Opinion Magazine
Number of visits: 9581190
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલ્હીમાં સમાધાનના આસાર: કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 June 2018

દિલ્હીના મામલાને બહુ ખેંચવામાં સાર નથી, એનું ભાન કેન્દ્ર સરકારને થઈ ગયું હોય એમ લાગે છે. મંગળવારે દિલ્હીના સનદી અધિકારીઓના એસોસિયેશને નિવેદન બહાર પાડ્યું છે કે દિલ્હી સરકારના સનદી અધિકારીઓ હડતાલ પર નથી અને તેઓ કેજરીવાલ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ પહેલાં છેલ્લા એક અઠવાડિયાથી તેઓ એકનો એક રાગ આલાપતા હતા કે તેઓ હડતાલ પર ગયા નથી, તેમણે કોઈ ફરજ બજાવવાનું અટકાવ્યું નથી, માત્ર દિલ્હીના પ્રધાનોની રાબેતાની બેઠકોમાં હાજરી આપતા નથી. તેમનો પ્રતિકાર મર્યાદિત સ્વરૂપનો છે અને તે આત્મગૌરવ માટેનો છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પહેલાં જ સનદી અધિકારીઓને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત કોઈની પણ સામે રક્ષણ આપવાની જવાબદારી લીધી હતી. તેમણે અધિકારીઓનું સન્માન જળવાય એની બાંયધરી આપી હતી. આના પ્રતિસાદમાં એ સમયે અધિકારીઓ કહેતા હતા કે સમાધાનનો કે બાંયધરીનો સવાલ જ ક્યાં છે, જ્યારે અમે હડતાલ પર જ નથી. હંમેશ મુજબ વડા પ્રધાન ચૂપ છે, પણ આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ પણ ચૂપ છે, જે દાવો કરી રહ્યા છે કે દિલ્હીમાં શાસનનો ખરો અધિકાર તેઓ ધરાવે છે. વડા પ્રધાન તો નિ:શંક સત્તા ધરાવે છે અને એલ.જી. સત્તા ધરાવતા હોવાનો દાવો કરે છે, પણ આમ છતાં ય તેમને તેમની ફરજની યાદ અપાવવામાં આવે ત્યારે તેઓ બન્ને શાહુડીની જેમ રેતીમાં મોં છુપાવી દે છે. એટલે તો દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનોજ સિસોદિયાએ સનદી અધિકારીઓની વાતચીત કરવાની ઓફરનો સ્વીકાર કરતા શરત રાખી છે કે બેઠક અનિલ બૈજલની હાજરીમાં થવી જોઈએ કે જેથી તેઓ નવી રમત ન રમે.

કૂણા સનદી અધિકારીઓ નથી પડ્યા, કેન્દ્ર સરકાર પડી છે. તેમને સમજાઈ ગયું છે કે હવે બહુ ખેંચવામાં લાભ કરતા નુકસાન વધુ છે. એક તો દિલ્હીની પ્રજાનો મૂડ રવિવારના આમ આદમી પાર્ટીના મોરચામાં નજરે પડ્યો હતો. ટૂંકી નોટિસ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો મોરચામાં જોડાયા હતા. મોરચો મંડી હાઉસથી વડા પ્રધાનના નિવાસ સ્થાને જવા નીકળ્યો હતો અને તેમાં ક્રમશ: સંખ્યા વધતી જતી હતી. મોરચો જ્યારે સંસદ માર્ગ પર પહોંચ્યો ત્યારે મોરચો કાઢવા માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નથી, એમ કહીને પોલીસે મોરચાને અટકાવી દીધો હતો. અરવિંદ કેજરીવાલે પણ અથડામણમાં ઊતરવાની જગ્યાએ હવે પછી જરૂર પડ્યે ફરી મોરચાનું આયોજન કરવામાં આવશે, એમ કહીને મોરચો આટોપી લીધો હતો. આ એક ઘટના પરથી કેન્દ્ર સરકારને સમજાઈ ગયું હતું કે દિલ્હીની પ્રજા કેવો મૂડ ધરાવે છે.

બીજી ઘટના વિરોધ પક્ષોની દિવસોદિવસ મજબૂત થઈ રહેલી એકતા છે. ચારે બાજુથી દિલ્હી સરકારને ટેકો મળી રહ્યો છે. નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયેલાં પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો અલગથી વડા પ્રધાનને મળ્યા હતાં અને તેમણે વડા પ્રધાનને વિનંતી કરી હતી કે દિલ્હી સરકાર ચૂંટાયેલી સરકાર છે અને તેને કામ કરવાની તક આપવામાં આવે. દિલ્હી સરકાર માટે સહાનુભૂતિનું મોજું એટલું તીવ્ર છે કે દિલ્હી સરકારના ધરણાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસે પણ વલણ બદલવું પડ્યું છે.  સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ મમતા બેનર્જીને મળ્યા હતા અને કોંગ્રેસ પક્ષ તેની ભૂમિકાની પુન:સમીક્ષા કરશે એવી ખાતરી આપી હતી.

આ ઉપરાંત તામીલનાડુના ડી.એમ.કે.ના નેતા સ્તાલિને, તાજાતાજા રાજકારણમાં પ્રવેશેલા કમલ હાસને, બી.જે.પી.ના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાએ ટેકો આપ્યો છે. કેન્દ્ર સરકારને એક વાતની ખાતરી થઈ ગઈ હોય એમ લાગે છે કે દાદાગીરી કરીને અને વિરોધ પક્ષો સાથે ચારે બાજુ બાખડીને બી.જે.પી. તેમની એકતા માટે મજબૂત કારણ આપી રહી છે. આને કારણે તેમની વચ્ચે એકતા નહીં થવાની હોય તો પણ થશે. જો આમ ન હોય તો સર્વોચ્ચ અદાલતના બે જજોએ કેજરીવાલ સરકારની વિરુદ્ધ નુક્તેચીની કરવા છતાં સનદી અધિકારીઓ કૂણા શા માટે પડ્યા? સર્વોચ્ચ અદાલતે સોમવારે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે કોઈના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણા કરવાનો અને કબજો જમાવવાનો અધિકાર તમને કોણે આપ્યો? સર્વોચ્ચ અદાલતનું વલણ જોતાં એવી શક્યતા ખરી કે સર્વોચ્ચ અદાલત એલ.જી.ની ઓફિસ ખાલી કરવાનો અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓને આદેશ આપે, પરંતુ અદાલત હવે પછીની સુનાવણી વખતે આવો આદેશ આપે ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારને અને બી.જે.પી.ને ઘણું નુકસાન થઈ શકે એમ છે.

અરવિંદ કેજરીવાલે બે વાત સાબિત કરી આપી છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી તગેડી મૂકીને તેમણે સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા નેતા નથી, પરંતુ એ સાથે જ દિલ્હીમાં અનેક વિઘ્નો વચ્ચે દિલ્હીની જનતા યાદ રાખે એવું કામ કરીને સાબિત કરી આપ્યું છે કે તેઓ મોટા શાસક છે. કેરળ સહિત ભારતનું કોઈ પણ રાજ્ય ધડો લઈ શકે એવું નેત્રદીપક કામ કેજરીવાલ અને તેમના સાથીઓએ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે દિલ્હીમાં કરી બતાવ્યું છે. વડા પ્રધાન અને બી.જે.પી.ના નેતાઓને આ વાત કઠે છે.

આશા રાખીએ કે દિલ્હીની મડાગાંઠનો આવતા એક-બે દિવસમાં અંત આવશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2018

Loading

શરણાર્થીઓની સિતમયાત્રા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|20 June 2018

સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્થાપન એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે

‘મુઝસે મિલને કે લિયે, કિસી કો ખટખટાના નહીં હોગા દરવાજા, કેવલ ફટેહાલ સરકારી તંબૂ કા પર્દા સરકાના હોગા’ — વિસ્થાપિત કાશ્મીરી પંડિત અને કવિ મહારાજ કૃષ્ણ ભરતની આ પંક્તિમાં છુપાયેલા દર્દની આપણે તો પૂરી કલ્પના પણ ન કરી શકીએ. જિંદગીમાં એક વસ્તુ ખોવાઈ જાય કે એક વ્યક્તિ સાથેનો નાતો તૂટી જાય, એનું દુ:ખ પણ આપણાથી જીરવાતું નથી હોતું ત્યારે પોતાના જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી વ્યક્તિનું દર્દ કેટલું વસમું હશે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે! 21મી સદીમાં દુનિયા જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, એમાંની એક સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, એમ એમ વિસ્થાપનની સમસ્યા વકરતી જાય છે.

શરણાર્થી બનવા જેવી મોટી લાચારી બીજી કોઈ હોઈ ન શકે. પોતાનું ઘર છૂટી જાય, પોતાનું ગામ છૂટી જાય, પોતાનાં સગાંસંબંધીઓનો સાથ છૂટી જાય, નસીબ ફૂટેલાં હોય તો પરિવારજનો પણ છૂટી જાય, પોતાની જમીન-જાયદાદ છૂટી જાય, નોકરી-ધંધો છૂટી જાય … શું શું નથી છૂટી જતું એક શરણાર્થીના જીવનમાંથી? ટૂંકમાં, જીવનમાં જે કંઈ પોતાનું ગણીને પ્રેમથી જીવન જીવી રહ્યા હોઈએ, એ સઘળું એક ઝાટકે છૂટી જાય ત્યારે બચેલું જીવન વરદાન છે કે શાપ, એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. આજે વિશ્વ શરણાર્થી દિવસ (20 જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે) છે ત્યારે શરણાર્થીઓની સિતમયાત્રાને જાણવી અને સંવેદવી જરૂરી છે.

વર્તમાન વિશ્વમાં વ્યક્તિને શરણાર્થી બનાવતાં મુખ્ય ચાર કારણો પર નજર નાખીએ તો સૌથી પહેલાં આવે છે, યુદ્ધ. બે દેશોની સરહદ પર તણખા ઝરે ત્યારે ઘર-ગામ છોડવા પડતાં હોય છે. બીજું કારણ છે, આતંકવાદ. અમુક ક્ષેત્રોમાં જ્યારે કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધી જાય ત્યારે સામાન્ય લોકો ગામ-દેશ છોડવા મજબૂર બનતા હોય છે. ત્રીજું કારણ છે કોમી-વંશીય રમખાણો. રોહિંગ્યા મુસ્લિમોએ હાલમાં મ્યાનમાર છોડવા મજબૂર બનવું પડ્યું છે, તે આ કારણનું જલદ ઉદાહરણ છે. ચોથું અને સામાન્ય લોકોને ધ્યાનમાં ન આવતું કારણ છે, આર્થિક પરિયોજનાઓ. વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટને કારણે હજારો લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિકાસ કરવો હોય તો ભોગ તો આપવો પડે, એ બોલવું સહેલું છે, પરંતુ મૂળ સાથે ઊખડવાની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણતું હોય છે. વિસ્થાપન માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ જોવા મળી છે કે ગરીબ, વંચિત, પછાત, હાંસિયામાં ધકેલાયેલા અને આદિવાસી સમૂહોએ જ વિસ્થાપનની વસમી પીડા વધારે ભોગવવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાનો અવાજ રજૂ કરવા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોતા નથી. આથી તેમણે વસવાટ માટે અન્ય પ્રદેશ અપનાવવો પડે છે અને નવા પ્રકારની આજીવિકા ઊભી કરવા માટે મથવું પડે છે. અજાણ્યા લોકો, અજાણ્યા દેશ-પ્રદેશમાં જ્યાં પોતાનું કોઈ નથી હોતું ત્યાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું પડે છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે ઓછામાં ઓછી એક પેઢીએ તો ભોગ આપવો જ પડે છે.

શરણાર્થીઓને સામનો કરવો પડે એવી બીજી સમસ્યા એ છે કે દુનિયાના ભાગ્યે જ કોઈ સ્થળે તેમને આવકાર મળતો હોય છે. બહારથી આવેલાને શંકાથી કે ડરથી જોવામાં આવતાં હોય છે. વળી, શરણાર્થીઓના પુન:સ્થાપન માટે રાજ્ય કે દેશ પર જે આર્થિક ભારણ આવે છે, એની પણ અવગણના થઈ શકે નહીં.

શરણાર્થીઓની સિતમયાત્રા ઘણી લાંબી ચાલતી હોય છે. ચાલો, આપણે એવો સમાજ રચીએ, વિકાસનો એવો અભિગમ અપનાવીએ કે કદી કોઈએ વિસ્થાપિત ન થવું પડે.

("દિવ્ય ભાસ્કર"ની 20મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Loading

પુણેનું પાઘડી પુરાણ અને વિતંડા

રમેશ ઓઝા|Opinion - Opinion|18 June 2018

૧૯૧૯ની ૧૨મી જુલાઈએ ગાંધીજી પૂનામાં હતા અને લોકમાન્ય તિલક જે વાડામાં રહેતા હતા એ ગાયકવાડવાડાની બહાર તેમણે તિલકની હાજરીમાં જાહેરસભાને સંબોધી હતી. ગાંધીજીએ પૂના શહેરના બૌદ્ધિક વારસા વિષે કહ્યું હતું કે પૂના જે આજે વિચારે છે એ દેશ બીજા દિવસે વિચારે છે. એ પછી ગાંધીજીએ પુણેકરોના કાન આમળતા કહ્યું હતું કે પૂના અને મહારાષ્ટ્ર વિતંડાની બીમારી ધરાવે છે. કોઈ કાંઈ બોલ્યું અને સામે મોરચો ન ખૂલે તો એ મહારાષ્ટ્ર અને પૂના નહીં. ઘણીવાર તો નિરર્થક વાદ-વિવાદ થતો હોય છે જેને ટાળી શકાય છે. એનાથી શક્તિ ક્ષીણ થાય છે, વગેરે વગેરે અને એ પછી અંતમાં ગાંધીજીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને પૂના વિતંડાગ્રસ્ત ન હોત તો દેશને મારા જેવાની જરૂર જ ન પડી હોત. મહારાષ્ટ્ર બધું જ આપી શકે એમ છે.

આ ગાંધીજીએ સો વરસ પહેલાં પૂનામાં કહ્યું હતું. કોઈ બોલ્યું અને સામે મોરચો ન ખૂલે તો મહારાષ્ટ્ર નહીં. ગયા અઠવાડિયે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારને આનો પરિચય થઈ ગયો. આમ તો શરદ પવાર જોખી જોખીને બોલવા માટે જાણીતા છે. તેમણે માફી તો ઠીક ખુલાસો કરવો પડ્યો હોય એવું જાણમાં નથી. આમ છતાં પવાર ફસાઈ ગયા હતા, કારણ કે કારણ ભલે નજીવું હોય પણ પુણે મહારાષ્ટ્રમાં વિવાદ થઈ શકે છે.

બન્યું એવું કે ગયા અઠવાડિયે રાષ્ટ્રવાદી પક્ષનું પુણેમાં હલ્લા બોલ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. એ સંમેલનમાં જેલમાંથી છુટ્યા પછી છગન ભુજબળ પણ હાજર હતા. શરદ પવારે છગન ભુજબળનું ફુલે પાઘડી (મહાત્મા જ્યોતિબા ફુલે પહેરતા એવી શૈલીની પાઘડી, પાઘડી પણ નહીં ફેંટો) પહેરાવીને સન્માન કર્યું હતું અને એ પછી પવારે પોતાના ભાષણમાં પક્ષના નેતાઓને સલાહ આપી હતી કે હવે પછી પુણે પાઘડી (લોકમાન્ય તિલક કે ગોપાલ કૃષ્ણ ગોખલે પહેરતા એવી ચાંચવાળી પાઘડી)ની જગ્યાએ ફુલે પાઘડી પહેરાવીને મહેમાનોનું સન્માન કરવામાં આવે.

બસ. પવાર મહા અપરાધ કરી બેઠા. શરદ પવારે પૂનાનું અપમાન કર્યું છે, ચિત્પાવન બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, લોકમાન્ય તિલક અને ગોખલેનું અપમાન કર્યું છે, પુણે પાઘડી મહારાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક છે વગેરે. છગન ભુજબળ મહાત્મા ફુલેની માળી કોમમાંથી આવે છે એટલા સારુ ફુલે પાઘડીથી સન્માનવામાં આવ્યા હતા. હવે પછીથી ફુલે પાઘડીથી જ મહેમાનોને સન્માનવામાં આવે એવી સલાહ આપવા પાછળનો ઉદ્દેશ એટલો જ હતો કે ફુલે બહુજન સમાજના નેતા હતા, એટલે ફુલે પાઘડી દ્વારા પક્ષ બહુજન સમાજ સાથે સેતુ બાંધી શકે. બીજું, પુણે પાઘડી એ પુણેના અઢી ટકા ચિત્પાવન બ્રાહ્મણોની પાઘડી છે, પુણેના તમામ સમાજના લોકો કહેવાતી પુણે પાઘડી નહોતા પહેરતા કારણ કે તેમને એ પહેરવાની છૂટ નહોતી.

જી હા, છૂટ નહોતી. ઉજળી જ્ઞાતિના લોકો જેવી પાઘડી પહેરે એવી પાઘડી લોક વરણને પહેરવાની છૂટ નહોતી. ધોતીમાં પણ ભેદભાવ હતો. તમને કદાચ જાણ નહીં હોય, પરંતુ માત્ર અને માત્ર બ્રાહ્મણો જ બેવડી પાટલીવાળી ધોતી પહેરી શકતા. વૈશ્યોને એક પાટલીવાળું ધોતિયું પહેરવાની છૂટ હતી અને બાકીની પછાત કોમોએ કાછડી વાળવાની. આમ વેશભૂષા પરથી એ યુગમાં માણસની જ્ઞાતિનો પરિચય થઈ જતો. મહારાષ્ટ્રમાં અઠરા પગડ જાતિ એવી કહેવત છે. ૧૮ પગડ એટલે ૧૮ પ્રકારની પાઘડી જેમાં મહારાષ્ટ્રની તમામ પ્રજા સમાઈ જતી. અજાણ્યો માણસ ગામમાં પ્રવેશે કે તરત ગામના લોકોને ખબર પડી જાય કે એ કઈ જાતિનો હશે. ધોતિયું અને પાઘડીની શૈલી પરિચય આપી દેતાં.

શરદ પવારની માફક મહાત્મા ગાંધીને પણ પાઘડીના વળનો કડવો અનુભવ થયો હતો. મહારાષ્ટ્ર વિતંડાવાદી છે એમ ગાંધીજીએ કહ્યું એ જ અરસામાં ગાંધીજીએ કાઠિયાવાડી ફેંટો પહેરવાનું બંધ કરીને ટોપી પહેરવાનું શરુ કર્યું હતું, જે ગાંધી ટોપી તરીકે ઓળખાવા લાગી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે ફેંટા જ્ઞાતિવાચક છે. ફેંટો જોઇને માણસની જ્ઞાતિ પહેલાં નજરે ચડે છે, માણસમાં રહેલો માણસ નજરે ચડતો નથી. આપણે જ્ઞાતિઓની ટૂંકી ઓળખો ખતમ કરીને દેશને જોડવાનો છે. પાઘડી તેમ જ ફેંટાઓને તિલાંજલિ આપવા પાછળનો બીજો તર્ક એ હતો કે પાઘડી અને ફેંટામાં ખૂબ કપડું ખર્ચાય છે. એક ફેંટામાંથી ૨૦થી ૨૫ ટોપી બની શકે. ઉદ્દેશ જો માથું ઢાંકવાનો જ હોય તો પાંચ ગજ કપડાંની જરૂર શું છે, પા ગજની ટોપીથી પણ કામ ચાલી શકે છે.

આખા દેશમાં ગાંધી ટોપીને અને ગાંધી ફિલસૂફીને વધાવી લેવામાં આવી, પરંતુ પૂનામાં યુદ્ધ જામ્યું. ગાંધી ટોપીની ઠેકડી ઉડાડનારા પ્રહસનો લખાવા લાગ્યાં. પાઘડી કેટલી મહાન અને ટોપી કેટલી ક્ષુલ્લક એનાં ગીતો લખાયાં અને નાટકોમાં પાઘડી વિરુદ્ધ ટોપીના સંવાદ બોલાવા લાગ્યા. પુણેના બ્રાહ્મણોને ગાંધીજી સામે બે વાતે વાંધો હતો. એક તો તેમને એમ લાગતું હતું કે ગાંધીજીએ પુણે અને મહારાષ્ટ્ર પાસેથી દેશનું નેતૃત્વ છીનવી લીધું હતું. રાષ્ટ્રીય રાજકારણનું નેતૃત્વ કરવાનો જન્મસિદ્ધ અધિકાર પુણેના અને મહારાષ્ટ્રના બ્રાહ્મણોનો છે એવું તેમને લાગતું હતું. તેમને ગાંધીજી સામે બીજો વાંધો એ વાતનો હતો કે ગાંધીજીએ રાજકારણમાં તેલી-તંબોળી, મુસલમાન, દલિત અને સ્ત્રીઓ સહિત બધાંને સ્થાન આપ્યું હતું જેને કારણે બ્રાહ્મણોએ વર્ચસ ગુમાવી દીધું હતું.

ગાંધીજીની હત્યા પુણે/મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ કરી હતી. એ પહેલાં ગાંધીજીની હત્યા કરવાના દરેક પ્રયાસ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મહારાષ્ટ્રમાં થઈ હતી, અને તેનું નેતૃત્વ આજે પણ મહારાષ્ટ્રના બ્રાહ્મણો કરી રહ્યા છે. આમ મહારાષ્ટ્રના બ્રાહ્મણો પહેલેથી જ ગાંધી વિરોધી રહ્યા છે. અહીં પણ પાછી ટોપી આડી આવી. મહારાષ્ટ્રના બ્રાહ્મણો પાઘડીપરસ્ત ગાંધીવિરોધી હતા, એટલે બહુજન સમાજે કચકચાવીને ગાંધી ટોપી અપનાવી હતી અને કોંગ્રેસમાં જોડાયા હતા. આજે નવી પેઢી ગાંધી ટોપી પહેરતી બંધ થઈ ગઈ છે, પરંતુ મહારાષ્ટ્રમાં તમને ગાંધી ટોપી પહેરનારા સૌથી વધુ મળશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 જૂન 2018

Loading

...102030...3,0743,0753,0763,077...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved