‘સપ્તક’ શાસ્ત્રીય સંગીતસંમેલન (પહેલીથી તેરમી જાન્યુઆરી ૨૦૧૮) દરમિયાન એક સાંજે અગ્રગણ્ય શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત કુમારગંધર્વ (જન્મ : ૮-૪-૧૯૨૪, અવસાન : ૧૨-૧-૧૯૯૨) ઉપર એક ફિલ્મ પ્રદર્શિત થઈ ‘હંસ અકેલા – કુમારગંધર્વ’. એકે ક્ષણ ગુમાવવાનું મન ન થાય એવી સુંદર ફિલ્મ્સ ડિવિઝનની આ દસ્તાવેજી ફિલ્મ યુ-ટ્યુબ પર પણ છે (https://www.youtube.com/watch?v=Fv4ynjy8m04)

૧૯૪૭થી લગભગ પાંચસાત વર્ષ ટીબીના જીવલેણ બીમારીને લીધે ફેફસાં પર વધુ શ્રમ ન પડે માટે ડોક્ટરોએ એમને ગાન બંધ કરવાની સલાહ આપી હતી અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રહેવા સૂચવ્યું હતું, એટલે મધ્યપ્રદેશમાં દેવાસમાં વસવાટ કરતા હતા. ગાન બંધ થયું પણ મૌનવાસ દરમિયાન ‘કાનનો રિયાઝ’ અને નિર્ગુણ સ્વરૂપનો વિચાર સતત ચાલતો રહ્યો. કુદરતનું સંગીત, પક્ષીના અવાજ, પવનનો સુસવાટ, ફકીરોનું ગાન, ત્યાં લોકસંગીતમાં ગવાતાં કબીરનાં પદો – આ બધું જ કુમારજીએ મૌન રહીને ગ્રહ્યું. ૧૯૫૨માં ભારતમાં ટીબીની દવા પ્રાપ્ત બનતાં એમનો ઈલાજ શક્ય બન્યો. ગાન પુન: શરૂ થયું.
કબીરનાં નિર્ગુણી ભજનો એમણે સ્વરબદ્ધ કરીને પોતાના કાર્યક્રમોમાં રજૂ કરવા માંડ્યાં અને એ રીતે પરંપરાથી ઉફરા જઈને શબ્દ અને સંગીતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરાવ્યો. ફિલ્મનું નામ યથાર્થ રીતે કબીરસાહેબના એક પદ ઉપરથી છે – ‘ઉડ જાયેગા હંસ અકેલા’.
આજે કુમારજીએ ગાયેલાં કબીરનાં બે પદો વિશે વાત કરવી છે. ‘ઝીની ઝીની બીની ચદરિયા’ (https://www.youtube.com/watch?v=YLNBGWpodww) અને બીજું છે ‘સુનતા હૈ ગુરુજ્ઞાની, ગગનમેં આવાજ હો રહી ઝીની ઝીની’ (https://youtu.be/ordi4e72nVY). બંનેમાં ‘ઝીની ઝીની’ શબ્દપ્રયોગ છે.
એકમાં ચાદર વણવા માટે અને બીજામાં ગગનગેબી અવાજ માટે. ગાન સાથે માત્ર તાનપુરા અને તબલાં છે, હાર્મોનિયમની સંગત નથી.
પ્રથમ પદમાં કબીર એમનો વણાટકામનો અનુભવ કવિતામાં લાવે છે.
કહે છે કે કુમારજીએ વણાટકામની સાળનો લય સાંભળીને આત્મસાત કર્યો અને એ લય આ પદમાં છે. (કવિ કલાકારોને ક્યાં ક્યાંથી લય મળે છે? ઉમાશંકર જોશીનાં ‘નિશીથકાવ્યો’માં મુંબઈની લોકલ ટ્રેનનો લય છે.) સાત માત્રાનો અનોખો તાલ છે. પણ એ સાત માત્રાનો પરંપરાગત વાગતો રૂપક તાલ નથી કે નથી એમાં ભરી ભજન ઠેકાનો દીપચંદી. ‘ચદરિયા’ શબ્દનું સ્વરાંકન ઝીણવટથી સાંભળીશું તો એમાં – ‘સા’ અને ‘કોમળ રે’ – નાનકડી તાન રૂપે લીધા છે ને એ રીતે સૂરની ચાદર વણી છે. અંતરામાં ‘ઇંગલાપિંગલા’માં સહેજ ચઢેલો ‘કોમળ ધૈવત’ – બે ધૈવત વચ્ચેનો સ્વર જરૂર ધ્યાન ખેંચે છે. હાર્મોનિયમના શુદ્ધ ધૈવત અને કોમળ ધૈવતની વચ્ચેનો કોઈ ધૈવત, હાર્મોનિયમમાં ક્યાંથી મળે? વળી કોમળ ધૈવત ચઢેલો ને એની સંગતિમાં તારસપ્તકનો કોમળ રિષભ (રે) પણ. એક ઉલ્લેખ કરવાનું મન થાય છે – કવિવર ટાગોર અને ગાન સરસ્વતી કિશોરી અમોનકર સંગત માટે હાર્મોનિયમ પસંદ નહોતાં કરતાં.
બીજું પદ છે ‘ગગન મેં અવાજ હો રહી ઝીની ઝીની’. નરસિંહનું ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ જરૂર યાદ આવશે. ‘અવાજ હો રહી’ના શુદ્ધ સ્વર પછી ‘ઝીની ઝીની’ કોમળ ધૈવત પર કેવી સુંદર રીતે લીધું છે અને ‘ઝીની અવાજ’નો ભાવપ્રદર્શિત કર્યો છે ! કેરવા તાલનો એકધારો ઠેકો, ગાનમાં ‘હોજી’ના પ્રયોગથી પ્રગટ થતી લોકસંગીતની મસ્તી અને કબીરના શબ્દોમાં ને કુમારજીના ગાનમાં વ્યક્ત થતી બ્રહ્માંડનાં રહસ્યોની ખોજ બે સ્વરો વચ્ચેના અવકાશમાં રહેલા કોઈ સ્વરની શોધમાં થઈ રહેલી સાંગીતિક યાત્રા આપણને જુદા જ સ્તરે લઈ જાય છે.
‘ઝીની ઝીની’ પ્રયોગ અન્ય કેટલી કવિતાઓની યાદ અપાવે છે ! ‘રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર’ (મીરાંબાઈ), ‘જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવ પડે’ (અખો), ‘ઝીણા ઝરમર વરસે મેહ કે ભીંજે મારે ચૂંદલડી (ન્હાનાલાલ), ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં’ (અનિલ જોશી) …..
જેમ એકમાંથી બીજી કવિતામાં તેમ જ એકમાંથી બીજાં ગીતમાં સરી પડવું ગમે છે. કુમારજીની અસરમાં મેં આપણી ભાષાનાં કેટલાંક કાવ્યો સ્વરબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. ‘અમને ગુરુ મળ્યા છે ગરવા’ (મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’), ‘વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે’ (મકરન્દ દવે), ‘ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી’ (રાજેન્દ્ર શાહ) પણ જ્યારે ગાવા જાઉં ત્યારે કુમારજીનું ગાન યાદ આવે છે અને સાથે સાથે ટાગોરની આ કવિતા પણ –
‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો ? હું તો અવાક થઈને સાંભળી રહું છું તમને’. એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યો ય જડતો નથી … મારી ચોતરફની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે ?’
ઓમકારનાથ ઠાકુરે કહ્યું છે કે શાસ્ત્રીય સંગીતનું મૂળ લોકસંગીતમાં છે. કુમારજીનાં આ પદોમાં શાસ્ત્રીય અને લોકસંગીતનું ઐક્ય સાંભળો, નાદબ્રહ્મ અને શબ્દબ્રહ્મનો શુભયોગ માણો. આપણે આ ‘ગંધર્વગાન’ને ‘મૌનના ટહુકા’ કહીશું ? આદિલ મન્સૂરીનો શેર છે :
‘સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 20-21
![]()


૧૯૨૦થી ૧૯૩૦ના અરસામાં જેમનું બાળપણ વીત્યું હશે તેવા કોઈ પણ ગુજરાતીને માટે ગિજુભાઈનું નામ અજાણ્યું હોય જ નહીં. લગભગ એ સમયે જ ગિજુભાઈની બાળવાર્તાઓની નાની નાની પુસ્તિકાઓ શ્રેણીસ્વરૂપે પ્રસિદ્ધ થતી હતી અને લખતાંવાંચતાં શીખેલાં બાળકો પર એની મોહિની એવી છવાઈ ગઈ હતી કે ગિજુભાઈએ રજૂ કરેલાં પાત્રો એમને જીવતાંજાગતાં મિત્રો જ લાગતાં. એમાં આવતાં જોડકણાં મોંએ થઈ જતાં અને વાર્તાઓ તો એક એવા નિરાળા દેશમાં લઈ જતી કે જ્યાં માબાપનો ઉપદેશ અને શિક્ષકોની શિસ્તનો વાયરોયે ન વાય.