Opinion Magazine
Number of visits: 9686592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સયાજીરાવ ગાયકવાડનો વારસો

મકરન્દ મહેતા|Opinion - Opinion|24 March 2018

સયાજીરાવ ગાયકવાડ(૧૮૬૩-૧૯૩૯)ની ૧૭૫મી જન્મજયંતી તા.૧૧ માર્ચ, ૨૦૧૮ના રોજ ઊજવાઈ. સયાજીરાવ માત્ર વડોદરા રાજ્યના મહારાજા ન હતા, તેઓ સાંસ્થાનિક ભારતના એક મોટા ગજાના ભારતીય નેતા હતા. તેમણે સંગીત, સાહિત્ય, ચિત્રકલા, પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને વ્યાપારઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. દાદાભાઈ નવરોજી, રોમેશચંદ્ર દત્ત અને મહાદેવ ગોવિંદ રાનડેની જેમ તેઓ મોટા ગજાના આર્થિક રાષ્ટ્રવાદી હતા, એટલું જ નહીં પણ એમણેે પરંપરાગત ગૃહઉદ્યોગો તથા નવી ટેક્‌નોલૉજીને આધારે આધુનિક ઉદ્યોગો વિકસાવીને પરાધીન ભારતને સ્વનિર્ભર કરવાના અથાગ પ્રયાસો કર્યા હતા. તેમનો આર્થિક રાષ્ટ્રવાદ તેમની શૈક્ષણિક અને સામાજિક નીતિઓ વગર સમજી શકાય તેમ નથી. ૧૯૦૨માં સયાજીરાવે કૉંગ્રેસના અધિવેશનની સાથે અમદાવાદમાં યોજાયેલા ઔદ્યોગિક પ્રદર્શનમાં કહ્યું હતું : “જો આર્થિક રાષ્ટ્રવાદનો ઉદ્દેશ વિકાસનો હોય, તો છેવટે આ વિકાસ કોને માટે છે? વિકાસનો લાભ ગરીબો સુધી પહોંચવો જ જોઈએ.”

શૈશવકાળના અનુભવો : સવાલ એ છે કે અત્યંત ધનવાન અને સત્તાધારી રાજા હોવા છતાં તેઓ ગરીબો અને વંચિતોની વહારે કેમ ધાયા હતા. ખરી વાત એ છે કે ૧૮૭૫માં રાજા તરીકે પસંદ થયા તે પહેલાં સયાજીરાવે ‘ગોપાલરાવ ગાયકવાડ’ તરીકે બાળપણમાં કવળાણા ગામ(જિ. નાસિક)માં ખેતી કરી હતી અને મરાઠા, મહાર અને કણબી બાળકો સાથે રમતો રમ્યા હતા. વળી, તેમના પિતા કાશીરામ અને કાકાઓ જ્યોતિરાવ ફુલેના બહુજનસમાજ આંદોલનના સંપર્કમાં હતા. બહુજનસમાજ આંદોલન ઊંચ-નીચના ભેદભાવ ઉપર રયાયેલા વર્ણ અને શાંતિવ્યવસ્થા સામેનો ‘કલ્ચરલ રિવોલ્ટ’ હતો. માત્ર ૧૨મે વર્ષે જ્યારે ગોપાળરાવ સયાજીરાવમાં પલટાયા, ત્યારે હરીફ મરાઠા સરદારોએ ગાદી પ્રાપ્ત કરવા તેમને મહાર અસ્પૃશ્ય તરીકે જાહેર કરેલા. બાળકના મનને શું થયું હશે! છેવટ સુધી સયાજીરાવે ખેડૂતો, આદિવાસીઓ અને દલિતો સાથેની આઈડેન્ટિટી ચાલુ રાખી હતી. તેની ભીતરમાં સયાજીરાવના બાળપણના મનોવૈજ્ઞાનિક અને ઇમોશનલ ડિસ્ટર્બન્સમાં સૂક્ષ્મ કણો છુપાયા હતા. અત્રે યાદ રહે કે જે સમયે બાબાસાહેબ આંબેડકરને કોઈ ઓળખતું પણ ન હતું. તે સમયે તેમને વધુ અભ્યાસ માટે ૧૯૧૩માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ મોકલનાર સયાજીરાવ જ હતા. જગાને અભાવે અહીં સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.

દલિત ઉત્કર્ષ-પ્રવૃત્તિ : સ્ત્રી-કેળવણી અને દલિતો તથા આદિવાસીઓનાં શિક્ષણને ઉત્તેજન આપવા સયાજીરાવે ૧૮૯૨માં અમરેલી તાલુકાને પસંદ કરીને મુક્ત અને ફરજિયાત શિક્ષણનો ધારો પસાર કર્યો. અસ્પૃશ્ય બાળકોનો જ્યારે સવર્ણ બાળકો અને તેમના વાલીઓએ વિરોધ કર્યો, ત્યારે સયાજીરાવે કાયદા મુજબ તેમને કડક સજા કરી. તેની ધારી અસર થઈ. અમરેલીનો પ્રયોગ સફળ થતાં મહારાજાએ ૧૯૦૭માં આ કાયદો સમગ્ર રાજ્યને લાગુ પાડ્યો. નોટ, પેન્સિલ, સ્લેટ, પેન, ભણવાનું મફત. જે વિદ્યાર્થી નિયમિત હાજરી પુરાવે, તેને પ્રોત્સાહન-ઇનામ મળે અને જે ગેરહાજર રહે તેને દંડ થાય.

સયાજીરાવે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો પસાર કરીને રાજ્યમાં ઠેરઠેર અંત્યજ શાળાઓ શરૂ કરી. જ્યારે લોકોએ ‘હોહા’ કરી મૂકી, ત્યારે રાજાએ સત્તા તથા પ્રગતિશીલ કાયદાનો ઉપયોગ કરીને જાહેર કર્યું “હું એક પ્રગતિશીલ રાજા છું અને માનવ-સમાનતામાં માનું છું. તેથી મેં કાયદો પસાર કરીને મારાં સૌ પ્રજાજનોને શૈક્ષણિક તકો પૂરી પાડી છે. જો તમે વિરોધ કરશો, તો હું તમને પહેલાં કરતાં પણ વધારે આકરી સજા કરીશ.” જ્યાં આવું વાતાવરણ હોય ત્યાં ‘ઉનાકાંડ’ ક્યાં હોય?! મહારાજા આર્થિક રાષ્ટ્રવાદી હતા, કલ્ચરલ નેશનાલિસ્ટ કદી પણ નહીં! ૧૯૦૩માં તેઓ મુંબઈના ડિપ્રેસ્ડ કલાસીસ મિશનના પ્રમુખ અને પ્રખર સમાજસુધારક વિઠ્ઠલ રામજી શિંદેને વડોદરા બોલાવી લાવ્યા. ૧૯૦૭માં લાહોર ગયા અને મહાન આર્યસમાજ નેતા આત્મારામ અમૃતસરીને વડોદરા બોલાવી લાવ્યા. તેમના દલિત શિષ્ય નાગજીભાઈ આર્યએ પોતાના અનુભવો ટાંકતાં લખ્યું છે કે એક પ્રસંગે જ્યારે અંત્યજ વિદ્યાર્થીઓ આત્મારામ સાથે ડમણિયા અને ગાડામાં બેસીને વડોદરાથી ડભોઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમને સવર્ણ હિંદુઓએ અટકાવ્યા કે તમે અસ્પૃશ્ય હોવા છતાં સારાં કપડાં પહેરીને બળદગાડામાં કેમ જાવ છો. તેમાંથી બખેડો થતાં તાલીમ પામેલા અસ્પૃશ્યોએ લાઠી અને દંડાઓનો પ્રયોગ કરીને કેટલાક દુશ્મનોનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં! આવું સંઘબળ જોઈને તેઓ ભાગી ગયા. આમ છતાં તે સમયે આજની જેમ આપણો મોટા ભાગનો સવર્ણ સમાજ એવો તો જડ હતો કે મહારાજાને નાકે દમ આવ્યો હતો. તા. ૧૬-૯-૧૯૦૯ના રોજ પૂનામાં યોજાયેલા ડિપ્રેસ્ડ ક્લાસીસ મિશનના મેળાવડામાં સયાજીરાવે ભાષણમાં કહ્યું હતું :

“તમને જણાવતાં મને આનંદ થાય છે કે આજે મારા રાજ્યમાં ૩૩૬ અંત્યજ શાળાઓ ચાલે છે અને તેમાં દસ હજાર કરતાં વધારે છોકરા-છોકરીઓ ભણે છે. આ ઉપરાંત મેં ચાર વસ્તીગૃહો કાઢ્યાં છે. પણ મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે, હજુ પણ ઘણાં હિંદુ શિક્ષકો એવા તો જડ છે કે તેમને દોઢો પગાર વધારે આપવા છતાં તેઓ મારી ઑફર સ્વીકારતા નથી. તેથી હું બાળકોને ભણાવવા ખ્રિસ્તી, મુસલમાન, પારસી અને યહૂદી શિક્ષકોની નિમણૂક કરું છું.”

સયાજીરાવે ધીમે-ધીમે શિક્ષિત અંત્યજોને રાજ્યની નોકરીમાં લીધા. વૉટરવર્ક્સ, કેળવણી, બાગબગીચા, મિસ્ત્રીકામ, ઇલેક્ટ્રિશિયન, સુધરાઈ અને પોલીસખાતામાં આ રીતે દલિતો નોકરિયાત બન્યા. આપણે અગાઉ જોયું તે મુજબ ડૉ. આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે મહારાજાએ વિદેશ મોકલ્યા હતા. ઈ.સ. ૧૯૩૬ના એક અહેવાલ મુજબ :

“હાલ વડોદરાની રાજ્યનાં ૨૪,૧૯૭ અંત્યજ બાળકો પ્રાથમિક શાળામાં અને ૨૦૩૪ વિદ્યાર્થીઓ માધ્યમિક અંગ્રેજી હાઈસ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યાં છે. સરકાર તેમને મફત શિક્ષણ આપવા ઉપરાંત મફત પેન, પેન્સિલ, સ્લેટ અને પાઠ્યપુસ્તકો આપે છે. વડોદરા કૉલેજમાં હાલ ૨૮ અંત્યજો ભણી રહ્યા છે. વડોદરા, પાટણ, અમરેલી, સોનગઢ, વ્યારા અને મહુવાનાં વસતિગૃહોમાં અંત્યજ વિદ્યાર્થીઓ મફત ભણે છે. તેમનું ખાવાપીવાનું પણ સરકાર પૂરું પાડે છે.”

મહારાજા સયાજીરાવ ગાયકવાડ માટે કહેવાયું છે કે ‘The Maharaja had the might of an autocrat, but the mind of a democrat.’ તેઓ સાચા અર્થમાં દલિતોના મિત્ર અને ઉદ્ધારક હતા. મહારાજાનો આ વારસો ખરેખર પ્રેરણાદાય છે.

સયાજીરાવ ગાયકવાડ અને આદિવાસીઓ : દલિતોની જેમ મહારાજા આદિવાસીઓના પણ ઉદ્ધારક હતા. તેઓ તેમના રાજ્યનાં તમામ તાલુકાઓ અને ગામોમાં ફરીને પ્રજાની પરિસ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ કરતા. તે મુજબ તેમણે ઈ.સ. ૧૮૮૪માં નવસારી પ્રાંતમાં માંગરોળ, કામરેજ, સોનગઢ, વ્યારા, મહુવા, પલસાણા, નવસારી અને ગણદેવી એમ તમામ ૮ તાલુકાઓની મુલાકાત લીધી. તેમણે તંબુઓ બાંધીને ચૌધરી, ડામોર, ગામીત, કાથુડિયા, ઘોડિયા, કુકણા, વસાવા અને દૂબળા જેવા અત્યંત ગરીબ, નિરક્ષર અને પછાત આદિવાસીઓની મુલાકાત લીધી અને તેમની સાથે વાર્તાલાપો કર્યા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે પ્રાંતના સૂબા ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ સાથે યોજના ઘડી અને ૧૮૮૬માં સોનગઢ અને વ્યારામાં આદિવાસીઓની શાળાઓ અને હૉસ્ટેલોની સ્થાપના કરી. તેને બીજે વર્ષે અન્ય તાલુકાઓમાં શાળાઓ અને હૉસ્ટેલોની સ્થાપના કરી. હિંદુ શિક્ષકો તેમને ભણાવવા તૈયાર ન હોવાથી મુસલમાન શિક્ષકોને નોકરી આપી. મહારાજાએ ફતેહખાન પઠાણ નામના બાહોશ કેળવણીકારને આદિવાસી શાળાઓ અને છાત્રાલયોના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવ્યા. વડોદરામાં દલિતોની શાળાઓ અને હૉસ્ટેલોના સુપ્રિન્ટેન્ડન્ટ આર્યસમાજી નેતા આત્મારામ અમૃતસરી અને આદિવાસીઓના સુપ્રિન્ટેન્ડેન્ટ ફતેહખાન પઠાણ ! બંને મિલિટન્ટ હોવાથી લાઠીરૂપી ‘લાલિયો લઠ્ઠ’ રાખતા અને વિદ્યાર્થીઓને પકડાવી તે તેમને તાલીમ આપતા અને તેમનાં બાવડાં મજબૂત બનાવતાં. જ્યાં તમામ વિનંતિઓ અને દલિતો નિષ્ફળ જાય. ત્યાં આજે પણ ‘લાલિયો લઠ્ઠ’ જ કામમાં આવે છે! મહારાજા કલ્ચરલ નેશનાલિસ્ટ નહોતા! તેમણે આદિવાસીઓ અને દલિતોનાં બાવડાં મજબૂત બનાવ્યાં હતાં. આ પણ આજે સમજી જવા જેવી વાત છે! સયાજીરાવ સ્વમાની રાજા હતા અને રૈયતને સ્વમાની બનાવવાના પ્રયાસો કરતા હતા. અહીં વિખ્યાત અમેરિકન સાહિત્યકાર વોલ્ટ વ્હીટમેનનું (૧૮૧૯-૧૮૯૨) ‘Song of Myself’ યાદ આવે છે, કારણ કે તે સયાજીરાવનાં માનવીય મૂલ્યો તેમ જ તેમની સમાનતાની ભાવનાને વ્યક્ત કરે છે.

“I Celebrate myself, and Sing myself,
And what I assume, you shall assume,
For every atom belonging to me.
As good belongs also to you.”

સયાજીરાવે આદિવાસી સમાજ અને અન્ય ખેડૂતોના લાભ માટે સહકારી મંડળીઓ સ્થાપી, કૃષિવિષયક પ્રદર્શનો યોજ્યાં અને ખેતીનાં ઓજારો પૂરાં પાડ્યાં. તેમણે રેશમનો ઉદ્યોગ શીખવા અમરસિંહ ચૌધરી નામના આદિવાસી યુવાનને બુરહાનપુર મોકલ્યા. બે વર્ષની તાલીમ બાદ ૧૯૦૫માં અમરસિંહ પાછા ફરતાં સયાજીરાવે સોનગઢમાં રેશમનો ઉદ્યોગ શરૂ કરીને કિસનસિંહ અને દેવજી ભગતસિંહ જેવા આદિવાસીઓને તાલીમ આપી.

સયાજીરાવ ખૂબ પ્રૅક્ટિકલ માણસ હતા. જે જમાનામાં દુર્ગારામ મહેતાજી, નર્મદ, મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ અને ભોળાનાથ સારાભાઈ જેવા પ્રખર સમાજ સુધારકો પણ દલિતો અને આદિવાસીઓ સુધી નહીં પહોંચેલા, તે જમાનામાં આદિવાસી લોકોની સમસ્યાઓને સમજીને તેમના ઉત્થાન માટેની પૉલિસી ઘડવા માટે સયાજીરાવે પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને ૧૮૮૯માં નવસારી પ્રાંતના તાલુકાઓ અને ગામડાંઓમાં મોકલ્યા. પ્રેમાનંદ પટેલ સેંકડો આદિવાસીઓને મળ્યા અને તેમનાં રીતરિવાજો, રહેણીકરણી, ખાનપાન, કહેવતો, દારૂતાડી સહિતનાં જન્મ-લગ્ન અને મરણનાં રીતરિવાજો, ઉખાણાં અને રમતગમતોની માહિતી પ્રાપ્ત કરી. આદિવાસીઓનાં લોકગીતો ભેગાં કર્યાં. તેને આધારે તેમણે રાજ્ય તરફથી ૧૯૦૧માં ‘નવસારી પ્રાંતના કાળીપરજ’ નામનો દળદાર અને સમૃદ્ધ ગ્રંથ પ્રકાશિત કર્યો. આદિવાસીઓનો ઇતિહાસ તથા તેમની સોશિયોલૉજિકલ માહિતીની આજે પણ તે ખાણ છે. બ્રિટિશ રેકડ્‌ર્સમાં તો આદિવાસીઓને ‘ગુનેગારોની ટોળી’ તરીકે વર્ણવવામાં આવ્યા છે, પણ આદિવાસીઓનાં લોકગીતો તેનાથી તદ્દન ભિન્ન તરી આવે છે. તેમાંથી આદિવાસીઓનાં દર્દો ઉપરાંત તેમનાં ‘સેલ્ફ-એસર્શન’ પણ પ્રગટ થાય છે. આદિવાસીઓએ તીરકામઠાંઓનો ઉપયોગ કરીને તેમનું શોષણ કરનાર પારસી દારૂતાડીવાળાઓને તથા હિંદુ શરાફો તથા જમીનદારોને ઢીલા પાડ્યા હતા. ઉપર્યુક્ત ગ્રંથમાંથી માત્ર એક લોકગીત રજૂ કરીશું. તે આદિવાસી સમાજની લાઇફ-સાઇકલ (જીવનચક્ર) ઉપર અદ્‌ભુત પ્રકાશ નાખે છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો ચોથો ભાગ ૧૯૦૧માં પ્રસિદ્ધ થયો હતો અને ‘નવસારી પ્રાંતની કાળીપરજ’ ગ્રંથ પણ એ જ સાલમાં પ્રસિદ્ધ થયો હતો. બંને ગ્રંથોની વિભાવના ઘણી ભિન્ન છે. એ તો સારું થયું કે એક સમયનાં ગરીબ બાળખેડૂતોમાં પ્રેમાનંદ પટેલને ફિલ્ડ-વર્ક માટે મોકલ્યા હતા.

આદિવાસીઓની દારુણ લાઇફ-સાઇકલ :

“ઝાડ વગરની ડુંગરી કેવી ?
ચીમડી (ઢોરને ખાવા માટેનો છોડ) ઊગે તેવી.
તે ચીમડી પણ કેવી છે? ગાય ખાય તેવી.
તે ગાય પણ કેવી છે? દૂધ આપે તેવી.
તે દૂધ પણ કેવું છે? દહીં થાય તેવું છે.
તે દહીં પણ કેવું છે? છાશ થાય તેવું છે.
તે છાશ પણ કેવી છે? માખણ થાય તેવી છે.
તે માખણ પણ કેવું છે? ઘી તાવે તેવું છે.
તે ઘી પણ કેવું છે? વાણિયો લઈ જાય તેવું છે.
તે વાણિયો પણ કેવો છે? પૈસા આપે એવો છે.
તે પૈસા પણ કેવા છે? સોની લે તેવા છે.
તે સોની પણ કેવો છે? કાનની વાળી ઘડે તેવો છે.
તે વાળી પણ કેવી છે! જુવાનડી પહેરે તેવી છે.
તે જુવાનડી કેવી છે? તે છોકરાં થાય તેવી છે.
તે છોકરાં પણ કેવા છે? બાપ કહે તેવા છે.
તે બાપ પણ કેવો છે? કમાણી કરે તેવો છે.
તે કમાણી પણ કેવી છે? વાણીમાં લઈ જાય તેવી છે.

આ એક સીધુંસાદું લોકગીત તે સમયના આદિવાસી તથા બાહ્યસમાજ વચ્ચેના આંતરસંબંધો ઉપર વેધક પ્રકાશ નાંખે છે.

છેવટે માત્ર એટલું જ ઉમેરવાનું રહે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક એવા દૃષ્ટા હતા જેમણે સમાજપરિવર્તન અને આર્થિક વિકાસના સિદ્ધાંતો અને આદર્શોને તેમની પોતાની રીતે તથા તેમની પોતાની મર્યાદામાં રહીને ચરિતાર્થ કરી બતાવ્યા હતા. તેમના જન્મને પોણા બસો વર્ષ થઈ ગયાં છે અને મૃત્યુને પણ એંશી વર્ષ થયાં છે. તેઓ આજની પબ્લિક મૅમરીમાંથી તદ્દન વિસ્મૃત થઈ ગયા છે. આમ છતાં તેમને યાદ કરવા જેવા છે. તેમનામાંથી જે કાંઈક તો પામી શકાય તેવી આ વાત છે. એક પ્રસંગે તેણે કહ્યું હતું : “There is nothing I love so much as a good fight !”

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 08-09

Loading

સ્ટેજના ગાયકોએ ગુજરાતી કવિઓનું શોષણ કરવાનું જ કામ કર્યું છે?

રુચિતા શાહ|Opinion - Opinion|23 March 2018

માત્ર કાવ્યો પર જ કેન્દ્રિત હોય એવા ઘણા કાર્યક્રમો થતા રહે છે અને એમાં ઑર્ગેનાઇઝરો ધૂમ કમાય છે; પરંતુ એ કાવ્ય, ગીત કે ગઝલ રચનારા કવિ સુધી એ કદરનો હિસ્સો પહોંચે છે?

‘અચ્છા તો તમે કવિતા લખો છો. સરસ. ખૂબ સરસ. પણ કામ શું કરો છો?’ મોટા ભાગના કવિઓ અને લેખકોએ પોતાના પરિચય સાથે આવાં વાક્યો ચિક્કાર વાર સાંભળ્યા હશે. લખવું, એમાં ય કવિતાઓ લખવી એ કંઈ કામ ન ગણાય એ વિચાર વર્ષોથી દૃઢતાપૂર્વક સમાજના માનસ પર વ્યાપેલો છે. જો કે ઓછા શબ્દોમાં અદ્ભુત રીતે ઊંડી વાતો, વિચારો, સંવેદનો અને કટાક્ષો કરવામાં કાવ્યોની તુલના થઈ જ ન શકે. કાવ્ય ભલે કોઈ પણ સ્વરૂપમાં કેમ ન હોય. ગદ્ય, પદ્ય, છંદ, સૉનેટ, ગઝલ, ગીત કે ભજન જેવા અઢળક પ્રકારોમાં વ્યાપ્ત કાવ્યોની ખૂબીઓએ એની લોકપ્રિયતા ઘટાડી નથી. ઇન ફૅક્ટ, સોશ્યલ મીડિયાને કારણે આ કાવ્યો વધુ ઉત્કટતાથી લોકભોગ્ય બની રહ્યા છે. જો કે પ્રશ્ન છે કે કાવ્યરચનાનો વધતો દબદબો એના રચનાકારને કોઈ રીતે ઉપયોગી નીવડ્યો છે? જવાબ છે, ના. ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં આ વાત સાવ સાચી છે. કલમજીવી અને ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં કલમકશ લોકો ઓછા થતા જાય છે. બરકત વીરાણી કહેતા કે ‘કલમને વેચી દેવાનો ય વખત આવે છે બેફામ, બહુ કપરું છે જીવવું કરમાં કલમ લઈને.’

આજે હિન્દી, બંગાળી અને મરાઠી કવિઓને તેઓ જે સામાજિક અને આર્થિન સન્માનના હકદાર છે એ સન્માન ઘણા અંશે પ્રાપ્ત થઈ રહ્યું છે, પરંતુ ગુજરાતી કવિઓ અને રચનાકાર માટે એ બાબતમાં જોઈએ એટલી જાગૃતિ નથી. કોઈ પણ રચનાકારને જ્યારે કદર મળે છે ત્યારે સાહિત્યિક રચના માટેનો તેનો ઉમળકો બેવડાતો હોય છે, અને સાહિત્યિક સમૃદ્ધિ પણ એની સાથે જ વધતી હોય છે. આજે વિશ્વ કવિતા દિને કેટલાક જાણીતા કવિઓ સાથે થોડીક ગુફ્તગો કરી ત્યારે કાવ્યરચનાથી લઈને કવિઓની કદર વિશે જાણવા મળેલી વાતો અહીં રજૂ કરીએ છીએ.

કવિતા ગાઈ-ગાઈને ગવૈયાઓ અણુમાંથી ઘણું થઈ ગયા અને કવિઓ … ?

—: શોભિત દેસાઈ

કવિ તરીકે પેટ ભરવું શક્ય નથી, કારણ કે કવિઓ સાથે વર્ષોથી અન્યાય ચાલી રહ્યો છે. ખૂબ જ આક્રમક અને સચોટ શબ્દોમાં જાણીતા કવિ શોભિત દેસાઈ કહે છે, ‘મેં તો આજથી લગભગ બારેક વર્ષ પહેલાં રમેશ પારેખ અને મરીઝની જિંદગી પર એક નાટક લખેલું, ‘એક ખોબો ઝાકળનો’. એમાં રમેશ પારેખને વ્યથાપૂર્ણ કહેતા દેખાડેલા કે અમારી કવિતા ગાઈ-ગાઈને આજકાલના લવરમૂછિયાથી લઈને સંગીતના પુરાણા પઠ્ઠાઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા. અણુમાંથી ઘણું થઈ ગયા, પણ અમે તો એયને બેઠા રહ્યા ત્યાં ને ત્યાં અમારી ઉદાસીને પંપાળતા-પંપાળતા. એ સમયે પણ મુદ્દો ઉછાળેલો, પણ પરિણામ ન આવ્યું.

આજે દુ:ખની વાત એ છે કે કવિઓ પોતાની કિંમત નથી જાણતા. પચીસ કવિઓએ ભેગા મળીને રૉયલ્ટી ક્લબ બનાવવી જોઈએ. વેણીભાઈ પુરોહિતનું ‘તારી આંખનો અફીણી’ સાઠ વર્ષથી ગવાય છે. વિશ્વમાં ફેલાયેલા સાત કરોડ ગુજરાતીઓ રોજના સો પ્રોગ્રામ કરતા હોય તો એ દરેક પ્રોગ્રામ આંખનો અફીણી ગીત વિનાનો નથી હોતો. એવી જ રીતે રમેશ પારેખનું સાંવરિયો ગીત, રાવજી પટેલનું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્ય, બરકત વીરાણીનું નયનને બંધ રાખીને ગીત, હરીન્દ્ર દવેનાં ગીતો જેવાં ગીતો વિના એકે ય ગુજરાતી સુગમ સંગીતનો પ્રોગ્રામ પૂરો નથી થતો. લગભગ દસ ગીતો તો ફિક્સ છે.

આ પ્રોગ્રામ માટે સંગીતના પઠ્ઠાઓ ચીરી નાખે એવા પૈસા લે છે. યાદ રહે, એ ગાયકી પર પૈસા નથી મળતા. આ કંઈ ક્લાસિકલ મ્યુિઝક નથી કે સૂર અને રાગના પૈસા અપાતા હોય, પણ શબ્દો પર પૈસા મળે છે. એ શબ્દો માટે દાદ મળે છે. અહીં તો કવિ બિચારો ત્યાં ને ત્યાં જ રહે. આ લોકોની કવિતા જે તમે ગાઓ છો તેને કેમ પૈસા નથી મોકલતા? ગુજરાતીમાં કવિ એટલે બિચારો પ્રકારનો, ગરીબ પ્રકારનો જ ગણાઈ રહ્યો છે. એમાં આ સ્ટેજના ગવૈયાઓએ કવિને ભયંકર એક્સપ્લૉઇટ કર્યો છે અને કવિ તેના માટે અવાજ નથી ઉઠાવી શકતો એ તેની બદનસીબી છે. આખા વિશ્વમાં પ્રોગ્રામો થાય અને તોતિંગ પૈસા લેવાય છે તો શું એવું ન થઈ શકે કે પોતાને મળતા કુલ પૈસામાંથી માત્ર દસ ટકા રકમ આવા દસ-વીસ કવિઓને કે તેમના પરિવારજનોને પહોંચાડવામાં આવે? પર્સન્ટેજ ઓછા રાખો, પણ આપો. ધારો કે તમને એક શોના બે હજાર ડૉલર મળતા હોય તો બસો ડૉલર તમે આ કવિઓ વચ્ચે ન વહેંચી શકો? અઢારસો ડૉલર તમે રાખોને તમારી પાસે. તે ડિઝર્વ કરે છે. આ દિશામાં હવે ગુજરાતની સૂઈ ગયેલી પ્રજાએ કવિતાની બાબતમાં જાગવું પડશે અને તેમણે પણ એ જવાબ માગવો પડશે કવિઓના અધિકાર માટે. માત્ર કવિઓના હાથની વાત આ રહી નથી.’

આ સમાજનું દાયિત્વ છે, સમાજે સમજવાનું છે

—: સિતાંશુ યશશ્ચંદ્ર

કવિ એટલે નખશિખ કવિ તરીકે જેમનો વ્યવહાર છે, જેમની આભા છે અને જેમની વાચા છે એવા સિતાંશુ યશશ્ચંદ્ર માટે આ વિષય થોડોક અભ્યાસક્રમની બહારનો છે. તેમનો કવિજીવ પોતે પૈસાની વાત પર બહુ વાત કરવા રાજી નથી થતો, છતાં તેઓ એક મહત્ત્વની બાબત પર ધ્યાન દોરતાં કહે છે, ‘કવિ માટે જાત સાથે પ્રામાણિક રહેવું, ભાષા સાથેની આત્મીયતા હોવી અને સંસ્કૃિત સાથેનો સ્નેહભર્યો ઊંડો નાતો હોય એ ત્રણ બાબત હંમેશાં મહત્ત્વની હતી અને આજ સુધી રહી છે. આજે આપણે ત્યાં ભાષા સાથે ચેડાં થવા માંડ્યાં છે. એક વાત મારે ખાસ કહેવી છે કે કવિ કોઈ વેપારી નથી. કાવ્યરચના તેના માટે અથોર્પાર્જનનું સાધન નથી. જીવનનિર્વાહ માટે માણસ તરીકે તે ઘણું કરી શકે છે, પણ કવિ તરીકે કવિતાઓમાં આવું કોઈ ધ્યેય ન જ હોય, હોવું પણ ન જોઈએ. હું કવિ તરીકે જે કરું છું એ મારી શોધનો એક ભાગ છે. જાણવાની, સમજવાની અને જેમાં ખલેલ પડે ત્યાં પડકારો ફેંકવાની આ યાત્રા છે. કવિતા વેચવાની નથી. કવિ તરીકે હું પોતે કવિતાઓમાંથી અથોર્પાર્જનનો વિચાર ન કરું; પરંતુ સામે પક્ષે સમાજની એ જવાબદારી ચોક્કસ છે જેમાં તેણે કવિની ગરિમાનું, કવિના અધિકારનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિગત રીતે કલ્ચર ઇન્ડસ્ટ્રીનો હિસ્સો નથી એટલે આનાથી વધારે આ વિષય પર કંઈ કહી ન શકું.’

પોતાની રચનાનો જ્યારે પોતાની જાણ બહાર આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ થાય એ હર્ટ કરનારી બાબત છે

—: ખલીલ ધનતેજવી


ખેડૂત, લેખક, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ઑલ ટાઇમ ગઝલકાર એવા ૮૩ વર્ષના ખલીલ ધનતેજવી માટે આ મુદ્દો ફાઇનૅન્સ કરતાં ઇમોશનનો વધુ છે. ખલીલભાઈ કહે છે, ‘આજે ગઝલ લખનારા લોકોનો નવો ફાલ આવ્યો છે. એમાં નવા લોકો આવ્યા છે, જેમાં કેટલાક સારા લેખક છે અને કેટલાકનાં કાવ્યોમાં કોઈ દમ નથી. જો કે હું બધાને જ કહું છું જે આવી રહ્યા છે તેમનો સ્વીકાર કરો. જેમ નદીમાં પૂર આવે ત્યારે કાંપ સાથે કચરો પણ આવે. જો કે પછી ધીમે-ધીમે કચરો નીચે બેસી જાય અને પછી ઉપરનું પાણી ચોખ્ખું હોય. બીજું, સદીઓથી આ ધારો રહ્યો છે, જેમાં લખનારા ૫૦૦ હોય પણ આગળ ૧૫ જ હોય. લોકપ્રિયતા ૧૫ની જ વિશેષ હોય. નવી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે અમે આ રીતે અમારા પ્રયત્નો કરતા રહીએ છીએ, પણ સાથે જૂના કવિઓની કાવ્યરચનાના બેફામ અને બેરોકટોક ઉપયોગ બદલ સમાજનું વલણ પણ બદલાવું જોઈશે.’

સાંવરિયો ગીત ગાનારી કે ગવડાવનારી એકેય વ્યક્તિએ રમેશ પારેખના પરિવારની પરવાનગી લીધી?

—: તુષાર શુક્લ

‘પૂછીને થાય નહીં પ્રેમ’ જેવાં અઢળક રસાળ ગીતો અને કાવ્યો આપતા કવિ તુષાર શુક્લની દૃષ્ટિએ આજના સમયમાં કલમજીવી બનવા માટે તમે માત્ર કાવ્યરચનાઓ રચીને સંતોષ માનશો તો ગુજરાન નહીં ચાલે. તમારે કલમની ચાહનાના અન્ય રસ્તાઓ પર કામ કરવું પડશે. આજે ઘણા લેખકો એ દિશામાં છે જ. કવિતાઓ લખનારા કવિઓ સાથે જાહેરખબરો માટે જિંગલ લખે, ફિલ્મો માટે ગીતો લખે અને નાટકો તથા ફિલ્મોમાં પણ લખે. તુષારભાઈ કહે છે, ‘આજે આપણે ત્યાં જાવેદ અખ્તર જેવા મહાનુભવોએ લેખકો અને ગીતકારોના અધિકારો માટે તેમની રચનાને કૉપીરાઇટ અંતર્ગત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, જે કવિઓ માટે જરૂરી છે.

તમે વિચારો કે ‘સાંવરિયો રે મારો’ કેટલા ય કાર્યક્રમોમાં ગવાયું હશે અને ગવાતંર રહે છે, પણ ક્યારે કોણે જઈને રમેશ પારેખના પરિવારની સહમતી લીધી? ‘તારી આંખનો અફીણી’ ગાનારા વેણીભાઈ પુરોહિતના પરિવારને જઈને સૌજન્યના ભાગરૂપે પણ કંઈક આપી આવ્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. અહીં વાત માત્ર પૈસાની નથી, પણ ગીતકારના અધિકારની છે. જો મ્યુિઝક-ડિરેક્ટર પોતાના મ્યુિઝકની રૉયલ્ટી ગણીને પૈસા કમાતો હોય તો એમાં કવિઓ ક્યાં ય નથી આવતા? આ કવિનો અધિકાર છે. મારે એટલું જ કહેવું છે કે એ જ કાવ્યરચનાના આધારે તમે બેફામ પૈસા કમાઓ છો, દર વર્ષે એ પ્રોગ્રામનો ચાર્જ વધારતા જાઓ છો; પણ કવિની કોઈ પણ રચના કમર્શિયલ પફોર્ર્મન્સમાં ગાતી વખતે તેની પરવાનગી લેવા જેટલું સૌજન્ય પણ નથી રહ્યું.’

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 21 માર્ચ 2018

Loading

જીવન-મરણનો સુપ્રીમ કૉલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 March 2018

સુપ્રીમ કોર્ટે એના ચિંતનમાં સત્યની ઉપર ધર્મ મૂક્યો છે. આવું કેમ?

ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોકના સિંહસ્તંભ નીચે સત્યમેવ જયતે લખેલું છે, જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. એનો અર્થ સ્વયં સ્પષ્ટ છે; સત્યની જ જીત થાય છે. સુપ્રીમ કોર્ટનું ચિહ્ન પણ અશોક ચક્ર જ છે, પરંતુ એમાં ‘સત્યમેવ જયતે’ના બદલે ‘યતો ધર્મસ્તતો જય:’ એવું લખેલું છે. આ ચરણ મહાભારતમાંથી છે, જ્યાં સો પુત્રોને યુદ્ધમાં ગુમાવ્યા બાદ માતા ગાંધારીને મહર્ષિ વ્યાસ કહે છે, યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય: – જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે.

સુપ્રીમ કોર્ટે એના ચિંતનમાં સત્યની ઉપર ધર્મ મૂક્યો છે. આવું કેમ? આ સંદર્ભમાં RTI હેઠળ એક અરજી થયેલી છે, જેમાં યતો ધર્મ તતો જય: પદ કયા આધારે ચિહ્નમાં મૂકવામાં આવ્યું છે, તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને સુપ્રીમ કોર્ટને ‘સત્યમેવ જયતે’ના બદલે ‘યતો ધર્મ તતો જય:’ કેમ તેનું કારણ સમજાવવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટ તો જ્યારે એનો વિચાર કરે ત્યારે ખરું, પણ ગયા સપ્તાહે 8મી અને 9મી માર્ચે બે સળંગ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જે વિચાર કર્યો તેમાં ઘણો ખરો જવાબ મળી ગયો. પહેલો નિર્ણય હતો જીવન જીવવાનો અને બીજો હતો મરણનો. કોઈ દેશની સર્વોચ્ચ અદાલત એક જ દિવસની આગળ પાછળ જીવન જીવવાના અને સન્માનપૂર્વક મરવાના બુનિયાદી અધિકાર ઉપર દૂરગામી અસરવાળા ફેંસલા આપે એવું જવલ્લે જ બન્યું હશે. આમ તો આ બંને બાબતો દુનિયામાં અનેક જગ્યાએ સહજ છે, પણ ભારતમાં જ્યાં ધાર્મિક-સામાજિક-રાજકીય ક્ષેત્રે પાછલી સદીમાં જવાના વિચારોને પોષવામાં આવતા હોય ત્યારે આ બે નિર્ણયોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.


8મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે અખિલામાંથી હદિયા બનેલી કેરળની 22 વર્ષની યુવતીનાં લગ્ન યોગ્ય ઠેરવ્યાં છે. હદિયા શફીન જહાન નામના યુવાનને પ્રેમ કરતી હતી અને તેની સાથે જીવન ગુજારવા માગતી હતી, એટલે એણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. છેલ્લાં બે વર્ષથી લવ-જેહાદના નામથી આ કિસ્સો વિવાદાસ્પદ બન્યો હતો. તેના પિતાએ આ સંબંધમાં પોલીસ અને કોર્ટ કેસ કર્યો હતો, અને હદિયાને કબજામાં રાખી હતી.

કેરળ હાઈકોર્ટે લવ-જેહાદ ગણીને શફીન જહાન નામના મુસ્લિમ યુવાન સાથેનાં આ લગ્ન ફોક કર્યાં હતાં. શફીન જહાનની અરજી પર દસ મહિના પછી ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જ્યારે બે વયસ્ક વ્યક્તિઓ વિવાહ કરવાનું નક્કી કરે ત્યારે, કોર્ટે સાથીદારની ચોકસાઈ કે ઔચિત્ય અથવા લગ્નની યોગ્યતામાં પડવાની શું જરૂર છે?’

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બે રીતે મહત્ત્વનો છે.

એક, એમાં જે ધાર્મિક રંગ ભળ્યો તે અને બીજું, વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું હતું તે. હદિયાનાં લગ્નની વાસ્તવિકતા જે હોય તે, પણ હાઈકોર્ટે એને જૂઠ અને ચાલ ગણાવીને વાંધાજનક તારણો રજૂ કર્યાં હતાં જે ઘણી યુવતીઓને અસર કરે તેવાં હતાં. કેરળ કોર્ટે કહ્યું હતું કે, સ્ત્રીનાં લગ્નમાં માબાપની ઇચ્છા જરૂરી હોય છે, અને એ પુખ્ત વયે હોય તો પણ ‘કમજોર’ જ કહેવાય. મતલબ કે સ્ત્રીઓ સરળતાથી તરકટમાં ફસાઈ જાય તેવી અબુધ હોય છે, એટલે એણે કોની સાથે લગ્ન કરવાં એમાં પરિવારની બુદ્ધિશક્તિ જરૂરી છે. એક વયસ્ક સ્ત્રીની એના જીવનને લઇને નિર્ણય લેવાની સ્વતંત્રતાનું ગળું કોર્ટના એક હુકમથી ઘોંટાઈ જાય એ આઘાતજનક હતું.


સુપ્રીમ કોર્ટે આ આઝાદી પાછી સ્થાપિત કરીને કહ્યું કે, નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સી ભલે આ લગ્નમાં ક્રિમિનલ એંગલની તપાસ જારી રાખે પણ પોતાના ગમતા પુરુષ સાથે રહેવાનો હદિયાનો અધિકાર છીનવી ન શકાય. કોઈ પણ પ્રગતિશીલ સમાજ માટે આ રાહતનો ચુકાદો એટલા માટે પણ છે કે, તેમાં સ્ત્રીની આઝાદીની વ્યાખ્યા પણ થઈ છે.

મોટા ભાગે આપણે સ્ત્રી-સ્વતંત્રતાનો અર્થ સામાજિક સમાનતાના સંદર્ભમાં કરીએ છીએ. અહીં કોર્ટે કહ્યું કે, વ્યક્તિગત આઝાદીમાં કોની સાથે જીવન જીવવું તે પણ છે. સ્ત્રી-સ્વતંત્રતાનો સીધો સંબંધ એની સેક્સુઅલ આઝાદીમાં છે. સેક્સુઅલ આઝાદી એટલે લગ્ન કરવાં કે નહીં, કરવાં તો કોની સાથે કરવાં, સેક્સ કરવું કે નહીં, બાળકો કરવાં કે નહીં, તેનો અધિકાર પુરુષ કે પરિવાર કે સમાજ પાસે નહીં પણ, સ્ત્રી પાસે હોય તે. સેક્સુઅલ સ્વતંત્રતા એટલે સ્ત્રીના શરીર ઉપર સ્ત્રીનો અધિકાર. ગયા જાન્યુઆરીમાં જસ્ટિસ ચંદ્રચુડે હદિયાને એના સપનાં વિશે પૂછ્યું હતું. હદિયાએ ત્યારે કહ્યું હતું, ‘મને આઝાદી જોઈએ છે.’ સુપ્રીમ કોર્ટે એ આઝાદીને બહાલ રાખી છે.


જીવન જીવવાના બુનિયાદી અધિકારનું સુપ્રીમ કોર્ટનું ચિંતન બીજા દિવસે મરવાના હક સુધી ગયું. 9મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી. યુથેનેશિયા ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ઉત્તમ (યુ) મોત (થન્તોસ). અસહ્ય અને લાઈલાજ દર્દમાંથી મુક્તિ મેળવવા માટે દર્દી જાતે કે ડૉક્ટરની સહાયથી જીવન ટૂંકાવી દે તેને સક્રિય યુથેનેશિયા કહે છે, અને સાજા થવા માટેના ઉપચારનો ઇનકાર કરી દે તેને નિષ્ક્રિય યુથેનેશિયા કહે છે. કોર્ટે ચુસ્ત મેડિકલ માર્ગદર્શન અને કાનૂની પ્રક્રિયા હેઠળ દયા મૃત્યુને યોગ્ય માન્યું છે.


ભારતમાં ઇચ્છા મૃત્યુનો વિવાદ પશ્ચિમની તર્જ ઉપર સંવિધાન બન્યા પછી, અને 60ના દાયકામાં સ્વતંત્ર પાર્ટીના સ્થાપક અને સાંસદ મીનુ મસાણીએ સોસાયટી ફોર ધ રાઈટ ટુ ડાઈ વિથ ડિગ્નિટીની સ્થાપના કરી ત્યારથી ફોકસમાં આવ્યો છે. પશ્ચિમના ધર્મોમાં પુનર્જન્મની ધારણા નથી. આ એક જ જીવન છે. એટલે એને રક્ષવાનો ધાર્મિક આદેશ છે. મરવું એ પાપ છે એ ઈસાઈ અને ઇસ્લામિક ખયાલ છે. ત્યાં જીવન ઈશ્વરના સીધા આદેશ હેઠળ છે, અને એના ઉપર આપણો હક નથી. હિંદુઓમાં એક જ જીવન નથી, પણ અનેકાનેક જીવન છે. એ સાઈકલ છે. એટલે ફરજ પૂરી કરીને જતા રહેવું એ અસહજ નથી. હિંદુઓમાં જીવન ચાર ભાગમાં વહેંચાયેલું છે; ધર્મ (અભ્યાસ), અર્થ (રોજગારી), કામ (લગ્ન અને પરિવાર) અને મોક્ષ (સ્વેચ્છા-મૃત્યુ).


હિંદુ પરંપરામાં પ્રાયોપવેશનમનો ખયાલ છે જેનો અર્થ થાય છે ઉપવાસ કરીને જીવન છોડવું. મહાભારતમાં રાજા પરીક્ષિત પ્રાયોપવેશનમ કરતા હતા ત્યારે વ્યાસના પુત્ર ઋષિ શુકદેવે એમને ભાગવત પુરાણ સંભળાવ્યું હતું. સાવરકરે 21 દિવસના ઉપવાસ કરીને 26 ફેબ્રુઆરી, 1966ના રોજ દેહ ત્યાગ્યો હતો. વિનોબા ભાવેને હૃદય રોગનો આવ્યો તે પછી તેમણે સાત દિવસ સુધી અન્ન, પાણી અને દવાનો ત્યાગ કરીને 15 નવેમ્બર, 1982ના રોજ દેહ ત્યાગ્યો હતો.

મહાભારતમાં ભીષ્મ પિતા સ્વેચ્છાએ બાણસૈયા ઉપર સૂઈ ગયા હતા. યુદ્ધ પછી પાંડવો હિમાલયમાં હાડ ગાળવા ગયા એ ઈચ્છા મૃત્યુ હતું. યદુવંશના નાશ પછી કૃષ્ણના જ્યેષ્ઠ ભાઈ બલરામ સમુદ્ર કિનારે સમાધિમાં બેસી દેહ ત્યાગી ગયા હતા. એ પછી કૃષ્ણ પણ પીપળના ઝાડ નીચે એવી રીતે બેઠા કે પારધીએ હરણની આંખ સમજીને એમના પગને તીર મારી દીધું.


મૃત્યુને લઈને આપણે ખાસ્સા ઉદાર હતા, પરંતુ પશ્ચિમના મૉડલ ઉપર આપણી કાનૂન વ્યવસ્થા આવી એટલે આખો અભિગમ ક્રિમિનલ બની ગયો. ઇન ફેક્ટ, આપણે ત્યાં મૃત્યુ એટલે જીવનનો અંત નથી. જીવ (અથવા આત્મ) મરતો નથી, અને અનેક ખોળિયામાંથી પસાર થતો રહે છે. એ રીતે મૃત્યુ એ કામચલાઉ વિશ્રામ છે.


યુ.જી. કૃષ્ણમૂર્તિ નામના વિચારક ફિઝિક્સની રીતે કહેતા કે, “શરીર માટે મૃત્યુ નથી, માત્ર અણુઓનું રિશફલિંગ છે. અણુઓ મરતા નથી. એ જગ્યા બદલીને બીજા ફોર્મમાં નિરંતર રહે છે. જીવન અને મરણને એકબીજાથી છૂટાં પાડી ના શકાય, કારણ કે શરીર બીજા ફોર્મમાં પણ જીવતું જ રહે છે. વાસ્તવમાં શરીર અમર છે, અને જન્મ કે મૃત્યુ જેવું કશું નથી.’ આવા જ અંદાજમાં સુપ્રીમ કોર્ટે પણ 9મી ફેબ્રુઆરીએ ઇચ્છા મૃત્યુના એના ફેંસલામાં કહ્યું હતું, “જીવન અને મરણ અવિભાજ્ય છે. મરવું એ જીવવાની ક્રિયાનો જ ભાગ છે.’

એટલા માટે જ સુપ્રીમ કોર્ટ માટે ‘યતો ધર્મસ્તતો જય:’ એ ‘સત્યમેવ જયતે’ ની ઉપર છે. ધર્મમાં ધ્રી ધાતુનો અર્થ છે ‘જારી રાખવું, વહન કરવું, સંભાળવું.’ ધર્મ માનવ જીવનને પ્રકૃતિના લયમાં જાળવી રાખે છે. ધર્મ એટલે ‘જે સંસારને જારી રાખે અથવા સંભાળે તે.’ બે અગત્યના ફેંસલામાં સુપ્રીમ કોર્ટે આ ધર્મને સાબિત કરી દીધો.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 18 માર્ચ 2018

Loading

...102030...3,1883,1893,1903,191...3,2003,2103,220...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved