Opinion Magazine
Number of visits: 9686195
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉર્ડ ભીખુ પારેખનું વક્તવ્ય

ડંકેશ ઓઝા|Opinion - Opinion|22 August 2018

આપણે ત્યાં જાહેર કાર્યક્રમો હજુ આજે પણ સમયસર શરૂ થતા નથી. કાર્યક્રમ સમયસર શરૂ ન થાય, તેના કારણમાં ક્યારેક વક્તા મોડા પડ્યા હોય કે આયોજકો શ્રોતાઓની રાહ જોતા હોય, ત્યારે ભાગ્યે જ કોઈ સ્પષ્ટતાઓ થાય છે. સૌથી દુઃખદ વાત એ છે કે શ્રોતાઓને વિવેકબુદ્ધિ કે આદર સન્માન આપવા બાબતે ખબર નથી એમ ધારી લેવામાં આવે છે! પ્રવક્તા જ્યારે કહે ત્યારે તાળિયો પડતી રહે એવી અપેક્ષા સેવવામાં આવે છે. આવું બધું ‘ગુજરાત લૉ સોસાયટીના ફાઉન્ડેશન ડે ના’ શનિવાર તા. ૪-૮ ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમમાં યોજાયેલ સવારના કાર્યક્રમમાં પણ બન્યું.

લૉર્ડ ભીખુ પારેખ આપણા એક અભ્યાસી વક્તા છે. તેમને સાંભળવા એ લહાવો છે. માત્ર આ કાર્યક્રમ માટે તેઓ લંડનથી આવ્યા હતા. જે કંઈ વક્તવ્ય આપ્યું. તે ઉપરની પ્રાસંગિક બાબતોને ભુલાવી દેનારું હતું.

કાર્યક્રમ તો એક ખાનગી શૈક્ષણિક સંસ્થાનો હતો, પરંતુ તેના સમાચાર પૂર્વે અને પછી કદાચ અમદાવાદના એકમાત્ર દૈનિક ‘નવગુજરાત સમય’માં આવ્યા હતા. અગાઉ નગરમાં આવો કોઈ મહત્ત્વનો કાર્યક્રમ હોય, તો રસ ધરાવતા લોકોને અખબારો દ્વારા જાણ થતી. હવે આ વિશે તમે ચોક્કસપણે કંઈ કહી શકતા નથી. જાણવા મળે પણ ખરું અને ન પણ મળે. વળી, આજકાલ નિમંત્રણ વગર જવામાં લોકો અવઢવ અનુભવતા હોય છે. આમંત્રણ વિના ન જવાય, એવું આપણે માનતા થઈ ગયા છીએ. ‘નવગુજરાત સમય’માં લૉર્ડ ભીખુ પારેખના ફોટા સાથે આ કાર્યક્રમના જે સમાચાર પ્રગટ્યા હતા, તેમાં અંતે ‘કાયદાવિદો, અધ્યાપકો અને કાનૂની અભ્યાસમાં રસ ધરાવતા અભ્યાસુઓ પણ આમંત્રિત છે’ એમ સ્પષ્ટતા હોવા છતાં કેટલાકની અવઢવ ચાલુ રહી હતી!

હવે સારા વક્તાઓનો દુકાળ છે. તજ્‌જ્ઞ હોય એ પોતાની તજ્‌જ્ઞતા સામાન્ય લોકોને સરળ ભાષામાં પહોંચાડી ન શકે, તો એનો મતલબ રહેતો નથી. ભીખુ પારેખ અંગ્રેજીમાં કે ગુજરાતીમાં, ગમે તેમાં બોલતા હોય, પરંતુ તેમને પ્રત્યાયનકલા સહજ સાધ્ય છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં, બહુ ઓછા સમયમાં, પોતાની વાત શ્રોતાસમૂહને પહોંચાડવા સક્ષમ હોય છે. તેમની આ કુનેહનો ફરી એક વાર પરિચય થયો.

વિષય વાંચીએ તો મૂંઝવણ થાય કે આપણને આ બધું સમજાશે કે નહીં, એવો અઘરો વિષય હતો : લીગલ પ્લુરાલિઝમ ઍન્ડ કલ્ચરલ ડાયવર્સિટી. આપણને થાય કે આ તો બહુ ઓછાને સમજાશે કે સમજાવી શકાય તેવો વિશિષ્ટ વિષય છે. પણ ભાગ્યે જ કોઈને તકલીફ પડી.

કોઈ પણ કાયદો ત્યાંના કલ્ચરમાંથી ઊભો થયો હોય છે. તેથી કલ્ચરને સમજવું સૌપ્રથમ જરૂરી છે. જે કલ્ચર ન સમજે તે કદાચ કાયદો પણ ન સમજે, એમ કહી એના બે દાખલા આપ્યા. ચીનમાં એક પતિને આડા સંબંધો રાખનારી પત્નીની હત્યામાં આરોપમાં ન્યાયાધીશ મૃત્યુદંડ આપવા વિચારતા હતા. તેમણે આરોપી સામે બહુ ઝીણવટથી જોયું. તેઓ એ જાણવા માગતા હતા કે આવા જઘન્ય કૃત્ય બદલ આરોપી પશ્ચાત્તાપ અનુભવી રહ્યો છે કે કેમ. ન્યાયાધીશને પેલાના ચહેરા પર એવા ભાવ ન વર્તાયા. પરિણામે તેમણે મૃત્યુદંડની સજા ફટકારી. હકીકત એવી હતી કે ચીનમાં લોકો આવી અંતરતમ સંવેદનાની જાહેર અભિવ્યક્તિ કરતા હોતા નથી. આવી સંવેદના વ્યક્ત કરવાની ચીનમાં તદ્દન અલગ પરંપરા છે, જેની ન્યાયાધીશને જાણ ન હતી. લૉર્ડ પારેખે બીજો દાખલો આપ્યો જે નાઇજિરિયાનો હતો. ત્યાંની કોઈ મહિલાએ બાળકના ચહેરા પર મોટી ઈજા કર્યાના ગુનામાં તેને અદાલતમાં હાજર કરવામાં આવી હતી. આ આદિવાસી સમાજ પોતાની ઓળખ કાયમી કરવા માટે આવું કંઈક કરતો હોય છે. આદિવાસી સંસ્કૃિત મુજબ તે માત્ર એક સંસ્કાર કે પરંપરા હતી માતાએ બાળક પર ઈજાનો ગુનો કર્યાનો ઇરાદો ન હતો. આપણે કહેવાતા સંસ્કારી બનીએ છીએ, પછી વિવિધ સંસ્કૃિતના સંસ્કારો વિશે એવી ઊંડી સમજ ધરાવતા હોતા નથી. પ્રાદેશિક સંસ્કૃિત પણ કાયદાને પ્રભાવિત કરતી હોય છે એના આ દાખલા હતા. ન્યાયાધીશ આ બધાથી અજાણ હોય, તો કેવો ન્યાય તોળી બેસે તેનો સંકેત તેમાં હતો.

આપણા દેશમાં વિવિધ ધર્મો છે.  ધર્મોના વિવિધ અંગત કાયદાઓ છે. સાંસ્કૃિતક વૈવિધ્ય એટલું બધું છે કે ખાનપાન, રીતિરિવાજ, કુટુંબ, લગ્ન, છૂટાછેડા, વારસાઈ વગેરે બાબતે તદ્દન વિપરીત એવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. આમ, પર્સનલ લૉને આપણે સાંસ્કૃિતક ઓળખ ગણીને તેનો આદર કરતા હોઈએ છીએ, પરંતુ હવે દેશમાં લોકોએ ઘડેલું બંધારણ છે. એની કોઈક ચોક્કસ વિભાવના પણ છે. (લૉ સોસાયટીના મૅનેજમેન્ટમાં સક્રિય અને જાણીતા હાઈકોર્ટના વકીલ સુધીર નાણાવટી લૉ કૉલેજના દાખલ થતા પ્રત્યેક વિદ્યાર્થીને બંધારણના આમુખની નકલ જળવાઈ શકે તે માટે લૅમિનેટ કરીને આપતા હોય છે.) આ અંગત કાયદાઓ બંધારણ સાથે સંઘર્ષમાં આવે અથવા બંધારણમૂલ્યોને અનુરૂપ ન હોય, ત્યારે જે મુશ્કેલીઓ ઊભી થાય છે, તે આપણે અનુભવીએ છીએ. પરિણામે યુનિફૉર્મ સિવિલ કોડની વાત આવે છે.

બંધારણની કલમ-૪૪માં સરકાર યુનિફૉર્મ સિવિલકોડ માટે પ્રયાસ (endeavour) કરશે એમ કહેવાયું છે. સંઘર્ષ ટાળીને ધીરે-ધીરે ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે. યુનિફોર્મ એટલે ગણવેશ એવો અર્થ ઘણા પ્રશ્નો જન્માવે છે, તેથી ભીખુ પારેખને કૉમન સિવિલ કોડનો વિચાર વધુ ઉચિત જણાય છે. બધા માટે સમાન (common) કાયદો એક સર્વાંગી અને સર્વસમાવેશી સંસ્કૃિતના નિર્માણ વિના તે શક્ય ન બને. આપણા મોટા ભાગના અંગત કાયદાઓ સ્ત્રીઓ પ્રત્યે પૂર્વગ્રહ અને અનુદાર વલણ ધરાવે છે, જે બંધારણની મૂળભૂત ભાવનાથી વિપરીત છે, તેથી તેમાં સુધારા અનિવાર્ય છે.

લૉર્ડ ભીખુ પારેખે આ વ્યાખ્યાન દરમિયાન જે મહત્ત્વની વાત કરી તે એ હતી કે આપણે ફૅમિલી એટલે કે કુટુંબનો અતિ સીમિત અર્થ કરીને સ્વીકારી લીધો છે. આપણે સામાન્યપણે પત્ની અને બાળકો એવા વિભક્ત કુટુંબને જ ફેમિલીમાં સમાવીએ છીએ. વારસાઈ વખતે પણ એટલો જ સંકુચિત વિચાર કરીએ છીએ. એમણે વિગતે સંદર્ભ આપ્યા વિના એમ કહ્યું કે કુરાનમાં આવું કંઈક છે, એવું એમણે સાંભળ્યું છે. તે એ છે કે વારસામાં ૧૫થી ૨૦ ટકા માતાપિતાને જવા જોઈએ; કારણ કે લગ્નથી પત્ની આવી અને બાળકો થયાં તે પૂર્વેનો ઉછેર તો મા-બાપે કર્યો છે. વળી, ભાઈ-બહેન સાથે તે ઊછર્યો છે, તે દરમિયાન તેના જીવનનું મહત્ત્વનું ઘડતર થયું છે, તેથી અમુક ટકા ભાઈઓને જવા જોઈએ. પછી બાકી રહે તે ચોક્કસપણે પત્ની અને બાળકોને જવું જોઈએ. મારા મતે આ મુદ્દો નવો અને વિચારણીય છે. (એવું જ કંઈક ૬-૮ના ‘દિવ્ય ભાસ્કર’માં છે. નેધરલૅન્ડમાં ‘ધ કૅર’ નામનો પ્રોગ્રામ ચાલે છે જેમાં શહેરમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ ઓલ્ડ એજ હોમ્સમાં વૃદ્ધો સાથે રહે છે. ભાડાના બદલે તેમની સારસંભાળ રાખે છે, નવી ટૅક્‌નોલૉજી તેમને શીખવે છે.) માનવસંસ્કૃિત તરીકે આપણે જો ખરેખર વિકસવું હોય, તો GDPના ખ્યાલથી આગળ પણ આવી રીતે વિચારતાં શીખવું પડશે. અન્યથા માનવસમાજ વૃદ્ધિ પામશે, વિકાસ નહિ સાધી શકે.

વ્યાખ્યાનની શરૂઆતમાં આગળના ક્રિકેટરના સંદર્ભને જોડીને ભીખુભાઈએ સચિનને ભારતરત્ન અને ભારતરત્ન પ્રાપ્ત કરનાર દ્વારા થતી નાનાં-મોટાં ઉત્પાદનોની જાહેરાતના સંદર્ભે થોડા જ સમય પર તેંડુલકર સાથે થયેલી વાતની જિકર કરી. જવાબો સંતોષકારક ન હતા. ‘રાષ્ટ્રપતિનો નિર્ણય’ હતો અને તેમના તરફથી ‘મનાઈ ફરમાવવામાં આવી નથી’, એવા તદ્દન પ્રાથમિક કક્ષાના જવાબો હતા!

સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 11.00 તેમ જ 15.00

Loading

ટોળાશાહી : લોકશાહી સામેનો પડકાર

ડંકેશ ઓઝા|Opinion - Opinion|22 August 2018

આજકાલ ટોળાશાહી દ્વારા હિંસાની અને હત્યાની ઘટનાઓ ભારતમાં ચારેકોર બની રહી છે. લોકોને એમાં કંઈ અજુગતું લાગતું નથી. સરકારને પણ તે અંગે નક્કર પગલાં ભરવાનું સૂઝતું નથી. બીજી તરફ સર્વોચ્ચ અદાલત આ બાબતને ગંભીરતાથી જુએ છે. તે માટે ઉચિત એવો કાયદો ઘડવા પણ કહે છે. સંવેદનશીલ નાગરિકો અને તટસ્થ નિરીક્ષકો ટોળાશાહીની અરાજકતાથી અતિશય ચિંતિત છે.

રોજેરોજ અખબારો વાંચનારા, ટી.વી. જોનારા, સ્માર્ટફોન પર સમાચારો વાંચીને કે વાંચ્યા વિના ફૉરર્વર્ડ કરનારા કે તેને વાજબી કે ગેરવાજબી ઠેરવનારા માટે ઘટનાઓની વિગતો આપવાની જરૂર રહેતી નથી. આપણે ઘણું બધું જાણતા હોવા છતાં ક્યાં તો આંખ આડા કાન કરીએ છીએ ક્યાં તો એવી બાબતોને અતિશય રસપ્રદ બનાવીને તેની અતિશયોક્તિ પણ કરીએ છીએ. દેશમાં ન થવાનું વધુ થયા કરે, ત્યારે સરકારોએ તેને ગંભીરતાથી નોંધ લેવી ઘટે.

ટોળું એ સમૂહ છે. વ્યક્તિ તેમાં ઓગળી જાય છે. એ પછી વ્યક્તિની પોતાની બુદ્ધિ સક્રિય રહેતી નથી. ટોળું કરે તેમાં પણ વ્યક્તિ સામેલ થઈ જાય છે. ટોળું કરે એ જ પ્રવૃત્તિ એનાથી પણ થઈ જાય છે. એ સમૂહમાં હોય, ત્યારે સલામતી અનુભવે છે. એકલો પડી જાય ત્યારે ડરવા લાગે છે. ટોળાની શક્તિ એ સામૂહિક શક્તિ છે. ટોળું કંઈક કરતું હોય અને મોટે ભાગે ન કરવાનું જ કરતું હોય ત્યારે પણ એકલ-દોકલ વ્યક્તિ તેની સામે પડવામાં અસલામતી અનુભવે તે સ્વાભાવિક છે. આ આખો વિષય માનસશાસ્ત્રનો છે. માનસિકતાની તપાસનો છે. તેના પર ઓછા લેખો લખાયા નથી કે ઓછાં પુસ્તકો પ્રગટ થયાં નથી. તેમ છતાં ટોળું એ આપણા સમાજની વાસ્તવિકતા છે.

લોકશાહી અને સામ્યવાદ જેમ પરસ્પર વિરોધી વિચારસરણી છે, તે જ રીતે લોકશાહી અને ટોળાશાહી પણ એકબીજાથી વિરોધી છે. ટોળામાં ભલે લોક હોય છતાં એ લોકશાહી નથી. લોકશાહી એટલો તો સરસ વિચાર છે કે તે ટોળાને સ્વીકારતો નથી પણ વ્યક્તિગત બુદ્ધિમત્તાને સ્વીકારે છે. લોકશાહી ભલે બહુમતીથી ચાલતી હોય, પરંતુ નવ્વાણું જણે પણ જુદો વિચાર ધરાવતી એક વ્યક્તિને કચડી નાખવાની તો નથી, ને તેની બોલતી પણ બંધ કરવાની નથી. લોકશાહીનું આ સત્ત્વ જે સમાજમાં ઊંડે ન ઊતર્યું હોય, ત્યાં જ ટોળાશાહીનો જન્મ થતો હોય છે.

ટોળું મોટે ભાગે સાત્ત્વિક હોવાનો દાવો કરે છે, પરંતુ ઊંડા ઊતરીએ તો ટોળાએ સત્ત્વ પિછાણ્યું નથી. તાજેતરની એક ત્રિપુરાની ઘટનામાં ટોળું જ લોકો બાળકો ઉઠાવી જાય છે તેની સામે કામ કરવાનો દાવો કરતું હતું. કોઈ બાળકની મળેલી લાશમાંથી કિડની કાઢી લેવામાં આવી છે. એવી અફવા ફેલાઈ હતી. પાછળથી તે અફવા ખોટી સાબિત થઈ હતી. જો કે ત્યાં સુધીમાં ટોળાએ ત્રણ વ્યક્તિઓનો ભોગ લઈ લીધો હતો! કરુણ બાબત તો એ હતી કે આ ત્રણ પૈકીની એક વ્યક્તિની નિમણુક સરકારે આવી જે અફવાઓ પ્રસરે છે, તેનું ખંડન કરવા માટે કરી હતી.

મોટેભાગે બાળકોની સુરક્ષા, ગૌહત્યા, કાયદાથી પ્રતિબંધિત એવા ગોવંશની હેરાફેરી જેવાં ઉદ્દાત કારણોને લઈને થતું હોવાનું કહેવાય છે. ઉદાત્ત બાબત પણ ટોળાના હાથમાં આવતાં કેટલી દૂષિત બની જાય તે તપાસીએ તો જ ખબર પડે. અફવાને પ્રસાર જેટગતિએ થતો હોય છે. પછી તેનું મૂળ શોધવામાં નિષ્ફળતા મળે છે. જેમ પવનની ડમરી સર્જાય, તેમ અફવાની આસપાસ ટોળું સર્જાઈ જતું હોય છે. નિર્દોષ લોકો પણ સાંભળેલી અફવાને તપાસ્યા વિના ગતિ આપવામાં નિમિત્ત બનતા હોય છે. આપણે પ્રત્યેક વખતે જરૂરી સભાનતા ધરાવતા હોતા નથી. ગતાનુગતિક દોરવાઈ કે ખેંચાઈ જતા હોઈએ છીએ.

કવિ દલપતરામે દોઢ-બે સદીપૂર્વે અફવા વિશે કવિત કર્યું હતું, જે નીચે મુજબ હતુંઃ         

વા વાવાથી
નળિયું ખસ્યું
તે દેખીને
કૂતરું ભસ્યું;
ત્યાં તો થયો
કંઈ શોરબકોર
કોઈ કહે મેં
દીઠો ચોર!

એટલે અફવાનું આવું છે. પછી આખી સોસાયટી ચોરની શોધમાં નીકળી પડે. કોઈ એકલ-દોકલ વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળી ગઈ અને પોતાની પર્યાપ્ત ઓળખ સ્પષ્ટ ન કરી શકીએ, તો ટોળાનો ભોગ બનતા બચી ન શકે.

સરકારે શું કરવું જોઈએ? સરકાર લોકકલ્યાણને વરેલી હોય છે. સમાજે એ કામ માટે તો તેને ચૂંટીને બેસાડી હોય છે. સરકારી તંત્રો એટલાં સાવધ અને જાગૃત હોવાં જોઈએ, જેથી બિનજરૂરી બાબતે અફવાઓને ફેલાતી રોકી શકે. જ્યાં માહિતી નથી મળતી, જ્યાં સ્પષ્ટતાઓ નથી થતી, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી, જ્યાં અદાલતોના ચુકાદા સમયસર આવતા નથી, એવા વાતાવરણમાં અફવાઓને જન્મથી રોકી શકાતી નથી. મચ્છર ત્યારે જ પેદા થાય, જ્યારે પાણીનાં ખાબોચિયાં હોય. અફવા ત્યારે જ જન્મે અને ફેલાય, જ્યારે સંવેદનશીલ બાબતો અંગે ઢાંકપિછોડા કરાતા હોય. ટોળું ત્યારે જ સર્જાય અને ન કરવાનું કરી શકે, જ્યારે સરકાર અને તેનું તંત્ર સલામતી જાળવવામાં નબળું પુરવાર થાય.

આમાં આ કે તે સરકારને દોષ દેવાનો સવાલ નથી. અફવાઓ દલપતરામ અને તેના પહેલાંના સમયથી ફેલાતી રહી છે. ટોળાશાહીનો જુગજૂનો અને લાંબોલચક ઇતિહાસ છે. એકવીસમી સદીની સરકારો અદ્યતન ટૅક્‌નોલૉજીના સહારે પણ વ્યાાપક સુરક્ષા જાળવવામાં જ્યારે નબળી પુરવાર થાય, ત્યારે જ ટોળશાહી આકાર લેતી હોય છે. તેટલે અંશે જે-તે સરકારની જવાબદારી ટાળી શકાતી નથી.

કાયદાથી કે ટૅક્‌નોલૉજીથી બધું થઈ જતું નથી. તેમ છતાં દેશની સૌથી ઊંચી અદાલત આ અંગે કંઈક કરવા કહે અને કશું ન થાય, તો લોકોને સૂઝે તેવું વિચારે તો ખરા. રાજ્ય સરકારે કાયદો કરવો કે કેન્દ્ર સરકારે એ કંઈ મહત્ત્વનો મુદ્દો નથી, પરંતુ બેમાંથી એકેય તે કરે નહીં અને પ્રજાને લાચાર બનીને જોયા કરવું પડે, ત્યારે ટોળાશાહી સબળ બનતી રોકવી મુશ્કેલ હોય છે. લોકશાહીની નિષ્ફળતા એ જ ટોળાશાહીની સફળતા છે. માત્ર સરકારોએ જ નહિ, સમાજે અને સમાજ હિતચિંતકોએ પણ પોતાના યોગદાન સાથે આગળ આવવાની જરૂર છે.

E-mail : dankesh.03920@gmail.com

સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 12

Loading

ન જન્મેલી જિઓ :

રામચન્દ્ર ગુહા|Opinion - Opinion|21 August 2018

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ ચાલતી કેન્દ્ર સરકાર લોકોને કેટલી હદે મૂરખ બનાવવાની નિંભર કોશિશ કરે, તેનો દાખલો તાજેતરમાં જોવા મળ્યો. કેન્દ્ર સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલયે નવમી જુલાઈએ દેશમાં ઉચ્ચશિક્ષણમાં ઉત્તમ નિવડેલી છ સંસ્થાઓની એક યાદી  ‘ઇન્સ્ટિટ્યૂટ્‌સ ઑફ એમિનન્સ’ એવા વર્ગ હેઠળ જાહેર કરી. એમાં સરકારશ્રીએ રિલાયન્સ ગ્રૂપની ‘જિઓ ઇન્સ્ટિટ્યૂટ’ને પણ સ્થાન આપ્યું. હકીકત એ છે કે આવી કોઈ  સંસ્થા હકીકતમાં નક્કર રૂપે અસ્તિત્વમાં જ નથી. તેનાં મકાન, સંકુલ અને વિદ્યાર્થીઓ એવું કશું છે જ નહીં. અક્કલવાળા માણસનું મગજ બહેર મારી જાય તેવી આ વાત છે. આ મોદીનો જાદુ છે. તેમણે એ ઇલમનો એક કામયાબ અખતરો ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા, ત્યારે અમદાવાદ પર કર્યો હતો. રળિયામણું અને વિશાળ કાંકરિયા તળાવ દેખાતું બંધ કરી દીધું! જે દૃશ્ય હતું તેને અદૃશ્ય કરી દીધું. હવે વડાપ્રધાન મોદી જે અદૃશ્ય છે એને દૃશ્ય કરે છે. જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ દેશને બતાવે છે કે જુઓ એ છે અને વળી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનન્સ તરીકે છે! દેશમાં  કેટલાકને તો એ દેખાઈ પણ ગઈ છે.

આ છેતરપિંડી  વિશે વર્તમાનપત્રોમાં બહુ ઓછું લખાયું છે અને જે છે તે સ્પષ્ટ શબ્દોમાં નથી. તેને આધુનિક પરિભાષા વાપરીને સ્માર્ટ પૅકેજિંગ કરીને મૂકવામાં આવ્યું છે. તેમ કરવામાં, સારા પત્રકારત્વના નમૂના સમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કે ‘હિન્દુ’ દૈનિકો પણ અપવાદ નથી. પ્રમુખ છાપાંની સરખામણીમાં થોડુંક સ્પષ્ટ કવરેજ કેટલાંક પોર્ટલ્સમાં જોવા મળ્યું, પણ એકંદર પ્રકરણમાં રિલાયન્સની માધ્યમો પરની પકડ જોવા મળી.

સોશિયલ મીડિયામાં ઠીક ટીકા અને મશ્કરી થઈ. જેમ કે, કાનૂનવિદ પ્રશાન્ત ભૂષણે ટિ્‌વટ કર્યું : ‘પૂરેપૂરા ચોંકી જવાય તેવી વાત! માનવસંસાધન વિકાસ મંત્રાલયે અંબાણીની માલિકીની ‘હજુ ખૂલવાની બાકી’ હોય તેવી જિઓ ઇન્સ્ટિટ્યૂટને આઇ.આઇ.ટી. અને આઇ.આઇ.એમ.ની સાથોસાથ ઇન્સ્ટિટ્યૂટ  ઑફ એમિનન્સ  જાહેર કરી દીધી. દેશ માટે આના કરતાં વધુ વિકૃત જોક અને ગુનાઇત સાઠગાંઠનું વધુ ખુલ્લેઆમ કામ હોઈ શકે નહીં.’

એક ટિ્‌વટ એવી છે કે જેમાં મોદી અને અંબાણીને પદવીદાનના પોષાકમાં બતાવીને લખ્યું છે : ‘લૉર્ડ મેકૉલે અને લૉર્ડ અંબાણી ભારતમાં ભક્તોમાં સાક્ષરતા વધારવા માટે જિઓ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાનું આયોજન કરી રહ્યા છે.’

એક પોસ્ટ કહે છે : ‘એવું નથી કે જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી. ખરેખર વાત એમ છે કે આપણી પાસે તેનો પૂરતો ડેટા નથી.’

જાણીતા ઇતિહાસકાર અને જાહેરજીવનના સમાલોચક રામચન્દ્ર ગુહાએ ટિ્‌વટ કરી છેઃ ‘અંબાણી યુનિવર્સિટીને પસંદગીમાં આપવામાં આવેલી અગ્રતા એ આઘાતજનક છે. વિશેષ એટલા માટે કે પ્રથમ કક્ષામાં બેસી શકે તેવી ખાનગી યુનિવર્સિટીઓને બાજુ પર મૂકવામાં આવી છે. શું આ યુનિવર્સિટીઓને તેમની ઉચ્ચ ગુણવત્તા અને તેમાંના વિદ્વાનોની બૌદ્ધિક સ્વતંત્રતાની સજા આપવામાં આવી રહી છે ?’ રામચન્દ્ર ગુહાએ ચૌદમી જુલાઈના હિન્દુસ્તાન ટાઇમ્સમાં લખેલો  એક લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે. –

[નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]

ધારો કે એક પૈસાદાર વ્યક્તિને પેટ્રોલિયમ પેદાશો તૈયાર કરનાર કંપનીમાં મૂડીરોકાણ કરવું છે. એની સામે બે વિકલ્પ છેઃ એક, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને રિલાયન્સ પ્રમોટ કરતી હોય; અને બે, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને વિદ્વાનોનું એક જૂથ ચલાવતું હોય અને તેના પ્રમુખ શિકાગો યુનિવર્સિટીના રઘુરામ રાજન હોય. આ વિકલ્પોમાંથી પસંદગી  કરવા માટે બહુ વિચાર કરવાની જરૂર નથી. કોઈ પણ હોશિયાર રોકાણકાર રાજન કરતાં રિલાયન્સની જ પસંદગી કરે.

આ કલ્પના કર્યા પછી હવે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લો. ભારત સરકાર વૈશ્વિક કક્ષાએ પહોંચવાની ક્ષમતા ધરાવનારી સંસ્થાઓને પસંદ કરીને એમનો દિલ્હીની નોકરશાહીના વહીવટમાંથી છુટકારો કરાવવા ઇચ્છે છે. સરકારની સામે પણ બે વિકલ્પો છે : એક, રિલાયન્સે પ્રમોટ કરેલી યુનિવર્સિટી; અને બે, રઘુરામ રાજનના માર્ગદર્શન હેઠળ ચાલતી યુનિવર્સિટી. અને તમે માનશો, આપણી સરકારે પહેલા વિકલ્પની પસંદગી કરી છે.

સરકારના આ નિર્ણયની વધુ ચકાસણી કરતાં પહેલાં મારે તેની પાછળની એકંદર ભૂમિકા આપવી છે. સરકારે ગયા વર્ષે એક સ્પર્ધાની જાહેરાત કરી. તેમાં સરકાર દસ ‘ઇન્સ્ટિટ્યૂટ્‌સ્‌ ઑફ એમિનન્સ’(સર્વોત્તમ કે પ્રતિષ્ઠિત સંસ્થાઓ)ની પસંદગી કરવા માગતી હતી. આમાં દસ જાહેર યુનિવર્સિટીઓ અને દસ ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવાનો હતો. આ સ્પર્ધા માટે અરજીઓ મંગાવવામાં આવી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો. એ અરજીઓમાંથી સરકારે પહેલા ફેરામાં ચાળીસ યુનિવર્સિટીઓની પસંદગી કરી. તે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને આઇ.એ.એસ.ઑફિસરના પ્રમુખપદ હેઠળની સમિતિની સામે પ્રેઝેન્ટેશન્સ કરાવવામાં આવ્યાં.

આ પ્રેઝેન્ટેશન્સ એપ્રિલ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવ્યાં હતાં. પહેલી યાદીમાંથી પડતી મુકાયેલી સંસ્થાઓએ વાંધો લેતાં તેમને પણ પ્રેઝેન્ટેશનની તક આપવામાં આવી. પછી કેટલાક મહિના આ અંગે કશું થયું નહીં. સંસ્થાઓ કે જનતાને કોઈ માહિતી આપવામાં ન આવી. જુલાઈના પહેલા અઠવાડિયામાં સરકારે પસંદગી પામેલી સંસ્થાઓની યાદી અચાનક જ બહાર પાડી. તેમાં છ જ સંસ્થાઓ પસંદ કરી. ખરેખર તો મૂળમાં તો સ્પર્ધા વીસ સંસ્થાઓની પસંદગી માટે હતી. પસંદ થયેલી સંસ્થાઓમાં બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, દિલ્હી અને મુંબઈની આઇ.આઇ.ટી. છે. તે જાહેર સંસ્થાઓ છે. ખાનગી સંસ્થાઓમાંથી પસંદ થયેલી ત્રણમાંથી બે એટલે લાંબા સમયથી કાર્યરત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્‌નોલૉજી (બિટ્‌સ) અને મણિપાલ એકૅડેમી ઑફ હાયર એજ્યુકેશન.

આ પાંચેય સંસ્થાઓને આ લખનાર સારીપેઠે જાણે છે. તેણે એ બધામાં વ્યાખ્યાનો આપવા ઉપરાંત એમાંના અધ્યાપકો સાથે કામ પણ કર્યું છે. તે ખરેખર પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર સંસ્થાઓ છે, તેમની પસંદગીની બાબતમાં ખાસ મતભેદ થઈ શકે તેમ નથી. કોઈ કદાચ એમ કહી શકે કે દિલ્હીની આઇ.આઇ.ટી.ને બદલે મદ્રાસની આઇ.આઇ.ટી.ને પસંદ કરી શકાઈ હોત. અથવા કોઈ કદાચ એમ કહી શકે કે સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન માટે જાણીતી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની પસંદગી કરી શકાઈ હોત. એમ પણ દલીલ થઈ શકે કે  બિટ્‌સ અને મણિપાલ સંસ્થાઓએ વર્ષોથી ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. એ વાત સાચી હોય તો પણ મૂળભૂત રીતે તો એ શૈક્ષણિક સંસ્થાઓ છે, અને તેમાં થયેલ સંશોધન આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી પહોંચી શક્યું નથી અને પહોંચે એવી શક્યતા પણ નથી. પસંદગી-સમિતિએ જે કેટલીક સંસ્થાઓ શૉર્ટ-લિસ્ટ કરી હતી, તેમાં અશોકા, જિન્દાલ, અઝીમ પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટી છે. આ દરેક સાથે હું કોઈક કામ નિમિત્તે સંપર્કમાં આવ્યો છું. તેમાંથી દરેકનાં ઊજળાં પાસાં છે. જિન્દાલ પાસે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અશોકામાં ઉત્તમ સમાજશાસ્ત્રીય વિભાગો છે, અઝીમ પ્રેમજીમાં નીતિવિષયક સંશોધન સારું થાય છે. અમદાવાદ યુનિવર્સિટીમાં ઉચ્ચશિક્ષણ માટે નવતર ટ્રાન્સ-ડિસિપ્લિનરી અભિગમ છે. પસંદગી સમિતિએ ભૂતકાળના અધ્યાપનકાર્યની સિદ્ધિઓને બદલે ભાવિ સંશોધનક્ષમતાને ધ્યાનમાં લીધી હોત, તો તો બિટ્‌સ અને મણિપાલને બદલે ઉપર્યુક્ત ચારમાંથી બે સંસ્થાઓને પસંદ કરવી પડી હોત.

અલબત્ત, સહુથી વધુ વિવાદાસ્પદ પસંદગી તો છઠ્ઠી સંસ્થાની છે. આ સંસ્થા એટલે જિઓ ઇન્સ્ટિટ્યૂટ કે જેની પસંદગી થઈ છે, પણ સ્થાપના થઈ નથી, એ અત્યારે તો માત્ર એક વિચાર તરીકે જ અસ્તિત્વમાં છે.

પસંદગી-સમિતિની યાદીમાં જીઓ ઇન્સ્ટિટ્યૂટનું નામ જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં પુષ્કળ ટીકાઓ થઈ. એના પ્રતિભાવ તરીકે માનવસંસાધન મંત્રાલયે એક સ્પષ્ટતા કરી કે પસંદગી-સમિતિને ‘ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્‌સ’ પણ ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું હતું. (બાંધકામ અને મિલકતને લગતી પરિભાષામાં વપરાતાં ગ્રીનફિલ્ડ શબ્દનો અર્થ એવી જમીન કે જ્યાં હજુ  સુધી બાંધકામ થયું ન હોય અને પહેલી વાર થઈ રહ્યું હોય.) હવે સવાલ એ થાય છે કે પસંદગી સમિતિએ ગ્રીનફિલ્ડ સંસ્થાઓના વર્ગમાંથી ફક્ત જિઓ જ કેમ પસંદ કરી ? આમ તો આ જ વર્ગમાં ચેન્નાઈના પરામાં જેનું સંકુલ ઝડપથી વિકસી રહ્યું છે, તે સૂચિત સંસ્થા ‘ક્રિઆ’ પણ આવી શકી હોત.આ સંસ્થાના સંચાલકમંડળમાં આનંદ મહિન્દ્રા, કિરણ મુજુમદાર-શૉ, અનુ આગા અને એન. વાઘુલનો સમાવેશ છે. એની એકૅડેમિક કાઉન્સિલના પ્રમુખ રઘુરામ રાજન છે અને બીજા સભ્યોમાં પ્રતિભાશાળી ઇતિહાસકાર શ્રીનાથ રાઘવન, તેજસ્વી શાસ્ત્રીય સંગીતકાર ટી.એમ. કૃષ્ણા અને મહાન ગણિતશાસ્ત્રી મંજુલ ભાર્ગવ છે.

ગયા ચારેક દાયકાથી વધુ સમયથી હું ભારતના વિદ્યાક્ષેત્રનો એક સક્રિય વિદ્યાર્થી અને સંશોધક છું. મને લાગે છે કે અશોકા, પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટીમાંથી બે સંસ્થાઓ છ સંસ્થાઓમાં પસંદ થવી જોઈતી હતી, કારણ કે તેમણે સર્વોત્તમ સંસ્થાઓની આ યોજના પાછળની જે વિભાવના છે, તેના માટેના પુરાવા આપ્યા છે. આ સંસ્થાઓ પૂરી સક્રિય  છે અને દેશ અને દુનિયાના ઉત્તમ અધ્યાપકોને તેણે આકર્ષ્યા છે. તેમનામાં વૈશ્વિક સ્તરે પહોંચવા માટેની ક્ષમતા ચોક્કસ જ છે. વધુ પાત્રતા અને સ્વતંત્ર વૈચારિક ક્ષમતા ધરાવતી પસંદગી-સમિતિ હોત, તો આ સંસ્થાઓની ગુણવત્તા પર તેમણે જરૂર વિશ્વાસ મૂક્યો હોત.

આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી મીડિયામાં ચર્ચાના ચકડોળે ચઢી છે, એમાં હું ઉમેરો કરવા માગતો નથી. પણ હું એ ફરીથી ભારપૂર્વક કહીશ કે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી એક કોયડો છે. સવાલ એ પણ છે કે ‘નિષ્ણાત’ વ્યક્તિઓની બનેલી હોવાનું કહેવાતી પસંદગી-સમિતિએ નફો કમાવાના ઇરાદા ધરાવનાર કારખાના અને વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની વચ્ચે શો ફરક છે, એનો વિચાર કર્યો હતો ખરો?

૩૧ જુલાઈ, ૨૦૧૮

સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 08-09

Loading

...102030...3,0633,0643,0653,066...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved