડે ઊભું હતું. ઑફિસમાં પટાવાળા કે સાથી કર્મચારીઓ માન ન જાળવે અને આભડછેટયુક્ત વ્યવહાર કરે. રાજ્યની ઑફિસર્સ ક્લબમાં પણ જુદાપણું દેખાય. રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. એટલે પારસીની વીશીમાં જાત છુપાવીને રહ્યા પણ તે લાંબું ન ટક્યું. પારસીઓને તે અછૂત હોવાની ખબર પડી ગઈ. એટલે હિંસક ટોળું તાત્કાલિક જગ્યા ખાલી કરાવવા આવ્યું. રાજ્યના અને મહારાજાના કાને વાત નાખી પણ પરિણામ શૂન્ય આવ્યું. કોઈ મિત્રોએ પણ આશરો ન આપ્યો. એટલે હાલના સયાજીબાગના એક વૃક્ષ નીચે એ પાંચેક કલાક બેસી રહ્યા ને પછી ચોધાર આંસુએ રડતાં રડતાં વડોદરા છોડી દીધું.

ડૉ. આંબેડકરે એમની 1913 અને 1917ની વડોદરા રાજ્યની બંને નોકરીઓ વખતે તેમને અસ્પૃશ્ય તરીકે પડતી મુશ્કેલીઓ સાથે રહેવા મકાન આપવા મહારાજાને અને દીવાનને અનેકવાર રજૂઆતો કરી હતી. જે રાજ્ય આંબેડકરને ભણવા સ્કોલરશિપ આપે – નોકરી આપે તે રહેવા ઘર ન આપે એટલે મજબૂરીવશ એમને વડોદરા છોડવું પડે. અને ત્યારે રાજ્ય કંઈ ન કરે તે સમજવું અઘરું છે. સયાજીરાવ ગાયકવાડની સુધારક રાજવીની છાપ હતી. તેમણે જમાનાથી આગળ દલિતોદ્ધારનાં ઘણાં પગલાં લીધાં હતાં. તેમના વડોદરામાંથી આંબેડકરને અપમાનિત થઈ ઉચાળા ભરવા પડે તે રહસ્ય ન સમજાય તેવું છે.

વડોદરાના સયાજીબાગમાં અનુભવેલું મંથન કે સંકલ્પ બાબાસાહેબે સ્પષ્ટ નથી દર્શાવ્યો. ‘વેઈટિંગ ફોર વિસા’માં ‘વડોદરાની નોકરી મેં શા માટે છોડી એ વાત અહીં અપ્રસ્તુત છે. માટે એમાં ઊંડો ઊતરતો નથી’ એમ લખ્યું છે. આંબેડકરના જીવનીકારો ધનંજય કીર, ખૈરમોડે અને ગેઇલ ઓમવેટ પણ તેમના મનોમંથન કે સંકલ્પ અંગે મૌન છે. જો કે બાબાસાહેબના ગુજરાતી જીવનચરિત્રના લેખક ડૉ. પી.જી. જ્યોતિકરે લખ્યું છે, ‘વડોદરાના એ વૃક્ષ નીચે તેમણે સમાજસેવાનો સંકલ્પ કરી પ્રતિજ્ઞા લીધી કે, ‘જે સમાજમાં હું જન્મ્યો છું તે (દલિત) સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ઘૃણાજનક, ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને તે અત્યાચારો દૂર કરવામાં હું નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.’

આજે આંબેડકરને વડોદરા છોડાવ્યાની શતાબ્દીએ, આંબેડકરે ચાહ્યો હતો તેવો દલિત અત્યાચાર મુક્ત અને સમાનતાયુક્ત ભારતીય સમાજ હજી રચાયો નથી. બીજી તરફ ખુદ દલિતો સંઘર્ષસેનાની આંબેડકરને વિસારે પાડી બંધારણના મસીહા આંબેડકરને વળગી રહ્યા છે અને સરકારી નોકરીઓ અને અનામતને જ ઉદ્ધારની એક માત્ર ગુરુચાવી માની બેઠા છે. વડોદરાના અનુભવ અંગે, હુમલો કરવા સજ્જ પારસીઓનું ટોળું અને તેમની સામે દયાની ભીખ માંગતા ભીમરાવ માટે ‘તે દૃશ્ય ક્યારે ય ધૂંધળું પડ્યું નહોતું અને તેના સ્મરણ માત્રથી આંખમાં આંસુ આવી જતાં’ હોવાનું બાબાસાહેબે બહુ દુ:ખી દિલે લખ્યું હતું. આ બધું સંભારીએ છીએ ત્યારે શિક્ષણ અને રાજકીય સત્તાના કેફમાં ગુલતાન દલિત સમાજ માટે સંઘર્ષશીલ આંબેડકર વિસ્મૃત લાગે છે. પિતાએ તો ભીમરાવને ‘છાંયડામાં થાય તેવું કામ કરતાં શીખજે’ની સલાહ આપી હતી. આંબેડકરે સ્વમાનહીન થઈ વડોદરા રાજ્યની નોકરી કરી ખાવાને બદલે તે સ્થિતિને પડકારવા લડી લેવાનું નક્કી કર્યું હતું. તે માટે ભારે અભાવોમાં અંગત જીવન વિતાવ્યું હતું. માત્ર દલિત સમાજ નહીં, સમગ્ર ભારતીય સમાજ આંબેડકરના સંઘર્ષનો માર્ગ ભૂલી ગયો છે તે તેમના જીવનની મોટી કરુણતા છે.

સૌજન્ય : ‘સ્મરણ’, “દિવ્ય ભાસ્કર”, 21 સપ્ટેમ્બર 2017

Loading

ભારતની પ્રાચીન સંસ્કૃિતનાં મૂળિયાં ફંફોસવા ૪૦ વર્ષ રઝળપાટ

વિશાલ શાહ|Opinion - Opinion|21 September 2017

ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો સૌથી પહેલાં કોણે શોધ્યા હતા? સામાન્ય જ્ઞાનનાં પુસ્તકોમાં તમે આ સવાલ વાંચ્યો હશે! સવાલનો જવાબ છે, રોબર્ટ બ્રુસ ફૂટ. ક્યારેક એવો સવાલ પણ વાંચવા મળે છે કે, ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના પિતામહ કોણ ગણાય છે? આ પ્રશ્નનો જવાબ પણ એ જ છે, રોબર્ટ બ્રુસ ફૂટ.

જો કે, ઇતિહાસના જાણકારો અને વિદ્યાર્થીઓ સિવાય મોટા ભાગના લોકો તેમના વિશે ખાસ કશું જાણતા નથી. હાલમાં ફેસબુક પર વાંચ્યુ કે, ચેન્નાઇના મ્યુિઝયમ થિયેટરમાં પહેલી ઓગસ્ટે રોબર્ટ બ્રુસ ફૂટ પર બનેલી ડોક્યુમેન્ટરીનો શૉ છે. એ વખતે ખ્યાલ આવ્યો કે, થિરુ રમેશ યાંથ્રા નામના ફિલ્મમેકરે ફૂટને શ્રદ્ધાંજલિ આપવા 'ફાધર ઓફ ઈન્ડિયન પ્રિ-હિસ્ટરી – રોબર્ટ બ્રુસ ફૂટ' નામે ડોક્યુમેન્ટરી બનાવી છે. આ ફિલ્મ માટે રમેશ યાંથ્રાએ એ બધા જ પ્રાચીન સ્થળોની મુલાકાત લીધી, જ્યાં ફૂટે સંશોધન કર્યું હતું. આ ડોક્યુમેન્ટરી બનાવતા રમેશ યાંથ્રાને ત્રણ વર્ષનો સમય લાગ્યો, પરંતુ ભારતના પ્રાગ ઐતિહાસિક સંસ્કૃિતના અવશેષો શોધવા ફૂટે ૭૮ વર્ષના આયુષ્યમાંથી ૪૦ વર્ષ રઝળપાટ કરી હતી. એ માટે ફૂટે ક્યારેક પગપાળા, ક્યારેક ઘોડા પર બેસીને પ્રવાસ કર્યો હતો.

એ પછી ફૂટને શું મળ્યું? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ.

***

મે ૧૮૫૭માં ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઈ ગયો હતો. આ ઐતિહાસિક ઘટનાના એક વર્ષ સુધી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન રહ્યું. જો કે, ભારતમાંથી અંગ્રેજોને જવાને હજુ વાર હતી. બીજી ઓગસ્ટ, ૧૮૫૮ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૮૫૮ હેઠળ પોતાની સત્તા બ્રિટિશ ક્રાઉનને સોંપી દીધી. ૧૯મી સદીની શરૂઆત સુધી લગભગ ભારતભરમાં કંપનીનું રાજ સ્થપાઈ ચૂક્યું હતું. આ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં લાંબા ગાળાનું શાસન કરવા જુદા જુદા ક્ષેત્રે સંશોધનો શરૂ કર્યાં હતા.

જેમ કે, ૧૯મી સદીની શરૂઆતમાં જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી હેનરી વેસ્લી વોયસીની આગેવાનીમાં કેટલાક નવાસવા બ્રિટિશ જિયોલોજિસ્ટે (ભૂસ્તરશાસ્ત્રી) ભારતીય ઉપખંડનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવા ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે શરૂ કર્યો. આ પ્રોજેક્ટ હેઠળ હેનરી વોયસીએ હૈદરાબાદ રીજનનો પહેલો જિયોલોજિકલ મેપ (સંપૂર્ણ ભૂસ્તરીય માહિતી ધરાવતો નકશો) તૈયાર કર્યો હતો, જેથી તેઓ 'ભારતીય ભૂસ્તરશાસ્ત્રના પિતામહ ગણાય છે. એ પછી ઈસ. ૧૮૫૧માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના વિવિધ પ્રદેશોની ખાણ-ખનીજ સંપત્તિની જાણકારી મેળવવા જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. આ સંસ્થાનો વહીવટ થોમસ ઓલ્ધામ નામના એક ઉત્સાહી જિયોલોજિસ્ટને સોંપાયો. થોમસ ઓલ્ધામ એટલે કેલ્શિયમ, મેગ્નેિશયમ અને સલ્ફાઈડ નામના ખનીજો ધરાવતી 'ઓલ્ધામાઇટ' નામની ખનીજના શોધક.

હેનરી વેસ્લી વોયસી અને થોમસ ઓલ્ધામ

આ સંસ્થાનો પ્રાથમિક હેતુ અંગ્રેજોએ ભારતમાં શરૂ કરેલી રેલવે માટે વિવિધ પ્રાંતોમાં કોલસાની ખાણો શોધવાનો હતો. કોલસો મળી જાય તો રેલવે અવિરત ચાલ્યા કરે અને રેલવે ચાલે તો બ્રિટિશરોનો વેપાર પણ ધમધોકાર ચાલે. આ લક્ષ્યાંક સાથે ભારત આવેલા ઓલ્ધામે ઈ.સ. ૧૮૫૭માં મદ્રાસ પ્રેસિડેન્સીની ધરતીમાં છુપાયેલી ખનીજ સંપત્તિનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવા ચાર જિયોલોજિસ્ટની નિમણૂક કરી. આ નિમણૂકના એક જ વર્ષ પછી ૧૮૫૮માં તમિલનાડુના પ્રાચીન શહેર તિરુચિલ્લાપલ્લીના પર્વતીય વિસ્તારોમાં સંશોધન ચાલતું હતું, ત્યારે પેલા ચાર પૈકી જિયોલોજિસ્ટ હેનરી ગેઘનનું લૂ લાગવાથી મૃત્યુ થયું.

જો કે, આ યોજનામાં કોઈ જ અવરોધ આવે એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે ઓલ્ધામે ગેઘનની જગ્યાએ બ્રિટિશ જિયોલોજિસ્ટ રોબર્ટ બ્રુસ ફૂટની આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નિમણૂક કરી. રોબર્ટ બ્રુસ ફૂટ બ્રિટનથી એક સ્ટીમરમાં બેસીને ૨૯મી ડિસેમ્બર, ૧૮૫૮ના રોજ મદ્રાસ બંદરે ઉતર્યા. એ વખતે તેમની ઉંમર હતી, ૨૪ વર્ષ. અંગ્રેજો ભારતમાં (અને વિશ્વમાં પણ) લાંબા સમય સુધી રાજ કરી શક્યા, એ સમજવા આ પ્રકારની યોજનાઓ વિશે જાણવું જરૂરી છે. આવી ‘વિકાસ યોજનાઓ’ થકી જ અંગ્રેજ વેપારીઓ જે તે પ્રદેશમાં લાંબો સમય સુધી ટકી શકતા હતા.

***

24 વર્ષના યુવાન જિયોલોજિસ્ટ રોબર્ટ ફૂટની એન્ટૃી

આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નિમણૂક પામ્યાનાં થોડાં વર્ષોમાં તો રોબર્ટ બ્રુસ ફૂટે ભારતની ખનીજ સંપત્તિનો નકશો તૈયાર કરવા મધ્ય, દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક જંગલ અને પર્વતીય વિસ્તારો ધમરોળી નાંખ્યા. આ રઝળપાટ દરમિયાન ૩૦મી મે, ૧૮૬૩માં ફૂટને ચેન્નાઈના પલ્લવ પુરમમાંથી પથ્થરની કુહાડી જેવું ઓજાર મળ્યું. કુહાડી જોતાં જ ફૂટને અણસાર આવી ગયો કે, આ કોઈ સામાન્ય ચીજ નથી, પરંતુ પ્રાચીન પાષાણ (પથ્થર) યુગ સાથે સંકળાયેલો કોઈ નમૂનો છે. બાદમાં ફૂટે સપ્ટેમ્બર ૧૮૬૩માં મદ્રાસ નજીક આવેલા અથિરાપક્કમ અને આજના થિરુવલ્લુર જિલ્લામાંથી પાષાણ યુગ સાથે સંકળાયેલા બીજા પણ કેટલાક અવશેષો શોધી કાઢ્યા. આ શોધોથી ઉત્સાહમાં આવીને ફૂટે જાન્યુઆરી ૧૮૬૪માં ફરી એકવાર આ સ્થળોની મુલાકાત લીધી અને પાષાણ યુગના બીજા બે અવશેષ શોધ્યા.

રોબર્ટ બ્રુસ ફૂટ

યાદ રાખો, ફૂટ આસિસ્ટન્ટ જિયોલોજિસ્ટ તરીકે નોકરી કરતા હતા. તેમનું મુખ્ય કામ ભારતીય ઉપખંડનો જિયોલોજિકલ મેપ તૈયાર કરવાનું હતું, પરંતુ આ કામ માટે રઝળપાટ કરતી વખતે ફૂટ એક અઠંગ આર્કિયોલોજિસ્ટ(પુરાતત્ત્વવિદ્)ની જેમ ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો પણ ભેગા કરી રહ્યા હતા. જિયોલોજિકલ મેપ તૈયાર કરતી વખતે જમીનની નીચે છુપાયેલી ખનીજ સંપત્તિ જ શોધવાની હોય, પરંતુ ફૂટે તો ભારતીય ઉપખંડમાં પાંગરેલી પ્રાગ ઐતિહાસિક કાળની સંસ્કૃિતનાં મૂળિયાં ફંફોસવાનું કામ પણ સમાંતરે શરૂ કરી દીધું હતું. પ્રાગ ઐતિહાસિક એટલે ઐતિહાસિક કાળથી પણ પહેલાનો અ-લિખિત ઇતિહાસ. આ અતિ પ્રાચીન માનવ સંસ્કૃિતનો ગાળો પાંચ લાખ વર્ષનો મનાય છે, જેમાં માણસ પાસે પથ્થર સિવાય કોઈ સાધન ન હતું. એટલે જ એ યુગ પાષાણ યુગ તરીકે ઓળખાય છે.

પ્રાગ ઐતિહાસિક કાળના પુરાવા ભેગા કર્યા પછી ફૂટનો જિયોલોજિકલ મેપ તૈયાર કરવાનો દૃષ્ટિકોણ વધુ વૈજ્ઞાનિક થયો. ફૂટને જે સ્થળેથી પ્રાગ ઐતિહાસિક કાળના પુરાવા મળ્યા હતા, તેનો અર્થ એ હતો કે, દક્ષિણ ભારતના એ તમામ સ્થળે લાખો વર્ષ પહેલાં માણસો રહેતા હતા અને ત્યાં કોઈ પ્રાચીન સંસ્કૃિત પણ અસ્તિત્વ ધરાવતી હતી. એ પછી ઈ.સ. ૧૮૮૩માં ફૂટે આંધ્રપ્રદેશના કૂરનુલ જિલ્લામાં આવેલા બેલમ ગામમાં સાડા ત્રણ કિલોમીટર લાંબી ગુફા શોધી, જે આજે બેલમ ગુફા તરીકે જાણીતી છે. બેલમ ગુફા ભારતીય ઉપખંડની બીજા નંબરની સૌથી લાંબી કુદરતી ગુફા છે. અહીં પણ માણસો રહેતા હતા એ વાત ફૂટે સાબિત કરી દીધી.

***

ઈ.સ. ૧૮૮૭માં ફૂટ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર બન્યા અને ૧૮૯૧માં નિવૃત્ત થયા. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થતાં જ ફૂટનો ગુજરાત સાથે ટૂંકા ગાળાનો પણ મહત્ત્વનો સંબંધ શરૂ થયો. ફૂટે બરોડા સ્ટેટ જિયોલોજિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. ઈ.સ. ૧૮૯૩માં ફૂટ પ્રાંતીજમાં સાબરમતી નદીના તટમાં આવેલા સાદલિયા ગામની આસપાસના પ્રદેશનું આર્થિક દૃષ્ટિએ ભૂસ્તરીય નિરીક્ષણ કરી રહ્યા હતા. એ વખતે ફૂટને અનોડિયા-કોટ અને પેઢામલીમાંથી પથ્થરના હથિયારો અને ઓજારો મળ્યા. ગુજરાતમાં પણ લાખો વર્ષ પહેલાં માણસજાતનું અસ્તિત્વ હતું એનો એ સૌથી પહેલો ઠોસ પુરાવો હતો.

૩0મી મે, ૧૮૬૩ના રોજ ચેન્નાઈના પલ્લવ પુરમમાંથી ફૂટને મળેલા આદિકાળના ઓજારો.

ગુજરાતની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃિતને લગતાં સંશોધનો પછી શરૂઆતમાં એવાં તારણો કઢાયાં હતા કે, આદિમાનવો ફક્ત ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે વસતા હતા, પરંતુ બાદમાં માલુમ પડ્યું કે સાબરમતીની ઉપ નદીઓ, નર્મદા તેમ જ દક્ષિણ ગુજરાતની અંબિકા, સૌરાષ્ટ્રમાં સૂકી, ભાદર અને કચ્છની ભૂખી નદીના કિનારે પણ આદિમાનવોની વસતી હતી. એ પછી લાંઘણજ જેવા સ્થળોએ પણ ઉત્ખનન કરાયું અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૧૯૬૩ સુધી એ સંશોધનો ચાલ્યા. આ શરૂઆત ફૂટના કારણે થઈ શકી હતી.

ગુજરાતમાં માંડ બે-ત્રણ વર્ષ નોકરી કરીને ફૂટ મૈસુર જિયોલોજિકલ ડિપાર્ટમેન્ટમાં જોડાયા. આ વિસ્તારમાં તેમણે એક સોનાની ખાણ શોધી કાઢી, જે આજે કોલર ગોલ્ડ ફિલ્ડ તરીકે જાણીતી છે.

***

ફક્ત ૨૪ વર્ષની ઉંમરે રોબર્ટ બ્રુસ ફૂટની જિયોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ થઈ. તેમને ખુદને અણસાર ન હતો કે, હવે દુનિયા એક જિયોલોજિસ્ટ(ભૂસ્તરશાસ્ત્રી)ને આર્કિયોલોજિસ્ટ (પુરાતત્ત્વવિદ્) તરીકે ઓળખવાની છે. એટલું જ નહીં, ભારતમાં તો તેમને 'ભારતીય પ્રાગ ઐતિહાસિક કાળના પિતામહ’ તરીકે પણ માનપાન મળવાના છે. ભારતનો ખનીજ સંપત્તિનો નકશો તૈયાર કરવા ફૂટે ૩૩ વર્ષ ખર્ચી કાઢ્યા, પરંતુ એ પછીયે તેમણે ગુજરાત-મૈસુરમાં જિયોલોજિસ્ટ તરીકે નોકરી શરૂ કરી અને આર્કિયોલોજિસ્ટ તરીકે ફરી એકવાર રઝળપાટ શરૂ કરી. એ રીતે ફૂટે સતત ૪૦ વર્ષ રઝળપાટ કરીને ભારતીય ઉપખંડની આદિમાનવ સંસ્કૃિત સાથે સંકળાયેલા ૪૫૯ પ્રાગ ઐતિહાસિક સ્થળ, પાષાણ યુગના ૪૨ સ્થળ, નવ પાષાણ યુગના ૨૫૨ સ્થળ અને ધાતુ યુગના ૧૭ સ્થળ શોધી કાઢ્યા.

ચાર દાયકાની મહેનત પછી, ફૂટ પાસે પાષાણ યુગના અતિ પ્રાચીન હથિયારો, ઓજારોના અનેક નમૂના હતા. યુરોપના લોકો આ પુરાવાનું મહત્ત્વ સમજતા એટલે તેમણે મ્હોં માંગ્યા દામની લાલચ આપીને ફૂટ પાસેથી એ બધું ખરીદી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ફૂટ તેમને જવાબ આપતા કે, ભારતનો ઇતિહાસ ભારતમાં જ સચવાવો જોઈએ. છેવટે ૧૯૦૪માં ફૂટે રૂ. ૩૩ હજારમાં ભારતીય ઉપખંડની પ્રાચીન સંસ્કૃિતના બધા જ અવશેષો મદ્રાસ મ્યુિઝયમને વેચી દીધા.

તમિલનાડુના યર્કૂડમાં રોબર્ટ બ્રુસ ફૂટની સમાધિ.

૨૯મી ડિસેમ્બર, ૧૯૧૨ના રોજ ફૂટનું ૭૮ વર્ષની વયે અવસાન થયું અને તેમને કોલકાતામાં દફનાવવામાં આવ્યા. બાદમાં તમિલનાડુના યર્કૂડમાં આવેલા હોલી ટ્રિનિટી ચર્ચમાં ફૂટના અસ્થિ લવાયા અને પાદરી પીટર પર્સિવલની સમાધિની બાજુમાં જ તેમની પણ સમાધિ બનાવવામાં આવી. પીટર પાર્સિવલ એટલે રોબર્ટ બ્રુસ ફૂટના સસરા. પાર્સિવલે સમગ્ર દક્ષિણ ભારતથી છેક શ્રીલંકા સુધી સાક્ષરતા અભિયાન ચલાવ્યું હતું. આ ઉપરાંત તેઓ અંગ્રેજી-તમિલ અને અંગ્રેજી-તેલુગુ ડિક્શનરીના સર્જક તરીકે પણ જાણીતા છે. પાર્સિવલે ૧૮૫૬માં મદ્રાસ પ્રેસિડેન્સીના રજિસ્ટ્રાર અને સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.

આ વિદ્વાનની બાજુમાં સ્થાન મેળવનારા ફૂટની સમાધિ પર અંગ્રેજી ભાષામાં લખ્યું છે કે, ''હું ખૂબ સારી લડાઈ લડ્યો. મેં મારી ફરજો અદા કરી. હું શ્રદ્ધાથી જીવ્યો.''

***

અંગ્રેજ અધિકારીઓ શોધ-સંશોધનોનો પાછળની અથાક મહેનતનો ઈરાદો ઈસ્ટ ઇન્ડિયા કંપની કે બ્રિટિશ ક્રાઉનને આર્થિક લાભ કરાવવાનો હતો એ કબૂલ, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ ફૂટના સંશોધનોની અવગણના ના કરી શકાય.

સેવાભાવી નર્સ તરીકે જાણીતા ફ્લોરેન્સ નાઇન્ટિંગલને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ એકવાર 'ઇન્ડિયન ઓપીનિયન'માં નોંધ્યું હતું કે, ‘'… ઇંગ્લેન્ડ તેની લશ્કરી તાકાતના કારણે નહીં પણ આવાં પુરુષો-સ્ત્રીઓની પ્રશંસનીય કામગીરીના કારણે વિશાળ પ્રદેશો પર રાજ કરે છે …''

ગાંધીજીના આ શબ્દો ફૂટને પણ લાગુ પડે છે!

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : ‘ગુજરાત સમાચાર’, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ

http://vishnubharatiya.blogspot.co.uk/2017/09/blog-post_21.html

Loading

...102030...3,3213,3223,3233,324...3,3303,3403,350...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved