Opinion Magazine
Number of visits: 9686365
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલકિલ્લા

મનીષી જાની|Opinion - Opinion|17 May 2018

 

 

 

 

 

 

યાદ આવે છે
બચપણના દિવસો,
દિવાળીના દિવસોમાં
મા પાસે ઊભી રહી,
ફટાકડા ફોડાવતી.
ઝીણા લાલલીલા
લવિંગિયા ટેટા
અમે ફૂટી ગયેલાં
તારામંડળના સળિયામાં
ભરાવી એક પછી એક
ફોડતાં..
માને પણ ફટાકડા
ફોડવાનો,
ખાસ કરીને ટેટાની
લૂમ ફોડવાનો ભારે શોખ,
થોડીવારમાં તો તડતડ
તડાફડી થઈ જાય ..

લાલકિલ્લા છાપ
લાલ ટેટા ફૂટતાં હોય,
ત્યારે તો કાનમાં આંગળીઓ
ખોસી દઈ જોયાં કરતાં અમે ..
ને
બે, ત્રણ,ચાર વર્ષમાં તો
એકલા જાતે
લાલકિલ્લા છાપ મોટ્ટા
લાલ ટેટા ફોડવાની
આઝાદી મળી ગઈ ..

લાલકિલ્લા છાપ લાલ ટેટા
તો ફટાફટ ફૂટતાં
ને
લાલ ટેટાની લૂમ પરનું
લાલકિલ્લાનું ચમકતું ચિત્ર
નોટબુકની વચ્ચે મુકાતું.
દિવાળી તો ભાગી જતી, નોટબુકમાં
લાલકિલ્લાનું ચમકતું ચિત્ર
તો ધબકતું રહેતું …
ને
કિશોરાવસ્થા વટાવી
યુવાવસ્થાએ તો
આઝાદીની પાંખો જ
પહેરી લીધી,
જે કરવું હોય તે
જાતે કરવાની પૂરી આઝાદી ..
અને
"યહ આઝાદી અધૂરી હૈ,
આગે ઔર લડાઈ હૈ …"
નાં સૂત્રો પોકારતાં
સરઘસો, ઘરણાં, દેખાવોમાં
જોડાઈને પગ દોડવા માંડ્યાં …
અને
ખાસ યાદ આવે છે ..
મિલો, કારખાનાં, ફૅક્ટરીઓના ઝાંપા પર શેરી નાટકો,
કામદારોની સભાઓ
જ્યાં
અમે બુલંદ અવાજે પોકારતાં ..
"લાલકિલ્લે પર
લાલ નિશાન,
માંગ રહા હૈ હિન્દુસ્તાન .."

મને એ વાત તો
ફરીફરીને
ગઈ કાલથી યાદ આવે છે ..

થોડાં વર્ષો પહેલાં
લાલકિલ્લા પર
ફરફરતો ત્રિરંગો
જોયો
ને
લાલકિલ્લામાં
ઊંચે-ઊંચે જતાં
ભવ્ય પગથિયાં જોઈ
બેઘડી તો ઊભો
રહી ગયો.

કેડે વાંકી વળી ગયેલી
એક વૃદ્ધ મા તો
પગથિયે જ બેસી પડી
ને કહેવા માંડી :
‘બેટા !
તું જા, જોઈ આવ, આખો
લાલકિલ્લો … મારું કામ નહીં, મારા માટે કપરાં ચઢાણ ..’
દીકરાએ તો
હસતાં-હસતાં
ઉઠાવી લીધી માને
ને
ખભે બેસાડી દીધી ..
ને કહેવા માંડ્યો :
"મારી આંખો ય જુએ બધું
ને
તારી આંખો ય બધું જુએ .."

કપાળ પર પરસેવો,
હોઠ પર સ્મિત
ને ખભે બેઠેલી
મા
ચારે બાજુ બધું
ઝીણી આંખે
જોયાં કરે.
ચશ્માંના જાડા-જાડા
કાચની પેલે પાર …

આ બધું મને
ખૂબ યાદ આવે છે
ગઈ કાલથી ..

ગઈ કાલે મેં
દિલ્હીના ચોરબજારમાં,
જ્યાં
ઘરમાં ભારરૂપ,
જૂનીપુરાણી, નકામી વસ્તુઓ,
ઘરમાંથી કાઢી નંખાયેલી,
વેચાયેલી ચીજો
યા
ચોરીનો માલ
રસ્તે વેચાતો હોય છે,
ત્યાં મેં રસ્તે
વેચવા મૂકેલા
પુરાના કિલ્લા,
લાલકિલ્લાને ય જોયો.

૨૯ એપ્રિલ, ૨૦૧૮

(લાલકિલ્લા-પચીસ કરોડમાં દત્તકદિન)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 18

Loading

સ્ટ્રેન્ડ બુકશૉપ, હવે ભૂતકાળ

પીયૂષ પારાશર્ય|Opinion - Opinion|17 May 2018

મુંબઈની પ્રતિષ્ઠિત – સ્ટ્રેન્ડ બુકશૉપ

અંગત-સ્પર્શનું અમૂલ્ય પ્રતીક – હવે એક ભૂતકાળ

અંગત-સ્પર્શ(પર્સનલ ટચ)ના પ્રતીક સમાન, મુંબઈના ધમધમતા ફોર્ટના વ્યાપારી વિસ્તારમાં આવેલી સ્ટ્રેન્ડ બુકશૉપ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે બંધ થઈ. પુસ્તકપ્રેમીઓ માટે અને ખાસ તો મુંબઈગરાંઓ માટે અને જ્યારે પણ મુંબઈ જવાનું થાય, ત્યારે આ પુસ્તકની દુકાનમાં જનારી વ્યક્તિઓ માટે એક મોટો અભાવ સર્જાયો. ખૂબ જ માહિતીસભર અને વિનમ્ર સ્ટાફ જોઈતું પુસ્તક મેળવી દેવા માટે ગ્રાહકને મદદ કરે અને જો હાજરમાં ન હોય, તો થોડોએક દિવસોમાં મેળવી આપવાનું વચન આપે. એ બધાંની પાછળ તેના સ્થાપક અને સદ્‌ગૃહસ્થ ટી.એન. શાનબાગ હતા, જેઓના પર્સનલ ટચથી સ્ટ્રેન્ડની પ્રતિષ્ઠા આસમાને હતી. દરેક પુસ્તક ઉપર ૨૦ ટકાનું વળતર એ દરેક ગ્રાહકને અચૂક અપાતો બીજો લાભ હતો અને બિલમાં દરેક પુસ્તકનું નામ તો લખ્યું જ હોય.

૧૯૪૮માં મુંબઈના સ્ટ્રેન્ડ સિનેમામાં શાનબાગે એક કિયોસ્ક મુકાવેલું અને તેથી જ્યારે મોટી દુકાન કરી, ત્યારે પણ એ જ નામ રાખ્યું અને શાનબાગનું ૨૦૦૯માં અવસાન થયું, ત્યાં સુધી આ જ નામ રહ્યું. સ્ટ્રેન્ડની દુકાનમાં વારંવાર જવાનું સદ્‌ભાગ્ય મને મળ્યું છે અને પૅંગ્વિનના પ્રકાશિત અનેક પેપરબૅક ત્યાંથી ખરીદ્યાં છે. જ્યાં પોલ સ્પોટ્‌ર્સ, આબ્બર્તો મોરાવિયા, અને બીજાં અનેક અને તેમાં ખાસ કરીને નોબેલ પ્રાઇઝ- વિજેતા લેખક સોલબેલોની નવલકથાઓ ‘હર્ઝોગ’ (જેના વિષે સ્વ. ડૉ. દિગીશ મહેતાએ ગ્રંથમાં આસ્વાદ કરાવેલો અને જે લેખક ઉપર ઉમાશંકર જોશીનાં પુત્રી સ્વાતિ જોશીએ ડૉક્ટરેટ કરેલું) અને ‘સીઝ ધડે’ શાન લાગે મારા હાથમાં મૂકેલાં ત્યારે ખૂબ જ રોમાંચ અનુભવેલો, અનેક વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ગ્રંથસંગ્રાહકો, લેખકો અને અનેક રાજદ્વારી વ્યક્તિઓએ આ શોપમાંથી પુસ્તકો ખરીદ્યાં છે, જે પૈકી જવાહરલાલ નેહરુ, મનમોહનસિંહ, (જેઓ ત્યારે બાજુમાં જ આવેલી રિઝર્વબૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર હતા, એ.પી.જે. અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ અને બીજા અનેકોએ અહીંથી પુસ્તકો ખરીદ્યાનું નોંધાયું છે. જાણવા પ્રમાણે તો સ્ટ્રેન્ડમાં રહેલું દરેક પુસ્તક શાનબાગે વાંચેલું જ હોય અથવા તો એ પુસ્તક વિશે તેઓ વાત કરી શકતા અને તેમને જાણકારી તો હોય જ. તમને બીજે ક્યાં ય ન મળે પણ તમને જોઈતું પુસ્તક સ્ટ્રેન્ડમાંથી તો મળી જ રહે. તાત્કાલિક ન મળે, તો મેળવી આપશું, એ આશ્વાસન તો મળે જ.

આ પ્રકારની બુકશૉપ્સ અનેક મોટાં શહેરોમાં આવેલી છે, જેમ કે બૅંગ્લૉરમાં ‘બ્લોસમ્સ’, લખનઉમાં ‘અડવાણી’, દિલ્હીમાં ‘બેહરીસન્સ’ આ બધી દુકાનોનું સંચાલન કે માલિકી એવા લોકોના હાથમાં છે કે જેમને પુસ્તકો માટે અતિશય આદર છે, દુકાનો પણ આરામદાયક અને આત્મીયતનો અનુભવ કરાવે છે. પણ આ પૈકી ‘અડવાણી’ બંધ પડી છે.

શાનબાગનાં પુત્રી વિદ્યાવિરકરના મતે પુસ્તકોની દુકાન ચલાવવી એ હવે આર્થિક રીતે પરવડે તેવું રહ્યું નથી. લોકો હવે ડિજિટલ પુસ્તકો ખરીદે છે. અથવા તો ઑનલાઇન મેળવી લે છે. બીજાં કારણો પણ હોઈ શકે, જેમ કે જાણકારી ધરાવતા કુશળ કર્મચારીઓ ન મળે, બીજાં ઉદ્યોગગૃહો તરફથી સ્પર્ધા અને ખરે તો લોકો હવે પુસ્તકો ખરીદતાં નથી. અપવાદ રૂપે  અમદાવાદ, વડોદરા જેવાં શહેરોમાં ‘ક્રૉસવર્લ્ડ’ની દુનિયા  સરસ ચાલે છે. આવી અન્ય શહેરોમાં પણ હશે જ.

પણ કદાચ આધુનિક સમયમાં લોકો પાસે નાની અને આત્મીય જગ્યાઓ માટે સમય કે ફુરસદ નથી. મુંબઈમાં ત્રણ વર્ષ પહેલાં જ કલાકારો, ફિલ્મનિર્માતાઓ, પત્રકારો અને સર્જકોએ મળવા માટેના આદર્શ સ્થાન સમાન ‘સમોવર’ નામની લીકર અને નાસ્તાની દુકાન બંધ થઈ ગઈ છે. તેના થોડા સમયમાં જ મુંબઈ અને કદાચ તો દેશનું સૌથી જાણીતું ‘રિધમહાઉસ’ બંધ થયું. બદલાતી ટેક્‌નોલૉજી સામે ઝીક ન ઝીલી શક્યું (ખબર પ્રમાણે આ નીરવ મોદીને વેચવામાં આવ્યું છે, જો કે સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં નથી આવી). મુંબઈમાં ઈરાની હોટેલો ગણીગાંઠી છે. દોડધામમાંથી આરામ અને શાંતિ બને તેવાં સ્થળો હવે ઘટતાં જાય છે. ‘મારાં માતા-પિતા’ હું નાનો હતો, ત્યારે મને અહીં લઈ આવ્યાં હતાં અને આજે હવે હું મારાં સંતાનોને લઈને આવ્યો છું. – આવી કૉફીશૉપ આવાં સ્થળોએથી થોડાં વર્ષોમાં અદૃશ્ય થઈ જશે.

‘સ્ટ્રેન્ડ’ બંધ થઈ રહ્યું છે, તે સમાચાર ફેલાતાં સંવેદનશીલ લોકોએ તીવ્ર આઘાતની લાગણી વ્યક્ત કરી હતી અને યાદ કરેલું કે શાનબાગે તેમને કેવું વળતર આપ્યું હતું અથવા તો પૈસા પછીથી આપજો એમ કહ્યું હતું. કોઈ પુસ્તકપ્રેમી નિરાશ થઈને જવો ન જોઈએ, એ તેનો મુદ્રાલેખ હતો.

તેની જગ્યાએ કંઈક નવું ઊભું થશે. ‘સ્ટ્રેન્ડ’ કદાચ ભુલાઈ જશે, પરંતુ ત્યાં નિયમિત રીતે જતા લોકો કે જેઓ બુકશેલ્ફમાંથી તેમને જોઈતાં પુસ્તકો મેળવી લેતાં અને ખાસ તો ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ સાથે અને શાનબાગ સાથેનું સગપણ, ચિરંજીવ રહેશે. ભાવનગર શહેરની પુસ્તકોની પ્રતિષ્ઠિત સંસ્થા ‘પ્રસાર’ બંધ થયાના સમાચાર ‘નિરીક્ષક’માં પ્રકાશિત થયા હતા. સંભવતઃ સમગ્ર ભારતમાં આજે આ દશા છે.

(પૂરક માહિતી : સૌજન્ય : સિદ્ધાર્થ ભાટિયા)

લખ્યા તા. ‘વિશ્વપુસ્તક દિવસ’, ૨૩-૪-’૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 19

Loading

ભદ્રંભદ્રના વર્તમાન વારસદારો

હરેશ ધોળકિયા|Opinion - Opinion|16 May 2018

લ્યો! ફરી એક મંત્રી – અને આ વખતે તો મુખ્યમંત્રી – બોલ્યા કે ભારતમાં તો ઇન્ટરનેટ મહાભારતકાળમાં પણ હતું. સંજયે ધૃતરાષ્ટ્રને જે યુદ્ધવર્ણન કર્યું, તે પોતે ઇન્ટરનેટની મદદથી જોઈને કરેલું.

ફરી એક વાર આપણું મિથ્યાભિમાન પ્રદર્શિત થયું. સામાન્ય માણસ તો ઠીક છે, પણ આ તો કહેવાતા નેતા – મુખ્યમંત્રી દ્વારા પ્રગટ થયું.

ફરી એક વાર આપણે શા માટે પછાત છીએ અને શા માટે પછાત રહેતા આવ્યા છીએ, તેનું કારણ પ્રગટ થયું.

ભારતનો ઇતિહાસ ભવ્ય છે એમ કહવાય છે, પણ હકીકતે ભારતનો ઇતિહાસ મિથ્યાભિમાનથી છલકાય છે. હા, ઇતિહાસમાં કેટલાક ભવ્ય અને ઉત્તમ બનાવો બન્યા છે, પણ મહદ્‌ અંશે જોશું તો મિથ્યાભિમાનના બનાવો વધારે બન્યા દેખાય છે. સમગ્ર ઇતિહાસ બણગાં ફૂંકવાનો ઇતિહાસ છે.

ભારતે ઇન્ટરનેટની તો નહીં, એક પ્રાઇમસની પિન પણ શોધી નથી. આજે આપણે જે વસ્તુઓનો કે સગવડોનો ઉપયોગ કરીએ છીએ, તે બધી વસ્તુઓ આપણે જેને ધિક્કારીએ છીએ તે દુષ્ટ ભોગવાદી પશ્ચિમે શોધી છે. આપણે તો કેવળ દંભ અને મિથ્યાભિમાનની જ શોધ કરી છે.

દુઃખ લાગે છે ને વાંચવાનું ? પણ સત્ય છે. તપાસીએ.

આપણે અભિમાનથી કહીએ છીએ પહેલું વિમાન ભારતમાં શોધાયું છે – પુષ્પક વિમાન, રામાયણમાં. રામ તેમાં બેસી લંકાથી અયોધ્યા પાછા આવ્યા હતા. રામાયણમાં તેનો ઉલ્લેખ છે તે સાચું, પણ તે વાલ્મીકિની કલ્પના છે – સાહિત્યિક કલ્પના! હકીકતે કશું નથી શોધાયું. કદાચ સવાલ પૂછાય કે કેમ? તે તેનો જવાબ છે જો રામાયણ સમયમાં પુષ્પક વિમાન હતું, તો પછીના કોઈ જ સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ કેમ નથી? પછીના રાજાઓ પણ એવા જ જબરા હતા. મહાભારતનું રાજ્ય એટલું સમૃદ્ધ હતું કે તે પુષ્પક વિમાન રાખી શકતું હતું. કેમ નથી તેમાં ? કારણ કે તે કલ્પનામાં જ ન હતું. વાસ્તવમાં ન હતું. વાસ્તવમાં એક વાર જે વસ્તુ તૈયાર થાય, તેની નકલ પછી સતત થાય. તેમાં પણ સગવડની નકલ તો થાય જ. જો રામ કે રાવણ જેવા રાજા પુષ્પક વિમાન રાખી શકતા હતા, તો પછીના રાજા કાં ન રાખી શકે? રામાયણને બાદ કરતાં કોઈ જ સંસ્કૃત – સાહિત્યમાં ક્યાં ય વિમાનનો ઉલ્લેખ નથી. તે હોવાનો કોઈ જ નક્કર પુરાવો નથી. અરે, વાલ્મીકિએ કલ્પના કરી તો પણ પછી કોઈએ તેને બનાવવાનો પુરુષાર્થ કર્યો હોય તેવું નથી દેખાતું. આ કહેવાતું ગૌરવ પણ મિથ્યાભિમાન જ છે!

તો બ્રહ્માસ્ત્ર કે વાયવાસ્ત્ર કે અન્ય બાણો? એ પણ કેવળ કલ્પના છે. જો એ હતાં તો પછીના કાળમાં તેનો ઉપયોગ કેમ નથી દેખાતો? રામાયણ કે મહાભારત તો માની લઈએ કે કાલ્પનિક છે, પણ જ્યારથી ઇતિહાસ લખાવો શરૂ થયો ત્યાર પછી ક્યાં ય આ બધાંનો ઉલ્લેખ કેમ નથી? એક શોધ થાય તે પછી સતત ઉપયોગમાં લેવાતી હોય છે. રથ શોધાયો તો પછી હજારો વર્ષો સુધી રથ રહ્યો છે – આજ સુધી. તો પુષ્પક વિમાન કે આ બાણો કેમ ન રહ્યાં ? કારણ કે તે હતાં જ નહીં!

ભારત શોધ બાબતમાં તદ્‌ન પછાત હતું અને આજે પણ છે.

ભારતમાં જો આવાં અદ્‌ભુત શસ્ત્રો હતાં, તો ભારત સદીઓ સુધી કેમ વિદેશી આક્રમણોમાં સતત હારતું રહ્યું? હકીકતે તે શસ્ત્રો બાબતમાં તદ્દન પછાત હતું – છેક ૧૯૬૨ સુધી. જેને આપણે ગાળો આપીએ છીએ તે બાબર કેમ જીત્યો? અને બહાદુર રાણા વિક્રમ સંગ કેમ હાર્યો? કારણ માત્ર શસ્ત્રો! રાણા સંગ હાથી પર બેસી તલવારથી લડતો હતો અને બાબર ઘોડા પર બેસી તોપથી લડતો હતો. બોલો, કોણ જીતે? મહાન રાણા સંગ! નાનો, લબરમૂછિયો બાબર જ. અને મિથ્યાભિમાન પણ કેવું કે બાબરની તોપની મદદથી જીત જોયા પછી પણ પછીના કોઈ રાજાએ તોપનો ઉપયોગ ન કર્યો. હાથી પર જ અને તલવારથી જ લડતા રહ્યા. છેક શિવાજીને તોપનો ઉપયોગ કરવાનો પહેલો વિચાર આવ્યો અને તાનાજી આંગ્રેની સરદારી હેઠળ એક તેની ટુકડી બનાવી. પણ તેમના પછી પાછા બધા હાથી પર જ આવી ગયા, અને તલવાર પર! ખુદ ૧૮૫૭માં પણ ઝાંસી રાણી લક્ષ્મીબાઈ પણ તલવારથી જ લડી. તોપ સામે જીતે?

માત્ર શસ્ત્રોમાં જ નહીં, બીજી પણ કોઈ બાબતોમાં શોધો નથી થઈ ભારતમાં. જે જે સગવડો આવતી હતી, તે બધી કોઈ વિદેશી આક્રમણ પછી ભારતમાં વસી ગયેલ વિદેશીઓ દ્વારા આવી હતી. આધુનિક શોધો બધી બ્રિટિશરોએ આપી છે. અત્યારની બધી શોધો અમેરિકા કે યુરોપના વિજ્ઞાનીઓની શોધો છે. ભારતની તો એક શોધ છે – મિથ્યાભિમાન!

સમગ્ર ઇતિહાસ વાંચી જાવ, મેં વાંચ્યો છે, તો કોઈ જ શોધ નથી. હા, પ્રાચીન જમાનામાં શૂન્યની શોધ કે આઠમી સદીમાં થોડી ગણિતની કે ખગોળની શોધો કે આધુનિક સમયમાં કોઈ સી.વી. રામન કે રામાનુજમ્‌ કે ચંદ્રશેખર જેવા ભૂલા પડ્યા છે. પણ આ બધાએ પણ પશ્ચિમમાં જઈ શોધો કરી છે. પશ્ચિમે તેમને ઉતેજન આપ્યું છે. વિક્રમ સારાભાઈ કે ભાભા પણ પશ્ચિમમાં ભણ્યા, માટે જિજ્ઞાસુ થયા. અને તેમને જવાહરલાલ નેહરુએ પ્રોત્સાહન આપ્યું. કારણ કે તે પણ પશ્ચિમમાં ભણ્યા હતા. આધુનિક ભારતમાં જે પણ વિજ્ઞાનની સંસ્થાઓ છે, તે બધી નેહરુએ શરૂ કરેલ છે. ત્યાર પછી કોઈ બની દેખાય છે ? આજે જે પણ શોધો થાય છે, સિદ્ધિઓ દેખાય છે, ઇસરો વગેરે દ્વારા, તે બધી નેહરુની ભેટ છે – જેમને આજે મિથ્યાભિમાનીઓ દ્વારા ગાળો આપવામાં આવે છે. આજે પણ જેમને સંશોધન કરવું છે, તે બધાને અમેરિકા જવું પડે છે કે જર્મની જવું પડે છે. ભારતમાં તો જે આગળ વધે તેને ઉતારી પાડવાનો મોટો રાષ્ટ્રીય ધંધો ચાલે છે. આવા વાતાવરણમાં સંશોધન કેમ થાય? કોઈ રડ્યાખડ્યા કરી જાય છે તે જાદુ માની શકાય.

ભૂતકાળમાં કોઈ રાજા જયસિંહ જેવાને બાદ કરતાં કોઈ જ રાજાએ સંશોધનને પ્રોત્સાહન નથી આપ્યું. રાજાઓનો લગભગ સમય વિલાસમાં કે લડવામાં જતો હતો. અને કેમ આટલા બધા વિદેશીઓ જીતી શકતા હતા? કહેવાતા મહાન રાજપૂત યુગમાં એક પણ રાજા સંગઠિત ન હતા. બધા અંદરોઅંદર ઝઘડતા હતા. તેનો જ લાભ વિદેશી રાજાઓ લેતા હતા. ચાણક્યને કોણે મદદ કરી? તે એકલા જ લડ્યા – ચંદ્રગુપ્તની મદદથી. સિકંદર સામે પોરસને કોણે મદદ કરી? કોઈએ નહીં. કદાચ તેની મશ્કરી કરી હશે. બાબર તો લડીને ચાલ્યો જતો હતો, પણ તેને કોણે દિલ્હીની ગાદી પર બેસી જવા કહ્યું? ભારતીય હિંદુ રાજાઓએ! તેમને બીક હતી કે બાબર જશે પછી ફરી ઇબ્રાહીમ લોદી ગાદીએ બેસી જશે. તેમનામાં આંતરિક તાકાત ન હતી કે તેને અટકાવી શકે અને પોતે બેસી જાય. સંગઠિત તો હતા જ નહીં, માટે બાબરને જ કહી દીધું. અને પાછો બાબર ખરાબ!

અરે! સ્વાતંત્ર્યસંગ્રામ પણ કોણે શરૂ કર્યો? કૉંગ્રેસ કોણે સ્થાપી? અંગ્રેજે! અને કૉંગ્રેસ ટિળક કે ગાંધી દ્વારા બરાબર લડતી હતી, ત્યારે કોણ તેને નડતું હતું? આપણા જ લોકો! ધાર્મિકો, ઝીણા, સામ્યવાદીઓ, આ બધા આપણા જ હતા. તે સંગ્રામમાં રોડાં નાખતા હતા. અને આજે તેઓ જાણે પોતે લડ્યા હોય તેમ બણગાં ફૂંકે છે. ત્યારે લડેલા આજે દેશદ્રોહીઓ કહેવાય છે!

આજે પણ સંશોધન બાબતે આપણે કંઈ બહુ આગળ નથી. યુનિવર્સિટીઓમાં કામ કરનારા લાખો રૂપિયા પગાર લે છે, જે તેમને સંશોધન કરવા માટે મળે છે. પણ કરે છે? ભારતની કોઈ જ યુનિવર્સિટી વિશ્વમાં બસોમા નંબરે પણ નથી આવતી. કેમ? મિથ્યાભિમાન! સંશોધનોના લાભ લેવામાં પહેલા નંબરે, પણ કરવામાં છેલ્લા નંબરે! અને કેવું અદ્‌ભુત મિથ્યાભિમાન!

પશ્ચિમમાં જે પણ શોધ થાય કે તરત આપણે શોધી કાઢીએ કે આ શોધ તો વેદમાં થઈ ગઈ છે. પુરાણોમાં થઈ ગઈ છે. અને ઉતારી પાડીએ તેમને. આ જ આપણો મુખ્ય ધંધો છે. ‘હું કરું નહીં અને તને યશ આપું નહીં’ – આ આપણો રાષ્ટ્રીય શોખ! આપણા રાજાઓએ વિરાટ મંદિરો બંધાવ્યાં છે, પણ એકાદ પણ પ્રયોગશાળા બનાવી હતી? આપણા જૂના રાજાઓ લડવા જતા હતા, ત્યારે લૂંટો કરી આવતા, પણ સૈન્યમાં કોઈ સંશોધક રાખતા હતા? નેપોલિયને ઇજિપ્તમાં ચડાઈ કરી, ત્યારે તેના સૈન્યમાં દોઢસો સંશોધકો હતા. જ્યારે નેપોલિયન લડતો હતો, ત્યારે આ સંશોધકો ઇજિપ્ત બાબતે સંશોધન કરતા હતા, જે પાછળથી ‘ઇજિપ્તોલૉજી’ નામે શાસ્ત્ર બની ગયું. સમગ્ર ભારતનો પ્રમાણભૂત નકશો કે ભારતની જમીનની ઇંચેઇંચની માપણી અંગ્રેજોએ કરી. આપણા કોઈ રાજાએ કરી? પુરાતત્ત્વ શાસ્ત્રનું સંશોધન અંગ્રેજોએ કર્યું – મોહન જો ડેરો સહિત – કોઈ ભારતીયે કર્યું? આજે પણ ભારત વિશે ગાઢ સંશોધનો પશ્ચિમમાં થાય છે. આયુર્વેદનું સંશોધન જર્મનીનું શ્રેષ્ઠ ગણાય છે.

પરિણામે આપણે હજારો વર્ષ સુધી પછાત રહ્યા. આજે પણ આપણાં શહેરો કે ગામડાં જુઓ. છે આધુનિક? રસ્તા પણ બરાબર નથી. લોકો પાસે કામ નથી. હજારો યોજનાઓ અને બણગાં પછી પણ બધો જ વહીવટ પછાત છે. કેમ ?

આપણે તો આજે પણ ભદ્રંભદ્ર જ છીએ, જે કૂવામાંનાં દેડકાં જેમ ભૂતકાળનું પૂંછડું પકડીને બેઠા છીએ અને વારંવાર મિથ્યાભિમાનની બિલાડી જેવી ગર્જનાઓ કરીએ છીએ. આપણા ગુજરાતી સાહિત્યમાં ભદ્રંભદ્ર, મિયાં ફૂસકી અને જીવરામ ભટ્ટ આ ત્રણ પાત્રો મિથ્યાભિમાનનાં પ્રતીકો ગણાય છે.

આજે એ ત્રણે ચારે બાજુ દેખાય છે.

નવી પેઢી આ નેતાઓ કે મિથ્યાભિમાનીઓનાં ભ્રમણાત્મક વિધાનોને વખોડી સંશોધન કરવા તરફ જવાનું છે. નહીં તો આપણો દેશ હંમેશ બસોમો, ત્રણસોમો કે ચારસોમો જ રહેશે. કદાચ પાછળ જતો જશે.

હાથ મૂછ પર ફેરવવાને બદલે તેની મદદથી પ્રયોગશાળામાં કામ કરવાનું છે!

ભૂજ-કચ્છ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 13-14

Loading

...102030...3,1383,1393,1403,141...3,1503,1603,170...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved