Opinion Magazine
Number of visits: 9766550
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુજાતા

પન્ના નાયક|Opinion - Short Stories|4 June 2018

સુજાતા વોશિંગ્ટન, ડીસીમાં કોન્ફરન્સ પતાવી ફિલાડેલ્ફિયા આવવા નીકળી. યુનિયન સ્ટેશન પર ઈન્ડિકેટર જોયું. ફિલાડેલ્ફિયાની ટ્રેન સવા દસને બદલે પોણા અગિયારે આવવાની હતી. એણે સ્ટારબક કોફી શોપમાં જઈ ચ્હા લીધી.

પર્સમાંથી ડબ્બી કાઢી મસાલો નાંખ્યો. હજી આટલાં વરસ પછી ય અમેરિકામાં ચ્હા જ અને તે ય મસાલા સાથે? એવું કોઈકે પૂછેલું તે યાદ કરીને સુજાતા મનોમન હસી પડી. યુ કેન ટેઇક મી આઉટ ઓફ ઇન્ડિયા બટ યુ કેન નોટ ટેઇક ઇન્ડિયા આઉટ ઓફ મી, એણે કહેલું.

ચ્હા લઈ એ ટ્રેનની રાહ જોતી બાંકડા પર બેઠી. આજુબાજુ નજર કરી.

જાત જાતના માણસો હતા. અમેરિકન, જાપાની, ચાઈનીઝ, ઇન્ડિયન. બાળકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો. કોઈ સેન્ડવિચ ખાતું હતું. કોઈ કોફી પીતું હતું. કોઈ કોક પીતું હતું. એક છોકરો- છોકરી આજુબાજુની પરવા કર્યા વિના પ્રેમ કરતાં હતાં. પીએ સિસ્ટમ પર ટ્રેન મોડી છે એની સતત જાહેરાત થતી હતી. એ અવાજ બીજા સઘળા અવાજને દાબી દેતો હતો.

બોસ્ટન જતી ટ્રેનની જાહેરાત થઈ. પહેલાં બાળકો, એમનાં મા-બાપ, પછી સિનિયર સિટિઝન્સ, અને એ પછી બીજાં બધાં. બધાં શાંતિથી ટ્રેનમાં ગોઠવાઈ ગયાં. ટ્રેઇન બહુ ભરેલી નહોતી. સુજાતાની સામેની સીટ ખાલી હતી. એને થયું કે એવું કોઈ ન આવે જેની સાથે વાત કરવી પડે. એને દિવસો પહેલાં શરૂ કરેલું પુસ્તક “માઈગ્રેટરી બર્ડસ” પૂરું કરવું હતું. એને શીર્ષક પર હસવું આવ્યું. યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં આવ્યું ત્યારે એ પુસ્તક પક્ષીઓને લગતું છે સમજીને બાયોલોજી લાઈબ્રેરીમાં મોકલવામાં આવેલું. ત્યાંથી લાઈબ્રેરિયનની ચિઠ્ઠી સાથે પાછું આવ્યું કે એ પક્ષીઓ પર નહીં, પણ, એવા ઈમિગ્રન્ટસ પરનું છે જે પક્ષીઓની જેમ દેશમાં અને અમેરિકા વચ્ચે અવરજવર કરતા હોય. સુજાતાને થયું કે એ પણ એવું પક્ષી જ છે જે અમેરિકામાં સ્થાયી થયા પછી અનેક કારણોસર દેશમાં આવજા કરે છે.

“ક્યાં સુધી આમ આવજા કરીશ?” સુજાતાએ મનોમન પૂછ્યું.

સુજાતાએ બારીની બહાર જોયું. શિયાળાની સવારનો ઠંડો પવન સૂસવતો હતો. બહારનાં ઠુંઠાં વૃક્ષોને કાતિલ ઠંડી ડામતી હોય એવું લાગતું હતું. અચાનક બે ડબ્બાની વચ્ચેનું બારણું ખૂલ્યું. બહારથી ધસી આવેલો પવન એના ગરમ કોટમાં પ્રવેશી શક્યો નહીં પણ એના વાળ થોડા અસ્તવ્યસ્ત કરી ગયો. બારણામાંથી એક વૃદ્ધ બાઈ પ્રવેશી. એણે માથે સ્કાર્ફ બાંધ્યો હતો. ખભે પર્સ હતી. હાથમાં ઘસાઈ ગયેલી ચામડાની બેગ હતી. એમાંથી મેકડોનલ્ડની જાહેરાત કરતા અને આખા ડબ્બામાં એની વાસ ફેલાવતા હેમ્બર્ગર અને ફ્રેન્ચ ફ્રાય ડોકાતા હતા.

“સામે કોઈ બેઠું છે?” ખાલી સીટને ચીંધતાં એ બાઈએ પૂછયું.

“ના, ના.” સુજાતા આછા સ્મિત સાથે બોલી અને “માઈગ્રેટરી બર્ડસ” અધૂરી વાર્તા શરૂ કરી. પુસ્તક ખોળામાં રાખી સુજાતાએ ફરી બારી બહાર જોયું. શિયાળાને કારણે કોઈ વનરાજી નહોતી. હતી ફક્ત મેરીલેન્ડનાં ગોઠવેલાં અને ગોઠવાયેલાં ઘરોની પેટર્ન દરમિયાન, ખોળામાંથી પુસ્તક સરી ગયું એનો સુજાતાને ખ્યાલ પણ ન રહ્યો.

“તમારું પુસ્તક.” સામે બેઠેલી બાઈએ કહ્યું.

સુજાતાએ એ બાઈના કરચલીવાળા હાથ અને મોઢા સામે જોયું. મોઢા ઉપરના ભાવ પરથી કોઈ નવીસવી બાઈ લાગી. સુજાતાને થયું કે વર્ષો પહેલાં એના ચહેરા પર પણ નવા આવનારનો ચહેરો આમ જ છતો થયો હશે.

“થેંક યુ.” સુજાતાએ આભાર માન્યો. બાઈના હાથમાં પણ પુસ્તક હતું. કવર પરનો ચહેરો સુજાતાને પરિચિત હતો. એની અતિપ્રિય મુવીના નાયકનો.

“ડોક્ટર ઝીવાગો વાંચો છો? રશિયનમાં? તમે રશિયન જાણો છો?” સુજાતાથી પૂછ્યા વિના ન રહેવાયું.

“હા.”

“તમે રશિયન છો?”

“હા, હું રશિયન છું. અંગ્રેજી પણ જાણું છું. ઘરની યાદ આવે ત્યારે રશિયનમાં વાંચું છું”. એ બાઈ બોલી.

ઘર? ઘરની યાદ? સુજાતાને એ શબ્દો થોડા ઠાલા લાગ્યા.

“એવું છે ને કે અમે થોડા મહિના પહેલાં જ અમેરિકા આવ્યા છીએ.”

“ઓહ, એમ?”

સુજાતા પોતાના વિચારમાં ખોવાઈ ગઈ. એને હવે મારું ઘર ક્યાં? કોઈની કવિતાની અંતિમ પંક્તિ યાદ આવી. એને એનું મુંબઈનું ભર્યુંભાદર્યું ઘર યાદ આવ્યું. બા-બાપાજી, ભાઈઓ-ભાભીઓ, બહેનો, ભત્રીજા-ભત્રીજીઓ. એક આદર્શ સંયુક્ત કુટુંબ. મનોહરને પરણીને અમેરિકા આવી. એ વાતને વર્ષો વહી ગયાં. ક્યારેક ક્યારેક એ જૂના આલ્બમમાંથી ફેમિલી પોટ્રેટ કાઢીને જોઈ લેતી. ગાંધીજીના જમાનાને પ્રતિબિંબિત કરતાં ખાદીના ડગલા-ટોપીમાં બેઠેલાં બાપાજી, ગુજરાતી સાડલામાં અતિ પ્રભાવશાળી લાગતાં બા, ભાઈઓ-ભાભીઓ અને વચ્ચે એ. એ આલબમ બંધ કરી દેતી અને સ્મરણની ઋતુ પણ પૂરી થતી.

હવે, એ ઘેર પહોંચશે ત્યારે હંમેશની જેમ ઘર બંધ જ હશે. પોતે ચાવીથી બારણું ખોલશે અને બારણાને એક પગે થોડો ધક્કો મારી અંદર જશે. અંદર અંધારું હશે. જમણે હાથે સ્વીચ ઓન કરશે. ઘર જેમ મૂકીને ગઈ હતી એમ જ હશે. એક વાર એણે ખાલી ઘરે આવવાની વાત મનોહરને કરેલી. ત્યારે મનોહરે કહેલું કે એ બહાર જ ન જાય તો ખાલી ઘરમાં આવવું ન પડે. વળી, ઉમેરેલું, કે, ‘આમે આપણે આપણા ઊભા કરેલા શૂન્યાવકાશમાં જ રહેતા હોઈએ છીએ.’ સુજાતાને મનોહરના એવા જવાબમાં રસ નહોતો. મનોહરના જવાબ માટે થોડો ગુસ્સો ય આવેલો. એ ધમધમ કરતી ઉપર ગયેલી. મૂંગે મોઢે ઈસ્ત્રી કરવા માંડેલી. જાણે જીવનમાં પડેલી ખાલીપણાની કરચલીઓ ભાંગતી હોય એમ. ત્યારે એ મનોહરને સમજાવી શકી નહોતી કે કેમ એ ખાલીપણાનો અનુભવ કરતી હતી. અને પછી? પછી તો એને અમેરિકા ગમી ગયું હતું. એકલા રહેવાનું કોઠે પડી ગયું હતું. મનોહરને અવસાન પામ્યે પાંચ વર્ષ થયાં હતાં. એના અવસાન પહેલાં એ રિટાયર થઈને, એની વૃદ્ધ માતાની સેવાના આશયે અમદાવાદ ગયો હતો. સુજાતાને એનો રંજ નહોતો. એને એનું ભણાવવાનું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓ હતા. અમેરિકન અને ભારતીય સરસ મિત્રો હતા. લેખનપ્રવૃત્તિ હતી. પાડોશ સારો હતો. બાજુમાં રહેતો જિમ બટલર એનું ધ્યાન રાખતો હતો.

“વિલ્મીંગ્ટન ક્યારે આવશે?” થોડા પેસેન્જર્સને ઊતરતા જોઈ રશિયન બાઈએ પૂછયું.

“આ બોલ્ટીમોર સ્ટેશન છે. આના પછી. હું તમને કહીશ.”

ટ્રેઈન બોલ્ટીમોર સ્ટેશનના પ્લેટફોર્મ પરથી બહાર નીકળી. બહાર ઝરમરતો સ્નો દેખાયો.

“અરે, સ્નો પડે છે.” સુજાતાએ કહ્યું.

“સ્નો? તમે કહ્યું સ્નો? ક્યાં છે સ્નો?”

સુજાતાએ બારી બહાર આંગળી ચીંધી કહ્યું, “આજે બે-ત્રણ ઈંચ પડવાની આગાહી છે.”

રશિયન બાઈ હસી પડી. “રશિયાનો સ્નો જોયો છે? ઢગલે ઢગલા. ક્યાં ય જમીન જ ન દેખાય. વન્ડરલેન્ડમાં હોઈએ એવું બધું સ્નો આચ્છાદિત. અમે ગરમ કપડાં પહેરીએ. ઘરમાં સગડી સળગાવીને બેસીએ. છોકરાંઓ સ્કીઈંગ કરવા નીકળી પડે. અહીં ઘર બધું બંધ બંધ. ઘરમાં હવા ગરમ ગરમ. બહારની ચોખ્ખી હવા જ નહીં. ઇન્ડિયામાં સ્નો પડે?”

“હા, પડે પણ ઉત્તરમાં. હું મુંબઈની છું.”

“તમને સ્નો ગમે?”

સુજાતા શરૂઆતના વર્ષોમાં ધકેલાઈ ગઈ. તાજા જ પડેલા સ્નોમાં એ મનોહરને ખેંચી જતી. સ્નોના ગોળા બનાવીને એકબીજા પર ફેંકતા. મનોહર ઘરમાં જાય એટલે એ સ્નો પર નામ લખવાની રમત રમતી. પછી વરસાદ પડતો ત્યારે એના લખેલા નામને વહી જતો જોઈ રહેતી.

“હા, ગમતો પણ હવે નહીં. હવે સ્નો પડે છે ત્યારે એને શવલ કરવો પડે છે જેથી ગરાજમાંથી ગાડી બહાર કાઢી શકાય.”

“અમારે ત્યાં તો છ છ મહિના સ્નો પડે. ઇન્ડિયા સુંદર દેશ છે, નહીં? મેં તો ફોટામાં જોયો છે. તમે કેમ અહીં આવ્યાં?”

એ પ્રશ્ને સુજાતાને ચમકાવી દીધી. શા માટે અહીં આવ્યાં? સુજાતાને થયું રશિયનો જેવું કપરું જીવન તો ઇન્ડિયામાં નથી અને તો ય સ્વેચ્છાએ ભારતીઓ અહીં આવ્યા અને આવે છે. ડોલર્સ કમાવા તો ખરા જ પણ સાથે સાથે વ્યક્તિગત પ્રગતિ ઉન્નતિની તક ખરી ને? સુજાતાને અનેક કારણો જડ્યાં પણ એ રશિયન બાઈના સવાલનો જવાબ ગળી ગઈ. ટ્રેન હવે થોડી ધીરી પડી હતી.

“ટ્રેન બહુ મોડી તો નહીં થાય ને? મારા હસબન્ડ મને લેવા આવવાના છે. સ્ટેશન પર રાહ જોતા હશે.”

સુજાતાને મનોહર યાદ આવ્યો. અમદાવાદ પાછા ગયા પછી એની તબિયત કથળી. શરીર એક પછી એક રોગોનું ધામ બનતું ગયું. સુજાતા તબિયત વિશે પૂછે તો એક જ જવાબ મળે ‘હોની સો હોની’. મનોહરના મેડિકલ ખર્ચને પહોંચી વળવા અને ઈન્શ્યોરન્સ કવરેજ માટે સુજાતા અમેરિકા રહી હતી, એની ભાગ્યે જ કોઈને ખબર હતી અને એણે કોઈને કહ્યું ય નહોતું.

રશિયન બાઈનો પતિ એને લેવા આવશે. એ બન્ને ઘેર જશે. દિવસો, મહિનાઓ, વરસો વીતતાં જશે. પછી? પછી એ લોકો પણ અમેરિકન થઈ જશે. અમેરિકન ભઠ્ઠીમાં એકરસ થઈ જશે. એમના કુટુંબને બહુ મીસ નહીં કરે કે કરશે?  રશિયન ભૂમિને, ત્યાંના ઘાસને, ત્યાંનાં પતંગિયાંને, ત્યાંના સ્નોને, ત્યાંના વરસાદને યાદ કરશે કે ભૂલી જશે? રશિયા આવજા કરશે? કે ઘર એટલે અમેરિકા જ કહીને અહીં સ્થાયી થશે?

“વિલ્મીંગ્ટન, વિલ્મીંગ્ટન.” ટ્રેનના કન્ડકટરે બૂમ પાડી જાહેરાત કરી.

રશિયન બાઈ ઊઠી. ઊઠતાં ડોક્ટર ઝીવાગો ખોળામાંથી પડી ગયું. સુજાતાએ વાંકા વળી લીધું. હસીને આપ્યું. આપતી વખતે રશિયન બાઈનું નામ પૂછવાનું હોઠે આવ્યું પણ ન પૂછયું. બાઈ હસતી હસતી “બાય” કહીને ઊતરી ગઈ.

સુજાતાએ જોયું તો દૂરથી એક પુરુષ ટ્રેનના ડબ્બા તરફ આવતો હતો. એણે હાથ લંબાવ્યો હતો. બાઈ એના તરફ આગળ વધી ત્યારે પુરુષે એને હોઠ પર ચુંબન આપી, હાથ ગળે વીંટાળ્યો. બન્ને જણ એકમેકને વળગી ઝરમરતા સ્નોમાં અદ્દશ્ય થઈ ગયાં.

“નેક્સટ સ્ટેશન ફિલાડેલ્ફિયા.” ટ્રેનના કન્ડકટરે બૂમ પાડી જાહેરાત કરી.

સુજાતાએ બારી બહાર જોયા કર્યું. નજર ખસેડી વણવંચાયેલું પુસ્તક બંધ કરી પર્સમાં મૂક્યું. ઊભી થઈ, રેક પરથી બેગ ઊતારી. ફિલાડેલ્ફિયા આવવાની રાહમાં દરવાજા પાસે જઈને ઊભી રહી.

’ફિલાડેલ્ફિયા નેક્સટ. ફિલાડેલ્ફિયા નેક્સટ.’ ટ્રેનના કન્ડકટરે ફરી જાહેરાત કરી.

સ્ટેશન આવ્યું. સુજાતા પ્લેટફોર્મ પરથી એસ્કલેટર લઈને ઉપર આવી. એસ્કલેટર પાસે એનો પાડોશી જિમ બટલર ઊભો હતો.

“હાય, સુ. આઈ થોટ આઈ વિલ પીક યુ અપ સીન્સ ઈટ ઈઝ સ્નોઈંગ. વેઈટ હિઅર. આઈ વિલ ગો એન્ડ ગેટ ધ કાર.” જિમે કહ્યું.

“નો, આઈ વિલ ગો વિથ યુ.” એમ કહી સુજાતા જિમની સાથે ચાલવા લાગી. એને લાગ્યું કે એ જિમને વળગીને પાર્કિંગ લોટ તરફ જઈ રહી છે અને પેલી રશિયન બાઈ એના પતિ સાથે ઊભી ઊભી એને અને જિમને જોઈ રહી છે.

*******

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/2018/06/03/પન્ના-નાયકની-વાર્તા-૧-સુજ/

Loading

બહુ મોડું થાય અને વધુ નુકસાન થાય એ પહેલાં સરકારે ખેડૂતોને સાંભળવા જોઈએ અને તેમની સમસ્યા ઉકેલવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|4 June 2018

ઉત્તર પ્રદેશમાં કૈરાનામાં લોકસભાની પેટા ચૂંટણીમાં બી.જે.પી.ના થયેલા પરાજય માટે સ્થાનિક લોકો કહે છે કે ગન્ના(શેરડી)ને જિન્નાહ કો હરાયા. કહેવાનું તાત્પર્ય એ કે દેશભરમાં ખેડૂતો ખેતીને લગતા અનેક પ્રશ્ને દુ:ખી છે અને આંદોલિત છે ત્યારે શાસક પક્ષ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મહમ્મદ અલી જિન્નાહની તસ્વીર હટાવવાની ક્ષુલ્લક વાતને વિવાદનો મુદ્દો બનાવ્યો હતો. તેમને એમ લાગતું હતું કે રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવતા રહીશું મતદાતાઓ પેટના પ્રશ્નો ભૂલી જશે. આ દેશપ્રેમ પણ એક લક્ઝરી છે. જેના પેટ ભરાયેલા હોય અથવા દશપ્રેમ દ્વારા જેના પેટ જરૂરત કરતાં પણ વધુ ભરાતા હોય, એવા લોકો તારસ્વરે દેશપ્રેમની ગર્જના કરતા હોય છે. બીજા પ્રકારના લોકો માટે દેશપ્રેમ એક ધમધમતો ઉદ્યોગ છે.

અહીં બે ફિલ્મ જોવાની ભલામણ કરું છું; એક હમણાં જ રિલીઝ થયેલી મેઘના ગુલઝારની ‘રાઝી’ ફિલ્મ, જેમાં ગળા ફાડીને પ્રદર્શિત કરવામાં આવતા ઘોંઘાટિયા દેશપ્રેમ કરતાં નક્કર ટકોરાબંધ સો ટચના સોના જેવો દેશપ્રેમ જોવા મળશે. કોઈ નિંદા નહીં, કોઈ અભિનિવેશ નહીં, માત્ર મિશન. મિશન છે દેશનું હિત. બીજી ફિલ્મ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ પર આધારિત સત્યજીત રાયની એ જ નામની ફિલ્મ છે. એમાં ત્રાડો પાડીને પ્રજાને ઉશ્કેરનારો દેશપ્રેમી જ્યારે ખરાખરીનો વખત આવ્યો, ત્યારે કઈ રીતે પ્રજાને રામભરોસે મૂકીને નાસી જાય છે એની કથા છે. એ વખતે પ્રજાના પડખે એ માણસ ઊભો રહે છે જેને આજકાલના યુગમાં દેશપ્રેમીઓ કાયર અને સુડો સેકયુલરિસ્ટ તરીકે ઓળખાવે છે.

પણ એ વાત અહીં જવા દઈએ. ચર્ચાનો મુદ્દો એ છે કે ભાવનાત્મક મુદ્દાઓ ઉછાળી ઉછાળીને ક્યાં સુધી યોગક્ષેમના વાસ્તવિક પ્રશ્નોને કાર્પેટ તળે ધકેલી શકાશે? કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી દેશભરના ખેડૂતોએ છ મહિના રાહ જોઈ હતી કે નવી સરકાર કાંઈક કરશે. સ્વામીનાથન કમિશનની ખેતપેદાશોના ભાવ ઠરાવવાને લગતી મહત્ત્વની ભલામણ સ્વીકારવામાં આવશે, એવું નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું. વચન એક નહીં અનેકવાર આપવામાં આવ્યું હતું. સ્વામીનાથન કમિશને ખેતપેદાશની પડતર કિંમત ગણવાને લગતી જે એકેડેમિક મેથડ અપનાવી હતી, એનું દેશી ભાષામાં સરળીકરણ કરીને ત્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કહેતા હતા કે એના માટે થોથા વાંચવાની ક્યાં જરૂર છે. લાગત વત્તા શ્રમ એ પડતર કિંમત અને તેના ચાર ગણા ભાવ આપવાના. કોંગ્રેસના શાસકો બેઈમાન છે એટલે એકેડમિક મેથડનો આશરો લે છે, બાકી જો ઈરાદો હોય અને ઈમાન હોય તો ચપટી વગાડતા ખેડૂતોને ન્યાય કરી શકાય. ખેડૂતોએ ત્યારે ભરોસો મૂક્યો હતો અને છ મહિના વાટ જોઈ હતી.

આવી જ રીતે સેનાના નિવૃત્ત જવાનોને તેમણે ચપટી વગાડતાં વન રેન્ક વન પેન્શન આપવાનું વચન આપ્યું હતું. તેમણે એક ક્ષણ માટે પણ વિચાર નહોતો કર્યો કે શા માટે ઇન્દિરા ગાંધી જેવા ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશનું યુદ્ધ જીત્યા પછી એ સમયના લશ્કરી પાંખના વડાઓને વિશ્વાસમાં લઈને વન રેન્ક વન પેન્શનની જોગવાઈ રદ કરી હતી. આ બધા વિચાર એણે કરવાના હોય જે શાસક તરીકે ગંભીર હોય. નરેન્દ્ર મોદી શાસક તરીકે ગંભીર ત્યારે પણ નહોતા, અને આજે પણ નથી, એ મારું નમ્રતાપૂર્વકનું તથ્યો આધારિત નિવેદન છે.

તો નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી લશ્કરી જવાનોએ અને ખેડૂતોએ છ મહિના રાહ જોઈ હતી અને છ મહિનામાં જ્યારે ખાતરી થઈ ગઈ કે સરકાર ગંભીર નથી ત્યારથી તેઓ બન્ને આંદોલિત છે. જી હા, સાડા ત્રણ વરસથી લશ્કરી જવાનો અને ખેડૂતો રસ્તા પર છે. ખોળામાં બેસી ગયેલા બીકાઉ પત્રકારો તેના વિષે વાત નથી કરતા અને વખત આવ્યે નાસી જનારા દેશપ્રેમીઓ બીજા ફાલતું વિષયે ઘોંઘાટ કરી રહ્યા છે, એનો અર્થ એવો નથી કે વાસ્તવિકતા મટી ગઈ છે. સતાવનારી વસ્તવિકતાઓને અન્ય ઘોંઘાટમાં દબાવી દેવી, કાર્પેટ તળે ધકેલી દેવી અને તેનો સામી છાતીએ સામનો કરવો એમાં જમીન-આસમાનનો ફરક છે. ભલે સફળતા ન મળે પણ પ્રયાસ તો કર્યો! પ્રજા પણ પ્રયાસની નોંધ લેતી હોય છે.

આજે ખેડૂતોને મેસેજ એવો ગયો છે કે આ સરકાર તેમની સમસ્યાની બાબતે ગંભીર નથી. ગંભીર નથી એટલે ત્યાં સુધી ગંભીર નથી કે વડા પ્રધાને, આય રિપીટ, વડા પ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરી દીધી હતી કે ૨૦૨૨ સુધીમાં ખેતીની આવક અર્થાત્‌ કૃષિવિકાસદર બમણો કરવામાં આવશે. બોલતા પહેલાં બે ડાહ્યા માણસને પૂછ્યું હોત તો તેમણે આવું બોલતા વાર્યા હોત. કૃષિવિકાસદર બમણો કરવો હોય તો ૧૪ ટકાનો વિકાસદર જોઈએ અને આખી ૨૦મી સદીમાં આ જગતના કોઈ દેશે એટલો વિકાસદર હાંસિલ કર્યો નથી, એમ આસુતોષ વાર્શનેય જેવા જાગતિક કીર્તિ ધરાવતા વિદ્વાન કહે છે. હરિયાળી ક્રાંતિના યુગમાં પણ નહીં, જ્યારે આજે તો અનેક દેશોમાં કૃષિવિકાસદર નેગેટિવ છે. જ્યારે ફેંકવું જ હોય અને ફેંકવાથી પ્રજા મુઠ્ઠીમાં રહેવાની છે, એની ખાતરી હોય ત્યારે તથ્યો ચકાસવાની માથાકૂટમાં કોણ પડે. આ વરસના બજેટમાં ખેડૂતોને તેની ખેતપેદાશની પડતર કિંમત પર દોઢ ગણો ટેકાનો ભાવ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ પડતર કિંમતની ગણતરીની પદ્ધતિ બદલી નાખવામાં આવી છે. વડા પ્રધાને જે દેશી હિસાબની વાત કરી હતી, તેના કરતાં જુદી રીતે. આ છેતરપિંડી હતી અને ખેડૂતો એ જાણે છે.

ધીરે-ધીરે કરતાં ખેડૂતોનું સ્થાનિક અંદોલન રાષ્ટ્રીય બનવા લાગ્યું છે. દસ કરતાં વધુ રાજ્યોમાં ૧૧૦ સંગઠનોએ ગાંવબંધી કરી છે, એટલે કે તેઓ તેમનું ઉત્પાદન ગામની બહાર મોકલતા નથી અને તેમાં દૂધનો પણ સમાવેશ થાય છે. ફેંકી દેશું કે ઢોળી નાખશું પણ લૂંટાશું નહીં એવી તેમની માંગણી છે. આ માગણીમાં ખોટું શું છે? કયો વેપારી કે ઉદ્યોગપતિ ખોટ કરીને દેશની સેવા કરે છે? આટલાં બધા રાજ્યોમાં એકસાથે આંદોલન ચાલતું હોય, ૧૧૦ જેટલા સંગઠનો સંગઠિત થયા હોય અને દિવસો વીતે એમ આંદોલન વિસ્તરતું હોય, ત્યારે કોઈ પણ શાસક તેને ગંભીરતાથી લે, પણ આપણા અત્યારના શાસકો તો વિલક્ષણ છે.

હરિયાણાના મુખ્ય પ્રધાન કહે છે કે ખેડૂતોનું આંદોલન એ નોંધ લેવી જોઈએ એવો મુદ્દો જ નથી. એ નોન-ઈશ્યુ છે. કેન્દ્રના કૃષિ પ્રધાન કહે છે કે ખેડૂતોનું આંદોલન એ આંદોલન નથી, પણ સ્ટંટ છે. કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કહે છે કે આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. જો એમ હોય તો શાસક પક્ષે કોંગ્રેસને હસી કાઢવાની જગ્યાએ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. કોંગ્રેસમાં એટલી શક્તિ આવી ગઈ છે કે તે એક ડઝન રાજ્યોમાં લોકોને એક સાથે આંદોલિત કરી શકે છે. ડહાપણભર્યું નિવેદન એક માત્ર કેન્દ્રના ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કર્યું છે. તેમણે કહ્યું છે કે કૃષિ સમસ્યા અત્યંત પેચીદી સમસ્યા છે એટલે તેને ગંભીરતાથી સમજવી પડશે અને ઉકેલવી પડશે. નીતિન ગડકરીનું નામ આજકાલ ૨૦૧૯ પછીના વડા પ્રધાન તરીકે લેવામાં આવે છે એ યોગાનુયોગ નથી. અને વડા પ્રધાન? તેઓ હંમેશ મુજબ ચૂપ છે, વિદેશયાત્રાએ છે અને ફિઝિકલ ફિટનેસ વિષે મંત્ર આપે છે. તેમની પાસે શાસન સિવાય દરેક કામ માટે સમય છે.

ખેડૂતો, યુવાનો, દલિતો અને સ્ત્રીઓ ૨૦૧૯નો ખેલ બગાડી નાખે તો આશ્ચર્ય નહીં.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જૂન 2018

Loading

તળાવના સમૃદ્ધ લોકવારસાનો નાશ કરીને આપણે જળસંચય અભિયાનો ચલાવીએ છીએ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 June 2018

તળાવના સમૃદ્ધ લોકવારસાનો નાશ કરીને આપણે જળસંચય અભિયાનો ચલાવીએ છીએ

અનુપમ મિશ્રનું ‘આજ ભી ખરે હૈં તાલાબ' પુસ્તક ભારતનાં તળાવો વિશેની સુંદર હાથપોથી જેવું છે: ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નયેં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નયે સમાજકે માથે મેં ભર ગઈ હૈ !’

પર્યાવરણ અને જળસંચયના ગાંધીમાર્ગી અભ્યાસી અનુપમ મિશ્ર (૧૯૪૮-૨૦૧૬) ‘આજ ભી ખરે હૈ તાલાબ' પુસ્તકની શરૂઆતમાં લખે છે : ‘આ સદીના આરંભ સુધી આ દેશમાં કંઈ અગિયારથી બાર લાખ તળાવો આસો મહિનાના પહેલા દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં ભરાઈ જતાં અને પછીના જેઠ મહિના સુધી વરુણ દેવતાની પ્રસાદી વહેંચતાં રહેતાં.' પુસ્તકના છેલ્લા આઠમા પ્રકરણમાં તે કહે છે : ‘ઉપેક્ષા કી આંધી મેં કઈ તાલાબ ફિર ભી ખડે હૈ. દેશ ભર મેં કોઈ આઠ સે દસ લાખ તાલાબ આજ ભી ભર રહે હૈ ઔર વરુણ દેવતા કા પ્રસાદ સુપાત્રોં કે સાથ સાથ કુપાત્રોં મેં ભી બાંટ રહે હૈ.'

આધુનિક શિક્ષણ અને એન્જિનિયરિંગથી બહુ પહેલાં લાખો તળાવો બાંધીને જાળવી જાણનારા સમાજના કુદરત માટેનાં આદર અને માનવજીવન માટેની આસ્થાનું, તેની બુદ્ધિમત્તા અને સહકારનું આ લેખકે આ પુસ્તકમાં ડગલે ને પગલે ગૌરવ કર્યું છે. માટીની મહેક ધરાવતી ભાષામાં લખાયેલા એકેક વાક્યમાં ભારતીય સમાજમાં તળાવ નામની ઘટના વિશેના જ્ઞાન અને લાગણી સમાયેલાં છે. જો કે અંગ્રેજ રાજના સમયથી કહેવાતા ભણેલા શહેરી સમાજને કારણે તળાવ-સંસ્કૃિતની થયેલી ઉપેક્ષા અને બેહાલી પણ અનેક જ્ગ્યાએ વ્યક્ત થાય છે.

લગભગ આખા દેશના તળાવોના અભ્યાસ કરીને ૧૯૯૨માં બહુ જ સહજ-સુંદર ભાષામાં લખેલાં સચિત્ર પુસ્તકમાં અનુપમ મિશ્રએ પોતાનું નામ એક જ વાર અને જલદી ન જડે તેવી રીતે મૂક્યું છે. દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને પ્રસિદ્ધ કરેલા આ પુસ્તક માટે લેખકે કૉપીરાઇટ રાખ્યા નથી એટલે તે ઘણી સંસ્થાઓએ છાપ્યું છે અને તેની અઢી લાખ નકલો લોકોએ વસાવી છે. તે ફ્રી ડાઉનલોડ થાય છે. તેનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી અને ફ્રેન્ચમાં અનુવાદ થયો છે.

‘પાલ કે કિનારે રખા ઇતિહાસ' એવાં પહેલાં પ્રકરણમાં મિશ્રજી એક લોકકથાને આધારે તળાવો બનાવવા પાછળનો સમાજનો હેતુ જણાવે છે : ‘અચ્છે અચ્છે કામ કરતે જાના, તાલાબ બનાતે જાના.' આ દેશે પાંચમી સદીથી ૧,૪૦૦ વર્ષ અગણિત તળાવ બનાવ્યાં. તે બનાવનારા સમાજના બધા વર્ગના અસંખ્ય સ્ત્રી-પુરુષોનાં મનમાં બધી વખતે એમ હતું કે ‘આપણા ભાગે આવેલું પાણીનું દરેક ટીપું એકઠું કરી લેવું અને સંકટ સમયે આસપાસના વિસ્તારમાં એને વહેંચી દેવું. વરુણ દેવતાના પ્રસાદને ગામ પોતાના ખોબામાં ભરી લેતું.' લેખક ભૂતકાળના તળાવના કેટલાક આંકડા પણ આપે છે. મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં પાંચ હજાર તળાવ, મદ્રાસ પ્રેસિડેન્સિમાં ત્રેપન હજાર, મૈસૂર જિલ્લામાં ઓગણચાળીસ હજાર અને દિલ્હીમાં એક તબક્કે સાડા ત્રણસો. રાજસ્થાનમાં તો તળાવ ગણવાને બદલે ગામ ગણીને એને બે કે ત્રણ વડે ગુણવાનું સહેલું પડે ! 

રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને બિકાનેર જિલ્લા દેશના સહુથી વધુ ગરમી અને સૌથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આવે છે. ત્યાંના તમામ ગામોમાં બારે મહિના પાણી આપનાર તળાવ-વ્યવસ્થા વિશે અનુપમજી ‘મૃગતૃષ્ણા ઝુઠલાતે તાલાબ' પ્રકરણમાં વિસ્તારથી લખે છે. અહીંના લોકો, પાણીની અછતને કુદરતના અભિશાપ તરીકે નહીં પણ એક લીલા ગણીને તેમાં એક કુશળ ખેલાડી તરીકે જોડાયા. ગડસીસર (ગડીસર) તળાવ ૬૬૮ વર્ષ જૂનું છે, પણ જીવે છે. તેને બનાવવામાં રાજાએ લોકો સાથે ખભે ખભા મિલાવ્યા હતા. તેનું પ્રવેશદ્વાર દૂર સિંધ પ્રાંતમાં રહેનારી ટીલો નામની ગણિકાએ બનાવડાવ્યું છે. આજે ગડસીસર(ગડીસર)ના ‘આગૌર' એટલે કે જલાગમ વિસ્તારમાં સેનાના વાયુદળનું વિમાનઘર છે ! બચેલા હિસ્સામાંથી પનિહારીઓ ઉપરાંત ટૅન્કરો પણ ડીઝલ પંપથી પાણી ખેંચીને લઈ જાય છે ! 

જો કે તળાવોની આવી દુર્દશા વિશે આખું પ્રકરણ પુસ્તકના આખરમાં છે. અંગ્રેજોએ આવીને તેમની માન્યતા મુજબ આ દેશમાંના જ્ઞાનને દસ્તાવેજોમાં શોધવાની કોશિશ કરી જેની કોઈ પદ્ધતિ આપણે ત્યાં ન હતી. એટલે તેમણે માની લીધું કે જ્ઞાન છે જ નહીં. એમણે એમની પદ્ધતિએ પાણીનું કામ શરૂ કર્યું. તળાવ બનાવનારા ‘અભ્યસ્ત હાથ' હવે ‘અકુશળ કારીગર' બન્યા, ગુણીજન હવે તાલીમ વિનાના અણઘડ માણસો લાગવા માંડ્યા. તળાવોની વ્યવસ્થા કોઠાસૂઝવાળા ગામલોકો પાસેથી અંગ્રેજ સરકારના હાથમાં જતી રહી. મૈસૂર રાજ્યનાં ૩૯,૦૦૦ તળાવોની અંગ્રેજોએ કરેલી દુર્દશા અનેક કિસ્સાઓમાંથી એક છે.

આપણને આઝાદી અપાવનારાઓએ નાશ પામતી તળાવસમૃદ્ધિ તરફ ધ્યાન જ ન આપ્યું. કસબા અને શહેરો, પી.ડ્બ્લ્યુ.ડી. અને વૉટર વર્ક્સ, પાઈપલાઇન અને નળ આવ્યા. ઇન્દોરનાં જે બિલાવલી તળાવનાં પાણીમાં ફ્લાઇન્ગ ક્લબનું વિમાન પડ્યું તેનો કાટમાળ શોધવામાં તકલીફ પડી હતી, તે ‘એક સૂકું મેદાન બન્યું'. તેની નજીક આવેલાં દેવાસમાં એક જમાનામાં સંખ્યાબંધ તળાવ હતા, જેની પર એટલું બધું બાંધકામ થયું કે ૧૯૯૦ ના એપ્રિલમાં અહીં રેલવેથી પાણી લાવવું પડ્યું. લાખા વણઝારાએ છસોએક વર્ષ પહેલાં મધ્ય પ્રદેશમાં બંધાવેલાં સાગર તળાવ પર ચાર શિક્ષણ સંસ્થાઓ બની, અગિયાર સંશોધન ગ્રંથો લખાયા, અને તળાવની મુશ્કેલીઓ વધી જ રહી છે ! આ બધા વચ્ચે આજે આઠ-દસ લાખ તળાવ ઊભાં છે. મિશ્રજી લખે છે : ‘કઈ તરફ સે તૂટે સમાજમેં તાલાબોં કી સ્મૃિત અભી ભી શેષ હૈ.'

જો કે આપણી સ્મૃિતમાંથી ભૂંસાઈ ગયા છે તળાવ બનાવનારા લોકો : ‘સૈંકડોં, હજારો તાલાબ શૂન્ય મેં સે પ્રકટ નહીં હુએ થે. લેકીન ઉન્હેં બનાનેવાલે લોગ આજ શૂન્ય બના દિએ ગએ હૈ.' એમના વિશે અનુપમજી તેમના વિશે ‘સંસાર સાગર કે નાયક' નામનું આખું પ્રકરણ લખે છે. તેમાં તેઓ તળાવો બનાવનારા અનેક રાજ્યોના એંશીથી વધુ સમૂદાયોની તેમના કામ સાથે નોંધ લે છે.તેમાં સલાટ, ભીલ, ગોંડ, માળી, કોળી, સંથાલ, મુસહર જેવા થોડાક પરિચિત શબ્દો મળે; જ્યારે ગજધર, સિરભાવ, થવઈ, પથરોટ, બુલઈ, મુરહા, ડાંઢી જેવા સાવ અજાણ્યા હોય. જસમા ઓડણ તે ‘ઓડ' સમૂહની અને લાખાજીતે વણજારા કોમ. બધાંનો માટી સાથેનો પાકો નાતો લેખક હૃદયસ્પર્શી રીતે સમજાવે છે. ‘સહસ્રનામ' પ્રકરણમાં લેખક તળાવ માટેનાં નેવું જેટલાં શબ્દો તેના પ્રદેશ અને વ્યુત્પત્તિ મૂજબ સમજાવે છે. 

‘નીંવ સે શિખર તક' અને ‘સાગર કે આગર' પ્રકરણો અનુક્રમે તળાવ બનાવવાની રીત અને તળાવના જુદા જુદા અંગો વિશેનાં છે. આવાં ટેકનિકલ પાસાં પર અનુપમજીએ લખ્યું છે તેટલી વાચનીય રીતે ભાગ્યે જ વાંચવા મળે. ‘સાફ માથે કા સમાજ' નામનું પ્રકરણ તળાવોની ચોખ્ખાઈ અને જાળવણી માટે રચાયેલી આખી એક શાણપણભરી સિસ્ટમનું વિવરણ કરે છે. તેમાં તળાવને કાંઠે મોટાં ઝાડ ઊગાડવાનું અને તળાવમાંથી ‘સાદ' એટલે કે ‘ગારો' કાઢીને તેનો ઉપયોગી રીતે નિકાલ કરવાનું બહુ મહત્ત્વનું હતું. ‘સાફ માથાનો એ વખતનો સમાજ સાદને સમસ્યા નહીં પ્રસાદ ગણતો'. આજે આપણે તળાવ સાફ કરવાની ઝુંબેશો હાથ ધરી રહ્યા છીએ. અનુપમ મિશ્ર લખે છે : ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નએં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નએ સમાજકે માથે મેં ભર ગઈ હૈ !'

e.mail : sanjaysbhave@yahoo.com


સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય” 25 મે 2018

Loading

...102030...3,1563,1573,1583,159...3,1703,1803,190...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved