
courtesy : "The Hindu", 27 November 2017
![]()

courtesy : "The Hindu", 27 November 2017
![]()
કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્રને પાછળ ધકેલ્યું છે અને એનું કારણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું આપવામાં આવે છે.
આ બહાનું સાચું છે, પણ જરા જુદા અર્થમાં. સંસદનું શિયાળુ સત્ર એટલા માટે નથી પાછળ ધકેલવામાં આવી રહ્યું કે કૉન્ગ્રેસ અને BJPના નેતાઓ ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હશે અને અને કારણે ગૃહમાં કામકાજ પર અસર થશે. એની પાછળનું સાચું કારણ એ છે કે જો સંસદનું સત્ર બોલાવવામાં આવે તો કૉન્ગ્રેસ અને બીજા પક્ષો રાફેલ વિમાનસોદાની ચર્ચા કાઢશે અને એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે BJPને પરવડે એમ નથી. ઘણી મોટી રમત રમાઈ છે અને હવે એ વાત બહાર આવી ગઈ છે. સરકાર પાસે આનો ગળે ઊતરે એવો કોઈ ખુલાસો નથી અને સંસદમાં ગલ્લાંતલ્લાં કરવાં પડે તો ગુજરાતના નારાજ મતદાતાઓ આખી રમત પામી જાય. એટલે તો કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ૧૬ નવેમ્બરે પત્રકારોને કહ્યું હતું કે ‘તમે મને જેટલા સવાલ પૂછ્યા છે એના મેં જવાબ આપ્યા છે. હવે એક સવાલ તમારે વડા પ્રધાનને પૂછવાની હિંમત કરવી જોઈએ કે રાફેલ વિમાનસોદામાં શી રમત રમાઈ છે? શા માટે સોદાના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એનાથી કોને ફાયદો થવાનો છે?’
શા માટે UPA સરકારે ૨૦૧૨માં કરેલા સોદામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એનો ફાયદો કોને થવાનો છે? લાખ રૂપિયાનો સવાલ આ છે જેના વિશે ‘નેશન વૉન્ટ્સ ટુ નો’નો દેકારો કરનારા બિકાઉ મીડિયા ચૂપ છે.
ગઈ કાલે કહ્યું હતું એમ ભારતે સાત દાયકામાં પાંચ લડાઈ લડવી પડી છે અને ચીનનો વિસ્તારવાદ જોતાં ભારત પર મોટું લશ્કરી જોખમ છે. આની સામે દેશના સંરક્ષણ માટે ભારતે લડાકુ વિમાનોના મોટા કાફલાની જરૂર છે. સંરક્ષણનિષ્ણાતોના અભિપ્રાય મુજબ બની શકે તો ૩૦૦ અને નહીં તો ઓછામાં ઓછાં ૨૦૦ વિમાનોની ભારતના હવાઈ દળને જરૂર છે. જો ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ સંપૂર્ણપણે ઘરેલુ ટેક્નૉલૉજી સાથે વિમાનો બનાવે તો ૨૦૦ વિમાનો બનાવતાં ૫૦ વર્ષ લાગે. આને ધ્યાનમાં રાખીને ૨૦૦૭માં ડૉ. મનમોહન સિંહની સરકારે વિશ્વભરમાંથી ટેન્ડરો મગાવ્યાં હતાં. કુલ ૬ કંપનીઓએ ટેન્ડર ભર્યાં હતાં જેમાંથી ૨૦૧૨માં ભારત સરકારે ડેસૉલ્ટ એવિયેશન નામની ફ્રેન્ચ કંપની સાથે ૧૨૬ રાફેલ વિમાનો ખરીદવાનો કરાર કર્યો હતો. કરાર મુજબ ૧૮ વિમાનો આવતાંની સાથે જ ઉપયોગમાં લઈ શકાય (ટેક્નિકલ ભાષામાં ઇન અ ફ્લાય અવે કન્ડિશન) એવાં ખરીદવાનાં હતાં અને બાકીનાં ૧૦૮ વિમાનો ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ ડેસૉલ્ટ એવિયેશન પાસેથી ટેક્નૉલૉજી મેળવીને બનાવવાની હતી. એ સોદો ૧૦.૨ બિલ્યન ડૉલર્સ – ૫૪,૦૦૦ કરોડ રૂપિયાનો હતો.

ફ્રેન્ચ કંપની ડેસૉલ્ટ એવિયેશન વિમાનોની ડિલિવરી કરે એ પહેલાં કેન્દ્રમાં સરકાર બદલાઈ હતી અને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી હતી. ૨૦૧૫ના એપ્રિલમાં ફ્રાન્સની મુલાકાતે ગયા હતા. તેમની સાથે રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના અધ્યક્ષ અનિલ અંબાણી પણ ફ્રાન્સ ગયા હતા. વડા પ્રધાને ખાસ રસ લઈને ડેસૉલ્ટ એવિયેશનના સંચાલકો સાથે બેઠક કરી હતી જેમાં પણ અનિલ અંબાણી ઉપસ્થિત હતા. એ બેઠકમાં વડા પ્રધાને ૨૦૧૨ની સાલના સોદાને રદ કરીને આવતાંની સાથે ઉપયોગમાં લઈ શકાય એવાં ૩૬ વિમાનોનો સોદો કર્યો હતો અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સાથે મળીને ભારતમાં વિમાન બનાવવાની સમજૂતીને પણ રદ કરી હતી. ભારત સરકાર ૩૬ વિમાનો માટે ૫૮,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવશે.
વડા પ્રધાન ફ્રાન્સની મુલાકાતેથી પાછા ફર્યા હતા, પરંતુ અનિલ અંબાણી રોકાઈ ગયા હતા. તેમણે બીજા જ અઠવાડિયે ડેસૉલ્ટ એવિયેશન કંપની સાથે ભારતે ખરીદેલાં ૩૬ વિમાનોના મેઇન્ટેનન્સનો અને ભારતમાં વધુ વિમાનો બનાવવા માટે ટેક્નૉલૉજીનો કરાર કર્યો હતો. આનો અર્થ એ થયો કે અનિલ અંબાણીની કંપનીએ સરકારની માલિકીની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સની જગ્યા લઈ લીધી હતી. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૧૯૪૦થી અસ્તિત્વમાં છે અને દાયકાઓથી હવાઈ દળ માટે વિમાનો બનાવે છે, જ્યારે રિલાયન્સ ડિફેન્સને વિમાન બનાવવાનો કોઈ અનુભવ નથી અને હજી પ્લાન્ટ સ્થાપવાનો પણ બાકી છે. ખબર નહીં, બાકીનાં વિમાનો ભારતને ક્યારે મળશે અને કયા ભાવે મળશે.
હવે કહો કે તમને આ સોદો ગળે ઊતરે છે? નરેન્દ્ર મોદી જ્યારે ફ્રાન્સની મુલાકાતે ગયા ત્યારે તેમના કાર્યક્રમમાં ડેસૉલ્ટ એવિયેશનના સંચાલકોને મળવાનું ઠરાવાયું છે એની એ સમયના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને કોઈ જાણ નહોતી. તેમને એ વાતની પણ જાણ કરવામાં નહોતી આવી કે સરકાર રાફેલ વિમાનોના સોદા વિશે પુર્નવિચાર કરી રહી છે. તેમને સાથે ફ્રાન્સ તો નહોતા લઈ જવાયા, પરંતુ તેમનો ૨૦૧૨ના ભારત સરકારના રાફેલસોદા વિશે શું કહેવાનું છે એ વિશે અભિપ્રાય પણ માગવામાં નહોતો આવ્યો. તેમને એ વાતની પણ જાણ નહોતી કરવામાં આવી કે વડા પ્રધાન સાથે રિલાયન્સ ડિફેન્સના વડા અનિલ અંબાણી ફ્રાન્સ જવાના છે અને તેમને એ વાતની પણ જાણ નહોતી કે રિલાયન્સ ડિફેન્સ હિન્દુસ્તાન ઍરોનૉટિક્સની જગ્યા લેવાની છે. મનોહર પર્રિકરે ત્યારે બળાપો ઠાલવ્યો હતો અને ૬ મહિનામાં ગોવાના મુખ્ય પ્રધાન બનીને પણજી પાછા જતા રહ્યા હતા. દેશના સંરક્ષણપ્રધાન એક ખોબા જેવડા રાજ્યના મુખ્ય પ્રધાન બનવા પાછા જાય એ ગળે ન ઊતરે એવી ઘટના હતી એ બાબતે આ લખનાર સહિત અનેક લોકોએ શંકા વ્યક્ત કરી હતી.
બીજું, વિમાન બનાવવાની આવડત અને ક્ષમતા હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ વધારે ધરાવે છે કે રિલાયન્સ ડિફેન્સ? સાવ સાદી બુદ્ધિનો સવાલ છે. જાહેર ક્ષેત્રની અનુભવી કંપનીને બાજુએ હડસેલીને વિમાન બનાવવામાં સાવ નવશીખિયા ઉદ્યોગપતિને તક આપવામાં આવી એની પાછળ શું લૉજિક છે એ નરેન્દ્ર મોદીએ કે ભારત સરકારે સ્પષ્ટ કર્યું નથી. એમાં જો કોઈ પ્રકારનું દેશનું હિત હોય તો સરકારે પ્રજાને જણાવવું જોઈએ. નરેન્દ્ર મોદી તેમની ખાસિયત મુજબ ચૂપ છે.
ત્રીજું, ૩૬ વિમાનો તો કદાચ વહેલાંમોડાં આવશે, પરંતુ બાકીનાં વિમાનોનું શું? સંરક્ષણનિષ્ણાતોના મતે ભારતને ઓછામાં ઓછાં ૨૦૦ વિમાનોની જરૂર છે. શું દેશની સુરક્ષા અનિલ અંબાણી પર છોડવામાં આવી છે? આવી રીતે ભારત ચીનનો મુકાબલો કરવાનું છે? વડા પ્રધાન હિતસંબંધ ધરાવનાર ઉદ્યોગપતિને વિદેશપ્રવાસે સાથે લઈ જાય, એટલું જ નહીં, તેમની સાથે અને તેમના હિતમાં ડેસૉલ્ટ એવિયેશનના સંચાલકો સાથેની બેઠકમાં હાજર રહે અને સરકારી માલિકીની કંપનીને બાજુએ હડસેલીને પ્રાઇવેટ કંપની માટે રસ્તો કરી આપે એ શું દેશભક્તિનું અત્યાર સુધી અજાણ્યું કોઈ નવું સ્વરૂપ છે? હોય તો વાંધો નહીં, બસ ખુલાસો કરે. આપણી વડા પ્રધાન પાસેથી આટલી જ અપેક્ષા છે. કોના ફ્રિજમાં બીફ હતું એ જાણવામાં દેશને રસ નથી, આ જાણવામાં છે.
રાહુલ ગાંધીએ મીડિયાને ટોણો મારતાં યોગ્ય જ કહ્યું હતું કે રાફેલ વિશે તેઓ એક સવાલ વડા પ્રધાનને કરે. નેશન વૉન્ટસ ટુ નો, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર. હવે સમજાઈ ગયું હશે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે શા માટે સંસદના શિયાળુ સત્રને પાછળ ધકેલવામાં આવ્યું છે. બિકાઉ મીડિયા જે સવાલ નથી પૂછતા એ સંસદમાં પુછાવાનો છે અને એનાથી સરકાર ડરે છે. હવે વાચકને એ પણ સમજાઈ ગયું હશે કે શા માટે સંરક્ષણની બાબતમાં દેશને આત્મનર્ભિર નથી કરવામાં આવતો? ૭ પેઢી ખાય અને ૭ ચૂંટણી લડે તો પણ ખૂટે નહીં એટલું ધન સંરક્ષણસોદાઓમાંથી મળે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 25 નવેમ્બર 2017
![]()
સ્થાપના ટાણે ‘ગાંધીવાદી સમાજવાદ’ અપાવનાર ભાજપે પછી ‘એકાત્મ માનવવાદ’નો સ્વીકાર કર્યો
ગુજરાતમાં ભાજપને સવા બે દાયકા જૂની સત્તા ટકાવવી આ વખતે થોડી કઠિન લાગી રહી છે. એટલે વિકાસના નારાને બદલે તે હવે ‘ન જાતિવાદ, ન ધર્મવાદ, હવે ફક્ત રાષ્ટ્રવાદ’નો રાગ આલાપી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતના ચૂંટણી મુદ્દા તરીકે યુવાનોને કામ સાથે અયોધ્યામાં રામ અને કલમ 370ની વાતો કરી છે.
આઝાદી આંદોલન દરમિયાન જ કોમી ધોરણે સંગઠનો અને રાજકીય પક્ષો સ્થપાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ તેના નમૂના છે. હિંદુ મહાસભાના પ્રમુખ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા, કોમી પૂર્વગ્રહો ત્યજવાના આગ્રહી હતા, પરંતુ હિંદુ મહાસભામાં હિંદુઓ સિવાયના અન્યનો પ્રવેશ પ્રતિબંધિત હતો. પાકિસ્તાન પ્રત્યેના અતિઉદાર વલણને કારણે નેહરુનું કામચલાઉ મંત્રીમંડળ છોડી ચૂકેલા શ્યામાપ્રસાદને તમામ ભારતીયો માટે ખુલ્લા અને ભારતનું રાષ્ટ્ર તરીકે ઘડતર કરી શકે, એવા રાજકીય પક્ષની જરૂરિયાત લાગી હતી. હિંદુ મહાસભામાં આ શક્ય નહોતું. તેથી 21 ઑક્ટોબર, 1951ના રોજ તેમણે ભારતીય જનસંઘની રચના કરી. આજનો ભારતીય જનતા પક્ષ તેની સંવર્ધિત આવૃત્તિ છે.
ભારતીય જનસંઘ આર.એસ.એસ.ની રાજકીય પાંખરૂપે જન્મેલું સંગઠન હતું. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના જનસંઘે ભારતીયતાના ખ્યાલને પોતાની રાજકીય વિચારધારા માની હતી. ભારતીય સરહદો અને રાષ્ટ્રીય એકતાનું રક્ષણ, સમવાયતંત્રને બદલે એકતંત્રી રાજ્યવ્યવસ્થા, પાયાના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરીને આર્થિક સમાનતા આણવી, માતૃભાષામાં શિક્ષણ, ગ્રામોદ્યોગને પ્રોત્સાહન અને અણુબૉમ્બનું સર્જન જેવી બાબતો આ પક્ષના મુખ્ય ઉદ્દેશો હતા. સામ્યવાદ અને લઘુમતીના અધિકારોનો વિરોધ તથા ગૌહત્યા જેવા મુદ્દાઓ આ પક્ષના અગ્રતાક્રમે હોવાથી, તેની કટ્ટર હિંદુવાદી પક્ષની છાપ હતી. ચૂંટણીઓમાં આરંભે તેનો દેખાવ નબળો હતો. 1967માં ‘ભવ્ય જોડાણ’નો ભાગ બન્યા પછી તેના પ્રભાવ વધ્યો અને તે સાથે દેશમાં જમણેરી બળનો ઉભાર થયો. તે ઘટનાને હવે અડધી સદી થઈ છે.
ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં જનસંઘ વિપક્ષોની સાથે હતો. 1975ના માર્ચમાં દિલ્હીમાં જનસંઘના રાષ્ટ્રીય અધિવેશનને જયપ્રકાશ નારાયણે સંબોધ્યું હતું. જનસંઘના અધિવેશનમાં જેપીની ઉપસ્થિતિ અને સંબોધન તેના માટે મહત્ત્વનો વળાંક હતું. આ સંમેલનમાં અટલ બિહારી વાજપાઈએ કહ્યું હતું, ‘અમારા મોટા ભાગના કાર્યકર્તા મધ્યમવર્ગી ઉછેરવાળા છે, પણ જ્યારે તેઓ આમજનતાનાં આંદોલનો સાથે જોડાઈ રહ્યા છે ત્યારે એમનો અત્યાર લગીનો ઉછેર નવરૂપાંતર પામી રહ્યો છે. હમારા ચરિત્ર બદલ રહા હૈ.’ કટોકટી પછીની લોકસભા ચૂંટણી, નવા રચાયેલ જનતા પક્ષના નામે લડાઈ-જીતાઈ. જનસંઘનું પણ તેમાં વિઘટન થયું હોવાથી તે મોરારજી સરકારનો ભાગ બન્યા. પરંતુ બેવડા સભ્યપદના મુદ્દે 1979માં જનતાપક્ષ તૂટ્યો. તેથી ભારતીય જનસંઘનો ‘ભારતીય જનતા પક્ષના’ નવા નામે ભારતની રાજકીય ક્ષિતિજ પર જન્મ થયો.
6 એપ્રિલ 1980ના રોજ મહાનગર મુંબઈમાં ભારતીય જનતા પક્ષનું સ્થાપના અધિવેશન યોજાયું હતું. ભાજપે જનસંઘ કરતાં પોતાનો એજન્ડા થોડો બદલ્યો હતો. ‘ગાંધીવાદી સમાજવાદ’ને પક્ષે પોતાનો રાજકીય આર્થિક-એજન્ડા બનાવ્યો હતો. મુંબઈ અધિવેશનમાં પક્ષે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ઐક્ય, લોકશાહી, વિધેયાત્મક બિનસાંપ્રદાયિક્તા અને મૂલ્ય આધારિત રાજનીતિ જેવી બાબતો પર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો કે ભાજપને ગાંધીવાદી સમાજવાદ બહુ માફક ન આવ્યો. 1985ના ગાંધીનગર અધિવેશનમાં તેણે ગાંધીવાદી સમાજવાદને ફગાવી દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ને અપનાવી લીધો.
1984માં લોકસભામાં માંડ 2 બેઠકો અને 7.74 ટકા મત મેળવનાર ભાજપે 2014માં 31 ટકા મત અને 282 બેઠકો મેળવી, તેમાં તેની હિંદુત્વ રાજનીતિનો સિંહફાળો છે. લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી પાર્ટીનો જનાધાર વ્યાપક બનાવ્યો. 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી પક્ષમાં થોડા ચઢાવઉતાર જોવા મળ્યા. બાબરી ધ્વંસ પછી પક્ષે ઉત્તર પ્રદેશની સત્તા ગુમાવી એટલે પક્ષમાં આત્મમંથનનો દોર શરૂ થયો. ગોવિંદાચાર્યે સોશિયલ એન્જિનિયરિંગનો તો ઉમા ભારતીએ ‘ચહેરા ચરિત્ર અને ચાલ’માં બદલાવનો મુદ્દો ચર્ચાના ચોકમાં મૂક્યો. ગોવિંદાચાર્યે તો પક્ષે રામમંદિરનો નહીં, રામરાજ્યનો માર્ગ લેવો જોઈતો હતો તેમ પણ કહ્યું હતું. રામમંદિરની સમાંતરે વીપી સિંધે મંડલ રજનીતિ શરૂ કરી. મુલાયમ, લાલુ, નીતિશ જેવું પછાત વર્ગના નેતાઓનું નેતૃત્વ દેશને મળ્યું.
મંદિર અને મંડલ રાજનીતિનો ઉપયોગ કરીને જ નરેન્દ્ર મોદીએ 2014માં કેન્દ્રની સત્તા મેળવી હતી. લોકસભા ચૂંટણીમાં 1984 પછી પ્રથવાર કોઈ એક પક્ષને બહુમતી મળી, તેના મૂળમાં દલિત આદિવાસી અને પછાત વર્ગના મતદારોનું ભાજપને મળેલું સમર્થન હતું. ઉત્તર પ્રદેશમાં ભાજપે 80માંથી 71 લોકસભા બેઠકો મેળવી, જે પક્ષને મળેલી કુલ બેઠકોના 26 ટકા જેટલી હતી. જે ભાજપ શહેરી શિક્ષિત અને ઉજળિયાતોનો પક્ષ હતો, તેણે સમાજના તમામ વર્ગોનું અને ગ્રામિણ ભારતનું પણ સમર્થન મેળવ્યું હતું. ભાજપના જનાધારમાં થયેલા આ વધારામાં પછાત વર્ગોના, ખાસ કરીને અતિપછાતોના મોટા પ્રમાણમાં મળેલા મત હતા. એટલે પક્ષપ્રમુખ અમિત શાહે ભાજપમાં પ્રથમ વાર ઓબીસી મોરચાની રચના કરી અને નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને ભાજપે પહેલા ઓબીસી વડાપ્રધાન આપ્યા હોવાનાં ગાણાં ઠેરઠેર ગાયાં. પછાત વર્ગો માટેના બંધારણીય પંચની રચના કે ઓબીસી અનામતમાં અતિપછાત માટે અનામતની જોગવાઈની બાબત આ જ મંડલ રાજનીતિના ઉપયોગ માટેની રણનીતિ છે.
અમિત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે 150 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કરી ચૂક્યા છે. (2014ની લોકસભા ચૂંટણીમાં પક્ષને તમામ 26 બેઠકો અને એ રીતે વિધાનસભાના 162 મતવિસ્તારોમાં બહુમતી મળી હતી. તે જોતાં આ લક્ષ્યાંક પીછેહઠ જેવો લાગે.) 2019ની લોકસભા ચૂંટણી માટે તેમનું લક્ષ્ય 350 બેઠકોનું છે. અમિત શાહને માત્ર ‘કૉગ્રેસમુક્ત ભારત’થી ધરવ નથી. તેઓ ‘ભાજપયુક્ત ભારત’ બનાવવા માગે છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકી વિક્રમી બેઠકો મેળવીને બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. બહુ લાંબી ન ટકેલી તેમની આ સરકારમાં પછાત વર્ગોનો દબદબો હતો ને કેબિનેટમાં એક પણ પાટીદાર મંત્રી નહોતો. એ પછી કૉંગ્રેસે સત્તા ગુમાવી હતી જે હજી તેને હાથ લાગતી નથી. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના કૉગ્રેસ પ્રવેશ પછી ભાજપની મંડલ-મંદિર રાજનીતિ કેવા પલટા લેશે અને સર્વસમાવેશક બનવા મથી રહેલો આ પક્ષ ફરી પોતાની અસલી વિચારધારા અને જનાધાર તરફ ચાલ્યો જશે કે કેમ તે આજે ગુજરાત અને કાલે દેશ નક્કી કરશે.
સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 16 નવેમ્બર 2017
![]()

