Opinion Magazine
Number of visits: 9584110
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પચાસમા વરસમાં પ્રવેશતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 August 2017

સ્વરાજસિત્તેરીએ

આ અંક સૌના હાથમાં હશે ત્યારે આપણું સ્વરાજ સિત્તેર વરસ વટાવી એકોતેરમે હુલસતું હશે, અને ‘નિરીક્ષક’ (સ્થાપના : ૧૫ ઑગસ્ટ, ૧૯૬૮) પચાસમાં વરસમાં પ્રવેશી ચૂક્યું હશે.

ઓગણપચાસ વરસ પર, ૧૯૬૮માં ઉમાશંકર જોશીના નેતૃત્વમાં ‘નિરીક્ષક’નો આરંભ થયો ત્યારે આપણું સ્વરાજ વીસે વરસે ગાંધીનેહરુપટેલ સહિતના મહાન આરંભકારોવિહોણી સ્થિતિમાં હતું. પણ એશિયા-આફ્રિકામાં લોકશાહીના ઓલવાતા દીવાઓ વચ્ચે એણે નંદાદીપની આબરૂ અવશ્ય રળેલી હતી. માન્ચેસ્ટરના ‘ગાર્ડિયન’ પત્રે છેક ૧૯૫૪માં ૨૬મી જાન્યુઆરીએ તંત્રીસ્થાનેથી નોંધ લીધી હતી કે પેરિક્લીસના શબ્દોમાં ઍથેન્સનું નગરરાજ્ય જો ગ્રીસ આખાની નિશાળ સરખું હતું તો આજે નેહરુ પણ એવો દાવો કરવાની સ્થિતિમાં છે કે નવી દિલ્હી એશિયા-આફ્રિકાને સારુ લોકશાહી રાજવટની નિશાળ સમું છે.

જો કે ૧૯૬૮ આવતે રજની કોઠારીએ જેને એક-પક્ષ-પ્રભાવ-પ્રથા તરીકે ઓળખાવી છે એ કૉંગ્રેસ પ્રથા પડકારમાં મુકાઈ ગઈ હતી, અને દેશ લોકશાહી વિકલ્પખોજના નવા પડકારમાં મુકાઈ ગયો હતો. ૧૯૬૭ ઉતરતે દેશભરમાં બિનકૉંગ્રેસવાદી એવી સંયુક્ત વિધાયક દળની સરકારોનો વાવર ચાલ્યો હતો. ભલે ટૂંકજીવી પણ એ પ્રયોગકોશિશ, તે પછીના દસકામાં જનતા પ્રયોગરૂપે ઠીક કાઠું કાઢવાની હતી.

૧૯૬૭-૬૮થી વિખરાવ અને ભટકાવ છતાં સ્થાપિત બળોને અંગે સંસ્કાર (કરેક્ટિવ) કામગીરી છતાં , જે વિકલ્પખોજની રાજનીતિ શરૂ થઈ એના શોધન, વર્ધન, સંગોપનની નાગરિક મથામણો એ ‘નિરીક્ષક’ને હિસ્સે એક વિચારપત્ર તરીકે આવેલું દાયિત્વ હતું. ‘નિરીક્ષક’ની શરૂઆતનાં વરસો વિશ્વસ્તરના યુવા ઉદ્રેકના હતા. એ જ ગાળો ઇંદિરા ગાંધીના નેતૃત્વે જીતેલી ‘ગરીબી હટાઓ’ ચૂંટણી અને બાંગલાદેશની રચનાનો હતો. એક રીતે, આ શરૂઆતનાં વરસો ૧૯૬૯નાં કોમી રમખાણોને વટીને ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનથી નવી શરૂઆતનાં અને વિકલ્પખોજની નાગરિક મથામણના પ્રકર્ષરૂપે જેપી આંદોલનનાં હતાં. સ્વાભાવિક જ, એક વિચારપત્ર તરીકે ‘નિરીક્ષક’ ઘટતાં ટીકાટિપ્પણ, વિશ્લેષણ, નુક્તેચીની સાથે એમાં સંડોવાતું રહ્યું.

જ્યાં સુધી કટોકટીકાળનો સવાલ છે, ‘નિરીક્ષક’ જો કે ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ની જેમ બધો સમય ચાલુ ન રહી શક્યું; પણ જ્યારે પણ પ્રકાશન શક્ય બન્યું, એણે લોકશાહી મૂલ્યો ને પ્રક્રિયાઓ વિશે લખવાનું અનિરૂદ્ધપણે ચાલુ રાખ્યું. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સંદર્ભે એને વિશે સંસદમાં જિકર પણ થઈ હતી. ઉમાશંકર જોશીએ ૧૯૭૬ના ઑગસ્ટની આઠમીએ રાજ્યસભામાં કહ્યું હતું :

“એક સાહિત્યકાર તરીકે હું, ૧૯૪૭ના જાન્યુઆરીથી એટલે કે બ્રિટિશ સમયથી, કૈંક ખોટ કરતું સંસ્કૃિત ચલાવી રહ્યો છું. એ એક માસિક પત્ર છે. હું સેન્સર (લખાણો વગેરેના સરકારી નિયામક) પાસે જાઉં નહીં એમાં ગૌરવહાનિ છે. ભલે અમને ખતમ કરવામાં આવે. સેન્સર પાસે વળી શા માટે જાઉં? પ્રકાશન મારે બંધ કરવું પડેલું. એક સાપ્તાહિક પત્ર – નિરીક્ષકના તંત્રીમંડળમાં હું છું. જાહેર બાબતો (પબ્લિક અફેર્સ)ની મુખ્યત્વે એ ચર્ચા કરે છે – રાજકારણ (પોલિટિક્સ) શબ્દ મને ગમતો નથી. કૉંગ્રેસના લોકો પણ ચાવથી એ વાંચતા હોય છે. શું અમે જવાબદારીથી ચાલ્યા નથી? શા માટે અમે સેન્સર પાસે જઈએ? વડાંપ્રધાનનાં સ્વાતંત્ર્યસંગ્રામની પરંપરાઓમાં મૂળિયાં હોઈ એમણે, મારી સ્મૃિત બરાબર હોય તો, એક ક્રિયાપદ વાપર્યું હતું જે યોગ્ય શબ્દ હતો. તેમણે કહ્યુંઃ ‘હું સેન્સરગીરીની નફરત (ઍબહોર) કરું છું.’ કોઈ શબ્દ આનાથી વધુ ઉચિત ન હોઈ શકે. પણ હવે કાયદાથી સમાજજીવનમાં સેન્સરગીરી સ્થાયી કરી દેવાય છે …”

કટોકટી દરમ્યાન નિરીક્ષક બંધ કરવું પડ્યું હતું. છેવટે ૧ મે ૧૯૭૭થી તે ફરી શરૂ થઈ શક્યું ત્યારે ‘જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર’ એ મથાળે લખતાં ઉમાશંકર વચગાળાની જદ્દોજહદ અને મથામણની વાત કરતે કરતે એક ઝીણી પણ દમદાર નોંધ લેવાનું ચૂક્યા નહોતા કે ‘અમને આનંદ છે અનેે નિરીક્ષકના સૌ ગ્રાહકસમુદાયને પણ એ જાણીને આનંદ થશે કે બંને વાર નિરીક્ષક બંધ રહ્યું તે દરમ્યાન એક પણ ગ્રાહક તરફથી માગણી થઈ નથી કે લવાજમની બાકી રકમ પાછી મોકલી આપો.’ અને છેલ્લે : “નિરીક્ષકના સમગ્ર લેખક પરિવાર અને વાચક પરિવારનું ઉત્તમ કટોકટી દરમ્યાન પ્રગટ થયું છે. એમાંથી પ્રેરણા મેળવી પ્રજાહૃદયનો ધબકાર પ્રગટ કરવા નિરીક્ષકનું આ ‘પુનશ્ચ હરિ : ઓમ’ છે. જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર – એ આ માર્ચ ૧૯૭૭ની બીજી ક્રાંતિના, બોધ હરદમ દરેકેદરેક નાગરિકના ધ્યાનમાં રહો.

આજે ઑગસ્ટ ૨૦૧૭માં અનવરત પુરશ્ચરણ પેઠે આ ‘પુનશ્ચ’ ઉતારતાં જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર એ સૂત્ર અને તેમાંથી તંત્રીજોગ અનુકાર્ય બંને સામાં આવે છે. શાસન કટોકટી સુધી જઈ શક્યું એમાં સ્થાપક તંત્રીમંડળના વડા સભ્યે જો રાજકીય અગ્રવર્ગની ખબર લેતાં સંકોચ નહોતો કર્યો તો છેલ્લી જવાબદારી પ્રજાજાગૃતિ પર હોવાનોયે ભાર મૂક્યો હતો. મે ૧૯૭૭ પછીના બધા તબક્કાઓની ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે પ્રજાજાગૃતિ વાસ્તે તંત્રીએ (બેલાશક, સ્વૈચ્છિક લેખકીય સહયોગ જોરે) યથાસંભય, યથાગતિમતિ બનતું કીધું છે. જયન્ત પંડ્યાની પહેલથી દર્શકના અધ્યક્ષપદે નિરીક્ષક ફાઉન્ડેશન અસ્તિત્વમાં આવ્યું એના થોડાંક વરસ પછી (એપ્રિલ ૧૯૯૨થી) ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટીઓ પૈકી એકને નાતે નિરીક્ષક સંભારવાનું આવ્યું ત્યારથી આ તંત્રીએ સ્વરાજ આંદોલન અને બીજા સ્વરાજ આંદોલનની પંરપરામાં પ્રાપ્ત વિશ્વદર્શનને નવસંદર્ભમાં અગ્રતાવિવેકપૂર્વક મૂકવાની કોશિશ કીધી છે. અલબત્ત, જેવી પ્રજાગૃતિ  તેવી સરકાર એ ન્યાયે (અને આરંભકાળના વાચક વર્ગની એક પચીસી પછી, જૂનાનવા પૈકી વાચકોનું જે વલણ બન્યું હોય તે ધોરણે) ઠીક ઠીક તંત્રીએ વખતોવખત લઘુમતી તો શું અણુમતીમાં હોવાનો અહેસાસ કર્યો છે. કમનસીબે, આવે વખતે ખરા પડ્યાનો ખેદ સિલકમાં રહેતો હોય છે, પણ એ આશ્વાસન ઓછું પડે છે; કેમ કે તંત્રીને પ્રજાજાગૃતિનો જે મુદ્દો સમજાયો તે એ સંક્રાન્ત કરી શક્યો નહીં.

ગમે તેમ પણ, વીસમી સદીનો છેલ્લો દસકો બેસતે જે બે મોટી ઘટનાઓ આપણે ત્યાં ઘટી તે નરસિંહ રાવ-મનમોહનસિંહ હસ્તક નવી આર્થિક નીતિના પ્રવેશની અને એના સમર્થક અડવાણીના આંદોલન થકી બાબરીધ્વંસની. ઉમાશંકરે મે ૧૯૭૭ની બીજી ક્રાંતિનો ઉલ્લેખ કર્યો એમાં ત્યારના એકંદર મિજાજનો પડઘો જરૂર હતો. પણ વચલાં વરસોમાં જે વાનું સમજાઈ રહ્યું છે તે એ છે કે સ્વરાજ એ સતત ચાલતી પ્રક્રિયા, અનવરત સંઘર્ષ અને રચના છે. જેમ પ્રેમ તેમ તે ક્ષણે ક્ષણે સાધ્ય ને નવસાધ્ય કરવું રહે છે. જે બે મોટાં પરિબળોનો ઉલ્લેખ હાલના વિશ્વદર્શનના નમૂના દાખલ કર્યો તે મે ૨૦૧૪ના જનાદેશ સાથે કદાચ સવિશેષ જ સમજાવા લાગ્યા છે. કથિત સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ ‘ધ અધર’ને હાંસિયામાં મૂકે છે તો નવી આર્થિક નીતિની પ્રક્રિયામાં સમુદાયોના સમુદાયો વિકાસનો ભોગ બની હાંસિયામાં મુકાય છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુતાનો જે નવયુગી સ્વરાજસાદ તે પેલા બીજા સ્વરાજ પછી ઊલટાનો પાછો તો નથી પડતો ને, એવી આશંકા અસ્થાને નથી.

હમણાં સન બયાલીસની પંચોતેરી લગભગ વણઊજવી ગઈ. એની પચીસી અને પચાસી વખતે થયાં હતાં એવાં વિમર્શ ને મંથન આ વખતે લગભગ ન-જેવાં વરતાયાં. વડાપ્રધાન નમોએ ‘મન કી બાત’માં એની ચર્ચા જરૂર કરી. પણ એમને સારુ એ આખો કિસ્સો તંગ દોર પરની નટચાલ(કે મુખચાલ)નો હતો, કેમ કે તેઓ જે પક્ષપરિવાર અને વિચારધારાની પેદાશ છે એને અને ૧૯૪૨નાં મૂલ્યો, પ્રક્રિયા કે સંઘર્ષને કશો જ સીધો સંબંધ નથી. બલકે, વ્યક્તિગત અને અપવાદો તો વ્યાખ્યાગત રીતે જ નિયમસિદ્ધકર હોય) બાદ કરતાં એક સમૂહ તરીકે સંઘે તે વખતે પરહેજ કરી હતી. જેમ ત્યારના સામ્યવાદી પક્ષને (સીપીઆઈ-સીપીએમ બંનેને) ટોણાની જેમ પૂછવામાં આવે છે કે તમે ક્યાં હતા, એ જ હાલત આ કથિત રાષ્ટ્રદ્રોહીઓ સામે આ કથિત રાષ્ટ્રવાદીઓની પણ છે. સ્વરાજ એટલે સૌનું, રિપીટ, સૌનું સ્વરાજ એ ગાંધીનેહરુપટેલ ભૂમિકાથી હિંદુ મહાસભા, સંઘ અને મુસ્લિમ લીગ પોતપોતાની રીતે સલામત અંતરે અગર સામે હતાં. ૧૯૪૨ સાથે નેતૃત્વની જે નવી હરોળ ઊભરી – જેપી, લોહિયા, અચ્યુત પટવર્ધન આદિ – તે રાષ્ટ્રીય પ્લેટફોર્મ અંતર્ગત સમાજવાદી આંદોલનને વરેલી હતી. રાષ્ટ્રવાદમાં કોઈ વર્ગ કે વર્ણવિશેષની નહીં પણ આર્થિક – સામાજિક ન્યાયની ભૂમિકા એમને ઇષ્ટ હતી. લોકસભામાં અધ્યક્ષ સુમિત્રા મહાજને જે પ્રસંગોચિત નિવેદન સમગ્ર રાહ સમક્ષ મૂક્યું એ સંધ પરિવારમાં ભાગ્યે જ સ્વીકાર્ય કે ગ્રાહ્ય હશે.

એક લાંબા કાળ લગી મુખ્યત્વે કૉંગ્રેસની ટીકા કરવાની (વ્યક્તિગત ઉલ્લેખ બદલ ક્ષમાપ્રાર્થના સહ ઉમેરુ તો જેલ વહોરવા લગીની) નિયતિ આ લખનારની રહી છે. અલબત્ત, ખુશીનો જે સોદો, એની ફરિયાદ તો શું હોય. પણ એક વિગત તરીકે તે દર્જ કરવી જરૂરી છે તે એટલું ઘૂંટવા સારું કે કૉંગ્રેસ સામેનાં ટીકાસ્ત્ર જે વિશ્વદર્શનમાંથી છૂટ્યાં હતાં તે જ ધોરણે ભાજપ સામે છૂટી રહ્યાં છે. કૉંગ્રેસની ટીકા મને ભાજપભિલ્લુ નથી બનાવતી તો ભાજપની ટીકા મને કૉંગ્રેસભિલ્લુ નથી બનાવતી. સ્વરાજસૈનિકે વ્યામોહને વશ વર્ત્યા વિના જે સમજાય તે કહેતા અને કરતા રહેવું એ એક સાદા નિયમને વશ વર્તવા મથતા તંત્રી તરીકે બીજું કરી પણ શું શકું. વડાપ્રધાને ૧૯૪૨ અને ૧૯૪૭ વચ્ચેના ગાળાને અનુક્રમે સંકલ્પ અને સિદ્ધિ પર્વ તરીકે ઓળખાવ્યો, અને ૨૦૧૭-૨૦૨૨ને એની સમાંતરે મૂકી આપ્યા. પણ વિકાસ અને કોમી ફસલનાં એમનાં પૅકેજિંગ જોતાં આપણે સારુ નાગરિક છેડેથી કથિત સંકલ્પ અને સૂચિત સિદ્ધિ તળેઉપર તપાસવાં રહે, કેમ કે આખરે તો જેવી પ્રજાજાગૃતિ તેવી સરકાર.

ઑગસ્ટ ૧૧, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 01, 02 & 15 

Loading

જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ

વિશાલ શાહ|Opinion - Opinion|24 August 2017

વર્ષ ૧૯૮૧માં ઝિયા ઉલ હકના જુલમી શાસનનો વિરોધ કરવા લાહોરમાં યોજાયેલી

એક રેલીમાં પાકિસ્તાની સેનાના જવાનોએ જાલિબને ધક્કે ચઢાવ્યા અને માર માર્યો એ ક્ષણ.

અયુબ ખાન જાલિબને વારંવાર જેલમાં ધકેલી દેતા પણ જાલિબ વધુ દૃઢ મનોબળ લઈને જેલમાંથી બહાર આવતા. ફક્ત સરકાર વિરોધી કવિતાઓ લખવાના કારણે ૬૪ વર્ષની જિંદગીમાંથી ત્રીસેક વર્ષ જાલિબે જેલમાં વીતાવવા પડયા હતા. સરમુખત્યારો જાલિબની કવિતાઓથી એટલા ડરતા હતા કે, જેલમાં તેમને કાગળ-પેન ના પહોંચી જાય તેનું પણ ધ્યાન રાખતા. એકવાર જાલિબને જેલમાં લખતા રોકવા જાતભાતના હથકંડા અજમાવાય તો તેમણે કહ્યું કે, તમે મને કાગળ-પેન નહીં આપો તો કંઈ નહીં. હું તમારી જેલનું રક્ષણ કરતા પહેરેદારોને મારી કવિતા સંભળાવીશ. એ લોકો ચાર રસ્તે જઈને મારી કવિતાઓ ગાશે અને પછી એ શબ્દો લાહોર પહોંચી જશે.  

એકવાર જાલિબે અયુબ ખાનની સાથે સાથે પાકિસ્તાનની પ્રજાની પણ મજાક ઉડાવી હતી. કેવી રીતે? વિખ્યાત નજમ 'મુશીર' લખીને. આ નજમની શરૂઆત જુઓ.

મૈને ઉસસે યે કહા
યે જો દસ કરોડ હૈ, જૈહલ કા નિચોડ હૈ
ઈનકી ફિક્ર સો ગઈ, હર ઉમ્મીદ કિ કિરન
જુલ્મતો મેં ખો ગઈ, યે ખબર દુરસ્ત હૈ
ઈનકી મૌત હો ગઈ, બે શઉર લોગ હૈ
જિંદગી કા રોગ હૈ, ઔર તેરે પાસ હૈ
ઉનકે દર્દ કી દવા …

જાલિબ અયુબ ખાનને સંબોધીને કહે છે કે, આ દસ કરોડ (પાકિસ્તાનની વસતી) લોકો અવગણનાઓનો નિચોડ છે. તેમની ચિંતાઓ, સપનાં અંધકારમાં ખોવાઈ ગયા છે. આ સાચા સમાચાર છે. આ બધી જીવતી લાશો છે, મગજ વિનાના લોકો છે. આ લોકોનું જીવન જ રોગ છે. ફક્ત તારી પાસે આ લોકોના દર્દની દવા છે …

જાલિબ લોકપ્રિય હતા એ બરાબર, પણ સાચા સર્જક-વિચારકના નસીબમાં હંમેશાં સામા પાણીએ તરવાનું હોય છે. આપણે દરેક કાળમાં જોયું છે કે, સત્યવાદીને રાજાનો તો ઠીક, પ્રજાનો સાથ ના હોય એવું પણ બને! સામાન્ય માણસો હંમેશાં સરકારના પ્રોપેગેન્ડાનો શિકાર થઈ જાય છે અને ક્રાંતિની મશાલ લઈને નીકળનારા સર્જકો બદનામ થઈ જતા હોય છે. આ પ્રકારના દુ:ખમાંથી 'મુશીર' જન્મી હતી. આ નજમના આગળના શબ્દો વાંચો.

મૈને ઉસસે યે કહા
તુ ખુદા કા નૂર હૈ, અકલ કે શઉર હૈ
કૌમ તેરે સાથ હૈ, તેરે હી વજુદ સે,
મુલ્ક કી નજાત હૈ, તુ હૈ મેહરે સુબ્હે નૌ
તેરે બાદ રાત હૈ, બોલતે જો ચંદ હૈ
સબ યે શર પસંદ હૈ, ઈનકી ખીંચ લે જબાં, ઈનકા ઘોંટ દે ગલા …

આ કડીમાં જાલિબ અયુબ ખાન અને પાકિસ્તાનની પ્રજાને એકસાથે આડે હાથ લીધી છે. દુર્જનોની સક્રિયતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ખતરનાક સાબિત થતી હોય છે. આ વાત જાલિબ જબરદસ્ત રીતે રજૂ કરે છે. અયુબ ખાનને સંબોધીને જાલિબ કહે છે કે, તું જ ઈશ્વરનું કિરણ છું. ડહાપણ અને જ્ઞાનની મૂર્તિ છું. દેશની પ્રજા તારી સાથે છે. હવે ફક્ત તારી કૃપાથી જ આ દેશ બચી શકશે. તું જ નવી સવારનું કિરણ છું. તારા પછી અંધકાર જ છે. જે લોકો ઓછું બોલે છે. એ બધા જ ઘાતક ઉપદ્રવીઓ છે. એ લોકોની જીભ ખેંચી લે. ગળું ઘોંટી દે …

આમ, જાલિબ હિંસાનું કામ અયુબ ખાનને સોંપીને તેમના પર પણ વ્યંગ કરે છે. વિચાર અને વ્યંગની ફટકાબાજીમાં જાલિબે મહારત હતી. જાલિબના મિત્ર અને ઉર્દૂના મશહૂર શાયર હાફિઝ જલંધરી અયુબ ખાનના સલાહકાર હતા. જલંધરી સાહેબ એટલે પાકિસ્તાનના રાષ્ટ્રગીતના રચિયતા. પાકિસ્તાનમાં તેમના માનપાન પણ વધારે. એકવાર તેમણે જાલિબને આડકતરી રીતે ફરિયાદ કરી કે, '… આજકાલ તો હું અયુબ ખાનના સલાહકાર તરીકે કામ કરું છું. બહુ કામ રહે છે. રાત્રે ત્રણ વાગે પણ ફોન કરીને જગાડે છે …'

જલંધરી સાહેબ ઉત્તમ સર્જક ખરા, પરંતુ તેમનામાં જાલિબ જેવી નિસબત અને હિંમત ન હતી. આ વાત સાંભળીને જાલિબ 'મુશીર'ની પાછળની કડીઓમાં અયુબ ખાન અને જલંધરી પર પણ ફટકાબાજી કરે છે. વાંચો.

મૈને ઉસસે યે કહા
જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ
ચૈન હૈ સમાજ મેં, બે-મિસાલ ફર્ક હૈ
કલ મેં ઓર આજ મેં અપને ખર્ચ પે હૈ કેદ
લોગ તેરે રાજ મેં, આદમી હૈ વો બડા
દર પે જો રહે પડા, જો પનાહ માંગ લે, ઉસકી બક્ષ દે ખતા …

જાલિબ ઓછા શબ્દોમાં બહુ મોટી વાત કરી દે છે. જાલિબ અયુબ ખાનને સંબોધીને જલંધરી પર ઈશારો કરતા કહે છે કે, જેમને પોતાની વાકપટુતા પર ગર્વ હતો, એવા તોછડા લોકોની જીભ શાંત છે. સમાજમાં શાંતિ છે, પણ કાલની અને આજની શાંતિના ઉદાહરણોમાં ફર્ક છે. તારા રાજમાં કેટલાક લોકો પોતાના ખર્ચા-પાણીના ગુલામ છે. એ પણ મોટા માણસ જ છે, જે તારા દરવાજે પડ્યા રહે છે. જે તારા શરણે આવી જાય, તેમની ભૂલોને તું માફ કરી દેજે …

હાફિઝ જલંધરી રાષ્ટૃગીતના રચયિતા હોવાના કારણે પાકિસ્તાનીઓને યાદ છે, પરંતુ જાલિબની કવિતાઓ પાકિસ્તાનના 'લાલ બેન્ડ'ના યુવાન રોકસ્ટાર ગાઈ રહ્યા છે. જાલિબના શબ્દોનો ખૌફ હજુયે એવો છે. આ બેન્ડ પર પણ અવારનવાર પ્રતિબંધ મૂકાય છે, તેમનું ફેસબુક પેજ બ્લોક કરાય છે અને જાહેર ચર્ચામાં ભાગ લેતા રોકાય છે. તેમનો વાંક એટલો જ છે કે, તેઓ પ્રોગ્રેસિવ છે. લાલ બેન્ડ જાલિબ અને ફૈઝ અહેમદ ફૈઝના ક્રાંતિકારી શબ્દોને સંગીતમાં મઢીને ઘરે ઘરે પહોંચાડીને ચર્ચા જગાવે છે કે, રાજકારણમાં લશ્કરની દખલગીરી ના હોવી જોઈએ, સ્ત્રીઓને પણ પુરુષો જેટલા જ હક હોવા જોઈએ વગેરે. જાલિબ ખરા અર્થમાં જીવે છે, જ્યારે જલંધરી અપ્રસ્તુત છે.

અયુબ ખાને વિરોધને પગલે ૧૯૬૫માં ચૂંટણીઓ યોજવી પડી હતી, જેમાં જાલિબ ફાતિમા ઝીણાની તરફેણમાં હતા. જાલિબ જાણતા હતા કે, ચૂંટણી ફક્ત નામની છે, જીત તો અયુબ ખાનની જ થશે. અયુબ ખાને અમેરિકાને સોવિયેત યુનિયન સામે લડવા પાકિસ્તાનમાં એરબેઝ ઊભા કરવાની મંજૂરી આપી હતી. આ રીતે અયુબ ખાને અમેરિકાને પણ પટાવી લીધું અને પાકિસ્તાની સેનાના હિંસાચારની વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભો થયેલો અવાજ પણ ધીમો પાડી દીધો. આ દરમિયાન અયુબ ખાને ફાતિમા ઝીણાની વિરુદ્ધમાં જડસુ માનસિકતા ધરાવતા પુરુષો અને મૌલાનાઓને ઊભા કર્યા. આ પુરુષો જાહેરમાં મૌલાનાઓને સવાલ કરતા કે, એક ઔરત દેશની હુકુમત ચલાવી શકે? આવા સવાલોના જડસુ જવાબો સાંભળીને જાલિબે મૌલાનાઓ પર પ્રહાર કરતી 'મૌલાના' નામની કવિતા લખી.

હકીકત ક્યાં હૈ આપ જાને ઔર ખુદા જાને
સુના હૈ જિમી કાર્ટર આપકા હૈ પીર મૌલાના
જમીનેં હો વડેરો કી, મશીને હો લૂટેરો કી
ખુદાને લિખ કે દી હૈ આપકો તહરીર મૌલાના.

જાલિબ જિમી કાર્ટરને મૌલાનાઓના પીર ગણાવે છે અને પછી કહે છે કે, મૌલાનાઓ પાસે જમીનો વડવાઓની છે, લૂંટારુઓના હથિયાર છે. ખુદાએ તમને મિલકતો લખીને આપી દીધી છે … આજે ય પાકિસ્તાનમાં ઈશ નિંદા કરનારાને સીધી ફાંસી થાય છે, જ્યારે જાલિબે અયુબ ખાનના પાકિસ્તાનમાં આ શબ્દો લખ્યા હતા. 'મુસલમાનો પર ખતરો છે' એવો પ્રચાર કરીને હિંસાને પ્રોત્સાહન આપતા લોકો સામે પણ જાલિબે 'ઈસ્લામ ખતરે મેં' નામની નજમ લખી હતી.

ખતરા હૈ દરબારો કો, શાહો કે ગમખારો કો, નવાબો ગદ્દારો કો
ખતરે મેં ઈસ્લામ નહીં

જાલિબ કહે છે કે, હવે પાકિસ્તાનમાં ઈસ્લામ નહીં પણ દરબારીઓ, રાજાઓના હમદર્દો અને નવાબો સાથે ગદ્દારી કરે એ લોકો પર ખતરો છે. જાલિબને સપ્ટેમ્બર ૧૯૭૮થી ઓગસ્ટ ૧૯૮૮ વચ્ચે ઝિયા ઉલ હકના શાસનમાં સૌથી વધારે અત્યાચાર સહન કરવો પડ્યો. કટ્ટર ઈસ્લામિક રાજના તરફદાર એવા ઝિયાનું શાસન બૌદ્ધિકો માટે ગૂંગળાવનારું હતું. ઝિયાએ જાલિબને દસ વર્ષ જેલમાં ધકેલી દીધા હતા. એ ગાળામાં જાલિબે એક 'માસ્ટરપીસ'નું સર્જન કર્યું.

ઝુલ્મત કો ઝિયા, સર સર કો સબા, બંદે કો ખુદા ક્યાં લિખના
પત્થર કો ગુહર, દીવાર કો દર, કર્ગસ કો હુમા ક્યાં લિખના
ઈક હશ્ર બપા હૈ ઘર ઘર મૈં, દમ ઘુંટતા હૈ ગુમ્બદ-એ-બે-દર મૈં
ઈક શખ્સ કે હાથોં મેં મુદ્દત સે રુસ્વા હૈ વતન દુનિયા ભર મૈં
એ દીદા-વરો ઈસ જિલ્લત કો કિસ્મત કા લિખા ક્યાં લિખના
ઝુલ્મત કો ઝિયા …

જાલિબની કલમમાંથી આ શબ્દો કેમ નીતર્યા હતા એ સમજીએ. ઝિયાના શાસનમાં પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ આતંકી સંગઠનોને જબરદસ્ત પ્રોત્સાહન અપાતું. પાકિસ્તાનની ગલીએ ગલીએ કાલાશ્નિકોવ કલ્ચર અને ડ્રગ માફિયાનું રાજ ચરમસીમાએ પહોંચી ગયું હતું. ઘર ઘરમાં યુવા પેઢીની બરબાદી થઈ ગઈ હતી અને છતાં ઝિયા ઈચ્છતા હતા કે, સાહિત્યકારો સરકારના વખાણ કરે. આ સ્થિતિને બયાં કરવા જાલિબ શબ્દોની સુંદર કરામત કરે છે. 'ઝિયા' શબ્દનો અર્થ પ્રકાશનું કિરણ, તેજસ્વિતા એવો થાય. એટલે જાલિબ ‘ઝુલ્મત કો ઝિયા’ નજમમાં પહેલી જ લીટીથી ઝિયા પર શાબ્દિક ફટકાબાજી કરે છે. વાંચો.

જુલ્મની રાતને હું પ્રકાશનું કિરણ (ઝિયા) કેવી રીતે કહું?
ઝેરી ધુમાડાને સવારની તાજી હવા કેવી રીતે કહું?
હું શેતાનને ભગવાન કેવી રીતે કહું?
પથ્થરને રત્ન, દીવાલને દરવાજો અને ગીધડાંને એક સુંદર પક્ષી કેવી રીતે કહું?
ઘરે ઘરે આફત આવી છે, દીવાલો વિનાના ગુંબજમાં પણ ગૂંગળામણ થાય છે
એક માણસના કારણે મારું વતન દુનિયાભરમાં બદનામ છે
હે ચક્ષુઓ, આ અપમાનને હું નસીબની બલિહારી કેવી રીતે કહું?

***

લાલ બેન્ડના કારણે આજે ય આ પાકિસ્તાની યુવાનોમાં લોકપ્રિય છે. અખંડ ભારતમાં પંજાબના હોશિયાપુરમાં ૨૪મી માર્ચ, ૧૯૨૮ના રોજ હબીબ જાલિબનો જન્મ થયો હતો, પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જાલિબનો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો. તેમના પિતા પણ  પંજાબી ભાષામાં લખતા કવિ, શાયર હતા. જાલિબને પિતા પાસેથી શાયરના મિજાજ અને ડાબેરી કર્મશીલો પાસેથી ક્રાંતિકારી વિચારો મળ્યા.

જાલિબે  'ડેઈલી ઈમરોઝ' નામના અખબારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ યુવાકાળથી જ પ્રગતિશીલ ડાબેરી લેખક સંગઠનના સભ્ય હતા. ડાબેરી વિચારોના પ્રભાવના કારણે જાલિબ જીવનભર અમેરિકાની નીતિઓ અને મૂડીવાદને વખોડતા રહ્યા. એશિયાઈ દેશો અમેરિકાને સાથે આપી અંદરોદર ઝઘડતા ત્યારે જાલિબે 'કામ ચલે અમેરિકા કા' નજમ લખી.

નામ ચલે હરનામદાસ કા, કામ ચલે અમેરિકા કા
મૂરખ ઈસ કોશિષ મેં હૈ, સૂરજ ન ઢલે અમેરિકા કા
નિર્ધન કિ આંખો મેં આંસુ આજ ભી હૈ ઓર કલ ભી થે
બિરલા કે ઘર દીવાલી હૈ, તેલ જલે અમેરિકા કા …

અહીં બિરલા એક પ્રતીક માત્ર છે. જાલિબે 'સરકારી કવિઓ' સાથે પણ અંગત દ્વેષ-વેર નહોતું રાખ્યું. ભારત પ્રત્યે પણ તેમને ઊંડો લગાવ હતો. દુ:ખદર્દના દિવસોમાં શક્તિ મેળવવા જાલિબ લતા મંગેશકરને સાંભળતા. જાલિબે તેમની પ્રશંસા કરતી એક કવિતા પણ લખી હતી.   

ક્યાં ક્યાં તુને ગીત હૈ ગાયે, સુર જબ લાગે મન ઝુક જાયે
તુજકો સુનકર જી ઉઠતે હૈ, હમ જૈસે દુ:ખ દર્દ કે મારે
તેરે મધુર ગીતો કે સહારે, બીતે હૈ દિન-રૈન હમારે …

***

આખરે ૧૨મી માર્ચ, ૧૯૯૩ના રોજ, ૬૪ વર્ષની વયે, જાલિબનું મૃત્યુ થયું અને પાકિસ્તાનના રૂઢિચુસ્ત શાસકો, લશ્કરી અધિકારીઓ અને મૌલાનાઓએ હાશકારો અનુભવ્યો. જો કે, જાલિબના શબ્દો તો હજુયે પ્રસ્તુત છે. જૂન ૨૦૦૧થી ઓગસ્ટ ૨૦૦૮ દરમિયાન જનરલ મુશર્રફના શાસનનો વિરોધ કરવા કરાચી, લાહોર, ઈસ્લામાબાદ અને પંજાબના પ્રગતિશીલ મુસ્લિમોને જાલિબની કવિતાઓમાંથી શક્તિ મેળવી હતી. ૨૩મી માર્ચ, ૨૦૦૯ના રોજ આસિફ અલી ઝરદારી સરકારે જાલિબને પાકિસ્તાનના સર્વોચ્ચ પુરસ્કાર 'નિશાન-એ-ઈમ્તિયાઝ' (મરણોત્તર)થી નવાજ્યા હતા.

જ્યારે પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટાય, સરકાર હિંસા-દ્વેષને પ્રોત્સાહન આપે, ગરીબના આંસુની કોઈને પડી ના હોય અને મૂડીવાદીઓનું પેટ વધુને વધુ મોટું થયા કરે ત્યારે સમજવું કે જાલિબ હજુયે પ્રસ્તુત છે.

આશા રાખીએ, જાલિબ જેવા કવિઓ ઝડપથી અપ્રસ્તુત થાય!

(પૂર્ણ)

—–

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2017/08/blog-post_24.html

Loading

‘નર્મદા વૅલીમાં સંહારની તૈયારી કરી રહેલી રાજ્યસત્તા’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|24 August 2017

સરદાર સરોવરના વિસ્થપિતોનાં સંપૂર્ણ પુનર્વસનની માગણી સાથે મેધા પાટકર અને તેમનાં દસેક સાથીદારો સત્ત્યાવીસ જુલાઈથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચિખલ્દા ગામમાં અચોક્કસ મુદતના ઉપવાસ પર હતાં. મેધાબહેનની તબિયત લથડતાં પોલીસે સાતમી ઑગસ્ટના સોમવારે તેમને બળપૂર્વક ઇન્દોરની હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમની સાથે ઉપવાસમાં જેમની તબિયત લથડી તે સાથીદારો પણ હતાં. મેધાબહેનને હૉસ્પિટલમાં બળપૂર્વક લઈ જવાનાં પગલાનો વિરોધ કરનારા નર્મદા બચાઓ આંદોલનના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીમાર પણ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓને ઇજા પહોંચી હતી. હૉસ્પિટલમાં મેધાબહેનને સારવારને નામે નજરકેદમાં રાખીને સંપર્કોથી દૂર રાખવામાં આવ્યા હતાં. નવમી ઑગસ્ટે મોડી બપોરે તેમને હૉસ્પિટલમાંથી છોડ્યાં બાદ તેઓ બડવાની તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની પોલીસે ધરપકડ કરી હતી અને તમને ધાર લઈ ગયાં હતાં. તેમનાં ઉપવાસી સાથીદારો અને ઘાયલ સમર્થકોમાંથી કેટલાંક હૉસ્પિટલમાં છે. મેધાબહેનની ધરપકડનો દેશ અને દુનિયાના કર્મશીલોએ વિરોધ કર્યો હતો. વિશ્વવિખ્યાત બળવાખોર અમેરિકન બૌદ્ધિક નોમ ચોમસ્કીએ પણ પહેલી ઑગસ્ટ નર્મદા બચાઓ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. એ પણ નોંધવું જરૂરી છે કે મેધાબહેનની સાથે સેંકડો લોકો વિરોધ કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠાં છે અને પોલીસનો જુલમ-જાપ્તો સહન કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે મેધાબહેન ધારની જેલમાં છે, સરકાર તેમની પર વધુ મુશ્કેલ કલમો લગાવવાની ફિરાકમાં છે અને આંદોલનના ટેકેદારો મોટી સંખ્યામાં ગિરફતારીનો વિરોધ કરી રહ્યા છે.

સાતમી ઑગસ્ટે નૅશનલ અલાયન્સ ફૉર પીપલ્સ મૂવમેન્ટસ (એન.એ.પી.એમ.) અને ભૂમિ અધિકાર આંદોલન સંગઠનોએ દિલ્હીમાં સંયુક્ત રીતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેનો હેતુ નર્મદા વૅલી અને પુનર્વસન સ્થળો પર ચાલીસ હજારથી વધુ પરિવારોના પુનર્વસનની પરિસ્થિતિ  અંગે મધ્ય પ્રદેશની સરકારના જૂઠાણાંનો પર્દાફાશ કરવાનો હતો. તે પત્રકાર પરિષદનો સાર ક્રૅકટિવિઝમ, ગણશક્તિ અને ઇન્ડિયા રેઝિસ્ટ્સ નામનાં  પોર્ટલ્સ પર નવમી ઑગસ્ટે મૂકાયો છે. તેમાં જણાવ્યા મુજબ  પત્રકારો સાથે વાત કરનાર નિષ્ણાતો હતાં : ઑલ ઇન્ડિયા કિસાન સભાના મહામંત્રી અને પૂર્વ સાંસદ હન્નન મોલ્લાહ (Hannan Mollah), ભારત જ્ઞાનવિજ્ઞાન જાથાના પર્યાવરણ અને ઊર્જા નિષ્ણાત સૌમ્યા દત્તા (Soumya Dutta) અને નૅશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વિમેનના મહામંત્રી ઍની રાજા (Annie Raja). 

આ નિષ્ણાત કર્મશીલોએ જણાવ્યું કે મધ્ય પ્રદેશની સરકાર નર્મદા વૅલીમાં અત્યારના સમયના  એક રાજ્યસંચાલિત માનવસંહારની તૈયારીમાં આગળ વધી રહી છે. નર્મદા બંધના દરવાજા બંધ કર્યા બાદ સરદાર સરોવર જળાશયના પાણીની સપાટી વરસાદને કારણે વધી રહી છે. નિમાડ પંથકમાં આવેલું ધર્મપુરી નામનું નગર અને ૧૯૧ જેટલાં ગામ ડૂબમાં જવાનાં છે. આ ગામોમાંથી  કેટલાંક પૂરેપૂરાં ડૂબવાનાં છે અને કેટલાંકનો મોટો હિસ્સો પાણીમાં જવાનો છે. નર્મદા બચાઓ આંદોલનના અંદાજ મુજબ આ ગામોમાં અત્યારે રહેતાં ચાલીસ હજાર જેટલા પરિવારોને હજુ પણ પુનર્વસનના હકો બિલકુલ અપાયા નથી, અથવા આંશિક જ અપાયા છે. જો કે સરકારના ખૂબ નીચા અંદાજ મુજબ અઢાર હજારથી વધુ પરિવારોનું પુનર્વસન હજુ બાકી છે.

મંદિરો, મસ્જિદો અને આદિવાસીઓનાં પૂજાસ્થાનો થઈને સેંકડો ધાર્મિક સ્થળો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, હજારો દુકાનો, નાના-મોટા ધંધા-રોજગારનીની જગ્યાઓ, ફળ અને શાકભાજીની માવજતથી ઊછેરવામાં આવેલી વાડીઓ – એમ બધું જ ડૂબી જશે. સરકારી સમયપત્રક પ્રમાણે મોડામાં મોડું ઑક્ટોબરના પહેલા અથવા બીજા અઠવાડિયામાં આ થશે. કેટલાંક ગામોમાં પ્રાગૈતિહાસિક માનવવસવાટના નોંધપાત્ર પુરાતત્વીય પૂરાવા મળ્યા છે. કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સમૂદાયોએ નર્મદા વૅલીને પ્રાચીન કાળથી અત્યાર સુધીના કાળમાં કુદરતી ઉત્પાદનોના ખજાના સમી બનાવી છે. અને છતાં આજે આપણે આ પાગલપનભરી તારાજી જોઈ રહ્યા છીએ – થોડાક મેગાવૉટ વીજળી માટે, અને મૃગજળ સમી અનિશ્ચિત સિંચાઈ માટે !

મધ્ય પ્રદેશની સરકારે બડવાની જિલ્લામાં નર્મદાકાંઠે આવેલી, મહાત્મા ગાંધીની સમાધિ રાતના અંધારામાં બાંધકામનાં યંત્રો વડે તોડવાનું નિંદનીય કૃત્ય પણ કર્યું છે.

નર્મદા યોજનાને કારણે વિસ્થાપિત થનાર પરિવારોનાં પુનર્વસન અંગે સર્વોચ્ચ અદાલતે ૨૦૦૦ અને ૨૦૦૫નાં વર્ષોમાં બે આદેશ આપ્યા છે. તેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જમીન ગુમાવનાર દરેક અસરગ્રસ્ત પરિવારનું ‘જમીન માટે જમીન’ એવા સિદ્ધાન્ત મુજબ પુનર્વસન થવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે સરકારે આ પુનર્વસન વિસ્થાપનનાં છ મહિના પહેલાં, વિકાસ માટેના ઓછામાં ઓછા સત્તર નિયત  માપદંડો અનુસાર પૂરેપૂરા વિકસિત હોય તેવા વિસ્તારમાં ઘર માટેના પ્લૉટ આપીને કરવાનું છે. જેમની જમીન ગઈ નથી પણ આજીવિકા ગઈ છે તેવા અન્ય વિસ્થાપિતોનું પુનર્વસન આજીવિકાને થયેલા નુકસાનની ભરપાઈની રીતે કરવાનું છે. આ બધી બાબતો નર્મદા વૉટર ડિસ્પ્યુટસ ટ્રિબ્યુનલે તેના ૧૯૭૯ના આદેશમાં પણ જણાવી છે.

મધ્ય પ્રદેશની અને કેન્દ્રની સરકારે આ પૂર્વે સર્વોચ્ચ અદાલત સમક્ષ  ફરી ને ફરી જુઠાણું ચલાવ્યું છે કે પુનર્વસન અત્યારે ‘ઝીરો બૅલન્સ’ની સ્થિતિમાં છે, એટલે કે જે કોઈનું પુનર્વસન કરવું જરૂરી હતું તે દરેકનું પુનર્વસન થઈ ચૂક્યું છે. નર્મદા કન્ટ્રોલ ઑથોરિટીએ સામજિક ન્યાય મંત્રાલયની રિલીફ ઍન્ડ રિહૅબિલિટેશન માટેની પેટા સમિતિના તદ્દન નવા અહેવાલને આધારે બંધના સત્તર મીટર ઊંચા દરવાજા બંધ કરવાની અને તેના અનુસંધાને બંધની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર વધારવાની મંજૂરી આપી. આ નિર્ણય દ્વારા પણ પુનર્વસન પૂરું થઈ ગયું છે અથવા લગભગ થવામાં  છે એવો દાવો જાણે સાચો સાબિત કરવામાં આવ્યો!

સત્ત્યાવીસમી જૂને રીલિફ ઍન્ડ રિહૅબિલિટેશનની પેટા સમિતિના, હોદ્દાની રુએ વડા એવા કેન્દ્રના સમાજ કલ્યાણ મંત્રાલયના સચીવે એમ સ્વીકાર્યું કે ‘તેઓ જાણે છે’ કે ડૂબમાં જનારાં ગામોમાં હજુ પણ અઢાર હજારથી વધુ પરિવારો એવા છે કે જેમનું પુનર્વસન કરવું જરૂરી હોય. હજારો તોતિંગ વૃક્ષો પણ આ ગામોમાં ઊભાં છે, અને એ ન હોવા અંગેનો સરકારનો દાવો પણ જૂઠો છે. નર્મદા બચાઓ આંદોલન સાથે જોડાયેલાં ન હોય તેવાં જે અનેક સ્વતંત્ર જૂથોએ નર્મદા યોજનાના અસરગ્રસ્ત ગામોની ગયા ચાર મહિનામાં મુલાકાત લીધી અને  તેમનાં ધ્યાનમાં આવ્યું કે પુનર્વસન અંગે સરકારના દાવા મહદંશે ખોટા છે.

પુનર્વસન માટે નક્કી કરેલી ૮૮ સાઇટ્સમાંથી મોટા ભાગની જગ્યાઓ પર હજુ તો જમીન સમથળ કરવાની બાકી છે. તો પછી પીવાનું પાણી, એ જગ્યાએ પહોંચવાના ધોરી માર્ગો અને આંતરિક રસ્તા, ગટર, વીજળી, શાળા, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓની તો વાત જ ક્યાં રહી!

સર્વોચ્ચ અદાલતનો આઠમી ફેબ્રુઆરીનો આદેશ આ મતલબનો છે : જેમની માલિકીની જમીનના પચીસ ટકા જેટલી જમીન પણ ડૂબમાં જઈ રહી હોય અને જેમણે હજુ સુધી કોઈ વળતર લીધું ન હોય તેમને સરકારે સાઠ લાખ રૂપિયાનું (ખેતીની પાંચ એકર જમીનની એ વિસ્તારમાંની અંદાજિત કિંમતનું) વળતર આપવું. ત્યારબાદ અદાલતે વારંવાર સ્પષ્ટતા કરતા આદેશ આપ્યા છે કે વળતરના હકદારોમાં પુખ્ત વયનાં સંતાનોને અલગ પરિવાર ગણવાનાં છે. પહેલાં જેમણે ૫.૫૮ લાખ રૂપિયાનું નજીવું વળતર લીધું છે, પણ જે અધિકારીઓ અને જમીનના દલાલોની સાંઠગાંઠથી છેતરાયા છે તેમને કુટુંબ દીઠ પંદર લાખ રૂપિયા આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. ઊંચા હોદ્દા પરના સરકારી અધિકારીઓની સંડોવણીથી વિસ્થાપિતોના વળતરમાં મોટાં કૌભાંડો થયાં. આ કૌભાંડોની તપાસ માટે મધ્ય પ્રદેશની વડી અદાલતે ઝા કમિશન નીમ્યું હતું. આ કમિશને ઝીણવટભરી તપાસ કરીને આપેલો અહેવાલ જોવા જેવો છે.

જો કે સર્વોચ્ચ અદાલતના છેલ્લા આદેશમાં એમ ઉલ્લેખ છે કે જો એક વાર ગામના લોકોનું પુનર્વસન થઈ જાય પછી સરકાર તેમના પર બળપ્રયોગ કરીને ગામ ખાલી કરાવી શકે છે. આ આદેશનું ખોટું અર્થઘટન મધ્યપ્રદેશની  સરકાર  કરી રહી છે. આ પુનર્વસન થયું છે એવો દાવો જ વિવાદાસ્પદ છે. પુનર્વસન હજુ ઘણું છેટું છે, ઘણા કિસ્સામાં તો એ નિષ્ઠાપૂર્વક શરૂ પણ થયું નથી. એ કરવાને બદલે મધ્ય પ્રદેશની સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી છે. આ પોલીસ ડરામણી કવાયતો કરે છે, ગામ લોકોને  ગામ ખાલી કરવા માટે ધાકધમકી કરે છે.

ગામ ખાલી કરીને જવાનું ક્યાં? પુનર્વસન માટે નક્કી કરેલી ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પહોંચવા માટે રસ્તા જ નથી. ઘર બાંધવા માટેના પ્લૉટ પણ એવી  ઘણી જગ્યાઓ પર છે કે જ્યાં કાં તો ખડક હોય અથવા ખાડા! ઘણી સાઇટસ પર બ્લૅક કૉટન સૉઇલના મોટા થર છે. આવી જમીન પર ઘરનાં પાયા લેવા એ ખૂબ ખર્ચાળ બાબત છે. કેટલાંક સાઇટસ અને પ્લૉટસ એવા છે કે જેની વચ્ચેથી ચોમાસુ નાળાં પસાર થતાં હોય. ધરમપુરી કસબાની એક આવી જગ્યા પૂરઝડપે વહેતાં પહાડી ઝરણાની બિલકુલ બાજુમાં છે. આ ઝરણું દરેક સારા ચોમાસે આજુબાજુના વિસ્તારમાં નુકસાન કરે છે.

નર્મદા વૅલીમાં ધાકધમકીના ઓથાર હેઠળ જીવી રહેલાં સમૃદ્ધ અને શાંતિપ્રિય ખેડૂતોની સાથે કરવામાં આવેલા અમાનુષ વર્તન-વ્યવહારની કથાઓ અઢળક છે. આ બધાં પછી પણ હકીકત તો એ રહે જ છે કે ગુજરાતનાં જળાશયોમાં પાણી ભરાઈ ચૂક્યાં છે અને કેટલીક કૅનાલોમાં પાણીનું જોર વધવાને કારણે ભંગાણ પડવાથી ગુજરાતમાં પૂરની તીવ્રતા વધી છે.

આમાંથી ફલિત થાય છે કે સરદાર સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય ગુજરાત કે રાજસ્થાનના પાણીપૂરવઠા માટે લેવામાં આવ્યો નથી. પણ એ નિર્ણય ગુજરાતની ચૂંટણીઓ પર પ્રભાવ પાડવા માટેનું એક સાધન ઊભું કરવા માટે લેવામાં આવ્યો છે. નર્મદા વૅલીના લાખો લોકો ડૂબાડનારો આ નિર્ણય સરકારોના નિર્લજ્જ રાજકારણની પેદાશ જ ગણાય.

મેધાબહેને સાતમી ઑગસ્ટે તેમની ધરપકડના થોડાક જ સમય પહેલાં વોઈસ ક્લિપ પર આપેલો સંદેશ આવા વખતે ઉપયુક્ત છે :

આજ મધ્ય પ્રદેશ સરકાર હમારે બારવેં દિન અનશન પર બૈઠે હુએ બારહ સાથીયોંકો માત્ર ગિરફ્તાર કરકે જવાબ દે રહી હૈ. યે કોઈ અહિંસક આંદોલન કા જવાબ નહીં હૈ.

મોદીજી કે રાજમેં શિવરાજજી કે રાજમેં એક ગહરા સંવાદ નહીં હુઆ, જો હુઆ ઉસ પર જવાબ નહીં, આંકડોં કા ખેલ, કાનૂન કા ઉલ્લંઘન ઔર કેવલ બલપ્રયોગ જો આજ પુલીસ લાકર ઔર કલ પાની લાકર કરને કે ઉનકી મંશા હૈ. ઇસકા ઉપયોગ હમ લોગ ઈસ દેશમેં ગાંધી કે સપનોં કી હત્યા માનતે હૈ, બાબાસાહેબ કે સંવિધાન કો ભી ન માનનેવાલે, યે રાજ પર બૈઠે હૈ.

ઔર સમાજોં કે, ગાયોં કે, કિસાનોં કે, મજદૂરોં કે, મછુઆરોં કે (સમાજોં કી) કોઈ પરવાહ નહીં કરતે હૈં. યહ અબ ઇસ બાત સે સ્પષ્ટ હો રહા હૈ. ઉંન્હોંને બંદૂકોં સે હત્યા કી, ઔર યહાં જલહત્યા કરને કી મંશા હૈ, ઇસલિએ હમ ઉનકે બીચ મેં આ રહે હૈ ઐસા ઉનકા માનના હૈ. પહલે અનશન તોડો ઔર ફિર બાત કરો, યહ હમ કૈસે મંજૂર કર સકતે હૈ?

એક બાજુ મુખ્યમંત્રી ખુદ કહ રહે હૈ કી ટ્રિબ્યૂનલ કા ફૈસલા જો કાનૂન હૈ, ઉસકા અમલ પૂરા હો ચૂકા હૈ. દૂસરે બાજુ બોલ રહે હૈ અનશન તોડને કે બાદ ચર્ચા કરેંગે. ઇસકે સાથ જિન મૂદ્દોં (પર ચર્ચા કરની થી) સબ તો રખ ચૂકે હૈ. તો અબ યહ ચોટી પર જાના પડેગા, અહિંસક આંદોલન ઔર જવાબ સમાજને દેના પડેગા. નર્મદા ઘાટી કે લોગોં પર બહુત કહાર મચાને જા રહે હૈ. પ્રકૃતિ સાથે દે રહી હૈ, ગુજરાત પાનીમેં લબાલબ હૈ, યહાં પાની નહીં ભરા હૈ. લેકીન કલ ક્યા હોગા કૌન જાને?

બારહ અગસ્ત કો મોદીજીને અગર ઇસ મુદ્દે પર મહોત્સવ મનાયા ઔર જશ્ન મનાયા વહ ભી સાધુઓં કે સાથે ઔર બારહ મુખ્યમંત્રીયોં કે સાથ, તો ઉનકી સરકાર ઔર પાર્ટી કિસ પ્રકાર કે વિકાસ કો આગે ધકેલના ચાહ રહી હૈ . ઇસ દેશ કે કૌને કૌને મેં સંઘર્ષ પર ઉતરે સાથી કહ રહે હૈ, વહી બાત ફિર અધોરેખિત કરતે હૈ. હમ ઇતના ચાહતે હૈ કી ‘નર્મદાકા હો સહી વિકાસ, સમર્થકોં કી યહી હૈ આસ’ – યહ હમારા નારા કેવલ નર્મદા ઘાટી કે લિએ નહીં, દેશ મેં કોઈ ભી વિસ્થાપન કે આધાર પર વિકાસ માન્ય નહીં કરેં. વિકલ્પ વો હી ચુનેંગેં. યહી હમ ચાહતે હૈ.

૧૦ ઑગસ્ટ ૨૦૧૭

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 04-05

Loading

...102030...3,3033,3043,3053,306...3,3103,3203,330...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved