Opinion Magazine
Number of visits: 9766868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિંથુપ : નૈન સિંઘનું અધૂરું કામ પૂરું કરનારો દરજી

વિશાલ શાહ|Opinion - Opinion|23 January 2018

નૈન સિંઘ રાવતે ૧૫૦ વર્ષ પહેલાં, નેપાળ અને તિબેટમાં આવેલા હિમાલયની પર્વતમાળાઓમાં એકલપંડે પ્રવાસ કરીને સાંગપોનો નકશો તૈયાર કર્યો હતો. એ માટે તેમણે ૧૮૬૫માં કાઠમંડુથી લ્હાસા અને ૧૮૭૩માં લેહથી લ્હાસા સુધી આશરે પાંચેક વર્ષ ૩,૫૦૦ કિલોમીટર પહાડી જંગલોમાં રઝળપાટ કરી હતી.

હવે આગળ વાત.

નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે, લ્હાસાની પૂર્વે ચેતાંગ નામના પ્રદેશમાં ચીની સૈનિકોએ તેમને અટકાવી દીધા હતા. જો કે, ચીની સૈનિકોએ નૈન સિંઘને પકડી ના લીધા, પરંતુ તિબેટની વિરુદ્ધ દક્ષિણ દિશા (ભારત) તરફ જવાની ફરજ પાડી. છેવટે નૈન સિંઘે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની સરહદેથી ભારત પાછા આવવું પડ્યું. ભારત પાછા આવીને તેમણે બ્રિટિશરોને સાંગપો નદીની ઘણી બધી માહિતી તો આપી, પરંતુ લ્હાસામાં વહેતાં સાંગપોનાં વહેણ વિશે તેમની પાસે કોઈ માહિતી ન હતી. લ્હાસામાં વહેતી 'લ્હાસા' નામની નદી સાંગપોની જ ઉપ નદી છે એ વાત આજે તો ઉપગ્રહોની મદદથી સાબિત થઈ ગઈ છે, પરંતુ એ જમાનામાં નૈન સિંઘ જેવા જ બીજા અનેક સાહસિકોએ સાંગપો વિશે આવી નાની-નાની માહિતી ભેગી કરવા જોખમી પ્રવાસ ખેડવા પડ્યા હતા.

નૈન સિંઘનું અધૂરું કામ શરૂ કરનારા સાહસિકો

નૈન સિંઘ ભારત પાછા આવ્યાના બીજાં જ વર્ષે, ૧૮૭૪માં, સર્વે ઓફ ઇન્ડિયાએ આસામ ડિવિઝનનું કામ લેફ્ટનન્ટ હેનરી હરમાન નામના બ્રિટિશરને સોંપાયું. લેફ્ટનન્ટ હરમાન ભૌગોલિક બાબતોના જાણકાર, સાહસિક, ખડતલ અને ઉત્સાહી લશ્કરી અધિકારી હતા. તેમણે પૂર્વ ભારતની અનેક નદીઓનાં જુદાં જુદાં વહેણની માપણી કરી હતી. સિઆંગ નદીનો પ્રવાહ જોઈને તેમને શંકા ગઈ હતી કે, સિઆંગ નદી જ સાંગપો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ શંકાનો કીડો શાંત કરવા લેફ્ટનન્ટ હરમાને ૧૮૭૮માં નેમ સિંઘ નામનો એક યુવક તૈયાર કર્યો. નેમ સિંઘના મદદનીશ તરીકે તેમણે દાર્જિલિંગના કિંથુપ નામના બીજા એક યુવકની પણ ભરતી કરી. આ બંનેને તેમણે સિઆંગ કિનારે કિનારે ચાલીને તેનો રૂટ તૈયાર કરવાનું કામ સોંપ્યું.

કિંથુપ

નેન સિંઘ અને કિંથુપ સાંગપોની દિશામાં તિબેટના ચેતાંગ નજીક પહોંચ્યા અને ચીનના સૈનિકોની નજરથી બચીને શક્ય એટલી માહિતી ભેગી કરી. તેઓ ગ્યાલા પેરી અને નામચા બારવા પર્વતથી પણ દૂરસુદુરના વિસ્તારોમાં પહોંચી શક્યા હતા. નેન સિંઘ અને કિંથુપ પાછા આવ્યા ત્યારે તેમની પાસે સાંગપોના વધુ ૪૬૦ કિલોમીટરના રૂટની માહિતી હતી. આશરે ૧૩૯ વર્ષ પહેલાં આ બહુ જ મોટી સિદ્ધિ હતી. એ વખતે હિમાલયમાં રઝળપાટ કરનારા લોકો પાસે સર્વાઇવ થવા અત્યારના જેવા હાઇટેક ઇક્વિપમેન્ટ ન હતા.

લેફ. હરમાનને સાંગપોની માહિતીથી સંતોષ નહોતો

નેન સિંગ અને કિંથુપે સાંગપોની ૪૬૦ કિલોમીટરની માહિતીથી લેફ્ટનન્ટ હેનરી હરમાન ખુશ તો થયા, પરંતુ તેમને હજુયે સંતોષ ન હતો. સર્વે ઓફ ઇન્ડિયાએ ૧૮૮૦માં તેમને દાર્જિલિંગમાં નિયુક્ત કર્યા હતા. દાર્જિલિંગમાં પણ સાંગપોના બાકી કેટલાક રૂટનો નકશો તૈયાર કરવાની તેમની મથામણ ચાલુ જ હતી. આ કામ પૂરું કરવા લેફ્ટનન્ટ હરમાને ફરી એક વાર કિંથુપને તૈયાર કર્યો. કિંથુપ દાર્જિલિંગમાં દરજી કામ કરીને ગુજરાન ચલાવતો. એ ધંધામાં તેને ખાસ કોઈ ઉપજ ન હતી એટલે પૈસાની લાલચે લેફ્ટનન્ટ હરમાનનું કામ કરવા તૈયાર થઈ ગયો. કિંથુપ તાલીમ પામેલો એક્સપ્લોરર ન હતો, પરંતુ સાહસિક અને સમજદાર જરૂર હતો.

હિમાલયમાં કૈલાશ પર્વત નજીકથી શરૂ થતો બ્રહ્મપુત્રનો પ્રવાસ

જો કે, કિંથુપ નિરક્ષર હોવાથી લેફ્ટનન્ટ હરમાને તેની સાથે પ્રવાસ કરવા એક ચાઈનીઝ લામાને પણ તૈયાર કર્યા. આ બંને ૨૬ કિલોમીટરનો અત્યંત અઘરો પ્રવાસ કરીને તિબેટની મેડોંગ કાઉન્ટીમાં આવેલા પેમાકોચુંગ નામના ગામ સુધી પહોંચ્યા હતા. આ ગામથી થોડેક જ દૂર સાંગપો ૧૫૦ ફૂટ ખાઈમાં પડે છે અને આગળ જઈને સિઆંગ નદીનું સર્જન કરે છે, પરંતુ કિંથુપ કે ચાઈનીઝ લામા એ વાતથી અજાણ હતા.

આ પ્રવાસ સારી રીતે શરૂ થયો હતો, પરંતુ એક બૌદ્ધ મઠમાં ઉતારો કર્યો ત્યારે ચાઈનીઝ લામા કિંથુપને ગુલામ તરીકે વેચીને ગાયબ થઈ ગયા. કિંથુપ બે વર્ષ પછી ત્યાંથી છૂટ્યો અને ૫૬ કિલોમીટર દૂર મેડોંગ કાઉન્ટીમાં આવેલા મારપુંગ સુધી ભાગવામાં સફળ રહ્યો.

કિંથુપ વિપરિત સંજોગોમાં પણ લક્ષ્ય ના ભૂલ્યો

બૌદ્ધ મઠથી ૫૬ કિલોમીટર દૂર સુધી ભાગવામાં સફળ થયા પછીયે કિંથુપ બીજા કેટલાક ચાઈનીઝ લામાના હાથે ઝડપાઈ ગયો. એ વખતે કિંથુપે બૌદ્ધ ધર્મસ્થળોની જાત્રા કરવાનું બહાનું બતાવી માથાભારે લામાઓથી પીછો છોડાવ્યો. ત્યાર પછી તે સાંગપો નદી ઓળંગીને ભારત તરફના કિનારે આવી ગયો. તિબેટમાં ભારે મુશ્કેલીઓ પડ્યા પછી કિંથુપની સાંગપો નદી વિશે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ વધુ ગાઢ થઈ ગઈ હતી. કિંથુપ ગમે તે ભોગે સાંગપોનો રૂટ જાણવા માંગતો હતો. આ વાત સાબિત કરવા તેણે એક દેશી પદ્ધતિ અજમાવી.

ભારત તરફના કિનારે રખડપટ્ટી કરીને કિંથુપે લાકડાના ૫૦૦ મોટા ટુકડા તૈયાર કર્યા. એ તમામ પર ખાસ પ્રકારના પ્રતીકો ચીતર્યા અને રોજ થોડા ટુકડા સાંગપોના વહેણમાં તરતા મૂકી દીધા. કિંથુપ અભણ હતો, પરંતુ એટલું જાણતો હતો કે આસામના અફાટ મેદાની પ્રદેશમાં વહેતી બ્રહ્મપુત્રમાં આ લાકડાના ટુકડાના જોવા મળે તો સમજવું કે સાંગપો, સિઆંગ અને બ્રહ્મપુત્ર એક જ નદી છે. આ કામ પૂરું કરીને કિંથુપ સાંગપોના રસ્તે ૬૪ કિલોમીટર ચાલીને ભારતમાં પ્રવેશ્યો. હિમાલયની કોઈ ટેકરી પરથી તેણે આસામના મેદાની પ્રદેશમાં પથરાતી બ્રહ્મપુત્રના ધસમસતા વહેણને જોયું ત્યારે તેને અંદાજ આવી ગયો કે, આસામ ખીણમાં વહેતી બ્રહ્મપુત્ર જ સિઆંગ કે સાંગપો છે.

જો કે, ચાર વર્ષની રઝળપાટ પછી, ૧૮૮૪માં, કિંથુપ દાર્જિલિંગ પરત ફર્યો ત્યારે તેણે સાંગપોમાં નાંખેલા લાકડાના ટુકડાની રાહ જોવાવાળું કોઈ ન હતું. તેણે દાર્જિલિંગ પહોંચીને લેફ્ટનન્ટ હેનરી હરમાનને પત્ર લખ્યો, પરંતુ તેઓ ભારત છોડીને જતા રહ્યા હતા. કિંથુપે સાબિત કરી દીધું હતું કે, સાંગપો એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ તેની વાત પર કોઈને વિશ્વાસ ન હતો.

છેવટે છેક ૧૯૧૩માં કિંથુપને યશ મળ્યો

બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા કિંથુપે કરેલી સાહસયાત્રા તો સમય જતા ભૂલાઈ ગઈ કારણ કે, તે બ્રિટનનો કોઈ લશ્કરી અધિકારી કે વિજ્ઞાની નહોતો પણ દાર્જિલિંગના એક નાનકડા ગામનો દરજી હતો. કિંથુપ તિબેટનો પ્રવાસ ખેડીને પાછો આવ્યો તેના ત્રણ દાયકા પછી, ૧૯૧૩માં, બ્રિટિશ લશ્કરી અધિકારી ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં વણખેડાયેલા પ્રદેશોમાં જઈને સાંગપોનો વધુ એક વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલો પરથી સાબિત થયું કે, કિંથુપે આપેલી માહિતી સચોટ છે.

આ બે પુસ્તકમાં કિંથુપના પ્રવાસનું ઊંડું અને રસપ્રદ વર્ણન છે

લે. ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એચ.ટી. મોર્શિદ

અંગ્રેજી ભાષામાં હિમાલય એક્સપ્લોરેશનને લગતા સંખ્યાબંધ પુસ્તકો લખાયા છે, જેમાં બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા ખેડાયેલા સાહસ પ્રવાસોની વાત છેડાય ત્યારે નૈન સિંઘ રાવતની સાથે કિંથુપને પણ યાદ કરવામાં આવે છે. કિંથુપે આપેલી માહિતી સાચી છે એ વાત ફ્રેડરિક માર્શમેન બેઇલીએ સાબિત કરી હતી. સદ્દભાગ્યે, એ વખતે કિંથુપ જીવિત હતો અને બેઇલીએ દબાણ કર્યા પછી સર્વે ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ કિંથુપને સિમલા આમંત્રિત કરીને તેનું જાહેર સન્માન પણ કર્યું હતું. બેઇલીએ તો કિંથુપને જીવે ત્યાં સુધી પેન્શન આપવાની પણ ભારત સરકારને ભલામણ કરી હતી, પરંતુ કિંથુપ કુલ નેવું વર્ષ જીવે એવું વિચારીને સરકારે કિંથુપને એક જ વાર મોટી રકમનું ઇનામ આપવાનું મુનાસીબ સમજ્યું હતું.

કિંથુપ માન-મરતબો અને પુરસ્કારો લઈને દાર્જિલિંગ પાછો આવ્યો, તેના થોડા જ દિવસોમાં બેઈલીને  કિંથુપના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

અરુણાચલની વિખ્યાત 'બેઇલી ટ્રેઇલ'ની શોધ

કિંથુપની વાત કરીએ ત્યારે ફ્રેડરિક માર્શમેન બેઇલીની પણ વિગતે વાત કરવી જરૂરી છે. બ્રિટિશ રાજ વખતે અંગ્રેજ અધિકારીઓ અરુણાચલ પ્રદેશ, આસામ અને તિબેટના સરહદી પ્રદેશોનો નકશો તૈયાર સ્થાનિકોની મદદથી મથામણ કરતા હતા. એ વખતે અરુણાચલ પ્રદેશ 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી' (નેફા) તરીકે ઓળખાતું. આ પ્રકારના સર્વે વખતે વિવાદો થતાં બ્રિટિશ અધિકારી સર હેનરી મેકમોહને ૧૯૧૩માં સિમલામાં ભારત, ચીન અને તિબેટના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી. આ બેઠકમાં સર મેકમોહને એક કાચોપાકો નકશો રજૂ કરી નેફા અને તિબેટ વચ્ચે એક રેખા આંકી દીધી, જેને દુનિયા 'મેકમોહન લાઇન' તરીકે ઓળખે છે. ચીનના અધિકારીઓની હાજરીમાં ભારત અને તિબેટના અધિકારીઓએ આ સંધિ પર સહી કરી, પરંતુ ચીને તેનો સ્વીકાર કરવાની ના પાડી અને ત્યારથી આ સરહદી વિવાદ સતત સળગતો પ્રશ્ન છે.

બેઇલી અને મોર્શિદે ખેડેલા પ્રવાસનો રૂટ

આ તો જાણીતો ઇતિહાસ છે, પરંતુ એ પહેલાં થયું એવું કે બ્રિટિશ રાજને નેફા અને તિબેટની ભૌગોલિક માહિતી ભેગી કરીને નકશા તૈયાર કરવા હતા. આ કામ માટે તેમણે લેફ્ટનન્ટ કર્નલ ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એ.ટી. મોર્શિદની નિમણૂક કરી. મોર્શિદ તાલીમ પામેલા સર્વેયર પણ હતા. આ બંને બ્રિટિશ અધિકારી સાંગપો નદીની ખીણના કિનારે કિનારે તિબેટથી વાયા ભુતાન આગળ વધીને ભારત તરફ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશના તુલુંગ લા પાસ, પોશિંગ લા અને થેમ્બાંગ સહિતના અનેક દુર્લભ વિસ્તારોના સંપૂર્ણ નકશા તૈયાર કર્યા. આ માહિતીના આધારે સર હેનરી મેકમોહને તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે 'મેકમોહન લાઇન' ખેંચી હતી. લેફ્ટનન્ટ બેઇલીના નામ પરથી જ આ રૂટ 'બેઇલી ટ્રેઇલ' તરીકે ઓળખાય છે. ચીને ૧૯૬૨માં તિબેટથી આસામ તરફના આ રૂટ પરથી ઘૂસણખોરી કરીને ભારત સાથે યુદ્ધ છેડ્યું હતું.

ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં રખડપટ્ટી કરીને પશુ-પક્ષીઓ અને પતંગિયા વિશે પ્રચંડ માહિતી ભેગી કરી હતી. આજે ય લંડનના નેચલ હિસ્ટરી મ્યુિઝયમમાં બેઇલીએ ભેગા કરેલા બે હજાર નમૂના સચવાયેલા છે. ન્યૂયોર્કના અમેરિકન મ્યુિઝયમ ઓફ નેચરલ હિસ્ટરીમાં પણ બેઇલીના અંગત કલેક્શનનું કાયમી પ્રદર્શન કરાયેલું છે. બેઇલીએ તૈયાર કરેલા અહેવાલો, પેપર્સ અને અઢળક તસવીરોનું કલેક્શન બ્રિટિશ લાઇબ્રેરી પાસે છે.

***

આજે તો એરિયલ ફોટોગ્રાફી અને ઉપગ્રહોથી લીધેલી તસવીરોની મદદથી સાબિત થઈ ગયું છે કે, સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ એક સમયે તેનો નકશો તૈયાર કરવા આવી હીરોઇક એક્સપિડિશન્સ થઈ હતી અને એ પણ કોઈ જ પ્રકારના હાઇટેક સાધનોની મદદ વિના.

હિમાલયના વિવિધ વિસ્તારોના નકશા તૈયાર કરવા બ્રિટિશરોએ જબરો ઉત્સાહ દાખવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત છે કે, ૨૧મી સદીના ભારત પાસે આજે ય હિમાલયન ગાઢ જંગલો, પર્વતો, ઉપ નદીઓની વૈજ્ઞાનિક માહિતી નથી. આ પ્રદેશોની કુદરતી સંપત્તિનું દસ્તાવેજીકરણ હજુયે બાકી છે. સિઆંગ નદી ભારતમાં પ્રવેશીને બ્રહ્મપુત્ર બને છે એ ચોક્કસ સ્થળે પણ ૨૧મી સદીની શરૂઆત સુધી કોઈ પહોંચ્યું ન હતું, પરંતુ ૨૦૦૪માં એક ગુજરાતી સાહસિકે એ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી.

એ ગુજરાતી પ્રવાસીની વાત આવતા અંકે. 

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2018/01/blog-post_22.html

Loading

ગફૂરચાચા

નવીન બેંકર, નવીન બેંકર|Opinion - Opinion|23 January 2018

ગફૂરચાચા મારા સાખપાડોશી છે. અમે મુસ્લિમ બહુમતીવાળા કોન્ડોમીનિયમ(ફ્લેટ)માં રહીએ છીએ. ઉપરના માળે બે મુસ્લિમ ફેમિલી અને બાજુમાં એક મુસ્લિમ ફેમિલી, ઉપરાન્ત ચોથા જોડકામાં અમે એટલે કે હું અને મારી પત્ની રહીએ. અમારી અને ગફૂરચાચાની વચ્ચે એક કોમન દીવાલ છે. એક સાઈડની દીવાલ પર, બાથરુમ, ક્લોઝેટ અને સ્ટડીરૂમ પર કોમન પાર્ટિશન છે. એટલે હું એને સાખપાડોશી કહું છું.

આ ગફૂરચાચાનાં પત્નીનું નામ સકીનાચાચી. એમની પરિણીત દીકરીનું નામ ફરાહખાન અને હેન્ડસમ જમાઈનું નામ અબ્દુલ મજિદ. પણ એ પોતાને ‘સલમાનખાન’ તરીકે ઓળખાવે છે. એની પત્ની અને ઘરના સભ્યો પણ એને સલમાન તરીકે જ સમ્બોધન કરે છે. આમ તો મને ય એનું સાચું નામ ખબર જ ના પડત; પણ એક વખત મેલમેન (ટપાલી) ભૂલથી એની ટપાલ મારા મેલબૉક્સમાં નાંખી ગયો અને એમાં ‘ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી’ની અંગત નોટિસ હતી. એના પરથી મને ખબર પડી ગઈ. ફરાહ અને સલમાન યુવાન છે અને તેમને બે વહાલાં લાગે એવાં નાનકડાં સંતાનો છે. અમને ફરાહ અને સલમાન ઘણીવાર મદદરૂપ થાય છે. પલંગ કે કબાટ ખસેડવાં હોય કે પાર્કીંગલૉટમાંથી તેલનો ડબ્બો અને ચોખાની ગુણ ઘરમાં લાવવી હોય, ત્યારે સલમાન જ કામ લાગે. એ લોકો પોતાને અસલી મુસ્લિમ ગણાવે છે. ‘અમે આગાખાની નથી. અમે તો હૈદ્રાબાદના ‘સૈયદ’ છીએ’. જેમ મારી પત્ની પણ પોતાને ‘અસલી વૈષ્ણવ (મરજાદી)’ ગણાવે છે તેમ. પાડોશી તરીકે લાગણીના સમ્બન્ધ ખરા; પણ રોટી-વહેવાર નહીં. ફરાહ કમ્પ્યુટર પ્રોગ્રામર છે અને સલમાન એન્જીિનયર છે. બન્ને જૉબ કરે છે. ગફૂરચાચા અને સકીનાચાચી ઘરમાં જ રહે. બન્ને કાર ચલાવતાં નથી અને અંગ્રેજી પણ નથી શીખ્યાં – મારી પત્નીની જેમ જ.

હવે આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે મૂળ વાત પર આવીએ.

ગફૂરચાચાને પહેલાં તો હું સલમાનનો બાપ સમજતો હતો, પછી ખબર પડી કે એ સલમાનનો સસરો છે અને એ ફરાહનો બાપ છે. દીકરી, માબાપને રાખે છે. ગફૂરચાચાના ત્રણે દીકરા જુદાં જુદાં શહેરોમાં નોકરી કરે છે અને પોતાની પત્નીઓ સાથે અલગ રહે છે. અમેરિકામાં ઘરડાં માબાપ સિટિઝન ન થયાં હોય ત્યાં સુધી એમને મેડિકલ, ફૂડકુપન, સોશ્યલ સિક્યોરિટીના લાભો મળે નહીં. એટલે દીકરાઓને, માબાપનો ‘ભાર’ ઉઠાવવો પાલવે નહીં. અમદાવાદમાં પણ હું ઘણાં અપંગ ઘરડાં માબાપને ઓળખું છું કે જેમના દીકરા અને દીકરીઓ અમેરિકામાં ખાધેપીધે સુખી હોવા છતાં; અપંગ માબાપને બોલાવતાં નથી; કારણ કે એ લોકો આવે તો એમના પહેલાં ત્રણ કે પાંચ વર્ષનો ભાર તો સંતાનોએ જ ઉપાડવો પડે ને !

ગફૂરચાચાને હું જતાં–આવતાં જોતો. ક્યારેક પાર્કીંગલોટમાં કારને અઢેલીને સિગરેટ ફૂંકતા હોય તો ક્યારેક જમાઈની કારમાં મોહમ્મદ રફીનાં ગીતો સાંભળતા હોય. ક્યારેક મેલબૉક્સ પાસેની ફૂટપાથ પર, ગાર્બેજ કેન નજીક પલાંઠી વાળીને બેઠા હોય અને સિગરેટ ફૂંકતા હોય. છ ફૂટ બે ઈંચની ઊંચાઈ, સફેદ લાંબી દાઢી, ભરાવદાર સફેદ વાળ, અને મુસ્લિમ ડ્રેસમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ ચાચાને જોઈને, મારી મરજાદી પત્નીને બીક લાગે. એને એમાં કોઈ આતન્કવાદી દેખાય. અમે ૧૯૭૯ની સાલમાં, પહેલીવાર ન્યૂયોર્ક આવેલાં ત્યારે પણ એને ‘કાળિયાઓને’ જોઈને ડર લાગતો. ટીવી પર બધા શોમાં ગુનેગારો મોટે ભાગે કાળિયા જ હોય. એટલે એના મનમાં એવી વાત ઠસી ગયેલી.

ગફૂરચાચા સવારમાં ઊઠીને, બહાર પરસાળમાં આરામખુરશી પર ટેલિફોન લઈને જમાવી દે અને એમના જેવા નવરા ડોસાઓ સાથે લાંબી લાંબી વાતો કરે – મોટેમોટેથી. આ પરસાળ શબ્દ ઘણાંને નહીં સમજાય. અમારા કોન્ડોમીનિયમ(ફ્લેટ)માં અમારું ઘર, નીચેના ફ્લોર પર છે એટલે અમને પ્રવેશદ્વાર પાસે લોબી મળે. આ લોબી એટલે જ પરસાળ. મારી પરસાળમાં મારી પત્ની મારાં જૂનાં મેગેઝીનો, પુસ્તકો, જૂતાં, તુલસીનો છોડ, લીમડો ને એવું બધું મૂકે છે. એટલે મારે માટે આરામખુરસી મુકવાની જગ્યા નથી. પણ મારા દીવાનખંડમાં સોફામાં બેઠાંબેઠાં, મને ગફૂરચાચાની બુલંદ અવાજે થતી વાતો સંભળાય. અસ્સલ હૈદ્રાબાદી ઉર્દૂ લઢણમાં બોલાતી વાતો મીઠી લાગે. કોમેડિયન મહેમૂદની ઘણી ફિલ્મોમાં એ ભાષા સાંભળવા મળતી હતી – ખાસ કરીને ‘કુંવારાબાપ’ ફિલ્મમાં. હ્યુસ્ટનના હૈદ્રાબાદી મુસ્લિમ ડૉક્ટરો પણ એ ભાષા બોલતા હોય છે. હેરીસ કાઉન્ટીમાં ટેલિફોન માટે ‘વોનેજ’ની સગવડ હોવાથી ચાચાની વાતો કલાક-દોઢ કલાક લાંબી ચાલે. એમની ઉંમરમાં પ્રાઇવસીની તો જરૂર હોય જ નહીં ને ! હું  વિશિષ્ટ લોકોની બોલીની મીમિક્રી સરસ કરી શકું છું; એટલે મને આ વાતો ન્યુસન્સ નહોતી લાગતી. ગફૂરચાચાને કારણે મને જીવંત પાડોશનો અહેસાસ થતો.

આટલા સારા સમ્બન્ધો હોવાં છતાં; મારી પુષ્ટીમાર્ગીય મરજાદી પત્નીની બીકે, મેં ક્યારે ય એમના ઘરમાં પ્રવેશ નહોતો કર્યો.

બે ત્રણ દિવસથી ચાચાનો અવાજ નહોતો સંભળાયો. એટલે મને થયું કે ચાચા બીમાર તો નહીં પડ્યા હોય ને ! હોસ્પિટલાઈઝ તો નહીં થયા હોય ને !

મેં, એમના જમાઈ સલમાનખાનને ફોન કર્યો તો જાણવા મળ્યું કે ગફૂરચાચા તો હૈદ્રાબાદ ગયા છે અને છ માસ પછી આવશે! સકીનાચાચી નથી ગયાં. ૭૩ વર્ષના ચાચા, ૬૫ વર્ષની પત્નીને મૂકીને આટલા લાંબા સમય માટે ઇન્ડિયા કેમ ગયા? તો .. એમની સકીનાચાચીએ જવાબ આપ્યો કે : દીકરીનાં બે તોફાની બારકસોને સાચવવા માટે એમને અહીં રહેવું પડ્યું.

મેં સકીનાચાચીને કહ્યું, ‘મારે મારી મરજાદી પત્ની સાથે ગમે તેટલા મતભેદો હોય; પણ હું એને આ ઉમ્મરે એકલી તો ઇનડિયા ન જ જવા દઉં. કોણ જાણે ક્યારે આ જિન્દગીની શામ કયા ખૂણામાં ઢળી પડે !’

આ ચાચાની એક આડવાત કરી દઉં. મને ઝડપથી ચાલીને પાર્કીંગ લોટમાં કાર ચલાવતાં કે મોટેથી મોહમદ રફીસાહેબનાં દર્દીલાં ગીતોની ટેપ સાંભળતાં કે સિસોટીમાં એ ગીતોને વગાડતાં સાંભળીને ગફૂરચાચાએ મને એકવાર કહેલું કે : ‘તમે તો નવીનભાઈ હજી જુવાન છો, એટલે આ સિસોટી વગાડી શકો છો અને કાર ચલાવતા હોવાને કારણે તમારે ઘરમાંયે પુરાઈ રહેવું નથી પડતું એટલા નસીબદાર છો.’ ત્યારે મેં એમને કહેલું : ‘ચાચા મને તો  ૭૭ વર્ષ થયા. હું જુવાન ક્યાં છું ?’ ગફૂરચાચાએ કહ્યું હતું : ‘તો તો તમે મારાથી ચાર વર્ષ મોટા છો અને તમે મને ચાચા કહો છો? હવેથી માત્ર ગફૂર જ કહેવાનું.’ પણ હું એમને ક્યારે ય ગફૂર ન કહી શક્યો.

હવે મને એમની ટેલિફોન પરની, બુલંદ અવાજે થતી વાતોનો અવાજ સંભળાતો નથી અને ખાલી ખાલી પાડોશનો અહેસાસ થયા કરે છે.

સલામ આલેકુમ, ગફૂરચાચા !

સર્જક–સમ્પર્ક : 6606 DeMoss Dr. # 1003,  Houston, Tx-USA-77074 • eMail : navinbanker@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 392 –January 21, 2018

Loading

અસ્વીકૃતિમાં ઉઠેલા હાથ, એ જ ખરો દેશપ્રેમ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 January 2018

 ઇન્દિરા ગાંધીની કટોકટી (1975થી 1977) દરમિયાન જેલોમાં બંધ કરવામાં આવેલા વિરોધ પક્ષોના નેતાઓનો એક કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. કટોકટીમાં પ્રતિબંધક ધારા હેઠળ નેતાઓની ધરપકડ કરાઈ હતી. એ નેતાઓ એમની કેદને પડકારવા કોર્ટોમાં આવી શકે તે માટે તેમને છોડવામાં આવે તેવી માગણી સાથે રીટ પિટિશનો કરવામાં આવી હતી. એમાં પ્રશ્ન એવો ઊભો થયો કે, કટોકટીના જાહેરનામામાં મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હોય તો અટકાયતોને પડકારવાનો અધિકાર રહે ખરો?

દેશની જુદી જુદી 9 હાઈકોર્ટોએ આવી રીટને દાખલ કરી એટલે સરકાર (ઇન્દિરા ગાંધી, એમ વાંચો) અપીલમાં ગઈ. એ.ડી.એમ. વિ. કાન્ત શુક્લા તરીકે જાણીતો આ કેસ સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચ પાસે આવ્યો ત્યારે, બેન્ચે બહુમતીથી (વિવાદાસ્પદ કહી શકાય તે રીતે) એવું ઠરાવ્યું કે, કટોકટી હેઠળના દેશમાં કોઈ પણ વ્યક્તિ એની આઝાદી કે જીવન બચાવવા સરકાર સામે કોર્ટનો આશરો લઈ ન શકે.

તમને જો યાદ હોય તો હમણાં ઑગસ્ટ મહિનામાં સમાચાર આવ્યા હતા કે, સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચ પૈકીના એક જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે તેમના જ પિતા વાય.વી. ચંદ્રચૂડનો એક ચુકાદો ઊલટાવીને ઠરાવ્યું હતું કે, જિંદગી અને નિજી સ્વતંત્રતા એ માનવ અસ્તિત્વનું અભિન્ન અંગ છે, અને એ પ્રકૃતિદત્ત મૂળભૂત અધિકાર છે. આ વાય.વી. ચંદ્રચૂડ એટલે કટોકટીની પેલી બેન્ચના એક સદસ્ય, જેણે ઇન્દિરા ગાંધીની ફેવરમાં ચુકાદો આપીને કહ્યું હતું કે, ‘વ્યક્તિનું સ્વાતંત્ર્ય કાનૂનથી બંધાયેલું અને નિયંત્રિત છે.’ દીકરાએ આ ચુકાદાને દોષપૂર્ણ ગણાવીને સુલટાવી દીધો હતો.

42 વર્ષ પહેલાં પાંચ જજની બેન્ચ કટોકટીનો આ ચુકાદો તોળતી હતી ત્યારે, તે પૈકીના એક જસ્ટિસ હંસરાજ ખન્નાએ પણ આવો જ ભિન્ન મત વ્યક્ત કર્યો હતો, જેના કારણે એમને SCના મુખ્ય ન્યાયમૂર્તિનું પ્રમોશન મળ્યું નહોતું, અને બહુમતી જજથી અલગ મત વ્યક્ત કરવાને કારણે કાનૂની-રાજકીય જગતમાં જે વિવાદ થયો તેથી રાજીનામું પણ આપવું પડ્યું હતું. એ ઇન્દિરા ગાંધીની સ્ટાઈલનો ‘ન્યાય’ હતો.  મજાની વાત એ છે કે, જસ્ટિસ ખન્નાને એમના ભિન્ન મત માટે આજે પૂરી દુનિયામાં યાદ કરવામાં આવે છે. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ સમાચારપત્રએ ત્યારે લખ્યું હતું, ‘ઇન્દિરા ગાંધી જો સ્વતંત્રતા અને લોકશાહીને પાછી લઈ આવશે તો, કોઈક જસ્ટિસ એચ.આર. ખન્નાનું સ્મારક ઊભું કરશે.’

ઇન્દિરાએ લાદેલી કટોકટીમાં પકડાયેલા કોઈ વ્યક્તિને કોર્ટની મદદ માગવાનો અધિકાર નથી, એવા બહુમતી ચાર જજનાં તારણ સાથે અસહમત થતાં જસ્ટિસ ખન્નાએ ત્યારે નોધ્યું હતું:

‘ભારતનું સંવિધાન અને કાનૂન, જીવન કે સ્વતંત્રતાને વહીવટદારની સરમુખત્યારીનું મોહતાજ નથી બનવા દેતું. અહીં કાનૂની નિયમ દાવ ઉપર છે. સવાલ એ છે કે, જે કાનૂન કોર્ટની સત્તા મારફતે બોલી રહ્યો છે, તેનું ગળું દબાવીને ખામોશ કરી દેવાય? કાનૂની નિયમ મનમાનીનો વિરોધી છે. દરેક સભ્ય સમાજમાં એ સ્વીકાર્ય છે. મુક્ત સમાજની એ નિશાની છે. નિજી સ્વતંત્રતા અને જાહેર વ્યવસ્થા વચ્ચે એ સંતુલન બનાવી રાખે છે. સુનાવણી વગરની કેદ એ નિજી સ્વતંત્રતાના પ્રેમીઓ માટે અભિશાપ છે.’

હંસરાજ ખન્નાના આ જાણીતા કિસ્સામાં એક મહત્ત્વનો શબ્દ હતો; ભિન્ન મત, એટલે કે ડિસેન્ટ. કાનૂન વ્યવસ્થામાં (ખાસ કરીને બેન્ચ બેઠી હોય ત્યારે) બહુમતી જજના ચુકાદા કરતાં જુદો મત (એટલે કે અસહમતી) વ્યક્ત કરવાની પ્રથા બહુ જૂની અને જાણીતી છે. અમેરિકન સુપ્રીમ કોર્ટમાં તો એક જજ ભિન્ન મત લખે તો, બાકીના જજ એના ઉપર હસ્તાક્ષર પણ કરે તેવી પ્રથા છે. આપણે ત્યાં હમણાં ટ્રિપલ તલાક ઉપર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચનો ચુકાદો આવ્યો ત્યારે, ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરે બાકીના જજોથી અલગ પડીને ભિન્ન મત આપ્યો હતો કે, તત્કાળ તલાક આપવાનો મુસ્લિમોને સંવેધાનિક અધિકાર છે. (બહુમતી ચુકાદો એવો હતો કે, આ પરંપરા ગૈરસંવેધાનિક છે અને કાનૂન સામે સૌને સમાન માનતી કલમ 14નો ભંગ કરે છે).

સુપ્રીમ કોર્ટના જે કોર્ટરૂમ 2માં એચ.આર. ખન્નાની તસવીર સજાવાયેલી છે, એ જ કોર્ટરૂમમાં આજકાલ જે. ચેલ્મેશ્વર બિરાજે છે, જેમણે ગયા સપ્તાહે અન્ય ત્રણ સાથીઓ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમ.બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સાથે મળીને મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં અસહમતી વ્યક્ત કરી હતી. મીડિયા સમક્ષ આવીને ‘લોકશાહી ખતરામાં છે’ એવી ગંભીર ભાવના સાથે સુપ્રીમ કોર્ટમાં ચાલતી ‘ગડબડી’ને વ્યક્ત કરવાનો એમનો આ ભિન્ન મત એટલો અભૂતપૂર્વ હતો કે, દેશમાં એક સાથે એવો અવાજ પણ ઊઠ્યો કે, જજ સાહેબોએ જાહેરમાં ગંદા લૂગડાં ધોયાં એ બરાબર તો નહોતું જ.

આવો ભિન્ન મત આ રીતે બહાર આવ્યો હોય એ ઘટના ભલે આઘાતજનક લાગતી હોય, પણ પ્રવર્તમાન સમાજમાં વ્યાપ્ત કુંઠા અને હતાશાનો એ ચાર જજોના અવાજમાં પડઘો છે. ભારતીય સમાજમાં ભિન્ન મતનું ગળું ઘોંટી દેવાયું છે એ હકીકત છેક સુપ્રીમ કોર્ટ સુધી અસર કરી ગઈ છે, અને એટલે જ ચાર જજ સાહેબોએ ફરિયાદ કરી કે, બધું બરાબર નથી ચાલતું એવી અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈ રહી છે (એ કાન બહેરા કરી દેવામાં આવ્યા છે, એવું બિટવીન ધ લાઈન્સ વાંચવું). છેલ્લા ઘણા વખતથી ચૂંટણી પંચ, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ અને સરકારથી સ્વતંત્ર કહેવાય તેવું મીડિયા સંદેહના ઘેરામાં આવ્યું છે. ગયા સપ્તાહે જ આ જ કૉલમમાં આર્મીની વાત લખી હતી, જેને રાજનીતિનો સાપ સૂંઘી ગયો છે.

એક સામાન્ય વ્યક્તિથી લઇને કોઈ મોટી સંસ્થા દેશ વિશે, સમાજ વિશે કે સરકાર વિશે કોઈ પણ ટીકા-ટિપ્પણ કરી શકાતી નથી. કરે છે તો એને વિરોધી કહીને ઉતારી પાડવામાં આવે છે. ચાર જજોએ એમનો ઉકળાટ ઠાલવ્યો ત્યારે તત્કાળ એમને સરકાર-વિરોધી કહીને જાત-જાતનાં સંબોધનોથી નવાજવામાં આવ્યા હતા. કદાચ આપણે ભૂલી ગયા છીએ કે, ભિન્ન મત એ વિરોધ નથી, ચાહે એ દેશનો હોય કે સરકારનો. આ દેશ જ ભિન્ન મતની બુનિયાદ ઉપર મહાન થયો છે.

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એમના જમાનાની રૂઢિઓથી અલગ પડ્યા હતા, અને એક મહાન આધ્યાત્મિક પરંપરાનો જન્મ થયો હતો. 8મી સદીના અંધવિશ્વાસથી ભરપૂર હિંદુ સમાજમાં આદિ શંકરાચાર્યનો વિરોધી અવાજ ઊઠ્યો, અને સનાતન ધર્મ ફરીથી જીવંત થયો. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની બુનિયાદ 1857ના ભિન્ન મતમાં ચણાઈ હતી. ગાંધી હોય કે નેહરુ કે બોઝ કે તિલક હોય, એ પછી ભિન્ન મતના અનેક સૂર ઊઠ્યા હતા.

સ્વતંત્ર ભારતમાં સૌથી મોટો ભિન્ન અવાજ જયપ્રકાશ નારાયણનો હતો, જેમણે લોકશાહીનાં મૂળિયાં મજબૂત કર્યાં હતાં. ચક્રવર્તી રાજગોપાલાચારી પહેલા નેતા હતા, જેમણે નેહરુ અને ઇન્દિરાના રશિયા-સ્ટાઈલ કારભાર સામે અસહમતી વ્યક્ત કરી હતી, અને જેનું પરિણામ 1991માં પી.વી. નરસિમ્હા રાવ અને મનમોહન સિંહના ઉદારીકરણમાં આવ્યું હતું, જેના કારણે આપણે દુનિયાભરની ચીજ-વસ્તુઓનાં સુખ ભોગવી રહ્યા છીએ.

આ બધા ભિન્ન મત રાષ્ટ્રવિરોધી હતા? બ્રિટિશ શાસનમાં ‘કમાન્ડ અને કન્ટ્રોલ’ની નીતિ હતી, અને એની સામે વિદ્રોહ કરીને આપણે એવા મુક્ત દેશનું સર્જન કર્યું હતું, જેમાં દરેક વ્યક્તિ મુક્ત રીતે વિચારી અને બોલી શકતો હતો. એક વિચાર સામે અસહમતી હોય તો એનો વિરોધ પ્રતિ-વિચારથી થાય, નહીં કે એ વિચારનારને મૌન કરી દેવામાં. ચાર જજ સાહેબોએ એ જ તંદુરસ્ત પરંપરાને અનુસરીને એમનો અસહમતીનો ઉઠેલો અવાજ આપણને સંભળાવ્યો છે. આપણે આપણા કાન બંધ ન કરી દઈએ તો સારું. રાષ્ટ્રનું ખરું અહિત જ બહેરાપણામાં છે, બોલવામાં નહીં.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 21 જાન્યુઆરી 2018

Loading

...102030...3,2573,2583,2593,260...3,2703,2803,290...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved