૨૦૧૩-૨૦૧૪માં જમણેરી બૌદ્ધિકોએ નરેન્દ્ર મોદીને દેશની નાવડીને મઝધારમાંથી બહાર કાઢનારા નાખુદા તરીકે અપનાવી લીધા હતા
૨૦૧૪માં નરેન્દ્ર મોદીને ઉદારમતવાદી ડાબેરી બૌદ્ધિકો આડા આવતા હતા. તેમને નિરસ્ત કરવા જરૂરી હતા અને એ કામ માત્ર અને માત્ર જમણેરી બૌદ્ધિકો જ કરી શકે એમ હતા. એ માટે નરેન્દ્ર મોદીએ બહુ સિફતથી રામમંદિર, આર્ટિકલ ૩૭૦, યુનિફોર્મ સિવિલ કોડ જેવા હિન્દુત્વવાદી એજન્ડા કાર્પેટ તળે ધકેલી દીધા હતા. ચર્ચાના કેન્દ્રમાં વિકાસ હતો. બધાને સાથે લઈને અને બધાને ફાયદો કરાવનારો વિકાસ, ચીનની હરીફાઈ કરનારો વિકાસ, ભારતને ૨૧મી સદીમાં એશિયન ટાઈગર તરીકે સ્થાપિત કરી આપનારો વિકાસ. ઝડપી વિકાસ; બસ વિકાસ અને માત્ર વિકાસ. તેમની રણનીતિ ફળી હતી.
પખવાડિયા પહેલાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં સ્વપ્ન દાસગુપ્તાએ પોતાની કોલમમાં લખ્યું હતું કે ડાબેરી બૌદ્ધિકો અને મીડિયા મળીને કેન્દ્ર સરકારને બદનામ કરી રહ્યા છે, એટલે બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરુ કરવું પડ્યું છે. પક્ષના નેતાઓને, રાજ્યોના મુખ્ય પ્રધાનોને અને કેન્દ્રના પ્રધાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ દેશભરમાં એવા એક લાખ લોકોને મળે જે સમાજમાં નાની-મોટી પ્રતિષ્ઠા ધરાવતા હોય. ગર્ભશ્રીમંત ગાંધીવાદી પરિવારમાંથી આવતા સ્વપ્ન દાસગુપ્તા કેટલોક સમય નક્સલવાદી બની ગયા હતા, એ પછી વિદેશમાં ભણી આવીને પત્રકાર બન્યા હતા અને હવે ગાંધીવાદ અને માર્ક્સવાદના બીજા અંતિમે હિન્દુત્વવાદી બની ગયા છે. તેઓ અત્યારે બી.જે.પી.ના રાજ્યસભાના સભ્ય છે.
આમ તો એક અંતિમેથી બીજા અંતિમે એ જ ફંગોળાય જે અંતિમે જવા જેટલું ભોળપણ ધરાવતા હોય છે, બાકી ડાહ્યાજનો હંમેશાં રસ્તાની વચ્ચે જ ચાલતા હોય છે. સત્ય બે અંતિમોની વચ્ચે હોય છે, એ સમજવા જેટલી જેમનામાં સમજદારી નથી હોતી એવા લોકો જ ફંગોળાતા હોય છે. આમાં અંતરાત્માને વેચનારાઓનો સમાવેશ નથી થતો. તેમને માટે અંતિમ સત્ય સ્વાર્થ હોય છે, એટલે અંતિમેના અંતિમે પણ જવા જેટલી બેશરમી તેઓ ધરાવે છે. સ્વપ્ન દાસગુપ્તાએ ચર્ચા છેડી એ પછી શેખર ગુપ્તાએ તેમના ‘ધ પ્રિન્ટ’ નામના પોર્ટલમાં લખ્યું કે ઉદારમતવાદી બૌદ્ધિકોના મોદીવિરોધના કારણે સરવાળે નરેન્દ્ર મોદીને જ લાભ થવાનો છે. તેઓ પોતાને આયોજનપૂર્વક કરવામાં આવતી બદનામીના શિકાર (વિક્ટિમ) તરીકે રજૂ કરશે. આની સામે અપૂર્વાનંદ જ્હા અને પ્રતાપ ભાનુ મહેતાએ પ્રતિવાદ કર્યો હતો.
નરેન્દ્ર મોદી પોતે અને તેમની સરકાર ઈમેજની ક્રાઈસિસ અનુભવી રહી છે, એ કડવી વાસ્તવિકતાનો સ્વીકાર બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહ સંપર્ક અભિયાન શરુ કરીને અને સ્વપ્ન દાસગુપ્તા અને અન્ય પોતાની કોલમમાં લખીને કબૂલ કરી રહ્યા છે. અહીં પ્રતિવાદ માત્ર એટલો જ કે સ્વપ્ન દાસગુપ્તાનું નિદાન ખોટું છે. સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ છે તો એને માટે ડાબેરી બૌદ્ધિકો જવાબદાર નથી, પરંતુ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને ટેકો આપનારા જમણેરી ઉદારમતવાદી બૌદ્ધિકો જવાબદાર છે.
એ કઇ રીતે એ તપાસીએ.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ આપણને ત્રણ વાત કહી હતી: ૧. હું દ્રષ્ટિસંપન્ન છું અને મેં મારી અનોખી દ્રષ્ટિ દ્વારા ગુજરાતની કાયાપલટ કરી નાખી છે. ૨. હું કૃતનિશ્ચયી છું એટલે ગુજરાતમાં મારા પુરોગામીઓ જે નહોતા કરી શક્યા, એ પણ ગણતરીનાં વર્ષોમાં કરી બતાવ્યું હતું. ૩. હું ૫૬ ઈંચની છાતી ધરાવતો મર્દ છું, એટલે ગુજરાતમાં મેં દેશદ્રોહીઓને (મુસલમાન વાંચો) સીધા દોર કરી નાખ્યા છે. કાશ્મીરીઓને અને પાકિસ્તાનીઓને હું મચ્છરની જેમ મસળી શકું એમ છું અને ચીનાઓ સાથે આંખમાં આંખ પરોવીને કેમ વાત કરાય એની મને જાણ છે. આ ત્રણ ચીજની ખોટ એ ભારતની મર્યાદા છે જેને કારણે ભારત જ્યાં પહોંચવું જોઈએ ત્યાં સુધી પહોંચી શક્યું નથી. દેશને એવા નેતાની જરૂર છે જે દ્રષ્ટિ, સંકલ્પ અને હિંમત એમ ત્રણેય ગુણ ધરાવતો હોય.
તેમની વાત સાચી હતી. દેશને એવા નેતાની જરૂર હતી જેનામાં આ ત્રણેય ગુણ એક સાથે હોય. ચાતક પક્ષી જેમ વરસાદની પ્રતીક્ષા કરતું હોય એમ ભારતની પ્રજા આવા ત્રિગુણસંપન્ન નેતાની ખોજમાં હતી. એટલે તો અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ, બાબા રામદેવ વગેરે જે કોઈ જડીબુટ્ટી લઈને આવ્યા, તેની પાછળ પ્રજા દોડી જતી હતી. એની વચ્ચે નરેન્દ્ર મોદી આવ્યા અને તેમણે દાવો કર્યો કે હું ત્રિગુણસંપન્ન છું. બીજા લોકો તો દાવો કરે છે, મેં ગુજરાતમાં કરી બતાવ્યું છે. ખાતરી કરવી હોય તો ગુજરાત જઇને જોઈ આવો.
આ બાજુ ગુજરાતમાં લાભ મેળવી ચુકેલા લાભાર્થીઓ, પાળીતા મીડિયા અને કદમબોશી કરીને લાભ લેવા ઇચ્છનારા ઇચ્છુકો એક અવાજે કહેતા હતા : ‘સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત છે’. બિચારી ભોળી પ્રજાને લાગવા માંડ્યું કે આવા પાંચમાં પુછાય એવા લોકો સાચી વાત છે, સાચી વાત છે એમ કહે છે તો જરૂર સાચી વાત હશે. આપણો કોઈ દ્રષ્ટિદોષ હશે અને કદાચ એવું પણ હોય કે ગુજરાતમાં આ સ્થળે વિકાસ નથી થયો તો અન્યત્ર થઈ ગયો હશે અને અહીં અપવાદરૂપે રહી ગયો હશે જે હવે પછી થશે. અપવાદના આધારે નિયમ(વ્યાપક સત્ય)ને નકારવાનો ન હોય. આને જાદુગરીની ભાષામાં નજરબંધી કહેવામાં આવે છે.
એક નાનકડો, પણ પ્રભાવશાળી વર્ગ જમણેરી બૌદ્ધિકોનો હતો. ઉદારમતવાદી (કે સ્વપન દાસગુપ્તાના કહેવા મુજબ ડાબેરી બૌદ્ધિકો-કેન્દ્રની ડાબે) અને જમણેરી બૌદ્ધિકોમાં ફરક એ છે કે જમણેરી બૌદ્ધિકો આર્થિક સમાનતાની ખાસ ચિંતા કરતા નથી. દેશ વિકાસ કરશે તો આસ્તે આસ્તે છેવાડાના માણસને પણ તેનો લાભ મળશે એમ તેઓ માને છે, માટે વિકાસ મહત્ત્વનો છે, વહેંચણી નહીં. વિકાસની કિંમત તો કોઈને કોઈએ ચૂકવવી જ પડે એટલે જે લોકો વિકાસની કિંમત ચુકવતા હોય તેની તેઓ ખાસ પરવા કરતા નથી. વિકાસની પ્રક્રિયા જ આવી છે એમાં કોઈ શું કરે? એવી તેમની દલીલ હોય છે. અનુકંપા તો અમે પણ ધરાવીએ છીએ પણ વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરવાના ન હોય, એમ કહીને તેઓ હાથ ખંખેરી નાખે છે.
બીજું, જમણેરી બૌદ્ધિકો મૂળભૂત બંધારણીય મૂલ્યોમાં દ્રઢ શ્રદ્ધા ધરાવતા નથી, જેટલી ઉદારમતવાદી બૌદ્ધિકો ધરાવે છે. વિકાસલક્ષી કૃતનિશ્ચયી શાસન હોય તો માનવ અધિકારોનું નાનુંમોટું હનન ક્ષમ્ય છે. મૂલ્યોની જપમાળ કરતા રહીને એકની એક જગ્યાએ બેસી રહેવાનું કે આગળ વધવાનું? જો આગળ વધવું હોય તો દુનિયાની સાથે ચાલવાની જરૂર છે, એટલે શાસક આદર્શવાદી નહીં પણ દેશનિષ્ઠ વ્યવહારુ હોવો જોઈએ, જેની પાસે વિઝન પણ હોય અને સંકલ્પ પણ હોય. તેઓ સેક્યુલરિઝમનાં મૂલ્યોની બાબતમાં પણ થોડું શિથિલ વલણ ધરાવે છે. દેશની બહુમતી કોમના દ્રઢ ટેકા સાથે બહુમતી રાષ્ટ્રવાદી સરકાર (મેજોરીટેરિયન સ્ટેટ) હોય તો દેશના નાનામોટા સામાજિક આંતરવિરોધો અને સંઘર્ષો પાતળા પડી જતા હોય છે અને જો નકારી નથી શકાતા તો તેની ઉપેક્ષા કરી શકાય છે. આને કારણે બહુમતી રાષ્ટ્રવાદી સરકારોને ઓછા અવરોધોનો સામનો કરવો પડે છે. રહી વાત લઘુમતી કોમના ધાર્મિક અને નાગરિક અધિકારોની તો એ દેશના વિકાસ માટેની કિંમત છે.
ટૂંકમાં છેવાડાના માણસે કિંમત ચુકવવાની, જ્યાં જળ, જમીન અને જંગલ હોય ત્યાં વસતા માણસોએ કિંમત ચૂકવવાની અને લઘુમતી કોમે કિંમત ચૂકવવાની કારણ કે; વિકાસ અનિવાર્ય છે. હાંડલીમાં દાળ-ચોખા નાખીને રાંધો તો ખીચડી બને, બાકી મૂલ્યોની હાંડી ચૂલે ચડાવો તો ભૂખ્યાં રહીએ. બીજી બાજુ ઉદારમતવાદી કે ડાબેરી બૌદ્ધિકો મૂલ્યોની બાબતે આગ્રહી વલણ ધરાવે છે. વિકાસના નામે કોઈની બલિ ચડાવવી એ કુદરતી ન્યાય અને રાજ્યધર્મ એમ બન્નેની વિરુદ્ધ છે. રાજ્ય ભલે મામૂલી સ્વરૂપમાં પણ પક્ષપાત કરે તો એ સ્વીકાર્ય ન હોઈ શકે. હજુ જરા જુદી રીતે કહીએ તો જમણેરી બૌદ્ધિકો રાજ્યનિષ્ઠ હોય છે અને ઉદારમતવાદી બૌદ્ધિકો પ્રજાનિષ્ઠ. ખરું પૂછો તો પ્રજાનિષ્ઠ પણ નહીં, વ્યક્તિનિષ્ઠ. આ બે પ્રકારના બૌદ્ધિકોમાં મૂળભૂત ફરક છે.
શાસકોને હંમેશાં ઉદારમતવાદી કે ડાબેરી બૌદ્ધિકો આંખના કણાની માફક ખૂંચે છે. જે ખરેખર વિકાસનું વિઝન ધરાવે છે અને કૃતનિશ્ચયી છે એવા શાસકોને તો સમાનતા અને સ્વતંત્રતાની વકીલાત કરતા ડાબેરી બૌદ્ધિકો ન ગમે એ સ્વાભાવિક છે, પરંતુ જેઓ વિકાસલક્ષી હોવાનો ઢોંગ કરે છે અને મૂળ એજન્ડા બહુમતી રાજ્યનો ધરાવે છે એવા લોકોને પણ ઉદારમતવાદી કે ડાબેરી બૌદ્ધિકો વધારે નડે છે. આગળ કહ્યું એમ આંખના કણાની માફક ખૂંચે છે. ડાબેરી બૌદ્ધિકોની મૂલ્યનિષ્ઠા, બંધારણનિષ્ઠા, વ્યક્તિનિષ્ઠા કે પ્રજાનિષ્ઠા તેમની આડે આવે છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીને ઉદારમતવાદી ડાબેરી બૌદ્ધિકો આડા આવતા હતા. આંખના કણાની માફક ખૂંચતા હતા. તેમને નિરસ્ત કરવા જરૂરી હતા અને એ કામ માત્ર અને માત્ર જમણેરી બૌદ્ધિકો જ કરી શકે એમ હતા. એ માટે નરેન્દ્ર મોદીએ બહુ સિફતથી રામમંદિર, આર્ટિકલ ૩૭૦, યુનિફોર્મ સિવિલ કોડ જેવા હિન્દુત્વવાદી એજન્ડા કાર્પેટ તળે ધકેલી દીધા હતા. ચર્ચાના કેન્દ્રમાં વિકાસ હતો. સમ્યક વિકાસ, બધાને સાથે લઈને અને બધાને ફાયદો કરાવનારો વિકાસ, ચીનની હરીફાઈ કરનારો વિકાસ, ભારતને ૨૧મી સદીમાં એશિયન ટાઈગર તરીકે સ્થાપિત કરી આપનારો વિકાસ. ઝડપી વિકાસ; બસ વિકાસ અને માત્ર વિકાસ.
તેમને ખબર હતી કે વિકાસના નામે જમણેરી બૌદ્ધિકોનો ટેકો મળી શકશે. આખરે તેઓ જમણેરી અભિગમ ધરાવનારા બૌદ્ધિકો છે, કોઈ એરા ગેરા નથુ ખેરા જેવા નથી. સંઘના અને બી.જે.પી.ના નેતાઓને કહેવામાં આવ્યું હતું કે તેમણે મોઢાં ખોલીને નવ દાયકા દરમ્યાન પ્રાપ્ત કરેલા જ્ઞાનનું પ્રદર્શન કરવાનું નથી. બોલતા આવડતું હોય તો વિકાસ વિષે બોલો, બાકી મારા બાપાના આંબાની કેરી ખાવાથી પુત્રરત્ન પ્રાપ્ત થાય છે, એવા દાવાઓ કરવાની કે પ્રાચીન ભારતમાં પુષ્પક વિમાન ઊડતાં હતાં એવા પૌરાણિક વિકાસની મનગમતી વાતો અત્યારે કરવાની નથી. જો એવું કરશો તો જમણેરી બૌદ્ધિકો મદદ કરવા આગળ નહીં આવે અને ડાબેરી બૌદ્ધિકોને પરાસ્ત કરવા જરૂરી છે. હિન્દુત્વવાદી બહુમતી રાષ્ટ્ર્વાદનો વિરોધ કરનારા ઉદારમતવાદી-સેક્યુલર-ડાબેરી બૌદ્ધિકોને પરાસ્ત કરવા હોય તો તેમને સિફતપૂર્વક વિકાસવિરોધી તરીકે ટાર્ગેટ કરવા જરૂરી છે. જો ચર્ચાના કેન્દ્રમાં વિકાસ હશે તો જમણેરી બૌદ્ધિકો ડાબેરી બૌદ્ધિકો સામે ચર્ચામાં ઊતરશે.
૨૦૧૩-૨૦૧૪ના વર્ષોમાં અમર્ત્ય સેન વિરુદ્ધ જગદીશ ભગવતી વચ્ચેનો વિકાસવિમર્શ યાદ હશે. એ બન્નેએ એકબીજા સામે ચર્ચા માંડી હતી તેને આમ તો એક દાયકો થવા આવ્યો હતો, પરંતુ એ ચર્ચા પાછી ખોલવામાં આવી હતી. સેન-ભગવતીએ નહોતી ખોલી, પાળીતા મીડિયાઓએ અને હાથવગા જમણેરી બૌદ્ધિકોએ ખોલી હતી. ‘વિકાસ આમ થાય, જુઓ જગદીશ ભગવતી પણ કહે છે અને હું વિકાસની ભગવતીની ફિલસૂફીને અનુસરું છું’ એમ ત્યારે નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું હતું. ‘કોંગ્રેસીઓ અને બીજી પાર્ટીવાળાઓ અમર્ત્ય સેનની આદર્શવાદી અને અવ્યવહારુ અર્થશાસ્ત્રની ફિલસૂફીને અનુસરનારા ઘેલાઓ છે’, એમ પણ ત્યારે કહેવામાં આવ્યું હતું. ‘હું ગરીબ વિરોધી નથી, પરંતુ દેશમાં સંપત્તિનું સર્જન થશે તો ગરીબનું તરભાણું ભરાશે કે આદર્શની મીઠી મીઠી વાતો કરવાથી?’ એવા પ્રશ્નો પણ પૂછવામાં આવતો હતો. ‘જો ભરોસો ન બેસતો હોય તો ગુજરાત પર એક નજર નાખી જુઓ’ એ છેલ્લું ટ્રમ્પ કાર્ડ હતું.
રણનીતિ એટલી પરફેક્ટ હતી કે જમણેરી બૌદ્ધિકો નરેન્દ્ર મોદીની વ્હારે આવ્યા હતા. આગળ કહ્યું એમ સેક્યુલર મૂલ્ય વિષે તેઓ બહુ આગ્રહી હોતા નથી. દેશની બહુમતી કોમના દ્રઢ ટેકા સાથે બહુમતી રાષ્ટ્રવાદી સરકાર (મેજોરીટેરિયન સ્ટેટ) હોય અને સાથે જો વિકાસનું વિઝન હોય તો એવા શાસકો કમાલ કરી શકે છે. લઘુમતી કોમના ધાર્મિક અને નાગરિક અધિકારો તો દેશના વિકાસ માટેની કિંમત છે. આવા એક દ્રષ્ટિકોણથી દોરવાઈને જમણેરી બૌદ્ધિકોએ નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો. તેમને એમ લાગતું હતું કે મિશ્ર સરકારોના કારણે, વિકાસના સ્પષ્ટ વિઝનના અભાવના કારણે તેમ જ ડાબેરી બૌદ્ધિકોના નૈતિક દબાવના કારણે ભારતનો વિકાસ બે દાયકાથી અટવાઈ ગયો છે. ચીન અને બીજા દેશો ભારત કરતા ક્યાં ય આગળ નીકળી ગયા છે, અને આપણે કયા રસ્તે ચાલવું એનો નિર્ણય નહીં લઈ શકનારા વટેમાર્ગુની જેમ ત્રિભેટે ઊભા છીએ. ક્યાં સુધી આ રીતે બેસી રહીશું? કોઈ માણસ તો આગળ આવે જે તોફાનમાં ફસાયેલા નાવને મઝધારમાંથી બહાર કાઢે?
૨૦૧૩-૨૦૧૪માં જમણેરી બૌદ્ધિકોએ નરેન્દ્ર મોદીને દેશની નાવડીને મઝધારમાંથી બહાર કાઢનારા નાખુદા તરીકે અપનાવી લીધા હતા. હતાશ પ્રજા તો ત્રિગુણસંપન્ન નરેન્દ્ર મોદીને અપનાવવા ઉત્સુક હતી જ એમાં જમણેરી બૌદ્ધિકોનું અનુમોદન મળ્યું. એ પછી તો વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પાછું વળીને જોવાની સવાલ જ નહોતો.
પણ અત્યારે? કોણ હતા એ જમણેરી બૌધિકો? ક્યાં છે એ બૌદ્ધિકો? હવે તેઓ નરેન્દ્ર મોદી અને તેમની સરકારના કામકાજ વિષે શું કહે છે? બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહ સંપર્ક અભિયાન દરમ્યાન જમણેરી બૌદ્ધિકોને મળે છે કે નથી મળતા? આવા બધા પ્રશ્નોની છણાવટ આવતા અઠવાડિયે.
સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 01 જુલાઈ 2018
![]()


Amina Cachalia, my mother, would have turned 90 on June 28. What would she have made of the country she so loved and devoted her life to?