Opinion Magazine
Number of visits: 9766539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિસાન માટે ખતરો : કૃષિ ક્ષેત્રે ઇઝરાયલનું આંધળું અનુકરણ

અંબાલાલ ઉપાધ્યાય|Opinion - Opinion|2 March 2018

ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યુહ ગુજરાતની મુલાકાતે આવી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે રોડ-શો કર્યો. ઇઝરાયલના સહકારથી ભારતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની જાહેરાત થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની પદ્ધતિએ ભારતમાં ખેતી કરી ખેતીની આવક ડબલ કરવાની જાહેરાત કરેલી છે. ઉદ્યોગો માટે સરકાર વિવિધ ક્ષેત્રે મોટી ખેરાતો કરે છે. મબલખ લોનો, પાણી, વીજળી અને જમીનોની બેમર્યાદ રાહતો, વિદેશોમાંથી ઉદ્યોગો માટે આકર્ષક યોજનાઓ થઈ રહી છે. ત્યારે બીજી બાજુ કિસાન બૅંકની લોન ન ભરી શકનાર ઉપર કેસો થાય છે. કૃષિલોનના હપતા પેટે આપેલ ચૅક ન સ્વીકારાય તો કોર્ટમાં કેસ મૂકી એકાદ વર્ષની જેલની સજામાં ધકેલાય છે.

સરકારે કૃષિપ્રધાન ભારતદેશને આઝાદી મળ્યા પછી કૃષિ અને કિસાનને સહયોગ આપવાના બદલે ભારોભાર ઉપેક્ષા કરી છે. કૃષિ અને કિસાન પ્રત્યે સરકારની ભારોભાર ઉપેક્ષાના કારણે કિસાનો દેવાંના દરિયામાં ડૂબી રહ્યા છે. દેશનાં તમામ રાજ્યોમાં કિસાનોનાં સશક્તિકરણ માટે મોટી જાહેરાતો થાય છે, ત્યારે બીજી બાજુ કિસાનો દેવાંના ડુંગરમાંથી છુટકારો મેળવવા આત્મહત્યાના માર્ગે જઈ રહ્યા છે. ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી મળતી નથી. કૅનાલના પાણીના ભાવ વરસોવરસ વધી રહ્યા છે. પ્રમાણિત બિયારણો અતિ મોંઘાં વેચાઈ રહ્યાં છે, અને તેનાં પર સરકારનો કોઈ અંકુશ નથી. સમયસર રાસાયણિક ખાતરો પણ મળતાં નથી. ઉપરાંત જ્યારે પાક તૈયાર થાય, ત્યારે પોષણક્ષમ ભાવો મળતા નથી. એટલે લોનના હપતા ચૂકવવા ઓછા ભાવે કૃષિઉત્પાદન વેચી દેવું પડે છે. સરકાર ટેકાના ભાવો ઘણા ઓછા બાંધે છે. ટેકાના ભાવે વેપારીઓ ખરીદ કરતા નથી, એટલે માંડ માંડ ઉગ્ર ઊહાપોહ પછી અધકચરા ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા થાય છે અને ઓછા સમયમાં ટેકાના ભાવે ખરીદી બંધ થઈ જાય છે, જેના કારણે વરસેને વરસે ગંભીર રીતે વણસી રહી છે.

બે વર્ષ અગાઉ દેશમાં વડાપ્રધાને પાક ફસલ વીમાયોજના દાખલ કરી, ત્યારે વડાપ્રધાનના ફોટા સાથે આખા પાનામાં જાહેરાતો છપાઈ કે પાક વીમાયોજનાથી કિસાનોની આવક ડબલ થઈ જશે. હકીકતમાં બે વર્ષના અમલીકરણ પછી બન્યું છે એવું કે તે યોજનાથી આવક ડબલ થવાની વાત તો દૂર રહી, પણ પાકના ધિરાણ ઉપર જ ફરજિયાત ઇન્સ્યોરન્સ લેવામાં કિસાનોના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરાઈ ગયા છે, એટલે યોજના તો ઉલટાની પાક વીમાયોજનાનાં નામે કિસાનોના ઉઘાડેછોગ શોષણ કરનારી બની ગઈ છે.

ઇઝરાયલના વડાપ્રધાનના આગમનસમયે આપણા વડાપ્રધાને કહ્યું કે ઇઝરાયલની કૃષિ ટૅક્‌નોલૉજી અપનાવવાથી ખેતીની આવક ડબલ થઈ જશે. હકીકતમાં ઇઝરાયલની વૈજ્ઞાનિક ટૅક્‌નોલૉજી ગ્રીનહાઉસ છે. વરસો પહેલાં આપણા દેશમાંથી ઘણા કિસાનો ઇઝરાયલની ખેતી જોવા ત્યાં ગયા હતા. ગ્રીનહાઉસ જોયા પછી ગુજરાતમાં કિસાનોએ ઠેરઠેર ગ્રીનહાઉસો ઊભાં કરી દીધાં છે પણ ગ્રીનહાઉસની પદ્ધતિ અતિ ખર્ચાળ છે. આ રીતે હજારો ખેડૂતોએ બૅન્કોમાંથી કરોડો રૂપિયાની લોનો લઈ ગ્રીનહાઉસો બાંધી દીધાં છે. પરંતુ તેના માટે લીધેલી લોનોના હપતા ભરી શક્યા નથી. આવક બમણી થવાના બદલે ગ્રીનહાઉસના કારણે કિસાનો કરોડો રૂપિયાના દેવાદાર બની ગયા છે.

ઇઝરાયલનું કુદરતી હવામાન ગરમ છે. સૂર્યનો પ્રકાશ ખુલ્લી રીતે પાક સહન કરી શકે નહીં. પાક સુકાઈ જાય, એટલે ત્યાં પાકના રક્ષણ માટે ગ્રીનહાઉસ ઉપયોગી છે. ગ્રીનહાઉસ ન હોય, તો ઇઝરાયલમાં ખેતી થઈ શકે નહીં. ઉકળાટવાળા ગરમ પવનથી રેતી પાકનો નાશ કરે છે અને ઇઝરાયલમાં ગ્રીનહાઉસના ખર્ચાળ રોકાણ પછી પાકવામાં આવતી ખેતીના પૂરતા પોષણક્ષમ ભાવો મળે છે, એટલે ઇઝરાયલના ખેડૂતોને માથે દેવાનાં ડુંગરો ચઢતા નથી, જ્યારે ગુજરાતમાં કે આપણા દેશમાં પણ વાતાવરણ સમરસ છે, જેને ગરમીના રક્ષણની જરૂર નથી. જેથી ખર્ચાળ ગ્રીનહાઉસ સિવાય પકવેલી ખેતીના પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. ગ્રીનહાઉસનું આંધળું અનુકરણ જે કિસાનોએ કર્યું છે, તે બધા જ પસ્તાય છે. બૅન્કની લોનો ભરવામાં જમીન વેચ્યા સિવાય કોઈ આરો નથી. ટૂંકમાં, કોઈ પણ દેશની કોઈ પણ પદ્ધતિનું અનુકરણ આપણા દેશના સમય-સંજોગો જોઈને થાય, આંધળું અનુકરણ ન કરાય.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 09 

Loading

પારડી અન્નખેડ-સત્યાગ્રહ : આદિવાસી અધિકાર-આંદોલન

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|2 March 2018

ઉપર્યુક્ત આંદોલનવિષયક આ પુસ્તક હાલ બીજી વાર જિજ્ઞાસુ વ્યક્તિએ વાંચ્યું, સાથે જરૂરી ચર્ચા પણ ભાઈ કિરણ સાથે કરી. પછી નક્કી કર્યું કે એનો પરિચય તો કરાવવો જ. સાથે શક્ય હોય તેટલી બીજી જરૂરી વાતોનું ઉમેરણ થાય તેટલું કરી લેવું. પારડી સત્યાગ્રહ સાથે મારે એક અજબ અંગત સંબંધ છે. ૧૯૭૧માં પહેલી સપ્ટેમ્બરે મને દીકરો જન્મેલો. આ બાળકે  બે દિવસ પ્રેમ પામીને આ જગતથી ને મારાથી વિદાય લીધી. દર પહેલી સપ્ટેમ્બર મારા માટે આ બે યાદ અચૂક લાવે. ખેડ- સત્યાગ્રહની ને મારા એ દીકરાની. ૧૯૫૩ની પહેલી સપ્ટેમ્બરે શરૂ થયેલો આ સત્યાગ્રહ તેર વર્ષ સુધી અવિરત ચાલ્યો. ઘાસવાલા પરિવાર આ સત્યાગ્રહનો સાક્ષી તો ખરો જ, ઉપરાંત પૂરેપૂરો સહભાગી પણ ખરો. ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં શરૂ થયેલ આ સત્યાગ્રહનાં મૂળ છેક ૧૯૩૦ની  આસપાસ. ઇન્દુચાચાએ આ વિસ્તારની મુલાકાત લીધેલી, તેની દસ્તાવેજી હકીકત જડે છે, પરંતુ તેનાં સાચાં બીજ  છેક ૧૯૫૨-૫૩માં ઈશ્વરભાઈના જેલવાસ દરમિયાન આદિવાસી નેતાઓ સાથેના રહેવાસ સાથે રોપાયાં.

ભાઈ કિરણને હકૂમતભાઈ તરફથી જે માહિતી, દસ્તાવેજ વગેરે મળ્યું તેના આધારે આ પુસ્તક અધિકૃત રીતે લખાયું છે. આ સત્યાગ્રહના સુકાનીઓ પ્રજાસમાજવાદી પક્ષના ઈશ્વરભાઈ, કુમુદબહેન, ઉત્તમભાઈ, અમૂલભાઈ, હકૂમતભાઈ, સનતભાઈ, ગોવિંદજીભાઈ તો હતા જ, ઉપરાંત અનેક નામી અનામી કાર્યકર્તાઓનો સહભાગ અણમોલ રહ્યો. અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ, એસ.એમ. જોષી જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો ફાળો પણ નોંધપાત્ર. સર્વોદય કાર્યકર્તા ને વડીલો વિનોબાજી, સંતબાલજી, રવિશંકર મહારાજ, નારાયણ દેસાઈએ પણ આ આંદોલન સાથે રસ દાખવી કંઈક સંબંધ જોડેલો. આમ, આ આંદોલન અભ્યાસીઓ માટે રસપ્રદ એટલા માટે બને છે કે એ આઝાદી પછીનું પ્રથમ લોકઆંદોલન છે, જેમાં લોકો, ખાસ તો મૂળ આદિવાસી પ્રજા જમીન-માલિકો સામે, ક્યારેક પોતાના હક્કના કાયદેસર અમલીકરણ માટે સરકાર સામે સક્રિય થાય છે. ત્યાં સુધીનાં આંદોલનો બ્રિટિશ સરકાર સામે હતાં. કેટલાંક તો મધ્યમવર્ગ ને ઉપલા વર્ગ દ્વારા સ્વહિત માટે ખેડૂતો દ્વારા થયેલાં, જેમ કે બારડોલી ને ખેડા-આંદોલન. ગાંધીજીની રીતરસમ ને સમાજવાદી સિદ્ધાંતોના સમન્વય દ્વારા ઈશ્વરભાઈ ને સાથીદારોએ જે જડબેસલાક રણનીતિ ઘડેલી, તેના કારણે આટલું દીર્ઘ આંદોલન હોવા છતાં એ અહિંસક રહી શક્યું. આ પુસ્તકમાં વારંવાર એનો ઉલ્લેખ થયો છે, કારણ કે બાજુમાં જ મહારાષ્ટ્રમાં ગોદાવરીબાઈ જેવા કાર્યકર્તાઓની નિશ્રામાં ચાલેલા સામ્યવાદી આંદોલન સમાંતર  આની લઢણ ને તરાહ મવાળ વલણ સાથે વિશિષ્ટ રહી. મૂળ મુદ્દો ગણોત ને હાળીપ્રથા, ખેતીમૂલક જમીનનું વેપારી હેતુથી ઘાસિયામાં રૂપાંતર ને આદિવાસી શ્રમજીવીઓ ને ભૂમિહિનોનું શોષણ સંબંધિત હતો. જો આદિવાસી વિકાસની દૃષ્ટિએ જોઈએ તો હાળીપ્રથા નાબૂદ થવા છતાં કેટલીક કાયદાકીય જોગવાઈને આધીન, આદિવાસીઓ માટે ખેતીની દૃષ્ટિથી જમીન છૂટી થવા છતાં એ તપાસનો વિષય તો છે જ કે એમની આજની વાસ્તવિકતા શું છે.

ભાઈ કિરણ ને પ્રોફેસર હકૂમતભાઈ દેસાઈએ (અમારા ને ગામના કાકા) આ પુસ્તકને પ્રસ્તાવના, નેતાગીરી, સત્યાગ્રહની વિગત, વલણ, શૈલી ને છેવટે સમાપન એમ ચાર પ્રકરણોમાં વહેંચ્યું છે. પ્રસ્તાવના ઘનશ્યામભાઈ શાહ, આમુખ ધીરુભાઈ દેસાઈ, સમગ્ર વિહંગાવલોકન હકૂમતકાકાએ કર્યું છે. આમ, કુલ ૧૩૬ પાનાંમાં પથરાયેલી આ સંઘર્ષગાથા ગઈ કાલ ને આજને સમજવા માટે પૂરતું ભાથું ઉપલબ્ધ કરાવે છે. આ આંદોલનમાં આદિવાસીઓનું સંમિલિત રહેવું, એકતા બતાવવી, સ્ત્રીઓ-બાળકોનો સહભાગ, અસહકાર, સવિનય કાનૂનભંગ, પોલીસરાજ, સરકારની કડક નીતિ, કૉંગ્રેસ સરકારના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ જેવા અગ્રણીઓનું આ સત્યાગ્રહને દુરાગ્રહમાં ખપાવવું ને સરકારનું કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિઓ પર દબાણ લાવવું, જેવી બાબતોનો પર્દાફાશ વાચક તરીકે પણ આજની પરિસ્થિતિમાં પોલીસ ને સરકાર પણ જે રીતે વર્તે છે, તેની ઝાંખી કરાવી મનોમન એક સરખામણી કરવા મજબૂર કરે છે. સામે આંદોલનકારીઓને જે રીતે તૈયાર કરવામાં આવ્યા છે, શિસ્ત સાથે અહિંસક રહેવા માટે તાલીમ આપવામાં આવી છે, ‘ધીખતી  ધરા’ જેવા કાર્યક્રમોની કલ્પના ને આયોજન છતાં સંયમનો પ્રભાવ જેવી બાબત સુકાનીઓ માટે મનોમન માન પેદા કરે છે. જેલ ભરો, કાનૂની લડાઈ લડો ને અણનમ રહો એવો પાઠ ભણાવવા માટે ઈશ્વરભાઈને ‘અણનમ યોદ્ધા’નું બિરુદ મળ્યું છે. ઉત્તમભાઈ અને સાથીદારો પોતાની બોલીમાં ગીતો, સૂત્રો તૈયાર કરે છે ને એક ક્રાંતિકારી માહોલ પેદા થાય છે. આવાં અનેક સંભારણાં આ આંદોલન સાથે જોડાયેલાં છે. એક ગૃહિણી, અદની નારીવાદી  કાર્યકર્તા ને આ આંદોલનની વાતો ઘરમાં વારંવાર સાંભળી પોતાનો અભિપ્રાય બાંધનાર વ્યક્તિ તથા ઘાસવાલા (ઘાસવાલી – જો કે મારે આ આંદોલન સાથે સીધો સંબંધ નથી છતાં છે!) તરીકે મેં તો આ પુસ્તકમાં એટલું પોતાપણું અનુભવ્યું છે કે એ લાગણી મારા માટે શબ્દાતીત છે.

આઝાદી  મળી, લોકશાહીનું સ્થાપન થયું, પ્રજાને વોટ બૅંક તરીકે જોવાનું વલણ જન્મ્યું એનાં મૂળ અહીં રોપાયાં, જેવી ટીકા પણ થઈ છતાં ઈશ્વરભાઈ તથા સાથીદારોએ ફક્ત ને ફક્ત પ્રજાહિતને જ અને તેમાં પણ વંચિતના હિતને જ પ્રાધાન્ય આપેલું, તે  મુદ્દો લેખકોએ સુપેરે અને તાર્કિક રીતે મુખર કર્યો છે. આ આંદોલન માટે સ્ત્રીઓના સહભાગનું મૂલ્યાંકન કરતું ડૉ. નીરા દેસાઈ દ્વારા થયેલું એક સંશોધન મને ધ્યાનમાં છે. હું પોતે પણ એ અંગે મુલાકાત વગેરે કાર્ય સાથે જોડાયેલી. જો કે એનાં તારણો વિશે, એ પ્રકાશિત થયેલું કે કેમ તેની મને જાણ નથી. તો પણ કેટલીક નોંધ મેં તૈયાર કરેલી તે પરથી ખ્યાલ આવેલો કે તે સમયે પારસી, જૈન, સ્ત્રી-જમીનદારો હતાં, તો સામે સ્ત્રી-આંદોલનકારીઓ પણ હતાં ને એમણે સામસામે પણ ભૂમિકા ભજવેલી! આંદોલનકારી સ્ત્રીઓએ જેલવાસ પણ ભોગવેલો. સ્ત્રીઓ હતી છતાં પણ નીતિવિષયક બાબતે એમનું કેટલું વજૂદ તે પ્રશ્ન તો રહે જ છે. એ અર્થમાં તમામ આંદોલનોનો નિષ્કર્ષ આજના સમયમાં પણ લગભગ સમાન જ આવે એવું છે.

લોકશાહીમાં લોકોની સરકાર, સમાનતા- સ્વતંત્રતા-બંધુતાના ખ્યાલ છતાં અસમાનતા, ભેદભાવ ને સત્તાધીશોનું વલણ, સામાજિક ન્યાય માટે ન્યાયાલયો તરફ પ્રજાની નજર, આ મુદ્દાઓ સંદર્ભે સર્વસમાવેશક દૃષ્ટિકોણ આધારિત મૂલ્યાંકન અપેક્ષિત છે. મારા મનમાં બંધારણમાં ‘બંધુતા’  શબ્દ જ કેમ પસંદ કરાયેલો, તે અંગે પ્રશ્ન છે જ.  છતાં આ પુસ્તક આંદોલન સમજવા માટે પાયાનું કાર્ય તો કરે જ છે. ભાઈ કિરણે મને કહ્યું કે તમે જે ઉમેરણ કરવા ઇચ્છો, તમારી રીતે તે કરી શકો. આ વલણથી મારી હિંમત ને ઉત્સાહ વધ્યો છે. હજી ‘ધરાસણાનો કાળો કેર’ પુસ્તક પર લેખન કર્યા બાદ હું મનીષા, વર્ષા ને કિરણનાં તારણોને આજના સમયમાં પણ સમજવા માંગું છું. આપણે માટે આ તારણો ચોક્કસ જ આંખ ઉઘાડનારાં  છે.

વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 10 અને 05 

છબી સૌજન્ય : બકુલા ઘાસવાલાની ફેઇસબુક દિવાલ પરેથી

Loading

ધાડ : મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર

સાગર શાહ|Samantar Gujarat - Samantar|2 March 2018

ધાડ ફિલ્મ. જયંત ખત્રીની જાણીતી સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મ. જાણીતા વાર્તાકાર, નવલકથાકાર વીનેશ અંતાણી દ્વારા લખાયેલ પટકથા-સંવાદ. વાર્તાકાર, નવલકથાકાર અને કેતન મહેતાના હાથ નીચે તૈયાર થયેલા પરેશ નાયક એના દિગ્દર્શક. માટે ફિલ્મની ઇન્તેજારી તો ખૂબ હતી. આખરે ફિલ્મ રીલીઝ થઈ ને દર્શકો સુધી પહોંચી. જે ગુજરાતી ભાષકો, ભાવકો માટે ખરેખર આનંદના સમાચાર છે.

સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બને એનાથી એક ફાયદો એવો થતો હોય છે કે ફિલ્મને એક નિશ્ચિત ઓડિયન્સ મળી જાય. સાહિત્યપ્રેમીઓ, જેમણે કૃતિ વાંચી હોય અથવા જેમને સાહિત્યનો થોડો ઘણો ય શોખ હોય એ સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બની છે એવા સમાચાર સાંભળી થિયેટર સુધી પહોંચી જાય.

જો કે કડવી વાસ્તવિકતા એવી છે કે આજના સમયમાં ફિલ્મનું નિર્માણ પ્રચાર-પ્રસાર વિતરણ વગેરે એટલા ખર્ચાળ બની ગયા છે કે આવો નાનો દર્શક વર્ગ એ ખર્ચને પહોંચી વળવામાં  ઝાઝી મદદ ના કરી શકે. માટે જ બોલીવૂડની મસાલા ફિલ્મો અને હોલીવુડની થીમ પાર્ક ફિલ્મો સર્વત્ર રાજ કરે છે અધૂરામાં પૂરું ગુણવત્તાસભર ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મો ખૂબ ઓછી બને છે ને જે રડીખડી બને છે એણે પણ પોતાનો દર્શક વર્ગ શોધવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પ્રાદેશિક ફિલ્મોનું તો વળી ગણિત જ જુદું. એવા સમયે કોઈ સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવી ને એ ય ગુજરાતી ભાષામાં એ તો કોઈ માથાફરેલનું જ કામ હોઈ શકે. પરેશ નાયક એવા માથા ફરેલ દિગ્દર્શક છે એવો મને અંગત પરિચયથી પણ અનુભવ છે.

જો કે સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવામાં આર્થિક સિવાય ખાસ્સું સર્જનાત્મક જોખમ પણ રહેલું છે. જોખમ એ રીતે કે ફિલ્મમાં મૂળ કૃતિ પ્રત્યે વફાદારી ના જળવાય તો મૂળ સર્જકની હાર થાય. અને કશું સર્જનાત્મક ઉમેરણ ન થાય તો દિગ્દર્શકની હાર થાય. મૂળ કૃતિના હાર્દને જાળવીને અભિવ્યક્તિ સાધવી અને દર્શકની રૂચિને અવગણ્યા વિના-એટલે નટદોર પર ચાલવા જેવું અઘરું કામ.

પરંતુ એ કામ પરેશ નાયકે સરસ રીતે પાર પાડ્યું છે. મુખ્ય બાબત જે વીનેશ અંતાણી અને પરેશ નાયક સાધી શક્યા છે એ છે મૂળ વાર્તાની  પ્રતીકાત્મકતાનો વિસ્તાર.

મૂળ વાર્તા ઘેલાની અને પ્રાણજીવનની છે. પ્રાણજીવનને નજરે જોવાતી ઘેલાની જિંદગીની છે, કચ્છની ક્રૂર ધરતીની છે. પ્રાણજીવન ભણેલોગણેલો બેકાર છે. તો ઘેલો કચ્છનો ધાડપાડુ છે. કચ્છની સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી એની રગેરગમાં વહે છે. એ પોતાના સઘળા વ્યવહારોમાં કચ્છની ભૂમિ જેવો જ નિષ્ઠુર છે .

હવે આવે છે ફિલ્મમાં થયેલ ઉમેરણ. ઘેલાની સ્ત્રી મોંઘી મૂળ વાર્તામાં આવે છે, પરંતુ એની પહેલી બે પત્નીઓ-રતની અને ધનબાઈનાં પાત્રો ફિલ્મમાં ઉમેરાય છે. મૂળ વાર્તામાં મોંઘી નિઃસંતાન છે એવો અછડતો ઉલ્લેખ છે, જ્યારે અહીં ઘેલાનું નપુંસક અથવા સંતાન પેદા કરવા અક્ષમ હોવું એ વાર્તાનો અત્યંત મહત્ત્વનું અંગ બની જાય છે. વળી, દાજી શેઠની દીકરીના પાત્રની રેખાઓ પણ પટકથાલેખક-દિગ્દર્શક દ્વારા ઉમેરવામાં આવી છે. વધારામાં દાજી શેઠની દીકરી સાથે ઘેલાની મળવી- એ દૃશ્ય ફિલ્મમાં બેવાર એટલે કે ભારપૂર્વક દેખાડવામાં આવે છે.

આ બધા સર્જનાત્મક ઉમેરણ, મારા મતે, મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર કરે છે. જેને લીધે ફિલ્મમાં ઘેલો કચ્છની ધરતી-સંસ્કૃિતનાં પ્રતીકરૂપે સ્પષ્ટપણે ઉપસી આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘેલો કચ્છની ધરતી જેવો જ મોહક, ક્રૂર ને નપાણિયો છે. ને બીજી તરફ દાજી શેઠનું પાત્ર આધુનિક અર્થવ્યવસ્થાનાં પ્રતિનિધિરૂપ છે. શોષણખોર, રંગહીન પરંતુ ફળદ્રુપ. પોતાનો વંશવેલો આગળ ધપાવી શકનાર. ફિલ્મના અંતે ઘેલાને દાજી શેઠની સગર્ભા દીકરીના પેટને જોઈને થતો પક્ષાઘાતનો હુમલો – એ ખરેખર તો આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા સામે થતી કચ્છી ધરતીની હાર છે.

એ રીતે જોઈએ તો મૂળ વાર્તાની પ્રતીકાત્મકતાનો વિસ્તાર આ ફિલ્મની સહુથી મોટી સિદ્ધિ છે.

એ સિવાય ફિલ્મના અન્ય પાસાં પણ ગમે એવાં છે. જેમાનું એક છે રાજીવ સોંદરવાની ફોટોગ્રાફી. સમગ્ર ફિલ્મમાં કચ્છનો પરિવેશ એના તમામ રંગો સાથે સરસ ઝીલાયો છે. ખત્રીની વાર્તાઓમાં વાતાવરણ એક પાત્ર જેવું કામ કરતું હોવાનું કહેવાય છે તો દિગ્દર્શક-સિનેમેટોગ્રાફરની સૂઝને લીધે ફિલ્મમાં ઝીલાતો કચ્છનો પરિવેશ પણ આંખોમાં કાયમનું ઘર કરી જાય એવો છે. ને આજના સમયમાં જ્યારે ફિલ્મોમાં મોંઘાદાટ ભવ્ય સેટ અને ક્લોઝ અપની બોલબાલા છે એવા સમયમાં ’ફિલ્મ એ પરિવેશની કળા છે’ એવા ધૂળ ખાતા સત્યને ફિલ્મ  ઉજાગર કરી બતાવે છે.

ફિલ્મનું સંગીત કર્ણપ્રિય છે. ફિલ્મમાં એ સિનેમેટોગ્રાફરને કચ્છના લેન્ડસકેપ્સ મરજી પડે એમ ઝીલવાનો જાણે છૂટોદોર આપે છે. સમગ્ર ફિલ્મને કચ્છની ધરતીના મહાકાવ્ય – એપિક જેવી ફીલ  આપે છે, પરંતુ કેટલાક અંશે એ ફિલ્મની ગતિને મંથર બનાવે છે. કથા ને આગળ વધારતી કડી તરીકે નહીં, પરંતુ ફિલ્મની નાટ્યાત્મક ક્ષણો ને જોડતી કડી તરીકે ગીતો ફિલ્મમાં આવે છે.

અભિનયની વાત કરીએ તો કે.કે. યાદગાર છે. ઊંચો, મજબૂત અને કદાવર દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો – જયંત ખત્રીએ કલ્પેલ ઘેલાને શારીરિક રીતે અને અભિનયની દૃષ્ટિએ કે.કે. સંપૂર્ણપણે આત્મસાત કરી શકે છે. 

‘તાકાત ખપે. ભાઈબંધ બાવડામાં તાકાત ખપે’ બોલતી વખતે કે.કે.ની આંખો જે રીતે ઝીણી  થાય છે એ યાદગાર છે. સાથે જ પોતાની પત્નીઓ પર જુલમ કરતી વખતેના એના હાવભાવ, એની અંગભંગિમા પણ પરફેક્ટ લાગે છે. કે.કે. એટલે ઘેલો અને ઘેલો એટલે કે.કે. એવું સમીકરણ દર્શકના મનમાં બેસી જાય એવો ન્યુઆન્સ્ડ અભિનય છે કે.કે.નો. દિગ્દર્શકે પણ અમુક ક્ષણો સરસ વણી છે.

ઘેલો ‘હા, હું ભગવાન છું’  એમ બોલે છે એ દૃશ્યની કોરિયોગ્રાફી સરસ થઈ છે. ફિલ્મને અંતે ધાડ પાડવા જતા પહેલા મોંઘી પ્રાણજીવનને બુકાની બાંધે છે એ દૃશ્ય પણ અત્યંત સૂચક છે. ઘેલા અને મોંઘીના પિતા વચ્ચે લડાઈ થાય છે ને અંતે મોંઘીના પિતાને માથેથી પાઘડી ઉતારી ઘેલો એ જ પાઘડીથી મોંઘીને બાંધી લઈ જાય છે એ દૃશ્ય પણ કલાત્મક રીતે કેમેરામાં ઝીલાયું છે.  ઘેલાનું અચાનક હોડીમાં ઘૂસી જવું એ દૃશ્ય પણ સરસ રીતે શૂટ થયું છે. ધાડ પાડતી વખતના રાત્રી દૃશ્યો પણ ઉત્તમ છે.

ફિલ્મમાં અમુક ટેકનિકલ ખામીઓ જણાય છે સાઉન્ડ બૅલેન્સિંગનો ઈશ્યુ છે જ. જેને કારણે બેકગ્રાઉન્ડ મ્યુિઝક જરૂર કરતાં વધારે લાઉડ બની જાય છે. કલાનિર્દેશન કૈંક અંશે ઊણું ઊતરે છે.  ફિલ્મમાં ઘેલા અને અન્ય કચ્છવાસીઓના ભૂંગા કોઈ સેટના ભૂંગા જેવા લાગે છે.  અલબત્ત, હવેલી સરસ છે; એકદમ જીવંત.

આ ને આવી નાની નાની કેટલીક બાબતો બાદ કરતાં ધાડ અત્યંત દર્શનીય અને અંદરથી સમૃદ્ધ કરનારો, મૂળ કૃતિનો સુંદર વિસ્તાર કરનારો અનુભવ છે.

ગુજરાતી ભાષાપ્રેમીઓ, વાર્તાપ્રેમીઓ અને સિનેપ્રેમીઓએ વહેલી તકે જોવા જેવી આ ફિલ્મ છે.

E-mail : sagarshah259@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 11-12

Loading

...102030...3,2283,2293,2303,231...3,2403,2503,260...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved