Opinion Magazine
Number of visits: 9583934
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ખરું, શું ખોટું ?

દીપક બારડોલીકર|Opinion - User Feedback|20 October 2017

‘નિરીક્ષક’ (૧૬-૯-૨૦૧૭)માંના [તેમ જ “ઓપિનિયન મેગેઝિન”માંના, 03 સપ્ટેમ્બર 2017 − https://opinionmagazine.co.uk/details/2883/muslim-ummah-etale-shun-?–bharatiya-muslimomaan-vyaapel-saamajik-stareekaran-ane-saamaajik-cadavado] વૃત્તાંતલેખ ‘મુસ્લિમ ઉમ્માહ એટલે શું?’-માં ઘણા ગંભીર હકીકતદોષો છે. હેરોમાં યોજાયેલી એ વિવાદસભાના મુખ્ય વક્તા જનાબ શારીક લાલીવાલાએ, લેખમાં નોંધાયું છે, એવું કહ્યું હશે કે કેમ એ એક સવાલ છે.

એ લેખની શરૂઆત જ ખામીભરી છે. મથાળામાં પ્રયોજાયેલો શબ્દ ‘ઉમ્માહ’ સાચો નથી. ઉમ્મહ હોવું જોઈએ. એને ઉમ્મત પણ કહે છે. એ એક અરબી શબ્દ છે અને એનો અર્થ પેગમ્બર (સલ્અમ)ના અનુયાયીઓનો સમૂહ યા જમાત થાય છે. આંતરરાષ્ટ્રીય કોમ નહીં.

મુસ્લિમોની ઓળખ આપતાં, એ લેખમાં નોંધાયેલું વિધાન યોગ્ય નથી. કુરઆને કરીમ તથા અહાદીએ નભવી (સલ્ચમ) અનુસાર કોઈ પણ વ્યક્તિનું મુસલમાન હોવા માટે જરૂરી છે કે તે એકેશ્વરવાદ-અલ્લાહના એકત્વમાં યકીન રાખે, હઝરત મુહમ્મદ(અલ્અમ)ને અલ્લાહના પેગમ્બર અને બંદા માને, કયામત, ફિરસ્તાના અસ્તિત્વ, જન્નત-જહન્નમ તથા  કિતાબે ઇલાહી પર શ્રદ્ધા રાખે. એ સિવાય રોઝા, નમાઝ, ઝકાત, હજનું પાલન કરવું તથા ચારિત્ર્યશીલ હોવું પણ આવશ્યક છે.

ઝકાત, એ લેખમાં નોંધાયા પ્રમાણે, પાંચ ટકા નહીં, અઢી ટકાના હિસાબે પોતાની માલમિલકત કે માયામૂડી પર, વરસ વીત્યે દર વર્ષે આપવી માલદારો પર ફરજ છે. અને એના હકદાર ગરીબો, જરૂરતમંદો, મુસાફરો વગેરે હોય છે.

ઈસ્લામે સાતમી સદીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું કથન સર્વથા ખોટું છે. ‘હિસ્ટ્રી ઑફ ઇસ્લામ’ અનુસાર સાતમી સદીમાં તો ઇસ્લામનો પ્રાદુર્ભાવ થયો હતો. ભારતમાં એનો પ્રવાહ ઇસુની આઠમી સદીમાં, ખલીફા અલ-વલીદના રાજ્યકાળમાં પ્રવેશ્યો હતો અને સિંધના દેબલ બંદરથી લઈને મુલાકાત, ખૈબરઘાટ તથા કાબુલ-કન્દહાર સુધીના પ્રદેશ ઉપર તે ફરી વળ્યો હતો.

સૂફીવાદી(Sufism)ની બાબતમાં વક્તા યા વૃત્તાંતકાર ખરેખરા ગૂંચવાયા લાગે છે. અને દિલ્હીપતિ યુગલોને સૂફી બનાવી ગયા છે ને દરગાહોને દેવસ્થાનો સાથે મેળવી ગયા છે! જાણ્યે-અજાણ્યે સર્જાયેલો આ ગૂંચવાડો દૂર થાય છે એ ખાતર નોંધવું રહ્યું કે સૂફી પ્રણાલી એ કોઈ સંપ્રદાય નથી. કુરઆને કરીમના બોધ અનુસારની એક સુધારક હિલચાલ છે. યાદે ઇલાહીને સદાચરણ દ્વારા અલ્લાહ સુધી પહોંચવાનો એક તરીકો છે. આઠમી સદીમાં એનો આરંભ થયો, ત્યારે એનાં મુખ્ય કેન્દ્રો કુફા, બરસા અને ખુરાસાનમાં હતાં અને એ સમયના મુખ્ય સૂફી અબૂ હાશિમ હતા.

ભારતમાં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર ૧૨મી સદીથી બહુ પહેલાં શરૂ થઈ ગયો હતો અને તેનો પ્રવાહ ખૈબરઘાટ સુધી પહોંચી ગયો હતો, જે આપણે ઉપર જોઈ ગયા. એ સિવાય ‘તારીખે ગુજરાત’ પ્રમાણે નવમી સદીમાં ગુજરાતમાં ખંભાતથી ચેમૂર સુધી મુસ્લિમ આબાદી હતી. લાટ તથા અણહિલવાડમાં પણ મુસ્લિમોની વસતી હતી. એ હતા બસરા, બગદાદ તરફના અરબ સોદાગરો. મલબારમાં પણ એ જ સ્થિતિ હતી.

આ અરબ સોદાગરોએ સ્થાનિક બિનમુસ્લિમ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમની અહીં જન્મેલી ઔલાદ બયાસરા નામે ઓળખાતી હતી.

ભારતમાં, મધ્યપૂર્વીય દેશોમાંથી સૂફીઓનું આગમન ૧૨મી નહીં, ૧૧મી સદીથી શરૂ થયું હતું. હઝરતઅલી અલ-હજવેરી-દાતા ગંજબક્ષ એક મહાન સૂફી હતા. તેઓ ૧૧મી સદીમાં પંજાબ આવ્યા હતા. ઈસવી સન ૧૦૯૨માં તેમની વફાત થઈ હતી. તેમની મઝાર લાહોરમાં છે. તેમનો એટલો પ્રભાવ હતો કે લાહોર આજે પણ ‘દાતા કી નગરી’ તરીકે ઓળખાય છે.

એ લેખમાં દર્શાવાયું છે કે સૂફીઓ ભારતમાં આવ્યા, દરગાહો બંધાવી, ઇસ્લામ ભારતમાં પ્રવેશ્યો, મુસ્લિમોએ હિન્દુધર્મનાં ઘણાં તત્ત્વો સ્વીકાર્યાં, ધર્માંતર કરનારા દેવી-દેવતાઓમાં માનતા રહ્યા અને દરગાહો હિન્દુઓની માન્યતાઓની ઇસ્લામ પરની અસરનું પરિણામ છે – આ વાતો ધર્મ તથા ઇતિહાસની જાણકારીના અભાવ તથા કન્ફ્‌યુઝ્‌ડ માનસનું પરિણામ હોય એમ લાગે છે. સૂફીઓ દ્વારા આવેલી દરગાહ હિન્દુઓની માન્યતાઓની ઇસ્લામ પરની અસરનું પરિણામ શી રીતે હોઈ શકે? વળી, ઇસ્લામ કંઈ એવો નબળો કે ઊણો ધર્મ નથી કે અન્યની અસર સ્વીકારે. એ એક માત્ર સર્વસંપૂર્ણ મઝહબ છે.

ધર્માંતર કરનારા હિન્દુઓ દેવી-દેવતાઓમાં માનતા રહ્યા એમ કહેવું એ નરી બાલિશતા છે, મુસલમાન માટે એવી માન્યતાની કોઈ ગુંજાઈશ છે જ નહીં. ઇસ્લામ સ્વીકારે તેણે સૌ પ્રથમ દેવ-દેવીઓને રદ કરી અલ્લાહના એકત્વનો સ્વીકાર કરવો પડે છે. ધર્માંતર, બાધા તથા દેવ-દેવીઓનાં વર્ણન સાથે દરગાહોને ભેળવવા પાછળ કોઈક છાનો ઉદ્દેશ કામ કરી રહ્યો લાગે છે. – વક્તાના આ મંતવ્યને શું કહેવું કે જિન્નાહસાહેબ ધર્મે શીઆ ફિરકાના હોય, પણ રાજકીય નુકસાન થવાના ભયે તેમણે એ હકીકત છુપાવી હતી! અહીં સવાલ આ છે કે એ સમયે જમિયતે ઉલેમાએ હિન્દુ, જમાતે ઇસ્લામી, એહચર, કૉંગ્રેસ વગેરે પક્ષોનું જોર હતું અને શું તેઓ એટલા બેખબર હતા કે જિન્નાહસાહેબ શીઆ છે, એની તેમને ખબર જ ન હતી! – કહતા ભી દીવાના, સુનતા ભી દીવાના!

અને ઇસ્લામમાં ઊંચ-નીચના ભેદનો તો કોઈ સવાલ જ નથી. મસ્જિદોમાં – ‘એક હી સફ મેં ખડે હો ગયે મહમૂદો – અયાઝ’- વાળો મામલો હોય છે. અલબત્ત સમાજની વાત જુદી છે. ત્યાં ધનિકોને મારતે મિયાં છવાયેલા હોય છે. અને તે ફક્ત મુસ્લિમ સમાજમાં નહીં, દરેક જ્ઞાતિ-સમાજમાં હોય છે. સામાજિક બુરાઈઓ, ધર્મના માથે લાદી ન શકાય. મુસ્લિમ સમાજમાં વ્યવસાય માટે, ધંધારોજગાર વિશે નિયમો હોવાની વાત વિચિત્ર લાગે છે. હું મુસલમાન છું અને મેં એવો કોઈ નિયમ જોયો નથી. આવડત, જ્ઞાન અને આર્થિક સગવડ ધરાવતો કોઈ પણ મુસ્લિમ કોઈ પણ હલાલ વ્યવસાય કરી શકે છે તથા ઇચ્છે તેની સાથે પોતાનું હિત બક્ષી રાખીને, કોઈ પણ વ્યક્તિ સાથે લેવડદેવડ કરી શકે છે. રહી કોમો અને કુળની વાત તો એ ખુદાસર્જિત છે. કુરઆને કરીમમાં એ વિશે ફરમાને ઇલાહી છેઃ

‘હે લોકો! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી (આદમ અને હવ્વા) થકી પેદા કર્યા અને તમારાં કોમો ને કબીલા બનાવ્યા, કે જેથી (તમે) એકબીજાને ઓળખી શકો …’ (૧૩) સુરએ હુજુરાત.

અને ‘દલિત મુસ્લિમો’ને એ ભાઈ ક્યાંથી લઈ આવ્યા ? ઇસ્લામમાં એવું કશું છે જ નહીં. આપણા વિદ્વાન લેખક કરીમ મુહમ્મદ માસ્તરે પણ તેમના અભ્યાસપૂર્ણ પુસ્તકનું ‘ગુજરાતનાં મુસલમાનો’માં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

વિવાદસભાના મુખ્ય વક્તા જનાબ લાલીવાલા કહે છે કે મુગલો સૂફી હતા. પણ હું કહીશ, ઇતિહાસ કહે છે, જમીનની હકીકત કહે છે કે મુગલો સૂફી નહીં, ખરા તલવારબાજ હતા અને તલવારના બળે, ફરઘાનાથી નીકળીને તેઓ દિલ્હીપતિ બની ગયા હતા અને પ્રલંબકાળ સુધી ભારત ઉપર શાનદાર સત્તા ચલાવી હતી. તેમનાં પરાક્રમો ને સિદ્ધિઓથી ઇતિહાસ ભર્યા પડ્યા છે. અગર તેઓ સૂફી હોત, તો તેમની સિદ્ધિનાં ખાતાંમાં દરગાહો કે સૂફીઓના ડેરા-ડાયરા હોત!

અલીગઢ યુનિવર્સિટી રૂઢિચુસ્ત મુસ્લિમોએ નહીં, પ્રગતિશીલોએ, સર સૈયદ અહમદખાન જેવા દૂરંદેશી નેતાની આગેવાની હેઠળ બંધાવી હતી. રૂઢિચુસ્તો, મૌલવીઓ તો એના વિરોધી હતા! દરગાહ પર જવું એ રૂઢિચુસ્તો માટે કે પ્રગતિશીલો માટે હરામ નથી. ત્યાં ફાતેહા ખાની કરી શકાય છે, ફૂલો ચઢાવી શકાય છે, બુઝુર્ગના વસીહાથી દુઆ કરી શકાય છે અને મોટે ભાગે એમ જ થાય છે. દેવ-દેવીની પૂજા દેવસ્થાનોમાં થાય, દરગાહમાં નહીં.

એ લેખમાં બીજી પણ કેટલીક અર્થહીન, વિકૃત વાતો છે. પણ સવાલ આ છે કે એવા અધ્ધરતાલ લેખ ‘નિરીક્ષક’માં શુ ંકામ છપાવા જોઈએ? શો ફાયદો?

અને અંતે મારા મરહૂમ મિત્ર મુનીર નિયાઝીનો એક સુંદર શેરઃ

  ‘દુશ્મની રસ્મે જહાં હૈ,
   દોસ્તી હર્ફે ગલત
  આદમી તન્હા ખડા હૈ,
   ઝાલિમોં કે સામને ?’

11, Croston Terrace, Ayres Road, Old Trafford, Manchester, M 16 7FD (U.K.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 16-17 

Loading

ટાગોરે યુરોપમાં આપેલાં વ્યાખ્યાનોનો ભારતે અત્યારે લેવાનો બોધ : રાષ્ટ્રવાદ

બકુલ ટેલર|Gandhiana|20 October 2017

રાષ્ટૃવાદ (રવીન્દ્રનાથના રાષ્ટૃવાદ પરનાં ત્રણ વ્યાખ્યાનો) : અનુવાદ – ત્રિદીપ સુહૃદ : પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ – 380 014 : પહેલી આવૃત્તિ – 2017 : ISBN – 978-81-7229-813-5 : પાનાં – 80 : કિમ્મત રૂ. 100/-

ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન કદાચ પહેલી વાર ભારતવાસીઓ એક સંગઠિત સ્વરૂપે પ્રગટતા થયા અને આજે પણ એ પ્રક્રિયા નિરંતર ચાલુ છે. ભારતમાં રહેલું સામાજિક વૈવિધ્ય, તેમાં રહેલી અનેક જીવનરીતો અને જીવનને ધારણ કરતી આસ્થાઓ પ્રચંડ પડકાર ઊભી કરનારી છે. અન્ય રાષ્ટ્રોથી બહુ વિલક્ષણ છે તેનું આ માળખું, પણ તેથી તે રાષ્ટ્રની એકતાને તોડનારું છે એવું માની ન શકાય. અલબત્ત, ગરજ હોય છે તેના રાષ્ટ્રવાદના મર્મને પામવાની.

ગાંધીજી ૧૯૧૫માં ભારત પાછા વળ્યા અને તેમનામાં રહેલો સ્વતંત્રતા આંદોલનનો ખ્યાલ દેશવ્યાપ ધરતો ગયો. તેમના આ આંદોલન પહેલાં આપણે ત્યાં સરસ્વતીચંદ્ર પ્રગટ થઈ ચૂકી હતી અને બંગાળમાં ગોરા (૧૯૧૦) અને ઘરેબાહિરે (૧૯૧૬) જેવી નવલકથા પ્રગટ થઈ હતી. ગોરા, ઘરેબાહિરેના સર્જક રવીન્દ્રનાથ ટાગોર હતા. પછીનાં વર્ષોમાં જે વધુ સ્પષ્ટ રીતે સમજાયું તેની ઘણી વિચારઘન સામગ્રી આ બે નવલકથામાં વણાયેલી છે. ગાંધીજીના આંદોલનથી રાષ્ટ્ર તેની સ્વતંત્રતા માટે ઉદ્યુત થયું. તેની સમાંતર, પણ સાવ પોતીકી રીતે રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદને વ્યાખ્યાતિ કર્યો હતો. ૧૯૧૬નાં તે વ્યાખ્યાનો છે. પ્રથમ વિશ્વયુદ્ધ(જુલાઈ ૧૯૧૪થી નવેમ્બર ૧૯૧૮)ના દારુણ ઘટનાક્રમો વચ્ચે તેમણે જાપાન અને અમેરિકાના લોકોને અને પછી ‘હિંદમાં રાષ્ટ્રવાદ’ હેઠળ ભારતના લોકોને સંબોધ્યા છે. જાપાન અને અમેરિકાને સંબોધતી વેળા તેઓ વિશ્વયુદ્ધની વિગતો આપી તેની છણાવટ કરવામાં પોતાના ચિંતનને અને રાષ્ટ્રવાદના વિચારને રોકતા નથી. તેઓ સરહદોમાં બંધાઈ જતાં રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી, બલકે વૈશ્વિક માનવતા અને સમાજને સમાવતા રાષ્ટ્રવાદના પુરસ્કર્તા છે. આ સમય જ યાંત્રિકીકરણ આધારિત ઔદ્યોગિક અને સામાજિક ક્રાન્તિનાં પગરણનો હતો. એ સમય યુરોપની ભૂમિથી પ્રસરતી બેકાબૂ રાજકીય સંસ્કૃિતનો હતો. આ બંને વાના માનવ અને માનવસમાજને કેવા આઘાતક પડાવો તરફ લઈ જઈ શકે તેની તીવ્ર માનવકરુણાસભર ચિંતા ટાગોર કરે છે.

મૂળ અંગ્રેજીમાં જે ઉપલબ્ધ હતું તે પુસ્તક ઠેઠ હમણાં ત્રિદીપ સુહૃદ વડે અનુવાદ પામ્યું છે. તેઓ તેમના નિવેદનમાં જે સવાલ કરે છે તેનો જવાબ કોણ આપે, કોણ આપી શકે તેનો જવાબ મેળવવો અધૂરો રાખીએ. તેમનો સવાલ છે. ‘જેમ અનુવાદ કરવો તે સાંસ્કૃિતક વિકલ્પ છે તેમ અનુવાદ ન કરવો તે પણ એક સાંસ્કૃિતક પસંદ છે. ગુજરાતે શા કારણે રાષ્ટ્રવાદનો અનુવાદ ન કર્યો તેની ચર્ચા કરવાનો અહીં અવકાશ નથી, પણ તેની નોંધ લેવાય તે પૂરતું છે.’ અનુવાદક જે કહી રહ્યા છે તે વર્તમાન સંદર્ભમાં આ પુસ્તક વાંચતાં તેમની પણ એક પ્રકારની ‘વાચના’ બની રહે તેમ છે.

આ ત્રણ વ્યાખ્યાનો દરમિયાન તેઓ રાષ્ટ્રવાદને જાણે એક મૂળ કેન્દ્ર ધારી ત્યાંથી વર્તુળો સુધી વિસ્તરી પાછા વળે છે, ધરી રૂપ બોધ માટે ‘પૂર્વ એશિયાનો આગવો પથ’ રહ્યો છે. તે પોતાની સંસ્કૃિતનું ઘડતર કરી રહી છે. આ સંસ્કૃિત રાજકીય નહીં પણ સામાજિક છે, ભક્ષણ કરનારી અને યાંત્રિકપણે કાર્યદક્ષ નહીં પણ આધ્યાત્મિક છે. તેનાં મૂળ માનવજાતનાં ઊંડા અને ભાતીગળ સંબંધોની ભૂમિમાં છે.’

તેઓ હિંદમાં રાષ્ટ્રવાદ વિશે બોલતા હોય ત્યારે ય તેના વિચારકોની મર્યાદા વિશે આકરા છે. ‘આપણા રાષ્ટ્રવાદીઓ આદર્શની વાત કરતી વખતે વિસરી જાય છે કે રાષ્ટ્રવાદનો પાયો કાચો છે.’ કેમ છે કાચો? ‘આ આદર્શોનો ઝંડો ઉઠાવનાર લોકોના સામાજિક આચાર અત્યંત રૂઢિવાદી છે.’ આટલું કહી તેને વધુ તર્કબદ્ધ બનાવતાં તેઓ સ્વિટ્‌ઝર્લેન્ડમાં જે ભિન્ન જાતિ છે તે અને હિંદમાં આ અંગે જે દશા છે તેનું નિરીક્ષણ પ્રગટ કરે છે, ‘કોઈ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રોની ચર્ચા કરતી વખતે અમો વિસરી જઈએ છીએ કે ત્યાંની પ્રજાઓમાં, અમારી જ્ઞાતિઓ વચ્ચે જે શારીરિક આભડછેટ છે તેનો સદંતર અભાવ છે. તેઓ કહે છે કે, ‘અમારાં સામાજિક બંધનો કુંઠિત કરનારાં છે, એટલી હદે કે તે માણસને બાયલો બનાવી દે છે.’ તેઓ પોતાનાં વિધાનોને સ્થાપવા એકથી વધુ દૃષ્ટિ-માર્ગ અપનાવે છે અને જાણે ૨૦૧૭ સુધી તેઓ આવી પહોંચે છે? ‘આપણાથી જુદા પ્રકારનો ખોરાક લેતી વ્યક્તિઓનું જીવન બોજરૂપ બનાવવા પ્રેરતી આપણા મનની સામાજિક વૃત્તિઓ આપણી રાજકીય સંસ્થાઓમાં પણ જડ ઘાલશે અને જીવન હોવાના ચિહ્‌નરૂપ એવા તાર્કિક ભેદને કચડવા માટેનાં દમનકારી યંત્રોમાં પરિણમશે. આ દમન આપણા રાજકીય જીવનનાં અસત્યો અને પાખંડમાં અનિવાર્યપણે વધારો કરશે.’

ટાગોર ત્રણે વ્યાખ્યાનમાં કેટલાક મુદ્દાને સતત ઘૂંટતા રહે છે. હિંદના સંદર્ભે તો તેઓ પ્રથમ માનસના સ્વતંત્ર હોવાની જિકર કરે છે. ‘જ્યારે આપણું માનસ આઝાદ ન હોય ત્યારે રાજકીય સ્વાતંત્ર્ય આપણને મુક્તિ નથી આપતું.’ તેઓ મર્યાદિત રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી અને ભવ્ય પરંપરાના ગાનમાં વર્તમાનની વાસ્તવિકતા ચૂકે તેવા ય નથી. (ફરી વર્તમાન સમયમાં વાંચી શકાય તેવું તેઓ કહે છે.)—‘સાંપ્રત હિંદમાં મોટા ભાગના રાષ્ટ્રવાદીઓનું સામાન્ય મંતવ્ય છે કે અમો સામાજિક અને આધ્યાત્મિક આદર્શોની પરિપૂર્ણતાને આરે આવી પહોંચ્યા છીએ, સમાજઘડતરનું કાર્ય તો અમારા જન્મનાં હજારો વરસ પહેલાં થઈ ચૂક્યું છે અને હવે અમો તમામ કાર્યશક્તિને રાજકીય દિશામાં પ્રવૃત્ત કરવા મુક્ત છીએ. અમારી સાંપ્રત નિઃસહાય હાલત માટે અમારી સામાજિક ક્ષતિઓ ઉપર આળ મૂકવાનું સ્વપ્ને પણ ખ્યાલ નથી આવતો. કારણ કે, રાષ્ટ્રવાદની વિચારધારાનો સ્વીકાર કરી માનતા થયા છીએ કે સામાજિક વ્યવસ્થાને તો અમારા પૂર્વજોએ સર્વકાળ માટે આદર્શ અવસ્થા ઘડી છે.’

ટાગોરનાં આ વ્યાખ્યાનોમાં રહેલો વર્તમાન બોધ આ અનુવાદને વધુ સાર્થક કરે છે. ત્રિદીપ સુહૃદ ટાગોરના કાકુઓ, ભાષાના લયને પકડી અનુવાદભાષા રચે છે. જો ભાષાનું ગોત્ર પામ્યા વિના અનુવાદ થાય તો મૂળ પાઠમાં આઘાત સર્જાય, અહીં તેવું થયું નથી. ટાગોરનાં એ ત્રણ વ્યાખ્યાનો વર્તમાન સંદર્ભે ફરી આખા જગતને યાદ કરાવવા જેવાં છે. અત્યારના ઉન્માદી સમયમાં ટાગોર જે રાષ્ટ્રવાદની વ્યાખ્યા કરે છે તેને પુનઃ પામવી જોઈએ. પ્રસન્નતા એ પણ હોવી જોઈએ કે ગાંધીજીના સ્વતંત્રતા આંદોલન વડે જે કાર્ય-રૂપ સર્જાયું તેમાં પણ કોઈ મર્યાદિત રાષ્ટ્રવાદ નહોતો. ટાગોર અને ગાંધી પુનઃ પુનઃ પામવા-સમજવા જેવા છે તે આ પુસ્તક સંદર્ભે વાચતા થશે. અત્યારે જે રાષ્ટ્રવાદ પ્રવર્તાવવાના પ્રયાસો ચાલે છે તેના પ્રર્વતકોને સમજાવું જોઈએ કે ટાગોરનો રાષ્ટ્રવાદ તેમને વાંચી રહ્યો છે!                   

Email: bakultailor19@gmail.com

[‘नवजीवन’નો અક્ષરદેહ’, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭માંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 18-19 

Loading

ગૌરી લંકેશ

ભરત મહેતા|Opinion - Opinion|19 October 2017

૩૦મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ગોડસેએ ગાંધીહત્યા કરીને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર સામે પડકાર ઊભો કર્યો હતો. તે વખતે રાષ્ટ્રપિતાની હત્યાનો ઉત્સવ કેટલાંક સંગઠનોએ ઊજવેલો. હત્યાને ‘ગાંધીવધ’ નામ અપાયું. કંસ અને રાવણનો વધ થાય તેવી જ રીતે રાષ્ટ્રપિતાનો વધ! વળી, પછી સાંપ્રદાયિક તાકાતો કોચલામાં ભરાઈ ગઈ હતી. ઇંદિરા ગાંધીની હત્યા થઈ, એના બદલામાં શીખહત્યાકાંડમાં પુનઃ આ તાકાત સક્રિય થઈ હતી. પરંતુ ’૯૨ ડિસેમ્બર, બાબરીધ્વંસ પછી, ગુજરાતમાં રાજ્યની રહેમનજર તળે ગોધરા અનુગોધરાકાંડમાં કાયદા હાથમાં લઈ હત્યાનો કરવાનો સિલસિલો ચાલુ જ રહ્યો! એમાં ય ભા.જ.પ.ના ગુજરાતના શાસન પછી, કેન્દ્રમાં શાસન સ્થપાતાં ‘સૈયાં ભયે કોટવાલ…’ના રાગ પર આ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદીઓની પાશવી લીલાને છુટ્ટો દોર મળ્યો છે. થાનગઢ અને ઉનામાં અનુભવ થયો છે. અખલાક, જૂનૈદ કે નજીબની હત્યા ભીડ કરી નાંખે છે. કેવળ નામ જ પૂરતું છે!

આવા ઝનૂની હિન્દુત્વવાદીઓને અટકાવવા જો કોઈ ગાંધીજીની જેમ પ્રયાસ કરે, તો એમનો અંજામ પણ ગાંધીવધની જેમ જ આવે! અમે ગાંધીજીને, રાષ્ટ્રપિતાને નથી છોડ્યા, તો તમે વળી કઈ વાડીના મૂળા? આજે જે સંગઠનો ગોડસે અમારા નથી, અમારા નથી એવો દાવો કરે છે તે ગોડસેને હત્યારો ગણવા તૈયાર નથી કે નથી ગાંધીજીને શહીદ ગણવા તૈયાર. એવી જ રીતે આજે થતી હત્યાઓમાં ‘દુઃખદ’, ‘RIP’ લખી દેવાનું એકતરફ વલણ હોય અને બીજું જૂથ હવે પછીનાં સંભવિત નામો અને હત્યાની ગૂંથણી કરવામાં લાગી જાય છે.

જે પત્રકારો-લેખકો સાંપ્રદાયિકતા-અંધશ્રદ્ધા સામે લડે છે તેની હત્યાનો આ સિલસિલો નરેન્દ્ર દાભોલકરથી શરૂ થયો! ‘૪૯માં M.Sc. થયેલા, અંધશ્રદ્ધા સામે જંગે ચઢેલા સિત્તેર વટાવી ચૂકેલા લેખકની હત્યા થઈ! ત્યાર બાદ ‘ભૂમિપુત્ર’એ જે પુસ્તકનો અનુવાદ પ્રગટ કર્યો છે તે – ‘શિવજી કોણ હતા?’ તેના લેખક ગોવિંદ પાનસરેની એ પુસ્તક માટે હત્યા થઈ! ત્યાર બાદ મહાન વિદ્વાન કલબર્ગીની. જે રાજ્યોમાં આ હત્યાઓ થઈ, ત્યાં કોઈની પણ સરકાર હોય, હત્યારાઓનું જોડાણ હિંદુસંગઠનો સાથે મળી આવ્યું છે.

આ જ લોહિયાળ સિલસિલો ગૌરી લંકેશ સુધી લંબાયો છે. ગૌરી લંકેશની હત્યાપૂર્વે યુ.આર. અનંતમૂર્તિને મળેલી ધમકીઓ, ગિરીશ કર્નાડને મળેલી ધમકીઓ, મુરુગનનો કિસ્સો, સોની સુરીના મોં પર ઍસિડ ફેંકવો, પી. સાંઈનાથ જેવા વિકલાંગ અધ્યાપક પર નક્સલી હોવાનો કેસ, જેવા તો સેંકડો ઉદાહરણો છે કે જેમાં સ્વતંત્ર વિચારકોની જીવલેણ કનડગત થઈ હોય. ગૌરી લંકેશ દલિત-આદિવાસી અને લઘુમતીના પ્રશ્ને પત્રકારત્વ કરતા હતાં. કહેવાતા ‘વિકાસ’નો પર્દાફાશ કરી એમાં ચાલતાં ભ્રષ્ટાચારની વિગતો બહાર લાવતાં હતાં. એમની એફ.બી. પોસ્ટ પર જિજ્ઞેશ મેવાણી, કન્હૈયાકુમાર, ગિરીશ કર્નાડ વગેરે જોવા મળે છે. એક છબિ તો કુલબર્ગીના હત્યાના વિરોધમાં પોસ્ટર લઈને બેઠેલાં ગૌરી લંકેશની છે! જો એમને ખબર હતી કે એક દિવસ એમની હાલત આવી જ થશે છતાં એ નીડર મહિલા પત્રકારે નમતું જોખ્યું ન હતું. એમની પત્રિકાનું છેલ્લું સંપાદકીય ‘કંડા હાગી’ (જેવું મેં જોયું) હતું, જેમાં ખોટ્ટા સમાચારો (ફેઇક ન્યુઝ) શી રીતે સત્તાતંત્રો તૈયાર કરે છે તે એમણે દાખલાદલીલ સાથે બતાવેલું જે આપણે કન્હૈયાકુમાર કે એખલાકના કિસ્સામાં જોયું જ છે.

શિક્ષકદિનની રાતે બે યુવાનોએ સાત રાઉન્ડ છોડી ગૌરી લંકેશની હત્યા કરી. ત્રણ ગોળી એમને વાગી, ત્યાં જ એમનું મૃત્યુ થયું. હજુ એમની અંતિમક્રિયા પણ નહોતી થઈ, ત્યાં તો વડાપ્રધાન જેને ફોલો કરે છે, ટિ્‌વટર પર એવા એમના સાઇબરસેનાનીઓ ત્રાટકવા માંડ્યા. નિખિલ દધીચિએ એમને ‘કૂતિયા’ તો આશિષ મિશ્રાએ ‘રાંડ’ અને ‘વેશ્યા’ એવું લખવા માંડ્યું. ગુજરાતના એક પત્રકારે લખ્યું કે ‘ધર્મની રક્ષા કરવા માટે રાક્ષસોની હત્યા કરવી જરૂરી છે.’ એવું નથી કે વડાપ્રધાનનું ટિ્‌વટર અન્ય કોઈ હૅન્ડલ કરતું હોય કે કોઈ ટીમ હોઈ સ્વયં જ ટિ્‌વટ કરે છે! તો દેશના આવા યુવાનોએ મારો વડાપ્રધાન ફોલો કરે છે? રાજ્યસભામાં ડેરેક અબ્રાહમે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ તો વર્ચ્યુલ જગત છે. વાસ્તવિક જગતમાં પણ એ આસારામ કે રામરહીમને ફોલો કરતા જ હતા. એ બેઉની ટીકા કરતી એક પણ ટિ્‌વટ આજ લગી આવી નથી!

આવા વિકરાળ દિવસોમાં જે રીતે ગૌરી લંકેશ જોખમ ખેડીને લખતાં હતાં એનો આ બદલો? સ્ત્રીઓ પરત્વે ચોવીસ કલાક ‘સંસ્કૃિત’ની દુહાઈ દેનારાની આ દૃષ્ટિ? જો કે છઠ્ઠી સપ્ટેમ્બરે દેશમાં સેંકડો જગ્યાએ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાંથી હજ્જારો કલબુર્ગી અને હજારો ગૌરી લંકેશ પેદા થશે. કેટલી હત્યાઓ તમે કરશો ? કલમની તાકાતનો મુકાબલો બંદૂકની ગોળી નહીં કરી શકે, એવી પ્રતીતિ કરાવે તેવો આ પ્રતિરોધ હતો. પ્રતિક્રિયાશીલ બળો અને પ્રગતિશીલ બળો એક જ સમયે કેવાં સક્રિય હોય છે, તે આ ઘટનામાં આપણે જોયું. તેથી આપણા જેવાને હજુ નિરાશા ઘેરી વળતી નથી.

ગૌરી લંકેશને સાચી શ્રદ્ધાંજલિ તો એ જ હોય કે આપણે જ્યાં પણ હોઈએ, ત્યાં સંયોજિત સંસ્કૃિતને મજબૂત કરીએ, સંકુચિત પરિબળોને ખુલ્લાં પાડીએ અને એમનાં પગલે-પગલે લડતા રહીએ. ‘તમે વ્યક્તિને હણી શકશો, વિચારને નહીં’, વિચારનો મુકાબલો વિચારથી કરો. જેમનું માનસ જ સામંતી છે, એમને પ્રગતિશીલ વિચારો ખપતા નથી. એ રીતે જોવા જઈએ તો ગૌરી લંકેશની હત્યા, લોકતંત્રની હત્યા છે. ભારતમાતાની જય બોલાવનારાઓ જરાક વિચાર કરે તો ખબર પડશે કે ગૌરી લંકેશ ભારતમાતાનું જ એક રૂપ છે. આ ભારતમાતાની જ હત્યા છે.

તા.ક. :

ગૌરી લંકેશની હત્યા પછી ગોકીરો મચાવેલો કે એમની હત્યા નકસલવાદે કરી છે. હવે તો જે પકડાયા તે સનાતન સંસ્થાના સભ્યો છે. જે સંસ્થા દ્રારા જ દાભોલકરની હત્યા થઈ. આમ મુકત વિચારકોની હત્યાની સિલસિલાબંધ હકીકત મળી! મોદીયુગ આ અસહિષ્ણુતા માટે જવાબદાર છે. સરકાર આવા ઝનૂની તત્ત્વો તરફ આંખ આડા કાન કરીને એમને છૂટ્ટો દોર આપે છે. હજુ દાભોલકર, પાનસરે કે કલબુર્ગીના હત્યારાને સજા મળી નથી. આ ફાસીવાદનું લક્ષણ છે. જે ધર્મનિરપેક્ષ લોકતંત્રની કમ્મર તોડી નાંખે છે. વિકાસ ગમે તેટલો હોય પણ જ્યાં નાગરિક રાજકીય મત માટે મુક્ત ન હોય તો એ સામંતશાહી સમાજનો દાખલો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 09  

Loading

...102030...3,2613,2623,2633,264...3,2703,2803,290...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved