Opinion Magazine
Number of visits: 9686391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનો અરીસો છે તેમનું આલિંગન

તરુ કજારિયા|Opinion - Opinion|31 July 2018

આલિંગન એ બે વ્યક્તિઓ વચ્ચે લાગણીની આપ-લેનું કેટલું પાવરફુલ સાધન છે એનો અનુભવ તો આત્મીય અને અંગત સંબંધો ધરાવનાર સૌ કોઈને હોઈ શકે, પરંતુ અજાણ્યા કે અલ્પપરિચિત લોકો સાથે આ પ્રકારની નિકટતા ઘણા લોકોને ફાવતી નથી

સામાન્ય રીતે આપણી સંસદના સત્રમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં એની આમ આદમીને બહુ પડી નથી હોતી, સિવાય કે ગૃહમાં સભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી કે જોરદાર અફડાતફડી મચી ગઈ હોય અને ટીવી-ચૅનલો પર લગાતાર એ દૃશ્યો ટેલિકાસ્ટ થતાં હોય. પરંતુ તાજેતરમાં લોકસભામાં વિરોધ પક્ષોએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો એ સેશન દેશભરમાં મશહૂર બની ગયું છે. એનું કારણ ન તો સંસદમાં વિપક્ષ અને શાસકના સભ્યો દ્વારા ચર્ચાયેલા મુદ્દાઓ છે કે ન તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું આક્રમક વક્તવ્ય છે. એનું કારણ છે રાહુલ ગાંધીએ અચાનક જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને આપેલું આલિંગન! સંસદના ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર વિપક્ષી નેતાએ શાસક પક્ષના વડાને આવી જપ્પી આપી છે અને એ જે રીતે તદ્દન અચાનક અપાઈ એનાથી મોદીજી ચોંકી ગયા હતા. 

એ દૃશ્ય ટી.વી. પર વારંવાર દર્શાવાયું છે એટલે તમારામાંના ઘણાખરાએ જોયું જ હશે. રાહુલ ગાંધી ઝૂકીને નરેન્દ્ર મોદીને ભેટ્યા ત્યારે મોદીજીની બૉડી-લૅન્ગ્વેજ જોવા જેવી હતી. તેઓ એકદમ અક્કડ અને સીધા ચહેરા સાથે માત્ર બેસી રહ્યા હતા. તેમણે રાહુલના આલિંગનને પ્રતિસાદ આપવાની બિલકુલ તસ્દી નહોતી લીધી. પરાણે આલિંગન સહન કરી રહ્યા હોય એવું તેમના ચહેરા પરથી લાગતું હતું. આ પ્રકારના આલિંગનને ‘ધ લંડન બ્રિજ’ હગ કહેવાય છે, જેમાં વ્યક્તિને અનિચ્છાએ ભેટવું પડે છે.

માન્યું કે આપણા દેશમાં અભિવાદન માટે ગળે મળવાની પ્રથા પશ્ચિમના દેશો જેટલી પ્રચલિત નથી, પરંતુ આપણા દેશમાં ય અનેક સમુદાયો અને કોમમાં તો આ પ્રથા છે જ. વળી દુનિયાની રીતરસમોથી પરિચિત યુવાઓમાં આ પ્રકારે ભેટવાનું કૉમન છે. અરે, મોદીજીને પણ આપણે અનેક વિશ્વનેતાઓ સાથે હૂંફાળા આલિંગનમાં જોયા છે. ઇઝરાયલના પ્રેસિડન્ટ હોય, જપાનના વડા પ્રધાન હોય કે અન્ય કોઈ પણ દેશના વડા; સૌની સાથે હૂંફ અને હોંશભેર ભેટતા મોદીજીની સેંકડો તસવીરો મળી આવશે.

સંસદમાં થયેલું આ આકસ્મિક આલિંગન સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયું અને દેશભરના નેટિઝન્સ તરફથી કમેન્ટ્સનો ધોધ વરસ્યો છે. લોકસભામાં સ્પીકર સહિત અનેક સભ્યોએ રાહુલના આ વર્તનને સદનના શિષ્ટાચાર અને ગરિમાનો ભંગ કરનાર ગણાવ્યું છે.

સ્પીકર સાહેબાની કમેન્ટ સાંભળી એક વિચાર આવી ગયો : સંસદના કે વિધાનસભાના ફ્લોર પર એક સભ્ય બોલતો હોય ત્યારે તેની વાત સાંભળી ન શકાય એ માટે સતત બરાડા પાડતા, વિરોધ દર્શાવવા હાથાપાઈ પર ઊતરી જતા, એકમેકનાં કપડાં ફાડી નાખતા કે પૂરેપૂરાં સત્રો કોઈ પણ કામકાજ કર્યા વગર વેડફી નાખતા સભ્યોને આપણે જોયા છે. એવી ઘટનાઓની સરખામણીએ એક આકસ્મિક આલિંગન તો ખાસ્સું નિર્દોષ ન ગણાય?

અલબત્ત, સ્પીકરની ટીકા આલિંગન કરતાં વધુ ત્યાર બાદની રાહુલ ગાંધીની હરકત વિશે હતી. એ આલિંગન પતાવીને રાહુલ ગાંધી પોતાની બેઠક પર જઈને બેઠા. પછી જે રીતે તેમણે પોતાના સાથીસભ્ય સામે આંખ મારી એ ચોક્કસ શાલીન તો નહોતી જ (જોયું, વડા પ્રધાનને કેવા ઝડપી લીધા! જોરદાર હતોને મારો પફોર્ર્મન્સ? એ પ્રકારના ભાવ એમાં હતા). સાથે જ એ જેસ્ચરે એ પણ દર્શાવી આપ્યું કે રાહુલનું એ ભેટવું ખરેખર દેખાતું હતું એટલું આકસ્મિક નહોતું. અગાઉથી તૈયાર કરેલા તેમના ભાષણની જેમ જ શક્ય છે કે એ પણ તેમની સ્ક્રિપ્ટનો એક પહેલેથી આયોજિત હિસ્સો હતો. તેમની ભેટવાની અને આંખ મારવાની હરકતોને સાથે જોઈએ તો સ્પીકરની કમેન્ટને સમજી શકાય.

આલિંગન એ બે વ્યક્તિઓ વચ્ચે લાગણીની આપ-લેનું કેટલું પાવરફુલ સાધન છે એનો અનુભવ તો આત્મીય અને અંગત સંબંધો ધરાવનાર સૌ કોઈને હોઈ શકે, પરંતુ અજાણ્યા કે અલ્પપરિચિત લોકો સાથે આ પ્રકારની નિકટતા ઘણા લોકોને ફાવતી નથી. જીવનઘડતર સંબંધી એક વર્કશૉપમાં ત્રણ દિવસને અંતે છૂટા પડતાં પહેલાં હગ-સેશન રાખવામાં આવે છે. એમાં બધા જ સભ્યો એકમેકને અને વર્કશૉપ લેનાર ફૅસિલિટેટરને પણ ભેટીને વિદાય લે. ત્રણ દિવસમાં વર્કશૉપ દરમ્યાન સહૃદયી ફૅસિલિટેટર સાથે સૌને એટલી આત્મીયતા કેળવાઈ ગઈ હોય કે હગ-સેશનમાં સૌ દિલથી એકરૂપ થઈ શકે. આવી વર્કશૉપ કાશ્મીરમાં યોજાયેલી. એમાં ભાગ લેનારા સભ્યોમાં મોટા ભાગના સ્કૂલના પ્રિન્સિપાલ્સ, મુખ્ય વહીવટીઓ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ હતા. તેમનામાંના કેટલાક લોકોને હગ-સેશનમાં ભેટતી વખતે થતી અવઢવ પેલા ફૅસિલિટેટરે અનુભવી હતી. પરંતુ પહેલી વર્કશૉપમાં જે પ્રિન્સિપાલે ભેટવાની ના જ પાડી દીધેલી તેઓ બીજી વર્કશૉપના અંતિમ દિવસે તેમને હેતથી ભેટ્યા હતા. એ વખતે તેમની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. એ આલિંગન દિલથી અપાયું હતું. સૌએ નોંધ્યું હતું કે એ દિવસ બાદ તેમના વ્યવહારમાં એક અજબની હળવાશનો અનુભવ થતો હતો. એ હતો પ્રેમાળ જપ્પીનો જાદુ. 

થોડા દિવસ પહેલાં ટ્રેનમાં એક યુવતી મારી પાસે આવીને ઊભી રહી. તે મારાં લખાણો વાંચતી હતી એટલે મને ઓળખતી હતી અને ઘણા સમયથી મને મળવાનું વિચારતી હતી. તેણે વાત શરૂ કરી અને અમે ચર્ચગેટ ઊતર્યાં. સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે તેણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી. અમે ભેટ્યાં અને છૂટાં પડ્યાં. પછી તેનો મેસેજ આવ્યો કે યુ મેડ માય ડે. મને ત્યારે એહસાસ થયો કે તેની ખુશી ઝીલવામાં હું મારો આનંદ વ્યક્ત કરવાનું તો ચૂકી ગઈ! મેં તેને એ વાત લખી અને તેનો જવાબ  આવ્યો : કંઈ વાંધો નહીં, તમારા આલિંગનમાં મેં એ અનુભવ્યો હતો! આલિંગન દ્વારા થતો મૂક સંવાદ કેટલો સચોટ હોય છે! આલિંગન વિશેના અભ્યાસમાં એના અનેક પ્રકાર વર્ણવાયા છે. જુદા-જુદા એ તમામ પ્રકારોમાં એક બાબતનું સામ્ય છે કે આલિંગન બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનો અરીસો છે.

સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 31 જુલાઈ 2018

Loading

‘ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !’

વિપુલ કલ્યાણી|Profile|31 July 2018

શબ્દ ને સૂર થીજી ગયા છે. જાણે કે ચોમેર સોપો પડી ગયો છે. શનિવાર, 28 જુલાઈ 2018ના  રાતે નવેકને સુમારે ચંદુભાઈ ગોરધનદાસ મટાણીએ લેસ્ટર નગરે વિદાય લીધી તેની જોડાજોડ વિલાયતની ભૂમિ પર વાદળ છવાઈ ગયાં હોય તેવો અનુભવ છે.

ગઈ સાલ, કુમુદબહેન મોટા ગામતરે સિધાવ્યાં હતાં, અને હવે ચંદુભાઈ એમનો સધિયારો મેળવવા જાતરાએ નીકળી ગયા. હવે તો સ્મરણની કેડીએ … …

ખેર ! … જૂન 2009ના “ઓપિનિયન” સામિયકના અંક માટે લખાયો આ લેખ અહીં સાદર કરવા મન કરું છું. ચંદુભાઈને જાણવા, માણવા એથી આંગળી ચિંધ્યાસમ કામ થયું લાગશે, તેની ખાતરી.

•••••••••

જોત જોતામાં હવે તેને ય અાશરે ત્રણેક દાયકાઅો થવામાં છે. ’ગુજરાતી સાહિત્ય અકાદમી’ની બીજી ભાષા-સાહિત્ય પરિષદની, લેસ્ટર ખાતે, વ્યવસ્થાના તે દિવસો હતા. ઝામ્બિયાથી અા મુલકે તેવાકમાં જ સ્થાયી થવા અાવેલા ચંદુભાઈ મટાણીના વડપણમાં, સ્થાનિક સ્તરે, સ્વાગત સમિતિની રચના કરવામાં અાવી હતી. લેસ્ટરના બેલગ્રેવ રોડ અને મેલ્ટન રોડના લગભગ ચોખંભે ત્યારે તેમની દુકાન હતી, તેવું સાંભરણ છે. તેમની દુકાને, તેમના ઘરે પણ, અા અંગેની નિયિમત બેઠકો થતી અને તે દરેકમાં ભાગ લેવા લંડનથી અાવરોજાવરો રહેતો. તેવા તેવા દિવસોથી જ જાણે કે એમનું વ્યક્તિત્વ સતત અાકર્ષતું રહ્યું છે; અને હવે તે સંબંધ વિસ્તરીને અંગત મૈત્રીમાં ય ફેરવાઈ ગયો છે. ‘પૂર્વાલાપ’ના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, સખા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને ઉદ્દેશીને, ગાય છે તેમ, ચંદુભાઈને ય ઉદ્દેશવાનું, અાથીસ્તો, મન છે :

ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે  સૌમ્ય વયનાં
સવારોને  જોતો  વિકસિત  થતાં  શૈલશિખરે;
અને  કુંજે  કુંજે  શ્રવણ  કરતો  ઘાસ  પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !

….. અને અાટઅાટલાં વરસોની અા સહિયારી યાત્રાના દરેક પડાવે જોતો રહ્યો છું : સંગીત પ્રત્યેની એમની લગની; સાહિત્ય માટેની રસિક અભિરુચિ; પારાવાર વાંચન; જાહેર જીવન માટેના કેટલાક અાદર્શો; સંસ્થાસંચાલનની મથામણ; પ્રકૃતિએ વિવેક બૃહસ્પતિ; મધમીઠી પરોણાગત; મૈત્રીમાં સતત કૃષ્ણનો ભાવ; − અને અામ, અાવી અાવી અા યાદી પણ ક્ષિતિજે વિસ્તરી શકે છે.

ચંદુભાઈએ ગુજરાતી સાહિત્ય અકાદમી સાથેનો સંપર્ક જેમ જીવંત રાખ્યો છે, તેમ, અા પાસ, ગીતસંગીતના પ્રસારણ માટે દાયકાઅોથી અગ્રગામી સંસ્થા તરીકે જેની નામના બંધાઈ છે તે તેમની ‘શ્રુિત અાર્ટ્સ’ સાથેની ઘનિષ્ટતા મેં સ્વાભાવિક કેળવી જાણી છે. વળી, અારંભથી એમણે “અોપિનિયન” સંગાથે ફક્ત તંતુ જોડી જ નથી રાખ્યો, અનેકોના તાર પણ સાંધી અાપ્યા છે. અાજ સુધીનો અનુભવ કહે છે કે તે સરેરાશ એક ઉમદા વાચક નીવડ્યા છે.

અામ જોઈએ તો ચંદ્રસિંહ ગોરધનદાસ મટાણી માંડવી(કચ્છ)નું સંતાન. અને માંડવીને ય પોતીકો પોરસાવતો ઇતિહાસ છે. રુકમાવતી નદીને કાંઠે, દરિયા િકનારે, વિસ્તરેલા અા માંડવી નગરને અાશરે ચારસો સાલનો ધબકતો ઇતિહાસ વીંટળાયો પડ્યો છે. વળી, લગભગ ૧૮મી સદીથી અહીંનું બંદર દેશાવરી વહાણવટા ક્ષેત્રે ધબકતું અાવ્યું છે. હિંદી મહાસાગરને અારેઅોવારે પલોંઠ લગાવી જામેલા, દૂરસુદૂરના અનેક દેશો સાથે, તેને અાથી નિજી સંબંધ બંધાયો હતો. અાવા કોઈક તબક્કે, અાપણા ચંદુભાઈ મટાણીએ અાફ્રિકાની વાટ લીધી. કહે છે કે પહેલા તે મોઝામ્બિક ગયા. તે દિવસોમાં ત્યાં તેમના મોટાભાઈ હતા. તેમની પાસે બેરા બંદરી નગરમાં ચંદુભાઈએ બે’ક મહિનાઅો અાનંદમોજમાં વિતાવ્યા હશે. અને પછી, તત્કાલીન ન્યાસલૅન્ડના પાટનગર બ્લાન્ટાયરમાં, નસીબને પલોટવા રહ્યા. મલાવી તરીકે અોળખાતા અા મુલકમાં, ચંદુભાઈએ બે’ક વરસ નોકરી કરી હશે. અને પછી, તેમની યુવાનીનો ઘોડો થનગનવા માંડયો; અને તેમણે, કોઈક ભાતીગળ પળે, ઘોડાને પલાણી, ત્યારના ઉત્તર રહોડેશિયાની (હાલના ઝામ્બિયાની) વાટ પકડી. અા સાહસ હતું અને તેમાં એ કામયાબ રહ્યા.

ત્યાં ચંદુભાઈની ક્ષિતિજ ધીમે ધીમે વિસ્તરતી ચાલી. મુફલીરા ગામે જમાવટ કરી. વેપારવણજનો જેમ પથારો જામ્યો તેમ તેમની ખુદની પાકટતા ય નીખરતી ચાલી. પોતાના અંતરમનમાં પડેલા સંસ્કારને કારણે, ફોટો કસબ પણ ખીલવ્યો. ગળું અને કંઠ પણ સોજ્જા. સંગીતમાં ઊંડો રસ. ખૂબ સાંભળે. સમજે. હિન્દી ફિલ્મજગતના ગાયક મૂકેશના ભારે ચાહક. પરિણામે, ચંદુભાઈ મજલિસ જમાવે અને મૂકેશે ગાયેલાં એકમેકથી ચડિયાતાં ગીતોની હૂબહૂ જમાવટ કરે. બીજી પા, સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીની આવનજાવન અને એમનો ઊંડો પાસ લાગ્યો; તેમ આપણા શિરમોર ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રવાસનો ય રંગ લાગ્યો. આ બધું સ્વાભાવિકપણે એમના પાયામાં ધરબાયું છે. સુગમ સંગીતને ક્ષેત્રે, જેમનાં એકમેકથી ચડિયાતાં કામોના ચોમેર આજે સિક્કા પડે છે, તેવા આ ચંદુભાઈ મટાણીની ભેરુબંધી, ગોવિંદભાઈ પટેલ સંગાથે સન ૧૯૫૫થી બંધાઈ. એક પેટી વગાડે, બીજા તબલા પર સંગત કરે અને છતાં, પાછા, બંને ગાય – ગીતો, રાસ, ભજનો, અને ઘણુંબધું. સંગીત સંગે, ઝામ્બિયામાં અને વિલાયતમાં, આ બેલડાએ એક વાતાવરણ ઊભું કર્યું, સમાજ ઊભો કર્યો. બીજી પાસ, વિલાયતમાં લેસ્ટરથી, ‘શ્રુતિ આર્ટ્સ’ની રચના વાટે ચંદુભાઈ મટાણીએ તો કમાલ કરી જાણી છે.

િવલાયતમાંના અા ત્રણ દાયકાઅો દરમિયાન, ‘શ્રુિત અાર્ટ્સ’ સંસ્થાનો વિકાસ, ચંદુભાઈની રાહબારીમાં, કૂદકે અને ભૂસકે જામ્યો છે. દર વર્ષ થતી રહેલી તેની વિવિધ પ્રવૃત્તિઅો દ્વારા જ અા વ્યાપ સહજ દેખાઈ અાવે છે. વળી, ‘સોના રૂપા’ વાટે, ગીત-સંગીતની ક્ષિતિજ હવે ખંડખંડે વિસ્તરી છે. ‘સોના રૂપા’ હેઠળ વિધવિધ પ્રકારનાં સંગીતની અૉડિયો કસેટ, ડી.વી.ડી. તેમ જ સી.ડી.નું િનર્માણ થયું છે. અા અાખી યાદી નજરે પડે ત્યારે જ તેની સભરતા સમજાય. જોનારને અા કામમાં સમજણ અને દૂરંદેશી અારોપાયેલી જોવા સાંપડે. અા સમૂળા પ્રકલ્પમાં, હવે, પુત્ર હેમન્ત મટાણીની અાગેવાની ભળી છે. તેમણે પૂરી નિષ્ઠા સાથે સંગીતનું સરસ અને સફળ પ્રસારણ તથા વિસ્તરણ કર્યું છે. અા અાખી ઝુંબેશે, ચંદુભાઈની લાંબા ગાળાની કામગીરીને બડું ગૌરવ બક્ષ્યું છે. મુંબઈના ‘ટાઈમ્સ’ જૂથે, મહાનગરી મુંબઈમાં તથા ભારતમાં ય ‘સોના રૂપા’ વાટે તૈયાર કરેલી અાવી અાવી સંગીત સામગ્રીઅો મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી છે. તે ખુદ એક મોટી હરણફાળ છે. સુરેશ દલાલ, અાિસત દેસાઈ, હેમાંગિની દેસાઈ શાં મિત્રોની ય હૂંફ તેમને રહી છે.   

આટઆટલાં વરસોનું એમનું આ તપ, હવે, ડાયસ્પોરિક ગુજરાતી જનજીવનના ઇતિહાસનું એક સોનેરી પૃષ્ઠ બની બેઠું છે. ચંદુભાઈ મટાણીનું અાદિમ સ્વરૂપ ખીલતું રહ્યું હોવાનું અનુભવાતું જોયુંજાણ્યું છે. દીકરો હેમન્ત તબલા પરે સરસ સંગતિ અાપે છે. દીકરી સાધનાનો કંઠ યુગલગીતોમાં સામેલ રહે છે. પુત્ર હેમન્તભાઈની બંને દીકરીઅો – શેફાલી તથા નેહાલીને પલોટવામાં ચંદુભાઈએ કમાલ કરી છે. કેટલી ય મજલિસોમાં, અા બંને પૌત્રીઅોને દાદાજીને ગાયકીમાં સક્રિય સંગતિ અાપતાં ભાળી છે. પોતાનાં ત્રીજા સંતાન, સાધનાબહેનના ચિરંજીવ રોહનને પણ ચંદુભાઈએ ગીતસંગીતની મજલિસમાં ક્યારેક સામેલ કરવાનું રાખ્યું છે. અાવી ઘટનામાં કોઈને પોત્રીઅો – દોહિત્ર માટેનો મમત કદાચ લાગે; પણ ના, એ એમ નથી. હકીકતે, ગુજરાતી સંગીતની જીવાદોરી, એમણે એમના પછીની, પહેલી શું, બીજી પેઢી સુધી, ખેંચી આપી છે. આ સ્પષ્ટપણે વર્તાય છે. આ મટાણી ઘરાણાની બરકત છે.

પત્ની કુમુદબહેને, પુત્ર હેમન્ત અને પુત્રવધૂ પ્રીતિએ, પુત્રીઅો – દીના અને સાધનાએ પણ ચંદુભાઈના ગોવર્ધનને ઊંચકવામાં ડાંગનો સતત અને સજ્જડ હૂંફટેકો દીધા કર્યો છે. માંડવીના અા નબીરાએ બેરા, બ્લાન્ટાયર, મુફલીરા અને લેસ્ટર મુકામે થાણા જમાવ્યા, અને અા દરેક થાણે, એમનો ગઢ મજબૂત બનતો જ ચાલ્યો છે.

ચંદુભાઈના મતે, અા પંચોતેરની મજલમાં, તેમને ત્રેવડો સંતોષ રહ્યો છે. ત્રણ ત્રણ પેઢી વિસ્તરેલો તેમનો પરિવાર સુદૃઢપણે સંયુક્ત રહ્યો છે. છેલ્લાં દશ વર્ષ દરમિયાન, કુમુદબહેનની માંદગી વેળા હેમન્ત, પ્રીતિ તથા પરિવારનાં અપાર હૂંફ અને સાથ મળ્યાં છે. સંયુક્ત કુટુંબની અા દેણગીને તે પરમકૃપાળુની પ્રસાદી લેખે છે. વળી, પોતાને તંદુરસ્ત અાયખું મળી શક્યું છે તેનો ય તેમને પારાવાર અાનંદ છે. હજુ પણ ભરપૂરપણે ગાઈ શકાય છે, તેથી સંતોષ છે તેમ પણ ચંદુભાઈ કહેતા રહે છે. અાટલું કમ હોય તેમ, વિલાયતમાં, અાફ્રિકામાં તેમ જ ભારતમાં બહોળું મિત્રવર્તુળ ઊભું થઈ શક્યું છે, તેને ચંદુભાઈ જીવનની મોટી કમાણી ગણે છે. અાથીસ્તો, કુદરત પ્રત્યે તે અોશિંગણભાવ વ્યક્ત કરી જ લે છે. 

ચંદુભાઈ મટાણીનું અા સાલ અમૃતપર્વ છે. ગઈ ૩૧મી મે ૨૦૦૯ના રોજ એમને ૭૫મું બેઠું છે. ગુજરાતી ગીતસંગીતના જ ફક્ત નહીં, ભારતીય ગીતસંગીતના પણ એ પરચમધારી છે. અા ક્ષેત્રે એ કર્મશીલ પૂરવાર થયા છે અને એમનામાં અાપણા એક અગ્રસૂરિ તરીકેના ય અનેક લક્ષણો ફૂટ્યા છે. અાવા એક ‘પાંજો માળુ’નો, અંગત અંગત, મધમીઠો પરિચય છે. તેનું સદા ય ગૌરવ છે. અાવા ચંદુભાઈને ઘણી ખમ્મા. એમને સદા ય જૂહારપટોળાં હજો.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

સૌજન્ય : “ઓપોિનિયન”, 26 જૂન 2009; પૃ. 03-04

Loading

એક વાત નક્કી: વિચારમાં અને સર્જકતામાં એવી કોઈ શક્તિ છે જેનાથી ટોળાંઓ અને ટોળાંના આક્કાઓ ડરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|30 July 2018

કેરળમાં એસ. હરીશ નામના સાહિત્યકાર છે. તેઓ કેરળના લોકપ્રિય સાપ્તાહિક ‘માતૃભૂમિ'માં ‘મિશા’ નામની ધારાવાહિક નવલકથા લખતા હતા. નવલકથામાં બે પુરુષો વચ્ચે રોજ મન્દિર જનારી એક યુવતી વિશે કાનાફૂસી કરતા સંવાદો આવે છે. બસ, કેટલાક લોકો માટે દિલ દુભાવા માટે આટલું પૂરતું હતું. એક તો સ્ત્રી અને એ પણ મન્દિર જેવા પવિત્ર સ્થળે જતી હોય ત્યારે લેખક આવી વાતો લખે? મલિયાળી ભાષા જાણનારાઓ કહે છે કે નવલકથામાં જે સંવાદો આવે છે અભદ્ર નથી. અશ્લીલ તો જરા ય નથી. યુવાસહજ શૃંગારિક સંવાદો છે. પણ દિલના દલાલો રસ્તા પર ઊતરી આવ્યા. એસ. હરીશને એટલા હેરાન કરવામાં આવ્યા કે તેમણે નવલકથા આટોપી લેવાની જાહેરાત કરી. હવે પછી તેઓ આ નવલકથાને ગ્રંથસ્થ નહીં કરે એવું પણ તેમણે ડરીને કહ્યું છે.

જી હા, ડરીને. લેખકે પોતે જ કહ્યું છે કે તેઓ લેખક છે એટલે કોઈ વધારાની શક્તિ નથી ધરાવતા. નાગરિક તરીકે કોઈ પણ કલાકાર કે સાહિત્યકાર દેશના બીજા કોઈ પણ નાગરિક જેવા નિર્બળ છે. રાજ્ય ટોળાંથી ડરે છે કારણ કે તેને મત જોઈએ છે. અદાલત નાગરિકને કોઈ રક્ષણ આપી શકતી નથી કારણ કે ન્યાયતંત્ર નિર્બળ છે. આ દેશમાં એવી કઈ શક્તિ બચી છે, જે સર્જકના અવાજનું રક્ષણ કરી શકે? આ ઘટના કેરળમાં બની હતી અને બાકીના ભારતને તેની જાણ પણ નહોતી, પરંતુ લેખકે નવલકથા આટોપી લેતાં જે નિવેદન કર્યું છે તેણે રાષ્ટ્રીય ચર્ચા જગાવી છે.

શા માટે સ્વતંત્ર અવાજોને રુંધવામાં આવી રહ્યા છે? શા માટે શાસકો ચૂપ છે? શા માટે ન્યાયતંત્ર દેશને બચાવવાનું તો બાજુએ રહ્યું પોતાને ઉગારવા માટે પણ કોઈ પ્રયત્ન નથી કરતું? શા માટે છેલ્લાં ચાર વરસમાં ટોળાંશાહીએ આખી વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે? ટોળાંઓ કાયદો હાથમાં લઈને કોઈને મારી નાખે અને શાસકો મોં ફેરવી લે. આ શાસકોની નિર્બળતા છે કે પછી ટોળાં સાથેની ભાગીદારી છે? કેરળની ઘટના રાષ્ટ્રીય ઊહાપોહનો વિષય બની છે. સૌથી મહત્ત્વની વાત: જો દેશની સ્થિતિ આવી હોય તો એમાં તમારું સંતાન સુરક્ષિત હશે? વિચારી જુઓ. કિકિયારીઓ પાડતા પહેલાં, ઉન્માદની સિટીઓ વગાડતા પહેલાં અને અનુમોદનની તાળીઓ પાડતા પહેલાં એક નજર તમારા સંતાનની આંખમાં નાખી જુઓ.

આ ભય અસ્થાને નથી. આવો દેશ આકાર લઈ રહ્યો છે જેનો અનુભવ ગઈ સદીમાં જર્મની અને ઇટાલીને થઈ ચુક્યો છે. દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની કિકિયારીઓ, સિટીઓ અને તાળીઓની કિંમત કેટલી મોટી હતી એ જાણવું હોય તો એ બે દેશના ઇતિહાસ પર એક નજર કરી જુઓ. હવે તો લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર નથી, ગૂગલ પર વિગતો મળી જશે. ત્યારે જે લોકો માર્યા ગયા એમાં પ્રત્યેક પાંચમો માણસ એવો હતો, જેના મા-બાપે દેશપ્રેમથી દોરવાઈને કિકિયારીઓ દ્વારા, સિટીઓ વગાડીને અને તાળીઓ પાડીને ફાંસીવાદી રાજ્યનું સ્વાગત કર્યું હતું. મા-બાપોએ તાળીઓ પાડીને સંતાનોની થનારી હત્યાઓનો કેડો કંડારી આપ્યો હતો. એ પહેલાં કેટલાક લોકોની આંખ ઊઘડી હતી, પરંતુ એ પહેલાં ઘણું મોડું થઈ ગયું હતું.

તમારો પક્ષપાત કોઈ પણ પક્ષ માટે હોય એની સામે વાંધો નથી, આગ્રહ માત્ર એટલો જ છે કે શાસન બંધારણની અને કાયદાની મર્યાદામાં થવું જોઈએ. દેશપ્રેમના નામે મૂલ્યો સાથે, નૈતિકતા સાથે, મર્યાદાઓ સાથે, કાયદાઓ સાથે સમાધાન કરવાનું ન હોય. અદના નાગરિકની આ જ એક માત્ર શક્તિ છે અને એ ટકી રહે એમાં આપણો સ્વાર્થ છે. પાકિસ્તાન પર એક નજર કરી જુઓ. પાકિસ્તાનમાં નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો, ઇમરાન ખાન એમ દરેક વૈકલ્પિક નિવાસ અને સંપત્તિ વિદેશમાં ધરાવે છે. ઇસ્લામના નામે જે રાજ્યની નિર્મિતિ ત્યાંના શાસકોએ કરી છે તેનું આ પરિણામ છે. પાકિસ્તાનમાં જે કોઈ શક્તિશાળી છે તેમણે દરેકે વિદેશમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખી છે. માત્ર પાકિસ્તાન નહીં, જ્યાં અશાંતિ છે એ તમામ મુસ્લિમ દેશોમાં શાસકોની વૈકલ્પિક નિવાસની વ્યવસ્થા પશ્ચિમના દેશોમાં છે. ગઈ સદીમાં સામ્યવાદી દેશોના શાસકો પણ અમેરિકા અને યુરોપના લોકશાહી દેશોમાં વૈકલ્પિક વ્યવસ્થા રાખતા હતા. મૂડીવાદને એક રાક્ષસ તરીકે ઓળખાવીને તેમ જ ગરીબ વિરોધી શોષક તરીકે ઓળખાવીને સામાન્ય પ્રજાને ડરાવી રાખવાની પણ જો બાજી ઊલટી પડે તો નાસી જવા માટે એ જ મૂડીવાદી લોકતાંત્રિક દેશોમાં તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખતા હતા.

તો અદનો પાકિસ્તાની નાગરિક ક્યાં જાય? એ બિચારો મસ્જિદમાં ઈબાદત કરવા જાય છે ત્યારે ત્યાં ઇસ્લામના નામે થતા બૉમ્બ વિસ્ફોટમાં માર્યો જાય છે. અત્યારના પાકિસ્તાનીઓનાં મા-બાપોએ જો પાંચ દાયકા પહેલાં ઇસ્લામના નામે કિકિયારીઓ ન પાડી હોત તો પાકિસ્તાનની હાલત આજ જેવી ન હોત. કોમી હુલ્લડોમાં કે કોઈ શાસકના સંતાનોએ જાન ગુમાવ્યા હોય, એવું આજ સુધી તમારા વાંચવામાં આવ્યું છે? માર્યો એ જાય છે જેણે પોતે અથવા તેના સ્વજનોએ કે પડોશીએ હરખની કિકિયારીઓ પાડી હતી. અરાજક રાજ્યમાં સામાન્ય માણસની આ અને માત્ર આ જ નિયતિ છે. જગતનો ઇતિહાસ જોઈ જાઓ. એટલે તો મલિયાળી સાહિત્યકાર એસ. હરિશે કહ્યું છે કે ટોળાંને શરણે જવા સિવાય માટે મારી પાસે વિકલ્પ શુ છે? બંધારણે નાગરિકને જે શક્તિ આપી છે એની રક્ષા કોણ કરે છે? હું અસુરક્ષિત છું અને મારી રક્ષા કરનાર કોઈ નથી.

કેરળની બાજુમાં કર્ણાટકમાં બસનગૌડા પાટીલ નામના બી.જે.પી.ના વિધાનસભ્ય છે. અટલ બિહારી વાજપેયીની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે તેઓ કેન્દ્રીય પ્રધાન પણ હતા. તેમણે બે દિવસ પહેલા જાહેરમાં કહ્યું હતું કે કોણ છે આ લોકો? ક્યાંથી આવે છે? તેઓ પોતાને શું સમજે છે? જ્યાં ત્યાં વિરોધ કરીને વચ્ચે ટેં ટેં કરનારા વિદ્વાન, બુદ્ધિજીવી, સર્જક, વિચારકોને તો વીણીવીણીને ગોળીએ મારવા જોઈએ.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનનું આ નિવેદન છે.

એક વાત નક્કી : વિચારમાં અને સર્જકતામાં એવી કોઈ શક્તિ છે જેનાથી ટોળાંઓ અને ટોળાંના આક્કાઓ ડરે છે. આનું શુ કરવું? હજુ સુધી શાસકોને એવો કોઈ કીમિયો હાથ નથી લાગ્યો  કે સોક્રેટિસો જન્મે જ નહીં, અને જન્મે તો વિચારે નહીં, અને વિચારે તો પ્રશ્નો પૂછે નહીં. જે માણસ ઝેર પીવા રાજી હોય એનું કરવું પણ શું?

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 જુલાઈ 2018

Loading

...102030...3,0843,0853,0863,087...3,0903,1003,110...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved