
![]()

![]()
ડાયસ્પોરાને મૂળવિહીન લીલાછમ વૃક્ષનું યાદગાર કલ્પન આપીને વાચકોના મનમાં ડાયસ્પોરાની અવિસ્મરણીય છબી ઊભી કરનાર કેનેડામાં વસતા ભારતીય ડાયસ્પોરિક સાહિત્યકાર, વિવેચક તથા પ્રોફેસર એવાં ઉમા પરમેશ્વરન્ની ચર્ચા આગળ થઈ છે.
આ જ સર્જક પોતાના એક દીર્ઘ કાવ્યમાં ડાયસ્પોરાને ત્રિશંકુની વ્યાખ્યા આપે છે. 1988માં પ્રકાશિત પરમેશ્વરન્નું ત્રિશંકુ એક દીર્ઘ પ્રયોગાત્મક કાવ્ય છે. લગભગ દસેક જેટલાં પાત્રોના મોનોલોગ્સ (આત્મ-સંવાદો) આ દીર્ઘ કાવ્યમાં નાટ્યાત્મકપણે ગૂંથાયા છે. આ બધા જ પાત્રો પોતાનું વતન ભારત છોડીને કેનેડામાં સ્થાયી થવા પ્રયત્નશીલ છે. પ્રત્યેક પાત્રની પોતાની ભાષા, શૈલી તથા વતન છોડીને કેનેડા આવવાનાં કારણો છે. એક વિશેષ અભિગમ છે. એમના મોનોલોગ્સમાં જો કોઈ એક વસ્તુ કોમન હોય તો તે છે તેમનું ત્રિશંકુપણું.
ત્રિશંકુનું મીથ જાણીતું છે. વિશ્વામિત્રે એક રાજઋષિને સ્વર્ગનું વરદાન આપ્યું અને તેઓ ધરતી છોડી સ્વર્ગને દ્વારે પહોંચ્યા. પરંતુ ત્યાં તેમને પ્રવેશ ન મળ્યો. કેમ કે તેઓ સદેહે સ્વર્ગ આવ્યા હતા. સ્વર્ગે પહોંચવા ધરતી અને દેહ બંને છોડવા પડે. સ્વર્ગથી પાછો ધકેલાયેલ એ રાજઋષિ હવે ધરતી પર પાછો ફરી શકે તેમ પણ ન હતો. તેથી ધરતી અને આકાશ વચ્ચે તે ત્રિશંકુ બનીને લટકી રહ્યો.
વતન છોડી અંતહીન આકાશની ધરતી એવા કેનેડામાં પોતાનું સ્વર્ગ શોધનારાઓ પણ ત્રિશંકુએ જે ભૂલ કરેલી તે જ ભૂલ કરે છે. ત્રિશંકુ સશરીરે સ્વર્ગે જવા પ્રયત્નશીલ હતો. આ લોકો ભારતને મનમાં રાખીને કેનેડાના સ્વર્ગમાં પ્રવેશવા પ્રયત્નશીલ છે. અને તેથી તેઓ નથી ત્યાંના થઈ શકતા કે નથી વતનના રહી શકતા. બસ ત્રિશંકુની જેમ બંને વિશ્વો વચ્ચે લટકતા રહે છે.
આ પ્રયોગાત્મક કાવ્યનો પ્રારંભ કવિના સંબોધનથી થાય છે. તે સૂત્રધારની અદાથી વાચકોને સંબોધે છે. અને કાવ્ય શરૂ થાય છે.
કવિઃ હું છું એક એવો જણ કે જે એક કાયદા સાથે જન્મ્યો, બીજા કાયદાને વર્યો અને ત્રીજા કાયદાથી બંધાયેલ છે. હું મનુષ્યમનના પ્રેમનું સંતાન. મને મારી ફેરી ગોડમધર ગ્રાસિયા રજઈના કોઈ સુદૂર અજાણ્યા પ્રદેશથી ઉપાડી લાવેલી પણ જ્યારે તે ફેરી(પરી)ને ધરતી છોડી આકાશમાર્ગે જવાનો વખત આવ્યો ત્યારે તેણે મને યુનિયન જેકમાં લપેટીને હળવેકથી ધરતી પડતી મૂકી. ફરી એકવાર કોઈ પ્રેમાળ મનુષ્યની નજર તરછોડાયેલી આ બાળકી પર પડી. વર્ણશંકર પ્રજા પ્રત્યે નફરત ધરાવતા એ મનુષ્યે તેની નફરત જતી કરીને મારા જેવી વર્ણશંકર તરછોડાયેલી બાળકીને ઉપાડી લીધી અને ઉછેરી … પણ હવે મારું શું. મારે શું કરવાનું. શું મારે ત્રિશંકુની જેમ ઘઉંવર્ણી ધરતી અને શ્વેત આકાશની વચ્ચે લટકી રહેવાનું. મારા પર કયો કાનૂન લાગુ પડશે.
