Opinion Magazine
Number of visits: 9766680
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બસ ઇતના સા સંસાર

આશા બૂચ|Samantar Gujarat - Samantar|12 December 2017

ક્યારેક કોઈ સાવ સામાન્ય લાગતી વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ કઇં કહે કે ગાય અથવા કોઈ કલાનો નમૂનો રજૂ કરે, ત્યારે કોઈ ખાસ કારણ વિના એવો તો હૃદયને સ્પર્શી જાય કે તેના સથવારે વિચારો અને લાગણીઓનાં વમળો ઊઠે તેવું બનતું હોય છે.

આવું જ કઇંક મને અનુભવવા મળેલું. મારાં તો સદ્નસીબ છે કે મોસાળ પક્ષના મોટા ભાગના સભ્યો રચનાત્મક કાર્યો સાથે સંકળાયેલાં, એટલે મને પણ એક એકથી ચડિયાતા અનુભવો થતા આવ્યા, જેણે મારા વિચારો અને લાગણીઓને ઘાટ આપ્યો અને હજુ પણ જીવનને આનંદથી ભરી દે છે. એવી જ એક સંસ્થાની વાત લઈને આવી છું, આજે.

વેડછી પ્રદેશ સેવા સમિતિ – વાલોડ સંચાલિત વનસ્થલી કણજોડ શૈક્ષણિક સંકુલની સ્થાપના 1965માં થઇ. પૂર્ણા નદીના કિનારે આવેલ આ સંકુલમાં ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણનો લાભ ઊંડાણના વિસ્તારના આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓને છેલ્લાં 50 વર્ષથી મળી રહ્યો છે. આ સંસ્થામાં અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓએ ઉચ્ચ પદો સુધી પહોંચીને પ્રગતિ કરી છે અને સંસ્થાનું નામ રોશન કર્યું છે.

મહાત્મા ગાંધીના નઈ તાલીમના સિદ્ધાંતો મુજબ, કાર્યરત આ સંકુલમાં આશ્રમશાળા, કન્યાશાળા અને કુમાર છાત્રાલય, ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય પણ હાલ કાર્યરત છે.

વનસ્થલી કણજોડ શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓ જીવનલક્ષી ભાથું મેળવે તે માટે સફાઈ, ખેતી, રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી, ગીત-સંગીત, રમત-ગમત, કમ્પ્યુટર માટેની તાલીમ અને સીવણ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

આ શિક્ષણ સંસ્થામાં અભ્યાસાર્થે આવતા મોટાભાગના વિદ્યાર્થીઓનાં મા-બાપ ખેતી કરનારાં હોય છે કે મજૂરી કરતાં હોય છે. જો કે કેટલાંક શિક્ષિત હોય અને શિક્ષક તરીકે કામ કરતાં હોય તેવાં પણ છે. કેટલાક બાળકો આગળ ઉપર અભ્યાસ કરીને શિક્ષક, નર્સ કે રિસેપ્શનિસ્ટ બને છે, થોડા એવા વિદ્યાર્થીઓ પણ છે જે આગળ જતાં ડોક્ટર કે મોટા ઓફિસર બને. આમ છતાં એ પણ હકીકત છે કે કેટલાકને તો અભ્યાસ છોડીને ખેડૂત કે મજૂર પણ બની જવાની ફરજ પડતી હોય છે. જે આદિવાસીઓ પોતે ડોક્ટર કે એન્જિિનયર બન્યા છે, ધનવાન છે તેઓ તો પોતાના બાળકોને મોટી ખાનગી શાળામાં મોકલે, આવી ગ્રામશાળાઓમાં નહીં. દૂર ખૂણાનાં ગામડાંઓમાં રહેતા ગરીબ લોકોના સંતાનો આવી ઉત્તર બુનિયાદી શાળાઓમાં આવે.

હું જ્યારે પણ મારાં માસી તરલાબહેન શાહને ઘેર વાલોડ જાઉં, ત્યારે આ શાળાઓમાં જવાની તક ચૂકતી નથી. એકાદ વર્ષ પહેલાં આવી જ એક મુલાકાત દરમ્યાન, મને ચાર પાંચ ગીતો સાંભળવાની લ્હાણ મળી, જેમાનાં નીચેનાં બે ગીતોએ તો મારું મન હરી લીધું છે. તેમાંનું પહેલું આ રહ્યું :-

ઘર મારું ઝળહળતું

મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું
પછી અંધારો ઓરડો ઠેલ્યો, ભીતર મારું ઝળહળતું

મેં તો મેડીએ દીવડો મેલ્યો કે મન મારું ઝળહળતું
પછી ડમરો રેલમછેલ રેલ્યો કે વન મારું ઝળહળતું

મેં તો કૂવા પર દીવડો મેલ્યો કે જળ મારું ઝળહળતું
પછી છાયામાં છાયો સંકેલ્યો અંતર મારું ઝળહળતું

મેં તો ખેતર પર દીવડો મેલ્યો પાદર મારું ઝળહળતું
પછી અવસર અજવાળાનો ખેલ્યો સકળ મારું ઝળહળતું

મેં તો ડુંગર પર દીવડો મેલ્યો ગગન મારું ઝળહળતું
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો ભવન મારું ઝળહળતું

કવિ: દલપત પઢિયાર

આ ગીત ગાઈ રહેલાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ શાળામાં આવીને ખરેખર તેમનાં ઘરના ઉંબર પર દીવડો મુક્યો, અને તેમનાં ઘરના અન્ય ઓરડાઓમાં પણ સમજણ અને જ્ઞાનનું અજવાળું પાથરવાનાં પગરણ માંડયાં એમ ખાતરી થાય. વળી, ઉપર કહ્યું છે તેમ આમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ શહેર ભણી દોડીને કહેવાતા ‘વ્હાઇટ કોલર જોબ’ કરનારા નથી અને પોતાના પરિસરમાં રહીને એ જ ખેતરો, કૂવાઓ, ડુંગરાઓ અને નદી-નાળાંની સંગાથે જીવન વિતાવનારાં છે, અને એટલે જ તો આ ગીતના શબ્દો હૃદય સોંસરવા ઊતરી ગયા. આપણે આશા રાખીએ કે આ આશાવાદી પેઢીએ ડુંગરાઓ પર દીવડો મેલીને ગગનને ઝળહળતું કર્યું, તેને પરિણામે અણદીઠા અક્ષરોરૂપી અડચણો એવી ઉકેલાઈ જાય કે ભવિષ્યમાં તેમનું ભવન; કહોને કે સમગ્ર જીવન ઝળાહળાં થઇ ઊઠે. ધન્ય છે તેના કવિ દલપત પઢિયારને.

પાતળા સોટા જેવા હાથ પગ છતાં મજબૂત બાંધાના ધણી એવા એ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની આંખોમાં કોઈ અનેરી ચમક હોય છે. થોડા શરમાળ લાગે કેમ કે શહેરી ‘સ્ટુડન્ટ્સ’ની માફક અતિ વાચાળ નહીં, તેવો આ વિદ્યાર્થી સમૂહ પોતાની શકિતની અભિવ્યક્તિ માટે થોડું પ્રોત્સાહન માગી લે. બીજાં બે એક ગીતોની પિરસણી બાદ એક બીજી લ્હાણી પણ એ લોકોએ કરી, તે ગીતના શબ્દો અને સૂર હજુ ગુંજતા રહે છે.

બસ ઇતના સા સંસાર

સબસે પહેલે મેરે ઘરકા અંડે જૈસા થા આકાર
તબ મૈં યહી સમજતી થી, બસ ઇતના સા હી હૈ સંસાર

ફિર મેરા ઘર બના ઘોંસલા, સૂખે તિનકોં સે તૈયાર
તબ મૈં યહી સમજતી થી, બસ ઇતના સા હી હૈ સંસાર

ફિર મૈં નિકલ ગઈ શાખોં પર, હરી ભરી થી જો સુકુમાર
તબ મૈં યહી સમજતી થી, બસ ઇતના સા હી હૈ સંસાર

આખિર જબ મૈં આસમાન મેં ઊડી દૂર તક પંખ પસાર
તભી સમજમેં મેરી આયા, બહુત બડા હૈ યહ સંસાર.

(શબ્દ રચના : નિરંકાર દેવ સેવક)

કેટલું અર્થપૂર્ણ છે આ ગીત! ખરેખર જે પ્રજાને ઘરની ચાર દીવાલોની બહાર, અભ્યાસ કરવા કે આજીવિકા રળવા માટેના વ્યવસાય અર્થે, પોતાની ચોખટથી દૂર જવાની તક નથી મળતી હોતી, તેમનો દ્રષ્ટિકોણ કેટલો સાંકડો હોય છે? આ બાળકો જ્યારે ઘરમાં રમતાં હોય છે ત્યારે અન્ય બાળકોની માફક જ પંછીનાં ઈંડા માફક એક સાંકડા જીવનમાં બંધ હોય છે, પણ તે સ્થિતિ લાંબી ટકતી નથી હોતી. એ ઈંડુ ફૂટીને બચ્ચું જરૂર બહાર આવી આસપાસની હવા શ્વાસમાં ભરી લે. ઘરમાંથી શાળામાં જવાના તબક્કાને આ પ્રક્રિયા સાથે સરખાવી શકાય. માધ્યમિક, ઉચ્ચ અને ઉચ્ચતર શિક્ષણની સીડીઓ ચડતાં તો એ પંખીઓ ખરેખર માળામાં માદા કે નર પક્ષીએ લાવી આપેલ ચણરૂપી શાળાના પાઠોમાંથી મળતો ખોરાક લઈને પોતાના સંસારની ક્ષિતિજો વિસ્તૃત કરવા લાગે છે.

જે કુમારો-કુમારીઓ શાળાંત પરીક્ષાઓ પસાર કરી કોલેજમાં પ્રવેશ મેળવવા સદભાગી હોય છે, તેઓ એક વૃક્ષની ઊંચી ડાળ પર બેસીને અનેક પ્રકારના લોકો, વિવિધ તરેહના જીવન પ્રવાહો અને અલગ અલગ પ્રકારના વિચારો ધરાવતા લોકોના સંસર્ગમાં આવીને પોતાપણ વિચારોની ક્ષિતિજો વિસ્તારતા થાય અને જાણે તેમનું વિશ્ચ એટલું વિસ્તરે કે કલ્પનાની પાંખો ફફડવા લાગે અને એવું પણ અનુભવે કે અરે, કાલ સુધી હું જેવડા સંસારમાં રાચતી હતી અને તેમાં જ રચાતી હતી તેનાથી પણ વિશાળ કોઈ જગ્યા હશે શું? અને ખરેખર પોતાનું ગામ કે પ્રાંત છોડવાની તક મળે તેવો વ્યવસાય કરવાનું ભાગ્યમાં લખ્યું હોય તો જાણે સાચ્ચે જ આસમાનમાં ઊડતાં નીચે જે દ્રશ્ય દેખાય તેવી દ્રષ્ટિથી જગતને જોવાની ક્ષમતા સાંપડે છે.

એક ઈંડા માહ્યલું બચ્ચું માત્ર પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા ઝઝૂમે અને તે માટે મા-બાપ પર આધારિત હોય. કુટુંબ અને તેની હૂંફાળી માવજત એ જ તો તેનું વિશ્વ. પછી ઔપચારિક શિક્ષણ મેળવવાના તબક્કા દરમ્યાન એ સમવયસ્ક મિત્રોના સંસર્ગમાં આવે અને શિક્ષકોની આંગળી પકડી પોતાની સર્વ ઇન્દ્રિયો અને શક્તિઓને કેળવીને પોતાની સમજની ત્રિજ્યા મોટી કરી શકે. ઝાડની ડાળ પર બેસતાં – એટલે કે ઉચ્ચતર શિક્ષણ મેળવતાં અથવા કોઈ વ્યવસાયિક તાલીમ લેતાં એ ઊગતાં કિશોર-કિશોરીઓ એક જવાબદાર નાગરિક તરીકે ખીલવા માંડે. તેઓ સ્વ અને પરિવારનાં કુંડાળામાંથી નીકળીને પોતાના લત્તાના અને ગામના લોકોની જરૂરિયાતો, તેમની શક્તિઓ અને તેમની સંગઠિત તાકાતનું મહત્ત્વ સમજવા લાગે છે અને પોતે પણ તેમાં મહત્ત્વનું પ્રદાન કરવા ઘડાતા જાય છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો કદાચ આમ કોઈ લીમડા કે પીપળાની શાખા સુધી જ ઊડી શકે છે. જો તેમને આકાશમાં સ્વૈરવિહાર કરવા જેવી તક મળે તો આ દુનિયામાં કેવા જુદા જુદા ધર્મ અનુસરનારાના, ભાષા બોલનારાના અને પોતાનાથી ભિન્ન સામાજિક, રાજકીય અને આર્થિક વિશેષતાઓ ધરાવનારાઓ પરસ્પર સુમેળથી રહે છે એ સમજી શકે અને તો એવા અનેકવિધ લોકોના પરિચયમાં આવતાં જ તેમની દ્રષ્ટિની કોઈ સીમા નથી રહેતી. યુનાઇટેડ કિંગ્ડમમાં રહેતાં એક વડીલ સન્નારી, કે જેઓએ શાળા કોલેજનું ઉચ્ચ શિક્ષણ નહોતું મેળવ્યું, તેમણે એક સરસ વાત કરી કે ભારત છોડીને ઇંગ્લેન્ડ આવવાથી તો મારી આંખો પાંચ હજાર માઈલ મોટી થઇ ગઈ! તેમનો કહેવાનો મતલબ એ હતો કે તેમનાં વલણો, અન્યને સમજવાની દ્રષ્ટિ, સાંપ્રત પ્રવાહોને માપવાના માપદંડ અને આવડા મોટા જગતમાં પોતાનું શું સ્થાન છે, કર્તવ્ય છે એ સમજવાની રીત જ આખી બદલાઈ ગઈ.

આ નાનકડાં ગીતમાં વ્યક્તિની ઊડાન ભરવાની ક્ષમતા ઉપર તેની ક્ષિતિજો કેટલી વિસ્તરે છે તેનું અનાયાસ અને મધુરું નિરૂપણ થયું છે. વનસ્થલીનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના મુક્ત કંઠે ગવાયેલ ગીતને માણવું હોય તો ત્યાં જવું રહ્યું. 

e.mail : 71abuch@gmail.com

Loading

એના વગર

નવ્યાદર્શ|Poetry|12 December 2017

પ્રેમ શું છે ?
હું નથી જાણતી.
તારા હોવાપણું મારામાં બસ હું અનુભવી શકું છું.
તું દૂર હોય કે પાસે
બસ તને જોયા કરું છું.
તને નહીં ખબર હોય
પણ મારે એક મિત્ર પણ છે
જેની સાથે આ ‘પ્રેમ’ શબ્દ જોડાઈ ગયો હતો
પણ મનમાં તો તું જ ક્યાંક છૂપાયો હતો.
જ્યારે મેં તને કહ્યું
કે તું જ છે એ પ્રેમ
ત્યારે બધું જ જાણે ભુલાઈ ગયું …
બસ એક દિવસ એ મિત્ર સાથે વાત કરતાં કરતાં
મારાથી એને ન કહી શકાયું કે
‘હું તને પ્રેમ કરું છું.’
ત્યારે તેણે મને એટલું જ કહ્યું
‘તું ખૂબ બદલાઈ ગઈ છે.’
પ્રેમ શું છે
એની હજુ પણ મને ખબર નથી.
બસ ચાહ્યા કરું છું
નજરથી, મનથી, હૃદયથી …
એના હૃદયમાં, એના વગર.

Email : navyadarsh67@outlook.com

Loading

સિનેમા અધ્યયનના પિતામહ ગાસ્તોં રોબેર્જ

નિલય ભાવસાર|Opinion - Opinion|12 December 2017

સિનેમા અધ્યયનના પિતામહ તરીકે ઓળખાતા ફાધર ગાસ્તોં રોબેર્જ(GASTON ROBERGE)નો જન્મ કેનેડાનાં મોન્ટ્રીઅલ નામનાં શહેરમાં થયો હતો. ભારતીય સિનેમા (ખાસ કરીને સત્યજીત રાયનું સિનેમા) તેમ જ ભારતીય કળા અને સંસ્કૃિતથી પ્રભાવિત થઈને તેઓ કેનેડાથી ભારતમાં આવીને વસ્યા. સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલીનો તેમના પર જબરદસ્ત પ્રભાવ પડ્યો અને બાદમાં તેમણે કલકત્તામાં ચિત્રાબાની નામની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ પણ શરૂ કરી. ફાધર ગાસ્તોં રોબેર્જનું ચોક્કસપણે એવું માનવું છે કે ફિલ્મ્સમાં શૈક્ષણિક મૂલ્યો હોવાં ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિલ્મ એ એક એવું માધ્યમ છે કે જેનાં થકી સમાજ પ્રભાવિત થાય છે. વર્ષ ૧૯૯૮માં ૪૬માં રાષ્ટ્રીય પુરસ્કાર અંતર્ગત ગાસ્તોં રોબેર્જને તેમનાં પુસ્તક COMMUNICATION CINEMA DEVELOPMENT માટેનો સિનેમા આધારિત શ્રેષ્ઠ પુસ્તકનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ ૧૯૩૫માં કેનેડાનાં એક ફ્રેન્ચ-કેનેડિયન કુટુંબમાં જન્મેલા અને પાદરી રહી ચૂકેલા ફાધર ગાસ્તોં રોબેર્જ વર્ષ ૧૯૬૧માં કલકત્તામાં આવીને વસ્યા. તેઓ જ્યારે કેનેડાથી ભારત આવવા નીકળ્યા હતા, ત્યારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં તેમણે સૌ પ્રથમ ભારતીય ફિલ્મ એવી સત્યજીત રાયની અપૂ ત્રયી નિહાળી હતી. વર્ષ ૧૯૯૯થી કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં માસ કમ્યુિનકેશન અને ફિલ્મ અધ્યયનના પ્રાધ્યાપક તરીકે તેઓ સતત અત્યાર સુધી કાર્યરત રહ્યા છે. ઘણા જાણીતા ફિલ્મમેકર્સ, ફિલ્મ સ્કોલર્સ અને ફિલ્મ વિવેચકો ગાસ્તોં રોબેર્જના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

દેશનાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર કે.જી. દાસ દ્વારા ફાધર ગાસ્તોં રોબેર્જના જીવન અને કાર્ય આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે કે જેનું નામ છે Master Preacher of Film Theory એટલે કે ફિલ્મ સિદ્ધાંતના પારંગત ઉપદેશક. ફાધર ગાસ્તોં રોબેર્જ અત્યાર સુધીમાં સિનેમા વિષય આધારિત કુલ ૧૫ કરતાં પણ વધારે પુસ્તકો લખી ચૂક્યા છે. કલકત્તામાં તેમનાં પ્રયાસથી શરૂ કરવામાં આવેલી ચિત્રાબાની નામની ફિલ્મ સંસ્થા એ માત્ર ફિલ્મ અધ્યયન પૂરતી સીમિત નહિ રહેતાં દેશ-વિદેશની ફિલ્મ્સ અને ફિલ્મ્સ આધારિત પુસ્તકોની આર્કાઈવ પણ છે.

ગાસ્તોં રોબેર્જ એ સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલી વિશે જણાવે છે કે આ ફિલ્મથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો અને આ ફિલ્મમાં પણ એક ચોક્કસ દ્રશ્ય કે જેમાં બહેન દુર્ગા અને તેનો ભાઈ અપૂ છાનીછપની રીતે તેમની કઠોર સ્વભાવની માતાને ખાટું અથાણું ખવડાવે છે. આ દ્રશ્ય જોયાં બાદ મને લાગ્યું કે ફિલ્મના આ દ્રશ્યમાં જેટલો આનંદ આ બે બાળકોને આવે છે તેટલો જ આનંદ ફિલ્મ જોતી વેળાએ પ્રેક્ષકોને પણ આવે છે. ફિલ્મ પાથેર પાંચાલી જોયાં બાદ ગાસ્તોં રોબેર્જને ભારતીય સિનેમા પ્રત્યે એક પ્રકારનો આવેગ, પ્રેમ અને પ્રતિબદ્ધતા કેળવાઈ. તેઓ કહે છે કે સિનેમા એ એક એવો કાલ્પનિક અનુભવ છે કે જેમાં પડદા પર દ્રશ્ય, ધ્વનિ અને સંગીતનું મિશ્રણ જોવા મળે છે તેમ જ તેમાં દ્રશ્ય-શ્રાવ્યનું પ્રક્ષેપણ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

વર્ષ ૨૦૦૭માં પ્રકાશિત થયેલું ગાસ્તોં રોબેર્જનું પુસ્તક To View Movies The Indian Wayમાં ભારતીય સંસ્કૃિતના સંદર્ભમાં ભારતીય ફિલ્મ કેવી રીતે જોવી જોઈએ તે વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ગાસ્તોં રોબેર્જ લખે છે કે ભારતીય ફિલ્મ સમજવા માટે ભરતમુનિ અને તેમનાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો એ એક પૂર્વશરત છે. ગાસ્તોં રોબેર્જના અન્ય એક પુસ્તક Satyajit Ray Essays 1970-2005માં ફિલ્મમેકર સત્યજીત રાયના સમગ્ર કાર્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાથે એક વ્યક્તિ અને કલાકાર તરીકે પણ સત્યજીત રાયની મહાનતાનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્યજીત રાય અને તેમની ફિલ્મ્સ વિશે ગાસ્તોં રોબેર્જ જણાવે છે કે સત્યજીત રાય પર જે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ ભારતીય ગરીબીને પશ્ચિમમાં વેચે છે તે તદ્દન પાયાવિહોણા છે. તેમની ફિલ્મ્સમાં જે ગરીબી જોવા મળે છે તે નહિ પણ તેમની ફિલ્મ્સના પાત્રોમાં જોવા મળતી આધ્યાત્મિક ધનાઢ્યતા અને માનવીયતા મને સ્પર્શી ગઈ છે.

ગાસ્તોં રોબેર્જ ભારતનાં સંદર્ભમાં જણાવે છે કે હું અહીં એક અલગ વિશ્વ જોવા માટે કેનેડાથી આવ્યો હતો, સાથે મારી જાતને જાણવા માટે આવ્યો હતો. હું અહીં રૂપાંતરિત થવા માટે નહોતો આવ્યો પણ હવે હું અહીં આવીને તદ્દન બદલાઈ ગયો છું. હું ભારત આવીને સૌ પ્રથમ સત્યજીત રાયને મળવા માંગતો હતો, પરંતુ આ મુલાકાત પૂર્વે મેં તેમનાં કાર્ય વિશે જાણ્યું અને તેમની મોટાભાગની ફિલ્મ્સ પણ જોઈ અને મારી જાતને એ રીતે તૈયાર કરી કે જો હું સત્યજીત રાયને મળું તો તેમની સાથે યોગ્ય રીતે સંવાદ કરી શકું. અને અમે બંને જ્યારે મળ્યા અને અમારી વચ્ચે જે મિત્રતા કેળવાઈ તે રાયના મૃત્યુ સુધી અઠંગ રહી. બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોરની માફક સત્યજીત રાય પણ વિશાળકાય માનવપ્રતિમા છે.

આ એવી વાત છે કે જો સમગ્ર બંગાળ માણિકદા(સત્યજીત રાયને તેમનાં મિત્રો આ નામથી સંબોધતા હતા)માં હોય તો ધનવાન અને ગરીબ, શક્તિશાળી અને વિનમ્ર, ખેડૂત અને શહેરી યુવાનો, બાળકો, તરુણ, યુવાનો, વૃદ્ધો અને સ્ત્રીઓ આ તમામ ઘટના તમને સત્યજીત રાયનાં કાર્યમાં જોવા મળશે. સત્યજીત રાય સાથેની અંતિમ મુલાકાત વિશે ગાસ્તોં રોબેર્જ નોંધે છે કે અમે બંને મિત્રો જ્યારે છેલ્લી વખત હોસ્પિટલમાં મળ્યા હતા, ત્યારે રાય મરણપથારીએ હતા. તે દિવસે રવિવાર હતો અને હું સવારે નવ વાગ્યે તેમને મળવા માટે પહોચી ગયો હતો. તેમનું શરીર ખૂબ જ નંખાઈ ગયું હતું અને તેઓ એક બાળક જેવું વર્તન કરી રહ્યા હતા. હું ત્યાં વધારે રોકાઈ શક્યો નહિ અને જ્યારે હું ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે રાયે મને કહ્યું કે ભાલો લાગ્લો (ખૂબ જ સુંદર લાગી રહ્યા છો) અને આ તેમના મારા માટેના છેલ્લાં શબ્દો હતા.

રવીન્દ્રનાથ ટાગોર અને સત્યજીત રાય વિશે વાત કરતાં ગાસ્તોં રોબેર્જ કહે છે કે બંગાળમાં ટાગોર ગયા અને રાય આવ્યા. ટાગોરનાં અંતિમ લખાણ પૈકીના એક એવા સંસ્કૃિતની કટોકટીમાં જે વાત રજૂ કરવામાં આવી છે, તે વાત સત્યજીત રાયની અંતિમ ત્રણ બંગાળી ફિલ્મમાં પણ જોવા મળે છે. ટાગોરે આ લેખ બીજા વિશ્વયુદ્ધના પ્રારંભમાં લખ્યો હતો અને તેમાં એ વાત જણાવવામાં આવી હતી કે અત્યારે જે કાંઈ પણ પાપ થઇ રહ્યું છે તેનાથી વ્યક્તિની અંદરનો વિશ્વાસ સમાપ્ત થઇ જશે. વર્ષ ૧૯૭૦માં જ્યારે ગાસ્તોં રોબેર્જ થકી કલકત્તામાં ચિત્રાબાની નામનું ફિલ્મ અધ્યયન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, ત્યારે તેમને સત્યજીત રાયનો ભરપૂર સહયોગ મળ્યો હતો. આ કેન્દ્ર થકી કલકત્તા અને તેની આસપાસનાં સ્થાનિક લોકોને ફિલ્મ માધ્યમ વિશે ઘણું જાણવા મળ્યું. પોતાના લેખન વિશે ગાસ્તોં રોબેર્જ લખે છે કે મને એ વાતનો ખ્યાલ છે કે હું એ જ વિષય જાણું છું કે જે વિષયને હું શબ્દોમાં સમજાવી શકું છું. હું કશુંક શીખવા માટે લખી રહ્યો છું, અને મારું લખાણ માત્ર એટલા માટે પ્રકાશિત કરી રહ્યો છું કે તેના થકી લોકો પણ એ વાત શીખશે કે જે વાત હું સમજ્યો છું.

ગાસ્તોં રોબેર્જનું પ્રથમ પુસ્તક ચિત્રાબાની વર્ષ ૧૯૭૩માં પ્રકાશિત થયું હતું. ભારતીય ફિલ્મ અધ્યયનનાં સંદર્ભમાં આ પુસ્તક ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે આ પુસ્તક પ્રકાશિત થયું તે સમયે સિનેમા માધ્યમને કેવી રીતે સમજવું તે વિષય પર આધારિત અન્ય ભારતીય પુસ્તકો બજારમાં ઉપલબ્ધ નહોતાં. અન્ય પુસ્તકો જે ઉપલબ્ધ હતાં તે વિદેશી ફિલ્મોનાં સંદર્ભમાં લખાયેલાં હતાં. ગાસ્તોં રોબેર્જ તેમનાં પુસ્તકમાં ભારતીય ફિલ્મ્સને ભારતીય સંસ્કૃિતનાં માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ ગાસ્તોં રોબેર્જ, સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલીના સંદર્ભમાં જણાવે છે કે વિદેશી દર્શકોને પાથેર પાંચાલીની ધીમી ગતિ પસંદ છે. અને વિદેશી દર્શકો આ ફિલ્મમાં જીવનને સત્યજીત રાયનાં દ્રષ્ટિકોણથી નિહાળે છે.

અને અંતમાં ગાસ્તોં રોબેર્જના શબ્દોમાં હું માનું છું કે દરેક માનવી કશુંક શોધી રહ્યો છે. જ્યારે હું માનવી તરીકે આ વિશ્વને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ વિશ્વને વધારે યોગ્ય બનાવવા માટેનાં તમામ સાર્થક પ્રયાસ હું કરીશ. હું હંમેશાં લખતો રહીશ અને હંમેશાં શીખતો રહીશ.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,2893,2903,2913,292...3,3003,3103,320...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved