આપણામાંના ઘણા જાણે છે કે – રણજિતરામ મહેતા (૧૮૮૧-૧૯૧૭) નામના લેખક-વિચારકે ઈ.૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ નામની સંસ્થા સ્થાપેલી. એ સંસ્થા આજે ૧૧૨ વર્ષ પછી પણ સતત કાર્યરત છે. એનું લોકશાહી બંધારણ છે ને એના આજીવન સભ્યો એવા સાહિત્યકારો-સાહિત્યરસિકો દ્વારા દર બે (હવે દર ત્રણ) વર્ષે એના નવા પ્રમુખ ચૂંટાઈ આવે છે કે સર્વાનુમતે વરણી પામે છે. એ જ રીતે ચૂંટાયેલી મધ્યસ્થ સભા અને એમાંથી રચાતી મંત્રીઓ વગેરે હોદ્દેદારોની કાર્યવાહક સમિતિ દ્વારા સાહિત્ય પરિષદ વક્તવ્યો-લેખન-પ્રકાશન આદિ સાહિત્ય-પ્રવૃત્તિઓ ચલાવે છે. એનાં વાર્ષિક સંમેલનોમાં વિદ્વાનો, સર્જકો, સાહિત્યરસિકોનું મોટું ચર્ચા-સં-મિલન થાય છે ને, વ્યાપક રીતે કહીએ તો તેમાં પ્રજા સાહિત્ય-અભિમુખ થાય છે.
હમણાં જ, ૨૦૧૮થી ૨૦૨૦નાં ત્રણ વર્ષ માટે સિતાંશુ યશશ્ચંદ્ર બહુમતીથી પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા (જન્મ – ૧૯૪૧) ગુજરાતી ભાષાના, આ સમયના સર્વોત્તમ કવિ છે, નાટ્યકાર છે. અને વળી ભારતમાં ને દુનિયાભરમાં જાણીતા વિદ્વાન વક્તા છે – દેશની અને પરદેશની યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે એ અવારનવાર નિમંત્રણો પામ્યા છે – જેમ કે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં, પૅરિસની Sorbonne યુનિવર્સિટીમાં, અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં, વગેરે.
એમનાં કાવ્યો અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થયાં છે ને ગુજરાતનાં ને ગુજરાત બહારનાં ઘણાં પારિતોષિકો-ઍવૉડ્ર્ઝ-સન્માનો એ પામ્યાં છે. છેલ્લાં પાંચ વર્ષથી (૨૦૧૭ ડિસેમ્બર સુધી) એ ભારતીય ‘સાહિત્ય અકાદમી’(દિલ્હી)માં ગુજરાતી ભાષાના સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. ને હવે ૨૦૧૮ના જાન્યુઆરીથી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કાર્યકર થશે. ડિસેમ્બરના અંતમાં, સિકન્દરાબાદમાં યોજાનારા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં, વર્તમાન પ્રમુખ અને વરિષ્ઠ વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળા પાસેથી એ સપ્રેમ અને સાદર કાર્યભાર સંભાળશે.
ગુજરાતી સાહિત્ય પરિષદ સંદર્ભે, આ સાથે સંકળાયેલી એક બીજી બાબત પણ કહેવી અનિવાર્ય છે. કોઈ પણ દેશ કે ભાષામાં સાહિત્યો – અને સર્વ લલિત કલાઓ સ્વાયત્ત છે, હવે લોકશાહી પરંપરામાં એ પરાયત્ત કે અન્ય-આશ્રિત નથી. સાહિત્યની સંસ્થાઓ – એમાંની કોઈ સરકારનું અનુદાન મેળવતી હોય કે સરકારના પૂરા આર્થિક ટેકાથી ચાલતી હોય તો પણ, સાહિત્યપદો (જેમ કે પ્રમુખપદ, અધ્યક્ષપદ વગેરે) અને સાહિત્યિક કાર્યો અંગે એ સ્વતંત્ર હોય છે. સરકાર આદિની કોઈ જ દખલગીરી વિના, લોકશાહી – પરંપરાથી જ એ ચાલે છે.
એમાં, ગુજરાત સરકારે રચેલી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ આપણા સંમાન્ય સાહિત્યકારો ઉમાશંકર જોશી, દર્શક, યશવંત શુક્લના આગ્રહોથી, ચૂંટણી દ્વારા અધ્યક્ષની વરણીની પરંપરા ઊભી કરીને સ્વાયત્ત થયેલી – દર્શક અને પછી ભોળાભાઈ પટેલ એના અધ્યક્ષો હતા.
પણ વચ્ચે, કેટલાંક વર્ષ પહેલાં, એક વાર ચૂંટણી સ્થગિત થઈ એ પછી, બે વર્ષ પહેલાં સરકારે સીધી નિયુક્તિથી ભાગ્યેશ જ્હાને (અને હવે વિષ્ણુ પંડ્યાને) એના અધ્યક્ષપદે સ્થાપ્યા, એથી ગુજરાતના લેખકોએ ‘સ્વાયત્ત અકાદમી’ માટેનું આંદોલન કર્યું. પૂર્વસિદ્ધાંતો અને પરંપરા અનુસાર સાહિત્ય પરિષદે પણ ‘સ્વાયત્તતા’ને પોતાનો આગ્રહ બનાવ્યો. એથી બે વર્ષ પહેલાં, ચંદ્રકાન્ત ટોપીવાળાએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણી લડવાનું – લોકશાહી ધોરણોનું રક્ષણ કરવાના આપદ્ધર્મથી સ્વીકાર્યું અને સાહિત્યની ગરિમા અને સ્વાયત્તતાના આગ્રહી સાહિત્યકારો અને સાહિત્યરસિકોએ, વિપરીત સંજોગો વચ્ચે પણ, ચંદ્રકાન્ત ટોપીવાળાને બહુમતીથી ચૂંટ્યા.
એ જ પરિસ્થિતિ આજે, બે વર્ષ પછી પણ ઊભી થઈ અને એ જ સાહિત્યકાર-રસિકોએ એવા જ વિપરીત સંજોગો છતાં સિતાંશુ યશશ્ચંદ્રને બહુમતીથી પરિષદપ્રમુખ તરીકે ચૂંટ્યાં.
લોભ-લાલચવશ થઈને, લેખક તરીકેની ખુમારીને પણ બાજુએ મૂકનારા કેટલાક સાહિત્યકારો પણ હોવાના – છે પણ ખરા, પરંતુ બહુમત સાહિત્યસેવીઓએ સિદ્ધ કર્યું કે સાહિત્ય અને કલા એના લેખકની ગરિમાથી અને સ્વાયત્તતાથી ઊજળાં હોય છે.
સિતાંશુભાઈનો વિજય થયો, એમાં સાહિત્યમૂલ્યનો તેમ જ સ્વાયત્તતાના મૂલ્યનો પણ મહિમા થયો છે, એનો સવિશેષ આનંદ છે.
સિતાંશુભાઈને આવકાર અને અભિનંદન.
(“પ્રત્યક્ષ”, નવેમ્બર, ૨૦૧૭માંથી સાભાર)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 08
![]()


‘પ્રત્યક્ષ’ પુસ્તકો વિશેનું એકમાત્ર ગુજરાતી સામયિક છે. ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ વિવેચક રમણ સોનીના સંપાદન હેઠળ આ સામયિક ગયાં ચોવીસેક વર્ષથી ધ્યેય અને ગુણવત્તાનાં સાતત્યથી પ્રકાશિત થાય છે. દર ત્રણ મહિને બહાર પડતા, પુસ્તક-અવલોકનના આ સામયિકના અત્યાર સુધીના ત્રાણું અંકોમાં નવસો જેટલાં નવાં ગુજરાતી પુસ્તકો વિશે લેખો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આવકાર તરીકે તેણે ત્રણેક હજાર પુસ્તકો વિશે લખ્યું છે. તેના માટેનો વિભાગ છે ‘પરિચય-મિતાક્ષરી’. નમૂના તરીકે એક પુસ્તક માટેની નોંધ તેના નવા અંકમાંથી જોઈએ : ‘રંગભૂમિ ૨૦૧૪’ – ઉત્પલ ભાયાણી. ઇમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૧૪. ક્રાઉન સાઇઝ. પાનાં ૧૫૨, રૂ.૧૫૦. રંગભૂમિનાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી નાટકો વિશેના લેખો.’ આવી પાયાની વિગતો સાથે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, વિવેચન, લોકસાહિત્ય, ઉપરાંત વિજ્ઞાન, માનવવિદ્યાઓ, પત્રકારત્વ સહિતનાં અનેક ક્ષેત્રોનાં ગુજરાતી પુસ્તકોનાં આગમનની જાણ ‘પ્રત્યક્ષ’ વાચકોને કરતું રહે છે. એ અર્થમાં આ ત્રૈમાસિક વાચકને ‘સર્જાતા સાહિત્યના સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી જેવું’ બને છે.
આ રમણ સોની ન હોત તો દરેક સાહિત્યપ્રેમીની દુનિયાને ન્યાલ કરનાર સામયિક ન મળ્યું હોત. સિત્તેરની નજીક પહોંચેલા ગુજરાતીના પૂર્વ અધ્યાપક, કોશનિષ્ણાત અને સૂચિકાર રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના કેવાં ‘લાડ લડાવ્યાં છે’ તે દરેક અંકની માવજત પરથી ધ્યાનમાં આવે છે. કોઈ સંસ્થાના ટેકા કે અનુદાન વિના ચાલતા આ ‘દુસ્સાહસ’ માટે તેમણે વ્યક્તિગત આર્થિક ખોટ પણ એક કરતાં વધુ વખત વેઠી છે. તેમને સાથ આપનાર સૂચિકારો, અભ્યાસીઓ, લેખકોનો યથોચિત ઋણસ્વીકાર રમણભાઈ કરે છે. છતાં દરેક અંક પર મુદ્રા તો તેમની જ અંકાયેલી છે. પુસ્તકો વિશેના ખજાના જેવા ‘ગ્રંથ’ માસિક (૧૯૬૪-૮૫) અને તેના સંપાદક યશવંત દોશી એકબીજાનાં પર્યાય હતા. ‘પ્રત્યક્ષ’ અને રમણ સોનીનું એમ જ છે. ‘ગ્રંથ’ નો વિશાળ વિષયપટ ‘પ્રત્યક્ષ’ માં હોય એવું આપણા બૌદ્ધિક જગતની કેટલીક મર્યાદાઓ છતાં રમણભાઈની ક્ષમતાને કારણે અને વિક્લ્પોને અભાવે લાગ્યા કરે છે. સાહિત્યનાં પુસ્તકોના ચાહક માટે પવનની લહેરખી જેવાં ‘પ્રત્યક્ષ’ થકી નવાં પુસ્તકોની સુવાસ આપણા સુધી પહોંચતી જ રહે છે.


ઇશિગુરોને રૉયલ સોસાયટી ઑફ લિટરેચર દ્વારા અપાતું વિનિફ્રેડ હોલ્ટબી પ્રાઇઝ, બુકર પ્રાઈઝ, સમકાલીન શ્રેષ્ઠ યુવા બ્રિટિશ સર્જકોની યાદીમાં સમાવેશ એમ વિવિધ રીતે નવાજવામાં આવ્યા છે, પણ આ બધી બાબતોમાં તે સાવ નિર્લેપ છે. પોતાની કૃતિઓમાં માત્ર જાપાનના વારસાને વ્યક્ત કરવાને બદલે બૃહદ્દ માનવજાતની સમસ્યાઓ, વંદના અને નિસબત લઈ આવવામાં સર્જકધર્મ સમજે છે. તસલીમા નસરીનની જેમ, ભલે સ્થાપિત હિતો તેમની ઓળખ મર્યાદિત કરી નાખે પણ એક સર્જકની દૃષ્ટિએ, અનુકંપા, સંવેદન સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે.
ઇશિગુરોના વાચકોને સૌથી વધારે સ્પર્શી જતી કૃતિ ‘The Remains of the Day’ છે. જેમાં સ્ટિવન્સ નામનો બટલર, જ્યાં વર્ષો લગણ કામ કર્યું છે, તે Darlington Hall, તેના અવસાન પામેલા મૂળ માલિક, નવા માલિક શ્રીમાન ફેરેડ, પોતે જેની સાથે આ વિશાળ મકાનમાં નોકરી કરી હતી, તે કેન્ટન નામની મહિલા, અન્યત્ર કાર્યરત બટલર્સ સાથેના સંબંધોને આ સ્થળની મુલાકાત દરમિયાન સ્મરે છે અને અકથ્ય પીડા અનુભવે છે. અહીં ક્યારેક યોજાતી રહેતી પેલી ભવ્ય મિજબાનીઓ, મુલાકાતે આવતા મહાનુભાવો, તેમની ચર્ચાઓ ‘तेहिनो दिवसा: गता’ ન્યાયે બધું જ ભૂતકાળની ગર્તામાં દટાઈ ગયું. એક રશિયન કવિની સલાહ પ્રમાણે One Should not visit the place where one spent his childhood, કારણ કે ભૂતકાળનાં દૃશ્યો અને વ્યક્તિઓ હવે મુખોમુખ ન થવાથી પીડા સિવાય કશાયની ભેટ મળતી નથી. એવું જ જ્યાં જિંદગીનાં ઉત્તમ વર્ષો નોકરીના ગાળ્યાં હોય, કોઈ તેની બાબતમાં, સ્ટિવન્સની આંખો ઘણું બધું શોધી રહી પણ વ્યર્થ.