કવિની આટલી પૂર્વભૂમિકા બાદ હવે વિવિધ પાત્રો પોતપોતાની વિટંબણાઓ મોનોલોગ્સરૂપે વ્યક્ત કરે છે. ચંદર, ચંદરની મા, તેના પિતા, તેની બહેન, મિ. સતીષ અગ્રવાલ, ઉષા, વિઠ્ઠલ જેવા અનેક પાત્રો ડાયસ્પોરા જીવનના પ્રશ્નોને લઈને આવે છે. આ બધા પાત્રોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને સ્વપ્નો અને તેનાથી તદ્દન વિરુદ્ધ એવી કેનેડિયન જીવનની વાસ્તવિકતાઓનો ચિતાર અહીં પ્રસ્તુત થાય છે.
જેમ કે કેનેડા આવીને નિભ્રાંત થયેલ ચંદર પોતાનું બાળપણનું સ્વપ્ન સ્મરે છે. એક મોટી નૌકાને પાણીમાં ઊભા રહીને ધક્કો મારતો બાળક ચંદર. એમ કરતાં પાણીમાં ડૂબી જઈને અજાણ દેશના સમુદ્ર કિનારે પહોંચતો કિશોર ચંદર અને ત્યાં તો કેનેડામાં સૂતેલ ચંદરની આંખ ઉઘડી જાય છે. આ તે કેવું સ્વપ્ન. આનું આ સ્વપ્ન વારંવાર આવે છે. સ્વપ્નમાં અને સ્વપ્નમાં ચંદર પોતાની જાતને ટકોર કરે છે, ડરીશ નહીં આ તો સ્વપ્ન છે, સત્ય નથી. વળી સ્વપ્નમાં તેની આસપાસના માછીમારોની ગૂસપૂસ તેને સંભળાય છે. આ અબૂધ છોકરો સાત દરિયા ખેડીને આ અંતહીન આકાશની ધરા પર ક્યાં આવી ચડ્યો. કોણ જાણે કઈ લાલચે અહીં આવ્યો હશે.
ચંદરને ઘરેથી આવતા પત્રોઃ નાની બહેન લખે છે, ભાઈ તું તો પૈસાદાર થઈ ગયો. હવે ભારત પાછો આવે ત્યારે મારે માટે મોટી ગાડી લાવજે, બોઈંગ 707નું પિક્ચરકાર્ડ, મેજિક સ્લેટ અને ત્યાંનું ફ્રોક પણ મને જોઈએ જ.
પિતા લખે છેઃ ચંદર ભણવામાં ધ્યાન આપજે. નોકરી શોધજે. સમય બગાડીશ નહીં. વાંચીને ચંદર મનોમન બબડે છે, આટલે દૂરથીયે હું ડોસાને આરામખુરશીમાં બેસીને હિન્દુ વાંચતા જોઈ શકું છું.
મા લખે છેઃ ઓમ, દીકરા અભણ માના આશીષ. હું મજામાં. તું પણ મજામાં હઈશ. જીવતો રહેજે ને વહેલો પાછો આવજે. ચંદર કોમેન્ટ કરે છે, આ છે માનો પ્રથમ અને અંતિમ પત્ર.
ચંદરની સાથે ગામડે ગામથી કેનેડા આવવા નીકળેલ મિ. સતીષ અગ્રવાલનું સશક્ત શબ્દચિત્ર તેમના મોનોલોગ્સમાંથી પ્રગટે છે. ચંદર લખે છેઃ પેલો પોતાની જાતને મિ. સતીષ અગ્રવાલ કહીને સંબોધ્યા કરે છે. પણ એ મિસ્ટર છે નર્યો ગામડિયો. અમે બંને એક જ પ્લેનમાં ભારત છોડેલું. બંનેનું સ્વપ્ન હતું કેનેડા. હું જાણું છું કે પેલા અણઘડ ગામડિયાને ટોઇલેટ ફ્લશ કરતાં ય આવડતું ન હતું. સાવ રોંચો હતો. મોન્ટ્રીઅલમાં અમે બંને ટ્રાન્ઝીટ પેસેન્જરરૂપે હોટલના એક જ રૂમમાં હતા. પણ ત્યાં એ રૂમમાં એવું કંઈ બન્યું કે મને પેલા દેશી, અણઘડ મિ. અગ્રવાલ પર દયા આવી ગઈ. મોન્ટ્રીઅલના હોટલ રૂમમાં કોટ પર બેસીને તે બાળકની જેમ પોક મૂકીને રડ્યો અને ડૂસકાં ભર્યા સ્વરે બોલ્યોઃ વતનના મારા લીંપેલા કાચા ઘરના વાડામાં વાણ ભરેલ ખાટલા પર ઊંઘવા માટે હું ગમે તે કરવા તૈયાર છું. મારે નથી જોઈતો પરદેશ. નથી જોઈતા હથેળીમાં સ્વપ્નો. હું આ ચાલ્યો પાછો. એક ક્ષણે મને મારા દેશબંધુની ઇર્ષ્યા આવી ગયેલી. અંતહીન આકાશવાળી આ ધરતીમાં સ્વપ્ન વાવવાની પળોજણ મારા એ દેશી મિત્રને ખપતી ન હતી.
મૃત્યુશૈયા પર સૂતેલ એક વૃદ્ધની માંદગી આ વિવિધ ડાયસ્પોરિક પાત્રોને સાંકળે છે. આ વૃદ્ધની માંદગી બધાને મનુષ્ય જીવનની નશ્વરતાનું સ્મરણ કરાવે છે. કેનેડામાં વહેતી એસિનીબોઈન નદીનાં સઘળાં નીર આ ભારતીય વૃદ્ધના ઘઉંવર્ણા રંગને ધોઈ શકે તેમ નથી. ગંગાજળ લાવો. ગંગાજળ ક્યાં. શું એસિનીબોઈનનાં જળમાં જ ગંગાજળ શોધવાનું છે. મા અંબે તેં અમને તે કેવો તમાચો માર્યો છે કે અમે બધા એક જ મૂળના લોકો આ પારકી ધરતી પર એકબીજાથી દૂર થતા જઈએ છીએ. અને આ દૂરીઓ પણ કોને માટે. એવા અજાણ્યા જણ માટે જે અમને અમસ્તો જ મળી ગયો હતો. મા કૃપા કર. આ શબ્દો સાથે આ પ્રયોગાત્મક નાટકીય કાવ્ય સમાપ્ત થાય છે.
ડાયસ્પોરા જીવનના ત્રિશંકુપણાનું આવું નિરૂપણ ભાગ્યે જ અન્યત્ર મળશે. ઉમા પરમેશ્વરન્ની કલમ તેમણે પોતે જીવેલા અને અનુભવેલા ત્રિશંકુપણાને વ્યક્તિગત ન રહેવા દેતા સાર્વત્રિક બનાવીને અહીં સબળપણે વ્યક્ત કરે છે.
ત્રિશંકુ કાવ્યની વિશેષતા તેની ટેકનિક છે. ડ્રામેટિક મોનોલોગ્સ તેમ જ પાત્ર વૈવિધ્યથી સર્જાતી નાટકીયતા આ કાવ્યના હાર્દસમા ત્રિશંકુપણાને સુપેરે ઉઘાડી આપે છે.
તા.ક.
સફળતાના શિખરે બિરાજેલ વિશ્વભરમાં વસતી ભારતીય ડાયસ્પોરિક પ્રજાના અંતરમનમાં ડોકિયું કરો તો આજે ય આ ત્રિશંકુપણું તેમના મનને કોઈ ખૂણે ઢબૂરાઈને બેઠેલું દેખાશે – તેથી જ તો ડાયસ્પોરિક સ્ટડીની આજના શિક્ષણજગતમાં આટલી બોલબાલા છે.
e.mail : ranjanaharish@gmail.com
સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 સપ્ટેમ્બર 2017
![]()
અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન રવિવારથી હેરિટેજ સપ્તાહની ઉજવી રહી છે

શહેરનાં વૃક્ષોનાં વર્તમાન વિશે આપણે બેપરવા હોઈએ ત્યારે તેમનાં ભૂતકાળ વિશે સભાન ન હોઈએ એ તર્કપૂર્ણ છે. એટલે શહેરનાં સ્થાપત્ય ,શિલ્પ, કળાઓ, ઉદ્યોગો જેવાં ક્ષેત્રોના વારસા પર સંશોધન થયું છે. પણ તેનાં ગ્રીન કવર કે વ્યાપક રીતે પર્યાવરણીય ઇતિહાસનો અભ્યાસ ભાગ્યે જ જોવા મળે છે. જો કે અમદાવાદમાં વૃક્ષો નોંધપાત્ર પ્રમાણમાં હતાં એમ અમદાવાદના ઇતિહાસ પરનાં ગ્રંથો બતાવે છે.
ગુજરાતના ૧૬૧૧માં લખાયેલા સહુથી જૂના ઇતિહાસ ‘મિરાતે સિકંદરી’ અમદાવાદનું જે વર્ણન છે તેમાં શહેરમાં પુષ્કળ વૃક્ષો હોવાનો ઉલ્લેખ છે : ‘ પોતાનાં પૂરાં કદમાં શિર ટટાર ખેંચીને વૃક્ષો ઊભાં છે – જાણે સુંદરીઓ ઊભી છે. વિશાળ વૃક્ષોની શાખાઓ પર પંખીઓ મધુર કિલકિલાટ કરે છે …. લીલાં વૃક્ષોની શોભા સ્વર્ગને ટપી જાય છે.‘
‘મિરાતે સિકંદરી’માંથી એ પણ સમજાય છે અમદાવાદમાંવૃક્ષો માટેનો ઉત્તમ કાળ મહમૂદ બેગડા(૧૪૫૮- ૧૫૧૧)નો હતો. સિકંદરીનો કર્તા લખે છે: ‘… વળી અનેક જાતનાં ઝાડ જેવાં કે આંબા, દાડમડી, રાયણ, જાંબુ, બેલ અને મહુડા વગેરે જે બધાં ગુજરાતમાં ઇશ્વરની મહેરબાનીથી છે તે બધાં આ મહાપ્રતાપી સુલતાનના પ્રયત્ન અને ઉત્તેજનથી થયેલાં છે. રૈયત પોતાની જમીનમાં ઝાડ વાવે તો તેને તે ઉત્તેજન આપતો. એટલે લોકો વૃક્ષ ઉછેરવામાં વધુ પ્રયત્ન કરવા લાગ્યા. એવું કહેવાય છે કે રસ્તા ઉપર અથવા કોઈ ગરીબ ઝૂંપડી આગળ વૃક્ષ ઉછરેલું સરકારની નજરે પડતું તો સુલતાન ઘોડાને ઊભો રાખી, વાવનારને બોલાવી મહેરબાની બતાવતો અને પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે ? જો તે એમ કહે કે દૂરથી પાણી લાવું છું તો તરત જ પાસે કૂવો ખોદાવતો અને કહેતો કે અમુક ઝાડ ઉછેરશે તેને ઇનામ આપવામાં આવશે …’
અમદાવાદમાં વૃક્ષવિપુલતા અને વૈવિધ્યની અનેક પરદેશી મુસાફરોએ નોંધ લીધી છે. તેની માહિતી રત્નમણિરાવ ભીમરાવે લખેલા ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ (૧૯૨૯) નામનાં ગ્રંથમાં મળે છે. તે લખે છે : ‘સુલતાન મહમૂદ બેગડાના ૧૫૧૧માં થયેલા મરણના બે-ત્રણ વર્ષ પછી લિસ્બનનો મુસાફર સ્ટૅંનલી બારબોસા ગુજરાતમાં આવ્યો હતો. તેણે અમદાવાદમાં વાડીઓ અને બગીચા ઘણાં હતાં એમ લખ્યું છે.’
ઇન્ગ્લેન્ડનો એલચી થૉમસ રો ૧૫ ડિસેમ્બર ૧૬૧૭ના રોજ અમદાવાદ આવ્યો હતો. તે લખે છે કે ‘રસ્તાઓ પર એવાં ઝાડ હતાં કે ગાઢ ઉપવનમાં પેસતા હોઈએ તેવું લાગે.’ ૧૬૬૬માં અમદાવાદ આવેલો ફ્રેન્ચ મુસાફર જ્યાં-દી-થેવેનો લખે છે : ‘અમદાવાદમાં ઝાડ અને શહેરના બાગ ઘણાં છે. જેથી કોઈ ઊંચી જગ્યાએથી નજર કરીએ તો લીલાં વૃક્ષોનું એક મોટું વન લાગે. વૃક્ષોની ઘટામાં શહેરનાં ઘણાં મકાનો ઢંકાઈ જાય છે.’ 1613ના નવેમ્બરમાં અંગ્રેજ મુસાફર નિકોલસ વ્હિટિન્ગટન લખે છે : ‘શહેર અને ગામડાંમાં ઝાડ પુષ્કળ છે અને તેને લીધે સૂર્યનો તાપ ઓછો લાગે છે. ઝાડ એટલાં પાસે પાસે હોય છે કે ઊંચી જગ્યાએથી જોઈએ તો શહેર એક ઉપવન લાગે છે.’
અમદાવાદમાં બાગ-બગીચા એટલા બધા હતા કે રત્નમણિરાવે તેની પર એક આખું પ્રકરણ ‘અમદાવાદના ઉદ્યાનો’ લખ્યું છે. રત્નમણિરાવે બાર બાગ વિશે લખ્યું છે. તેમાં ચારમાં વૃક્ષો વિશે વધુ વિગતો છે : કાંકરિયા તળાવની વચ્ચે બાગે નગીના, રાજપુરની હદથી વસ્ત્રાલ પાસે બાગે ફિરદોશ, રખિયાલનો હરડેનો બાગ અને સરખેજ પાસેનો ફતેહબાગ. ૧૬૩૮માં આવેલો જર્મન મુસાફર જૉન આલ્બર્ટ ડી મેન્ડેલ્સો ફતેહ બાગને ‘હિંદુસ્તાનનો મોટામાં મોટો અને સુંદરમાં સુંદર બાગ’ ગણાવે છે. રત્નમણિરાવે જણાવેલા અન્ય બાગ આ મુજબ છે : શાહવાડી, ફરમાનવાડી, બાગે શાયબાઁ, જીતબાગ, ગુલાબ બાગ, બાગે તોત, રૂસ્તમ બાગ અને શાહીબાગ.
શાહીબાગ વિશે થેવે લખે છે કે ‘એમાં હિન્દુસ્તાનમાં ઊગતાં દરેક પ્રકારનાં વૃક્ષો છે. એમાં બંને બાજુ પર ઝાડવાળા સીધા લાંબા રસ્તા કરેલા છે. તે ‘કોર દ લા રેંઈ’ [પેરિસમાં સીન નદી કિનારે આવેલાં એક જાહેર ઉદ્યાન] જેવા દેખાય છે’. જો કે ૧૭૮૧માં અંગ્રેજ કલાકાર અને લેખક જેમ્સ ફૉર્બ્સે આ બાગ જોયો ત્યારે તેમાં ભાંગેલા ફુવારા, નહેરો અને પરદેશી દેખાવનાં કેટલાંક ઝાડ હતાં. જો કે એને એકલા મહેલ સિવાય આખો બાગ એને ઉજ્જડ લાગ્યો હતો. ‘અમદાવાદનાં ઉદ્યાનો અઢારમી સદીમાં ઘણે ભાગે વેરાન થયાં હતાં’, એમ રત્નમણિરાવ જણાવે છે.
અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધુળિયું શહેર કહ્યું તે જહાંગીરે. તે ૧૬૧૭ના ડિસેમ્બરમાં અમદાવાદમાં આવ્યો ત્યારે માંદગી, થોર અને કાંટાથી તે અકળાઈ ઊઠ્યો એમ તેના ખુદબયાન ‘જહાંગીરનામા’માં છે. જો કે કાંકરિયાની રચના તેને બહુ ગમી હતી. તળાવના કિનાર પર નિઝામુદ્દિન અહમદખાંનો બાગ હતો. તેના પુત્ર સાથે કંઈક તકરાર થવાથી અબ્દુલખાં ફિરોજંગ નામના ઉમરાવે બાગનાં ઝાડ કાપી નાખ્યાં હતાં. તેની સજા તરીકે જહાંગીરે ફિરોજંગની મનસબ અને જાગિરમાં ઘટાડો કર્યો હતો. તદુપરાંત એક વખત સાબરમતીના કિનારા પરનાં ચંપાનાં ઝાડ કાપનારના બંને અંગુઠા કાપવાની સજા કરવામાં આવી હતી. અમદાવાદનાં વૃક્ષો અંગે રત્નમણિરાવ લખે છે : ‘ અમદાવાદમાં બે જ પ્રસંગ આવ્યા છે કે આસપાસ ઝાડને બદલે ઉજ્જડ અને વેરાન હોય. પહેલો પ્રસંગ છેલ્લા સુલતાન મુઝફ્ફરની હાર પછી અકબરના રાજ્ય સુધીનો. એ સમયે લડાઈઓ અને સુલતાનની છેલ્લી અવ્યવસ્થાથી શહેર બહાર કંઈક વેરાન થયું હતું. જહાંગીર એ સમય પછી તુરત અમદાવાદમાં આવ્યો હતો. એટલે એને શહેર બહાર લીલોત્રીને બદલે કાંટા દેખાયા હોય એ બનવાજોગ છે. બીજો પ્રસંગ મરાઠાની સત્તામાં અમદાવાદ વેરાન થયું તે છે …’
ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં અમદાવાદમાં વૃક્ષ-વનસ્પતિની સ્થિતિ અંગેનો ઉલ્લેખ મગનલાલ વખતચંદ શેઠે ૧૮૫૧માં લખેલા આ શહેરના ઇતિહાસમાં જોવા મળે છે. તેના ‘શેહેરનું વરણન’ નામના પહેલાં પ્રકરણમાં શહેરની ‘કાળી ભુંઈ’,‘ગોરાડુ ભુંઈ’ અને તેમાં થતા પાકના નામ આપે છે. ત્યાર બાદ તે લખે છે : ‘અમદાવાદની પછાડી આંબાનાં ઝાડ ઘણાં છે નેં તે જાહારે બરાબર આવે છે ત્યારે કેરીઓ જંઈ એકની શેર દશ લેખે વેચાય છે.’ વધુ વિગતો પુસ્તકમાં ‘હાલની અવસ્થા’ નામના ત્રીજા ભાગના ચોથા પ્રકરણ ‘અમદાવાદમાં શું શું નીપજે છે’ તેમાં છે : ‘દશકરોઈ પ્રગણામાં તથા અમદાવાદની આશપાશ આંબાંનાં ઝાડ ઘણાં જ છે એ ફક્ત વટવાની શીમમાં બે હજાર જાજાં થડ છે તેંમ નીકોલ, તથા સૈજપુર(સૈઅદપુર)માં પણ ઘણા જ છે…’ પછી મગનલાલ વખતચંદ ‘દાહાડમ, જાંબુ, મકઈ, મીઠાં લીંબુ વીગેરે ફળ ફરોળી’ના નામ અને વેચાણની વાત લખે છે. તેમનું એમ પણ કહેવું છે કે ‘આ ફળ શીવાએ પપઈઆ, રામફળ, અનાનાસ, બીજોરા વીગેરે ફળ થાય છે…’. વળી તે એમ પણ લખે છે કે ‘હઈંઆ નારીએલી, સોપારી તથા વાંસનાં ઝાડ છે પણ તે નવઈ જ જેવા જ છે.’ પ્રકરણને અંતે ઇતિહાસકાર મહત્ત્વની વાત લખે છે : ‘આ શીવાએ બીજાં ઘણીક જાતનાં ઝાડ છે પણ બધાંયની હકીકત લખતાં ઘણી જ લંબાણ થાય છે …’
આ લંબાણવાળી વાત શહેર સુધરાઈ અને સંશોધકોએ સાથે મળીને કરવાની રહે છે.
+++++++
૨૨ નવેમ્બર ૨૦૧૭
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 24 નવેમ્બર 2017
![]()

