સ્વામી આનંદ જેવા પ્રખર દેશભક્ત, ટિળક-ગાંધીના અનુયાયી, અધ્યાત્મપુરુષે નાનાભાઈ ભટ્ટ માટે ‘યાજ્ઞવલ્ક્ય સમા’ એવું વિશેષણ વાપર્યું હતું. સ્વામી ગુણગ્રાહી ખરા, પણ વિશેષણો વહેંચનારા નહીં. બલકે, આકરાપણા માટે ઠીક ઠીક જાણીતા. છતાં, નાનાભાઈ માટે તેમણે લખ્યું હતું, ‘સૃષ્ટિ તેમ જ જીવનવિષયક વિચારણાઓમાં નાનાભાઈ ઉપનિષદ કાળના ઋષિ યાજ્ઞવલ્ક્યની યાદ અપાવતા.’
દક્ષિણામૂર્તિ અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓ થકી વધુ જાણીતા નાનાભાઈ પોતાની જાતને ‘સનાતની હિંદુ’ તરીકે ઓળખાવતા. પરંતુ સાવ પાકટ વયે તેમણે સ્વામી આનંદ અને બીજા સ્નેહીઓના સવાલોના જે જવાબ આપ્યા હતા (‘બે જીવન મર્મીઓનો સંવાદ’), તે વાંચ્યા પછી અને તેમના જીવનપ્રસંગો વિશે જાણ્યા પછી થાય કે ગાંધીજીના મનમાં ‘સનાતની હિંદુ’નો ખ્યાલ કેવો હશે અને એ પણ વધુ સ્પષ્ટ રીતે સમજાય કે રાજકીય હિંદુત્વ સનાનતી હિંદુ ધર્મનું કેટલું બધું વિરોધી છે.
ઉપનિષદમાં આજની વૈજ્ઞાનિક શોધોની ઝાંખી થાય છે, એવી માન્યતામાં વજૂદ ખરું? એવા સ્વામી આનંદના સવાલનો નાનાભાઈએ આપેલો જવાબ ભાવાવેશ કે ધર્માવેશ વગરનો હતો. ‘બધું-આપણે-ત્યાં-શોધાઈ-ગયું-હતું’ પ્રકારની માન્યતાના ઝનૂની સમર્થકોએ અને તેના ઝનૂની વિરોધીઓએ પણ તેને ખાસ ગાંઠે બાંધવા જેવો છે. નાનાભાઈએ કહ્યું હતું, ‘આપણા દેહમાં સાંભળવું એ કાનનો વિષય છે … પણ એ જ કાનને પદાર્થને જોવામાં આપણે પ્રમાણભૂત ગણતા નથી … આ રીતે જોતાં ઉપનિષદોનો પ્રધાન સૂર પરાવિદ્યાનો છે, એટલે પરાવિદ્યાના વિષયમાં ઉપનિષદોનું કથન પ્રમાણભૂત ગણાવું જોઈએ, પણ પરાવિદ્યા સિવાયની બીજી વિદ્યાઓમાં –દાખલા તરીકે ભૌતિકવિદ્યામાં, સમાજવિદ્યામાં, અર્થશાસ્ત્રમાં, ખગોળવિદ્યામાં વગેરેમાં આ ઉપનિષદો પ્રમાણભૂત ન ગણી શકાય … રામાયણમાં રાવણના પુષ્પક વિમાનની વાત આવે છે.
આ પુષ્પક વિમાન એ જમાનાની કઈ વર્કશોપમાં બન્યું હશે, કેવાં સાધનોથી બન્યું હશે વગેરે કશી માહિતી આપણને નથી. તેમ આવું પુષ્પક વિમાન માત્ર કોઈ કવિની કલ્પના જ હશે કે ખરેખરું વિમાન હશે તે પણ આપણે જાણતા નથી. પણ આવા પુષ્પક વિમાનની કલ્પના એ જમાનાના લોકોને સાચી લાગી એટલે અંશે સમાજના માનસમાં એ કલ્પના ખરેખર પડી જ હતી એમ જ આપણે કહેવું ઘટે.
પરંતુ આવાં તેવાં રડ્યાંખડ્યાં વિધાનોથી જો આપણે એમ માનવા લલચાઈ જઈએ કે આજના વિજ્ઞાનયુગમાં જે ભાતભાતની શોધો થાય છે અને થશે તે બધાનું જ્ઞાન આપણા ઋષિમુનિઓને પણ હતું .. (તો) તેમ કહેવું એ તદ્દન અયથાર્થ છે. માનવી જેમ જેમ આ પૃથ્વી ઉપર મોટો થતો જાય છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધારે ને વધારે વિશાળ થતી જાય છે અને તે પોતે વિશ્વનાં બળોને વધારે ને વધારે સમજતો જાય છે.
પરંતુ સમગ્ર વિશ્વના પાયામાં પડેલ પરમસત્તાનો આપણા ઋષિમુનિઓએ જે સાક્ષાત્ અનુભવ કર્યો તે અનુભવ એમને થયો તે દિવસે જેટલો સાચો હતો તેટલો આજે પણ સાચો છે અને ભવિષ્યમાં પણ સાચો રહેશે તેમાં મને શંકા નથી … આ જગત જેનામાંથી ઉત્પન્ન થયું છે, જેનાથી ટકે છે અને જેમાં લય પામે છે તે પરમસત્તા એ એક જ જીવનવિદ્યાનો પરમ વિષય છે. આ સિવાયના બીજા બધા વિચારો એક યા બીજી રીતે અપરાવિદ્યાના એટલે લૌકિક-પારલૌકિક વિદ્યાના વિષયો છે … (તે) ઉપનિષદકારનાં પ્રધાન વિધાનો નથી, પણ એ યુગમાં ચાલતી માન્યતાઓનાં એ વિધાનો છે, એમ આપણે સમજવું.’
આવું કહેનાર નાનાભાઈનો ઉપનિષદ વિશે વાત કરવા માટે કેવા અધિકારી હતા, તેનો ખ્યાલ સ્વામી આનંદની વાતમાંથી આવે છે. તેમણે લખ્યું છે કે ‘ઇશાવાસ્ય ઉપનિષદનો સમશ્લોકી ગુજરાતી અનુવાદ નાનાભાઈની આજ્ઞાથી મેં સને 1957-58માં કર્યો … આ ઉપનિષદના 9થી 14 મંત્રોના સંદર્ભો સમજવામાં પડતી મુશ્કેલી અંગે એ દિવસોમાં મેં ખાસી મથામણ કરેલી. વિનોબાજી, રાજાજી (ચક્રવર્તી રાજગોપાલાચારી) જોડે લખાપટી પણ કરી. પણ મનની ઘડ બેઠી નહિ. અંતે નાનાભાઈએ આપેલ ખુલાસા તેમ જ અરથ મેં સ્વીકાર્યા.’
આવા અભ્યાસી નાનાભાઈ કર્મકાંડ વિશે શું માનતા હતા? ઐતિહાસિક સંદર્ભે તેમણે કહ્યું કે કર્મકાંડે આર્યોના પ્રીમિટિવ (આર્ષ) માનસને કમાવીને કેળવીને કૂણું કર્યું … તેમાં શિસ્ત દાખલ કરી, તેનાં શક્તિસામર્થ્ય ખીલવ્યાં, ગોત્રોના સમૂહ જીવનવહેવારનું ટેક્નિક વિકસાવ્યું. કર્મકાંડનો બીજો ફાળો તેમણે એ ગણાવ્યો કે કર્મનું ફળ તે કરનારને જ મળે એવો સિદ્ધાંત અફરપણે કર્મકાંડે બેસાડ્યો.
તેમાંથી જ આગળ જતાં વિશાળ અને અટલ એવો કર્મનો સિદ્ધાંત વિકસ્યો. આટલું કહ્યા પછી તેમણે એમ પણ કહ્યું કે ‘કર્મકાંડ એટલે … વિધિ-નિષેધની બહાર કશું જ કરવાની મનાઈ. જિંદગીનાં સ્વાભાવિક કર્મો, પ્રવૃત્તિઓ, માનવી સંસારવહેવારનાં કર્મો, સામાજિક કર્તવ્યો–કશાની નોંધનોટિસ કર્મકાંડના કાળવાળાઓએ સમ ખાવાય ન લીધી. આથી જ એ કર્મો બધાં મૂઢ, જડ, ફોસિલ્ડ (અશ્મિભૂત), દીવીના દાંડા કે ચાડા જેવાં હાંસીપાત્ર કાંડ બની ગયાં.’
‘મૂળે તો કર્મકાંડ પોતે પણ ઋગ્વેદનાં નકરાં રુચાગાન, પ્રાર્થનાઓ તેમ જ આશ્ચર્ય ઉન્માદના ઉદ્રેકો સામે એક પ્રકારના બળવારૂપે જ ઉપજેલો. નકરાં ગાન-ઉન્માદથી આગળ જઈને કંઈક કરવું, જેનાથી સ્વર્ગ-સુખ ઉપભોગ વગેરે મળે. આમાંથી સૂર્ય, વરુણ, અગ્નિ, ઇન્દ્ર (પર્જન્ય) આદિ દેવોને કશું નૈવેદ્ય અર્પણ કરીને પ્રસન્ન કરવાથી મનના મનરથો જોગું માગ્યું હોય તે મળે જ મળે. માટે દેવતાઓને આવાહ્્ન (આમંત્રણ), પૂજન, હવિશાન્ન (માણસનો બધો જ ખોરાક), દક્ષિણા આદિથી પ્રસન્ન કરવા જોઈએ, વગેરે માન્યતાઓ રૂઢ થઈ અને પ્રચારમાં આવી.’
નાનાભાઈ પોતે કર્મકાંડથી જડતાથી મુક્ત રહ્યા અને સંસારવહેવારનાં જ નહીં, નાગરિક તરીકેનાં કર્તવ્યો વિશે પણ સભાન-સજાગ રહ્યા. લોકશાહી વિશેની તેમની સમજ પાકી હતી, જે (તેમની ધાર્મિક સમજની જેમ જ) અત્યારે પણ પ્રસ્તુત છે. તેમણે કહ્યું હતું, ‘રાજ્યતંત્ર ગમે તેવું હોય —તંત્રનું બાહ્ય કલેવર રાજાશાહી હોય, લોકશાહી હોય, આપખુદ હોય, કૉમ્યુિનસ્ટ હોય, ગમે તે હોય— પણ પ્રજા પોતે જ જો તેજસ્વી હોય તો કોઈ પણ સરકારને પોતાના અંકુશમાં રાખી શકે છે.
પ્રજામાં-પ્રજાના મોટા ભાગના લોકોમાં જો આખરે ખુવાર થઈ જવાની પણ તાકાત હોય તો કોઈ પણ રાજ્યસત્તાનો ભાર નથી કે પ્રજાને પીડી શકે. પરંતુ રાજતંત્ર લોકશાહી હોય તો પણ જો પ્રજા નિર્માલ્ય હોય અને સત્તાધારીઓ સેવાભાવી હોવાને બદલે સત્તાલોલુપ હોય તો લોકશાહીના બહારના માળખાની અંદર પણ બીજી કોઈ શાહી ઢાંકેલી રહી શકે છે.’
ધર્મ અને રાજકારણ-લોકકારણને આ રીતે સમજાવાનારી ખોટ અને જરૂરિયાત સમય જતાં ઓછી થવાને બદલે વધી છે. તેનાથી પણ નાનાભાઈના વિચારોનું મૂલ્ય વધે છે.
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17 ડિસેમ્બર 2017
![]()


એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી : પ્રકાશક – ઇમેજ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ – અમદાવાદ : ISBN – 978-81-7997-732-3 : પ્રથમ આવૃત્તિ – 2016 : પૃષ્ઠ – 344; ફોટાઓ – 16 પાન : મૂલ્ય રૂપિયા 400; અૅરમેલ સાથે વિદેશમાં – $ 15 : કિન્ડલ [Kindle] ‘ઈ-બૂક’ [E-book] આકારમાં ય મેળવી શકાય છે.
દરમિયાન, મહા ત્મા ગાંધીએ મુંબઈને ‘હિંદનું પ્રથમપહેલું નગર’ ગણાવ્યું હોવાનું ભીખુ પારેખે નોંધ્યું છે. ઉષા ઠક્કર તથા સંધ્યા મહેતાના પુસ્તક ‘ગાંધી ઇન બૉમ્બે’ના આમુખમાં ભીખુભાઈ જણાવે છે તેમ, “યન્ગ ઇન્ડિયા”ના 06 જુલાઈ 1921માં, ગાંધીજી, વળી મુંબઈને ‘સુંદર મુંબઈ’ તો કહે જ છે, પણ પછી ઉમેરે છે, મોટાં મોટાં મકાનોને કારણે મુંબઈ સુંદર નથી, કેમ કે મોટા ભાગનાં મકાનો તો ગંદી ગરીબાઈનો ઢાંકપીછોડો કરે છે; વળી, લોકોનું લોહી ચૂસી ચૂસીને એકઠી કરેલી દોલતના આ મકાનો દ્યોતક છે. પરંતુ પોતાની જગપ્રસિદ્ધ ઉદારતાને કારણે મુંબઈ સુંદર છે. …’ નટવર ગાંધીના અનુભવજગતમાં ય આવું જોવા પામીએ જ છીએ ને ? … ખેર !
દરમિયાન, અહીંથી એમ.બી.એ.ની ઉપાધિ મેળવે છે. અને ત્યાંથી નૉર્થ કેરોલિના રાજ્યના ગ્રિન્સબરૉની પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી કરવાનો આરંભ કરે છે. પ્રૉફેસર બને છે. લોકપ્રિયતા ય મેળવે છે. પીએચ.ડી. ભણવાનો આરંભ કરે છે. દરમિયાન, નલિનીબહેન ભારતથી આવી જાય છે અને પીએચ.ડી. અભ્યાસ પૂરા સમય કરવા સારુ ‘ડેરા તંબૂ ઊપાડીને’ હાલ્યા બૅટન રુજ. અમેરિકાના દક્ષિણ વિસ્તારના રાજ્યોએ આમ લેખકનું ઘડતર કર્યું છે. ડૉક્ટરેટ મેળવ્યા કેડે પીટ્સબર્ગ પહોંચ્યા. અહીં પોતાનું ઘર ખરીદ કરી વસે છે. અમેિરકન નાગરિક પણ બને છે. અને છેવટે, વૉશિંગ્ટન [ડિસ્ટૃીક્ટ અૉવ્ કોલમ્બિયા] ખાતે ઠરીઠામ થાય છે. સીડીના એક પછી એક દાદરા ચડતા જઈ, નટવર ગાંધી ચીફ ફાઈનાન્સિયલ અૉફિસરની પદવી પરથી ફાડચામાં ગયેલા દફતરને ખમતીધર પણ કરી બતાવે છે. ત્યાં સુધીમાં એ ‘એક અજાણ્યા ગાંધી’ રહેતા નથી; બલકે વિશ્વપ્રખ્યાત નટવર ગાંધીમાં પરિણમિત બન્યા છે. હવે, આજે નિવૃત્તિ સમયે પોતાનો સમય વાંચનલેખનમાં વ્યતિત કરે છે, વિશ્વ બૅન્કને સલાહકાર તરીકેની સેવાઓ ય આપ્યા કરે છે.
આપ્રવાસ, દેશાતંર અધિવાસ [immigration] બાબત લેખક સજાગ રહ્યા હોય અને સતર્કપણે વિચારતા હોય તેમ આ પુસ્તકમાંથી પસાર થતાં લાગ્યા કર્યું છે. પુસ્તકના ભાગ બેમાંથી પસાર થતાં લાગશે કે લેખક, સ્વામી આનંદ કહે છે તેમ, કોઈક જાતના ‘અમરધામાભિમુખ’ પ્રદેશ[‘પ્રૉમિસ્ડ લૅન્ડ’]ની જાણે કે તલાશમાં છે. અને હળુ હળુ અૅટલાન્ટા, ગ્રિન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ આવતાં આવતાં સુધીમાં એ અમેિરકાને પોતાની કર્મભૂમિ માનતા થઈ ગયા છે. એટલું જ નહીં, વૉશિંગ્ટન પહોંચતા સુધીમાં ગાંધી દંપતી અમેિરકી નાગરિકપદ ઉલ્લાસભેર સ્વીકારે છે. અને પછી પૂરી સમજદારીથી નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવામાં પાછા પડતા નથી. લેખક, ખુદ, લખે છે : ‘દેશમાં, ખાસ કરીને મુંબઈમાં મને જે કડવા અનુભવો થયા હતા તે કારણે દેશમાં પાછા જઈ દેશસેવા કરવી છે એવા શેખચલ્લીના વિચારો મને ક્યારે ય નહોતા આવ્યા. જ્યારે મેં એર ઇન્ડિયાનું ન્યૂ યૉર્ક આવવાનું પ્લેન લીધું ત્યારે જ મેં દેશને રામરામ કરેલા. … જે કાંઈક મારું ભવિષ્ય છે તે મારે અમેિરકામાં જ ઘડવાનું છે.’
અમરેલી વિસ્તારની તળપદી ભાષાનો છૂટથી લેખકે ઉપયોગ કર્યો છે. વાક્યો ક્યાંક ટૂંકા ય છે, અને આશરે છ દાયકાના પરદેશ નિવાસને કારણે ઘર બેઠી અંગ્રેજી શબ્દમાળાની રંગોળી પણ જ્યાં ત્યાં પુરાઈ જોવા મળે છે. આ પુસ્તકમાં બીજી એક વાત પણ આંખે વળગે છે : તે લેખકની ખરાઈ. પોતાની પણ આલોચના કરવાનું ય નટવર ગાંધીએ ટાળ્યું નથી. અને આનાં દૃષ્ટાન્તો ઠેરઠેર જોવાવાંચવાં મળે છે. વૉશિંગ્ટન (ડિસ્ટૃિક્ટ અૉવ્ કોલમ્બિયા) રાજ્યમાં નટવર ગાંધી ખુદ ‘ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર’ હતા, તે વેળા, રુશવતખોરીની અસરને કારણે નાણાંકીય ઝંઝાવાતનો સપાટો બોલી ગયો. પોતાને ત્રાજવે મૂકતાં મૂકતાં લેખકે પોતાની વાત બેધડક અહીં મૂકી છે. નીરક્ષીરપણે એ પાર પડે છે તેની ગાથા ય અહીં જોવાઅનુભવવા મળે છે.