ભારતની ભૂમિમાં જેમનો જન્મ થયો છે તેઓ જે નથી કરી શક્યા એ ઇટલીમાં જન્મેલી સવાઈ ભારતીય મહિલાએ કરી બતાવ્યું છે
ઇન્દિરા ગાંધી વિશેની લેખશ્રેણીમાં મેં લખ્યું હતું કે કૉન્ગ્રેસમાં નેહરુ પરિવારની વારસદારી સ્થાપવાનો કોઈ ઇરાદો જવાહરલાલ નેહરુ નહોતા ધરાવતા અને ઇન્દિરા ગાંધી વારસ બનવા ઉત્સુક નહોતાં. કૉન્ગ્રેસમાં વારસદારી કૉન્ગ્રેસી નેતાઓએ સ્થાપિત કરી હતી અને એવું ઇતિહાસમાં બે વાર બન્યું છે. જવાહરલાલ નેહરુ લોહીના નામે લોકતંત્રમાં સત્તાની ઇજારાશાહીના વિરોધી હતા અને ઇન્દિરા ગાંધીને પોતાના પર ભરોસો નહોતો. કૉન્ગ્રેસીઓને એમ લાગ્યું હતું કે નેહરુની નિસ્તેજ છોકરીને વડાં પ્રધાન નહીં બનાવવામાં આવે તો જક્કી સ્વભાવ ધરાવનારા મોરારજી દેસાઈ વડા પ્રધાન બની જશે અને તેઓ પાછળ રહીને દોરીસંચાર નહીં કરી શકે. આમ કૉન્ગ્રેસમાં પહેલી વાર વારસદારી કૉન્ગ્રેસીઓ ૧૯૬૬ની સાલમાં લઈ આવ્યા હતા.
હા, જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નેહરુમાં વારસદારીનાં લક્ષણો હતાં એમ તમે કહી શકો. જવાહરલાલ નેહરુને યુવા વયે કૉન્ગ્રેસના પ્રમુખ બનાવવા માટે મોતીલાલ નેહરુએ ગાંધીજી સમક્ષ એક કરતાં વધુ વખત પ્રસ્તાવ રાખ્યો હતો. એક વાર તો પોતે કૉન્ગ્રેસપ્રમુખ તરીકે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમના અનુગામી જવાહર બને એવો પણ તેમણે આગ્રહ રાખ્યો હતો. મોતીલાલ નેહરુ માટે જવાહરલાલ આંખનું જવાહર હતા અને તેઓ તેમના પ્રેમમાં હતા. જવાહરલાલ નેહરુએ તેમના ભદ્રશ્રીમંત પિતાને જમીન પર સૂતા અને રેંટિયો કાંતતા કરી દીધા હતા.
તો પછી કૉન્ગ્રેસમાં વારસદારી શરૂ ક્યારે થઈ અને કોણે કરી? આનો જવાબ છે ઇન્દિરા ગાંધી. દેશમાં લોકશાહીને હાનિ પહોંચાડે એવી ઘણી અઘટિત પરંપરા ઇન્દિરા ગાંધીએ શરૂ કરી હતી જેમાં વારસદારી મુખ્ય છે. આ ઉપરાંત કૉન્ગ્રેસી તો ખરા જ. હું મરું પણ તને રાંડ કરું એ ન્યાયે તેઓ એકબીજાનો છેદ ઉડાડવા માટે નેહરુ-ગાંધી પરિવારની વારસદારીને પોષતા હતા. ઇન્દિરા ગાંધીમાં અસલામતીની ભાવના અત્યંત તીવ્ર હતી. આવા લોકો શંકાશીલ હોય છે એટલે તેમને કૉન્ગ્રેસમાં કોઈના પર પૂરો વિશ્વાસ નહોતો. આ બાજુ સંજય ગાંધી લગભગ લોફર કહી શકાય એવા હતા. સંજય ગાંધી નહોતા સરખું ભણ્યા કે નહોતા કોઈ ધંધો-રોજગાર કરી શક્યા. તેમનો સસ્તા ભાવની જનતાકાર બનાવવાનો મારુતિનો પ્રોજેક્ટ પણ નિષ્ફળ નીવડ્યો હતો.
હકીકતમાં ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાનમંડળમાં જોડાયાં એની પાછળનો એક ઇરાદો છોકરાંવની ચિંતા પણ હતો. તેમને સમજાઈ ગયું હતું કે બન્ને દીકરા ભણવામાં સામાન્ય છે અને જિંદગીમાં બહુ મોટી મંઝિલ કાપી શકે એમ નથી. રાજીવ અને સંજય જ્યારે લંડનમાં ભણતા હતા ત્યારે એક સમયે તેમણે લંડનમાં સ્થાયી થવાનું અને દીકરાઓની નજીક રહેવાનું વિચાર્યું પણ હતું જેથી તેઓ તેમના ભણતરમાં અને કારર્કિદીમાં રસ લઈ શકે. તેમણે એક મકાન પણ જોઈ રાખ્યું હતું. ઇન્દિરા ગાંધી જ્યારે શાસ્ત્રીની કૅબિનેટમાં જોડાયાં ત્યારે તેમને એમ હતું કે આને કારણે તેમને દિલ્હીમાં રહેવા માટે મકાન મળશે, પગાર-ભથ્થાંની આવક થતી રહેશે અને છોકરાંવને થાળે પાડવા રાજકીય વગનો ઉપયોગ કરી શકાશે.



આમ ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યાં દિલ્હીમાં મકાન, આવક અને વગ જાળવી રાખવા માટે તેમ જ નિસ્તેજ છોકરાંવને થાળે પાડવા માટે. ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસમાં વારસદારી દાખલ કરી ભરોસાપાત્ર સલામતી માટે. રાજીવ ગાંધી પાઇલટ તરીકે ઍર ઇન્ડિયામાં થાળે પડી ગયા હતા અને સંજય ગાંધી કંઈ કરી શકે એમ હતા નહીં. ઇન્દિરા ગાંધી પહેલાં સંજય ગાંધીને રાજકારણમાં લઈ આવ્યાં હતાં અને ૧૯૮૦માં સંજયનું અકાળે અવસાન થતાં રાજીવ ગાંધીને રાજકારણમાં લઈ આવ્યાં હતાં. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે જેની વિગતોમાં જવાની જરૂર નથી.
નેહરુ-ગાંધી પરિવારની વારસદારીએ ૧૯૯૧માં નવો વળાંક લીધો. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે કૉન્ગ્રેસપ્રમુખ તરીકે તેમના અનુગામી કોણ એવો પ્રશ્ન આવ્યો. દરેક કૉન્ગ્રેસીના મોઢે એક જ નામ હતું – સોનિયા ગાંધી, પરંતુ સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસપ્રમુખ બનવાની ના પાડી દીધી. ૧૯૬૬ પછી પહેલી વાર કૉન્ગ્રેસીઓને નેહરુ-ગાંધી પરિવારથી મુક્ત થઈને પક્ષમાં લોકશાહી દાખલ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ પચીસ વરસની ગુલામીના પરિણામે કૉન્ગ્રેસીઓ એમ કરી શક્યા નહોતા. દરેક કૉન્ગ્રેસી એકબીજા સામેની ફરિયાદ લઈને સોનિયા ગાંધી પાસે દોડી જતો હતો અને પક્ષીય લોકતંત્રને પરિવારનાં ચરણે ધરી દેતો હતો.
સ્થિતિ એવી બની કે આઝાદી પછીની પહેલી પેઢીના કૉન્ગ્રેસીઓ જેમ એકબીજાનો છેદ ઉડાડવા કૉન્ગ્રેસમાં વારસદારી લઈ આવ્યા હતા એમ બીજી પેઢીના કૉન્ગ્રેસીઓ ફરી એક વાર એકબીજાનો છેદ ઉડાડવા રાજકારણથી દૂર રહેતાં સોનિયા ગાંધીને શરણે જઈને ફરી વારસદારી લઈ આવ્યા. કૉન્ગ્રેસમાં વારસદારી માટે જેટલો જવાબદાર પરિવાર છે એના કરતાં વધુ કૉન્ગ્રેસીઓ જવાબદાર છે. બીજી વખતની વારસદારી ઉપરથી લાદવામાં નહોતી આવી, સામે ચાલીને લાવવામાં આવી હતી.
૧૯૯૧થી ૧૯૯૯નાં વર્ષોમાં કૉન્ગ્રેસીઓ એકબીજાનો છેદ ઉડાડતા હતા જેના પરિણામે ૧૯૯૮-’૯૯નાં વર્ષોમાં કૉન્ગ્રેસ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું હતું. સોનિયા ગાંધી બહાર ન આવે અને કૉન્ગ્રેસની ધુરા ન સંભાળે તો કૉન્ગ્રેસ બચી શકે એમ નહોતી. સોનિયા ગાંધી બહાર આવ્યાં અને કૉન્ગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું. વાંચ્યા વિના ભાષણ ન આપી શકનારાં સોનિયા ગાંધી ધારવા કરતાં વધુ વિચક્ષણ સાબિત થયાં એમ ૧૯ વરસના તેમના નેતૃત્વનો ઇતિહાસ કહે છે. તેમના નેતૃત્વની આટલી વિશેષતાઓ હતી: તેમને સમજાઈ ગયું હતું કે ૧૯૮૦માં અને ૧૯૯૧માં પરાજિત કૉન્ગ્રેસ ફરી વિજયી થઈને સત્તામાં પાછી ફરી હતી એમ હવે પાછી ફરી શકે એમ નથી. જો કૉન્ગ્રેસે સત્તામાં પાછા ફરવું હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જેમ બે ડઝન પક્ષોનો મોરચો રચાયો છે એવો મોરચો રચવો પડશે. NDA સામે UPA એ આ રણનીતિનું પરિણામ હતું. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં તેમને અણધાર્યો વિજય મળ્યો એ આ મોરચો રચવાની નીતિનું પરિણામ હતું.
વિદેશી સોનિયા ગાંધી વડા પ્રધાન બને એનો વિરોધ કરનારા અને બગાવત કરીને કૉન્ગ્રેસમાંથી નીકળી જનારા શરદ પવારને તેમણે UPAમાં લીધા હતા અને મહારાષ્ટ્રમાં શરદ પવારના પક્ષ સાથે મળીને સરકાર રચી હતી. માત્ર બે વરસમાં વિરોધીને બાથમાં લેવાની તેમની ક્ષમતા આશ્ચર્ય પમાડે એવી હતી. જો કે આનો અર્થ એવો નથી કે તેઓ ડંખ ભૂલી ગયાં હતાં. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બન્યા પછી ડૉ. મનમોહન સિંહની સરકારમાં ધરાર તેમણે શરદ પવારને નંબર ટૂનું સ્થાન નહોતું આપ્યું. એ. કે. ઍન્ટની નંબર ટૂ હતા.
૨૦૦૪માં UPAને લોકસભામાં બહુમતી મળી ત્યારે વડા પ્રધાનપદના દેખીતા ઉમેદવાર સોનિયા ગાંધી હતાં. તેમણે આખા દેશના આશ્ચર્ય વચ્ચે વડા પ્રધાન બનવાની ના પાડી દીધી હતી અને ડૉ. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવ્યા હતા. ભારતના જ નહીં, કદાચ જગતના લોકતંત્રના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતુ કે લોકસભામાં શાસક પક્ષના નેતા હોવા છતાં વડા પ્રધાન ન હોય. ડૉ. મનમોહન સિંહ સોનિયા ગાંધીના પ્રૉક્સી વડા પ્રધાન હતા. વહીવટી સત્તા વડા પ્રધાન પાસે હોય, પણ ખરો પાવર સોનિયા ગાંધી ધરાવતાં હોય એવી અરેન્જમેન્ટ હતી.
સોનિયા ગાંધીએ મનમોહન સિંહને માત્ર પ્રૉક્સી વડા પ્રધાન નહોતા બનાવ્યા, એક રીતે જોઈએ તો તેમના અધ્યક્ષપદ હેઠળ નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલની રચના કરીને પ્રૉક્સી પ્રધાનમંડળની પણ રચના કરી હતી. આમ બે સત્તાકેન્દ્ર અર્ધસત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યાં હતાં એ એક પ્રકારનો નવતર પ્રયોગ હતો. ડૉ. મનમોહન સિંહની સરકારની પહેલી મુદતમાં ખાસ મુશ્કેલી નહોતી આવી, પરંતુ બીજી મુદતમાં બે સમાંતર સત્તાકેન્દ્રો મુશ્કેલીઓ પેદા કરવા લાગ્યાં હતાં જેની ૨૦૧૪માં કૉન્ગ્રેસે કિંમત ચૂકવી હતી.
૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે ૨૦૦૪ કરતાં પણ વધુ સારો દેખાવ કર્યો હતો અને ડૉ. મનમોહન સિંહને ફરી વાર વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી અને ડૉ. મનમોહન સિંહની કેમિસ્ટ્રી આજ સુધી અકબંધ છે એની ક્રેડિટ સોનિયા ગાંધીની શાલીનતાને જાય છે. મોટા ભાગે વડા પ્રધાનને મળવા તેમના ઘરે જાય, વડા પ્રધાન આવે એની દસ મિનિટ પહેલાં તેઓ સ્વાગત માટે આવી ગયાં હોય, વડા પ્રધાનની સાથે અથવા પાછળ ચાલે આગળ ક્યારે ય નહીં, જાહેરમાં વડા પ્રધાનની ટીકા કરે નહીં વગેરે પ્રકારની ખાનદાનીએ પ્રૉક્સી પ્રયોગને બાય ઍન્ડ લાર્જ સફળ બનાવ્યો હતો.
૨૦૦૪ અને ૨૦૦૯ એમ ઉપરાઉપરી બે વખત વિજય મેળવવાની ઘટના ૧૯૮૪ પછી પહેલી વાર બની હતી. એમ તો અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDAને ૧૯૯૮માં અને ૧૯૯૯માં એમ ઉપરાઉપરી બે વાર વિજય મળ્યો હતો, પરંતુ બે ચૂંટણી વચ્ચેનો ગાળો માત્ર એક વરસનો હતો. ૧૯૭૯-૧૯૮૯ પછી પહેલી વાર કોઈ એક પક્ષે કે મોરચાએ એકધારું દસ વરસ શાસન કર્યું હતું. એકધારાં દસ વરસ શાસન કરનારા ભારતમાં ત્રણ વડા પ્રધાન થયા છે જેમાં એક ડૉ. મનમોહન સિંહ છે. આ પહેલાં જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીએ દસ વરસ એકધારું શાસન કર્યું હતું. પ્રૉક્સીને સ્થિરતા આપવાનું શ્રેય સોનિયા ગાંધીને જાય છે.
માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર અને રોજગાર બાંયધરી યોજના (મનરેગા) માટે ડૉ. મનમોહન સિંહ અને સોનિયા ગાંધી ઇતિહાસમાં અમર રહેવાનાં છે. ઇવેન્ટો કાળના ગર્ભમાં ખોવાઈ અને ભુલાઈ જતી હોય છે, પરંતુ નક્કર કાર્યો ઇતિહાસમાં કાયમ માટે સ્થાન મેળવે છે. આનું શ્રેય ડૉ. મનમોહન સિંહ સાથે સોનિયા ગાંધીને એટલા માટે જાય છે કે મૂળમાં આ પ્રજાલક્ષી કાર્યો કરવાનું સૂચન નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલનું હતું અને સોનિયા ગાંધીએ એને માન્ય રાખીને UPA સરકાર પાસે કરાવ્યું હતું. આ ત્રણ કાર્યો માટે સોનિયા ગાંધી ઇતિહાસમાં અમર રહેવાનાં છે અને દેશ તેમનો ઓશિંગણ રહેવાનો છે. ભારતની ભૂમિમાં જેમનો જન્મ થયો છે એ જે નથી કરી શક્યા એ ઇટલીમાં જન્મેલી સવાઈ ભારતીય મહિલાએ કરી બતાવ્યું છે.
આઝાદી પછી રાહુલ ગાંધીનું નેતૃત્વ એ કૉન્ગ્રેસ માટે ચોથું પર્વ છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી. જોઈએ રાહુલ ગાંધી કૉન્ગ્રેસને કેવો ચહેરો આપે છે.
સૌજન્ય : ‘નો-નૉનસેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 17 ડિસેમ્બર 2017
![]()


મહાભારતમાં વિદુર જેવા ડાહ્યા માણસની જરૂર પડે છે (રામાયણમાં નથી પડતી), કારણ કે મહાભારત સત્તાની લાલસાનું આખ્યાન છે, જ્યારે રામાયણ સત્તાના ત્યાગની કથા છે. મહાભારતમાં અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિત વ્યવહાર છે. રામાયણ સદાચાર, આદર્શ, સંયમ, વિનય અને નિયમનું મહાકાવ્ય છે. એટલા માટે જ અયોધ્યાનું શાસન રામરાજ્ય તરીકે આજે પણ લોકોનું આદર્શ છે. ‘પાંડુરાજ્ય’ એવો શબ્દ આપણે સાંભળતા નથી. રામાયણમાં રામ સુશાસન (good governance) માટે નિજી સુખ જતું કરે છે, અને એ જ રાજધર્મની સાચી વ્યાખ્યા છે. મહાભારતમાં લડાઈ જ નિજી સુખની છે.
સ્વામી આનંદ જેવા પ્રખર દેશભક્ત, ટિળક-ગાંધીના અનુયાયી, અધ્યાત્મપુરુષે નાનાભાઈ ભટ્ટ માટે ‘યાજ્ઞવલ્ક્ય સમા’ એવું વિશેષણ વાપર્યું હતું. સ્વામી ગુણગ્રાહી ખરા, પણ વિશેષણો વહેંચનારા નહીં. બલકે, આકરાપણા માટે ઠીક ઠીક જાણીતા. છતાં, નાનાભાઈ માટે તેમણે લખ્યું હતું, ‘સૃષ્ટિ તેમ જ જીવનવિષયક વિચારણાઓમાં નાનાભાઈ ઉપનિષદ કાળના ઋષિ યાજ્ઞવલ્ક્યની યાદ અપાવતા.’