Opinion Magazine
Number of visits: 9687959
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંત્યોદય અને જૉબલેસ ગ્રોથની વચ્ચે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 October 2017

આંબેડકરે કરેલી વાતો, લોહિયાના સપ્ત ક્રાન્તિ દર્શન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનથી તત્ત્વત: જુદી નથી

વિક્રમના નવા વરસના ઉંબર અઠવાડિયે આ લખી રહ્યો છું ત્યારે માર્ચ 2002 પછી ચૂંટણી જાહેરાતની અભદ્ર અધીરાઈ અને 2017માં ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાબતે કંઈક ગભરાતી ખચકાતી સરકાર અને સત્તાપક્ષ, બેઉની સહોપસ્થિતિ કેમ જાણે કશુંક સૂચવવા કરે છે. 2004થી મે 2014 સુધી તો જાણે કે નઠારી કેન્દ્ર સરકારને માથે ટોપલો ઓઢાડી શકાતો હતો, પણ હવે તો એવી સગવડ પણ નથી એટલે ‘અચ્છે દિન’ બાબત જવાબ આપવો રહે એ દેખીતું છે.

નોટબંધી બાબતે થયેલા દાવા અને રીઝર્વ બૅંકનો હેવાલ એક સાથે મૂકીને જોઈએ તો કદાચ કશું જ કહેવાનું રહેતું નથી. નહીં કે બધું આજે જ ગબડ્યું છે (જેમ બધું ભાજપ સાથે જ ચડ્યું છે એમ પણ નથી); પણ ઑક્ટોબરના બીજા અઠવાડિયે આવેલા વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હંગર ઇન્ડેક્સ) મુજબ 119 દેશોમાં આપણે વરસોવરસ પાછળ મુકાતા જઈ અત્યારે છેક સોમા ક્રમે છીએ એ બીનાને કેવી રીતે જોશું ઘટાવશું.

વૃદ્ધિ આંકની સુધારેલી સગવડિયા વ્યાખ્યામાં પણ હાંફતી સરકાર પાસે એ એક વિગતનો ન તો કશો જવાબ છે, ન તો કોઈ ઉગાર છે કે સઘળાં વિકાસ (કે વૃદ્ધિ) સામે વાસ્તવિક રોજગારો વિકસતા નથી. એટલે જ્યારે કુલ આવક વધી હોય ત્યારે પણ એ દરિયામાં ખસખસ પેઠે થોડાં જ માથાં પૂરતી હોય છે, અને દેખીતું સમૃદ્ધિવર્ધન વધુને વધુ વિષમતા જગવે છે. અને એકંદર સભ્યતા કે સંસ્કૃિતનો વિકાસ પણ ક્યાં છે? નમૂના દાખલ, ગુજરાતમાં નવતરુણ મતદારોમાં બહેનોનું પ્રમાણ અગાઉ કરતાં ઓછું છે.

નરસિંહરાવ – મનમોહનસિંહથી આરંભી મોદી સુધી પહોંચતે પહોંચતે વૈશ્વિકીકરણની રેટ રેસ (અને મરીચિકા) નવા વંચિતો જન્માવવા સારુ જાણીતી હશે, પણ ‘બેટી’ને તો હાંસિયાપાર હડસેલવા સારુ નામીચી છે. નમો તંત્રની આર્થિક નીતિઓ બાબતે મનમોહનસિંહ, ચિદમ્બરમ્‌, યશવંત સિંહા, અરુણ શૌરી સૌની ટિપ્પણીઓ અને તવલીન સિંહ સરખાંની મોદી પ્રશસ્તિ છતાં આ મુદ્દે નારાજગીની ભૂમિકા પોતાને ઠેકાણે ઠીક જ છે.

પણ મૂળભૂતપણે 1991થી જે રસ્તો લીધો છે એમાં કોઈ પથસંસ્કરણ, કોઈક બાબતે ‘રુક જાવ’ તો કોઈક બાબતે ‘ઘુમ જાવ’ એવી કોઈ જ જરૂરત કેમ સમજાતી કે પકડાતી નહીં હોય? જેમને સામાન્યપણે લિબરલ સ્કૂલના અને જમણેરી ખાનામાં ખતવવાનો ચાલ છે એવા ગુરચરણે હમણાં સુખાંકચર્ચામાં એક મુદ્દો સોજ્જો કીધો કે સુખનું સરનામું તમે રોજગારવંતા છો કે નહીં એ બીના જોડે અવિનાભાવ સંકળાયેલું છે. દેખીતી રીતે જ ‘જૉબલેસ ગ્રોથ’ની જે અનવસ્થામાં, કહો કે કળણમાં, આપણે ખૂંપતા ચાલ્યા છીએ એમાં સુખની અનુભૂતિનું ગજું ઝાંઝવાંથી ઝાઝું હોઈ શકતું નથી.

મોટી દઇત સરદાર પ્રતિમા અને શરૂ થયા પૂર્વે મુકામ પર પહોંચાડતી બુલેટ ટ્રેન, આવો સોલો જે ગૌરવ સ્કૂલને રહીરહીને ઉપડ્યા જ કરે છે એના શાસકીય દોરમાં વાસ્તવિક અંત્યોદય અગ્રતાક્રમમાં ક્યાંથી હોઈ શકે? અંત્યોદય અને ‘જૉબલેસ ગ્રોથ’ વચ્ચેનો સંબંધ છેવટે તો છત્રીસનો જ હોવાનો ને. રામમનોહર લોહિયાની સ્મરણપચાસીનો મોકો વર્તમાન દિલ્હી દરબારે ઠીક પકડ્યો હોય અને એમના કો-ઓપ્શનની કીમિયાગરી રૂડી પેરે પાર પાડવા ધાર્યું હોય તો પણ જેમ દીનદયાલની અંત્યોદય ભાવના તેમ લોહિયાનો ‘છોટી મશીનેં’ અભિગમ એ એવા સવાલો ખડા કરે છે.

જેના જવાબમાં હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગે કેવળ અને કેવળ આરોપીના પિંજરામાં ઊભા રહેવું પડે. રિવર ફ્રન્ટ પર સ્ટીલનો ચરખો ઊભો કરવાનું સૂઝે એ તો જોણું થયું, પણ જૉબલેસ ગ્રોથનો મોટો દઈત રસોળો એ સમતા અને સ્વતંત્રતાના સહીપણાંની મજલમાં આપકમાયેલ અવરોધરૂપે આપણી સામે ને સામે જ હોવાનો છે.નોબેલ નજીક પહોંચતે પહોંચતે રહી ગયેલ (હવેનાં વરસોમાં પહોંચી પણ શકે) એવા રઘુરામ રાજને રીઝર્વ બૅંકનું ગવર્નરું ચલાવી જાણ્યું એ ગાળાનાં મંથનો ઠીક ગ્રંથસ્થ કીધાં છે.

એ બધી સામગ્રીમાં તેમ શૌરી જેવાઓની ટિપ્પણીમાં સુધારાની દિશામાં ખાસાં ઇંગિતો ને સંકેતો પડેલાં છે. પણ એ બધું ક્યાંક, કોઈક તબક્કે અટકી જતું માલૂમ પડે છે. તેથી એવું સૂચવવાનું મન સ્વાભાવિક જ થઈ આવે છે કે અમર્ત્ય સેન જેવાને આ ચર્ચામાં દાખલ કરવા જોઈએ. સેન છેવટે તમને ક્યાંક તો બજારનાં બળો અને વ્યાપક સહાનુકંપા(કમ્પેશન)ના સંગમસ્થાને લાવી મૂકે છે. ઓછામાં ઓછું, એને એટલું તો સમજાય છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓ જેટલા પ્રમાણમાં સર્વજનસુલભ હશે, આમ આદમી એટલી સમ્પન્નતાવશ ટકી શકશે. ‘છોટી મશીનેં’ અભિગમ એથી આગળ જાય છે તે એ અર્થમાં કે તે ગાંધી અને આર્થિક હલચલને એક માનવીય દાયરામાં લાવી મૂકે છે. બુલેટબાવલા ગૌરવ સ્કૂલથી હટીને માનવીય ગૌરવની એક અર્થનીતિના સંકેતે ભરેલી અને ભારેલી વાત આ છે. હિમાચલમાં જાહેર થયેલી ચૂંટણી અને ગુજરાતમાં તરતમાં જાહેર થઈ શકતી ચૂંટણીઓમાં આવી કોઈ મૂળગામી ચર્ચા સાંભળવા વિચારવા વાગોળવાનું મળશે? ચિહ્‌નો તો નથી. બાકી, હમણાં જયપ્રકાશ જયંતી નિમિત્તે નવી દિલ્હીના કાર્યક્રમમાં સીતારામ યેચુરી, શરદ યાદવ અને શાંતિભૂષણ સૌએ એકમંચ થઈ વિપક્ષી એકતા પર ભાર મૂક્યો, પણ એના કાર્યક્રમનું શું?

વિપક્ષી એકતા ક્યારેક કૉંગ્રેસ સામેની રણનીતિ હતી, આજે તે ભાજપ સામેની હોઈ શકે છે. એનું એક લૉજિક પણ છે. પરંતુ, પ્રશ્ન તો 1977ના અધૂરા એજન્ડાને નવાં જોડાણો વાટે પણ આગળ લઈ જવાનો છે. બલકે, ખરું પૂછો તો, અધૂરો એજન્ડા તે શું એનો એક જવાબ જેમ લોહિયાના અંતિમ પર્વમાં તેમ એના આગલા દસકામાં આંબેડકરના અંતિમ પર્વમાં ધરબાયેલો છે. આંબેડકર પછીના દસકે લોહિયા ગયા અને તે પછીના દસકે જયપ્રકાશ.

આંબેડકરે દલિતમાત્ર વાસ્તે સમતાની જે લડાઈ છેડી હતી (જે એમના મનમાં બંધારણીય ધોરણે સર્વને માટે હતી) એનો આદરપુરસ્કાર કરતે છતે લોહિયાએ એમને કહેવડાવ્યું હતું (અને વધુ ચર્ચા માટે મળવા ધાર્યું હતું) કે તમે સમગ્ર દેશના નેતાને નાતે રાજનીતિ કરો. ચાલો, આપણે સાથે ચાલીએ. લોહિયા ‘પર્ટિક્યુલર ગોલ’ની જરૂરત જરૂર સમજતા, પણ તે ‘જનરલ ગોલ’ સાથે સંકળાય એની આવશ્યકતા પણ પ્રીછતા. આંબેડકરે કરેલી વાતો, લોહિયાના સપ્ત ક્રાન્તિ દર્શન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનથી તત્ત્વતઃ જુદી નથી. ઝોકફેર જરૂર હોવાનો, પણ અન્યાયનિવારણ માટે અગ્રતાવિવેકપૂર્વક ચિંતા તો સૌની હોવાની.

પ્રકાશ આંબેડકર અને જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં બંધારણ બચાવો સંમેલનોનો જે દોર ચલાવવા માહે છે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પોતપોતાને છેડેથી જે અવાજ ઉઠાવ્યો છે, તેની સમક્ષ આવું સમગ્ર ચિત્ર હશે? શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ અને ‘આપ’ સમક્ષ હશે? ન હોય તો હોવું જોઈએ; કેમ કે પ્રશ્ન સ્વતંત્રતાસંગ્રામના બાકી દોરનો છે. આ લડત 1947 પછી પૂરી થઈ નથી અને માર્ચ 1977 તે કોઈ એકમાત્ર સીમાચિહ્‌ન નથી. સતત ચાલતી લડત છે આ તો. 

સૌજન્ય : ‘વારસો’, “દિવ્ય ભાસ્કર”, 14 અૉક્ટોબર 2017

Loading

આઇ-કૅનને આપવામાં આવેલો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર શું કહે છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2017

આ વરસનો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ઇન્ટરનૅશનલ કૅમ્પેન ટુ અબૉલિશ ન્યુિક્લયર વેપન્સ (જે ટૂંકાક્ષરમાં ICAN એટલે કે આઇ-કૅન તરીકે વધારે પ્રસિદ્ધ છે)

નોબેલ પ્રાઇઝ કમિટી માત્ર વ્યક્તિઓને ઇનામો આપીને પુરસ્કૃત કરે છે એવું નથી. એ કેટલીક વાર સંસ્થાઓને પણ ઇનામ આપે છે અને આ વરસનો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ઇન્ટરનૅશનલ કૅમ્પેન ટુ અબૉલિશ ન્યુિક્લયર વેપન્સ (જે ટૂંકાક્ષરમાં ICAN એટલે કે આઇ-કૅન તરીકે વધારે પ્રસિદ્ધ છે) નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. આ સંસ્થા અણુહથિયાર તરફ દોરી જતા તમામ પ્રકારના અણુકાર્યક્રમોને સમાપ્ત કરી દેવામાં આવે એ માટે કામ કરે છે. જુલાઈ મહિનામાં યુનોમાં ટ્રીટી ઑન ધ પ્રોહિબિશન ઑફ ન્યુિક્લયર વેપન્સ નામની જાગતિક સંધિ થઈ એમાં આઇ-કૅનનો મોટો ફાળો હતો. એ સંધિને ૧૨૨ મત મળ્યા હતા. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ભારત સહિત અણુશસ્ત્રો ધરાવતા ૬૯ દેશોએ અને નાટોના સભ્યદેશોએ મત ન આપીને ટ્રીટીનો વિરોધ કર્યો હતો. વિરુદ્ધ મત આપીને વિરોધ કરવો એમાં પ્રામાણિકતા છે, મત ન આપીને વિરોધ કરવો એ ઢોંગ છે.

ઢોંગ રાજકારણનો સ્થાયીભાવ છે અને જાગતિક રાજકારણમાં તો એ વિશેષ સ્થાયી છે. એમાં પણ જ્યારે શાંતિ, પર્યાવરણ, ઇકૉલૉજી, માનવઅધિકારો જેવા માનવતાના પ્રશ્નોની વાત આવે ત્યારે તો ઢોંગની ચરમસીમા જોવા મળે છે. એકથી એક દેશના વડાઓ એવી વાતો કરે કે જાણે સ્વર્ગમાંથી દેવદૂતો ઊતરી આવ્યા હોય અને સાંભળનાર તો એટલો ઘેલો થઈ જાય કે તેને સ્વર્ગ વેંત છેટું દેખાવા લાગે. યુનો ઢોંગનો સૌથી મોટો મંચ છે. છેક ૧૯૪૬માં, એટલે કે ૭૦ વરસ પહેલાં યુનોએ જગતને અણુમુક્ત કરવાનું સપનું જોયું હતું. જપાનના હિરોશિમા અને નાગાસાકી પર અણુબૉમ્બ ઝીંકવામાં આવ્યા હતા અને એ સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. હવે પછી ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એ માટે યુનોની સ્થાપના કરવામાં આવી હતી. દેખાવ એવો કરવામાં આવ્યો હતો કે જેમ ક્લાસરૂમમાં મૉનિટર શાંતિ જાળવવાનું કામ કરતો હોય એમ યુનો જગતમાં શાંતિ જાળવવાનું કામ કરશે. હમણાં કહ્યું એમ ૧૯૪૬માં અણુમુક્ત જગતનો ઑબ્જેિક્ટવ રેઝોલ્યુશન પણ પસાર કરવામાં આવ્યો હતો.

૭૧ વરસે આઇ-કૅન નામની સંસ્થાના અથાગ પ્રયત્નોના કારણે યુનોમાં ટ્રીટી ઑન ધ પ્રોહિબિશન ઑફ ન્યુિક્લયર વેપન્સની સંધિ મંજૂર તો થઈ છે, પરંતુ વ્યવહારમાં એનો કોઈ અર્થ નથી. ૧૨૨ દેશોમાંથી એકમાત્ર સાઉથ આફ્રિકાને છોડીને બીજા દેશોને અણુકાર્યક્રમ સાથે કોઈ લેવાદેવા નથી. સાઉથ આફ્રિકા અણુશસ્ત્રો બનાવવાની ક્ષમતા ધરાવતું હોવા છતાં સામેથી તેણે એને સંકેલી લીધો છે. જે દેશો અણુકાર્યક્રમો હાથ ધરે છે અને અણુશસ્ત્રો ધરાવે છે એ તમામ ૬૯ દેશોએ મોં ફેરવી લીધું છે. રશિયા અને ચીને તો બોલીને એનો વિરોધ કર્યો હતો. આ દેશો જ્યાં સુધી સંધિનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી.

એક સવાલ હંમેશાં પૂછવામાં આવે છે. લીગ ઑફ નેશન્સના હોવા છતાં પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે માત્ર બે દાયકાનું અંતર હતું અને અત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયે ૭૨ વરસ વીતી ગયાં હોવા છતાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ વાગતા નથી તો એના શ્રેયનો અધિકારી કોણ? યુનો? શું યુનો લીગ ઑફ નેશન્સ કરતાં વધારે શક્તિશાળી અને અસરકારક છે? થિયરી ઑફ ડેટરન્ટ(બળાબળ)માં માનનારાઓ કહે છે કે એવું નથી. યુનો એટલી જ નિર્બળ સંસ્થા છે જેટલી લીગ ઑફ નેશન્સ હતી. ત્રીજું વિશ્વયુદ્ધ ન થવાનું કારણ બે બળિયાની એકસરખી સંહારકક્ષમતા છે. નાનકડું નૉર્થ કોરિયા જપાન અને અમેરિકાને ડરાવીને અંકુશમાં રાખી શકે છે અને ભારતની સરખામણીમાં ચોથા ભાગનું કદ ધરાવતું પાકિસ્તાન ભારતને ડરાવીને અંકુશમાં રાખે છે. તને ખતમ કરવા માટે માત્ર એક જ બૉમ્બની જરૂર છે અને એ મારી પાસે છે. બાકીની બધી જ તાકાત ગૌણ છે. સમાનતા સંહારકતાની છે અને એ નિર્ણાયક છે.

ખુલ્લંખુલ્લા સંહારક ક્ષમતાની સમાનતાની વકીલાત કરવામાં આવે છે જેનું નામ થિયરી ઑફ ડેટરન્ટ છે. વિવેક નહીં, ભય. જાગતિક રાજકારણમાં ડારો નિર્ણાયક હોય છે. આ લોકો અણુશસ્ત્રો છોડવા માગતા નથી. એક દલીલ કરવામાં આવે છે કે જો બધા જ દેશો અણુશસ્ત્રોનો નાશ કરે તો ભય કોનો રહેશે? ચાલો, બધા સંપીને અણુશસ્ત્રોનો નાશ કરીએ. આની સામે સંહારક સમાનતાની વકીલાત કરનારાઓ કહે છે કે ના, એમાં તો પાછી જૂની પરંપરાગત સંહારકક્ષમતાની અસમાનતા આવશે અને અસમાનતા યુદ્ધો નોતરશે. દુશ્મનનંુ ગમે એટલું મોટું કદ હોય અને ગમે એટલી તાકાત હોય, મારો એક બૉમ્બ એને ખતમ કરવા માટે બસ છે એમાં જે શાંતિની ગૅરન્ટી છે એટલી ન્યુિક્લયર-ફ્રી વર્લ્ડમાં નથી.

આની સામે આઇ-કૅન અને બીજાં શાંતિવાદી જૂથો તેમ જ વ્યક્તિઓ દલીલ કરે છે કે કોણ એવી ખાતરી આપી શકશે કે ક્યારે ય અણુઅકસ્માત નહીં થાય? કોણ એવી ખાતરી આપી શકશે કે અણુશસ્ત્રો આતંકવાદીઓના હાથમાં નહીં જાય? કોણ એવી ખાતરી આપી શકે કે જગતના કોઈ એક દેશમાં કે દેશોમાં ગાંડા શાસકો નહીં આવે? ઈદી અમીનથી લઈને કિમ જૉન્ગ ઉન જેવા ગાંડાઓ આપણી નજર સામે આવ્યા છે. અણુશસ્ત્રો ધરાવનારા ૬૯ દેશોમાં પણ ગાંડાઓ શાસક તરીકે આવી શકે છે. સામૂહિક મોતનો સામાન ઘરમાં રાખીને કોઈ એમ કહેતું હોય કે આ તો શાંતિની ગૅરન્ટી આપનારી સંહારક સમાનતા છે તો એ વાહિયાત દલીલ છે.

આ બે દલીલોની વચ્ચે અણુશસ્ત્રો ધરાવનારા કે અણુશસ્ત્રો બનાવવાની ક્ષમતા ધરાવનારા ૬૯ દેશો અટવાયેલા છે. ત્યાંના શાસકોને અને પ્રજાને સુધ્ધાં સમજાતું નથી કે ડારાની થિયરી પડતી મૂકવી કે જાળવી રાખવી? અણુબૉમ્બને કારણે પાકિસ્તાન સામે ભારત સુરક્ષિત છે એવું આપણને લાગે છે એટલે આપણે અણુબૉમ્બના મોહમાં છીએ. બીજી બાજુ શાંતિવાદીઓ જે ત્રણ ભય બતાવે છે એનો તો કોઈ ઇનકાર ન કરી શકે. એટલે તેઓ શાંતિવાદીઓને પુરસ્કારે છે અને અણુશસ્ત્રો પકડી પણ રાખે છે. આઇ-કૅનને આપવામાં આવેલા શાંતિ માટેના નોબેલ પુરસ્કારની પાછળ બન્ને ભાવના છે. ઢોંગ પણ છે અને મૂંઝવણ પણ છે. સુરક્ષા ગુમાવવી પણ નથી અને સુરક્ષાની ખાતરી પણ નથી. માનવસમાજે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉક્ટોબર 2017

Loading

ગાંંધીહત્યાઃ વાદ વિવાદ અને વિકૃતિ

ઉર્વીશ કોઠારી|Gandhiana|12 October 2017

વર્તમાન સત્તાધીશોને ગોડસેના વિચારોના ફેલાલાવાથી શરમ આવે છે ? કે મીઠી ગલીપચી થાય છે ?

ગાંધી એક એવું પાત્ર છે, જેને મારી નાખ્યા પછી પણ તે પીછો છોડતું નથી. કટ્ટર હિંદુત્વકેન્દ્રી એક સંગઠને કરેલી અપીલ પછી સર્વોચ્ચ અદાલતે ગાંધીહત્યા વિશે નવેસરથી તપાસની દિશામાં ડગ માંડ્યું છે અને તે માટે ‘એમિકસ ક્યુરી’(amicus curiae = અદાલતના મદદકર્તા)ની નિમણૂક કરી છે. 

આવતા વર્ષે ગાંધીને ગોળીએ દીધાનાં સિત્તેર વર્ષ પૂરાં થશે, પણ ચિત્રકથાના ફેન્ટમ જેવા પાત્રની માફક, ગાંધી ‘મરતો’ નથી. પ્રયાસો સતત થાય છે: કોઈ એને ભગવાન બનાવીને મારે છે, તો કોઈ શેતાન તરીકે ચિતરીને. કોઈ એને ધૂર્ત રાજકારણી (ચતુર બનિયા) તરીકે મનોમન મારે છે, તો કોઈ એને દંભી સંત તરીકે. ડાબેરીઓને તે રૂઢિવાદી ને ક્રાંતિવિરોધી લાગે છે, તો જમણેરીઓને તે અસ્પૃશ્યતા – હિંદુ ધર્મની સમજ જેવી ઘણી બાબતોમાં રૂઢિ – પરંપરા ખોરવનાર જણાય છે. જમણેરીઓમાં પણ જે જમણેરી છે અને જેમના માટે મુસ્લિમો અને પાકિસ્તાન વચ્ચે કશો ફરક નથી, તેમને ગાંધી મુસ્લિમતરફી – પાકિસ્તાનતરફી અને ભારતવિરોધી લાગે છે. હા, ભારતવિરોધી અને તેનાથી ઓછું કશું જ નહીં. એવા લોકો હત્યારા નથુરામ ગોડસેની જુબાનીને ધગધગતી દેશભક્તિનો દસ્તાવેજ માને છે.

જે સમયે ગાંધીહત્યા થઈ, તે અરસામાં આવેશનાં પૂર માનવતાનાં બધાં બંધનો તોડીને ફરી વળ્યાં હતાં. ભારતે કદી ન જોયેલા પ્રમાણમાં માનવ હત્યાકાંડ અને અત્યાચાર ત્યારે થયાં. આવા વખતે શાંતિની અને માનવતાની વાત કરનાર વિલન અને દેશદ્રોહી સુધ્ધાં લાગી શકે. (આ હકીકતનો અનુભવ પછીનાં વર્ષોમાં થયેલાં હુલ્લડ વખતે શાંતિ અને વિશ્વાસ માટે પ્રયાસ કરનાર સૌ કોઈને થયો હશે.) ભાગલા વખતે ઉશ્કેરાટના અભૂતપૂર્વ વાવાઝોડામાં એક માત્ર ધ્રૂજતી-ટમટમતી છતાં અવિચળ જ્યોતનું નામ હતું: ગાંધી. હતાશ-નિરાશ-સ્વપ્નભંગ થયેલા, છતાં છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ ન છોડનારા ગાંધી.

કપરો સમય હીરો અને વિલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપે છે, પણ લોકોની સમજ પર ત્યારે એવો પડદો પડેલો હોય છે કે ખોટું સાચું લાગે ને સાચું ખોટું. ઇચ્છનીય અનિષ્ટ લાગે ને અનિષ્ટ આવકાર્ય. એ વખતે ગાંધી પાકિસ્તાનમાં હોત અને મુસ્લિમ હોત તો ગાંધીહત્યા કોઈ ઝનૂની મુસ્લિમના હાથે થઈ હોત. (આ કલ્પના છે, પણ તેમાં રહેલું તથ્ય સમજવા માટે, પાકિસ્તાનની સરકારોએ ખાન અબ્દુલ ગફારખાન સાથે કરેલો ક્રૂર વ્યવહાર તપાસી શકાય). ગાંધી હિંદુ હતા અને તેમના પોતાના કહેવા પ્રમાણે ચુસ્ત, સનાતની હિંદુ. એટલે તેમની હત્યા ભારતમાં હિંદુુના હાથે થાય, તે કરુણ કવિન્યાય તરીકે સમજી શકાય એવું હતું. મુસ્લિમોનો વિરોધ કરીને પોતાની જાતને સવાયા દેશભક્ત સમજનારા ગોડસે અને એની વિચારસરણીવાળા બધાની આંખો પર ત્યારે ધિક્કારની પટ્ટી બંધાયેલી હતી. તેમના માટે દેશની અને દેશભક્તિની વ્યાખ્યાનો પાયો કોઈની તરફેણ કરતાં અનેક ગણો વધારે કોઈના વિરોધ પર આધારિત હતો. હિંદુહિતની બડી બડી વાતો કરનારા હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળાએ આઝાદી પહેલાં કૉંગ્રેસ સામે અને મુસ્લિમો સામે ધિક્કાર ફેલાવવા ઉપરાંત અને મુસ્લિમ લીગના હિંદુ અડધિયાની ભૂમિકા અદા કરવા ઉપરાંત, દેશહિતનાં કે અંગ્રેજી રાજના વિરોધનાં બીજાં કયાં કાર્યો કર્યાં?

હવે કેટલાક સંશોધકો શોધી લાવ્યા છે કે ‘અમારી (એટલે કે હિંદુહિતના નામે ધિક્કાર ફેલાવનારી) વિચારધારાવાળા કેટલાકે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો ને ભોગ પણ આપ્યો હતો.’ જાણીને આનંદ થયો, પણ સવાલ એ છે કે કેમ એ કોઈ નાયકોના કે આદર્શના સ્થાને નથી? એ લોકોની આ કામગીરી તમારી સંસ્થા કે વિચારધારાની મુખ્ય ધરી કેમ ન બની શકી? કેમ એ તમારામાં અપવાદ બની રહ્યા? અને કેમ હવે એવા અપવાદોના સાચકલા પ્રદાનનો સ્વાર્થી ઉપયોગ તમે સ્વતંત્રતા સંગ્રામથી અળગા રહ્યાની તમારી શરમ ઢાંકવા કરો છો? માન્યું કે પાઠ્યપુસ્તકો સરકારી હતાં ને સરકારો કાૅંગ્રેસની, પણ તમારાં સમાંતર પાઠ્યપુસ્તકો તમે ક્યાં નથી બનાવ્યાં? તેમાં કેમ શિવાજી – રાણા પ્રતાપથી માંડીને ભલભલા દેશનાયકોને મુસ્લિમવિરોધના સગવડિયા ખાંચા ને ખાનાંમાં પૂરીને રજૂ કરવા પડે છે?

ધિક્કારકેન્દ્રી માનસિકતાને દેશભક્તિની પરાકાષ્ઠા સમજનારામાંથી કોઈ 1948માં ગાંધીને ગોળીએ દઈ દે, તે દુઃખદ છે પણ આશ્ચર્યજનક નથી. એ વખતે આ ‘પરાક્રમ’નાં ઉજવણાં થાય, તે શરમજનક છે, પણ આશ્ચર્યજનક નથી. દુઃખ-શરમ-આઘાત-આશ્ચર્ય એ બધું ત્યારે થાય છે, જ્યારે સાત-સાત દાયકા પછી પણ એ ધિક્કાર ઓસરતો નથી, બલકે તેને નવાં નવાં સ્વરૂપે, નવા પેકિંગમાં રજૂ કરાતો રહે છે. ગાંધીની હસ્તીને ભૂંસી નાખવાનું અશક્ય લાગતાં, તેને અપનાવવાનો દંભ કરીને, સમાંતરે તેના હત્યારાઓની માનસિકતાને પુનઃ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે — કદીક પુસ્તિકાઓ ને ચોપાનિયાં દ્વારા, તો હવેના જમાનામાં વૉટ્સઅેપ અને ફેસબુકની પોસ્ટ પર.

લોકોની દેશભક્તિનેે જગાડવા માટે ગાંધીને બદલે ગોડસેનો ઉપયોગ થાય, એવા હીણપતભર્યા સમયમાં આપણે આવી ગયા છીએ? 1947-48માં ચોતરફ ઉશ્કેરાટ અને આવેગનાં પૂર હતાં અને તે સ્થિતિ અસાધારણ હતી. અત્યારે નથી એવા હત્યાકાંડ ને નથી એટલા મોટા પાયાના સંઘર્ષ. છતાં ગાંધી પ્રત્યેનો ધિક્કાર અકસીરપણે શી રીતે ફેલાવી શકાય છે? વર્તમાન સરકાર એવું વાતાવરણ ઊભું કરવામાં અથવા એવું વાતાવરણ ઊભું કરનારને માનસિક હૈયાધારણ પૂરી પાડવામાં મન, વચન ને કાર્યથી કેટલા અંશે જવાબદાર છે? વર્તમાન સત્તાધીશોને ગોડસેના ‘દેશભક્તિ’ના વિચારોના ફેલાવાથી શરમ આવે છે? કે મીઠી ગલીપચી થાય છે? શરમ આવતી હોય તો, ઇન્ટરનેટ પર મસમોટું ભાડૂતી સૈન્ય ધરાવતા સત્તાધીશો દેશભક્તિના નામે ધિક્કાર ફેલાતો અટકાવવા, ગાંધીને બદલે ગોડસેને મહાન દેશભક્ત સાબિત કરનારો પ્રચાર અટકાવવા અને સાચી માહિતી આપવા માટે કેવાં પગલાં લે છે?

ગોડસેને હીરો ગણનારા વાત કરવા બેસે ત્યારે દંભી ગાંધીવાદીઓ ભણી આંગળી ચીંધે છે. નિરપેક્ષ દૃષ્ટિએ વાત સાચી છેઃ દંભી ગાંધીવાદીઓએ દંભ, અણસમજ અને સ્વાર્થથી ગાંધીવિચારની હત્યા કરી છે, પરંતુ આવું કહેવાનો ગોડસેના ચાહકો અને તરફદારોને અધિકાર નથી. ગોડસેની દલીલો વૉટ્સએપ પર ફોરવર્ડ કરનારા ગોડસેના જમાનામાં પેદા થયા હોત તો તેમણે પણ ગાંધીહત્યાનો જશ્ન મનાવ્યો હોત. અત્યારે તેમના દ્વારા ફોરવર્ડ થતા કે પોસ્ટ કરાતા ગોડસેની તરફેણના સંદેશા ગાંધીહત્યાનો પશ્ચાદવર્તી (રેટ્રોસ્પેિક્ટવ) અસરથી મનાવાતો જશ્ન જ છે. ગાંધી ને ગોડસેની વાત આવે, ત્યારે સૂફિયાણી હાંકનારા કહે છે કે ગાંધીનું પણ સત્ય હોય છે ને ગોડસેનું પણ સત્ય હોય છે.

બરાબર છે. પણ તમારું સત્ય કોના સત્યની સાથે છે?

સૌજન્ય : ‘પોઇન્ટ બ્લેન્ક’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉક્ટોબર 2017

Loading

...102030...3,3053,3063,3073,308...3,3203,3303,340...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved