Opinion Magazine
Number of visits: 9579429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તરસ્યાની ના તરસ છીપાવે એ વાદળ કોને મન ભાવે …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|28 June 2018

હૈયાને દરબાર

તાનસેન-બૈજુની હરીફાઈનું રાગ દરબારીનું ગીત સપ્તસૂરોના ઈન્દ્રધનુ … પહેલાં મોહમ્મદ રફી અને મન્ના ડે ગાવાના હતા. રફીસાહેબ સંજોગવશાત્‌ ન આવી શક્યા તો મહેશ કનોડિયાએ એ ગીત ગાયું. આ ગીતમાં ગુજરાત સરકાર તરફથી મન્ના ડેને નહીં, મહેશકુમારને એવૉર્ડ મળ્યો હતો

ગરજ ગરજ વરસો જલધર ગીત અને તાનારીરી ફિલ્મની કથા વિશે આપણે ગતાંકમાં વિગતે ચર્ચા કરી. અદ્દભુત ગીત છે એે અને આ ગીતના સંગીતકાર છે મહેશ-નરેશ.

ગીત કેવી રીતે બન્યું અને ક્યાં શૂટ થયું એ કથા ઈન્ટરેસ્ટિંગ છે. આજે એની વાત કરીશું.

ગુજરાતના કનોડા ગામે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને ગીત-સંગીતની દુનિયાના સરતાજ મહેશ કનોડિયા નામે બબ્બે હોનહાર કલાકારો આપ્યા છે. અત્યંત સંઘર્ષમય જિંદગીમાં સફળતાના શિખરે પહોંચેલી આ બંધુ બેલડીએ ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાયથી લઈને સજન મારી પ્રીતડી અને પ્યોર ક્લાસિકલ ગરજ ગરજ વરસો જેવાં ગીતો સુધીની જબરજસ્ત રેન્જ આપી છે.

દુનિયાભરની નવરાત્રિમાં 90 ટકાથી વધુ ગીતો જેમનાં ગવાય છે એ સંગીતકાર જોડી મહેશ-નરેશમાંથી નરેશ કનોડિયા ‘ગરજ ગરજ વરસો’ ગીતની રચના વિશે કહે છે, અમે લોકોને મનગમતાં અને થનગનતાં ગીતો જ વધારે આપ્યાં છે.

પરંતુ ફિલ્મના વિષયો અલગ અલગ હોય એટલે એ મુજબ સંગીત પિરસીએ. ‘તાના-રીરી’ તદન જુદા વિષયની ક્લાસિક ફિલ્મ હતી. એમાં તો સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત જ આપવું પડે. મહેશભાઈએ શાસ્ત્રીય સંગીતના જાણકારો, વિદ્વાનો, મહાવીરજી અને ગોવિંદપ્રસાદજી જેવા ગુરુઓને મળીને મલ્હાર, દરબારી ઈત્યાદિ રાગોમાં કયા સ્વર હોય એ જાણ્યું, એ સૂરોની સાધના કરી અને બહુ જ મહેનત કરીને સંગીત તૈયાર કર્યું. એમણે આ ફિલ્મનાં તમામ ગીતમાં શુદ્ધ શાસ્ત્રીયતા જાળવી રાખી છે. નૌશાદસાહેબે ‘બૈજુ બાવરા’ ફિલ્મનાં ગીતોમાં મિશ્રિત સ્વરો પ્રયોજ્યા છે પણ અમે ‘તાનારીરી’માં પ્યોર ક્લાસિકલ ગીતો તૈયાર કર્યાં તેમ છતાં એ પણ ખૂબ લોકપ્રિય થયાં છે. નરેશભાઈએ ગીત વિશે બીજી કેટલીક રસપ્રદ વાતો કરી. ગરજ ગરજ વરસો ગીત મહેશભાઈને લતાજી-આશાજી પાસે ગવડાવવાની ભાવના હતી, પરંતુ નાદુરસ્ત તબિયતને લીધે લતાદીદી આવી શકે એમ નહોતાં. આશાજીને આ ગીત સંભળાવ્યું તો એમને બહુ જ ગમ્યું. તેમણે મહેશ કનોડિયાને કહ્યું, "આપ હી ક્યૂં નહીં ગા લેતે મેરે સાથ?

મહેશભાઈને ‘વોઈસ ઑફ લતા’નું બિરુદ મળ્યું હતું એનાથી તેઓ વાકેફ હતાં, પરંતુ મહેશભાઇએ પછીથી આશાજી સાથે ઉષા મંગેશકર પાસે ગવડાવવાનું નક્કી કર્યું અને ગીત સુપર હિટ નિવડ્યું. “જો કે, આ ફિલ્મનું તાનસેન-બૈજુની હરીફાઈનું રાગ દરબારીનું અન્ય લોકપ્રિય ગીત સપ્તસૂરોના ઈન્દ્રધનુ …પહેલાં મોહમ્મદ રફી અને મન્ના ડે ગાવાના હતા. રફીસાહેબ સંજોગવશાત્‌ ન આવી શક્યા તો મન્ના ડેના આગ્રહથી રફીસાહેબને બદલે મહેશભાઈએ એ ગીત ગાયું. આ ગીતમાં ગુજરાત સરકાર તરફથી મન્નાડેને નહીં, મહેશકુમારને એવૉર્ડ મળ્યો હતો.

નરેશ કનોડિયા ગૌરવપૂર્વક કહે છે. તેમના કહેવા મુજબ, ઓપન કાર્યક્રમમાં સામે એક લાખનું ઓડિયન્સ બેઠું હોય, અમારા ગીતનું મુખડું શરૂ થાય અને આખું ગીત પબ્લિક પૂરું કરે એવી લોકપ્રિયતા મહેશ-નરેશે મેળવી છે. મહેશ કનોડિયા 32 વોઈસમાં ગાઈ શકતા હતા એ ઈશ્વરીય વરદાન જ કહેવાય. દેશ આઝાદ થયો એ 1947માં મહેશભાઈએ મહેશ-નરેશ એન્ડ પાર્ટી શરૂ કરી હતી અને દેશ-વિદેશમાં પંદર હજાર જેટલા શો કર્યા હતા. કુલ દોઢસો ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. નરેશ કનોડિયા સમયના એવા પાક્કા કે સેટ પર પહોંચવાનો સમય સવારે સાતનો હોય તો નરેશભાઈ આવે એટલે લોકો ઘડિયાળ મેળવે. આવા મહેશ-નરેશની જોડીએ તેમનાં સદાબહાર ગીતો દ્વારા ગુજરાતને નાચતું કર્યું હતું.

આ ફિલ્મના સહનિર્માતા ભરત સાંગાણી કહે છે, "આ ફિલ્મ બનાવવા માટે અમે 25 વર્ષ વહેલા હતા. 1975માં આ ફિલ્મ આવી ત્યારે ભદ્ર વર્ગ બહુ ઓછી ગુજરાતી ફિલ્મો જોતો. ગુજરાતી ફિલ્મો ગામડાંના લોકો જ જુએ એવો ટ્રેન્ડ. એમાં વળી, વિષય શાસ્ત્રીય સંગીત ગાતી બે નાગર કન્યાઓનો. છતાં, મારા પિતા ચંદ્રકાન્ત સાંગાણીને નવલકથા આધારિત ફિલ્મો બનાવવામાં જ રસ હતો. એમણે જસમા ઓડણને બાદ કરતાં 13 ફિલ્મ નવલકથા પર આધારિત જ બનાવી હતી. આ ફિલ્મ પણ પત્રકાર-લેખક હરિન મહેતાની નોવેલ ‘શુભ દિન આયો’ પરથી બનાવી જેનો પ્રથમ ભાગ તાનસેન પુત્ર બિલાસખાન પર હતો અને બીજો ભાગ તાના રીરી વિશે હતો. ‘જિગર અને અમી’ની સફળતાથી પ્રેરાઈને પિતાજીએ આ ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. શક્તિસામંત અને રાજેશ ખન્નાએ સ્થાપેલી શક્તિરાજ ફિલ્મ્સ તાનારીરીના ડિસ્ટ્રિબ્યુટર્સ હતા. ગરજ ગરજ વરસો ગીતમાં અમારે ધોધમાર વરસાદ બતાવવાનો હતો. એ જમાનામાં તો આજના જેવી ટેકનિક નહીં. સ્ટુડિયોમાં વરસાદ પાડવા ચાર ટેન્કર મંગાવ્યાં હતાં અને સેટ પર 40 પીપડાં ગોઠવ્યાં હતાં. લાઈટમેન ઊંચેથી ફોકસ કરે ત્યાં સુધી પાણીની પાઈપ લઈ જતાં. લાઈટ પર પાણી ન પડવું જોઈએ એ ય ધ્યાન રાખવાનું. નહીં તો શોર્ટ સરકિટ થાય. મશીન ચાલુ થાય એટલે એકસાથે 40 પીપડાં ખાલી થઈ જાય ને ધોધમાર વરસાદનું દૃશ્ય નિર્માણ થાય. આ રીતે આખું ગીત શૂટ થયું હતું. આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી 11 એવૉર્ડ્ઝ મળ્યા હતા. એટલું જ નહીં, પબ્લિક વોટિંગ દ્વારા આ ફિલ્મને ગુજરાતી સિનેમાની અડધી સદીની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો જેનું ભવ્ય ફંકશન અમદાવાદના ડ્રાઈવ ઈન સિનેમામાં યોજાયું હતું.

આવી ક્લાસિક ફિલ્મમાં અકબરની ભૂમિકા બુલંદ અવાજના માલિક સોહરાબ મોદીએ ખુશીથી સ્વીકારી હતી. ચંદ્રકાન્ત સાંગાણી હંમેશાં હિન્દી ફિલ્મના એકાદ જાણીતા કલાકારને લેવાનું પસંદ કરતા, એ મુજબ તાનાની ભૂમિકામાં બિંદુ, રીરી તરીકે કાનન કૌશલ, અકબર તરીકે સોહરાબ મોદી, તાનસેનની ભૂમિકા અરવિંદ પંડ્યા તથા અન્ય પાત્રોમાં નરેશ કનોડિયા, પ્રતાપ ઓઝા, ઊર્મિલા ભટ્ટ, લીલા જરીવાલા, વિષ્ણુકુમાર વ્યાસ ઈત્યાદિ હતાં. સાંગાણીના જણાવ્યા મુજબ, "કાંતિ અશોક બહુ સુંદર ગીતો લખતા હતા પણ આ કવિની જોઈએ એવી કદર ન થઈ. આજીવન તેઓ ફોર્ટમાં રિઝર્વ બૅંકની સામે આવેલી ફૂટપાથ પરની ખોલીમાં જ રહ્યા એ એમના જીવનની દુખદ હકીકત હતી.”

ફિલ્મ તાના રીરીનાં પણ તમામ ગીતો સ્વર-શબ્દ બન્ને રીતે ચડિયાતાં છે. હવે વાત તાજેતરમાં અમદાવાદમાં ભજવાઈ રહેલા ‘તાનારીરી’ નાટકની. આ ક્લાસિક ફિલ્મ જોયા પછી સતત એમ થતું હતું કે આ ફિલ્મ આજના સમયમાં બની હોત તો ખરેખર હિટ ગઈ હોત! એવામાં ‘હૈયાને દરબાર’નાં વાચક અને ચાહક નેહા યાજ્ઞિકે માહિતી આપી કે અમદાવાદમાં ‘તાનારીરી’ નાટ્ય સ્વરૂપે ભજવાઈ રહ્યું છે. તરત જ એ નાટકના નિર્માતા-દિગ્દર્શક આર્જવ ત્રિવેદીનો સંપર્ક સાધ્યો અને તેમણે ઘણી રસપ્રદ વાતો કરી. નવા ઓપન થયેલા આ મ્યુિઝકલ પ્લેના અત્યાર સુધીમાં છ-સાત સફળ શૉ થયા છે.

નાટક કરતાં પહેલાં આર્જવભાઈએ એક વર્ષ સંશોધન કરીને તાનારીરી વિશેની ઘણી અજાણી વિગતો શોધીને નાટકને ખાસ્સું રિયલિસ્ટિક બનાવ્યું એમ તેઓ જણાવે છે. આ નાટકમાં તાનારીરીની ભૂમિકા અમદાવાદની જ જાણીતી સંગીતબેલડી અને સગી બહેનો મોસમ-મલકા નિભાવી રહ્યાં છે. અલબત્ત, નાટ્યકાર સ્વ. નિમેષ દેસાઈને પોતાના ફ્રેન્ડ-ફિલોસોફર અને ગાઈડ માનતા આર્જવભાઈ નિમેષ દેસાઈને ખૂબ મિસ કરે છે, કારણ કે તેઓ બહુ સારું ગાતા હતા અને આ નાટકના સૂત્રધાર તરીકે એ પોતે ભૂમિકા ભજવવાના હતા! બટ, ધ શૉ મસ્ટ ગો ઓન. નિમેષ દેસાઈની સ્મૃિતઓ સાથે રાખીને આર્જવ ત્રિવેદી તાનારીરીના શૉ હમણા તો ગુજરાતમાં ભજવી રહ્યા છે.

આશા રાખીએ કે ‘તાનારીરી’ મુંબઈગરાને પણ જોવા મળે. નરેશ કનોડિયાના સૌજન્યથી આર્જવ ત્રિવેદીને ફિલ્મનાં ગીતો ઉપયોગમાં લેવાની છૂટ અપાઈ છે, પરંતુ એકાદ ગીતને બાદ કરતાં નવાં ગીતો અને નવી લહર સાથે તાનારીરી ભજવાઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે તો મોસમ ભીની ભીની અને માદક છે. ભીની માટીની ખુશ્બો સાથે વરસાદી ગીતોમાં મહાલવાનો યોગ્ય સમય છે. ગરજ ગરજ વરસોનો મેઘ મલ્હાર હજુ મન પર સવાર જ છે એટલે નવા ગીત સાથે ફરી મળીશું આવતા ગુરુવારે, આવી જ ભીનાશ સાથે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 જૂન 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=413209

Loading

શિક્ષણ અને સંસ્કાર

રોહિત શુકલ|Opinion - Opinion|26 June 2018

‘જ્ઞાન’ શબ્દ સાથે આ દેશનો પુરાણો નાતો છે. અખો કહે છે, ‘પણ તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’. છતાં સાડા છસો વર્ષ પછી પણ, કથાકારો કથા કરે જ જાય છે અને મોક્ષ, પરમપદ, વૈકુંઠ, કૈવલ્યધામ, બ્રહ્માવસ્થા વગેરે પામવા માટે લાખો અને કરોડો લોકો યાત્રા, પદયાત્રા, મેળા, કથા, પારાયણ વગેરેમાં ઊમટતા જ રહે છે. અખાએ શોધેલા જ્ઞાનનો આ સમાજને કોઈ જ ઉપયોગ નથી.

‘જ્ઞ’માંથી ‘જ’ બને એટલે જ્ઞાનને ‘જાણવા’ અને ‘સમજવા’ સાથે નીકટનો નાતો બંધાય છે. છતાં રસ્તાની દિશા જાણનાર ‘જ્ઞાની’ નથી. મહાભારતના વિદુર જ્ઞાની ઓછા પણ વિવેકી વધુ હતા. મહાભારત રચનારા અને તે પહેલાં વેદનું ચાર ભાગમાં વિભાજન કરનારા વ્યાસ મુનિ જ્ઞાની તો ખરા જ ને ! પણ જીવનના અંતિમ પડાવ વખતે એમને એક પ્રશ્ર્ન ઊભો થયો. વેદ અને ઉપનિષદોના જ્ઞાનના આધારે તેમણે મહાભારત રચ્યું. તે વખતે ઇરાદો હતો કે આવનારા સમયના સમાજને કરવાજોગ અને ન કરવાજોગ વ્યવહારવર્તનનો બોધ કરાવવો. એ સંદર્ભમાં મહાભારત ‘શિક્ષણ’ માટેનો ગ્રંથ ગણાય. પરંતુ પોતાના જીવનભરનાં કાર્યોના વહીવંચા ઊથલાવી ગયા પછી પણ મનમાંથી અજંપો ગયો નહીં. તે સમયે, કથા કહે છે તેમ, નારદ મુનિ બ્રહ્માજીના આપેલા ચાર શ્લોકો લઈને આવ્યા. આ ચાર શ્લોકો એટલે ચતુ:શ્લોકી ભાગવત. તે પછી આવનારા સંસારને સુખમય રીતે ચલાવવાની પોતાની નિસ્બતને કારણે વેદ વ્યાસે ભાગવત પુરાણ રચ્યું. ઘણા તેને ‘સુખ સાગર’ પણ કહે છે. અહીં પણ ઈરાદો શિક્ષણનો જ હતો. મહાભારતની ઘણી મૂલ્ય-પ્રણાલીઓને ભાગવતમાં બદલી ભૂંસવામાં આવી છે. વળી, રાજા-મહારાજાઓ અને પ્રચંડ અને અટંકી પાત્રોને સ્થાને સામાન્ય જનવ્યવહારના પ્રેમ, ત્યાગ અને માનવીયતા સહિતની ભક્તિને આગળ કરવામાં આવ્યાં છે.

વેદ કે ઉપનિષદમાં મુખ્યત્વે બ્રહ્મની ઉપાસના છે. આત્મસાધન, જીવનમુક્ત દશા, સાક્ષાત્કાર વગેરે તેના આવિષ્કારો છે. શિષ્ય સંશયછિન્ન થઈને ‘અહં બ્રહ્માસ્મિ’ કહે અને ગુરુ ‘તત્ત્વમસિ’ની મહોર મારે તેવી અંતિમ પરાકાષ્ઠાની વિભાવના રખાઈ છે. સાથોસાથ તે સ્વકેન્દ્રી પણ છે. અંતરમુખતા, મૌન, એકાંતવાસ, બ્રહ્મચર્ય, સંન્યાસ, હિમાલયે તપ તપવાં, વગેરે માર્ગ પેલા કથાકારો અને સાધુસંતોએ દર્શાવ્યા છે. આવા બહુમતિ વિચારો ધરાવનાર દેશમાં સમાજ, સામાજિક અનુબંધ, બંધુતા, સામાજિક કાર્ય વગેરેમાં ઝાઝી દિલચશ્પી ન હોઈ શકે. વેદઉપનિષદ (સામાન્ય રીતે ઘણા લોકો આ બંને શબ્દોને એક સાથે અને એક શ્વાસે બોલી નાખે છે)માં બ્રહ્મ અને પરમતત્ત્વનું જે વર્ણન છે તે માણસને એકાકી અને સમાજ-વિમુખ બનાવી મૂકે તેવું છે. બે દાખલા લઈએ,

(1) આરુણી-ઉદ્દાલક : પુત્ર ઉદ્દાલક ગુરુને ઘેર બાર વર્ષ રહીને ઘણું જ્ઞાન મેળવીને આવ્યો પણ પિતા આરુણીને પુત્ર ઉદ્દાલકના રોજિંદા વ્યવહાર ઉપરથી જ્ઞાનમાં ઘણી ત્રુટિઓ જણાઈ. વડના ટેટાની અંદર રહેલાં બીજમાં આખો વડ સમાયેલો છે તે તેમણે સમજાવ્યું. જે જાણવાથી અજ્ઞાતને જ્ઞાત બનાવી શકાય અને અશ્રોત(સાંભળ્યું ન હોય)ને શ્રોત (સાંભળ્યું હોય તેવું) બનાવી શકાય છે. બ્રહ્મ છે; તેવો ઉપદેશ ઉદ્દાલક આરુણી પાસેથી પામે છે. પણ આ જ્ઞાન, શિક્ષણ, ઉપદેશ અથવા બોધની કક્ષાનું છે. તેમાં તાલીમ અને કેળવણીના ઘટકો નથી.

(2) સત્યકામ-જાબાલિ : સત્યકામ બાર વર્ષનો થયો એટલે માતા જાબાલિ પાસે જઈને ગુરુગૃહે જવાની આજ્ઞા માગી. ગુરુ ગૌતમ ઋષિ પાસે પહોંચીને તેણે પ્રવેશ માંગ્યો ત્યારે ગુરુએ પૂછ્યું, ‘તારું ગોત્ર કયું ?’ માતા જાબાલિએ શીખવ્યા મુજબ પુત્ર સત્યકામે કહ્યું, ‘મારી માતા આશ્રમોમાં આવતા જતા ઋષિમુનિઓની સેવા કરતી હતી, તે પૈકી કોણ મારા પિતા હતા અને તેમનું ગોત્ર કયું હતું તે ખબર નથી.’ ગુરુએ તેને પ્રવેશ તો આપ્યો પણ એમ કહીને કે, તારી વાણીનું તેજ જોતાં તું ઊંચા કુળનો જણાય છે. પછી તેને આશ્રમમાં રાખીને અભ્યાસ કરાવવાને બદલે ચારસો નબળી ગાયો આપીને વનમાં મોકલ્યો. આ ગાયો તંદુરસ્ત બને અને સંખ્યા વધીને 1,000 ઉપર પહોંચે પછી તેને પાછા આવવાનું હતું. જંગલનું એકાંત અને માત્ર ગાયોની જ સોબત વેઠીને તેણે વર્ષો વીતાવ્યાં. ગાયોની સંખ્યા હજાર ઉપર પહોંચી એટલે ધણ સાથે પાછા ફરતા રસ્તામાં બે વૃષભ, હંસ અને બગલો બ્રહ્મોપદેશ કરીને કહે છે : બ્રહ્મ પ્રકાશમાન છે, બ્રહ્મ અનંત છે, બ્રહ્મ જ્યોતિષમાન છે અને બ્રહ્મ આયતનવાન (આધારરૂપ) છે, આ ચારેયના ભાગે એક એક ચતુર્થાંશ અભિવ્યક્તિ હતી. પણ તે પામ્યા પછી સત્યકામ ગૌતમ ઋષિ પાસેથી વધુ વિસ્તારપૂર્વકની સમજ મેળવે છે.

આ બંને દાખલાને હાલના સમય અને સંજોગોમાં જોવા સમજવા જેવા છે.

(1) જ્ઞાનની આ પરંપરામાં વ્યક્તિલક્ષી, આત્મકેન્દ્રી અને ‘સ્વ’ની ઓળખ જેવા ખ્યાલોનું આધિપત્ય છે.

(2) અતિ ઉચ્ચ વર્ગ, મુખ્યત્વે બ્રાહ્મણોનું જ આ શિક્ષણમાં આધિપત્ય છે. ગોત્રોચ્ચાર, દીક્ષા વગેરે વ્યવસ્થા પણ આ બ્રાહ્મણ પ્રભાવ સૂચવે છે.

(3) શિક્ષણની પદ્ધતિ મુખ્યત્વે ઉપદેશ કે કથાના સ્વરૂપની છે. તેમાં પ્રોજેક્ટ વર્ક, સામાજિક નિસ્બત વગેરે અભિપ્રેત નથી.

આ પ્રકારે ‘જ્ઞાની’ બનેલા માણસની સામાજિક વર્તણૂક કેવી હોય તે સમજવા વાસ્તે રાજા જનકનો દાખલો ખપનો છે. જ્યારે પોતાના પુત્ર શુકદેવ ઘર ત્યજીને ભાગવા લાગ્યા ત્યારે વ્યાસ મુનિએ ઊંચા અવાજે, દૂરથી બૂમ પાડીને કહ્યું, ‘તું રાજા જનક પાસે જરૂરથી જજે.’ પછીથી રાજા પરિક્ષીતને ભાગવતની કથા સંભળાવનાર શુકદેવની જનક રાજાએ કસોટી કરી. હાથમાં ટોચ સુધી ભરેલા તેલના કટોરા સાથે નગરભ્રમણનો આદેશ કર્યો. જો તેલનું ટીપું પણ છલકાય તો શિરચ્છેદ નક્કી હતો. શુકદેવ કદાચ શિરચ્છેદના ભયથી ડર્યા ન પણ હોય પણ જે એકાગ્ર મનથી નગરભ્રમણ કર્યું તેથી તેમની નજરે કાંઈ ન ચઢ્યું. આ જનક ‘વિદેહી’ કહેવાતા. ગીતાના નીરક્ષીર વિવેક કે કાચબો જેમ અંગોને સંકોરતો ચાલે તેમ સ્થિતપ્રજ્ઞાવસ્થાથી સંસારમાં જીવવું તે ઉપદેશ પણ આપણા સમાજમાં ઘણા લાંબા સમયથી ટક્યો છે. જો કે આ જ જનકના દરબારમાં અષ્ટાવક્ર પ્રવેશ્યા ત્યારે સભા હસી પડી હતી. તે જોઈને અષ્ટાવક્રે જનકની સભાને ‘ચામડું જોનારી સભા’ ગણાવી હતી. જનકનો પ્રભાવ તેના સભાજનો ઉપર પણ અલ્પ હતો.

ભારતના વેદ ઉપનિષદ અને પુરાણોમાં જ્ઞાનની આ ઢબ અને પરંપરાને કારણે અનેક કામ થયાં છે. વેદના ઉચ્ચારો કંઠસ્થ કરવા વાસ્તેના ધનપાઠ જેવા વિવિધ પાઠ, જ્ઞાનનાં ઉદાહરણો, રૂપકો, પરંપરાઓ અને વિધિનિષેધનાં કારણે એક પ્રવાહની જાળવણી થઈ.

પરંતુ પ્રથમ સહસ્રાબ્દીનો અંત આવતા સુધીમાં આ જ્ઞાન નિષ્પ્રાણ અને નિસ્તેજ પણ બની ગયું. સમગ્ર સમાજ માટે તે આવશ્યક ન હતું. પ્રવર્તમાન અને બદલાતા પ્રવાહો સાથે તે તાલમેલમાં પણ ન રહ્યું. આડંબર, કૂપમંડુકતા અને ઔપચારિક રીતરિવાજોમાં તે વેડફાઈ ગયું. આટલા જ્ઞાની અને વિવેકના ભંડાર ભરેલા દેશ ઉપર આક્રમણ કરનાર કોઈ પણ ક્યારે ય હાર્યો નહીં. હારેલી પ્રજાના જ્ઞાનની પણ કોઈ કિંમત હોતી નથી. એમ પણ કહેવાયું કે ભારતનું સમગ્ર જ્ઞાન ‘એક છાજલી ઉપર’ સમાઈ જાય, એટલાં પુસ્તકો પૂરતું છે. જ્ઞાન સાચું હતું કે ખોટું અને ભવ્ય હતું કે કેમ તે વાતને બાજુએ રાખીએ પરંતુ એટલું ચોક્કસ કે આ જ્ઞાન વડે ઇહલોકમાં તો ગુલામી સાંપડી, પરલોકમાં બ્રહ્મ કે મુક્તિ મળી કે કેમ તે અલગ વાત !

જ્ઞાનની આ નિસ્સારતા સામે ગાંધીની કર્મશીલતા અને વિનોબાની સમજ, અભ્યાસ અને કર્મશીલતાએ નવી જ ભાત ઊપસાવી. ગાંધીનું અનુસંધાન રસ્કિન, ટાગોર, થોરો અને ખ્રિસ્તી ધર્મનાં પણ ઉમદા તત્ત્વો સાથે હતું. આ અનુસંધાનના કારણે ગાંધીનું વિચારવિશ્વ ઘણું ગહન અને વ્યાપક બન્યું હતું. ગાંધીના વિચારના ઉદયની સાથોસાથ પશ્ચિમી જગતના આધુનિકતાવાદનો વૈચારિક દબદબો હતો. આ વૈચારિક દબદબામાં કોઈક એક ‘સત્ય’ની કલ્પના હતી. આ વિશાળ અનુભવ સૂચવી જાય છે કે શિક્ષણ કાલાતીત અને કાલબાહ્ય રહેવું ન જોઈએ. પછી તે માત્ર વર્તમાન સાથે જ સંલગ્ન રહે તે પણ પૂરતું નથી. શિક્ષણ અને તેના વાહક એવા શિક્ષકને માત્ર સમસંવેદક જ નહીં પણ વૈશ્વિક તથા ભાવિના પદાર્પણની સમજ વિકસાવવાની રહે છે. જૂના સમયમાં પરિવર્તનો ઓછાં હતાં વળી આવાં પરિવર્તનો મુખ્યત્વે સ્થાનીય રૂપનાં હતાં તેથી ‘જૂની વાતો’ બહુ લાંબા સમય સુધી ચાલી અને નભી પણ ખરી. પણ હવે સ્થિતિ ચારે તરફથી અને દસે દિશાએથી બદલાઈ ચૂકી છે. આ પરિવર્તનનો વેગ પણ કલ્પનાતીત છે.

વૈિશ્વકીકરણ, હરીફાઈ અને કાર્યક્ષમતા, માહિતી અને પ્રસારણ, પ્રત્યાયનની પ્રબળતા, વગેરે કારણે હવે શિક્ષણ અને કેળવણી તથા મૂલ્યબોધ જેવી બાબતોના આયામોમાં આમૂલાગ્ર પરિવર્તનો આવ્યાં છે. થોડાક દુ:ખ અને ઘણી બધી નિરાશાની વાત એ છે કે આ સ્થિતિમાંથી બહાર નીકળવાના સરકારી પ્રયાસો ક્યાં તો અસફળ રહ્યા છે અથવા તો અપૂરતા છે. સામે પક્ષે 1991થી ભારતમાં પ્રારંભાયેલી વૈિશ્વકીકરણની ભૂમિકામાં ખાનગી ક્ષેત્ર ક્યારેક માત્ર તો ક્યારેક મુખ્યત્વે નફા ઉપર નભી રહ્યું છે. આ સ્થિતિમાં સાહીર લુધિયાનવીની પંક્તિ, ‘જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ’, યાદ તો આવે.

પરંતુ કહ્યું છે ને કે ‘સત્‌ની બાંધી પૃથ્વી’ ! અનુઆધુનિકતાના વિમર્શના એક વ્યાપક આધારે ભલે એમ કહીએ કે એક જ અને શાશ્વત સત્ય ન હોઈ શકે પરંતુ સામે પક્ષે અને આધુનિકતાના વિમર્શ પ્રમાણે કમ સે કમ, બે વાનાં તો કાયમી શાશ્વત ખપનાં જ ગણાય. આ બે વાનાં એટલે માનવતા અને વૈજ્ઞાનિક ઢબનો વિચાર. આધુનિકતાના વિમર્શનો ઉત્સાહ હતો કે વૈજ્ઞાનિક વિચારમાં માનવીય સંવેદના ઉમેરાશે એટલે જગત શાંતિ અને પ્રગતિ તરફ ગતિ કરશે. પરંતુ બીજા વિશ્વયુદ્ધે પુરવાર કર્યું કે અનિયંત્રિત વિજ્ઞાન એક તરફ હિટલરની ગેસ ચેમ્બર અને આઉત્સ્વિત્ઝ તથા હોલોકાસ્ટ સુધી તાણી જાય છે તો બીજી તરફ હિરોશીમા અને નાગાસાકી જેવી ભયાનકતા પણ સર્જી શકે છે. હિટલરશાહીમાં લોકશાહી નહોતી તો લોકશાહી ધરાવનાર અમેરિકાએ માત્ર હિરોશીમા જ નહીં, વિયેતનામ, ઈરાક, અફઘાનિસ્તાન, અને ઈઝરાયેલ દ્વારા પૂર્વ યુરોપમાં અને અનેક આરબ દેશોમાં પણ પ્રચંડ આતંક ફેલાવવાનું ચાલુ જ રાખ્યું છે. હવે વાતને ફરીથી ગોઠવીએ તો એમ જણાય છે કે :

(1) પુરાતન વિચાર ઉચ્ચ વર્ણ/વર્ગના લોકોના સ્વકેન્દ્રી આત્મજ્ઞાનનો હતો. હવે તેને શિક્ષણ અને કેળવણીના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવો તે જરૂરી પણ નથી અને શક્ય પણ નથી.

(2) પર્યાવરણ, પરસ્પર આધારિત વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને એકંદરે સામાજિક ન્યાયની વધતી જતી ભૂમિકામાં શિક્ષણ, કેળવણી અને તાલીમને વિશે સાવ નવેસરથી વિચારવું પડશે. જૂનાને છોડીને નવાને અપનાવવા સામેની મમત્વ કે વિલંબની માનસિકતા આવનારી પેઢીઓ માટે અહિતકારી નીવડશે.

આ વ્યાપક અને એકંદર ભૂમિકામાં શિક્ષણ, કેળવણી અને તાલીમને ક્યા પ્રકારે આયોજી શકાય તે વિચારવા જેવું ખરું. અલબત્ત, આવા કોઈક ચોક્કસ નકશા કે સુગ્રથિત સ્વરૂપનો વિચાર થઈ શકે ખરો, તેવો પણ પ્રશ્ન ઉઠાવી શકાય. પરંતુ એક ‘સુખી (ભાવિ) સંસાર’ની રચનામાં રસ ધરાવનાર સૌ કોઈ માટે, આ બાબત જરા ય કવેળાની નથી. જો મહર્ષિ વેદ વ્યાસ ‘યદાયદા’ અને ‘યુગેયુગે’ વિસ્તરે તો તે પણ આ જ દિશા પકડે. એક રીતે હાલની આ મથામણ પણ મહાભારતથી ભાગવત તરફની ગતિનો તકાદો સૂચવે છે. પરાક્રમશીલતા, કાર્યક્ષમતા, સત્તાખોરી અને મમત્વ જેવા મહાભારતીય વૈચારિક પ્લેટફોર્મનાં સ્થાને ગોવર્ધનલીલા, ગોપીજનવલ્લભ, બાંકે બિહારીલાલની મહારાસની લીલાનો વિકલ્પ કદાચ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં નહીં પણ હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો કરનારો નીવડી શકે. અલબત્ત, આ દિશામાં ઘણા વિચારો થયા જ છે અને બદલાતા સમય, જનસંખ્યા અને ટેકનોલોજીની ચોથી ક્રાંતિના સંદર્ભે આ વિચારો પણ પરિવર્તનશીલ રહેવાના.

શિક્ષણની કોઈપણ નવી રચનામાં સમાજ સાથેનો અનુબંધ પ્રથમ સ્થાને આવવો જોઈએ. વ્યાખ્યા, લક્ષણ, પ્રકાર, લાભ, ગેરલાભ અને ઉપસંહારની ગોખણપટ્ટીની ટેવવાળા અને માત્ર પુસ્તકિયા શિક્ષણની તો ગાંધીજીને આજથી સો વર્ષ અગાઉ પણ જરૂર જણાઈ ન હતી. વિદ્યાપીઠની સ્થાપનાને તેમણે ‘એક વણિકનું ઋષિકાર્ય’ ગણાવેલું. આ શિક્ષણમાં શ્રમનું ગૌરવ, સંવેદનશીલતા અને માનવમાત્રના ગૌરવનો સમાવેશ થાય છે. આ બાબતો વડે વિદ્યાપીઠના સ્નાતકમાં સંવેદના અને મૂલ્યાગ્રહોના પ્લેટફોર્મની રચના થાય છે.

લગભગ આ જ સમયે જર્મનીમાં આર્ય વિચારે જોર પકડવા માંડેલું. ગઈ સદીની ત્રીસીમાં તો આ આર્ય વિચાર નાઝી વિચાર તરીકે પ્રચંડ રૂપ ધારણ કરતો ગયો. નાઝી વિચારના પાયામાં બે જ ઘટકો હતા. સમાજવાદ અને રાષ્ટ્રવાદ. મારા દેહ સહિતનું જે કાંઈ છે તે સઘળું રાષ્ટ્રને સમર્પિત એવી ભાવનાથી શરૂ થયેલો આ વિચાર માત્ર ‘મારા’ પૂરતો ન રહ્યો. પોતાનું સમગ્ર રાષ્ટ્રને અર્પણ ન કરનારા સૌ રાષ્ટ્રવિરોધી અને રાષ્ટ્રદ્રોહી પણ ગણાવા માંડ્યા. મૂડીવાદ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકશાહી વગેરેના વિચાર વિમર્શોનો ખુરદો બોલાવવામાં આવ્યો. આ ઉન્માદ એટલો વ્યાપક હતો કે તેને ત્રણ નોબલ ઈનામ વિજેતા, નટ હેમસન (સાહિત્ય, 1920), ફિલિપ લેની (ફિઝિક્સ, 1905) અને જોહાનિસ સ્ટાર્ક(ફિઝિક્સ, 1919)નું સમર્થન મળ્યું. નિત્શે તથા હાઈડેગર જેવા ફિલસૂફ પણ તેમાં જોડાયા. એક તબક્કે તો જર્મનીની વિવિધ યુનિવર્સિટીઓનાં પ્રાંગણોમાં પુસ્તકાલયોમાંથી આવા વિચારોને અનુમોદન આપનારાં પુસ્તકોના ઢગલા કરી તેને આગ ચાંપવામાં આવી. આ બધું શિક્ષણ અને સંસ્કૃિતના નામે થયું. એક સનકી શાસકના મનમાં ઉદ્ભવે તે સંસ્કાર ?! અને તેને વજૂદ આપનારા બૌદ્ધિકો પણ આવી મળવાના !

સંસ્કારલક્ષી શિક્ષણ કે કેળવણી આપવાં જોઈએ એવો એક સર્વ સામાન્ય સૂર પ્રવર્તે છે પણ જો સહેજ ઊંડા ઊતરીએ તો વૈચારિક અસ્પષ્ટતાઓ, વિરોધ અને સંઘર્ષ ઊભરી આવે છે. બહુજન અને સવર્ણ હિંદુ સમાજ સામે આ ‘સંસ્કાર’માં મુસ્લિમ, દલિત, આદિવાસી કે નારી જેવા ઘટકો અંગેના સવાલો ઊભા થાય છે. દલિતોને સંદર્ભમાં રાખી શિક્ષણ અને સંસ્કૃિતનો સંબંધ તપાસીએ :

સ્ક્ધદ પુરાણ(18:6)માં એક શ્લોક છે :

જજન્મનાત્ જાયતે શુદ્ર: સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે ।
શાપાનુગ્રહે સામર્થમ્ તથા ક્રોધ: પ્રસન્નતા ॥

આ પૈકી આપણે માટે પ્રથમ પંક્તિ ખપની છે. બધી જ વ્યક્તિ શુદ્ર તરીકે જ જન્મે છે પરંતુ સમાજમાંથી મળતા સંસ્કારોને કારણે તે દ્વિજ બને છે, મતલબ કે નવું જીવન હાંસલ કરે છે. ભૂતકાળ અને વર્તમાનમાં પણ આ વિધાન સાથે સંમત ન થવા માટે અપાર ઉદાહરણો છે. દ્રોણના સંસ્કારો વડે સોએ સો કૌરવો દ્વિજ બન્યા ? એકલવ્યને સંસ્કાર કે શિક્ષણ આપવાની જ ના પાડનાર ગુરુ કેવા કહેવાય ? અને આધુનિક સમાજમાં શિક્ષિત વર્ગનો પણ દલિત તરફનો વ્યવહાર ઘણીવાર ક્ષોભ ઉપજાવે તેવો હોય છે. લોકોને સંસ્કારનું શિક્ષણ નથી મળ્યું તેનું આ પરિણામ છે કે શિક્ષણમાં સાચા સંસ્કારોનું સિંચન નથી કરાતું તેનું આ પરિણામ છે ?

સમાજના વિચારશીલોએ ઘણા મત મતાંતરો અને અભિગમો બાબતે સ્પષ્ટ થવાની જરૂર છે. થોડાંક ઉદાહરણો લઈએ :

(1) જો ‘વસુધૈવ કુટુંબકમ્’ કહેવાતું હોય તો દલિત, મુસ્લિમ કે ખ્રિસ્તીઓને કુટુંબ બહારના કેવી રીતે ગણાય ? સમગ્ર વસુધાને કુટુંબ ગણનારા માટે મલ્ટિ એથનિસિટી અનિવાર્ય ગણાય.

(2) જો સમગ્ર વિશ્વ આપણું કુટુંબ હોય તો રાષ્ટ્રવાદ કેવી રીતે નભી શકે ?

(3) જો સંસ્કારો મળવાથી ‘દ્વિજ’ બની શકાતું હોય તો તેનો લાભ સમાજના અમુક વર્ગને જ શા માટે ?

(4) જો સંસ્કાર વડે દ્વિજ બનાતું હોય તો લોકોને દ્વિજ બનાવે તેવા જ સંસ્કારો આપવા જોઈએ. આ શક્ય છે ?

આ પ્રકારના તર્કોનો આમૂલાગ્ર વિચાર કોઈ ખંડનમંડનની પ્રવૃત્તિ માટે નથી. ખરેખર તો તે એ સમજવા માટે છે કે શિક્ષણ અને સંસ્કારના અનુબંધમાં ‘દૃષ્ટિપૂતં નસ્યેત્ પાદમ્’ ફૂંકી ફૂંકીને ડગલું માંડવા જેવું છે. માનવ એક અદ્ભુત સર્જન છે અને તેને સંસ્કારના નામે પરાપૂર્વની બેડીઓમાં જકડી ન શકાય. ટાગોરે આઝાદી પહેલાં કહેલું તે ઘણું ઉપયોગી છે. :

'Where the mind is without fear
and the head is held high’

તર્કની તત્પરતાથી ઉન્નત અને ગૌરવાન્વિત શીર્ષ નવા સંસ્કારની ખોજની પ્રારંભિક આવશ્યકતા છે. શિક્ષણ અને સંસ્કારને એકમાર્ગી ગણવામાં ભૂલ થાય છે. ‘શિક્ષણ દ્વારા સંસ્કાર’ તો ખરા જ પણ આ સંસ્કારી બનેલી વ્યક્તિઓ કાળક્રમે એવા શિક્ષણનું પણ નિર્માણ કરતી થાય કે જે સમાજ માટે ઉત્તમ પરિપાટીઓ ઊભી કરી આપી શકે. લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિગત અધિકારો, વૈજ્ઞાનિક ઢબનો વિચાર વગેરે આવા નવા વિકસતા સમાજ માટેના આધારસ્તંભો છે. સત્યકામના આયાતમાન બ્રહ્મની જે કલ્પના છે તે આ સર્વને આધાર આપનારું બ્રહ્મ છે. આ જ બ્રહ્મ પ્રકાશમાન, જ્યોતિષમાન અને અનંત છે. સત્યકામને પ્રકૃતિ સાથેના એકાંત સભર વિમર્શમાંથી સાંપડેલો આ સંદેશો છે.

અલબત્ત, આધુનિક શિક્ષણની અપેક્ષા વ્યાવસાયિક સજ્જતા અને સામર્થ્ય કેળવવવાની છે. સંસ્કાર માટેનું શિક્ષણ, આવા વ્યાવસાયિક શિક્ષણને અવરોધક નથી. પરંતુ, વ્યાવસાયિક કે અન્ય શિક્ષણના આયામોમાં સંસ્કાર સાથેનું શિક્ષણ ક્યારેક સ્ફુટ અને ક્યારેક અસ્ફુટ રૂપે રહેતું જ હોય છે. એ વ્યાપક અર્થમાં શિક્ષણ લેનાર દરેક વ્યક્તિનો એક નવો જ આવિષ્કાર સર્જાય છે. ‘દ્વિજ’ શબ્દને જાતિગત લેવાને બદલે પુન:સંસ્કરણની રીતે જોઈ શકાય. આ પુન:સંસ્કરણ નાઝીરૂપે કે કૌરવરૂપે ન થાય તે જોવાની ફરજ સમાજના દ્વિજ બની ચૂકેલાઓની ગણાય.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 મે 2018; પૃ. 16-18 

Loading

નારી-વિચાર : શબ્દોના સાથિયા પણ નિસબત ક્યાં ?

રોહિત શુકલ|Opinion - Opinion|26 June 2018

માર્સ – મંગળ ગ્રહ ઉપરથી પુરુષો આવી ચઢ્યા છે, અને આ ગ્રહ ભારે ઉતપાતિયો અને યુદ્ધખોર ગણાય છે. વિનસ (શુક્ર) પ્રેમનો ગ્રહ છે અને ગ્રીક દંતકથામાં તો તેને પ્રેમની દેવી જ ગણવામાં આવે છે. વિનસ ગ્રહ ઉપરથી નારીનું અવતરણ થયું છે. પ્રેમની વાતો કરનારા પુરુષો લગ્ન બાદ વિનસ સાથે કજિયા-કંકાસ-યુદ્ધ કરીને ખુદ પોતાનાં જ કુટુંબોને તહસનહસ કરી નાખતા હોય તેવી ઘણી કહાનીઓ ફિલ્મોએ બતાવી છે. પણ પૃથ્વી ઉપર આવીને વસેલા આ બે પ્રકારના લોકો આખરે તો માણસો જ છે. છતાં પૃથ્વી ઉપરના વસવાટમાં સ્ત્રીઓના પક્ષે પારાવાર વેઠવાનું કેમ આવે છે ? બહુ ઓછા મુદ્દા સર્વદેશીય કે સર્વકાલીય સ્વરૂપના હોય છે; નારી જગતની સમસ્યા આવી, સર્વદેશીય અને સર્વકાલીય સ્વરૂપની છે તે મહાભારત-રામાયણ કાળમાં હતી અને આજના સમયમાં પણ છે જ. તે સાઉદી અરેબિયામાં છે અને ભારતમાં પણ છે જ. નારી એક એવો વર્ગ છે કે જેને વિકાસના થોડાક પણ છાંટા ઊડે તો સમગ્ર સમાજ તેમાં પોરસાઈ જાય છે. ભ્રૂણહત્યા, માતૃ મૃત્યુદર, શિક્ષણમાં ડ્રોપ આઉટ, શારીરિક શોષણ વગેરે આચરનારા આ નિંભર સમાજને ક્યારેક કોઈક નારી કાંઈક અવનવું કરે ત્યારે ગૌરવાન્વિત થવાનું શૂર ચઢે છે. નારીની અવદશાનાં ઉદાહરણો તો અકલ્પ્ય અને અગણિત છે; તેનાં મુખ્ય સ્વરૂપો પણ દુ:ખદાયક છે.

સમગ્ર દુનિયા ઉપર નજર રાખીને મુખ્ય પ્રવાહો નાણતા અને જાણતા રહેતા અભ્યાસીઓનાં કેટલાંક તારણો સમજીએ :

(1) ભારતમાં સ્ત્રીઓની વસતી કુલ વસતીના લગભગ 48 ટકા છે. પરંતુ દેશની કુલ જી.ડી.પી.માં તેમનો હિસ્સો માત્ર 17 ટકા જ છે. આવું કેમ હશે ? આખી દુનિયામાં આવું જ હશે ? દુનિયામાં સરાસરી ધોરણે જી.ડી.પી.માં સ્ત્રીઓનો હિસ્સો 37% છે. ભારતમાં તેના અડધાથી પણ ઓછો ! આનાં બે કારણો છે : એક, પુરુષપ્રધાન માનસિકતાને લીધે એક તરફ એક બાળકી, કન્યા, છોકરી કે સ્ત્રી સમાજમાં પારેવડાની જેમ ડરતી-ફફડતી જીવે છે. ભણવું તો શું ભણવું, મોડી રાત સુધી બહાર ન રહેવાય, લોકો સાથે હસી-ખુશીની વાતચીત ન કરાય, વગેરે બંધનોને કારણે તે પોતાના સાચા સ્વરૂપને છતું કરી જ શકતી નથી. આથી એકંદરે આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓની ભાગીદારી જ ઓછી રહે છે. આનો અર્થ એ હરગિજ નથી કે સ્ત્રીઓ કામ નથી કરતી. તેના કામને ‘વૈતરું કૂટ્યું’ કહો તો ય ચાલે. ઘરનો ઢસરડો કરવા ઉપરાંત બહારની નોકરીની શક્તિ રહે તો કમાવા જવાય પણ ખરું; પણ કમાણીની રકમ તો પતિ, સાસુ કે સસરાના હાથમાં જ મૂકવાની. એટલે કે એક તરફ શ્રમના સમુચ્ચયમાં સ્ત્રીઓની ઉપસ્થિતિ જ ઓછી હોય અને હોય તો ય તેનો આર્થિક અને સીધો ફાયદો પણ તેને ન થાય તેવી સ્થિતિ છે.

વળી તે ઘરમાં રહીને જે કામ કરે છે તેની ગણતરી થતી જ નથી. નાણાંકીય લેતીદેતી વગરના વ્યવહારોને જી.ડી.પી.માં ગણતા નથી. આમ સ્ત્રી બાળકોને ઉછેરે, ખેતરમાં કામ કરે, છાણ-વાસીદું કરે, ઘરની રસોઈ બનાવે, વગેરે પ્રવૃત્તિઓ મફત જ કરતી હોય છે. તેની નવાઈ તો નહીં જ; પણ તે આદર અને ધન્યવાદને પાત્ર પણ નહીં.

બીજું કારણ એ છે કે સ્ત્રીઓને મળતું વેતન પુરુષોની તુલનાએ લગભગ 64 ટકા હોય છે. લગભગ ત્રણ સ્ત્રીએ એકનું કામ, સવેતન અને આર્થિક વ્યવહારનું હોવા છતાં, ગૂમ થઈ જાય છે. સમાજમાં પુરુષો જેટલું વેતન સ્ત્રીઓને મળતું નથી. આમ, શ્રમ બજારમાં ઓછી સામેલગીરી અને સાપેક્ષમાં ઓછાં વેતનોને કારણે કુલ જી.ડી.પી.માં, ભારતમાં સ્ત્રીઓ તરફથી મળતો હિસ્સો માત્ર 17 ટકા બની રહે છે.

(2) આમ છતાં, આર્થિક વૃદ્ધિમાં સ્ત્રીઓનો ફાળો નોંધનીય છે અને તેનું કારણ જાણવાથી નારીજાતિ તરફ સન્માનનો ભાવ પ્રગટી શકે તેમ છે. આ માટેનું મુખ્ય કારણ સ્ત્રીની સંસ્કૃિતના સંરક્ષક અને સંવાહક તરીકેની ભૂમિકામાં રહેલું છે. પુરુષોએ તો ધોતી, અંગરખું અને પાઘડીના પારંપરિત તથા સાંસ્કૃિતક ધરોહરના પોષાકનો કે’દિનો ત્યાગ કરી દીધો છે પણ સ્ત્રીની (વિવિધ ઢબે પહેરાતી) સાડી હજુ જળવાયેલી છે. છોકરીમાંથી સ્ત્રી બન્યાનું ગૌરવ ફરાક (ફ્રોક) છોડીને સાડી પહેરતાં થવામાં આવીને અટકે છે. સંસ્કૃિતનું સંરક્ષણ અને સંવહન સ્ત્રીએ જ કરવાનું છે; કોઈ પણ સન્માન કે સદ્ભાવની પણ અપેક્ષા વગર.

આ સાંસ્કૃિતક લક્ષણનો આર્થિક મતલબ બચતની વૃત્તિ સાથે જોડાયેલો છે. પુરુષ દારૂ પીએ, જુગાર રમે અને રખડેલ બને તો પણ સ્ત્રીએ તો પોતાનો ‘નારીધર્મ’ નિભાવીને બચત કરતા જ રહેવાની છે.

જામનગરના જોડિયાનો વર્ષો પૂર્વેનો એક પ્રસંગ છે. ત્યાંના અમુક કોમના પુરુષો પોતે મજૂરી કે કામ કરે તો મોભો ઘટે. ગરીબી હોવાથી ઘર ચલાવવા વાસ્તે સ્ત્રીઓએ નાનું મોટું કામ કરવું પડે. અમુક વિસ્તારમાં ચેર(મેનગ્રુવ)નાં ડાળાં કાપીને તેની ભારીઓ વેચીને સ્ત્રીઓ થોડુંક કમાઈ લાવે. આવી સ્ત્રીઓના બજારેથી પાછા જવાના રસ્તે આવેલી છાપરા હોટલોમાં તેમના પતિદેવો બેઠા હોય. જે તે ઘરવાળી પોતાના ‘ધણી’ને જોઈને (તે સમયની) એક પાવલી કાઢીને તેની તરફ ઘા કરે અને બૂમ પાડીને કહે, ‘લે મૂઆ, પી.’ પુરુષે ગમે તે કર્યું, સ્ત્રીએ તો સંસ્કૃિતનું સંરક્ષણ અને સંવહન કર્યું જ ને !

સ્ત્રીની બચતવૃત્તિને કારણે ભારતનો બચત દર 33 ટકા – જી.ડી.પી.ના ત્રીજા ભાગ જેવો ઊંચો રહે છે. આ બચતો વડે થતાં મૂડી રોકાણને કારણે નવાં કળ-કારખાનાં નંખાય છે, શેર બજારો ધમધમે છે અને નવ-નવ ટકા જેવો, જગતનો અવ્વલ નંબરનો વૃદ્ધિદર હાંસલ થાય છે. આ બધાની પાછળનાં સ્ત્રીનાં યોગદાન તરફ તો આપણી નજર પણ જતી નથી.

અને આ ‘સ્ત્રી’ એટલે કોણ ? સવર્ણ : અને તેમાં ય બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રીય, દલિત : વાલ્મીકિથી વણકર સુધી, મુસ્લિમ : શિયા, સુન્ની, વોરા, આદિવાસી, શહેરી-ગામઠી; કેટલા પ્રકારો ! દેહના આકારોની વાર્તાઓ પણ અનેક; ગોરી, શામળી, સાગના સોટા જેવી ! સમાજમાં એક ‘સ્ત્રી’ શબ્દ કાને પડે છે ને આવી ઝીલમીલ તરંગલીલા સર્જાય છે. પણ આ સઘળાનો લ.સા.અ. એટલે ભેદભાવ, શોષણ, અવહેલના અને અપમાન !

આમ, સ્ત્રી જો ધારે તો બચતની આ સંસ્કૃિત ત્યજી દઈને ભોગ-વિલાસ અને ‘આનંદ-પ્રમોદ’નાં સાધનો ખરીદવાનો અને મોજમજા કરવાનો આગ્રહ રાખી શકે. આવી સ્ત્રીઓ તરફ, પેલું આછુંપાતળું સન્માન પણ ટકતું નથી. જી.ડી.પી.માં સ્ત્રીનો ફાળો ભલે 17 ટકા હોય પણ બચતની વૃત્તિને દૃઢાવીને તે મૂડીરોકાણને ઉત્તેજન આપીને આવનારી પેઢીઓની આવતીકાલને ઉજ્જ્વળ બનાવવા મથતી રહે છે.

આ જ સંદર્ભમાં બે ઉદાહરણો સામે આવે છે. બાંગ્લાદેશના મહંમદ યુનૂસ બચત મંડળીઓનો -સ્વસહાય જૂથનો વિચાર આવ્યો. આ બચત મંડળીમાં મહિલા સભ્યો જ હોય. દર મહિને એક નક્કી કરેલી રકમ આ મંડળીમાં જમા થાય. સામે કોઈક નિર્ધારિત બેંક એટલી જ રકમનું ધિરાણ પણ આપે. 15-20 બહેનોની આ મંડળીમાંથી, આ બચતો વડે, કોઈક એકને ધિરાણ અપાય. તે ભેંસ ખરીદે, શાળ કે સિલાઈનો સંચો ખરીદે કે ઘર રીપેર કરાવે. આ વિચારને કારણે મહંમદ યુનૂસને નોબલ ઈનામ પણ મળ્યું. પણ સવાલ એ થાય જ કે બહેનોની બચત મંડળી શા માટે ? ભાઈઓની કેમ નહીં ? વાત સમજવા જેવી ખરી.

એક અભ્યાસ કર્યો યુ.એન.ડી.પી.એ. આ સંસ્થા દર વર્ષે માનવ – વિકાસ સૂચકાંક પ્રકાશિત કરે છે. અભ્યાસનો મુદ્દો એ હતો કે સમગ્ર કુટુંબ માટે કલ્યાણકારી નિર્ણયો કોણ કરી શકે; સ્ત્રી કે પુરુષ ? આમ તો આવો સવાલ ઊઠે તે જ નવાઈ કહેવાય. સ્ત્રી હોય કે પુરુષ, માતા હોય કે પિતા, કુટુંબના ભલા માટે જ નિર્ણયો કરે ને ! પણ એ બાબત શંકાસ્પદ જણાઈ છે. પરિણામે આ અભ્યાસમાં અન્ય બધી રીતે સમાન હોય તેવાં કુટુંબો પસંદ કરાયાં. માત્ર કુટુંબના વડા તરીકે એક જૂથમાં પુરુષો હતા અને બીજા જૂથમાં સ્ત્રીઓ હતી. બાકી, વ્યવસાય, વસવાટ, શિક્ષણ, વગેરે બાબતોમાં કુટુંબોનાં બે ય જૂથો સમાન હતાં. તારણ એ આવ્યું કે જે જૂથમાં સ્ત્રી કુટુંબના વડા તરીકે હતી ત્યાં કુટુંબના કલ્યાણલક્ષી નિર્ણયો લેવાતા હતા. મતલબ લગભગ એવો નીકળે કે જો સ્ત્રીને નિર્ણયની સત્તા મળે તો બાળકોનું શિક્ષણ, પોષણ, બચત, વગેરે વધે અને પુરુષોના હાથમાં આ ધનરાશિ વાપરવાનો અધિકાર આવે તો દારૂ, જુગાર અને રખડપટ્ટીમાં પૈસા ઉડાડાય ! લગભગ આવો જ અભ્યાસ પશ્ચિમ બંગાળની પંચાયતોનો થયો. 73મા બંધારણ સુધારાના અન્વયે રાજ્યની ત્રીજા ભાગની ગ્રામ પંચાયતોમાં સ્ત્રી સરપંચો હોય છે. આ બાબતે ઘણી વાર ટીકા પણ થાય છે કે આવી પંચાયતોમાં રીમોટ તો પતિદેવોના હાથમાં હોય છે. ક્યાંક એવું હશે પણ ખરું ! પણ એકંદર હિસાબ એવો બેસે છે કે જો સરપંચ રૂપે સ્ત્રી હોય તો ગામના લોકોનાં કલ્યાણલક્ષી કામો તરફ વધુ ધ્યાન અપાય છે. દા.ત. ગામમાં પીવાનાં પાણીની સમસ્યા હોય અને રસ્તાની પણ જરૂર હોય તો પુરુષો રસ્તો બાંધવાના કામને અને સ્ત્રીઓ પાણીની સગવડને વધુ અગત્ય આપશે. સવાલ જરૂર થાય કે પાણીને રસ્તા કરતાં વધુ કલ્યાણલક્ષી શાને ગણવું ? ઉત્તર સીધો અને સાદો છે.

ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોના અભ્યાસમાં જોવા મળ્યું કે સ્ત્રીનું શરીર, દૂરથી પાણી વહન કરી લાવવાના શ્રમને કારણે જ રોજની 500 કેલરી બાળે છે. એટલો પૌષ્ટિક આહાર ન મળે તો તેનું શરીર ઘસારે પડે. વળી જો પાણી સારીને ન લાવે તો નહાવા, ધોવા, રસોઈ કરવા અને માણસને (અને ક્યારેક ઢોરને પણ) પીવા માટે શું કરવું ? અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત બંધાતા સંડાસોમાં પણ પાણી તો જોઈશે જ ! અને તે સમજવાની શક્તિ સ્ત્રીમાં છે.

નારીની સમજ અને સૂઝબુઝ કેવા પ્રશ્નો ઉકેલી શકે છે તે સમજવા માટે કર્ણાટકના હોશુર જિલ્લામાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા માયરાડા(MYRADA – Mysore Relief and Development Agency)ના બે અનુભવ જાણવા જેવા છે.

(1) એક ગામની મહિલાઓએ બચત મંડળી બનાવી હતી. તેમાંથી લોન લઈને સ્થાનિક સભ્ય સ્ત્રીઓ ગાય, ભેંસ, સીવવાના સંચા, વગેરે વસાવીને બે-ચાર પૈસા ઘર માટે કમાતી હતી. પરંતુ દર મહિને મળતી મિટિંગોમાં જોવા મળ્યું કે કોઈક ને કોઈક સભ્ય સ્ત્રી ગેરહાજર રહેતી. સ્ત્રીઓ બદલાતી રહેતી પણ કારણ લગભગ એક જ સમાન રહેતું. પતિદેવે નશામાં ખૂબ મારી તેથી આવી ન શકાયું ! પણ એક મિટિંગમાં તેમને આનો ઉકેલ જડી ગયો. બધી જ ‘સભ્ય’ બહેનોએ એકઠા થઈને પેલી બહેનના ઘરે જઈને તેના પતિને બરાબર ફટકાર્યો. જે ધોકાવાળી થઈ તેથી ગામના ઘણા મૂછાળા મરદોને સાન આવી ગઈ પણ પછી તો જાણે દરેક મિટિંગનો આ એજન્ડા જ બની ગયો ! જો કોઈ પણ સ્ત્રીને તેનો પતિ આ રીતે મારે તો બધાએ ભેગા થઈને તેને ઝૂડી નાખવો એ ક્રમ થઈ ગયો. ધીમે ધીમે આપોઆપ દારૂબંધી આવી ગઈ !

બીજો બનાવ પણ એવો જ નોંધપાત્ર છે. જે એન.જી.ઓ. (માયરાડા) ત્યાં કામ કરતું હતું તેને જોવા મળ્યું કે સરેરાશ લગભગ 29 વર્ષની ઉંમરે ત્યાંની સ્ત્રીઓ દાદી બની જતી હતી. સરકારી રાહે આનો ઉપાય શિક્ષણમાં શોધાય છે. જો છોકરીઓ વધુ ભણે તો લગ્નો મોડાં થાય અને બાળલગ્નો ઘટે તો આવા – જલદીથી દાદીમા બનવા જેવા બનાવો ન બને. પણ જ્યાં શાળાઓમાં છોકરીઓ માટેના અલગ ટોઈલેટ્સ જ ન હોય ત્યાં કન્યા ડ્રોપઆઉટ દર પણ ઊંચો જ રહેવાનો. આ સ્વૈચ્છિક સંગઠને સહેજ આગવી રીતે વિચાર્યું.

આ હોશુર જિલ્લો કર્ણાટક, આંધ્ર અને તમિલનાડુના ત્રિભેટે આવેલો છે. આ વિસ્તારમાં ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે; તે પૈકી તાતાનું ઘડિયાળ બનાવવાનું કારખાનું પણ છે. સંસ્થાના માણસોએ આ કારખાનાવાળા સાથે ચર્ચા કરીને શોધી કાઢ્યું કે ઘડિયાળના યંત્ર સહિતનું ચગદું બ્રાન્ડ નેમ ધરાવે છે પણ ઘડિયાળનો પટ્ટો તો ગમે ત્યાંથી મેળવી શકાય. આ પટ્ટા પણ કારખાનામાં જ બનતા હતા. સંસ્થાવાળાઓએ તેનું ‘આઉટ સોર્સિંગ’ કરાવ્યું અને પેલી 29 વર્ષે દાદી બનતી કન્યાઓને તાલીમ અપાવી, પછી યંત્રો અપાવ્યાં અને થોડીક મૂડી પણ અપાવી. આ છોકરીઓ આ કારખાનાને ટ્રસ્ટીશિપના ધોરણે ચલાવવા માંડી અને લગ્ન માટે પૂરતા પૈસા ભેગા કરવા માંડી. તે કહેતી, ‘મારા લગ્ન માટે પૂરતા પૈસા ભેગા કર્યા વગર પરણવું નથી,’ તેની ઉંમર 24 વર્ષની હતી.

પણ ‘પરણ્યા એટલે … પારકા લાડી, ચાલો આપણે ઘેર રે …’ એ લગ્નગીતના ઉખાણાને ઉકેલવું રહ્યું. ભ્રૂણહત્યાથી બચેલી, અલગ ટોઈલેટની સગવડ વગરની નિશાળોમાં પણ ભણેલી. સતત ડરતી-ફફડતી કનયા, ઘડિયાળના પટ્ટા બનાવે કે સોય-દોરાના કામ કરતી કરતી પોતાના ઘર અને ભાવિનાં સ્વપ્નાં જોઈને પરણે એટલે વાત પૂરી થઈ એમ માનીશું ? કે નવી અને વધુ ભયાનક વાતની શરૂઆત થઈ એમ ગણીશું ? વર્લ્ડ બેંકના (2002) ફ્રાંસિસ બ્લોક અને વિજયેન્દ્ર રાવનો એક અભ્યાસ એક નવું જ પરિમાણ ખોલી આપે છે. તેમના અભ્યાસનું શીર્ષક છે, ‘ટેરર એઝ અ બારગેનીંગ ઇન્સ્ટ્રુમેન્ટ’. આ અભ્યાસીઓ કહે છે, લગ્ન બાદ પણ દહેજ અથવા પૈઠણની હપ્તા વસૂલી ચાલુ જ રહે છે. પરણીને ઘરમાં આવેલી દીકરીને વારેવારે મા-બાપ પાસે પાછી મોકલવામાં આવે છે અને પૈસાની માગણી કરાય છે. તે નિર્ધારિત પૈસા લાવે નહીં તો તેને મારવામાં આવે છે. સાસરિયા ટેરરિસ્ટ તરીકે વર્તે છે અને પેલી દીકરી જાણે બાનમાં પકડાયેલી હોય તેવો વર્તાવ થાય છે.

પણ આ અભ્યાસીઓનું બીજું તારણ વધુ અગત્યનું છે. તે કહે છે, જો લગ્ન વખતે પૂરતું દહેજ આપ્યું ન હોય તો આવા અત્યાચાર વધુ થાય છે. આવા અત્યાચાર બે સંજોગોમાં ઓછા થાય છે : એક, લગ્ન વખતે જ પૂરતું દહેજ આપ્યું હોય અને બે, લગ્ન બાદ વધુ પુત્રો – પુરુષ બાળકોનો જન્મ થાય ! છોકરી જન્મે તો માએ માર ખાવાનો. પોતાની દીકરી માટે પત્નીનાં માવતર પાસેથી ભવિષ્યમાં આપવા થનાર દહેજની રકમ માંગી લાવવાની ! અને આવી કથાઓ તો આપણા સમાજને એવી કોઠે પડી ગઈ છે કે તેમાં વ્યથા જણાતી પણ નથી !

બાન ઉપર લવાયેલી, ઘરનો ઢસરડો કરતી અને ડરતી-ફફડતી આ સ્ત્રીઓ સારા ભાવિ અને પોતાના ઘરની આશાએ રાત-દિવસ કામ કરે જાય છે. ખેતરોમાં વગર પૈસે કામ કરીને દેશભરની ભૂખ મટાડનારી આ માતાઓ પૈકી બાવન ટકા કુપોષિત છે. પોતે મફત મજૂરી કરે અને બીજાને ખવડાવે પણ પોતે તો રાત પડે એકાદ કળશ્યો પાણી પીને ‘શાતા’ અનુભવે ! આ બાબતો આપણી મહાન ગણાતી સંસ્કૃિત સામે મસમોટા પડકાર સમી છે. પંડિત નહેરુએ સાચું જ કહ્યું હતું, 'you can tell the condition of a naton by looking at the status of its women.'

હવેના સમયમાં આ સ્ટેટસ ઓફ ધ વિમેન – સ્ત્રીનો દરજ્જો માપવાની પણ તરકીબો શોધાઈ છે. અમર્ત્ય સેન અને મહેબુબ-અલ-હકના માનસ-સંતાન સમા માનવ વિકાસ સૂચકાંકમાં જેન્ડરને લક્ષમાં રાખીને ઘણી નવી માપન વ્યવસ્થાઓ પ્રયોજાતી જાય છે. જેન્ડર ઈકવોલિટી મેજર (GEM), જેન્ડર ઇનઇક્વોલિટી મેજર (GIM), જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (GDI) એમ ત્રણ સૂચકાંકો દ્વારા સ્ત્રી-પુરુષ વચ્ચેની જાતિગત અસમાનતા તેમ જ સ્ત્રીનાં સ્થાન વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતીને વિવિધ વર્ષો વચ્ચે તોલી શકાય છે અને તે રીતે કોઈક એક જ દેશની અંદરની પરિસ્થિતિમાં આવતા સુધારા અથવા બગાડાનો અંદાજ પ્રાપ્ત થાય છે. તે જ રીતે તેને એક જ વર્ષમાં વિવિધ દેશો વચ્ચે પણ સરખાવી શકાય છે. પણ આટલા બધા ગહન અને શાસ્ત્રીય અવગાહનના મુદ્દાને રસિકજનો માટે બાજુએ રાખીને અને મુખ્ય સરખામણી કરી જોઈએ.

એક ગણતરીનું નામ છે, માતૃ મૃત્યુદર. કોઈ પણ દેશમાં એક વર્ષ દરમિયાન થતી દર એક લાખ પ્રસૂતિ દીઠ કેટલી સ્ત્રીઓ પ્રસવ દરમિયાન જ મૃત્યુ પામે છે તેનો આ આંકડો છે. આ વિગતો વર્ષ 2015ની છે. નોર્વેમાં ‘માત્ર’ પાંચ મહિલાઓનાં મરણ થાય છે પણ કેનેડામાં સાત, યુનાઇટેડ કિંગ્ડમમાં નવ, યુનાઇટેડ સ્ટેટ્સમાં 14, ક્યુબામાં 39 અને ચીનમાં 27 સ્ત્રીઓનાં આવાં મોત થાય છે, સામે પક્ષે ભારતમાં તે પ્રમાણ 174નું અને પાકિસ્તાનમાં 178નું છે. સ્ત્રીઓનાં સ્થાન અને સન્માનની આ ઊબડખાબડ ભૂમિમાં નોર્વેમાં માત્ર પાંચ અને ભારતમાં 174નો આંકડો ભારતમાં સ્ત્રીઓની દુર્દશાને બહુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. પેલાં સરકારી સૂત્રો અને ધર્મ અને પરંપરાનાં વારંવાર ફેંકાતાં અને ઉછાળાતાં વિધાનો છતાં, પ્રસૂતા સ્ત્રીઓને સારવાર, પોષણ, દરકાર અને માવજત અપાતાં જ નથી. આ દરમિયાન, સૌને માત્ર શુભેચ્છાપૂર્વકના અનુરોધ કરીને રાજી રહેનારા યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડિવલપમેન્ટ ગોલમાં આ આંકડાને 2030 સુધીમાં 70 સુધી લાવવાનો વિચાર રજૂ કરાયો છે.

સ્ત્રીઓના સશક્તિકરણનો વિચાર પણ હવે ચોરે ને ચૌટે પહોંચ્યો છે. સ્ત્રીના સશક્તિકરણ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, નિર્ણયોની પ્રક્રિયામાં ભાગીદારી (જેમ કે ધારાસભા કે સંસદનું સભ્યપદ, ઊંચા અધિકારિક પદ) તથા આર્થિક પરિસ્થિતિને લક્ષમાં લેવાય છે. આ બાબતે પણ ઊંડા ખૂંપી જતા શાસ્ત્રીય અવગાહનના મુદ્દાને ‘રસિકજનો’ માટે છોડી દઈએ. સાવ ખોટી પણ ન હોય અને સાવ સાચી ન પણ હોય તેવી એક ધારણા કરીએ. સ્ત્રીઓ જો વળતર સહિતનું કામ કરે તો તેમનું સશક્તિકરણ અન્ય, આવું કામ ન કરનાર સ્ત્રીઓના મુકાબલે વધુ હશે ? (આ વાત સાચી ન પણ હોય. તેની સંભવિતતા બે દાખલા દ્વારા સમજી શકાય. થોડાંક વર્ષો અગાઉ આઈ.એ.એસ. થયેલી પોતાની પત્નીને આઈ.પી.એસ. થયેલો પતિ મારતો હતો તેવા સમાચાર હતા. એક મહાન પોલીસ ઓફિસરે એક આઈ.એ.એસ. મહિલા ઓફિસરના શરીર સાથે અડપલાં પણ કરેલાં. અલબત્ત, આવા દાખલા આત્યંતિક અને જૂજ છે. આ બાબતે પણ વર્ષ 2015ના થોડાક આંકડા ઉપર નજર નાંખવા જેવી ખરી.)

આ વિગતોને લેબર ફોર્સ પાર્ટિશિપેશનનો દર કહેવાય છે. 15-59 વય જૂથનાં સ્ત્રીઓ અને પુરુષોના સમુચ્ચયને લેબર ફોર્સ કહેવાય છે. તે સમૂહોમાંથી કેટલા ટકા આર્થિક ક્ષેત્રે કાર્યાન્વિત છે તેની માહિતી પ્રસ્તુત છે. સ્ત્રીઓની સામેલગીરી જેમ વધુ તેમ તેમનું સશક્તિકરણ પણ વધુ.

નોર્વેમાં આ પ્રમાણ સ્ત્રીઓ માટે, 61.2 ટકા તથા પુરુષો માટે 68.2 ટકા છે. સંસાર રથનાં બંને પૈડાં લગભગ સમાન કદનાં છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પ્રમાણ અનુક્રમે 56 અને 58 છે. યુનાઇટેડ કિંગ્ડમમાં 56 અને 68, ચીનમાં 64 અને 78 છે. પણ મહાન દેશ ભારત અને શાખ પડોશી દેશ પાકિસ્તાનની કહાણી ન્યારી છે. ભારતમાં 27 ટકા સ્ત્રીઓ અને એંશી ટકા પુરુષો અને પાકિસ્તાનમાં 24 ટકા સ્ત્રીઓ તથા 82 ટકા પુરુષો વળતરવાળી આર્થિક પ્રવૃત્તિ કરે છે. સંસાર રથનાં બે પૈડાં વચ્ચે કેટલું અંતર ! તેનો અર્થ એ નથી કે આ દેશની સ્ત્રીઓ તાગડધિન્ના કરીને બેસી રહે છે. હાથે હીના અને પગમાં અપીતો લગાડીને એશોઆરામની જિંદગી બસર થઈ રહી છે એવું રખે મનાય. આ દેશોમાં સ્ત્રીઓ એ જ વૈતરું ફૂટે છે; માત્ર વળતર કે વેતન વગર, તેથી જી.ડી.પી.ની દૃષ્ટિએ આ સ્ત્રીઓ ‘અદૃશ્યમાન’ છે.

ભારતીય (હિંદુ-વેદાન્તી) સંસ્કૃિતના ઉદ્ગાતા સ્વામી વિવેકાનંદે કહેલું, "All Suffering ever forgiving mother”. સાને ગુરુજીનાં માતાજીની જેમ સતત વેઠતા રહેવું અને ‘હોઠોની પાંખડીઓ બંધ …’ રાખવી તે માતાનું કર્તવ્ય ગણાયું છે. સામે પક્ષે, જે નોર્વેના સુખદાયક આંકડા જોયા તેનો એક લેખક, નામે ઇબ્સન એક અદ્ભુત નાટક આપી ગયો છે ‘ડોલ્સ હાઉસ’ – એક ઢીંગલીનું ઘર. ઢીંગલીએ માત્ર શોભા વધારવાની છે, ચૂપ રહેવાનું છે અને સૌને અનુકૂળ થઈને, પોતાનો વિચાર પણ કર્યા વગર જીવવાનું છે. આ નાટકની માત્ર નોર્વે જ નહીં, સમગ્ર યુરોપ ઉપર મોટી અસર પડી છે. આ વિડંબણા સામે તોલ્સતોયની અન્ના કેરનિના બળવો પણ કરે છે. તમે મને લોખંડના પાંજરામાં પૂરી રાખશો ! તે આપઘાત કરીને વિદ્રોહ દાખવે છે. એન રેન્ડ પણ પ્રાચીન ચીનમાં મનુષ્યદેહના વિવિધ આકારો ઊભા કરીને ઉમરાવો કે રાજાઓ દ્વારા સભામાં મનોરંજન અર્થે રજૂ કરાતા માનવદેહોની વિભિષિકા રજૂ કરે છે. તે સમયે બાળક નાનું હોય ત્યારથી લોખંડના ચાપડાવાળા આકારોમાં બાંધી દેવાતું. કોઈક બાળક બરણી આકાર બનતું તો કોઈક ડબ્બાનો આકાર ધારણ કરતું. કદાચ વધુ ધ્યાનથી આપણી આજુબાજુના લોકોને નિહાળીએ તો આવા માનસિક આકારો જોવા મળે પણ ખરા ! તેરમી સદીની રઝિયા ‘સુલતાન’ ન જ હોઈ શકે; સાડા ત્રણ જ વર્ષમાં તેનો ફેંસલો લાવી દીધો ને !

યોગાનુયોગ જ હશે કે રઝિયાના શાસનનાં આ વર્ષો દરમિયાન ઈરાનમાં સૂફી સંત જલાલુદ્દીન રૂમી પણ જન્મ્યા અને જીવ્યા. સ્ત્રીઓનાં દુ:ખ, દર્દ, અવહેલના, ત્રાસ, પીડા, વગેરે ઓછાં કરવામાં આ સાંસ્કૃિતક અને આધ્યાત્મિક માર્ગે કોઈ ઉપાય જડે ખરો ? સરકારના પ્રયાસો ચાલતા રહે પણ અન્ય કોઈ માર્ગ ખરો?

અહીં એક સાવ અજ્ઞાત એવી રસસુંદરી દેવીના વિધાનને સંકોરી શકાય. ‘અમર જીબન’માં તેનો ઉલ્લેખ આ પ્રમાણે છે : ‘હે ઈશ્વર, હવે તો તું મારો શિક્ષક બન અને મને વાંચતા શીખવ. હું એક પરણેલી ગામઠી ઓરત ક્યાં જાઉં ? કોઈની સાથે વાત કરવામાં પણ શરમ અનુભવું છું.’ આ વાક્યો કોઈને પણ વીંધી નાખે તેવાં છે.

રૂમીનાં કેટલાંક વિધાનો આ સંજોગોને જરૂરી આત્મશ્રદ્ધા અને બળ પૂરાં પાડે છે. તે લખે છે :

(1) ફૂલ તો વરસાદનાં ટીપાં પડવાથી ઊગે, વાદળના ગર્જનથી નહીં. (2) જીવનને બદલવા વાસ્તે માત્ર એક વ્યક્તિની જરૂર છે; તમારી પોતાની. (3) કાલ સુધી હું ચાલાક હતો, તેથી દુનિયા બદલવા ઇચ્છતો હતો. હવે હું બુદ્ધિમાન છું; તેથી જાતને બદલવા ઇચ્છું છું. (4) અંદરનો ગુલામ ગૂમ થઈ જાય તો તમે બાદશાહ જ બાદશાહ છો. (5) દિલથી નીકળેલા શબ્દો દિલમાં પ્રવેશી જાય છે.

345, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-380 015.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જૂન 2018; પૃ. 10-13

Loading

...102030...3,0693,0703,0713,072...3,0803,0903,100...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved