Opinion Magazine
Number of visits: 9766538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિ, વાર્તાકાર, કલાકાર સ્વ. ઊજમશી પરમાર

અજય પાઠક|Opinion - Opinion|2 February 2018

હિમાવન, પાલડી-અમદાવાદ(ઈ.સ. ૧૯૬૯)થી શ્રી કૈલાસ ગુરુકુળ – મહુવા વાયા ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ જેવાં સ્થળોએ વારંવાર, સાતત્યપૂર્ણ રીતે મળવાનું બનતું રહ્યું હતું, તેવા સાહિત્યકારમિત્ર સ્વ. ઊજમશી પરમાર ‘નિરીક્ષક’ના માધ્યમથી પરિચયમાં આવ્યા હતા. પ્રબોધ ચોકસીએ રાજીનામું આપતાં સુરેન્દ્ર કાપડિયાએ કાર્યકારી સંપાદનકાર્ય સંભાળ્યું હતું તે દિવસોમાં ઊજમશી પરમાર ‘નિરીક્ષક’ માટે વાર્તા લઈને હિમાવન ખાતે આવતા હતા, તેમાંથી પરિચય. તે દિવસોમાં જીવરાજપાર્ક ખાતે તેમના રહેઠાણે પ્રાગજીભાઈ પટેલ (નિરીક્ષક-કર્મચારી) સાથે એક રવિવારે જવાનું બન્યું હતું. ત્યારે તેમણે તેમનાં રેખાંકન / ચિત્રો બતાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે પ્રબોધ ચોકસીએ ‘નિરીક્ષક’માં ચિત્રો/ રેખાંકનો છાપ્યાં છે.

પછીથી છેલ્લાં ૧૫-૧૭ વર્ષથી ગુજરાતી સાહિત્ય પરિષદ-મધ્યસ્થ સમિતિ તેનાં અધિવેશનો, જ્ઞાનસત્રોમાં નિયમિતપણે મળવાનું બનતું, તેમનો વાતો કરવાનો, ગાવાનો, આત્મપરિચય કરાવવાનો, સહજ-સરળ સ્વભાવ અમને વન-વે ગોષ્ઠિ તરફ લઈ જતો. પોતાનાં ગીતો સારી રીતે ગાતાં તે તો ખરું જ, પણ ફિલ્મીગીતો પણ ગાતાં. તે અંગેનું તેમનું જ્ઞાન સારું હતું. તેમનાં કાવ્યો મને ખૂબ ગમ્યાં છે. તેમની કલા- કારીગરી પણ નોંધપાત્ર હતાં. ચર વાર્તાસંગ્રહ, બે કાવ્યસંગ્રહ, એક નવલકથા તેમનું પ્રદાન.

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 15

Loading

ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણીની દિશામાં

ગંભીરસિંહ ગોહિલ|Gandhiana|2 February 2018

મહાત્મા ગાંધીનું સ્મરણ દેશ માટે અણમોલ સંપત્તિ સમાન છે. લોકો માને કે ન માને ગાંધી આ દેશને માટે પ્રેરકબળ બની રહ્યા છે, દિશાઓ ચીંધતા રહ્યા છે. ગાંધીજી વિના પણ દેશને સ્વતંત્રતા મળી ગઈ હોત ખરી, પણ તેનું સ્વરૂપ કેવું હોત તે કલ્પી શકાય તેમ નથી. અખંડ ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું તે પછીનો પ્રદેશ પણ અકબંધ રહી શક્યો હોત કે કેમ તેની કલ્પના થઈ શકે તેમ નથી. કેમ કે હિંદ છોડતી વેળાએ બ્રિટિશરો તેના હિંદુ, પાકિસ્તાન અને રાજવીસ્તાન એમ ત્રણ ભાગ કરવા માગતા હતા. ગાંધીજીની લડતોમાં તાલીમ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ જ તેને એકસૂત્ર રાખી શક્યા.

૧૯૬૯માં ગાંધી-શતાબ્દી આયોજનબદ્ધ રીતે ઊજવાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થયા હતા. ૧૯૯૪માં પણ ગાંધી સવાશતાબ્દીના કાર્યક્રમો યોજાયા હતા. હવે ૨ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીજીના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થશે, તે વેળાએ ૨ ઑક્ટોબર, ૨૦૧૮થી ૨ ઑક્ટોબર, ૨૦૧૯ સુધીની એક વર્ષ ચાલે તેવી ગાંધી સાર્ધશતાબ્દીની ઉજવણીનું આયોજન થશે. ૨ ઑક્ટોબર, ૨૦૧૮ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ગણાશે. તે પછીનું એક વર્ષ એટલે ગાંધી સાર્ધશતાબ્દીનું વર્ષ. શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણીમાં જે ખૂટતી કડીઓ રહી ગઈ હોય તે આ વખતે પરિપૂર્ણ કરી શકાશે.

૨ ઑક્ટોબર, ૧૯૧૮ના રોજ ગાંધીજીના જન્મની ૫૦મી વર્ષગાંઠ આવતી હતી. તે વખતે ગાંધીજી થોડાં વર્ષથી દક્ષિણ આફ્રિકાની હિંદના વસાહતીઓ સફળ થયેલી લડતો વગેરે કાર્યક્રમો પૂરા કરી દેશમાં આવ્યા હતા. તે દરમિયાન ૧૯૧૭માં તેમણે બિહારમાં ચંપારણ વિસ્તારનો ગળીની ખેતી સામેનો સફળ સત્યાગ્રહ પૂરો કર્યો હતો. દેશભરમાં ગાંધીજીનો આવકાર પામેલો પહેલો સત્યાગ્રહ હતો. તેનાથી અંગ્રેજ માલિકો માટે ફરજિયાત ગળીની ખેતી દ્વારા જેમને પરેશાની સહન કરવી પડતી હતી, તેવા ગિરમીટિયા ખેતીકારોને મુક્તિ મળી. પરંતુ ગાંધીજીની ૫૦મી વર્ષગાંઠ કે તેમના ૨ ઑક્ટોબર, ૧૯૧૮થી ૨ ઑક્ટોબર, ૧૯૧૯ સુધીના રજતવર્ષની કોઈ ઉજવણી થઈ ન હતી. ગાંધીજી ત્યારે દેશની વિવિધ સમસ્યાઓ સાથે કામ પાડી પ્રવૃત્ત રહ્યા હતા.

જો કે ૨ ઑક્ટોબર, ૧૯૧૯ના રોજ ગાંધીજીનાં સતત પ્રવૃત્ત એવાં ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. આ શુભપ્રસંગે મુંબઈના વિલેપાર્લે વિસ્તારના ભગિનીસમાજના આશ્રયે, વનિતાવિશ્રામ નામના સ્થળે સ્ત્રીઓની જાહેરસભા યોજવામાં આવી હતી, જેમાં ગાંધીજીને જાહેર પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦,૧૦૦ની થેલી અર્પણ કરવામાં આવી હતી. આ પછી ૧૯૨૯ની ૭મી સપ્ટેમ્બરે આ સંસ્થાના ભગિની સેવામંદિરના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માટે ૧૯૧૯માં ગાંધીજીને થેલીરૂપે જે રકમ આપવામાં આવી હતી, તે રકમ તેમણે પોતે હાજર રહીને મકાનના કામ માટે અર્પણ કરી.

૨ ઑક્ટોબર, ૧૯૪૪ના રોજ ગાંધીજીના જન્મને ૭૫ વર્ષ થતાં હતાં, ત્યારે તેની કોઈ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી ન હતી. તે દિવસે જન્મદિવસના અભિનંદન રૂપે તેમને ઘણા સંદેશાઓ મળ્યા હતા. તેમાં વિશ્વ વિખ્યાત અંગ્રેજી ભાષાનાં નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનો સંદેશો મહત્ત્વનો હતો. તે દિવસે એકત્ર થઈ ચૂકેલી કસ્તૂરબા સ્મારકફંડની થેલી ગાંધીજીને અર્પણ કરવામાં આવી હતી.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૧૮૬૯ની ૨જી ઑક્ટોબરે પોરબંદરમાં થયો, ત્યારે તેમના ભવિષ્યના મહિમાવંત જીવનની કોઈને કલ્પના ન હતી. ઉપર જોયું તે પ્રમાણે તેમની ૫૦ અને ૭૫મા વર્ષની ઉજવણી પણ મર્યાદિત સ્વરૂપે જ થઈ હતી, જે ઘણું સ્વાભાવિક છે. પરંતુ તે પછીની શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણી પછી હવે ગાંધીજીનાં જન્મને ૧૫૦ વર્ષ થાય ત્યારે તેમની સાર્ધશતાબ્દીની ઉજવણી રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય આયોજન સાથે થાય તેવી અપેક્ષા રાખી શકીએ.

દેશમાં સર્વત્ર મૂલ્યોને ઘસારો લાગી રહ્યો છે. ખાદીના લેંઘો-ઝભ્ભો પહેરવા માત્રથી ગાંધીને પામવાનું શક્ય નથી. ગાંધીને વાંચ્યા કે સમજ્યા વિના ભાષણ ઝાડવાથી ગાંધીનો ખ્યાલ આપી શકાતો નથી. પક્ષીય રાજકારણથી માંડીને સંસ્થાઓના સંચાલન સુધી સર્વત્ર મૂલ્યો ઉળેખાતાં જાય છે. તેનું પુનઃસ્થાપન આજની તાતી જરૂરિયાત છે. ગાંધી સાર્ધ-શતાબ્દીએ આ દિશામાં વિચારવાનું થાય તો ગાંધીને યોગ્ય અંજલિ આપી ગણાશે.

[સપ્રેસ, ૧૬-૧-૨૦૧૮માંથી સાભાર]

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 16

Loading

હિન્દુ કોમવાદને ફૂલવા અને ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે

રમેશ ઓઝા|Gandhiana|2 February 2018

આપણે જોયું કે ગાંધીજીની હત્યાના પ્રયાસ વારંવાર કરવામાં આવતા હતા.

પાકિસ્તાન અને પંચાવન કરોડ રૂપિયાનો પ્રશ્ન ઉપસ્થિત પણ નહોતો થયો એ પહેલાંથી હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હત્યાના દરેક પ્રયાસમાં એક જ પ્રાંતના, એક જ શહેરના, એક જ કોમના એટલે કે બ્રાહ્મણોના અને ૧૯૩૪નો અપવાદ છોડીને એક જ ટોળકીનો હાથ હતો.

આની વિગતો પોલીસના ચોપડે નોંધાયેલી છે. એના અહેવાલો વિગતે અખબારોમાં પ્રકાશિત થયા છે. ગાંધીજીની હત્યાના વારંવાર કરવામાં આવતા પ્રયાસો વિશે ઊહાપોહ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પરા કોટીના વિદ્વાન આચાર્ય જાવડેકરે ગાંધીજીની હત્યાના પ્રયાસ પાછળની કારણમીમાંસા કરી છે. આ બધી વાતની મહારાષ્ટ્રની પ્રજાને જાણ હતી એટલે જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. બહુજન સમાજે બ્રાહ્મણોનાં ઘરોને આગ ચાંપી હતી. સાને ગુરુજીએ ગાંધીજીની હત્યા પછી પ્રાયશ્ચિત્ત કરવા ઉપવાસ કર્યા હતા. સાને ગુરુજી મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ચિત્પાવન બ્રાહ્મણ હતા એટલે તેમને એમ લાગ્યું હતું કે તેઓ આડકતરી રીતે ગાંધીજીની હત્યામાં ભાગીદાર છે.

આ બધું આટલું ઉઘાડું હોવા છતાં ઉઘાડું સત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું અને અસત્ય ચલણી બની ગયું. આની પાછળનાં ત્રણ કારણો મુખ્ય છે. એક તો એ કે આ લખનાર જેવા ઉદારમતવાદીઓ પ્રતિવાદ કરવામાં ઓછા પડ્યા. ગાંધીજીની વિરાટતા પર ભરોસો રાખીને અસત્યની ઉપેક્ષા કરી. આની ચર્ચા આગળના લેખમાં આવી ગઈ છે.

બીજું કારણ એ કે આપણી અંદર બ્રાહ્મણ કે દલિત, હિન્દુ કે મુસ્લિમ, આર્ય કે દ્રવિડ, મરાઠી કે ગુજરાતી જેવું કોઈક બેઠું છે જે આપણી અંદરના માણસને માણસ બનતાં રોકે છે. ગાંધીજી વિરાટ બનવાની ઉઘરાણી કરતા હતા અને આપણે આપણી સંકુચિત ઓળખ છોડવી નથી એટલે આપણે ગાંધીજીને પોતીકા કર્યા નથી. જે પોતાના ન હોય તેના વિશે કાંઈ પણ કહેવામાં આવે આપણને શો ફરક પડે છે? આમ ઓળખોમાં વહેંચાયેલા દેશમાં ગાંધીજી કોઈના નથી અને કોઈને પરવડતા નથી.

ત્રીજું કારણ એ છે કે હિન્દુઓમાં એક વર્ગ એવો છે જે એમ માને છે કે મુસલમાનોના કોમવાદને અંકુશમાં રાખવા હિન્દુ કોમવાદીઓનું હોવું જરૂરી છે. આપણને કોઈ હિન્દુ રાષ્ટ્ર જોઈતું નથી, પરંતુ મુસલમાનોને સખણા રાખે એવા થોડા હિન્દુ હોવા જોઈએ. સરદાર પટેલ સહિતના દિગ્ગજ કૉન્ગ્રેસી નેતાઓ આમ માનતા હતા અને આજે પણ કેટલાક લોકો આમ માને છે. તેઓ હિન્દુ કોમવાદીઓને આડકતરી મદદ કરે છે, આંખ આડા કાન કરે છે અને તેઓ જ્યારે સત્તામાં હતા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરના પ્રતિબંધો ઉઠાવીને અને બીજી અનેક રીતે મદદ કરી હતી. તેઓ હિન્દુ કોમવાદને ટકાવી રાખવા માગતા ગાંધીજનો હતા કે જેથી વખત આવ્યે કામ આવે. (ગાંધીજીને આની પાછી જાણ હતી કે કોણ શું કરે છે) એક વાત નક્કી કે હિન્દુ કોમવાદને ફૂલવા-ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે.

આ ત્રણ કારણે સત્ય ઉઘાડું હોવા છતાં ઢંકાઈ ગયું અને પંચાવન કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવાના ગાંધીજીના દુરાગ્રહથી ગુસ્સે ભરાયેલા માથાફરેલા હિન્દુએ ગાંધીજીની હત્યા કરી હતી એ અસત્ય રૂઢ થઈ ગયું.

જો એમ હોત તો ૧૯૩૪ના જૂન મહિનામાં ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ પુણે શહેરમાં થયો એ ન થયો હોત. ત્યારે ક્યાં પાકિસ્તાનની વાત હતી? જો એમ હોત તો ૧૯૪૪ના જુલાઈ મહિનામાં મહારાષ્ટ્રમાં પંચગનીમાં ગાંધીજીની હત્યાનો બીજો પ્રયાસ થયો એ ન થયો હોત. ત્યારે પાકિસ્તાન હજી બહુ દૂર હતું. જો એમ હોત તો બે મહિના પછી એ જ વરસના સપ્ટેમ્બર મહિનામાં સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીની હત્યા કરવાનો ત્રીજો પ્રયાસ થયો એ ન થયો હોત. બે મહિનામાં પાકિસ્તાન આકાર નહોતું પામ્યું. જો એમ હોત તો ૧૯૪૬ની ૨૯ જૂનની રાતે ગાંધીજી મુંબઈથી પુણે ટ્રેનમાં જતા હતા ત્યારે નેરળ અને કર્જત વચ્ચે પાટા પર મોટો પથ્થર મૂકીને ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો હોત. ગાંધીજી ખાસ ટ્રેનમાં મુંબઈથી પુણે જવાના છે એવા સમાચાર અખબારોમાં આવ્યા હતા એટલે હત્યાનો પ્રયાસ કરનારાઓને આની જાણ હતી. ત્યારે પાકિસ્તાનની વાત હતી, પરંતુ નહોતી વિભાજનની રેખા દોરાઈ કે નહોતી સ્થાવર-જંગમ મિલકતની વહેંચણીની કોઈ વાત આવી. પંચાવન કરોડ રૂપિયા આ વહેંચણીનો હિસ્સો હતો. ઊલટું વિભાજન ટળી પણ શકે એવી આશા પણ હતી.

આ બધા જ પ્રયાસો મહારાષ્ટ્રમાં થયા હતા, એક જ કોમ અને વિચારધારાના લોકોએ કર્યા હતા અને ૧૯૩૪ને છોડીને બાકીના ત્રણ પ્રયાસમાં ગોડસે-આપ્ટે જોડીનો હાથ હતો એની વિગતો પોલીસને ચોપડે નોંધાયેલી છે. નેરળના પ્રયાસમાં ગોડસે-આપ્ટેની સંડોવણીના પાક્કા પુરાવાઓ મળ્યા નહોતા. ગાંધીજીના ખૂનનો જ્યારે ખટલો ચાલ્યો ત્યારે ખૂનના કાવતરાને સાબિત કરવા માટે આ દસ્તાવેજી પુરાવાઓ અદાલતમાં પેશ કરવામાં આવ્યા હતા. બધું જ ઉઘાડું છે. સત્ય શોધવાની જરાક મહેનત લો, સત્ય શું છે એની તમને જાણ થઈ જશે. કોઈના સહારાની જરૂર નથી. હા, ગાંધી ક્યાં આપણા છે એવી માનસિકતા હશે તો સત્ય હાથ નહીં લાગે અને કોમવાદી મુસલમાનો સામે કોમવાદી હિન્દુઓનો ખપ છે એવું જો માનતા હશો તો ત્યાં સત્યપરાયણતાનો જ અંત આવી જાય છે એટલે કાંઈ કહેવાનું રહેતું નથી. આવું માનનારાઓએ ખૂનખટલામાં વિશ્વવંદ્ય ગાંધીજીને ન્યાય નથી કર્યો એ હકીકત છે, પણ એની વાત આજે નથી કરવી.

તો પછી ગાંધીજીના ખૂનના વારંવાર પ્રયાસ શા માટે કરવામાં આવતા હતા? એનાં કેટલાંક કારણો હતાં, મજેદાર કારણો હતાં અને પંચાવન કરોડ રૂપિયા તો એક બહાનું હતું. આવતી કાલે કારણોની વાત કરવામાં આવશે અને શનિવારે પંચાવન કરોડના ક્ષુલ્લક પ્રકરણ સાથે આ શ્રેણી પૂરી થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2018

Loading

...102030...3,2483,2493,2503,251...3,2603,2703,280...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved