Opinion Magazine
Number of visits: 9583057
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાણી અને અભિવ્યક્તિ – સ્વાતંત્ર્યના મશાલચી

ભરત દવે|Opinion - Literature|9 February 2018

સાઠના દાયકામાં કર્ણાટકના નાટ્યકાર ગિરીશ કર્નાડનો એક કલ્પનાશીલ મૌલિક નાટ્યકાર તરીકેનો ઉદય, એ કન્નડ ભાષામાં આધુનિક ભારતીય નાટ્યસાહિત્ય રચવાના આરંભનો એક સુર્વણ અવસર છે. યયાતિ, હયવદન, તુઘલક, નાગમંડલા, અગ્નિ અને વર્ષા વગેરે નાટકોની ગણના આજે આધુનિક ભારતીય રંગમંચની ચોટદાર ઓળખ આપતાં ‘માસ્ટરપીસ’માં થાય છે. કર્નાડ એક સાથે કેટલી બધી કલાઓ પર પ્રભુત્વ ધરાવે છે ! તેના સર્જનાત્મક વ્યક્તિત્વનાં કેટલાં બધાં પાસાં છે ! નાટ્યકાર હોવાની સાથે સાથે તેઓ એક મંજાયેલા અભિનેતા પણ છે અને તેમણે અભિનય ફક્ત રંગમંચ પર જ નહીં પણ કેટલીક શ્રેષ્ઠ ગણાયેલી પુરસ્કૃત ફિલ્મોમાં પણ કર્યો છે. તેવી જ રીતે ટેલિવિઝનના નાના પડદે પણ તેઓ અનેક વાર રજૂ થયા છે. તેઓ ફિલ્મદિગ્દર્શક પણ છે. કર્નાડને 1972માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, 1974માં પદ્મશ્રી, 1992માં પદ્મભૂષણ, 1992માં કન્નડ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1998માં કાલિદાસ સન્માન વગેરે પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. વર્ષ 1998માં ભારતીય સર્વોચ્ચ સન્માન એવા જ્ઞાનપીઠ ઍવૉર્ડથી કર્નાડને નવાજવામાં આવેલા. આ ઉપરાંત 2001માં યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયા, લોસ એન્જલસ તરફથી ઑનરરી ડૉક્ટરેટ પણ આપવામાં આવેલ છે.

બાળપણમાં કર્નાડે સ્વપ્ન જોયેલું કે ભવિષ્યમાં તેઓ અંગ્રેજી ભાષામાં જ લખશે. કર્ણાટકમાં ધારવાડની પ્રાંતીય શાળામાં ભણતા ગિરીશ કર્નાડની એક તીવ્ર ઝંખના હતી કે તે ઇંગ્લૅન્ડ જશે અને અંગ્રેજીમાં કાવ્યો લખશે ! તે લખે છે કે ‘મને શેક્સપિયર અને ટી.એસ. એલિયટ જેવા દુનિયાના ખ્યાતનામ કવિ બનવાની ખ્વાહિશ હતી !’ તે ઇંગ્લૅન્ડ ગયા, ત્યાં અભ્યાસ કર્યો, અધ્યાપન-કાર્ય પણ કર્યું, દેશ અને દુનિયામાં ખ્યાતિ પણ કમાયા, પણ અંગ્રેજી કવિતા લખીને નહીં, કન્નડમાં નાટકો લખીને.

વર્ષ 1951માં ચક્રવર્તી રાજગોપાલાચારીએ પ્રગટ કરેલ ‘મહાભારત’ નામના પુસ્તકે ગિરીશ કર્નાડના યુવા મન પર મોટો પ્રભાવ પાડ્યો. એક મુલાકાતમાં કર્નાડે આ સંદર્ભે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે ‘ખબર નહીં, શાથી, પણ 1955ના ગાળામાં એક દિવસ રાજાજીએ લખેલ ‘મહાભારત’નાં વિચક્ષણ ચરિત્રોના અંગ્રેજીમાં લખાયેલા સંવાદો, એકાએક મારી ‘adopted language’ કન્નડ ભાષમાં પલટાઈને મારા સ્મૃિતપટ પર આવી ચડ્યા ! તમામે તમામ સંવાદો એના તાર સ્વરે મારા કાનમાં ગુંજી રહ્યા. કન્નડમાં રૂપાંતરિત થયેલો તેનો એક એક શબ્દ મારા અણુએઅણુમાં ઘોળાઈ ગયો !’ (અંતે તેના જ નિચોડ રૂપે 1961માં લગભગ 23 વર્ષની ઉંમરે કર્નાડે ‘યયાતિ’ નામે નાટક લખ્યું.)

આગળ કર્નાડના જ શબ્દોમાં, ‘આ અંત:સ્ફુરણા થવા પાછળ મને મુખ્યત્વે ત્રણ કારણો જણાયાં: પહેલું તો એ કે આજ દિન લગી મારા મનમાં કવિ બનવાની ઝંખના હતી અને તેના બદલે હું આજે નાટક લખી રહ્યો હતો ! બીજું આશ્ચર્ય મને એ થયું કે મારી કાચી ઉંમરથી હું સદા ય English Poet – અંગ્રેજી કવિ બનવાની તૈયારીમાં રચ્યોપચ્યો રહેલો અને પછી એકાએક શું થયું કે હું કન્નડ ભાષામાં લખવા માંડ્યો ! જ્યાં ઑડૅન અને એલિયટ જેવા સમર્થ કવિઓએ નામના કાઢેલી એવા દેશમાં હું જવા માંગતો હતો. મને લાગતું હતું કે ભારતમાં રહેવામાં કંઈ માલ નથી. અહીં કશું જ નથી. એટલે જ મેં અંગ્રેજી લેખક બનવાની તૈયારીઓ વિચારી રાખેલી. પરંતુ ખરેખર જ્યારે મન પરનો બોજ અને ગૂંગળામણ વ્યક્ત કરવાની અસલ ઘડી આવી ત્યારે મારી કલમ અભાનપણે કન્નડમાં જ ચાલવા લાગી ! મને તત્કાળ ભાન થયું કે આજ સુધીનું તમામ લેખનકાર્ય સમયનો નર્યો બગાડ હતો. ત્રીજું આશ્ચર્ય મને એ વાતનું થયું કે મારા પ્રથમ નાટક; યયાતિ’નું કથાબીજ મેં મહાભારતમાંથી મળેલી એક દંતકથામાંથી ખોળેલું. આ ત્રણેય આશ્ચર્યો મને એટલા માટે થયું કે તે ઘડી સુધી હું એવી જ ગેરસમજમાં રાચતો હતો કે ‘પોતાની ભાષા અને પોતાનાં સામાજિક-સાંસ્કૃિતક માળખાંમાંથી બહાર નીકળીને – અળગા થઈને જીવવું એ જ ખરી આધુનિકતા (Modernity) છે !’

એક વાર કોઈકે કર્નાડેને પૂછેલું કે ‘નાટક લખતી વખતે તમે ‘ભારતીય નાટક’ લખવાના કોઈ સભાન પ્રયત્નો કરો છો ખરા?’ તેના જવાબમાં કર્નાડે કહેલું કે, ‘ના, એવી કોઈ સભાનતા સાથે સર્જનકાર્ય ન થઈ શકે. વાસ્તવમાં એ બધું મારા વ્યક્તિત્વમાં, મારા અમુક પ્રકારે હોવાપણામાં તેમ જ મેં પસંદ કરેલ મારા કથાવસ્તુમાં સહજ રીતે સમાવિષ્ટ છે. ભારતીય કથાસાહિત્ય તો એક અગાધ સાગર છે. તેમાં નાટક લખવા માટેના વિચોરોનો વિપુલ ભંડાર છે. મારે ક્યાંયથી કશું નવું ખોળવાની જરૂર નથી. તમારી પરંપરાગત કલાસંસ્કૃિતના આત્મા જોડે તમે એક વાર પૂરા વિશ્વાસ સાથે એકાત્મતા સાધી શકો તો પછી એ બધું તમારાં લેખનમાંથી અનાયાસ જ નીપજે છે.’

ઉંમરના એક ખાસ પડાવે પહોંચ્યા બાદ કર્નાડ કહે છે કે ‘હવે મને લાગે છે કે જિંદગીનાં જે કંઈ વર્ષો રહ્યાં છે તેમાં હું મારું સૌથી વધુ ગમતું કામ – માત્ર નાટકો લખવાનું જ કરું.’ પોતાનાં નાટકો રચવા માટે કર્નાડે ભલે ઇતિહાસ કે પુરાણકથામાંથી જ રૂપકો પસંદ કર્યાં હોય પરંતુ વર્તમાન સમસ્યાઓને સતત ઉજાગર કરતા રહેવા માટે તેઓ હંમેશાં વાણી અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યના મોટા સમર્થક રહ્યા છે. ‘સંસ્કાર’ ફિલ્મ વખતે અમુક ખાસ જ્ઞાતિમંડળોના વિરોધને પગલે આવેલો સેન્સર બોર્ડ દ્વારા પ્રતિબંધ, વિશ્વ હિંદુ પરિષદના સદસ્યો દ્વારા તેમના ઘર પર હુમલો અને શિવસેના દ્વારા અપાતી રહેતી ધમકીઓ વચ્ચે કર્નાડ તેમના સર્જક તરીકેના મુક્ત અધિકાર સાથે નિર્ભીક બનીને અડીખમ ઊભા છે તે કંઈ દેશના હજારો-લાખો કલાકારો માટે ઓછી પ્રેરણાની વાત નથી. હાલમાં પણ ધાર્મિક કટ્ટરવાદીઓ દ્વારા ત્રણ બૌદ્ધિકોની હત્યા અને છેલ્લે પત્રકાર ગૌરી લંકેશની હત્યા વખતે પણ નાગરિક સમાજ તરફથી વિરોધ પ્રગટ કરનારા સમૂહમાં કર્નાડ મોખરે રહેલા.

દેશના કલા-સાહિત્ય જગતમાં કર્નાડને જે અઢળક કીર્તિ મળી છે તેની આકરી કિંમત તે સારી પેઠે જાણે છે. કર્નાડના જ શબ્દોમાં ‘જાહેર પ્રતિભા બની જવા પાછળનું સૌથી મોટું જોખમ એ છે કે એ તમારી ભીતરની કુદરતી સર્જનાત્મકતાને બહુ મોટો ઘસારો પહોંચાડે છે. ક્યારેક નાશ પણ કરી નાખે છે. મેં ઘણા બધા કુશળ ગણાતા કલાકારોને કીર્તિના કળણમાં ખૂંપી જઈને ખતમ થતા જોયા છે. સર્જનાત્મકતાને એક બાળકની જેમ નાજુકાઈથી સંભાળવી ને ઉછેરવી પડે છે. તે ગમે તે વાતાવરણમાં કે ગમે તે પરિસ્થિતિમાં આપ મેળે વિકસતી નથી. કીર્તિ કે લોકપ્રિયતાનાં વાવાઝોડાંમાં જો તમારી સર્જનાત્મકતનું ઉપલું નાજુક થર એક વાર ઊખડી ગયું તો નીચે ફક્ત અભેદ્ય અને સખ્ત એવા ખડકો જ રહી જાય છે જેમાંથી કશું નવું, મૌલિક નીપજતું નથી.’

જ્ઞાનપીઠ પુરસ્કૃત કન્નડ સાહિત્યકાર અનંતમૂર્તિ જણાવે છે કે ‘કર્નાડ નાટકોના (રંગમંચના) કવિ છે. વર્તમાન પ્રેક્ષકોને ધારી ટકોર કરવામાં તેમણે પસંદ કરેલ પૌરાણિક કથાનકો અને ચરિત્રો એક નાટ્યકાર તરીકે તેમને એક સલામત, મનોવૈજ્ઞાનિક અંતરે રાખે છે.’

1999માં તેમની સાંસ્કૃિતક-સાહિત્યિક વિરાસત વિશે બોલતાં ગિરીશ કર્નાડે કહેલું કે ‘મને મળેલ ગૌરવવાન સાહિત્યિક વારસો હું સતત જોઈ, અનુભવી શકું છું. ધર્મવીર ભારતી, મોહન રાકેશ, વિજય તેન્ડુલકર અને બાદલ સરકાર જેવા સર્જકોની પેઢીમાંના એક હોવાનું મને ગૌરવ છે. આજે હું ખાતરીપૂર્વક કહી શકું એમ છું કે આઝાદી પશ્ચાત્‌ અમે સૌ લેખકો અને રંગકર્મીઓએ સાથે મળીને આધુનિક ભારતના રાષ્ટ્રીય રંગમંચનું એક અલગ, અનોખું ને અર્થસભર નિર્માણ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે.’

સૌજન્ય : ‘નેપથ્યેથી’, “વિશ્વવિહાર”, વર્ષ – 20; અંક – 2; નવેમ્બર 2017; પૃ. 23-25

Loading

સ્વામી આનંદ : બાંયો ચડાવેલી ચેતના

વાડીલાલ ડગલી, વાડીલાલ ડગલી|Profile|9 February 2018

સ્વામી આનંદ ગુજરી ગયા ત્યારે મારા મનમાં એમણે રચેલાં અનેક અમર શબ્દચિત્રો ચડી આવ્યાં. મને થયું કે આ શબ્દચિત્રકારને પોતાની તસવીર દોરવાની હોય તો શું લખે ? સ્વામી આનંદ એટલે નરવા ઉદ્ગારોનો ફુવારો. શબ્દ એમના ચિત્તમાંથી ચળાઈને આવે ત્યારે એવો નવો નક્કોર લાગે કે અનાયાસે ચિત્તમાં આનંદ આનંદ થઈ જાય, સ્વામીદાદાનું શબ્દચિત્ર મારી પાંખી કલમે હું આમ દોરું.

ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો. જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકીટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તે કયા મલકની માયા ! બોલે ત્યારે લોકડિક્સનેરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણહ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઈટ વિના, ડ્રેસ વિના અને બીજા ક્ટર – ક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”

સ્વામી આનંદનો પરોક્ષ પરિચય મને પંડિત સુખલાલજીએ અનેક વાર કરાવેલો. આપણી લોકબોલીના શબ્દોની થોડા ટ્રંકો ભરાય એટલી નોટો એમણે તૈયાર કરી હતી એવું સાંભળેલું. 1959માં એમને હું પહેલીવાર મળ્યો ત્યારે તેમની પાસે જવા માટે મને સહેજ અનિચ્છા થયેલી. એ અરસામાં ‘સંસ્કૃિત’, માસિકમાં વિનોબાજીના લોકશાહી વિશેના વિચારો પર મારું જરા આકરું વિવેચન છપાયેલું. અંધ વિનોબાભક્તો વિચારસાધના વીસરી જઈ અપ્રસન્ન થયેલા. આ અરસામાં ઉમાશંકરભાઈ જોશીનો પત્ર આવ્યો કે મારે ઑપરેશનમાંથી ઊઠેલા સ્વામી આનંદના તેમના વતી ખબર પૂછવા જવું. હું તેમને મળ્યો ત્યારે હેતપૂર્વક વાત કરી. ઔપચારિક વિધિ પૂરી થયા પછી તેમણે એકાએક કહ્યું : “તમે લોકશાહી વિશે સારી ચર્ચા ઉપાડી છે.” આ સાંભળીને હું ડઘાઈ ગયો, તે દિવસોમાં ભૂદાનયાત્રાનો રથ ધરતીથી એક આંગળ ઊંચો ચાલતો હતો. તે દિવસોમાં વિચારશુદ્ધિના આગ્રહી વિનોબાજી સાથે પણ અણગમતી ચર્ચા કરે તે કાફર કહેવાતો. સ્વામીદાદાને જ્યારે મેં કહ્યું કે હું ભૂદાનના પ્રચારમાં મદદ કરું છું પણ લોકશાહીની બાબતમાં વિનોબાથી જુદો પડું છું ત્યારે તેમણે ફરીવાર એટલું જ કહ્યું : “ચર્ચા સારી કરી છે.” મને લાગે છે કે વિચારની દુનિયામાં જે અવજ્ઞાનો હુંકાર કરે તે સ્વામી આનંદના સગા થઈ જતા. ત્યાર પછી હું એમને વર્ષોથી ઓળખતો હોઉં એમ વાત કરતાં એક સરકારી સામયિકનું પાનું બતાવ્યું. કહે : “આવા નઘરોળ લોકો દારૂબંધીનો શો પ્રચાર કરી શકવાના હતા ? આ એક પાનામાં અઠ્યોતેર પ્રૂફની ભૂલો છે.”

મેં પાના સામું જોયું તો મને લાગ્યું કે આ છાપકામ છે કે ટાગોરનું કોઈ ચિત્ર છે ? સ્વામીદાદાએ એટલી ઝીણવટથી ભૂલો કાઢેલી કે આખુંયે પાનું એમના પરિશ્રમની કલાકૃતિ બની ગયું હતું.

આ પછી સોળેક વર્ષ દરમિયાન આવરનવાર મળવાનું થતું ત્યારે છાપ એ ઊઠતી કે આ એક રંગીલો કવિ છે. સ્વભાવે નખશિખ રોમાન્ટિક, જીવનમાં એમણે જેટલી દુનિયા જોઈ તેટલી દુનિયા બહુ ઓછા લેખકોએ જોઈ હશે. આમાં ગાંધીસમાગમની અનુકંપા ભળી. રંગીન જીવ, ચિત્રવિચિત્ર અનુભવો, દયાથી ઊભરાતું હૈયું, સ્વભાવગત અવજ્ઞાના સૂત્રમાં આ અનુભવ, આ રંગીની અને આ અનુકંપા પરોવાઈ ગયાં ત્યારે પ્રજાને એકીસાથે સદ્ગુણના ભગતની માળા અને જૂઈનાં ફૂલ મળ્યાં.

સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક. ગાંધીજીના અંતેવાસીઓમાં સ્વામીદાદા જેવું કોઈ વ્યક્તિત્વ હોય તો તે મહાદેવભાઈ હતા. ફેર એટલો કે મહાદેવભાઈ કદાચ વધુ મોટા ભક્ત અને જરા વધુ એકધારી કુમાશવાળા. સ્વામીદાદા ગાંધીજીના પ્રખર સાથી, પણ એમના ગમાઅણગમા તીવ્ર. પ્રકૃતિએ સાવ એકલવીર આથી જ તેમની શબ્દસાધનાએ અજાણ્યાં ઊંચાણો છતાં કર્યાં. આજથી સો વરસ પછી ગાંધીજીના સાથીઓનું સાહિત્યને અર્પણ મૂલવાશે ત્યારે સ્વામી આનંદનું નામ કદાચ મોખરે હશે. સ્વામી આનંદના જીવન અને સાહિત્યમાં જે સચ્ચાઈની ધૂણી ધખે છે તે કાળને માત કરશે.

સ્વામી આનંદ આમ તો સંતમતના રામકૃષ્ણના અનુયાયી બાળબ્રહ્મચારી સાધુ. એમનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે. પિતામહનું નામ મહાશંકર દવે. એમનો જન્મ 1887માં ઝાલાવાડના શિયાણી ગામમાં થયો. તેમણે પોતાની પૂર્વાવસ્થા વિશે આમ લખ્યું છે : “છેક બચપણે કોઈ ભટકુ બાવાનો ભોળવ્યો ભગવાનને જોવાની ધૂનમાં હું સાધુબાવાની દુનિયામાં ખોવાઈ ગયેલો. તેર વરસની ઉંમરે ઠાકુર રામકૃષ્ણના સાધુએ ઉગાર્યો.” સ્વામી આનંદનું બચપણ મુંબઈના ગીરગામ લત્તામાં વીત્યું. આઠ વર્ષની ઉંમર સુધીના એમના બાળપણનાં સ્મરણો એમની વિખ્યાત કૃતિ ‘કુળકથાઓ’નો પાયો છે. એમના મામા ગોકળદાસ મોરારજીને ત્યાં ઘરમહેતાજીની નોકરી કરતા ત્યારે તેમણે જાજવલ્યમાન ધનીમાને જોયેલાં. તેર વર્ષની ઉંમરે તે સાધુ થયા. પછી પોતાની વીસીમાં લોકમાન્ય તિલકના પરિચયમાં આવ્યા. 1914માં તિલક મહારાજનું ‘ગીતા રહસ્ય’ છપાતું હતું ત્યારે તેના મુદ્રણમાં તે મદદ કરતા હતા. આ વર્ષો દરમિયાન તેમણે સંસાર અને ધર્મ બંને એકીસાથે જોયા લાગે છે, કેમ કે આ અરસામાં જ તે મુદ્રણકળામાં પારંગત થયા. 1915માં 28 વર્ષની ઉંમરે તે ગાંધીજીને પહેલીવાર મળ્યા અને તેમના જીવનનો ત્રીજો તબક્કો શરૂ થયો.

ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવનમાંથી છૂટા થયા ત્યારે સ્વામી આનંદે નવજીવન સાપ્તાહિક તથા તેના છાપખાનાની વ્યવસ્થા હાથમાં લીધી અને ગુજરાતી મુદ્રણકળાએ પડખું બદલ્યું. શુદ્ધ – અણિશુદ્ધ મુદ્રણની પરિપાટી સ્વામીદાદાએ પાડી તે આજે પણ નવજીવનમાં ચાલે છે અને એનો ચેપ ઠેર ઠેર ફેલાયો છે. સ્વામી આનંદ ગાંધીજીના પત્રોના કેવળ મુદ્રક નહોતા, એ તો ગાંધી-પત્રકારત્વના વહાણના કૂવાથંભ હતા. ગાંધીજીએ સ્વામી આનંદના અર્પણને આ શબ્દોમાં અંજલિ આપી છે : ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ (નવજીવનની) જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.”

ગાંધીજીનાં બે સૌથી મહત્ત્વનાં પુસ્તકો : આત્મકથા અને અનાસક્તિયોગ. આ બંને પુસ્તકો સ્વામી આનંદના તકાદાથી તેમણે લખ્યાં. આત્મકથા ‘નવજીવન’માં હપ્તાવાર છપાયેલી. 1922માં નવજીવનના મુદ્રક તરીકે વાંધાભર્યું લખાણ છાપવા માટે પહેલી વાર જેલમાં ગયા. આ સમય દરમિયાન મહાદેવભાઈ અને સરદાર સાથેનો સંબંધ ધનિષ્ઠ થયો. 1928ના બારડોલીના સત્યાગ્રહ વખતે સ્વામી આનંદ સરદારના મંત્રી બન્યા. સરદારનાં વિરલ ભાષણો ગુજરાતી ભાષામાં ટકી રહ્યાં છે તેનો જશ સ્વામી આનંદને જવો જોઈએ. 1930ના મીઠાના સત્યાગ્રહમાં સ્વામી ફરીવાર જેલમાં ગયા. 1932માં ત્રીજી વાર. પછીનાં વર્ષો દરમિયાન સ્વામી આનંદે હરિજનમંદિરપ્રવેશ ચળવળના મુખી કાર્યકર્તા તરીકે કામ કર્યું અને બિહાર ધરતીકંપમાં ગાંધીજીના પ્રતિનિધિ તરીકે સેવા આપી.

1935થી તેમણે દરિદ્રનારાયણની વચ્ચે જઈ બેસવાનું નક્કી કર્યું, અને થાણા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. ગ્રામોદ્યોગોની દૃષ્ટિએ સ્વામી આનંદે 734 ગામોની પગપાળા ચાલીને તપાસ કરેલી. કસ્તૂરબાના મૃત્યુ પછી જે રાષ્ટ્રીય સ્મારક ફાળો ઊભો થયો તેના સ્વામી આનંદ મૂળ સંસ્થાપક અને એક મંત્રી બન્યા. સ્વરાજ મળ્યું ત્યાં સુધી સ્વામી આનંદ આદિવાસીઓ વચ્ચે ગાંધી આશ્રમમાં રહ્યા. ભારત આઝાદ થયું ત્યારે 1947માં પંજાબ, દહેરાદૂન અને હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે કામ કરેલું. સ્વામી આનંદનું પહેલું વતન મહારાષ્ટ્ર અને બીજું હિમાલય. કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ અલમોડામાં સ્વામી આનંદને મળવા ગયા તે પછી તેમની સાથે શરૂ કર્યો. આમ, સ્વામી જેટલા ગાંધીભક્ત તેટલા હિમાલયભક્ત હતા. એ એક અકસ્માત નથી કે ગાંધીજીના મૃત્યુ પછી સ્વામી ફરી પાછા હિમાલયના પહાડોમાં રહેવા ચાલ્યા ગયા. પાછલાં વર્ષોમાં સ્વામી ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા કોસબાડમાં આવીને રહ્યા. સાઠી વટાવ્યા પછી તેમણે ગુજરાતીમાં ફરીવાર વ્યવસ્થિત લખવા માંડ્યું. એમનો મુદ્રણ અંગેનો આગ્રહ એટલો ઉગ્ર કે પોતાનું લખાણ પુસ્તકરૂપે છપાવવા માટે કોઈ પ્રેસ નજરમાં જ ન વસે. તેવામાં તેમણે મહાદેવભાઈની ડાયરીઓ છાપવા તથા આદિવાસી અને દૂબળાના છોકરાઓ મુદ્રણકામ શીખે તે માટે ‘સુરુચિ’ છાપશાળા ઊભી કરી.

એંસી વર્ષ થવા આવ્યાં ત્યારે મિત્રોએ એમનાં લખાણો ગ્રંથસ્થ કરવા સમજાવ્યા અને વડોદરાની યજ્ઞ મુદ્રિકા એમના નીંભાડામાં તપીને અણીશુદ્ધ બહાર આવી.

સ્વામીને માટે પણ આ વર્ષો અત્યંત વિષાદનાં હતાં. મહાદેવભાઈના મૃત્યુએ તેમને ભાંગી નાખ્યા હતા ગાંધીજીના મૃત્યુ પછી એમનો દુનિયા બદલવાનો રસ ઓછો થયો હતો. એમણે પોતે આ વર્ષોમાં પુસ્તકપ્રકાશન કરવાનું નક્કી કર્યું તે વખતની તેમની સ્થિતિનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.”

એમની ગાડી લગભગ નવ વરસ પછી આવી. અચાનક 1976ના જાન્યુઆરીની પચીસમી તારીખે 89 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું.

સ્વામી આનંદે લગભગ એંશી વર્ષની ઉંમરે પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપી. હા-ના હા-ના કરતાં તેમણે પણ લાક્ષણિક જુસ્સાથી પુસ્તકો માટે વધતું ઘટતું લખાણ લખી આપ્યું. લગભગ આઠેક ગ્રંથો નવ વર્ષમાં આપ્યા. 1969માં તેમની કૃતિ ‘કુળકથાઓ’ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને એનાયત થયું. તેમણે આ માનનો આભારપૂર્વક અસ્વીકાર કરતાં કહેલું કે સાધુ તરીકે તેમનાથી કોઈ કાર્યનું વળતર લઈ શકાય નહીં. એમનાં બધાં પુસ્તકોની ગણતરી કરીએ તો એમણે અઢારેક પુસ્તકો લખ્યાં છે અને બીજાં સાત-આઠ પાઈપ લાઇનમાં છે. આમાં સૌથી મહત્ત્વનાં બે પુસ્તકો એમને આત્મકથાનાં થશે. જીવનભર અંગત જીવન વિશે જડબેસલાક મૌન સેવનાર સ્વામીએ પોતાની આત્મકથા મરણોત્તર પ્રકાશન બને એવી ઇચ્છા રાખી હતી. આમ સ્વામી આનંદના સાહિત્યઅર્પણનો સંખ્યામાં આંકડો પચીસ જેટલાં પુસ્તકોનો થશે. જેને અંગ્રેજીમાં બાયોગ્રાફિકલ એસે કહે છે તે ચરિત્ર નિબંધના સ્વામી આનંદ ઉત્તમ કસબી હતા. આપણે ત્યાં ચરિત્રનિબંધો મોટા પ્રમાણમાં લખાયા નથી અને એના વિશે જૂજ ચર્ચા થઈ છે. ચરિત્રનિબંધ એ અંગત નિબંધ અને બીબાઢાળ જીવનચરિત્ર વચ્ચે આવેલો સાહિત્યપ્રદેશ છે. એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ વિશે અંગત દૃષ્ટિએ લખે ત્યારે ચરિત્રનિબંધનો ઉપાડ થાય છે. સ્વામી આનંદના ચરિત્રનિબંધો મોટા ભાગે આત્મકથાત્મક હોઈ તેમાં ઉત્તમ અંગત નિબંધનાં તત્ત્વો સામેલ થયાં છે.

વળી સ્વામી આનંદની શૈલી એવી આગવી અને ચલચિત્રાત્મક છે કે આપણે કોઈ કલાચિત્ર (આર્ટ મૂવી) જોતા હોઈએ એટલો આનંદ થાય. એમના ગદ્યનું પોત એટલું બળકટ અને કુમાશવાળું  છે કે આપણું મન પહેલી જ કંડિકાથી તેમાં તણાવા માંડે. એમના ગદ્યનું સૌથી પહેલું લક્ષણ એ છે કે એનું કોઈ અનુકરણ ન કરી શકે. નામ ન લખ્યું હોય તોપણ વાક્યે-વાક્યે સ્વામી આનંદની છાપ ઊઠેલી દેખાય. લોક-ગુજરાતી અને તળપદા શબ્દોનું જોમ એમના ગદ્યમાં જે રીતે પ્રગટ થયું છે તે જોઈ કોઈ ને લાગે કે આ કોઈ આધુનિક ચરિત્રનિબંધ છે કે અમર લોકકથા છે ? એમની પીંછીમાં ચિત્રો ઉપસાવવાની જેટલી કળાશક્તિ છે તેટલો જ વેગ છે. આથી તેમની કથાશૈલીમાં મુનશી અને પન્નાલાલનું મિલન જોવા મળે છે.

સ્વામી હતા બાળબ્રહ્મચારી સાધુ, પણ ગાંધીજીના સમાગમ પછી તેમના મનમાં એ વાત નક્કી થઈ કે સંસારમાં રહી અનાસક્ત સેવા કરે તેના જેવો બીજો કોઈ સાધુ નથી. એમના પુસ્તક ‘સંતોના અનુજ’માં આ જીવનફિલસૂફી તેમણે આમ વ્યક્ત કરી છે :

“સાધુ એટલે સાધનાવન્તા, જીવનને સાધના ગણીને જીવનારા, જિંદગીના તમામ ઝીણામોટા વહેવાર ‘मय्यर्वितमनोबुद्धि:’ વાળી પ્રભુ સમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા જગમાન્ય, અગર તો સ્વ. મશરૂવાળા કે નાનાભાઈ ભટ્ટ સુધીના ઘણા ખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારના લાખો કરોડો દુન્યવી માનવીઓની જેમ જ એમણે પોતપોતાનાં કામકાજ વહેવાર માનવધર્મ અદા કર્યાં. તેમ કરતાં કરતાં અસંખ્ય માટીપગા દુન્યવી માણસોની જેમ એમણે પણ ભૂલો કરી. નબળાઈઓ બતાવી. પડ્યા-આખડ્યા, ગાફેલગીરી કીધી. છક્કડો ખાધી, વેદિયો-બાવળાય ઠર્યા. પણ દરેક વેળા જાગી સમજીને પાછા ઊઠ્યા, ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ પોતાની આગળ, પોતાના મિત્ર પરિવાર સમક્ષ કે દુનિયા સમક્ષ કબૂલીને આગળ ધપ્યા. અને અંતે જિંદગીની બાજી જીતીને પ્રભુચરણે વિરમ્યા.’

સ્વામી આનંદને મન ખરા સાધુ કિશોરલાલ મશરૂવાળા છે, મહાદેવભાઈ દેસાઈ છે, વૈકુંઠભાઈ છે, મૉનજી રૂદર છે, જેઠુભાઈ છે, નાનાભાઈ ભટ્ટ છે અને મહાદેવથી મોટેરા છોટુભાઈ બાપુભાઈ દેસાઈ છે. છોટુભાઈ દેસાઈનું રેખાચિત્ર ‘ધરતીના લૂણ’નું હાર્દ છે. સ્વામી છોટુભાઈ અને તેમના પિતરાઈ મહાદેવભાઈ દેસાઈની સરખામણી આ શબ્દોમાં કરે છે :

“…આમ છતાં બેઉની કેળવણી, સ્વભાવ અને વ્યક્તિત્વ બહુ જુદાં. એક મોગલ ગાર્ડનનું ગુલાબ; બીજો ઉનઈ જંગલનો વાંસ. એક તાજમહેલનું શિલ્પ; બીજા દખ્ખણના ગોમટેશ્વર. એક ઢાકાની શબનમ; બીજી ઘાટીની ધોંગડી-ઓઢનાર પાથરનાર હરકોઈને ખૂંચે, અને છતાં ટાઢ શરદી, વરસાદ વાવાઝોડા હેઠળ જ્યારે કીમતી શાલદુશાલા હવાઈ જાય ત્યારે એ જ કાળી ધોંગડી મીઠી હૂંફ આપીને ન્યૂમોનિયાથી બચાવી લે.”

છોટુભાઈ જેવું જ એક મૉનજી રૂદરનું પાત્ર ‘ધરતીના લૂણ’માં આવે છે. મૉનજી રૂદર અનાવલા જ્ઞાતિવાદની સામે જે પ્રંચડ આંતરબળથી લડે છે તેનું વર્ણન સ્વામી આનંદ જ કરી શકે. મારી દૃષ્ટિએ ‘મૉનજી રૂદર’ તેમનો ઉત્તમ ચરિત્રનિબંધ છે. મૉનજી રૂદરનો અમાનુષી બૉયકૉટ કરનારી અનાવિલ કોમનું ચિત્ર સ્વામીની કલમે આવું દોર્યું છે :

“કુળની એંટ એવી જ. સુરત બાજુના તેટલા દેસાઈ, પારડી – વલસાડ બાજુનાને ભાઠેલા કહે. પાર(નદી)ની પેલી મેર દીકરી ન દે. વાંકડાની દૉલત પર જીવવામાં નાનમ નહિ. બલ્કે વધુમાં વધુ વાંકડો ઑકાવવામાં ખાનદાની સમજે ! વેવાઈ-વાંકડાની વાટાઘાટો, ઘારીદૂધપાકનાં જમણ, કે પૉક-ઊંધિયાની મિજલસોમાંથી કદી પરવારે નહિ. નનામી અરજીઓ કરવાના વ્યસની, બાખાબોલા ને આખા.

“ચડાઉ ધનેડું. જીભ બારેવાટ; સાંકળ મિજાગરું કશું ન મળે. પિતરાઈ-પાડોશીની ખેંધે પડ્યો મેલે નહીં.”

સ્વામીને સંત અને લડાયક જીવો બહુ ગમતા. છોટુભાઈ દેસાઈની લડાઈઓ દરિદ્રનારાયણ માટે હતી. સચ્ચાઈ માટે હતી. પણ ‘હંફાવ્યો’ અને ‘ભોંય ભેગો કર્યો’ એ એમના પ્રિય શબ્દપ્રયોગો હતા. ‘મોતને હંફાવનારામાં’ કરનલ કરડાનું શબ્દચિત્ર જુઓ :

“ફોજી આદમી. રોમેરોમ કરડા, ટેકીલા અને ગજબ હિમ્મતવાળા. ઠેઠલગણની લડાકુ વૃત્તિ. લડાઈ ચડાઈને ધીંગાણે હોય, લશ્કરી છાવણીનાં બરાક મેસ બંગલામાં હોય, કે રજાછુટ્ટી પર ઘરઆંગણે ગયા હોય, લડાઈ, લડાઈ ને લડાઈ સિવાઈ બીજી વાત ભાગ્યે હોય. ‘આંટ્યો’, ‘મારી પાડ્યો’, ‘હંફાવ્યો’, ‘ઊંધો લાખ્યો’, ‘ભોંય કીધો’,  ‘લગાવ જંગ’, ‘પડપોબાર’, ‘એક બે ને સાડાતણે કીધો લીલામ !’ની જ ભાષા દિવસ રાત બત્રીસીએ બેઠેલી ! જૂના અડીખમ જોધારમલોનો નખશિખ નમૂનો.”

સ્વામીનો પશુઓ પ્રત્યે પ્રેમ પણ એમના નિબંધોમાં જોવા મળે છે. ‘કુળ-કથાઓ’માં ચીના બાગનો ઘરડો ઘોડો ‘મોરુ’એ બાગનું ‘મહામોલું મૉન્યુમેન્ટ’ અને એમના ‘બચપણનો એક સૌથી વડો રોમાન્સ હતો. કેવો હતો એ મોરુ ?

“ધોળો ઈંડા જેવો વાન લથબથ ડિલ, મખમલ જેવી સુંવાળી રૂંવાટી જ્યાંથી જુઓ, ઝગારા મારે. હાથ મૂકો તેવો લપસી જાય. હું તો જે કોઈ સઈસ-બરદાસી એને દાણોપાણી કરવા આવે તેને, મને ઊંચકીને મોરુને ડિલે હાથ ફેરવવા દેવા કહું.”

કોઈએ એવી ફરિયાદ કરી કે “મેં મારાં ચરિત્રોમાં કલ્પનાનો વઘાર દઈને ગુણ જ ગાયા છે; દોશ ખામી બતાવ્યા નથી.” સ્વામીએ આનો જવાબ આપતાં કહ્યું કે જેમનાં ચરિત્ર અને ગુણોથી એ વીંધાયા એવી વ્યક્તિઓ કે વિભૂતિઓનાં રેખાચિત્રો જ તેમણે કલ્પનાનો મુદ્દલ આશરો લીધા વિના દોર્યાં છે. આ ટીકાનો જવાબ દેતા હોય તેમ તેમણે માણસના હીણા અંશોથી ઊભરાતાં ચરિત્રોનો સંગ્રહ આપ્યો. તેનું નામ છે ‘નઘરોળ’. 1975માં બહાર પડેલું આ પુસ્તક તેમનું છેલ્લું પુસ્તક છે. આ પુસ્તકમાં દુનિયાભરના ચિત્રવિચિત્ર નઘરોળો એકઠા કરવામાં આવ્યા છે, નઘરોળ એટલે ? સ્વામી આનંદના શબ્દોમાં “… અર્થ છે, ફૂવડિયો, ડઠ્ઠર, નીંભર, હાડોહાડનો બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઓઘરાળો, દીર્ઘસૂત્રી.”

આ ગ્રંથમાં ગુણશોધક સ્વામીની કલમ જરાયે ઓછી ઊતરતી નથી. સંસારના એંઠવાડ જેવા મનુષ્યોને જ્યારે સ્વામીની ભાષા આપણી સમક્ષ રજૂ કરે છે ત્યારે તેમના કલુષિત ચિત્તને આપણે ભૂલી જઈએ છીએ અને ચોટદાર રેખાચિત્રોની કળા ચિત્તમાં મઘમઘે છે. અહીં સંગીતનો મેલોઘેલો ‘મૂર્શિદ’ છે ઈશુલખી સૃષ્ટિની ઉત્પત્તિ સામે બળવો કરનાર ધૂની શિક્ષક છે, ગાંડા દર્દીઓ પર ‘હથોડા ઉપચાર’ કરનાર દાક્તર છે, હિરોશિમા ઉપર બૉંબ ફેંકનાર મેજર ઇથરલી છે, આદિવાસીઓનું લોહી ચૂસતો કંત્રાટી ધાણિયામો છે, કૌસાનીનો મખ્ખીચૂસ બ્રાહ્મણ સાવકાર છે, સફાઈથી પાઉં ચોરતો મરાઠાનો છોકરો છે. પોતાના ટટ્ટુનું લોહી પીતો આગ્રાનો ગાડીવાળો છે. હિમાલયમાં નગ્ન ફરતી ઘેલી અમેરિકન બાઈ છે, સ્વામીના બે લુચ્ચા ઘરધણીઓ અમદાવાદના મિસ્ત્રી અને હિમાલયની તળેટીના મેજર મારકણા છે અને છેલ્લે જાણીતા ભરાડી પત્રકાર સેન્ટ નિહાલસિંગ છે. માત્ર પાંચ જ વાક્યોમાં સેન્ટ નિહાલસિંગનું અદ્ભુત શબ્દચિત્ર સ્વામીએ દોરી આપ્યું છે :

“ભરાડી ઉર્ફે એડવેન્ચરર નંબર એક. હુકમનો એક્કો પાંચ મિનિટની પાનાની રમતનો. આભ ઊંચું સ્કાયસ્કેપર, નરાં ભાડા કમાવા બાંધેલું. શક્તિ પારાવાર, પણ આયોજન પ્રયોજન વિના ગમે તે દિશામાં નકરી છૂટેદોર આમતેમ દોડતી; જેને ગાંધીજી હૂડબળ કહેતા.”

પણ કથાનો ખરો નઘરોળ તો અઘોરી મૂર્શિદ છે. ગુજરાતી ગદ્યની કેટલી ક્ષમતા છે તે સ્વામીએ દોરેલા આ શબ્દચિત્ર પરથી પ્રતીત થશે :

“મુરશદજી પગથી માથા લગી ભેંકાર માણસ. ઠીંગણું કદ. બાવળની ગંડેરી જેવી કાયા. મોઢાનું મૉરું જાણે થાપેલ છાણું. ભમ્મર શાહુડીના સીસોળિયા જેવી. બોડકા માથાને તાળવે કરોળિયા જેવા પાંખા વાળવાળી બે બાબરીઓ ચોંટી રહેલી. ને ગરદન તો મળે જ નહીં ! કોઈના ભણી જુએ ત્યારે આખી કોઠી જ આંચકો દઈને ફેરવે. એના વહેવાર એટલે રુગા ધૉલધપ્પા, આંચકા ને વડચકાં.’

‘નઘરોળ’માં આપણે સ્વામી આનંદના ગદ્યનાં બધાં જ ઉત્તમ શિખરો ચડીએ છીએ. સ્વામી આનંદનું ‘નઘરોળ’ વાંચીએ ત્યારે આપણે આ દુનિયા ભૂલી માનવનર્કમાં ફરીએ છીએ. પણ આપણે આ નર્કમાં સ્વામી આનંદના શબ્દની આંગળીએ ફરીએ છીએ એટલે સૌંદર્યસભર આહ્લાદ અનુભવીએ છીએ.

સ્વામી આનંદનું અંતરંગ ગાંધીમાર્ગી, પણ એમનું બહિરંગ છલોછલ રોમાન્ટિક. એમના જેવા લોકસેવક અને ત્યાગી જીવ કલમ ઉપાડે ત્યારે કલમ ભારે થઈ જવાનો ભય રહે છે. પણ સ્વામી આનંદ જ્યારે કલમ પકડે છે ત્યારે તે કેવળ કળાના બંદા બને છે. આથી એમનું સાહિત્ય એમના જીવન કરતાંયે વધુ મોટી હિમાલયી ભવ્યતા છતી કરે છે.

[“ગ્રંથ”, ફેબ્રુઆરી 1976] 

સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક 53, સપ્ટેમ્બર 2017; પૃ. 22-27   

Loading

‘શેરે કીધો સંહાર, સઈયર, શું કરીએ …’ કવીશ્વર દલપતરામની શેરમૅનિયા પરની ગરબીઓ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|9 February 2018

શેરસટ્ટામાં ૧૮૬૫માં પડેલા ફટકાની પીડાને કવિએ આઠ ગરબીઓમાં વાચા આપી છે

તાજેતરમાં શેરબજાર કકડભૂસ થયું. તેમાં રોકાણકારો દુ:ખી થયા જ હોય. એવી હાલત દોઢસો વર્ષ પહેલાં કવીશ્વર દલપતરામ(૧૮૨૦-૧૮૯૮)ની થઈ હતી. સર્જકે શેરસટ્ટાના તેમનાં દર્શનને ગરબીઓમાં વ્યક્ત કર્યું હતું. આ આઠ ગરબીઓને દલપતરામે ‘શેરના સપનાંની ગરબીઓ’ તરીકે ઓળખાવી છે. તેમાં સમકાલીન વિષયમાંથી રંજક સાહિત્ય ઊભું કરવાના દલપતરામની કલાનો વધુ એક વાર પરિચય મળે છે. વળી દેશકાળની રગની દલપતરામને કેવી પરખ હતી તેનો પણ આ એક દાખલો છે.

વાત એમ હતી કે ૧૮૬૧માં અમેરિકામાં ગુલામીના દૂષણની નાબુદીના મુદ્દે આંતરવિગ્રહ શરૂ થયો, તેને કારણે ત્યાંથી મળતો કપાસ બંધ થયો. એટલે શાસક દેશ બ્રિટનના મિલમાલિકો હિન્દુસ્તાનથી મોટે પાયે કપાસ મગાવવા લાગ્યા. પરિણામે ભારતમાં કપાસના ભાવ અસાધારણ ઊંચા ગયા, નિકાસમાં પુષ્કળ વધારો થયો. શેરબજારમાં અભૂતપૂર્વ તેજી આવી. નિકાસકારોની અને શેરબજારના સટોડિયાઓની જરૂરિયાતને પહોંચી વળવા અનેક નવી બૅન્કો રાતોરાત ફૂટી નીકળી. પણ પછી ૧૮૬૫માં અમેરિકન આંતરવિગ્રહનો અણધાર્યો અંત આવ્યો. કપાસની નિકાસ અટકી ગઈ, કપાસના ભાવ બેસી ગયા. શેરબજાર તળિયે ગયું. કેટલી ય બૅન્કો રાતોરાત ફડચામાં ગઈ. દેશમાં, અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં આર્થિક મંદી ફરી વળી. દલપતરામ શેરમૅનિયાનો ભોગ બન્યા. તેમાંથી તેઓ ઉગરી ગયા તે એમના પરમ મિત્ર અને ગુજરાત માટે ‘અર્વાચીનતાના સૂરજના છડીદાર’ એવા અંગ્રેજ અમલદાર ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ (૧૮૨૧-૧૮૬૫)ને કારણે.

ફાર્બસ તેમની બદલી થતાં નવેમ્બર ૧૮૬૧માં અમદાવાદથી મુંબઈ ગયા હતા, પણ સાથે દલપતરામને લઈ ગયા ન હતા. તેમણે કવિને અમદાવાદમાં રહીને અગ્રણી સાંસ્કૃિતક સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (અત્યારની ગુજરાત વિદ્યાસભા) માટે કામ કરવા તેમને સમજાવ્યા હતા. થોડો વખત દલપતરામે કામ કર્યું પણ ખરું. પણ પછી આ ઠાવકા ગુણિયલ ગુજરાતીને શેરબજારની તેજીમાં રાતોરાત તવંગર થવાની લાલચ જાગી. તેઓ એક વખત ફાર્બસને મુંબઈમાં મળ્યા ત્યારે શાણા સૂબા ફાર્બસે તેમને ચેતવ્યા પણ હતા. પણ એમની અને અનેક હિતેચ્છુઓની સલાહ અવગણીને દલપતરામે સોસાયટીની નોકરી છોડી દીધી અને શેરબજારમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં અગિયારસો રૂપિયા કમાયા એટલે અમદાવાદમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. પણ પછી થોડા વખતમાં શેરબજાર ભાંગ્યું ત્યારે દલપતરામે પોતાની બધી મૂડી ગુમાવી દીધી. બૅન્કમાંથી લીધેલા હપ્તા ચૂકવી ન શક્યા એટલે તેમના ઘર પર ટાંચ આવી. સાડા ત્રણ હજાર રૂપિયાની તો તાતી જરૂર હતી. આવકનું બીજું કોઈ સાધન હતું નહીં એટલે કવિ મુંબઈ જઈને માંદગીને બિછાને પડેલા ફાર્બસને મળ્યા. ફાર્બસે પોતે તો હજાર રૂપિયા આપ્યા, સાથે મુંબઈના શ્રેષ્ઠીઓ પાસેથી પણ કેવી રીતે મદદ અપાવી તેની વિગતો ઓગણીસમી સદીના વરિષ્ઠ અભ્યાસી દીપક મહેતાના ફાર્બસ પરના મૉનોગ્રાફમાંથી મળે છે. તેમાં એક વિગત એવી છે કે પાંચસો રૂપિયાની રકમ અંગ્રેજી રાજ્યના અધિકારી ઠક્કર  હંસરાજ કરમશી પાસેથી આગોતરી એ શરતે મળી કે દલપતરામ સો કવિતા લખીને તેમને અર્પણ કરે. તેને પરિણામે દલપતરામે ‘હંસકાવ્યશતક’ નામનો કાવ્યગ્રંથ ‘બુદ્ધિપ્રકાશ’માં ૧૮૬૯ના માર્ચથી ડિસેમ્બરમાં હપ્તાવાર લખ્યો. દલપતને મદદ કર્યા પછી થોડા વખતમાં જ તેરમી ઑગસ્ટે ફાર્બસ અવસાન પામ્યા. દલપતરામે ‘ફાર્બસવિરહ’ સર્જીને સુંદર અંજલિ આપી, અને બીજી બાજુ શેરની ગરબીઓ રચી (જો કે સમકાલી નર્મદે શેરસટ્ટા તરફ તિરસ્કાર બતાવતી કૃતિઓ રચી). નિરંજન ભગત ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’માં લખે છે ‘… આ અનુભવમાંથી પશ્ચાત્તાપરૂપે ‘શેરસટ્ટાની ગરબીઓ’ રચી. ગુજરાતમાં આ શેરસટ્ટાની કરુણકથા અતિપ્રસિદ્ધ છે.’ ચિમનલાલ ત્રિવેદી સંપાદિત ‘દલપત ગ્રંથાવલી-૧’માં એવી પણ પાદટીપ મળે છે કે ‘ ઈ.સ. ૧૮૬૫માં શેઠ બહેરામજી ફરદુનજી કંપનીએ રૂ ૫૦ના ઇનામની જાહેરખબર છાપી હતી, તેથી આ ગરબીઓ રચીને ઇનામ લીધું હતું.’

પહેલી ગરબીમાં કવિ એકંદરે શું બન્યું તેનું ચિત્ર આપે છે. તે ‘ઓ અરદેશર તારો રે ડંકો રે સુરત શહેરમાં’ એ રાગમાં છે.‘અમેરિકામાં જુદ્ધ જાગ્યો’ એટલે આપણે ત્યાં તેજી આવી. ‘લોકો દોડે શેરો લેવા, જન સૌ બનિયા ગાંડા જેવા’, ‘રોકડ ખરચી શેરો લીધા’. પણ ‘કોઈ પૂછે નહીં ધણી [કંપનીના માલિકો] છે કેવા’. ત્યાર પછીની ગરબીમાં શેરરોકાણથી લોકોમાં આવેલી સમૃદ્ધિનું વર્ણન છે. કમાઈ ગયેલાએ ઘરે સોની બેસાડ્યા, બાગબગીચાવાળા બંગલા કર્યા, બારણે બગી અને સિપાઈ રાખ્યાં. બાસુદિ અને મિઠાઈની ઉજાણીઓ માણવા લાગ્યા. ‘ગર્વ વડાઈનો’ અને ‘મદ મૂરખાઈનો’ ચઢ્યો, ‘આચાર કસાઈનો’, ‘લાહાવો લુચ્ચાઈનો’ થયો. ‘પુણ્યને મારગે એક પણ પૈસો’ ન થયો. ‘કાનુડે કામણ કીધેલાં ઓ બહેની’ ના રાગમાં આવતી આ ગરબીને અનુસરતી ત્રીજી રચનામાં દલપત શેરબજારની ઘેલછાની વાત આગળ ચલાવે છે. ‘નોકરીઆતે નોકરી છોડવા’ સરકારમાં અરજી કરી, અને ‘મહેતાજીઓએ મેલી નિશાળો’. ‘ધમધોકારથી શેરનો ધંધો ઉછળ્યો વરણ અઢારમાં’,‘મોચી ઘાંચી ને માળી હાળીમાં સાળવી સૈ સુતારમાં’. વળી આ બધાને ‘બૅંકવાળા શેર સાટે બહુ ધન, આપવા લાગ્યા ઉધારમાં રે’. ચોથી ગરબી ‘કઠણ થયા રે માધવ મથુરા જઈ’ રાગમાં છે. તેમાં શેર ખરીદવા માટે લોકો પાસે પૈસો ક્યાંથી આવ્યો તેની વાત છે. બાપની દોલત, કરજ, દસ્તાવેજ, ધણિયાણીના ઘરેણાં જ નહીં પણ વસ્ત્ર અને વાસણ, પ્રોમિસરી નોટો વગેરે થકી પૈસો ઊભો કર્યો. પૈસો બહુ ફરતો થયો – નાણું તો જેમ નીર ભરેલો, વહી જતો હોય વેળો રે’. લોકો દોડ્યા ‘ગળપણની જાણી કણિકની ગોળી, મછ ગળે જેમ મરવા રે’. આ પછીની ગરબીઓમાં દલપત શેરબજાર તૂટતાં આવેલાં ભયંકર પરિણામોનું ચોટદાર બયાન આપે છે. તેમાં ‘મા પાવા તે ગઢથી ઉતર્યાં, મા કાળી રે …’, ‘ઓધવજી રે સંદેશડો, કેહેજો મથુરા મોઝાર’ અને ‘અચકો મચકો કારેલી’ ના રાગ છે. દલપત લખે છે કે બધે સંહાર થયો, કાળો કેર થયો, ડાટ વળી ગયો. લોક લાચાર થયા, ગભરાટ ને ઉચાટ થયો. ‘ફિણના પરપોટા જેમ ફુટે’ તેમ રોજેરોજ કંપનીઓ તૂટવા લાગી. દેશ આખે દવ લાગિયો. મુંબઈ એટલે ‘જેવું મોટું મશાણ’, બૅંકોની ચિતાઓ બળી. જનોને  ચિત્તભ્રમ થયો, અંગે પીડા વધી, કેટલાકે હબક ખાધી, ભારેખમ ભડ નરના પણ વજન ઘટ્યા. લોકોમાં મોતની ઇચ્છા જાગી, કેટલાકે ઘરબાર ખોયાં, તો વળી કેટલાંક તો પત્ની અને બાળકોને છોડી નાસી છૂટ્યા. કૂડકપટ ચાલુ થયાં. ઉપરીઓએ પોતાના સ્વાર્થ માટે શેર લીધેલા ‘એ પણ કંપનીને ઓઢાઢ્યા’. ‘ચાહન ફરિયાદો ચાલી’. ‘કંઈ હિસાબ સોંપ્યા કોરટમાં’. ‘જ્યાં જોઈએ ત્યાં નજરે આવે, જૂઠ જૂઠ ને જૂઠ’. ગરબીઓ ઉપરાંત દોહરા, મનહર અને શાર્દૂલવિક્રીડિત છંદોમાંની ચાર રચનાઓ જુદી પંક્તિરસંખ્યા ધરાવે છે. તમામ રચનાઓમાં મજાનાં ધ્રુવપદ છે જે કલદાર સિક્કાની જેમ ભાષામાં ચલણી બન્યા છે. જેમ કે, ‘દીઠો નજરે દલપતરામ’, ‘દલપતરામ કહે એવું દેખી’, ‘દાખે દલપતરામ’. એક ગરબી ઇશ્વરપ્રાર્થનાની છે, જેને અંતે કવિ કહે છે :

‘ફરીથી મનમાં કોઈ નહીં ફૂલે, ભવમાં આ દુ:ખ નહીં ભૂલે
સુખ પામો સૌ ગામો ગામે, દીધી આશિષ દલપતરામે.’  

++++++

૦૮ ફેબ્રુઆરી ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 09 ફેબ્રુઆરી 2018

Loading

...102030...3,1733,1743,1753,176...3,1803,1903,200...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved