Opinion Magazine
Number of visits: 9579829
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૅટ્રિમોનિયલ્સ

પન્ના નાયક|Opinion - Short Stories|25 June 2018

આજે ઑગસ્ટની બીજી તારીખ. બે મહિના પછી ઑક્ટોબરની બીજી. ગાંધી જયંતી. પ્રભાના અવસાનને એ દિવસે ત્રણ વર્ષ થશે. પાર્ટીમાં જવા માટે પહેરવાનાં સૂટ અને શર્ટને ઇસ્ત્રી કરતાં કરતાં ડ્રેસિંગટેબલ પર પ્રભાએ ગોઠવેલાં ને હજી એમ ને એમ રાખેલાં શ્રીનાથજીની છબી, ઘરેણાંનો ડબ્બો, ‘શનેલ નંબર ફાઇવ પર્ફ્યુમ’, હૅરબ્રશ વગેરે વગેરે જોતો જોતો નિરંજન વિચારતો હતો. એને વિધુર થયે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. અને પ્રભા વિના વિતાવેલાં વર્ષો એણે કેમ કાઢ્યાં હતાં એ તો એનું જ મન જાણે છે. રીના હવે બાર વરસની થઈ અને રુચિર ચૌદનો. ટીનએજર્સને અમેરિકામાં ઉછેરવાનાં હતાં.

ઇસ્ત્રી કરી નિરંજને દાઢી કરવા માંડી. એ દાઢી કરવા માંડે ત્યારે જ પ્રભાને હાથ ધોવા હોય. બાજુમાં બીજું સિન્ક હતું એમાં નહિ પણ નિરંજન ઊભો હોય એ જ સિન્કમાં. નિરંજનને નાની નાની બાબતોમાં હેરાન કરવાનું પ્રભાને ખૂબ ગમતું. નિરંજન આજે એકલો એકલો ઊભો રહીને દાઢી કરતો હતો. એને પ્રભાના અવસાનનો કારમો ગુરુવાર યાદ આવી ગયો. માથાના અસહ્ય દુખાવાને કારણે પ્રભા એ ગુરુવારે વહેલી ઘેર આવી હતી. દાખલ થતાં મેઈલબૉક્સમાંથી ટપાલ લઈને જ ઉપર આવી હતી. ટાયલેનોલની બે ગોળી લીધી હતી. પછી નિરંજનને ફોન કર્યો હતો. વાત કરતાં કરતાં ઓવન ચાલુ કર્યું હતું, ફ્રિજમાંથી ઑરેન્જ જ્યૂસ કાઢ્યો હતો. સફરજન અને ચપ્પુ રકાબી પર મૂક્યાં હતાં. બીજી ટપાલને હડસેલી ‘ઇન્ડિયા અબ્રૉડ’ ખોલ્યું હતું. પાનાં ફેરવી એને ગમતી મૅટ્રિમોનિયલ કૉલમનાં પાનાં ટેબલ પર પ્રસાર્યાં હતાં. નિરંજન સાથેની વાત પતી એટલે સફરજન સમાર્યું હતું, ટેબલ પર પસારેલું છાપું વાંચતાં વાંચતાં સફરજનની ચીરી ખાઈ રહી હતી. એકાએક એ ખુરસી પરથી ફર્શ પર પડી ગઈ. કલાકેક પછી રુચિર આવ્યો ત્યારે પ્રભા હજી ફર્શ પર જ પડી હતી. સફરજનની અડધી ખાધેલી ચીરી હજી એના મોંમાં જ હતી. એણે રુચિરને ઇશારાથી ચાલુ ઓવન બંધ કરવાની સૂચના આપી હતી. રુચિર ખૂબ ગભરાઈ ગયો હતો. એણે તરત નિરંજનને ફોન કર્યો ને નિરંજન દોડતો આવ્યો હતો. એ આવ્યો ત્યારે પણ પ્રભા ફર્શ પર હતી. સમારેલા કાળા પડી ગયેલા સફરજનની રકાબી નીચે છાપું ખુલ્લું પડ્યું હતું. એણે ઍમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. ચાર કલાક પછી પ્રભા અવસાન પામી. વિચારમાં ને વિચારમાં દાઢી સહેજ છોલાઈ. લોહી ધસી આવ્યું. નિરંજને નેપ્કિન લઈ લોહી પર દાબી દીધો. પહેલાં કોઈ વાર દાઢી છોલાતી તો પ્રભા નેપ્કિન લઈ દોડી આવતી.

નિરંજને શાવર ખોલ્યો. પ્રભા સાથે લીધેલા શાવર યાદ આવ્યા.

ગુરુ શુક્રવારની ટપાલમાં સાપ્તાહિક છાપું આવ્યું હોય. આગામી કાર્યક્રમોની જાહેરાત પર નજર ફેરવી છેલ્લે પાને આવતી મૅટ્રિમોનિયલ્સમાં પ્રભાને ભારે રસ. આ મૅટ્રિમોનિયલ્સ એ ધ્યાનથી જુએ. કેટલીક જાહેરખબર લાલ પેનથી માર્ક કરે. રાતે એ ને નિરંજન લાલ પેનથી માર્ક કરેલી જાહેરખબરની ચર્ચા કરે. આ સ્ત્રી-પુરુષો કોણ હશે? કેવાં હશે? વિધવા, વિધુર, છૂટાછેડા લીધેલી વ્યક્તિઓ. પ્રભા અને નિરંજન વિચારે કે એ જાહેરખબરમાંથી એમને કોણ ફિટ થાય છે. પ્રભા પુરુષોની કૉલમ જુએ અને નિરંજન સ્ત્રીઓની. જરૂરિયાત પ્રમાણે જવાબ તૈયાર કરે. એકબીજાના જવાબ વાંચે અને પછી બન્ને ખડખડાટ હસે. આ એમની વર્ષોની અંગત રમત હતી. આ રમતની વાત શાવરમાં પણ થતી. આજે એને પાર્ટીમાં જવાનું છે. અશોક અને સુનીતાને ત્યાં.

આ જ અશોક અને સુનીતાએ એમનાં લગ્નની પચ્ચીસમી એનિવર્સરીની પાર્ટી કરેલી. ખૂબ ધામધૂમથી, નવેસરથી લગ્ન કરીને. નિરંજન અને પ્રભા જેવાં અનેક દંપતીઓની સાથે ઉષાને પણ બોલાવેલી. ઉષાએ થોડા સમય પર છૂટાછેડા લીધા હતા. પાર્ટીમાં લોકો એની સામે અવનવા ભાવથી જોતા હતા. જમતી વખતે ઉષા પ્રભા અને નિરંજન સાથે બેઠી હતી. પ્રભાએ એની સાથે વાતો કરી. ક્યારેક એમને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. નિરંજને આગ્રહ કર્યો. ફોન કરીને દિવસ નક્કી કરવાની વાત સાથે એ લોકો છૂટાં પડ્યાં.

એનિવર્સરીની પાર્ટીમાંથી ઘેર જતાં નિરંજને પ્રભાને કહ્યું કે બીજાં દસ વરસ પછી એ લોકોએ પણ પચ્ચીસમી એનિવર્સરી આવી રીતે ઊજવવી જોઈશે.

‘ઉષા ત્યારે એકલી જ હશે કે પરણી ગઈ હશે?’

‘આટલી હોશિયાર ભણેલીગણેલી ને કમાતી છોકરી થોડી જ કુંવારી રહેવાની હતી? અત્યારે ય કેટલા પુરુષો એની પાછળ હશે કહેવાય નહિ.’

થોડી વાર કોઈ બોલ્યું નહિ.

‘આપણે ઘેર આવે ત્યારે પૂછીએ તો કેમ?’ પ્રભા બોલી.

‘અને કોઈ સાથે નક્કી ન કર્યું હોય તો આપણાં છાપાંનો ઢગલો એની પાસે ખડકી દેવાનો.’ નિરંજનને લાલ પેનથી માર્ક કરેલી જાહેરખબરો આંખ સામે આવી.

નિરંજનનો શાવર પતી ગયો. એને વિચાર આવ્યો આજની પાર્ટીમાં ઉષા હશે? એકલી આવી હશે? પ્રભાના ફ્યુનરલ વખતે ઉષા આવી હતી.

નિરંજન ગ્રે સૂટમાં તૈયાર થઈ સાંજની ગાર્ડન પાર્ટીમાં ગયો. એક હાથમાં ડ્રિંક અને બીજે હાથે મગફળી અને કાજુ ખાતાં ખાતાં કેટલાક પુરુષો રાજકારણની ચર્ચા કરતા હતા. કેટલીક સ્ત્રીઓ ઘરકામની અને છોકરાંઓની વાતો કરતી હતી. એ કોઈ પણ ગ્રુપમાં ભળી શકે એમ હતું. બધાંને કેમ છો, કેમ છો, પૂછી રસોડામાં આંટો મારી આવ્યો. ત્યાંથી ઉપર બાથરૂમમાં ગયો. એના વાળ બરાબર છે કે નહિ એ અરીસામાં ચેક કરી લીધું.

બાથરૂમમાંથી નીચે આવ્યો ત્યારે એક ક્ષણ માટે સોપો પડી ગયો હતો. એનું કારણ ઉષા હતી. ઉષા એના સફેદ અને કાળા સલવાર-કુર્તા-દુપટ્ટામાં સજ્જ હતી. ખભે કાળી પર્સ હતી. પગમાં કાળા શૂઝ. મોં પર આછો મેકઅપ, આંખમાં બદામી આકારને સતેજ કરતું કાજળ. હોઠ પર ગુલાબી લિપસ્ટિક.

ઉષા આવી એ નિરંજનને ગમ્યું.

‘શું ડ્રિંક પીશો?’ નિરંજને ઉષાને પૂછ્યું.

‘જિન ઍન્ડ ટૉનિક.’

નિરંજન એને માટે ડ્રિંક લઈ આવ્યો. ઉષાએ એના, બાળકોના ખબર પૂછ્યા.

‘જમતી વખતે તમે મારી સાથે જ બેસજો.’

‘કેમ?’ ઉષાએ પૂછ્યું.

‘તમને એકલું ન લાગે ને!’

જમતી વખતે નિરંજન ખુશમિજાજમાં હતો. ઉષાનું ધ્યાન રાખતો હતો. ખૂબ બોલતો હતો.

‘તમને હું ડ્રન્ક તો નથી લાગતો ને?’

‘મને મજા આવે છે.’ ઉષા બોલી.

‘હું તમને ફોન કરી શકું?’

‘હા.’

ખોળા પર મૂકેલા નેપકિનને હાથમાં લઈ, મોં લૂછવાનો ચાળો કરી, એના પર પોતાના ઘરનો નંબર લખી ધીરેથી ઉષાના ખોળા પર મૂક્યો.

‘ઇચ્છા થાય તો ફોન કરજો.’

અઠવાડિયા પછી નિરંજને જ ફોન કર્યો.

‘ઉષા, હું નિરંજન.’

‘કેમ છો તમે?’

‘બિઝી તો નથી ને?’

‘ટીવી જોઉં છું.’

‘પછી ફોન કરું?’

‘હા, દસ વાગ્યે.’

દસ વાગ્યે નિરંજને ફોન કર્યો.

‘હવે તો બિઝી નથી ને?’

‘ના.’

‘ગયા શનિવારે પાર્ટીમાં તારી સાથે મજા આવી. તમને “તું” કહું તો વાંધો નથી ને?’

‘પણ હું તમારાથી મોટી છું.’ ઉષાએ ગપ્પું માર્યું.

‘કેટલી મોટી?’

‘બાર વરસ.’

‘પણ તું લાગે છે માંડ પાંત્રીસની. હાઉ ઇઝ લાઇફ?’

‘કોઈ ફરિયાદ નથી.’ ઉષાએ બીજું ગપ્પું માર્યું.

‘એકલું નથી લાગતું?’

‘મારા કામમાંથી પરવારું પછી એવો વિચાર કરું ને?’ ત્રીજું ગપ્પું.

‘ઇન્ડિયામાં હોય તો આમ સવારથી સાંજ કામ કર્યાં કરે?’

‘ઇન્ડિયાની તો વાત જ જુદી છે.’

‘મારી અંગત વાત કરું તો વાંધો નથી ને?’

‘વાંધો શો?’

‘બહુ એકલું લાગે છે. આઈ મિસ પ્રભા વેરી મચ. પ્રભા હતી ત્યારે બીજી સ્ત્રીનો વિચાર પણ ન આવે.’

‘અને હવે?’

‘ઇટસ્ અ ન્યૂ ગેઈમ.’

‘ગેઈમ એટલે?’

‘આવી રીતે અંગત વાત ન કરી હોય એટલે ઑકવર્ડ ફીલ થાય.’

‘તમારાં ભાઈ અને બહેન અહીં જ છે ને?’

‘પણ એમની સાથે અંગત વાત થોડી થાય?’

‘તો પરણી કેમ નથી જતા?’

‘એ કાંઈ થોડું સહેલું છે?’

‘તમે મળો છો કોઈને?’

‘હા, એક બંગાળી ફ્રેન્ડ છે.’

‘તો તો બરાબર, નહિ?’

‘છોકરી સારી છે પણ ઑલ ધ ટાઇમ ઇંગ્લિશમાં બોલવું પડે.’

‘તો પછી કોઈ ગુજરાતી છોકરી શોધી કાઢો.’

‘તું ઓળખે છે કોઈને?’

‘અત્યારે તો ખ્યાલમાં નથી. તમે અહીંનું કોઈ છાપું મંગાવો છો?’

‘વર્ષો સુધી પ્રભા ને હું છાપાંની મૅટ્રિમોનિયલ્સ વાંચીને ખૂબ હસતાં હતાં. મને કલ્પના નહિ કે મારે જ એ સિચ્યુએશન આવશે.’

‘કદાચ બધાં જ મૅરિડ કપલ્સ સિંગલ્સ પર હસતાં હશે.’

‘એ લોકોને સિંગલ સ્ત્રીપુરુષની કલ્પના જ નહિ હોય. મને પણ હવે જ ખ્યાલ આવે છે.’

‘તમે જોયું તે દિવસે પાર્ટીમાં?’ ઉષાએ પૂછ્યું.

‘શું?’

‘પરણેલી સ્ત્રીઓને થાય કે આ છોકરી એકલી છે, દુ:ખી છે તો અમારા વરને છીનવી જશે.’

‘અને પુરુષોને?’

‘પુરુષોને અડપલાં કરવાનું મન થાય.’

‘તારી અમેરિકન ફ્રેન્ડ્ઝ?’

‘એ લોકોમાં તો “સિંગલ વુમન ઇઝ અ લેપર.”

‘સૉરી, ઉષા! મારો બીજો ફોન આવે છે. પછી ફોન કરીશ.’

ઉષાને થયું કે નિરંજન હજી પ્રભાના જ પ્રેમમાં છે.

થોડા દિવસ પછી પાછો નિરંજને ઉષાને ફોન કર્યો.

‘હં, તો શું વાત કરતાં’તાં આપણે?’

‘હું કહેતી હતી કે એકલી રહેતી સ્ત્રીની દશા બૂરી હોય છે.’

‘મારી દૃષ્ટિએ પુરુષની વધારે બૂરી હોય છે. તારી જેમ તારી બહેનપણીઓ પણ એકલી રહેતી હશે ને?’

‘મારી ચાર ઇન્ડિયન ફ્રેન્ડ્ઝ ડિવૉર્સ્ડ છે.’

‘બધી ગુજરાતી?’

‘ના.’

‘કદાચ પ્રોફેશનલ વીમેન હશે. ચાલ, વાત બદલીએ. હું તને બોલાવું તો તું આવે?’

‘ક્યાં?’

‘એક સાંજે જમવા. બીજી ઑક્ટોબરે શનિવાર છે. તને ફાવે?’

‘ના, એ સાંજે તો મારે બહાર જવાનું છે.’

‘તો રાતે કૉફી પીવા જઈએ.’

કૉફી પીધા પછી નિરંજન ‘ગુડ નાઇટ કિસ’ આપીને જશે કે અંદર આવશે? અંદર આવીને કહેશે ‘આઈ વોન્ટ ટુ મેઇક લવ ટુ યુ’ તો? તો હા પાડવી? અને હા પાડું તો એ પ્રેમ મને કરશે કે પ્રભાને? ઉષા વિચારતી હતી.

બીજી ઑક્ટોબરે નિરંજન ફોન પર સમય નક્કી કરી ઉષાને લેવા આવ્યો.

‘તું ક્યાં સુધી આમ એકલી જીવ્યા કરીશ?’

‘તમારી પેલી બંગાળી મિત્રનું શું?’

‘મળીએ છીએ વન્સ ઇન અ વ્હાઇલ.’

‘હં.’

‘તને લાગે છે આપણું ક્લિક થાય?’

‘કદાચ.’

‘અને ન થાય તો ફોન પર વાત કરીશ ને મળીશ તો ખરી ને?’

‘આજની જેમ?’

‘હા.’

મૂવીની, પુસ્તકોની વાત કરીને ઉષા અને નિરંજન કૉફી શૉપની બહાર નીકળ્યાં ગાડી પાસે નિરંજને કહ્યું:

‘આજે પ્રભાની ડેથ એનિવર્સરી છે.’

ગાડીમાં કોઈ બોલ્યું નહિ. નિરંજને ઉષાનો હાથ પંપાળ્યા કર્યો.

ઉષાનું ઘર આવી ગયું.

‘ફરી ક્યારે મળીશ?’ નિરંજને હાથ લંબાવ્યો.

‘અત્યારે જ. ચાલો અંદર.’

અંદર દાખલ થઈને ઉષા બારણું બંધ કરે એ પહેલાં જ બારણાને અઢેલીને ઊભેલો નિરંજન ઉષાને વળગી પડ્યો. નિરંજન ઉષાને પ્રેમ કરતો હતો કે પ્રભાને? ઇટ જસ્ટ ડિડ નૉટ મૅટર.

Posted : 24 જૂન 2018

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/2018/06/24/પન્ના-નાયકની-વાર્તા-૪-મૅ/

Loading

હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો

કરસનદાસ મૂળજી|Opinion - Opinion|25 June 2018

હિન્દુનાં પુરાણ ઈત્યાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે કળિયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઊભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હિન્દુશાસ્ત્ર પ્રમાણે કળિયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચૂક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હિન્દુઓમાં ઊભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હિન્દુશાસ્ત્ર ઉપરથી સિધ્ધ થાય છે. હવે મહારાજોનો મૂળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવિને દિને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળિયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચૂકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળિયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદિ પંથો ઊભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઊભો થયો. એ સઘળાં પંથો, કળિયુગમાં ઊભા થયા માટે હિન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!

જદુનાથજી મહારાજ કહે છે કે કોટના દરવાજા આગળથી કોઈ વાલ્કેશ્વર જવા નીકળે અને કોઈ ભાયખાલા. તેમ સઘળા વેદ અને પુરાણના મૂળ રસ્તા આગળ થઈને જુદા જુદા રસ્તા ઉપર નીકળી પડ્યા છે. આ કેવી ઠગાઈની વાત છે, એક ધર્મમાંથી દસ–પન્દર આડા રસ્તા નીકળવા જોઈએ નહીં. ધર્મનો અને નીતિનો માર્ગ એક જ હોવો જોઈએ. વાલ્કેશ્વર જવાનો સીધો માર્ગ મૂકીને ભાયખાલાનો આડો માર્ગ પકડવાની જરુર શી? દરેક પંથવાળાએ એકબીજાને પાખંડી બતાવ્યા છે અને એકબીજાની ધૂળ ઝાટકી છે, તો તેમ કરવાની જરૂર શી? પણ અમે આગળ જણાવ્યું છે કે જે હથિયારથી મહારાજ પોતાનો બચાવ કરવા બહાર પડ્યા છે, તે હથિયાર મહારાજને આડે આવીને નડશે. મહારાજ હિન્દુશાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે, ત્યારે એનાથી એમ નહીં કહેવાય કે હિન્દુશાસ્ત્રનું ફલાણું વચન ખોટું છે! કળિયુગમાં પાખંડી મતો ઊભા થશે, એ વચન મજકૂર મહારાજથી એમ નહીં કહેવાય કે ખોટું છે. ત્યારે બીજા કેટલા ય પંથોની જેમ મહારાજનો પંથ કળિયુગમાં ઊભો થયો, માટે તે ખોટો અને પાખંડ ભરેલો છે એવું હિન્દુશાસ્ત્રથી સિધ્ધ થાય છે.

મહારાજનો પંથ પાખંડ ભરેલો તથા ભોળા લોકોને ઠગવાનો છે તે અસલ વેદપુરાણ વગેરેના ગ્રંથોથી ઉપર જણાવ્યા પ્રમાણે સાબિત થાય છે. એટલું જ નહીં; પણ મહારાજોનાં બનાવેલાં પુસ્તકો ઉપરથી પણ સાબિત થાય છે કે મહારાજોએ કંઈ જ નહીં; પણ નવું પાખંડ અને તરકટ ઊભું કર્યું છે. જુઓ બ્રહ્મ સમ્બન્ધ બાબત મૂળ શ્લોક ઉપર લમ્બાવીને ગોકુળનાથજીએ કેવી ટીકા કરી છે :

અર્થ – ‘તે માટે પોતે ભોગવે તે પહેલાં પોતાની પરણેલી બાયડી પણ (ગોસાંઈજી મહારાજને) સોંપવી અને પોતાનાં બેટા–બેટી પણ તેમને સોંપવાં. પરણ્યા પછી પોતે ભોગવે તે પહેલાં (ગોસાંઈજી મહારાજને) અપર્ણ કર્યા પછી પોતાના કામમાં લેવી.’

અરરરર! આ કેવું પાખંડ, આ કેવો ઢોંગ અને આ કેવી ઠગાઈ!! અમે જદુનાથજી મહારાજને પૂછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃિતમાં લખ્યું છે કે મહારાજને અને ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી. પોતાની સ્ત્રી જ નહીં; પણ પોતાની બેટી અથવા દીકરીને પણ સોંપવી! અરરરર!!! આ લખતાં અમારી કલમ ચાલતી નથી. અમને અતિશય કંટાળો અને ધ્રુજારી છૂટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓની આંખમાં ધૂળ છાંટીને ધર્મને બહાને તેઓની કાચી કુંવારી વહુદીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને ઠગાઈ કઈ? વલ્લભાચાર્ય સિવાય કળિયુગમાં બીજાં ઘણા પાખંડો અને ઘણા પંથો ઊભાં થયા છે; પણ મહારાજોના પંથ જેવી નફટાઈ, ખંધાઈ, બુરાઈ, લુચ્ચાઈ અને ઠગાઈ બીજા કોઈ પણ પંથવાળાએ કરી નથી. અમે જ્યારે આવા કઠણ શબ્દ વાપરીએ છીએ ત્યારે અમારા ભોળા હિન્દુિમત્રોને અમારી ઉપર ગુસ્સો આવે છે, અને તે ગુસ્સાને લીધે અમારે ઘણું શોષવું પડ્યું છે અને પડે છે; પણ જ્યાં ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને તેમની વહુદીકરીને ભોગવવાનું મહારાજો પોતાનાં પુસ્તકોમાં લખે છે અને તે પ્રમાણે તેઓ ભોગવે છે ત્યારે અમારા પેટમાં મોટા ભડકા ઊઠે છે. અમારી કલમ એકદમ તપીને ગરમ થઈ જાય છે. અમારા ભોળા હિન્દુિમત્રો ઉપર અને તેઓની વિચારશક્તિ ઉપર અફસોસ કરવો પડે છે.

જદુનાથજી મહારાજે ‘સ્વધર્મ વર્ધક’ ચોપાનિયું કાઢવા માંડ્યું છે તેને અમે પૂછીએ છીએ કે તમે કેવી રીતે ધર્મનો વધારો કરવા માગો છો? તમારા વડિલોએ ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને આંધળા કર્યા છે તેઓને દેખતા કરવા માગો છો કે ધર્મનું ખોટું અભિમાન ધરીને ભોળા લોકોને વધારે ઠગવા માગો છો? જદુનાથજી મહારાજ! તમે જો ધર્મનો વધારો, ફેલાવો કરવા માગતા હો તો તમે પોતે સારું આચરણ પકડીને તમારા બીજા મહારાજોને ઉપદેશ કરો, ધર્મગુરુઓ પોતે જ જ્યાં સુધી વ્યભિચારના સમુદ્રમાં ડુબેલા માલૂમ પડશે ત્યાં સુધી તેઓથી ધર્મનો બોધ થઈ શકવાનો નથી. ગોકુળનાથજીએ ઉપર જણાવેલી ટીકા કરીને તમારા વૈષ્ણવ માર્ગને મોટો ડાઘ લગાડ્યો છે તે પ્રથમ કાઢી નાખો. એ ટીકા કરનાર ઉપર ધિક્કાર નાખો, તે ટીકા પ્રમાણે મહારાજો ચાલીને પોતાના સેવકની વહુ–દીકરીઓને બગાડે છે તેથી હાથ ઊઠાવો અને રસમંડળી જેવી અનીતિનો એકદમ નાશ કરો. જ્યાં સુધી તમે તેમ કરશો નહીં ત્યાં સુધી તમારાથી ધર્મનો ઉપદેશ અને સ્વધર્મનો વધારો થઈ શકવાનો નથી, તે સત્ય જાણી લેજો.

(‘સત્ય પ્રકાશ’, તા. 21 ઓક્ટોબર, 1860)

https://govindmaru.wordpress.com/2018/06/22/k-m/

સૌજન્ય : ગોવિંદભાઈ મારુ સંચાલિત બ્લૉગ – ‘અભીવ્યક્તી’; 22 જૂન 2018 

Loading

ઉત્તર કોરિયા : કિડનેપિંગ, ફિલ્મ ઓર ધોખા

વિશાલ શાહ|Opinion - Opinion|25 June 2018

અત્યાર સુધી દુનિયાના અનેક દેશોના વડાઓએ સિંગાપોરની મુલાકાત લીધી હશે, પરંતુ ઇતિહાસમાં આજ સુધી ક્યારે ય કોઈ નેતાને આવકારવા સિંગાપોરની ગલીઓમાં આટલાં લોકો જમા નથી થયાં. આપણા મહાન નેતાને આદર આપવા લોકો રસ્તા પર ઊભરાઈ રહ્યા છે. આપણા પૂજનીય નેતા તેમની અસામાન્ય રાજકીય કુનેહથી જટિલ વૈશ્વિક રાજકારણને યોગ્ય દિશામાં લઇ જઇ રહ્યા છે…

પ્રશંસાથી ફાટ-ફાટ થઇ રહેલા શબ્દો ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન માટે કહેવાયા છે. ઉત્તર કોરિયાએ પોતાના 'મહાન' નેતા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની 'ઐતિહાસિક' મુલાકાત વિશે ૪૨ મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝને બનાવેલી આ શોર્ટ ફિલ્મમાં કિમ જોંગ ઉનના એટલા બધા વખાણ કરાયા છે કે, 'ખુશામત' શબ્દ પણ ઓછો પડે. યૂ ટ્યૂબ પર જોવા મળતી આ ફિલ્મ કોરિયન ભાષામાં છે પણ અમેરિકન મીડિયાએ તેનો અનુવાદ કરાવીને નોંધ લીધી છે. તેમાં કિમ જોંગ ઉનને 'વેરી ટેલેન્ટેડ' કહેનારા ટ્રમ્પને પણ 'કુશળ' નેતા તરીકે રજૂ કરાયા છે. ચીવટપૂર્વક એડિટ કરાયેલી આ ફિલ્મમાં કિમ જોંગ ઉન બોલતા હોય ત્યારે ટ્રમ્પ ધ્યાનથી સાંભળતા હોય અને ક્યારેક હકારમાં માથું હલાવતા હોય એવા ‘રમૂજી’ દૃશ્યો પણ જોવા મળે છે.

https://www.youtube.com/watch?v=iXPX53XUZqs

એક સમયે કિમ જોંગને 'રોકેટ મેન' કહીને ઉત્તર કોરિયાને ખેદાનમેદાન કરી નાંખવાની ધમકી આપનારા ટ્રમ્પ માટે હવે તેઓ 'રોક સ્ટાર' કહે છે. એવી જ રીતે, ટ્રમ્પને 'માનસિક રીતે વિકૃત અમેરિકન ડોસો' કહેનારા કિમ જોંગ માટે ટ્રમ્પ હવે 'રિસ્પેક્ટેબલ ફ્રેન્ડ' છે.

***

કિમ જોંગ ઉનને ફિલ્મોનું વળગણ વારસામાં મળ્યું છે. તેમના પિતા કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા એવું પરાક્રમ કર્યું હતું, જે આજે ય ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી ઇતિહાસનું સૌથી બદનામ પ્રકરણ છે.

સિત્તેરના દાયકામાં ઉત્તર કોરિયાના સર્વસત્તાધીશ નેતા કિમ ઇલ સંગ હતા. ૧૯૪૮માં ઉત્તર કોરિયાનું સર્જન થયું ત્યારથી તેઓ ઉત્તર કોરિયામાં 'રાજ' કરી રહ્યા હતા. કિમ ઇલ સંગે બે લગ્ન કર્યા હતા, જે થકી તેમને છ સંતાન હતા. આ સંતાનોમાં સૌથી મોટા અને અત્યંત મહત્ત્વાકાંક્ષી પુત્ર કિમ જોંગ ઇલની ઉત્તર કોરિયામાં ફેં ફાટતી હતી. ફક્ત ૨૫ જ વર્ષની ઉંમરે જ કિમ જોંગ ઇલે પિતાની મંજૂરીથી ઉત્તર કોરિયામાં સૌથી મહત્ત્વનું ગણાતું પ્રોપેગેન્ડા એન્ડ એજિટેશન ડિપાર્ટમેન્ટ (બોલો, ત્યાં આવું પણ સત્તાવાર ખાતું છે) સંભાળી લીધું હતું. આ વિભાગ હેઠળ ઉત્તર કોરિયાની સરકાર ફિલ્મો, નાટકો અને પુસ્તક પ્રકાશન કરીને લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું તત્ત્વ જળવાઈ રહે તેનું બરાબર ધ્યાન રાખતી.

૧૯૪૮માં ઉત્તર કોરિયાની રચના થઇ ત્યારથી ૧૯૯૪ સુધી મૃત્યુપર્યંત શાસન કરનારા કિમ ઇલ  સંગ (ડાબે) અને તેમના પુત્ર કિમ જોંગ ઇલ

આ વિભાગનું કામ હાથમાં લેતા જ કિમ જોંગ ઇલના શેતાની દિમાગમાં એક વિચાર ઝબક્યો. કિમ જોંગ ઇલ ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા ઈચ્છતો હતો. એ માટે તેને સિનેમાની આર્ટ અને બિઝનેસનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા ફિલ્મ સર્જકોની જરૂર હતી. પાડોશી દેશ દક્ષિણ કોરિયા દુનિયા સાથે જોડાયેલું હોવાથી ત્યાં ખૂબ સારી ફિલ્મો બનતી અને દુનિયાભરમાં વખણાતી પણ ખરી. સિનેમાનું બહોળું જ્ઞાન ધરાવતા કિમ જોંગ ઇલને આ વાત ખૂબ જ ખૂંચતી. તેની પાસે હોલિવૂડ અને હોંગકોંગની વીસેક હજાર ફિલ્મોનું કલેક્શન હતું. શોન કોનેરી અને એલિઝાબેથ ટેલર તેના પ્રિય કલાકારો હતાં. ૧૯૭૩માં તેણે 'આર્ટ ઓફ સિનેમા' નામનું પુસ્તક પણ લખ્યું હતું. કિમ જોંગ ઇલના પુત્ર કિમ જોંગ ઉન આજે ય આ પુસ્તકમાં રજૂ કરાયેલી 'પ્રચારની થિયરી'નો કલા અને સિનેમા ક્ષેત્રે ચુસ્ત અમલ કરે છે.

એ વર્ષોમાં દક્ષિણ કોરિયામાં શીન સાંગ-ઓક સૌથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર હતા. અગાઉ તેમણે ચોઇ ઇયુન-હી ઉર્ફ મેડમ ચોઇ નામની દક્ષિણ કોરિયાની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. કોરિયન ઉપખંડ, હોંગકોંગ અને ચીન જેવા દેશોમાં પણ તે સૌથી ગ્લેમરસ દંપતી ગણાતું. આ દંપતીએ શીન સ્ટુડિયો હેઠળ બનાવેલી અનેક ફિલ્મો દક્ષિણ કોરિયામાં અને દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઈ હતી. જો કે, ૧૯૭૬માં શીન સાંગ-ઓકના અન્ય એક અભિનેત્રી સાથેના સંબંધથી બે બાળક હોવાની વાત બહાર આવતાં ચોઇએ તેમની સાથે છૂટાછેડા લઇ લીધા હતાં.

કિમ જોંગ ઇલે મનોમન નક્કી કર્યું કે, આ બંનેનું અપહરણ કરીને ઉત્તર કોરિયા લઇ આવીએ તો આપણે પણ ઉત્તમ ફિલ્મો બનાવી શકીએ. કિમ જોંગ ઇલના આદેશ પ્રમાણે ઉત્તર કોરિયાના જાસૂસોએ ૨૨મી જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ હોંગકોંગના રિપલ્સ બે એરિયામાંથી ચોઇનું અપહરણ કરી લીધું. ચોઇ અચાનક ગાયબ થઇ જતાં હોબાળો મચી ગયો, પરંતુ કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાં છે. કિમ જોંગ ઇલે ચોઇને ઉત્તર કોરિયાના દરિયા કિનારાના નામ્પો શહેરમાં લાવવાનો હુકમ કર્યો હતો. નામ્પોમાં ચોઇને એક ભવ્ય વિલામાં બંદી બનાવી લેવાયાં, પરંતુ તેમને એક અભિનેત્રીને છાજે એવી તમામ સુખસુવિધા અપાઈ.

કિમ જોંગ ઇલ વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્ર અને ઉત્તર કોરિયાના વર્તમાન શાસક કિમ જોંગ ઉન સાથે

ચોઇ તો કોરિયાની લોકસંસ્કૃિત, ઇતિહાસ અને ભૂગોળથી સારી રીતે વાકેફ હતાં જ, પરંતુ કિમ જોંગ ઇલની આગેવાનીમાં તેમને સમગ્ર ઉત્તર કોરિયાનો પ્રવાસ કરાવાયો. રાજધાની પ્યોંગયાંગના સ્મારકો, મ્યુિઝયમો અને અન્ય મહત્ત્વનાં સ્થળો બતાવાયાં. કિમ જોંગ ઇલે પોતાના પિતા અને ઉત્તર કોરિયાના તત્કાલીન સર્વસત્તાધીશ કિમ ઇલ સંગની સિદ્ધિઓનું જ્ઞાન આપવા ચોઇ માટે એક ખાસ શિક્ષકની નિમણૂક કરી. કિમ જોંગ ઇલ ચોઇને અવારનવાર ફૂલો, બ્રાન્ડેડ કોસ્મેટિક્સ અને જાપાનીઝ લોન્જરી મોકલતો અને હાઇફાઇ પાર્ટી યોજે ત્યારે 'આઇ કેન્ડી' તરીકે તેને સાથે રાખતો. એટલું જ નહીં, ચોઇ ઉત્તર કોરિયા માટે સારામાં સારી ફિલ્મો બનાવશે એવી આશામાં ફિલ્મ, મ્યુિઝક શૉ અને ઓપેરા જોવા પણ લઇ જતો.

શીન સાંગ-ઓકે પણ ચોઇને શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમનો પતો ન મળ્યો. થોડા સમય પછી શીન સાંગ-ઓકના શીન સ્ટુડિયોનું લાયસન્સ પણ રદ થઇ ગયું. આ સ્થિતિમાં તેમણે દુનિયાના ઘણાં દેશોમાં ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ રેસિડન્ટ વિઝા લઇને સ્થાયી થઇ શકે. એ પછી શીને પણ બીજા લગ્ન કરી લીધા. આ રીતે છ મહિના વીતી ગયા. આ દરમિયાન શીન પણ કોઈ કામ માટે હોંગકોંગ ગયા અને કિમ જોંગ ઇલે તેમનું પણ અપહરણ કરાવી લીધું. શીનને ચોઇની જેમ ભવ્ય વિલામાં રહેવાની વ્યવસ્થા કરીને ફિલ્મો બનાવવાનો હુકમ કરાયો. જો કે, નજરકેદમાં રહીને ફિલ્મ બનાવવાની તેમણે ચોખ્ખી ના પાડી અને બે વાર ભાગવાનો પણ પ્રયાસ કર્યો. આ કારણસર કિમ જોંગ ઇલે તેમને બે વર્ષથી વધુ સમય જેલમાં ધકેલી દીધા હતા.

કિમ જોંગ ઇલ (ડાબે)ની સાથે ચોઇ ઇયુન-હી અને શીન સાંગ-ઓક

કિમ જોંગ ઇલે જેલમાં જ શીન સાંગ-ઓકને 'ઉત્તર કોરિયાનાં મૂલ્યો'ની તાલીમ આપવાની વ્યવસ્થા કરી. શીનને ધીરજપૂર્વક સમજાવવામાં આવ્યું કે, તેમનું અપહરણ કરીને ઉત્તર કોરિયા કેમ લાવવામાં આવ્યા છે? છેવટે ૧૯૮૩માં કિમ જોંગ ઇલે એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું. એ પાર્ટીમાં તેણે શીનની સાથે ચોઇને પણ લઇ આવવાનો હુકમ કર્યો. એ વખતે શીનને ખબર પડી કે, કિમ જોંગ ઇલે ચોઇને પણ અહીં બંદી બનાવી લીધી હતી. એ પાર્ટીમાં કિમ જોંગ ઇલે બંનેને ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવવાનું તેમ જ ફરી એકવાર પરણી જવાનું સૂચન કર્યું. આ સૂચનનો શીન અને ચોઇએ સ્વીકાર કર્યો. છેવટે ૧૯૮૩માં શીન સાંગ ઓક અને મેડમ ચોઇએ ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

આ દંપતીની મદદથી ઉત્તર કોરિયાએ કોરિયન ભાષામાં સાતેક ફિલ્મ બનાવી. આ બધી જ ફિલ્મના ડિરેક્ટર શીન છે, જ્યારે પ્રોડયુસર કિમ જોંગ ઇલ. તેમણે ૧૯૮૫માં 'સૉલ્ટ' નામની ફિલ્મ બનાવી. એ ફિલ્મ માટે મેડમ ચોઇને મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ દંપતીએ ઉત્તર કોરિયા માટે છેલ્લે 'પુલ્ગાસારી' નામની ફિલ્મ બનાવી, જે ૧૯૫૪માં આવેલી જાપાનની 'ગોડઝિલા' ફિલ્મની નબળી નકલ હતી. શીન અને મેડમ ચોઇ ઉત્તમ કળાત્મક ફિલ્મો બનાવી શકતા હતાં, પરંતુ ફિલ્મ બનાવતી વખતે તેમણે ઉત્તર કોરિયાના શાસકોનો પ્રચાર થાય તેનું પૂરતું ધ્યાન રાખવું પડતું.

મેરેલિન મનરોએ ૧૯૫૩માં કોરિયાની મુલાકાત લીધી ત્યારે ચોઇ ઇયુન હી સાથે

આ રીતે ઉત્તર કોરિયામાં આઠેક વર્ષ વીતાવ્યાં પછી, ૧૯૮૬માં, શીન અને ચોઇને વિયેના ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની તક મળી. ત્યાં પહોંચતાં જ તેમણે ઓસ્ટ્રિયાસ્થિત અમેરિકન દૂતાવાસનો સંપર્ક કરીને રાજકીય શરણ લઇ લીધું. આ અપહરણનો તેમને એટલો આઘાત લાગ્યો હતો કે, અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં તેઓ બે વર્ષ રહ્યાં, પરંતુ પોતાના વતન દક્ષિણ કોરિયામાં કોઇનો સંપર્ક સુદ્ધા ના કર્યો. અમેરિકામાં સી.આઈ.એ. અને એફ.બી.આઈ.એ તેમને સંપૂર્ણ રક્ષણ આપ્યું હતું. એટલે કિમ જોંગ ઇલે અમેરિકા પર શીન સાંગ-ઓક અને મેડમ ચોઇનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો. આ દંપતી દ્વારા જારી કરાયેલા નિવેદનને પણ ઉત્તર કોરિયાએ 'અમેરિકા દ્વારા જબરદસ્તીથી બોલાવડાવેલા શબ્દો' કહીને ફગાવી દીધા. બાદમાં શીન અને ચોઇ લોસ એન્જલસ જતાં રહ્યાં. ત્યાં શીન સાંગ-ઓકે પોતાનું નામ બદલીને 'સિમોન શીન' કરી નાખ્યું અને 'નિન્જા' આધારિત ત્રણેક ફિલ્મો બનાવી.

નેવુંના દાયકામાં શીન અને ચોઇ દક્ષિણ કોરિયા પરત જવાનું વિચારતાં હતાં, પરંતુ તેમને ડર હતો કે, ઉત્તર કોરિયાએ અપહરણ કર્યું હતું એ વાત કોઇ માનશે નહીં તો? આમ છતાં, ૧૯૯૪માં શીન હિંમતપૂર્વક દક્ષિણ કોરિયા પહોંચ્યાં. ત્યાં તેમણે ફરી એકવાર ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. એ જ વર્ષે તેમને કાન ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી તરીકે આમંત્રણ મળ્યું. ૧૧મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ હિપેટાઇટિસના કારણે ૭૯ વર્ષની ઉંમરે શીનનું મૃત્યુ થયું. એ વખતે તેઓ ચંગીઝ ખાન પર મ્યુિઝકલ શૉ તૈયાર કરી રહ્યા હતા. ૧૨મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ 'ગોલ્ડ ક્રાઉન કલ્ચરલ મેડલ'(મરણોત્તર)થી તેમનું સન્માન કરાયું, જે કળા ક્ષેત્રે અપાતો દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. શીનના મૃત્યુ પછી ચોઇ પણ એકલા પડી ગયાં હતાં. ૧૯૯૯માં તેઓ પણ કાયમ માટે દક્ષિણ કોરિયા જતાં રહ્યાં, જ્યાં ૧૬મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ ડાયાલિસિસ વખતે ૯૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

મેડમ ચોઇએ એકવાર કહ્યું હતું કે, ફિલ્મો બનાવવા મારું અપહરણ કરવા બદલ કિમ જોંગ ઇલને હું કદી માફ નહીં કરું…

——-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/06/blog-post_25.html

Loading

...102030...3,0703,0713,0723,073...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved