Opinion Magazine
Number of visits: 9584049
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેટલાક લોક-ઉમેદવારો : સંઘર્ષ, નવરચના અને પ્રામાણિકતાનું પરિણામ મળશે ?

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|8 December 2017

કેટલાક નાના પક્ષોના કે અપક્ષ ઉમેદવારો મૂળભૂત રીતે તો કર્મશીલો હોય છે

તાજેતરમાં અસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ (એ.ડી.આર.) નામના નાગરિક મંચે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોનાં શિક્ષણ, આવક અને ગુનેગારીની માહિતી બહાર પાડી છે. આવી માહિતી સંઘર્ષ, નવરચના અને પ્રામાણિકતાનાં કાર્યો કરનાર ઉમેદવારો અંગે આપવામાં આવે તો તે મતદાનની તરેહ પર જુદા પ્રકારે અસર પાડી શકે. એ વિશ્લેષણ પરથી એવું પણ ધ્યાનમાં આવવાની સંભાવના છે કે સંઘર્ષ અને નવરચનાનાં કામ મોટાં પક્ષોના ઉમેદવારો કરતાં નાના, ઓછા જાણીતા પક્ષોના કે અપક્ષ ઉમેદવારોએ કર્યાં છે. તેમના માટે લોક-ઉમેદવાર એવો શબ્દ વાપરી શકાય. આવા ઉમેદવારો પાસે પૈસા નહીંવત હોય છે, કાર્યકર્તાઓ ઓછા હોય છે. લાંબા સમયથી તેઓ કર્મશીલતામાં ડૂબેલા હોય છે, પણ તેમનાં નામે ય મતદારોએ સાંભળ્યા નથી હોતાં.

આવાં એક ઉમેદવાર છે તે મીનાક્ષી જોશી. તે અમદાવાદના એલિસબ્રિજ મતવિસ્તારમાંથી સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા-કમ્યુિનસ્ટ(એસ.યુ.સી.આઈ.-સી.)નામના પક્ષના ઉમેદવાર છે. રાજ્યશાસ્ત્રનાં ગ્રૅજ્યુએટ મીનાક્ષીબહેન ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુિનકેશનની પદવી માટેની પહેલી બૅચમાં ભણેલાં છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે ગુજરાતમાં અને તેમાં ય કચ્છમાં ખાસ ઘૂમેલાં મીનાક્ષીબહેન તેમના પગારનો અરધો હિસ્સો પક્ષને આપતાં. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તે હવે પક્ષનાં પૂરાં સમયના કાર્યકર છે. તાજેતરમાં મહિલાઓ પરના અત્યાચારના નલિયા કાંડ અને તે પૂર્વે નિર્ભયાકાંડ તેમ જ પાટણકાંડમાં વિરોધ અને ઝડપી ન્યાયની માગણી માટે તન-મન-ધનથી લડતાં રહેનારમાં મીનાક્ષીબહેન મોખરે હતાં. જાહેર જીવનની દરેક હિલચાલ પર ચોંપ રાખીને અને આમ આદમીને  કેન્દ્રમાં રાખીને અભ્યાસપૂર્ણ રીતે જાહેર પ્રતિક્રિયા આપવી કે જગવવી એ મીનાક્ષીબહેનની ખાસિયત છે. તેની અભિવ્યક્તિ અલગ અલગ  કામોમાં મળે છે. જેમ કે, મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીની ૨૦૦૨નાં રમખાણોના પીડિતો માટેની ન્યાયની લડતથી લઈને તેની દર ગુરુવારની બેઠકો સુધીના અનેક ઉપક્રમો; પક્ષના  મહિલા સંગઠનનાં ધરણાં-દેખાવો, તેની વિદ્યાર્થી પાંખની ચળવળો કે પછી કલ્ચરલ એજ્યુકેશન ફોરમના કાર્યક્રમો. ગવર્નન્સ, પૉલિટીક્સ, પબ્લિક અ‍ૅડમિનિસ્ટ્રેશન, સંસદીય રાજકારણને લગતી વિવિધ બાબતોના તેઓ નિષ્ણાત છે. મીનાક્ષીબહેન અખબારો સહિતના માધ્યમોના નિરીક્ષક, સહિત્ય ઉપરાંત પણ અનેક વિષયોના વાચક અને દેશકાળના બહુવિધ પાસાંના અભ્યાસી છે. તેમની રજૂઆત હંમેશાં ઊંડાણવાળી છતાં સામાન્ય માણસને સમજાય તેવી રીતે થયેલી હોય છે. એ તેમણે વિચારપત્રોમાં લખેલા થોડાક લેખોમાં, સંગઠનના સભ્ય તરીકે ગયાં પચીસેક વર્ષમાં લખેલી સંખ્યાબંધ પત્રિકાઓ તેમ જ અખબારી યાદીઓમાં અને રણકા સાથેના અવાજે તેમણે કરેલાં બધાં જ પ્રાસંગિક વક્તવ્યોમાં અચૂક જોવા મળે છે. કાર્યઊર્જા, નિર્ભયતા અને સમાજ માટેની પારાવાર નિસબતથી છલકાતાં મીનાક્ષીબહેન પ્રબુદ્ધ અને પ્રબળ નારીશક્તિનું પ્રતીક છે.

નારીશક્તિનો એક ચમકારો આશા વર્કર્સની ચળવળના આગેવાન ચન્દ્રિકાબહેન સોલંકીએ વડોદરામાં ૨૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેંકીને બતાવ્યો હતો. ચન્દ્રિકાબહેન સાંભરે છે: ‘જ્યારે એમણે ગુજરાતની બહેનોના પોતે ભાઈ છે એવી વાત શરૂ કરી ત્યારે મારું લોહી ઉકળી ઊઠ્યું, અને મેં બંગડીઓ ફેંકી.’ આવી હિમ્મત આટલાં વર્ષોમાં ભાગ્યે  કોઈએ દાખવી હતી. તેના છઠ્ઠા દિવસે તો તેમને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામની શાળાના શિક્ષક તરીકેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે આ જ સરકારે ચારેક મહિના પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝાંઝરકા ગામમાં ચન્દ્રિકાબહેનનું ઉત્તમ શિક્ષક તરીકે મુખ્યમંત્રીને હાથે સન્માન કર્યું હતું. ચન્દ્રિકાબહેનને કારણે બેતાળીસ હજાર જેટલાં શોષિત અને ઉપેક્ષિત આશા (અ‍ૅક્રેડિટેડ સોશ્યલ હેલ્થ અ‍ૅક્ટિવિસ્ટ) વર્કર બહેનોનાં પ્રશ્નોને વાચા મળી. તેમણે ૧૯ સપ્ટેમ્બરથી લઈને ચાળીસ દિવસ સુધી વડોદરાની કલેક્ટર કચેરી સામે ધરણાં કર્યાં. તે પહેલાં ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. નૅશનલ રુરલ હેલ્થ મિશન હેઠળ આવતી  રસીકરણ, કુટુંબનિયોજન, પ્રસૂતિ, આરોગ્ય,પોષણ જેવી વિવિધ કામગીરીઓ સાથે જોડાયેલી આશા વર્કર્સ બહેનોને બહુ જ ઓછું વેતન મળે છે. ચન્દ્રિકાબહેન કહે છે: ‘આશા વર્કર્સ બહેનોનો રોષ એટલા માટે છે કે સરકાર રાજકીય હેતુઓ માટે તેમનો ઉપયોગ અને તેમનું શોષણ કરી રહી છે. તેમનો ઉપયોગ સરકારી યોજનાઓના તળપદ વિસ્તારમાં અમલીકરણ માટે અને સરકારી કાર્યક્રમોમાં પ્રેક્ષકો તરીકે થાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવવનું તો દૂર રહ્યું, તેમની માગણીઓનું અપમાન કરવામાં આવે છે. અમે જ્યારે ભૂખ હડતાળ પર બેઠાં હતાં ત્યારે ભા.જ.પ.ના એકેય નેતાએ અમને પાણીનું સુદ્ધાં પૂછ્યું ન હતું. હાર્દિક પટેલ જેવા આગેવાનનું સરકાર તુષ્ટિકરણ કરવા જાય છે, અને અમારા પ્રશ્નોને તો સમજવા માટે કોશિશેય કરતી નથી. ભા.જ.પ.ને ખાતરી થઈ છે કે આશા વર્કર્સ પક્ષને કોઈ નુકસાન કરી શકવાનાં નથી એટલે હવે એ લોકો અમારી તરફ ધ્યાન જ આપતા નથી.’ આશા વર્કર્સનું કામ ઘરેઘરે ઠીક અંગત સ્તરે ચાલે છે. એટલે એ ધોરણે ભા.જ.પ.નો વિરોધ લોકોમાં પહોંચાડવા ચન્દ્રિકાબહેને તેમના સંગઠનને હાકલ કરી છે. ચન્દ્રિકાબહેનના કામથી પ્રભાવિત રાહુલ ગાંધી ધરમપુરની મુલાકાત દરમિયાન તેમને મળ્યાં હતાં, પણ તેમને કૉન્ગ્રેસની ટિકિટ મળી નથી. એટલે તેઓ વડોદરાના શહેરવાડી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

અપક્ષ ઉમેદવાર હોવા છતાં મોટા પક્ષના નીવડેલા ઉમેદવાર જેટલા જ જાણીતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના વડગામ વિસ્તારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર વિરુદ્ધ મોટી ચળવળ ઊભી કર્યા પછી જિજ્ઞેશ દેશના એક મોખરાના યુવા આગેવાન તરીકે ખ્યાતિ પામ્યા છે. પ્રભાવશાળી અને અભ્યાસી વક્તા જિજ્ઞેશ તેમના ભાષણોમાં ફાસીવાદ-કોમવાદ-મૂડીવાદના વિરોધમાં કોઈ મણા રાખતા નથી. દેશમાં તેમને જેટલી પ્રસિદ્ધિ મળી છે તે કન્હૈયાકુમાર સિવાય બહુ ઓછાને મળી છે. જિજ્ઞેશ તેના નેતૃત્વક્ષેત્રમાં મુસ્લિમો, મહિલાઓ, શ્રમજીવીઓ અને આદિવાસીઓને આવરી લે છે. વકીલની સનદ મેળવીને દલિતો માટેની જમીનની ફાળવણી માટે તેમણે સરકાર વિરુદ્ધ કાનૂની સ્તરે  સફળ લડત આપી છે. તે મુજબ દલિતોને કાગળ પર મળેલી જમીનનો હકીકતમાં કબજો સોંપાય તે માટે તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ લડી રહ્યા છે.

સદભાવના ફોરમના નેજા હેઠળ મહુવામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા વ્યવસાયી ડૉક્ટર કનુભાઈ કલસરિયા ગામડાંના લોકોની નિ:સ્વાર્થ તબીબી સેવા અને મહુવા લોક આંદોલનનો પર્યાય છે. અત્યારે તેઓ એક સિમેન્ટ કંપનીના સૂચિત પ્લાન્ટ સામે  આંદોલન ચલાવી રહ્યા છે. આ કંપની દ્વારા થનારાં ખોદાણના આક્રમણથી મહુવા-તળાજા પંથકના ખેડૂતોની જમીનને બચાવવા માટે કનુભાઈએ આ લડત ઊપાડી છે. ઉપર્યુક્ત કાર્યરત ઉમેદવારો તો માત્ર દાખલા છે. જે તે મતવિસ્તારોમાં તેમની જેમ સક્રિય રાજકારણમાં પડવા માગતા કર્મશીલો હોવાનાં.

નાનાં રાજકીય પક્ષોના કે અપક્ષ ઉમેદવારોની રાજકીય નિયત અંગે ઘણાં શક અને આરોપો ઊભા થતા હોય છે. પરિણામ આવતાં તેમાંથી કેટલાક સાચા પણ હોય છે. પણ સૂકા ભેગું લીલું બળવું ન જોઈએ. એક અભ્યાસ બહાર પાડી શકાય જેનું નામ હોય ‘ચૂંટણીના ઉમેદવારોના સંઘર્ષ, નવરચના અને પ્રામાણિકતાનું વિશ્લેષણ’.

+++++++++

૦૬ ડિસેમ્બર ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 08 ડિસેમ્બર 2017

Loading

દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ

ચંદu મહેરિયા|Samantar Gujarat - Samantar|7 December 2017

જાતિવાદની ટીકા બધા કરે છે, પણ પ્રધાનમંડળમાં ખાતાંની વહેંચણી જાતિ અને લિંગના આધારે થાય છે

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૩૦માં, લોકસભામાં અને ૩૩૨માં રાજ્યોના વિધાનગૃહોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ છે. ૧૯૩૨ના પૂના કરારમાં, દલિતોને તેમની વસ્તીના ધોરણે રાજકીય પ્રતિનિધિત્વ આપવાનું નક્કી થયું હતું. જે આજે આઝાદીના સાત દાયકે પણ ચાલુ છે.

ગુજરાત વિધાનસભામાં  દલિતોની  ૧૩ અને આદિવાસીઓની ૨૭ એમ કુલ ૪૦ બેઠકો અનામત છે.  દલિતોની ૧૩ અનામત બેઠકોમાં  સૌથી વધુ ૫ બેઠકો ( દસાડા, રાજકોટ ગ્રામ, કાલાવાડ,કોડીનાર અને ગઢડા) સૌરાષ્ટ્રમાં છે.  ઉત્તર ગુજરાતમાં ૩ (કડી, ઈડર અને વડગામ), અમદાવાદ શહેરમાં ૨ (અસારવા અને દાણીલીમડા) જ્યારે કચ્છ( ગાંધીધામ) મધ્ય ગુજરાત (વડોદરા) અને દક્ષિણ ગુજરાત(વડોદરા)માં એક એક અનામત બેઠકો છે. એટલે કે રાજ્યના તમામ ભૌગોલિક વિસ્તારોમાં દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ જોવા મળે છે.

૨૦૧૨ની ગુજરાત ધારાસભાની તેરમી ચૂંટણીમાં દલિતોની ૧૩ અનામત બેઠકોમાંથી ભાજપને ૧૦ અને કોંગ્રેસને ૩ બેઠકો મળી હતી. ૧૯૬૦ થી ૨૦૧૭ની તેર વિધાનસભા ચૂંટણીની કુલ ૧૫૮ દલિત અનામત બેઠકોના ધારાસભ્યોની પક્ષવાર સ્થિતિ જોઈએ તો કોંગ્રેસના ૮૬, ભાજપના ૫૪, જનતાદળના ૬, સંસ્થા કોંગ્રેસના ૫, સ્વતંત્ર પક્ષના ૪, જનતા પક્ષના ૨ અને અપક્ષ ૧ હતા. અત્યાર સુધીની તમામ વિધાનસભામાં કોંગ્રેસના દલિત વિધાનસભ્યો ચૂંટાતા રહ્યા છે. ૧૫૮ બેઠકોમાં કોંગ્રેસના સભ્યોની ટકાવારી ૫૪ છે. ભાજપનું દલિત રાજકીય પ્રતિનિધિત્વ છેલ્લી છ વિધાનસભામાં હતું, જે ૩૪ ટકા છે. પહેલી, બીજી અને ચોથી વિધાનસભાની તમામ દલિત અનામત બેઠકો પર માત્ર કોંગ્રેસના સભ્યો જ ચૂંટાયા હતા.  આ બાબતનું પુનરાવર્તન ૧૯૭૪ પછી ક્યારે ય થયું નથી. માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પણ દલિતો વિપક્ષે ચૂંટાતા રહ્યા છે અને દલિત ધારાસભ્યો માત્ર સત્તાપક્ષના જ હોય તેવું બન્યું નથી. એ જ રીતે અનામત બેઠકો પર સ્વતંત્ર પક્ષ, જનતા દળ, સંસ્થા કોંગ્રેસ અને જનતા પક્ષના ધારાસભ્યો પણ હતા. તે દર્શાવે છે કે દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ હંમેશાં કોઈ એક જ પક્ષે રહ્યું નથી.

આ પૂર્વેની ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ૧૩ અનામત બેઠકોની ચૂંટણીમાં ૧૦ રાજકીય પક્ષોના ૬૫ અને ૩૪ અપક્ષો મળી ૯૯ ઉમેદવારો હતા. જો કે તેમાંથી માત્ર બે જ મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જ જીત્યા હતા. આ ચૂંટણીમાં ૧૦ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવા છતાં ૬ અપક્ષો ત્રીજા ક્રમે હતા. તેના પરથી અનામત બેઠકો પરના અન્ય પક્ષોના ઉમેદવારોનો જનાધાર કેટલો નગણ્ય હતો તેનો ખ્યાલ આવે છે. આ ચૂંટણીમાં બહુજન સમાજ પક્ષના ૪ અને નવી જ એવી ગુજરાત પરિવર્તન પાર્ટીના ૩ ઉમેદવારો ત્રીજા ક્રમે હતા. દલિતોના રાજકીય પક્ષની છાપ ધરાવતા બહુજન સમાજ પક્ષના જે ૪ ઉમેદવારો ત્રીજા ક્રમે હતા ત્યાં તેઓ ૫૦૦૦ મતો પણ મેળવી શક્યા નહોતા. એકમાત્ર ગાંધીધામ બેઠકના બસપા ઉમેદવારને ૪૭૮૩ મત મળ્યા હતા. અપક્ષો ભલે ૬ બેઠકો પર ત્રીજા ક્રમે રહ્યા પણ વડગામ બેઠકના અપક્ષ ઉમેદવારના ૫૧૯૦ મત સિવાય અન્યત્ર ક્યાં ય અપક્ષોને ઝાઝા મત મળ્યા નહોતા. હા, ગુજરાત પરિવર્તન પાર્ટી જે ત્રણ બેઠકો પર ત્રીજા ક્રમે હતી ત્યાં તેને મળેલા મત કોંગ્રેસને મળ્યા હોત તો કોંગ્રેસ જીતી શકે તેટલા નિર્ણાયક હતા.

રાજકીય અનામત બેઠકો, ખાસ કરીને દલિતોની રાજકીય અનામત બેઠકો પર હારજીત માત્ર દલિતોના વોટથી નકકી થતી નથી. આ બેઠકો પરના બિનદલિત મતદારોનું રાજકીય વલણ આ બેઠકનું પરિણામ નકી કરે છે. ૨૦૧૨ની ચૂંટણીમાં વડોદરા શહેરની અનામત બેઠક પર દલિતોના મત ૩૦૮૬૩ હતા. જ્યારે આ બેઠક પરના બીજેપીના વિજેતા ઉમેદવાર મનીષાબહેન વકીલને તેના કરતાં ત્રણ ગણા વધારે એટલે કે ૧,૦૩,૭૦૦ મત મળ્યા હતા. અમદાવાદ શહેરની અસારવા બેઠક પર દલિત મત ૩૯,૨૫૧ હતા. જ્યારે વિજ્યી બીજેપી ઉમેદવાર આર.એમ. પટેલને તેના કરતાં લગભગ બમણા ૭૬૮૨૯ મત મળ્યા હતા. કડી બેઠક પર દલિત મત માત્ર ૨૬૪૫૨ હતા. પરંતુ કોંગ્રેસના વિજ્યી ઉમેદવારને ત્રણ ગણા ૮૪૨૭૬ મત મળ્યા હતા. કોઈ એક મતવિસ્તારમાં દલિત મતો એકજથ્થે ન હોવાથી, રાજ્યમાં દલિત વસ્તી વેરવિખેર હોવાથી તથા ૨૦૧૨ની ચૂંટણીના  આંકડાઓ પરથી એટલું તો  સ્પષ્ટ ફલિત થાય છે કે દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ કોણ કરશે તે નક્કી કરવાનું માત્રને માત્ર દલિતોના હાથમાં રહ્યું નથી. એટલે જ દલિતોના ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માત્રને માત્ર દલિત પ્રશ્નોને જ અગ્રતા આપે અને મતવિસ્તારના બિનદલિત મતદારોને ઓછી અગ્રતા આપે તેવું બનતું નથી. પણ તેનાથી વિરુદ્ધનું જરૂર બને છે. તેમણે ચૂંટ્ણી જીતવા માટે દલિતોના પ્રશ્નો તડકે મૂકવા પડે છે અને બિનદલિત મતદારોને મહત્ત્વ આપવું પડે છે કે તેઓ જરા ય નારાજ ન થાય તેની કાળજી લેવી પડે છે. તેમ છતાં તેઓ સમાજમાં અને રાજ્યમાં દલિત પ્રતિનિધિ જ ગણાય છે !

અનામત સહિતની બેઠકો પરના દલિત મતદારો કોઈ દલિત મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપે અને તે નિર્ણાયક બને તેવું ૨૦૧૨ની ચૂંટણીમાં જોવા મળ્યું નહોતું. થાનગઢ દલિત હત્યાકાંડનો મુદ્દો એ વખતે વ્યાપક રીતે ચર્ચાયો હતો. તેમ છતાં બીજેપીને રાજ્યમાં અને  અનામત બેઠકો પર મોટી જીત મળી હતી. ખુદ ચોટીલા થાનગઢની સામાન્ય બેઠક જે ૨૦૦૭માં કોંગ્રેસ જીતી હતી ત્યાં ૨૦૧૨માં બીજેપીની જીત થઈ હતી. એટલે દલિત મુદ્દે ચૂંટણીમાં હારજીત થઈ નહોતી.

દલિત ધારાસભ્યોને તેમને મળેલા મત કરતાં તેમની સિનિયોરીટી કે પક્ષ જૂથ કે વગદાર નેતા પ્રત્યેની વફાદારીના આધારે જ પ્રધાનપદ અને અન્ય મહત્વના હોદ્દા મળે છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ૧૩માંથી ૮ ઉમેદવારો પ્રથમવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. સૌથી મોટી લીડ અને સૌથી વધુ મત મળવા છતાં મનીષા વકીલ પાંચ વરસ માત્ર ધારાસભ્ય જ બની રહ્યાં ! વળી ૧૩ ધારાસભ્યોમાં બે મહિલા ચૂંટાયા તે એકંદર સારી સ્થિતિ છતાં વર્ચસ તો પુરુષ ધારાસભ્યોનું જ રહ્યું. રાજકારણમાં જાતિવાદની ટીકા બધા કરે છે પણ પ્રધાનમંડળમાં ખાતાની વહેચણી જાતિ અને લિંગના આધારે જ થાય છે. દલિતને સમાજ કલ્યાણ, આદિવાસીને આદિવાસી કલ્યાણ, મહિલાને મહિલા અને બાળ કલ્યાણ અને મુસ્લિમ કે ઓબીસીને મત્સૌધ્યોગ પ્રધાન બનાવાય છે. ૧૯૬૦થી આજદિન સુધી કોઈ દલિત ધારાસભ્યને ગૃહ, ઉદ્યોગ કે મહેસૂલ જેવા મોભાદાર  અને મલાઈદાર વિભાગના મંત્રી બનાવાયા નથી.

ચૌદમી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી પણ દલિતોના અનેક મહત્ત્વના સવાલો ઉકેલની રાહ જોતા રહેવાના છે. દલિતોના સવાલો ચૂંટણીનું, બોદા પ્રતિનિધિત્વનું, રાજકીય અનામતનું રાજકારણ ઉકેલી શકશે કે કેમ તે સવાલ મતદાર સામે રહેવાનો છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ઠેરના ઠેર’, “દિવ્ય ભાસ્કર”, 30 નવેમ્બર 2017  

Loading

વર્ટિકલ ગાર્ડનિંગ: સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે

વિશાલ શાહ|Opinion - Opinion|6 December 2017

દિલ્હીની જેમ ચંદીગઢમાં ઝેરી સ્મોગનું સામ્રાજ્ય હોય છે, ત્યારે લુધિયાણા આવકવેરા ઓફિસની હવા ચંદીગઢ શહેર કરતાં ૭૫ ટકા વધારે શુદ્ધ હોય છે. આ શુદ્ધ હવાનું કારણ છે, વર્ટિકલ ગાર્ડન. આ સરકારી કચેરીએ 'ગ્રીન પ્લાસ્ટિક ઇનિશિયેટિવ' નામના અભિયાન હેઠળ છ હજાર વેસ્ટ પ્લાસ્ટિક બોટલને કૂંડામાં પરિવર્તિત કરીને આ અભૂતપૂર્વ કામ કર્યું છે. અહીં કામ કરતા સરકારી બાબુઓએ આ આંકડો ૧૫ હજાર બોટલ સુધી પહોંચવાનું નક્કી કર્યું છે, જેથી કચેરીની બધી જ દીવાલોને લીલોતરીથી ઢાંકી શકાય. ગંદકી અને પ્રદૂષણથી ખદબદતી નીરસ સરકારી કચેરીઓ માટે લુધિયાણા આવકવેરા ઓફિસ પ્રેરણા સમાન છે. દિવસે ને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે દિલ્હી સહિત બધા મોટા શહેરોમાં વધુને વધુ વર્ટિકલ ગાર્ડનની જરૂર છે.

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં 'ગેરીલા ગાર્ડનિંગ'ની વાત કરી હતી. હવે વાત કરીએ વર્ટિકલ ગાર્ડનિંગની. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે, વર્ટિકલ ગાર્ડનિંગ એટલે શું? આ સવાલનો જવાબ જરા વિગતે મેળવીએ.

***

આપણે ઘણી વાર જોયું છે કે, ફક્ત જમીનમાં ઊગી શકે એવો નાનકડો છોડ કે વેલો પથ્થર જેવી કડક જમીન કે ખડક પર ઊગી નીકળ્યો હોય છે. પહાડી વિસ્તારોમાં તો નાના-મોટા ખડક પર છોડ ઊગ્યો હોય એવું તો અનેક જગ્યાએ જોવા મળે. આ લીલોતરી જાણે 'ભીંત ફાડીને પીપળો ઊગ્યો હોય' એમ ખડકની છાતી ફાડીને વટભેટ બહાર આવી હોય! પીપળા અને વડ જેવાં મહાકાય વૃક્ષો આખેઆખી ભીંત કે ખડક તોડીને ઊગે જરૂર પણ તેનાં મૂળિયાં તો જમીનમાં જ હોય. આવાં મોટાં વૃક્ષોને જમીનમાંથી ખોરાક-પાણી મળતાં હોય, પરંતુ અહીં વાત છે પથરાળ જમીન પર ઊગી નીકળેલાં નાનકડા છોડવા અને વેલાની. આ પ્રકારની નાજુક વનસ્પતિનાં મૂળિયાં તો જમીનમાં ઊંડે સુધી હોય પણ નહીં અને છતાં ખડક જેવી સપાટી પર પણ દાદાગીરીથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતાં હોય. આ પ્રકારની વનસ્પતિઓ જાણે આપણને કહી રહી હોય કે, અમારે જીવવા માટે જમીનની જરૂર જ નથી. આવું જ દૃશ્ય એક વ્યક્તિએ જોયું અને જન્મ થયો વર્ટિકલ ગાર્ડનિંગનો.

લુધિયાણા આવકવેરા કચેરીએ વેસ્ટ બોટલ્સમાંથી બનાવેલો વર્ટિકલ ગાર્ડન

બેંગલુરુમાં ફ્લાયઓવર પિલાર પર તૈયાર કરેલો વર્ટિકલ ગાર્ડન

દેશમાં કરોડો લોકોને ચોખ્ખી હવા પણ નસીબ નથી ત્યારે ગેરીલા કે વર્ટિકલ ગાર્ડનિંગ શું છે એ સમજવું સમયની જરૂરિયાત છે. વર્ટિકલ ગાર્ડનિંગ એટલે નાની-મોટી બિલ્ડિંગોની અંદર-બહારની દીવાલો પર નાનકડાં છોડ-વેલાં ઊગાડવાનું શાસ્ત્ર. જમીન ના હોય છતાં તમારે તમારો પોતાનો બગીચો જોઈતો હોય તો વર્ટિકલ ગાર્ડન ઉત્તમ ઉપાય છે. વર્ટિકલ ગાર્ડન ટીપિકલ ગાર્ડનિંગથી થોડું અલગ છે, જેમાં છોડ-વેલાં ઊભી જમીન પર ઊગાડવાના હોવાથી વનસ્પતિઓની પસંદગીમાં પણ ધ્યાન રાખવું પડે. જો કે, આજના સમયમાં ઓનલાઈન કોમ્યુિનટી પાસેથી એ બધું શીખીને વર્ટિકલ ગાર્ડન સર્જી શકાય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇમાં લેન્ડસ્કેપ આર્કિટેચર ભણાવતા પ્રો. સ્ટેનલી હાર્ટ  વ્હાઇટને ૧૯૩૮માં વર્ટિકલ ગાર્ડનિંગનો વિચાર આવ્યો હતો. આ રેકોર્ડેડ પુરાવા છે કારણ કે, પ્રો. વ્હાઇટે આ આઇડિયાની પેટન્ટ પણ કરાવી હતી. એ વખતે વર્ટિકલ ગાર્ડનિંગ શબ્દ અસ્તિત્વમાં નહોતો આવ્યો એટલે પ્રો. વ્હાઇટે 'વેજિટેશન બેરિંગ આર્કિટેક્ટોનિક સ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ' જેવું લાંબુલચક નામ આપીને વર્ટિકલ ગાર્ડનિંગના કોન્સેપ્ટની પેટન્ટ કરાવી હતી. પ્રો. વ્હાઇટે ઇલિનોઇમાં પોતાના બંગલૉની પાછળ વર્ટિકલ ગાર્ડનિંગના પ્રયોગો કર્યા હતા પણ તેમાં તેમને સફળતા મળી ન હતી. એ પછી આ વાત ભૂલાઈ ગઈ અને થોડાં વર્ષો પછી ફ્રેન્ચ બોટનિસ્ટ (વનસ્પતિશાસ્ત્રી) પેટ્રિક બ્લેન્કે ખડકાળ ભેખડો પર ઊગેલા છોડ જોયા અને તેમને ચમકારો થયો કે, જો અનેક વનસ્પતિઓ કુદરતી રીતે જ કડક સપાટી પર ઊગી શકતી હોય તો કૃત્રિમ રીતે પણ આ કામ કરી જ શકાય ને?

સિટી ઓફ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી-પેરિસની ગ્રીન વૉલ

પેરિસના જેક્સ ચિરાક મ્યુિઝયમની ગ્રીન વૉલ

આ વિચારના આધારે તેમણે વર્ટિકલ ગાર્ડનની ડિઝાઈન વિશે વિચારવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં બ્લેન્કે  જમીન વિના ઊગી શકે એવાં છોડ-ઘાસની યાદી બનાવી અને હાઇડ્રોપોનિક્સનું પણ પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. હાઇડ્રોપોનિક્સ એટલે જમીન વિના ફક્ત ખનીજો ધરાવતાં પાણીની મદદથી વનસ્પતિઓ ઊગાડવાનું શાસ્ત્ર. અમુક વનસ્પતિઓનાં મૂળિયાં ટૂંકાં હોવાથી તેમને જમીનની નહીં, ફક્ત ખોરાકની જરૂર હોય છે. આ પદ્ધતિથી અમુક વનસ્પતિઓને ખનીજ દ્રવ્યોથી ભરપૂર પાણી પાઈને ઉછેરવી અને ટકાવી રાખવી શક્ય છે. આ દરમિયાન બ્લેન્કે આગવી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ વિકસાવી, જેની મદદથી વર્ટિકલ સ્ટ્રક્ચર પર રાખેલા છોડને ચોક્કસ સમયે પાણી પીવડાવવું પણ શક્ય બન્યું.

આવા અનેક પ્રયોગોની સફળતા પછી પેટ્રિક બ્લેન્કે ૧૯૮૬માં પેરિસના 'સિટી ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' નામના સાયન્સ મ્યુિઝયમમાં એક ગ્રીન વૉલનું સર્જન કર્યું. આ ગ્રીન વૉલ એટલે દુનિયાનો સૌથી પહેલો વર્ટિકલ ગાર્ડન. આ કામમાં સફળતા મળ્યા પછી બ્લેન્કે ૨૦૦૫માં એ જ મ્યુિઝયમના બીજા એક બિલ્ડિંગની બહારની દીવાલ પર વર્ટિકલ ગાર્ડન તૈયાર કર્યો. યુરોપના આ સૌથી મોટા સાયન્સ મ્યુિઝયમનું કામ જ સાયન્સ-ટેક્નોલોજી કલ્ચરનો વધુને વધુ પ્રચાર-પ્રસાર કરવાનું છે, જેનો બ્લેન્કના ઇનોવેશનોને લાભ મળ્યો. વળી, ગ્રીન વૉલનું સર્જન કરવામાં બ્લેન્કને તેમના જેવા જ જિન નુવેલ નામના ઉત્સાહી આર્કિટેકની પણ મદદ મળી. જિન નુવેલને આર્કિટેકચરનું 'નોબેલ' ગણાતો પ્રિત્ઝકર પુરસ્કાર તેમ જ આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેકચર જેવાં સન્માનો મળી ચૂક્યાં છે.

પેટ્રિક બ્લેન્કે સર્જેલો 'ઊભો વન-વગડો' શરૂઆતમાં ગ્રીન વૉલ તરીકે ઓળખાતો, પરંતુ એ પછી વર્ટિકલ ગાર્ડન શબ્દ પ્રચલિત થઈ ગયો. ગ્રીન વૉલનો ડેટા બેઝ રાખતી ગ્રીનરૂફ ડોટ કોમ નામની વેબસાઇટના મતે, અત્યારે દુનિયામાં કુલ ૬૧ વિશાળ આઉટડોર વૉલ છે, જેમાંની ૮૦ ટકા જેટલી ગ્રીન વૉલ ૨૦૦૯ અને એ પછી તૈયાર થઈ છે. આ પૈકીની મોટા ભાગની ગ્રીન વૉલ એરપોર્ટ કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ જેવા જાહેર સ્થળે છે. અત્યારે દુનિયાનો સૌથી મોટો વર્ટિકલ ગાર્ડન મેક્સિકોના લોસ કાબોસ શહેરમાં આવેલા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આવેલો છે. આ વર્ટિકલ ગાર્ડન કુલ ૨૯,૦૬૩ સ્ક્વેર ફીટ(અડધો એકરથી પણ વધુ)ના ક્ષેત્રફળમાં તૈયાર કરાયો છે. વર્ષ ૨૦૧૨માં લોસ કાબોસમાં જી-૨૦ સમિટનું આયોજન કરાયું ત્યારે આ કન્વેશન સેન્ટર તૈયાર કરાયું હતું.

ઓફિસમાં સર્જેલા વગડા વચ્ચે પેટ્રિક બ્લેન્ક

લોસ કાબોસમાં જી-20 સમિટ માટે તૈયાર કરાયેલા કન્વેન્શન સેન્ટરમાં તૈયાર કરાયેલી ગ્રીન વૉલ

હાલ પેટ્રિક બ્લેન્ક ફ્રાંસના સૌથી મોટા રિસર્ચ સેન્ટર 'ફ્રેંચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ'માં કામ કરે છે. આજે દુનિયા બ્લેન્કને વર્ટિકલ ગાર્ડનના જનક તરીકે ઓળખે છે. તેમણે કરેલા ઇનોવેશન્સના કારણે જ અત્યારે વર્ટિકલ ગાર્ડનિંગનો કોન્સેપ્ટ દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં ફ્રેંચ રાજદૂતાવાસે વર્ટિકલ ગાર્ડનિંગ પર એક સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું. આ સિમ્પોઝિયમમાં પણ બ્લેન્કે હાજરી આપીને દેશના અગ્રણી આર્કિટેકને વર્ટિકલ ગાર્ડનિંગનું મહત્ત્વ સમજાવ્યું હતું. ફ્રેન્ચ દૂતાવાસમાં પણ બ્લેન્કે એક સુંદર વર્ટિકલ ગાર્ડનનું સર્જન કર્યું છે. 

ભારતમાં વર્ટિકલ ગાર્ડનનો કોન્સેપ્ટ બહુ મોડો આવ્યો. દેશનો પહેલો વર્ટિકલ ગાર્ડન બનાવવાનો શ્રેય બેંગલુરુને જાય છે. અહીંના હોસુર રોડ પર આવેલા ફ્લાયઓવરના એક પિલાર પર માર્ચ ૨૦૧૭માં 'સે ટ્રીઝ' નામની સંસ્થાએ વર્ટિકલ ગાર્ડન બનાવ્યો હતો. આ મહાકાય પિલાર પર દસ જાતની વનસ્પતિના ૩,૫૦૦ છોડ મૂકવામાં આવ્યા છે. જો આપણે બધા જ ફ્લાયરઓવર પિલાર્સ કે દરેક શહેરની આઇકોનિક બિલ્ડિંગો પર વર્ટિકલ ગાર્ડન સર્જીએ તો ગરમી અને પ્રદૂષણમાંથી ખાસ્સો છુટકારો મળે. એટલું જ નહીં, દિલોદિમાગને થકવી નાંખતા કોંક્રિટના જંગલોમાં પણ આંખને રાહત મળે એવું કુદરતી સૌંદર્ય સર્જાય.

જરૂરી નથી કે વર્ટિકલ ગાર્ડન બાહ્ય સ્થળોએ જ હોય. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસની અંદર અનુકૂળ હોય એટલી જગ્યામાં નાના-મોટા વર્ટિકલ ગાર્ડન બનાવી શકે છે. વર્ટિકલ ગાર્ડનિંગ બનાવવાની અનેક રીતો છે. જેમ કે, બજારમાં તૈયાર મળતી વર્ટિકલ મોડયુલર પેનલોની છાજલીઓમાં નાનાં-મોટાં કૂંડાં ગોઠવીને જુદી જુદી વનસ્પતિઓ ઊગાડીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી શકાય. આ પ્રકારની પેનલોને પંદરેક વર્ષ સુધી બદલવી નથી પડતી અને ગમે તેવી વિશાળ દીવાલો પર પણ પેનલો સહેલાઇથી ફિટ કરી શકાય છે. ટકાઉ વર્ટિકલ ગાર્ડન બનાવવાની આ સૌથી ઉત્તમ રીત છે. આ ઉપરાંત કાથી-માટીની અથવા તો પોલિયુથેરિન જેવા સિન્થેટિક રેઝિનની તૈયાર સાદડીઓ પર પણ વનસ્પતિઓ ઊગાડીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી શકાય. આ સાદડીઓમાં જ ઈન્ટિગ્રેટેડ વૉટર ડિલિવરી સિસ્ટમ હોય છે. તેમાંથી જ વનસ્પતિઓને પોષણ મળે છે અને બગીચો હર્યોભર્યો રહે છે.

વિવિધ પ્રકારની ઈનડોર ગ્રીન વૉલ

ગેરીલા ગાર્ડનિંગમાં મહેનત થોડી વધારે છે. તેનો લાભ આખા શહેરને કે બીજા લોકોને મળે છે, જ્યારે વર્ટિકલ ગાર્ડનિંગ પોતાના ઘર કે ઓફિસમાં વ્યક્તિગત લાભ માટે પણ થઈ શકે છે. પોતાના જ ખેતર કે બગીચામાં મહેનત-મજૂરી કરીને ઊગાડેલાં શાકભાજી-ફળો ખાઈએ ત્યારે કેવો અનેરો આનંદ મળે છે? એવો જ આનંદ વર્ટિકલ ગાર્ડનરને શુદ્ધ વાતાવરણનું સર્જન કરવાનો મળે છે. વર્ટિકલ ગાર્ડનિંગથી શુદ્ધ હવા મળે છે, શુદ્ધ હવાથી આરોગ્યને શારીરિક અને માનસિક લાભ (લીલોતરીની હાજરીથી) પણ મળે છે. લીલોતરીથી માણસોનું મન પ્રફૂલ્લિત રહે છે એ વાત પણ સાબિત થઈ ગઈ છે.

શહેરોમાં (પ્રદૂષણ ના હોય તો પણ) તો વર્ટિકલ ગાર્ડનિંગ પરિવારને આપેલી બહુ મોટી ભેટ સમાન છે.

(શીર્ષક પંક્તિ : નર્મદ)

———-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2017/12/blog-post.html

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,2263,2273,2283,229...3,2403,2503,260...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved