Opinion Magazine
Number of visits: 9582454
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશભક્તિ એ દેખાડાની બાબત નથી

રમેશ કોઠારી|Opinion - Opinion|1 February 2018

જે.એન.યુ. કૅમ્પસના ઘટનાક્રમમાં શાસકપક્ષ દ્વારા વિદ્યાર્થીનેતા કન્હૈયાકુમારની ધરપકડ કરવામાં આવી. આ પગલાનો અહિંસક પ્રતિકાર કરવા માટે અને સાચો ‘રાષ્ટ્રવાદ’ કોને કહેવાય તે અંગેની વ્યાપક સમજ કેળવવા માટે, યુનિવર્સિટી સાથે સંકળાયેલા વર્તમાન અધ્યાપકોએ ‘વ્યાખ્યાનમાળા’નું આયોજન કરી શિક્ષકધર્મ અદા કર્યો. આ શ્રેણીમાં ભૂતપૂર્વ અધ્યાપકો અને દેશના અન્ય ભાગોમાં વિદ્વાનો અને અધ્યાપકોનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું. વક્તાઓ મુખ્યત્વે ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસ-અધ્યાપન સાથે જોડાયેલા હતા, આ વ્યાખ્યાનમાળાને અર્થપૂર્ણ બનાવનાર વક્તાઓમાં રોમિલા થાપર, મકરંદ પરાંજપે, ગોપાલ ગુરુ, નિવેદિતા મેનન, જી. અરુણિમા, અપૂર્વાનંદ જેવા સુખ્યાત અને સમર્પિત વિદ્વાનોનો સમાવેશ થયો, શેષ વક્તવ્યો પણ એટલાં જ પ્રભાવશાળી રહ્યાં.

હવે ‘વૉટ ધ નૅશન રિયલી નીડ્‌ઝ ટુ નો’ શીર્ષકથી ઉપલબ્ધ, આ મજાના પુસ્તકનું વાચન સંતર્પક અનુભવ પૂરો પાડે છે. (What the Nation Really Needs to Know, Harper Collins Publishers India) અહીં ‘રાષ્ટ્રવાદ’ને વિવિધ દૃષ્ટિકોણથી તપાસવાનો ઉપક્રમ છે. વક્તાઓએ તે સંજ્ઞાના ભૂતકાળમાં ડોકિયું કરી તેની સાથે વણાઈ ગયેલી સંકુચિતતા, ચોક્કસ તત્ત્વો દ્વારા ફેલાવાતી ગેરસમજ, તેના દુરુપયોગ વિશે પૂર્વગ્રહરહિત અને કશી દિલચોરી વિનાની વાત કરી છે.

પ્રારંભમાં, ભૂમિકા બાંધતાં જાનકી નાયર, દેશની અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ પણ કેવાં વિઘાતક પરિબળોનો સામનો કરવો પડી રહ્યો છે, તેની વાત કરીને ભારતીય દંડસંહિતા (આઈ.પી.સી.)ની કલમ ૧૨૪-એ અંતર્ગત દેશવિરોધી પ્રવૃત્તિ બદલ કન્હૈયાકુમારની અટકાયત અને પતિયાલા હાઉસ કોર્ટમાં વકીલો દ્વારા જે.એન.યુ.ના ઉપસ્થિત અધ્યાપકો પર કરાયેલા હુમલાનો નિર્દેશ કરે છે. તેમના મતે, આ વ્યાખ્યાનો એક મહત્ત્વપૂર્ણ, સમકાલીન અગત્ય ધરાવતા પગલાં જેવાં છે. કારણ કે વર્ગખંડ બહાર પણ, પોતાના જ્ઞાનનો બાહ્ય વિશ્વને લાભ મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તે પૂરું પાડે છે, ‘ઇન્ટલેક્ચ્યુઅલ ટૅરરિસ્ટ’ની ઓળખ સાંપડવાની દરકાર વિના. તેમના જ શબ્દોમાં ‘… the nationalism lectures pioneered not only new ways of thinking about anticolonial and post-colonial nationalisms but about the possible future of nationalisms as well.’ રાષ્ટ્રવાદવિષયક આ (વ્યાખ્યાનોએ કેવળ સંસ્થાનવાદવિરોધી અને સંસ્થાનોત્તર રાષ્ટ્રવાદ અંગે નવી વિચારરૂખ જ નહીં, પરંતુ નાનાવિધ રાષ્ટ્રવાદોના સંભવિત ભાવિ વિશે પણ પહેલકારી ભૂમિકા રચી છે.)

તેમના મતે જે.એન.યુ.માં ડિબેટ-ડિસ્કશન અને ડિસેન્ટ દ્વારા સર્જાતો માહોલ અદકેરું મૂલ્ય ધરાવે છે.

ગોપાલ ગુરુના મતે, કેટલાંક જમણરી ઝોક ધરાવતાં રાજકીય પરિબળો, ઘરઆંગણે રાષ્ટ્રવાદનો ઉપયોગ, તેમની ચોક્કસ રાજકીય વિચારધારાને ગતિશીલ બનાવવા, લોકોની ભાવનાઓને જગાડવાના હેતુથી કરે છે.

સામાન્યપણે આપણને સલાહ આપવામાં આવે છે કે, રાષ્ટ્ર તમારા માટે શું કરી શકે તેમ છે તે નહીં પણ તમે રાષ્ટ્ર માટે શું કરી શકો તેમ છો, તે અંગે વિચારો. ગુરુ આ સાથે કદાચ સંમત નથી. તેમને લાગે છે કે ત્રસ્ત માનવજાત પ્રત્યે રાષ્ટ્રની પણ નૈતિક ફરજ છે, નાગરિકોને તેમના નસીબ પર છોડી શકાય નહીં.

નિવેદિતા મેનન કંઈક વ્યંગમાં, કંઈક આક્રોશમાં પૂછે છે કે, શાસકોને મુઠ્ઠીભર લોકોના સૂત્રોચ્ચારથી આટલો ભય શા માટે લાગવો જોઈએ ‘इतना डर कि चार लडकोंने कोई स्लोगन उठाया तो राष्टृ राज्य हिल गया ? तो जाहिर है राष्टृ-राज्य इतना मजबूत नहीं है जितना हम समझते है।’

તેમના મતે તે ‘ઇમેજિન્ડ કૉમ્યુિનટી’ છે, જેની રચના અનેક આશાઓ, જાતજાતની આકાંક્ષાઓ, માગણીઓને સાથે રાખીને થાય છે. શાળાઓમાં  સાચો ઇતિહાસ ભણાવાતો નથી, તે તેમની ચિંતાનો વિષય છે. જો ઇતિહાસ આપણે જાણી જઈએ તો ઘણાં રહસ્યો અનાવૃત્ત થઈ જાય. માટે બની બેઠેલા રાષ્ટ્રવાદીઓ ઇતિહાસ પર આક્રમણ કરે છે.

અર્થશાસ્ત્રનાં વિદુષી જયંતી ઘોષના મતે સરકારી નીતિઓનો વિરોધ કરનારને ‘રાષ્ટ્રવિરોધી’ માની લેવામાં આવે છે. આનાં દૃષ્ટાંત આપતાં તે કુડાનકુલમ અણુમથકનો વિરોધ કરનારા, માનવ-અધિકારો અને વિસ્થાપિત નાગરિકોના હક માટે લડત આપનારા, સ્થાનિક રહેવાસીઓને વળતર ચૂકવ્યા વિના, પર્યાવરણને નુકસાન પહોંચાડી, રહીશોનું જીવતર દોઝખ જેવું બનાવતી ખનિજકંપનીઓ શરૂ કરનારાં તત્ત્વો સામે અવાજ ઉઠાવનારા પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. સત્તાધીશો અને એમનાં હિતોની જાળવણી કરનારા સંદેશાવ્યવહારનાં માધ્યમોને મન સરકારનો પ્રતિકાર એટલે રાષ્ટ્રદ્રોહ. પદ્ધતિઓ કે નીતિઓ રાષ્ટ્રવિરોધી હોઈ શકે, પણ વ્યક્તિઓ નહીં.

હિંદીના જાણીતા વિવેચક, અપૂર્વાનંદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દાર્શનિક ડૉ. રાધાકૃષ્ણનના મંતવ્યને વ્યક્ત કરે છે : “બુદ્ધિશાળી વ્યક્તિનો ક્યારે ય એવો દાવો નથી હોતો કે તે દરેક વિષય પર કંઈ ને કંઈ સલાહ આપી શકે છે. તેનામાં વ્યાપક દૃષ્ટિ, વિચારોની સ્વાધીનતા અને બીજા મનોભાવો સમજવાની શક્તિ હોય છે. જેની સાથે મતભેદ હોય તે વિચારો સાથે સહાનુભૂતિ રાખવા તે સદૈવ તત્પર હોય છે.”

બદ્રીનારાયણના મતે, આર.એસ.એસ. દ્વારા ગામડાંઓમાં ‘સામાજિક સમરસતા અભિયાન’ શરૂ થયેલ છે, જે હકીકતમાં ‘સામાજિક ઘૃણા અભિયાન’ સાબિત થયું છે. વક્તાના મતે, આ અભિમાન અંતર્ગત દલિતો સાથે ભોજન લેતાં લેતાં, ગીતના માધ્યમથી તેમને તેમના મહાન, શૂરવીર પૂર્વજોની યાદ અપાવવામાં આવે છે, જેમણે મુસ્લિમ શાસકોને પરાજિત કર્યા હતા. તેમના મલિન ઇરાદાઓને નાકામયાબ બનાવ્યા હતા. ધર્મની સાથે રાષ્ટ્રને જોડવાથી ‘ભારતનો વિચાર’ (આઇડિયા ઑફ ઇન્ડિયા) ખંડિત થાય છે.

પ્રો. આનંદકુમાર દેશવિદેશનાં અનેક વિશ્વવિદ્યાલયોમાં સમાજશાસ્ત્રના અધ્યાયનનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના મતે આપણે ત્યાં રાષ્ટ્રવાદના સર્જન અને ઓળખની વિચારણામાં  ‘ડોમિનન્ટ આઇડેન્ટિટી’ને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ગુરુ ગોળવલકરનું અવતરણ આપતાં કહે છે : ‘ભારતની રાષ્ટ્રીયતા, હિંદુ રાષ્ટ્રના સપનાની આજુબાજુ બની છે. અને તેના ત્રણ દુશ્મન છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને સામ્યવાદી.’ સંસદીય લોકશાહીમાં નાણાં, કાળાં નાણાં અને ન્યુસન્સ વૅલ્યુને કારણે અપરાધી, ગુંડાતત્ત્વો પણ સંસદમાં જતાં હોઈ તે અપ્રસ્તુત બની ગઈ છે. ‘There is a need to move towards decentralization.’ (વિકેન્દ્રીકરણ ભણી વળવાની જરૂર છે.) આનંદકુમારનો પ્રણયપ્રકોપ ભાગ્યે જ કોઈને ગેરવાજબી લાગે! हिन्दुस्तान की मौजुदा कैबिनेट में, हिन्दुस्तान में रुलिंग अलायंस में, इनमें से कितने लोग हैं, जिनका एक पाँव भारत में और जिनका भविष्य़ विदेश में है। विदेशों में बसे हुए बच्चों से लेकर के विदेशों में जमा खातों तक के बिलकुल आर्टिफिशयल, फेंक और डेन्जरस किस्म के देशभक्त है।

સતીશ દેશપાંડે કહે છે કે જે.એન.યુ.ના વાર્ષિક બજેટ ૩૦૦ કરોડ રૂપિયાનો સરકારને દુર્વ્યય થતો લાગે છે, તો સામે કહી શકાય કે, ભારતમાતાના એક સપૂત વિજય માલ્યા પાસે બાકી લેણા નીકળતા ૯૦૦૦ કરોડ રૂપિયા અને કૉર્પોરેટ કંપનીઓમાં ફસાયેલા બૅંકોના ૧,૧૪,૦૦૦ કરોડ રૂપિયા વસૂલ કરી શકાય, તો જે.એન.યુ. અને બીજા કેટલાં વિશ્વવિદ્યાલયો કેટલાં વર્ષો સુધી ચલાવી શકાય?

જો હું એંસી વર્ષની વયની મારી માતાને કહું, ‘હે માતુશ્રી, મને તમારા માટે અપાર પ્રેમ છે. મારી નસેનસમાં તમારા માટે છલોછલ પ્રેમ ભર્યો છે.’ તો તેને લાગશે કે હું ગાંડો થઈ ગયો છું. તેવું જ ભારતમાતાની બાબતમાં. દેશભક્તિ-દેખાડાની કે પ્રદર્શનની નહીં, પુરવાર કરવાની બાબત છે.’

આ પુસ્તકમાં શુષ્ક વિગતો નથી, તેની સાથે વેદના વણાઈ છે. દેશની તમામ યુનિવર્સિટીઓના અધ્યાપકો પોતાને અને વિદ્યાર્થીઓને થતા અન્યાય, ગુજારવામાં આવતા અકારણ અમાનુષી અત્યાચારો સામે, ખોટી રાજકીય સ્વાર્થપ્રેરિત નીતિઓ, ફેલાવાતાં જુઠાણાં સામે, જે.એન.યુ.ની જેમ મેદાને પડે, તો ઘણું સિદ્ધ થઈ શકે. ભારતીય સંસ્કૃિતની દુહાઈ દેતા શાસકો, ‘ગુરુના આશ્રમમાં પગ મૂકતાં પહેલાં વિનયપૂર્વક પરવાનગી માગે, શક્ય તેટલા છેટા રહે એ જ ઇષ્ટ.’ આ વ્યાખ્યાનમાળાએ સહજપણે પ્રો. માવળંકરની યાદ તાજી કરાવી, જેમણે ‘આ તો ન જ ચાલે’, કહી વિરોધનો સૂર નિર્ભિકપણે વ્યક્ત કર્યો હતો. ‘હા જી હા’ના જમાનામાં માવળંકર ક્યાં શોધવો ?

ડીસા / અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 03-04

Loading

દેશમાં ઊભરી રહેલ યુવા નેતૃત્વ સામેના પડકારો

હિરેન ગાંધી|Opinion - Opinion|1 February 2018

૨૦૧૬માં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં દલિત યુવાન ઉપર થયેલા નિર્દયી અત્યાચાર નિમિત્તે ગુજરાતભરમાં આગની માફક પ્રસરેલ ઉના અત્યાચાર વિરોધી આંદોલનો દરમિયાન ઊભરેલ એક વિદ્રોહી, સાહસિક યુવાનેતા – જિજ્ઞેશ મેવાણીએ આંદોલન દરમિયાન ઉઠાવેલ માંગણીઓ તેમ જ તાજેતરમાં મહારાષ્ટ્રનાં દલિત-સંગઠનોએ કોરેગાંવ ખાતે મનાવેલ ‘વિજયદિવસ’માં તેમની ઉપસ્થિતિ સંદર્ભે મેં ‘ઉના-આંદોલનના નેતૃત્વ નિમિત્તે-ખુલ્લી ચર્ચા માટે’ શીર્ષક હેઠળ એક લેખ, કેટલાક સવાલો સાથે ‘નિરીક્ષક’માં પ્રકાશિત કરવા મોકલ્યો તે ગયા અંકમાં પ્રકાશિત થયો.

મેં એ લેખ કેટલાક રાજનૈતિક-સામાજિક અભ્યાસુઓ, ચિંતકો, કર્મશીલો અને બૌદ્ધિકોને પણ વ્યક્તિગત રીતે અભિપ્રાય, સૂચનો માટે મોકલ્યો હતો. એમાંના ત્રણેક સાથી બિરાદરોએ ટેલિફોન ઉપર મારી સાથે લંબાણપૂર્વક ચર્ચાઓ કરી, કૉમેન્ટ્‌સ આપી. મુખ્યત્વે કોરેગાંવ-ભીમા ઘટના વિશે વધુ ચર્ચાઓ થઈ. એ દરમિયાન મને લાગ્યું કે એ ઘટના તેમ જ જિજ્ઞેશની આંદોલનકારી તેમ જ રાજનૈતિક ગતિવિધિઓને વર્તમાન રાષ્ટ્રીય રાજનૈતિક પરિદૃશ્યના સંદર્ભે તપાસીએ, તો શું દેખાય છે? પ્રસ્તુત લેખમાં એ મુદ્દા તપાસવાનો પ્રયાસ કરી રહ્યો છું.

મૂડીના વૈશ્વિકીકરણ, નવઉદારવાદ અને ખાનગીકરણના આખલાને દેશ અને વિશ્વમાં છૂટ્ટો મુકાયા પછી, દુનિયાભરમાં, ખાસ કરીને આપણા જેવાં વિકાસશીલ, ગરીબ અને સામાજિક-સાંસ્કૃિતક દૃષ્ટિએ ‘આધુનિકતા’ સુધી ન પહોંચી શકેલાં રાષ્ટ્રોની રાજનીતિમાં જે સૌથી મહત્ત્વનો અને મુખ્ય સવાલ ઘૂમરાઈ રહ્યો છે, તે છે – ‘આ રાષ્ટ્ર કોનું?’

યુરોપમાં પંદરમીથી અઢારમી સદી દરમિયાન ચાલેલી ‘આધુનિકતા’ માટેની જદ્દોજહદ દરમિયાન માનવસમાજને સાંપડેલી ‘રાષ્ટ્ર-રાજ્ય’ની વ્યાખ્યા આજે હાંસિયામાં ધકેલાઈ રહી છે. આજે તો ‘રાષ્ટ્ર’ની વ્યાખ્યાના કેન્દ્રમાં આવી રહ્યાં છે – કોમ, જાતિ, ધર્મ વગેરે. ભારતના સંદર્ભમાં જોઈએ તો આજે સરેઆમ ‘ભારત એટલે હિન્દુ રાષ્ટ્ર’ની સમજ પ્રચલિત, પ્રસારિત થઈ રહી છે. આ સંદર્ભમાં જ હમણાં ૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જિજ્ઞેશ મેવાણી, કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ જેવા નવોદિત નવયુવાન યુવાનેતાઓએ દિલ્હીમાં ‘યુવા હુંકાર રેલી’નું આયોજન કર્યું. એ રેલીના અંતે વર્તમાન વડાપ્રધાન અને સક્રિય સંઘ (આર.એસ.એસ.) કાર્યકર્તા નરેન્દ્ર મોદીને ભારતનું બંધારણ અને મનુસ્મૃિત (એક પ્રકારનું હિન્દુ સમાજનું બંધારણ) બેમાંથી એક પસંદ કરાવવાનો કાર્યક્રમ રાખેલો. આ અત્યંત સૂચક કાર્યક્રમને સ્વાભાવિક રીતે જ સત્તાધીશો પાર ન પાડવા દે. એમ જ બન્યું; પણ રેલી થઈ, સૂચક અંત વિના. ભલે વડાપ્રધાને સત્તાના જોરે બે બંધારણમાંથી એકની પસંદગી કરવાનું ટાળ્યું; પરંતુ ‘યુવા હુંકાર રેલી’નો સવાલ, આજે આપણા આખાયે રાષ્ટ્ર ભણી બુલેટની માફક ફેંકાઈ તો ચૂક્યો છે.

ફરીથી, ‘રાષ્ટ્ર કોનું?’ સમાનતાનો અધિકાર મેળવનાર આ દેશના તમામ નાગરિકોનું કે હિંદુ ઉચ્ચાવચતાના ક્રમને સ્વીકારનાર સાંસ્કૃિતક દૃષ્ટિએ અંતિમવાદી ગણાતા ‘હિન્દુત્વના આરાધકો’નું? આ સવાલના પ્રકાશમાં જોઈએ તો ‘ઉના અત્યાચાર વિરોધી આંદોલન’ના નેતા જિજ્ઞેશ મેવાણી તેમ જ દલિતો ‘હિન્દુપત પાદશાહી’ના સંવાહકો સમા બ્રાહ્મણ પેશ્વાઓ સામે બ્રિટિશર્સના સૈન્યની મહાર ટુકડીએ દાખવેલ અપ્રતિમ શૌર્ય દ્વારા મેળવાયેલ જીત આ બંને જો આજે બસો વર્ષ ‘વિજયદિવસ’ની  ઉજવણીરૂપે એ ઘટના – બને છે, તો એ છે ‘હિન્દુ રાષ્ટ્ર’ના ખ્યાલનો પૂરજોશથી થઈ રહેલો વિરોધ જ. આ દૃષ્ટિએ, મેં અગાઉના લેખમાં કરેલી જિજ્ઞેશના નેતૃત્વની અને કોરેગાંવ-ભીમા ઘટના વિશેની ટીકાઓ, આલોચના ત્યાંની ત્યાં જ છે; પરંતુ તે ‘આધુનિકતા’ની દૃષ્ટિએ; ‘હિન્દુ રાષ્ટ્ર’ના પરિપ્રેક્ષ્યમાં નહીં. મુખ્ય ધારાની રાજનીતિમાં આજે ઘૂમરાઈ રહેલ મુખ્ય સવાલને નજરઅંદાજ કરવો મારા-તમારા જેવા દેશના બંધારણને વરેલા નાગરિકોને પોસાય એમ નથી જ. આપણા માટે તો આજે દેશના બંધારણે ઠરાવેલ ‘રાષ્ટ્ર-રાજ્ય’ની વ્યાખ્યાને પુનઃપ્રાપ્ત કરી દેશમાં પુનઃસ્થાપિત કરવાનો પડકાર સૌથી મહત્ત્વનો છે. ‘આધુનિકતા’નો સવાલ આપણા દેશ અને સમાજ માટે મહત્ત્વનો છે જ, પરંતુ પહેલાં તો દેશના બંધારણ અને પ્રજાતંત્રના ટ્રૅક ઉપરથી ખડી પડેલ ટ્રેનને પાછી ટ્રૅક ઉપર પુનઃસ્થાપિત કરવાનો છે અને એ ટ્રૅક પર આગળ ધપાવવાનો છે.

અલબત્ત, છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન દેશભરમાં અલગ અલગ આંદોલનમાંથી ઊભરેલા કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ, જિજ્ઞેશ મેવાણી જેવા કેટલાક નોંધપાત્ર યુવા નેતાઓ સંદર્ભે એક બીજો સવાલ જરૂર થાય છે. એક યા બીજા અત્યાચારો, અન્યાયોનો વિરોધ કરવા આવા તમામ યુવાનેતાઓ એક મંચ ઉપર આવી કાર્યક્રમો કરે છે. આ એક ખૂબ જ આશાસ્પદ અને વિધેયાત્મક વાસ્તવિકતા છે. તેઓ વર્તમાનની અંધકારભરી રાજનીતિમાં વિદ્રોહની મશાલો સતત જલતી રાખવા મથી રહ્યા છે; પરંતુ શું તેમની પાસે પ્રજાતંત્રને પુનઃ ધબકતું કરવા માટેની કોઈ એક વૈકલ્પિક રાજનીતિનો નકશો કે રૂપરેખા છે? તે તમામની પાસે કોઈ સહિયારી વૈકલ્પિક રાજનૈતિક વિચારધારા છે? દૂર રહ્યે રહ્યે હાલમાં આપણને સ્પષ્ટ દેખાતી કે અનુભવાતી ન હોય, પરંતુ એ વિશે એમની વચ્ચે ચર્ચા-વિચારણાઓ થઈ પણ રહી હોય. પરંતુ જો એવી કોઇ વૈકલ્પિક વિચારધારા ન હોય તો? તો એમની વ્યક્તિગત અને મુદ્દા આધારિત રાજનીતિનું ભવિષ્ય શું?

ગુજરાતમાં આપણી પાસે ‘નવનિર્માણ’ આંદોલનનું ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલ એ આંદોલનમાં કેટલાક આવા જ લડાકુ યુવાનેતાઓ ઊભર્યા. હૉસ્ટેલના મેસ બિલમાં થયેલ વધારામાંથી શરૂ થયેલ એ આંદોલને છેવટે મુખ્યમંત્રીનું રાજીનામું હાંસલ કર્યું. લગભગ ત્રણેક મહિના સુધી સમગ્ર ગુજરાતની જનતા એ આંદોલનની પડખે ઊભી રહી. જયપ્રકાશ નારાયણ (જેપી) જેવા લોકનેતાને પણ એ આંદોલનમાંથી પ્રેરણા મળી. પણ પછી? મુખ્યમંત્રીના રાજીનામા પછી વૈકલ્પિક વિચારધારાના અભાવે આંદોલન વિખેરાઈ ગયું. મનીષી જાની જેવા એકાદ-બે વિદ્યાર્થી-નેતાઓના અપવાદને બાદ કરતાં, તમામ અન્ય વિદ્યાર્થી-નેતાઓ મુખ્ય ધારાની સ્થાપિત રાજનીતિમાં ભળી ગયા અને આગળ જતાં એમાંના કેટલાકે ગુજરાતના પ્રધાનમંડળમાં સ્થાન પણ મેળવ્યું.

‘નવનિર્માણ’ જેટલાં દૂર ન જઈએ, તો તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ પ્રેરિત અને અણ્ણા હજારેના નેતૃત્વમાં ચાલેલ ‘ભ્રષ્ટાચારવિરોધી’ આંદોલનમાંથી કોઈ વૈકલ્પિક રાજનીતિના નકશા વિના જ ‘આમઆદમી પાર્ટી’ અસ્તિત્વમાં તો આવી. દિલ્હી રાજ્યની સત્તા પણ હાંસલ કરી; પણ તેનાથી દેશની સ્થાપિત રાજનીતિમાં શું ફરક પડ્યો? આવો જ અનુભવ આપણને ’૮૦ના દાયકાના મધ્યમાં આસામના વિદ્યાર્થી-નેતાઓએ ચલાવેલ આંદોલનનો છે. આંદોલનની સફળતાને અંતે ‘આસામ ગણપરિષદ’ (એ.જી.પી.) નામનો રાજકીય પક્ષ બનાવી એ યુવાનેતાઓએ રાજ્યની સત્તા કબ્જે કરી ય ખરી, પણ વૈકલ્પિક વિચારધારાના અભાવે આજે તેની શું હાલત છે, એ આપણે જોઇ શકીએ છીએ.

અલબત્ત, કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ કે જિજ્ઞેશ મેવાણીની રાજનીતિનું ભવિષ્ય આવું જ થશે, એમ માનવાનું આજે તો કોઈ કારણ નથી; પરંતુ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે, મુખ્ય ધારાની રાજનીતિની જાણીતી કૂટનીતિ પ્રમાણે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર જિજ્ઞેશની સામે કૉંગ્રેસે પોતાનો કોઈ ઉમેદવાર ન ઊભો રાખ્યો અને એની ઉમેદવારીને પરોક્ષ સમર્થન આપ્યું; જિજ્ઞેશ ચૂંટણી જીત્યો. પણ જો કૉંગ્રેસનું સમર્થન ન હોત તો? વળી જિજ્ઞેશે પ્રત્યક્ષ કૉંગ્રેસનું સભ્યપદ ન લીધું, પરંતુ કૉંગ્રેસની ચૂંટણીસભાઓમાં રાહુલ ગાંધી સાથે ઉપસ્થિત તો રહ્યો જ. હકીકતમાં આ વાસ્તવિકતા જ આપણે માટે ચિંતાનો વિષય છે. જો આંદોલનોમાંથી ઊભરતા નેતૃત્વ પાસે વૈકલ્પિક રાજનીતિ અને વિચારધારા નહીં હોય, તો વહેલા-મોડા એણે મુખ્ય ધારાની રાજનીતિમાં સમાઈ જવું પડે છે અથવા રાજનીતિથી દૂર ફેંકાઈ જવું પડે છે.

ફરીથી, ‘રાષ્ટ્ર કોનું?’ના પ્રશ્ન ઉપર આવીએ તો – કૉંગ્રેસની ભારતીય ‘રાષ્ટ્ર’ વિશેની સમજ, આર.એસ.એસ. કે બી.જે.પી. જેટલી અંતિમવાદી નથી. ભૂતકાળમાં ‘આઝાદ કાશ્મીર’ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો નિમિત્તે કૉંગ્રેસે અખત્યાર કરેલ ‘રાષ્ટ્ર’ વિશેનાં વલણોને બાદ કરીએ તો આજે એ ‘હિન્દુ રાષ્ટ્ર’ના અંતિમવાદી ખ્યાલની સામે ઊભેલી પાર્ટી દેખાય છે; પરંતુ દેશના તમામ નાગરિકોની સમાનતામાં માનતા ‘રાષ્ટ્ર’ની સમજથી એ હજી પણ છેટી દેખાય છે. હમણાંની ચૂંટણીઓ દરમિયાન એણે અપનાવેલ નરમ હિન્દુત્વની રણનીતિ એનો પુરાવો છે. છેલ્લા અઢી દાયકાથી મુખ્ય ધારાની રાજનીતિ પર એની છૂટતી જતી પકડ, એની રાજનૈતિક વિફળતાઓનો પુરાવો છે.

આ કારણોસર જ નવોદિત યુવા નેતાઓ પાસે અપેક્ષા છે કે તેઓ સંકલિત / સંગઠિત થઈને વૈકલ્પિક રાજનૈતિક વિચારધારા અને પ્રજાતાંત્રિક વ્યવસ્થાનું ઘડતર કરે. આપણી વર્તમાન રાજનૈતિક કરુણતાનો આ તાતો પડકાર છે.

E-mail : darshan.org@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 04-05

Loading

રશિયામાં ઊભરી રહેલું નવું નેતૃત્વ : એલેક્સી નાવાલ્ની

કિરણ કાપુરે|Opinion - Opinion|1 February 2018

રાજ્યશાસન વ્યક્તિકેન્દ્રી બને અને તે વ્યક્તિની જ ઇર્દગિર્દ શાસનની બાગડોર ચાલતી હોય, ત્યારે મહદંશે તે શાસિત વ્યક્તિનો કોઈ વિકલ્પ ઊભો થઈ શકતો નથી. અને તેની સામે જલદીથી કોઈ પડકાર પણ ખડો થતો નથી. વિશ્વના ચુનંદા આવાં નેતાઓની જ્યારે વાત કરીએ ત્યારે તેમાં રશિયાના વ્લાદિમિર પુતિન, ચીનના જિનપિંગ અને આપણા વડાપ્રધાનનું નામ લઈ શકાય – જેઓ પોતાના વિકલ્પ ઉભા થઈ શકે તેવી કોઈ શક્યતા નિર્માણ થવા દેતા નથી. બધી જ બાજુથી સ્થિતિને કસીને રાખતા આ નેતાઓ કોઈ પણ બાબતોને પોતાના પક્ષે કરવામાં માહેર છે. છેલ્લાં વર્ષોનો આ ત્રણેય નેતાઓનાં શાસકીય ગાળો જોઈએ, તો તેનો ખ્યાલ આવી શકે. તેમને ચૅલેન્જિસ મળે છે, પણ તેના પર તુરંત કામ કરીને તેઓ ડેમેજ-કન્ટ્રોલ કરતા રહે છે. આ વખતની રાજ્યની ચૂંટણીમાં સખત પડકાર હોવા છતાં છેલ્લે છેલ્લે પ્રચારમાં વડાપ્રધાન ગુજરાતની પ્રજા અને પોતાના સન્માન પર વાત લાવી દઈને પરિણામ પોતાની તરફેણમાં લાવવામાં કામિયાબ રહ્યા!

ખેર, દેશની અને તેના વડાપ્રધાનની વાતો ખૂબ થાય છે. અહીં વિશ્વફલક પર જે ઘટના અંગે ચર્ચા થઈ રહી છે, તેની વાત કરવાની છે; અને તે છે વ્લદિમિર પુતિનના લોખંડી શાસન સામે સેંધ પાડનાર એલેક્સી નાવાલ્નીની.

છેલ્લા દોઢ દાયકાથી રશિયા પર મજબૂત પકડ ધરાવીને શાસન કરનારા પુતિનની ઇમેજ માત્ર રશિયામાં જ નહીં, વિશ્વસ્તરે એક પાવરફુલ લીડરની રહી છે. પણ પુતિનના આ શાસનને ચૅલેન્જ કરનાર એલેક્સી નાવાલ્ની નામનો (આપણી નજરે) નવો ચહેરો સામે આવ્યો છે, જે પુતિનની પોલ ખોલી રહ્યો છે અને તેની સામે બરાબર ફાઇટ આપી રહ્યો છે. એલેક્સી આમ તો છેલ્લાં કેટલાં ય વર્ષોથી પુતિન શાસન સામે અને રશિયામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ વર્તમાન સ્થિતિ એવી છે કે, આ ૪૨ વર્ષીય એલેક્સી નાવાલ્નીને ૨૦૧૮ની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં પુતિન સામે લડવા જેટલા સપોર્ટર્સની જરૂર હોય, તેનાથી વધુ લોકોનો ટેકો મળી ગયો છે. એટલે તેઓ આ ચૂંટણી લડવા માટે રજિસ્ટ્રેશન માટેના જરૂરી માપદંડને પૂરા કરી ચૂક્યા છે! આપણી જેમ રશિયામાં પણ તટસ્થ ચૂંટણી થવાને લઈને સવાલ ખડા થતા રહ્યા છે, તે સ્થિતિમાં એલેક્સી સફળ થશે કે નહીં તે સમય બતાવશે. પણ એલેક્સીનો અવાજ આજે કરોડો રશિયાવાસીઓનો અવાજ બન્યો છે; અને જે રીતે પુતિન સામે તેણે બાથ ભીડી છે, તે જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં પુતિનના વિકલ્પ તરીકે તે મજબૂત પ્રેસિડેન્શિયલ કૅન્ડિડેટ છે.

જેમ આપણે ત્યાં ગુજરાતમાં છેલ્લા બેચાર મહિનાનો ઘટનાક્રમ જોઈએ, તો હાર્દિક-જિજ્ઞેશ-અલ્પેશે જે પ્રકારે ભા.જ.પ.ના શાસન સામે બંડ પોકાર્યું, અને જંગી સભાઓ કરીને ભા.જ.પ. અને તેમના નેતાઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, એવી જ રીતે એલેક્સીની ભૂમિકા રશિયામાં રહી છે. રશિયામાં ઘણા સમયથી સરકાર સામે સામૂહિક વિરોધ રૂપે રેલી હોય કે દેખાવ, તેની આગેવાની એલેક્સીની રહી છે. અને એલેક્સીની લોકપ્રિયતા સતત વધતી જઈ રહી છે. ‘વૉલ સ્ટ્રીટ’ અખબારે તો છેક ૨૦૧૨માં જ એલેક્સીને ‘પુતિન માટે સૌથી જોખમી વ્યક્તિ’ એવી ઓળખ આપી દીધી હતી!

પુતિનના શાસનમાં રાજકીય આઝાદી, માનવ અધિકાર અને લોકશાહી મૂલ્યોને લઈને રશિયામાં જબરજસ્ત ઓટ આવતી રહી છે. અમેરિકાની ‘ફ્રિડમ હાઉસ’ સંસ્થાએ (જેની તટસ્થતા બરકરાર છે અને તેના અહેવાલને રશિયા-અમેરિકાના સંબંધના સંદર્ભમાં ન જોવો જોઈએ) એવી ચેતવણી આપી છે કે, સોવિયેત યુનિયનના ભંગાણ બાદ પુતિનકાળમાં લોકોની આઝાદી સતત છિનવાતી રહી છે. આર્થિક ક્ષેત્રે ગણમાન્ય સંસ્થા ઇકોનૉમિસ્ટ ઇન્ટેિલજન્સ યુનિટે તો ૨૦૧૧થી રશિયાના શાસનને ‘આપખુદશાહી’ ગણાવ્યું છે. અને આજે મોટા ભાગના રાજકીય નિષ્ણાતો રશિયાને લોકશાહી દેશ તરીકે જોતા નથી. અરે, વિશ્વના કેટલાક આગેવાનોએ પણ પુતિનના શાસનની ટીકા કરતાં નિવેદન આપ્યાં છે, જેમ કે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ અને પ્રમુખપદનાં પૂર્વ ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પુતિનને ‘અભિમાની’ અને ‘ધાકધમકીથી કામ કરાવનાર’ કહ્યા હતા! દલાઈ લામા સુધ્ધાંએ પુતિનને ‘સ્વકેન્દ્રી’ અને ‘અન્ય દેશોના પ્રશ્નોથી અલગ રહેવાની રાજ્યનીતિ રાખનાર’ કહ્યા હતા! આવાં તો અનેક નિવેદનો ચીંધી શકાય, જેમાં પુતિનના શાસન અને સ્વભાવને લઈને તેમની મર્યાદા દર્શાવવામાં આવી હોય. પરંતુ આ બધું છતાં, મહાસત્તા કહેવાતા રશિયા પર દોઢ દાયકાથી પુતિન શાસન કરી રહ્યા છે, તે પણ વાસ્તવિકતા છે.

રશિયામાં એલેક્સી પ્રસિદ્ધિમાં આવ્યા અને પુતિન સામેનો ચહેરો બન્યા, તેની પૃષ્ઠભૂમિમાં તેમણે ઑઇલ કંપનીના લીધેલા શૅર્સ હતા, જેને લઈને તેમની પાસે એવી માહિતી પહોંચી કે રશિયામાં મોટા પાયે ચાલી રહેલો ભ્રષ્ટાચાર તેમની સામે આવ્યો. તેમણે આ તમામ ઑઇલ કંપનીની માહિતી જાહેર કરવાની માંગણી કરી અને પછી તો આ રાહે તેમણે અનેક ઠેકાણે સરકારની લેભાગુ નીતિ જોઈ, જેમાં પ્રજાના પૈસા ચાઉં થઈ રહ્યા હતા. અત્યારે આપણા દેશમાં બૅન્કોની એન.પી.એ.ની સ્થિતિ અને સંભવિત એફ.આર.ડી.એ. બિલ અંગે આવી વિગતો પ્રકાશમાં આવે તો આશ્ચર્ય ન પામવું જોઈએ. ખેર, નવેમ્બર ૨૦૧૦માં એલેક્સીએ રશિયાની જાહેર કંપની ‘ટ્રાન્સનિફ્‌ટ’ના કેટલાક અતિ ગોપનીય દસ્તાવેજ બહાર પાડ્યા, જેમાં આ કંપની દ્વારા થયેલાં કન્સ્ટ્રક્શનમાં ચાર બિલિયન યુએસ ડૉલર્સની ચોરી થઈ છે, તેવું સામે આવ્યું. આવા અનેક હાઇપ્રોફાઇલ ભ્રષ્ટાચાર એલેક્સી લોકો સામે એક પછી એક લાવતા રહ્યા. રશિયન સરકારની પોલ ખોલતી આ બધી જ બાબતો એલેક્સી ‘લાઇવ જનરલ’ના વેબસાઇટના એક બ્લૉગ પર ચલાવે છે. અને આ બ્લૉગથી જ તેઓ લોકો સાથે સંવાદ કરે છે. આ બ્લૉગનો મુખ્ય ઉદ્દેશ જ પુતિન સામે કેમ્પેઇન ચલાવવાનો રહ્યો છે. એવી જ રીતે તેઓ અન્ય માધ્યમો પર પણ રશિયાની વર્તમાન સરકારની ટીકા કરતા જોવા મળે છે. ૨૦૧૧માં તેમણે એક રેડિયો ઇન્ટવ્યૂમાં રશિયાની સરકારને ‘પાર્ટી ઑફ ક્રૂક્સ ઍન્ડ થીવ્સ’ (ધુતારાઓ અને ચોરોની પાર્ટી) કહી હતી, જે પછીના સમયમાં વર્તમાન રશિયન સરકાર માટે આ ચલણી ઉપાધિ બની હતી. આ કેમ્પેઇનને મળેલા જંગી પ્રતિસાદથી જ તેમણે ૨૦૧૧માં ‘ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. આજે આ ફાઉન્ડેશન રશિયાના પુતિનના સાગરીતોના અને અન્ય સરકારી ક્ષેત્રના ઢગલાબંધ ભ્રષ્ટાચાર સામે લાવી ચૂક્યું છે. એલેક્સી આ તમામ ભ્રષ્ટાચારને ખૂબ જ વિસ્તૃત રીતે પ્રકાશમાં લાવ્યા છે; અને ક્યાં-કોણે-કેવી-રીતે કટકી કરી છે, તેનો અહેવાલ પુરાવા સાથે લોકો સમક્ષ મૂકી રહ્યા છે.

વ્યવસાયે વકીલ અને પછી સામાજિક કાર્યકર્તા તરીકે ખ્યાતિ પામેલા એલેક્સીએ સતત વિરોધ કરીને રશિયાની સરકારના નાકે દમ લાવ્યો છે અને જે રીતે રશિયામાં કારભાર ચાલી રહ્યો છે, તેમના પર વોચડોગની ભૂમિકામાં રહીને પબ્લિક મનીનો હિસાબ સતત માગતા રહ્યા છે. તાનાશાહી માનસિકતા ધરાવતાં પુતિનને સ્વાભાવિક છે, એલેક્સીનો વિરોધ યોગ્ય ન લાગતો હોય, એટલે અનેકવાર એલેક્સીના વિરુદ્ધમાં કેસ થયા છે અને તેમને સજા પણ થઈ છે. ૨૦૧૩માં તો તેમને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી, પરંતુ રશિયાની જાણીતી નાગરિક સંસ્થા મેમોરિયલ સોસાયટીએ એલેક્સીને થયેલી સજાને રાજકીય રીતે પ્રેરીત ગણાવી હતી અને તેમને પોલિટિકલ પ્રિઝનર ગણાવ્યા હતા. થોડા સમય બાદ આ સજાને નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ અલગ-અલગ રીતે એલેક્સી પર તવાઈ ચાલુ રહી હતી. ૨૦૧૪માં એલેક્સીને ઘરમાં જ કેદ કરીને રાખવામાં આવ્યા હતા, જેને લઈને તેમણે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સમાં અપીલ કરી હતી, જે અપીલના સંદર્ભે રશિયન સરકારે જવાબ આપવો પડ્યો હતો. જો કે જેટલી વાર એલેક્સીનો છુટકારો થયો, એટલી જ વાર તેમના પર નવા કેસ થતા ગયા, અને કદાચ આ રીતે જ તેઓ પુતિન શાસન સામે લડતાં લડતાં વધુને વધુ પાવરફુલ થતા ગયા. શાસન સામે બાથ ભીડવાની તેમની આ જ સફરથી આજે તેઓ પ્રેસિડન્ટ માટે સૌથી યોગ્ય ઉમેદવાર બન્યા છે.

E-mail : kirankapure@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 06 અને 05

Loading

...102030...3,1803,1813,1823,183...3,1903,2003,210...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved