Opinion Magazine
Number of visits: 9583511
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્દિરા ગાંધી – એક ચીજ જડવી ના સહેજ

રમેશ ઓઝા|Opinion - Opinion|11 December 2017

– 1 –

શું ઇન્દિરા ગાંધી ખરેખર વડાં પ્રધાન બનવા માગતાં હતાં? શું નેહરુ ઇન્દિરા ગાંધીને તેમની વારસ બનાવવા માગતા હતા? શું વંશવાદ નેહરુપરિવારની ખાનદાની મર્યાદા છે? સૌથી મહત્ત્વનો પ્રશ્ન – આ દેશમાં એવું કોણ હતું જેને ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં એ પહેલાં તેમની રાજકીય ક્ષમતાનો પરિચય થઈ ગયો હોય? એનાથી પણ મહત્ત્વનો સવાલ – આગળ જતાં દુર્ગાનો અવતાર ધારણ કરનારાં ઇન્દિરા ગાંધી શું ઇન્દિરા ગાંધી માટે પણ અજાણ્યાં હતાં?

૧૭ નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી આવી રહી છે, ત્યારે તેમનું રાજકરણ, રાજકીય શૈલી અને તેમના ભારતીય રાજકારણ પરના પ્રભાવ વિશે વિગતે વાત કરવાનો ઇરાદો છે. આવતા ત્રણ કે ચાર હપ્તામાં એ વિશે વાત કરવામાં આવશે. સ્વાભાવિક રીતે અહીં તેમનાં બાળપણ, લગ્ન અને શરૂઆતનાં વર્ષો વિશે વાત કરવામાં નહીં આવે. એ બધી વિગતો અહીં અપ્રસ્તુત છે.

૧૯૬૬ની ૧૨ જાન્યુઆરીની એ સવાર હતી. અમારા ગામમાં સહકારી ભંડાર હતો જેનું સંચાલન મારા પિતા કરતા હતા. આગલા દિવસે રૅશનિંગનું અનાજ આવ્યું હતું અને લોકો સવારથી જ ભંડારની બહાર લાઇન લગાવીને ઊભા હતા. મારા પિતા કોઈ કારણસર બહારગામ ગયા હતા એટલે દુકાનની ચાવી લઈને હું દુકાને પહોંચી ગયો હતો. હું જ્યારે દુકાને ગયો ત્યારે લોકોનાં ટોળાં બજારમાં ઊભાં હતાં અને વાતાવરણમાં એક પ્રકારની ગમગીની જોવા મળતી હતી. બજારમાં મને કહેવામાં આવ્યું કે તાશ્કંદમાં ગઈ રાતે ભારતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું છે, એટલે તેમના માનમાં દુકાન બંધ રાખવી જોઈએ. એ રૅશનિંગના જમાનામાં લોકોને નિરાશ કરવા એ મને ઉચિત લાગ્યું નહોતું, એટલે જેટલા લોકો લાઈનમાં ઊભા હતા તેમને અનાજ આપવાનો મેં નિર્ણય લીધો હતો. ગામના કેટલાક વડીલોને મારી વાત ઠીક લાગી હતી અને તેઓ મને મને મદદ કરવા જોડાયા હતા.

અમે અનાજની વહેંચણી કરતા હતા ત્યારે ચર્ચાના મુદ્દા બે હતા – એક લાલ બહાદુર શાસ્ત્રીનું ખૂન થયું છે અને એમાં પાકિસ્તાન અને રશિયાનો હાથ છે. ચર્ચાનો બીજો મુદ્દો હતો : શાસ્ત્રી પછી કોણ? કોણ ભારતના નવા વડા પ્રધાન બનશે? તેમની વાતચીતમાં ઇન્દિરા ગાંધીનું નામ વારંવાર આવતું હતું. મને યાદ છે ત્યાં સુધી મેં રાજકારણમાં રસ લેવાનું ત્યારથી શરૂ કર્યું હતું.

એ પછી ઇન્દિરા ગાંધી સાથેનાં વર્ષોનો લાંબો ઇતિહાસ છે. શરૂઆતનાં વર્ષોમાં ઇન્દિરા ગાંધી પર અનેક લોકો ફિદા હતા એમાં મારો પણ સમાવેશ થતો હતો. એ પછી મોહભંગ થયો હતો અને પહેલાં ગુજરાતનું નવનિર્માણ આંદોલન અને એ પછી બિહાર આંદોલનમાં મુંબઈમાં રહીને સક્રિય સહયોગ આપ્યો હતો. (૧૯૭૦માં અમારા પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું હતું.) ઇમર્જન્સીના વિરોધમાં પકડાયા વિના બની શકે એટલા પ્રમાણમાં ભૂગર્ભ સાહિત્ય વહેંચતો હતો અને છાને ખૂણે થતી બેઠકોમાં ભાગ લેતો હતો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી જાહેર કરી ત્યારે કૉન્ગ્રેસને પરાજિત કરવા દિવસરાત જે યુવાનો કામ કરતા હતા એમાં મારો પણ સમાવેશ થતો હતો. જેમનો ઉછેર ગાંધીજીના ખોળામાં થયો હોય અને જેમણે ભારતમાં લોકતંત્રને સ્થિર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, એ જવાહરલાલ નેહરુની પુત્રી લોકતંત્રનું કાસળ કાઢવાનું કામ કઈ રીતે કરી શકે, એ પ્રશ્ન ત્યારે પણ સમજતો નહોતો અને આટલાં વર્ષે આજે પણ સમજતો નથી. ઇન્દિરા ગાંધીનાં વડા પ્રધાન તરીકેનાં વર્ષો ભારતીય રાજકારણનું એક ઝંઝાવાતી પવર્‍ છે.

શાસ્ત્રી પછી કોણ એવો સવાલ મેં પહેલી વાર સાંભળ્યો, એના ત્રણ વરસ પહેલાં ૧૯૬૩માં ૩૩ વરસના વેલ્ઝ હેગન નામના અમેરિકન પત્રકારે આફ્ટર નેહરુ, હુ? એવું એક પુસ્તક લખ્યું હતું. વેલ્ઝ હેગન અમેરિકાના નૅશનલ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનના ભારત ખાતેના બ્યુરોમાં કામ કરતા હતા. એ પુસ્તક માટે તેમણે નેહરુ પછીના વડા પ્રધાનપદના સંભવિત ઉમેદવારો કોણ હશે એનો તાગ મેળવવા કેટલાક લોકોની મુલાકાત લીધી હતી. એમાં મોરારજી દેસાઈ, વી.કે. કૃષ્ણમેનન, લાલ બહાદુર શાસ્ત્રી, યશવંતરાવ ચવાણ, જયપ્રકાશ નારાયણ, એસ.કે. પાટીલ, બ્રિજ મોહન કૌલ અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ થતો હતો. ઇન્દિરા ગાંધીએ હેગનને મુલાકાત આપી અને કારણ વિના વિવાદ વકરાવવામાં ફાળો આપ્યો એ માટે જવાહરલાલ નેહરુએ ઇન્દિરા ગાંધીને ઠપકો આપ્યો હતો, એમ કૅથરિન ફ્રાન્કે ઇન્દિરા ગાંધીના જીવનચરિત્ર ‘ઇન્દિરા : ધ લાઇફ ઑફ ઇન્દિરા નેહરુ ગાંધી’માં નોંધ્યું છે.

શું ઇન્દિરા ગાંધી ખરેખર વડાં પ્રધાન બનવા માગતાં હતાં? શું નેહરુ ઇન્દિરા ગાંધીને તેમના વારસ બનાવવા માગતા હતા? શું વંશવાદ નેહરુપરિવારની ખાનદાની મર્યાદા છે? મોતીલાલ નેહરુ તેમના પુત્ર જવાહરલાલને રાજકીય રીતે પ્રમોટ કરતા હતા અને તેમની વગનો ઉપયોગ કરતા હતા એ એક હકીકત છે. જો કે પછીનાં વર્ષોમાં જવાહરલાલની વગની મોતીલાલને જરૂર પડે એટલી હદે જવાહરલાલ નેહરુએ કાઠું કાઢ્યું હતું એ જુદી વાત છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન – આ દેશમાં એવું કોણ હતું જેને ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં એ પહેલાં તેમની રાજકીય ક્ષમતાનો પરિચય થઈ ગયો હોય? એનાથી પણ મહત્ત્વનો સવાલ – આગળ જતાં દુર્ગાનો અવતાર ધારણ કરનારાં ઇન્દિરા ગાંધી શું ઇન્દિરા ગાંધી માટે પણ આશ્ચર્ય હતાં?

છેલ્લો સવાલ ફરી વાંચો – શું ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી માટે પણ અજાણ્યાં હતાં? આ શ્રેણીમાં આવા કેટલાક પ્રશ્નોની ખોજ કરવામાં આવશે.

૧૯૫૯માં ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં. કેટલાક લોકો કહે છે કે ઇન્દિરા ગાંધીને રાજકીય વારસ બનાવવાની શરૂઆત ત્યાંથી થઈ હતી. એક પ્રસંગ ઘણી વાર સાંભળવા મળે છે, પરંતુ એનું પ્રમાણ આધારભૂત નથી. ૧૯૫૯માં કૉન્ગ્રેસપ્રમુખ ઉછરંગરાય ઢેબર તેમની મુદત પૂર્વે નિવૃત્ત થવા માગતા હતા. તેમની મુદતના બાકીના  ૧૧ મહિના માટે તેમના અનુગામી કોણ બને એ વિશે ચર્ચા કરવા તેઓ જવાહરલાલ નેહરુને મળ્યા હતા. ઢેબરભાઈ સંભવિત ઉમેદવારોનાં નામ ગણાવી રહ્યાં હતાં ત્યારે નેહરુ વારંવાર એક જ વાત કહેતા હતા – કોઈ ઔર ભી નામ સોચિએ. આ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી ઢેબરભાઈએ ઇન્દિરા ગાંધીનું નામ નહોતું લીધું.

ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસનાં પ્રમુખ બનાવવવામાં આવ્યાં એ પહેલાં ૧૯૫૫માં તેમને કૉન્ગ્રેસ કારોબારી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યાં હતાં. એ ચાર વરસમાં ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસ સંગઠનમાં જવાહરલાલ નેહરુની પુત્રી સિવાય કોઈ પ્રતિષ્ઠા રળી નહોતી. તેઓ કારોબારીની બેઠકમાં ભાગ્યે જ બોલતાં હતાં અને ભાગ્યે જ કોઈ દિશાસૂચન કરતાં હતાં. તેમણે કોઈ કાર્યક્રમ સૂચવ્યો હોય અને એનું નેતૃત્વ કર્યું હોય એવું તો એક વાર પણ બન્યું નહોતું. આવાં માત્ર નેહરુની પુત્રીની ખ્યાતિ ધરાવતાં ઇન્દિરા ગાંધીને ૧૯૫૯માં ૧૧ મહિના માટે કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં. જો ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસપ્રમુખ બનવામાં રસ હોત અને જો જવાહરલાલ નેહરુ તેમને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવા માગતા હોત તો અગિયાર મહિનાની વચગાળાની મુદત પૂરી થયા પછી તેઓ પૂરી મુદતનાં કૉન્ગ્રેસપ્રમુખ બની શક્યાં હોત. એ સમયે જવાહરલાલ નેહરુની ઇચ્છા ઇશ્વરઇચ્છા માનવામાં આવતી હતી. ઇન્દિરા ગાંધીની જગ્યાએ નીલમ સંજીવ રેડ્ડીને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સંભવિત કારણ એવું છે કે તેઓ તેમના પિતાની સેવા કરવા માગતાં હતાં અને બને એટલા પ્રમાણમાં તેમની ઢાલ બનીને રહેવા માગતાં હતાં.

ઢેબરભાઈ સાથેના પ્રસંગથી બિલકુલ ઊલટો સંકેત આપનારો પ્રસંગ ટી.ટી. કૃષ્ણમાચારી સાથેની વાતચીતનો છે અને એ પ્રમાણભૂત છે. ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં ભારતનો પરાજય થયો અને જવાહરલાલ નેહરુની તબિયત કથળવા લાગી ત્યારે ટી.ટી.કે.એ નેહરુને સૂચવ્યું હતું કે તેમણે કાં તો વિજયાલક્ષ્મી પંડિતને અથવા ઇન્દિરા ગાંધીને કૅબિનેટમાં લેવાં જોઈએ જે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંનો તેમનો બોજ ઓછો કરે. જવાહરલાલ નેહરુએ એ સૂચન ફગાવી દેતાં રોષપૂર્વક કહ્યું હતું કે તેઓ જ્યાં સુધી વડા પ્રધાન છે ત્યાં સુધી તેમની બહેનને કે તેમની પુત્રીને કૅબિનેટમાં લેવામાં નહીં આવે અને ઇન્દિરા ચૂંટણી નહીં લડે. ભારત લોકતાંત્રિક દેશ છે અને એમાં આ શોભાસ્પદ નથી.

ખેર, ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવે છે અને માત્ર ૧૧ મહિના, પણ તેમની રાજકીય શૈલી જુઓ. તેમના પતિ ફિરોઝ ગાંધી કૉન્ગ્રેસની અંદર ડાબેરીઓનું નેતૃત્વ કરતા હતા. એક પ્રકારના જિંજર ગ્રુપની તેમણે રચના કરી હતી, જે કૉન્ગ્રેસને જમણેરીઓ સામે લડત આપતા હતા અને જવાહરલાલ નેહરુને ડાબેરી વલણ અપનાવવા માટે દબાણ કરતા હતા. ફિરોઝ ગાંધીએ ઇન્દિરા ગાંધીને તેમની સાથે જોડવા માટે દબાણ કર્યું હતું અને ઇન્દિરા ગાંધી તેમના જૂથમાં જોડાયાં પણ હતાં. ફિરોઝ ગાંધી જવાહરલાલ નેહરુ ડાબેરી વલણ અપનાવે એમાં ઇન્દિરા ગાંધીનો ઉપયોગ કરવા માગતા હતા, પરંતુ ઇન્દિરા તેમની સાથે શા માટે જોડાયાં હતાં એ એક કોયડો છે. એની પાછળનો તેમનો ઇરાદો લગ્નજીવન ટકાવી રાખવાનો હતો કે પછી તેઓ ડાબેરી વિચારધારામાં શ્રદ્ધા ધરાવતાં હતાં એનો કોઈ ખુલાસો નથી મળતો.

૧૯૫૦માં ઇન્દિરા ગાંધી ૧૧ મહિના માટે કૉન્ગ્રેસપ્રમુખ બને છે. ૧૯૫૯ના એપ્રિલ મહિનામાં તેઓ કેરળના પ્રવાસે જાય છે. ત્યાં તેઓ ઈ.એમ.એસ. નમ્બુિદરીપાદની સામ્યવાદી સરકાર પર પ્રહારો કરે છે, એ ત્યાં સુધી કે સામ્યવાદીઓને તેઓ રાષ્ટ્રના દુશ્મન ગણાવે છે. અસાધારણ યુ-ટર્ન અને એ જ તો ઇન્દિરા ગાંધીની રાજકીય શૈલી હતી. તેમણે તેમના પતિનો સાથ છોડીને કૉન્ગ્રેસમાંના જમણેરીઓ સાથે હાથ મિલાવ્યો હતો. એ પછી ૧૯૫૯ના જુલાઈ મહિનામાં જવાહરલાલ નેહરુએ કેરળની લોકતાંત્રિક માર્ગે ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી અને રાષ્ટ્રપતિશાસન લાદ્યું હતું. આમાં ઇન્દિરા ગાંધીનો હાથ હતો એમ માનવામાં આવે છે. ખુદ ફિરોઝ ગાંધીએ જાહેરમાં આવો આક્ષેપ કર્યો હતો અને લોકસભામાં પસ્તાળ પાડી હતી. આ ઘટના યાદ રાખજો, કારણ કે આનાથી બિલકુલ વિરુદ્ધ ઘટના ૧૯૬૬માં બનવાની હતી.

વચગાળાની ૧૧ મહિનાની મુદત પૂરી થયા પછી ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરુ પર કૉન્ગ્રેસમાંના જમણેરીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું કે તેમને પૂરી મુદતના કૉન્ગ્રેસપ્રમુખ બનાવવામાં આવે. ઇન્દિરા ગાંધીની પૂરી મુદતના પ્રમુખ બનવાની ઇચ્છા નહોતી. ૩૦ ઑક્ટોબરની રાતે ઇન્દિરા ગાંધી સૂઈ શકતાં નથી. ફરી વાર કૉન્ગ્રેસપ્રમુખ બનવું કે નહીં એ વિશે તેમની અંદર ભારે મથામણ ચાલે છે. છેવટે વહેલી સવારે પોણાચાર વાગ્યે તેઓ પથારીમાંથી ઊઠીને પિતા જવાહરલાલ નેહરુને પત્ર લખે છે. આમ તો પત્ર લખવાની કોઈ જરૂર નહોતી, કારણ કે ઇન્દિરા ગાંધી વડા પ્રધાનના નિવાસ્થાન તીનમૂર્તિ ભવનમાં જ રહેતાં હતાં અને એ જ મકાનમાં બીજા એક ઓરડામાં સૂતાં હતાં. પત્ર લખવાનું કારણ એ હતું કે તેઓ પોતાની ભાવના ગેરસમજ ન થાય એ રીતે શબ્દબદ્ધ કરવા માગતાં હતાં. તેઓ શા માટે કૉન્ગ્રેસપ્રમુખ બનવા માગતાં નથી એ વિશે તેઓ લખે છે …છેક બાળપણથી હું અસાધારણ મહાનુભાવોના સંપર્કમાં આવી છું અને અસાધારણ ઘટનાઓની સાક્ષી અને ક્વચિત એમાં ભાગીદાર રહી છું … પરિવારમાં અને જાહેર જીવનમાં જે પરિસ્થિતિમાં મારા તરુણાઈના દિવસો વીત્યા છે એ કઠિન હતા, સહેલા નહોતા. આ જગત ભલા માણસો માટે બહુ નિદર્‍યી છે અને ખાસ કરીને સંવેદનશીલ લોકો માટે તો ખાસ. છેલ્લાં આઠ વર્ષમાં મેં ખૂબ સંઘર્ષ કર્યો છે અને એ અવિરત ચાલુ છે. આ દરમ્યાન મને ક્યારે ય એવું નથી લાગ્યું કે હું કોઈ બહુ મહાન કામ કરી શકું એમ છું.

હવે મને એવો અનુભવ થઈ રહ્યો છે કે હું નાનકડા પીંજરામાં પુરાયેલું પક્ષી છું. હું ગમે એ દિશામાં પાંખ ફેલાવું, મને એ નાનકડા પીંજરાની દીવાલો ભટકાય છે. હવે સમય આવી ગયો છે કે હું મારી પોતાની જિંદગી જીવું. શું આ ઠીક કહેવાશે? હું નથી જાણતી. અત્યારે તો હું મુક્ત થવા તલસી રહી છું અને મને મારી પોતાની દિશામાં ઊડવું છે. કૉન્ગ્રેસપ્રમુખ તરીકેના દિવસો મને ઉત્સાહવર્ધક લાગ્યા છે તો ત્રાસનો પણ અનુભવ કર્યો છે, પણ એ એક સાર્થક અનુભવ હતો. હું જો કૉન્ગ્રેસપ્રમુખ તરીકે ચાલુ રહીશ તો એ મારા માટે રાજીપાના દિવસો નહીં હોય. મને એમ લાગે છે કે હું એના માટે યોગ્ય નથી.

આ પત્રની એક કૉપી તેમણે તેમની અંતરંગ મિત્ર ડૉરોથી નૉર્મનને મોકલી હતી જે યેલ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ડૉરોથી નૉર્મન પેપર્સમાં સંગ્રહાયેલી છે.

બીજા દિવસે સવારે નેહરુને પત્ર આપ્યા પછી નેહરુની સંમતિ સાથે તેમણે નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓ કૉન્ગ્રેસ પક્ષના પ્રમુખપદના ઉમેદવાર નથી. આ બાજુ જવાહરલાલ નેહરુનો પણ ઇન્દિરા ગાંધી માટે બહુ ઊંચો અભિપ્રાય નહોતો. નેહરુને ઇન્દિરા ગાંધી હંમેશાં સામાન્ય શક્તિ ધરાવતાં મીડિયોકર લાગતાં હતાં. નેહરુના અફાટ શબ્દરાશિમાં તેમણે ઇન્દિરા ગાંધીની અસાધારણ શક્તિનાં ઓવારણાં લીધાં હોય કે મોટી અપેક્ષા વ્યક્ત કરી હોય એવું તમને જોવા નહીં મળે. નહોતો ઇન્દિરા ગાંધીને પોતાના પર વિશ્વાસ કે નહોતો નેહરુને ઇન્દિરા ગાંધીની ક્ષમતા પર વિશ્વાસ. ઊલટું ઇન્દિરા ગાંધીના મનમાં ભયની અને અસલામતીની ગ્રંથિ હતી. ૧૯૬૩ના નવેમ્બર મહિનામાં એક દિવસ બ્રિટિશ ફિલ્મ-ક્રિટિક અને લેખિકા મારી સેટોને ઇન્દિરા ગાંધીને પૂછ્યું હતું કે તેઓ તેમના પિતાના રાજકીય વારસ બનવા માગે છે કે કેમ? ઇન્દિરા ગાંધીએ તેમને તરત ઉત્તર આપ્યો હતો કે જો એવી કોઈ ઘટના બનતી નજરે પડશે તો તેઓ મને મારી નાખશે. તેમનો અર્થ રાજકીય હરીફ થાય છે.

આમ ૧૯૬૪ના મે મહિનામાં જવાહરલાલ નેહરુનું અવસાન થયું ત્યાં સુધી ઇન્દિરા ગાંધી સત્તાના ગલિયારામાં હોવા છતાં, નહોતાં. તેઓ ઇન્દિરા નેહરુ તરીકે મોટી રાજકીય હસ્તી હતાં, પરંતુ એ સાથે ભયભીત હતાં. તેઓ ઘર પણ સાચવવા માગતાં હતાં અને પિતાની સેવા પણ કરવા માગતાં હતાં. તેઓ અત્યંત ઋજુ અને સંવેદનશીલ હતાં, પણ ભીંસમાં આવે તો પોતે પોતાનો દૃઢ નિર્ણય લઈ શકતાં હતાં અને આક્રમક પણ બની શકતાં હતાં. કેરળની બાબતમાં પહેલી વખત આ જોવા મળ્યું હતું. આવું એક ઝટ ન સમજાય એવું કૉમ્પ્લેક્સ રસાયણ ઇન્દિરા ગાંધી ધરાવતાં હતાં જે આવનારાં વર્ષોમાં પ્રગટ થવાનું હતું. કૉન્ગ્રેસના નેતાઓ પણ આ રસાયણથી છેતરાયા હતા અને એનો શિકાર બની ગયા હતા.

[05 નવેમ્બર 2017]

– 2 –

ઇન્દિરા ગાંધી નેહરુ-ગાંધી વંશવાદનાં આર્કિટેક્ટ નહોતાં, લાભાર્થી હતાં

કામરાજ યોજના વિશે સર્વસાધારણ મત એવો છે કે એ નેહરુની ઇન્દિરા ગાંધીને વારસદાર બનાવવા માટેની ચાલ હતી. આવું આપણને માનવું એટલા માટે પણ ગમે છે કે ભારત જેવા વારસાઈ મૂલ્યો ધરાવતા સામંતશાહી દેશમાં કોઈ નખશિખ લોકતાંત્રિક મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતું હોય એ વાત માનવા આપણે તૈયાર નથી. નેહરુ કંઈ પણ કહે એ ઢોંગ છે, બાકી ભારતમાં કોઈ પોતાના સંતાનને વારસો આપ્યા વિના જાય એ શક્ય જ નથી. વારસાઈ મૂલ્યો આપણા ચિત્તમાં છે, નેહરુના ચિત્તમાં હતા કે નહીં એ પછીનો પ્રશ્ન છે

ગયા અઠવાડિયે આપણે જોયું કે ઇન્દિરા ગાંધી ભયભીત હતાં, અસુરક્ષાની ગ્રંથિ ધરાવતાં હતાં, તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો અને જવાહરલાલ નેહરુ પણ ઇન્દિરા વિશે બહુ ઊંચો અભિપ્રાય નહોતા ધરાવતા. આની વચ્ચે જ્યારે ઘેરાઈ જાય અને સ્વબચાવ કે સ્વાર્થની વાત આવે ત્યારે તેઓ ઝડપી નિર્ણય લઈ શકતાં હતાં અને ગમે ત્યારે પાલો બદલી શકતાં હતાં એ આપણે કેરળની ઘટનામાં જોયું. ગમે ત્યારે તેઓ એક અંતિમથી બીજા અંતિમ જઈ શકતાં હતાં. ગમે ત્યારે કોઈનો હાથ પકડી શકતાં હતાં અને પતિ ફિરોઝ ગાંધી સહિત કોઈનો ય હાથ છોડી શકતાં હતાં. આમાં અપવાદ હતો જવાહરલાલ નેહરુનો. પિતા માટે તેમના મનમાં અસીમ ભક્તિ હતી.

આ બાજુ આફ્ટર નેહરુ હુ એ ભારતીય રાજકારણનો નેહરુની હયાતી સુધી હયાત રહેનારો પ્રશ્ન હતો. જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી કંઈ પણ કહે, કૉન્ગ્રેસના નેતાઓ અને રાજકીય સમીક્ષકો એ માનવા તૈયાર નહોતા કે નેહરુ રાજકીય વારસો ઇન્દિરાને આપીને જવાના નથી અને ઇન્દિરા ગાંધી વારસદાર બનવાના નથી. ગયા અઠવાડિયે આપણે જોયું કે ટી.ટી. કૃષ્ણમાચારી (TTK)નું ઇન્દિરા ગાંધીને કૅબિનેટમાં લેવાનું સૂચન નેહરુએ ફગાવી દીધું હતું. બીજો એક પ્રસંગ ભુવનેશ્વરનો છે. ૧૯૬૪ના જાન્યુઆરી મહિનામાં નેહરુ કૉન્ગ્રેસ મહાસમિતિની બેઠકમાં ભાગ લેવા ભુવનેશ્વર ગયા હતા. આઠમી જાન્યુઆરીની સવારે નેહરુ બોલવા ઊભા થયા તો લથડી પડ્યા અને ઇન્દિરા ગાંધીએ તેમને ઝાલી લીધા. નેહરુને લકવાનો હળવો હુમલો આવ્યો હતો. એ સમયે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિજુ પટનાયકે ઇન્દિરા ગાંધીને કહ્યું હતું કે હવે તેમણે નાયબ વડા પ્રધાન તરીકે કૅબિનેટમાં જોડાવું જોઈએ. ઇન્દિરા ગાંધીએ ત્યારે – એટલે કે નેહરુનું અવસાન થયું એના ચાર મહિના પહેલાં – કૅબિનેટમાં જોડાવાની ના પાડી દીધી હતી.

ઇન્દિરા ગાંધીને રાજકીય વારસ બનાવવામાં આવનાર છે અને ઇન્દિરા ગાંધી બનવાના છે એમ માનવા માટે એક ઘટના કારણભૂત હતી. કામરાજ નાડર મદ્રાસના મુખ્ય પ્રધાન હતા. તેમને સમજાઈ ગયું હતું કે દ્રવિડ આંદોલનના કારણે મદ્રાસ રાજ્યમાં (અત્યારનું તામિલનાડુ) કૉન્ગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. ૧૯૬૭ની ચૂંટણીમાં દ્રવિડ કઝગમનો વિજય નિશ્ચિત છે. તેમણે સામેથી મુદત પહેલાં મુખ્ય પ્રધાનપદ છોડવાનો નિર્ણય લીધો અને એ પણ એ રીતે કે લાગલો રાષ્ટ્રીય રાજકારણમાં દબદબા સાથે પ્રવેશ મળી જાય. તેમણે કૉન્ગ્રેસના નેતાઓને સૂચવ્યું કે નેહરુની કૅબિનેટના વરિષ્ઠ પ્રધાનોએ અને રાજ્યોના કેટલાક શક્તિશાળી મુખ્ય પ્રધાનોએ હોદ્દા પરથી મુક્ત થવું જોઈએ અને પક્ષ માટે કામ કરવું જોઈએ. એ યોજનાને કામરાજ યોજના કહેવામાં આવે છે. જવાહરલાલ નેહરુને પણ એ સૂચન ઠીક લાગ્યું અને ૧૯૬૩ના ઑગસ્ટ મહિનામાં બહુચર્ચિત કામરાજ યોજના અમલમાં આવી.

યોજનાના ભાગરૂપે કામરાજ સહિત છ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ અને બીજા કેટલાક કેન્દ્રીય પ્રધાનોએ રાજીનામાં આપ્યાં. રાજીનામાં આપનારા બીજા મુખ્ય પ્રધાનોમાં એક બિજુ પટનાયક પણ હતા જે હમણાં કહ્યું એમ ૧૯૬૪માં ઇન્દિરા ગાંધીને નાયબ વડાં પ્રધાન થવાનું સૂચન કરવાના હતા. આ સિવાય મૈસૂર (અત્યારનું કર્ણાટક)ના મુખ્ય પ્રધાન નિજલિંગપ્પા, પશ્ચિમ બંગાળના કદાવર નેતા અતુલ્ય ઘોષ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નીલમ સંજીવ રેડ્ડી અને કેન્દ્રીય પ્રધાનોમાં મોરારજી દેસાઈ, લાલ બહાદુર શાસ્ત્રી, એસ.કે. પાટીલ, જગજીવન રામનો સમાવેશ થતો હતો. કામરાજ યોજનાના ભાગરૂપે જવાહરલાલ નેહરુએ પણ રાજીનામું આપીને પક્ષ માટે કામ કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ નેહરુ અપવાદ છે એમ કહીને તેમના રાજીનામાની ઑફર સ્વીકારવામાં આવી નહોતી.

મોરારજી દેસાઈ અને બીજા ઘણા લોકો એમ માને છે કે કામરાજ યોજના એ મૂળમાં નેહરુની યોજના હતી જે કામરાજના નામે અમલમાં મૂકવામાં આવી હતી. એની પાછળનો ઇરાદો મોરારજી દેસાઈને સત્તાના રાજકારણમાંથી બહાર ધકેલવાનો હતો અને ઇન્દિરા ગાંધી માટે માર્ગ મોકળો કરવાનો હતો. આવો આક્ષેપ નેહરુની હયાતીમાં કરવામાં આવ્યો હતો અને એ જોઈને નેહરુને દુ:ખ પહોંચ્યું હતું. તેમણે કહ્યું હતું : આવી વારસાઈની વાતો કરવી એ સંસદીય લોકશાહીથી વિસંગત છે એ તો જાણે ખરું જ, પરંતુ મને આવી કલ્પના કરતાં પણ મનમાં અરુચિનો ભાવ પેદા થાય છે. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે જો મારા પિતા મને તેમની રાજકીય વારસદાર બનાવવા માગતા હોત તો તેમણે મને કૅબિનેટમાં સ્થાન આપ્યું હોત, જ્યારે તેમણે મને લોકસભાની ચૂંટણી લડવાનું પણ ક્યારે ય કહ્યું નથી અને હું કોઈ ચૂંટણી લડી નથી.

તો પછી આ કામરાજ યોજના હતી કોની અને એની પાછળનો ઇરાદો શું હતો? મારું એવું માનવું છે કે એ યોજના રાજ્યોના વજનદાર મુખ્ય પ્રધાનોની હતી અને તેમનો ઇરાદો જક્કી અને સત્તાવાહી સ્વભાવના મોરારજી દેસાઈનું પત્તું કાપવાનો હતો. તેમનો ઇરાદો ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવાનો હતો જેથી તેમની વગ જળવાઈ રહે. ગયા અઠવાડિયે આપણે જોયું એમ ઇન્દિરા ગાંધીએ કેરળમાં ડાબેરી સરકાર બરતરફ કરાવી હતી અને તેમણે તેમના પતિનો હાથ છોડીને જમણેરીઓનો હાથ પકડ્યો હતો. જેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય, જે ભયભીત હોય, જે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણય ન લઈ શકતી હોય અને ઉપરથી જમણેરી હોય તો એનાથી વધારે શું જોઈએ? આ બાજુ મોરારજી દેસાઈ જ્યારે નેહરુનું સાંભળતા નથી તે ક્યાં આપણું સાંભળવાના હતા? તો કામરાજ યોજના રામ મનોહર લોહિયાની ભાષામાં કહીએ તો ગૂંગી ગુડિયાને સત્તામાં બેસાડવા માટેની અને મોરારજી દેસાઈને હાંસિયામાં ધકેલી દેવા માટેની હતી. એ કૉન્ગ્રેસના કદાવર નેતાઓની હતી અને નેહરુનો કે ઇન્દિરા ગાંધીનો એમાં કોઈ હાથ નહોતો.

આ મારું માનવું છે, પરંતુ આ દેશમાં મોટા ભાગના લોકો આમ માનવા તૈયાર નથી. કામરાજ યોજના વિશે સર્વસાધારણ મત એવો છે કે એ નેહરુની ઇન્દિરા ગાંધીને વારસદાર બનાવવા માટેની ચાલ હતી. આવું આપણને માનવું એટલા માટે પણ ગમે છે કે ભારત જેવા વારસાઈ મૂલ્યો ધરાવતા સામંતશાહી દેશમાં કોઈ નખશિખ લોકતાંત્રિક મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતું હોય એ વાત માનવા આપણે તૈયાર નથી. નેહરુ કંઈ પણ કહે એ ઢોંગ છે, બાકી ભારતમાં કોઈ પોતાના સંતાનને વારસો આપ્યા વિના જાય એ શક્ય જ નથી. વારસાઈ મૂલ્યો આપણા ચિત્તમાં છે, નેહરુના ચિત્તમાં હતાં કે નહીં એ પછીનો પ્રશ્ન છે.

મને એમ લાગે છે કે નેહરુના મનમાં એવી કોઈ યોજના નહોતી અને એ હકીકત તેમનાં વક્તવ્યોમાં પ્રગટ થાય છે, TTK જેવી વ્યક્તિઓ સાથેની વાતચીતમાં પ્રગટ થાય છે, તેમના પત્રોમાં પ્રગટ થાય છે, ખાસ કરીને તેમના બનેવી રાજા હઠીસિંહ સાથેના પત્રવ્યવહારમાં પ્રગટ થાય છે (જેમાં નેહરુ પછી ઇન્દિરાની રાજકીય ભૂમિકા વિશે ચોખ્ખી ચર્ચા કરવામાં આવે છે), ઇન્દિરા ગાંધીનાં વક્તવ્યોમાં અને પત્રોમાં પ્રગટ થાય છે અને સૌથી વધુ તો તેમના આચરણમાં પ્રગટ થાય છે. નેહરુએ ઇન્દિરા ગાંધીને નહોતું લોકસભાની ચૂંટણી લડવા કહ્યું હતું, નહોતાં રાજ્યસભાનાં સભ્ય બનાવ્યાં તો પ્રધાન બનાવવા એ તો બહુ દૂરની વાત છે. આ બાજુ ઇન્દિરા ગાંધીએ પૂરા સમયના કૉન્ગ્રેસપ્રમુખ બનવાની ના પાડી દીધી હતી અને નેહરુના અવસાન પછી તેઓ લંડનમાં સ્થાયી થવા માગતાં હતાં એવાં પણ પ્રમાણ છે. તેમણે એક મકાન જોઈ પણ રાખ્યું હતું, પરંતુ એ તેમના બજેટની બહાર હોવાથી તેઓ ખરીદી શક્યાં નહોતાં.

આમ ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવાની યોજના કૉન્ગ્રેસના વગદાર નેતાઓની હતી, બાપ-બેટીની નહોતી એમ મારું માનવું છે. તેઓ મોરારજી દેસાઈની વગનો છેદ ઉડાડીને પોતાની વગ જાળવી રાખવા માગતા હતા. વગદાર કૉન્ગ્રેસીઓમાંના કેટલાક મધ્યમમાર્ગી હતા જેઓ મોરારજી દેસાઈના જમણેરી અંતિમવાદનો વિરોધ કરતા હતા. કેટલાક વગદાર કૉન્ગ્રેસીઓ એવા પણ હતા જેમને એ જમાનામાં એમ લાગવા માંડ્યું હતું કે પક્ષની એકતા ટકાવી રાખવા માટે તેમ જ હજી પા પા પગલી ભરતા ભારતીય રાષ્ટ્ર અને લોકતંત્રને ટકાવી રાખવા માટે નેહરુ ખાનદાનની જરૂર છે. આવું માનનારાઓમાં વિનોબા ભાવે પણ હતા જેમનો કોઈ રાજકીય સ્વાર્થ નહોતો.

તો યોજના મોરારજી દેસાઈને હાંસિયામાં ધકેલી દેવાની હતી. કામરાજ યોજના એને માટે રચવામાં આવી હતી. કામરાજ યોજના હેઠળ રાજીનામું આપનારા કામરાજ, અતુલ્ય ઘોષ, એસ. નિજલિંગપ્પા, નીલમ સંજીવ રેડ્ડી, એસ.કે. પાટીલ અને બિજુ પટનાયક ૧૯૬૩ના ઑક્ટોબર મહિનામાં આંધ્ર પ્રદેશના તિરુપતિમાં ગુપ્ત રીતે મળ્યા હતા અને ત્યાં નિર્ણય લેવાયો હતો કે નેહરુ જ્યારે અવસાન પામે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીને વડા પ્રધાન બનાવવા. ઇન્દિરા ગાંધીને વિંગમાં ઊભાં રાખવા અને મોરારજીભાઈને તો બને તો હૉલમાં પણ પ્રવેશ ન આપવો. આગળ કહ્યું એમ ૧૯૬૪ના જાન્યુઆરી મહિનામાં ભુવનેશ્વરમાં જવાહરલાલ નેહરુ માંદા પડ્યા અને નાયબ વડા પ્રધાન બનવાનું બિજુ પટનાયકનું સૂચન ઇન્દિરા ગાંધીએ ફગાવી દીધું ત્યારે તિરુપતિની સિન્ડિકેટે કામરાજ યોજના હેઠળ રાજીનામું આપનારા લાલ બહાદુર શાસ્ત્રીને કૅબિનેટમાં પાછા લેવા માટે નેહરુને સમજાવ્યા હતા. શાસ્ત્રીને ખાતા વિનાના પ્રધાન બનાવવામાં આવે છે અને તેમનું મુખ્ય કામ નેહરુને મદદરૂપ થવાનું હતું. એક રીતે તેઓ નાયબ વડા પ્રધાન હતા.

મોરારજી દેસાઈએ કામરાજની યોજનાને ગંભીરતાથી લીધી નહોતી. તેઓ ઇન્દિરા ગાંધીને નેહરુની બેવકૂફ પુત્રી તરીકે જોતા હતા અને લાલ બહાદુર શાસ્ત્રીને કદ વિનાના નેતા તરીકે. તેઓ પોતાને ઇન્દુલાલ યાજ્ઞિકના શબ્દોમાં કહીએ તો સર્વોચ્ચ સમજતા હતા. છેક નેહરુના અવસાન સુધી મોરારજીભાઈ ગાફેલ રહ્યા હતા, પરંતુ ઇન્દિરા ગાંધી ગાફેલ નહોતાં. લંડનમાં સ્થાયી થવાની યોજના બર નહોતી આવતી અને બન્ને છોકરા ભણવામાં સામાન્ય હતા એટલે રાજકારણમાં ક્યાંક ગોઠવાઈ રહેવાનો તેમનો ઇરાદો હતો. તેમના આંતરમનમાં નેહરુનો વારસો કેવોક બળૂકો છે અને રાજકીય દુશ્મનો કેટલા તાકાતવાન છે એ ચકાસી લેવાનું પણ ચાલતું હશે. તેમણે બધા જ વિકલ્પ ખુલ્લા રાખ્યા હતા, પરંતુ મોરારજી દેસાઈ પોતાનામાં મગ્ન હતા : મારા વિકલ્પનો કોઈ વિકલ્પ જ નથી.

ગયા અઠવાડિયે વેલ્લેસ હેન્જન નામના અમેરિકન પત્રકાર અને તેના પુસ્તક ‘આફ્ટર નેહરુ, હુ?’ની વાત કરવામાં આવી હતી. હેન્જન તેમના પુસ્તકમાં લખે છે કે ખરો સવાલ નેહરુ પછી કોણ એ નથી, પણ નેહરુના અનુગામી પછી કોણ એ છે. તેમણે કલ્પના કરી હતી કે લાલ બહાદુર શાસ્ત્રીને ઘણું કરીને નેહરુના અનુગામી બનાવવામાં આવશે. એ પછી કૉન્ગ્રેસની એકતા, દેશની સ્થિરતા, લોકતંત્રનો તકાદો અને કૉન્ગ્રેસમાં જમણેરી-ડાબેરી અભિગમોના રાજકીય ધ્રુવો રચાશે અને એ વિશે ચર્ચા શરૂ થશે. એ ચર્ચાના કેન્દ્રમાં ઇન્દિરા ગાંધી હશે. કૉન્ગ્રેસની એકતા માટે ઇન્દિરા ગાંધી. દેશની સ્થિરતા માટે ઇન્દિરા ગાંધી. લોકોની ચાહના ઇન્દિરા ગાંધી. નેહરુના મધ્યમ માર્ગને ટકાવી રાખવા માટે ઇન્દિરા ગાંધી. ટૂંકમાં, નેહરુના અનુગામી પછીના અનુગામી ઇન્દિરા ગાંધી હશે એમ હેન્જન ૧૯૭૦માં ૪૦ વરસની વયે મૃત્યુ પામતા પહેલાં તેના પુસ્તકમાં કહી ગયો હતો. આવી સચોટ રાજકીય આગાહી એની પાછળનાં પરિબળોની છણાવટ સહિત ભાગ્યે જ જોવા મળશે.

તો વાતનો સાર એટલો કે ભારતીય સમાજમાં પ્રવર્તમાન વંશવાદી માનસિકતાનો કેટલાક કૉન્ગ્રેસીઓએ અંગત ફાયદા માટે ઉપયોગ કર્યો હતો જેનો ઇન્દિરા ગાંધીને લાભ મળ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો ઇન્દિરા ગાંધી નેહરુ-ગાંધી વંશવાદનાં આર્કિટેક્ટ નહોતાં, લાભાર્થી હતાં.

[12 નવેમ્બર 2017]

– 3 –

ઇન્દિરા ગાંધીએ 1965માં નેહરુના વારસદાર બનવાનો નિર્ણય લઈ લીધો હતો

એક ઓછી જાણીતી વાત તે સમયે રાષ્ટૃપતિ રાધાકૃષ્ણન્‌ના પુત્ર અને જાણીતા ઇતિહાસકાર એસ. ગોપાલે કહી છે. એસ. રાધાકૃષ્ણને ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવા માટે સક્રિય રસ લીધો હતો. તેઓ કોન્ગ્રેસના સંસદસભ્યોને રાષ્ટૃપતિભવન પર બોલાવતા હતા અને ઇન્દિરા ગાંધીને ટેકો આપવા સમજાવતા હતા. રાષ્ટૃપતિ રાષ્ટૃપતિભવનમાં બેસીને રાજકારણ કરે એ કોઈ આજની બીમારી નથી.

૨૨મી મે ૧૯૬૪ના રોજ જવાહરલાલ નેહરુએ પત્રકાર પરિષદ બોલાવી હતી. દેશવિદેશના ૨૦૦ કરતા વધુ પત્રકારો તેમાં આવ્યા હતા. સવાલ અનેક હતા જેમાં એક સવાલ જુદીજુદી રીતે વારંવાર ઉપસ્થિત થતો હતો; આફ્ટર નેહરુ, હુ. અનેક વાર પ્રશ્ન ટાળ્યા પછી જવાહરલાલ નેહરુએ કંટાળીને જવાબ આપ્યો હતો; માય લાઈફ ઈઝ નોટ એન્ડીંગ સો વેરી સૂન. તેમની એ ભવિષ્યવાણી ખોટી પડી હતી અને પાંચ દિવસ પછી ૨૭મી મેના રોજ બપોરે નેહરુનું અવસાન થયું હતું.

નેહરુ તેમના વસિયતનામામાં કહી ગયા હતા કે તેમના મૃત્યુ પછી અતિમસંસ્કાર કરતી વખતે અને એ પછી કોઈ ધાર્મિક વિધિ કરવામાં ન આવે. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના નેતાઓના દબાણ હેઠળ આવીને તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઇને ધાર્મિક વિધિ કરાવી હતી. કોંગ્રેસના નેતાની અંતિમવિધિ ધાર્મિક વિધિ વિના સેક્યુલર રીતે થાય એમાં કોંગ્રેસના નેતાઓને રાજકીય જોખમ નજરે પડ્યું હતું. પિતાની અંતિમ ઈચ્છાની વિરુદ્ધ જવું એ ઇન્દિરા ગાંધી માટે વસમો નિર્ણય હતો અને આજે પણ એ માટે ઇન્દિરા ગાંધીની ટીકા કરવામાં આવે છે.

જવાહરલાલ નેહરુની અંતિમ વિધિ પત્યા પછી કોને વડા પ્રધાન બનાવવા એનું રાજકારણ શરુ થાય છે. મોરારજી દેસાઈ તો રિંગમાં હતા જ. ૩૦મી મેએ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધીને મળવા તીન મૂર્તિ હાઉસ ખાતે જાય છે અને ઇન્દિરા ગાંધીને કહે છે: ‘અબ આપ મુલ્ક કો સંભાલ લીજીએ’. ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બનવાની ના પાડે છે અને એ સાથે વિવેક પૂરો થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીને પોતાને અને તેમને ટેકો આપનારા સિન્ડીકેટના નેતાઓને બે વાતની જાણ હતી. એક તો એ કે લાલ બહાદુર શાસ્ત્રીને જો વડા પ્રધાન બનાવવા હોય તો ઇન્દિરા ગાંધીના ટેકાની જરૂર છે. કોંગ્રેસના સંસદસભ્યોની નેહરુ માટેની શ્રદ્ધાનું ઇન્દિરા ગાંધી પ્રતિનિધિત્વ કરતાં હતાં. તેમને બીજી જાણ એ વાતની હતી કે મોરારજી દેસાઈ વિવેક પૂરતા કે રાજકીય રમતના ભાગરૂપે પણ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદની ઓફર કરવાના નથી. મોરારજીભાઈનું અભિમાન એમાં આડું આવતું હતું. દેખીતી રીતે ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો હતો.

ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો એ પછી મોરારજીભાઈ માટે દાવેદારી પડતી મુકવા સિવાય અને શાસ્ત્રીને ટેકો આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. બીજી જૂને કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં રખેવાળ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાએ લાલ બહાદુર શાસ્ત્રીનું નામ સૂચવ્યું હતું જેને મોરારજી દેસાઈએ ટેકો આપ્યો હતો. એ પછી લાલ બહાદુર શાસ્ત્રીએ કોંગ્રેસ સંસદીય પક્ષને સંબોધતા જે પહેલું પ્રવચન કર્યું હતું, તેમાં તેમણે ઇન્દિરા ગાંધીના સક્રિય સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રીએ ઇન્દિરા ગાંધીને માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન બનાવ્યાં હતાં અને રીતે ઇન્દિરા ગાંધી પહેલીવાર સરકારમાં જોડાય છે. ઇન્દિરા ગાંધી દાવો કરતાં હતાં કે વડા પ્રધાને તેમને વિદેશ ખાતાની ઓફર કરી હતી, પરંતુ તેઓ નેહરુના સ્મારક માટે સમય કાઢવા માંગતાં હતાં એટલે તેમણે માહિતી અને પ્રસારણનું હળવું ખાતું પસંદ કર્યું હતું. આ બાજુ મોરારજી દેસાઈ શાસ્ત્રીના પ્રધાન મંડળમાં જોડાયા નહોતા. પોતાનાથી જુનિયર અને ક્ષમતા વિનાના વડા પ્રધાનના પ્રધાન મંડળમાં જોડતા તેમને નાનપ લાગતી હતી.

નેહરુના વારસદાર બનવાની, લોકસભાની ચૂંટણી લડવાની તેમ જ સરકારમાં જોડાવાની સતત ના પાડતાં રહેલાં ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાન મંડળમાં શા માટે જોડાયાં એ વિષે ઇન્દિરા ગાંધીએ તેમની બહેનપણી નોર્મન ડોરોથીને લખ્યું હતું કે નેહરુના અવસાન પછી દિલ્હીમાં રહેવા માટે તેમને મકાનની અને પૈસાની જરૂર હતી. જો પ્રધાન બને તો તેમને એ બંન્ને ચીજ મળી શકે એમ હતી. આ ઉપરાંત ગયા સપ્તાહે કહ્યું હતું એમ તેઓ રાજકારણનો વિકલ્પ ખુલ્લો રાખવા માંગતાં હતાં. સંજોગો કઈ રીતે આકાર લે છે અને શું બને છે એને આધારે તેઓ ભવિષ્યમાં પોતાનો માર્ગ નક્કી કરવા માગતાં હતાં.

કેન્દ્રીય પ્રધાન તરીકેનું તેમનું કામ જરા ય નોંધપાત્ર નહોતું. કેબીનેટની બેઠકમાં અને સંસદમાં તેઓ ભાગ્યે જ બોલતાં હતાં. મને એમ લાગે છે કે એક વરસની અસમંજસ અવસ્થા પછી ૧૯૬૫માં તેમણે પૂરી તાકાત અને ગંભીરતા સાથે રાજકારણ કરવાનો નિર્ણય લીધો હોવો જોઈએ. એ એક વરસમાં તેમને એ પણ સમજાઈ ગયું હતું કે નેહરુની પુત્રી હોવાની તાકાત તેઓ ધારતા હતાં એના કરતાં અનેકગણી વધારે છે. ઇન્દિરા ગાંધીએ કાઠું કાઢવાનું અને લાલ બહાદુર શાસ્ત્રીની અવગણના કરવાનું શરુ કર્યું હતું. ૧૯૬૫માં તામિલનાડુમાં થયેલા હિન્દી વિરોધી આંદોલન વખતે અને એ પછી કાશ્મીરમાં પેદા થયેલી અશાંતિ વખતે તેમણે લાઈન તોડીને અને વડા પ્રધાનને નીચા દેખાડવાનું શરુ કરી દીધું હતું. ગૃહ કે સંરક્ષણ ખાતું નહીં સંભાળતાં હોવા છતાં ઇન્દિરા ગાંધી કાશ્મીર પહોંચી ગયાં હતાં. પરિસ્થિતિ એવી બની કે એક સમયે લાલ બહાદુર શાસ્ત્રીએ ઇન્દિરા ગાંધીને કાશ્મીરથી દિલ્હી પાછા આવવાનો આદેશ આપ્યો હતો જેને ઇન્દિરા ગાંધીએ ગણકાર્યો નહોતો. લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી વચ્ચેના મધુર સંબંધનો અંત આવી ગયો હતો.

ઇતિહાસમાં જો અને તોનો કોઈ અર્થ હોતો નથી, એ છતાં સવાલ થાય કે જો લાલ બહાદુર શાસ્ત્રીનું ૧૯૬૬ના જાન્યુઆરી મહિનામાં અવસાન ન થયું હોત તો શું થાત? મને એમ લાગે છે કે ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી પછી ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રી સામે વડા પ્રધાનપદની દાવેદારી કરી હોત. જો કોંગ્રેસના જમણેરી નેતાઓની સિન્ડીકેટે ઇન્દિરા ગાંધીની જગ્યાએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો હોત તો કોંગ્રેસનું વિભાજન ૧૯૬૯માં થયું એ બે કે ત્રણ વરસ વહેલું થાત. પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી રશિયાની મધ્યસ્થીમાં તાશ્કંદમાં શાસ્ત્રીજીએ પાકિસ્તાન સાથે જે સમાધાન કર્યું એને મુદ્દો બનાવીને ૧૯૬૬માં જ લાલ બહાદુર શાસ્ત્રીને ઘેરવામાં આવ્યા હોત. પાકિસ્તાન સાથેના કરારની વિગતો આવી ત્યારે જ દિલ્હીમાં અસંતોષ અને આક્રોશ પેદા થતો હતો, પરંતુ બીજી સવારે શાસ્ત્રીજીનું અવસાન થતાં સ્થિતિ બદલાઈ ગઈ હતી.

આમ આગળ કહ્યું એમ ઇન્દિરા ગાંધીએ ૧૯૬૫માં નેહરુના વારસદાર બનવાનો નિર્ણય લઈ લીધો હતો અને તરત જ ૧૯૬૬માં લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થતાં તેમને તક મળી ગઈ હતી. 

કેન્દ્રીય પ્રધાન તરીકેની ઇન્દિરા ગાંધીની કામગીરી એટલી સાધારણ હતી કે મોરારજી દેસાઈ સહિત કેટલાક નેતાઓને એમ લાગતું હતું કે ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બની શકે એવી કોઈ લાયકાત ધરાવતાં નથી એટલે જો તેઓ દાવો કરશે તો પણ પક્ષ તેમની દાવેદારીને ટેકો આપશે નહીં. આ બાજુ કોંગ્રેસના જમણેરી નેતાઓને એવાં વડા પ્રધાન જોઈતા હતા જેને તેઓ નચાવી શકે. તેઓ પોતાની વગ ઓછી થાય એવું ઈચ્છતા નહોતા. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ ૧૯૬૩ના ઓક્ટોબર મહિનામાં સિન્ડીકેટના નેતાઓ આંધ્રપ્રદેશના તિરુપતિમાં ગુપ્ત રીતે મળ્યા હતા અને ત્યાં નિર્ણય લેવાયો હતો કે નેહરુ જ્યારે અવસાન પામે ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીને વડા પ્રધાન બનાવવા. ઇન્દિરા ગાંધીને વીંગમાં ઊભાં રાખવાં અને મોરારજીભાઇને તો બને તો હોલમાં પણ પ્રવેશ ન આપવો. આમ લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી વીંગમાં ઊભાં રાખવામાં આવેલાં ઇન્દિરા ગાંધીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યાં હતાં.

૧૧મી જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયાના સમાચાર મળ્યા પછી ઇન્દિરા ગાંધીએ સવારે સાડા પાંચ વાગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન દ્વારકા પ્રસાદ મિશ્રાને દિલ્હી બોલાવ્યા હતા અને તેમની મદદ માગી હતી. એ સમયે ડી.પી. મિશ્રા ભારતીય રાજકારણના ચાણક્ય ગણતા હતા. ઇન્દિરા ગાંધીએ ડી.પી. મિશ્રાને રાજ્યોના મુખ્ય પ્રધાનોનો ટેકો મેળવી આપવાનું કામ સોંપ્યું હતું. ૧૫મી જાન્યુઆરીએ કોંગ્રેસ શાસિત આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ઇન્દિરા ગાંધીની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. બીજા દિવસે બીજા ચાર મુખ્ય પ્રધાનોએ ઇન્દિરા ગાંધીની તરફેણમાં નિવેદનો કર્યા હતા. કુલ ૧૪ રાજ્યોમાંથી આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ઇન્દિરા ગાંધીને ટેકો આપ્યો હતો. હવે બાજી પલટાઈ ગઈ હતી. આ બાજુ સિન્ડીકેટના નેતાઓ કોઈપણ સંજોગોમાં મોરારજી દેસાઈને વડા પ્રધાન બનવા દેવા નહોતા માંગતા.

એક ઓછી જાણીતી વાત એ સમયના રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણન્‌ના પુત્ર અને જાણીતા ઇતિહાસકાર એસ. ગોપાલે કહી છે. એસ. રાધાકૃષ્ણને ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવવા માટે સક્રિય રસ લીધો હતો. તેઓ કોંગ્રેસના સંસદસભ્યોને રાષ્ટ્રપતિભવન પર બોલાવતા હતા અને ઇન્દિરા ગાંધીને ટેકો આપવા સમજાવતા હતા. રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિભવનમાં બેસીને રાજકારણ કરે એ કોઈ આજની બીમારી નથી. બીજી ઓછી જાણીતી વાત એ છે કે ઇન્દિરા ગાંધીનાં ફઈબા વિજયા લક્ષ્મી પંડિતે પ્રારંભમાં ઇન્દિરા ગાંધીની જગ્યાએ મોરારજી દેસાઈને ટેકો આપ્યો હતો. એ પછી જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે ઇન્દિરાના રથને કોઈ રોકી શકે એમ નથી ત્યારે તેમણે ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બને એનું સ્વાગત કર્યું હતું. તેમનું નિવેદન મોઘમ હતું. તેમણે કહ્યું હતું કે ‘ઇન્દિરાને અનુભવ નથી, પરંતુ એ તો શીખી જશે. તેની તબિયત પણ સારી રહેતી નથી, પરંતુ સાથી પ્રધાનોના સહયોગથી મેનેજ કરી લેશે. ફઇ-ભત્રીજીનો સંબંધ કેવો હતો એ આમાં જોઈ શકાશે.

હવે ઇન્દિરા ગાંધી માટે રસ્તો સાફ થઈ ગયો હતો અને કોંગ્રેસના નેતાઓ તેમ જ કાર્યકરોએ ઇન્દિરા ગાંધીના ઘરે જઇને અભિનંદન આપવાનું શરુ કરી દીધું હતું, પરંતુ મોરારજી દેસાઈ હજુ પણ દાવો છોડવા તૈયાર નહોતા. ઇન્દિરા ગાંધીની ચાલાકી જુઓ; જીતવાની કોઈ શક્યતા નહીં હોવા છતાં મોરારજીભાઇ દાવો છોડતા નહોતા, જ્યારે ઇન્દિરા ગાંધી માટે રસ્તો મોકળો હોવા છતાં તેઓ વડા પ્રધાનપદનો વિધિવત દાવો કરતાં નહોતાં. બીજા લોકો પાસે બોલાવડાવતા હતાં અને પોતે ચૂપ રહીને વડાં પ્રધાન બનવાની બાબતે ઉદાસીન હોય એવો દેખાવ કરતાં હતાં.

૧૯મી જાન્યુઆરી ૧૯૬૬ના રોજ કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી અને છેલ્લી વાર વડા પ્રધાનપદ માટે કોંગ્રેસ સંસદીય પક્ષમાં ચૂંટણી થાય છે જેમાં ઇન્દિરા ગાંધીનો મોરારજી દેસાઈ સામે ૩૫૫ વિરુદ્ધ ૧૬૯ મતથી વિજય થાય છે. વડાં પ્રધાન તરીકે મનોનીત થયા પછી ઇન્દિરા ગાંધી ટૂંકા પ્રવચનમાં જવાહરલાલ નેહરુને અને લાલ બહાદુર શાસ્ત્રીને અંજલિ આપે છે. એ પછી તેઓ મોરારજીભાઇ પાસે જઇને હાથ જોડીને નમસ્તે કરતા અંગ્રેજીમાં પૂછે છે: વિલ યુ બ્લેસ માય સકસેસ?

મોરારજી દેસાઈ કહે છે: આય ગીવ યુ માય બ્લેિંસગ.

પાછળનાં વર્ષોમાં ઇન્દિરા ગાંધીએ પોતાના વિજય માટે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ તેમની સાથે હતા એના કરતાં મોરારજી દેસાઈની વિરુદ્ધમાં વધુ હતા જેનો તેમને ફાયદો થયો હતો.

મોરારજી દેસાઈ જેમને નેહરુની છોકરી તરીકે ઓળખાવતા હતા અને ડૉ. રામ મનોહર લોહિયા જેમને ગુંગી ગુડિયા તરીકે ઓળખાવતાં હતાં એ ઇન્દિરા ગાંધી ભારતના ત્રીજાં વડાં પ્રધાન બને છે એ સાથે ભારતીય રાજકારણમાં એક ઝંઝાવાતી યુગ શરુ થાય છે. એવો યુગ  જેમાં લોકતંત્રનો હ્રાસ થયો હતો અને જાહેરજીવન અભડાયુ હતું. 

[19 નવેમ્બર 2017]

– 4 –

ઇન્દિરા ગાંધી ધરાવતાં હતાં ભલભલા દિગ્ગજોને રમતમાં માત કરવાની આવડત

ઓડિશામાં ચૂંટણીપ્રચાર કરતી વખતે એક સભામાં તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો જે તેમના નાક પર વાગ્યો હતો. તેમણે વિચલિત થયા વિના લોહી નીંગળતા નાક સાથે અડધો કલાક ભાષણ કર્યું હતું. એ પથ્થરે અને લોહીએ ઇન્દિરા ગાંધીને બહાદુર માતા તરીકે સ્થાપિત કરી દીધાં હતાં. દુર્ઘટનાને અવસર બનાવવાની તેમનામાં અદ્ભુત ક્ષમતા હતી

ઇન્દિરા ગાંધીને કઠપૂતળીની જેમ નચાવી શકાશે એવી ધારણાથી દોરવાઈને કૉન્ગ્રેસના જમણેરી નેતાઓએ તેમને વડાં પ્રધાન બનાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધી ગૂંગી ગુડિયા બની રહેશે અને એ સ્થિતિમાં વિરોધ પક્ષોને સત્તા સુધી પહોંચવાની તક મળશે એમ વિરોધ પક્ષો માનતા હતા. મોરારજી દેસાઈ તેમને નેહરુની છોકરી તરીકે ઓળખાવીને ઇન્દિરા ગાંધીની શક્તિને ઓછી આંકતા હતા. કોઈને એમ નહોતું લાગતું કે ઇન્દિરા ગાંધી જુદી માટીનાં છે અને તેઓ દરેકને ખૂણામાં ધકેલીને પોતાની જગ્યા બનાવી લેશે. મને એવો એક પણ રેફરન્સ નથી મળ્યો જેમાં કોઈએ કહ્યું હોય કે ઇન્દિરા ગાંધી સફળ અને કૃતનિશ્ચયી વડાં પ્રધાન સાબિત થશે.

ઇન્દિરા ગાંધી ઝડપથી પરિસ્થિતિનું આકલન કરી શકતાં હતાં. ઇન્દિરા ગાંધી ઝડપથી નિર્ણયો લઈ શકતાં હતાં. તેઓ અચાનક એક અંતિમથી બીજા અંતિમે જઈ શકતાં હતાં અને એમાં તેમણે ક્યારે ય સંકોચ અનુભવ્યો નહોતો. ઇન્દિરા ગાંધી કૃતનિશ્ચયી હતાં અને એટલે કદાચ તેમનામાં તાનાશાહનાં લક્ષણો હતાં. આશ્ચર્યની વાત એ છે કે પહેલા બે ગુણોનો પરિચય બીજા તો ઠીક, તેમના પિતાને પણ નહોતો થયો અને છેલ્લા બે ગુણોનો પરિચય તેમના વિરોધીઓને નહોતો થયો. પરિસ્થિતિનું ઝડપી આકલન, ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા અને કૃતનિશ્ચયતાનો પરિચય બંગલા દેશના યુદ્ધ વખતે થયો હતો. એક અંતિમથી બીજા અંતિમે જવાની તેમની ક્ષમતાનો પહેલી વાર પરિચય તેમણે કેરળની સામ્યવાદી સરકારને બરતરફ કરાવી ત્યારે જોવા મળ્યો હતો અને એ પછી અનેક વાર જોવા મળ્યો હતો. તેમની તાનાશાહીનો તો દેશને લાંબો અને કડવો અનુભવ છે.

વડાં પ્રધાન બન્યા પછી તરત જ ૧૯૬૬ના માર્ચ મહિનામાં ઇન્દિરા ગાંધી અમેરિકાની મુલાકાતે ગયાં હતાં. વડા પ્રધાન તરીકેની તેમની એ પહેલી વિદેશયાત્રા હતી. એ સમયે લીન્ડન જૉન્સન અમેરિકાના પ્રમુખ હતા. જૉન્સન ઇન્દિરા ગાંધીના ચાર્મિંગ વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ઇન્દિરા ગાંધીએ જે માગણી કરી એ બધી જ મંજૂર રાખી હતી અને માગ્યા કરતાં વધુ આપ્યું હતું. એ સમયે ઇન્દિરા ગાંધીના પિતરાઈ બી.કે. નેહરુ ભારતના અમેરિકા ખાતેના એલચી હતા અને તેમણે વર્ણવેલો પ્રસંગ ટાંકવા જેવો છે. ઇન્દિરા ગાંધીના માનમાં બી.કે. નેહરુએ પોતાના ઘરે નાનકડી પાર્ટી રાખી હતી. જૉન્સન પણ એમાં ઉપસ્થિત હતા અને ઇન્દિરા ગાંધીના લટ્ટુ હોય એમ તેમનાથી દૂર ક્યાં ય નહોતા જતા. જ્યારે ડિનરનો સમય થયો ત્યારે બી.કે. નેહરુનાં પત્ની ફોરી નેહરુએ મહેમાનોને જમવાના ટેબલ પર ગોઠવાવા કહ્યું હતું. અમેરિકન પ્રોટોકૉલ મુજબ વિદેશી મહેમાન માટે યોજવામાં આવતી ખાનગી પાર્ટીમાં પ્રમુખ હાજર રહેતા નથી અને તેમની જગ્યાએ ઉપપ્રમુખ હાજરી આપે છે. ફોરી નેહરુએ મજાકમાં કહ્યું પણ હતું કે સૉરી મિસ્ટર પ્રેસિડન્ટ, યૉર પ્રોટોકૉલ ડઝ નૉટ પરમિટ યુ ટુ જૉઇન અસ. પ્રમુખ જૉન્સને જવાબ આપ્યો હતો કે ટુડે આઇ વિલ બ્રેક ધ પ્રોટોકૉલ. જૉન્સન ડિનરમાં હાજર રહ્યા હતા. વિદાય લેતા પહેલાં પ્રમુખ જૉન્સને કહ્યું હતું : નો હાર્મ કમ્સ ટુ ધીસ ગર્લ.

ભારત પાછા ફર્યા પછી ઇન્દિરા ગાંધીએ રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું અને એ પણ ૫૭.૫ ટકા જેટલું. આ પગલું આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના આગ્રહ અને અમેરિકાના દબાણ હેઠળ લેવામાં આવ્યું હતું. ભારતની આર્થિક સ્થિતિ એવી હતી કે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. એ પગલાને પરિણામે જમણેરીઓ અને ડાબેરીઓ એમ બન્ને નારાજ થયા હતા. ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવવામાં સિંહફાળો આપનારા કામરાજ નારાજ થયા હતા. મોરારજી દેસાઈ, કામરાજ અને બીજા કૉન્ગ્રેસીઓએ મળીને કૉન્ગ્રેસ કાર્યસમિતિમાં ઇન્દિરા ગાંધીના નિર્ણયની નિંદા કરનારો ઠરાવ પસાર કર્યો હતો. હવે કામરાજ પણ ઇન્દિરા ગાંધીને હટાવવા માગતા હતા. એ સમયે કૉન્ગ્રેસમાં હજી લોકશાહી હતી. ઇન્દિરા ગાંધીએ નિંદાનો જવાબ આપતાં કહ્યું હતું કે સવાલ પક્ષ કોને ઇચ્છે છે અને જનતા કોને ઇચ્છે છે એનો છે અને એનો જવાબ મળી રહેશે.

ડાબરીઓને લાગતું હતું કે ઇન્દિરા ગાંધી અમેરિકાતરફી છે અને જમણેરીઓને લાગતું હતું કે ઇન્દિરા ગાંધી કરોડરજ્જુ વિનાનાં છે. બન્ને પક્ષો વિરોધમાં હોય તો જનતામાં ખોટો મેસેજ જાય. આમાંથી માર્ગ કાઢવો જરૂરી હતો. માર્ચ મહિનાના અંતમાં અમેરિકાથી પાછા ફર્યા પછી જુલાઈ મહિનામાં ઇન્દિરા ગાંધી મૉસ્કો જાય છે અને ત્યાં અમેરિકાની ટીકા કરતાં નિવેદનો કરે છે. આ નિવેદનને કારણે ઇન્દિરા ગાંધી પર સમરકંદ બુખારા વારી જનારા અને નો હાર્મ કમ્સ ટુ ધીસ ગર્લ કહેનારા પ્રમુખ જૉન્સન ગુસ્સે થાય છે. ભારત માટેના અનાજના શિપમેન્ટ રોકી દેવામાં આવે છે. ઇન્દિરા ગાંધીએ ડાબેરી માર્ગ અખત્યાર કરવાનો નિર્ણય લઈ લીધો હતો. આમાં બે ફાયદા હતા. એક તો ગરીબતરફી નીતિ અપનાવીને જમણેરી કૉન્ગ્રેસીઓનો મુકાબલો કરી શકાય એમ હતું. તેમણે હજી મહિના પહેલાં પક્ષની ઇચ્છા અને જનતાની ઇચ્છાની વિભાજનરેખા દોરી લીધી હતી અને જનતાની વચ્ચે કૉન્ગ્રેસના વડીલોને પડકારવાનો નિર્ણય લઈ લીધો હતો. બીજો ફાયદો એ હતો કે કૉન્ગ્રેસમાંના ડાબેરીઓનો ટેકો મળી શકે એમ હતો. તેમણે એકસાથે નેતા અને જનતા વચ્ચેની રેખા દોરી હતી અને તલવાર મ્યાનમાંથી કાઢી હતી. માત્ર ચાર મહિનામાં તેમણે રણનીતિ બદલી નાખી હતી.

હવે ઇન્દિરા ગાંધીનો ડાબેરી રાજકારણનો દોર શરૂ થાય છે. ૧૯૬૭ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ભારતમાતાનું સૉન્ગ રચ્યું હતું. તેમણે કહ્યું કે ‘કૉન્ગ્રેસના અને વિરોધ પક્ષોના નેતાઓને તો તેમના પોતાના એક પરિવારની ચિંતા કરવાની હોય છે, જ્યારે મારા માટે આખો દેશ અને દેશની જનતા પરિવાર છે. તેમને બે ટંકનો રોટલો મળે એ મારી જવાબદારી છે. તેઓ ક્યારેક આપસમાં લડી પડે છે ત્યારે તેમને લડતા રોકવાની અને સંપ જાળવી રાખવાની જવાબદારી મારી છે. તેમની આંગળી પકડવાની અને આંસુ લૂછવાની જવાબદારી મારી છે. મારો ધર્મ શાસકનો નથી, માનો છે.’

ઓડિશામાં ચૂંટણીપ્રચાર કરતી વખતે એક સભામાં તેમના પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો જે તેમના નાક પર વાગ્યો હતો. તેમણે વિચલિત થયા વિના લોહી નીંગળતા નાક સાથે અડધો કલાક ભાષણ કર્યું હતું. એ પથ્થરે અને લોહીએ ઇન્દિરા ગાંધીને બહાદુર માતા તરીકે સ્થાપિત કરી દીધાં હતાં. દુર્ઘટનાને અવસર બનાવવાની તેમનામાં અદ્ભુત ક્ષમતા હતી.

આવાં હતાં ઇન્દિરા ગાંધી. ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી તેઓ રાયબરેલીથી લડ્યાં હતાં અને ભવ્ય વિજય મેળવ્યો હતો, પરંતુ વિરોધ પક્ષોએ મોરચો રચ્યો હોવાથી કૉન્ગ્રેસની સંખ્યામાં આગલી લોકસભાની ચૂંટણીની તુલનામાં ૯૫ બેઠકોનો ઘટાડો થયો હતો. એ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો વિરોધ કરનારા દિગ્ગજ નેતાઓ હારી ગયા હતા. ખુદ કામરાજ હારી ગયા હતા. આ ઉપરાંત એસ.કે. પાટીલ, અતુલ્ય ઘોષ, બીજુ પટનાયકનો પરાજય થયો હતો. ત્યારે એમ કહેવામાં આવતું હતું કે દિગ્ગજોના પરાજયમાં ઇન્દિરા ગાંધીનો હાથ હતો. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધી પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં અને પહેલી વાર સભ્ય તરીકે લોકસભામાં પ્રવેશ મેળવ્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે તેમને પ્રધાન બનાવ્યાં ત્યારે તેઓ રાજ્યસભાનાં સભ્ય બન્યાં હતાં.

મોરારજી દેસાઈને ત્યારે એમ લાગ્યું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં થયેલો ઘટાડો ઇન્દિરા ગાંધીની અણઆવડત અને લોકોની નારાજગીનું પરિણામ છે એટલે વડા પ્રધાન બનવાનો અવસર તેમને મળી શકે એમ છે. બીજા દિગ્ગજો એમ નહોતા માનતા. તેમને સમજાઈ ગયું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતામાં વધારો થયો છે, લોકસભાના સભ્યો તેમને સાથ આપવાના છે. મોરારજી દેસાઈએ વડા પ્રધાનપદ માટે ઉમેદવારી જાહેર કરી દીધી હતી. છેવટે સમાધાનના ભાગરૂપે મોરારજી દેસાઈએ નાયબ વડા પ્રધાનપદ અને ગૃહ ખાતાની માગણી કરી હતી અને ઇન્દિરા ગાંધીએ તેમને નાયબ વડા પ્રધાનપદ અને નાણાં ખાતું આપીને મનાવી લીધા હતા. કૉન્ગ્રેસના વિભાજનનું આ સાથે મંગલાચરણ થઈ ગયું હતું.

કેબીનેટમાં હાડોહાડ જમણેરી મોરારજી દેસાઈ નાણાં પ્રધાન હતા અને આગળ કહ્યું એમ ડાબેરી નીતિ અપનાવવામાં ઇન્દિરા ગાંધીને રાજકીય ભવિષ્ય નજરે પડતું હતું. ગરીબ તરફી ભારતમાતા બનવા માટે ડાબેરી માર્ગ અપનાવવો જરૂરી હતું. ઇન્દિરા ગાંધીએ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ખાનગી વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ખાનગી માલિકો પાસેથી ખાણો આંચકી લઈને તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. રાજા-મહારાજાઓને આપવામાં આવતા સાલિયાણાં બંધ કરવામાં આવ્યાં હતાં એટલું જ નહીં તેમના ટાઈલ્સ આંચકી લેવામાં આવ્યાં હતાં. વટહુકમો બહાર પાડીને એક પછી એક ધડાકા કરવામાં આવતા હતા જેને દેશની જનતા વધાવતી હતી અને કોંગ્રેસના દિગ્ગજો ખૂણે ધકેલાતા જતા હતા. મોરારજી દેસાઈના વિરોધનો કોઈ અર્થ નહોતો. ઇન્દિરા ગાંધીએ નાણાં ખાતું મોરારજીભાઈ પાસેથી લઈ લીધું હતું, પણ તેમને નાયબ વડા પ્રધાન તરીકે કાયમ રાખ્યા હતા. ઇન્દિરા ગાંધીને ખાતરી હતી કે અભિમાની મોરારજી દેસાઈ કેબીનેટમાં નહીં રહે અને સામેથી રાજીનામું આપીને જતા રહેશે અને બન્યું પણ એમ જ.

હવે સરકારમાં ઇન્દિરા ગાંધી સામેના વિઘ્નો દૂર થઈ ગયા હતા, માત્ર પક્ષમાંના વિઘ્નો દૂર કરવાના હતા જેની તક તેમને રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેનના અવસાન પછી મળી ગઈ હતી. કોંગ્રેસના દિગ્ગજોએ નીલમ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય લીધો હતો. કાર્યસમિતિમાં ઇન્દિરા ગાંધી બહુમતી નહોતાં ધરાવતાં એટલે તેમણે વિરોધ કર્યા વિના નીલમ સંજીવ રેડ્ડીનું નામ સ્વીકારી લીધું હતું, પરંતુ વિરોધી છાવણીનો માણસ રાષ્ટ્રપતિભવનમાં બેઠો હોય એમાં તેમને અસલામતી નજરે પડતી હતી. તેઓ મોકાની ખોજમાં હતાં અને જમણેરી નેતાઓએ મોકો આપી દીધો હતો.

એસ. નિજલિંગપ્પા એ સમયે કોંગ્રેસના પ્રમુખ હતા. ઇન્દિરા ગાંધી કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે નીલમ સંજીવ રેડ્ડીને મત આપવાનો વ્હીપ જારી નહોતાં કરતાં એ જોઇને કોંગ્રેસના નેતાઓ ડરી ગયા હતા. તેમને એમ લાગ્યું હતું કે ઇન્દિરા ગાંધીના ઈશારે કેટલાક કોંગ્રેસીઓ સંજીવ રેડ્ડીની જગ્યાએ અપક્ષ ઉમેદવાર વી.વી. ગિરિને મત આપશે. ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે હાર્ડકોર કોંગ્રેસી અને ઉપ રાષ્ટ્રપતિ વી.વી. ગિરિએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી તેની પાછળ ઇન્દિરા ગાંધીનો હાથ છે. આ સ્થિતિમાં ગભરાયેલા કોંગ્રેસી દિગ્ગજોએ જન સંઘ અને સ્વતંત્ર પાર્ટીનો ટેકો માંગ્યો હતો.

બસ, બળવો કરવા માટે ઇન્દિરા ગાંધીને તક મળી ગઈ હતી. હકીકતમાં એ હાથ લાગેલી તક નહોતી, પેદા કરવામાં આવેલી તક હતી. ઇન્દિરા ગાંધીએ જ વી.વી. ગિરિને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રાખીને અને વ્હીપ જારી નહીં કરીને સિન્ડીકેટના નેતાઓને જન સંઘને શરણે જવા મજબૂર કરી દીધા હતા. કોંગ્રેસ ફાસીવાદીઓની મદદ લઈ કેમ શકે? શું ગાંધીજીની હત્યા ભૂલી જવામાં આવી છે, એવા સવાલો તેમણે કર્યાં હતાં અને વ્હીપ જારી કરવાની જગ્યાએ કોંગ્રેસી લોકપ્રતિનિધિઓને અંતરાત્માના અવાજને અનુસરીને મત આપવાની તેમણે અપીલ કરી હતી. બાજી પલટાઈ ગઈ. બાજી ઇન્દિરા ગાંધીએ ગોઠવી હતી જેમાં જમણેરી દિગ્ગજો ફસાઈ ગયા હતા. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય થયો હતો અને અપક્ષ ઉમેદવાર વી.વી. ગિરિ રાષ્ટ્રપતિ બન્યા હતા. બાય ધ વે, કેન્દ્ર સરકારે ઇન્દિરા ગાંધીની જન્મ શતાબ્દી કેમ ન ઉજવી એવો જે સવાલ પુછાઈ રહ્યો છે તેનો જવાબ મળી ગયો હશે.

હવે કોંગ્રેસનું વિભાજન અટલ હતું એન એ થયું હતું. ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતીમાં મુકાઇ ગઈ હતી જેને ભારતીય સામ્યવાદી પક્ષે ટેકો આપ્યો હતો. હવે ભારતીય રાષ્ટૃીય કોંગ્રેસ ઇન્દિરા કોંગ્રેસ બની ગઈ હતી. હવે ભારતમાતા ઇન્દિરા ગાંધી દુર્ગા તરીકે દેશની જનતાના દિલનો કબજો કરવા માંગતા હતાં. પાકિસ્તાને તેમને એ તક આપી દીધી હતી. હવે ભારતીય રાજકારણમાં તાનાશાહીનો યુગ શરુ થવાનો હતો. હવે જવાહરલાલ નેહરુએ પોષેલી લોકશાહી સંસ્થાઓ પર તેમની પુત્રી દ્વારા જ કુઠારાઘાત થવાના હતા. હવે કોંગ્રેસમાં વંશવાદ અને ચાપલુસીનો યુગ શરુ થવાનો હતો. હવે કોંગ્રેસ પક્ષ રાજકીય પક્ષ મટીને ચૂંટણી લડવા અને જીતવાની યંત્રણામાં ફેરવાઈ જવાનો હતો. તેમનામાં રહેલી અસલામતી અને કોઈ પણ ભોગે ઉગરી જવાની તીવ્ર ભાવના(ઇન્સ્ટીંગ ઓફ ઇન્સીક્યોરિટી એન્ડ સર્વાંઈવલ)નું આ બધું પરિણામ હતું. આનાં સારાં-નરસાં બન્ને પ્રકારના પરિણામો દેશે ભોગવવા પડ્યા છે અને હજુ ભોગવી રહ્યો છે.

[26 નવેમ્બર 2017]

– 5 –

એક વાક્યમાં ઇન્દિરા ગાંધીના રાજકીય વારસાનો નિચોડ કાઢવો હોય ત શું કહી શકાય ? અદ્દભુત શક્તિઓનાં ધણી, પરંતુ તેઓ ખરાબ શાસક હતાં

ઘણા લોકો સવાલ કરે છે કે સામે ચાલીને ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી કેમ ઉઠાવી લીધી? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીને ગુપ્તચર સંસ્થાઓ પાસેથી રિપોર્ટ મળ્યો હતો કે ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી નેહરુની પુત્રી થઈને ઈમરજન્સી લાદવા માટે અને લોકતંત્રનું ગળું ઘોંટવ માટે શરમ અનુભવતાં હતાં. તેઓ અપરાધભાવથી ગ્રસ્ત હતાં. મને બીજો ખુલાસો વધારે ગળે ઊતરે છે.

આખી ૨૦મી સદી પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે ૨૦મી સદીમાં મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સંઘર્ષ થયો છે અને બન્નેએ એકબીજાનો છેદ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે. મૂડીવાદમાં લોકતંત્ર પાંગરે છે, પરંતુ સંપત્તિ થોડા હાથોમાં જમા થાય છે. છેલ્લા માણસ સુધી વિકાસનો લાભ પહોંચતો નથી એ મૂડીવાદની મર્યાદા છે. બીજી બાજુ સમાજવાદમાં છેવાડાના માણસને વિકાસનો લાભ તો મળે છે, પરંતુ લોકતંત્રનો ક્ષય થાય છે અને ભ્રષ્ટાચાર વધે છે એ સમાજવાદની મર્યાદા છે. ૨૦મી સદીમાં જગતમાં એવો એક પણ દેશ નહોતો જે આદર્શ મૂડીવાદનું કે આદર્શ સમાજવાદનું મોડેલ વિકસાવી શક્યો હોય. આજે પણ એવી જ સ્થિતિ છે.

ભારત આઝાદ થયો ત્યારે તેની પાસે બે પડકાર હતા. એક તો દેશનો વિકાસ કરવો અને વિકાસના લાભ છેવાડાના માણસ સુધી પહોંચાડવો. એ વંચિત ન રહેવો જોઈએ. બીજો પડકાર દેશમાં ટકોરાબંધ લોકતંત્ર વિકસે એ માટે પ્રયાસ કરવો. સાચા લોકતંત્ર માટે લોકશાહી સંસ્થાઓ અને લોકતાંત્રિક પરંપરા વિકસે એ જરૂરી હતું. આગળ કહ્યું એમ જગતમાં સાચા સમાજવાદનું એક પણ મોડેલ નહોતું એ જોતા ભારતે પોતાની રીતે પ્રયાસ કરવાનો હતો અને સમાજવાદી મોડેલ વિકસાવવાનું હતું જેમાં લોકતંત્રનો ક્ષય ન થાય. જવાહરલાલ નેહરુએ મધ્યમ માર્ગ અર્થાત્‌ મિશ્ર અર્થતંત્ર અપનાવીને સાચા ટકોરાબંધ લોકતાંત્રિક સમાજવાદનું મોડેલ વિકસાવવાનું બીડું ઝડપ્યું હતું.

જવાહરલાલ નેહરુને આમાં સંપૂર્ણપણે સફળતા મળી હતી એવું પણ નહોતું તો તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા હતા એવું પણ નહોતું. ભારતનો વિકાસ ધીમો હતો, પરંતુ લોકતંત્ર દિવસોદિવસ સદ્ધર થતું ગયું હતું. છેવાડાના માણસને ધીમી ગતિએ વિકાસના લાભો મળતા થયા હતા. ત્યારે ઘણા લોકો કહેતા હતા અને આજે પણ અનેક લોકો માને છે કે નેહરુએ મધ્યમ માર્ગ અપનાવીને ભૂલ કરી હતી. તેમના મતે નેહરુએ પાશ્ચત્ય મૂડીવાદના મોડેલને તેના દરેક અર્થમાં સંપૂર્ણપણે અપનાવવું જોઈતું હતું. મારો મત એવો છે કે નેહરુ પછીના શાસકોએ નેહરુના મધ્યમ માર્ગને પૂરી નિષ્ઠા સાથે અપનાવવો જોઈતો હતો. એટલી નિષ્ઠા સાથે જેટલી નેહરુમાં જોવા મળતી હતી. બન્ને બાબતે; સમ્યક વિકાસ અને ટકોરાબંધ લોકતંત્ર.

આમાં લાલ બહાદુર શાસ્ત્રીના ૧૮ મહિનાના ટૂંકા શાસનકાળને બાદ કરો તો બીજા શાસક ઇન્દિરા ગાંધી હતાં જેમણે તેમના પહેલા શાસનકાળ દરમ્યાન એકધારું ૧૧ વરસ અને બીજા શાસનકાળ દરમ્યાન પાંચ વરસ રાજ કર્યું હતું. નેહરુના મધ્યમ માર્ગના મોડેલને પૂરી નિષ્ઠા સાથે આગળ લઈ જવાની જવાબદારી નેહરુનાં પુત્રી ઇન્દિરા ગાંધીની હતી. જગતે હજુ સુધી જોયું નહોતું એવું મધ્યમમાર્ગીય લોકતાંત્રિક સમાજવાદનું મોડેલ વિકસાવવાનું બીડું નેહરુએ ઉઠાવ્યું હતું જે ઇંદિરા ગાંધી માટે વારસો બનવો જોઈતો હતો.

બન્યું ઊલટું. તેમણે રેડિકલ સમાજવાદને અપનાવીને લોકતંત્રનો ક્ષય કરવાનું શરુ કર્યું હતું. આ બધું છેવાડાના માણસને ન્યાય આપવાનાં નામે કરવામાં આવતું હતું જેમ બીજા સમાજવાદી દેશો કરતા હતા. ઇન્દિરા ગાંધીએ અપનાવેલું વલણ તેમના સમાજવાદી વિચારધારા ધરાવનારા કોંગ્રેસીઓની સલાહનું પરિણામ હતું કે પછી તેમની પોતાની આવી માન્યતા હતી કે તેમના એકાધિકારશાહી માનસને એ અનુકુળ હતું એ એક કૂટપ્રશ્ન છે. એમાં કોઈ શંકા નથી કે ઇન્દિરા ગાંધી ગરીબ માણસ માટે સાચી હમદર્દી ધરવતાં અને એમાં પણ કોઈ શંકા નથી તેઓ આપખુદશાહી વલણ ધરાવતાં હતાં. તેઓ તેમના સમાજવાદી વલણ ધરાવનારા મિત્રોની સલાહથી દોરવાઈને કે રશિયાના દબાણને વશ થઈને લોકશાહી વિરોધી સમાજવાદી વલણ અપનાવતાં થયાં હતાં એમ કહેવું એ ઇન્દિરા ગાંધીને અન્યાય કરવા જેવું ગણાશે. ઇન્દિરા ગાંધી કોઈના પ્રભાવમાં કે દબાણમાં આવે એવાં કાચાપોચાં  શાસક નહોતાં.

સમાજવાદ એ એક ઓઠું હતું અને તેઓ દેશની ગરીબ જનતાને ભોળવીને સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરવા માંગતા હતાં એવી સર્વસામાન્ય સમજ છે. બીજી બાજુ એક સમજ એવી પણ છે કે જમણેરી વલણ ધરાવનારા કોંગ્રેસીઓ તેમ જ નોકરશાહો અને બંધારણને ચુસ્તપણે વળગી રહેનારા જજો ઇન્દિરા ગાંધીને મુક્તપણે કામ કરવા દેતા નહોતા. એકાધિકારશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓ તેમ જ પરંપરાઓ સાથે કરવામાં આવેલાં ચેડાં એ તેમની ગરીબો માટેની હમદર્દીમાંથી પેદા થયેલી જરૂરિયાત હતી. ઇન્દિરા ગાંધી વિષે આવા બે અંતિમોના અભિપ્રાય જોવા મળે છે. મારો અભિપ્રાય એવો છે કે ઇન્દિરા ગાંધીએ લોકતાંત્રિક સંસ્થાઓ અને પરંપરા સાથે કરેલાં ચેડાં એક અક્ષમ્ય અપરાધ હતો અને તેનો હમદર્દીના નામે બચાવ ન થઈ શકે. ગરીબો માટે હમદર્દી જવાહરલાલ નેહરુ પણ ધરાવતા હતા અને તેમની સામેના પડકારો ઇન્દિરા ગાંધી કરતાં પણ મોટા હતા, પરંતુ એ છતાં નેહરુએ ક્યારે ય લોકતાંત્રિક મૂલ્યો સાથે બાંધછોડ નહોતી કરી. વિકાસ, સામાજિક-આર્થિક ન્યાય અને સમાજવાદ કરતાં સ્વતંત્રતાલક્ષી લોકશાહી મૂલ્યો અદકેરાં છે. લોકતાંત્રિક મૂલ્યોનો વાળ પણ વાંકો ન થવો જોઈએ, પછી શાસકોની નિસબત સમાજવાદ માટેની હોય કે અત્યારે જોવા મળે છે એમ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ માટેની હોય.

બેન્કોના અને ખાણોના કરવામાં આવેલા રાષ્ટ્રીયકરણના તેમ જ રાજાઓના રદ કરવામાં આવેલા સાલિયાણાંઓનાં પગલાંને અદાલતમાં પડકારવામાં આવ્યાં હતાં અને અદાલતોએ સંપત્તિ ધરાવવાના મૂળભૂત અધિકારોનાં નામે સરકારની વિરુદ્ધ ચૂકાદાઓ આપ્યા હતા. અમલદારો પણ ઇન્દિરા ગાંધીના સમાજવાદી વલણને બહુ અનુકુળ નહોતા. ઇન્દિરા ગાંધીએ જમણેરી કોંગ્રેસીઓના, ન્યાયતંત્રનાં અને અમલદારોનાં વલણને ગરીબ વિરોધી પ્રતિક્રિયાવાદી તરીકે ઓળખાવવાનું શરુ કર્યું હતું. પ્રતિક્રિયાવાદ અને પ્રતિક્રિયાવાદી એ યુગમાં સમાજવાદી વિશ્વની લાડલી સંજ્ઞા હતી જે જમણેરીઓને ગાળો આપવા માટે છૂટથી વપરાતી હતી. જમણેરીઓ તો જવાહરલાલ નેહરુના વખતમાં પણ હતા અને તેઓ કોંગ્રેસમાં ઘણો મોટો પ્રભાવ ધરાવતા હતા, પરંતુ જવાહરલાલ નેહરુએ તેમને પ્રતિક્રિયાવાદી તરીકે ઓળખાવીને નિંદા કરી હોય એવો એક પણ રેફરન્સ નેહરુ સાહિત્યમાં મને જોવા મળ્યો નથી. શા માટે? કારણ કે નેહરુની લોકતાંત્રિક મૂલ્યો માટેની પ્રતિબદ્ધતા અદકેરી હતી. 

ગરીબોને ન્યાય મળે એ માટેની ઇન્દિરા ગાંધીની જદ્દોજહદની વચ્ચે આવતા કહેવાતા પ્રતિક્રિયાવાદીઓનો મુકાબલો કરવા ઇન્દિરા ગાંધીએ પહેલા પ્રતિબદ્ધ નોકરશાહીની અને એ પછી પ્રતિબદ્ધ ન્યાયતંત્ર(કમિટેડ બ્યુરોક્રસી એન્ડ કમિટેડ જ્યુડીશીઅરી)ની થીયરી આગળ કરી હતી. કોના માટે પ્રતિબદ્ધ? કહેવામાં એમ આવતું હતું કે ગરીબો માટે પ્રતિબદ્ધ, સામાજિક-આર્થિક ન્યાય માટે પ્રતિબદ્ધ, સમાજવાદ માટે પ્રતિબદ્ધ વગેરે; પરતું વાસ્તવમાં પ્રતિબદ્ધતા ઇન્દિરા ગાંધી માટે અપેક્ષિત હતી.

એ પછી પ્રતિબદ્ધતાના નામે અમલદારોને જીહજુરિયા બનાવી મુકવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે કોંગ્રેસીઓને ચાપલૂસ દરબારીઓ બનાવી મુકવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે સંસદીય પરંપરા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે બંધારણના પ્રાણને જ નુકસાન પહોંચે એવા સુધારાઓ કરવામાં આવ્યા હતા. પ્રતિબદ્ધતાના નામે કોંગ્રેસમાં પક્ષઅંતર્ગત લોકતંત્ર ખત્મ કરવામાં આવ્યું હતું. પ્રતિબદ્ધતાના નામે ચૂંટણીપંચ, સી.એ.જી., સ્પીકર જેવી લોકતાંત્રિક સંસ્થાઓ અને હોદ્દાઓની સ્વાયત્તા છીનવી લેવામાં આવ્યા હતા. અને ચરમસીમા એ વાતની હતી કે પ્રતિબદ્ધતાના નામે ન્યાયતંત્ર અને સૈન્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. આ બધું ગરીબોના હિતમાં કરવામાં આવે છે એવો દાવો કરવામાં આવતો હતો, પરંતુ વાસ્તવમાં તે ઇન્દિરા ગાંધીનાં હિતમાં કરવામાં આવતું હતું. ઇન્દિરા ગાંધી સામે કોઈ પડકાર પેદા ન થવો જોઈએ અને જો કોઈ પડકાર પેદા થાય તો તેને કોળાવા માટે કોઈ જગ્યા બચવી ન જોઈએ. પ્રતિબદ્ધ શાસનયંત્રણા તેનું કોઈને કોઈ જગ્યાએ ગળું દાબી દેશે.

આ બધું ગરીબોને ન્યાયના નામે કરવામાં આવતું હતું જેમ અત્યારે દેશપ્રેમના નામે કરવામાં આવે છે. બધા જ લક્ષણો એકસમાન છે એટલે સ્વતંત્રતાપ્રેમીઓએ સાવધાન રહેવાની જરૂર છે. ઊલટું અત્યારે વધારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ફાસીવાદ શાસકીય સમાજવાદ કરતા વધારે ખતરનાક છે. ૨૦મી સદી પર એક નજર કરી જોશો તો ફરક સમજાઈ જશે.

જ્યારે સમાજવાદી તખતો રચાઈ ગયો ત્યારે લાગ જોઇને ૧૯૭૧ના પ્રારંભમાં ઇન્દિરા ગાંધીએ લોકસભા બરખાસ્ત કરીને મધ્યસત્ર ચૂંટણી જાહેર કરી દીધી. આ પહેલાં કહ્યું હતું એમ કોંગ્રેસના વિભાજન પછી ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતી સરકાર હતી અને ભારતીય સામ્યવાદી પક્ષના સહારે ચાલતી હતી. એ પાંચમી લોકસભામાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૫૨૦ બેઠકોમાંથી ૩૬૨ એટલે કે બે તૃતીયાંશ બેઠકો મળી હતી. કુલ ૫૫.૩ મતદાન થયું હતું અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૪૩.૭ ટકા મત મળ્યા હતા. ઇન્દિરા ગાંધી સામે વિરોધ પક્ષોએ ગ્રેંડ એલાયન્સ કર્યું હતું જેને કુલ મળીને ૫૧ બેઠકો મળી હતી. કહેવાની જરૂર નથી કે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને મૂળ કોંગ્રેસની માન્યતા મળી ગઈ હતી. ત્યારે સંગઠીત વિરોધ પક્ષોના ઇન્દિરા હટાઓના નારાની સામે ઇન્દિરા ગાંધીના ગરીબી હટાઓના નારાનો ભવ્ય વિજય થયો હતો.

એક બાજુ ભવ્ય રાજ્યારોહણ થયું અને બીજી બાજુ પાકિસ્તાનમાં પૂર્વ પાકિસ્તાનનો એટલે કે બંગલાદેશનો પ્રશ્ન વકરતો જતો હતો. ઇન્દિરા ગાંધીએ પહેલા દિવસથી જ પાકિસ્તાનના સંકટનો લાભ લેવાનું શરુ કર્યું હતું અને તેમાં એક પણ તક નહોતી ગુમાવી. તેમને ૧૯૭૧ના પ્રારંભથી જ ખાતરી થઈ ગઈ હતી કે આ પાકિસ્તાનના ટુકડા કરવામાં ઉપયોગી નીવડે એવું સંકટ છે અને એમ જ બન્યું. એ ઘટના વિષે એટલું બધું લખાયું છે કે તેની પુનરોક્તિ કરવાની અહીં જરૂર નથી. એક વાત નોંધવી જોઈએ; ઇન્દિરા ગાંધીને હાથે પાકિસ્તાનનો પરાજય નહોતો થયો, અમેરિકા અને ચીનનો પરાજય થયો હતો. પાકિસ્તાનનો પરાજય તો એક ગૌણ ઘટના હતી. પાંચ વર્ષ પહેલાં જેને રબરસ્ટેમ્પ તરીકે સત્તામાં બેસાડવામાં આવ્યા હતા અને જેમને ગુંગી ગુડિયા તરીકે ઓળખવામાં આવતાં હતાં એ ભારતમાં દુર્ગા બની ગયાં હતાં અને વૈશ્વિક રાજકારણમાં મુત્સદી તરીકે પંકાયાં હતાં. બંગલાદેશનું યુદ્ધ જીત્યા પછી ૧૯૭૨માં વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ હતી અને ઇન્દિરા ગાંધીનો દિગ્વિજય સંપૂર્ણ સિદ્ધ થઈ ગયો હતો.

કોઈના દિવસો ક્યારે ય એક સરખા જતા નથી અને જેઓ સાધનશુદ્ધિ વિનાનું ટૂંકા રસ્તાનું રાજકારણ કરે છે તેવા લોકોના દિવસો જલદી બદલાય છે. બંગલાદેશનું યુદ્ધ અને લોકસભા અને વિધાનસભાઓની ચૂટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યા પછી ઇન્દિરા ગાંધીના દા’ડા બદલાવા લાગ્યા હતા. મુખ્યત્વે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી સામે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં અસંતોષ પેદા થવા લાગ્યો હતો. શરુઆત ગુજરાતથી થઈ હતી. (આને યોગાનુયોગ કહેશો કે ગુજરાતની તાસીર?) એ પછી આંદોલન બિહારમાં વિસ્તર્યું હતું. જયપ્રકાશ નારાયણ મેદાનમાં ઊતર્યા પછી આંદોલન સ્થાનિક હોવા છતાં રાષ્ટ્રીય બની ગયું હતું. આ બાજુ ૧૯૭૫ના જૂન મહિનામાં ૧૯૭૧ની ચૂંટણી વખતે ઇન્દિરા ગાંધીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો એવા સાવ ક્ષુલ્લક અને ટેકનિકલ કારણસર અલ્હાબાદની વડી અદાલતે ઇન્દિરા ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરી હતી અને છ વરસ ચૂંટણી લડવા સામે પ્રતિબંધ મૂકી દીધો હતો.

જવાહરલાલ નેહરુની પુત્રી ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈતું હતું, પરંતુ ઇન્દિરા ગાંધી ત્યાં સુધીમાં નેહરુથી બહુ દૂર જતા રહ્યાં હતાં. તેમની અંદર અસુરક્ષા અને અસલામતીની ભાવના એટલી તીવ્ર હતી કે તેઓ આક્રમક બની જતાં હતાં. તેઓ કોઈના પર ભરોસો નહોતાં કરતાં એટલે તેમનું તેમના પુત્ર સંજય ગાંધી પરનું અવલંબન વધતું જતું હતું. દસ વરસમાં કોંગ્રેસનું કલેવર સાવ બદલાઈ ગયું હતું એટલે સંજય ગાંધી સમાંતર સત્તાકેન્દ્ર બની ગયા હતા, જેનો કેટલાક લોકો લાભ લેતા હતા. ઇન્દિરા ગાંધી પોતે રચેલી દુનિયામાં કેદ થઈ ગયાં હતાં. દરેક તાનાશાહોની આવી જ ગતિ થતી હોય છે અને ઇન્દિરા ગાંધી તેમાં અપવાદ નહોતાં. ૧૯૭૫ના જૂન મહિનામાં દેશ પર લાદવામાં આવેલી ઈમરજન્સી આનું સ્વાભાવિક પરિણામ હતું.

ઈમરજન્સી દેશના ઇતિહાસનું એક કલંક છે અને એ કલંકના કર્તા ઇન્દિરા ગાંધી હતાં, જવાહરલાલ નેહરુનાં પુત્રી. ઈમરજન્સીમાં એટલા અતિરેકો થયા હતા જેની કિંમત ૧૯૭૭માં યોજાયેલી લોકસભાની ચૂટણીમાં ઇન્દિરા ગાંધીએ ચૂકવવી પડી હતી. ઘણા લોકો સવાલ કરે છે કે સામે ચાલીને ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી કેમ ઊઠાવી લીધી? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધીને ગુપ્તચર સંસ્થાઓ પાસેથી રિપોર્ટ મળ્યો હતો કે ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી નેહરુની પુત્રી થઈને ઈમરજન્સી લાદવા માટે અને લોકતંત્રનું ગળું ઘોંટવ માટે શરમ અનુભવતાં હતાં. તેઓ અપરાધભાવથી ગ્રસ્ત હતાં. મને બીજો ખુલાસો વધારે ગળે ઊતરે છે.

૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોની ઇન્દિરા ગાંધીની બીજી મુદત વિષે મૂલ્યાંકન કરવાનું રહે છે જે ભવિષ્યમાં ક્યારેક. બીજી મુદતમાં એકંદરે શાસનનું સ્વરૂપ એ જ હતું જે પહેલી મુદતમાં હતું, બલકે વધુ વિકૃત હતું. ઇન્દિરા ગાંધીએ બીજી મુદતમાં સત્તા ખાતર સમાજમાં ઊભી-આડી તિરાડો પાડી હતી જેની કિંમત તેમણે પોતાના પ્રાણ ગુમાવીને અને એ પછી તેમના પુત્ર રાજીવ ગાંધીએ પ્રાણ ગુમાવીને ચૂકવી હતી.

છેલ્લે, એક વાક્યમાં ઇન્દિરા ગાંધીના વારસાનો નીચોડ કાઢવો હોય તો શું કહી શકાય? અદ્ભુત શક્તિઓના ધણી, પણ ખરાબ શાસક. આજે કોંગ્રેસની જે અવસ્થા છે અને નરેન્દ્ર મોદીનો ઉદય થયો છે એમાં ઇન્દિરા ગાંધીના રાજકીય વારસાનો ફાળો છે. નરેન્દ્ર મોદી માટે પણ આમાં ધડો છે.

[10 ડિસેમ્બર 2017]

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 05 નવેમ્બર 2017; 12 નવેમ્બર 2017; 26 નવેમ્બર 2017; તેમ જ 10 ડિસેમ્બર 2017 

Loading

પ્રતિષ્ઠા પંડ્યાનાં 12 કાવ્યો

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|11 December 2017

1.

કુર્માવતાર        • પ્રતિષ્ઠા પંડ્યા

જેમ જેમ વર્ષો ગયાં
તેમ મારી ઉપરનું કઠ્ઠણ કવચ
મજબૂત થતું ગયું
હવે કોઈ ભાલો ભોંકી જાય
પીઠ પર
તો ઘસરકો સરખો પડતો નથી.
હોય મૂશળ ધાર વરસાદની 
કે દાવાનળ
કે કૂતુહલે ફંગોળાતા
ભૂખ્યા વાઘ વરુ
હું હંમેશ સુરક્ષિત કવચની અંદર.
મારી મજબૂત પીઠ પર
મંદર પર્વત લઇ હું બેઠી ના હોઉં
ક્ષીરસાગરની વચમાં જાણે
જાતને સંકોરી કવચની અંદર.
એમને મારી ઈર્ષા થાય છે
ક્યારેક અહોભાવ પણ
ક્યારેક કુતૂહલ.
થાય છે એમને હું ઘણું શીખી ગઈ છું.
હું ઘણું ખમી શકું છું.
મારી પીઠ પર રમત રમાય છે
કંઈ ને કંઈ પામવા
એમને ક્યાં ખબર છે
કે કવચની નીચે હું દબાઈ રહી છું
એટલી કે સત્ય ના ઉચરી શકું
ડર ના હોવા વિષે,
ના ખોલી ને આંખો જોઈ શકું સપનાં
પ્રવાલદ્વીપના હોવા વિષે.
મારી પીઠ પર રમાતી રમતથી
હું ડરું છું.
કવચની બહારનાં
અજાણ્યા દેવ, દાનવોથી
હું ડરું છું.
વાસુકીની ફેણોથી ડરું છું.
કવચની અંદર રહી ને ય હું ડરું છું.
ડરું છું બહારથી આવતા
ક્ષીરસાગરના ખળભળાટથી, 
મારા ખુદના હૃદયમાં ચાલતાં મંથનથી 
એમાંથી નીકળી આવ્યું જો હળાહલ –
એ વિચાર માત્રથી ડરું છું.
મારી અંદર ખદબદતા
એકાંતથી હું ડરું છું.
મારા જ કવચની ભીસી દેતી
દીવાલોથી હું ડરું છું.
કવચમાં રહી રહી ને
કદાચ હું મરું છું,
પણ એ લોકો મને છે
હું કેવી નિશ્ચિંત ફરું છું.

(“શબ્દસૃષ્ટિ”માં પ્રગટ)

++++++

2.

જરાસંઘ        • પ્રતિષ્ઠા પંડ્યા

બપોરના નકલી અંધકારમાં
મારા શ્વાસોને સર કરવા મથતા તારા શ્વાસ
આનંદના અવનવા પ્રદેશો પાર
ફતેહ કરતા તારા હાથ
જીતેલી ધરતી પાર
વિજયપતાકા રોપતા તારા હોઠ
અને આ ધસમસતા લશ્કર સાથે
ચડાઈ કરતો તારો ઉન્માદ
મારા શરીર પાર
આમાંથી કોઈ કેમ
છટકી શકે?
ને છતાં ય
બચીને ભાગતા રણવૈયા જેવું
મારું મન
દોડી રહ્યું છે પૂરપાટ
સૌ અણખેડાયેલા રસ્તા ઉપર
વહેંચાઈ ગઈ છું હું
જરાસંઘના વિછિન્ન શરીરના
બે ફાડચાંની જેમ
એક ફાડચું દોડે છે — હાંફતું, થાકતું
નહિ લીધેલા રસ્તાઓ પર
ને બીજું
તરફડતું તારી નીચે
મથતું એક થવા
પેલા બીજા અસ્તિત્વના
અવળાં પડેલાં ફાડચાં સાથે
ને દૂર ઊભી હું
કેમની જોઈ રહી
આ જરાસંઘના અસ્તિત્વની લડાઈ

(પ્રગટ : “એતદ્દ”, ડિસેમ્બર 2012)

++++++

3.

ત્રિશંકુ        • પ્રતિષ્ઠા પંડ્યા

શરીરને પોતાની ઈચ્છાઓ છે
પોતાનું મન છે
પોતાનું તદ્દન અલાયદું એક અસ્તિત્વ છે
શરીરની પોતાની, મારાથી જુદી
એક દુનિયા છે
કોણ કહે છે એ મારા કહ્યામાં છે?
એક-મેકને ઊલટી દિશામાં ખેંચાતા
પૂંઠથી જોડાયેલા
સિયામીઝ ટ્વિન્સ જેવાં અમે
એકમેકની પ્રતિકૃતિ સમાં અમે
પ્રકૃતિમાં સાવ અલગ
એ જિદ્દી, સ્વચ્છંદ, ઉછાંછળું
ને હું સમજું, કહ્યાગરી, ઠરેલ
હું એની આંખોમાં આંખ મેળવવા મથું
કે વાત કરી શકું
હું એને વાતોમાં વાળવા મથું
કે રસ્તો કરી શકું
હું રસ્તે એના હાથ ઝાલી દોરવા મથું
કે આગળ વધી શકું
હું શરીરને છોડી જો આગળ વધવા મથું
તો કદાચ જીવી જાણી શકું
હું ત્રિશંકુ, અધવચ ઊલટી ન લટકું
જો શરીરનો, સ્વર્ગનો, મોહ તજી શકું.

(પ્રગટ : “એતદ્દ”, ડિસેમ્બર 2012)

+++++

4.

ડોલ        • પ્રતિષ્ઠા પંડ્યા

ખાલી એક કૂવાનો કાંઠો
ને ડોલ લોખંડની કોઈ
સદીઓ વહી
ખખડતી ડોલ મહીં ઊતારી
ઉલેચ્યા કરે
ઘસી ઘસીને તળિયે
રહી ગઈ જે નીચે ઠરીને
તે જિજીવિષા ટીપે ટીપે
કટાયેલી ડોલના તળિયે
એક ઝીણી નાની ફાટ છે
ઉપર આવતા લાગી
સરકી જાય છે ટીપાં તહીં
ને છતાં ય ડોલનો આ કઈ ભાર છે!
કે પછી મારા બાવડાં જ હતાશ છે?
સદીઓથી સમેટયાં કરે
આ એક જૂની કંઈ ડોલ
હાથ લાગે એટલી
ભીનાશ સૌ
ને તો ય લોખંડની આ ડોલ
સાવ કોરી ધાકોર છે.

+++++++

5.

અગ્નિદાહ         • પ્રતિષ્ઠા પંડ્યા

મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ'તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!

++++++

6.

મંદોદરી       • પ્રતિષ્ઠા પંડ્યા

સાંજના હતાશ, ઝાંખા અજવાળામાં
પરદેશના અજાણ્યા રસ્તા ઉપર
એક જાણીતી દક્ષિણ ભારતીય દુકાન સામે
ગાડી ઊભી કરી
તેના કરેલા સૌ રાવણદહન યાદ કરી
તારી આંખમાં ફૂટી આવેલી
નારંગી ટશરો શમે
એની રાહ જોયા વગર
દરવાજો બંધ કરીને
સડસડાટ નીકળી ગયેલી તું, મંદોદરી
વર્તમાન તરફ
દુકાનમાં એવાં જ નારંગી રંગનાં અજવાળાં તળે
ચળકતી જલેબીઓ જોતાં
વધુ ઘેરી થઇ આવેલી એ ટશરો
નારંગીમાંથી લાલ ને લાલમાંથી રાતી
તારી જ દોરેલી લક્ષ્મણરેખાઓની વચમાં
ગુંચવાયેલી તું
તને એક ક્ષણ તો લાગેલું
કે હમણાં ફૂટશે આ જલેબીઓ ને ધસી આવશે બહાર
રાતોચોળ લાવા
લાહ્ય, લાહ્ય
પણ પછી રાત્રે ટેબલ પર એ જ રાવણની સામે બેસી
જલેબી ખાતાં 
એ જ ચીકણી, ઘટ્ટ, મીઠ્ઠી ચાસણીમાં
ઝબોળી, ઝબોળીને ઠારેલી
તેં ફરી એક વાર
એ નારંગી ટશરો, ખરુંને મંદોદરી?

(પ્રગટ : “એતદ્દ”, જૂન 2016)

++++++

7.

ગાંધારી       • પ્રતિષ્ઠા પંડ્યા

આંખે પાટા બાંધે
કંઈ દેખ્યાં ના દેખ્યાં થોડાં થાય છે
એને તો લાગતું  એને રૂવે રૂવે આંખો ફૂટી છે.
ઘરમાં બિલાડી પેસે
ને એની પાની તળેની જમીન જ્યાં થથરે
કે એ પામી ગઈ હોય.
ક્યારેક ધતૂરાની વાસથી
ઓરડો ભરાઈ ગયો હોય
એની ભાળ એને બહાર પાડોશીના આંગણામાં
બેઠાં બેઠાં મળી જાય
એક બીજાના કાનમાં ઘૂસૂર પૂસૂર કરતી
હવાના પડઘા એના કાનમાં ઝીલાઈ જાય.
એની જીભ ઉપર જીભ ફેરવી એ ચાખી લઇ શકતી
એ એનો મિજાજ
કદીક તીખો કદીક સુક્કો
ઘણું ખરું સાવ ફિક્કો, ઊખડ્યો, ઉખાડ્યો.
એની ગીચ છાતી પર હાથે ય ના ફેરવ્યો હોય
ને છતાં ય એ તળેના બધા ગબડાળા છતાં થઇ જાય
એની બંધ આંખ આગળ.
એને ઘણી વાર થતું
ફટ કરી ખોલી નાખી આંખ આડેના પાટા
ધારીને જોઈ લેવું છે એની આંખોમાં
પણ એ ડરતી 
આંખ સામે ટોળે વળતાં અંધારાથી
અંધારામાં ય ના ઓગાળતી એ છાયાઓથી
જો એક વાર નરી આંખે જોઈ લીધું એણે
પેલી પટ્ટીની આરપાર
એક અગાધ ઊંડી ખાઈમાં
તો શું એ જાતને ભરમાવી શકશે?
શંકાને નામ શ્રદ્ધાનું દઈ જીવી શકશે?
વાંક અંધારનો કે વાંક પાટાનો કાઢી શકશે?
શું એ ખુલ્લી આંખે જીવી શકશે?
શું શક્ય હશે ફરી ગાંધારી બની ને જીવવું?

(પ્રગટ : “એતદ્દ”, જૂન 2016)

++++++++

8.

એલિસબ્રિજ         • પ્રતિષ્ઠા પંડ્યા

બપોરથી નદીની રેતમાં
પડ્યો પાથર્યો સૂરજ
સાંજે અચાનક ઘર યાદ આવતાં
ફટાફટ ઊઠી
હાથ ખંખેરી
ચાલી નીકળે છે
ને પછી ધીમે ધીમે ડૂબે છે
ત્રણ દરવાજા
જૂની નગીનાવાડી
ભૂલાયેલી સિદી સૈયદની જાળી
રાતની કાળી કાળી રેતમાં
વિખરાય છે નદી કાંઠે
ઉમટેલી ગુજરી
ને ભદ્રના કિલ્લાની જામેલી ભીડ
અંધારું ઓઢેલી
શહેરની સાંકડી શેરીઓ હવે સૂની
સિવાય એકલ દોકલ
આંટા મારતી ભીખારાની બૂમો
"કંઈ ખાવાનું આલો, બા!"
હજુ ય રખડતાં
છૂટાછવાયાં ઢોર ને
લાલ બસોની ઘેરાયેલી આંખો
ત્યાં આ ઊંઘરેટા શહેર પર
ઊગે છે
ટમટમતાં સોડિયમ લાઈટના આગિયા લઇ
આ એલિસબ્રિજ
અને બ્રિજની પેલે પા'
ચળક ચળક રૂપેરી રણ અફાટ
ઝળહળતાં બિલબોર્ડ ને
મસમોટી મોલ-દૂકાનો
એ સૌ ફરતે પથરાયેલા
વિશાળ રેસ ટ્રેક જેવા રસ્તા
એ પર ધસમસતી
ફોર્મ્યુલા વનની ગાડીઓની
ચિચિયારીઓ ડરાવતી રાતને.
છેડો ફાડી ચાલ્યાં ગયેલાં
સાગા જેવા શહેરના પરાં
અટવાય છે
ઝગારા મારતી લાઇટોનાં
આંજી નાખતા અંધકારમાં.
અહીં શોધવા પડે એમ છે અત્યારે
સરખેજના રોજા, એક જૂનો ટાઉન હોલ
કો' વાચનાલય.
છેદાઈ ગયેલાં પૂરબ ને પશ્ચિમ વચ્ચે
આ એલિસબ્રિજ
બે બાજુ નવી નકોર ઘોડીઓના સહારે ઊભા
કોઈ વડીલ જેવો
ઝાંખું ઝાંખું અજવાળું વેરતો
સમયને સમય સાથે ગૂંથતો
મોળસોતી ઉખડીને ઊડી જતી
ડાળીઓ ફરી પાછી
ધરતી મહીં રોપતો
તૂટેલા શહેરના મબલખ કંઈ ટૂકડાઓ
એક સાથે એક હજી જોડતો
ઝાંખું ઝાંખું અજવાળું કંઈ વેરતો
એલિસબ્રિજ

++++++++

9.

સીદીસૈયદની જાળી         • પ્રતિષ્ઠા પંડ્યા

આ શહેર હથેળીમાં
બે સોનેરી કલ્પતરુ ધરે
નમણી, ઝૂકી જતી ડાળીઓ
લયમાં વીંટળાય ખજૂરી પરે.
અચરજ શાં ફૂટ્યાં
કો ઝીણાં લજામણીનાં પાન.
નકશીદાર પારિજાત
મોગરો, જૂઈ-જાઈ
સૌ પર રાતની ઝાકળભીની
ધીમી આંગળીઓ ફરે.
રૂપેરી ચાંદાનાં કિરણો
જાળી મહીં થઇ મસ્જિદમાં ઝરે.
જાણે કુદરતનો નકશીગર
અલ્લાતાલાની ચાદર ભરે.
હથેળીમાં લઇ કલ્પવૃક્ષ બે
આ નગર મુજ મનને હરે.

+++++++

10.

નૃસિંહાવતાર         • પ્રતિષ્ઠા પંડ્યા

કોઈ થાંભલો
લાલચોળ થાય તપીને
ફાડી નીકળે
ગ્રસે મને
કોઈ ઘેરી વેદના
સતત લબકતી
ના જીવતી
ના મરેલી
સૂઈ જઉં તો શમે જરી
કામે વળગું તો ભૂલું જરી
પણ આ વેદના
ના સૂતી
ના જાગી
સાંજે સાંજે સળગતી
ના દિવસે
ના રાતે પજવતી
ઉગામે શસ્ત્ર એ
તો ફરિયાદ હું કરું
ભીડે જો બાથ એ
તો સૌ હું ય લડું
પણ ના આભે ઉછાળી
ના ભોંયે પછાડી
લઇ એણે ખોળે
મને ચીરી કાઢી.
બહાર જઉં તો ય શું?
અંદર વહું તો ય શું?
આ વેદનાએ મને
ઉંબરની વચોવચ હણેલી.

+++++++

11.

મત્સ્યાવતાર          • પ્રતિષ્ઠા પંડ્યા

ડ્રોઈંગરૂમના
લેધરના સોફાની બાજુમાં
આરસની ટિપોઈ પર
કાચના પારદર્શક ઘડામાં
રંગરંગીન પથરાઓ
ને અદ્રશ્ય પાણીની વચમાં
મૂકી તેં મને
માપી માપીને ફરવા.
પણ મારા મનમાં વિસ્તરતી ક્ષિતિજોને
નાનો પાડવા લાગ્યો તારો ઘડો
ને હું ચાલી નીકળી
તોડીને ઘડો
તરછોડીને જળાશયો
મૂકી વહેતી બાંધેલી નદીઓ
ભૂલીને મનુની હોડી
હું ચાલી નીકળી
બની એક વિશાળકાય માછલી
ધસમસતી
બાંધીને શીંગ પરે
મારી આંખે આખી દુનિયા
વીણી વીણીને સાથે લીધી
કાચાં સપનાંની એક એક ક્યારી
તૂટીફૂટી જાળ  સંબંધોની
ક્ષણો પાતળી, ઝીણી, સુંવાળી
ઈચ્છાઓ ધગધગતી, પ્રલયકારી
હિંમતનો પહાડ મલય લઇ ભારી
વહું હું
માછલી વિશાલકાયી!

+++++++++

12.

સાવિત્રી        • પ્રતિષ્ઠા પંડ્યા

સાવિત્રીની નાઇટી તળે
અડધી રાતે
હંમેશની જેમ
એ હાથ ફરી રહ્યો હતો
સ્નાયુઓમાં ચાસ પાડતો
અંધકારની દુનિયામાં રખડતો
વીણતો
ઓળખીતી, અજાણી, પડોશની, ઑફિસની
સ્ત્રીઓનાં અંગોપાંગ
કોઈનાં ઉન્નત સ્તન
કોઈનાં વિશાળ નિતંબ
કોઈની કમરનો માદક વલય
કોઈનું રૂપ
કોઈનો રંગ
આંધળી કલ્પનાનાં ટાંકણે
એ ટીપી રહ્યો હતો
આજ રાતની સાવિત્રીને
સર્વગુણ સંપન્ન સાવિત્રીને
એને ગમે એવી સાવિત્રીને
પણ એ તો નીકળીને ચાલી ગઈ હતી દૂર
છટકીને ટાંકણાથી
પાડાની પીઠ પર નાખી ને શરીર
જીવતું ને છતાં નિર્બળ
એ સડસડાટ પહોંચી ગઈ હતી
યમરાજને દરવાજે
રાહ જોતી
એ કોણ હતી?
યમરાજને પૂછતી પ્રશ્નો એ કોણ હતી?
શું એ નચિકેતા હતી?
કે એ હતી સાવિત્રી?
એને કોઈએ યમરાજને દાનમાં દીધેલી હતી?
કે એ કોઈને યમરાજને સોંપવા આવેલી?
કે પછી પાછું માંગવા આવી હતી કોઈને યમરાજ પાસેથી?
શું એ સાવિત્રી હતી?
એ કોણ હતી?

‘Parvati Bunglow’, opposite New Alaknanda Society, near Azad Society, AHMEDABAD – 380 015

Loading

માંકડ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|10 December 2017

અચાનક આંખ ઊઘડી ગઈ. બોચીએ, ખભા પર બળતરા થતી હતી. ખંજવાળ અને ઢીમડાં .. ચોક્કસ કશુંક છે. રાત્રે પથારીમાં પડતાંવેંત ટોળાબંધ થાક આખાએ શરીરને ચૂરચૂર કરી મૂકે. પગ લંબાવી નસો ખેંચે ત્યારે એવું થાય કે આ ટટ્ટાર શરીર હમણાં લાકડું બની જશે. પણ કયારે બધું સાવ હળવું થઇ જાય ને ઊંઘ ઘેરી વળે પછી કશીએ સરત રહેતી નહિ. હથેળી શરીર પંપાળતી રહે, ટેરવાં ઢીમડાં ખોળી ખંજવાળતાં રહે ને એમાંથી ઊઠતી બળતરા અચાનક જગાડી દે છે.

અહીં નથી ક્યાં ય ધૂળ કે નથી મચ્છર. તો શું કરડે છે? હૂવર નથી પણ બ્રૂમ ઘસી ઘસીને કારપેટ ય ચોખ્ખી ચણાક રાખીએ છીએ. મેટ્રેસ ઊંચી કરી કેટલી ય વખત ચેક કરે છે પણ કશું હાથ નથી આવતું. અડધી રાત્રે કશુંક શરીરને ચોંટી ચટકા ભરી ભરી શરીર સૂજવી નાંખે છે.

સવારે પરેશ કહે, ‘કદાચ માંકડ કે ચાંચડ ના હોય.’

અિશ્વનભાઈ ખડખડાટ હસી પડ્યા. ‘માંકડ? માળા ગાંડા થઈ ગયા છે.’ જવાબમાં મનોજે હાથ લાંબો કરી ઢીમડાં દેખાડ્યાં. વલૂરના ઉઝરડા અને ઊખડેલી પરતથી રુંવાટી વચ્ચેની ચામડી તગતગી ગઈ હતી.  અિશ્વનભાઈએ જોયું ન જોયું કરતાં કહ્યું, ‘તમારાથી હીટરની ગરમી નહિ વેઠાતી હોય, હીટિંગનું ટાઈમિંગ સેટ કરવુ જોશે.’ ને શટર તરફ ફર્યા. શટરની જાળીઓમાંથી આવતો ઉજાસ ધીમે ધીમે ફેલાતો જતો હતો. મનોજે શાકભાજી પર ઢાંકેલા છાપાં ઉઠાવવા માંડ્યા. ખુલ્લા ભાગમાંથી આવતી ઠંડી હવા શરીર થથરાવતી હતી પણ એથી ઢીમડાં અને  ઉઝરડા પર રાહત લાગતી હતી. અણે સ્ફૂિર્તથી ટેબલો સરખાં કરતાં એકે એક ખાનાંઓમાં પડેલું શાક અવળસવળ કરવા માંડ્યું. ઘડિયાળનો કાંટો ધીમે ધીમે નવ સુધી પહોંચે એ પહેલાં બધું અટોપવાનું. આખી શોપ ટાઈડી કરવાની અને સારાં સારાં, લીલાંછમ શાક ઝટ નજરે ચઢે એમ ગોઠવવાનાં. વહેલી સવારથી ખોખાંઓ ઠાલવી  શાકભાજીના ઢગલામાંથી ચીમળાયેલાં કે ઢીલાં લાગતાં શાક જુદાં તારવવાનાં અને મધ્યમસરનાં જુદાં. પછી જલદી બગડી જાય એવાં શાકની ઢગલીઓ બનાવી પારદર્શક પોલિથિન બેગમાં પેક કરી સીલ લગાવાનાં. વજન તો અંદાજ આવી ગયેલો એટલે કરવું પડતું નહિ પણ ઠંડુંગાર શાક પાતળાં પ્લાસ્ટિકનાં મોજાંને વીંધીં હાડકાં થીજવી દેતું. નાકમાં પેસી જતી વાસી ગંધ સવારે ખાધેલાં બ્રેડ અને ચાનો બ્રેકફાસ્ટ વલોવતી હતી. ઊબકો આવવા જેવું થયું ત્યાં કોઈએ શેકેલી, ઘી ચોપડેલી  ગરમાગરમ ભાખરી ભાણામાં પીરસી દીધી.

‘ના કહ્યું ને.’

‘હવે ખવાઈ જશે ગરમ ગરમ.’

એક જ પળ, ને વળતી પળે સાવધ થતાં એ ઊબકો દબાવ્યો, ત્યારે થયું એ ઘરમાં નહિ, લંડનમાં છે. અહીં એવી ભાખરી મળે જ છે, જરા જુદી રીતે ખાવાની માઈક્રોવેવમાં ગરમ કરીને. એમ તો  ગાંઠિયા અને ચવાણાની ય મજા છે પણ પાઉન્ડ? યસ, પાઉન્ડ જો એ ના બચે તો???

તો અા અિશ્વનભાઈ જેન્ટલમૅન છે એટલે રહેવા સાથે નાસ્તાની સગવડ કરી આપી છે. પરેશ કે’ છે, ‘લ્યા, પડી રે’વા નવેરી આલી એને સગવડ ગણવાની? આપણું ઘરે ય યાદ નહિ?’ મનોજ એક ક્ષણ  હાથ લંબાવી અડી શકાય એવી દીવાલોને તાકી રહેલો. … ઘર તો આકાશમાં ઊડતું વિમાન ધીમે ધીમે નાનું થતું જતું ઓગળી જાય એમ ઓગળી ગયું હતું. ઢગલે ઢગલાં વાદળો જેવી લાગણીઓ કશા ય ગોરંભા વગર ફરફરતી અને વરસું વરસું થતાં છેક ઉપરના હવામાનમાં થીજી રહે એમ ઠીંગરાઈ જતી. આંખમાં આંસુ તગતગી ઊઠે કે ડૂમો ભરાઈ આવે ત્યારે હેતલની વાળમાં ફરતી આંગળીઓની યાદ આવતી ને પાધરુંક એનું હસતું મોં એવુ અપેક્ષાભર્યું તાકી રહેતું કે આપોઆપ હથેળીઓ કામે વળગી પડતી.

કરોડરજ્જુનો છેડો ખેંચતી આખાએ શ્રોણીફલકને આમળતી હોય એમ અનુભવાતું ને વહેલી સવારે ટ્રોલીમાં ખડકાયેલી પૅલૅટ ખાલી કરતાં બધો ય અમળાટ ઓગળીને રેલાઈ જતો, એમાં  અિશ્વનભાઈ ઉર્ફે એ.બી.ની જીભના ચાબખા છમ છમ છમકોરાતા. એ ચૂપચાપ ખોખાંઓ ઉતારતો, થપ્પીઓ ખેસવતો  અને એક એક મિનિટ ગોઠવાતી જતી હોય એમ ગોઠવતો. અિશ્વનભાઈ બૂમો મારતા જતા : ‘આમ નહિ એ ય ડફોળ .. આમ નહિ, આ બાજુ.’

’એ ડફોળ તું આમાં ધ્યાન રાખને ડાફળિયાં માર્યા વગર, ચલ પાનું ફેરવ.’

રામજી ‘જી, શાયેબ પૉનું.’ કહી જીભ બહાર કાઢી આંગળી ભીની કરવા જતો કે એનાથી હાથ ઉગામાઈ જતો. રામજી દાંત વચ્ચે લબકતી જીભે ઝીણું ઝીણું મલકતો. એ હસી ને કાગળો પર સહી કરતો. બહાર સતત ચહલપહલ રહેતી પણ  ક્યારે ય કોઈ પરવાનગી વગર એની ઓફિસમાં પ્રવેશી શકતું નહિ. એની છાપ એક પ્રામાણિક, સ્વભાવે આકરા અને આખાબોલા અધિકારી તરીકેની હતી. એની કામ લેવાની આગવી પધ્ધતિ હતી. દરેક કામની યાદી બનાવવી, એ થયું કે નહિ તેની નોંધ કરવી અને વ્યક્તિ પાસે સમયસર એની ઉઘરાણી કરવી. આને કારણે સ્ટાફ અસમંજસમાં રહેતો કે સાહેબને બધું યાદ કેવી રીતે રહે છે? પણ મનોજ બી. ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કોઈ જાદુગરની જેમ તુમારોની યાદી અને ચડત ફાઈલો જીભના ટેરવે ફેરવતા.

આ પરાયા મુલકમાં ફાઈલો શાક અને કરિયાણામાં ફેરવાઈ ગઈ. અજાણપણે જ બધો રોષ બીડતો હોય એમ એનાથી મુઠ્ઠીઓ વળાઈ ગઈ, પછી આ ખોલી નાંખીશ ને અંદરથી કશું જ નહિ નીકળે તો? એવી બીકમાં ચૂપચાપ બંધ મુઠ્ઠી તાકી રહ્યો. એ.બી.ની નજર એને આમ ઊભેલો જોઈ કતરાઈ. ‘એ ય બોક્સર! ફિસ્ટ ઓફ ફ્યુરીની અદામાંથી બહાર આવી જરા ત્રીજી લાઇનમાં નજર કરો. ત્યાં રાઈસ બેગો જો, કેમ અપસાઈડ ડાઉન ગોઠવેલી છે?’

સાંભળતાં જ એને પોતાના શબ્દો યાદ આવી ગયા. ઘરમાં દરેક વસ્તુ એની યોગ્ય જગ્યાએ જ હોય એ માટે હેતલને પળમાં પાણીની કરી નાંખતો. એને એ કેવું વીતતું હશે એ અહેસાસને ચગળતાં એણે ત્રીજી રેક તરફ ઝડપથી પગ ઉપાડ્યો. રાઈસબેગો સવળી ગોઠવી એણે તમામ ખાનાંઓમાં નજર ફેરવી લીધી. બધું ઠીકઠાક કરતો આગળ વધ્યો ત્યારે ફુલાવર અને ટામેટાંના ખાનાં આડાઅવળાં થઇ ગયાં હતાં. સ્ત્રીઓ … બબડતાં એણે બધું સરખું કરવા માંડ્યું. ખૂટતાં ખાનાંઓ સતત ભરાતાં રહેવાં જોઈએ. પાછળ ગોડાઉનમાંથી બોક્સ ચકાસી ઠાલવતા રહેવાનું. એક એક પળે એ.બી.ના હુકમ મુજબ હાથ પગ હાંક્યે રાખવાના. કશું કામ ના હોય તો ખાલી ખોખાં વાળીને થપ્પીઓ બનાવવાની કે થોડો કચરો નીકળશે જ એવી શ્રધ્ધા સાથે બ્રૂમ  ફેરવી દેવાનું. એક એક પેની લોહીનાં ટીપાંની જેમ કસાઈને આવે છે એમ એ.બી. માનતા એટલે કામ પણ કસદાર થવું જોઈએ. એટલામાં દેવજીભાઈ પ્રગટ  થયા. ‘બૉસ, એ.બી. ગોન.’ અિશ્વન બબલદાસની ગેરહાજરી ખુશનુમા હવાની જેમ ફરી વળે એ પહેલાં કાતિલ ઠંડીના લખલખાં જેવી  ફાલ્ગુનીદેવીની પાતળી ચીસ સ્ટોરમાં પડઘાઈ. એ.બી. જે કંઈ કરે કે ગોઠવાવે એમાં કશી ક્રિએટિવિટી હોતી નથી એવી એમની ચોક્કસ માન્યતા હતી એટલે આખી શૉપ નવેસરથી ગોઠવાય પછી જ એમનાથી ઓરેન્જ જ્યુસ મોઢે માંડી શકાતો.

‘લે માર્યા ઠાર! આ તો ભૂત ગયું ને પલીત આયું.’ મનોજે સહેજ ઠપકાભરી આંખે એમની સામે જોયું એ સહન ન થતું હોય એમ દેવજીભાઈએ નીચલો હોઠ મરડી ‘હુ કેર્સ!’-નો ઇશારો કરતાં પોતાના મેંગો કોર્નર તરફ ડગલું ભર્યું. દેવજીભાઈનો ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો. દસેક ટ્રકો હતી અને એમના કહેવા મુજબ સાચી નીતિથી ધંધો કર્યો એમાં વીસેક પેટીની વાટ લાગી ગઈ હતી. જો કે એ હારી ખાવાના નથી અને પાઈએ પાઈનું દેવું ચૂકવી દેવાના કઠોર નિર્ણય સાથે લંડનમાં રહી પડ્યા છે. દેવું કેટલું ચૂકવાયું એ લેતી દેતીનો હિસાબ એટલે એની સામે જિંદગીના સરવાળા બાદબાકી કરવા પડે! યુ.કે. ઈમિગ્રેશનની સમજણ બહારની વસ્તુ એ બરાબર સમજે છે ને એમનાં વાઈફ અને સનને તેડાવવાના વેંતમાં છે. કામના એ ચોક્કસ, ઉપરાંત તક મળ્યે એના પુરાવા એ.બી. તો ઠીક, ફાલુમૅમને પણ આપી શકતા. મૅમ એવી રજેરજ ચકાસી ખુશ થતાં, ‘થેન્કસ દેવુભાઈય.’

ધીમે ધીમે ભીડ વધતી જતી હતી. શનિ રવિ ઈલિંગ રોડ હકડેઠઠ જતા. બની ઠનીને આવેલી ગુજરાતણોને જોઈ આંખ સામે ઢાલગરવાડ તરી આવતી. ભાત ભાતના અવાજો વચ્ચે સસ્તું શાક શોધવા એકે એક પાટિયું તપાસતી બહેનોને નજરભર જોઈ ત્યાં ફાલ્ગુનીબહેનનાં ચક્ષુ, ખાસ તો એ.બી. જેનાથી થરથરી ઊઠતા એ વિશિષ્ઠ અદા છોડતાં તાડૂક્યાં. બળદને આર ઘોંચાય ને  પગ ઊપડે એમ મનોજ કામે વળગ્યો પણ મન પહોંચી ગયું શાસ્ત્રીનગર શાકમાર્કેટ …

હેતલ જીદપૂર્વક શાક લેવા તાણી જતી. એ શાક લેતી હોય ત્યારે એ લારીઓ પર ફરતી સ્ત્રીઓને જોયા કરતો. ગિરીશે લગ્ન માટે પંદરેક છોકરીઓ જોઈ હતી. રમામાશી બરાબર અકળાઈ ગયેલાં કહે : ‘ભઈ, આ મૂઓ એકે વાતે બંધાતો નથી. છોડીઓના નખમાં ય વાંધા કાઢે છે. પગના નખ એને શું વતેડાવવાના છે?’

હેતલ કહે, ‘માશી એમને એક વાર  શાકમાર્કેટ મોકલો મારી જોડે એટલે એમને સાચેસાચ સ્વપ્ન સુંદરીઓ કેવી લાગે એ દેખાડી દઉં.’

એ વિચારમાં ને વિચારમાં ભીંડાનું બોક્સ ઠાલવવું ભૂલી ગયો ને કોઈ બહેને રહ્યા સહ્યા ભીંડા જોઇ મોં મચકોડતાં ફાલ્ગુનીબહેનને ફરિયાદ કરી. એ નવું બોક્સ ઠાલવવા જતો હતો ને ફાલ્ગુનીબહેન વિફર્યાંં, ‘રેવા દે ભઈ, તું ભરી રહ્યો ભીંડા.  લીવ ધ શૉપ નાઉ, પ્લીઝ.’

કાબેલ જાદુગર જેવી નજરબંધીથી લાકડું થઇ ગયેલા મનોજની આંખ સામે ફાલ્ગુનીબહેનનો પંજો ફેલાયો. એમાંથી છૂટતો તેજોપ્રવાહ એને હડસેલતો હોય એમ એ પાછળ ખસ્યો ને ભીંડાનું બોક્સ ક્યારે જમીન પર પછડાયું એની સરત ન રહી. એ જ વખતે કોઈ પરિચિત સામે આવી જતાં ફાલ્ગુનીબહેન મલક્યાં અને પેલો પંજો વાળી લેતાં ચોફેર વેરાયેલા ભીંડા સામે જોતાં બોલ્યાં, ‘ભરવા તો લાગો હવે.’ સાંભળતા જ એના અંગે અંગમાં વિજસંચાર થયો.  નીચા નમી  ઝડપથી ભીંડા ભરવા માંડ્યાં. રેક સરખી કરી અંદર આવ્યો ને દેવજીભાઈ સાથે નજર મળતાં આંખ ભરાઈ આવી. વળેલાં પાણીની પરતથી ઝાંખો થઈ ગયેલો એમનો ચહેરો પૂરેપૂરો પમાય એ પહેલાં હેતલ, આકાશ અને રીરીના ચહેરા તરવર્યા. એણે ઝડપથી આંખો લૂછી કામ ઉપાડ્યું.

સાંજે એ.બી. આવ્યા ને રાબેતા મુજબની સૂચનાઓ આપી દુકાન વધાવવા ફર્યા એટલે નોકરીમાંથી સૅક થવાની ભોંઠપમાંથી બચી ગયાની લાગણીએ થયું : લાવ, એક ડ્રીન્ક લઈ લઉં. માંકડ કરડશે તો ય ખબર નહિ પડે.

સ્ટ્રોંગ બિયરની અકળાવનારી વાસ ઉવેખીને ઘૂંટડો ઉતારી એણે ઝડપથી કોળિયો ભર્યો. શાકની તીખાશથી મોમાં કડવો તૂરો સ્વાદ બદલાયો ને ભીડાયેલું જડબું, ભેગા થઈ ગયેલા નાક હોઠ એના મૂળ સ્વરૂપમાં આવ્યાં. એ જોઈ પરેશે હાથ લંબાવી બિયરનું કૅન ઉપાડ્યું ને બોલ્યો, ‘એમાં મોઢાં શું બગાડવાના? એન્જોય ઈટ ટીડીઓ સા’બ.’ સાંભળી, મોંમાં ચવાતો કોળિયો એના મોં પર થૂંકવાની ઇચ્છા મનોજે માંડ માંડ દબાવી.

પરેશ સ્ટુડન્ટ વીઝા પર તાજો તાજો આવેલો. રોંગ ટાઇમે એણે યુ.કે.માં એન્ટ્રી મારી એટલે પ્રોપર જૉબનો મેળ પડ્યો નહિ. રહેવાનો ખરચો કાઢવા એ ‘એ.બી. ફ્રુટ્સમાં જોડાઈ ગયો. એ.બી. અઠવાડિયાના વીસ કલાકની પૅ સ્લીપ આપતા અને બાકીના કૅશ! પછી બીજે જૉબ શોધવાનો ટાઇમે ય ન રહ્યો. એ ઘણી વાર રાત્રે ભીંતમાં પગ પછાડતાં કરાંજતો, ના .. ના .. કહેતાં ગંદી ગાળો બબડતો અને અવળો ફરી એકધારાં નસકોરાં બોલાવતો.

●   ●   ●

આ અઠવાડિયે એ.બી.એ થોડાક નવા નિયમો શીખવેલા ને સાંજે વન ટુ વન ચર્ચેલા એટલે  સાંજથી જ સ્ટુડન્ટ ગુસ્સામાં હતો.

‘જુઓ મનોજકુમાર આજે એક પણ માંકડ કરડ્યો છે તો આ મેટ્રેસ હું બહાર ફેંકી દઈશ.’

‘ફીલ ફ્રી.’ કહી મનોજે બિયરનો છેલ્લો ઘૂંટ ભર્યો. દેવજીભાઈ કહે, ‘એના કરતાં કંઈક સ્પ્રે શોધી લાય.’

‘તમે વાત જ ના કરતા. હું સૅન્સબરી, બી એન્ડ ક્યૂ, અને વિક્સમાં ય શોધી વળ્યો. ટાંટિયા ફરી ગયા પણ .. આ દેશમાં ફૂલઝાડને કરડતા જંતુ મારવાના પચાસ જાતના સ્પ્રે મળે છે પણ માણસને કરડતા જંતુના નહિ, સમજ્યા.’

‘ના હોય.’

‘તો હું ખોટું બોલું છું? સાલાઓ માખી ને ભમરા મારવાની દવા વેચે છે ને બૅડ બગ્સ માટે કે’ છે કાઉન્સિલમાં કમ્પલેઈન કરો.’

‘એ તો નક્કી છે કે એ.બી. કાઉન્સિલમાં ફોન કરી પેસ્ટ કંટ્રોલ બોલાવી શકવાના નથી. બિઝનેસ પ્રિમાઈસીસમાં રેસિડેન્શિયલ એકોમોડેશન? શું જવાબ આપે?’

દેવજીભાઈ કહે, ‘સો વાતની એક વાત, આ માંકડ આપણને છોડવાના નથી.’

‘કે તમે માંકડને? હવે તો તમારું દેવું ય પતી ગયું. નથી જવું ઈન્ડિયા? ભાભી યાદ આવે છે કે નહિ?’ કહેતાં પરેશ આડો પડ્યો.

‘મારે તો છોકરાં કોલેજમાં છે. આ ટી,ડી.ઓ સાહેબને પૂછ.’

મનોજ ચૂપચાપ દીવાલ પર પડેલા ઘેરા ટપકાને ધારી ધારી જોઈ રહ્યો હતો, એ નક્કી નહોતું થતું માંકડ  ચોંટ્યો છે કે લોહીનો ડાઘ છે?

‘શું તાકી રહ્યો છે?’ દેવજીભાઈએ નજીક આવતા પૂછયું, કંઈ પ્રોબ્લેમ છે?’

‘ના. બસ આ ઉજાગરા કેવી રીતે ટાળવા એ વિચારું છું.’

‘ઉજાગરો!’ લાંબા સ્વરે બોલતા દેવજીભાઈએ હથેળીઓ હવામાં ઘુમાવી. પરેશ કહે ‘મેં તપાસ કરી છે. કાઉન્સિલનો માણસ જ પ્રાઇવેટલી પેસ્ટ કંટ્રોલ કરી જાય છે. ૩૦૦ પાઉન્ડ.  બટ નો બેડબગ્સ ફોર વન ઈયર ગેરંટીડ.’

‘થ્રી હન્ડ્રેડ ક્વીન? આર યૂ કિડિંગ?’

‘વ્હાય શુડ આઈ?’ કહી પરેશ મનોજ તરફ અપેક્ષાભર્યું તાકી રહ્યો.

મનોજને અચાનક ફાલ્ગુનીબહેન યાદ આવી ગયાં. ભીંડાવાળી ઘટના પછી એ એને  સહેજ જુદી રીતે જોતાં થયેલાં. મનોજ બરાબર ઓળખતો એમની એ નજર. શિયાળામાં ધાબા પર કસરત કરતો ત્યારે બાજુના બ્લોકવાળાં સરલાબહેન કાયમ ધાબે કપડાં સૂકવવાને બહાને એને જોયા કરતાં. કદી કશું બોલેલાં નહિ પણ નિયમ પાળતાં. એમની એ નજર … એ ભાવ સાચો પાડવો હોય એમ એમણે સાંજે એને બોલાવેલો.

‘તમે ૩૦૦ પાઉન્ડ માગ્યા’તા એ.બી. પાસે?

‘હા. મારે ઇન્ડિયા મોકલાવા છે એટલે ઉપાડ માગ્યો હતો.’

‘એક કામ કરો સાંજના શૉપ બંધ કરી તમે ઘરે આવી જજો, ને આજથી શૉપની ચાવી તમારે રાખવાની.’

ઘેર શું થયું એની કલ્પના સહેજ કંપાવી મૂકે એ કરતાં વધારે તો જાત પર શરમ વછૂટે છે. પોતે આટલો માટીપગો? સ્ત્રી કદાચ એવી રીતે બેફામ બને પણ એ? એનું ચારિત્ર્ય, એના આદર્શ .. ક્યાં ગયું બધું? પેલો સંકોચ, ના .. ના .. વિરોધ, ખચકાટ .. સઘળું વળોટી કોઈ સ્વીચ દબાવે ને રોબોટ કામે વળગે એમ .. શું કર્યું તેં આ? પસ્તાવો કર્યે જાત ચોર્યાનો અહેસાસ થોડો મટવાનો?

સાંજે ઇન્ડિયા પૈસા ટ્રાન્સફર કરતો હતો ત્યારે ‘પ્રિટી વુમન‘(ફિલ્મ)ની જુલિયા રોબર્ટસ યાદ આવી ગઈ. રિચાર્ડ ગેરની જાંઘ પર બેસી એને પૂછતી, ‘શું કરું, બોલ?’ હાથમાંથી પડી ગયેલા પાઉન્ડ પાછા ઉપાડતો હતો ત્યારે કેશિયરે પૂછયું, ‘ઓ‘રાઈટ છો ને, મનોજભાઈ?’ અણે કહ્યું, ‘યસ. નો વરીઝ્સ’ ને એ જ પળે નિર્ણય કર્યો : હવે ગમે તે થાય પાછા જવું. નથી રહેવું આ દેશમાં. લાવ કહી દઉં હેતલને ફોન કરીને હું આવું છું. ગાંડી ગાંડી થઈ જશે. ઘડિયાળમાં જોયું અત્યારે તો ત્યાં રાતના સાડાબાર જેવું થયું. કાલે સવારે.

●   ●   ●

રાત્રે દેવજીભાઈને વાત કરી તો એ ભડક્યા. ‘તમે તો પાગલ છો કે શું? ખબરદાર આવા ખેલ કર્યા છે તો. લોકો વિઝિટર વીઝા માટે ચારપાંચ પેટી ચૂકવે છે તો ય મેળ પડતો નથી, શું.’ પછી કાનમાં પૂછતા હોય એમ બોલ્યા, ‘નોકરીમાં કંઈ થયું ત્યાં?’

‘ના. હજી કોઈ એવી તપાસ શરૂ થઈ નથી.’

‘તો પછી? પૈસાનો પ્રોબ્લેમ છે?’

‘બસ, મન નથી, દેવુભાઈ.’

‘એવું કેવું મન? હમજ્યા હવે. છોડી દો એ વાત જ છોડો. ચલો પબમાં જઈએ. મજા આવશે.’

આમને કેમ સમજાવવી મનની હાલત? મન કરતાં ય જાતનું  ધીમેધીમે થતું જતું ધોવાણ ક્યાં જઈ અટકશે? સવારે અરીસામાં જોઉં ને કોઈ બીજો જ ચહેરો દેખાય તો?

કેવી અધિકારભરી નજરથી જુએ છે ફાલ્ગુનીબહેન? હેતલ સિવાય કોઈએ આવા હકથી જોયું નથી ને આ? પણ બ્રેકનો ટાઈમ હતો એટલે એમનો સામનો કર્યા સિવાય છૂટકો ન હતો.

‘હું બ્રેકમાં જઈને આવું.’

‘કેમ અહીં બ્રેક નહિ લેવાય?’

‘મારે એક ફોન કરવો હતો.’

‘ઇન્ડિયા હેતલને?’ એક ભ્રમર ઊંચી કરતાં સહેજ જુદી જ ઢબે એમણે પૂછયું.

‘ના. બીજું કામ છે.’

‘ઠીક, જલદી આવજો પાછા. હું ટિફિન લાવી છું, સાથે જમીએ.’

ચામડી ચીરતી કંપારી અનુભવતો બહાર આવ્યો ને ઠંડી ઘેરી વળી. ટોપી નીચી ખેંચતાં કાન ઢાંકતો એ ફોન બૂથમાં પ્રવેશ્યો.

ઘરની વાતો પછી હેતલને એણે કહ્યું, ‘મારે એક ખાસ વાત કરવી છે.’

‘બોલો ને.’

‘હું પાછો આવું છું.’

‘શું? શું કો’ છો?’

‘હું પાછો આવું છું, હેતલ. બસ, બહુ થયું.’

‘પણ આમ એકાએક? કંઈ ઝઘડો બઘડો થયો કોઈની સાથે?’

‘ના.’

‘તો જોબમાં પ્રોબ્લેમ થયો છે? ઇમિગ્રેશનનો લોચો છે?’

‘કશું નથી, હેતલ, હું કંટાળી ગયો છું આવી જિંદગીથી. હું તને કેવી રીતે સમજાવું, મારું કોઈ અસ્તિત્વ જ નથી. હું સાવ … આઈ એમ લોસ્ટ.’

‘શું સાવ .. કેમ આમ કરો છો? સાચુ કો’ હું યાદ આવું છું ને?’

‘એ તો છે જ પણ ..’

‘ના બકા, આમ ઢીલા નહિ થવાનું. હજી આપણી પાસે ઘણો સમય છે. ને જો, સંજોગો ય આપણી ફેવરમાં છે. ગણાત્રા સાહેબે મને સ્યોરિટી આપી  છે કે એ છે ત્યાં સુધી તમારી ફાઈલને કોઈ અડશે નહિ, જેટલું રોકાવું હોય એટલું રોકાય. પછી?’

‘હું ઉબાઈ ગયો છું, હેત.’

‘એવું શું ઊબાવાનું? અહીં કયારે આપણે આટલું કમાઈ શકવાના? જરા વિચાર તો કરો. કાલ ઊઠીને આકાશને સારી લાઈનમાં મૂકવો પડશે. પાછળ ને પાછળ રીરીબહેન.’

‘એટલે હું રૂપિયા કમાવાનું મશીન છું.’

‘કેમ આડું બોલો છો?  ચોક્કસ તમને કશુંક થયું છે. હું હમણાં જ  પરેશભાઈને ફોન કરું છું. તમે ફોન મૂકી દો હમણાં, હું ફોન કરીશ રાતે. ને કોઈ ખોટા વિચારો કરવાના નથી.’

‘પણ હું ખોટા વિચાર કરતો જ નથી.’

‘એની તમને વધારે ખબર કે મને? મનોજ પ્લીઝ, જો આપણને માંડ ચાન્સ મલ્યો છે ને તું … નથી કરવી મારે વાત. પહેલાં કે’ જમ્યો? ચલ ‘સૂરજ’માંથી થેપલાં ને શાક લઈ જમી લે. હું ફોન કરું છું નિરાંતે.’

‘જમ્યો જ છું હવે. કશી વાત સમજતી નથી ને …’

‘શું સમજું? આઈ લવ યુ, મિસિંગ યુ લોટ પણ તું આમ … ’બોલતાં હેતલ ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી.

‘હેતલ, હેતા તું રડ નહિ. સાંભળે છે? હેતલ … કહું છું …’

ફોન મુકાયાનો પોલો ખટકારો કાનમાં ઘૂમરાઈને છેક ઊંડે સુધી પેસી ગયો. — જા જમી આવ, અહીં આવીને જોઈશ ને કેવું જમું છું તો રણચંડી બનીને તાણી જઈશ. ઇડિયટ છે સાવ! ભોગ તારા. બબડતાં એણે  દુકાન તરફ પગ ઉપાડ્યો.

●   ●   ●

પરેશ કોઈ પાસેથી બેડબગ્સ કિલર લઈ આવ્યો હતો. કહે, ‘સાલું લંડન ને અમદાવાદ બધું સરખું. અહીંયા ય બ્લેકમાં બધું મળી જાય છે. આટલી શીશીના પંદર પાઉન્ડ કાંચી લીધા.’

દેવજીભાઈ મોટું બગાસું લઈ બોલ્યા, ‘હમજ્યા હવે. આ માંકડિયા ટળે એટલે નિરાંત. ઓફના દા’ડે એકાદ કામ શોધી પાડીએ.’

‘બીજું કામ?’

‘હાસ્તો. આપણાં ઓલે થોડાં શેઠાણી ટિફિન લાવવાનાં છે.’ કહી દેવજીભાઈ હસ્યા.

‘ગરજ વગર કોઈ કશું કરતું નથી દેવજીભાઈ, એ સમજી લેવાનું.’ કહી મનોજે સ્પ્રે પર લખેલી સૂચનાઓ વાંચવા માંડી. પછી બન્નેને નીચે જવા ઇશારો કરી મોં એ રૂમાલ બાંધી સ્પ્રે છાંટવા માંડ્યો. આખા ઓરડામાં એક ઉબકાવનારી વાસ ફરી વળી હતી. દેવજીભાઈ પગ મૂકતાંવેંત બોલ્યા, ‘મરેલા ઉંદર જેવી વાસ આવે છે. બારી ખોલો લ્યા.’ પણ દવાની વધારે અસર થાય એમ ધારી કોઈએ બારી ન ઉઘાડી. મનોજ આડો પડ્યો. થાકેલું શરીર દવાના ઘેનમાં ક્યારે ઢળી ગયું કશી સરત ન રહી.

●  ●  ●

સતત ચાર વખત એવું બન્યું કે ફોન કરે ત્યારે કાં તો બા ફોન ઉપાડે કે આકાશ. હેતલ કયાં તો જવાબ મળે : મંદિર ગઈ છે, શોપિંગમાં ગઈ કે ઊંઘી ગઇ છે.

હેતલ ઈરાદાપૂર્વક એને ટાળે છે. એ પાછો જાય એ કોઈને ગમતી વાત નથી, સિવાય બા. આકાશ કહે, ‘ડૅડી, મારા બધા ફ્રેન્ડસને મેં કહી દીધું છે. અમે ગાડી લેવાના. મને પર્જોનું નાનું મોડલ બહુ જ ગમે છે. આપણે લઇશું ને ડૅડી?’ કોણ શીખવે છે આ બધું? એણે તો કદી  છોકરાંઓને આવાં સપનાં દેખાડ્યાં નથી. શીખવાડ્યું છે તો સારી રીતે ભણવા, બાની ચાકરી કરવા કે ઘરમાં મદદરૂપ થવા. આવી મોટી મોટી બડાશો મારવાનું તો ……

આંખ સામે આછા ગ્રે રંગના ફોર્મલ પેન્ટ પર કાળું સ્લેિટયા લીટીઓવાળું શર્ટ પહેરી કૅટવૉક કરી નજીક આવતી હેતલ આવી ગઈ. એની સહેજ વાંકી ડોકે એના પર સ્થિર થયેલી નજર, હોઠ પર વિકસું વિકસું થતું સ્મિત, અને ખુલ્લા વાળનો ફરફરાટ! એને ઊંચકીને એ ફેરફુદરડી ફેરવે છે. હેતલ ખડખડાટ હસતાં જોરથી બોલે છે, ‘ચાલ ઊડીએ ચાલ.’ એ એને હળવેથી નીચે ઉતારે છે. એનો હાંફ અને તરવરાટને માણતી એ સહેજ નમી. એના ખૂલી ગયેલા શર્ટમાંથી ચમકતી ત્વચા, એ લીસું ઇજન ..

અચાનક એ ઝાંખુ થતું જાય અને એ ઝાંખા દૃશ્યમાંથી નવું દૃશ્ય ઊભરે. પેલી નજર બદલાય. ચહેરો એ જ પણ લાગણીના સ્થાને ચમકતી લાલચ! ‘આપણે બંગલો લઈશું ને, મનોજ. ફાઈવ બેડરૂમ વીથ ગાર્ડન! રવિભાઈ લોકોથી ય મોટ્ટો, ગાંધીનગરમાં.’ એને થયું એ હાથ લબાવી પેલી સીધું તાકતી નજરને ઢાંકે. હેતલને હૃદય સરસી ચાંપી કહે, જો સાંભળ, સંભળાય છે કશું? પણ હેતલ તો દૂર દૂર ઊભી છે. નૃત્યાંગનાની જેમ એક પગની આંટી વાળી, એક હાથ કમરે અને બીજા હાથે સ્તંભને પકડી કોઈ વિશાળ મહાલયને તાકતી …!

એ ઝબકીને જાગી ગયો. હવડ વાસથી ઊબકો આવવા જેવું થયું પણ મોંમાં વછૂટેલી મોળ પરાણે ગળી જતાં એણે ઓશીકામાં મોં છુપાવી દીધું. ત્યાં બોચીમાં એવો ચટકો ભરાયો કે જોરથી થપાટ મરાઈ ગઈ. કશાક ચીકણા સ્પર્શ સાથે સાવ અજાણી વાસ નસકોરાંમાં પ્રવેશી.

●   ●   ●

ફાલ્ગુનીબહેને આંખથી ઇશારો કરીને બોલાવ્યો.

‘હા બે’ન.’

‘બે’ન કે’ છે તે સારો નથી લાગતો. સાંજે ઘેર આવજે. એ જવાના છે લેસ્ટર.’

‘પણ મારે બહાર જવાનું નક્કી છે. એક ફ્રેન્ડના ઘેર પાર્ટી છે.’

‘તો સહેજ વહેલા નીકળી જવાનું. નાઇટ આપણે ત્યાં, શું કીધું? વધારે વાયડાઈ નહિ સારી.’

ફાલ્ગુનીબહેને  આંખ સહેજ રાતી કરી ઊંડો શ્વાસ લીધો ને ટીલ ઉઘાડી દસ પાઉન્ડની નોટ અંબાવતા કહ્યું, ‘કૅબ કરી લેજે, રાતના ચાલીશ નહિ.’

આઠ વાગ્યે દુકાન બંધ કરી પરેશ ચાવી આપીને નીકળ્યો. પણ ક્યાં જવું? આ સ્ત્રીએ બરાબર ફસાવી દીધો. ચાવી આપવા ઘેર જાય પછી??? એક પબમાં. જઈને બેઠો.

બીજે નોકરી માટે ય વાત કરી રાખી હતી પણ કન્ઝર્વેટીવ પાર્ટી પાવરમાં આવ્યા પછી હોમ ઓફિસ કડક થઈ છે એટલે કોઈ ઈલીગલ ઇમિગ્રન્ટને નોકરી રાખતું નથી. વિચારમાં ને વિચારમાં બે પાઇન્ટ બિયર પીવાઈ ગયો. શું કરું? જતાંવેંત ચાવી હાથમાં પકડાવતાં ક ભાગીશ એમ નક્કી કરી ઉઠ્યો. ‘અિશ્વન વિલા’ દેખાતાં જ પગ પાણી પાણી થવા લાગ્યા. પરાણે ધકેલાતો હોય એમ દરવાજે આવ્યો. ખોલે કે તરત ચાવી આપી બહાર. કોઇ અજાણ્યા પુરુષે બારણું ઉઘાડ્યું, ‘યસ.’

‘આ ચાવી, ફાલ્ગુનીબહેન ….’

‘બોલાવું.’ કહેતાં બૂમ મારી. ‘યાહ, મનોજભાઈ.’ કહેતાં આવી ઓળખાણ કરાવી ‘મારા મોટાભાઈ. હમણાં સાંજે જ આવ્યા.’ ને ચાવી લઈ  ‘ગુડનાઈટ ધેન.’ કહેતાં ધબ દઈ બારણું બંધ કરી દીધું.

●   ●   ●

બસ, આ છેલ્લું. હવે કદી ફાલ્ગુનીબહેનની વાત નહિ માનું. એ બન્ને સાથે હોય અને એકાએક એ.બી. આવી ચડ્યાની કલ્પનાએ લખલખું આવી ગયું. આગળ વિચારો ન કરવા હોય એમ ઝનૂનથી કામ કરતો રહ્યો. બ્રેક મળતાં જ ઘરે ફોન જોડ્યો. ‘હેતલ બોલું, મજામાં?’

‘હા પણ તું બહુ બિઝી થઈ ગઈ છે.’

‘શેની બિઝી? તમારી જોડે વાત કરીએ એટલે હું આવું … હું આવુંની માળા ચાલુ થઈ જાય.’

‘એટલે મને ટાળવાનો એમ?’

‘કોઈ ટાળતું નથી. સાચુ કહું, તમારી મેન્ટાલિટી સાવ બદલાઈ ગઈ છે. ભગવાને મહેનત કરીને ચાર પૈસા કમાવાની તક આપી ત્યારે તમારા માથે દુનિયાભરની તકલીફો આવી ગઈ.’

‘તું સમજતી નથી. અરે, રાત્રે ઊંઘાતું ય નથી. છેલ્લા બે મહિનાથી એટલા માંકડ કરડે છે. મેં કદી આવું સહન નથી કર્યું, હેતલ.’

‘તે હું કયાં નથી જાણતી? પણ આપણાં સંતાનો માટે આપણે જ દુ:ખ વેઠવું પડે ને. તમે સહેજ વેઠી લેશો તો છોકરાં કંઈક ભાળશે. બાકી તમારા પગારમાં શું થાય એ તમને ખબર જ છે.’

‘એટલે? અરે કારકૂન, શિક્ષક, આંગડિયા, પટાવાળા …. બધાયના ઘર ચાલે જ છે.’

‘તેં મને આંગડિયણ  કે પટાવાળી બનાવવા પ્રેમ કર્યો’તો? શું થયું છે, મનોજ તમને શું થયું છે?’

લાંબી દલીલો, અકળામણ, રીસ, છણકા અને બોલાચાલી ને અંતે રુદન. એ ડૂસકાંઓ વચ્ચે અફળાતાં આડાં, આકરાં વાક્યો! પછી કશું કહેવાનું રહેતું નહિ સિવાય, ‘હું નથી આવતો પાછો, બસ.’

વીસેક મિનિટ મોડો આવ્યો એટલે એ.બી. બગડ્યા. ‘કેમ મનોજકુમાર, ભારતનો ઉદ્ધાર કરવા રોકાયા’તા?’ હું જોતો ’તો. દોઢ કલાકથી ફોન પકડી ને ઊભા ’તા. થેન્કયૂ વેરી મચ મારા અઢી પાઉન્ડ બચાવી લીધા તમે. ચાલો હવે કામે વળો ઝટ.’

એણે કશો જવાબ ન આપ્યો. ભૂખ્યા પેટે થતા અમળાટને શમાવવા બે ગ્લાસ પાણી પીને તૂરિયાનું બોક્સ ઉઠાવ્યું ત્યાં બોકસ પાછળથી મોટો  કરોળિયો દોડી એના હાથ પર ચડ્યો ને હાથમાંથી બોક્સ છૂટી ગયું. ફરી એ.બી.ની ગાળો, પગાર કાપી લેવાની ધમકી સામે ફાલ્ગુનીબહેનનો જવા દો કહું છુંનો દયાભરેલો રણકાર!

રાત્રે એકધારો વરસાદ વરસતો હતો. કોઈ મુઠ્ઠી ભરી ભરીને કાંકરા ફેંકતું હોય એમ તડ તડ અવાજ ગાજતો હતો. છેલ્લા પંદર દિવસથી સતત કકળાટ અને એ જ વિનંતીઓ. કશો ફરક પડતો નહોતો. હવે એવું થતું હતું કે ઘેર ફોન કરશે તો ઉપરથી સાંભળવું પડશે. હેતલને તો કશી વાતની અસર જ થતી નથી. તે દિવસે વાત ચાલતી હતી ને એનાથી બોલાઈ ગયું ‘ના એ નહિ બને,  ફાલ્ગુનીબે’ન.’ બોલાયા પછી તરત ભાન થયું શું બોલાઈ ગયું. પણ હેતલ એની સમજાવટભરી દલીલોમાં એવી રત કે લાંબા સમય  સુધી હોંકારો ન ભણાયો તો કહે, ‘તમે સાંભળો છો, હું કહું છું એ?’

હેતલ કશાક ઝનૂનથી વર્તતી હતી. મારું નહિ માનવાનું? એમાં પરેશે કહ્યું હવે શેના માંકડ ભાભી, મનોજભાઈને વહેમ છે ખાલી. પણ ચટકો ભરાયને તમે સૂતા છો એનું ભાન થાય. વીસ પાઉન્ડનો બીજા સ્પ્રેએ પણ ખાસ અસર ન બતાવી. આ પીડાનો કશો ઇલાજ નહોતો. એણે ગણાત્રા સાહેબને ય વાત કરી કે મારે પાછા આવી જવું છે, સર પ્લીઝ ફેવરમી. ‘હા. હા. નિરાંતે તમતમારે. હજી એકાદ વરસ તો અહીંથી મને કોઈ હટાવે એમ નથી. કમાઈ લેવાનું, ભઈ.’  ખબર નહિ હેતલના પપ્પાનું કયું ઋણ ચૂકવે છે. એણે અંદાજ મૂક્યો. અત્યાર સુધીમાં એણે પંદર હજારથી ય વધારે પાઉન્ડ ઘેર  મોકલ્યા હતા. જેમ જેમ રૂપિયો મળતો ગયો એમ ઘરનાંની તરસ વધતી જતી ચાલી. ના. હવે નહિ.  ઊભા થઈ લાઇટ કરતાં બબડ્યો, ‘ના.’

પરેશ અને દેવજીભાઈ ઘસઘસાટ ઊંઘતા હતા. પરેશની ગોરી પિંડીએ એક માંકડ નિરાંતે ચોંટ્યો હતો. એનું પાછલું શરીર ઊંચું હતું. એણે હાથ લંબાવી આંગળીએ દબાવ્યો. પકડી પચકી નાખ્યો. લોહીવાળી આંગળી અને અંગૂઠાએ મેટ્રેસની ધારો ફંફોસવા માંડી. કલાક, દોઢ કલાક. મરાય ત્યાં સુધી પકડી પકડીને માંકડ મારતો રહ્યો. લોહીવાળા હાથ જોતાં બબડ્યો. ‘નહિ જીવવા દઉં સાલાઓ, મારી નાખીશ. મારું લોહી પીવું છે મારું? મારું …’

દેવજીભાઈ જાગી ગયા. ‘શું થયું મનોજભાઈ? એના લોહીભર્યા હાથ, બીકાળવો ચહેરો જોઈ ફાટેલા ડોળે બેઠા થઈ કોઈ ભૂત જોયું હોય એમ તાકી રહ્યા.

●    ●    ●

કન્ફર્મ્ડ ટિકિટ હાથમાં આવી ત્યારે થવા જોઈતા  હાશકારાને બદલે કશીક વિચિત્ર લાગણી, કોઈ ગુનો થઈ ગયાનો ભાવ અનુભવાતો હતો. પણ એ કશું હવે એને સ્પર્શવાનું નહોતું. હા પાછા જવાના મક્કમ નિર્ણયથી થવો જોઈએ આનંદ નહોતો અનુભવાતો એની ચિંતા થતી હતી. કેમ આવું? નક્કી આ હેતલના નિસાસા મને જંપવા દેતા નથી. એવી લોભિયણ છે કે એનો ચેપ મને ય લગાડી દે. પણ આખા શરીરે દાઝી ગયાની વેદના કેટલી સહન થાય?  તો ય ઝઘડાઝઘડી ને સમાધાનમાં પાંચ મહિના નીકળી ગયા.  છોકરાઓ માટે સ્ટોરમાં ફરી ફરીને વસ્તુઓ ખરીદતો હતો ત્યારે વપરાતા પાઉન્ડ હવે નહિ કમાવાય એ વિચારે લીધેલી વસ્તુ પાછી આપી દેવાની ઇચ્છાની શરમ ક્યાં છુપાવવી? નથી જવું પાછા. પણ ફરી એ ઓશિયાળી જિંદગી, માંકડ, કરોળિયા, શાક, બકાલાં અને ફાલ્ગુનીબહેનની ગંધ … ના. હવે કદી નહિ. ફરી નથી ફસાવું પાઉન્ડ અને કન્વર્ઝનના ચક્કરમાં. ના. બસ  હું તો આ ઊડ્યો.

સરકતો જતો હીથરૉ એરોપોર્ટનો રન વૅ .. પળભર આંખ સામે ઝળૂંબી નાના ને નાના થતાં મકાનો પછી આખું શહેર અને ચોખંડા ઘાસ અને જમીનનો વિસ્તાર ધરાઈ ધરાઈને તાકી રહ્યો. અફાટ આકાશ અને વાદળોના ઢગ વચ્ચે વરસો પહેલાં જાંઘ પર થયેલા ગુમડાને દબાવી દબાવી પરુ કાઢતાં જે પીડા અને રાહતની મિશ્ર લાગણી થતી હતી એ  ફરી અનુભવાઈ. એ તીખો કણસાટ મમળાવે ત્યાં બે વરસ, નવ મહિના અને સત્તર દિવસ પછી જોવા મળનારો દેશ, માણસો, બા, આકાશ, રીરી અને હેતલ … સહુ બાઝી પડશે. એક ક્ષણ પણ અળગા નહિ થવા દે કોઈને ….

અમદાવાદની ધરતી જોવા ડોક તાણી તાણી મથ્યો પણ કશું કળાય નહિ. ન સાબરમતી નદી, ન કોઈ બ્રિજ, ન મકાનો, ન અણસાર. એકાએક નજીક આવતો જતો ખાલી વિસ્તાર સડસડાટ ઊભરાયો.  નજર સામે મકાનો, વૃક્ષો, રસ્તા, માણસો આવી ગયાં ને પ્લેન થોભ્યું ત્યારે ભરેલી આંખમાં ઝીલાતાં દૃશ્યો સાવ ઝાંખા ઝાંખા થઈ ગયાં.

ઊતરતો હતો ત્યારે દૂર કળાતા આકારો જોઈ થયું હેતલ ઊભી હશે એકટક જોઈને. એણે હાથ ઊંચો કરી હલાવ્યો ને કોઈના ધક્કે આગળ ધકેલાયો.

બહાર નીકળતાં સહુ પહેલી હેતલ દેખાઈ, બાજુમાં છોકરાંઓ દોડતાં પગલે આગળ આવ્યો, સહેજ નમીને રીરીને ઊંચકી લીધી. આકાશને વહાલ કર્યું, પડખે લીધો. સહેજ વારે હેતલને ભેટવા હાથ લંબાવ્યા. એ એને જોરથી વળગી પડી. એનો બથમાં દબાતો દેહ કોઈ અવર્ણનીય સુખ આપતો હતો. ત્યાં અચાનક જરા ય ઇચ્છયું નહોતું તો ય કોઈ બીજી જ ભીંસ અનુભવાઈ ને હેતલને કસતી એની પકડ ઢીલી પડી ગઈ. બન્ને હાથ સાવ આધાર વગરના હોય એમ હવામાં ઝૂલી રહ્યા.

*    *   *

e.mail : anilnvyas34@gmail.com

સૌજન્ય : “ઓપિનિયન”, 26 સપ્ટેમ્બર 2011; પુસ્તક – 17; પ્રકરણ – 06; સળંગ અંક – 198

Loading

...102030...3,2213,2223,2233,224...3,2303,2403,250...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved